SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

તેજસ્વી જો મારી વાત માની લેત તો આજે બિહારનો CM હોતઃ ઓવૈસી

- ઓવૈસીની પાર્ટીએ બિહારની ચૂંટણીમાં સીમાંચલની કેટલીક બેઠકો પર સારા પ્રદર્શન ઉપરાંત 5 બેઠકો પર વિજય પણ નોંધાવ્યો હતો નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ રાજકીય માહોલ સેટ થઈ ગયો છે અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે યુપીના ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ 100 કરતા પણ વધારે બેઠક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાજકીય અંદાજા પ્રમાણે ઓવૈસીના લડવાથી ભાજપને ફાયદો થશે. ઓવૈસીને એક ઈન્ટરવ્યુ દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે 100 બેઠકો પર ભાજપને ફાયદો કરાવશો. તમે જ્યાં-જ્યાં લડશો ત્યાં ભાજપને ફાયદો થશે? તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું હતું કે, અમારા કારણે તેમને કોઈ ફાયદો નહીં મળે, ઉપરથી અમે તો નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આ સાથે જ ઓવૈસીએ બિહારનું ઉદાહરણ પણ આપ્યું હતું. ઓવૈસીના કહેવા પ્રમાણે જો બિહારમાં RJDવાળા તેમની વાત માની લેતા તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનેત. ઓવૈસીના કહેવા પ્રમાણે તેમણે RJDવાળાઓ સાથે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. ઉલ્લેખનીય છે કે, બિહારમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJD તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું જ્યારે બીજી બાજુ નીતિશ કુમાર અને ભાજપનું ગઠબંધન હતું. જોકે આરજેડી માટે ચૂંટણીના પરિણામો ખૂબ સારા જ હતા પરંતુ છતાં તેઓ સરકાર બનાવવાથી ચૂકી ગયા હતા. બાદમાં એવું કહેવામાં આવ્યું કે, ઓવૈસીએ આરજેડીને નુકસાન પહોંચાડ્યું. હકીકતે સીમાંચલની કેટલીક બેઠકો પર ઓવૈસીની પાર્ટીએ સારા પ્રદર્શન ઉપરાંત 5 બેઠકો પર વિજય પણ નોંધાવ્યો હતો. ચૂંટણી દરમિયાન બંનેના ગઠબંધનને લઈ પણ ચર્ચા થઈ પરંતુ તે શક્ય ન બન્યું.

ગુજરાત સમાચાર 3 Dec 2021 4:44 pm

સાંસદો-ધારાસભ્યો ટોલ શા માટે નથી આપતા? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ

- જો તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશેઃ ગડકરી નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ટોલ ટેક્સને લઈ મહત્વના જવાબ આપ્યા હતા. નીતિન ગડકરીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય જનતા મોંઘા ટોલથી હેરાન થઈ રહી છે પરંતુ સાંસદો અને ધારાસભ્યો ટોલ શા માટે નથી આપતા? આ સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર દ્વારા માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપેલી છે પરંતુ સૌને છૂટ આપવાનું શક્ય નથી. જો સારા રસ્તા પર જવું હશે તો પૈસા આપવા પડશે.' વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, પહેલા લોકો ટ્રાફિકમાં ફસાતા હતા, પેટ્રોલ અને ડીઝલ પર પૈસા બરબાદ થતા હતા. હવે સારા રોડ બનવાથી પૈસા બચી રહ્યા છે તો તેના બદલામાં ટોલ આપવામાં શું વાંધો છે. સરકારે રોડ બનાવવા માટે ઉધાર પૈસા લીધા છે જે તેમણે ચુકવવાના છે અને વ્યાજ આપવાનું છે માટે ટોલ લાગુ કરવો પડે છે. હવે સરકાર દેશના નાના-નાના લોકોના પૈસા વડે રસ્તા બનાવશે. સામાન્ય લોકો પાસેથી પૈસા લેવામાં આવશે ઈન્ફ્રા બોન્ડ અંગે ચર્ચા કરતાં ગડકરીએ કહ્યું કે, તમે બેંકમાં પૈસા રાખો છો તો કેટલું વ્યાજ મળે છે, જો તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશે. દિલ્હી-મુંબઈ હાઈવે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે તો તેના માટે લોકો પાસેથી બોન્ડ સ્વરૂપે પૈસા લેવામાં આવશે.

ગુજરાત સમાચાર 3 Dec 2021 12:52 pm

ધુમ્મસના લીધે થતી રેલવે દુર્ઘટનાઓ ટાળવા મેલ એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં લગાવાયા ફોગ સેફ ડિવાઈસ

- લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ GPS ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંરક્ષિત ટ્રેન પરિચાલનની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે. તેનો ઉદ્દેશ્ય ધુમ્મસના કારણે ટ્રેન ઓછામાં ઓછી મોડી પડે અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેવો છે. આ કારણે એન્જિનોમાં ફોગ સેફ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. ટ્રેનોના સુચારૂ પરિચાલન માટે પૂર્વ મધ્ય રેલવેની તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ માટે ફોગ સેફ ડિવાઈસની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારના કહેવા પ્રમાણે શિયાળામાં ધુમ્મસના કારણે થતી રેલવે દુર્ઘટનાઓને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. ફોગ સેફ ડિવાઈસ શું છે? ફોગ સેફ ડિવાઈસ એ જીપીએસ આધારીત એક ઉપકરણ છે જે લોકો પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે. તેના આધારે લોકો પાયલટ ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરે છે. તે સિવાય ફોગ મેન પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે જે ધુમ્મસ દરમિયાન રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ કરશે. રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં પણ મદદ મળશે. તેમાં લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ GPS ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે.

ગુજરાત સમાચાર 3 Dec 2021 11:48 am

જામનગર સહિત હાલાર પંથકમાં સાંજે 4.3ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ

જામનગર, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારમાં આજે સાંજે 7.00 વાગ્યા ને 13 મિનિટે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાતાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો, અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાના અહેવાલો મળ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક નોંધાયું છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 7.00 વાગ્યા ને 13 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ત્રણ સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકાને લઇ ને અનેક બિલ્ડિંગો હાકડોલક થયા હતા. તેમજ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અનેક મકાનના બારી દરવાજા ખખડી ઉઠયા હતા, અને લોકો ડરના માર્યા ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક અને જમીનમાં 10 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું નોંધાયું છે. ભૂકંપના અહેવાલ મળતાની સાથે જામનગર નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય બન્યું હતું. અને જામનગર જિલ્લાના ધ્રોળ -જોડીયા- કાલાવડ- લાલપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક મામલતદાર સાથે ટેલિફોનિક સંદેશાઓ મેળવ્યા હતા. જોકે સમગ્ર જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં માત્ર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. એક પણ સ્થળેથી જાનમાલની નુકસાની ના કોઈ અહેવાલો મળ્યા નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ઘણા વખત પછી ભૂકંપની અનુભૂતિ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, અને આફ્ટરશોક ના ડરના કારણે અનેક લોકો હજુ ઘરની બહાર જ ઊભેલા જોવા મળી રહ્યા છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 8:46 pm

પૂણેમાં ભાજપના નેતાએ બનાવી દીધુ પીએમ મોદીનુ મંદિર, બાદમાં પ્રતિમા હટાવી લીધી

નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાની લ્હાયમાં મહારાષ્ટ્રના પૂણેમાં ભાજપના એક નેતાએ પીએ મોદીનુ મંદિર કેટલાક દિવસ પહેલા બનાવી દીધુ હતુ.જોકે હવે મંદિરમાંથી પીએમ મોદીની પ્રતિમાને હટાવી દેવામાં આવી છે. જોકે મંદિર બનાવનારા મયૂર મૂંડેએ પ્રતિમા કેમ હટાવી તે જાણી શકાયુ નથી.બીજી તરફ એનસીપી દ્વારા આ મામલામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.એનસીપીના નેતાઓએ કહ્યુ હતુ કે, મંદિર બન્યા બાદ હવે પેટ્રોલ ડિઝલની કિંમતો ઘટશે તેવી આશા જાગી છે.મોંઘવારી પણ ઘટશે અને બધા લોકોના ખાતામાં 15-15 લાખ રુપિયા જમા થશે.અમે અહીંયા આવ્યા હતા અને જોયુ હતુ કે, મંદિરમાંથી પ્રતિમા ગાયબ છે.મોદીનુ મંદિર બનાવવુ એ બૌધ્ધિક રીતે દેવાળુ ફૂંકવાનુ ઉદાહરણ છે. બીજી તરફ મંદિર બનાવનાર મયુર મૂંડેનુ કહેવુ છે કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા બદલ મેં પીએમ મોદીને આ સન્માન આપ્યુ છે.પીએમ બન્યા બાદ મોદીએ બહુ વિકાસ કાર્યો પણ કર્યા છે. મૂંડે આ પ્રતિમા જયપુરથી લાવ્યા હતા અને તેમનુ કહેવુ હતુ કે, મંદિર બનાવવાનો વિચાર અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે આવેલા ચુકાદા બાદ આવ્યો હતો.

ગુજરાત સમાચાર 19 Aug 2021 3:28 pm

સરકાર પાંજરાના પોપટ CBIને મુક્ત કરે

દેશની કેન્દ્રીય તપાસ સંસ્થાને સ્વાયત્તતા આપવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ કેન્દ્ર સરકાર સીબીઆઇને ચૂંટણી પંચની જેમ બંધારણે આપેલા અધિકારો મુજબ કામ કરવા દે, અલગ કાયદો બનાવે : મદ્રાસ હાઇકોર્ટ 2013માં સુપ્રીમે સીબીઆઇને પાંજરાનો પોપટ કહી હતી સીબીઆઇ ડાયરેક્ટર હાજર થાય અથવા એજન્સી રિપોર્ટ દાખલ કરે : મદ્રાસ હાઇકોર્ટ સરકાર કોઇ પણ હોય પોપટ તો પાંજરામાં જ રહેવાનો ! ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇની સ્વતંત્રતા મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે સીબીઆઇ હાલ પાંજરામાં કેદ પોપટની જેમ છે અને તેને પણ ચૂંટણી પંચની જેમ જ આઝાદી મળવી જોઇએ અને એક સ્વતંત્ર એજન્સી તરીકે તેને કામગીરી કરવા દેવી જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે વર્તમાન વ્યવસૃથા છે તેમાં સુધારા કરવા માટે 12 મુદ્દાઓ સુચવ્યા હતા. અને કહ્યું હતું કે આ આદેશ પાંજરામાં કેદ પોપટ સીબીઆઇને આઝાદ કરવા માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 2013માં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અંગે આ જ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તેને પાંજરાનો પોપટ ગણાવી હતી. તે સમયે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારના દબાણ હેઠળ સીબીઆઇ કામ કરી રહી છે. હવે આટલા વર્ષો પછી સીબીઆઇ કેન્દ્રની ભાજપ સરકારના તાબા કે દબાણ હેટળ કામ કરી રહી હોવાનો આરોપ લગાવાયો છે. અને સમગ્ર મામલો મદ્રાસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે પણ તે જ પાંજરામાં કેદ પોપટ શબ્દનો પ્રયોગ કરીને આ આદેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પણ સીબીઆઇ પર કેન્દ્રના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સીબીઆઇ પીએમ દ્વારા કંટ્રોલ કરાયેલી સાજિશ બ્યૂરો ઓફ ઇંવેસ્ટિગેશન છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇની સ્વતંત્રતા ત્યારે જ બહાલ થશે જ્યારે તેને બંધારણે આપેલા અિધકારો મુજબ કામ કરવા દેવાય. કેન્દ્ર સરકારે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટેના પ્રયાસો કરવા જોઇએ અને અલગ જ કાયદો બનાવવો જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇમાં મોટા પાયે સુધારા કરવાના આદેશ પણ આપ્યા છે. જેમાં કોર્ટે કહ્યું છે કે સાઇબર અને ફોરેંસિક તેમજ ફાઇનાંશિયલ ઓડિટમાં જાણકારી રાખનારા વ્યક્તિઓની ભરતી પર નિર્ણય છ સપ્તાહની અંદર લેવામાં આવે. 31મી ડિસેમ્બર 2020 સુધીના જે પણ પેન્ડિંગ મામલા હોય તેનો ઝડપી નિકાલ કરવામાં આવે. આ સમગ્ર મામલામાં છ સપ્તાહની અંદર રિપોર્ટ આપવાનો આૃથવા સીબીઆઇ ડાયરેક્ટરને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ થઇ હતી, જેમાં કથીત ચિટફંડ કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે બાદમાં આ સમગ્ર મામલાને વ્યાપક રીતે સુનાવણી પર લીધો હતો અને સીબીઆઇમાં જે પણ ઉણપ કે સ્ટાફની અછત છે તેના પર ભાર મુક્યો હતો. માત્ર સરકાર જ નહીં હાઇકોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને પણ કહ્યું છે કે એજન્સીમાં જે પણ સ્ટાફની અછત હોય તે અંગે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવે. મદ્રાસ હાઇકોર્ટે આપેલા આદેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ * ભારત સરકારને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટે કાયદો ઘડે. * કેગ અને ચૂંટણી પંચની જેમ જ સીબીઆઇને પણ વધુ સ્વતંત્રતા મળવી જોઇએ. * સીબીઆઇ માટે બજેટમાં અલગથી નાણા ફાળવવા જોઇએ. * સીબીઆઇ ડાયરેક્ટરની સત્તા સરકારના સચીવ જેટલી હોવી જોઇએ, ડીઓપીટી કરતા સીધા પીએમને રિપોર્ટ કરવાની સ્વતંત્રતા આપો. * સીબીઆઇ પર વહીવટ કે કોઇ પણ પ્રકારનો કંટ્રોલ સરકારનો ન હોવો જોઇએ. * ડીઓપીટીને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇના ખાલી પદ ભરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અડચણો દુર કરે. * સીબીઆઇએ પોતાનો વ્યાપ અને સ્ટાફ વધારવાની માગણી સરકાર સમક્ષ કરવી જોઇએ. કેન્દ્ર સરકારે પણ આ અંગે આદેશ આપવા જોઇએ.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:15 am

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના આરોપી અને હર્ષદ મહેતાના સાથીદારની એટીએસ દ્વારા દિલ્હીથી ધરપકડ

કોર્ટે 25 ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપી મુંબઇ : આંતરરાષ્ટ્રીય ડ્રગ કોર્ટેલના મુખ્ય આરોપી અને શેર માર્કેટના કૌભાંડના હર્ષદ મહેતાના સાથીદાર નિરંજન જયંતીલાલ શાહની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓએ દિલ્હીથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૨૫ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. એટીએસની જુહૂ યુનિટે ૧૭ માર્ચ, ૨૦૨૧ના સોહેલ યુસુફ મેમણને પાંચ કિલો ૬૫ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની કિંમત અંદાજે અઢી કરોડ રૃપિયા હતી. નિરંજન શાહ પાસેથી આ નશીલો પદાર્થ લીધો હતો. આ ગુનામાં તે ફરાર હતો. મુંબઇ, દિલ્હી પોલીસ, નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો, ડીઆરઆઇન ટીમ તેની શોધખોળ કરી રહી હતી. શેર માર્કેટના કૌભાંડનો મુખ્ય આરોપી હર્ષદ મહેતાનો નિરંજન સાથીદાર હતો આર્થિક ગુના શાખામાં તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ હતો. મુંબઇની બહાર નાસી ગયા બાદ તે મધ્યપ્રદેશ, હૈદરાબાદ, કર્ણાટકમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો દિલ્હીમાં મુનેરકા ગામમાં એક સિંગલ ભાડાના રૃમમાં નિરંજન ગરીબ વ્યકિતની જેમ રહેતો હતો. આની જાણ થયા બાદ તેની ધરપકડ કરાય હતી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ : આવતા 2 દિવસ ભારે વર્ષાની આગાહી

ચોમાસાનો કરન્ટ ફરીથી તીવ્ર બન્યો માથેરાન-40, અલીબાગ-25.1, દહાણુ-24.4, હર્ણાઇ-34 મિલિમીટર વરસાદ મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે લગભગ ૧૫ દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. મુંબઇમાં મંગળવાર રાતથી જ વરસાદ વરસવાનું શરૃ થયું છે.આજે બુધવારે સવારથી આખા મુંબઇમાં મધ્યમથી ભારે વર્ષા થઇ હતી.પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને સાંતાક્રૂઝ તથા દાદર, લોઅર પરેલ સુધી અને પૂર્વનાં પરાં ઘાટકોપર, પવઇ, વિક્રોલીમાં સંતોષકારક વર્ષા થઇ હતી. જોકે આજે સવારથી મુંબઇનું ગગન ગોરંભાયું હતું અને આકાશમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો જમઘટ જામ્યો હતો.પરિણામે દિવસે પણ ઘોર અંધકારનું વાતાવરણ સર્જાયું હતું. આજે મુંબઇના કોલાબામાં રાતના ૮-૩૦ સુધીમાં ૪૮.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૩૬.૬ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.આજે બુધવાર સુધીમાં કોલાબામાં કુલ ૬૬.૨૯ ઇંચ જ્યારે સાંતાક્રૂઝમાં કુલ ૮૯.૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ ઉત્તર કોંકણનાંથાણે-૧૯.૨, દહાણુ(૨૪.૪), અલીબાગ(૨૫.૧),દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ-૭.૯, હર્ણાઇ-૩૪.૦, મધ્ય મહારાષ્ટ્રનાં પુણે-૪.૦, અહમદનગર-૨.૬ અને માથેરાનમાં ૪૦.૦ મિલિમીટર વર્ષા નોંધાઇ હોવાના સમાચાર મળે છે.સાથોસાથ વિદર્ભનાં અકોલા, ચંદ્રપુર,નાગપુર, ભંડારા જિલ્લામાં પણ અમુક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન અમુક પરાંમાં મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. આવતા ૨૪ કલાક દરમિયાન પાલઘરમાં ભારે વર્ષા(યલો એલર્ટ) જ્યારે નંદુરબારમાં પણ આવતા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ (યલો એલર્ટ)વરસે તેવી શકયતા છે.સાથોસાથ ૧૯,૨૦-ઓગસ્ટ દરમિયાન વિદર્ભનાં અકોલા,અમરાવતી,બુલઢાણા, નાગપુર અને વાશીમમાં પણ ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી સંભાવના છે. હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પર વધુ તીવ્ર બન્યું છે.સાથોસાથ ગુજરાતમાં પણ સક્રિય થયું છે.ઉપરાંત, હાલ આકાશમાં ૩.૧ થી ૪.૫ કિલોમીટરના અંતરે બે વિરુદ્ધ દિશાના પવનો વચ્ચે તીવ્ર ટક્કર થઇ રહી છે.વળી,બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) પણ સર્જાયું છે.ઉપરાંત, સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વિદર્ભથી તેલંગણા થઇને તામિલનાડુ સુધી જોવા મળે છે. આવાં તમામ બદલાયેલાં સાનુકુળ કુદરતી પરિબળોની તીવ્ર અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રભર અને ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

રસીના અભાવે ગુરુવાર અને શુક્રવારે મુંબઈના સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ

મુંબઇ : કોવિડ-૧૯ પ્રતિબંધ રસીકરણની ઝુંબેશ અંતર્ગત પૂરતી રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી મુંબઈ મહાનગર પાલિકાના વિસ્તારની સરકારી અને મુંબઈ મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્ર આવતી કાલે ગુરુવાર તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ તેમ જ શુક્રવાર તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રસીકરણ બંધ રહેશે. દરમિયાન તા. ૧૯ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મોડી રાત સુધી પ્રશાસને રસીનો જથ્થો પ્રાર્ત થશે. ત્યાર બાદ ૨૦ ઓગસ્ટ ૨૦૨૧થી રસીકેન્દ્ર ફરી શરૃ થશે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મહારાષ્ટ્રમાં કોરોનાએ વિદાય લીધી હોવાની ચર્ચા પરંતુ સંકટ ટળ્યું નથી

રિકવર થવાનું પ્રમાણ વધીને 96.93 ટકા રાજ્યમાં નવા 5132 કેસ અને 158 દરદીના મોત, મુંબઈમાં 5ના મોત અને નવા 283 કેસ મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ વિદાય લીધી એવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હજી સંકટ ટળ્યું નથી. શનિવાર પછી આજે ફરી મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં નજીવો વધારો થયો હોવાનું નોંધાયું છે. મૃત્યુઆંક પણ વધી ગયો છે. સાથોસાથ દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૫૧૩૨ કેસ નોંધાયા છે અને ૧૫૮ દરદીના મોત થયા હતા. જ્યારે૮૧૯૬ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને કોરોનાથી ૮૦૬૯ દરદી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪,૦૬,૩૪૫ થઈ છે, અને મરણાંકની સંખ્યા ૧૫૮ થઈ છે. જ્યારે કોરોનાના ૬૨,૦૯,૩૬૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજદિન ૩,૪૬,૨૯૦ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અને ૨૩૭૧ લોકોને સંસ્થાત્મક ક્વોરન્ટાઇન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઈમાં આજે કોરોના વાઇરસના નવા કેસમાં છેલ્લા બે દિવસની સરખામણીમાં થોડોક વધારો થયો છે. આજે કોરોનાના નવા ૨૮૩ કેસ નોંધાયા છે અને પાંચ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૪૦૦૦૭ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૫૯૩૦ થઈ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. શહેરમાં આજે કોરોનાના ૨૯૭ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેરમાં છેલ્લા પાંચ દિવસથી એકેય કન્ટેન્મેન્ટ ઝોન નથી. માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી શરૃ થઈ. એ પછી ગયા શનિવારે પહેલી વખત મુંબઈમાં એકપણ કેન્ટનમેન્ટ ઝોન હોતો. કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી. ત્યારે મુંબઈમાં ૨૮૦૦ જેટલા કન્ટેનમેન્ટ ઝોન હતા.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

કાબુલના એકમાત્ર હિંદુ મંદિરના પુજારીએ કટ્ટર હિંદુત્વ દાખવ્યું

તાલિબાનીઓના હાહાકાર વચ્ચે લોકો પોતાના જીવ બચાવવા દેશ છોડી રહ્યાં છે, ત્યારે પુજારીનો મંદિર છોડવાનો સ્પષ્ટ ઈનકાર મુંબઈ : ૧૫મી ઑગસ્ટે એક બાજુ ભારતમાં આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના કબ્જાને કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. તાલિબાનીઓએ કાબુલ પહોંચતાં જ રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના વરિષ્ઠ સ્ટાફ મેમ્બર્સ સાથે પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ એક હિંદુ પુજારીએ પોતાનો ધર્મ જાળવી રાખવા કટ્ટર હિંદુતા ઉજાગર રાખી છે. કાબુલ સ્થિત રતનનાથ મંદિરના પુજારી પંડિત રાજેશ કુમારે કાબુલ છોડી જવાની સ્પષ્ટ ના કહી છે. તેમણે આ વાત એવા સમયમાં ઉચ્ચારી છે, જ્યારે અફઘાનિસ્તાનના કેટલાંય લોકો પોતાનો જીવ બચાવવા મરણતોલ પ્રયાસો કરીને દેશ છોડી જવા માગે છે. પરંતુ એક હિંદુ પોતાની આસ્થાનું સ્થાન, પોતાના પ્રિય પરમેશ્વરને છોડીને ક્યાંય નહીં જાય તેવી હઠ્ઠ લઈ ત્યાંજ રહેવા તૈયાર થયા છે. પંડિત રાજેશ કુમારના જણાવ્યાનુસાર, કેટલાંક હિન્દુઓએ મને કાબૂલ છોડી જવા કહ્યું. હિન્દુઓએ મારા પ્રવાસ અને રહેવાનો પ્રબંધ કરી આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ મારા પૂર્વજો સેંકડો વર્ષોથી આ મંદિરની સેવા કરતાં આવ્યાં છે અને હવે હું આ મંદિરને આ રીતે છોડીને જઈ શકું તેમ નથી. જો તાલિબાન મને મારી નાંખશે તો તેને હું મારી સેવા ગણીશ. ખાસ ઉલ્લેખનીય કે રતનનાથ મંદિર એ કાબુલનું આખરી બચેલું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવે છે. અહીં સામાન્ય દિવસોમાં હિંદુ અનુયાયીઓની મોટી ભીડ હોય છે. પરંતુ હવે અહીં કોઈ ફરકતું નથી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ પૂછપરછ માટે પાંચમી વાર હાજર રહ્યા નહી

ઇડીની ઓફિસમાં દેશમુખના વકીલ અરજી લઇને આવ્યા હતા : દેશમુખની સામે લૂક આઉટ નોટીસ બહાર પાડવામાં આવે એવી શકયતા મુંબઇ : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન એન્ફોર્સમેન્ટ વિભાગે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છતાં આજે હાજર રહ્યા નહોતા. ઇડીએ પાંચમી વખત દેશમુખને સમન્સ આપ્યા હતા. બીજીતરફ ઇડીને ઓફિસમાં અરજી લઇને આવેલા વકીલે પૂછપરછ માટે દેશમુખના હાજર ન રહેવા બદલ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા દેશમુખની ધરપકડની શકયતા છે. આર્થિક ગેરવ્યવહારના પ્રકરણમાં દેશમુખની સામે ઇડી અને સીબીઆઇ તપાસ હાથધરી છે. આ મામલામાં અગાઉ ચાર વખત ઇડીએ દેશમુખને સમન્સ આપ્યા હતા. પણ દેશમુખ, તેમની પત્ની, પુત્ર હાજર થયા નહોતા. તેમને ઇડી દ્વારા ફરી સમન્સ મોકલી આજે બોલાવવામાં આવ્યા હતા. આમ છતાં આજે પણ દેશમુખ ઇડીની ઓફિસમાં હાજર થયા નહોતા પણ દેશમુખના વકીલ ઇંદરપાલ સિંહ અરજી દાખલ કરવા ઇડીની ઓફિસમાં આવ્યા હતા. દરમિયાન વકીલે જણાવ્યું હતું કે અમે ઇડીને થો ડા સમય માટે રાહ જોવાનુ કહ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અમે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો આવે ત્યાં સુધી કાર્યવાહી રોકવામાં આવે. અમારી ભૂમિકા બાબતે ઇડીને પત્ર આપ્યો છે. અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂછપરછ માટે જરૃરી હાજર રહીશુ. બીજીતરફ સુપ્રીમ કોર્ટે આજે દેશમુખને કોઇ રાહત આપી નહોતી. મુંબઇ હાઇકોર્ટના આદેશની સામે દેશમુખે કરેલી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આમા હવે દેશમુખની ગમે તે સમયે ધરપકડ થશે એવી ચર્ચા થઇ રહી છે. મુંબઇના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર દરમહિને ૧૦૦ કરોડ રૃપિયાની ખંડણી વસૂલ કરવાનો આરોપ કરાતા ચકચાર જાગી હતી. પછી દેશમુખ ગૃહપ્રધાન પદ ગુમાવવુ પડયુ હતુ ઇડીએ તેમની ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો.. આ સિવાય સાડાચાર કરોડ રૃપિયાની કિંમતની સંપતી જપ્ત કરવામાં આવી હતી. પરમબીર સિંહ પદ પણ ભ્રષ્ટાચારના આરોપની તપાસ થઇ રહી છે. ભ્રષ્ટ્રાચારના આરોપ બદલ વારંવાર સમન્સ મોકલવા છતા ઇડીની ઓફિસમાં પૂછપરછ માટે હાજર ન થતા હવે અનિલ દેશમુખ સામે લૂટ આઉટ નોટીસ બહાર પાડવાની તૈયારી થઇ રહી હોવાનું કહેવાય છે. આમ હવે આ મામલામાં દેશમુખની મુશ્કેલી સતત વધી રહી છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

શીના બોરા હત્યા કેસમાં સીબીઆઈએ વધુ તપાસ બંધ કર્યાની કોર્ટમાં માહિતી

કોર્ટે આ બાબતની નોંધ કરીઃ આરોપી ઈન્દ્રાણીએ લીગલ ટીમ બદલાવી મુંબઈ : શીના બોરા હત્યા કેસમાં છ વર્ષ બાદ સીબીઆઈએ વિશેષ કોર્ટને વિધિવત જાણ કરી છે કે તેઓ અ કેસમાં વધુ તપાસ કરશે નહીં. ૨૦૧૨માં બહાર આવેલી કથિત હ ત્યાની ઘટનામાં સીબીઆઈએ તપાસ બંધ કરવામાં અવાતી હોવાની જાણકારી આપીહોવાનું વિશેષ કોર્ટે નોંધ્યું હતું. કેસના આરોપી ઈન્દ્રાણી મુખરજી અનપે પૂર્વ પતિ પીટર મુખરજી અનપે સંજીવ ખન્ના સામે પુરક આરોપનામું નોંધાવકી વખતે તપાસ ખુલી રાખવામાં આવીહતી. આરોપી ડ્રાઈવર શ્યામવર રાય તાજનો સાક્ષી બનીને સરકારી વતી સાક્ષીદાર બન્યો હતો. મુખરજીએ પોતાના નવા વકિલ મારફત પત્ર મોકલાવ્યો હતો કે તે અગાઉની બચાવ ટીમને છૂટી કરીરહી છે. આ વકિલે ૨૦૧૫૬માં તેની ધરપકડ થઈ ત્યારે નિયુક્ત કરાયા હતા. બે એડવોકેટે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી જેમાં ૨૦૧૭થી ૭૦ સાક્ષીદારોને તપાસવામાં આવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી ૩૧ ઓગસ્ટે થશે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

રાજ કુંદ્રાને અશ્લીલ વિડિયોના 2020ના કેસમાં 1 સપ્તાહ માટે ધરપકડ સામે રક્ષણ

સરકારી વિકલે દલીલ કરવા સમય માગ્યો મુંબઈ : મુંબઈ સાઈબર પોલીસે ૨૦૨૦માં નોંધેલા કેસમાં રાજ કંુદ્રાને ધરપકડ સામે એક સપ્તાહનું વચગાળાનું રક્ષણ બોમ્બે હાઈકોર્ટે આપ્યું છે.અમુક ઓનલાઈન પ્લેટફોર્મ્સ તેમની વેબ સિરીઝના ભાગરૃપે અશ્લીલ વિડિયો પ્રકાશિત કરીરહીહોવાની ફરિયાદને આધારે આ કેસ નોંધાયો હતો. ન્યા. સંદીપ શિંદેની સિંગલ બેન્ચ સમક્ષ કંદ્રાની આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે દાખલકરેલા અશ્લીલ ફઇલ્મ સંબંધી આવા જ અન્ય કેસમાં હાલજેલમાં રહેલા કુંદ્રાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઈ સેશન્સ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. કુંદ્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેનું નામ એફઆઈઆરમાં નથી અને તેણે વિસ્તૃત નિવેદન પોલીસને આપ્યું છેે અને તપાસમાં સહકાર પણ આપ્યો છે.સંબંધીત અધિકારીને જરૃરી તમામ દસ્તાવેજો આપ્યા છે અને સાક્ષીદારોના નિવેદન પણ રેકોર્ડ થયા છે. કુંદ્રાએ દાવો કર્યો હતો કે તેણે ફેબુ્રઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન કંપની સાથે કામ કર્યું છે અને ક્યારેય તેના કોન્ટ્રેક્ટ બિલ્ડિંગ અથવા સાહિત્ય નિર્માણમાં કોઈ સક્રિય ભાગ લીધો નથી. આવી જ કલમ હેઠળના અન્ય કેસમાં કુંદ્રાની ધરપકડ થઈ છે અને તપાસ અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને અન્ય દસ્તાવજો પહેલેથી જપ્ત કરી લીધેલા છે. અ ાકેસમાં સહ આરોપી શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને જામીન અપાયા છે, એમ કુંદ્રાના વકિલે કોર્ટને જણાવ્યું હતું. સરકારી વકિલે દલીલ કરી હતી કે કુંદ્રાની ભૂમિકા અન્ય આરોપીઓ કરતાં અલગ છે અને આથી સમાનતાના ધોરણે રક્ષણ મેળવી શકે નહીં. અરજી પર દલીલ કરવા માટે વકિલે સમય માગતાં કોર્ટે ૨૫ ઓગસ્ટ સુધી કુંદ્રાને રક્ષણ આપીને સુનાવણી મોકૂફ રાખી હતી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઈની બજારોમાં વડાપાવ, ડોનટ્સ, મેંદુવડા રાખડીઓની ધૂમ

બચ્ચા પાર્ટી માટે સુપરહીરો પણ રાખડીમાં ઉપલબ્ધ મુંબઈ : પહેલાં માત્ર રેશમના દોરાથી રાખડી બાંધવાનો રીવાજ હતો. પરંતુ સમય બદલાતાં નવા નવા ટ્રેન્ડ આવ્યાં અને અવનવી ડિઝાઈનની રાખડીઓ પણ આવી. આ વર્ષે બજારમાં વૂડન રાખી, ચોકલેટ રાખડી, પિત્ઝા, બર્ગર, ઢોસા, મેંદુવડા, ડોનટ્સ જેવા ખાદ્યપદાર્થોના આકાર અને કારીગરી વાળી મનમોહક રાખડીઓએ ધૂમ મચાવી છે. રક્ષાબંધનના તહેવારને આડે ગણતરીના દિવસો છે, ત્યારે મુંબઈ, થાણેની મહિલાઓ રાખડીઓ લેવા માટે બજારમાં ભીડ જમાવી રહી છે. કોરોનાને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં રાખડીઓના ભાવમાં પણ ૧૦ થી ૧૫ રુપિયાનો વધારો થયો હોવાનું અનેક રાખડી વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું છે.બચ્ચા કંપનીઓ માટે સ્પાયડર મેન, પિકાચૂ, બેટમેન, છોટા ભીમ જેવા સુપર હીરોના સ્ટીકરવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ છે. આ તમામ રાખડીઓ ૧૦ રુપિયાથી માંડી ૫૦ રુપિયા સુધીના ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઈમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ઓન વ્હીલ્સ શરુ કરાઈ

બંધ સ્કૂલ બસમાં શરુ કરાયેલ શાળા દર અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં જાય છે મુંબઈ : કોરોના કાળમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓની સ્કૂલો છૂટી ગઈ કેટલાંક વિદ્યાર્થીઓ મોબાઈલના અભાવે કે ફીના અભાવે શિક્ષણથી વંચિત બન્યાં. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. તેમાંય પહેલાંથી છઠ્ઠા, સાતમા ધોરણના વિદ્યાર્થીઓ વધુ પડતાં છે. આથી આવા વિદ્યાર્થીઓ માટે મુંબઈમાં સ્કૂલ ઓન વ્હીલ્સનો ઉપક્રમ શરુ કરાયો છે. જેમાં નાના ભૂલકાંઓ પણ હોંશે હોંશે સહભાગી થઈ ભણવા આવી રહ્યાં છે. આ ઉપક્રમ અંતર્ગત હાલ બંધ પડેલી સ્કૂલ બસને જ આકર્ષક વર્ગખંડમાં ફેરવી દેવામાં આવી છે. તેમાં પુસ્તકો, પાટી-પેન, ચાર્ટ્સ રાખવામાં આવ્યા છે. ઉપરાંત સુરક્ષાના પણ તમામ નિયમોનું પાલન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ બસ દર અઠવાડિયે વિવિધ વિસ્તારમાં જાય છે અને ત્યાં દરરોજ વિદ્યાર્થીઓને ભણાવે છે. ભવિષ્યમાં આવી અનેક બસ શરુ કરવાનો વિચાર પણ આ ઉપક્રમના પ્રણેતા અશોક કૂર્મિએ વ્યક્ત કર્યો છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

શહેરમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન ડેન્ગી અને લેપ્ટોના કેસોમાં ઉછાળો આવ્યો

