SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

દેશી ઓઠાં:કરમનો ચોપડો

વનની દેવીએ નાઈ-ધોઈને પોતાની નીલવરણી આછેરી સાડી સૂકવી હોય એવી ખળખળતી નદી છે. નદીને કાંઠે એક સાધુની ગાર્ય-માટીની મઢુલી છે. ભીંતેથી પોપડા ખરી ગ્યા છે. સાધુ ઝોળી ને હાથમાં ખપ્પર લઈને ભિક્ષા લેવા નીકળે છે. નગરીમાં આવે છે. નગરીનો રાજા લોભી હતો. રાજમહેલમાં સાત ઓરડામાં માયા ભરેલી છે. એમાં સોનું, રૂપું, હીરા, માણેક ને મોતી ઠાંસીઠાંસીને ભરેલાં છે. રાજા આખી નગરીમાં અળખામણો હતો, પણ એને કહે કોણ? આવી નગરીમાં સાધુ ભિક્ષા લેવા નીકળ્યા છે. એક-બે શેરી વટાવીને રાજાના મહેલ ભણી ડગલાં માંડે છે. મહેલના દરવાજામાં જાતાં જ જમણી કોર્ય ઘોડારમાં રાજાને જોયો. સાધુએ ખપ્પર ધરીને ભિક્ષા માગી. રાજાએ બે ખોબા ભરીને ઘોડાની લાદ ભિક્ષામાં આપી. ‘ભગવાન તમારું ભલું કરે’ એવાં આશીર્વાદ દઈને સાધુ પાછા વળ્યા. બીજે દી સવારના પહોરમાં રાજા માયા ભરેલા ઓરડા ઉઘાડીને જુએ છે તો સાતેસાત ઓરડામાં ઘોડાની લાદ ભરેલી છે. રાજાને આઘાત લાગ્યો. આમ કેમ થયું એની ગતાગમ પડતી નથી. જેની ગાંઠેથી દમડી નો છૂટે એવા લોભીની સઘળી સંપત્તિ આંખના પલકારામાં હતી નહોતી થઈ ગઈ!છેવટે એક જ્યોતિષીએ કીધું, ‘મહારાજ! કરમના ચોપડામાં ઊથલપાથલ થઈ છે.’ રાજાને પોતાનાં પાપ કરમનો ઘણો પસ્તાવો થ્યો ‘હવે કોઈ ઉપાય?’જ્યોતિષીએ વિચાર કરીને કીધું: ‘કોઈ સાચા અંતરથી તમારાં વખાણ કરે, ને તમને આશીર્વાદ આપે તો તમારી સંપત્તિ પાછી મળે. રાજા તો વેશપલટો કરીને નગરીમાં ફરીને બધાંને પૂછે છે: ‘નગરનો રાજા કેવો છે?’ બધાં ખોટેખોટો ઉત્તર આપે છે કે, રાજા સારો છે. તો કોઈ કહે છે કે રાજા લોભિયો છે, કોઈ કહે છે કે રાજા લૂંટારો છે. ત્રીજે દિવસે રાજા સાધુની મઢુલીએ પૂગ્યો: ‘હે સંત મા’તમા! આ નગરનો રાજા કેવો છે?’‘બહુ ભલો છે. મારી ઝૂંપડીને ગાર્ય કરવા મેં ગારિયું નાખેલું. એમાં ઘોડાની લાદની જરૂર હતી. રાજાએ વગર કીધે મને બે ખોબા લાદ આપી. આ જો, મારી મઢી કેવી રૂડી લાગે છે! ભલું થાજો ઈ રાજાનું!’ રાજાએ મહેલમાં જઈને જોયું, સાતેસાત ઓરડામાં માયા ભરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:55 am

આપણી વાત:મેરે અનબ્રેકેબલ સિર પે, હેલ્મેટ કા ક્યા કામ હૈ?

કો ઈ પણ પરિવારમાં મૃત્યુ જેવી ઘટના બને, ત્યારે બહારનાં લોકોએ આશ્વાસન જ આપવાનું હોય. પરંતુ તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈના અવસાન વિશે જાણીને પહેલાં તો આંચકો લાગે, દુઃખ થાય પણ પછી એકાદ ક્ષણ માટે મનમાં સવાલ આવી જાય કે ‘ભાઈ, હાથે કરીને યમરાજને આમંત્રણ આપવાની જરૂર હતી?’ભલે ક્રૂર લાગે પરંતુ હકીકત છે કે ઘણાં મૃત્યુ ટાળી શકાય એવાં હોય છે. અને વાંક કે ચૂક, જે ગણો તો એમાં મરનારનાં હોય છે. ધસમસતી નદીની વચ્ચોવચ, પહાડની ટોચે ખીણની ધારે, રેલવેટ્રેક પર જઈને સેલ્ફી લેવાની લાહ્યમાં જીવન ગુમાવતાં છોકરા-છોકરીઓની અહીં વાત નથી કરવી. પોલીસવાળા એમને રોકી નથી શકતા, અને આવી બેવકૂફી કરવી એ કોઈ કાનૂની અપરાધ નથી ગણાતો. એ લોકો તો સોશિયલ મીડિયા પર ફૅમસ થઇ જવાની ઈચ્છા સાથે મોતને તાળી આપવા ગયાં, પણ મોતના મેસેન્જરે તાળી ઝીલવાને બદલે સામે ઝાપટ મારી દીધી. એમને બાજુએ રાખીએ. આજે અહીં એવાં લોકોની વાત કરવી છે જે હંમેશાં આવા સ્ટંટખોરોની ટીકા કરે છે પરંતુ પોતે રોજબરોજનાં જીવનમાં મોતને ચેલેન્જ આપવા જેવાં કામ કરતાં રહે છે. વારેવારે સમાચાર મળે કે ટુ વ્હીલર પર જઈ રહેલા પુરુષને અકસ્માત નડતાં ઘટનાસ્થળે જ એનું મૃત્યુ થયું. આ કરુણ ઘટનાને વધુ કરુણ રૂપ આપવા માટે ‘ઘરનો મોભી ગયો...પરિવારમાં એકમાત્ર કમાનાર જતો રહ્યો... નાનાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી..’ જેવા શબ્દો બોલાય અને લખાય. પ્રસંગ શોકજનક જ ગણાય, પરંતુ આ છત્રછાયા જેવા શબ્દ સાંભળતી વખતે હંમેશાં મને વિચાર આવે કે મૃત બાઇકસવારે પોતે પોતાના માથા પર સુરક્ષાછત્ર કહેવાય એવી હેલ્મેટ પહેરેલી કે નહિ? આપણે ત્યાં કમ સે કમ કાગળ પર તો આ કાયદો છે. પરંતુ એમની જ સુરક્ષા માટે બનેલા કાયદા ઘોળીને પી જતાં લોકો પણ ઓછા નથી. ટુ વ્હીલર્સ ચલાવતાં અનેક લોકો આપણે ત્યાં રોજેરોજ મરે છે. અને એમાં ઘણા કેસ એવા હોય છે કે વાહનચાલકે હેલ્મેટ પહેરી હોત તો કદાચ માથું ફૂટવાથી મોત ન થયું હોત. અહીં ‘વિધિના લેખ ટાળી ન શકાય’ એવી વાહિયાત વાત કરવી નહિ. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા મારા બે મિત્રોએ કહ્યું છે કે એમણે હેલ્મેટ પહેરેલી એટલે જ બચી ગયા. એમાંના એક ફોટોગ્રાફર દોસ્તની મોટરસાઇકલ તો બસ સાથે અથડાયેલી. કોનો વાંક હતો એ વિવાદનો વિષય હતો. પરંતુ બસમાંથી ઉતરેલા ડ્રાઈવરે જઈને બાઈક પરથી ગબડી પડેલા યુવાનને ઊભો કર્યો અને ‘ભગવાન ને બચા લિયા’ કહીને ભેટી પડ્યો. ઝઘડો આગળ ચાલ્યો નહિ, એટલે હેલ્મેટને કારણે બંને પક્ષ બચી ગયા, એમ કહી શકાય. પણ બધાંનાં નસીબમાં બચવાનું નથી લખાયું હોતું. હેલ્મેટલેસ હીરો રસ્તા પર લપસે કે કોઈની સાથે ટકરાય, એનું માથું ફૂટે અને પછી ઘરમાં શોકસભા. સરહદ પર લડવા જતા જવાનોથી માંડીને સામાન્ય જીવનમાં જોખમી ગણાય એવા કામ કરતા લોકો હેલ્મેટ પહેરે છે. એમને કહેવું નથી પડતું કે ભાઈ, આગ બુઝાવવા જતા, કે ખાણમાં ઉતરતાં પહેલાં માથે હેલ્મેટ પહેરી લે. અને સામે એ લોકો પણ નથી કહેતા કે ન પહેરીએ તો ચાલે, શોર્ટ ડિસ્ટન્સમાં જરૂરી નથી, આટલી ગરમીમાં હેલ્મેટ પહેરવી ન ફાવે, ટ્રાફિક પોલીસ પકડે તો સો બસ્સો રૂપિયા આપીને છૂટી જવાનું વગેરે. આ શબ્દો ઉચ્ચારવાનો ઈજારો માત્ર ટુ વહીલર્સ ચલાવનારનો છે. અને આવું કહેનારામાં માત્ર યુવાનો નથી હોતા. સામાન્ય સંજોગોમાં બહુ સમજુ, જવાબદાર ગણાતા વડીલોને પણ હેલ્મેટને જરૂરીને બદલે ન્યૂસન્સ ગણતા જોયા છે. આ પહેલાં પણ કહેલી વાત અહીં રિપીટ કરું છું. અમદાવાદ જેવાં શહેરોમાં ઉનાળાના દિવસોમાં છોકરીઓ સ્કૂટર લઈને બહાર નીકળે ત્યારે સ્ટોલ કે ઓઢણીથી માથું અને ગળું ઢાંકે છે, આખા હાથ ઢંકાય એવાં મોજાં પહેરે છે. છોકરાઓ કૅપ પહેરે. તડકામાં સ્કિન એન્ડ હેર ખરાબ ન થવા જોઈએ. પરંતુ માથું ફૂટે તો વાંધો નહિ. હેલ્મેટને બાઈકની એક તરફ ટિંગાડી રાખવાની. ત્યાંની એક કૉલેજિયન યુવતીને પૂછેલું કે ‘તમને ટ્રાફિક પોલીસ પકડતી નથી?’ તો એણે બહુ નિર્દોષભાવે જવાબ આપ્યો કે ‘ના, અમારા પોલીસવાળા બહુ સારા છે, હેલ્મેટની બાબતમાં હેરાન નથી કરતા.’ મતલબ આ શહેરના પોલીસવાળા માટે પણ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી જરૂરી નથી. કે પછી એ લોકો પણ બેદરકાર વાહનચાલકોને રોકીટોકીને થાકી ગયા છે અને કહી દીધું છે કે ‘જાવ, મરો.’ મુંબઈમાં ટ્રાફિક હવાલદારો થોડા વધુ સ્ટ્રિક્ટ છે એટલે મોટા રસ્તા પર હેલ્મેટ વિના જઈ રહેલા શૂરવીરોને પકડે છે, દંડ ફટકારે છે, પરંતુ પાછળ હેલ્મેટ વિના બેઠેલી વ્યક્તિને પણ દંડ થયો હોય, એવું મેં તો અત્યાર સુધીમા ક્યારેય નથી સાંભળ્યું. કદાચ સહુ માને છે કે બાઈક પર પાછળ બેઠેલી વ્યક્તિ અમરપટ્ટો લખાવીને જ આવી છે. પરંતુ પિલિયન રાઈડર્સ પણ અકસ્માતમાં મરે છે, એ હકીકત છે. થોડા દિવસ પહેલાં એક બહુ ગમખ્વાર અકસ્માત વિષે વાંચ્યું. બાજુના ગામમાં કોઈ શુભ પ્રસંગ ઊજવીને એક જ મોટરસાઇકલ પર બેસીને પોતાને ઘેર પાછા ફરી રહેલા એક પરિવારના ચારેય સભ્ય અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એક બાઈક પર ચાર જણ, કોઈએ હેલ્મેટ નહોતી પહેરી અને એ પણ સ્ટેટ હાઇવે પર! ભાગ્ય પર એટલો ભરોસો કે અમને કંઈ નહિ થાય? અને તમે જ કહો, આને શ્રદ્ધા કહેવાય, બહાદુરી કે નરી બેદરકારી? Or deathwish?

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:54 am

કેળવણીના કિનારે:ભારતના પ્રથમ AI શિક્ષક ‘આઇરિસ’

ડો. અશોક પટેલ કે રળમાં તિરુવનંતપુરમની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઓગસ્ટ 2023માં ભારતના પ્રથમ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શિક્ષક રોબોટ ‘આઈરિસને રજૂ કરેલ છે. ‘આઈરિસ’ એ શાળાઓ માટે ભારતના પ્રથમ AI શિક્ષક રોબોટનું નામ છે, જેને મેકર લેબ્સ એજ્યુટેક- નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આઇરિસમાં ઇન-બિલ્ટ વૉઇસ આસિસ્ટન્ટ છે અને તે ઇન્ટેલ ચિપસેટ પર ચાલે છે, જે અવાજ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. શૈક્ષણિક માહિતીની રજૂઆત, સિદ્ધાંતોની સમજૂતી અને સ્પષ્ટતા સાથે ક્રમમાં જવાબ આપે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયનની તક પૂરી પાડવા ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી સાથે આઇરિસ વાર્તાલાપ કરી શકે છે. પ્રશ્નોના જવાબ આપે છે, સમજૂતી આપે છે અને વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા શૈક્ષણિક સામગ્રી પહોંચાડે છે. આઇરિસનો હેતુ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણના અનુભવો દ્વારા પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓમાં પરિવર્તન લાવવાનો છે. આઇરિસ મુક્તપણે હલનચલન કરી શકે છે અને હાથથી શીખવવાની પ્રવૃત્તિઓ કરી શકે છે. આઇરિસને એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે કે તે શબ્દો, ચિત્રો કે અન્ય શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે. કેરળની સ્કૂલમાં રજૂઆત સમયે આઈરિસ રોબોટ પરંપરાગત ભારતીય સાડી પહેરીને મહિલા શિક્ષકના રૂપમાં આવ્યો હતો. તે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ઉપરાંત નજીક જઈને હાથ પણ મિલાવે છે, માથું ફેરવે છે, હાવભાવ દર્શાવે છે અને હસે પણ છે. વિદ્યાર્થીઓ જે પણ પ્રશ્ન પૂછે તેનો જવાબ આપવા તૈયાર હતી, પણ તેની અભિવ્યક્તિ આકર્ષક ન લાગી અને તેણીનો અવાજ લાગણીહીન હતો.આઇરિસ હાલમાં અંગ્રેજી, હિન્દી અને મલયાલમ ત્રણ ભાષાઓ સમજે છે અને તેને એન્ડ્રોઇડ એપ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેની પાસે ધોરણ એકથી ધોરણ બાર સુધીના તમામ વિષયોનું જ્ઞાન છે. તેની પાસે આ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંદર્ભ સામગ્રી પણ છે. આઇરિસ બનાવનાર મેકર લેબ્સ હવે પછી 20 ભાષાઓ સમજે તેવા રોબોટ શિક્ષક બનાવવાની યોજના કરી રહ્યા છે. આઇરિસ અત્યારે શિક્ષકોને તાલીમ પણ આપી શકે છે. તે જુદી જુદી પદ્ધતિથી શીખવી શકે છે. ભવિષ્યમાં તે શિક્ષકોનાં બિન-શૈક્ષણિક કાર્યો કરી શકે તેવું આયોજન છે. યુનેસ્કોનો અહેવાલ દર્શાવે છે કે, ભારત તેની વધતી વસ્તીને કારણે શિક્ષકોની અછતનો સામનો કરી રહ્યું છે. ભારતમાં હાલમાં દસ લાખ જેટલા શિક્ષકોની જરૂર છે. AI રોબોટ શિક્ષક એ શિક્ષણના વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડશે, શિક્ષકો માટે નિયમિત કાર્યો કરશે, વર્ગખંડોનું સંચાલન કરશે અને શિક્ષકોની અછતમાં રાહત આપશે. AI શિક્ષકો વધુ જટિલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ વધારી શકશે. AI ડિજિટલ શિક્ષકો દૂરના વિસ્તારોમાં શિક્ષકોની અછત માટેનો ઉકેલ બની શકે અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. AI શિક્ષણનું વૈકલ્પિક સ્વરૂપ વિકસાવવામાં મદદ કરશે. તેનામાં નિયમિતતા હશે, આપેલી સૂચનાઓનું પાલન કરશે, પગાર વધારો કે રજાના લાભો નહિ માંગે. તે દિવસ-રાત કામ કરવા તૈયાર હશે. ભારતમાં AI માટે પ્રથમ પડકાર શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજીની ઉપલબ્ધતા છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં રોબોટ શિક્ષકની સગવડ કરવી એ આવતા 100 વર્ષ સુધી શક્ય લાગતું નથી. AI રોબોટ જીવંત શિક્ષકોનું જેટલું સ્થાન લેશે એટલી બેરોજગારી વધશે. શિક્ષણમાં AIનો ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેની સલામતી અને ગોપનીયતાને પ્રાથમિકતા આપવી પડશે. વ્યક્તિગત ડેટા સુરક્ષિત નહિ રહે. ટેક્નોલોજી કે AI જેવાં સાધનો પર વધુ પડતી નિર્ભરતા શિક્ષણની ફરજો અને શિસ્તની અવગણના કરે છે અને શીખવવાના સિદ્ધાંતોને ભૂલી શકે છે. સાથે વિદ્યાર્થીના વૈયક્તિક તફાવતને સમજીને કામ ન પણ કરી શકે. જેમ કે જટિલ વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ, સામાજિક મૂલ્યો અને ભાષાનાં કૌશલ્યો અને સ્વ-સંશોધન. આ રીતે જોતાં રોબોટ સંપૂર્ણ શિક્ષક ના જ બની શકે. રોબોટ શિક્ષક માહિતી આપી શકે, જ્ઞાન ના આપી શકે. અંતે, ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે AIના ઉપયોગ, વિકાસ, સલામતી અને નીતિશાસ્ત્ર પર અહેવાલ આપવા માટે એક સમિતિની રચના કરી છે. ‘India AI’ નામનો એક રાષ્ટ્રીય AI પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે જે AI માનવ સંસાધન, સંશોધન અને શિક્ષણને ટેકો આપવા અને AI નિયમનકારી કાયદામાં સુધારો કરવાના ધ્યેય સાથે કામ કરે છે. અશોકી : સારો શિક્ષક ‘શું’ કરતાં ‘કેમ’ને વધુ મહત્ત્વ આપે છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:53 am

ઓફબીટ:અલખની હલકનું અજવાળું : પરેશ ભટ્ટ

એ મના રણકારમાં ભક્તિ છલકાય. એમની હલકમાં મસ્તી મલકાય. એમના અવાજમાં અસ્તિત્વનું અનાવૃત્ત સર્જાય. એ છેલ્લી પહોરના ગાયક. એ રામસાગરના ટેરવાંના આશક. એમની તોલે એમનું સામર્થ્ય જ પહોંચે. એમના વડીલ ઘણા પણ આજે એમનાં સ્મરણો એ બધામાં વડીલ છે. એ ગુજરાતી ગુંજનો ગેરુઓ રંગ. એ અલખની હલકનું અજવાળું. એ પરેશ ભટ્ટ. આજે હોત તો? રોજ ગુજરાતી સંગીતના ટિકિટ શો – નથી થતાં – નું મ્હેણું ભાંગ્યું હોત! એમને એમના સ્વરાંકનો અને અવાજથી મળ્યો છું. પંખીઓના સ્વરમાં સા-રે-ગ-મ-પ-ધ-ની-સા – શોધતાં બીજા કોઈ કલાકારને મળ્યા છો? એમનું ‘હોવું’ રાજકોટ આકાશવાણીમાં પણ એમનું ‘જીવવું’ – આકાશવાણીને પાર...પુરુષોત્તમ ઉપાધ્યાય પછી કોઈ ગવૈયાની આપઓળખ થઈ હોય તો તે પરેશ ભટ્ટ! જે રેકોર્ડિંગ સાંભળો, તમને નવા જ પરેશભાઈ મળે! સ્વરાંકનો એ સમયના પણ વર્ષોનાં વર્ષો ઓળંગીને જીવાઈ જાય તેવાં! ગુજરાતી સંગીતનો પરમતત્ત્વનો આવેશ એટલે જ પરેશ ભટ્ટ! કેટલાય દિગ્ગજો આજે પરેશ ભટ્ટને સાંભળ્યા પછી પોતાનો ‘કાન’ બીજાને સોંપી શકતા નથી! આ જ પરેશ ભટ્ટની કાબેલિયત છે.અવાજનો વૈભવ. આરોહ-અવરોહની નજાકત. શબ્દને પહોંચાડવાની માવજત અને ભાવકને ‘રાજ્જા’ કરવાની મદહોશી – એ પૂર્ણ કલાકારની નિશાની છે. મુકેશ માલવણકરની રચના ‘એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું…’ એમાં ‘હું’, ‘છ્...’ વગેરે જેવા કાફિયા આવે છે. એને સ્વરમાં ઓગાળીને રજૂ કરવાની ત્રેવડ માત્ર ને માત્ર પરેશભાઈની જ. આખું ગીત જાણે ગુજરાતી કવિતાની બહાર જઈને ગુજરાતી સંગીતનો પરિચય આપે છે. મળવાનો આનંદ અને વિરહની વ્યથા સાથે અનુભવાય છે.પરેશ ભટ્ટના અનેક જાદુનામા છે. એ ‘એકડો સાવ સળેકડો ને બગડો ડીલે તગડો’ – જેવી રમેશ પારેખની બાળરચના સ્વરબધ્ધ કરે ત્યારે બાળક જ લાગે. અરે! બાળકની અદાથી પ્રસ્તુત કરે. ટોટલ પરફોર્મરના વિલક્ષણ લક્ષણો એ પરેશ ભટ્ટની ખૂબી છે. ‘વૃક્ષ વૃક્ષને પાન પાનમાં’ (સુરેશ દલાલ) – આ ગીત જ્યારે કોરસમાં ગવાય ત્યારે પ્રકૃતિની પાંખો રુંવાડે રુંવાડે ફૂટે... જીવનમાં ‘મારી ધરતી કેવું મલકે’ – જેણે જોયું નથી – એને પણ એનો અનુભવ થાય.ઉમાશંકર જોશીની સામે ગાંધીજીનો છેલ્લો સંદેશ ‘આમાર જીવન, આમાર બાની’ – ઉપરથી ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય ‘મારું જીવન એ જ મારી વાણી’ – રજૂ કર્યું. ઉમાશંકર જોશી અને આખું વાતાવરણ ગાંધીજીના સમયમાં ગરકાવ થઈ ગયેલું અનુભવાય. સાંભળ્યા પછીનો આ મારો અનુભવ છે. રાજેન્દ્ર શુક્લની ગઝલ ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક’ - તો વળી, કેટલાંય વર્ષો સુધી સ્વરબધ્ધ અને લખાતાં ચાલી. પણ ગુજરાતી કાવ્ય સંગીતમાં એ ગઝલની ખૂશ્બુ ભારતીય સંગીતની સર્વભાષી પિછાણ છે.વેણીભાઈ પુરોહિતે કલ્પ્યું નહીં હોય કે ‘જોગી ચલો, ગેબને ગામ’ – આ રીતે પરેશભાઈ સ્વરબધ્ધ કરશે અને ગાશે. એ જમાનો આજે પણ પાછો આવી શકે છે. ‘માત ભવાની દુર્ગે! સબ દુઃખ તારિણી!’ આ રચના તો એમણે પોતે જ લખી અને સ્વરબધ્ધ કરી. જીવનને ભરોસો આપતી કવિતા કે જેને સાંભળીને જોમ ચઢે ‘આપણે ભરોસે આપણે ચાલીએ’ (પ્રહલાદ પારેખ) – આ કવિતા સાંભળતાં જ ખરેખર નિરાશ જાતે જ જાતમાંથી ઉદાસી ખંખેરી નાંખે છે. પરેશભાઈના અવાજમાં અલખના અણસારાનું સરનામું છે. ‘હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા’ – આ દરેકના બાળપણની અમૃત છબી છે. સાંભળીએ કે ગાઈએ ત્યારે મન વેકેશન ઉપર ઉતરી જાય. ‘જાણી બૂઝીને તમે અળગા ચાલ્યા’ (હરીન્દ્ર દવે) આ કૃતિ માત્ર ને માત્ર પરેશભાઈ પાસેથી જ સાંભળવી જોઈએ. સ્વભાવનો આરોહ-અવરોહ સંબંધોના મિજાજમાં સ્વર પણ ઊજળો કરી આપે છે. જોકે, એ પછી જગદીશ જોષીનું ગીત ‘આ હળ્યા મળ્યાના હરખ શોખને માંડી વાળો’ – પણ સાંભળવું જોઈએ.આજે પરેશ ભટ્ટ હોત તો? વિપુલતા, સર્જકતા, રજૂઆત, મહેફિલગમ્ય વાત... કૈં કેટલુંય રળિયાત હોત! પરેશ ભટ્ટ નથી – એવું માનવાની કોઈ વાત નથી, કારણ કે કલાકાર એની કલામાં જીવે છે. પરેશ ભટ્ટ એમના સ્વરાંકનોમાં જીવે છે. ઑન ધ બીટ્સજે પ્રેમ-પ્રવાહોમાં અતિ વેગે વહી જાય!આંખોમાં સમાઈ રહે, હૈયામાં વસી જાય.ડર રહે તો હતો કાળની ગોઝારી નજરનો,આ, બાળ અજુગતો કોઈ ઉંબરો ન ચઢી જાય.-ગની દહીંવાલા

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:53 am

આંતરમનના આટાપાટા:આપણી સલામતી બાબતે આપણે કેટલું વિચારીએ છીએ?

રા જકોટમાં અગ્નિકાંડને કારણે અનેક નિર્દોષ નાગરિકોના જાન ગુમાવવાની ઘટના બની. થોડા સમય પહેલાં વડોદરાના તળાવમાં હોડી ઊંધી વળી ગઈ, જેમાં પણ અનેકોના જીવ ગયા. એક દિવસ પણ ખાલી નથી જતો જ્યારે આવા સમાચાર આપણે ન વાંચતા હોઈએ. હમણાં હાથરસ ખાતેના એક ધાર્મિક સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડ થવાના કારણે 100 કરતાં વધારે લોકોએ જાન ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આજે આ પ્રકારની ઘટનાઓને એક અલગ દૃષ્ટિકોણથી જોવી છે. હેરોલ્ડ જીનીન નામનો એક મેનેજમેન્ટ ગુરુ થઈ ગયો. એનું એક પ્રખ્યાત વાક્ય છે કે, ‘લાર્જર ઇઝ સિસ્ટીમ લાર્જર આર ધી લેયર્સ ઓફ ઈનએફિશિયન્સી’ અર્થાત્ કોઈ પણ સિસ્ટમ જેટલી મોટી હોય તેટલાં તેમાં ગાબડાં એટલે કે બિનકાર્યક્ષમતાનાં પડ પણ મોટાં હોય.એક નાનકડું કુટુંબ છે, જેના ચાર-પાંચ સભ્યો છે તો તેને લગતી બાબતોનું વ્યવસ્થાપન સરળતાથી થઈ શકે. પાંચ-સાત માણસો પ્રવાસમાં કોઈ હિલસ્ટેશને જાય છે તો એ પ્રવાસનું આયોજન કરનાર માટે એનું વ્યવસ્થાપન કરવું સરળ છે પણ એ પાંચને બદલે પચાસ થઈ જાય તો? એક બસ ભરીને પેસેન્જર થાય, તેમની વ્યવસ્થાઓ જાળવવાનું થોડું તો મુશ્કેલ બનશે જ. પણ 50ને બદલે 500 કે 5,000 થાય ત્યારે આ વ્યવસ્થાપન કરનારાઓની કસોટી થઈ જાય છે. એમાં કંઈ પણ થાય એટલે શાહબુદ્દીનભાઈના વનેચંદની માફક હેડમાસ્તર એટલે કે પ્રજા સરકાર અને એના તંત્રને બેદ૨કારી માટે ધીબી નાખે છે. તપાસ સમિતિઓ નીમાય અને ક્યારેક જોઇન્ટ પાર્લામેન્ટરી સમિતિ તપાસ કરે. પણ છેવટે પરિણામ આવે છે? આજનો વિષય જરા જુદો પડે છે. સરકારી તંત્ર તેમજ સંબંધિત ખાનગી અથવા જાહેર સંસ્થાઓ પોતાના વર્તન માટે જવાબદાર છે જ અને એમના સામે કાર્યવાહી થવી જ જોઈએ. ક્યારેક મોડાં મોડાં પણ ન્યાય મળતો હોય છે પણ મહદ્ અંશે સરકાર જેમાં મુખ્ય એજન્સી હોય તેવી રેલવે કે અન્ય દુર્ઘટનાઓમાં વળતર આપી છૂટી જાય છે. ચાલો, એ વાતને પણ બાજુએ મૂકીએ. આજે વાત કરવી છે આપણી પોતાની નાગરિક તરીકેની જવાબદારીઓની. આપણી કોઈ જવાબદારીઓ અથવા કાળજી રાખવાની ફરજ ખરી? હાથરસ કાંડ બન્યો ત્યારે સત્સંગ માટે આટલું મોટું ટોળું ભેગું થાય અને પછી ભાગદોડ થાય તેમાં 100 કરતાં પણ વધારે લોકો કચડાઈ મરે. કોઈ મોટી રેલી કે વરઘોડાઓ નીકળે, હજારોની જનમેદની રસ્તા પર ઉતરી આવે અને એમાં કોઈ અકસ્માત થાય તો સરકાર જ જવાબદાર? ‘સહુનું એ કોઈનું નહીં’, એમ સામૂહિક જવાબદારી એ કોઈની જવાબદારી નહીં. મહામારી હોય કે અકસ્માત, આપણે જાતે પણ કાળજી રાખવી જોઈએ. હેલ્મેટ મૂળભૂત રીતે તમને અકસ્માત થાય તો માથામાં જીવલેણ ઇજા ન થાય અને હેમરેજ ન થઈ જાય તે સામે રક્ષણ માટે તમારા હિતમાં પહેરવાનું છે, પોલીસ દંડ ન કરે તે માટે નહીં. હેલ્મેટને સાથે લટકાવી રાખ્યું હોય કે અથવા નામ કે વાસ્તે જેને હેલ્મેટ કહી શકાય એવું ખૂબચું, જે અકસ્માત સામે કોઈ રક્ષણ ન આપી શકે, તેને માથે પહેરી લો અને કાયદાનું પાલન કર્યાનો સંતોષ માની તમારી જાતને પણ છેતરો તેવું આપણે જ કરીએ છીએ ને? સરકારી તંત્રની બેદરકારી હોય, ખાનગી વ્યવસ્થાએ જરૂરી ચકાસણી કરાવી સલામતી અંગેની પૂરતી વ્યવસ્થા ન કરી હોય ત્યારે એમને કડકમાં કડક અને દાખલો બેસે તેવી સજા થવી જોઈએ પણ એમાંય મોટાં માથાં છટકી જાય. જેનું કામ જ સુપરવિઝનનું છે, આખું નગર કે મહાનગર જેને સોંપવામાં આવે છે તે કમિશનર કે કલેક્ટરની કોઈ જવાબદારી જ નહીં? એની બદલી કરી નાખીએ એટલે પતી ગયું! વાસ્તવમાં કોઈ મોટી જુગાર રમાડતી કલબ પર દરોડો પડે ત્યારે ક્યારેય એની પાછળનાં મોટાં માથાં પકડાય કે સજા થાય તેવું બને છે? એટલે તંત્રને સુધારવાની જરૂર છે, છે ને છે જ. પણ આવી કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં આપણે આપણી જાતે પૂરતી કાળજી ન રાખી શકીએ? આટલા બધા માણસો ભાગદોડમાં મરી જાય એવી ભીડમાં કે કોઈ ઉત્સવોની અથવા પછી ચૂંટણી માટેની મોટીમસ રેલી કે સભાઓમાં આપણે સ્વૈચ્છિક રીતે હાજરી આપીએ છીએ ત્યારે આપણી સલામતી બાબત આપણે વિચારીએ છીએ ખરા? શું લોકશાહીનો અર્થ એવો થાય કે એમાં બધું સ૨કા૨ જ કરશે અને તમારે એમાં કશું નહીં કરવાનું? આ દિશામાં વિચારીએ ત્યારે લાગે છે કે એક નાગરિક તરીકે આપણે કાં તો નફિકરા છીએ, કાં તો સરકાર અને તેના તંત્ર ઉપર વધારે પડતો વિશ્વાસ રાખીએ છીએ. આ બંને જોખમી છે. બજાર વ્યવસ્થાપનનો પહેલો સિદ્ધાંત છે, ‘બાયર બી અવેર’, ગ્રાહકે સમજી-વિચારી, પૂરતી ચકાસણી કરી પછી જ ખરીદી કરવી જોઈએ. આપણે કોઈ પણ જાહેર સ્થળે કે ભીડ ભેગી થતી હોય ત્યાં જતાં પહેલાં ક્યારેય આવું વિચારીએ છીએ ખરા? અને છેલ્લે, પગમાં કાંટો વાગ્યો હોય તો જોડો પહેરાય, ધરતીને ચામડે મઢવા ન જવાય!!

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:52 am

ઓક્સિજન:કેન્દ્રબિંદુ

‘બા બુ, તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ.’ માત્ર તેંત્રીસ વર્ષની ઉમરે પત્ની ગુમાવવાનું દુ:ખ ના તો બાબુથી સહન થતું હતું ના તેની બાથી. કેટલાં સપનાં જોયાં હતાં બાબુએ! પત્નીને લઈને ગામથી શહેરમાં આવીને વસવાની ઈચ્છા હતી. મોટું ઘર લે, પરિવારના બીજા સભ્યોને પણ બોલાવી શકાય. પણ, કુદરતે આપેલા અણધાર્યા આંચકાએ બધાં સપનાં ખેદાનમેદાન કરી દીધાં. નાની ઉંમરે પિતા ગુમાવ્યા પછી બાબુમાં ઉમર કરતાં વહેલાં પરિપક્વતા આવી ગઈ હતી. પોતે સૌથી મોટો દીકરો હતો અને પાછળ નાનાં ભાઈ-બહેન હતાં જે હજુ તો ભણતાં હતાં. બા એકલે હાથે સહુને ઉછેરતી. બાબુના લગ્ન પછી ઘરકામમાં મદદ મળતાં બા પોતાના સિલાઈકામમાં વધુ સમય આપી શકતી અને થોડું વધુ કમાઈ લેતી. બાબુને બીજા લગ્ન કરવા માટેનું આ પણ એક કારણ હતું.ઘણું વિચાર્યા પછી એક દિવસ બાબુએ પરિવારના વડીલોને ભેગા કર્યા. સહુને બાબુના જવાબની જ ઇન્તેજારી હતી. ‘મારે બીજા લગ્ન નથી કરવા.’ તેનો જવાબ આંચકા સમાન હતો. બાબુ કહે, ‘આ મારા નાનાં ભાઈ-બહેન એ જ મારો પરિવાર અને એ જ મારું સર્વસ્વ. તેમાં ભાગ પડાવે તેવું મારે કોઈ નથી જોઈતું.’ બાની આંખોમાંથી વહેતાં આંસુ બોલી રહ્યાં હતાં કે દીકરા તેં કેટલો કપરો નિર્ણય લીધો છે! આ જોઈ બાબુના ગળે ડૂમો ભરાયો. પણ, તે રોકી, સ્વસ્થ થતાં તેણે ભેગાં થયેલાં સહુને કહ્યું, ‘બાપાના ગયા પછી અમારા પરિવારનું ભરણપોષણ કરવાનું કેન્દ્રબિંદુ મારી બા હતી.’ સમયના વહેણ ઉપર ઘટનાઓ વહેતી રહે છે અને તે મુજબ જવાબદારીનાં નવાં વર્તુળો સર્જાયા કરે છે અને તેનું કેન્દ્ર બદલાયા કરે છે. બાના પગ ઝાલીને બાબુ કહે, ‘બા, હવે મને કેન્દ્રબિંદુ બનવાની આજ્ઞા આપો.’ વર્ષો પછી સુખી અને સમૃદ્ધ પરિવારના ગૌરવનું કેન્દ્રબિંદુ છે ‘બાપુજી’ એટલે બાબુ!

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:50 am

આઠમી અજાયબી:પ્રાચીન કાળથી માંડીને 21મી સદી સુધીની બ્લડ રેઈનની લાંબી સફર પછી પણ વિજ્ઞાન અવઢવમાં છે કે આખરે આ ઘટના છે શું?

માયા ભદૌરિયા ઘ ણી વખત કુદરત પોતાનું એવું સ્વરૂપ દેખાડે છે કે એને કોઈ કળી ન શકે. દરેક સવાલનો જવાબ શોધતું સાયન્સ પણ એની સામે વામણું લાગે છે. 23 વર્ષ પહેલાં આ જુલાઈ મહિનામાં ભારતના કેરળ રાજ્યમાં કુદરતનો આવો જ કહેર વરસ્યો હતો લોહીના વરસાદ રૂપે. 2001નું એ વર્ષ, જ્યારે અચાનક બ્લડ રેઈન શરૂ થઈ ગયો હતો. કેરળવાસીઓ માટે તો આ ઘટના વિચિત્ર હતી જ પણ વિજ્ઞાનીઓય ગોથે ચડી ગયેલા એનો જવાબ શોધવામાં. હાલ પણ આ બાબતે કેટકેટલાંય પરીક્ષણો થઈ રહ્યાં છે, ત્યારે જાણીએ શું છે બ્લડ રેઈનની મિસ્ટ્રી? આધુનિક વિજ્ઞાન શું કહે છે?19મી સદીમાં બ્લડ રેઈનનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું અને એ થિયરી આવી કે ધૂળને કારણે પાણીને તેનો લાલ રંગ મળે છે. આજે મુખ્ય સિદ્ધાંત એવો સાબિત કરવામાં આવ્યો છે કે આવો લાલ વરસાદ વરસાદની લાલ ધૂળ અથવા પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોને કારણે થાય છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે મોસમનું સંચાલન કરતી શક્તિઓ કેટલાંક આશ્ચર્યજનક કાર્ય પણ કરે છે. હકીકતમાં આ કોઈ હવામાનશાસ્ત્ર કે વૈજ્ઞાનિક શબ્દ નથી, પણ બોલચાલની ભાષા છે. સામાન્ય રીતે તો લાલ રંગની ધૂળ કે કણની ઊંચી ઘનતા વરસાદમાં ભળે ત્યારે આવો લાલ રંગનો વરસાદ થાય. ઝડપી ફૂંકાતો પવન કે વંટોળ ધૂળ અને રેતને ઉડાડી શકે છે. આખરે ગુરુત્વાકર્ષણને કારણે ધૂળ આકાશમાંથી નીચે આવે અને વરસાદી વાદળોમાં ફસાઈ જાય, જ્યાં તે પાણીનાં ટીપાં સાથે ભળી જશે. આમ, આ વરસાદ પડે ત્યારે તેનો રંગ લાલ દેખાય. કેરળમાં બ્લડ રેઈન2001માં કેરળમાં વરસેલા લાલ વરસાદ બાબતે વિજ્ઞાનીઓએ એવું કહ્યું કે વરસાદ અને પ્રદૂષણને કારણે આવું થયું હોઈ શકે, પણ પછી એ લાલ વરસાદનાં પાણીનું પરીક્ષણ કર્યું ત્યારે જાણીને સૌની આંખો પહોળી થઈ ગયેલી, કારણ કે એમાં જીવનના પુરાવા મળ્યા હતા. જોકે, પછી એવું થયું કે જો એ લોહી જ હોય તો એમાં ડીએનએ પણ હોય, પણ વિજ્ઞાનીઓને ડીએનએ શોધવામાં સફળતા નહોતી મળી. એ પછી છેક 2012માં ફરીથી સંશોધન થયું અને એની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ ત્યારે કેટલાકે એવો દાવો કર્યો કે એનો સંબંધ એલિયન્સ સાથે હોઈ શકે છે, પણ એ રહસ્ય અકબંધ જ રહ્યું. પ્રાચીન ગ્રીસથી માંડીને મધ્યયુગ સુધી બ્લડ રેઈન વિશે લોકોની માન્યતાબ્લડ રેઈનનો ઈતિહાસ ફંફોસીએ તો પ્રાચીન ગ્રીસથી માંડીને મધ્યયુગના આયર્લેન્ડથી છેક 21મી સદી સુધી લઈ જાય છે. 17મી સદી પહેલાં સુધી એવું જ માનવામાં આવતું હતું કે એ વરસાદ નહીં પણ લોહી જ છે.રક્તની વર્ષાનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક કવિ હોમરે લખેલા મહાકાવ્ય ‘ઈલિયડ’માં જોવા મળે છે. તેમાં ટ્રોજન યુદ્ધ અને ટ્રોય શહેરની ગ્રીક ઘેરાબંદીની જાણીતી વાર્તા છે. ઈલિયડ મહાકાવ્ય મુજબ, દેવો અને મનુષ્યોના પિતાએ મંજૂરી આપી, પણ તેમણે પોતાના પુત્રના સન્માનમાં પૃથ્વી ઉપર લોહીનો વરસાદ વરસાવ્યો. પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓ ઉપરાંત, અન્ય ઘણી પૌરાણિક કથાઓમાં રક્ત વર્ષાનો ઉલ્લેખ જોવા મળે છે. જેમકે, મહાકાવ્ય મહાભારત, ચીની પૌરાણિક કથાઓ તેમજ રોમન સામ્રાજ્યમાં પણ એનો ઉલ્લેખ છે.મધ્યકાલીન સમયગાળામાં પણ લોહીના વરસાદને લગતા ઘણા અહેવાલો છે. પ્રાગૈતિહાસિકથી માંડીને 1150 સુધીનો મધ્યયુગનો આઈરિશ ઈતિહાસનો સંગ્રહ છે જેમાં લખ્યું છે, ‘આ લોહીનો વરસાદ હતો અને તે અહીં બધાં જ મેદાનો ઉપર જોવા મળ્યો હતો.’ એ સમયે આવી ઘટનાઓ અશુભ ગણાતી અને લોકો તેને કુદરતનો શ્રાપ માનતા. આ પણ જાણી લો​​​​​​​કેરળના કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓમાં વરસેલા લાલ વરસાદમાં લગભગ 10 માઇક્રોમીટર કદના લાખો નાના લાલ રક્તકણો મળી આવ્યા હતા. બ્રિટનમાં ઘણી વાર બ્લડ રેઈન પડે છે. મોટાભાગે દક્ષિણી યુરોપ તરફ સ્પેન અને ફ્રાન્સના દક્ષિણી હિસ્સામાં વધારે જોવા મળે છે.ઈટાલીમાં વરસાદમાં રેતના કણો હોવાને કારણે વરસાદનાં ટીપાં લોહીની જેમ લાલ થઈ જાય છે.2008માં કોલંબિયાના નાનકડા શહેર લા સિએરા ચોકોના રહેવાસીઓએ દાવો કરેલો કે તેમના નાનકડા સમુદાય પર લોહીનો વરસાદ વરસેલો. જોકે, અન્ય શહેરના વિજ્ઞાનીએ પરીક્ષણ કર્યું ત્યારે હકીકતમાં એ લોહી જ હતું.2014માં સ્પેનના ઝામોરાના ગામોમાં લોહીનો વરસાદ થવાની બીજી ઘટના બની. ત્યારે ઝામોરાના રહેવાસીઓ એ હકીકતથી ચોંકી ગયા હતા કે લોહી જેવા પદાર્થે તેમના સફેદ માટલાને લાલ કરી દીધાં હતાં.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:49 am

સમસ્યા અને સમાધાન:વારંવાર સમાગમ બીમારી નોંતરે?

સમસ્યા : મારી ઉંમર 26 વર્ષની છે. જાતીય સમાગમ વખતે હું મારા પતિ કરતાં વહેલી ચરમસીમાએ પહોંચી જાઉં છું. હું એવું શું કરું કે મારા પતિ પણ મારી જેમ જલદી ક્લાઈમેક્સ સુધી પહોંચે?સમાધાન : તમે પતિને એ સમયે વધુ ને વધુ સ્પર્શ કરો. ઓરલ સેક્સથી પણ તેઓ ઝડપથી ક્લાઈમેક્સ સુધી પહોંચશે. બીજું કે આ કોઈ સ્પર્ધા નથી. કોઈ પણ બે વ્યક્તિ એક જ સમયે ચરમસીમાએ પહોંચે એવું ના હોય. એટલે એ વાત એવી મહત્ત્વની નથી કે કોણ ક્લાઈમેક્સ પર પહોંચ્યું. ઓર્ગેઝમને એટલું મહત્ત્વ ન આપો. એવું જરૂરી નથી કે દરેક વખતે જાતીય સમાગમ તમને ઓર્ગેઝમ સુધી પહોંચાડે.સમસ્યા : મારી ઉંમર 24 વર્ષની છે. મને માસ્ટરબેશનની આદત છે. મેં મિત્રો પાસેથી સાંભળ્યું છે કે સતત આવું કરવાથી નપુંસક થઈ જવાય? તો શું આ સાચી વાત છે?સમાધાન : એક વાત યાદ રાખો કે નપુંસકતાનું સેક્સ્યુઅલ કોન્ટેક્ટ સાથે લેવાદેવા નથી. ક્યારે, કેવી રીતે માસ્ટરબેશન કરાય એના કોઈ નિયમ નથી. વ્યક્તિને મન થાય અને જો શરીર તમને બરાબર સાથ આપતું હોય તો કરવામાં કંઈ વાંધો નથી. એનાથી કોઈ વિપરીત અસર ન પડે. મોટાભાગના પુરુષોને આવી ટેવ હોય જ છે. તમારા મિત્રો પાસેથી સાંભળેલી દરેક વાત સાચી હોય એવું ન હોય. સેક્સ્યુઅલી ઉત્તેજન અનુભવો ત્યારે માસ્ટરબેશન કરી શકાય અને ઘણા લોકો કરતા જ હોય છે. એમાં નપુંસકતા ન આવે.સમસ્યા : હું 22 વર્ષની છું. મારે જાણવું છે કે પહેલી વાર જાતીય સમાગમનો અનુભવકેવો રહે?સમાધાન : સરસ રીતે શરૂઆત કરી હોય તો એમાં સંતોષ અને સુખનો અનુભવ થાય છે. ઘણી વાર લોકો એવી બીક પેસાડી દે છે કે પહેલી વારમાં બહુ જ દુખાવો થાય, આનંદ ના આવે. જો તમે આવું જ વિચારશો તો મજા નહીં આવે અને તમે તણાવમાં રહેશો. બીજું કે તમે બંનેએ એકબીજા સાથે આ વિશે ખુલીને ચર્ચા કરી હશે તો પણ તમને તકલીફ નહીં પડે. ઘણી વાર ઉત્તેજનાને કારણે પણ પુરુષો ઝડપથી વીર્યાસ્ત્રાવ કરે છે કે પછી ચરમસીમા સુધી પહોંચતા નથી. ત્યારે બંનેને સંતોષ નથી મળતો. એટલે ડર સાવ જ દૂર કરીને મૂડ સુધારીને જાતીય સમાગમનો આનંદ માણવો જોઈએ.સમસ્યા : મારાં લગ્નને પાંચ મહિના જ થયા છે. હું 24 વર્ષનો છું. મને મારા શિશ્નની લંબાઈ ટૂંકી લાગે છે. એ કારણે હું પાર્ટનરને સંતોષ નહીં આપી શકું તો? લંબાઈ વધારવા માટે શું કરું?સમાધાન : ખરેખર તો તમારે જાતીય જીવન વિશેનું જ્ઞાન મેળવવાની જરૂર છે, ત્યારે તમને સમજાશે કે તમારા સાથીને સંતોષ આપવા માટે શિશ્નની લંબાઈની જરૂર નથી. મહિલાઓમાં ક્લિટરિસ પુરુષોના પેનિસ બરાબર હોય છે અને તે તેમને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં સક્ષમ છે. તેથી આવી ચિંતા કરવાની જરૂર નથી.સમસ્યા : અમે પતિ-પત્ની અમારા જાતીય જીવનથી બહુ ખુશ છીએ. ઘણી વાર અમે દિવસમાં બેથી ત્રણ વાર ઈન્ટરકોર્સ કરીએ છીએ. તો શું એનાથી કોઈ બીમારી થાય?સમાધાન : ના, એમાં કોઈ જ તકલીફ ન થાય. તમારા બંનેની ઈચ્છા હોય અને તમને એમાં આનંદ આવતો હોય તો તમે એન્જોય કરી શકો છો. હા, એકને ઈચ્છા હોય અને બીજાને ન હોય તો એ સંતોષ ન આપી શકે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:48 am

મનદુરસ્તી:વ્યગ્રતા અને ઉગ્રતાની ભેળસેળ જેવું વ્યક્તિત્વ કેવું હોય?