કોવિડની બીજી લહેર ઓસરી રહી છે ત્યારે ગંદા પાણીથી ફેલાતા લેપ્ટોસ્પાઈરોસીસને રોકવા પાલિકાએ ડોક્સીસાઈક્લીન ગોળીઓ વિતરીત કરી મુંબઈ : મુંબઈમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન ડેન્ગી અને લેપ્ટોસ્પાઈરોસીસના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ત્રણ વોર્ડમાં લેપ્ટોસ્પાઈરોસીસના વધુ કેસ નોંધાયા છે જ્યારે સમગ્ર શહેરમાં ડેન્ગીના કેસો જોવા મળી રહ્યા છે. વોર્ડ ઈ (ભાયખલા, મઝગાંવ), એફ ઉત્તર (ધારાવી, માટુંગા) અને કે પૂર્વ (અંધેરી, જોગેશ્વરી પૂર્વ)માં સૌથી વધુ લેપ્ટોસ્પાઈરોસીસના કેસો જોવા મળ્યા છે. છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન લેપ્ટોસ્પાઈરોસીસના ૨૭ કેસો નોંધાયા છે. જુલાઈમાં ગંદા પાણીના બેક્ટેરિયાને કારણે થતી લેપ્ટોસ્પાઈરોસીસ બીમારીથી એક મોત પણ થયું હતું. ગંદા પાણીમાં ચાલવાથી પણ આ બીમારીનો ચેપ લાગે છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું જોખમી ગણાતા વોર્ડમાં લગભગ ૧.૪૦ લાખ ડોક્સીસાઈક્લીન ગોળીઓ વિતરીત કરવાને કારણે લેપ્ટોસ્પાઈરોસીસના કેસ નિયંત્રણમાં રહ્યા છે. પાલિકાએ ઘેર ઘેર સરવે કરીને ૪૪.૮૦ લાખ ઘરો આવરી લીધા હતા. ૧૫ ઓગસ્ટ સુધીમાં ડેન્ગીના ૬૧ કેસો નોંધાયા છે. જુલાઈ મહિનામાં ૨૮ કેસો નોંધાયા હતા. જો કે કોવિડ અગાઉના સમયની સરખામણીએ ડેન્ગીના કેસ ઓછા છે, પણ મચ્છરથી ફેલાતી આ બીમારી ગયા વર્ષની સરખામણીએ વધુ લોકોને સંક્રમિત કરી રહી છે. ૨૦૨૦માં ડેન્ગીના કુલ ૧૨૯ કેસો નોંધાયા હતા જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં જ ૧૩૮ કેસો બની ગયા છે. ૨૦૧૯માં ડેન્ગીના કુલ ૯૨૦ કેસો થયા હતા જેમાંથી ત્રણ દરદીના મોત થયા હતા. શહેરના આઈસીયુમાં પણ લેપ્ટોસ્પાઈરોસીસ અને ડેન્ગીને કારણે અચાનક થતી શ્વસનતંત્રની તકલીફની સારવાર કરાઈ રહી છે. સેવન હિલ્સ હોસ્પિટલે આપેલી માહિતી અનુસાર તેમની હોસ્પિટલમાં અત્યાર સુધી ડેન્ગી અને લેપ્ટસ્પાઈરોસીસના સાત કેસ આવ્યા છે. ઓગસ્ટમાં અત્યાર સુધી મલેરિયાના પણ ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. ઉપરાંત ૧૬૦ કેસ ગેસ્ટ્રોએન્ટરાઈટીસ અને આઠ કેસ એચ૧એન૧ ઈન્ફ્લ્યુએન્ઝાના નોંધાયા છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબ્જે કર્યા બાદ ફરાર થઈ ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનની જગ્યાએ હવે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. સાલેહ એ જ નેતા છે જેઓ પાકિસ્તાન પર અવાર નવાર પ્રહારો કરતા આવ્યા છે અને ભારતના નિકટના દોસ્ત મનાય છે. હવે તેઓ અફઘાનિસ્તાન માટે આશાનુ છેલ્લુ કિરણ છે. તાલિબાને તેમને મારવા માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા દેશની જાસૂસી સંસ્થાના ચીફ હતા. અમરૂલ્લા સાલેહને પકડવા માટે તાલિબાને તેમના બહેનનુ અપહરણ કર્યુ હતુ અને તેની હત્યા કરી નાંખી હતી. 1990ના દાયકામાં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રયાસ કર્યા હતા ત્યારે સાલેહે પાકિસ્તાનમાં હથિયારો ચલાવવાનુ શિક્ષણ મળવ્યુ હતુ અને કમાન્ડર અહમદ શાહ મસૂદના નેતૃત્વમાં રશિયા સામે જંગ લડી હતી. તાલિબાને એ પછી અફઘાનિસ્તાનમાં પગપેસારો શરૂ કર્યો ત્યારે સાલેહ ફરી એક વખત તાલિબાનો સામે પણ યુધ્ધના મેદાનમાં ઉતર્યા હતા. તે વખતે સાલેહે ભારત સાથે દોસ્તી વધારી હતી.તેમણે જ અહેમદ શાહ મસૂદની ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી. 2001માં અમેરિકા પર અલ કાયદાએ કરેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે શરૂ કરેલા અભિયાનમાં સાલેહે અમેરિકાને મદદ કરી હતી.2006માં તેઓ અફઘાન જાસૂસી સંસ્થાના ચીફ હતા અને તે સમયે તેમણે જાણકારી મેળવી હતી કે, પાકિસ્તાન દ્વારા આતંકીઓને અફઘાનિસ્તાનમાં મદદ કરવામાં આવી રહી છે .તે સમયે તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઓછી થશે ત્યારે તાલિબાન ફરી હુમલા કરશે. સાલેહની આગાહી સાચી ઠરી છે.જોકે તે સમયે તત્કાલિન રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ સાલેહ પર ભડકયા હતા અને તેમને આ રિપોર્ટને ફગાવી દીધા હતા. એવુ મનાય છે કે, અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ સાલેહને ટ્રેનિંગ અપાઈ છે. તેમની પાસે પોતાના જાસૂસોનુ બહુ મોટુ નેટવર્ક છે. ભારતની જાસૂસી સંસ્થા રો સાથે પણ સાલેહના બહુ સારા સબંધો છે અને તેના કારણે જ પાકિસ્તાનીઓ સાલેહથી નફરત કરે છે. જેહાદીઓ સામે સાલેહનુ આકરૂ વલણ પણ આ નફરત માટે જવાબદાર છે. 2004માં સાલેહના નેતૃત્વમાં અફઘાન જાસૂસી સંસ્થા એનડીએસને ગંધ આવી ગઈ હતી કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો છે. તાલિબાનીઓથી બચવા માટે સાલેહ પંજશીર પ્રાંતમાં જતા રહ્યા છે. જે હજી પણ તાલિબાનીઓના કબ્જામાં આવ્યો નથી. હવે તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે અફઘાન નાગરિકોને તાલિબાન સામે ઉભા થવાની અપીલ કરી છે. સાથે સાથે તેમણે એવુ પણ કહ્યુ છે કે, અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આપણે સાબિત કરવુ પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 4:03 pm

રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, જામીન પર સુનાવણી 25 ઓગસ્ટ સુધી સુરક્ષિત

મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલ જે કેસની તપાસ કરી રહી હતી. તે કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે જામીનની સુનાવણી 25 ઓગસ્ટ સુધી માટે સુરક્ષિત કરી લીધી છે. રાજ કુંદ્રા અત્યારે પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે. સાયબર સેલનો કેસ આનાથી અલગ છે. આ મામલાની તપાસ ગયા વર્ષથી મહારાષ્ટ્ર સાયબર સેલ કરી રહી છે. આ કેસ 2020નો છે. સાયબર સેલે જ FIR નોંધી હતી જેનો કુંદ્રા આરોપી છે. આ કેસમાં કુંદ્રાનુ નિવેદન પણ નોંધાયુ હતુ. આ કેસમાં હાટ્શૉટ પણ એક આરોપી છે આ કેસમાં કુંદ્રાએ સેશન કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ એપ્લિકેશન ફાઈલ કરી હતી. શુ છે કેસ મહારાષ્ટ્ર સાયબરે કથિત રીતે અશ્લીલ વીડિયો જોવા માટે એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સ્થિત વિભિન્ન ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ અને વેબસાઈટના ડાયરેક્ટર અથવા માલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાઈબર દ્વારા જારી એક નિવેદન અનુસાર, ALT Balaji, Hotshot, Flizmovies, Feneo, Kukoo, Neoflix, Ullu, Hotmasti, Chikooflix, Primeflix, Wetflix જેવી વેબસાઈટ અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો મેળવવામાં આવ્યા હતા. જે બાદ તેમના ડાયરેક્ટર અથવા માલિક વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અત્યારે જેલમાં છે રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને એપ દ્વારા સ્ટ્રીમ કરવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તે પણ જેલમાં છે. મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસે કહ્યુ છે કે અત્યાર સુધી થયેલી પૂછપરછના આધારે શિલ્પાની સંડોવણી સામે આવી નથી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 3:56 pm

કાબુલથી ઉડાન ભરનારા અમેરિકન પ્લેનના વ્હીલ પરથી મળ્યા માનવ અંગોના અવશેષો

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર કાબુલમાં ફસાયેલા અમેરિકન ડિપ્લોમેટ્સ અને નાગરિકોને લઈને રવિવારે ઉડાન ભરનારા અમેરિકન વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાનના પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાનના કાબુલ પર કબ્જા બાદ ગમે તે ભોગે દેશ છોડવા માંગતા હજારો અફઘાનીઓ એરપોર્ટના રનવે પર ઉમટી પડ્યા હતા. આ દરમિયાનમાં અમેરિકન વાયુ સેનાના વિમાને ઉ઼ડાન ભરી ત્યારે તેના પૈડા પર પણ કેટલાક લોકો ચઢી ગયેલા નજરે પડયા હતા. આ ઘટનાની અમેરિકન વાયુસેના સમીક્ષા કરી રહી છે અને ચોંકાવનારી વાત એ છે કે પ્લેન લેન્ડ થયા બાદ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકન વાયુસેનાનુ વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ ત્યારે તેની સાથે હજારો લોકો દોડી રહ્યા હોય તેવો વિડિયો પણ વાયરલ થયો હતો. એવો અંદાજ મુકાઈ રહ્યો છે કે, ભાગદોડ દરમિયાન પડી ગયેલા અથવા ફાયરિંગના કારણે રનવે પર પડી ગયેલા લોકોના આ અવશેષો હોઈ શકે છે. કારણકે આ ભાગદોડ થઈ ત્યારે અમેરિકન સેનાએ હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ.

ગુજરાત સમાચાર 18 Aug 2021 3:54 pm

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઠાકરે સરકારે નિશાન સાધ્યુ, ફોજદારી કલમો હેઠળ આયોજકો સામે FIR નોંધાઈ

મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર મોદી સરકારમાં તાજેતરમાં જ મહારાષ્ટ્રના ચાર સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થળ મળ્યુ છે. મંત્રી બન્યા બાદ પહેલીવાર પોતાના રાજ્યમાં પાછા ફરેલા જન આશીર્વાદ યાત્રા દ્વારા લોકોને ધન્યવાદ કહી રહ્યા છે પરંતુ કદાચ મહારાષ્ટ્રની ઠાકરે સરકારને કેન્દ્રીય મંત્રીઓની યાત્રા ગમી નહીં. આ કારણ છે કે યાત્રા દરમિયાન ભીડ એકત્ર કરવાના કેસમાં હવે ગુનાકીય કેસ સ્થાનિક પોલીસે નોંધવાનો શરૂ કરી દીધો છે. સોમવારે મુંબઈ નજીક થાણેમાં કેન્દ્રીય પંચાયતી રાજ્ય મંત્રી કપિલ પાટીલની યાત્રા દરમિયાન લાગેલી ભીડને કોરોના નિયમોનુ ઉલ્લંઘન જણાવતા ત્રણ આયોજકો વિરૂદ્ધ થાણે પોલીસે કેસ નોંધ્યો છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભામાં સાંસદ સંજય રાઉતે પણ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર નિશાન સાધ્યુ છે. રાઉતે કહ્યુ કે મુસાફરીમાં માસ્ક વિનાના લોકોને એકત્ર કરવા કોરોનાનુ ઉલ્લંઘન કરવુ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવુ છે, પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે. બાળાસાહેબના સ્મૃતિ સ્થળ પર રાણેનુ જવુ નક્કી, પરંતુ શિવસેનાનો વિરોધ શિવસેના અને સીએમ ઉદ્ધવ ઠાકરેના કટ્ટર વિરોધી મોદી સરકારમાં મંત્રી નારાયણ રાણે 19 ઓગસ્ટથી પોતાના જન આશીર્વાદ યાત્રાની શરૂઆત મુંબઈથી કરશે. પોતાની યાત્રા દરમિયાન રાણે મુંબઈના દાદર સ્થિત શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર પણ અભિવાદન કરવા પહોંચ્યા. આ પહેલી તક હશે જ્યારે રાણે બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર આવશે. શિવસેનાએ નારાયણ રાણેના બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર જવાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેના નેતા અને લોકસભા સાંસદ વિનાયક રાઉતનુ કહેવુ છે કે બાળા સાહેબ ઠાકરે સાથે ગદ્દારી કરનારને સ્મૃતિ સ્થળ પર જવાનો કોઈ અધિકાર નથી અને શિવસૈનિક તેમને આ પવિત્ર સ્થળ પર જવા દેશે નહીં. એવામાં સ્પષ્ટ છે કે 19 ઓગસ્ટે જ્યારે રાણેની જન આશીર્વાદ યાત્રા શરૂ થશે, ત્યારે મુંબઈના શિવાજી પાર્ક સ્થિત બાળા સાહેબ ઠાકરે ના સ્મૃતિ સ્થળ પાસે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓમાં ટકરાવ જોવા મળી શકે છે. આગામી વર્ષ એટલે 2022માં મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી થવાની છે અને ભાજપ નારાયણ રાણે દ્વારા મુંબઈમાં રહેનાર કોકણના લોકોને સાધવાનો પ્રયત્ન કરી રહી છે. આ રણનીતિ હેઠળ રાણેની જન આશીર્વાદ યાત્રા મુંબઈના તે તમામ વિસ્તારોથી થઈને પસાર થશે જ્યાં શિવસેનાનો દબદબો છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:28 pm

મહારાષ્ટ્ર બોર્ડની 12માની માર્કશીટ 21 ઑગસ્ટથી મળશે

મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડના બારમાના વિદ્યાર્થીઓને શનિવાર, તા.૨૧ ઑગસ્ટથી માર્કશીટ તેમની કૉલેજમાંથી આપવામાં આવશે. જોકે કૉલેજોને ૨૦ ઑગસ્ટે બોર્ડ દ્વારા માર્કશીટ મળશે, એવી માહિતી બોર્ડ દ્વારા મળી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જૂનિયર કૉલેજોએ વધુમાં વધુ વિતરણ કેન્દ્રો તૈયાર કરી તે જ વિતરણ કેન્દ્રો પર સુરક્ષિત અંતર સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની રહેશે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખી નિશ્ચિત દિવસે જ વિદ્યાર્થી પાસે આવવાનો આગ્રહ કૉલેજોએ રાખવો નહીં.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

મોહર્રમ નિમિત્તે સરઘસ કાઢવાને હાઈ કોર્ટે સશર્ત પરવાનગી આપી

માત્ર 5 તાઝીયા સાથે 7 ટ્રકને પરવાનગીઃ દરેક ટ્રક પર 2 રસી લીધેલા 15 જણ હોવા જરૃરી મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે મોહર્રમ નિમિત્તે શઇયા મુસ્લિમ સમુદાય દ્વારા કાઢવામાં આવતા સરઘસ અને અન્યવિધિઓને પરવાનગી આપી છે પણ કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને અમુક શરતો લાગી છે. કોવિડ પ્રોટોકોલ ઉપરાંત લદાયેલી શરતોમાં એક ટ્રક પર ૧૫વ્યક્તિની હાજરી અને સાત ટ્રક જ સરઘસમાં સમાવી શકાશે આ સરઘસ ૨૦ ઓગસ્ટે ત્રણ કલાકમાટે કાઢવામાં આવશે. માત્ર પાંચ તાઝિયાને પરવાનગી અપાઈ છે. માત્ર સંપૂર્ણ રસી લીધેલી વ્યક્તિ જ ટ્રકમાં જઈ શકશે. ૧૦૫માંથી ૨૫ જણને જ કબ્રસ્તાનમાં પરવાનગી રહેશે. સ્વયંસેવી સંસ્થા ઓલ ઈન્ડિયા ઈદરા તહેફાજએ હુસૈનિયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લોકલ, મોલ અને દુકાનો તથા રેસ્ટોરાંને રાહત અપાઈ હોવાનો દાખલો અપાયો હતો. બે કલાક માટે ૧૮થી ૨૦ ઓગસ્ટ દરમ્યાન એક હજાર જણને સરઘસમાં પરવાનગી આપવાની છૂટ માગવામાં આવી હતી. સરકારી વકિલે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર અવશે તો પોલીસ સ્ટેશનો માટે સમસ્યા સર્જાશે. મેદનીને નિયંત્રણમાં રાખવી ખાસ કરીને ધાર્મિક સરઘસને તે મુશ્કેલ કામ છે. કોર્ટે જણાવ્યું હતું કેે દરેક ટ્રકમાં ધાર્મિકવડાની ાજરી હોવી જોઈએ જેઓ સરઘસ દરમ્યાન મેદનીને નિયંત્રણમાં રાખી શકે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

એન્ફોર્સમેન્ટ વિભાગે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી સમન્સ મોકલ્યા

બુધવારે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ મુંબઇ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા ફરી સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને બુધવારે સવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ ચાર વખત દેશમુખને સમન્સ આપવામાં આવ્યું હતું. પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા નહોતા. આમ હવે દેશમુખ બુધવારે ઇડીની ઓફિસમાં આવશે કે નહી તે બાબતે સવાલ ઉભો થયો છે. આ પ્રકરણમાં દેશમુખની ધરપકડના ભણકારા સંભળાય રહ્યા છે. ઇડીની ટીમે તાજેતરમાં મુંબઇ અને નાગપુરમાં દેશમુખના ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો. તેમની પત્ની અને પુત્રને પણ સમન્સ મોકલવા છતા તેઓ પણ પૂછપરછ માટે આવ્યા નહોતા. ઇડીની કાર્યવાહીથી બચવા દેશમુખે કોર્ટમાં અરજી કરી હતી. પણ કોર્ટમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે ગાડીમાં વિસ્ફોટક મળવા અને ગાડીના માલિકની હત્યાના કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ અને તે સમયના મુંબઇના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી. ત્યારબાદ પરમબીરે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે દેશમુખે દરમહિને ૧૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હતો. જેને લીધે પોલીસ અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં દેશમુખને ગૃહપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપ બદલ દેશમુખ સામે સીબીઆઇ અને ઇડીએ તપાસ શરૃ કરી હતી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

ફળ બજારમાં સીતાફળનો માલ વધ્યો, ભાવમાં ઘટાડો

મુંબઇ : પોષક હવામાન ન હોવાને કારણે આ વર્ષે સીતાફળનો માલ બજારમાં મોડો દાખલ થયો છે. તેથી શરૃઆતમાં સીતાફળનાં ભાવ વધુ હતા, પરંતુ હાલમાં બેથી ત્રણ અઠવાડિયામાં બધે જ ઠેકાણે મોટા પ્રમાણમાં વરસાદ પડયો હોવાને કારણે સીતાફળનું ઉત્પાદન વધુ થયું છે. તેથી બજારમાં હાલમાં મોટી સંખ્યામાં સીતાફળ જોવા મળી રહ્યા છે. વાશીના જથ્થાબંધ ફળ બજારમાં સોમવારે સીતાફળની રાજ્યભરમાંથી ૧૦૦ ગાડીઓ આવી હોવાની નોંધ થઈ છે. બજારમાં સીતાફળનો માલ વધુ આવવાને લીધે તેના ભાવ ઘટી ગયા છે. ઉત્તમ દરજ્જાનું સીતાફળ ૬૦થી ૭૦ રૃપિયા કિલોના ભાવે મળે છે. તે સિવાયના સીતાફળ ૨૦ રૃપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. હાલમાં બધે ઠેકાણે સારો વરસાદ પડયો છે. તેથી સીતાફળનું ઉત્પાદન વધ્યું છે. દર વર્ષે બજારમાં સીતાફળની સરેરાશ ૪૦ ગાડીઓ આવે છે, પરંતુ આ વર્ષે ૧૦૦ ગાડીઓ પહોંચી છે. તેથી બજારમાં બધે ઠેકાણે સીતાફળ દેખાઈ રહ્યા છે. બજારમાં ૭૦ સીતાફળ જ જોવા મળી રહ્યા છે. સીતાફળનો માલ દિવાળી સુધી આવો જ રહેશે. પરિણામે સીતાફળપ્રેમીઓ આ વર્ષે મોટા પ્રમાણમાં સીતાફળનો આસ્વાદ લઇ શકશે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં 301 દિવસનું પાણીનો સંગ્રહ

લગભગ 83.22 ટકા પાણી ઉપલબ્ધ, અપર વૈતરણા છલકાવવાની સપાટીથી 2 મીટર છેટું મુંબઇ : મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં ૮૩.૨૨ ટકા એટલે કે ૩૦૧ દિવસનો પાણીનો જથ્થો જમા થતાં મુંબઈગરાને માથે આગામી વર્ષના ચોમાસા સુધી પાણીકાપ નહીં મૂકાય એવી પરિસ્થિતિ છે. આજે જમા થયેલા પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીમાં વધુ છે. ગયા વર્ષે ૭૯.૦૯ ટકા પાણી જમા હતું. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડકસાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા મળીને મુંબઈને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણીનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ સાતેય જળાશય મળીને ૧ ઓક્ટોબરના રોજ ૧૪.૪૭ લાખ મિલિયન પાણી જમા થવું જોઈએ. તેની સામે આજે જળાશયોમાં કુલ ૧૨,૦૪,૫૪૨ મિલિયન લિટર પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. એટલે કે લગભગ ૮૩.૨૨૨ ટકા પાણીનો જથ્થા ઉપલબ્ધ થયો છે. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી ચાર જળાશયો છલકાઈ ગયા છે. એમાં જુલસી, વિહાર, તાનસા અને મોડકસાગરનો સમાવેશ થાય છે. જ્યારે અપર વૈતરણા છલકાવવાની સપાટીથી માત્ર બે મીટર છેટું છે. હાલમાં તાનસામાં ૯૯.૧૦ ટકા, મોડકસાગરમાં ૮૯.૫૭, મિડલ વૈતરણામાં ૮૮.૮૯, અપર વૈતરણામાં ૭૦.૪૬ ટકા, ભાતસામાં ૮૦.૫૫ ટકા, વિહારમાં ૧૦૦ ટકા અને તુલસીમાં ૧૦૦ ટકા પાણી જમા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

તાલિબાનોનું મહિલાઓને સરકારમાં જોડાવા આમંત્રણ

- તાલિબાનના ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત, આધુનિક છબી દર્શાવવા તાલિબાનના નેતાએ મહિલા એન્કરને ઇન્ટરવ્યૂ આપ્યો - તાલિબાનોની ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં વિરોધીઓને પણ માફીની અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાની જાહેરાત - અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેન્કના ગવર્નર દેશ છોડીને ભાગ્યા, અફઘાની કરન્સી 1.7 ટકા ઘટીને 83.50ના સ્તરે ગગડી કાબુલ : તાલિબાનોએ કાબુલમાં સત્તા કબ્જે કર્યા પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો લોકોના પલાયનના ભયાનક દૃશ્યો સર્જાયા પછી તાલિબાનોએ મંગળવારે પોતાની છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી તેને ભૂલાવવા માગતા હોય તેમ તેમણે ઈસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઈન્ટર્વ્યૂ પણ આપ્યો હતો. તાલિબાનના આ ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલાહ મુજાહિદે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહિલાઓને અધિકારો આપવાથી માંડીને વિદેશી દૂતાવાસોને સંરક્ષણ પૂરું પાડવા સહિતની ખાતરી આપી હતી. કોઈપણ લડત વિના અફઘાનિસ્તાનના મોટાભાગના શહેરો પર કબજો જમાવનારા તાલિબાનોએ ૧૯૯૦ના દાયકાના અંતના તેમના અત્યંત ક્રૂર શાસનથી એકદમ વિપરિત પોતાની આધુનિક છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અનેક અફઘાનો તેમની નવી ઈમેજ અંગે શંકાશીલ છે. જૂની પેઢી તાલિબાનની આત્યંતિકવાદી વિચારધારાને યાદ કરી રહી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તે પહેલાં ત્યાં સજા તરીકે પથ્થર મારવા અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી. તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇનામુલ્લા સનમગનીએ પહેલી વખત સંઘીય સ્તરે શાસન તરફથી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં બધા જ અફઘાનીઓને માફી આપવામાં આવશે. દરમિયાન કાબુલમાં અત્યાર સુધી કોઈની હેરાનગતિ કે લડાઈની મોટી ઘટના નોંધાઈ નથી. તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઈમાનુલ્લા સમનગનીની સમગ્ર અફઘાનિસ્તાનમાં મંગળવારે જાહેર માફીની જાહેરાત અસ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ કેવી રીતે શાસન કરશે તેના સંકેત તેમણે સંકેત આપ્યા છે. તાલિબાનના નેતાઓ હજી પણ દેશની ભૂતપૂર્વ સરકારના રાજકીય નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. હજી સુધી સત્તાના હસ્તાંતરણની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. અન્ય તાલિબાની નેતાઓએ કહ્યું કે તેઓ અફઘાન સરકાર અથવા વિદેશી સેનાઓને સાથ આપનારા કોઈની સાથે બદલો લેવા માગતા નથી. સૂત્રો મુજબ તાલિબાનો પાસે સરકારમાં સહકાર આપવા માગતા લોકોની યાદી પણ છે. સમાનગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૪૦ કરતાં વધુ વર્ષોથી સૌથી વધુ મહિલાઓએ પીડા વેઠવી પડી છે. ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન ઇચ્છતું નથી કે હવે મહિલાઓએ પીડાનો સામનો કરવો પડે. તેમણે શરિયા કાયદા હેઠળ સરકારી શાસન પ્રણાલિમાં સામેલ થવા મહિલાઓને આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારનું માળખું હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ અનુભવોના આધારે કહી શકું છું કે તે સંપૂર્ણતઃ ઇસ્લામિક નેતૃત્વવાળું હશે અને બધા પક્ષ તેનામાં સામેલ હશે. આમ તાલિબાને આ વખતે પહેલા કરતાં વલણ દર્શાવ્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું છે. તાલિબાનનું આ વલણ દર્શાવે છે કે તેણે આ વખતે પહેલા કરતાં નરમ મિજાજ અપનાવ્યો છે અને કટ્ટરતાવાદી વલણ સાથે બાંધછોડ કરવાનું વલણ દાખવ્યું છે. જો કે આ ફક્ત તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન છે કે પછી તેને તે વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું છે તે બાબત તો આવનારો સમય જ કહેશે. દરમિયાન અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના એક્ટિંગ ગવર્નર અજમલ અહેમદી પણ તાલિબાનના ડરથી દેશ છોડીને ભાગી ગયા છે. પરિણામે દેશમાં અફઘાની ચલણમાં વિક્રમી કડાકો બોલાયો છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ મંગળવારે અફઘાની ચલણનો ભાવ ડોલરની સરખામણીએ ૧.૭ ટકા ઘટીને ૮૩.૫૦૧૩ પર બંધ રહ્યો હતો. અફઘાનિસ્તાન મુદ્દે પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક 300થી વધુ શીખ-હિન્દુઓએ કાબુલના ગુરુદ્વારામાં આશ્રય લીધો - ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓ ભારત પરત: બે તબક્કામાં 192 ભારતીયોને લવાયા અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે સેંકડો ભારતીયો પણ ત્યાં ફસાઈ ગયા છે. ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલમાં એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. રાહતની બાબત એ છે કે તે બધા જ સલામત છે. બીજીબાજુ કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સહી સલામત ભારત પરત લવાયા છે. દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબજે કરતાં પંજાબમાં લોકો ચિંતિત થઈ ગયા છે. પંજાબ અને દિલ્હી સહિત અનેક જગ્યાના શીખો અને હિન્દુ પરિવારો ત્યાં ફસાયા છે. ત્યાં ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલના એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. તેઓ બધા સલામત છે, પરંતુ ત્યાંના બદલાયેલા વાતાવરણથી ચિંતિત છે. તેમણે ઉમેર્યું કે ગુરુદ્વારામાં તાલિબાનીઓના કેટલાક પ્રતિનિધિ આશ્રય લઈ રહેલા પરિવારોની તપાસ કરવા માટે આવ્યા હતા. તાલિબાનોના પ્રતિનિધિઓએ પણ કાબુલ ગુરુદ્વારા પ્રબંધકોને આશ્વાસન આપ્યું છે કે ત્યાં રહેતા લોકોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ પરજિત સિંહ સરનાએ કહ્યું કે કેન્દ્ર સરકારે તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને અફઘાનિસ્તાનમાં રહેતા શીખ અને હિન્દુ પરિવારોને ભારત લાવવા પ્રયાસો કરવા જોઈએ. બીજીબાજુ કાબુલમાં તાલિબાનોએ સત્તા કબજે કર્યાના બે દિવસ પછી ભારતીય દુતાવાસના બધા જ કર્મચારીઓને ભારતીય હવાઈદળના સી-૧૭ હેવી લિફ્ટ એરક્રાફ્ટમાં ભારત લવાયા હતા. અફઘાનિસ્તાના ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે, અમે બે તબક્કામાં અફઘાનિસ્તાનમાંથી ૧૯૨ ભારતીયોને સ્વદેશ લાવ્યા છીએ. મંગળવારે ૧૨૦ ભારતીયો સાથે વિમાન કાબુલથી રવાના થયું હતું અને વાયા જામનગર નવી દિલ્હી પહોંચ્યું હતું. દરમિયાન અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ પર એક ઉચ્ચ સ્તરી બેઠક બોલાવી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસ અજિત ડોભાલ, નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા. અફઘાનીઓ માટે ભારતે ઈમર્જન્સી ઈ-વિઝા જાહેર કર્યા અફઘાનિસ્તાનમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ભારત આવવા માગતા અફઘાનીઓને છ મહિના માટે ઈમર્જન્સી ઈ-વિઝા આપવામાં આવશે તેમ ભારતે મંગળવારે જાહેરાત કરી હતી. ભારતે જણાવ્યું હતું કે કોઈપણ ધર્મના અફઘાનીઓ 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' માટે ઓનલાઈન અરજી કરી શકશે. અફઘાનિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં વિદેશ મંત્રાલય વિઝા પૂરા પાડશે. તાલિબાનોથી ભયભીત લોકોને આશ્રય આપવા માટે ભારતે ઈલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' રજૂ કરી છે, જે ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીનો ઝડપી નિકાલ લાવશે. ગૃહમંત્રાલયના ્પ્રવક્તાએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતીય મિશન બંધ હોવાથી ઓનલાઈન વિઝા કરી શકાશે અને અરજીઓની તપાસ અને પ્રોસેસ નવી દિલ્હીમાં થશે. શરૂઆતમાં આ વિઝા છ મહિના માટે માન્ય ગણાશે. બાઈડેન સાથે ચર્ચા કરવી અર્થહીન: સાલેહ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા - પંજશીર પ્રાંત ક્યારેય તાલિબાનોના હાથમાં ન આવ્યો, રશિયા અને અમેરિકા પણ કબજો કરી શક્યા નથી અફઘાનિસ્તાનમાં કાબુલ સહિત દેશના મોટાભાગના વિસ્તાર પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. પરંતુ તાલિબાનો નોર્ધર્ન અલાયન્સના પૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસૂદના ગઢ પંજશીર પર ક્યારેય કબજો કરી શક્યા નથી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી જ આવે છે. તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે અને તાલિબાનો સામે લડવા માટે નાગરિકોને ઊભા થવા હાકલ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક સ્થિત આ ઘાટી એટલી ખતરનાક છે કે ૧૯૮૦થી લઈને ૨૦૨૧ સુધી તેના પર તાલિબાનો કબજો કરી શક્યા નથી. એટલું જ નહીં સોવિયેત સંઘ અને અમેરિકાની સેના પણ આ વિસ્તારમાં માત્ર હવાઈ હુમલા જ કરી શક્યા છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને જોતાં તેમણે ક્યારેય કોઈ જમીની કાર્યવાહી કરી નથી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી આવે છે. રાષ્ટ્રપતિ અબ્દુલ ગની ભલે વિદેશ ભાગી ગયા, પરંતુ અમરુલ્લાહ પોતાના ગઢ પંજશીર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામું અથવા મૃત્યુના સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં દેશમાં જ છું અને કાયદેસરનો રાષ્ટ્રપતિ છું. હું ક્યારેય અને કોઈપણ સંજોગોમાં તાલિબાનના આતંકીઓ સામે ઝૂકશે નહીં. હું મારા નાયક અહેમદ શાહ મસૂદ, કમાન્ડર લિજેન્ડ અને ગાઈડના આત્મા અને વિરાસત સાથે વિશ્વાસઘાત નહીં કરું. સાલેહે અમેરિકન પ્રમુખ બાઈડેનની ટીકા કરતાં કહ્યું કે તેમની સાથે ચર્ચા કરવી અર્થહીન છે. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ દૂરથી વિયેતનામી કમ્યુનિસ્ટ જેવા નથી. યુએસ-નાટો હિંમત હારી ગયા છે, પરંતુ અમે હજી જુસ્સો ગુમાવ્યો નથી. સાલેહની પંજશીરથી એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ અનેક લોકો સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે. ઉત્તર-મધ્ય અફઘાનિસ્તાનની આ ઘાટી પર ૧૯૭૦ના દાયકામાં સોવિયેત સંઘ અથવા ૧૯૯૦ના દાયકામાં તાલિબાનો પણ કબજો કરી શક્યા નથી. જોકે, શેર-એ-પંજશીર તરીકે ઓળખાતા અહેમદ શાહ મસૂદને તાલિબાન અને અલકાયદાએ ૯મી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ હત્યા કરી હતી. હવે અહેમદ મસૂદ તેમના પિતાના પગલે તાલિબાનોનો સામનો કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

કાશ્મીરમાં ભાજપના વધુ એક નેતાની હત્યા કરીને આતંકવાદીઓ ફરાર

- કુલગામના ભાજપના અધ્યક્ષને આતંકીઓએ ગોળી મારી - હુમલાખોર આતંકીઓની શોધખોળ જારી, ઓમર અબ્દુલ્લાએ ઘટનાને વખોડી, નેતાઓની સુરક્ષા વધારાઇ શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હાલમાં જ ભાજપના એક સરપંચ અને તેમની પત્નીની પણ ગોળી મારીને આતંકીઓએ હત્યા કરી હતી ત્યારે હવે આ ઘટના સામે આવી છે. જેને પગલે નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના પર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ નારાજગી વ્યક્ત કરી છે સાથે જ આતંકી હુમલાની નિંદા કરી હતી અને માર્યા ગયેલા નેતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે કુલગામમાં હોમશાલિબાગના સ્થાનિક અધ્યક્ષ જાવેદ અહમદ ડારની આતંકીઓએ હત્યા કરી દીધી છે. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. હાલ કાશ્મીરમાં ભાજપના નેતાઓ આતંકીઓના નિશાના પર વધુ છે. થોડા દિવસ પહેલા જ ભાજપના નેતા અને સરપંચ ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ગુલામ ડાર ભાજપના કિસાન મોર્ચાના જિલ્લા અધ્યક્ષ પણ હતા. જોકે આતંકીઓ આ નેતાઓની કેમ હત્યાઓ કરી રહ્યા છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી. હાલ નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આતંકીઓની શોધખોળ પણ ચાલી રહી છે. કાશ્મીરમાં બે વર્ષમાં અમારા ૨૩ કાર્યકર્તાઓની હત્યા થઇ : ભાજપ જમ્મુ કાશ્મીરમાં ભાજપના નેતાઓની હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. એવામાં કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં ભાજપના ૨૩ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. મોટા ભાગની હત્યાઓ આતંકીઓ દ્વારા કરાઇ છે. જ્યારે જે ૨૩ લોકોની હત્યા કરવામાં આવી છે તેમાંથી નવ કુલગામમાં જ કરવામાં આવી છે. આ નવ હત્યાઓ માત્ર એક જ વર્ષમાં કરવામાં આવી છે અને તેમાં આતંકીઓનો હાથ છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 17 કેસ નોંધાયા, કુલ 179 એક્ટિવ કેસ