‘ડૉ ક્ટર, સોહમ સાથે મારા લગ્નને વીસ વર્ષ પૂરાં થશે. અમારાં લવ-મેરેજ છે. મને શરૂઆતમાં એવું હતું કે સોહમ ખૂબ શાંત અને મેચ્યોર્ડ છે. આટલું સરસ ભણીને કૉમ્પ્યુટર એન્જિનિયર થયેલો સોહમ મને સરસ સમજી શકશે અને અમારું જીવન મજાનું જશે એમ વિચારીને અમે જ બાળકો પેદા કર્યાં નથી. અમે બંનેએ એવું નક્કી કર્યું હતું કે આ દુનિયામાં આટલા બધાં લોકો છે જ. એમાં આપણે ક્યાં એક નવા જીવને જન્મ આપીને પ્રોબ્લેમમાં વધારો કરવો. પણ, હવે આટલાં વર્ષોના અંતે મને લાગે છે કે સોહમનો એ નિર્ણય પરિપક્વતાને લીધે નહીં પણ કોઈક વિચિત્રતાને લીધે હતો. સાચું કહું તો એ ખાસ કોઈની જોડે બોલે નહીં. દરેક કામ ટાળ્યાં કરે, સખત જીદ્દી છે. એની બધી બાબતમાં ‘ના’ જ હોય. મને તો નવાઈ લાગે છે એ એનું કામ કેવી રીતે કરતો હશે! દરેક બાબતનો અફસોસ જ કર્યા કરતો હોય. એના મોંઢામાંથી ગાળ તો સહજ રીતે નીકળી જાય. એને કોઈ ગમે જ નહીં. મને તો લાગે છે કે હું પણ એના માટે હવે બર્ડન જ છું. માત્ર સેક્સની જરૂર માટે નજીક આવે છે, બાકી આમારા વચ્ચે હૂંફ અને પ્રેમનું તો બાષ્પીભવન થઈ ચૂક્યું છે. કોણ જાણે કેમ એને બધા માટે જાણે કોઈક ને કોઈક ફરિયાદ હોય છે જ. એને કોઈનામાં કંઈ સારું દેખાતું જ નથી. આખી દુનિયા એની દુશ્મન હોય એવું વર્તન કરે છે. ડૉક્ટર, આનું કંઈક કરો. મને એમ થાય છે કે એને સુધારો તો સૌથી વધુ એના મનને જ શાંતિ મળશે.’ સ્વાતિએ ઊંડી ચિંતા જણાવી.સોહમને જે સમસ્યા છે તે વ્યક્તિત્વ વિકૃતિ છે, જેનું નામ ‘નેગેટિવિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર’ અથવા ‘પૅસિવ-અગ્રેસિવ પર્સનાલિટી ડિસઓર્ડર’ કહી શકાય. આ વિકૃતિમાં વ્યક્તિ પોતાને સોંપાયેલા કે જરૂરી કરવાનાં કામ ટાળ્યાં કરે છે. પોતાની જવાબદારીમાંથી છટકવા માટેના આક્રોશસભર કારણો રજૂ કરે છે. બહાનાબાજી આ લોકોનું હાથવગું સાધન હોય છે. પોતાની સૌથી નજીકના લોકોની ભૂલો શોધ્યા કરે અને એમને પોતાની દરેક નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવે છે. છતાં પણ આવા નજીકના લોકો સાથે સંબંધો તોડી શકે નહીં. આવા લોકોમાં આગળ આવીને નવાં કામ કરવાની સાહસિકતાનો અભાવ જોવા મળે છે. પોતાની માનસિક કે શારીરિક જરૂરિયાતો વિશે ખુલીને કહે નહીં પણ પરોક્ષ રીતે એ વિશે બોલ્યા કરે છે. વ્યગ્રતા અને ઉગ્રતાની ભેળસેળ જેવું આ વ્યક્તિત્વ અંદરથી બહુ પીડાતું હોય છે.વ્યક્તિગત સંબંધોમાં ઘણી પ્રકારે મેનિપ્યુલેશન અથવા કાવા-દાવા કરે છે. પોતાની જવાબદારી પૂરી કરવાની વાત ન કરે પણ બીજાઓ પાસે તે અપેક્ષા ભરપૂર રાખે. પોતાના જીવનના ધ્યેયો મોટા-મોટા હોય પણ એ માટે પૂરતી મહેનત કરવાની તૈયારી ના હોય. આત્મવિશ્વાસનો સદંતર અભાવ અને ભવિષ્ય વિશે ઘેરી નિરાશા એમના વર્તનમાં સ્પષ્ટપણે જોવા મળે.સોહમના બાળપણમાં એની મમ્મી સાથેના સંબંધો ખૂબ વણસેલા હતા. મમ્મીનો એણે ખૂબ માર ખાધો હતો, પણ પોતાની વાત એના પપ્પા સમક્ષ રજૂ કરે તો એ સોહમને ઈગ્નોર કરે, ક્યારેક વધારે માર ખાવાનો પણ વખત આવતો. કાયમ ગુસ્સો અને વેરવૃત્તિ અચેતન મનમાં દમિત થયેલાં. માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, ગુસ્સો, બદલો લેવાની ભાવના અને પસ્તાવો... આ બધાંનું ઝેરી મિશ્રણ એના સ્વસ્થ ઉછેરને ઓગાળી ગયું. માતા-પિતા અથવા ઓથોરિટી જ્યારે દુશ્મન લાગવા લાગે ત્યારે ભવિષ્યમાં એ વ્યક્તિને ઘણીવાર આખી દુનિયા દુશ્મન જેવી દેખાય.સોહમ જેવા દર્દીઓની સારવારમાં સપોર્ટિવ સાયકોથેરાપી ખૂબ સારા પરિણામ આપે છે. પર્સનાલિટી ડિસઓર્ડરની સારવાર લાંબી ચાલે છે. ઘણીવાર ચિકિત્સક પ્રત્યે પણ આવા દર્દીઓ પોતાની પરાધીનતા અને આક્રમકતાનું આરોપણ કરી દેતા હોય છે. પરિવારના સદસ્યોનો સાથ હોય તો ફાયદો થાય છે. સ્વાતિ આ સમગ્ર કિસ્સો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજી. એ હવે વધુ તટસ્થ અને બિનશરતી રીતે સોહમની નજીક આવી. સાયકોથેરાપી દ્વારા દર્દીના વિચારો અને વર્તનને તર્કયુક્ત હૂંફ સાથે બદલી શકાય છે. પોતાની નજીકના સંતુલિત વ્યક્તિને સાચી સમસ્યા વિશે વાત કરવી જ જોઈએ. અને કોઈપણ સંજોગોમાં મનોવૈજ્ઞાનિક મદદથી શરમાવું ન જોઈએ. નિયમિત કસરત અને યોગને લીધે પણ બિનજરૂરી દબાયેલા ગુસ્સાને હળવો કરી શકાય છે. દરેક લાગણીઓને યોગ્ય રીતે અભિવ્યક્ત કરતા શીખવું એ જીવનની એક મહત્ત્વની ઉપલબ્ધિ છે. વિનિંગ સ્ટ્રોકજ્યારે બધાં જ ખોટા લાગતા હોય ત્યારે પોતાની ખોટ વિશે શાંતિથી વિચારવું જોઇએ.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:47 am

ગ્રામોત્થાન:ઊંચી કર્મ ભાવનાનું ફળ ‘પંગુ લંઘયતે ગિરીમ્’

બી જાને મદદરૂપ થવાનો જ્યારે તમારો વિચાર અને કર્મ ભાવના ઊંચી હોય ત્યારે તમે ઘણું બધું જાતે કરી શકો છો. તેના માટે શુદ્ધ ભાવના અને તનતોડ મહેનત સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. કોઇની વેદના જ્યારે તમને સગે કાને સંભળાય અને સગી આંખે દેખાય ત્યારે તમે તેના માટે કંઈ કરી છૂટો એ તમારો પોતાનો માનવધર્મ છે, જેમાં કોઈનો ભાગ નથી. કચ્છ ધણીયાણી દેશદેવી આઈ આશાપુરાના જ્યાં સદૈવ બેસણાં છે, એવી પવિત્ર ભૂમિ માતાના મઢ ખાતે જન્મેલા આમદભાઈને નાનપણથી જ પોલિયો, લકવાએ અને પછીથી અકસ્માતનો ભોગ બનતા બંને પગે ચાલી શકવાની ક્ષમતા જીવનભર ગુમાવી દીધી. જ્યારે પોતાને મદદની જરૂર હોય ત્યારે જે બીજાને મદદ કરવાની પ્રબળ ઇચ્છા સાથે કામ કરે ઈ આમદભાઇ ઉમરભાઈ નોતિયાર. ધોરણ-૧૦ પાસ અને ૧૨ નાપાસનો અભ્યાસ પણ કોઠાસૂઝ અને શીખવાની તમન્નાએ આશાપુરા માઈન્સ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સર્વિસ પાત્ર બન્યા. હું પોતે દિવ્યાંગ છું, મને મારી પીડાની ખબર છે, પણ આ લખપત તાલુકામાં બીજાં ઘણાં મારાં ભાઈ-બહેન દિવ્યાંગ છે. તેમની પીડાનો કોઈ પાર નથી. આ કામ કરવાની મારી નૈતિક જવાબદારી છે. જે સોંપાયેલી જવાબદારી કરતાં નૈતિક જવાબદારી સ્વીકારે તે વ્યક્તિ કોઈ દિવસ તે કામ માટે થાકતી નથી. નોકરીના સમય બાદ તેમણે દિવ્યાંગો માટે કામ ચાલુ કર્યું. દરેક ગામનો સંપર્ક કરી દિવ્યાંગોની જરૂરિયાત જાણી. તે દિવ્યાંગો માટે એસ.ટી. પાસ, રેલ્વે પાસ, મેડિકલ સર્ટિ., કૃત્રિમ હાથ-પગ, વ્હીલચેર, ટ્રાઈસિકલ, કાંખઘોડી, રાસનકીટ, કરિયાણાની દુકાન, સિલાઈ મશીન, પંચરનું કેબિન, વાયરમેન, તેનાથી થઈ શકે તેવી નોકરી… જેવી જરૂરિયાત અને આવડત પ્રમાણે જે વિસ્તારમાં તેમને કામ મળી રહે તેવી જરૂરિયાતો પૂરી કરીને આજે છેલ્લાં ચાર વર્ષમાં એક દિવ્યાંગે બીજા ૩૦૦થી વધારે દિવ્યાંગોની જિંદગીમાં પ્રાણ પૂરવાનું કામ પોતાના મિત્રો, સરકારી યોજના, વિવિધ કંપનીઓ, દાતાઓ, સરકારી એજેન્સીઓ વગેરેના સહકારથી પાર પાડ્યું. આમદભાઈ કહે છે કે આ કામ માટે ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, સમાજ સુરક્ષા કચેરી જિલ્લાની અને રાજ્યની તેના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો પૂરતો સાથ મળ્યો છે. બધાએ દિવ્યાંગોની સંવેદનાને સમજી છે ત્યારે જ આ કામ શક્ય બન્યું. દિવ્યાંગોનાં અટકેલાં કામ જેવાં કે જમીન, મકાન, પેન્શન, મેડિકલ સર્ટિ. માટે સ્પેશ્યલ કોર્ટ દ્વારા સ્થળ પર જ ૫૦ જેટલાં દિવ્યાંગોને ન્યાય અપાવેલ. આવાં કામોનું રૂપિયામાં મૂલ્ય ગણીએ તો એક કરોડથી વધારે મદદ આમદભાઇ થકી દિવ્યાંગો સુધી પહોચી. તેમાં ૨૦,૦૦,૦૦૦/ રૂપિયાની જુદી જુદી કંપનીઓ દ્વારા મદદ મળી. દિવ્યાંગોનાં લગ્ન અને જીવનસાથી પસંદગી મેળા પણ કરે છે. અદાણી જૂથ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓમાં ૫૦ જેટલાં દિવ્યાંગોને કાયમી રોજગારી માટે તક અપાવવાનું શ્રેય પણ આમદભાઇને ફાળે જાય છે. તેમની હવે એક જ તમન્ના છે કે મેં મારા લખપત અને અબડાસા તાલુકાનાં તમામ દિવ્યાંગો માટે જે કામ થઈ શકે તે કરીને તેઓ આત્મનિર્ભર બને તે માટે થોડું કર્યું છે, ઘણું કરવાનું બાકી છે. જે માનસિક દિવ્યાંગ હોય અને કંઈ કરી શકે તેવા નથી તે ભૂખ્યાં ન રહે તે માટે રાસનકીટ આપવી. કોઈના હકનું અપાવી શકીએ એ માટે તેમણે ‘દિવ્યાંગ સપોર્ટ સેન્ટર’ શરૂ કર્યું. પોતાના પગ ન હોવા છતાં બીજાને પગભર કરવાનો ભરપૂર પરિણામલક્ષી પ્રયાસ કે જે કોઈ પાસે દિવ્યાંગનું કામ લઈને જાય તો ખાલી હાથે પાછા નથી ફરતા.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:44 am

દ્રષ્ટિકોણ:સ્વર્ગમાં બનતી જોડીના સંબંધ કેમ ન રહે અકબંધ?

કેતન લોડાયા સ્વર્ગમાં બનતી જોડીના સંબંધ,એવું તો શું થયું છે આજકાલ, કે રહેતા નથી અંકબંધ.વડીલો કહે છે કે લગ્ન એ ઢીંગલા-ઢીંગલીની રમત નથી. આ જોડી ભગવાન સ્વર્ગથી બનાવે છે અને એક જમાનામાં ઘોડિયા લગ્ન કે એકબીજાને જોયા વગર લગ્ન માતા-પિતાએ શોધી આપેલ પાત્ર સાથે થતાં તો એ સંબંધોમાં પણ મીઠાસ જળવાઈ રહેતી હતી, પણ હવે તો એકબીજાએ પોતાનાં પસંદગીના પાત્ર સાથે સમય વિતાવ્યાં પછી લગન કરે છે તો પણ લગ્નજીવન કેમ ટકતું નથી?સોશિયલ મીડિયા એકમાત્ર કારણ નથીલગ્ન પછી સોશિયલ મીડિયાના બન્નેનાં અલગ અલગ મિત્રવર્તુળ હોય છે, પણ કેમ પતિ કે પત્ની ક્યારેય એકબીજાને મિત્રો બનાવી શકતા નથી અને પોતાની પર્સનલ વાતો સોશિયલ મીડિયા ઉપર બનેલા અજાણ્યા મિત્રો સાથે વ્યક્ત કરે છે? પતિ-પત્ની એ એક રથનાં બે પૈડાં છે તો કેમ આજે બંને પોતાના મોબાઈલમાં લોક રાખવા પડે છે એ વિચાર માત્ર સંબંધોમાં ધ્રુજારી અપાવી દે છે. હવે તો એકની એક દીકરી હોવાના કારણે વાલીઓ વધુ પડતું એના જીવનમાં દખલ કરતા હોય છે અથવા તો ઉછેર જ એવો કરે છે કે બંને એડજસ્ટ થતાં જ નથી. અને ક્યારેક તો એટલી સ્વતંત્રતા જોઈએ છે કે એકબીજા પ્રત્યેની ફરજ અને જવાબદારી પણ લેવા તૈયાર થતાં નથી. આવનારી પેઢી લગ્નને શું સમજશે?મતભેદ બધા સંબંધમાં હોય પણ મનભેદ ના હોવા જોઈએ. લગ્નજીવનને મજાક કે બંધન સમજીને આવનારા સમયમાં લગ્નની સલાહ આપવાનું બંધ કરીને લોકો કદાચ પશ્ચિમી સંસ્કૃતિની જેમ મૈત્રી કરાર જ કરશે. હવે તો આ સંબંધો સુધારવા માટે સેમિનાર ને કાઉન્સેલિંગ પણ થવા લાગ્યાં છે. હવે તો સિંગલ પેરેન્ટિંગનો ચીલો ચીતરાયો છે પણ સાથે રહીને જૂની વાતો અવગણતા નથી આવડતું. કોની ભૂલ એ શોધવા કરતાં માત્ર ભૂલ સુધારોકોઈ સંબંધ પરફેક્ટ નથી હોતા આ તો અલગ સ્વભાવ અને અલગ વાતાવરણથી આવેલાં બે વ્યક્તિઓએ પોતાના વિચાર અને સંબંધમાં બંનેએ આપેલાં વચનો સાથે આગળ વધવું જોઈએ. એક હાથે તાળી ના વાગે એ સમજી કોની ભૂલ છે એ શોધવામાં સમય વેડફ્યા વગર અને ખોટા વહેમ રાખ્યા કરતાં આગળ હવે સારું થાય એ પહેલ કરીને ભટકી ગયેલા સંબંધ બચાવવા માટે થતા તમામ પ્રયત્નો કરવા જોઈએ. એકબીજા પ્રત્યે વિશ્વાસ અને ઉતારચડાવમાં સાથ આપતા રહેવું જોઈએ ત્યારે જ આ સંબંધનું મહત્ત્વ સમજાશે. જે પણ સંજોગ હોય સાત જન્મની વાત કરવાવાળા એક જન્મ પણ સાથ નથી આપતા, એ પણ નથી ખબર કે પાછલા જન્મમાં કોણ શું હતું ને આગલા જન્મમાં કોણ શું હશે કે આગલો જન્મ હોય પણ છે ખરો? સાથે મરવાની કોઈ ગેરન્ટી નથી પણ સાથે જીવવું એ તમારા હાથમાં છે તો આ જીવનને જીવી લો, બીજા જન્મની જરૂર જ ક્યાં છે? એકબીજાને વફાદાર રહેવા માટે એકબીજાને પ્રેમ-સમય અને આત્મસન્માન આપશો તો આ મંદ પડી ગયેલી ગાડી ફરી પાટા ઉપર ચડીને બુલેટ ટ્રેન જેવી દોડવા લાગશે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:43 am

મિઠડ઼ી કચ્છી:અખીયેં સૉંણાં આંઞે નેં જાગંધલ સબધકાર

વિ ષ્ણુ ગોર ભુજમેં રૅંતા. નિંઢે ગભૂર જૅડ઼ા ગુલાભી ચપ ઇંનજે નિમરે જીંયણજી સુઞાંણ ડીયૅંતા. હેજાર સુભાવ, સની નજર,ચુટી સચી વાણી.કવિતા નેં વાર્તા બૉંઇંતૅં હથ ખાસો વિઠેલો ઇતરે ક અર્જુન વારેજીં ત્રાંકડ઼ીમેં બ પગ રખીનેં ઉભી સગે ઍડ઼ો ચાંવતીલો,જાગંધો ખિલુકડ઼ો મિઠડ઼ો માડૂ.સુર નેં સબધજા માઇતર ભુજમેં ઘાટોઘાટો રોજ હિકડ઼ો સાહિત્ય તીં સંસ્કૃતિજો અવસર વે જ.ડાખૉક સંસ્થાએંમેં ચૂંઢ સબધસેવી નેં સુરસાધકેંજો મેડ઼ાવો નેં સુણધલ પ મિડ઼ે સજણ,બુજણ નેં સાલખ.મુરકૅં વિઠા.મિલૅં વિઠા.આંકીડ઼ા ભીડ઼ે નેં ભેરા હલૅં.લગે પ ન લિખ પ નૉલાઇ.હી લિખંધલ જુતા ખુતા બ વરે ભુજ નેં બ વરે માધાપરમેં કઢૅં નેં હૅવર અંજાર રૅ તો.પ ઘર,અંઙણ- ઑસરી વારેજીં મેડ઼ાવેંજી કર વસ લગી પિઇ આય.હિકડ઼ો કાવસંગ્રહ ગુજરાતીમેં પ્રિગટ થઈ વ્યો આય’ અંતર એક વૅંતનું’ નેં કચ્છી વાર્તાસંગ્રહ નિપટ ટિપટિપી રેયો આય.વિષ્ણુજી માબોલી પાંજી મૂર કચ્છી ક જૅંમેં સંવૃત્ત નેં વિવૃત્ત ઉચ્ચાર તીં ઞ,ઙ જૅડ઼ા વ્યંજન પ અચૅંતા.ભલો કરે ભગવાન ભા ગૌતમ જોશીજો જુકો વિષ્ણુકે મુંજો નાલો વાવડ઼ૅં નેં લમી ધૉડ઼જો જાતવાન ઘોડ઼ો નામી ગદ્ય પદ્યકાર વિષ્ણુજી મુંકે સુંઞાંણ થઈ.ગઝલ જ સચી કવિતા ચૉવાજે ભાકીં ગજર મુરી- ઍડ઼ો ચૉંણ હરહીલે નાંય પ જ ગઝલજે પટ ડીયાં ફેરો વે ત છંધ કીં ગાંઙણીજી સજી પાડ઼ કઢે જિતરો ઑખો નાંય.પ જૅંજી જૅડ઼ી મસ્તી નેં મૉજ.ત હી રઇ વિષ્ણુજી ઈ રચના.વિષ્ણુજો જનમ 2-9-99 મેં ગોઠ નાગલપર,તા.મડઈ નેં મેનેજમેન્ટમેં ગ્રેજ્યુએશન કેયલ હી હૅવર ખાસો વાંચન પ ધિલસૅં કરીયૅંતા સે રાજીપેજી ગાલ આય.સુકાયેલ પને (પર્ણ) કે પ ખિરણૂં પૅ સાંજી તઇં,ને ચંદન કે પ ઘસાયણૂં પૅ સુગંધ તઇં ફોરમજા ભંધ ડબલા વિકાજેં ભજારેંમેં,રૂમાલ નક તે આડો ડીનું પે ગંધ તઇં મસ્કરીજી ગાલીયેંમેં ધિલાસા ન હુવેં પિંઢમેંઈતાં આઉં લાગણી વરસાઇયાં અનહદ તઇંવિષય તોજો ને મુંજો હિકડ઼ો જ હુવો,ખાલી આઉં સબદ ભેર્યા અઈં નિબંધ તઇંવિશ્વાસ મોતનું ધિરજેતી ધુનીયા પ આઉં ન,મુજો હિ ધિલ ધબકેતો પાંજે હિન સબંધ તઇં - વિષ્ણુ ગોરહી અનુવાધ મૂર તાં કચ્છી ભાસા ગુજરાતી ભાષા કનાં કિતે,કિતરી અલગ પૅ તી સે વતાયજી પ જૉમથ પાં કરીયૂંતા નેં રચનાકારજી રચનાકે ગુજરાતી જાણંધલ પ માણી સગૅં સે પ ઇરાધો હલ્યો અચેતો.નેં સર્જન નેં અનુવાધ હિકડ઼ી જ માજી કુખમ્યાં જનમ ગિનૅંતા સે પ સાલખૅં તઇં પુજાયજી રસનયજી હિકડ઼ી વીચારધારા મિણીં ભાસાઍંમેં આય ત ઇંનમેં બરુકી બાબાંણી કુલાય પુઠીયા રૅ? સે પ સોસ તાં ખરો જ.સુકાયેલાં પર્ણને ખરવું પડેે છે સંધ્યા સુધી,ને ચંદનને પણ ઘસાવું પડે છે સુગંધ સુધી,ફોરમના બંધ ડબ્બા વેચાય બજારમાં,રુમાલ નાક પર આડો દેવો પડે ગંધ સુધી,મશ્કરીની વાતોમાં દિલાસા ન હોય પોતીકાં વચ્ચે, એ તો હું લાગણી વરસાવું અનહદ સુધી, વિષય તારો ને મારો એક જ હતો, મેં ફક્ત શબ્દો મેળવ્યા નિબંધ સુધી, વિશ્વાસ મોતથી ડરે છે દુનિયા પરંતુ હું નહીં, મારું આ દિલ ધબકે છે આપણા સંબંધ સુધી.હિતે કચ્છી મહાપ્રાણ વ્યંજનો ગુજરાતી અલ્પપ્રાણના સ્થાને બોલાય છે, જેમકે ‘ દિલાસા’ નું ‘ધિલાસા’,’દિલ’નું ‘ધિલ’, ગુજરાતી ‘શ’નું ‘સ’ વગેરે પરિવર્તનો કચ્છી ઉચ્ચારોનો પરિચય કરાવે છે. કચ્છી સાહિત્યના બિન કચ્છી અનુવાદોમાં આ બાબત જોવા મળે છે. હૅડ઼ા નીયમ કચ્છીજો સુરુપ સમજાઇયૅંતા- હિંન મુદ્ધે મથે પનરૉક ડીં મૉંધ સાલખેંજી લાટ ગાલબોલ ‘અભિયાન’ મેં થઈ હુઈ સે બુજણ વાકૂફ ઐં. જૅંકે જીં ભાસે તીં લિખૅંતા પ વિદ્યાપીઠજે’ સાર્થ જોડણીકોશ’ લાય માતમા ગાંધી ભાંઠો વજાયનેં ચ્યૉં ક’ અજ઼ પુઆ કૅંકે પિંઢજી રીતૅં જોડણી કરેજો અધિકાર નાંય’ નેં ઇંન જોડણીકોશ પિરમાંણેં હરકોય કવિ લેખકકે કન જલી હલણું પૅતો.હૅડ઼ો નીમ વિદ્યાપીઠ નાલે પુંજલડાડાજે અખાડ઼ેજી લઠ ઠોકાયનેં ચેમેં અચે- તૅંજી હરકોય વાટ નૅરેતો.વિષ્ણુજી કવિતામેં બ પ્રેમી કોક નીરે જાડ઼જી છાંઈમેં વિઠા ઐં નેં મૉભતજો પન સુસે નેં છણે તૅનું મૉંધ નીરપ માણેજી હકલ લાય સુગંધ લાય ઘસી વૅંધલ ચંધનજો ડાખલો બરુકો આય. લાગણી ધિલાસો ભનેતી.બૉંઈંજે હિકડ઼ે વિસયમેં સબધ ભેરે ભનાયલ નિબંધ જ જિંધગી આય.બૉંઈંજો ધિલ મૉભત લાય ધબકેતો ઍડ઼ે અરથજી હિંન કવિતામેં કવિ રુપક અલંકાર ખાસા ગિડ઼ૉંનોં ત વિશ્વાસજે મૉતજો ધ્રા...પ્રેમજી સંજીવનીજો સા આય.હી કલ્પન ભારી ઠા વારો આય.ત મનભરે હી રચના ડીંધલ વિષ્ણુ ગૉર કે ખિલી ખીંકારીયૂં.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:43 am