ગાંધીનગર, 17 ઓગસ્ટ 2021 મંગળવાર રાજ્યમાં કોરોના સંક્રમણ હવે સમાપ્ત થવા તરફ છે, ધીરે-ધીરે કેસ પણ ઘટી રહ્યા છે. આજે કોરોનાનાં માત્ર 17 કેસ જ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 179 એક્ટિવ કેસ છે, જ્યારે 06 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. તો 173 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,956 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. તેથી કુલ મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 કેસનો સમાવેશ થાય છે રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,574 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,20,735 નાગરિકોને રસીનો પ્રથમ અને 71,144 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,56,150 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 40,069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે રસીનાં કુલ 5,92,708 ડોઝ લગાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ 4,12,21,618 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 10:16 pm

અફઘાનિસ્તાનનાં ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા

કાબુલ, 17 ઓગસ્ટ 2021 મંગળવાર અફઘાનિસ્તાનનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. મંગળવારે એક ટ્વિટમાં સાલેહે જણાવ્યું કે અફઘાનિસ્તાનનાં બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, ભાગી જવું, રાજીનામું અથવા મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી પ્રમુખ બને છે. હું હાલમાં મારા દેશમાં અને કાયદેસર રખેવાળ પ્રમુખ છું. હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સર્વ સહમતી માટે સંપર્ક કરી રહ્યો છું. આ ટ્વીટ પહેલા એક ટ્વિટમાં સાલેહે કહ્યું હતું કે અમેરિકાં પ્રમુખ સાથે અફઘાનિસ્તાન અંગે ચર્ચા કરવી નકામી છે. તેમને આ બધું પચાવી લેવા દો. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ ક્યાંયથી વિયેત કોંગ નથી. યુએસ-નાટોથી વિપરીત, આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી અને આપણે આપણી સામે અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. નકામો વિરોધ સમાપ્ત થઇ ગયો છે. પ્રતિકારમાં જોડાઓ. Clarity: As per d constitution of Afg, in absence, escape, resignation or death of the President the FVP becomes the caretaker President. I am currently inside my country & am the legitimate care taker President. Am reaching out to all leaders to secure their support & consensus. — Amrullah Saleh (@AmrullahSaleh2) August 17, 2021

ગુજરાત સમાચાર 17 Aug 2021 9:28 pm

ભારત માટે પડકાર : તાલિબાન જોડે ચીન અને પાક.ની ખંધી રાજનીતિ

- કાશ્મીરને હડપવા હવે લશ્કર એ તોઇબા અને 'જૈશ' નવેસરથી વધુ મજબૂત બનશે - ચીન તાલિબાનીઓને શસ્ત્ર અને ફંડ સહિતનું પીઠબળ પૂરું પાડી અમેરિકા અને ભારત એમ એક કાંકરે બે પક્ષીને નિશાન બનાવશે - ભારતે તેના હિતોની એશિયામાં અને અફઘાનિસ્તાનમાં રક્ષા થાય તેને વધારે પ્રાધાન્ય આપવું પડશે - પાકિસ્તાનમાં પશ્તુન અને બલોચ વધુ ઉગ્ર બનશે : આંતરિક વિગ્રહનો ભય નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબ્જો લીધા પછી અમેરિકા સહિતના પશ્ચિમના રાષ્ટ્રો અને એશિયાના દેશોની રાજનીતિ નવો વળાંક લેશે. ભારતને માટે ફૂટનીતિની કસોટી થશે કેમ કે ચીન અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લઈને ભારતની ભીંસ વધારશે. ભારતને કાશ્મીર તેમજ આંતરિક સુરક્ષા સામે પણ ખતરો વધ્યો છે. પહેલી નજરરનું વિશ્લેષણ કંઈક આવું થઈ શકે તેમ છે. તાલિબાને ભારત સરકારને ખાતરી આપી છે કે અમે સત્તા પર આવીશું તે પછી ભારતે ચિંતા કરવા જેવી નથી અમે કાશ્મીર કે ભારતની ઘરેલુ નીતિમાં માથુ મારવાના નથી. અમને માત્ર અમારા દેશ અફઘાનિસ્તાનમાં અમારા સિદ્ધાંતો સાથે શાસનમાં રસ છે. ભારતે પણ અન્ય પાડોશી દેશોની જેમ તાલિબાન સરકારને વ્યૂહાત્મક રીતે આવકારવી જ પડશે. આમ પણ તાલિબાનના નેતાઓએ અફઘાનિસ્તાન કબજે કર્યા અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે અમે સત્તાની ધૂરા સંભાળી છ મહિના માટે વચગાળાની સરકાર નિયુક્ત કરીશું અને વિશ્વનું અને અફઘાનિસ્તાનના નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરતા બતાવીશું કે અમારી જોડે રાજકીય સંબંધ રાખવામાં કોઈ અસલામતિ નથી. અમે શરિયા ચોક્કસ લાગુ કરીશું પણ સાથે સાથે છેલ્લા ૨૦ વર્ષની સરકારે જે પણ પ્રગતિજનક નિર્ણયો લીધા હશે તેનો સ્વીકાર પણ કરીશું. પશ્ચિમના દેશો પણ આથી જ તાલિબાનની સરકારના છ મહિનાનું શાસન કઇ રીતનું રહે છે તે જોવા માટે હાલ તાત્કાલિક તેઓની વિરૂધ્ધ કોઇ નિવેદન નથી કરતા. ભારતે એવી સાવધાની રાખવાની છે કે અમેરિકા અને યુરોપીય દેશોએ ભૂતકાળમાં તાલિબાનની સરકારને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો તેવું કદાચ તેઓ ફરી વખત પણ વલણ અપનાવે તો પણ તેઓએ તેમની સરહદી તેમજ કાશ્મીર અને ઘરેલુ નીતિની રક્ષા કરવાની છે. ચીન અને પાકિસ્તાનની સરકાર લૂચ્ચી રણનીતિ અપનાવીને તેમનો સ્વાર્થ સાધશે. ચીનને ખબર છે કે અમેરિકા અને યુરોપિય દેશો તાલિબાનને સમર્થન આગળ જતા નહીં જ આપે. તાલિબાનને પણ અમેરિકા પ્રત્યે અવિશ્વાસ રહેવાનો જ છે કે ભવિષ્યમાં તેઓ ફરી અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલી જ શકે. આથી ચીન અમેરિકાની પરેશાની વધારવા અત્યારથી જ તાલિબાન સરકારના આગમનને વધાવી ચૂકયું છે. યાદ રહે અફઘાનિસ્તાન મધ્ય અને દક્ષિણ એશિયામાં મોકાનો દેશ છે. તેની પૂર્વ અને દક્ષિણ સરહદે પાકિસ્તાન, પશ્ચિમે ઇરાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તેમજ ઉત્તર-પૂર્વમાં ચીન છે. ચીન મધ્ય અને દક્ષિણ એશિયા પરના અફઘાનિસ્તાનનું હવે લાલન પાલન કરી અમેરિકાને અને ભારત બંનેની ઉંઘ હરામ કરી શકશે. અમેરિકા ઇરાન પર નજર રાખવા પણ અફઘાનિસ્તાનમાં સૈન્ય ખડકતુંં રાખવું પણ હવે તે પણ શક્ય નહીં બને. ઇરાન બેરોકટોક વધુ મજબુત બનશે અને ચીન આવા અમેરિકન વિરોધી દેશોની જોડે બેસીને ધરી રચશે. ચીન તાલિબાનીઓને આર્થિક તેમજ સૈન્યથી મદદ કરીને અમેરિકા સામે વધુ મજબુત બનાવશે. આ જ ચીન તે પછી તાલિબાનને ભારત પર ભીંસ વધારવા ઉગ્રવાદીઓને પણ પીઠબળ પુરુ પાડી શકે છે. ચીનની આવી ડ્રેગન ખંધાઈને લીધે પાકિસ્તાન ઈચ્છે છે કે બગાસુ ખાતા તેઓના મોંમાં પતાસુ આવી જાય. પાકિસ્તાનને પોતાનો દેશ ભીખારી ભલે બને પણ તેઓનો તો ડોળો કાશ્મીર પર જ મંડાયેલો છે. જો ભારતની સરહદ પર દબાણ સર્જાતુ હોય તો પાકિસ્તાન તાલિબાન રાજને લીધે તેઓનો દેશ પણ વર્ગવિગ્રહમાં ધકેલાઈ શકે તેની પરવા ન કરે તેવું પણ બને. તાલિબાનીઓ જો શરિયાનો અમલ ઈસ્લામ દેશો કરે તેવો મનસુબો સેવશે તો પાકિસ્તાન તેઓનું પહેલું નિશાન હશે. ભારતે ચીન અને પાકિસ્તાન તેમના ઈરાદામાં સફળ ન થાય તેને નજરમાં રાખીને પણ તાલિબાન સરકાર બાબત હાલ ત્વરિત કોઈ સ્ટેન્ડ લેવાની જરૂર નથી. તટસ્થ અને સાક્ષીભાવ કેળવવાનો છે. અમેરિકાએ તાલિબાનોને ઠેકાણે પાડયા હતા તે અગાઉ જ્યારે તાલિબાનની સરકાર હતી ત્યારે ભારત સરકાર તેઓને માન્યતા આપવામાં સૌથી છેલ્લી હતી. ભારતે યાદ રાખવાની જરૂર છે કે અમેરિકા, રશિયા, ચીન બધા પોતાનો સ્વાર્થ સાધે છે. અમેરિકાએ જ '૯૦ના દાયકામાં તાલિબાનોને રશિયા સામે ઉભા કર્યા હતા. એ જ અમેરિકાએ તેઓ પર સકંજો સાધ્યો હતો. હવે અમેરિકા ફરી તાલિબાનોને છૂટ્ટો દોર આપતા સૈન્ય પાછું ખેંચી લે છે. રશિયા અને ચીન કોઈને હ્યુમન રાઈટ્સની પરવા નથી કરતું. ભારતે જમ્મુ-કાશ્મીર સરહદે વધુ સાવધ રહેવું પડશે કેમ કે સરકારે તઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વધુ ઘાતક બની શકે છે. તાલિબાનીઓએ જે રીતે સરકાર કબ્જે કરી તેમ તેઓ કાશ્મીરમાં કરવા માટેની યોજના બનાવી શકે તેવો ભય અસ્થાને નથી. ઈરાનમાં કટ્ટરપંથી પરિબળો પણ ઉગ્રતા ધારણ કરી શકે છે. ભારતના ઈરાન, રશિયા કે ટર્કી જોડેના સંબંધો પણ ઉષ્માભર્યા નથી. ભારતને આ મહિને જ યુનાઈટેડ નેશન્સ સીક્યોરીટી કાઉન્સિલના પ્રમુખ તરીકેનો વારો આવ્યો છે ત્યારે તેઓ અફઘાનિસ્તાનની બદલાયેલી નેતાગીરી બાબત તેમના સૂચનો અને અપેક્ષાઓ વિશ્વમંચ પર મૂકવાની તક પણ ધરાવે છે. રશિયા પણ તાલિબાન સરકાર આવતા પાકિસ્તાન જોડે નજીક આવવાની રણનીતિ અખત્યાર કરશે. ભારતે અફઘાનિસ્તાનની નોન-તાલિબાન સરકારને પ્રગતિશીલ બનાવવા રોડ, બ્રીજ હોસ્પિટલ અને સંસદ ખાતે નોંધપાત્ર ફંડ પુરું પાડયું છે. ભારત સરકારનું પ્રથમ ધ્યેય તો એ જ હોવું જોઈએ કે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા ભારતના હિતોને નુકસાન ન પહોંચે. તાલિબાન સરકારના શાસનમાં અફઘાનિસ્તાન જોડેનો વેપાર કરાચી, ગ્વાદરથી થશે. યાબાહર બંદરના વિકાસ માટે કરેલ મોટો ખર્ચ હવે તેનો હેતુ પાર ન પણ પાડે. પાકિસ્તાનને એવો ડર છે કે ભારત પાકિસ્તાનના પશ્તુન અને બલોચને હવે વધુ પાકિસ્તાન વિરોધી મોરચો ખોલવા પાકા પાયાની ભુમિકા ભજવશે જ્યારે તાલિબાનીઓ પણ આવી જ રણનીતિ અપનાવી પાકિસ્તાન પર પકડ જમાવશે. ભારતે સાવધાનીથી 'વેઈટ એન્ડ વૉચ'ની નીતિ અપનાવવાની છે. ચીન અને પાકિસ્તાનને વધુ મજબુત બનતા અટકાવવાના છે અને સાથે તેમની સરહદો પણ સુરક્ષિત રાખવાની છે. અફઘાનિસ્તાનના પતનનો ઘટનાક્રમ ૧૪ એપ્રીલ, ૨૦૨૧ : અમેરિકાના પ્રમુખ જો બાઇડેને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત બોલાવવાની જાહેરાત કરી હતી. ૧ મે, ૨૦૨૧ : અમેરિકાએ પોતાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પરત અમેરિકા લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ૧૦ મે, ૨૦૨૧ : તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન સૈન્ય પર હુમલા શરૂ કરી દીધા, અનેક બોમ્બ બ્લાસ્ટ કર્યા. ૬ જુલાઇ, ૨૦૨૧ : અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના સૌથી મોટા સૈન્ય ઇન્સ્ટોલેશનને બલગ્રામ એરફીલ્ડમાંથી પરત લઇ લીધું. ૬ ઓગસ્ટ, ૨૦૨૧ : અનેક નાના ગામો અને જિલ્લાઓ બાદ અફઘાનિસ્તાનના પ્રાંતો તાલિબાનના હાથમાં જવાનું શરૂ થઇ ગયું. ૮ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનના પ્રાંતોની રાજધાની સર-એ-પુલ, કુંદુઝ અને તાલોકાન તાલિબાનના હાથમાં આવી ગયા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ : બદક્શન અને બઘલાન પ્રાંતની રાજધાની તાલિબાનના કબજામાં આવી ગઇ. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર તાલિબાને કબજો કરી લીધો. કાબુલ તરફ આગળ વધ્યું. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનનું ચોથુ સૌથી મોટુ શહેર મઝર-એ-શરીફ તાલિબાનના હાથમાં આવી ગયું. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાની આતંકીઓએ કબજો કરી લીધો, રાષ્ટ્રપતિ ગની દેશ છોડી જતા રહ્યા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો, લોકો એરપોર્ટ તરફ ધસી આવ્યા, દેશ છોડવા માટેના પ્રયાસો તેજ થયા. તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાના આતંકીઓને તૈનાત કરી દીધા.

ગુજરાત સમાચાર 17 Aug 2021 2:30 am

ગુજરાતમાં નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2021 સોમવાર રાજ્યમાં આજે કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી તેથી કુલ મૃત્યુંઆંક 10,078 પર સ્થિર છે. હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 177 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, તે સાથે જ અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 32 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,250 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 92,212 નાગરિકોને રસીનો પ્રથમ અને 57,964 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,77,981 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે રસીના કુલ 4,58,824 ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4,06,38,910 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ગુજરાત સમાચાર 16 Aug 2021 11:47 pm

અફઘાન હિંદુઓ અને શીખોને ભારતમાં આવવા માટે મદદ કરીશું: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2021 સોમવાર અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવા અંગે સરકારનું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે કાબુલથી કોમર્શિયલ વિમાન સેવા શરૂ થયા બાદ અફઘાનિસ્તાનના હિન્દુઓ અને શીખોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારતે કહ્યું કે તે તેના અફઘાન સાથીઓની સાથે ઉભું રહેશે અને તેના હિતો તેમજ તે દેશમાં ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કાબુલ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ્સને સ્થગિત કરવાથી ભારત પરત ફરવાના પ્રયાસો અટકી ગયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન લડવૈયાઓ રવિવારે કાબુલમાં પ્રવેશ્યા હતા. આ સાથે બે દાયકા સુંધી ચાલેલા લોહિયાળ સંઘર્ષનો આશ્ચર્યજનક અંત આવ્યો જેમાં અમેરિકા અને તેના સાથીઓએ દેશમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાગચીએ કહ્યું કે અમે અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત પરત આવવા માટે સુવિધા પહોંચાડી છું. તેમણે કહ્યું કે ઘણા અફઘાન છે જેઓ પરસ્પર વિકાસ, શૈક્ષણિક અને લોકોથી લોકોના સંપર્કના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે ભારતના સાથી રહ્યા છે અને ભારત તેમની સાથે ઉભું રહેશે. બાગચીએ કહ્યું કે ભારત લોકોના પરત ફરવાની પ્રક્રિયા ફરી શરૂ થાય તે માટે ઉડાનોની રાહ જોઈ રહ્યું છે. બાગચીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ છે. તેમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે ... ભારત સરકાર અફઘાનિસ્તાનનાં તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહી છે. બાગચી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ દેશનો કબજો સંભાળ્યા બાદ પરિસ્થિતિ અંગે મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

ગુજરાત સમાચાર 16 Aug 2021 11:14 pm

ગુજરાતનાં આ 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ લંબાવાયો, જાણો શા માટે ?

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે અને કોરોનાનાં કેસમાં પણ દરરોજ નોંધાતા નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજું પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઇ રહ્યો છે, એવામાં રાજ્યની વિજય રૂપાણીની સરકારે ગુજરાત ના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં રાત્રિ કરફ્યૂ આગામી 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. ગુજરાતના આ 8 મોટા શહેરોમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લંબાવવાનો નિર્ણય આગામી દિવસોમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા રાજ્ય સરકારે 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

ગુજરાત સમાચાર 15 Aug 2021 10:23 pm

ગુજરાતમાં કોરોનાનાં આજે 16 નવા કેસ, વૅક્સિનેશનનો કુલ આંક 4 કરોડને પાર

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ઘટી રહ્યું અને આ સાથે જ બીજી લહેર પણ વિદાય લેતી જણાય છે, આજે કોરોનાનાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત નથી થયું. તેથી કુલ મૃત્યુઆંક 10078 પર સ્થિર છે. આજે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,14,921 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત જોઇએ તો આજે વડોદરા શહેરમાંથી સૌથી વધુ 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે, જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે વિગતો જોઈએ તો, આજે રાજ્યમાં 3,73,162 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વૅક્સિનેશનનો કુલ આંકડો 4 કરોડને વટાવી ગયો છે.

ગુજરાત સમાચાર 15 Aug 2021 9:32 pm

બીજા વિશ્વયુદ્ધ બાદ શોષણખોર રાષ્ટ્રો નબળા પડતા 31થી વધુ દેશ આઝાદ થયેલા

- 16મી સદીમાં ઑદ્યોગિક ક્રાંતિને પગલે યુરોપમાં કાચા માલની જરૂર ઊભી થઈ અને લખાઈ ગયો સંસ્થાનવાદનો કલંકિત ઈતિહાસ - દુનિયા પર એ જ લોકો રાજ કરે છે, જેનું વિજ્ઞાાન પર પ્રભૂત્વ છે અને જે આર્થિક રીતે સમૃદ્ધ છેઃ આપણે અંગ્રેજોની જેમ કોઈનું શોષણ નથી કરવું, પરંતુ આપણું વજન બનાવી રાખવા વિજ્ઞાાન અને ઇકોનોમી આ બે દિશામાં સતત મજબૂત બનવું જરૂરી માનવજાતિનો ઈતિહાસ શોષણનો ઈતિહાસ છે, એવું કાર્લ માર્ક્સે કહેલું. આદિમ યુગના માણસ અને આજના માણસ વચ્ચે કોઈ એક સામ્ય હોય તો તે છે લડત. માણસ પહેલા અનાજ માટે લડતો, પછી જમીનો માટે લડતો થયો. માણસ પહેલા પેટ માટે લડતો હતો, પછી મન માટે લડતો થયો. પેટ ભરવા માટે તો યુરોપમાં પૂરતા સંસાધનો હતા, પરંતુ તેનાથી તેમનું મન ભરાતું નહોતું, લાલસા સંતોષાતી નહોતી એટલે તેમણે એક પછી એક દેશોને વેપારના બહાને ગુલામ બનાવવાનું શરૂ કર્યું. કોઈ કહે છે કે એ દૂષ્ચક્રનો બીજા વિશ્વયુદ્ધ પછી અંત આવ્યો તો કોઈ કહે છે કે એ દૂષ્ચક્ર આજે પણ કોઈને કોઈ સ્વરૂપમાં ચાલુ છે. યુરોપમાં ૧૬મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછી યુરોપિયન દેશોને કાચા માલની જંગી જરૂરિયાત ઊભી થઈ. તે મેળવવા માટે વેપારીઓ દરિયાઈ માર્ગે વિવિધ દેશોની સફરે નીકળી પડયા. કાળક્રમે તે સફર અનેક રાજ્યો, દેશો, પ્રદેશો માટે ગુલામીના ઈતિહાસનું કારણ બની. ફ્રેન્ચો, સ્પેનિશો, પોર્ટુગીઝો, ડેનિશો અને વલંદાઓ (ડચ)એ જુદા-જુદા દેશોમાં વેપારના બહાને ઘૂસી ધીમે-ધીમે તેમને ગુલામ બનાવી દીધા. ગુલામીની આ બેડી ત્રણ સદી પછી એટલે કે બીજા વિશ્વ યુદ્ધના અંત પછી તૂટવાની શરૂઆત થઈ. ભારત અને તેના જેવા બીજા દેશો આઝાદ થયા તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું પૂરેપૂરું યોગદાન હતું, સાથોસાથ આઝાદીનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ બીજું વિશ્વ યુદ્ધ પણ હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક રીતે અને સૈન્યની દ્રષ્ટિએ ખુવાર થઈ ગયેલા યુરોપિયન દેશો માટે અન્ય દેશો પર રાજ કરવાનું સરળ રહ્યું નહોતું એટલે જ એક પછી એક દેશ આઝાદ થતાં ગયા. ભારત ૧૯૪૭માં આઝાદ થયું, વિયેતનામ ૧૯૪૫માં, શ્રીલંકા ૧૯૪૮માં, ફિલિપાઈન્સ ૧૯૪૬માં, ઓમાન ૧૯૫૬માં, મ્યાંમાર ૧૯૪૮માં, માલદીવ ૧૯૬૫માં, મલેશિયા ૧૯૫૭માં, દક્ષિણ કોરિયા ૧૯૪૮માં, જોર્ડન ૧૯૪૬માં અને કંબોડિયા ૧૯૫૩માં. કંબોડિયા ૧૮૬૩થી ફ્રાંસના તાબામાં હતું. ૯મી નવેમ્બર ૧૯૫૩ના રોજ તેણે આઝાદી મેળવી. ફિલિપાઈન્સ પર સ્પેનનું રાજ હતું. ટ્રીટ્રી ઓફ મનીલા અંતર્ગત તેણે ૪થી જૂલાઈ ૧૯૪૭ના દિવસે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તે ૧૮૯૮થી સ્પેનના તાબા હેઠળ હતું. ૪૯ વર્ષના સંઘર્ષ પછી તેણે મુકિતનું અજવાળું જોયું. વિયેતનામે ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. તે ૧૮૮૭થી ફ્રાંસના કબજામાં હતું. મલય રાજ્યોને ૧૭મી સદીથી યુરોપિયન દેશો ધમરોળતા હતા. ૩૧મી ઓગસ્ટ ૧૯૫૭ના રોજ તેણે બ્રિટનના તાબામાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. વિવિધ મલય રાજ્યો ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૩ના રોજ ફેડરેશન ઑફ મલાયા હેઠળ સંગઠિત થયા અને મલેશિયા દેશનો ઉદય થયો. ૧૯૨૦થી જોર્ડન બ્રિટનના તાબા હેઠળ હતું. ૨૫ મે, ૧૯૪૬ના રોજ તેણે મુક્તિ મેળવી. કોરિયન દ્વિપકલ્પ પર ૧૯૧૦થી જાપાનનું રાજ હતું. તેનો અંત ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આવ્યો. કોરિયન દ્વિપકલ્પે જાપાનના રાજમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યા બાદ તેનો ઉત્તર ભૂ ભાગ રશિયાએ કબજે કરી લીધો અને દક્ષિણ ભાગ અમેરિકાએ. ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ બન્યો. ૯મી સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ઉત્તર કોરિયા સ્વતંત્ર બન્યું. લેબેનોન ૨૩ વર્ષ સુધી ફ્રાંસના કબ્જા હેઠળ હતું. ૨૨ નવેમ્બર ૧૯૪૩ના રોજ તેને આઝાદી મળી. માલદીવ યુ.કે.ની ગુલામીમાંથી ૨૬મી જૂલાઈ ૧૯૬૫માં મુક્ત થયું. ૧૬મી સદીથી જ ત્યાં પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ વેપારીઓનું આગમન શરૂ થઈ ગયેલું. બ્રિટિશરોએ ૧૭૯૬માં માલદીવમાંથી ડચને હાંકી કાઢી અને અંકુશમાં લઈ લીધું હતું. ઓમાને પોર્ટુગીઝની ગુલામીમાંથી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૬ના રોજ મુક્તિ મેળવી. સિંગાપોર મલય રાજ્યો સાથે જોડાયેલું હતું. ૯મી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ તે સ્વતંત્ર દેશ બન્યો. ભારતની જેમ શ્રીલંકાને પણ વિવિધ યુરોપિયન શક્તિઓએ ધમરોળ્યું હતું. ૧૯મી સદીની શરૂઆતથી તે બ્રિટનના કબજામાં હતું. ૪ ફેબુ્રઆરી ૧૯૪૮ના રોજ તેને ડોમીનિયન રાજ્ય તરીકે મુકિત મળી. ૨૨ મે ૧૯૭૨ના રોજ તે રિપબ્લીક ઓફ શ્રીલંકા બન્યું. બીજા વિશ્વ યુદ્ધ દરિમયાન શ્રીલંકા પશ્ચિમી દેશો માટે મહત્ત્વપૂર્ણ મિલિટરી એર બેઝ હતું. મકાઉ એક સમયે બ્રિટિશ મકાઉ હતું, હોંગકોંગ બ્રિટિશ હોંગકોંગ હતું. આજે આ બંને પ્રાંતો ચીનના તાબામાં છે. સાયપ્રસ એક સમયે બ્રિટિશ સાયપ્રસ હતું. કંબોડિયા અને લાઓસ ફ્રેન્ચ ઈન્ડોચાઈના તરીકે ઓળખાતા. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જાપાનીઝ કોરિયા હતા. શ્રીલંકા બ્રિટિશ સિલોન હતું. મ્યાંમાર બ્રિટિશ બર્મા હતું. ભારત અને પાકિસ્તાન બ્રિટિશ ઇંડિયા હતા. વિયેતનામ પણ ફ્રેન્ચ ઈન્ડોચાઈનાનો ભાગ હતું. ઇન્ડોનેશિયા ડચ ઈસ્ટ ઈન્ડીઝ અને એમ્પાયર ઓફ જાપાન વચ્ચે વહેંચાયેલું હતું. ફિલિપાઈન્સ સ્પેનિશ ઈસ્ટ ઈન્ડીઝ હતું. બીજા વિશ્વ યુદ્ધમાં ઈટલીનો પરાજ્ય થતાં તેણે આફ્રિકામાં ગુલામ બનાવેલા દેશો ઇથિયોપિયા, લિબિયા, એરીટ્રીયા અને સોમાલિયાને મુક્ત કરવા પડયા. ઈથીયોપિયા ૧૯૪૭માં મુક્ત થયું, લિબિયા ૧૯૫૨ની ૧લી જાન્યુઆરીએ આઝાદ થયું, એરીટ્રીયાને ઈથિયોપિયામાં ભેળવી દેવાયું હતું, જેમાંથી તે ૧૯૯૧માં સ્વતંત્ર થયું. મોરોક્કો ૮ વર્ષના યુદ્ધ પછી ૨ માર્ચ ૧૯૫૬ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્ત થયું. બીજા વિશ્વયુદ્ધ પછી અલ્જિરિયા અને ટયુનિશિયાએ પણ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. ૧૯૬૦માં બેલ્જિયમે કોંગોને સ્વતંત્ર કરી દીધું. પોર્ટુગલે ૧૯૭૪માં આફ્રિકન કોલોનીઓને આઝાદી આપી. ૧૯૫૬થી ૧૯૭૫ વચ્ચે મોરોક્કોના ઉત્તર ભાગ, ગીની અને પશ્ચિમ સહારાને સ્પેનના અત્યાચારી શાસનમાંથી છૂટકારો મળ્યો. ચાર સદીના ઈતિહાસનું વિહંગાવલોકન કરતાં સમજાય છે કે ઔદ્યોગિક ક્રાંતિએ સંસ્થાનવાદનો પાયો નાખ્યો હતો બીજા વિશ્વ યુદ્ધે શોષણની આ ઇમારતને જર્જરિત કરી નાખી. આઝાદ થવું અઘરું છે. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બધા દેશો કંઈ ચાલતા, દોડતા કે ઊડતા શીખી શક્યા નથી. આમાંના ઘણાં ખરા ગૃહયુદ્ધની આગમાં હોમાઈ ગયા છે. ઘણાં બધાં ગોથું ખાઈને એવા પડી ગયા છે કે ક્યારે ઊભા થશે એ કહેવું મુશ્કેલ છે. ગુલામીનો આ ઇતિહાસ સમજાવે છે કે વિશ્વમાં નબળા પર સબળા રાજ કરે છે. ડીકોલોનાઈઝેશન પછી આ સત્ય બદલાય ગયું નથી. આજે પશ્ચિમી દેશો અને ચીન દુનિયા પર પરોક્ષ રીતે રાજ કરી રહ્યા છે. માત્ર દેશ ગુલામીમાંથી મુક્ત થઈ જાય એ પૂરતું નથી. દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવું પડે. ચાહે તે આર્થિક હોય, સામાજિક હોય કે વૈચારિક હોય. જે જૂનું છે અને શ્રેષ્ઠ છે તેને જાળવી રાખવાની સાથે જે નવું છે તેને સમજવા સ્વીકારવા માટે આંખ, કાન અને મગજ ખુલ્લા રાખવા પડે. ભલે આપણે સજ્જન અને ઉદાર છીએ એટલે આપણે વિશ્વ પર રાજ કરવા માગતા નથી, પણ બીજા આપણા પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે રાજ ન કરી જાય તે માટે શક્તિની સાધના જરૂરી છે. આપણે અહિંસાવાદી હોઈએ તો પણ નખ અને ફુંફાડો રાખવા આવશ્યક છે. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ વિજય સરઘસ કાઢયું. તે જોવા માટે મોટી સંખ્યામાં ભારતીયો એકત્રિત થયેલા. એક અંગ્રેજ લેખકે લખ્યું, જેટલા ભારતીયો વિજય સરઘસ જોવા એકત્રિત થયા એટલા યુદ્ધ ભૂમિમાં લડવા આવ્યા હોત તો અમે હારી જાત. આપણે ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોના ગુલામ બન્યા અને ૧૯૪૭માં આઝાદ થયા. એ પછીના ૭૫ વર્ષમાં આપણે શું પ્રાપ્ત કર્યું એ વિચારવાનો આજનો દિવસ છે. ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચવાનું છે અને હજી કેટલું અંતર બાકી છે એનું આત્મ નિરીક્ષણ કરવાનો અવસર છે. ઘણા બધા દેશો કરતા આપણે સારું કરી શક્યા છીએ, કિન્તુ હજી શ્રેષ્ઠ કરવાનું બાકી છે. ૧૬મીથી ૨૦મી સદી દરમિયાન વિશ્વ પર રાજ કરનારા દેશોમાં જબરદસ્ત ઔદ્યોગિક ક્રાંતિ થયેલી. હજારો-લાખોની સંખ્યામાં વૈજ્ઞાાનિક સંશોધનો થયેલાં. આજે પણ વિશ્વ પર રાજ કરતાં અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો આર્થિક અને વૈજ્ઞાાનિક રીતે સમૃદ્ધ છે. તે દર્શાવે છે કે વૈશ્વિક શક્તિ બનવું હોય તો જીવનમાં વૈજ્ઞાાનિક અભિગમ કેળવવો ખૂબ જરૂરી છે. વિજ્ઞાાન અને નવી ટેકનોલોજીની સાધના જ તમને દુનિયા પર રાજ કરવા લાયક બનાવી શકે છે. વિજ્ઞાાન તથા નવી ટેકનોલોજીની સાધના થકી જ આર્થિક સમૃદ્ધિનું શિખર સર કરી શકાય એમ છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આઝાદીના અમૃત મહોત્સવની શુભકામનાઓ. વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા 31 દેશો ક્રમ નામ વર્ષ 1 ભારત 1947 2 પાકિસ્તાન 1947 3 ઓસ્ટ્રેલિયા 1955 4 વિએટનામ 1945 5 શ્રીલંકા 1948 6 ફિલિપાઈન્સ 1946 7 ઓમાન 1956 8 મ્યાંમાર 1948 9 માલદીવ્સ 1965 10 મલેશિયા 1957 11 દક્ષિણ કોરિયા 1948 12 જોર્ડન 1946 13 કંબોડિયા 1953 14 ઈથિયોપિયા 1947 15 લિબિયા 1952 16 મોરોક્કો 1956 17 કોંગો 1960 18 કોમોરોસ 1975 19 ડોમેનિકા 1978 20 પૂર્વ તિમોર 2002 21 એરિટ્રિયા 1991 22 ઈસ્ટવાનિટિ 1968 23 ઘાના 1957 24 ગ્રેનેડા 1974 25 ગુયાના 1966 26 ઈન્ડોનેશિયા 1945 27 ઈઝરાયેલ 1948 28 આઈવરીકોસ્ટ 1960 29 જમૈકા 1962 30 કેન્યા 1963 31 માડાગાસ્કર 1960

ગુજરાત સમાચાર 15 Aug 2021 7:00 am

રાષ્ટ્રભક્તોનું સ્મરણ અને નમન કરવાનો સમય એટલે આઝાદીનો અમૃત મહોત્સવ: CM વિજય રૂપાણી

જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે આજે સાંજે રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દેશ માટે શહીદી વહોરી આઝાદી અપાવનાર રાષ્ટ્રભક્તોને સ્મરણ કરી તેને નમન કરવાનો સમય છે. જયારે રાજ્યપાલે જૂનાગઢ પવિત્ર, ભલા અને શ્રેષ્ઠ લોકોની ભૂમિ છે. જયાં જેનો જન્મ થયો તે ભાગ્યશાળી છે. આવતીકાલે ૧૫ ઓગષ્ટના સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે રાજ્યપાલ આચાર્ય દેવજીવન, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇએ નરસિંહ મહેતાની નગરી અને ગિરનારની પવિત્ર ભૂમિ પરથી લોકોને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. બાદમાં તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે હાલ આપણે આઝાદીના ૭૫ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. જેના લીધે આઝાદીની મુકત હવા લોવાની તક મળી છે તેવા રાષ્ટ્રભક્તો અને વીર શહીદોને સ્મરણ કરી તેઓને નમન કરવાનો સમય છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, સ્વરાજ મળી ગયું. આપણે સુરાજ્ય તરફ આગળ વધવાનું છે. રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરે છે. તેમાં કલાઇમેટ ચેન્જની વાત હોય, પાણી, હેપ્પીનેસ ઇન્ડેક્ષ હોય તે માટે કામગીરી થઇ રહી છે. સરકાર લોકોને વટથી નહી વિનમ્રતાથી સાથે ગુજરાત સલામત, સમૃધ્ધ, સુખી સંપન્ન, સંસ્કારી અને પ્રતિષ્ઠિત બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. જયારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ૭૫માં સ્વાતંત્ર્યતા પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને શુચ્ચ્છા પાઠવી હતી. તેઓએ જૂનાગઢને મુકત કરાવવા આરઝી હકુમતના ક્રાતિકારીઓનું સ્મરણ કરી તેઓને નમન કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે દેશમાં ભાઇચારો, સહિષ્ણુતા, સન્માનની ભાવના ઉજાગર થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને. તેઓએ નરસિંહ મહેતા, શ્યામજી કૃષ્ણવર્મા, ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન સપૂતોને યાદ કર્યા હતા. જૂનાગઢ વિશે રાજ્યપાલે જણાવ્યું હતું કે, જૂનાગઠ પવિત્ર, ભલા અને શ્રેષ્ઠ લોકોની ભૂમિ છે. જૂનાગઢમાં જેનો જન્મ થયો તે ભાગ્યશાળી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણો પ્રદેશ નશામુક્ત, ઝેરમુક્ત, પ્રાકૃતિક ખેતી ધરાવતો અને સમૃધ્ધ બને તેમ જણાવ્યું હતું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત થનાર લોકો (૧) લાભશંકર દવે - સ્વાતંત્ર્ય સેનાની, (૨) રાજભા ગઢવી - સાહિત્યકાર, (૩) પ્રો. પ્રધ્યુમન ખાચર - ઇતિહાસવિદ, (૪) હાજી રમકડુ - જાણીતા ઢોલક વાદક, (૫) લાલા પરમાર - ગિરનાર સ્પર્ધાના વિજેતા, (૬) દેવકુમાર આંબલીયા - ગિરનાર સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર, (૭) પરસોતમ સિદપરા - પ્રગતિશીલ ખેડૂત, (૮) હિતેષ દોમડીયા - પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત

ગુજરાત સમાચાર 15 Aug 2021 2:30 am

આજે દેશમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

દેશના વિવિધ સુરક્ષાદળોના ૧૩૮૦ જવાનોને પુરસ્કારો અપાશેઃ કાશ્મીરમાં આતંકીઓ સામે પરાક્રમ બતાવનારા છ અધિકારીઓને શૌર્યચક્ર અપાશે આઈએસના આતંકીઓના સંભવિત ખતરાને ખાળવા દેશભરમાં ચાંપતો બંદોબસ્તઃ ચીન-પાક-બાંગ્લાદેશની સરહદે હાઈએલર્ટ નવી દિલ્હી, તા. ૧૪ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. ભારતને આઝાદી મળી તેનું ૭૫મું વર્ષ શરૃ થઈ રહ્યું હોવાથી વર્ષ દરમિયાન દેશમાં આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની ઉજવણી થશે. લાલ કિલ્લા ઉપર પહેલી વખત હેલિકોપ્ટર્સની મદદથી પૃષ્પવૃષ્ટિ થશે. કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ગયા છે. પાટનગર દિલ્હીમાં હથિયારોના જથ્થા સાથે શંકાસ્પદ શખ્સોની ધરપકડ થઈ હતી. નાના-મોટા દરેક સંવેદનશીલ સ્થળોએ ચાંપતો બદોબસ્ત ગોઠવાયો છે. પાટનગર સહિતના મહત્વના શહેરોમાં સુરક્ષાદળોને તૈનાત કરીને હાઈએલર્ટ કરાયા છે. ચીનની સરહદે તંગદિલી હોવાથી આઝાદીના અમૃત મહોત્સવ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ કરાઈ છે. એવી જ રીતે પાકિસ્તાની સૈન્ય કોઈ અવળચંડાઈ ન કરે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી ન કરે તે માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પણ સૈનિકો હાઈએલર્ટ છે. ગુપ્તચર વિભાગે બાંગ્લાદેશની સરહદેથી પણ આતંકવાદીઓની ઘૂસણખોરીની ચેતવણી આપી હોવાથી બીએસએફના જવાનોને સાવધાન રહેવાનો આદેશ ગૃહ મંત્રાલયે આપ્યો હતો. એ વચ્ચે દેશભરમાં આઝાદી દિવસની અભૂતપૂર્વ ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધશે તે વખતે વાયુસેનાના બે હેલિકોપ્ટર પુષ્પવૃષ્ટિ કરશે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે વર્ષભર આયોજનો થશે તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ મહત્વની જાહેરાતો કરે એવી પણ પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી ટીમને આઝાદીના અમૃત મહોત્સવ વખતે વિશેષ આમંત્રણ આપ્યું છે. આ ખેલાડીઓને સમારોહમાં ખાસ સ્થાન મળશે અને રાષ્ટ્રપતિ-વડાપ્રધાન તેમની વિશેષ મુલાકાત કરશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે સુરક્ષાદળોના ૧૩૮૦ જવાનોને વીરતા પુરસ્કારથી સમ્માનિત કરાશે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના ૨૦ જવાનોને લદાખની સરહદે વિશેષ શૌર્ય બતાવવા બદલ મેડલ અપાશે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને હંફાવનારા છ આર્મી અધિકારીઓનું શૌર્યચક્રથી સમ્માન થશે. નક્સલવાદીઓ સામે લડતા કોબ્રા કમાન્ડરના ૩ જવાનો શૌર્યચક્ર અપાશે. ઈન્ડિયન આર્મીના કુલ ૧૧૬ જવાનોને સેના મેડલ મળશે.

ગુજરાત સમાચાર 15 Aug 2021 2:30 am

કોરોના વાઇરસના મૂળની તપાસ કરવા માટે ચીનનો નન્નો

- ચીન ઉપર કોરોના વાઇરસની ઉત્પતિની તપાસ કરવાનું દુનિયાનું દબાણ છતાં ડ્રેગન ઢાંકપિછોડો કરે છે - સાર્સ કોવિડ-19 વાઇરસ વુહાનની વાઇરસ પર પ્રયોગો કરતી લેબોરેટરીમાંથી ફેલાયો હોવાની થિયરી ખોટી હોવાનો રિપોર્ટ આપવા ચીને દબાણ કર્યું હોવાની ચોંકાવનારી વાત પણ સામે આવી છે ત્યારે ચીનની મેલી મથરાવટીને જોતાં આ દિશામાં વ્યવસ્થિત તપાસ થવાની જરૂર છે કોરોના મહામારીના આ દોરમાંથી બહાર આવવા આખી દુનિયા ઝઝૂમી રહી છે. કોરોના સામે રક્ષણ આપવા માટે ઘણી વેક્સિન પણ બજારમાં આવી ચૂકી છે. પરંતુ કોરોના વાઇરસના નવા નવા વેરિએન્ટ સામે આવતા જ રહે છે જે વેક્સિનની અસરકારકતા સામે સવાલ ખડા કરે છે. બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસના મૂળનો પતો લગાવવાના પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ એમાં હજુ સુધી સફળતા મળી નથી. દુનિયાભરમાં કાળો કેર વર્તાવી રહેલા સાર્સ કોવિ-૧૯ નામના કોરોના વાઇરસનું ઉદ્ભવસ્થાન ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલું વુહાન શહેર છે એ તો નિર્વિવાદ છે. કોરોના વાઇરસ કેવી રીતે ફેલાયો એનો અભ્યાસ કરવા ચીનના વુહાન શહેર ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ટીમને સંશોધનના અંતે કશું હાથ ન લાગ્યું. હવે વિશ્વ આરોગ્ય સંસ્થા ફરી વખત ચીન જઇને વાઇરસની ઉત્પત્તિ વિશે વધુ તપાસ કરવાની રજૂઆત કરી પરંતુ ચીને એ માટે નન્નો ભણ્યો છે. કોરોના વાઇરસની ઉત્પતિની તપાસ કરવા માટે ચીન ઉપર દબાણ દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને પંગુ બનાવી દેનારો કોરોના વાઇરસ હજુ પણ સ્વરૂપો બદલીને જુદાં જુદાં દેશોમાં કેર વર્તાવી રહ્યો છે. એવામાં ફરી વખત ચીન ઉપર કોરોના વાઇરસના મૂળનો પત્તો લગાવવા માટે દબાણ સર્જાવા લાગ્યું છે. પરંતુ ચીને આ દબાણને વૈજ્ઞાાનિક નહીં પરંતુ રાજકીય ગણાવીને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને ફરી વખત તપાસ માટે વુહાનમાં પ્રવેશ આપવા માટે રાજી નથી. અગાઉ પણ ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને અનેક વાંધાવચકા બાદ વુહાનમાં પ્રવેશ આપ્યો હતો અને તપાસમાં પણ સહકાર આપ્યો નહોતો. કોરોના વાઇરસે કાળો કેર મચાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોના વાઇરસ વુહાનના એક એવા બજારમાંથી ફેલાયો હતો જ્યાં સી ફૂડની સાથે સાથે વન્ય પ્રાણીઓનું માંસ પણ વેચાતું હતું. આ બજારમાં ચામાચિડીયા પણ વેચાતા હતાં જેમાંથી આ વાઇરસનું સંક્રમણ હોવાનું જણાયું હતું. એ પછી પશ્ચિમી દેશોના મીડિયામાં રિપોર્ટ આવ્યાં કે કોવિડ-૧૯ નામનો રોગ ફેલાવતો આ સાર્સ કોવિ-૨ નામનો વાઇરસ વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાંથી લીક થયો. વુહાનની લેબમાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાની થિયરી આમ તો આ નવતર કોરોના વાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારથી જ સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ પર એવી વાતો ચાલી રહી હતી કે ચીનની ખાનગી સૈન્ય પ્રયોગશાળામાં આ વાઇરસ બાયોલોજિકલ વેપન એટલે કે જૈવિક હથિયારના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો. જોકે એ વખતે ઘણાં સંશોધકોએ આ જાણકારી ખોટું હોવાનું જણાવીને રિસર્ચ ટાંક્યા હતાં કે જેમાં આ વાઇરસ પ્રયોગશાળામાં માનવીએ બનાવેલો નહીં પરંતુ કુદરતી જણાતો હતો. આ વાત પર વિશ્વાસ કરવાનું કારણ એ પણ હતું કે વુહાનની પ્રયોગશાળા ગુપ્ત નથી. આ પ્રયોગશાળામાં થતા અનેક રિસર્ચ દુનિયાભરના સાયન્સ મેગેઝિનોમાં છપાતા રહેતા હોય છે. આ ઉપરાંત વુહાનની પ્રયોગશાળામાં થતા રિસર્ચમાં પશ્ચિમના દેશોના સંશોધકો પણ સામેલ થતાં હોય છે. વુહાનના માંસબજાર ઉપર શંકાની સોય કોવિડ-૧૯ નામની બીમારી ફેલાવતો કોરોના વાઇરસ પણ પ્રાણીઓમાંથી માનવીમાં પ્રસરેલો એટલે કે ઝૂનૉટિક બીમારી છે. અગાઉના એચઆઇવી, ઇબોલા, સાર્સ અને મર્સ જેવા જીવલેણ વાઇરસ પણ ઝૂનૉટિક ગણાય છે. જાણકારોના મતે ચીન તેમજ વિયેતનામ જેવા અગ્નિ એશિયાના દેશોમાં ભરાતા વન્ય જીવોના બજાર આવી ઝૂનૉટિક બીમારીઓ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે. અગાઉ સાર્સ પણ વૅટ માર્કેટ એટલે કે જ્યાં તાજુ માંસ અને સીફૂડ મળતું હોય એવી જગ્યાએથી ફેલાયો હોવાનું તથ્ય સામે આવ્યું હતું. સાર્સ કોવિ-૧૯ માટે પણ કહેવાતું રહ્યું છે કે તેનો ઉદ્ભવ પણ વુહાનના સીફૂડ હોલસેલ માર્કેટથી થયો છે. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો ઉપદ્રવ શરૂ થયા બાદ ૨૦૨૦ના જાન્યુઆરીમાં વુહાનનું આ માંસ બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. જાણીતી વાત છે કે ચીનમાં ખોરાક તરીકે અને પરંપરાગત દવાઓમાં વપરાશ માટે અનેક જીવતા અને મૃત જંગલી પ્રાણીઓ મોટા પાયે ખરીદવામાં આવે છે. બીજી થિયરી એવી પણ સામે આવી હતી કે જે રીતે સાર્સનો વાઇરસ સીવેટ નામના પ્રાણી દ્વારા ચામાચિડીયામાં થઇને માણસોમાં પ્રસર્યો હતો એ રીતે કોવિ-૨ વાઇરસ પેંગોલીન નામના પ્રાણી દ્વારા મનુષ્યોમાં પ્રસર્યો છે. મનુષ્યોમાં જે કોરોના વાઇરસ જોવા મળ્યો છે એનું બંધારણ પેંગોલીનમાં જોવા મળેલા વાઇરસને મળતું આવે છે. જીવતા પ્રાણીઓ વેચતા બજારમાં એક જ જગ્યાએ અનેક પ્રાણીઓ ભેગા કરવામાં આવે છે એ સંજોગોમાં વાઇરસને એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં જમ્પ મારવાનો મોકો મળી જાય છે. વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસ માનવી સુધી કેવી રીતે પહોંચ્યો એની જાસૂસીમાં લાગ્યાં છે. જાણકારોના મતે કોરોના વાઇરસના વાહક અનેક જંગલી પ્રાણીઓ હોઇ શકે છે પરંતુ ચામાચિડીયા મોટી સંખ્યામાં જુદાં જુદાં પ્રકારના કોરોના વાઇરસના વાહક હોવાનું જાણવા મળ્યું છે. ચામાચિડીયા જે રીતે વસવાટ કરતા હોય છે એ જોતાં તેમનું શરીર વાઇરસના ફલવાફૂલવા માટે આદર્શ સ્થાન બની રહે છે. વાઇરસના ફેલાવા અંગે ચીનની ગોળ ગોળ વાતો ચીન અત્યાર સુધી એવો ખુલાસો કરતું આવ્યું છે કે નવતર કોરોના વાઇરસ વુહાનના વૅટ માર્કેટમાંથી ફેલાયો પરંતુ પશ્ચિમના દેશોમાં એવા અહેવાલ પણ આવ્યા હતાં કે કોરોના વાઇરસનું સંક્રમણ ડિસેમ્બરમાં નહીં પરંતુ નવેમ્બર ૨૦૧૯માં ચાલું થઇ ગયું હતું. એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાં કામ કરતી એક ઇન્ટર્ન દ્વારા કોરોના વાઇરસ ભૂલથી લીક થઇ ગયો હતો. આ રિપોર્ટ અનુસાર આ વાઇરસ લોકોમાં ફેલાયો એ પહેલા આ યુવતી સુરક્ષાના નિયમોનું પાલન ન કરવાના કારણે વાઇરસથી સંક્રમિત થઇ ગઇ હતી. બાદમાં તેના સંપર્કમાં આવીને તેનો મિત્ર પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયો એ એ પછી આ વાઇરસ વુહાનના માંસબજારમાં પહોંચ્યો. વાઇરસ વુહાનના માંસબજાર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગે એક થિયરી વુહાન ઇન્સ્ટીટયૂટના પ્રોફેસર શી ઝેંગલીએ પણ આપી હતી. આ વૈજ્ઞાાનિકે ચામાચિડીયામાં મોજૂદ જુદાં જુદાં વાઇરસ વિશે પોતાની રિસર્ચ ફેબ્રુઆરીમાં જ પ્રકાશિત કરી હતી. શીના જણાવ્યા અનુસાર ચામાચિડીયાના સેમ્પલ લેવા માટે તેઓ ચીનના જુદાં જુદાં વિસ્તારોમાં ફર્યાં અને લગભગ ૨૮ જેટલી ગુફાઓમાં જઇને તેમણે ચામાચીડિયાના મળના સેમ્પલ એકઠા કર્યાં. બાદમાં એ સેમ્પલના આધારે ચામાચિડીયામાં જોવા મળતા વાઇરસોનો એક આખો આર્કાઇવ તૈયાર કરવામાં આવ્યો. આ આર્કાઇવમાં નવતર કોરોના વાઇરસનો પણ ઉલ્લેખ હતો અને આ વાઇરસ હોર્સશૂ બૅટ નામની ચામાચિડીયાની પ્રજાતિમાં જોવા મળ્યો હતો. ચીને કોરોના વાઇરસ જૈવિક હથિયાર તરીકે વિકસાવ્યો હોવાની શક્યતા ચીન તપાસ કરવા ગયેલી વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ શી ઝેંગલીને મળીને તેમની વાતની પુષ્ટિ ન કરી શકી. બીજી બાજુ તાજેતરમાં જ અમેરિકામાં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો કે ચીને કોરોના વાઇરસ ત્રીજા વિશ્વયુદ્ધના જૈવિક હથિયાર તરીકે વિકસાવ્યો હતો. આમ પણ અમેરિકા તો ગયા વર્ષથી આક્ષેપ કરતું આવ્યું છે કે કોરોના વાઇરસ ફેલાવામાં ચીનનો જ હાથ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એને છાવરી રહી છે. ખુદ ચીનની સરકાર કોરોનાનું સંક્રમણ કેવી રીતે ફેલાયું એ વિશે ખોંખારીને કશું કહેતી નથી. ચીનની સરકાર હજુ પણ મહામારી કેવી રીતે ફેલાઇ એના ઉપર હજુ રિસર્ચ ચાલી રહ્યું હોવાનો બચાવ કરે છે. એવા આક્ષેપ પણ થાય છે કે ડિસેમ્બર ૨૦૧૯માં કોરોના વાઇરસ ફેલાયાના તુરંત બાદ ચીનની સરકારે જ વાઇરસ વુહાનની વેટ માર્કેટમાંથી ફેલાયો હોવાની થિયરી વહેતી કરી. એટલા માટે લોકોએ કોરોના વાઇરસની સરખામણી ૨૦૦૨માં ફેલાયેલા સાર્સ અને ૨૦૧૨માં ફેલાયેલા મર્સ સાથે કરવાની શરૂઆત કરી દીધી. કારણ કે આ બંને બીમારીઓ પણ પ્રાણીઓમાંથી જ માણસોમાં ફેલાઇ હતી. કોરોના વાઇરસનું સ્વરૂપ પણ સાર્સ અને મર્સના વાઇરસને મળતું આવે છે. એટલા માટે જ લોકોએ તરત સ્વીકારી લીધું કે કોરોના વાઇરસ પણ પ્રાકૃતિક રીતે જ ફેલાયો છે. જોકે વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યાં છે કે કોરોના વાઇરસ વુહાનની લેબમાંથી નીકળ્યો કે નહીં એની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.

ગુજરાત સમાચાર 14 Aug 2021 7:00 am

૧૫ ઓગસ્ટ પહેલાં કાશ્મીરમાં આતંકીઓ બેફામ : સૈન્ય હાઈએલર્ટ

(પીટીઆઈ) શ્રીનગર, તા. ૧૩ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની તૈયારી શરૃ થઈ ગઈ છે. ૧૫મી ઓગસ્ટે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ થયા છે. કાશ્મીરમાં ઠેર-ઠેર હુમલાં શરૃ થયા છે અને મોટાં હુમલાના ષડયંત્રોનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સૈન્યને હાઈએલર્ટ કરાયું છે. જમ્મુ-કાશ્મીરમાં ઠેર-ઠેર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ બેફામ થયા છે. રાજોરીમાં ભાજપના નેતાના ઘર ઉપર ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં પરિવારના તમામ સાત સભ્યોને ઈજા પહોંચી હતી. એમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાત વર્ષના બાળકનું મોત થયું હતું. એ પછી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાજોરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર ઉપર ત્રણ-ત્રણ ગ્રેનેડ ફેંકાયા હતા. એમાં પરિવારના બધા જ સભ્યો ઘવાયા હતા. આ ઘટના પછી આખા વિસ્તારમાં સુરક્ષા ગોઠવવામાં આવી હતી. એવો જ બીજો ગ્રેનેડ હુમલો બારામુલ્લા જિલ્લામાં થયો હતો. સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. એમાં સીઆરપીએફના એક જવાનને ઈજા થઈ હતી. તે સિવાય બે નાગરિકો પણ ઘાયલ થયા હતા. કુલગામમાં એક આતંકવાદીનું એન્કાઉન્ટર થયું હતું. આ પાકિસ્તાની આતંકવાદી જમ્મુ-કાશ્મીર હાઈવે પર મોટાં હુમલાની ફિરાકમાં હતો. ઉસ્માન નામનો આ પાકિસ્તાની આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં છ માસથી સક્રિય થયો હોવાની બાતમી મળી હતી. પોલીસ તેને શોધતી હતી. હાઈ-વે પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાની માહિતી છેલ્લાં થોડાં દિવસથી મળતી હતી. બાતમીના આધારે પોલીસે આતંકવાદી છુપાયો હતો એ વિસ્તારને ઘેરી લીધો હતો. એ આતંકી ભાગી જાય તે પહેલાં જ સુરક્ષાદળોના જવાનોએ તેને ઠાર કરી દીધો હતો. બીજા એક સર્ચ ઓપરેશન દરમિયાન પૂંચમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે આ જથ્થો જપ્ત કરીને સુરક્ષાદળોએ આસપાસમાં આતંકવાદીઓને પકડી લેવાની તજવીજ હાથ ધરી છે. આતંકવાદીઓ પાસેથી મળેલા વિસ્ફોટકોના જથ્થાના આધારે એવું તારણ આપવામાં આવ્યું હતું કે મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. ૧૫મી ઓગસ્ટ નજીક આવી હોવાથી કાશ્મીરમાં ઠેર-ઠેર આતંકવાદીઓ બેફામ બન્યા છે. તમામ સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજેપી નેતાના ઘરે હુમલા પછી રાજોરીમાં સજ્જડ બંધ ભાજપના નેતાના ઘરે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો તે પછી રાજોરીમાં લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો. લોકોએ આતંકવાદના વિરોધમાં દેખાવો કર્યા હતા. ભાજપે આ ઘટનાની ટીકા કરી હતી. કાશ્મીરમાં ભાજપના કાર્યકરોએ રેલી કરીને ઘટના સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કાશ્મીરમાં આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ પાકિસ્તાનની વિરૃદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોવાનું કહીને આવા હુમલાનો વિરોધ કરવાની લોકોને અપીલ કરી હતી. બીજેપી નેતાના પરિવાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડયો ભાજપના નેતાના પરિવાર પર થયેલા આતંકવાદી હુમલાને કોંગ્રેસે વખોડી કાઢ્યો હતો. રાજોરીમાં ભાજપના નેતાના ઘરે થયેલા ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં કોંગ્રેસના કાશ્મીરના પ્રવક્તા રવીદર શર્માએ કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં સૌએ સાથે આવવાની જરૃર છે. ભાજપના નેતાના પરિવારમાં ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ તે બાબતે કોંગ્રેસે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી. ઘૂસણખોરીની શક્યતા વધી હોવાથી કોંગ્રેસે આખા વિસ્તારમાં વધારે સુરક્ષા આપવાની માગણી કરી હતી.

ગુજરાત સમાચાર 14 Aug 2021 3:46 am

ચીન-પાકિસ્તાન પર અવકાશી નજર રાખવાના મિશનમાં નિષ્ફળતા

- GSLV-F10/EOS-03 રોકેટના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત ન થઇ શક્યો - જો EOS-03 સેટેલાઇટ સફળ રીતે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયો હોત તો કુદરતી આફતો ત્રાટકે એ પહેલા જ તેના વિશે આગોતરી જાણકારી મેળવવામાં મદદ મળી શકી હોત, એટલું જ નહીં, તેના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની તસવીરો પણ મેળવી શકાઇ હોત ભારતના અંતરિક્ષ કાર્યક્રમને મોટો ઝાટકો લાગ્યો છે. ઇસરોનું મહત્ત્વાકાંક્ષી જિયો ઇમેજિંગ સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનું મિશન નિષ્ફળ નીવડયું. GSLV-F10/EOS-03 રોકેટના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત ન થઇ શક્યો. જીએસએલવી રોકેટ સેટેલાઇટ સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ગુરુવારે સવાલે ૫ઃ૪૩ વાગ્યે લૉન્ચ થયું હતું. ૫૭.૧૦ મીટર લાંબા અને ૪૧૬ ટનના જીએસએલવી રોકેટ શરૂઆતની પાંચ મિનિટ તો યોજનાબદ્ધ રીતે ચાલ્યું પરંતુ છ મિનિટ બાદ ત્રીજા સ્ટેજ એટલે કે ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ડેટા આવતો બંધ થઇ ગયો ત્યારે મિશન સેન્ટરના અધિકારીઓને કંઇક ગડબડ હોવાનો ધ્રાસકો પડયો. આમ તો આ લૉન્ચિંગ અગાઉ એપ્રિલ અથવા મે મહિનામાં યોજાવાનું હતું પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે એ સ્થગિત કરવું પડયું હતું. ઇસરોના આ મિશનની નિષ્ફળતાથી દેશમાં નિરાશાનો માહોલ છે પરંતુ ભારતની અવકાશ સંસ્થાએ જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે એ જોતાં આગામી સમયમાં આ મિશન સફળ નીવડશે એમાં શંકાને સ્થાન નથી. અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયાભરમાં રોમાંચ વ્યાપી ગયો હતો. આ રોમાંચ ભારતમાં પણ અનુભવાયો અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિખ્યાત વિજ્ઞાાની હોમી જહાંગીર ભાભા સાથે મંત્રણા કરીને ૧૯૬૧માં ભારતીય અંતરિક્ષ વિભાગની સ્થાપના કરી. ૧૯૬૯માં અમેરિકાએ જ્યારે સૌપ્રથમ સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર મોકલ્યં અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું ડગ માંડયું એ જ વર્ષે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અર્થાત ઇસરોની સ્થાપના થઇ. આશરે ૪૩ વર્ષ પહેલા ઇસરોનિર્મિત પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવાની સાથે ભારતની અવકાશ ગાથા શરૂ થઇ હતી. ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે લોન્ચ થયેલા આર્યભટ્ટ સાથે અંતરિક્ષને જોવા અને જાણવાની ભારતની જિજ્ઞાાસાનો પ્રારંભ થયો. આજે વિશ્વના અનેક દેશોને સસ્તી લોન્ચિંગ સેવા પૂરી પાડતા ઇસરો પાસે એ વખતે ઉપગ્રહને અવકાશમાં મોકલી શકે એવું શક્તિશાળી રોકેટ નહોતું. જેના પરિણામે આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવા મિત્ર રાષ્ટ્ર રશિયાની મદદ લેવામાં આવી હતી. ભારત અને સોવિયેત સંઘ વચ્ચે ૧૯૭૨માં થયેલા એક કરાર મુજબ આર્યભટ્ટને કાપુસ્તિન યાર ખાતેથી કોસ્મોવ-૩એચ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો. સાવ ટાંચા સાધનો સાથે શરૂ થયેલું ઇસરો આજે દુનિયાની ટોપ ફાઇવ સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. અમેરિકા અને રશિયા પછીની સૌથી આશાસ્પદ અવકાશી સંસ્થા તરીકે ઇસરોની ગણતરી થાય છે. એકવીસમી સદીમાં દુનિયાની બાકીની સ્પેસ એજન્સીઓની સરખામણીમાં ઇસરોએ સૌથી મોટી હરણફાળ ભરી છે. ૨૦૧૮ના વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરતા ઇસરોએ જાન્યુઆરીમાં એક સાથે ૩૧ ઉપગ્રહો લોન્ચ કર્યાં હતાં. ગયા વર્ષે એક સાથે ૧૦૪ સેટેલાઇટ એક સાથે અવકાશમાં લોન્ચ કરતાની સાથે ઇસરો દુનિયાની સૌથી ભરોસાપાત્ર સેટેલાઇટ લોન્ચર સંસ્થા બની છે. એ અગાઉ ૨૦૦૮માં ઇસરોએ ચંદ્રયાન-૧ ચંદ્રની મુલાકાતે મોકલ્યું હતું. ચંદ્રયાન-૧ દ્વારા જ દુનિયાને જાણ થઇ કે ચંદ્રની સપાટી નીચે પાણી રહેલું છે. એ પછી ૨૦૧૪માં રાતા ગ્રહની ભાળ મેળવવા રવાના કરવામાં આવેલા મંગળયાન-૧ મિશનની સફળતાએ તો દુનિયાભરના દેશોની ભારત પ્રત્યેની દૃષ્ટિ જ બદલી નાખી. ખાસ વાત એ હતી કે ઇસરોએ મંગળ યાનને છ મહિનાના મિશન પર મોકલ્યું હતું પરંતુ આજે ત્રણ વર્ષ પછી પણ તે સારી અવસ્થામાં છે અને વૈજ્ઞાાનિકોને લગાતાર મંગળ ગ્રહની તસવીરો અને ડેટા મોકલતું રહે છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર મંગળ યાન હજુ પણ આવતા આઠ-દસ વર્ષ સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે. બીજી નોંધવા જેવી બાબત એ હતી કે ઇસરોને પહેલા જ પ્રયાસે છેક મંગળ સુધી અવકાશયાન મોકલવામાં સફળતા મળી હતી. અમેરિકાએ તેનું પહેલું અંતરિક્ષયાન મંગળ સુધી પહોંચાડયુ એ પહેલા તેના ૬ મિશન નિષ્ફળ નીવડયા હતાં. તો રશિયા અને યુરોપી સંઘને પણ અનેક પ્રયાસો બાદ મંગળ સુધી પહોંચવામાં કામિયાબી મળી હતી. ઇસરોની સિધ્ધિ સમજવી હોય તો એટલું ધ્યાનમાં રાખીએ કે માર્સ ઓર્બિટર મિશન પહેલાં દુનિયાભરના દેશોએ મળીને કુલ ૫૧ મિશન મોકલ્યા હતાં જેમાંથી માત્ર ૨૧ને જ સફળતા મળી હતી. અવકાશ ક્ષેત્રે એક પછી એક મોટી છલાંગો લગાવી રહેવા ઇસરોની સૌથી મોટી તાકાત છે સ્વદેશી નિર્માણ. પહેલા ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ થયાની સાથે જ ઇસરોએ પોતાની ટેકનોલોજી વિકસાવવા પર સૌથી વધારે કામ કર્યું છે જે આજ દિન પર્યંત જારી છે. પછી એ રોકેટ ટેકનિક હોય, પોતાનું ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું હોય કે પછી ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન હોય, ભારતીય વૈજ્ઞાાનિકોએ જાતમહેનત અને સ્વદેશી ધોરણે ઘણી ખરી કામગીરી પાર પાડી છે. અવકાશ યાત્રા માટે જરૂરી સાધનસરંજામ જાતે જ વિકસાવવાના કારણે ભારતના સ્પેસ મિશન ઘણાં કિફાયતી હોય છે. ઉદાહરણ લઇએ તો ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ઇસરોએ પીએસએલવી-સી૩૭ રોકેટ દ્વારા એક સાથે ૧૦૪ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યાં એ મહાકાય મિશનનો ખર્ચ આવ્યો માત્ર ૧૫ મિલિયન ડોલર એટલે કે આશરે ૯૫ કરોડ રૂપિયા. જો આ જ કામ નાસાએ કરવાનું આવ્યું હોત તો તેને ખર્ચ થયો હોત ૬૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૬૦૦ કરોડ રૂપિયા. આજે દુનિયાની તમામ સ્પેસ એજન્સીઓમાં ભારત સૌથી સસ્તા દરે ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું કામ કરે છે. આ કારણે જ અવકાશમાં ઉપગ્રહો મોકલવા માંગતા દેશોમાં ઇસરોની સેવાઓ લોકપ્રિય બની રહી છે. કિફાયતી દરો સાથે અવકાશી સેવા પૂરી પાડવાના કારણે ખુદની અંતરિક્ષ ક્ષમતા ધરાવતા અમેરિકા અને યુરોપ સહિતના અનેક દેશો ઇસરોની મદદ વડે પોતાના સંપેતરા અવકાશમાં પહોંચાડતા હોય છે. આ રીતે જુદા જુદાં દેશોના સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરો પણ મોટી કમાણી કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ઇસરોને મળેલી આ સફળતાઓને જોઇએ તો સ્પષ્ટ જણાઇ આવશે કે હળવા, મધ્યમ કે ભારે એમ તમામ પ્રકારના ઉપગ્રહો છોડવા માટે ઇસરો વૈશ્વિક કક્ષાએ ભરોસાપાત્ર એજન્સી બની ચૂકી છે. સ્પેસ ટેકનોલોજીના વૈશ્વિક બજારમાં દોઢ ટન સુધીના ઉપગ્રહને અવકાશમાં પહોંચાડવા માટે સૌથી સસ્તી અને ભરોસાપાત્ર સ્પેસ એજન્સી તરીકેનો દરજ્જો ઇસરોએ હાંસલ કર્યો છે. જોકે મિશનની નિષ્ફળતાથી ભારતની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓને ફટકો પડશે. આ મિશનનો ઉદ્દેશ નિયમિત સમયે મોટા ક્ષેત્રની વાસ્તવિક સમયે તસવીરો ખેંચવાનો, કુદરતી આફતો ઉપર ચાંપતી નજર રાખવી, કૃષિ, વનીકરણ, જલસંસાધનો અને આફતોની ચેતવણી આપવી, વાવાઝોડા પર નજર રાખવી, વાદળ ફાટવા જેવી આફતો પર જાણકારી હાંસલ કરવાનો હતો. જો EOS-03 સેટેલાઇટ સફળ રીતે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયો હોત તો તેના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની તસવીરો પણ મેળવી શકાઇ હોત. એટલા માટે આ સેટેલાઇટને આઇ ઇન ધ સ્કાય એટલે કે આસમાની આંખ પણ ગણાવવામાં આવતો હતો. આગામી સમયમાં ઇસરો ભારતની ધરતી ઉપરથી કોઇ ભારતીય એસ્ટ્રોનોટને અવકાશમાં મોકલવા ધારે છે. માનવને અવકાશમાં મોકલવાની દિશામાં એક સાથે જુદાં જુદાં મોરચે કામ થઇ રહ્યું છે. ઇસરો નાના નાના પગલાં ભરીને અવકાશયાત્રાને લગતી સૂક્ષ્મ ટેકનિકો વિકસાવવામાં લાગ્યું છે. માનવીને અવકાશમાં મોકલવા માટે ભારત સરકાર લીલી ઝંડી દેખાડે ત્યાં સુધીમાં ઇસરો પોતાની તૈયારીઓ પૂરી કરી લેવા માંગે છે. એકવીસમી સદીમાં અવકાશને લગતા સંશોધનો હવે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યાં છે. આવનારા સમયમાં સેટેલાઇટ લોન્ચિંગ જ નહીં પરંતુ સમાનવ અવકાશયાત્રા યોજવા માટે સ્પેસ એજન્સીઓ તૈયાર થઇ રહી છે ત્યારે ઇસરોએ પણ એ દિશામાં પ્રગતિ કરવાની શરૂઆત કરી છે. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઇસરોએ સ્વદેશી ટેકનિક અને પ્રતિભાના જોરે દુનિયાભરમાં નામના મેળવી છે. લોન્ચિંગ કે નવી યોજનાઓની ગુંચવણોને આપણા વૈજ્ઞાનિકો પોતાના મૌલિક અંદાજથી ઉકેલતા આવ્યાં છે. વર્તમાન મિશનમાં મળેલી નિષ્ફળતા પણ ઇસરોના વૈજ્ઞાાનિકો વહેલી તકે સફળતામાં પલટાવી નાખશે એમાં બેમત નથી.