અઢીઅખરું કચ્છ:ડ્રગ્સનો આંતરરાષ્ટ્રીય રૂટ કચ્છથી જ યુરોપ અને અમેરિકા તરફ જાય છે

નવીન જોષી એ ક સમય હતો જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા ન્હોતા પડ્યા. દેશ આઝાદ ન્હોતો થયો ત્યારે વખતોવખત સિંધથી ધાડપાડુ-લુંટારા કચ્છમાં ઉતરતા અને આતંક મચાવી ભાગી જતા, કચ્છના ઇતિહાસમાં એવાં અનેક પ્રકરણો પૂરાયેલાં છે, જેમાં કચ્છનું શૌર્ય-બહાદુરી ઝળક્યાં હોય. પછી આઝાદી મળી અને સિંધ પાકિસ્તાનમાં જતા કચ્છથી જમીન માર્ગે જોડાયેલું હોવા છતાં અલગ પડ્યું અને ધીમે ધીમે દાણચોરોનો એક ગુનાહિત યુગ શરૂ થયો, જે આગળ વધીને આર.ડી.એક્સ તથા એ. કે. 47 જેવાં શસ્ત્રો અને ઘૂસણખોરો સુધી પહોંચ્યો પછી એકાએક એ પણ કાયદાતળે દબાયું અને જાણે સ્પ્રિંગ દબાઇ હોય તેમ હવે ડ્રગ્સ રૂપી કાળાનાગે માથું ઊંચક્યું છે. ભૂકંપ બાદ ઉછરેલી પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે ડ્રગ્સ પહેલાંના અનેક કાળા કારોબારના કચ્છને ડાઘ લાગેલા છે અને નશીલા પદાર્થોની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય ગેરકાયદે રૂટ પર કચ્છ ઊભું છે. જ્યાં વેપાર-ધંધા-કારોબાર વિકસ્યા હોય ત્યાં દાણચોરી દેખાય અર્થાત કચ્છ અને કચ્છીઓની હિંમત-સાહસ થકી દેશ-દેશાવરમાં ધંધા વિકસ્યા તેથી કચ્છનો દાણચોરી સાથેનો સંબંધ પણ દરિયાદેવ જેટલો જ નિકટનો રહ્યો છે. આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પણ કચ્છ સરહદ સોના-ચાંદી-ઘડિયાળની દાણચોરી માટે સ્વર્ગ સમાન હતી. કચ્છીઓ દરિયાખેડૂ તો સદીઓથી છે જ પણ સાત સમુદ્ર પાર કરનારાઓ પૈકીની કોઇ પેઢીને સ્વાર્થ અને લાલચ લાગતા તેઓ માદરે વતન સાથે ગદ્ધારી કરતા અચકાતા નથી તેના પણ દાખલા મૌજૂદ છે.એક વાત એવી પણ ચર્ચાય છે કે, જ્યારે 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે દેશભરની જેલોમાં કેદીઓ વધી જતા કુખ્યાત ગુનેગારોને અભેદ-સુરક્ષિત મનાતી ભુજની ખાસ જેલમાં મૂકવામાં આવ્યા. અહીં જેલમાં ‘સોબત તેવી અસર’ વર્તાઇ અને કચ્છના કેટલાક કુખ્યાત ગુનેગારો અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવતા કચ્છની સરહદેથી દાણચોરીના દ્વાર ખૂલ્યા. જે કડક પોલીસ અધિકારી કુલદીપ શર્મા તથા એવા અનેક જણ જેમના નામોથી પણ કચ્છ વાકેફ નથી એ સૌએ દાણચોરોને જેર કર્યા પણ જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રૂટ તૈયાર થઇ ગયો એ હજુ બંધ નથી થયો બલ્કે હાઇવે બની ગયો છે.કચ્છની સરહદો-દાણચોરી અને જાકુબીના ધંધા પર અનેક પ્રકરણ લખનારા પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીએ નોંધ્યું છે કે, જે તે વખતે આ ગુનેગારોનું આપસમાં મિલન થયું ત્યારે કચ્છનો વિશાળ દરિયાકિનારો, તેની નિર્જનતા અને પોલીસ સહિતના જવાબદાર તંત્રોની ઢીલાશ થકી નાના-મોટા દાણચોરોને મોકળું મેદાન મળ્યું અને આંતરરાષ્ટ્રીય દાણચોરો માટે કચ્છની નધણિયાતી સરહદ ‘બારુ બની ગઇ’. દરમિયાન 1971ના પાકિસ્તાન સામે કચ્છ સરહદે યુદ્ધ ખેલાયું અને હારેલા ઘાયલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ ભારત સામે પ્રોક્ષી યુદ્ધ આરંભ્યું અને ચરસ, ગાંજો, હેરોઇન રણ વાટે ભારતમાં ઠાલવી પછી યુરોપ-અમેરિકા ભણી ધકેલી ખાસ્સો એવો નફો લેભાગુઓ લેવા મંડ્યા. 1980ના દાયકામાં ડ્રગ્સનો જે રૂટ પ્રસ્થાપિત થયો એ જ હાલ કાર્યાન્વિત હોય તેવું દરિયામાંથી કરોડોના હિસાબે તણાઇને આવતા ચરસના પેકેટ પરથી સમજી શકાય છે. હાલ ડ્રગ્સની જે સમસ્યાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી છે એ દરિયાકાંઠાથી જ શરૂ થાય છે. કચ્છનો દરિયાકિનારો 406 કિ.મી. લાંબો છે, પશ્ચિમે અરબી સાગર અને દક્ષિણે કચ્છનો અખાત છે, કચ્છનો દરિયો મોટા ભાગે સીધા ઢાળવાળો હોવાથી મધદરિયે પેકેટ નાખવામાં આવે તો મોટા ભાગના તણાઇને કાંઠા પર આવી જાય છે. કચ્છના દરિયાકિનારાને કોરીનાળથી પશ્ચિમના છેડા સુધી, કોટેશ્વરથી જખૌ સુધી, જખૌથી માંડવી સુધી અને માંડવીથી કંડલા બંદર સુધી ચાર ભાગમાં વિતરિત કરી શકાય. પશ્ચિમમાં છેક છેડે સિંધુ નદીનું મુખ એટલે ‘કોરીનાળ’ આ નદી ગુજરાતમાં લુપ્ત છે, આ કોરીનાળથી પશ્ચિમ દિશામાં ઉપર તરફ કાદવ-કીચડવાળો ભૂ ભાગ છે, જે ‘સિરક્રીક’ કહેવાય છે.કચ્છ મુલક અન્ય કોઇની તુલનાએ અસામાન્ય અને એટલે જ ‘અઢી અખરા મૂલક’ તરીકે જાણીતો છે. અહીં દેશ-દુનિયામાં અઠંગ ગુનેગારોના પદચિહ્ન મળે કે પકડાય છે સાથો સાથ રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત લગભગ તમામે તમામ એજન્સીઓના રાષ્ટ્રપ્રેમી નરબંકાઓ પણ સાવ સામાન્ય માનવીની જેમ હરે ફરે છે. પોલીસ અને બી. એસ. એફ.ની કામગીરી અહીં નિર્ણાયક છે તો સરહદે ફેન્સિંગ બાદ પણ દરિયાવાટે નાપાક ગતિવિધિઓ અટકી નથી એ ડ્રગ્સનાં એક એક પકડાતા પેકેટ સાથે સાબિત થાય છે. અહીં પગ પારખનારા પગી છે તો દુશ્મનને આશરો દેનારા પણ છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ફટાકડા ફૂટવાના બંધ થયા છે. આમ તો પોલીસે કચ્છના દરિયાઇ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ પણ લાદ્યો છે, જેથી તણાઇને આવતા ડ્રગ્સનાં પેકેટ માટે કોઇ ત્યાં જાય નહીં પરંતુ આટઆટલા જાપ્તા વચ્ચે પણ ડ્રગ્સ ટ્રક વાટે જિલ્લા બહાર પગ કરી જાય અને પછી પકડાય એવું પણ બન્યું છે. જિલ્લાની સરહદો પર જ્યાં સુધી સક્ષમ-સબળ વસવાટ નહીં હોય ત્યાં સુધી આવી ઉપાધીઓનો સામનો આપણે અને રાષ્ટ્રએ કરવો જ પડશે અને તેથી જ કહેવાય છે કે, સરહદનો નાગરિક પણ બબ્બે આંખ-કાન વધારાના રાખે તો જ રહી શકે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 7:42 am

માઈક્રોફિક્શન:લાગણીનું વહેણ

કિશોર આર. ટંડેલ અજય-આરતીનો પુત્ર આરવ ખંતથી અભ્યાસ કરે, પણ પરીક્ષાના દિવસે તેને ગભરામણ થતી. માતા દહીં-ખાંડનો પ્રસાદ ચખાડે અને પિતા આશીર્વાદ સાથે વિશ્વાસ આપીને કહે, ‘મારો દીકરો અભ્યાસમાં સૌથી આગળ.’ પુત્ર હંમેશાં ધારેલી સફળતા મેળવતો. આજે તેનું વર્ગ-1ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, ઝળહળતી સફળતા જોતાં માતા-પુત્રની આંખમાં અશ્રુધારા વહેવા લાગી. લાગણીનું આ વહેણ જોવા અને ‘જેવું બોલો તેવું થાય’ એમ કહેવા પિતા હાજર નહોતા.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:21 am

ગતકડું:પત્નીને ગિફ્ટ આપીને તેને રાજી કરી શકો છો ખરા?

ડૉ. પ્રકાશ દવે અ જાણ્યાને લિફ્ટ અને જાણીતાને ગિફ્ટ આપવામાં બહુ કાળજી રાખવી પડે! ગિફ્ટ આપવી બધાને ગમે છે અને ગિફ્ટ લેવી પણ બધાને ગમે છે. જન્મદિવસ, લગ્ન દિવસ સહિતના અનેક પ્રસંગો એવા આવે છે કે જ્યારે ગિફ્ટ આપી શકાય છે. માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પત્ની, મિત્ર એમ ગિફ્ટ ગમે એને આપી શકાય છે. અહીં પ્રશ્ન ગિફ્ટનો નહિ પણ એ ગિફ્ટ કઈ રીતે આપવી એનો છે. મતલબ કે ગિફ્ટ આપતી વખતે ગમે એવો ગિફ્ટનો દેનારો કે દેનારી ગેંગેફેંફે થઈ જાય છે. ગિફ્ટની ખરીદી કરીએ ત્યારે દુકાનદાર એ ગિફ્ટ કઈ રીતે આપવી એનું માર્ગદર્શન આપતો નથી.કોઈને ગિફ્ટ આપવાનું નક્કી કરો એટલે ગિફ્ટમાં શું આપવું એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. જોકે ગિફ્ટની પસંદગી વિશે કોઈનો અભિપ્રાય લઇ શકાય છે અથવા તો ગિફ્ટ ખરીદવા કોઈને સાથે પણ લઈ જઈ શકાય છે, પણ ગિફ્ટ આપતી વખતે કોઈને સાથે લઈ જઈ શકાતા નથી કે આપણા પ્રતિનિધિ તરીકે કોઈને મોકલી શકાતા નથી એટલે દરેકે ગિફ્ટ આપવાની કળા હસ્તગત કરવી જ પડે.દરેક વ્યક્તિને ગિફ્ટ આપતી વખતે જુદી જુદી બાબતોનું ધ્યાન રાખવું પડે. અહીં આપણે દરેક સંબંધમાં કઈ રીતે ગિફ્ટ આપી શકાય એની વાત ન કરતા માત્ર નમૂના તરીકે પત્નીને પસંદ કરીને ગિફ્ટ આપતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની ચર્ચા કરીએ. અલબત્ત, અહીં પત્ની એ નમૂનો નથી પણ નમૂનાની ચર્ચામાં એક પાત્ર માત્ર છે એ યાદ રાખવું ઘટે!હા, તો તમે પત્ની માટે સરસ મજાના પેકિંગમાં ગિફ્ટ લઇ ઘરમાં દાખલ થાઓ. તમારા હાથમાં પેકિંગ છે અને ગિફ્ટના પૈસા ચૂકવ્યા હોવાથી તમે પોતે પણ પે-કિંગ છો! હવે પછીનું કામ ખૂબ ગંભીરતાથી અને ચીવટપૂર્વક કરવું પડશે. તમે પત્નીને સરપ્રાઇઝ આપતા હો એમ આગળ વધો. ખભાના સાંધાનો દુખાવો ન રહેતો હોય તો બન્ને હાથ પાછળ રાખી પત્નીને હિન્દીમાં કહો: ‘દેખ, મૈં તેરે લિયે ક્યા લાયા હૂં!’ હવે તમે થોડો પોરો ખાઓ અને પત્નીને વિચારવાની તક અને તકલીફ આપો. એ પહેલે ધડાકે ગિફ્ટ ઓળખી બતાવે તો આટલી હોશિયાર પત્ની હોવા બદલ ‘પ્રાઉડ ફીલ’કરો અન્યથા એને બીજી બે-ચાર વસ્તુઓનાં નામ બોલવા દો. એ ગિફ્ટનું ખોટું નામ બોલે ત્યારે ધડ દઈને ના પાડવા કરતાં થોડા નાટકિયા બનો અને સોચો સોચો… અભી ઓર સોચો… એવું હિન્દીમાં બોલો. તમને એમ લાગે કે પત્ની આજીવન નામ બોલ્યા કરશે તો પણ ગિફ્ટ ઓળખી નહિ શકે તો કોશિશ પડતી મૂકો (પત્ની નહિ!). કેમ કે હવે તમારા પાછળ છુપાવેલા બન્ને હાથ બળવો પોકારવાની તૈયારીમાં હશે. આમ છતાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. બજારમાંથી પાંચ કિલો ખાંડ લઈ આવ્યા હો અને આવતાવેંત ‘લે આ ખાંડ’ એમ કહીને પત્નીના હાથમાં ખાંડનું પેકેટ પધરાવી દો છો એવું બિલકુલ કરવાનું નથી, પણ ધીરજ રાખીને બન્ને હાથ આગળ લાવો. ગિફ્ટ આપતી વખતે બેકગ્રાઉન્ડમાં થોડું સંગીત વાગતું હોય તો આખાય કાર્યક્રમની ભવ્યતામાં વધારો થાય. પણ આ માટે તમારે બહારથી ડીજેવાળાને બોલાવવાની જરૂર નથી. તમે પોતે જ ગિફ્ટ આપતી વખતે તમારા મુખારવિંદમાંથી ઢેન ટણણણ.. ઢેન ટણણણ… એવા સુર રેલાવો! જોકે આવું અઘરું બોલતાં ન ફાવે તો ડિંગડોંગ… ડિંગડોંગ.. એવું પ્રમાણમાં સહેલું સંગીત પીરસી શકાય. પત્ની રેપર ખોલતી હોય ત્યારે ઉતાવળા થઈને એના હાથમાંથી બોક્સ આંચકીને તમારે રેપર ખોલવા ન માંડવું. પત્ની ગિફ્ટ હાથમાં લઈને એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશે. તમે પણ એ સમયે પત્નીના હાવભાવનું નિરીક્ષણ કરો. ગિફ્ટ બોક્સ ખોલે તરત જ ગિફ્ટ કેવી લાગી એમ પૂછી લેવાની ઉતાવળ ન કરવી. વળી, ગિફ્ટ તરીકે તમે કાઈ દરિયા કિનારે બંગલો કે હેલિકોપ્ટર તો આપ્યું નથી. એટલે જે કાંઈ આપ્યું છે એનો આંચકો પત્ની પચાવી શકે એટલો સમય એને આપવો. પત્નીને ગિફ્ટ ગમી હશે તો એ કહેશે અને નહિ ગમી હોય તો પણ કહેશે. ધારો કે એને ગિફ્ટ ન ગમી હોય તો પણ તમારે નિરાશ થવાની જરૂર નથી. તમારે પત્નીને હૈયાધારણ આપવાની કે હવે પછી એ આવી ગિફ્ટ નહિ લાવે પણ પત્નીને ગમતી ગિફ્ટ જ લાવશે. એથી પત્ની રાજી થઈ જશે.અગાઉ વાત કરી એમ આપણે ગિફ્ટ અનેક લોકોને આપવાની થતી હોય. દરેક માટે પત્નીવાળી એક જ ફોર્મ્યુલા લાગુ ન પાડી શકાય. જેવી વ્યક્તિ એવી ફોર્મ્યુલા. જેમ કે, પપ્પા માટે ગિફ્ટ લીધી હોય તો બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો આખો કાર્યક્રમ રદ્દ કરી દેવો. કેમ કે પપ્પા પાસે આવું મ્યુઝિક વગાડવા જાશો તો પપ્પા ઇમ્પ્રેસ તો નહિ થાય પણ ગિફ્ટ લેવા પણ ઊભા નહિ રહે. તમે પત્નીને ગિફ્ટ આપવાની આખી પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થયા હશો તો બાકીના કોઈપણ વ્યક્તિને ગિફ્ટ આપવી સરળ લાગશે. આપણો અધિકાર માત્ર ગિફ્ટ આપવા પૂરતો જ છે. સામેની વ્યક્તિને ગિફ્ટ ગમી કે નહિ એ આપણા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. બાકી તો, પોતાને મળેલી શિફ્ટથી કામદારને અને પોતાને મળેલી ગિફ્ટથી ગિફ્ટ લેનારને ક્યારેય સંતોષ હોતો નથી!

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:20 am

નીલે ગગન કે તલે:વચેટ પુત્ર શો દેશ ઈક્વાદોર

ઇ ક્વાદોર, દક્ષિણ અમેરિકાનો વચલા બાળક જેવો દેશ છે જેને કોઈ ન ગણકારે! મોટા ભાઈ બ્રાઝિલ પાસે એમેઝોન અને દિલધડક સામ્બા નૃત્યો છે અને નાની બહેન પેરુ પાસે માચુ પિચ્ચુ અને લેઇક ટિટિકાકાના તરતા તૃણદ્વીપો છે. પરંતુ ઇક્વાદોર? સેન્યોર ઇ સેન્યોરા! ઇક્વાદોરની પાસે બધું જ છે!સૌ પ્રથમ, તેનું નામ વિષુવવૃત્ત યાને જે કાલ્પનિક રેખા જે પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે તે અક્ષાંશ “ઇક્વેટર” પરથી પડ્યું છે. અને વિવિધ વેબસાઇટો લલકારે છે કે તે પોણા બે કરોડ લોકોની વસતીવાળા તે મુલકમાં છે એન્ડિયન પહાડો, ગાલાપાગોસ ટાપુઓના મહાકાય કાચબા, અને એમેઝોન રેઈનફોરેસ્ટ છે, જે ડોકના મોવાળા ઊંચા કરે તેવાં બિહામણાં જનાવરોની સાથોસાથ પ્રકૃતિ, સંસ્કૃતિ અને જીવનાનંદથી છલછલે છે.અચાનક આ સ્તુતિનું કારણ? જેમ કોઈને ભેંસના શીંગડાંમાં માથું ભરાવવાનું અચાનક મન થઈ આવે એમ ગગનવાલા વર્ષોથી ઉનાળા દરમિયાન, ચારપાંચ દિવસ અમેરિકાની બહાર કોઈ ને ઇંગલિસ્તાની સિવાયની કોઈ પરભાષા બોલતા પરદેશમાં ધરાર પર્યટન કરી આવે છે. પછી પાછા આવી શરદી ખાંસી જેવા વ્યાધિમાં સપડાય છે, સાજા થાય છે ને ફરી પાછો ગુંજે છે ભમરો ગૂંગૂંગૂં. પહેલાં ટિકિટ કપાવેલી હોન્ડુરસની પણ જાણ્યું કે તેમાં ભેંસના શીંગડાં કરતાંયે વધુ ડેન્જર છે, તેથી તેના બદલે ઇના મીના ડિકા કરીને લીધી ઇક્વાદોરની, બસ, પરદેશ એટલે પરદેશ ને જાવું એટલે ગુંજન કરતા ભમરા!કિંતુ પછીથી યુ ટ્યૂબ ઉપરના વિડિયોમાં જોયું કે ત્યાં છે પ્રચંડ સિવિલ અનરેસ્ટ, ગુના અને અપહરણ! ગ્વાયાક્વિલ જેવાં શહેરોમાં ચોરીઓ અને પિકપોકેટીંગ અને શેરીઓમાં હાલતાંચાલતાં મારફાડ થઈ જાય છે. અને અમે તો ગ્વાયાકિલ શહેરમાં જ જવાના હતા! અરધે રસ્તે પ્લેન બદલતી વખતે ટાંટિયા ધ્રૂજેલા કે મેલો કરવત ને પાછા થાયેં ઘર ભેગા. પણ જય હનુમાન જ્ઞાનગુન સાગરનો પાઠ કરતા સલવાયા બલૂનની મિડલ સીટમાં, ને પછી કુર્સી કી પેટી બાંધી ને બોલ્યા દ્વારકાધીશ કી જૈ!મધરાતે ગ્વાયાકિલના જે એરબીએન્ડબીમાં ઊતરેલા તેના બનેવી લેવા આવેલા. નહીંતર ખરેખર છક્કા છૂટી ગયા હોત કેમકે ઇન્ટરનેટ અને યૂટ્યૂબ વાળા બૂમાબૂમ કરતા હતા કે અજાણી ટેક્સીમાં સ્ટોપ લાઇટ પાસે ફોન બહાર કાઢીને મેસેજ ન જોવા, કોઈ ક્યારે પિસ્તોલ બતાવીને મોંઘો ફોન લૂંટી લેશે! જો કોઈ પોલીસ હોવાનો દાવો કરીને તમારો પાસપોર્ટ જોવા માગે તો તે ખરેખર પોલીસ હોવાની ખાતરી કર્યા પછી જ બતાવવો, વગેરે. ગુનાઇત ટોળકીઓ પરદેશીઓનાં આડેધડ અપહરણ કરી જાય! એવા અજાણી ભાષા બોલતા ઇક્વાદોરમાં મધરાતે હમારાં હાજાં ગગડતાં હતાં, પણ ટ્રાન્સલેશન એપવડે અગડમ ને બગડમ કરતા વોલ્ટર અને જૂલીની ટ્રકમાં અમે પહોંચ્યા મુકામે.રાત્રે સૂતાં સપનાં આવ્યાં કે અહીં પણ 31 લાખ લોકો જીવે છે, અહીં પણ ગુના ને ખૂનામરકીની સાથેસાથે નાટકચેટક થાય છે, શાળાઓ, અદાલતો. કચેરીઓ ને દવાખાનાં ચાલે છે. પરંતુ ભોળાં, નિરીહ ને ઉષ્માભર્યા નાગરિકોને રે રે કહેવાય છે કે નવી આવેલી સરકાર શોષી રહી છે ને તેના વિરોધમાં સામાન્યજનોનાં ટોળાં વારંવાર રાજમાર્ગો ઉપર ધરણાં કરે છે, તેથી ટ્રાફિક ખોરવાય છે, કદાચ ચીલઝડપે ચોરીચપાટી થાય છે. પણ ડરો નહીં, ડરો નહીં, અહા, ગ્વાયાકિલ તો ઇક્વાદોરનું કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક આકર્ષણોના સમૃદ્ધ મિશ્રણ સાથેનું સૌથી મોટું જીવંત શહેર પણ છે. અને નવાઈની વાત તે છે કે એ દેશમાં ચલણી નાણું તો અમેરિકન ડોલર જ છે! જાણે તેની પોતાની કોઈ ટંકશાળ નથી કે કોઈ દાઢીવાળા રાજપુરુષના એન્ગ્રેવિંગવાળી નોટો નથી, બસ ડાલર, ડાલર, ડાલર! સવારે કોફી સાથે ગાંઠિયાનું પડીકું ખોલી નેટ ઉપર તલાશ્યું તો આ અઠંગ માંસાહારી નગરમાં અજાયબી તે લાગી કે શુદ્ધ શાકાહારી વીશીઓ અનેક છે, અને વાજબી ભાવે પેટ ભરાય એટલું જમાડે છે, પણ જાત અનુભવે જાણ્યું કે ક્યાંય આપણને ઓડકાર આવે તેવો સવાદ નથી. મરચાંનો કે હળદર કે હિંગનો સ્વાદ જ ન મળે ને તમે કરો તમારા કપાળે કરાઘાત, એકાદું સંભારાનું પેકેટ સાથે લાવ્યા હોત તો શું જાત આપણું!સારા નસીબે તે પછી દરરોજ અમારા યજમાને પોતાની બખ્તર જેવી ટ્રકમાં અમને ફેરવ્યા. દરરોજ અમારી અને યજમાન–યજમાનિનીની પાણીપીણી અને પ્રવેશની ટિકિટોબિકિટો પ્લસ આખો દિવસ ફેરવવાના અમુક ડોલર અમે આપતા હતા, પણ હલો! એક શાંતિ હતી મનમાં કે આપણે સેઇફ છઈંએં!હાં રે અમે દૂરના કોઈ ગામડે કોઈ જોગણી માતાના ચર્ચમાં ફોટા પડાવ્યા, શહેરના બે છેડા તથા વચ્ચે વહેતી નદી ઉપરથી પસાર થતા ગગનમાર્ગી રોપવેમાં બેસીને અમે ગીત ગાયું મુરલિયા બાજે જમુના તીઇઇઇર! યજમાનોની ઓથે ઊભા રહીને મેટ્રોવિયા નામે લોંગ ડિસ્ટન્સ બસમાં શહેરના જોખમી વિસ્તારોમાંથી પાર થયા ને એક દિવસ આખો વિતાવ્યો Parque Historico Guayaquil માં, રંગબિરંગી ઇગુઆના,વિશાળ કાચબા, અજનબી પક્ષીઓ, સરિસૃપો, મગરમચ્છ અને અઘોરી જૂવજંતુઓની નુમાઇશ છે, તેમાં વળી એક ઇન્ડિયન વીશીમાં કીધાં હળદર હિંગનાં પારણાં ને નાન પકવાનની જિયાફત!આહા, બીજું બધું જાય સ્વગૃહે, ફક્ત ઇક્વાદોરિયન પ્રજાની ઉષ્મા અને મૈત્રી માટે પણ આવો, જુઓ યારો, આ વચેટ પુત્ર શો દેશ! જય નાઇટ ઓફ ધ ઇગુઆના!

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:20 am

સહજ સંવાદ:અસરકારક શાસન કેવી રીતે કરી શકાય?

બ્રિ ટિશરોએ પોતાની સત્તાને વધુ પ્રભાવી બનાવવા માટે પ્રશાસનિક માળખું મજબૂત કર્યું હતું. વાઇસરોયથી કારકુન સુધી તેને અજીબોગજીબ નામ પણ મળ્યાં. ‘બાબુ શાહી’ કહેવામા આવી. પરિપત્રોમાં લાલ શાહીથી સહી કરીને નિર્ણય લેવામાં આવતા એટલે ‘લાલ ફીતા શાહી’નું નામ મળ્યું. આપણા એક સ્વર્ગસ્થ મુખ્યમંત્રીએ નિરાશ થયેલા મહાનુભાવને બારીમાથી સચિવાલયનો આકાર બતાવતા કહ્યું હતું કે જુઓ, તે ડાયનાસોર જેવો દેખાય છે ને? તેની પ્રકૃતિ પણ એવી જ છે, કોઈ જીવડું તેની પૂંછડી પર કરડે તો છ મહિના પછી તેના દિમાગને અસર થાય છે અને પૂંછ હલાવવામાં બીજા છ મહિના પસાર થઈ જાય છે. તુમારશાહી તેનું નામ છે!… પણ, એક વાત તો નક્કી કે નોકરશાહી વિના કોઈ સરકારને ચાલવાનું નથી. તે દેશની કરોડરજ્જુ છે. ભલભલા પ્રધાનો પોતાના અધિકારીની વાતને માને છે. જોકે, ચીમનભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી તેમાં અપવાદ છે. બીજા પણ આંશિક હશે, તેની વિગતોમાં પડવું નથી. પરસ્પર વિશ્વાસમાંથી અસરકારક શાસન શક્ય બને તે વાત આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલ એકદમ સમજી ગયા હતા. બ્રિટિશ શાસનમાં લોખંડી ચોકઠાં જેવું તંત્ર હતું. સ્વરાજ્યના આંદોલનને દબાવી દેવા તેનો ઉપયોગ થતો એટલે સામાન્ય પ્રજામાં આ અફસરો વિશે લાગણી નહોતી. સરદારે ઇન્ડિયન સિવિલ સર્વિસને સ્થાને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની સ્થાપના કરી. સનદી સેવામાં મોટા ફેરફાર કર્યા. તેમને કાર્યદક્ષ આઈ.સી.એસ. અમલદારો મળ્યા. ગિરિજાશંકર વાજપેયી, વી. પી. મેનન, વે. શંકર, એચ.એમ. પટેલ. એન.એમ. બુચ વગેરેનો સહયોગ ભારતના નકશાને વ્યવસ્થિત કરવામાં મળ્યો. ભારતનાં રજવાડાંઓના વિલીનીકરણને માટે વી. પી. મેનનનો નિર્દેશ કરવો જ પડે. બેશક, સરદારના દ્રઢ અને દૂરદર્શી નેતૃત્વ વિના તે સફળ થયા ના હોત. સરદારે ઓગસ્ટ, 1947માં 50થી વધુ બ્રિટિશકાલીન આઈ.સી.એસ. ઓફિસરોની બેઠકમાં કહ્યું હતું: ‘મેં તમને સૌને એક મોટી જવાબદારી માટે બોલાવ્યા છે. તમે હવે ભૂતકાળને ભૂલી જજો. દેશને માટે કામ કરવું એ જ આપણી પ્રાથમિકતા છે. તેની ખુશીમાં સહભાગી બનવા તમને આમંત્રણ આપું છું.’આ ઉદ્દગારો આજેય એટલા જ સાર્થક છે. એકવાર તો સરદારના નિર્ણયોની વિરુદ્ધમાં તેના સેક્રેટરીઓએ એક નોંધ આપી તો તેનું પણ તેમણે સ્વાગત કર્યું હતું! મને લાગે છે કે આપણે માત્ર અફસરશાહીની ટીકા કરતા રહેવાને બદલે તેમના ઉત્તમ પ્રદાનને પણ સ્વીકારવું જોઈએ. બધા સમયે નહિ તો કેટલાક નિર્ણાયક અને અઘરા સમયે કેટલાક અધિકારીઓને નિષ્ઠાપૂર્વક કામ કરતા અને તેના સારાં પરિણામો લાવતા જોયા હશે. ગુજરાત તેને માટે નસીબદાર છે. પહેલેથી બધા નહિ તો કેટલાક કાર્યદક્ષ સચિવો અને અધિકારીઓ કામ કરતા રહ્યા છે. એવા એક વિભાગના અફસરને વિદેશમાં મોટા પગારની સાથે બોલાવવામાં આવ્યા તો તેણે ના પાડીને ગુજરાતના પ્રશાસનમાં જ રહેવું પસંદ કર્યું હતું. જોકે, આંતરિક ખેંચતાણ તેને ખૂબ નડી.1960થી આજ સુધીના તંત્ર પર નજર કરવામાં આવે તો દર ત્રણ વર્ષે આવતા દુકાળ, નર્મદા સમસ્યા, રમખાણો, સરહદ પરનાં યુદ્ધોના સમયે પોલીસ અને વહીવટી અફસરોએ અપવાદોને બાદ કરતાં સારું કામ કર્યું હતું. ભ્રષ્ટ અને રેઢિયાળ ઓફિસરોના જંગલમાં રહીને સારું કામ કરનારાઓની પીઠ થાબડવી જોઈએ, તો કદાચ બીજા પણ એવા રસ્તે ચાલે.ગુજરાતમાં દક્ષતાપૂર્વક કામ કરનારાઓનાં નામોનું લિસ્ટ કરવા બેસીએ તો ઘણું લાંબું થાય. તાજેતરમાં નિવૃત્ત (કે વધુ પ્રવૃત્ત?) કે. કૈલાસનાથન અર્ધી શતાબ્દી સુધી એવી રીતે તંત્ર-કાર્ય કરતા રહ્યા કે સૌ તેમને ‘કેકે’ના નામે જ બોલાવે છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:19 am

ક્રાઈમ ઝોન:ત્રણ-ત્રણ કમોત માટે ખરી જવાબદારી કોની?

આ કાશમાં તરતા આપણા સેંકડો કૃત્રિમ ઉપગ્રહ, મંગળના ગ્રહ સુધી પહોંચ, ચંદ્ર પર ઉતરાણ, મેટ્રો રેલવે, અંડરગ્રાઉન્ડ ટ્રેન અને... ન જાણે કેટલો વિકાસ સાધ્યો અને પ્રગતિ પણ કરી. વર્લ્ડ બેસ્ટ મલ્ટિનેશનલ કંપનીઓ પર ભારતીય દિમાગનું આધિપત્ય સર્વવિદિત છે, પરંતુ માનવતાના, સમજદારીના અને અનુકંપાના ગ્રાફ ઉપર આપણે કેટલું આગળ વધ્યાં, કેટલી પ્રગતિ કરી? ખરેખર આંતરિક-સંવેદનાત્મક વિકાસ સાધ્યો છે ખરો?આ સવાલો પૂછે છે મહારાષ્ટ્રના નાશિકની ઘટના. નાશિક શહેરનું ઐતિહાસિક સાથે પૌરાણિક મહત્ત્વ પણ અનન્ય. ગોદાવરી નદીના કાંઠે વસેલું આ નગર ‘વાઈન કેપિટલ ઓફ ઈન્ડિયા’ છે. એક કુંભ મેળાનું સ્થળ છે. અહીં જ દશરથ-પુત્ર લક્ષ્મણે સુપર્ણખાનું નાક કાપ્યું હતું અને એના પરથી નામ મળ્યું નાશિક.આવી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર ધરાવતા નાશિકના સિન્નર ફાટાના પિતૃછાયામાં રહેતાં રાજશ્રી નિવૃત્તિનાથ કૌતકરને 2024ની આઠમીએ સવારે 6.45 કલાકે વ્હોટ્સએપ પર એક મેસેજ અને વિડીયો મળ્યો. એનાથી રાજશ્રી એકદમ હચમચી ગયાં. એ બંને એકની એક દીકરી અશ્વિનીએ મોકલ્યા હતા. ભયંકર ગભરાટ વચ્ચે માંડ માંડ ચંપલ પહેરીને રાજશ્રી દોડ્યાં, અચાનક ઊભા રહી ગયાં. દીકરીને ફોન કર્યો, પણ ઘંટડી વાગતી રહી. કાળજા પર ભીંસ અનુભવતાં રાજશ્રી માંડ માંડ દીકરીના સાસરિયે પહોંચ્યાં. ત્યાં ભયંકર ભીડ જોઈને તેમણે માંડ માંડ પૂછ્યું કે થયું છે શું? કોઈકે જવાબ આપ્યો કે તમારી દીકરી અને બંને દોહિત્રીને મેડિકલ કોલેજમાં ખસેડાયાં છે. ભયંકર ફિકરના ભાર વચ્ચે તેઓ માંડ માંડ મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યાં, તો માઠા સમાચાર મળ્યા: ત્રણેય હવે આ દુનિયામાં નથી.આંખમાં ઓચિંતું આંસુનું માવઠું ધસી આવ્યું. પતિ અને દીકરા અનિકેતને ગુમાવી બેઠા બાદ અશ્વિની જ રાજશ્રી માટે સર્વસ્વ હતી. 2013માં અશ્વિનીનાં લગ્ન સ્વપ્નિલ રાજેશ નિકુંભ સાથે કરાવ્યા બાદ રાજશ્રીને થયું કે હાશ હવે નિરાંત, મારું અવતારકાર્ય ઓટાપાયું. અશ્વિની પતિ અને સાસરિયાં સાથે રહેવા માંડી.શરૂ શરૂમાં બધું સરસ હતું, જાણે સુખ જ સુખ. પરંતુ થોડા દિવસોમાં એ સપનું મૃગજળ સાબિત થવા માંડ્યું. સ્વપ્નિલ પોત પ્રકાશવા માંડ્યો. નાનીઅમથી વાત પર મેણા મારવા અને હાથ ઉપાડવાનુંય શરૂ થઈ ગયું. શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે 2015ની 27મી ડિસેમ્બરે અશ્વિનીએ પુત્રી-રત્નને જન્મ આપ્યો, નામ રખાયું આરાધ્યા. પરંતુ દીકરી આવી એ જાણે અશ્વિનીએ કરેલી મહાભયંકર ભૂલ હોય એવું વર્તન થવા માંડ્યું. માત્ર સ્વપ્નિલ જ નહીં, એનો ભાઈ તેજસ ઉર્ફે શંભુ, બહેન ચારુશીલા ઉર્ફે કિરણ અને મોટા સસરા સોમવંશી પણ અશ્વિનીને ત્રાસ આપવા માંડ્યા. એટલું જ નહીં, પિયરમાંથી પૈસા મગાવવાની ફરજ પડાવા માંડી. આમાં ક્યાંક ભૂલ કે વિલંબ થાય એટલે ધોલધપાટ શરૂ થઈ જાય. એક તો સાસરિયામાં પતિ સહિત કોઈનો સાથ નહીં અને ઉપરથી માસૂમને ઉછેરવાની જવાબદારી. આટઆટલી પીડા હોવા છતાં માત્ર દીકરી સુખી થાય અને શાંતિથી જીવે એટલે રાજશ્રી સતત સ્વપ્નિલને રૂપિયા આપતી રહી. છૂટક-છૂટક રીતે રૂ. 6.5 લાખ આપી દીધા. આ દરમ્યાન અશ્વિનીને ગળામાં ગાંઠ થઈ તો ઓપરેશન માટે એના મામાએ 2.6 લાખ આપ્યા હતા. રાજશ્રી અને એના ભાઈને આશા હતી કે છાશવારની સ્વપ્નિલની માંગણી સંતોષવાથી દીકરી અશ્વિની સુખરૂપ જીવી શકશે.પરંતુ એવું જરાય નહોતું. આ પતિદેવ તો ધર્મપત્નીનું મંગળસૂત્ર પણ નહોતો મૂકતો. એ મંગળસૂત્ર કઢાવીને વેચી નાંખે. એક-બે નહીં, પાંચ-છ વાર મંગળસૂત્ર વેચાયું અને દર વખતે એ રાજશ્રી જ કરાવી આપે. અને દીકરીના ચહેરા પર વેદના નહીં, સ્મિત જોવું હતું. પરંતુ જમાઈરાજા તો મંગળસૂત્ર પર મંગળસૂત્રની રોકડી કરીને રકમ પોતાની બહેનના હાથમાં મૂકતો હતો.અધૂરામાં પૂરું, 2022ના જૂનમાં અશ્વિનીને ડિલિવરી આવી. ફરી લક્ષ્મીજી પધાર્યાં. નામકરણ થયું અગસ્ત્યા તરીકે. પણ એના ઈનામરૂપે અશ્વિની પર અત્યાચાર વધવા માંડ્યા. એક નાની બાળકી ઘોડિયામાં, બીજી ધાવણી બાળકી પોતાની પાસે છતાં અશ્વિની પર કોઈને ન દયા, ન રહેમ.અશ્વિનીનાં આંસુ સુકાતાં નહોતાં. હવે પોતાની સાથે વ્હાલસોયી માસૂમ દીકરીઓની ચિંતાય કોરી ખાવા માંડી. 2024ની છઠ્ઠી મેએ અશ્વિની અને બંને બાળકીઓને મૂકીને ઘરનાં બધેબધાં સપ્તશૃંગીના દર્શને ગયાં અને જાણે કાળ ઘડીનું આગમન થયું.અશ્વિનીએ દિલ પર પથ્થર મૂકીને માસૂમ બાળકીઓને વ્હાલથી એકવાર જોઈ લીધી. પછી બંનેને ઝેર પીવડાવી દીધું. આટલું પતાવ્યાં બાદ એ માંડ માંડ બિલ્ડિંગ ટેરેસ પર ગઈ અને ત્યાંથી ઝંપલાવી દીધું. ત્રણ-ત્રણ જીવનનો અકાળે કરુણ અંજામ.રાજશ્રી કૌતકર હચમચી ગયાં. 45 વર્ષની ઉંમરમાં પતિ અને દીકરા બાદ દીકરી અને બબ્બે દોહિત્રીને ગુમાવી બેસવાનો આંચકો કેમનો સહન થાય? તેમની ફરિયાદને આધારે અશ્વિની, આરાધ્યા અને અગસ્ત્યાનાં મોત અંગે ફરિયાદ નોંધાવી. અશ્વિનીએ લખેલી સ્યુસાઈડ નોટે સાસરિયાંઓનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આ સાથે તેણે આગ્રહ કર્યો કે અમારાં ત્રણેયની અંતિમવિધિ સાસરિયાં નહીં, પિયરિયાં જ કરે.આ કરુણાંતિકા આપણા સમાજનો ગંદો અને કુરૂપ ચહેરો છે. આમાં પતિ અને સાસરિયાંનો વાંક ખરો જ પણ રાજશ્રીએ પૈસા આપતા રહેવાને બદલે દીકરીને ઘરે લાવીને દહેજ કે શારીરિક અત્યાચારની ફરિયાદ કરી દીધી હોત તો?પરણેલી દીકરી માત્ર ને માત્ર સાસરે જ રહે અને ત્યાં જ સુખી થઈ શકે એવા મોહેંજોદડા યુગના વિચારોને હવે જડમૂળથી ઉખેડી ફેંકવાની જરૂર છે. રાજશ્રીજીને એ ન સૂઝ્યું તો યુવાન હોવાથી અશ્વિની પણ પિયરમાં જઈને કે અલગ રહીને સાસરિયાંને બોધપાઠ ભણાવી શકી હોત. અને તો આજે બે માસૂમ બાળકી અને એની મમ્મી હયાત હોત, હસતાં-રમતાં હોત.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:16 am

અંદાઝે બયાં:હેલો-હાય! હાઉ આર યુ?સવાલ ના પૂછિયો કોઇ

ટાઈટલ્સ: અમુક સવાલના જવાબ સવાલ ના ચાલે. (છેલવાણી)ઘણાં લોકો તો હાલતાં ચાલતાં પરીક્ષાપત્રો જેવાં હોય છે. જેવા સામે મળે કે તરત પૂછે, ‘કેમ છે? શું ચાલે છે? ઘરમાં બધાં મજામાંને? ધંધા-પાણી બરોબર ચાલે છે ને? કેમ સૂકાઇ ગયા છો? કોઇ ટેન્શન છે?’ આપણને થાય કે આ 6 સવાલમાંથી કોઈપણ 4ના જ જવાબ આપવાના કે બધા જ કમ્પલસરી છે? આ આઈ.આઈ.ટી. કે નીટની એન્ટ્રેન્સ એક્ઝામ જેટલી જ અઘરી પરીક્ષા છે. (જોકે નીટ પરીક્ષાની જેમ આમાંય પ્રશ્નપત્રો પહેલેથી ફૂટેલાં જ હોય છે!)તુલસીદાસજી સદીઓ પહેલાં કહી ગયા છે: ‘તુલસી ઈસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, સબસે હંસ મિલ બોલીયે, નદી નાંવ સંજોગ’ પણ સહજ સવાલોના સંજોગોને કઇ રીતે હેન્ડલ કરવા એના કોઇ કોચિંગ ક્લાસ નથી હોતા. એમાંયે મિત્રો કે પરિચિતો જ્યારે અચાનક ભટકાઈ જાય, ત્યારે ફોર્મલ વાતો કઈ રીતે કરવી એ મહા-કસોટી છે. ગુજરાતીમાં સરસ શબ્દ છે:‘ખબર-અંતર’ એમાં 'ખબર' પણ છે ને 'અંતર' પણ. 'ખબર' પૂછવાની વાત તો છે પણ જરા 'અંતર' રાખીને કે પછી બે જણ વચ્ચેનું અંતર દૂર કરીને?ઘણીવાર ‘મજામાં છો?’ સવાલ સાંભળીને આપણે વિચારમાં પડી જઇએ કે ‘હાયલા! શું હું ખરેખર મજામાં છું? ખરેખર જીવનમાં બધું બરોબર છે?’ જોકે, પૂછનારને આપણા જવાબની જરાયે પડી નથી હોતી. એ માત્ર એટલું જ કન્ફર્મ કરવા માગે છે કે ‘તું જીવે છે?’ અર્થાત્ આપણે ઉકલી તો નથી ગયા ને? કદાચ આવનારા સમયમાં એવોય સમય આવશે કે કોઇ ખબર-અંતર પૂછે ત્યારે મોબાઇલ-ફોન પર રેકોર્ડ કરેલ જવાબ સંભળાવી દેવાશે: ‘હું મજામાં, ઘરે સૌ મજામાં, પાડોશીઓ મજામાં, આખી ગલી મજામાં, બીજું કાંઇ?’પછી બની શકે કે સામેવાળો પણ એના ફોન પર સંભળાવશે: ‘સરસ! તો આવજો!’ ઇન્ટરવલ: સવાલ યહ હૈ હવા આઇ કિસ ઇશારે પર?ચિરાગ કિસકે બુઝે યે સવાલ થોડી હૈ? (નાદિમ નદીમ)આપણને ફોર્મલ સવાલોના ફોર્મલ જવાબોનો કંટાળો આવે પણ ધારો કે આપણે કોઈકને અમસ્તું પૂછીએ: ‘મજામાં છો?’ ને ધારો કે એ દુ:ખભરી કથા વિસ્તારથી સંભળાવે કે-‘એકચ્યુઅલી, હું મજામાં નથી. એકચ્યુઅલી એવું છે ને મને પેટમાં બળતરા થવાથી આંખે અંધારાં આવે છે તો..’ તો ત્યારે આપણને કહેવાનું મન થઇ શકે: ‘મજામાં તો હુંય નથી પણ મોડું થાય છે, નહીં તો હુંય કહેત કે- મને ફ્લૂ થયેલો ત્યારે ત્રણ દિવસ તાવને કારણે આંચકી આવતી ને હાથમાં દહીં હોય તો ધ્રૂજી-ધ્રૂજીને લસ્સી બની જતી!’એવું નથી કે આપણને ‘હાઉ આર યુ?’ કહેનારની પડી નથી પણ સૂઝ નથી પડતી કે એને સાચું કહેવું કે ખોટું? અણધાર્યા સવાલોના એટેક, એકે-47 મશીનગન જેવા હોય છે. વળી તમે જો કોઇને પૂછો તો ઉલ્ટા પણ ફસાઇ શકો છો. જેમ કે- ‘શું ચાલે છે?’‘કાલે જ નોકરી છૂટી ગઈ છે.’‘ઓહ!' કહીને તમે ચૂપ. એની સદ્્ગત નોકરી પર બે મિનિટનું મૌન પરાણે પાળવું પડે, કારણ કે આપણી પાસે જવાબ નથી. પછી હિંમત કરીને નવેસરથી શરૂ કરો કે-‘બાકી બધું ઠીક? ફેમિલી મજામાં? '‘ના રે, ઘરનાં બધાં હોસ્પિટલમાં છે. હવે તો અમારી ફેમિલી માટે ત્યાં એક સ્પે. વોર્ડ જ ખોલી આપવાનું નક્કી કર્યું છે! અમને તો હોસ્પિટલમાં 'ફેમિલી-મેમ્બરશિપ' પણ ઓફર થઇ છે!’‘અરેરે..તમારી તબિયત તો સારી છે ને?'‘મારેય હવે 4 અઠવાડિયાં જ બચ્યાં છે?’‘ઓહ! અચાનક શું થયું? કોઇ ગંભીર બીમારી?’ તમે ચોંકી ઊઠો.‘ના-ના, 4 અઠવાડિયાં કમ્પ્લીટ હેલ્થ ટેસ્ટ કરાવવાના બચ્યાં છે, એમ! જોઇએ હવે શું રિપોર્ટ આવે છે કારણ કે આજકાલ વાળ ખરવા માંડ્યાં છે ને નખ વધવા માંડ્યા છે!’ એમ એ કહે ત્યારે તમે સમજી જાવ છો કે આ માણસ કમસેકમ અડધો કલાક પોતાના અંગે-અંગના એક્સ-રે નહીં દેખાડે ત્યાં સુધી નહીં છોડે. કારણ? કારણ એટલું જ કે તમે એને 'કેમ છો?' પૂછ્યું.ઘણા લોકો આવતાં-જતાં, હાલચાલ એમ પૂછે કે જેમ ટ્રેનમાં ફેરિયાઓ ‘સીંગ-ચણા… સીંગ-ચણા’ બોલીને પસાર થઇ જાય. એમના ‘હાઉ આર યુ?’માં માત્ર સાઉન્ડ હોય, સંવેદના નહીં. બીજી બાજુ, કોઇક આંખોમાં આંખો પરોવીને પૂછે, ‘એય..,'તું'-કેમ છે? મજામાં છોને?’ ફરક એ કે દિલથી પૂછનાર ‘તું કેમ છે?’માં ‘તું’ પર વિશેષ ભાર આપે છે. એને મન આ અખિલ બ્રહ્માંડમાં બીજા બધાં તેલ લેવા જાય પણ એને માત્ર ‘તું’માં, ‘તમારા’માં રસ છે.. અને એ ‘મજામાં છે-ને?’માં એ જે રીતે ‘ને’ ઉમેરે છે, એ ‘ને’માં એને ખરેખર ચિંતા છે. એમના સવાલમાં વહાલ હોય છે. એમાં રેસ્ટોરન્ટના વોશ-બેસિનમાં લટકાવેલ નેપકીનને લૂછી નાખવા જેમ પૂછી નાખવાની રુટિન વાત નથી. જ્યારે ફોર્મલ લોકો- ‘તું કેમ છે?’માં ‘કેમ’ પર ભાર આપતા હોય છે. એમને નવાઇ એની કે હજી તું મજામાં 'કેમ?’ એટલે ‘કઇ રીતે?’ રહી શકે છે! જાણે હજી ‘કેમ જીવી રહ્યા છે?’ એવું પૂછતા ના હોય. આવા લોકોના સવાલમાં જ જવાબ છુપાયેલ હોય કે-‘તું મજામાં હોય કે ના હોય, મને શું?' જેમ 'મંગળ પર માણસ હોય કે ના હોય, મને શું? કોરિયામાં કોથમીર મળે કે ના મળે, મને શું?’ખરેખર તો કોઇ અકારણ, કુશળ-મંગલ પૂછે એ આનંદની વાત છે...બાકી જ્યારે કોઇ પૂછવાનું જ બંધ કરશે ત્યારે દુનિયા એકલી-અટૂલી લાગશે. એન્ડ-ટાઇટલ્સ:આદમ: તું કેમ છે?ઇવ: થાય છે- 'કેમ છું?'