ગુજરાત સમાચાર 13 Aug 2021 7:00 am

રાજકારણનું અપરાધીકરણ રોકવા માટે ઉદાસીન રાજકીય પક્ષોને સુપ્રીમ લપડાક

- ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપૂર્ણ જાણકારી સાર્વજનિક ન કરવા માટે ભાજપ અને કોંગ્રેસસહિત નવ પક્ષોને ફટકાર લગાવી - જે લોકો ઉપર ગંભીર અપરાધોના મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય તેમને ચૂંટણીમાં ભાગ લેતા રોકવા માટે સંસદે કાયદા બનાવવા જોઇએ કે જેથી કરીને અપરાધી હોય એવા લોકો જ ચૂંટણી જીતીને વિધાનસભ્ય કે સાંસદ બનીને સ્વયં કાયદા ઘડનારા ન બની જાય રાજકારણમાં વધી રહેલા અપરાધીકરણના કારણે સુપ્રીમ કોર્ટ ખાસ ચિંતિત છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપૂર્ણ જાણકારી સાર્વજનિક ન કરવા માટે ભાજપ અને કોંગ્રેસસહિત નવ પક્ષોને ફટકાર લગાવી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે ઉમેદવારની પસંદગી કરે એના ૪૮ કલાકની અંદર અથવા તો ઉમેદવારીપત્ર ભરવાના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા ઉમેદવારે પોતાની વિરુદ્ધના તમામ ક્રિમિનલ કેસોની જાણકારી પાર્ટીની વેબસાઇટ પર મૂકવાની રહેશે. સુપ્રીમ કોર્ટે આ આદેશનું કડકપણે પાલન કરવા માટે તમામ રાજકીય પક્ષોને તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં દાગી નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા અંગેની યાચિકા પર કેસ ચાલી રહ્યો છે. અગાઉ એમિકસ ક્યૂરીએ પણ સવાલ ઉઠાવી ચૂકી છે કે જે જનપ્રતિનિધિઓ પર આપરાધિક કેસ ચાલી રહ્યાં હોય એવા નેતાઓને કાયદા ઘડવાની પરવાનગી જ શા માટે મળવી જોઇએ? સૌપ્રથમ તો આવા તમામ ધારાસભ્યો અને સાંસદો વિરુદ્ધ કેસો ચાલવા જોઇએ અને તેઓ નિર્દોષ પુરવાર થાય એ પછી જ તેમને કાયદા ઘડવાની માન્યતા મળવી જોઇએ. વર્તમાન કાયદાકીય વ્યવસ્થા એવી છે કે હત્યા અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધોના આરોપી હોય અને આવા મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય એવા લોકો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે અને ચૂંટણી જીતીને વિધાનસભ્ય, સાંસદ કે પછી મંત્રી પણ બની શકે છે. માત્ર આરોપ સાબિત થયાની સ્થિતિમાં જ તેમની ઉમેદવારી રદ્ થઇ શકે છે અને તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકાય છે. જોકે ન્યાયપ્રક્રિયાની રફતાર કેવી છે એ તો સૌ જાણે જ છે. પીડિત લોકોને ન્યાય મળતા વર્ષો વીતી જાય છે અને આવા મામલા લાંબા સમય સુધી લટકતાં જ રહે છે. વિધાનસભ્ય કે સાંસદનો કાર્યકાળ પૂરો થઇ જાય છે પરંતુ આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાતા નથી. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે કોઇ પણ વ્યક્તિ ઉપર આરોપ નક્કી થયા બાદ જ તેને ચૂંટણી લડતી રોકવાની વ્યવસ્થા લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો અને એ મામલે સંસદને કાયદો ઘડવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાનું પાલન કરવાની જવાબદારી સૌની છે અને સંસદ એવો કાયદો લાવે કે અપરાધીઓ રાજકારણથી દૂર રહે. કોર્ટે કહ્યું હતું કે જે લોકો ઉપર ગંભીર અપરાધોના મામલાઓમાં કેસ ચાલી રહ્યાં હોય તેમને ચૂંટણીમાં ભાગ લેતા રોકવા માટે સંસદે કાયદા બનાવવા જોઇએ કે જેથી કરીને અપરાધી હોય એવા લોકો જ ચૂંટણી જીતીને વિધાનસભ્ય કે સાંસદ બનીને સ્વયં કાયદા ઘડનારા ન બની જાય. સુપ્રીમ કોર્ટે એવી તાકીદ પણ કરી હતી કે આ કાયદો એવો હોવો જોઇએ કે જે રાજકીય પ્રતિસ્પર્ધીને ફસાવવા માટે ઊભા કરવામાં આવેલા બનાવટી મામલાઓને નિપટવામાં પણ સક્ષમ હોય. એ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલાંક નિર્દેશ જારી કર્યાં હતાં જેના દ્વારા મતદાતાઓને આવા અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો અંગે જાણકારી મળી શકે અને તેઓ તેને ધ્યાનમાં રાખીને મત આપવા કે ન આપવા અંગે પોતાનો અભિપ્રાય બનાવી શકે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે દરેક ઉમેદવારે ફોર્મમાં માંગેલી તમામ માહિતી સાચેસાચી ભરવાની રહેશે અને તેમના ઉપર ચાલી રહેલા આપરાધિક મામલાઓ અંગે બોલ્ડ લેટરમાં સ્પષ્ટ જાણકારી આપવી પડશે. એ સાથે જ રાજકીય પક્ષોએ પણ આવા ઉમેદવારોની આપરાધિક પૃષ્ઠભૂમિ અંગેની તમામ જાણકારી પોતાની વેબસાઇટ ઉપર મૂકવાની તાકીદ પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો કે ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાજકીય પક્ષોએ આવા આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો અંગેની જાણકારી તેમના ચૂંટણી ક્ષેત્રમાં સર્વાધિક પ્રકાશિત કે પ્રસારિત થતા અખબાર અને ટીવી ચેનલો દ્વારા મતદારો સુધી પહોંચાડવાની રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતામાં દાગી ઉમેદવારો અંગેની જાણકારી સાર્વજનિક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ એવું બનતું કે અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખીને તેમની માહિતી માત્ર ઔપચારિકતાને ખાતર જ રાજકીય પાર્ટીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવતી જેના તરફ લોકોનું ધ્યાન પણ જતું નહીં. જોકે દરેક સામાજિક સમસ્યા કે રાજકીય સમસ્યાઓનું અદાલત સમાધાન ન કરી શકે. કે પછી સંસદ પણ કાયદા બનાવીને તમામ સમસ્યાઓનું સમાધાન ન કરી શકે. કોઇ પણ કાયદાનો અમલ ત્યારે જ થઇ શકે જ્યારે એને લાગુ કરવા ધારતા લોકો અર્થાત્ સરકારમાં એ માટે જરૂરી ઇચ્છાશક્તિ હોય. દાખલા તરીકે ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાને ગેરકાયદેસર ગણવામાં આવી છે પરંતુ આઝાદીના સાત દાયકા બાદ આજે પણ ભારતમાંથી એ દૂષણ સંપૂર્ણપણે નાબૂદ થઇ શક્યું નથી. એ જ રીતે જાતિભેદ કે જાતિયશ્રેષ્ઠતાના આધારે થતું દલિત ઉત્પીડન પણ નાબૂદ થયું નથી. ઉલટું હાલના વર્ષોમાં તો જાતિગત ભેદભાવ વધારે તીવ્રતાથી સામે આવી રહ્યો છે. એ જ રીતે મહિલાઓને પણ તમામ ક્ષેત્રોમાં સમાનતા મળી શકી નથી કે નથી લઘુમતિઓ સાથે થતા ભેદભાવનો અંત આવ્યો. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે દાગી નેતાઓ સામે ચાલી રહેલા કેસોની સુનાવણી કરવા માટે બાર વિશેષ અદાલતો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ એ દિશામાં સરકાર જે ઢીલાશ દાખવી હતી. રાજકીય પક્ષો જો કોઇ ભ્રષ્ટ નેતા બીજા રાજકીય પક્ષમાં હોય તો તેની વિરુદ્ધ કાગારોળ મચાવવામાં કોઇ કસર છોડતા નથી પરંતુ એ જ ભ્રષ્ટ નેતા પાર્ટી બદલીને પોતાના પક્ષમાં આવી જાય તો એ જ નેતા જાણે સાફ બની જાય છે. આ જ હાલત અન્ય અપરાધોમાં સામેલ નેતાઓની છે. અનેક સાંસદો અને વિધાનસભ્યો વિરુદ્ધ હત્યા, બળાત્કાર અને અપહરણ ઉપરાંત બીજા અનેક ગંભીર પ્રકારના કેસો ચાલી રહ્યાં છે. આવા લોકોને જ્યાં સુધી કાયદેસર રીતે ગુનેગાર ન સાબિત કરાય ત્યાં સુધી તેમને ચૂંટણી લડતા રોકી શકાતા નથી. એમાં શંકાને સ્થાન નથી કે રાજકારણમાં દાગી નેતાઓનો પ્રવેશ રાજકીય પક્ષોની મહેરબાનીથી જ થાય છે. રાજકીય પાર્ટીઓ કોઇ પણ ભોગે ચૂંટણી જીતવા ધારે છે અને એ માટે ગુનાહિત છબી ધરાવતા લોકોને ચૂંટણીમાં ઉતારવામાં પરહેજ કરતા નથી. દેખીતી બાબત છે કે દે વ્યક્તિ ધન અને બળના જોરે રાજકારણમાં પ્રવેશ કરશે અને સત્તા હાંસલ કરશે એ દેશનું શું કલ્યાણ કરશે? રાજકીય પક્ષોની આ સ્વાર્થી નીતિના કારણે જ રાજકારણમાં અપરાધીકરણને પ્રોત્સાહન મળે છે. ખરેખર તો રાજકારણમાં અપરાધ અને અપરાધીઓની ભૂમિકા ત્યારે જ સમાપ્ત થઇ શકે છે જ્યારે રાજકીય પક્ષોમાં એ માટે ઇચ્છાશક્તિ હોય. જો રાજકીય પક્ષો આવા લોકોને ઉમેદવાર જ ન બનાવે તો આ સમસ્યા કાયદો બનાવ્યા વગર જ નાબૂદ થઇ જાય. જો આપણા જનપ્રતિનિધિઓ જ હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ કે બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલા હોય તો તેમની પાસેથી કેવા ભવિષ્યની અપેક્ષા રાખી શકાય? આવા દાગી નેતાઓ કાયદાની જટિલ અને લાંબી પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને જ સંસદ કે વિધાનસભામાં પહોંચી જતાં હોય છે. આજે તો પરિસ્થિતિ એ છે કે રાજકીય પક્ષો દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખીને બચાવ કરે છે કે વિરોધી પાર્ટીએ પણ એવા ઉમેદવારો ઊભા રાખ્યાં છે. દાગી નેતાઓને ચૂંટણીમાં ભાગ લેતા રોકવાના સ્થાને રાજકીય પાર્ટીઓ કોનો અપરાધ વધારે ગંભીર છે એ મામલે હુંસાતુંસી કરે છે. કઠણાઇ એ છે કે રાજકીય પક્ષો આવા દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા તો રાખે છે પરંતુ આવા ઉમેદવારો ચૂંટણી જીતી પણ જાય છે. આના માટે માત્ર રાજકીય પક્ષોને જ જવાબદાર ઠેરવી શકાય એમ નથી. આવા દાગી ઉમેદવારોને વોટ આપીને ચૂંટણી જીતાડતી જનતા પણ એટલી જ દોષિત છે. જો દેશના લોકો જ સ્વચ્છ છબી ધરાવતા પ્રતિનિધિઓને ચૂંટવાના સ્થાને જાતપાત કે ધર્મના આધારે માથાભારે લોકોને ચૂંટશે તો સ્વાભાવિક રીતે જ રાજકીય પક્ષો આવા ઉમેદવારોને ટિકિટ આપતાં જ રહેશે. દેશના જવાબદાર નાગરિક અને મતદાતા હોવાના નાતે જનતાની પણ એ જવાબદારી બને છે કે તે પ્રમાણિક, ચારિત્ર્યવાન, વિવેકશીલ અને કર્મશીલ ઉમેદવારને જ પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે.

ગુજરાત સમાચાર 12 Aug 2021 7:00 am

સંયુક્ત રાષ્ટ્રનો ક્લાયમેટ ચેન્જનો રિપોર્ટ અંતિમ વૉર્નિંગ સમાન

- IPCCના ક્લાયમેટ ચેન્જના રિપોર્ટ બાદ દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓ ઘેરી ચિંતામાં - વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે હવે જો તાપમાનમાં માત્ર બે ડિગ્રીનો પણ વધારો થશે તો એ પછી તાપમાન આપોઆપ વધવા લાગશે, મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઇ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ક્લાયમેટ ચેન્જના રિપોર્ટ બાદ દુનિયાભરના નેતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓ ઘેરી ચિંતામાં છે. આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ ફોર ક્લાયમેટ ચેન્જ (IPCC) દ્વારા આપવામાં આવ્યો છે. IPCCના રિપોર્ટનો દુનિયાભરના દેશો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. IPCC સાથે જોડાયેલા વૈજ્ઞાાનિકો ક્લાયમેટ ચેન્જની વર્તમાન અસરો અને એના કારણે ભવિષ્યમાં ઊભા થનારા જોખમની સમીક્ષા કરે છે. વિશ્વ મોસમ વિજ્ઞાાન સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે સંયુક્ત રીતે ૧૯૮૮માં IPCCની રચના કરી હતી. આઇપીસીસીનો રિપોર્ટ સરળ ભાષામાં રજૂ કરવામાં આવે છે જેથી કરીને સામાન્ય લોકો પણ એ સમજી શકે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવતા દોઢ દાયકામાં જ ધરતીનું સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ કરતા વધી જશે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં થઇ રહેલો વધારો માનવસર્જિત જ છે અને એના કારણે દુનિયાના જુદાં જુદાં ભાગોમાં સંકટ ઊભા થઇ રહ્યાં છે. દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓએ કાગારોળ મચાવી છે કે આ ખરેખર ઇમર્જન્સી છે અને હવે ગ્લોબલ વૉર્મિંગને નાથવા પગલા ન લેવામાં આવ્યાં તો મોડું થઇ જશે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેશે રિપોર્ટને માનવજાત માટે કોડ રેડ એટલે કે ખતરાની ઘંટડી ગણાવ્યો છે. ક્લાઇમેટ ચેન્જ આજે સમગ્ર ધરતી માટે મોટો ખતરો બની ગયો છે. લાંબા સમયથી પૃથ્વીના પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારને લઇને મોટી મોટી ચિંતાઓ વ્યક્ત થતી રહી છે અને ધરતીને બચાવવા માટે વિશ્વ પર્યાવરણ સંમેલનોમાં મોટી મોટી જાહેરાતો થતી રહી છે. પરંતુ આ સમસ્યાના સમાધાન માટે કોઇ નક્કર સમાધાન સધાઇ શક્યું નથી એટલા માટે સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે. આજે દુનિયાભરના દેશો પર્યાવરણમાં થઇ રહેલાં વિનાશક ફેરફારોની ચિંતા વ્યક્ત તો કરી રહ્યાં છે પરંતુ આ દેશો એ વાતે સહમત નથી થઇ શક્યાં કે શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી. કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડવું એનો ઉકેલ મળ્યો નથી. પરિણામે પરિસ્થિતિ એટલી હદે સ્ફોટક બની ગઇ છે કે ઉદ્યોગોથી લઇને ઘરોમાં વપરાતા બળતણના ઉપયોગથી ઉત્સર્જિત થતો ધુમાડો હવાને ઝેરી બનાવી રહ્યો છે. મોસમ વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે વર્તમાન સદીમાં સૌથી મોટું જોખમ વધી રહેલા તાપમાનનું જ છે. એટલા માટે આગામી કેટલાંક દાયકામાં ધરતીનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો ભારેખમ પડકાર દુનિયા સામે ઊભો છે. પર્યાવરણને બચાવવા માટે સંમેલનો અને શિખર બેઠકો તો વર્ષોથી યોજાય છે પરંતુ શક્તિશાળી રાષ્ટ્રો પોતાના સ્વાર્થોને લઇને ધરતીને બચાવવાના કોઇ પ્રયાસમાં સહકાર આપતાં નથી. શ્રીમંત રાષ્ટ્રો પર્યાવરણની પરિસ્થિતિ કથળવાના દોષનો ટોપલો ગરીબ રાષ્ટ્રોના માથે ઓઢાડી દે છે. દુનિયાના અર્ધાથી પણ વધારે દેશોમાં આજે બળતણ તરીકે કોલસો કે લાકડાનો ઉપયોગ થાય છે. વાહનો અને કારખાનાઓથી થતા પ્રદૂષણને નાથવાનો કોઇ નક્કર પ્લાન નથી. હવામાન સંસ્થાઓ અને સંશોધકોના અહેવાલો નજર સામે છે, દુનિયાના તમામ દેશોની સરકારોએ એ રિપોર્ટો પર તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂર છે નહીંતર પૃથ્વીનું હવામાન એવું બેલગામ બની જશે જેને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે. વિકાસની વિવિધ પરિયોજનાઓ અંતર્ગત જે રીતે જંગલોનો સફાયો કરવામાં આવ્યો અને વૃક્ષો કાપવામાં આવ્યાં એના કારણે પરિસ્થિતિ ભયાવહ બની ગઇ છે. કુદરતના આ અસંતુલનના કારણે ચોમાસાને તો અસર પહોંચી, સાથે સાથે જમીનના ધોવાણ અને નદીઓ દ્વારા ભૂક્ષરણની પ્રવૃત્તિ પણ વધી. પૂર અને દુષ્કાળ પ્રાચીન સમયથી માનવજીવન માટે સમસ્યા સર્જતા આવ્યાં છે. એક રીતે જોતાં પૂર કે દુષ્કાળ માત્ર કુદરતી આફત જ નથી, પરંતુ પ્રકૃતિ તરફથી આપણને મળતી ચેતવણી પણ છે. સવાલ એ છે કે આજે માનવી ભણેલો ગણેલો તો બની ગયો છે પરંતુ તે કુદરતના સંકેતો સમજવા જેટલો હોંશિયાર રહ્યો છે ખરો? કઠણાઇ એ છે કે આજે આપણે વધારે શિક્ષિત તો બન્યાં છીએ પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનું ભૂલી ગયાં છીએ. હવામાનની આગાહીના વિકસિત તંત્ર છતાં પૂર કે દુષ્કાળનું સચોટ પૂર્વાનુમાન થઇ શકતું નથી. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાાનિકોએ જે અંદાજ માંડયો હતો એથીયે વધારે ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્યભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે. જોકે એવી ધરપત પણ હતી કે સમુદ્રોની વધી રહેલી જળસપાટીની અસર ભારતને એટલી નહીં થાય જેટલી બીજા કેટલાંક દેશોને થશે. પરંતુ નાસાના રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ ઊભું થયું છે. અનુમાન પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે જળમગ્ન થઇ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે જો આમ બન્યું તો એકલા ભારતના જ સાડા ત્રણ કરોડ લોકો વિસ્થાપિત થઇ શકે છે. નવા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ જે અનુમાન કરવામાં આવ્યાં હતાં એના કરતા વધું ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. નવા અનુમાન પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે દુનિયાભરમાં ઓછામાં ઓછા ૩૦ કરોડ લોકો અસરગ્રસ્ત બની શકે છે. એકલા બાંગ્લાદેશમાં નવ કરોડ લોકો આનો ભોગ બનવાનો અંદાજ છે. સમુદ્રોની સપાટી કેટલી હદે વધી રહી છે એનો અંદાજ મેળવવો હોય તો વીસમી સદીમાં જળસ્તરમાં ૧૧થી ૧૬ સેન્ટીમીટરનો વધારો થયો હતો જ્યારે ચાલુ સદીમાં આ આંકડો ૫૦ સેન્ટીમીટરે પહોંચી શકે છે. વૈજ્ઞાાનિકોને એવો ડર સતાવી રહ્યો છે કે કાર્બન ઉત્સર્જનનો હાલના દરે વધારો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં જળસ્તર બે મીટર જેટલું વધી શકે છે. ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધૂ્રવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ ૨૮૦ અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં ૦.૭૭ મિલીમીટરનો વધારો થયો છે. ખરી સમસ્યા એ વાતે છે કે જો દુનિયાના તમામ દેશો પણ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં કમી લાવવાના પોતાના વાયદા પૂરા કરી દે તો પણ દુનિયાનું તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તરથી ઓછામાં ઓછું ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી જશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આટલા ઊંચા તાપમાનના વધારાની પર્યાવરણ પર અત્યંત ખરાબ અસરો થશે. જર્મન પર્યાવરણશાસ્ત્રી યોહાન રોકસ્ટ્રોમના દાવા અનુસાર તો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે તો તાપમાન આપોઆપ વધવા લાગશે. મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઇ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે. છેલ્લા થોડા દાયકાથી દુનિયાના કોઇક ને કોઇક ખૂણે અણધારી કુદરતી હોનારત ત્રાટકતી જ હોય છે. એ તો સર્વવિદિત હકીકત છે કે ઔદ્યોગિકરણ અને વિકાસનો માર કુદરતને પડયો છે. ગ્રીનહાઉસ ગેસોનું સતત થતું ઉત્સર્જન પર્યાવરણનું બેલેન્સ બગાડી રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગના પ્રતાપે ધરતી એટલી ગરમ થઇ રહી છે કે ઘ્રુવો ઉપર જામેલો બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. આના કારણે દરિયા કાંઠે વસેલા શહેરોનું ડૂબી જવાનું જોખમ વધી રહ્યું છે. સુનામી જેવી આફતો પણ પહેલા કરતા વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. ગ્લેશિયરો પીગળી રહ્યાં છે જેના કારણે કેટલાંય દેશો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બેફામ કપાતા જંગલોના કારણે પર્યાવરણનું સંતુલન ભયજનક રીતે ખોરવાઇ ચૂક્યું છે અને સૂકાં ભઠ્ઠ થઇ રહેલાં જંગલો આગોની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઇ રહ્યાં છે. દુનિયાનો કોઇ દેશ આ કુદરતી આફતોનો માર સહેવામાંથી બાકાત રહી શક્યો નથી.

ગુજરાત સમાચાર 11 Aug 2021 7:00 am

વૈશ્વિક વ્યવસ્થામાં નેતૃત્ત્વ કરવાનો ભારત પાસે સુવર્ણ અવસર

- વડાપ્રધાન મોદીએ યૂ.એન. સલામતિ સમિતિની સમુદ્રી સુરક્ષા પર હાઇલેવલ મીટિંગની અધ્યક્ષતા કરી - વૈશ્વિક ફલક પર કૂટનીતિમાં સક્રિય રહ્યાં વિના આપણે પૂરી શક્તિ, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો લાભ નહીં મેળવી શકીએ એવામાં બે વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિના અસ્થાયી સભ્ય બન્યા બાદ આ મહિને અધ્યક્ષતા મેળવી છે ત્યારે ભારતે આ તક ગુમાવવા જેવી નથી ભારત ઓગસ્ટ મહિના દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતિ સમિતિની સમુદ્રી સુરક્ષા પર ડિબેટની અધ્યક્ષતા કરી. ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઇ વડાપ્રધાને યૂ.એન. સિક્યોરિટી કાઉન્સિલની કોઇ બેઠકની અધ્યક્ષતા લીધી. આમ તો બે વર્ષ સુધી ભારત યૂ.એન. સિક્યોરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય રહેવાનું છે. યૂ.એન.ની સલામતિ સમિતિમાં કુલ ૧૫ દેશો હોય છે જેમાં પાંચ દેશ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન કાયમી સભ્યો છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષે બે વર્ષના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યોને ચૂંટવામાં આવે છે. પ્રાદેશિક સંતુલન જાળવી રાખવા માટે સલામતિ સમિતિમાં અસ્થાયી સભ્યોને ચૂંટવાની પરંપરા છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિમાં સ્થાન મળ્યા બાદ ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સમાનતાને આગળ વધારવા માટે અન્ય સભ્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારતને આઠમી વખત સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિમાં સભ્યપદ મળ્યું છે. આ પહેલાં પણ ભારત પોતાની જવાબદારી સારી રીતે નિભાવી ચૂક્યું છે. સલામતિ સમિતિના અસ્થાયી સભ્ય તરીકે ભારત પહેલી વખત છેક ૧૯૫૦માં ચૂંટવામાં આવ્યું હતું. જોકે સલામતિ સમિતિમાં ભારતની સૌથી મજબૂત સ્થિતિ ૧૯૭૦ના દાયકામાં હતીં. એ દાયકામાં ભારત ૧૯૭૨-૭૩ અને ૧૯૭૭-૭૮ એમ બે વખત અસ્થાયી સભ્ય બન્યું હતું. તો ૧૯૯૩થી ૨૦૧૦નો સમયગાળો એવો હતો જેમાં ભારતને સલામતિ સમિતિમાં સ્થાન મળ્યું નહોતું. સલામતિ સમિતિમાં હાજરીથી કોઇ પણ દેશનો યૂ.એન.ની કાર્યપ્રણાલિમાં દબદબો વધી જાય છે. ભારત આઠ વર્ષ બાદ સલામતિ સમિતિમાં પહોંચ્યું છે અને ખાસ તો એ મહત્ત્વનું એટલા માટે છે કે ચીન સાથે સરહદી વિવાદ વણસેલા છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે પરિસ્થિતિ વણસેલી છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિનું મુખ્ય કાર્ય વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. એ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં નવા સભ્યોને ઉમેરવા અને તેના ચાર્ટરમાં બદલાવ સાથે જોડાયેલા કામ પણ સલામતિ સમિતિના ફાળે આવે છે. સલામતિ સમિતિ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન પણ મોકલે છે. એ ઉપરાંત દુનિયાના કોઇ પણ ભાગમાં અશાંતિ હોય અને લશ્કરી કાર્યવાહીની જરૂર હોય તો સલામતિ સમિતિ રિઝોલ્યુશન મારફતે એ લાગુ કરે છે. પહેલા વિશ્વયુદ્ધ બાદ લીગ ઓફ નેશન્સની કાર્યશૈલીની અસફળતા બાદ દુનિયાને સમજાયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા પ્રસારની નીતિ ત્યારે જ સફળ થઇ શકશે જ્યારે તમામ દેશો પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને સમગ્ર વિશ્વને એક માનીને આગળ વધે. આ માટે પ્રયાસો આદરવામાં આવ્યાં. આ સંદર્ભે લંડન મેનિફેસ્ટો, એટલાન્ટિક ચાર્ટર, યૂ.એન. મેનિફેસ્ટો, મોસ્કો મેનિફેસ્ટો, તહેરાન મેનિફેસ્ટો અને ડમ્બારટમ ઓફ કોન્ફન્સ જેવા જુદાં જુદાં મેનિફેસ્ટો સામે આવ્યાં. બીજી ઓક્ટોબર, ૧૯૪૪માં વોશિંગ્ટન ડીસીમાં નિર્ણય લેવામાં આવ્યો કે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય સમિતિ સલામતિ સમિતિ હશે જેના પાંચ કાયમી સભ્યો હશે. એ વાતને વર્ષો વીતી ગયાં અને દુનિયા ઘણી બદલાઇ ચૂકી છે. ભારત આજે દુનિયામાં લશ્કરી અને આર્થિક રીતે ઘણું શક્તિશાળી રાષ્ટ્ર બની ચૂક્યું છે. આજે ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યસ્થા છે, દુનિયાનું સૌથી મોટું ગ્રાહક બજાર છે અને ચીન બાદ સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે. ભારત પાસે દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી સેના છે. અમેરિકા અને રશિયા બાદ ભારતમાં દર વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ બહાર પડે છે. ભારતના સોફ્ટવેર એન્જિનિયરોની આખી દુનિયામાં બોલબાલા છે અને અનેક ભારતીયો અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં કામ કરે છે. આટલી બધી ઉપલબ્ધિ છતાં ભારતને યૂ.એન.ની સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ નથી મળી શક્યું. ભારત ઘણાં સમયથી સલામતિ સમિતિમાં સુધારો કરવાની માંગ કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે સલામતિ સમિતિમાં વાસ્તવિક પરિસ્થિતિની ઝલક દેખાવી જોઇએ. આજે નવી વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર સલામતિ સમિતિનું ગઠન થવું જોઇએ. સાત દાયકા પહેલા જ્યારે સલામતિ સમિતિની રચના થઇ ત્યારે સંજોગો જુદાં હતાં, સમસ્યાઓ અને પડકારો જુદાં હતાં. આજે આતંકવાદ, પરમાણુ પ્રસાર, ક્લાયમેટ ચેન્જ જેવા પડકારો છે જે એ જમાનામાં નહોતાં. વર્તમાન સમયની સમસ્યાઓ ઉકેલવા માટે સાત દાયકા પહેલા રચાયેલી સમિતિ સક્ષમ નથી. જોકે પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સ્વાર્થના કારણે સલામતિ સમિતિમાં સુધારણાના પ્રયાસો શક્ય બની શક્યા નથી. અમેરિકા અને રશિયા જેવા દેશો ભારતને કાયમી સભ્યપદ આપવાની તરફેણમાં તો છે પરંતુ તેઓ ભારતને વીટો પાવર આપવા નથી માંગતાં. છેલ્લા ઘણાં સમયથી સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ઇશારે ચાલતું હોવાના આક્ષેપ થાય છે અને અનેક વખત એમાં તથ્ય પણ જણાયું છે. ખરેખર તો અમેરિકા સમક્ષ લાચાર બની જવાના કારણે સલામતિ સમિતિ પોતાનું મહત્ત્વ જ ગુમાવી રહી છે. ઘણાં વિકાસશીલ દેશોને લાગે છે કે યૂ.એન. પોતાની પ્રાસંગિકતા જ ખોઇ ચૂક્યું છે. યૂ.એન.ની સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ મેળવવા માટેની તમામ લાયકાત ભારત પાસે છે પરંતુ ચીન અને અમેરિકા જેવા દેશો એનો વિરોધ કરે છે. ચીનનો વિરોધ તો સમજાય એવી વાત છે કારણ કે ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વ મળે એ તેનાથી જરાય સહન થતું નથી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભારતનું મહત્ત્વનું સાથીદાર બની રહેલું અમેરિકા પણ ભારતને વીટોપાવર સાથેનું સ્થાયી સભ્યપદ મળે એ માટે રાજી નથી. ભારતને વીટોપાવર વિનાનું કાયમી સભ્યપદ ખપતું નથી. અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિમાં વીટો વાપરવાની શક્તિ માત્ર પાંચ દેશો પાસે જ હોય એ વાત જ આજના સમયમાં ન્યાયોચિત નથી લાગતી. સલામતિ સમિતિમાં સુધારણા સમયની માંગ છે અને જો એ વેળાસર ન કરવામાં આવી તો સંયુક્ત રાષ્ટ્ર પ્રાસંગિકતા ખોઇ બેસશે. ભારતને સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ જોઇએ છે અને એ પણ વીટો પાવર સાથે. જોકે હાલ ભારતને જે અસ્થાયી સભ્યપદ મળ્યું છે એનો પણ યોગ્ય ઉપયોગ થઇ શકે એમ છે. થોડા સમય પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી બોર્ડનું અધ્યક્ષપદ ભારતને મળ્યું છે. આમ હાલ કપરા સમયમાં ભારતને બે મોટી તક હાથ લાગી છે જેનો પૂરો ફાયદો ઉઠાવી શકાય એમ છે. વૈશ્વિક રાજનીતિની દુનિયામાં ભારતની સક્રિયતા વધે એ જરૂરી છે. વૈશ્વિક ફલક પર કૂટનીતિમાં સક્રિય રહ્યાં વિના આપણે પૂરી શક્તિ, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો લાભ નહીં મેળવી શકીએ. ચીન જે રીતે ભારતને સોફ્ટ ટારગેટ સમજી રહ્યું છે એ તેનો ભ્રમ ભારતની આંતરરાષ્ટ્રીય સક્રિય કૂટનીતિ જ દૂર થઇ શકશે. ચીનની દાદાગીરી સામે આજે દુનિયાના દેશો ચૂપ છે પરંતુ હવે આગળના સમયમાં જ ખબર પડશે કે કોણ આપણા શત્રુ છે, કોણ મિત્ર છે અને કોણ તટસ્થ છે. વૈશ્વિક ફલક પર ચીન આપણા કરતા અસમાન રીતે આગળ છે કારણ કે તેની પાસે વીટોપાવર છે. જેના કારણે ચીન તેની વિરુદ્ધની કોઇ પણ હિલચાલને નિષ્ક્રિય કરી શકે છે. જોકે ભારતને જે સમર્થન મળી રહ્યું છે એ ઉત્સાહિત કરનારું છે. વર્તમાન કોરોના સંકટ અને એ પછીની વૈશ્વિક વ્યવસ્થામાં નેતૃત્ત્વ કરવાનો ભારત પાસે સુવર્ણ અવસર છે. કદ અને આંતરરાષ્ટ્રીય દબદબાને જોતાં ભારતને નજરઅંદાજ કરવું હવે સ્થાયી સભ્યો માટે શક્ય નથી. એટલું જ નહીં, સલામતિ સમિતિના ટેબલ પર પહોંચ્યા બાદ ચીન માટે પણ ભારત વિરુદ્ધ કોઇ હિલચાલ કરવી મુશ્કેલ બની જશે. એ સાથે જ ભારત આતંકવાદ વિરુદ્ધના પોતાના અભિયાનને વધારે પ્રભાવશાળી રીતે આગળ વધારી શકશે.