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:16 am

તવારીખની તેજછાયા:યુનાઈટેડ નેશન્સે હંસા મહેતાને હમણાં કેમ સંભાર્યાં હશે?

પ્રકાશ ન. શાહ વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (1949-1959) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું.પાછાં યુએન પહોંચી જઈશું? આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં. એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુએન જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઈતિહાસ સર્જ્યો હતો.‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી. આમ જન્મતાં જ જાણે કે ઈતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો! લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ- મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું. આપણી ઈતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. 1937ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં. અખિલ હિંદ મહિલા પરિષદ (ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઈતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી. બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. 15મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.હંસાબહેનની નાનાવિધ લેખન કામગીરી વિશે વાત કર્યા વિના એમને સંભાર્યાં અધૂરું ગણાય. બાળકિશોર દૃષ્ટિએ વાત કરું તો ‘અરુણનું અદ્્ભુત સ્વપ્ન’ વાટે વિશ્વયાત્રા કે ‘બાવલાનાં પરાક્રમો’ એ ઈટાલિયન કથા (પિનાચિયો?)નું રૂપાંતર, વળી વાલ્મીકિ રામાયણના એકાધિક કાંડોથી માંડી શેક્સપીયરના નાટક ‘મર્ન્ટ ઓફ વેનિસ’નો અનુવાદ વગેરે એમને નામે જમે બોલે છે. એમના નાટ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલા છે. એમના એક નાટકમાં વિધુર પુરુષ માટે ગંગા સ્વરૂપની તરજ પર હિમાલય સ્વરૂપ જેવો (ગગનવિહારી મહેતાને સૂઝે એવો) પ્રયોગ આ લખતાં સાંભરે છે.હવે એમના આ લખનારને થયેલ પરોક્ષ પરિચયની એક વાત, અમથી. જયપ્રકાશજીના આદેશ મુજબ 1977-78માં અમે લોકસમિતિ ઝુંબેશ સારુ અમરેલી પહોંચ્યા ત્યારે મળેલો એક શુભેચ્છા સંદેશ અને પ્રતીક ફાળો મુંબઈ બેઠાં હંસાબહેન મહેતાનો પણ હતો- સદ્્ગત પતિના મતદાર મંડળ સાથે એમણે એ રીતે સંબંધ જાળવી રાખ્યો હતો.‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ એક મજાની કોલમ ચલાવે છે- ‘ઓવરલુક્ડ.’ અમે એમને પૂર્વે ઓબિટ આપવાનું ચૂકી ગયાં હતાં, માટે ‘ઓવરલુક્ડ.’ ગયે પખવાડિયે એણે પણ હંસાબહેનને યાદ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:15 am

ડૉક્ટરની ડાયરી:ચલતી ફિરતી હુઈ આંખો સે અઝાં દેખી હૈ,મૈંને જન્નત તો નહીં દેખી હૈ, માઁ દેખી હૈ

સાં જે વિદાય લીધી હતી અને રાતનું આગમન થયું હતું. બંગલામાં ચાર જીવ હાજર હતા. નેવું વર્ષનાં દાદીમા, અડસઠ વર્ષના એમના પુત્ર ડો. ભટ્ટ, ડો. (મિસિસ) સુનિતા ભટ્ટ અને સાડા ચાર વર્ષનો પૌત્ર સ્પર્શ. ડો. ભટ્ટનો દીકરો અને વહુ પણ ડોક્ટર્સ. એ બંને પોતાનાં પ્રાઈવેટ ક્લિનિકમાં ગળાડૂબ વ્યસ્ત હતાં.ડો. ભટ્ટ બંગલાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા એમના ભક્તિખંડમાં મેડિટેશન માટે ગયા એ પછીની દસમી મિનિટે એમના કાનમાં પત્નીની ચીસનો અવાજ પડ્યો, ‘સાંભળો છો? જલદી નીચે આવો. બા પડી ગયાં...’ડો. ભટ્ટ બનતી ત્વરાએ દાદરના પગથિયાં ઊતરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. આ‌વી ઘટના બને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતા હડબડાટમાં બીજો અકસ્માત ન થઈ જાય. ગ્રેનાઈટના લપસણાં પગથિયાં ઉપરથી ગબડી પડાય તો એકસાથે બબ્બે ઈમરજન્સીઝ ઊભી થઈ જાય.બાની હાલત ગંભીર હતી. બા જમીન પર લાશની જેમ પડ્યાં હતાં. કાનમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. માથાની પાછળના ભાગમાં જોરદાર ચોટ વાગી હતી, ત્યાં ઝડપથી ફુગ્ગા જેવો ભાગ ઊપસી આવ્યો હતો જે ઝડપથી મોટો થતો જતો. ચામડીની નીચેની બ્લડ વેસલ તૂટી જવાના લીધે ત્યાં હેમરેજ થઈ રહ્યું હતું અને લોહીનો જમાવ થઈ રહ્યો હતો.ડો. ભટ્ટે પૂછ્યું, ‘બા...! તમને મારો અવાજ સંભળાય છે?’ આ સાથે તેમની આંગળીઓ બાની પલ્સ ગણી રહી હતી. બાનો શ્વાસ ચાલતો હતો પણ બા કશી જ પ્રતિક્રિયા આપી રહ્યાં ન હતાં. બંને આંખો ખુલ્લી ફટાક હતી. પોપચાં સ્થિર હતાં. સંકેત સ્પષ્ટ હતો, બાને સિરિયસ હેડ ઈન્જરી થઈ હતી. ખોપરીની અંદર કેટલું નુકસાન થયું હશે એ કહેવું મુશ્કેલ હતું.આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું એ જાણવું ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે ઘરમાં કે ઘરની બહાર જ્યારે કોઈને એક્સિડેન્ટલ હેડ ઈન્જરી થાય છે ત્યારે માણસો તે વ્યક્તિને બેસાડવાની, એને પાણી પીવડાવવાની સૌથી મોટી, ગંભીર ભૂલ કરે છે. ડો. ભટ્ટ પોતે ડોક્ટર હોવાથી આ વાત જાણતા હતા. તેમણે બાને જરા પણ ડિસ્ટર્બ કર્યા વગર જમીન પર સૂતેલાં જ રહેવા દીધાં. એમને ઉપાડીને સોફા પર કે પથારીમાં લેવાના પ્રયાસમાં બ્રેઈન ડેમેજ અથવા આંતરિક હેમરેજમાં વધારો થઈ શકે છે. પાણી પીવડાવવાનો તો વિચાર પણ ન કરાય.બા પડી ગયાં એ પછીની દસ જ મિનિટમાં એ ત્રણેય આવી પહોંચ્યાં. સદનસીબે ત્યાં સુધીમાં બા ભાનમાં આવી ગયાં હતાં અને બોલવા લાગ્યાં હતાં. જોકે, બાને સમય અને સ્થિતિનું સાન-ભાન રહ્યું ન હતું. તેઓ વારંવાર પૂછી રહ્યાં હતાં, ‘મને અહીં કેમ સૂવાડી રાખી છે? તમે મને ક્યાં લઈ જઈ રહ્યાં છો? મને માથામાં બહુ દુ:ખાવો થાય છે.’ઘટના પછીની પચાસમી મિનિટે બા અમદાવાદની ખૂબ સારી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના આઈ.સી.યુ.માં પહોંચી ગયાં હતાં. ડો. ભટ્ટના અંગત પ્રેમાળ સંબંધોના કારણે તે ઈન્સ્ટિટ્યૂટના તબીબો ખંતપૂર્વક સારવાર માટે હાજર થઈ ગયા હતા. યાંત્રિક ઉપકરણો, ઈન્ટ્રાવિનસ ફ્લ્યુઈડ્ઝ, મોનિટર્સ, સી.ટી. સ્કેનિંગ વગેરે ચાલતું રહ્યું. સી.ટી. સ્કેનનો રિપોર્ટ આવ્યો. ખોપરીમાં વાળ જેટલી બારીક તિરાડ હતી. ખોપરીની અંદર થોડુંક બ્લડ જમા થયું હતું, પણ એ એટલું વધારે ન હતું જે મગજ પર દબાણ કરે. જો બ્લડ કલેક્શન વધારે હોત તો બાની હાલત કથળી શકી હોત. એવી સ્થિતિમાં ખોપરીનું ઓપરેશન કરવું પડ્યું હોત. હોશિયાર અને અનુભવી ન્યૂરોસર્જન ડો. પરિમલ ત્રિપાઠીએ કહ્યું, ‘બાને કોન્ઝર્વેટિવ સારવાર આપવાથી સારું થઈ જશે.’ ખરેખર એવું જ થયું. રાત ઉચાટ અને ઉજાગરા સાથે પૂરી થઈ. બીજા દિવસે સવારે બાને ફરીથી સી.ટી. સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યાં. બીજા રિપોર્ટમાં જાણવા મળ્યું કે વિતેલાં બાર કલાકમાં ખોપરીની અંદરનો રક્તસ્ત્રાવ જરા પણ વધ્યો નથી.બાને પ્રવાહી લેવાની છૂટ આપવામાં આવી. થોડા કલાકો પછી એમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યાં. ત્રીજા દિવસે સવારે છત્રીસ કલાક પૂરા થયા ત્યારે બાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. સામાન્ય રીતે આવી અંગત કટોકટીમાં મિત્રોની હૂંફ સમગ્ર પરિવાર માટે જરૂરી બની જાય છે. ડોક્ટર મિત્રો ડો. ભટ્ટને હિંમત પૂરી પાડતાં રહ્યાં. એ બધાંએ સતત સક્રિય માર્ગદર્શન અને મદદ આપીને ડો. ભટ્ટને ટકાવી રાખ્યાં.હજી આફતનો સિલસિલો સમાપ્ત થયો ન હતો. જે દિવસે બાને ઘરે લાવવામાં આવ્યાં તે જ દિવસે સાંજ સુધીમાં ત્રણ નવી મુસીબતો ત્રાટકી. નાકમાંથી ફ્રેશ બ્લડિંગ ચાલુ થયું, બે વાર વોમિટિંગ થઈ, રાત્રે દેહમાં ટાઢ ઉપડી. ચાર-પાંચ ધાબળા ઓઢાડ્યા પછી પણ ટાઢ શમી નહીં. ડો. ભટ્ટે બીજા ડોક્ટર મિત્રોની સલાહ માગી.એન. એચ. એલ. મેડિકલ કોલેજના નિવૃત્ત ડીન સાહેબ ડો. પંકજભાઈ પટેલે વ્યવહારુ સલાહ આપી, ‘તમે બાને લઈને જ્યાં ગયા હતા એ ખૂબ સારી હોસ્પિટલ છે, પણ એ દૂર આવેલી છે. એસ. વી. પી. હોસ્પિટલનો ન્યૂરોસર્જરી વિભાગ સારો છે. તમામ આધુનિક મશીન્સ ઉપલબ્ધ છે. ન્યૂરોસર્જન ડો. તુષારભાઈ હોશિયાર છે. એમના વિભાગના રિસેડેન્ટ ડોક્ટર્સ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તમે બાને લઈને ત્યાં પહોંચો. હું ડો. તુષારભાઈને જાણ કરું છું.ઈમરજન્સી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સ કેટલાયે ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. એમને જોવાથી ખ્યાલ આવે કે ડોક્ટરોની જિંદગી કેવી અઘરી છે! વિભાગના વડા ડો. ભાવેશભાઈ જરવાણી ખુદ આવીને બાની સારવાર અંગે સૂચનો આપી ગયા. ફરીથી સી. ટી. સ્કેન, બ્લડ ટેસ્ટ્સ, સોનોગ્રાફી એ બધું થયું. બાને ધીમે ધીમે સારું થતું ગયું. સ્પેશિયલ રૂમમાં ચાર-પાંચ દિવસ રહ્યા પછી બા ખાતાં-પીતાં, વાતો કરતાં, થોડું હરતાં-ફરતાં થઈ ગયાં. મરવાની હાલતમાં ગયાં હતાં, જીવતી હાલતમાં ઘરે પાછાં આવ્યાં. આ બધો ખરો પ્રતાપ પેલો ‘ગોલ્ડન અવર’ સાચવી લેવાયો એનો જ ગણાય. (પાત્રોનાં નામ બદલ્યાં છે.) શીર્ષકપંક્તિ : મુનવ્વર રાણા

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:05 am

બુધવારની બપોરે:વાંદરાથી બચવાનો ઉપાય!

કૂ તરાં ઉપર...આઇ મીન, કૂતરાં વિશે આજ સુધી મેં 46 લેખો લખ્યા છે, પણ વાંદરા વિશે તો આ 23-મો લેખ જ છે. એનો અર્થ એવો નથી કે, હું કૂતરાંઓની વધુ નજીક છું. પણ ઓનેસ્ટલી, મને વાંદરાઓ જેટલી કૂતરાંઓની બીક નથી લાગતી. કૂતરાંઓ સાથે એવા કોઇ સામાજીક સંબંધો પણ નથી અને લાઇફમાં એકેય વાર હું કૂતરાંઓને એમના જેવો જ સામો જવાબ નથી આપી શક્યો, એ આપણી ખાનદાની.તોય, ન્યાયની વાત કરું તો મને કૂતરાંની બીક નથી લાગતી, પણ વાંદરાનો તો ફોટો જોઇનેય શર્ટ ઢીલું થઇ જાય છે. એ ગમે ત્યારે ફોટામાંથી દાંત બહાર કાઢીને બચકું તોડી લેશે, એવો ભય લાગે છે.આ મારી એકલાની ક્યાં કહાણી છે? આજકાલ ગુજરાત આખામાં વાંદરાઓનો ફફડાટ છે. એ પાછા એકલદોકલ નથી હોતા. ટોળામાં હોય છે ને એમાંનું કયું આપણી ઉપર કૂદકો મારશે ને ગાલે આ....મોટું બચકું તોડી લેશે, એ આપણી કુંડળીમાંય નથી હોતું. હવે તો આપણી સૉસાયટીમાં સામસામી બન્ને પાળો ઉપર, ગાર્ડન કે રસ્તા ઉપર ક્યાં ઊભા હોય છે, એની ખબર પડતી નથી અને જમ્પ સીધો આપણી ઉપર જ મારશે, એની તો સાત જન્મ સુધી ખબર પડતી નથી. પ્રોબ્લેમ એ છે કે, આપણાથી વાંદરાને સામું બચકું ભરી શકાતું નથી. ભરીએ તો આપણા ને આપણાવાળા ખીજાય કે, ‘તમારે વાંદરા જેવા થવાની શી જરૂર હતી?’ એ 20-25 બેઠા હોય, એમાંથી કોણે આપણી ઉપર જમ્પ માર્યો, તે જાણો તોય શું કરી લેવાના છો? ‘યે ખતા કિસ કી થી? કૂતરું કરડે તો 14-ઈન્જેક્શન લેવાનાં હોય છે, પણ વાંદરા માટે તો ડૉક્ટરોય કહી શકતા નથી કે, આમાં કેટલા લેવાનાં હોય?ઈન ફૅક્ટ, જે ઇલાકામાં વાંદરા બેઠા હોય ત્યાં ડાહ્યા માણસો જવાની હિંમત કરતા નથી, પણ ડાહ્યા માણસો બેઠા હોય ત્યાં વગર આમંત્રણે વાંદરાઓ બેશક પહોંચી જાય છે. અલબત્ત, આપણે હિંમત કરવી જ પડે એમ હોય તો પ્રભુ શ્રીરામનું નામ લેવું ઇષ્ટ છે, કારણ કે હનુમાનજીના આપણે ભક્ત હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વળી ઓળખાણ નીકળે!આવો એક કિસ્સો બની ગયો, એની દર્દનાક કહાણી મારે રજૂ કરવી છે:મારી સૉસાયટીના બે ગૅટ છે. બન્ને ઉપર આ લોકોની કાયમી જમાવટ! હું સોસાયટીની બહાર ઊભો છું. બન્ને બાજુ જઇ આવ્યો પણ જૂની અદાવત હોય એમ એક સામટા મારી સામે જોઇને ઘૂરકિયાં કરે. એ લોકો હટે કે ન હટે, મારું અંદર જવું નિહાયત જરૂરી હતું....અને એવું જરૂરી હોય તો પણ કાંઇ ગાલના ભોગે તો હિંમત ન કરાય ને? વાંદરા મારી નથી નાંખતા, પણ ગાલે આ....મોટો લચકો તોડી લે છે. જે ગાલો ઉપર સદીઓથી હકી અડી નથી, ત્યાં આ લોકો માટે રાજપાટ પાથરવા પડે! હકીની સલાહ યાદ આવી, ‘વાંદરાને બહુ વતાવવા નહિ!’ જવાબમાં મેં થૅન્ક્સ કીધું, તો કહે, ‘તમે શેના થૅન્ક્સ કહો છો....આ સલાહ મેં વાંદરાઓને આપી હતી!’મેં ઝાંપાની બહાર ઊભા રહી નજીકના વાંદરા સાથે મારું અંતર ગણી જોયું. લગભગ 12 ફૂટ ને આઠ ઈંચ થતું હતું. (ભૂલચૂક લેવી દેવી!) સોસાયટીની બહાર જ સબ્જીવાળાની દુકાન છે, ત્યાંથી એક ડઝન કેળાં લીધાં. એક એક કેળું નાંખતો જઇને એક એક આઘું થતું જશે, એ આપણી ગણત્રી! મને કોઇ કહે છે, વાંદરાઓ આપણા પૂર્વજો હતા, ત્યારે દુ:ખી થઇ જઉં છું ને ઝનૂનમાં પહેલાં તો પૂર્વજોને આવડી ને આવડી જોખાવું છું. છતાં ઝાંપે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરને યાદ કરીને એક કેળું પહેલાં વાંદરાને ધર્યું. એણે અજાયબ ઢબે પોતાના પગથી પોતાનો કાન ખણ્યો. મને આમાં ડીસન્સી ન લાગી. તમે વાંદરા છો એટલે ગમે તે પગથી ગમે તે કાન ખંજવાળી શકો? અમારા તો કાન સુધી પગેય ન પહોંચે! જોકે, આ લોકોનું ફૂટવર્ક અદ્્ભુત હોય છે. એ પાછા એ જ પગથી આપણને લાફોય મારી જાય!સ્વામી વિવેકાનંદે એમના પ્રવચનોમાં ‘સંયમ’ને ઘણું મહત્ત્વ આપ્યું હતું, તો હુંય આપું, એવું નક્કી કર્યું. આ લોકો ઉપર સામો ગુસ્સો નહિ કરવાનો! ઉપર બાલ્કનીમાંથી હકી બૂમો પાડતી હતી કે, ‘જલ્દી વિયા આવો...કોઇ દિ વાંઇદરા ભાયળા નથી?’ આ એણે મને કીધું હતું કે વાંદરાઓને, તેની એ વખતે ઝાઝી સમજ ન પડી. આમાં તો વાઇફ સામે, તમે વાંદરાથી ડરી ગયા છો, એવું જાહેર ન થવા દેવાય, એટલે મેં જવાબ આપ્યો, ‘આ લોકો આઘા ખસે પછી આવું ને?’ તો એણે સિક્સર મારી, ‘અરે તમેય સુઉં વાંઇદરાવેડાં કરો છો? ઇ લોકો નો હટે તો તમે હટી જાઓ...આ લોકો હારે આવી જીદું નો હોય!’મારે તો નીચે ને ઉપર બન્ને સ્થળે ખતરો હતો. સોસાયટીવાળાઓય કેમ જાણે મદારી આવ્યો હોય એમ ફ્લૅટની બારીઓ ખોલી, બન્ને હાથ ટેકવીને તમાશો જોતા હતા. એમ નહિ કે મદદે આવીએ! હવે હું પૂરો ગભરાવા માંડ્યો હતો. કૂતરાં હોય તો ‘હઇડ-હઇડ’ કરાય, વાંદરાઓ માટે એવી કોઇ સંજ્ઞા જાણમાં નહોતી.અચાનક મને કંઈક યાદ આવ્યું. બહાર પાર્ક કરેલી ગાડીમાંથી મેં લખેલું પુસ્તક ‘બુધવારની બપોરે’ હલાવી હલાવીને વાંદરાઓને બતાવ્યું. એ લોકો કાચી સેકંડમાં કૂદકા મારતાં મારતાં ભાગ્યા.....હું બચી ગયો!....પછી મને સમજાયું, વાંદરા મારા લેખો નથી વાંચતા.....આઈ મીન, વાંદરાઓ જ મારા લેખો નથી વાંચતા....! સિક્સર- મને એસી વગર ફાવતું નથી!- ઓહ...મને ‘દેસી’ વગર ફાવતું નથી!

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:05 am

બ્લેક એન્ડ વ્હાઈટ:દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું!

ક લ્પના કરી જુઓ કે થોડા દાયકાઓ પછી કોઈ ટુરિસ્ટ મુંબઈના બાંદ્રા વિસ્તારના દરિયાકિનારે જાય ત્યારે કોઈ ગાઈડ તેને કહેતો હોય કે ‘અહીં થોડા દાયકાઓ અગાઉ વીતેલા સમયના સુપરસ્ટાર શાહરુખ ખાનનો મન્નત બંગલો હતો!’ અથવા તો 2100ના વર્ષમાં કોઈ ગાઈડ દક્ષિણ મુંબઈમાં કોઈ ટુરિસ્ટને કહેતો હોય કે ‘અહીં અગાઉ ચર્ચગેટ સ્ટેશન હતું!’ આ કલ્પના હોલિવૂડની કોઈ ફિલ્મની કથા જેવી લાગે છે, પણ થોડા દાયકાઓ પછી આ કલ્પના અત્યંત કડવી વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ જવાની છે!તમે કદાચ યૂ ટ્યૂબ પર ક્યારેક એવા વિડીયોઝ જોયા હશે, જેમાં મુંબઈમાં જુહુના દરિયાકિનારાના ફૂડ સ્ટોલ્સમાં દરિયાનું પાણી ધસી આવતું હોય. આ તો માત્ર ટ્રેલર છે, સમુદ્રોનું પાણી જમીન પર કબજો જમાવશે એ પૂરું (અને ખોફનાક) પિક્ચર થોડા દાયકાઓ પછી જોવા મળશે. અત્યારે જુહુ બીચ પર જે સ્ટોલ્સ છે ત્યાં દરિયો ફરી વળ્યો હશે! 2050 જ સુધીમાં ભારતના જુદા જુદા વિસ્તારોમાં દરિયાકિનારે વસતા કરોડો માણસો ઘર કે જમીન વિહોણાં થઈ ગયા હશે!થોડા દિવસો અગાઉ (જુલાઇ, 2024ના પ્રથમ સપ્તાહમાં) સમાચાર આવ્યા હતા કે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસપાટી વિશ્વમાં સૌથી વધુ અને ભયજનક રીતે વધી રહી છે. વિશ્વના તમામ વિસ્તારોમાં સમુદ્રોની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, પણ બાંગ્લાદેશના સમુદ્રની જળસપાટી પૃથ્વી પરના અન્ય દેશોના દરિયાકાંઠાઓની સરેરાશ કરતાં 60 ટકા વધારે ઝડપથી વધી રહી છે. એને કારણે ઓછામાં ઓછા દસ લાખ રહેવાસીઓ વિસ્થાપિત થશે એવું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ચીનની સ્પેસ એજન્સી ચાયના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સીએનએસએ) દ્વારા એકઠા કરાયેલા સેટેલાઈટ ડેટાના આધારે થયેલા સંશોધનમાં આ વાત બહાર આવી હતી. આ ચોંકાવી દેનારી સ્થિતિ વિષે વૈજ્ઞાનિક સૈફુલ ઈસ્લામે સમાચાર સંસ્થાઓને કહ્યું હતું કે ‘છેલ્લા થોડા દાયકાઓમાં સમુદ્રની જળસપાટીમાં દુનિયાના અન્ય વિસ્તારોમાં પ્રતિ વર્ષ 3.7 મિલીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશના દરિયાકાંઠાઓ વિશેના અમારા અભ્યાસમાં એ તારણ નીકળ્યું છે કે બાંગ્લાદેશના સમુદ્રકાંઠાઓ પર જળસપાટીમા પ્રતિ વર્ષ 4.5 મિલીમીટરથી લઈને 5.8 મિલીમીટર સુધીનો વધારો થઈ રહ્યો છે.’બાંગ્લાદેશના પર્યાવરણ ખાતાના ડિરેક્ટર જનરલ અબ્દુલ હમીદે મે, 2024માં રિપોર્ટ આપ્યો હતો કે ‘અન્ય કેટલાક દેશો પણ બાંગ્લાદેશની જેમ ક્લાઈમેટ ચેન્જની લાંબા ગાળાની અસરોનો અનુભવ કરી રહ્યા છે (એ સંશોધનમાં એવો અંદાજ મૂકાયો છે કે તમામ એશિયન દેશોના સમુદ્રની જળસપાટીમાં થઈ રહેલી વૃદ્ધિ વૈશ્વિક સરેરાશથી 60 ટકા વધારે છે). આ તો બાંગ્લાદેશની વાત છે એમ માનીને વાચકો આ મુદ્દો હળવાશથી ન લે એટલે જ લેખની શરૂઆત મુંબઈથી કરી. બાંગ્લાદેશ જેવું જ જોખમ આપણા દેશના દરિયાકાંઠા પર પણ તોળાઈ રહ્યું છે. બાંગ્લાદેશની જેમ જ ભારતના દરિયાકાંઠે રહેતા કરોડો લોકો પણ 2050 સુધીમાં વિસ્થાપિત થઈ જશે! 2050 સુધીમાં મુંબઈના દરિયાકિનારાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હશે એવી ચેતવણી અમેરિકાના ક્લાઈમેટ સેન્ટ્રલ ગ્રૂપ દ્વારા 2019માં અપાઈ હતી. એ અભ્યાસમાં કહેવાયું હતું કે 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. એને કારણે પૃથ્વીના તમામ દરિયાઈ વિસ્તારોમાં દરિયાની સપાટી ઉપર આવી જશે અને દરિયાઈ વિસ્તારોમાં રહેતા કરોડો લોકોએ એની કિંમત ચૂકવવી પડશે. માત્ર મુંબઈની જ વાત કરીએ તો 2050 સુધીમાં મુંબઈ અને આજુબાજુના વિસ્તારના એક કરોડ લોકોને દરિયાની સપાટી વધવાને કારણે અસર થશે એટલે કે તેમણે તેમનાં ઘરો છોડીને બીજે સ્થળાંતર કરી જવું પડશે!ગુજરાતના વાચકોને કદાચ એમ થાય કે આપણા સુધી (દરિયાના) પાણીનો રેલો નહીં આવે તો આ જાણી લો: 2050 સુધીમાં ગુજરાત, કેરાલા, પશ્ચિમ બંગાળ સહિત જ્યાં દરિયાકિનારો છે એવાં બીજાં રાજ્યો પર પણ આવી આફત આવશે. આપણા દેશના કુલ 3 કરોડ, 60 લાખ નાગરિકોએ ઘરબાર વિહોણા બનવું પડશે (અત્યાર સુધી જે અભ્યાસ થયા એમાં એવું અનુમાન મૂકાયું હતું કે સમુદ્રની સપાટી વધવાને કારણે ભારતમાં 50 લાખ માણસોને અસર પહોંચશે. પરંતુ હવે એ જોખમ સાત ગણું વધી ગયું છે)! ક્લાઇમેટ સેન્ટ્રલ ગ્રૂપના અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની 30 કરોડ વ્યક્તિઓએ દરિયાનું તાપમાન વધવાની અસર ભોગવવી પડશે. એટલે કે તેમણે બેઘર બની જવું પડશે અને બીજે ક્યાંક રહેવા જવું પડશે!વીસમી સદીની શરૂઆતથી એટલે કે 1901થી અત્યાર સુધીમાં સમુદ્રોની સપાટી બાર સેન્ટિમીટર જેટલી વધી છે. અને એમાંય 1993થી 2024 દરમિયાન આ સપાટી વધુ સ્તર પર ઊંચકાઈ છે. હવે એવો અંદાજ મૂકાઈ રહ્યો છે કે 2050 સુધીમાં આ સ્થિતિ અતિ ગંભીર બની જશે. અને એ ઉપરાંત પણ બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. સમુદ્રોની જળસપાટી વધવાનું કારણ કાર્બન ડાયોક્સાઈડનું બેફામ ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફાચ્છાદિત પર્વતો પીગળી રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે. એન્ટાર્કટિકામાંથી પણ બરફનું પાણીમાં રૂપાંતર થઈ રહ્યું છે. એને કારણે દરિયાની સપાટી વધવાને કારણે આપણા મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોની જેમ જાકાર્તા, શાંઘાઈ, વેનિસ, હ્યુસ્ટન, હેનોઈ સહિત વિશ્વનાં અનેક મોટાં શહેરો પર પણ અકલ્પ્ય અસર થશે.આ અગાઉ ઓક્ટોબર, 2019માં અમેરિકાની ક્લાઈમેટ સેન્ટ્રલ એજન્સીએ એક અભ્યાસનાં તારણો જાહેર કર્યાં હતાં જે વિશ્વવિખ્યાત નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયાં હતાં. એ વિશે ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક રિપોર્ટ છપાયો હતો. એ રિપોર્ટમાં કહેવાયું હતું કે જો કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં કાપ નહીં મૂકાય તો 2050 સુધીમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોના ઘણા વિસ્તારો પર પાણી ફરી વળશે. એ સ્ટડીમાં કહેવાયું હતું કે મુંબઈની જમીનનો ઘણો હિસ્સો 2050 સુધીમાં દરિયાનાં પાણી નીચે ડૂબી જાય એવો ખતરો છે.આપણે જે રીતે પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છીએ એનાં પરિણામો આપણી આવનારી પેઢીએ ચૂકવવા પડશે. (શીર્ષક સૌજન્ય: સૌમ્ય જોશી)

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:05 am

ઈમિગ્રેશન:EB-1 વિઝાથી ગ્રીનકાર્ડ કોને મળી શકે?

રમેશ રાવલ સવાલ : હું પેથોલોજીસ્ટ ડોક્ટર છું અને મારી પત્ની એનેસ્થેટિસ્ટ છે. અમારાં બાળકો અમેરિકાના સિટીઝન છે. અમને બંનેને જાન્યુઆરી 2024માં ગ્રીનકાર્ડ મળેલ છે અને ગ્રીનકાર્ડ મળ્યા પછી અમે બંને અમેરિકા જઈને 20 માર્ચ, 2024માં ભારત પાછાં આવ્યાં છીએ. મારી પત્નીની માંદગીને લીધે તેમજ મારી બે મોટી અપરિણીત બહેનોની એમ ફેમિલીની જવાબદારીને લીધે અમે અમેરિકામાં વધુ સમય રહેવા માગતા નથી, તો ગ્રીનકાર્ડ ચાલુ રાખવા માટે થોડા સમય અમેરિકામાં રહેવું જોઈએ કે રીટર્નિંગ વિઝા લેવા જોઈએ કે પછી ગ્રીનકાર્ડ પરત કરીને વિઝિટર વિઝા લેવા જોઈએ?- ડોક્ટર રોહિત ઓઝા, વડોદરાજવાબ : તમારી વિગતો જોતા મારા અભિપ્રાય પ્રમાણે તમે ભારતમાં જ સારી રીતે સેટલ થયા હોવાથી અને ફેમિલીની જવાબદારી હોવાથી ગ્રીનકાર્ડ સરેન્ડર કરીને વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી શકાય અથવા જો ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો અમેરિકામાં વધુ સમય માટે રોકાઈને ભારતમાં બે વર્ષ સુધી રહી શકાય તેવી પરમીટ લઈ શકાય. જો સિટીઝન થવું ના હોય તો 360 દિવસ ભારતમાં રહીને પાછાં અમેરિકા જઈ શકો છો.સવાલ : મારા પુત્રને માસ્ટર્સ ડિગ્રી મળ્યા પછી હાલમાં તેના એમ્પ્લોયરે H-1B વિઝા માટે એપ્લાય કર્યું હતું અને લોટરીમાં તેનું સિલેક્શન થયું છે. તો હવે લોયર પિટિશન ફાઈલ કરે તો તેને H-1‌B વિઝા ચોક્કસ મળી શકે ખરા?- અજણ કાનાણી, અમદાવાદજવાબ : ના, H-1B વિઝા ચોક્કસ એપ્રૂવલ થાય તેવું નથી. આ વિઝા એપ્રૂવ કરાવવા હોય તો જે તે કંપનીના એટર્નીએ કેટલાક ડોક્યુમેન્ટ્સ ફોર્મ સાથે અનેક બાબતોની રજૂઆત કરવી પડે. જો પિટિશન એપ્રૂવ થાય તો ઈન્ટરવ્યૂમાં સફળતા મળે તો જ વિઝા મળે. આ બધું કામ કંપની દ્વારા કરાય છે.સવાલ : હું કેનેડિયન ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ છું. હું અમેરિકામાં કામ કરી શકું? શું મને ગ્રીનકાર્ડ મળે?- જીન્કલ પટેલ, અમદાવાદજવાબ : ના. તમે અમેરિકામાં સીધેસીધા કામ કરી શકો નહીં કે ગ્રીનકાર્ડ મળે નહીં. અમેરિકામાં કામ કરવા તમને કોઈ કંપનીએ જોબ આપવી પડે. ત્યાર પછી જોબ મળી હોય અને લોટરીમાં તમારો નંબર લાગે પછી જ ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરી શકાય. જો તમારા બ્લડ રીલેટિવ અમેરિકાના સિટીઝન હોય અથવા અમેરિકન સિટીઝન છોકરી સાથે લગ્ન થાય તો ગ્રીનકાર્ડ મળી શકે. તે સિવાય બીજા વિકલ્પ છે.સવાલ : હું હાલમાં. બી.ઈ. સિવિલ એન્જિનિયરિંગમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. મારે માસ્ટર્સ ડિગ્રી કરવા માટે જવું હોય તો કઈ યુનિવર્સિટીઝ TOEFL-IELTS કે GRE અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પ્રીફર કરે છે અને કેટલા બેન્ડ/માર્ક્સ જોઈએ? માસ્ટર્સ માટે ઓસ્ટ્રેલિયા અથવા અમેરિકા કયા કન્ટ્રીમાં જવાય?- ખુશી ભટ્ટ, ભાવનગરજવાબ : માસ્ટર્સ માટે અમેરિકામાં સ્ટડી કરવો હિતાવહ છે. જ્યારે તેમાં સ્ટુડન્ટ વિઝા મળવા માટે અહીંના ગ્રેજ્યુએશનના સારા માર્ક્સ આવવા જોઈએ. વિઝા સહેલાઈથી મળવા મુશ્કેલ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી GRE વગેરેનો આગ્રહ રાખે કે પરીક્ષા બહુ સારા બેન્ડ/માર્ક્સ સાથે પાસ કરવી જોઈએ એ દરેક યુનિવર્સિટીની પરીક્ષાની પસંદગી અલગ અલગ હોય છે. બંને દેશના સ્ટુડન્ટ વિઝા માટે ઈન્ટરવ્યૂમાં પૂછાતા સવાલ-જવાબ તથા ડોક્યુમેન્ટેશનની પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ.સવાલ : અમેરિકાના EB-5 વિઝા લેવા માટે મુખ્ય કઈ શરતો છે?- જયંતીભાઈ પટેલ, અમદાવાદજવાબ : આ વિઝા ઈન્વેસ્ટર્સ વિઝા છે, જેના દ્વારા ફેમિલીને ગ્રીનકાર્ડ મળી શકે છે. આ વિઝા માટે કાયદેસરના 8 લાખ ડોલર્સ અમેરિકામાં રોકવા પડે, જેમાં અમેરિકાની 10 વ્યક્તિઓને જોબ આપવી પડે. આ બાબતમાં તેની પિટિશન અમેરિકામાંથી જ તેના એક્સપર્ટ એટર્ની દ્વારા ફાઈલ કરવી પડે, જેમાં ઘણું પેપરવર્ક, ડોક્યુમેન્ટ્સ તથા પરફેક્ટ ફાઈલિંગ થવું જરૂરી છે.સવાલ : F-1 વિઝાની રીફ્યુઝલ ડેઈટ ક્યારે ખુલશે?- કૃણાલ રાવલ, અમદાવાદજવાબ : F-1 વિઝાની રીફ્યુઝલ ડેઈટ હોય નહીં. તમે તે કેટેગરી ક્યારે ખુલશે તેવું પૂછવા માગતા હો તેવું લાગે છે. F-1 વિઝા ફેમિલી બેઈઝ વિઝા છે તેમજ તે સ્ટુડન્ટ વિઝા પણ છે. તેની સાથે પૂરી માહિતી જેવી કે કઈ કેટેગરી છે, ફાઈલ ડેઈટ અને એપ્રૂવલ ડેઈટ કઈ છે વગેરે પૂરી માહિતી આપશો પછી જ અભિપ્રાય આપી શકાય. જો F-1 વિઝા અમેરિકાના સિટીઝન અપરિણીત પુત્ર કે પુત્રી માટે ફાઈલ કરેલા હોય તો હાલમાં પ્રાયોરિટી ડેઈટ સપ્ટેમ્બર 2019 ચાલે છે. જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અલગ પ્રોસીજર છે. સવાલ : EB-1 વિઝા કોને મળે અને શું તે ઈમિગ્રેશન વિઝા છે?- મેહુલ પટેલ, મુંબઈજવાબ : આ વિઝા ઈમિગ્રેશન વિઝા છે, જેની લાયકાત અર્થાત્ ક્વોલિફિકેશન અને આ વિઝા કઈ-કઈ વ્યક્તિઓ માટે છે તે આ મુજબ છે: 1. Priority workers with extraordinary ability, 2. Outstanding researchers, 3. Professors, 4. Certain multinational executives and managers. ટૂંકમાં તમારી આવડત એકદમ બેસ્ટ અને શ્રેષ્ઠ હોય તેમજ તમારા ફીલ્ડમાં તમે એડવાન્સ ડિગ્રી સાથે Exceptional Ability એટલે કે એક અસાધારણ વ્યક્તિ હો તો ચોક્કસ એપ્લાય કરી જ શકાય. બીજું કે, જો પિટિશન મંજૂર થાય તો તમને ગ્રીનકાર્ડ મળવાની શક્યતા પણ છે જ. અને હા, પિટિશન કરનાર અમેરિકાના એમ્પ્લોયર હોવા જોઈએ કે કંપની હોવી ફરજીયાત છે.સવાલ : મારા મામાએ 1990માં મારા મધર અને અમારા માટે પિટિશન ફાઈલ કરેલી, પરંતુ મારા મધરનું અચાનક અવસાન થયું છે. હવે જો હું વિઝિટર વિઝા માટે એપ્લાય કરું તો શું મારે ફોર્મમાં સગાં-સંબંધીનાં નામ જણાવવા જોઈએ કે પછી નામ ન જણાવું તો ચાલે?- કામેશ મહેતા, વડોદરાજવાબ : હા, વિઝા ફોર્મમાં તમારા સગાં-સંબંધીનાં નામ તેમજ ઈમિગ્રેશન પિટિશન 1990ની બાબત પણ જણાવવી જ જોઈએ. આ ઉપરાંત મધરનું અવસાન થયું છે તે પણ જણાવવું જોઈએ.સવાલ : મારો પુત્ર પાંચમા ધોરણમાં અમેરિકા વિઝિટર વિઝા ઉપર ગયો હતો. એ સમયે તેના ફોઈએ ગાર્ડિયનશિપ દ્વારા ગ્રીનકાર્ડ અપાવેલું. ત્યાર બાદ તે પાંચ વર્ષ ત્યાં જ રહ્યો અને 2022માં સિટીઝન થયો છે. તો તે પેરેન્ટ્સ માટે પિટિશન ફાઈલ કરી શકે?- રમીલા પટેલ, અમદાવાદજવાબ : ગાર્ડિનયશિપની પ્રોસેસમાં તમે સંમતિ આપેલી કે નહીં તેમજ તે અંગેની કાર્યવાહી તથા તેમાં થયેલા ઓર્ડર જોયા પછી અભિપ્રાય આપી શકાય. જો હાલમાં તેની ઉંમર 21 વર્ષ ઉપર થઈ ગઈ હોય તો ત્યાંના ઈમિગ્રેશન લોયરની સલાહ લઈને પિટિશન ફાઈલ કરવી જોઈએ. (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:05 am

અંબાણી પરિવારનો પ્રસંગ આ મહિલાઓ વગર અધૂરો!:નીતા અંબાણીનો આગવો વટ ને નાની વહુ રાધિકા લાગે છે રાજકુમારી જેવી, કોણ તૈયાર કરે છે?