ગુજરાત સમાચાર 10 Aug 2021 7:00 am

જય વિજ્ઞાનઃ આરોગ્ય સંકટો સામે લડવા હવે માનવજાત વધારે સજ્જ

- મશીન લર્નિંગ થકી વિજ્ઞાનીઓ ભવિષ્યમાં વાઇરસના કયા મ્યુટેશન્સ થવાના છે તે જાણી લઈને તેની આગોતરી વેક્સિન તૈયાર કરી લેશે - અમેરિકાને પોલિયોની રસી શોધીને બજારમાં મૂકતા 20 વર્ષ લાગેલા, તેની સામે કોરોનાની રસી માત્ર એક જ વર્ષમાં માર્કેટમાં આવી ગઈઃ રસીનું રાજકારણ ન નડયું હોત તો વધારે જીવન બચાવી શકાયા હોત બે ઘટના એવી છે જે માણસનું અસલી ચરિત્ર ખુલ્લું પાડી દે છે. ૧. આપદા, ૨. સત્તા. ભૂકંપ, ભૂખમરો, વિભાજન વગેરે દુર્ઘટનાઓ વખતે આપણે અનેક લોકોને લૂંટફાટ કરતાં અને સ્વાર્થ સાધતા જોઈએ છીએ. એવું જ સત્તાની બાબતમાં થાય છે. માણસના હાથમાં પદ અને પૈસો આવે ત્યારે તેના વાણી અને વર્તન બદલાઈ જાય છે. જે નિયમ માણસને લાગુ પડે છે એ જ દેશને લાગુ પડે છે. કોરોના વૈશ્વિક મહામારી ત્રાટકતા વિશ્વના શક્તિશાળી અને ધનાઢ્ય દેશોએ પોતાનું ચરિત્ર ખુલ્લું પાડી દીધું છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપ પાસે તેની વસ્તી કરતા ચાર ગણા કે તેથી પણ વધારે વેક્સિન ડોઝ સંગ્રહિત છે. એમ કહો કે તેમણે સંગ્રહખોરી કરીને ગરીબ દેશોને રસીના પૂરતા જથ્થાથી વંચિત રાખી દીધા છે, તેમની સાથે અન્યાય કર્યો છે. હવે ક્યા મોઢે યુએનમાં માનવતાવાદની વાત થશે? જ્યારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં માનવતાવાદ પર કોઈ પશ્ચિમી નેતા ભાષણ કરતો હશે ત્યારે કાળ તેના દોગલાપણા પર ખિખિયાટા કરી રહ્યો હશે. યુરોપ પાસે એક વ્યક્તિ દીઠ ૬.૬ ડોઝ સંગ્રહિત છે. તેના કારણે ભારતમાં માત્ર ૧૩ ટકા વેક્સિનેશન થઈ શક્યું છે. આફ્રિકન દેશોમાં તો કેવળ અને કેવળ ૨ ટકા લોકોને રસી આપી શકાઈ છે. યુરોપિયન દેશો ૩ અબજ રસીના ડોઝ દબાવીને બેઠા છે. ૪ કરોડની વસ્તી ધરાવતા કેનેડા પાસે ૧૨ કરોડ ડોઝ છે. અમેરિકા પાસે ૧.૩ અબજ ડોઝ છે પ્રતિ નાગરિક પાંચ ડોઝ. યુકેએ તો હદ વળોટી નાખી છે. તેણે ૫૦ કરોડ ડોઝ એટલે કે પ્રતિબ્રિટિશર ૮ ડોઝ બુક કરાવેલા છે. ઓસ્ટ્રેલિયાએ ૨.૫ કરોડની વસ્તી માટે ૧૭ કરોડ ડોઝનો ઓર્ડર આપેલો છે. તેના કારણે ગરીબ રાષ્ટ્રોને ૨૦૨૩ સુધી રસી મળી શકે તેમ નથી. પશ્ચિમી દેશોએ રસીની સંગ્રહખોરી કરવાથી ગરીબ દેશોમાં જે વધારે મૃત્યુ થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ છે તે અહીં લખવાની જરૂર રહેતી નથી. કોરોનાને કારણે બે છેડાની ઘટના બની છે. રસીની સંગ્રહખોરીનો અવિચારી અને મૂર્ખામીભર્યો રાજકીય સ્વાર્થ સપાટી પર આવ્યો છે તો બીજી તરફ ઝડપથી અસરકારક રસી શોધી કાઢવાનો વૈજ્ઞાનિક ચમત્કાર પણ જોવા મળ્યો છે. કોરોના વાઈરસે ચીન બહાર આતંક મચાવવાની હજી શરૂઆત કરી હતી ત્યાં ૧૧મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના જેનોમ (વંશસૂત્ર)ની ઓળખ કરી લીધી હતી. ૧૫મી જાન્યુઆરીએ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અને મોડર્નાએ સાથે મળીને રસીનો પ્રાથિમક પ્રયોગ આરંભી દીધો હતો. ૧૬મી માર્ચે રસીનું પહેલું માનવ પરિક્ષણ થયું. ભારતમાં લોકડાઉન લદાયું એના બરાબર એક અઠવાડિયા પહેલાં. માનવ પરીક્ષણ અંતર્ગત ફાઈઝર રસીનો પહેલો ડોઝ ૮મી ડીસેમ્બર ૨૦૨૦ના રોજ મેગી કિનાન નામની ૯૧ વર્ષની વૃદ્ધાને અપાયો હતો. મહામારી આવી એના એક જ વર્ષમાં કોરોનાની રસી મેદાનમાં આવી ગઈ. તેની સામે અમેરિકાને પોલિયોની રસી શોધવામાં ૨૦ વર્ષ લાગ્યા હતા. આ છે આપણો વૈજ્ઞાનિક વિકાસ. આ છે ઘોર અંધકાર વચ્ચે અજવાળાનું ટપકું, જે ધીમે-ધીમે સૂરજમાં પરિવર્તિત થઈ રહ્યું છે, આ છે તમામ નકારાત્મકતાઓ ઉપર ભારે પડતી પોઝિટિવિટી. આ છે વિજ્ઞાનનો જય. આના કારણે આપણાં આશા અને વિશ્વાસની ગગનચુંબી ઈમારતો હજુ અડિખમ ઉભી છે. કોરોનાથી થયેલા મૃત્યુનું દુઃખ હોય જ, પરંતુ એ પણ સ્વીકારવું પડે કે ભૂતકાળમાં મહામારીથી જેટલા મોત થતા તેના તો ૧૦ ટકા પણ મોત થયાં નથી. ૧૯૧૭માં સ્પેનિશ ફ્લુ ફાટી નીકળ્યો ત્યારે વિશ્વમાં પાંચ કરોડ મૃત્યુ થયાં હતાં અને તેમાંથી બે કરોડ ભારતમાં થયાં હતાં. ત્યારે ભારતની કુલ વસ્તી ૨૦ કરોડ હતી. વિજ્ઞાાનની આ પ્રગતિને કારણે આપણે મહામારીમાં મરણની સંખ્યા ઘટાડી શક્યા છીએ અને ભવિષ્યમાં હજી અનેક ગણી વધારે ઘટાડી શકીશું. મોટી આફતો માણસને મોટી તાલીમ આપતી હોય છે. જાપાન ભૂકંપ, સુનામી અને જવાળામુખીના ચરું પર બેઠું છે એટલે જ આજે તે વિશ્વના સૌથી શક્તિશાળીમાંનો એક દેશ છે. અસ્તિત્ત્વની લડાઈએ, રોજીંદા જીવનના જંગે તેને અતિવિકસિત બનાવી દીધો છે. એવી જ રીતે વૈશ્વિક મહામારી કોરોનાએ આપણાં તબીબોને, આપણા વિજ્ઞાનીઓને અધિક સજ્જ બનાવી દીધા છે. આવી મહામારી આમ તો ૫૦ કે ૧૦૦ વર્ષે આવતી હોય છે પણ જ્યારે તે આવી પડશે ત્યારે આપણા વિજ્ઞાનીઓ અત્યારે જે ઝડપથી કામ કર્યું છે તેના કરતાં પણ ઘણી ઝાઝી ઝડપથી કામ કરી શકશે. માનવજાત માટે આ સારા સમાચાર છે. વિજ્ઞાનીઓએ અંદાજ બાંધ્યો હતો કે કોવિડ-૧૯ને કારણે વિશ્વમાં ૪૦થી ૮૦ લાખ મોત થશે. તેમનો આ અંદાજ ખોટો પડયો. આ અંદાજ ખોટા પડવાના બે કારણ છે. ૧. વિવિધ દેશોની પ્રશાસકીય બેદરકારી અને ૨. રસીનું રાજકારણ. કોરોનાને કારણે એક સારી વાત એ બની છે કે વિશ્વના મોટા ભાગના દેશોની સરકારો હેલ્થકેર પ્રત્યે જાગૃત બની છે. ભવિષ્યમાં બીજી લાખ બેદરકારી જોવા મળશે, પણ બહુધા દેશોમાં આરોગ્ય સેવાઓ સારી હશે, મજબૂત હશે, સજજ હશે એવું માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિકરણ તો કોઈ કાળે અટકી શકે એમ નથી એવા સમયમાં ઈન્ટરનેશનલ ટુરિઝમમાં હેલ્થ ચેકઅપ સૌથી મહત્ત્વનું પાસું બની રહે છે. વેક્સિન પાસપોર્ટ અને એથીય આગળ હેલ્થ પાસપોર્ટ અનિવાર્ય સત્ય બની રહેવાનું છે. તેના કારણે બે ફાયદા થશે. એક તો ઘણા બધા રોગચાળા ફેલાતા અટકશે અને બીજું, ઈન કેસ કોઈ મહારોગ આવી પડે તો તેની સામે આપણું તંત્ર અને આપણા વિજ્ઞાનીઓ બહેતર ફાઈટ આપી શકશે. જગતના વિવિધ દેશોએ અને તેના રાજ્યોએ કોરોના સામે અલગ-અલગ પદ્ધતિથી લડત ચલાવી. તેમાંથી જે પદ્ધતિ સૌથી સારી હોય, સૌથી અસરકારક હોય તે આપણા માટે દૃષ્ટાંતરૂપ બની શકે છે. ભવિષ્યમાં બીજી આપદાઓ આવે ત્યારે તેને સંદર્ભરૂપ બનાવીને બહેતર યુદ્ધ લડી શકાય છે. ઘણાંખરા આરોગ્ય સંકટોને તો વર્તમાન અનુભવમાંથી શીખીને ઊગતા જ ડામી શકાય છે. જ્યારે વિજ્ઞાનીઓ અને પ્રશાસકો મોટું સંકટ ટાળે ત્યારે જનસમુદાયને અંદાજ આવતો નથી કે કેવડી મોટી આફત અવરોધવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ મુદ્દાની ઉપેક્ષા કરવી. દરેક બાબત પોપ્યુલર પોલિટિક્સ માટે નથી હોતી, કેટલીક રાજનીતિથી ઉપર પણ હોય છે. કેટલીન કરીકોને એમઆરએનએ (મેસેન્જર રીબોન્યુક્લેઇક એસિડ) મહામારી સામે લડવામાં કઈ રીતે મદદરૂપ બની શકે છે તેનો અભ્યાસ કરવામાં ૩૦ વર્ષ લાગ્યા. તેમના આ ત્રણ દાયકાના પરિશ્રમનો લાભ કોરોના મહામારીમાં મળ્યો. મોડર્ના અને ફાઈઝર એમઆરએનએ આધારિત રસી છે. તેને વિકસાવવામાં બહુ જ ઓછો સમય લાગ્યો છે, થેન્કસ ટૂ કેટલીન કરીકો. ભૂતકાળનો અનુભવ તમને વર્તમાનના સંકટો સામે લડવામાં અને વર્તમાનનો અનુભવ તમને ભવિષ્યના જોખમો સામે લડવામાં કેવી રીતે કામ લાગે છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ. કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટે ધારણા કરતાં વધારે ત્રાસ વર્તાવ્યો. કિંતુ ભવિષ્યમાં આવું થતું રોકી શકાશે. વિજ્ઞાનીઓ વાઈરસના વિવિધ મ્યુટેશન્સનું ડેટા મોડેલ તૈયાર કરે છે. આ મોડેલ સાથે મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ ભવિષ્યમાં કોરોના વાઈરસ કેવા-કેવા મ્યુટેશન્સ કરશે તેની સચોટ આગાહી કરી શકશે. એ આગાહી પ્રમાણેની દવાઓ અને રસી બનાવીને આગામી ખતરાને ટાળી શકાશે. આ જ મોડસ ઓપરેન્ડી અન્ય રોગના વાઈરસ માટે પણ અપનાવી શકાશે. ભવિષ્યમાં એવું પણ બનશે કે કોઈ રોગ આવે તેના મહિના કે વર્ષો પહેલા જ લોકોને તેની રસી આપી જીવ બચાવી લેશે. કોઈ પણ દેશના વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ આ બે બહુ મહત્ત્વપૂર્ણ પરિમાણ છે. આરોગ્ય, શિક્ષણ અને વિજ્ઞાાન આ ત્રણમાંથી એકેયની ઉપેક્ષા કરી શકાશે નહીં તેવું આપણને કોરોનાએ કડકાઈપૂર્વક શીખવી દીધું છે. અત્યાર સુધી સરકારો આરોગ્ય અને શિક્ષણને હળવાશથી લેતી હતી, તેની પાછળ પૂરતુ બજેટ ફાળવતી નહોતી. હવે એવું નહીં ચાલે. ખૂબ ભણવું પડશે, ખૂબ રીસર્ચ કરવું પડશે અને હેલ્થકેરની બાબતમાં પણ સુસજ્જ બનવું પડશે. ફૂટબોલમાં ખેલાડીઓ બહુ ઝડપથી મેકશિફ્ટ થતાં હોય છે. બહુ ત્વરાથી પોતાની જગ્યા બદલી અને એકબીજાની ભૂમિકા સારામાં સારી રીતે નિભાવતા હોય છે. હવે કોઈ પણ રોગ સામે ઝડપભેર કોન્ટેક્ટ ટ્રેસિંગ થાય, વધુ વેગથી ટેસ્ટિંગ થાય, ફટાફટ લેબોરેટરીઓ ઊભી થઈ જાય અને કાર્યરત બની જાય તે પ્રકારનું તંત્ર ગોઠવવું પડશે. કોરોના મહામારીએ આપણને સફાળા જગાડી દીધા છે અને આપણી આ જાગૃતિ જ આપણું આરામદાયક જીવન સુનિશ્ચિત કરી શકશે. પૃથ્વીને લાગેલા કોરોના રૂપી ગ્રહણમાંથી મુક્ત કરવાનો યશ પૂર્ણપણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓને જશે.

ગુજરાત સમાચાર 8 Aug 2021 7:00 am

યુદ્ધવિરામનો ઢોંગ આચરીને પાકિસ્તાન પીઠ પર વારની ફિરાકમાં

- મોટો હુમલાને અંજામ આપવા માટે સરહદપારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર - પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે અને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે તે સીઝફાયરનો ઢોંગ આચરી રહ્યું છે, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તે ફરી પોતાનું અસલ સ્વરૂપ બતાવશે અને ફરી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા માટેના પ્રયાસો શરૂ કરી દેશે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ મહિના પહેલા લાગુ કરવામાં આવેલા સીઝફાયર બાદ બંને દેશોની સેના વચ્ચે ફાયરિંગના બનાવ નોંધાયા નથી એ સંજોગોમાં સરહદે શાંતિ છે પરંતુ ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પ્રમાણે સરહદપાર હજુ પણ આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને ૧૪૦ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર છે. એજન્સીઓના ઇન્પુટ્સ પ્રમાણે ૧૫ ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ગત ફેબુ્રઆરીમાં બંને દેશો વચ્ચે લશ્કરીસ્તરે યુદ્ધવિરામની સમજૂતિ થયા બાદ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી હતી. આમ તો વર્ષ ૨૦૦૩ની ૨૬ નવેમ્બરે બંને દેશો વચ્ચે જમ્મુ-કાશ્મીરની ૨૬૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કિલોમીટર લાંબી અંકુશ રેખા ઉપર સીઝફાયર લાગુ કરવાની મૌખિક સમજૂતિ થઇ હતી. પરંતુ સીઝફાયર લાગુ થયાના બે મહિના બાદ જ પાકિસ્તાની સેનાએ સીઝફાયર વાયોલેશન શરૂ કરી દીધું હતું. આ રીતે વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવા પાછળ પાકિસ્તાની સેનાની ગણતરી એ હોય છે કે પાકિસ્તાનમાં તૈયાર થયેલા આતંકવાદીઓને ભારતમાં ધકેલવા માટે કવરિંગ ફાયર કરવું. આ રીતે આતંકવાદીઓને ભારતની સરહદમાં ઘૂસાડવા માટે કવરિંગ ફાયર કરવાનું પરિણામ એ આવે છે કે સીઝફાયરનું મહત્ત્વ જ રહેતું નથી અને જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે બરાબર જવાબ આપવો પડે છે. લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચે છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના લોકોને બંદી બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોરજબરજસ્તી સામેલ કરવા માટે અને સેના અંગે જાણકારી આપવા માટે દબાણ કરે છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ભરતી કરવા માટે પ્રયાસો કરે છે એવામાં સેના અને સુરક્ષા દળો માટે પહેલા કરતા પણ કઠિન સમય આવ્યો છે. જાણીતી વાત છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. હકીકતમાં પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે. જોકે ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે. ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય સુરક્ષાદળો અનેક મોરચે પાકિસ્તાનને પોતાની અસલ તાકાતનો પરચો આપી ચૂક્યાં છે. તેમ છતાં પાકિસ્તાન એમાંથી કશો બોધપાઠ લીધો હોય એમ જણાતું નથી. ૨૮ સપ્ટેબર ૨૦૧૬ની એ રાતે ભારતીય સેનાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી દીધું. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ ઉપર કરેલા હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા અને તેમની શહીદીનો બદલો લેવા સેનાના સ્પેશિયલ કમાન્ડોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદી છાવણીઓનો દાટ વાળી દીધો અને હેમખેમ ભારતીય સીમામાં પરત ફર્યાં. એ પછી પણ ભારતીય સેનાએ ઘૂસણખોરોને આશરો આપતી પાકિસ્તાની ચોકીઓને તબાહ કરી છે. તેમ છતાં પાકિસ્તાનની નાપાક હરકતો અટકતી નથી. સ્પષ્ટ બાબત છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજે છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે. કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ભારત સાથે સંબંધો સામાન્ય કરવાની દિશામાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર સમક્ષ ભારે પડકારો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ સરહદપારથી ચાલતા આતંકવાદી કરતૂતો છે. એ તો જગજાહેર છે કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસોમાં રત રહે છે. ઇમરાન ખાનનું આ સંગઠનોને લઇને જે વલણ છે એ ભારત માટે ચિંતાજનક છે. ઇમરાન ખાન ચૂંટણીમાં કટ્ટરપંથીઓનું સમર્થન હાંસલ કરીને વિજયી બન્યા હતાં. આતંકવાદનું આશ્રિત બની ગયેલા પાકિસ્તાનનું અર્થતંત્ર ખસ્તાહાલ છે અને આતંકવાદને પોષવામાં રત રહેલો દેશ દેવાના મોટા ડુંગર તળે દબાયેલો છે. ખુદ ઇમરાન ખાને કબૂલ કર્યું છે કે પાકિસ્તાને જૂનું દેવું ચૂકવવા માટે નવું દેવું કરવું પડે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે જરૂરી છે કે તે સાફ નિયત સાથે કામ કરે અને દેશમાં અને બહાર શાંતિપૂર્ણ માહોલ સ્થપાય એ માટે જરૂરી પગલાં લે. ઇમરાન ખાન સમક્ષ મોટી જવાબદારી છે કે તે સેના કે કટ્ટરવાદી તત્ત્વોના દબાણમાં આવીને એવી નીતિઓ અખત્યાર ન કરે જે તેમના ખાડે ગયેલા દેશને સાવ પાયમાલ કરી દે. માત્ર ભારત તરફથી જ નહીં, દુનિયાના બીજા દેશો તરફથી પણ પાકિસ્તાનને લપડાક મળી છે. પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર ગણાતા અમેરિકાએ પણ આતંકવાદી ગતિવિધિઓમાંથી ઊંચા ન આવતા પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ ઉપર મનાઇ લગાવી દીધી છે. ટેરર ફંડિંગની દેખરેખ રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. યૂ.એન. સહિતના વૈશ્વિક મંચો ઉપર પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યાં છે. તેમ છતાં પાકિસ્તાનની બદમિજાજી અટકવાનું નામ નથી લેતી અને ભારતમાં અશાંતિ ફેલાવવાના શક્ય તમામ કાવાદાવા આચર્યા કરે છે. પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. દુનિયાભરમાંથી ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી. પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે. જાણકારોના મતે તો સરહદે સંઘર્ષવિરામ કરવો એ પાકિસ્તાનનો ડોળમાત્ર છે અને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે તે આ ઢોંગ આચરી રહ્યું છે. ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તે ફરી પોતાનું અસલ સ્વરૂપ બતાવશે અને ફરી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા માટેના પ્રયાસો શરૂ કરી દેશે. છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે અભિયાનો ચલાવવામાં આવ્યાં છે એમાં આતંકવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા મળી છે. હકીકતમાં બુરહાન વાની બાદ કોઇ પણ આતંકવાદી આકા કાશ્મીરમાં પોતાના મૂળિયા જમાવી શક્યો નથી એ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાય. જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરી છે ત્યારે ત્યારે પાકિસ્તાને તેનો જવાબ ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર જેવા મોટા આતંકવાદી હુમલાના સ્વરૂપમાં આપ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો કદી ઇન્કાર કર્યો નથી અને દર વખતે જૂના બનાવો ભૂલીને વાતચીત માટે હાથ લંબાવ્યો છે. પરંતુ દર વખતે કોઇ મોટી આતંકવાદી ઘટના બને છે અને વાર્તાલાપ તૂટી જાય છે. એ જ કારણે પાછલા લાંબા સમયથી ભારતનું વલણ રહ્યું છે કે બંને દેશો વચ્ચે મંત્રણા ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરશે અને સરહદપારથી ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરશે. ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દાખવ્યું છે પરંતુ દર વખતે પાકિસ્તાન જ આડું ફાટે છે. આ વખતે પણ તે સીઝફાયરનું પાલન તો કરી રહ્યું છે પરંતુ આતંકવાદીઓને પોષવાનું અટકાવ્યું નથી.

ગુજરાત સમાચાર 7 Aug 2021 7:00 am

કડક કાયદા છતાં બાળકીઓ સાથે દુરાચારના બનાવોનો અંત નથી આવતો

- રાજધાની દિલ્હીમાં નવ વર્ષની બાળકીની હત્યા અને પરિવારજનોની સંમતિ વિના અંતિમ સંસ્કાર કરી દેવાની ચક્ચારી ઘટના - બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જાય છે, એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને દાખલો બેસાડવાની જરૂરિયાત છે દેશની રાજધાની દિલ્હીમાં ૯ વર્ષની બાળકીની હત્યા અને પરિવારની સંમતિ વિના મૃતદેહના અંતિમ સંસ્કારની ચકચારી ઘટના સામે આવતા લોકોમાં રોષ છે. આરોપ છે કે આ નાનકડી બાળકી ઉપર સ્મશાન ઘાટની અંદર ગેંગરેપ કરીને હત્યા કરી નાખવામાં આવી. શરૂઆતમાં પોલીસે આ મામલે બેદરકારીથી મોત, પુરાવાનો નાશ કરવો અને પરિજનોને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરવા જેવા મામલામાં કેસ નોંધ્યો હતો. પરંતુ બાળકીના પરિવારજનોએ ન્યાય માટે રાવ કરતા છેવટે આ મામલે ગેંગરેપ, હત્યા, પોક્સો એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એસસી-એસટી એક્ટ જેવી કલમો પણ ઉમેરી. આ બનાવ બાદ ફરી વખત દેશમાં મહિલાઓ અને ખાસ કરીને બાળકોની સુરક્ષા અંગે સવાલ ખડા કર્યાં છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં બાળ યૌનશોષણની વધી રહેલી ઘટનાઓ ભારે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા કડક કાયદા બનાવ્યા છતાં આવી ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લેતી. અવારનવાર દેશના કોઇ ખૂણેથી બાળ યૌનશોષણના સમાચાર સાંભળવા મળતા જ રહે છે. હકીકતમાં બાળકો સાથે થતા યૌન દુરાચારના મામલે સરકાર વધારે સખત બની છે. કેન્દ્રની મોદી સરકારે બાળકો સાથેના યૌન અપરાધો માટેના કાયદાને અત્યંત કડક બનાવ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ એક્ટ અર્થાત પૉક્સોની જુદી જુદી કલમોમાં સંશોધન કરવામાં આવ્યાં છે. હવે બાળકો સાથેના ગંભીર યૌન અપરાધની સ્થિતિમાં અપરાધીને ૨૦ વર્ષની આકરી સજા અથવા તો મૃત્યુદંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ભારતમાં દર વર્ષે બાળકો સાથે થતા યૌૈન દુરાચારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલા રોકવા માટે સરકારને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની આવશ્યકતા જણાઇ. આ કાયદા અંતર્ગત ૧૮ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને ડ્રગ્સ કે દવા આપીને તેમના હોર્મોન્સ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવાની કલમ ૯માં પણ સંશોધન કરવામાં આવ્યું છે. નવા કાયદા અનુસાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે પણ કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે દુનિયાના તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યાં છે. જો કોઇ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઇને કોઇ કૃત્ય કરે તો તેને અસામાજિક ઠરાવવામાં આવે છે. મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે. આજે સમાજમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી રહી છે જેનો અભ્યાસ કરતા જણાય છે કે સમાજ બીમાર બની રહ્યો છે. નાની બાળકીઓથી લઇને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના મામલા વધી રહ્યાં છે. છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તેમના ઉપર એસિડ એટેક થાય છે. બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં બાળકો યૌન શોષણના શિકાર બનતા હોય અને આવા ઘણાં ખરાં મામલાઓમાં ઓળખીતા લોકો જ સંડોવાયેલા હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો. એટલા માટે જ સરકારે બાળકોનું યૌન શોષણ કરનારા લોકો માટે ફાંસીની સજાની જોગવાઇ કરી છે. જોકે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તો ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું યૌન શોષણ કરનારા અપરાધીઓ માટે ફાંસીની સજાની જોગવાઇ છે જ. પરંતુ કઠણાઇ એ છે કે મૃત્યુદંડની જોગવાઇ કર્યા બાદ પણ સમાજમાં આવા ગંભીર અપરાધ અટક્યા નથી. નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે. આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે. જાણકારોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે. દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે. આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે. સમાજવિજ્ઞાાનીઓના મતે ચિંતાજનક કહી શકાય એવી બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી નાની ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય? આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી. દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને દાખલો બેસાડવાની જરૂરિયાત છે. ખરેખર તો આવી કોઇ ઘટના સામે આવે ત્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફોરવર્ડ કરીને કે રોષ વ્યક્ત કરીને પોતાની ફરજ પૂરી થયાનું સમજી લે છે. આજે એવું જોવા મળે છે કે મોટી મોટી ઘટનાઓની લોકો પ્રતિક્રિયા આપતા નથી. લોકોને બિનજરૂરી મુદ્દાઓમાં એવા ઉલઝાવી દેવામાં આવ્યાં છે કે તેમનું વાસ્તવિક પરિસ્થિતિ તરફથી ધ્યાન જ હટી ગયું છે. જો આ પ્રકારની ઘટનાઓ ઉપર સમાજ ચૂપ રહેશે તો આવા લોકોની હિંમત વધ્યા જ કરશે. દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત દેશના અઢીસોથી વધારે જિલ્લાઓમાં ચાઇલ્ડલાઇન સર્વિસ ચલાવવામાં આવે છે. બાળકોના ઉત્પીડત અને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો દાવો આ સર્વિસના માધ્યમ દ્વારા કરવામાં આવતો હોવાના દાવા થાય છે પરંતુ માસૂમ બાળકોની ચીસો આ ચાઇલ્ડલાઇન્સ સુધી પહોંચતી હોય એવું લાગતું નથી. ભારતમાં રોજિંદા ૨૯૦ બાળકો જુદાં જુદાં અપરાધોના શિકાર બને છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તો આવા મામલાઓમાં ચાર ગણો વધારો થયો છે. સામાજિક સંગઠનોએ આ પ્રકારની પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા આ સમસ્યા પર અંકુશ લગાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે. આવી સંસ્થાઓનો દાવો છે કે હજારો મામલા એવા છે જે પોલીસ સુધી પહોંચતા જ નથી. સામાજિક સંગઠનોના જણાવ્યા અનુસાર બાળકો પ્રત્યે થતા અત્યાચારના અનેક કારણો છે એટલા માટે તેમના પર અંકુશ લગાવવા માટે બહુઆયામી ઉપાયો પ્રયોજવાની જરૂર છે. ખાસ કરીને સમાજમાં બાળકો પ્રત્યેના અપરાધો અંગે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. ગરીબી, બેરોજગારી, આર્થિક અને લૈંગિક અસમાનતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આવી સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાય છે. બેશક સરકાર આ તમામ મોરચે કામ કરી રહી છે પરંતુ લોકોએ પણ આગળ આવીને બાળકો પર થતા અત્યાચારોના મામલે અવાજ ઉઠાવવાની જરૂર છે. માત્ર કાયદા કે દિશાનિર્દેશો બનાવીને બાળકો સાથે થતાં અપરાધો પર કાબુ નહીં મેળવી શકાય. આવા અપરાધોના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કડક કાયદા લાગુ કરવાના રહેશે.

ગુજરાત સમાચાર 5 Aug 2021 7:00 am

ચાલબાજ ચીનને પાઠ ભણાવ્યા વિના છૂટકો નથી

- ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૨મી મંત્રણા બાદ ચીનની વિવાદ ઉકેલવાની ધરપત - સૈન્ય સ્તરની મંત્રણા બાદ ચીન તંગદીલી ઘટાડવાની સૂફિયાણી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે ગયા વર્ષે ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે, હોટ સ્પ્રીંગ્સ, ગોગરા અને દેપસાંગમાંથી ચીની સેનાને પાછી કાઢવી જ રહી લદ્દાખ ખાતે વ્યાપી રહેલા તણાવ સંદર્ભે તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૨મી મંત્રણા યોજાઇ જે બાદ બંને દેશોએ એલએસી પર તંગદીલી ઘટાડવા માટે સહિયારા પ્રયાસ કરવા સંમતિ દર્શાવી છે. પરંતુ હકીકત એ છે કે ગયા વર્ષે ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે. ગલવાન ઘાટી ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયા બાદ શરૂ થયેલા વિવાદનો હજુ અંત આવ્યો નથી. વારંવાર કાચિંડાની જેમ રંગ બદલતું ચીન પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું કહીને ફરી જાય છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની અનેક મંત્રણાઓ યોજાવા છતાં ચીની સેના હોટ સ્પ્રીંગ્સ, ગોગરા અને દેપસાંગમાંથી પીછેહઠ કરવાનો ઇન્કાર કરી રહી છે. ઉલટું તે દાદાગીરી કરતું હોય એમ ભારતને જેટલું મળ્યું છે એમાં ખુશ રહેવાની સલાહ આપે છે. ભારત પણ જ્યાં સુધી પૂર્વ લદ્દાખમાં પૂર્વવત્ સ્થિતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ભારત પોતાના દળો પાછા નહીં ખેંચવા માટે મક્કમ છે. છેલ્લા એક વર્ષથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાતી સરહદે બંને દેશોએ મોટા પ્રમાણમાં સૈનિકો, શસ્ત્રો અને ફાઇટર વિમાનો તૈનાત કરી રાખ્યાં છે. ચીને સરહદે સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ ભારતે પણ પોતાની સ્થિતિને મજબૂત કરી છે. આમ તો ચીન ભારત સાથે સંબંધો સુધારવાની અને વધારે સુદૃઢ કરવાની ઇચ્છા વ્યક્ત કરતું રહે છે પરંતુ ૧૯૬૨માં હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી એ તેણે અનેક વખત સાબિત કર્યું છે. દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતા દેશો અને આર્થિક મહાસત્તા હોવાના કારણે ભારત-ચીન વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો વૈશ્વિક શાંતિ અને માનવતા માટે અત્યંત આવશ્યક છે. બંને દેશોની કુલ વસતી આશરે ૨૭૫ કરોડ જેટલી થવા જાય છે જે ૭૬૦ કરોડના વૈશ્વિક માનવ સંસાધનના ૩૬ ટકા છે. બંને દેશો ૧.૨૩ કરોડ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની દર ત્રીજી વ્યક્તિ ભારતીય અથવા ચીની હોય છે. એક તરફ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની સાથે સાથે લશ્કરી દૃષ્ટિએ દુનિયાનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે તો બીજી બાજુ સામ્રાજ્યવાદી માનસિકતા, નિરંકુશ માર્ક્સવાદી સામ્યવાદ અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના ખતરનાક સંયોજન દ્વારા ચીન વિશ્વની મહાસત્તાઓમાં સામેલ છે. ચીન સાથેના સંબંધોમાં શાંતિની શરૂઆત નેવુંના દાયકાથી થઇ. જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો પાયો ૧૯૮૮માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના ચીનપ્રવાસ દરમિયાન નંખાયો હતો. ૧૯૯૩માં તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ ચીનની મુલાકાતે ગયા ત્યારે ચીનના પ્રીમિયર લી પેંગ સાથે મેન્ટેનન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ સમજૂતિ વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ બહાલ રાખવા માટે થઇ હતી. એ પછી ચીની રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે એક વધારે સમજૂતિ થઇ. એ વખતે ભારતના તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ આ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં. વર્ષ ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદી વિવાદને લઇને સ્પેશ્યલ રિપ્રેઝન્ટેટિવ લેવલનું મિકેનિઝમ તૈયાર કર્યું. એ પછી મનમોહન સિંહની સરકાર દસ વર્ષ શાસનમાં રહી ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૩માં સરહદ વિવાદ અંગે સંવાદ આગળ વધારવા માટે ત્રણ સમજૂતિઓ થઇ. હાલના વિદેશ મંત્રી એસ. જયશંકર એ વખતે ચીનમાં ભારતના રાજદૂત હતાં. નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ ચીન સાથેના સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર થયો. ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૧૮ વખત મળી ચૂક્યાં છે. આ મુલાકાતોમાં વન-ટૂ-વન મીટિંગ ઉપરાંત બીજા દેશોના નેતાઓ સાથે થયેલી મુલાકાતો સામેલ છે. વડાપ્રધાન મોદી પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે. છેલ્લા ૭૦ વર્ષમાં ભારતના કોઇ પણ વડાપ્રધાનની આ સૌથી વધારે ચીનની મુલાકાતોનો આંકડો છે. વડાપ્રધાન મોદીએ ચીન સાથેના સંબંધોમાં નવેસરથી ઉષ્મા પૂરવાના પ્રયાસો આદર્યાં હતાં. જે અંતર્ગત ૨૦૧૮ના એપ્રિલમાં ચીનના વુહાન ખાતે બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાતની શરૂઆત થઇ હતી. એ પછી વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મહાબલિપુરમમાં અનૌપચારિક મુલાકાત થઇ હતી. જોકે હાલ બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એનાથી બંને નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો ઉપર પાણી ફરી વળ્યું છે. ભારત અને ચીન વચ્ચે અવારનવાર સરહદી વિવાદ સર્જાવાનું મુખ્ય કારણ એ છે કે બંને દેશો વચ્ચે સરહદ અંગે કોઇ ચોક્કસ સમજૂતિ થઇ નથી. એ સાથે જ ચીન તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટીશ હિંદની સમજૂતિને માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. ચીનની દલીલ છે કે તિબેટ તેનો હિસ્સો છે એટલે તેને બ્રિટીશ હિંદ સાથે સમજૂતિ કરવાનો કોઇ અધિકાર જ નહોતો. આ સમજૂતિ મેકમોહન લાઇન નામે જાણીતી છે. પોતાની આ વિચારસરણીના લીધે જ ચીન અરુણાચલ પ્રદેશને પણ તિબેટનો જ ભાગ ગણાવે છે. ભારત અને ચીન વચ્ચે વિવાદનું બીજું કારણ છે અક્સાઇ ચીન જેના પર ચીને ૧૯૬૨માં કબજો કરી લીધો હતો. પરંતુ ભારત આ વિસ્તાર પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ત્રીજું કારણ છે વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને અસમંજસની સ્થિતિ. આવું એટલા માટે થયું કે હિમાલયન ક્ષેત્ર હોવાના કારણે સરહદસંબંધી સમજૂતિના અભાવના કારણે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્પષ્ટ સ્થિતિ બની ન શકી એટલા માટે ભારત અને ચીનના સૈનિકો અવારનવાર ઘર્ષણમાં આવી જાય છે. ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે જોકે ચીનના દાવા અનુસાર તો બંને દેશો વચ્ચે માત્ર બે હજાર કિલોમીટર લાંબી સરહદ જ છે. બંને દેશો વચ્ચેની સરહદ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પહેલો હિસ્સો છે ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, તો બીજો હિસ્સો હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છે અને ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ છે જેના કારણે બંને દેશોમાં એવો ભ્રમ પેદા થઇ જાય છે કે તેમની સરહદનું ઉલ્લંઘન થયું છે. સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓ વધ્યા કરે છે. એક રીતે તો ભારતીય સરહદમાં છાશવારે ઘૂસણખોરી કરીને ચીન ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લેતું રહે છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે. ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે. ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે. હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે. ખરેખર તો ચીનના અટકચાળાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી.

ગુજરાત સમાચાર 4 Aug 2021 7:00 am

મ્યાંમારમાં લશ્કરી શાસનના નવા અધ્યાયનો આરંભ

- મ્યાંમારના લશ્કરી વડા જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ હવે દેશના વડાપ્રધાન બની બેઠાં - હ્વાઇંગ ઉપર માનવાધિકારના ઉલ્લંઘનના આરોપ પણ મૂકાઇ ચૂક્યાં છે અને હવે સૈન્યના સત્તા પલટા બાદ સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ મ્યાંમારના સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યાં છે, વડાપ્રધાન બનીને તેમણે સત્તાની બાગડોર પણ પોતાના હાથમાં લઇ લીધી છે મ્યાંમારની સરકારને ઉથલાવ્યાના છ મહિના બાદ લશ્કરી વડા સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગે પોતાને વડાપ્રધાન જાહેર કર્યા છે. એ સાથે જ તેમણે દેશમાં ૨૦૨૩ સુધીમાં ચૂંટણી યોજવાનો વાયદો કર્યો છે. મ્યાંમારની સેનાએ ગત ૧ ફેબ્રુઆરીએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ ચીની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો હતો. સૈન્યના તખ્તાપલટા બાદ દેશભરમાં લોકો મોટા પાયે આંદોલનો કરી રહ્યાં છે. પ્રદર્શનકર્તાઓ દેશમાં લોકશાહી ફરી બહાલ કરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સેના લોકો વિરુદ્ધ હિંસાત્મક કાર્યવાહી કરી રહી છે. પરિણામે પહેલી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સેનાની કાર્યવાહીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યાં છે. મ્યાંમારના લોકો મોટી સંખ્યામાં દેશ છોડીને પાડોશી ભારત, બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં નાસી રહ્યાં છે. જેના પરિણામે શરણાર્થી સંકટ પણ ઊભું થઇ ગયું છે. મ્યાંમારની સેનાએ સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિંટ સહિત અનેક નેતાઓની ધરપકડ કર્યા બાદ દેશમાં એક વર્ષની કટોકટી લાદી છે. મ્યાંમારની સેનાની આ કાર્યવાહીની દુનિયાભરમાં આકરી ટીકા થઇ હતી. હજુ તો માત્ર ૧૦ વર્ષ પહેલા મ્યાંમારની સેનાએ સત્તાનું હસ્તાંતરણ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કર્યું હતું. સત્તાપલટાના સમાચાર બાદ આખા દેશમાં ડરનો માહોલ છે. હજુ તો એક દાયકા પહેલા મ્યાંમારમાં સેનાના પાંચ દાયકા સુધી ચાલેલા દમનકારી શાસનનો અંત આવ્યો હતો. હવે સૂ ચી તેમજ અન્ય રાજનેતાઓની ધરપકડ બાદ દેશમાં ફરી નિરાશા વ્યાપી છે. મ્યાંમારમાં સેનાએ કરેલા સત્તાપલટા બાદ પ્રજાનો રોષ વધી રહ્યો છે અને સેના વિરુદ્ધ આંદોલન તેજ બની રહ્યાં છે. દેશમાં ફરી વખત લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકારની પુનઃસ્થાપના કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં લોકો આંદોલન કરી રહ્યાં છે. સેન્યના સત્તા પલટા બાદ સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ મ્યાંમારના સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યાં છે. ૬૪ વર્ષીય હ્વાઇંગ જુલાઇમાં રિટાયર થવાના હતાં પરંતુ કટોકટીની જાહેરાત સાથે જ મ્યાંમારમાં તેમનું પલડું ભારે થઇ ગયું છે. જોકે અહીંયા સુધી પહોંચવામાં હ્વાઇંગે લાંબી સફર પાર કરી છે. સેનામાં પ્રવેશ માટે બે વખત નિષ્ફળ નીવડયાં બાદ હ્વાઇંગને ત્રીજા પ્રયાસે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મળ્યો. સામાન્ય સૈનિકથી શરૂઆત કરીને ધીમે ધીમે પદોન્નતિ મેળવીને વર્ષ ૨૦૦૯માં બ્યૂરો ઓફ સ્પેશિયલ ઓપરેશન-૨ના કમાન્ડર બન્યાં. સત્તાપલટા પહેલા પણ જનરલ હ્વાઇંગ સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે રાજકીય રીતે ઘણાં પ્રભાવશાળી હતાં. મ્યાંમારમાં લોકશાહીની શરૂઆત થયા બાદ પણ હ્વાઇંગે મ્યાંમારની તત્મડા તરીકે ઓળખાતી સેનાનો પ્રભાવ ઓછો ન થવા દીધો. એ માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વખત ટીકાઓનો સામનો પણ કરવો પડયો. મ્યાંમારની લઘુમતિ ઉપર સેનાના હુમલા માટે પ્રતિબંધોનો સામનો પણ કરવો પડયો. હવે મ્યાંમારની સત્તા હાથમાં આવતા જનરલ હ્વાઇંગ પોતાની તાકાત વધારવા અને મ્યાંમારનું ભાવિ નક્કી કરવાની દિશામાં કામ કરશે. આ પદે રહીને તેમણે મ્યાંમારના સરહદી અશાંત વિસ્તારમાં અનેક સૈન્ય અભિયાનો ચલાવ્યાં જેના કારણે લઘુમતિ શરણાર્થીઓએ દેશ છોડીને નાસવું પડયું. હ્વાઇંગની લશ્કરી ટુકડીઓ પર હત્યા, બળાત્કાર અને આગ લગાડવાના અનેક આરોપ લાગ્યાં તેમ છતાં તેઓ સતત પ્રમોશન મેળવતા રહ્યાં અને ઓગસ્ટ ૨૦૧૦માં જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ બન્યાં. થોડા મહિના બાદ ૨૦૧૧ના માર્ચ મહિનામાં તેમણે અનેક લશ્કરી વરિષ્ઠ અધિકારીઓને પાછળ મૂકીને સેનાનાયકનું પદ મેળવી લીધું. મ્યાંમારમાં લાંબા સમય સુધી રહેલા લશ્કરી શાસન બાદ લોકશાહી આવી એ દોરમાં હ્વાઇંગે સેનાધ્યક્ષના રૂપમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમ છતાં તેઓ મ્યાંમારમાં સેનાની શક્તિ જાળવી રાખવા માટે પ્રયાસરત રહ્યાં. સેનાના સમર્થનવાળી રાજકીય પાર્ટી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીએ સત્તામાં આવી ત્યારે હ્વાઇંગના રાજકીય પ્રભુત્ત્વમાં ભારે વધારો થયો. પરંતુ વર્ષ ૨૦૧૬માં થયેલી આગામી ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રસી સત્તામાં આવી ત્યારે તેમણે બદલાવને સ્વીકાર્યો. એનએલડીએ બંધારણમાં પરિવર્તન કરીને સેનાની શક્તિ સીમિત કરવાના પ્રયાસ પણ કર્યાં પરંતુ હ્વાઇંગે એ પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં. વર્ષ ૨૦૧૬-૧૭માં મ્યાંમારના લઘુમતિ રોહિંગ્યા મુસ્લિમો ઉપર થયેલા અત્યાચાર માટે હ્વાઇંગની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઇ. અમેરિકાએ વર્ષ ૨૦૧૯માં હ્વાઇંગ પર માનવાધિકારના ઉલ્લંઘન માટે પ્રતિબંધો પણ મૂક્યાં. બ્રિટને પણ ૨૦૨૦માં તેમના પર પ્રતિબંધો મૂક્યાં. ગયા વર્ષના અંતે યોજાયેલી ચૂંટણીમાં સેનાના સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીની જીત થવાની તેમની અપેક્ષા સફળ ન થઇ અને આંગ સાન સૂ કીની પાર્ટી પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપ મૂકાયા. ત્યારે જ સેના સત્તાપલટો કરશે એવા અણસાર મળવા લાગ્યાં હતાં. સૂ ચી અને તેમની એક જમાનામાં પ્રતિબંધિત રહી ચૂકેલી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી વર્ષ ૨૦૧૫માં મ્યાંમારના સૌથી સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન બાદ સત્તામાં આવ્યાં હતાં. ફેબ્રુઆરીમાં તેમણે ફરી વખત સત્તા સંભાળવાની હતી પરંતુ સંસદના પહેલા સત્રના થોડા કલાકો પહેલા જ સૂ ચી સહિત અનેક રાજનેતાઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં સેનાએ પડદા પાછળ રહીને પક્કડ જમાવી રાખી હતી. જોકે મ્યાંમારમાં સેનાનું જોર હોવા પાછળ ત્યાંનું બંધારણ જવાબદાર છે જેમાં સંસદની ચોથા ભાગની બેઠકો સેના પાસે રહે છે. એટલું જ નહીં, દેશના સૌથી શક્તિશાળી મંત્રાલયોને નિયંત્રિત કરવાની સત્તા પણ સેના પાસે છે. સમગ્ર વિવાદની શરૂઆત આમ તો ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણી બાદ થઇ. આ ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી એનએલડીને ૮૦ ટકા વોટ મળ્યાં. આમ તો છેલ્લા થોડા સમયથી સૂ ચીની સરકાર પર રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારના આરોપ લાગ્યાં હતાં તેમ છતાં તેમની પાર્ટીને આટલા બધાં વોટ મળ્યાં. આ ચૂંટણી બાદ સેનાનું સમર્થન મેળવેલી વિપક્ષી પાર્ટીએ ચૂંટણીમાં છેતરપિંડીના આરોપ મૂક્યાં. આ આરોપ અંગે કોઇ પુરાવા ન હોવા છતાં મ્યાંમારના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ મીએન સ્વેએ દેશમાં તાત્કાલિક કટોકટી લાદી દીધી. નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં સેનાના સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી પાછળ રહી ગઇ પરંતુ સંસદમાં સેનાનો દબદબો ઘટવાનો નહોતો. વર્ષ ૨૦૦૬માં મ્યાંમારના બંધારણમાં થયેલા એક સંસોધન બાદ સેના પાસે ૨૫ ટકા સીટોનો અધિકાર છે. એ સાથે જ ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને સરહદ સાથે જોડાયેલા મામલાઓના મંત્રાલયનો સંપૂર્ણ અધિકાર સેના પાસે હોય છે. મ્યાંમારમાં સેનાનું શાસન નવું નથી. મ્યાંમારના લોકો સેનાનું દમન જોયું છે એટલા માટે જ તેઓ લોકશાહી માટે લડી રહ્યાં છે. જોકે મ્યાંમારની સેના પણ પોતાની અસલિયત બતાવી રહી છે અને દમન અને બર્બરતા પર ઉતરી આવી છે. આમ પણ સેના સત્તાપલટો કરે ત્યારે વિરોધ સામે હિંસાત્મક વલણ જ અખત્યાર કરતી હોય છે. આવા દમન પાછળ કારણ એ કે સેનાને લોકોનું સમર્થન હોતું નથી. એટલા માટે આવી સત્તાઓ જનતાના ભલાનો વિચાર કર્યા વિના રાજ ચલાવે છે. આવી સત્તાને લોકશાહીના અધિકારોની પણ પરવા નથી હોતી. ઉલટું પોતાની વિરુદ્ધ થતા પ્રદર્શનો સામે તે દમન અને હિંસા વધારે આકરી રીતે એટલા માટે ઘારણ કરે છે કે પ્રદર્શનથી દૂર રહેલા લોકોમાં પણ ખોફ રહે અને તેઓ આંદોલનોથી દૂર રહે. પરંતુ દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે કોઇ પણ દેશમાં સરમુખત્યારશાહીનો દોર લાંબો ચાલ્યો નથી અને પરિસ્થિતિ સમજ્યા બાદ છેવટે જનતાની ધીરજ ખૂટે છે. એ રીતે જોતાં મ્યાંમારની જનતાએ સેનાના સત્તાપલટાને ચુપચાપ જોતા રહેવાના બદલે લોકશાહી બહાલ કરવા માટે લોકો સડકો પર આવી ગયાં છે. સેનાની સમસ્યા એ છે કે સેનાની હિંસાત્મક કાર્યવાહી છતાં લોકોનો વિરોધ દેશના જુદાં જુદાં ભાગોમાં પ્રસરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રથી લઇને તમામ આંતરરાષ્ટ્રીય મંચ પર મ્યાંમારની સેનાના દમન વિરુદ્ધ સવાલ થઇ રહ્યાં છે અને પ્રતિબંધો મૂકવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હવે મ્યાંમારના લોકો ભારે તકલીફો વેઠીને મેળવેલી લોકશાહીને કેવી રીતે બચાવે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની એમાં શી ભૂમિકા રહે છે એના પર સૌની નજર છે.

ગુજરાત સમાચાર 3 Aug 2021 7:00 am

ખેલનો નશો અને નશાનો ખેલઃ બૂરા ન માનો ઑલિમ્પિક હૈ!

- ટોક્યો ઑલિમ્પિકમાં 10થી 40 ટકા ખેલાડી ડ્રગ લઈ રહ્યા હોવાનો અંદાજઃ 10માંથી માત્ર એક જ પકડાય છે - ડ્રગનો નશો ન પકડાય એના માટેનું પણ ડ્રગ છે બોલો, તેનું નામ છે બ્યુરેટિક્સઃ 1970 થી 2000નો સમયગાળો નશાખોર ખેલાડીઓ માટે સુવર્ણયુગ હતો, સૌથી વધારે ચીટિંગ જો કોઈ ક્ષેત્રમાં થતી હોય તો તે સ્પોર્ટ્સ છે, એટલે મેડલ ન મળે તો બહુુ દુઃખ ન લગાડવું ૧૯૮૪ પછી પહેલી વખત રશિયાએ ઓલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો છે. રશિયન ખેલાડીઓ ઓલિમ્પિક રમી રહ્યા છે અને ગોલ્ડમેડલ પણ મેળવી રહ્યા છે પરંતુ દેશના ઝંડા તળે નહીં, વ્યક્તિગતરૂપે. વિશ્વનું સૌથી મોટું ડોપિંગ કૌભાંડ બહાર આવ્યા પછી રશિયાની નેશનલ ટીમ પ્રતિબંધિત છે. સાલ ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન રશિયાએ સેંકડો ખેલાડીઓને પદ્ધતિસર રીતે ડ્રગ્સનો નશો કરાવેલો. વર્લ્ડ ડોપિંગ એજન્સી (વાડા) દ્વારા કરવામાં આવતાં એન્ટીડોપિંગ ટેસ્ટમાં ઘાલમેલ કરવા જાસૂસોને કામે લગાડેલા. રશિયા પર લાગેલો ચાર વર્ષનો પ્રતિબંધ ગયા વર્ષે અદાલતે ટૂંકાવીને બે વર્ષનો કરી નાખ્યો હતો જે ૨૦૨૨માં પૂરો થશે. ટોક્યો ઑલિમ્પિકમાં ૧૦થી ૪૦ ટકા ખેલાડીઓ ચીટિંગ કરી રહ્યા હોવાનો અંદાજ છે. રશિયાને સજા થયા પછી ઓલિમ્પિકમાં ડોપિંગ ઘટી ગયું છે કે બંધ થઈ ગયું છે તેવું માનવું ભૂલભરેલું છે. જગતમાં સૌથી વધુ છેતરપિંડી કે સર્વાધિક ભ્રષ્ટાચાર જો ક્યાંય થતો હોય તો તે સ્પોર્ટ્સ છે. ડોપિંગ ટેસ્ટ વધારે ચોકસાઈભર્યો બન્યો છે તો તેમાંથી છટકવાની પણ નવી-નવી ટ્રીક વિકસી ચૂકી છે. નવા ડ્રગ્સ, નવી ચાલબાજી અને ભ્રષ્ટાચાર ખેલાડીઓને ડોપિંગ ટેસ્ટથી બચાવી શકે છે. ખેલાડીઓ નશો કરે તે પછી તેમનું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, મસલ્સ વધારે તંગ બને છે અને તેઓ બીજા ખેલાડીઓની તુલનાએ વધુ સારું પર્ફોમન્સ કરી શકે છે. ૨૦૧૬માં બ્રાઝિલ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડમેડલ મેળવનાર ઓસ્ટ્રેલિયન તરણવીર કહે છે કે મારી સાથે સ્પર્ધામાં રહેલા ૫૦ ટકા કરતાં વધુ તરવૈયાઓ પર મને જરાય વિશ્વાસ હોતો નથી. સ્પોર્ટસવેર કંપની નાઈકે ટોચના દોડવીરોને ટ્રેનિંગ આપવા માટે ઓરેગોનમાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૯માં તેના હેડ કોચ અર્લ્બટો સેલેઝા ડ્રગ્સ લેતા પકડાઈ ગયા હતા. તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ પ્રોજેકટની વગોવણી થતા તે બંધ કરવો પડયો. ધ એથ્લેટિક્સ ઈન્ટીગ્રીટી યુનિટ જણાવે છે કે એન્ટીડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવવાના કારણે કેન્યાના ૬૮ ખેલાડી પ્રતિબંધિત છે, જેમાં ઓલિમ્પિક મેડલિસ્ટ અને વિશ્વવિક્રમ સર્જક વિલિયમ કીપસાંગનો પણ સમાવેશ થાય છે. બીજા પણ અનેક ચેમ્પિયનને ડ્રગ્સને કારણે ઓલિમ્પિક રમતોથી બહાર રખાયા છે. ચાઈનીઝ સ્વીમર સુનીયાંગ, અમેરિકન હર્ડલર બ્રિયાના રોલિંલ્સ મેકલિનનો સમાવેશ થાય છે. માત્ર એથ્લેટિસને જ નહીં અન્ય સ્ટાફને પણ સજા અપાઈ છે. જેમ કે ૨૦૧૨માં વિજેતા બનેલી બ્રિટનની ઓલિમ્પિક સાયક્લિંગના તબીબ રિચાર્ડ ફ્રીમેનને. દુનિયામાં કુલ જેટલા ડોપિંગ ટેસ્ટ થયા તેમાં સૌથી વધારે પોઝિટિવ રશિયામાં આવ્યા છે, ૭.૬ ટકા. ૬.૯ ટકા સાથે ઇટલી બીજા નંબરે છે. ફ્રાન્સ ૬.૦ ટકા સાથે ત્રીજા ક્રમે, પ.૬ ટકા સાથે ૪થા ક્રમે ભારત અને યુક્રેનમાં ૪.૧ ટકા ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જે રમતોમાં ડોપિંગ ટેસ્ટ સૌથી વધુ પોઝિટિવ આવતા હોય તેમાં બોડીબિલ્ડિંગ ૧૩.૭ ટકા સાથે પહેલાં નંબર પર છે, સાયક્લિંગ ૧૧.૬ ટકા સાથે બીજા ક્રમે, એથ્લેટિક્સ ૧૦.૧ ટકા સાથે ત્રીજા નંબર પર, વેઈટલિફટિંગ ૮.૨ ટકા સાથે ચોથા ક્રમે અને પાવર લિફટિંગ ૬.૬ ટકા સાથે પાંચમા ક્રમે છે. આ આંકડા વર્લ્ડ એન્ટીડોપિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા છે. ૨૦૧૮માં વાડા સંલગ્ન લેબોરેટરીઓમાં ૨,૬૩,૫૧૯ બ્લડ અને યુરિન સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવેલું. તેમાંથી ૦.૬ ટકા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં. આ માત્ર આઈસબર્ગ છે. ન પકડાતા નશેડી ખેલાડીઓની સંખ્યા આના કરતાં ૧૦ગણી વધારે છે. વાડાના વડા રહી ચૂકેલા ડેવિડ હોમેન જણાવે છે કે, ૯૦ ટકા રમતવીરો ડોપિંગથી બચી જાય છે. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા બ્લડ ડોપિંગ રિસર્ચ પેપરમાં જણાવાયેલું કે ૧૪ ટકા ખેલાડીઓ એવા હોય છે જે પરિક્ષણમાં પકડાતા નથી. ૨૦૧૮માં એક બીજો સર્વે થયેલો, જેમાં ૨ હજાર ખેલાડીઓને ડોપિંગ વિશે મૈત્રીભાવે પૂછવામાં આવ્યું હતું. તેમને વચન અપાયું હતું કે તેમની ઓળખ ગુપ્ત રખાશે. આ સર્વેમાં ૪૩.૬ ટકા ખેલાડીઓએ કબૂલ્યું હતું કે તેઓ ભૂતકાળમાં ડ્રગ્સ લઈ ચૂક્યા છે. એક અંદાજ પ્રમાણે ટોક્યિો ઓલિમ્પિકમાં ૪૮૦૦ ખેલાડી નશો કરીને રમતમાં ભાગ લઈ રહ્યા છે. ડ્રગ લેનારા ખેલાડીની ક્ષમતા એટલી વધી જાય છે કે તે ન લેનાર ખેલાડી કોઈ કાળે સ્પર્ધા કરી શકતા નથી. વાડાએ અનેક પ્રકારના દ્રવ્યો પર પ્રતિબંધ મૂકેલો છે. તેમાંથી કેટલાક વિશે જાણવા જેવું છે. આઈજીએફ-૧ એલઆર-૩ અને એઓડી-૯૬.૨ આ બંને દ્રવ્યો સ્નાયુનું કદ વધારવા માટે લેવાય છે. એમ્ફેટેમીન્સનો ઉપયોગ ઉત્તેજના વધારવા માટે થાય છે. ડ્રગ્સ લીધુ હોવા છતાં ડોપિંગ ટેસ્ટમાં ન પકડાય તે માટે કેટલાક ખેલાડીઓ બ્યુરેટિક્સ નામના દ્રવ્યનું સેવન કરે છે. ડ્રગ્સનો નશો ન પકડાય તે માટેનું ડ્રગ્સ! કમાલ છે ને! મોટાભાગના ડ્રગ્સ એવા છે જે પર્ફોમન્સ વધારતા હોવાની કેવળ માન્યતા છે. તેની ખરાઈ કરતાં વૈજ્ઞાનિક અભ્યાસોનો અભાવ છે. કેટલાક ડ્રગ્સ એવા જરૂર છે જે ખેલાડીઓને ખરેખર ફાયદો પહોંચાડે છે, તેમની ક્ષમતા વધારી દે છે. કેટલાક ડ્રગ્સ એનેબોલીક એન્ડ્રોજેનિક સ્ટિરોઈડ છે, જે પુરુષ હોર્મોન ટેસ્ટોરેનના પિતરાઈ કહેવાય છે. આવા સ્ટિરોઈડ્ઝ ખેલાડીઓના મસલ્સની સાઈઝ વધારી દે છે. કસરત બાદ જલદી રિકવરી આપે છે. પરિણામે ખેલાડીઓ વધારે આકરી તાલિમ લેવા સક્ષમ બને છે. ૧૯૯૭માં ક્લિનિકલ કેમિસ્ટ્રી શીર્ષકથી એક રીસર્ચ પેપર પ્રસિદ્ધ થયું હતું. તેમાં જણાવાયું હતું કે ટર્નિયાબોલ નામનું દ્રવ્ય ૧૧ અઠવાડિયા સુધી લેવાથી ખેલાડીની ક્ષમતામાં ૧/૬૮નો વધારો થયો હતો. પહેલાં, બીજા અને ત્રીજા ખેલાડી વચ્ચેનું અંતર અત્યંત ઓછું હોવાથી ક્ષમતામાં આટલો ઓછો વધારો પણ ફાયદાકારક નિવડે છે. ખેલાડીઓને પ્રથમ આવવા અને વર્લ્ડ રેકોર્ડ સર્જવા સક્ષમ બનાવી દે છે. એનેબોલિક સ્ટિરોઈડ પછી સર્વાધિક પ્રચલિત ડ્રગ ઈપીઓ છે. તે શરીરમાં રક્તકણોનું પ્રમાણ વધારી દે છે. ૮૦ના દસકમાં એનિમિયાની સારવાર માટે તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. રક્તકણોનું કામ શરીરને ઓક્સિજન પહોંચાડવાનું છે. શરીરમાં રક્તકણ વધી જાય તો ઓક્સિજનનું લેવલ પણ વધી જાય છે અને ખેલાડીને બહેતર પરફોર્મર બનાવી દે છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઈપીઓ સામાન્ય કિસ્સામાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ૧૨ ટકા વધારી દે છે તથા કસરત કરીને સખત થાકી ગયેલો ખેલાડી જો ઈપીઓનું સેવન કરે તો તેના શરીરમાં ઓક્સિજન લેવલમાં ૫૪ ટકાનો વધારો થાય છે. માત્ર ૫ ટકાનો વધારો પણ ખેલાડી માટે ફાયદાકારક નીવડે છે, તો ૧૨ ટકા અને ૫૪ ટકા તો બહુ મોટી વાત છે. ૧૯૭૦થી સાલ ૨૦૦૦ સુધીનો સમય ગાળો ડોપિંગનો હીરોઈક યુગ ગણાય છે. એ સમયે સક્ષમ પરીક્ષણનો અભાવ હોવાથી ખેલાડીઓ છૂટથી નશો કરતાં અને આબાદ બચી જતાં. એ સમયમાં કેટલાક એવા વિક્રમ પણ સર્જાયેલા જે આજ સુધી તૂટી શક્યા નથી. વર્લ્ડ રેકોર્ડ સર્જનાર દરેક ખેલાડી નશાખોર હોય છે એવું જરૂરી નથી પરંતુ કેટલાક વિક્રમ આશ્ચર્ય પ્રેરે છે. ૧૯૯૮માં દોડ વિરાંગના ફ્લોરેન્સ ગ્રીફીથ જોઈનરે ૧૦૦ મીટર દોડ ૧૦.૪૯ સેકન્ડમાં પૂરી કરીને સર્જેલો વિક્રમ આજસુધી અતૂટ છે. ત્રણ દશકમાં બીજી કોઈ એવી વિરાંગના આવી નથી જે આ વિક્રમ તોડી શકે. કેટલાક નિષ્ણાતોને એવી આશંકા છે કે ફ્લોરેન્સે ડ્રગ્સની મદદથી વિક્રમ રચ્યો છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ ઝડપે દોડનારી વિરાંગના શેલીઆન ફ્રેઝરપ્રાઈસ છે. જમૈકાની આ માનુનીએ ૧૦૦ મીટર દોડ ૧૦.૬૩ સેકન્ડમાં પૂરી કરી છે અને એ પણ સ્પેશ્યલ હાઈટેક જૂતાની મદદથી. વિશ્વમાં સૌથી ઝડપથી આરોહણ કરનારા ૧૦ આરોહકોમાંથી માત્ર એક જ આરોહક મિગલઈન્ડુરિયનની કારકિર્દી બેદાગ છે. બાકીના નવનો ક્યારેક ને ક્યારેક ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. ગમે તેટલા કડક નિયમો આવે તો પણ સ્ટિરોઈડનું ચલણ અટકવાનું નથી. નશેડીઓ કોઈ ને કોઈ રસ્તો શોધી લેવાના. આટલી જાણકારી પરથી સ્પષ્ટ થાય છે કે ૧થી ૩માં ન આવી શકતાં પ્રમાણિક ખેલાડીઓએ તેમનું મોરાલ ડાઉન કરવું જોઈએ નહીં અને રમતના ચાહક તરીકે આપણું તેમના પ્રત્યેનું માન ઓછું થવું જોઈએ નહીં. ગાંજા પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાની ઊઠી રહી છે માગ અમેરિકાની સુપરફાસ્ટ દોડ વીરાંગના કેરી રીચર્ડ્સને ટોક્યો ઑલિમ્પિકમાં જવા દેવાઈ નથી. વાંક એ કે તેણે ગાંજાનો નશો કરેલો. તે ઈતિહાસની છઠ્ઠા ક્રમની સૌથી ઝડપથી દોડતી એથ્લીટ છે. ક્વૉલિફાઇંગ મેચ દરમિયાન તેણે ગાંજાનું સેવન કરેલું. એન્ટિ ડોપિંગ એજન્સીના પરીક્ષણમાં તે બહાર આવતા તેના પર એક મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેના સમર્થકો દલીલ કરી રહ્યા છે કે, અમેરિકાના અનેક પ્રાંતોમાં ગાંજો કાયદેસર છે. તો પછી ઑલિમ્પિકમાં તેના પર પ્રતિબંધ શા માટે? બીજું, ગાંજો પીવાથી ખેલાડીની ક્ષમતા વધી જાય છે એવું કોઈ વૈજ્ઞાાનિક સંશોધન નથી. તો પછી ગાંજો શા માટે પ્રતિબંધિત છે? વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં ૨૦૧૧માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ગાંજો સ્ટ્રેસ ઘટાડે છે. તેના નશામાં ખેલાડી દબાણ વચ્ચે પણ સારું પરફોર્મ કરી શકે છે. કોઈ ખેલાડીને આવો એડવાન્ટેજ ન મળે એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જોકે ઑલિમ્પિકમાં ગાંજા પરથી પ્રતિબંધ હટાવી દેવાની માગણી પણ વધતી જાય છે. કાલે શું થશે એ કોને ખબર?

ગુજરાત સમાચાર 1 Aug 2021 7:00 am

ગિલગિટ-બાલ્ટિસ્તાનને પચાવી પાડવા પાકિસ્તાનની હિલચાલ

- પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાના પાકિસ્તાનના પગલાનો ભારતે ભારે વિરોધ કર્યો - પાકિસ્તાન ઘણાં સમયથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ રીતે ત્યાં ચૂંટણી કરાવવી એ તેની આ હિલચાલનો જ ભાગ છે એટલું જ નહીં, ચીનનો મહત્ત્વાકાંક્ષી ચાઇના પાક કોરિડોર આ પ્રદેશમાં થઇને જ પસાર થાય છે ભારતને પરેશાન કરવાની એકેય તક ન છોડતું પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુદ્દે ઉશ્કેરણીજનક હિલચાલ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પીઓકેમાં ચૂંટણીઓ યોજી હતી જેમાં ઇમરાન ખાનની જ પાર્ટીને ૨૫ બેઠકો મળી છે. જોકે ભારતે પાકિસ્તાનની આ હિલચાલનો ભારે વિરોધ કર્યો છે અને વિદેશ ખાતાએ પાકિસ્તાનને સત્તાવાર રીતે ચેતવણી આપી છે કે પીઓકેમાં પાકિસ્તાનની સરકારે યોજેલી ચૂંટણી ગેરકાયદેસર છે. પીઓકે ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે અને એ પ્રદેશ પાકિસ્તાને તુરંત ખાલી કરી દેવો જોઇએ. હકીકતમાં પાક અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે એ આખી દુનિયા જાણે છે તેમ છતાં પાકિસ્તાન આવા અટકચાળા કરીને વિવાદ ઊભા કરે છે. ભારતના કેટલાક પ્રદેશોને લઇને પાકિસ્તાને દાયકાઓથી એવા વિવાદ ઊભા કર્યાં છે જેના કારણે ક્ષેત્રીય શાંતિ જોખમમાં મૂકાઇ છે. કાશ્મીરને લઇને પાકિસ્તાનના ધમપછાડા તો જગજાહેર છે પરંતુ ઘણાં લોકોને એ ખ્યાલ નથી કે કાશ્મીરના અમુક હિસ્સા ઉપરાંત પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન નામના પ્રદેશો ઉપર પણ ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે. સૌથી પહેલા તો ગિલગિટ-બાલ્ટિસ્તાન વિવાદ વિશે સમજીએ. જમ્મુ-કાશ્મીરનો જે હિસ્સો પાકિસ્તાને પચાવી પાડયો છે એમાં એક હિસ્સો પાક અધિકૃત કાશ્મીર છે તો બીજો હિસ્સો ગિલગિટ-બાલ્ટિસ્તાન છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પશ્ચિમ છેડે ગિલગિટ નામનો પ્રદેશ આવેલો છે અને તેની દક્ષિણે બાલ્ટિસ્તાન સ્થિત છે. આ પ્રદેશ વળી પાછો નાનોસૂનો નથી પરંતુ આશરે ૭૨ હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આ સમગ્ર વિસ્તાર ૪ નવેમ્બર ૧૯૪૭થી પાકિસ્તાનના કબજામાં છે. આઝાદી પહેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીર રજવાડાનો જ ભાગ હતાં પરંતુ આ વિસ્તાર અંગ્રેજોએ ત્યાંના મહારાજા પાસેથી ૧૮૪૬થી લીઝ પર લીધો હતો. આ પ્રદેશ ઉઁચાઇ પર આવેલો છે અને ત્યાંથી દેખરેખ રાખવી આસાન હોવાના કારણે અંગ્રેજો માટે આ પ્રદેશ મહત્ત્વનો હતો. અહીંયા ગિલગિટ સ્કાઉટ્સ નામની સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. ભારતને આઝાદી આપ્યા બાદ અંગ્રેજો દેશ છોડીને જવા લાગ્યા તો તેમણે આ પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહને પાછો આપી દીધો. હરિસિંહે બ્રિગેડિયર ઘંસાર સિંહને આ પ્રદેશના ગવર્નર બનાવ્યાં. યાદ રહે કે ભાગલા વખતે કાશ્મીરના રાજા હરિ સિંહે ભારત કે પાકિસ્તાન બેમાંથી એકેય સાથે જોડાવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ૧૯૪૭માં પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર હુમલો કર્યો તો ૩૧ ઓક્ટોબરે મહારાજા હરિસિંહે કાશ્મીરના ભારત સાથેના વિલયની સમજૂતિ પર હસ્તાક્ષર કરી દીધાં. એ રીતે ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ ભારતનો હિસ્સો બની ગયા. પરંતુ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેલી સેનાના કમાન્ડર કર્નલ મિર્ઝા હસન ખાને બળવો કર્યો અને પ્રદેશને કાશ્મીરથી આઝાદ જાહેર કરી દીધો. મોકાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાને આક્રમણ કરીને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો. યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરમાં કઠપૂતળી સરકારની રચના કરી દીધી જેનું નિયંત્રણ સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાં હતું. ૧૯૪૯માં પીઓકેની આ કઠપૂતળી સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ પાકિસ્તાનને હવાલે કરી દીધો. પાકિસ્તાનને તો કોઇ મહેનત વગર આ કુદરતી સંપત્તિથી સમૃદ્ધ પ્રદેશ હાથમાં આવી ગયો. હકીકતમાં પાકિસ્તાન આ પ્રદેશનો ઉપયોગ તેના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક ઉદ્દેશોને પાર પાડવા જ કરતું આવ્યું છે. પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજકીય દરજ્જો આપવાનો પણ ઇન્કાર કરી દીધો. આ પ્રદેશને કબજા હેઠળ રાખવાનો તેનો ઇરાદો તેના મતોને જમ્મુ-કાશ્મીરના જનમત સંગ્રહમાં કરવા માટે જ રહ્યો છે. ૧૯૭૦માં પાકિસ્તાને આ પ્રદેશનું નામ પણ છીનવી લીધું અને સમગ્ર પ્રદેશને નોર્ધર્ન એરિયા નામ આપ્યું. દાયકાઓ સુધી આ પ્રદેશના લોકો પર પાકિસ્તાની સરકારનું રિમોટ કંટ્રોલ શાસન ચાલતું રહ્યું. આ પ્રદેશમાં ન તો કદી ચૂંટણીઓ યોજાતી કે ન તો અહીંયાના લોકોની સમસ્યાઓ પર કોઇ ધ્યાન આપવામાં આવતું. પાંખી વસતી ધરાવતો આ વિસ્તાર અત્યંત દુર્ગમ હોવાના કારણે લોકો પાસે પાકિસ્તાની સરકારના કાવાદાવા સામે લડવા માટે કોઇ સાધનો નહોતા અને પરિણામે આ વિસ્તાર પાકિસ્તાનની અનધિકૃત કોલોની બનીને રહી ગયો. ગિલગિટ-બાલ્ટિસ્તાનની અખૂટ કુદરતી સંપત્તિ હડપવા માટે પાકિસ્તાને અહીંયાની ડેમોગ્રાફી બદલવાની શરૂ કરી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લોકો અને પખ્તુનીઓને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વસાવવાના શરૂ કર્યાં. પાકિસ્તાનમાં સરકારો બદલાતી રહી, રાજકીય સમીકરણો બદલાતા રહ્યાં. ક્યારેક લોકશાહીનું સરમુખત્યારશાહીએ હરણ કર્યું તો ક્યારેક લોકશાહીએ સરમુખત્યારશાહીને પરાજિત કરી. પરંતુ ગમે તે પરિસ્થિતિમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના સારા દિવસો ન આવ્યાં. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનના તત્કાલિન સેનાપતિ પરવેઝ મુશર્રફે નોર્ધર્ન લાઇટ ઇન્ફન્ટ્રીના મજબૂર સૈનિકોને ભારતની તોપોને હવાલે કરી દીધા હતાં. આ બટાલિયનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના યુવાનોની જબરજસ્તી ભરતી કરાવવામાં આવે છે. અહીંયાના લોકોએ તેમના પ્રદેશનું નામ નોર્ધર્ન એરિયાથી પાછું ગિલગિટ-બાલ્ટિસ્તાન કરવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડયો. આ પ્રદેશના લોકોનો વિરોધ વધ્યો ત્યારે ૨૦૦૯માં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ગિલગિટ-બાલ્ટિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગવર્નન્સ ઓર્ડર જારી કર્યો જે અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક વિધાનસભા બનાવવાનો અને ગિલગિટ-બાલ્ટિસ્તાન કાઉન્સિલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મુખ્યમંત્રી અને ગવર્નર બંને હોય છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને ચૂંટણી દ્વારા વિધાનસભા તેમજ મુખ્યમંત્રી ચૂંટવાનો અધિકાર તો મળ્યો છે પરંતુ ગવર્નરની વરણી સીધા રાષ્ટ્રપતિ કરે છે. કોઇ પણ બાબતે અંતિમ નિર્ણય લેવાની સત્તા ગવર્નર પાસે હોય છે. જોકે તમામ નિર્ણયો લેવાની અંતિમ સત્તા કાઉન્સિલ પાસે છે અને આ કાઉન્સિલના અધ્યક્ષ પાકિસ્તાનના વડાપ્રધાન હોય છે. મતલબ કે સ્વાયત્તતાના નામે આ પ્રદેશમાં હુકમ તો પાકિસ્તાનની સરકારનો જ ચાલે છે. ભલે સાત દાયકાથી ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનના કબજામાં હોય પરંતુ ત્યાંના નાગરિકોને પાકિસ્તાની નાગરિક ગણવામાં આવતા નથી. આ પ્રદેશના લોકોને બીજા દરજ્જાના લોકો માનવામાં આવે છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા કાર્યકારી સરકારની રચના થાય છે અને પછી એ સરકારની દેખરેખ હેઠળ જ ચૂંટણી યોજાય છે. વર્ષ ૨૦૦૯થી ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી તો યોજાતી રહી પરંતુ ત્યાં ચૂંટણી પહેલા કાર્યકારી સરકારની રચના નહોતી થતી. ગયા વર્ષે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કાર્યકારી સરકાર રચીને ચૂંટણી યોજવાનો ચુકાદો આપ્યો ત્યારે પણ ભારતે એનો સખત વિરોધ કર્યો હતો પરંતુ ભારતના વિરોધને ધરાર અવગણીને પાકિસ્તાને ત્યાં ચૂંટણીઓ યોજી. ભારતે કહ્યું છે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના અભિન્ન અંગ છે એટલા માટે ત્યાંની સ્થિતિમાં ફેરફાર કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી. આમ તો પાકિસ્તાન ઘણાં સમયથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ રીતે ત્યાં ચૂંટણી કરાવવી એ તેની આ હિલચાલનો જ ભાગ છે. હકીકતમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન પર કાયદેસરનો અધિકાર જમાવવાની તેની મેલી મુરાદ પાછળ ચીન રહેલું છે. પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મોટો ભાગ ચીનને આપી રાખ્યો છે. ચીનનો મહત્ત્વાકાંક્ષી ચાઇના પાક કોરિડોર આ પ્રદેશમાં થઇને જ પસાર થાય છે. ભારતનો ચીનની યોજના માટેનો વિરોધ પણ એ જ કારણે છે. હવે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવીને ચીનનો ફાયદો કરાવવા માંગે છે. ભૌગોલિક સ્થિતિના કારણે ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન માટે પણ ભારે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. અમેરિકા અને રશિયાની પણ આ પ્રદેશ પર નજર રહી છે. અમેરિકા અહીંયા પોતાનો બેઝ સ્થાપવા માંગતું હતું. તો પાકિસ્તાને એક સમયે ગિલગિટને રશિયાને આપવાની રજૂઆત પણ કરી હતી. ખરેખર તો ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો જ પાકિસ્તાન સાથે જવા માટે રાજી નથી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશો પાછા મેળવવા માટે પગલા લેવાની ચેતવણી આપી ચૂક્યું છે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કોઇ કાવાદાવા કરે એ પહેલા તેને પાઠ ભણાવવાની જરૂર છે. આમ પણ ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના દાંત ખાટા કરી ચૂકી છે. એવામાં ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાછા મેળવવાનો સમય આવી ગયો છે.

ગુજરાત સમાચાર 31 Jul 2021 7:00 am

એન્જિનિયરિંગ પ્રત્યે વિદ્યાર્થીઓનો મોહભંગ થઇ રહ્યો છે

- ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના આંકડા અનુસાર એન્જિનિયરિંગની બેઠકોમાં છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો ઘટાડો - એન્જિનિયરિંગનો વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ અને લાખો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ ગુણવત્તાભર્યું શિક્ષણ ન મળતું હોય અને ડિગ્રી હાથમાં આવ્યા બાદ પણ રોજગાર ન મળતો હોય ત્યારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગથી મોઢું ફેરવવા લાગે એ સ્વાભાવિક છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના આંકડા દ્વારા બહાર આવ્યું છે કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરે એન્જિનિયરિંગની બેઠકો ઘટીને ૨૩.૨૮ લાખ થઇ ગઇ છે જે છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછી છે. અનેક એન્જિનિયરિંગ ઇન્સ્ટીટયૂટો બંધ થઇ રહી છે અને આ વર્ષે ૧.૪૬ લાખ બેઠકોનો ઘટાડો થાય એવું અનુમાન છે. એવું લાગે છે કે એક સમયે યુવાનોમાં સૌથી આકર્ષક કેરિયર રહેલું એન્જિનિયરિંગ હવે પોતાની ચમક ખોઇ રહ્યું છે. દેખીતું છે કે વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરિંગથી મોઢું ફેરવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૪-૧૫માં એન્જિનિયરિંગ ટોચે હતું ત્યારે દેશભરમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં એન્જિનિયરિંગની આશરે ૩૨ લાખ બેઠકો હતી. એન્જિનિયરિંગમાં પડતીનો દોર સાત વર્ષ પહેલા શરૂ થયો અને એ પછી માંગ ન હોવાના કારણે અનેક એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવાની નોબત આવી. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે આશરે ૫૧૮ એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવી પડી. હકીકતમાં ૨૦૧૫થી દર વર્ષે આશરે ૫૦ એન્જિનિયરિંગ સંસ્થાઓ બંધ થઇ રહી છે. આ વર્ષે પણ ૬૩ એન્જિનિયરિંગ ઇન્સ્ટીટયૂટો બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એન્જિનિયરિંગનો મોહ ઘટવાનું કારણ નોકરી ન મળવી છે. એઆઇસીટીઇના રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં માત્ર ૬ લાખ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટોને નોકરી મળી હતી. એ પછી કોરોનાકાળમાં તો નોકરી મળવામાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા થોડા વર્ષોથી એન્જિનિયરિંગના શિક્ષણમાં રહેલી પાયાની ખામીઓ બહાર આવવા લાગી છે. નવી ટેકનિકો અને શિક્ષણ પદ્ધતિમાં આવી રહેલા બદલાવો સાથે સંસ્થાઓ તાલ મિલાવી શકતી નથી. દેશના નવનિર્માણનો રોડમેપ પણ મોજૂદ નથી. એક રિપોર્ટ અનુસાર દેશના ૮૦ ટકાથી વધારે એન્જિનિયરો આજની કૌશલ્ય કેન્દ્રીય અર્થવ્યવસ્થામાં નોકરીને લાયક નથી. ભારતમાં એકથી વધારે ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૭ ટકા છે જ્યારે ૪૦ ટકા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માત્ર એક ઇન્ટર્નશીપ કરે છે. માત્ર ૩૬ ટકા પોતાના કોર્સથી આગળ વધીને કોઇ પ્રોજેક્ટ કરે છે. પરિણામ એ છે કે જુદાં જુદાં પ્રકારની સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા જ તેઓ કેળવી શકતા નથી. કોલેજોમાં વ્યવહારુ જ્ઞાાન ઓછું આપવામાં આવે છે અને સૈદ્ધાંતિક માહિતીના બોજથી વિદ્યાર્થીને લાદી દેવામાં આવે છે. એન્જિનિયરિંગના વિષયો ભણાવતા શિક્ષકો પાસે પણ પોતાના ક્ષેત્રને લગતું જ્ઞાાન મર્યાદિત છે. માત્ર ૪૭ ટકા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી પર વાત કરી શકે છે. બાકીના માત્ર પુસ્તકિયું જ્ઞાાન ગોખીને પરીક્ષા પાસ કરી લે છે. છેલ્લા એક દોઢ દાયકામાં દેશમાં એન્જિનિયરિંગ કોલેજોનો રાફડો ફાટયો જેમાં શિક્ષણ ઓછું અને તગડી ફી વસુલવામાં આવી. મોટી ફી લઇને પણ શિક્ષણનું સ્તર સુધારવા પર આ સંસ્થાઓએ ધ્યાન ન આપ્યું. મોટા ભાગના માબાપો પોતાના સંતાનોને ડોક્ટર-એન્જિનિયર બનાવવાના સપના સેવતા હોય છે પરંતુ દેશમાં એન્જિનિયર બનાવતી સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે તે વિદ્યાર્થીઓને યોગ્ય એન્જિનિયર બનાવવામાં સક્ષમ નથી. આમ તો અવારનવાર વિદેશોમાં ભારતીય એન્જિનિયરોની માંગ હોવાની ખબરો આવતી રહી છે તેમ છતાં હકીકત એ છે કે દેશની અનેક એન્જિનિયરિંગ કોલેજોમાંથી નીકળતા એન્જિનિયરો નોકરી મેળવવા માટે જરૂરી યોગ્યતા ધરાવતા નથી. નેશનલ એમ્પ્લાયબિલિટી રિપોર્ટ અનુસાર ૮૦ ટકા એન્જિનિયરો રોજગાર મેળવવાને લાયક નથી. આ રિપોર્ટ અનુસાર શૈક્ષણિક અને ટ્રેનિંગની ગુણવત્તામાં મોટા સુધારો કરવાની જરૂર છે. નિષ્ણાંતોના મતે આવું ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને રોજગાર ન મળે એ ગંભીર સમસ્યા છે. ખાસ તો એન્જિનિયરિંગ કોલેજોને સાવ આસાનીથી મળી જતી મંજૂરી વિશે પણ ઘણાં નિષ્ણાંતો સવાલ ઉઠાવે છે. ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ અભાવ છે. વળી પૂરતી કાબેલિયત ન ધરાવતા અધ્યાપકોને નોકરીએ રાખી લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. નિષ્ણાંતો અન્જિનિયરિંગ કોલેજોના જૂના અભ્યાસક્રમને પણ વિદ્યાર્થીઓની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવે છે. એવા રિપોર્ટ પણ અવારનવાર આવતા રહે છે કે દેશની અનેક એન્જિનિયરિંગ કોલેજોમાંથી નીકળતા એન્જિનિયરો નોકરી મેળવવા માટે જરૂરી યોગ્યતા ધરાવતા નથી. નેશનલ એમ્પ્લાયબિલિટી રિપોર્ટ અનુસાર ૮૦ ટકા એન્જિનિયરો રોજગાર મેળવવાને લાયક નથી. આ રિપોર્ટ અનુસાર શૈક્ષણિક અને ટ્રેનિંગની ગુણવત્તામાં મોટા સુધારો કરવાની જરૂર છે. નિષ્ણાંતોના મતે આવું ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને રોજગાર ન મળે એ ગંભીર સમસ્યા છે. એક સમય એવો હતો કે બીએ, બીકોમ કે વકીલાત ભણેલા લોકોને બેરોજગારીનો સામનો કરવો પડતો હતો જ્યારે આજે એ જ પરિસ્થિતિ એન્જિનિયરોની થઇ છે. એન્જિનિયરોના બેરોજગાર રહેવા પાછળ સરકારની ઉદાસિનતા પણ મોટા પાયે જવાબદાર છે. દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરીને બહાર આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં બહાર આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર પાસે કોઇ પ્લાનિંગ જ નથી. જરૂરત કરતા વધારે કોલેજો ખોલી દેવાથી અને માત્ર ડિગ્રી આપી દેવાથી આવા વિદ્યાર્થીઓ બેરોજગાર બની રહ્યાં છે. આજે પરિસ્થિતિ એવી છે કે બીઇ કે બીટેક થયેલા વિદ્યાર્થીઓ ચપરાસી કે ક્લાર્ક બનવા પણ તૈયાર છે. દેશમાં અંગ્રેજીની લોકપ્રિયતા વધી રહી છે તેમ છતાં ઘણાં ખરાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી જ કમજોર કડી સાબિત થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર આશરે ૬૭ ટકા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સમાં અંગ્રેજી ભાષાના કૌશલ્યનો અભાવ છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી પાયાની જરૂરિયાત ગણાય છે. બીજું એ કે ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ જ્ઞાાન અને કમ્યુનિકેશન સ્કીલ્સમાં ભારે કમી જોવા મળી છે. નિષ્ણાંતોના મતે મુંબઇ-પૂણે કે બેંગાલુરુ જેવા મોટા શહેરોના વિદ્યાર્થીઓને એટલી સમસ્યા નથી નડતી જેટલી નાના સેન્ટરોના વિદ્યાર્થીઓને નડે છે. અત્યાર સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ઝાઝી સમસ્યા નહોતી રહેતી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી એ ચિત્ર પણ બદલાયું છે. બીજું એ કે હવે આઇટી વિદ્યાર્થીઓને મળતા પેકેજમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કારણ એ જ છે કે મોટી સંખ્યામાં એન્જિનિયરો બહાર પડતા કંપનીઓ તેમના ઓછા પગારે નોકરીએ રાખી લે છે. જોકે આઇટી ક્ષેત્રમાં પણ હવે કેમ્પસ પ્લેસમેન્ટમાં ખાસો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોના મતે જેમ જેમ ઓટોમેશન થતું જશે તેમ તેમ તમામ ક્ષેત્રોમાં નોકરીની સંખ્યા ઘટતી જશે. આઇટી ક્ષેત્રમાં નોકરીઓ ઘટતા વિદ્યાર્થીઓ હવે હોસ્પિટાલિટી, હેલ્થકેર, ઇ-કૉમર્સ અને સ્ટાર્ટઅપ કંપનીઓ તરફ વળવા લાગ્યા છે. જોકે એ પણ હકીકત છે કે ટોચની કંપનીઓ હજુ પણ પ્રતિભાવાન એન્જિનિયરોની શોધમાં તો છે જ. મતલબ કે પ્રતિભાની કદર નથી થતી એમ કહેવું પણ યોગ્ય નથી. વિકાસ, નવીન ઇન્ડિયા અને મેક ઇન્ડિયા જેવી યોજનાઓ વિશે માત્ર વાતો કરવાના બદલે સરકારે હવે ખરેખર શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં નક્કર પગલા લેવાની તાતી જરૂરિયાત છે. કોલેજોની સંખ્યા વધારવા કરતા જે કોલેજો અસ્તિત્ત્વમાં છે તેમની ગુણવત્તા સુધારવાની જરૂર છે. કેટલાંક શિક્ષણશાસ્ત્રીઓ અભિપ્રાય આપે છે કે સરકારે એવો સર્વે કરવાની જરૂર છે કે હાલ અને ભવિષ્યમાં કેટલા એન્જિનિયરોની જરૂર છે અને એ પ્રમાણે કોલેજોને સીટો ફાળવવાની જરૂર છે. ઉચ્ચ કક્ષાના શિક્ષણમાં અભ્યાસક્રમને આધુનિક અને સમય સાથે તાલ મિલાવી શકે એવો બનાવવાની જરૂર છે. આધુનિક અભ્યાસક્રમની સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું વ્યવહારુ જ્ઞાાન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને ન્યાય આપી શકે તેવા શિક્ષકો ઊભા કરવાની જરૂર છે. ખરેખર તો સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને તાલીમનો સુભગ સમન્વય સાધીને આગામી પેઢીને એવી રીતે તૈયાર કરવાની જરૂર છે કે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારની માંગ અને આપૂર્તિને અનુલક્ષીને પોતાની જાતને તૈયાર કરી શકે અને સ્પર્ધામાં ટકી શકે. મનુષ્ય શિક્ષણ મેળવતો જાય તેમ તેમ તેની ક્ષમતા વધે છે અને નવા નવા રોજગારના રસ્તા પણ ખૂલે છે. એટલા માટે શિક્ષણ પાછળ થતા ખર્ચને પણ એક પ્રકારનું રોકાણ જ ગણવામાં આવે છે. પરંતુ જો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ રોજગાર ન મેળવી શકે તો એ રોકાણ ખોટમાં ગયું એમ જ કહી શકાય.

ગુજરાત સમાચાર 30 Jul 2021 7:00 am

ચીન અને તાલિબાનના પડકારને પહોંચી વળવા અમેરિકા-ભારત વચ્ચે સહયોગ જરૂરી

- અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનની પ્રથમ ભારતયાત્રાએ મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત - બ્લિંકનની એવા સમયે ભારતની મુલાકાતે આવ્યાં છે જ્યારે ચીન લદ્દાખથી લઇને અરુણાચલ સરહદે લશ્કરી તાકાત વધારી રહ્યું છે અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેનાની વિદાય બાદ તાલિબાનનું જોર વધી રહ્યું છે અને ભારતના હિતો જોખમમાં છે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન તેમની પ્રથમ ભારતયાત્રાએ આવ્યાં છે. બ્લિંકનની ભારતયાત્રા ઘણી મહત્ત્વની મનાઇ રહી છે કારણ કે આ યાત્રા એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ચીન અને ભારતના સંબંધો વણસેલા છે. તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વિદાય બાદ ત્યાંની પરિસ્થિતિ ભયાવહ બની રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા બે દાયકા દરમિયાન જે સકારાત્મક ફેરફાર આવ્યો છે એના કારણે ભારતીય ઉપખંડ જ નહીં, સમગ્ર દક્ષિણ એશિયાની રાજનીતિ ઉપર અસર થઇ છે. બરાક ઓબામાના શાસનકાળથી શરૂ થયેલા મધુર સંબંધોને ડોનાલ્ડ ટ્રમ્પે આગળ વધાર્યા, એટલું જ નહીં, વધારે મજબૂત કર્યાં. હવે જો બાઇડેન પણ તેમના પુરોગામી રાષ્ટ્રપતિઓના પગલે ભારત સાથેના સંબંધો વધારે ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. એ તો સ્પષ્ટ છે કે એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. મનમોહનસિંહના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રચાવાની શરૂઆત થઇ ગઇ હતી. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શરૂ થઇ ગયા હતાં. એ વખતે તત્કાલિન વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન વારંવાર દાવો કરતા હતાં કે ભારત સાથે થયેલો પરમાણુ કરાર વ્યૂહાત્મક સંધિની દિશામાં મહત્ત્વનું પગલું છે. વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને પોતાનું મોટું વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યું હતું. બે વર્ષ પહેલા અમેરિકાએ ભારતને નાટો સમકક્ષ દરજ્જો આપ્યો હતો. નાટો સમકક્ષ દરજ્જો મળ્યા બાદ ભારત પણ ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેમ અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી શકે છે. ભારતને અમેરિકા પાસેથી અતિસંવેદનશીલ લશ્કરી સામગ્રી ઉપલબ્ધ બની છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દુનિયાભરમાં ભારતની શાખ અને વિશ્વસનિયતા વધી છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતનો દબદબો સતત વધી રહ્યો છે અને ભારત વૈશ્વિક તાકાત બનીને ઉપસ્યું છે. અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન કર્યું હતું. વર્તમાન સમયમાં ચીન ભારે તેજીથી દુનિયાભરમાં પોતાના પગ જમાવી રહ્યું છે જેના કારણે અમેરિકાના સુપર પાવરના હોદ્દા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને એશિયાના જુદાં જુદાં દેશોમાં ચીન જે રીતે રોકાણ કરીને પગપેસારો કરી રહ્યું છે તેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે જ ચીનને એશિયામાં ઘેરવા માટે અમેરિકાએ ભારતનો સાથ લેવાનું મુનાસિબ સમજ્યું છે. બીજી બાજુ ચીન અને ભારત વચ્ચે ગલવાન ખાતેની અથડામણ બાદ હજુ પણ વિવાદ શમ્યો નથી. ચીન સરહદે સૈન્ય તાકાત વધારી રહ્યું છે. તાજેતરમાં જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટની મુલાકાત લીધી જે ભારત માટે ચિંતાનો વિષય છે. લદ્દાખથી લઇને અરુણાચલ પ્રદેશમાં ચીની સેના પોતાના લશ્કરી મથકો અને એરબેઝ અપગ્રેડ કરી રહી છે. હાલ એવા ઘણાં રિપોર્ટ આવ્યાં છે જેમાં બહાર આવ્યું છે કે ચીને ભારતની સરહદે અનેક ઠેકાણે નવા લશ્કરી બેઝ ઊભા કર્યા છે. આમ તો હિન્દ મહાસાગરમાં ભારતનો દબદબો રહ્યો છે પરંતુ છેલ્લા થોડા સમયથી ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતના પાડોશી દેશોમાં ચીન બંદરોના વિકાસના નામે પોતાના સૈન્ય મથકો સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, માલદીવમાં મકાઓ પોર્ટ, બાંગ્લાદેશમાં ચટગાંવ પોર્ટ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર ઉપર કંટ્રોલ કરીને ચીન ભારતને ઘેરવાની પોતાની રણનીતિમાં ઘણું આગળ વધી ગયું છે. અરબ સાગરમાં ભારતના સામે છેડે આવેલા આફ્રિકાના જિબૂતી નામના દેશમાં પણ તેણે પોતાનું લશ્કરી મથક સ્થાપ્યું છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી હિલચાલના પરિણામે ભારતીય નૌસેનાએ પણ ચોકસાઇ વધારવાની ફરજ પડી છે. બ્લિંકનની ભારતયાત્રા દરમિયાન ક્વૉડ સમૂહ અંતર્ગત સહયોગ મજબૂત કરવાની ચર્ચા પણ થઇ છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ચીનની આક્રમક નીતિઓને જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોએ મળીને એક સમૂહ રચ્યો છે જે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ (ક્યૂએસડી) અને ટૂંકમાં ક્વૉડ નામે ઓળખાય છે. અમેરિકા યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા એમ ત્રણ ખંડો સાથે મળીને ઝઘડાખોર ચીનથી હિન્દ મહાસાગરને સુરક્ષિત કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. ગયા વર્ષે ચીનને ઘેરવાની રણનીતિ અંતર્ગત અમેરિકા ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સાથે રાખીને સંયુક્ત નેવી ડ્રીલ યોજી હતી. અફઘાનિસ્તાન ભારત માટે ઘણું મહત્ત્વનું છે અને ત્યાં તાલિબાન જે રીતે વર્ચસ્વ જમાવી રહ્યા છે એ ભારત માટે જોખમરૂપ છે. અમેરિકાની સેનાની અફઘાનિસ્તાનમાંથી વિદાય બાદ અફઘાનિસ્તાનના પાડોશી દેશો ઉપર પણ અસર થઇ રહી છે. અફઘાનિસ્તાન પર કબજો જમાવવા મથી રહેલા તાલિબાનને પાકિસ્તાનનું સમર્થન મળી રહ્યું છે જે ભારત માટે ચિંતાની બાબત છે. ચીન પણ તાલિબાનને પ્રોત્સાહન આપીને અફઘાનિસ્તાનમાં પગપેસારો કરવાની ફિરાકમાં છે. અફઘાનિસ્તાનમાં ભારતના હિતોને જોતાં બ્લિંકન સાથે એ મુદ્દે પણ ચર્ચા થશે. શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે. તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે. જોકે અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. હકીકતમાં ભારત અને અમરિકા વચ્ચેના સંબંધોની આ ગુંચવણ નવી નથી. છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે. પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે. જોકે અમેરિકા સાથે સહયોગ વધાર્યા બાદ પણ ભારતે પોતાની આગવી નીતિઓ જાળવી રાખી છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. હાલ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે ત્યારે પણ ભારતે પોતાની રક્ષાસંબધી જરૂરિયાતોને પૂરી કરવા રશિયાનો સહારો લેવો પડે છે. અમેરિકાએ ભારતને રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદતા અટકાવવાના પ્રયાસ કર્યાં હતાં પરંતુ ભારતે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું કે તેના માટે પોતાના હિતો સર્વોપરી રહેશે. એક સમય હતો કે એશિયામાં પાકિસ્તાન અમેરિકાનું સૌથી મહત્ત્વનું સાથીદાર હતું. પાકિસ્તાને અમેરિકાની નિકટતાનો ભરપૂર લાભ પણ ઉઠાવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં પાકિસ્તાનનો આતંકવાદને પોષતો ચહેરો દુનિયા સમક્ષ ઉઘાડો પડી ગયો છે જેના કારણે અમેરિકાએ તેને પડતું મૂક્યું છે. એ જ રીતે એશિયામાં દાદાગીરી કરતું રહેલું ચીન પણ સમજી ગયું છે કે ભારત પણ મોટી શક્તિ બની ગયું છે અને તેની સાથે શિંગડા ભરાવવા હવે નહીં ચાલે. ભારતે સુરક્ષાના ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારવાને પ્રાથમિકતા આપવાની સાથે સાથે પોતાના રાષ્ટ્રીય હિતો પણ સર્વોપરિ જાળવી રાખવા પડશે.

ગુજરાત સમાચાર 29 Jul 2021 7:00 am

આસામ-મિઝોરમ સરહદ વિવાદ લોહિયાળ બની રહ્યો છે

- સરહદના વિવાદમાં બે રાજ્યોની પોલીસ આમને સામને આવીને એકબીજા પર હુમલા કરે એવો પહેલો બનાવ - આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા સમગ્ર વિવાદ માટે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે અને ગૃહમંત્રી અમિત શાહને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી રહ્યાં છે પરંતુ મામલો એટલો જટિલ છે કે ઉકેલ મળવો આસાન નથી બે દેશો વચ્ચે સરહદ વિવાદ હોય એવું જોવા મળે છે પરંતુ દેશના જ બે રાજ્યો વચ્ચે સરહદનો વિવાદ હોય એ વાત જ અજૂગતી લાગે છે પરંતુ દેશના પૂર્વોત્તરમાં આ જ હાલ છે. પૂર્વોત્તરના રાજ્ય આસામને મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ સાથે વર્ષોથી સરહદી વિવાદ છે અને આ રાજ્યો વચ્ચે અવારનવાર છમકલાં થયા કરતા હોય છે. પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઇને ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ લઇ લીધું છે જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં છે. હજુ પણ બંને રાજ્યોની સરહદે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે જેના કારણે સીઆરપીએફ તૈનાત કરવાની નોબત આવી છે. ગયા વર્ષે પણ આસામ અને મિઝોરમના લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. એક જ અઠવાડિયામાં બે વખત થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતાં અને ઝૂંપડીઓ અને દુકાનોને આગ લગાડવામાં આવી હતી. એ પછી ગયા રવિવારે બંને રાજ્યોના મુખ્યમંત્રી સોશિયલ મીડિયા પર એકબીજા સામે આવી ગયા. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સરહદને લઇને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મૂક્યાં. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આ રીતે બે પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે વિવાદ થયો. અગાઉ શનિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શિલોંગમાં પૂર્વોત્તરના સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતાં. આ બેઠકમાં આ રાજ્યો વચ્ચે સીમાવિવાદ પણ એક મુદ્દો હતો. સમગ્ર વિવાદ માટે મિઝોરમના મુખ્યમંત્રીએ આસામની પોલીસ પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું કે આસામ પોલીસના ૨૦૦થી વધારે જવાનોએ કછાર જિલ્લાની સીઆરપીએફ પોસ્ટ ખાતે મિઝોરમ પોલીસ અને સ્થાનિક લોકો પર બળપ્રયોગ કર્યો. આસામ પોલીસના બળપ્રયોગનો મિઝોરમના લોકોએ વિરોધ કર્યો તો પોલીસે ટિયર ગેસ છોડયા જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. વાત આટલેથી ન અટકતા આસામ પોલીસે ગ્રેનેડ ફેંક્યાં અને ફાયરિંગ કર્યું. જવાબમાં મિઝોરમ પોલીસે પણ ફાયરિંગ કર્યું જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દોષનો ટોપલો મિઝોરમ પોલીસ માથે ઢોળતા કહ્યું કે સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે મિઝોરમ સરકારે લૈલાપુર જિલ્લો કે જે આસામમાં આવે છે એમાં માર્ગ બનાવવાનું શરૂ કર્યું. આ અંગે આસામ પોલીસના આઇજી, ડીઆઇજી અને અન્ય અધિકારીઓ મિઝોરમના પોલીસ અધિકારીઓને યથાસ્થિતિ જાળવી રાખવા માટે સમજાવવા માટે ગયાં હતાં. આસામના મુખ્યમંત્રીના દાવા અનુસાર આસામની પોલીસ પર મિઝોરમના લોકોએ પથ્થરમારો કર્યો અને મિઝોરમની પોલીસે તેમનો સાથ આપ્યો. બંને રાજ્યોના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મિઝોરમ પોલીસે ગોળીબાર કર્યો જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં. બંને મુખ્યમંત્રીઓના દાવાઓમાં કોની વાતમાં સચ્ચાઇ છે એ તો સમય આવ્યે ખબર પડશે પરંતુ જાણકારોના મતે બે રાજ્યોના સીમાવિવાદમાં બંને રાજ્યોની પોલીસ સામસામે આવીને ફાયરિંગ કરવા લાગે એવું પહેલા કદી નથી બન્યું. એમાંયે ગૃહમંત્રી સાથે મુલાકાત યોજાઇ હોય એ પછી પણ વાત આટલી હદે વણસી જાય એ નવાઇની વાત છે. પરિસ્થિતિ શા માટે આટલી સ્ફોટક બની એની તપાસ થવાની જરૂર છે. એટલું જ નહીં, બંને રાજ્યોની પોલીસની કામગીરી કરવાની રીત ઉપર પણ સવાલ થઇ રહ્યાં છે. હકીકતમાં આસામ અને મિઝોરમનો સરહદી વિવાદ સો વર્ષ કરતાયે વધારે પુરાણો છે. દેશને આઝાદી મળી ત્યારે આસામ પૂર્વોત્તરનું સૌથી મહત્ત્વનું રાજ્ય હતું અને મિઝોરમ ત્યારે એઝવાલ જિલ્લાના એક ભાગ તરીકે આસામનો જ હિસ્સો હતું. એ પછી મિઝોરમને પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ અને પછી અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચે પ્રદેશોની જે વહેંચણી થઇ એના કારણે વિવાદ સર્જાયો. વિવાદનું મુખ્ય કારણ એ કે સરહદ સંપૂર્ણ જંગલ પ્રદેશમાં આવેલી છે. આસામના કછાર અને હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓની સરહદ મિઝોરમના કોલાસિબ, આઇઝોલ અને મામિત જિલ્લાઓની સરહદને અડે છે. આ વિસ્તારો જંગલપ્રદેશ હોવાના કારણે સરહદી વિવાદ સર્જાય છે અને અવારનવાર હિંસક અથડામણ થાય છે. આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ ૧૬૫ કિલોમીટર લાંબી છે. બ્રિટીશ યુગમાં મિઝોરમનું નામ લુશાઇ હિલ્સ હતું અને તે આસામનો જ એક જિલ્લો હતું. સમગ્ર વિવાદના મૂળમાં ૧૪૬ વર્ષ જૂનું એક નોટિફિકેશન છે. ૧૮૭૩ના બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ અંતર્ગત વર્ષ ૧૮૭૫માં એક નોટિફિકેશન જારી થયો જે અનુસાર લુશાઇ હિલ્સને કછારના મેદાનથી અલગ પાડવામાં આવ્યું. એ પછી વર્ષ ૧૯૩૩માં બીજું એક નોટિફિકેશન જારી થયું જેમાં લુશાઇ હિલ્સ અને મણિપુર વચ્ચેની સરહદ આંકવામાં આવી. પરંતુ બંને નોટિફિકેશન સરહદોને જુદી જુદી આંકે છે. મિઝોરમના લોકોનું કહેવું છે કે સરહદોને ૧૮૭૫ના નોટિફિકેશનના આધારે નક્કી કરવી જોઇએ. મિઝોરમના નેતાઓનો તર્ક છે કે ૧૯૩૩નું નોટિફિકેશન માન્ય નથી કારણ કે એના માટે મિઝો સમુદાય સાથે વિચારવિમર્શ કરવામાં નહોતો આવ્યો. બીજી બાજુ આસામ સરકાર ૧૯૩૩નું નોટિફિકેશન માન્ય રાખે છે. આમ બંને રાજ્યો જુદાં જુદાં નોટિફિકેશન માન્ય રાખતા હોવાના કારણે વિવાદ થાય છે. મિઝોરમના અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડા વર્ષો પહેલા બંને રાજ્યો વચ્ચે સંયુક્ત ક્ષેત્ર એટલે કે નો મેન્સ લેન્ડ પર યથાસ્થિતિ જાળવી રાખવા માટે સમજૂતિ થઇ હતી. પરંતુ આસામના અધિકારીઓ દાવો કરે છે કે જે વિસ્તારને લઇને વિવાદ ચાલી રહ્યો છે એ આસામની સીમામાં છે. જાણકારોના મતે સમગ્ર વિવાદ જમીનને લઇને છે. અગાઉ આ વિસ્તાર જંગલોથી ભરપૂર હતો અને નો મેન્સ લેન્ડ કહેવાતો હતો જેમાં માનવવસતી નહોતી પરંતુ હવે ત્યાં વસતી વધી રહી છે જેના કારણે લોકોને મકાન, સ્કૂલ, હોસ્પિટલ માટે જમીન જોઇએ છે એટલા માટે બંને રાજ્યના લોકો એકબીજા પર જમીનના અતિક્રમણનો આરોપ લગાવે છે. આસામનો મિઝોરમ ઉપરાંત મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સાથે જ આવા જ વિવાદ છે. થોડા દિવસ પહેલા જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સાથેના સરહદી વિવાદ ઉકેલાઇ જશે પરંતુ મિઝોરમ સાથેનો સીમાવિવાદ એટલો જટિલ છે કે તેનો ઉકેલ મળવો મુશ્કેલ છે. આમ તો આસામ અને મિઝોરમ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ૧૯૫૫થી પ્રયાસો થતા રહ્યાં છે પરંતુ જાણકારોના મતે આ પ્રયાસો સાવ ઉપરછલ્લા થયા છે. સરહદી વિવાદ ઉકેલવા માટે બંને પક્ષોની દેખરેખ હેઠળ સર્વે કરવો પડે પરંતુ એ દિશામાં કદી પ્રયાસ નથી થયા. છેલ્લા થોડા વર્ષથી વિવાદ વધી રહ્યાં છે કારણ કે આ વિસ્તારોમાં લોકોની વસતી વધી રહી છે. જાણકારોનું કહેવું છે કે સરહદી વિવાદના મુદ્દે રાજકારણ થવા લાગ્યું છે જેના કારણે પણ સમસ્યા વધી છે. લોકો રાષ્ટ્રીયતાના ભાવે છોડીને પ્રાદેશિક અસ્મિતાને મહત્ત્વ આપે છે. આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદના પડઘાં બીજા પ્રદેશોની સીમા ઉપર પણ પડયાં છે. આસામ અને મેઘાલયની સરહદ ઉપર પણ તણાવ વધવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા જ સરહદી વિસ્તારોમાં મેઘાલયના વીજળી વિભાગે થાંભલા લગાવ્યા પરંતુ આસામની પોલીસે એ હટાવી દીધાં. આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદી વિવાદ પણ વર્ષોજૂનો છે જે ખતમ થવાનું નામ નથી લેતો. વર્ષ ૧૯૭૨માં મેઘાલય રાજ્યની રચના થઇ ત્યારથી વિવાદ ચાલ્યો આવે છે. બંને રાજ્યો વચ્ચે ૧૨ વિસ્તારોની માલિકી અંગે વિવાદ છે. બંને રાજ્યો આ વિસ્તારોમાં એકબીજાની સંમતિ વગર કોઇ વિકાસ યોજના શરૂ નથી કરી શકતા. કેટલાંક રાજકીય પંડિતો સમગ્ર વિવાદ પાછળ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને નિહાળે છે. આસામમાં તો ભાજપની જ સરકાર છે તો મિઝોરમની ઝોરામથાંગા સરકાર પણ એનડીએનો જ હિસ્સો છે. મિઝોરમમાં બે વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે પરંતુ ઝોરામથાંગાની પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ એનડીએ સાથે રહે એ અંગે સંદેહ છે. એટલા માટે મિઝોરમમાં સત્તા મેળવવા માટે ભાજપ અત્યારથી સક્રિય બન્યો છે. હાલ તો બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સોશિયલ મીડિયા પર દલીલબાજી કરી રહ્યાં છે અને ગૃહમંત્રી અમિત શાહને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી રહ્યાં છે. જોકે આસામ અને મિઝોરમના વર્ષોજૂના સરહદી વિવાદને ઉકેલવો કેન્દ્ર સરકાર માટે પણ સરળ નથી.

ગુજરાત સમાચાર 28 Jul 2021 7:00 am