અનંત અંબાણી ને રાધિકા મર્ચન્ટનાં લગ્નનાં ફંક્શન- મામેરાની વિધિથી શરૂ થઈ. ત્યાર બાદ ગરબા નાઇટ, સંગીત સેરેમની, ગ્રહશાંતિ, શિવપૂજા સહિતનાં વિવિધ ફંક્શન્સ યોજાયાં. અંબાણી પરિવારના લગ્ન લાર્જર ધેન લાઇફ જેવા હોય છે. જોકે બહુ ઓછા વાચકોને ખ્યાલ હશે કે અંબાણીનો કોઈપણ પ્રસંગ આ બે મહિલા વગર ક્યારેય પૂરો થતો જ નથી. અંબાણી પરિવારની વહુઓ ને દીકરીને આ બે મહિલા જ તૈયાર કરે છે. અમે વાત કરી રહ્યા છે મહેંદી-આર્ટિસ્ટ વીણા નાગડા તથા સાડી ડ્રેપર ડૉલી જૈનની. આ ઉપરાંત રાધિકાને પ્રી-વેડિંગ સેરેમનીથી લઈ અત્યારસુધીનાં ફંક્શનમાં તૈયાર કરનાર શેરીન સિક્કા છે. શેરીન જામનગર હોય કે ફ્રાંસ કે પછી લગ્નનાં વિવિધ ફંક્શન...તમામે તમામ પ્રસંગોમાં શેરીને જ રાધિકાનો લુક નક્કી કર્યો હતો. સૌ પહેલા વાત કરીએ મહેંદી-આર્ટિસ્ટ વીણા નાગડાની...નીતા અંબાણીના ત્યાં નાનકડો શુભ પ્રસંગ હોય અને હાથમાં મહેંદી મૂકવાની હોય તો વીણા નાગડા જ મહેંદી મૂકે છે. અંબાણીનો કોઈપણ પ્રસંગ વીણા વગર અધૂરો ગણાય છે. આજે જે સ્થાને વીણા છે ત્યાં પહોંચવામાં તેણે ખાસ્સો એવો સંઘર્ષ કર્યો હતો. મુંબઈમાં ગુજરાતી જુનવાણી કચ્છી જૈન પરિવારમાં વીણા નાગડાનો જન્મ થયો. પાંચ બહેનોમાંથી સૌથી નાની વીણા. માતા હાઉસવાઇફ તો પિતા પૂજારી હતા. પરિવાર રૂઢિચુસ્ત હોવાને કારણે વીણા 10 ધોરણ સુધી જ ભણી શકી. ઘરમાં કંઈ ખાસ કામ ના હોવાથી વીણા સાડીમાં એમ્બ્રોઇડરીનું કામ કરતી. આ દરમિયાન વીણાને મહેંદી શીખવાનો વિચાર આવ્યો ને તે ઘરે બેસીને પોતાની રીતે મેંદી શીખી. વીણા અડોશપડોશમાં લગ્ન કે સગાઈ હોય તો મહેંદી મૂકવા જતી. આ રીતે ધીમે ધીમે વીણાનું નામ આસપાસના વિસ્તારમાં ઘણું જ જાણીતું બન્યું. લોકોને વીણાની મહેંદીની ડિઝાઇન ઘણી જ ગમવા લાગી. નાની ઉંમરે જ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યુંવીણાની ઉંમર આ સમયે માત્ર 17 વર્ષની હતી. વીણાએ મહેંદીમાં જ પોતાની કરિયર બનાવવાનું નક્કી કર્યું. વીણાએ મહેંદી ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કર્યું. નાની ઉંમરમાં જ વીણાને એક પછી એક સફળતા મળતી ગઈ. 1988માં વીણાને પહેલી જ વાર બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોને હાથમાં મહેંદી મૂકવાનું કહ્યું. વીણાની પહેલી સેલિબ્રિટી કસ્ટમર પૂનમ ધિલ્લોન હતી. વીણાને ધીમે ધીમે બોલિવૂડ સેલેબ્સના લગ્નના ઓર્ડર મળવા લાગ્યા. વીણાએ બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સંજય ખાનની મોટી દીકરી ફરાહ અલી ખાનના લગ્નમાં મહેંદી મૂકી હતી. ત્યાર બાદ વર્ષ 2000માં બોલિવૂડ સ્ટાર હૃતિક રોશનના લગ્નમાં મહેંદી મૂકવાનો ઓર્ડર મળ્યો. વીણાએ હૃતિક ને સુઝાનને મહેંદી મૂકી. આ લગ્નથી વીણા બોલિવૂડમાં લોકપ્રિય થઈ ગઈ. આ લગ્ન બાદ બોલિવૂડ સ્ટાર્સના મોટા ભાગનાં લગ્નમાં મહેંદી તો વીણા જ મૂકતી. વર્ષ 2002માં બેલ્જિયમમાં ગુજરાતી એવા ડાયમંડ કિંગ વિજય શાહના દીકરા-દીકરીનાં લગ્નમાં વીણાએ મહેંદી મૂકી હતી. આ સેલેબ્સના લગ્નમાં વીણાએ મૂકી છે મહેંદી વીણાએ પછી કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સનાં લગ્નમાં મહેંદી મૂકી. રાની મુખર્જી ને દીપિકા પાદુકોણનાં લગ્નમાં વીણા પોતાની ટીમ સાથે ઇટાલી ગઈ હતી. વરુણ ધવન-નતાશા દલાલ, સિદ્ધાર્થ-કિઆરા અડવાણી, કપિલ શર્મા-ગિની ચતરથ, કેટરીના કૈફ-વિકી કૌશલ, કાજલ અગ્રવાલ, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, અંકિતા લોખંડે, સૃષ્ટિ રોડે, સાઉથ સુપરસ્ટાર રામચરણનાં લગ્નમાં પણ તેમણે જ મહેંદી મૂકી હતી. હોલિવૂડ સ્ટાર લિઝ હર્લીએ ભારતીય બિઝનેસમેન અરુણ નાયર સાથે લગ્ન કર્યા ત્યારે લિઝના હાથમાં તેમણે જ મહેંદી મૂકી હતી. વીણાએ ફિલ્મ કે શુભ પ્રસંગે આ સેલેબ્સને હાથમાં મહેંદી મૂકી આપી છેકરીના કપૂર, કલ્કિ કેકલાં, અમૃતા અરોરા, મલાઇકા અરોરા, હેમા માલિની, એશા દેઓલ, ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કાપડિયા, શર્મિલા ટાગોર, કાજોલ, પ્રિયંકા ચોપરા, ઝરીન ખાન, ફરાહ ખાન, માધુરી દીક્ષિત, આશા ભોંસલે, એકતા કપૂર, જયા પ્રદા સહિતનાં અગણિત સ્ટાર્સના હાથમાં કોઈ ને કોઈ શુભ પ્રસંગે મહેંદી મૂકી છે. વીણાના ક્લાયન્ટ્સમાં કપૂર પરિવાર, અમિતાભ બચ્ચન, સોનુ નિગમ સામેલ છે. બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરની પત્ની સુનીતા વર્ષોથી દર વર્ષે કરવાચોથનું ભવ્ય સેલિબ્રેશન પોતાના ત્યાં રાખે છે. આ પ્રસંગે વીણા મહેંદી મૂકવા માટે અચૂકથી હાજર હોય. સ્વ. બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી પણ દર વર્ષે કરવાચોથના દિવસે વીણા પાસે જ મહેંદી મુકાવતાં. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના લગ્ન હતા ત્યારે વીણાએ જ ક્રિકેટરના હાથમાં મહેંદી મૂકી હતી. અનેક ફિલ્મમાં વીણાની મહેંદીની ડિઝાઇનવીણાએ 'ફૂકરે 3', 'ડ્રીમ ગર્લ 2', 'બવાલ', 'કભી ખુશી કભી ગમ', 'કલ હો ના હો', 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની', 'પટિયાલા હાઉસ', 'ગોડ તુસ્સી ગ્રેટ હો', 'યુ, મી ઔર હમ', 'મેરે યાર કી શાદી હૈ', 'યે જવાની હૈ દીવાની', 'વીરે દી વેડિંગ'​​​​​​​, '​​​​​​​રાઝી'​​​​​​​ સહિતની અનેક ફિલ્મના વેડિંગ સીનમાં એક્ટ્રેસિસના હાથમાં વીણાએ જ મહેંદી મૂકી હતી. આટલું જ નહીં, ફાલ્ગુની પાઠકના મ્યુઝિક આલ્બમ '​​​​​​​મૈંને પાયલ હૈ છનકાઈ'​​​​​​​માં પણ વીણાના હાથની મહેંદી જોવા મળી હતી. કરન જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'​​​​​​​ના ગીત '​​​​​​​ચન્ના મેરેયા'માં​​ રણબીરના હાથમાં જે મહેંદી જોવા મળે છે એ વીણાએ જ મૂકેલી છે. વીણાએ અલગ-અલગ મહેંદી ડિઝાઇન બનાવીવીણાને સૌથી ઝડપથી મહેંદી મૂકવા બદલ ઇન્ટરનેશનલ લેવલ પર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. મહેંદી ડિઝાઇનમાં વીણાની ક્રિએટિવિટી જોઈને અનેકને આશ્ચર્ય થાય છે. વીણાએ બ્રાઇડલ મહેંદી, નેલ આર્ટ, શેડેડ મહેંદી, હીરા-મોતી મહેંદી, સ્ટોન મહેંદી મૂકવામાં મહારથ મેળવી છે. માત્ર દેશમાં નહીં, વિદેશમાં પણ જાય છેવીણા દેશની વાત કરીએ તો દિલ્હી, જયપુર, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા સહિત વિવિધ રાજ્યોમાં ગઈ છે. વિદેશની વાત કરીએ તો બાલી, બેંગકોક, હોંગકોંગ, મલેશિયા, બેલ્જિયમ, ગ્રીસ, હોલેન્ડ, લંડન, મોરેશિયસ, પેરિસ, ફુકેટ, સિંગાપોર, તૂર્કી, અમેરિકા સહિત વિદેશના વિવિધ શહેરોમાં વીણાના ક્લાયન્ટ્સ છે. 60 હજારથી વધારે સ્ટુડન્ટ્સને ટ્રેઇન્ડ કર્યાવીણાએ અત્યાર સુધીમાં 60 હજારથી વધુ સ્ટુડન્ટ્સને મહેંદીની કળામાં ટ્રેઇન્ડ કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં વીણાએ ફી અંગે વાત કરતા કહ્યું હતું, દુલ્હનના હાથ-પગમાં મહેંદી મૂકવાની ફી 3000-7000ની વચ્ચે હોય છે. બ્રાઇડલ ઉપરાંત અન્ય કોઈને મહેંદી મુકાવવાની હોય તો તે એક હાથમાં મહેંદી મૂકવાના 100 રૂપિયા લેતી હોય છે. વધુમાં સેલેબ્સ જ્યારે લગ્ન માટે ઇન્વાઇટ કરે છે ત્યારે તે મહેંદી મૂકવાની ફી અંગે કોઈ વાત કરતી નથી. સેલેબ્સ જે પૈસા આપે તે લઈ લે છે. નીતા અંબાણીના દરેક પ્રસંગમાં વીણા નાગડા નીતા અંબાણીના ત્યાં વીણા આજકાલથી નહીં, વર્ષોથી જાય છે. નવરાત્રિ, ગણેશોત્સવ જેવા શુભપ્રસંગોએ અંબાણી પરિવાર મહેંદી મુકાવતો હોય છે ત્યારે વીણાને જ યાદ કરવામાં આવે છે. ઈશા અંબાણી, આકાશ અંબાણીની પ્રી વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ તથા વેડિંગમાં વીણાએ જ મહેંદી મૂકી છે. અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં હતી ત્યારે વીણાએ જ અંબાણી પરિવારના હાથોમાં મહેંદી મૂકી હતી. હવે જ્યારે રાધિકા મર્ચન્ટનાં લગ્ન છે ત્યારે અંબાણી પરિવારની વહુઓ ને દીકરીઓના હાથમાં વીણા જ મહેંદી મૂકશે. વાત હવે ડૉલી જૈનની કરીએ.... અંબાણીના ઘરમાં પ્રસંગ હોય ત્યારે જે રીતે વીણા નાગડાની હાજરી જરૂરી છે તે જ રીતે ડૉલી જૈન પણ અચૂક હોય જ. ડૉલી જૈન સાડી પહેરાવવામાં માહેર છે. ડૉલીને બે દીકરીઓ રતિકા તથા અન્યા છે. ડૉલીની મોટી દીકરી રતિકા જ્યારે આઠ મહિનાની હતી ત્યારથી તેણે કામ શરૂ કર્યું. ડૉલીના સંઘર્ષની વાત કરીએ તો તે માત્ર છ ધોરણ સુધી ભણેલી છે. સાતમા ધોરણમાં કેટલીક મુશ્કેલીઓ આવતા તેણે અભ્યાસ છોડી દીધો. તેને આગળ ભણવાની ઈચ્છા હતી, પરંતુ કેટલાક કારણોસર તે વધુ ભણી શકી નહીં. નાનપણમાં સાડી પ્રત્યે ઘણો જ પ્રેમ હતોડૉલી જૈને કહ્યું હતું, 'મને આજે પણ યાદ છે કે હું મમ્મીની સાડીના ટુકડાઓની સાડી બનાવીને ઢીંગલીને પહેરાવતી. હું ઈચ્છતી કે મારી ઢીંગલીનો લુક મારાં મમ્મી જેવો લાગે. મને ત્યારે સાડી ઘણી જ ગમતી હતી. જોકે, ત્યારે ખ્યાલ નહોતો કે એક દિવસ હું સાડીને જ નફરત કરવા લાગીશ.' નાનપણમાં અલગ અલગ જગ્યાએ રહીડૉલી જૈનના પિતાની ટ્રાન્સફરેબલ જૉબ હોવાને કારણે પરિવાર ભારતનાં વિવિધ શહેરોમાં રહ્યો. ડૉલી રાંચી, ઊટી, કોલકાતા, તમિળનાડુ, બેંગલુરુમાં મોટી થઈ. પરિવાર મોડર્ન હોવાથી ડૉલીને કપડાં અંગે ક્યારેય રોકટોક નહોતી. 20 વર્ષની ઉંમરે લગ્નડૉલી જૈન જ્યારે 20 વર્ષની હતી ત્યારે તેના લગ્ન રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાં નવીન જૈન સાથે થયા. જીન્સ-ટી શર્ટ પહેરતી ડૉલીને જ્યારે સાસરે ફરજિયાત સાડી પહેરવાની આવી તો તેને મુશ્કેલી પડતી. રૂઢિચુસ્ત પરિવારમાં લગ્ન થયા બાદ ડૉલીને સાસુમા ક્યારેય કુર્તા કે જીન્સ પહેરવા દેતા નહીં. લગ્ન બાદ ઘણીવાર ડૉલીને સાડી પહેરવામાં ક્યારેક 45 મિનિટ તો ક્યારેક કલાક થઈ જતો. રોજ આ રીતે સાડીમાં સમય લાગતા ડૉલીને સાડી પર નફરત થઈ ગઈ હતી. તેને મનમાં ગુસ્સો આવતો કે તેનાં સાસુ આટલાં જૂનવાણી કેમ છે અને સમજતા કેમ નથી? તેણે સાસુમાને ઘણીવાર સાડીને બદલે કુર્તા પહેરાવા દેવાનું કહ્યું, પરંતુ તે માન્યા જ નહીં. જોકે, ડૉલીને ધીમે ધીમે સાડી ગમવા લાગી અને તે અવનવી રીતે સાડી પહેરવા લાગી. આસપાસના લોકો ડૉલીની સાડી પહેરવાની રીતના વખાણ પણ કરતા. જ્યારે સાસુમાએ ડ્રેસ પહેરવાની પરવાનગી આપી ત્યાં સુધીમાં ડૉલીને સાડી પ્રત્યે અતૂટ લગાવ થઈ ચૂક્યો હતો. ડૉલીના મતે, તેના પરિવારની કોઈ મહિલાએ ક્યારેય કરિયર બનાવી નહોતી ને ક્યારેય પૈસા માટે બહાર જઈને કામ કર્યું નહોતું. ડૉલી માટે આ અંગે વિચારવું જ મુશ્કેલ હતું. 2006માં ડૉલીએ પહેલી જ વાર આસપાસમાં કોઈકને સાડી પહેરવામાં મદદ કરી હતી. વાત એવી હતી કે ડૉલીની બાજુ આવેલા ઘરમાં બેથી ત્રણ દીકરીઓના લગ્ન હતા તો તેમના પરિવારે ડૉલીને દીકરીઓને સાડી પહેરતા શીખવવાનું કહ્યું. ડૉલીએ આમ કર્યું, પરંતુ તેને ત્યારે ક્યારેય એવો વિચાર ના આવ્યો કે આ પ્રોફેશન પણ થઈ શકે છે. મામા મુંબઈ રહેતા હતાડૉલી જૈનના મામા મુંબઈમાં જે બિલ્ડિંગમાં રહેતા તેમાં જ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું ઘર હતું. એકવાર શ્રીદેવીના ઘરે પાર્ટી હતી અને ત્યારે ડૉલી મામાના ઘરે હતી તો તે પણ સાથે ગઈ. પાર્ટીમાં શ્રીદેવીની સાડીમાં કંઈક પડી ગયું તો તે સાડી બદલવા રૂમમાં ગયાં. ડૉલી પણ તેમની પાછળ પાછળ ગઈ અને મદદ કરવાનું કહ્યું. જોકે, શરૂઆતમાં શ્રીદેવીએ ના પાડી, પરંતુ ડૉલીએ અતિ આગ્રહ કર્યો તો તે માની ગયાં. જ્યારે ડૉલી સાડીની પાટલી લેતી હતી ત્યારે શ્રીદેવી એકધારી નજરે તેને જોતા હતા. આ જોઈને ડૉલી શરૂઆતમાં તો ડરી ગઈ પણ તેણે શાંતિથી પોતાનું કામ પૂરું કર્યું. સાડી પહેર્યા બાદ શ્રીદેવીએ ડૉલીના ઘણા જ વખાણ કર્યા ને એમ પણ કહ્યું કે તેણે સાડી ડ્રેપિંગને પ્રોફેશન બનાવવું જોઈએ. શ્રીદેવીને કારણે જ તે આ ફિલ્ડમાં આવી. શ્રીદેવીએ જ્યારે આ ફિલ્ડમાં જવાનું કહ્યું તે ક્ષણથી તેનું જીવન બદલાઈ ગયું. શ્રીદેવીની વાત સાંભળ્યા બાદ ડૉલી કોલકાતા પરત ફરી. તેણે પોતાના મનની વાત પિતાને કહી. અલબત્ત, ડૉલીના મિત્રો ને સાસરીયાને તેની વાત પર વિશ્વાસ જ નહોતો કે સાડી પહેરાવવાનો પણ કોઈ બિઝનેસ હોય. જોકે, ડૉલીને પિતાએ કહેલી વાત ગાંઠે બાંધી ને નક્કી કર્યું કે દરેક કામ સારું જ હોય છે. જો તમે તમારા કામને સારી રીતે જોશો તો એક ચોક્કસ જગ્યાએ પહોંચી શકશો, પરંતુ તમે જો તમારા કામને નાનું સમજશો તો દુનિયા ગમે તેમ બોલશે. સમાજે ઘણી મજાક ઉડાવીડૉલી કહે છે, '​​​​​​​સમાજે મારી ઘણી જ મજાક ઉડાવી હતી. આસપાસના લોકો એવું કહેતા કે હું સમય બરબાદ કરી રહી છું. ઘણા લોકો મને પાગલ પણ કહેતા ને એવું સંભળાવતા કે આ રીતે સાડી પહેરાવીને હું કંઈ પૈસા કમાઈ શકીશ નહીં. જોકે, મેં આ તમામ લોકોને ખોટાં પાડ્યા ને મારી પોતાની આગવી ઓળખ બનાવી.' પહેલીવાર 250 રૂપિયા મળ્યા હતાડૉલીએ જ્યારે પહેલીવાર સાડી પહેરાવી ત્યારે તેને 250 રૂપિયા મળ્યા હતા. તેની પહેલી ક્લાયન્ટ છત્તીસગઢના રાયપુરના જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટની પત્ની પ્રભા અગ્રવાલ હતા. પ્રભાએ ડૉલીને સાડી વર્કશોપમાં સાડી પહેરાવતા જોઈ હતી અને તેનું કામ ઘણું જ ગમ્યું હતું. પ્રભાના દીકરાના લગ્ન હૈદરાબાદમાં હતા. ડૉલીએ તે સમયે આખા દિવસની દસ હજાર રૂપિયા લીધા હતા. આખા દિવસમાં ડૉલીએ 60 જેટલી મહિલાઓને સાડી પહેરાવી હતી. 2013માં પહેલી જ વાર નીતા અંબાણી સાથે કામ કર્યું2013માં જાણીતા ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલાએ ડૉલી જૈનનું કામ જોયું. ડૉલીએ કહ્યું હતું, 'હું લગ્નમાં દુલ્હનને એકદમ ભારે દુપટ્ટા ને સાડી સરળતાથી પહેરાવી શકતી હતી. ડિઝાઇનર સંદીપ ખોસલાએ મારું કામ જોયું હતું અને તે ઘણા જ ઇમ્પ્રેસ થયા હતા.'​​​​​​​ સંદીપે જ નીતા અંબાણીના 50મા જન્મદિવસના સેલિબ્રેશનમાં ડૉલી જૈનને કામ આપ્યું. નીતા અંબાણીનો પહેલી નવેમ્બર, 2013ના રોજ 50મો જન્મદિવસ હતો. આ પાર્ટીમાં અનેક જાણીતા સેલેબ્સ ને બિઝનેસમેન આવ્યા હતા. આ તમામે ડૉલી જૈનનું કામ જોયું અને ત્યારથી ડૉલી જૈન માટે બોલિવૂડમાં કામના દરવાજા ખુલી ગયા. 2014માં સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન હૈદરાબાદમાં હતા. અર્પિતાએ ડૉલી જૈનને બોલાવી હતી. ડૉલી ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલાને ગોડફાધર માને છે. 2013થી અંબાણી પરિવાર સાથેનીતા અંબાણીને ડૉલી જૈનનું કામ એટલું ગમી ગયું કે 2013 પછી અંબાણી પરિવારમાં નાનો એવો પ્રસંગ પણ હોય તો ડૉલી જૈન અચૂક હોય છે. ઈશા અંબાણી, આકાશ અંબાણીના લગ્ન હોય કે પછી નવરાત્રિ-ગણેશોત્સવની ઉજવણી હોય કે ઇશા-આકાશ કે અનંતની પ્રી વેડિંગ સેરેમની જ કેમ ના હોય, સાડી કે દુપટ્ટો પહેરવાનો હોય ત્યારે ડૉલી જૈન હોય જ છે. ડૉલી, નીતા અંબાણી ઉપરાંત ઈશા, શ્લોકા મહેતા તથા રાધિકા મર્ચન્ટને સાડી પહેરાવતી હોય છે. દરેક દુલ્હન અલગ છેડૉલી જૈનના મતે, 'દરેક દુલ્હનની ચોઇસ અલગ અલગ હોય છે. દીપિકાને સાડીનો પાલવ લાંબો ને ખુલ્લો ગમે છે. પ્રિયંકાને એકદમ ટાઇટ સાડી પહેરવી ગમતી નથી. ઈશા અંબાણીને સાડી ને દુપટ્ટા એકદમ ફિટેડ ને પિન યોગ્ય રીતે ભરાયેલી હોય તેમ ગમે છે.' રોજ સવારે રિયાઝ કરું છુંજે રીતે સિંગર્સ રિયાઝ કરતા હોય છે તે જ રીતે ડૉલી પણ રિયાઝ કરે છે. ડૉલીએ કહ્યું હતું કે સાસરે બધા સૂઈ જાય પછી તે રાતના 11 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મેનિકિન (પૂતળું)ને સાડી પહેરાવીને પ્રેક્ટિસ કરતી. આજે પણ તે આ રીતે રોજ સવારે અચૂકથી પ્રેક્ટિસ કરે છે. જ્યારે તે 80 અલગ અલગ રીતથી સાડી પહેરતા શીખી ગઈ તો તેણે આ રેકોર્ડિંગ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડને મોકલ્યું. લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડે અવૉર્ડ આપ્યો. 2010માં ડૉલીએ માત્ર 18.5 સેકન્ડમાં સાડી પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે ડૉલી 80ને બદલે 325 અલગ અલગ રીતથી સાડી પહેરી શકે છે અને તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ક્યારેક સાડીને હેર સ્ટ્રેટનિંગ આયર્ન કરે તો ક્યારેક પાલવને સીવેડૉલી જૈનની સાડી પહેરાવવાની યુનિક સ્ટાઇલ છે. તે ક્યારેક પાલવને સીધો રાખવા માટે હેર સ્ટ્રેટનિંગ આયર્નનો ઉપયોગ કરે તો ક્યારેક પાલવની પાટલીઓ એકદમ સીધી રહે અને નીકળી ના જાય તે માટે સોય-દોરાથી સીવી નાખે. 35 હજારથી 2 લાખ રૂપિયા લે છેડૉલીએ ક્યારેય સેલેબ્સ પાસેથી કેટલી ફી લે છે એ અંગે વાત કરી નથી, કારણ કે મોટા ભાગના સેલેબ્સ નોન ડિસ્ક્ઝર એગ્રીમેન્ટ કરાવતા હોય છે. જોકે સામાન્ય રીતે ડૉલી જૈન 35 હજારથી 2 લાખ રૂપિયા સુધીની ફી લે છે. જ્યારે દુલ્હનનો લહેંગો ટૂંકો પડ્યોડૉલી જૈન વિશ્વભરમાં અલગ અલગ દેશોમાં દુલ્હનને સાડી પહેરાવવા માટે જાય છે. એકવાર ડૉલી જૈન થાઇલેન્ડ ગઈ હતી અને ત્યાં દુલ્હનનો લહેંગો ટૂંકો હતો. જો દુલ્હન હિલ્સ પહેરે તો લહેંગો ઘણો જ ટૂંકો લાગતો હતો. ડૉલીએ તરત જ કાંજીવરમ સાડી એકદમ નાની-નાની પાટલી વાળીને દુલ્હનને પહેરાવી ને પછી લહેંગો પહેરાવ્યો. કાંજીવરમ સાડીની બોર્ડરનો ગોલ્ડન પટ્ટો આવી જતા લહેંગા યોગ્ય માપે થઈ ગયો હતો. CMના સ્ટાફે સાડી પિન લઈ જતા રોકીએકવાર ડૉલી જૈન તામિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને સાડી પહેરાવવા ગઈ હતી. જોકે, સિક્યોરિટી કારણોસર ઑફિસરે ડૉલી જૈનને પોતાની સાથે સેફ્ટી પિન ને સાડી પિન લઈ જવાની પરવાનગી આપી નહોતી. આ વાતથી ડૉલી જૈન અકળાઈ ઊઠી હતી અને તેણે સિક્યોરિટી ઑફિસર્સને સમજાવ્યું હતું કે સાડી માટે આ જરૂરી છે અને તે આ સેફ્ટી પિનથી કોઈનું ખૂન થઈ શકે નહીં. ત્યાર બાદ ડૉલીને અંદર જવાની પરવાનગી મળી હતી. ડૉલી જૈનને લગ્નમાં બોલાવવી સરળ નથી!ડૉલી જૈનની ડેટ્સ એકદમ પેક હોય છે. લગ્નના બેથી અઢી મહિના પહેલા ડૉલી જૈનને બુક કરવી પડી. ડૉલી જૈન જણાવે છે, 'હું ભાગ્યે જ કોઈ દુલ્હનને ના પાડતી હોઉં છું. જો દુલ્હનનું બજેટ મારી સર્વિસ અફોર્ડ ના કરી શકે તેમ હોય તો મારી ટીમમાં 25 યુવતીઓ છે અને તેમાંથી હું કોઈકને મોકલી દેતી હોઉં છું.' ડૉલીની ગમતી પાંચ એક્ટ્રેસડૉલીએ અત્યાર સુધી આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, કિઆરા અડવાણી, માધુરી દીક્ષિત સહિત, નયનતારા સહિત અનેક સેલેબ્સને સાડી પહેરાવી છે. જોકે, ડૉલીની ફેવરિટ પાંચ એક્ટ્રિસ દીપિકા, સોનમ, આલિયા, કિઆરા તથા કેટરીના કૈફ છે. ડૉલીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સારા અલી ખાન, દીપિકાને સાડી પહેરાવી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં હોલિવૂડ સેન્સશનલ ગિગી હદીદ આવી ત્યારે ડૉલીએ જ સાડી પહેરાવી હતી. રાધિકાનો ગોર્જિયસ લુક શેરીન સિક્કાને આભારીમુંબઈમાં જન્મેલીને ત્યાં જ ભણેલી શેરીન સિક્કાએ લંડનની ફેશન કોલેજમાંથી ફેશન માર્કેટિંગ કર્યું. લંડનથી આવ્યા શેરીને અમેરિકાની બ્રાન્ડ જ્યુસી કોચરમાં કામ કર્યું. ત્યારબાદ શેરીન મેગેઝિન વોગ ઇન્ડિયાના આર્ટ એન્ડ પ્રોડક્શનમાં ટ્રેઇની તરીકે કામ કરવા લાગી. ત્યાં થોડો સમય કામ કર્યા બાદ લંડનના બ્રાઉન ફેશન બુટિકમાં વેબ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. શેરીન પછી યશરાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે જોડાઈ. થોડા વર્ષ કામ કર્યા બાદ શેરીન બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરની ફેશન સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરવા લાગી. શેરીને પછી પોતાનો 'લવ એન્ડ અધર બગ્સ' શરૂ કર્યું. આ પ્લેટફોર્મ હેઠળ શેરીન બહેન ત્રિશાલા સાથે ફેશન, બ્યૂટી, ટ્રાવેલ તથા લાઇફસ્ટાઇલ અંગે ટિપ્સ આપે છે. આ સેલેબ્સનો લુક તૈયાર કર્યો છેશેરીન બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર, કરીના કપૂર તથા અંશુલા કપૂર (અર્જુન કપૂરની બહેન ને સોનમની કઝિન સિસ્ટર)ની સ્ટાઇલિસ્ટ રહી ચૂકી છે. જામનગર હોય કે ફ્રાંસ, રાધિકાનો લુક શેરીને નક્કી કર્યોઅનંત-રાધિકાની પહેલી પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ હતી. ત્રણ દિવસના ફંક્શનમાં રાધિકાનો લુક શેરીને જ નક્કી કર્યો હતો. ત્રણેય દિવસ રાધિકા રાજકુમારી જેવી લાગતી હતી. ત્યારબાદ યુરોપીયન ક્રૂઝ પાર્ટી યોજાઈ હતી. ત્રણ દિવસ યોજાયેલી આ પાર્ટીમાં પણ રાધિકા વેસ્ટર્ન આઉટફિટમાં ગોર્જિયસ લાગતી હતી. આ લુક પણ શેરીન જ નક્કી કર્યો હતો. લગ્નના વિવિધ ફંક્શનમાં પણ શેરીન જ રાધિકાનો લુક જોતી હોય છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:00 am

મારે ઇમર્જન્સી છે, તારી રિક્ષા લઈ જાઉં છું:પતિનું મર્ડર કર્યું, સાળાએ કારસો રચ્ચો, બાઇક સાથે બાંધી લાશને પાણીમાં ફેંકી

મોરબીના માળિયા મિયાણા ગામની સીમમાંથી 3 જુલાઈએ બપોરના સમયે એક રાહદારી પસાર થઈ રહ્યો હતો. બપોરે સૂમસામ વિસ્તારમાં તેણે નદીના પુલ પાસે કંઈક અજુગતું જોયું અને ધ્રૂજી ગયો. નદીના પટ વિસ્તારમાં એક ખાડામાં તેણે માણસના પગ દેખાયા, બાકીનો હિસ્સો ગંદા પાણીમાં હોય એમ લાગતું હતું. લાશ જોતાં જ સ્તબ્ધ થઈ ગયેલી આ વ્યક્તિએ હિંમત કરીને પોલીસને જાણ કરી દીધી. થોડા જ સમયમાં પીએસઆઇ એન. એમ. ગઢવી પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાશને પાણીમાંથી બહાર ખેંચી તો સાથે મોટરસાઇકલ દેખાઈપોલીસ પહોંચી ત્યાં સુધી લાશ એ જ સ્થિતિમાં હતી. પોલીસે નજીક જઈને જોયું તો મૃતક શખસનું માથું પાણીની અંદર હતું અને પગનો થોડોક જ ભાગ બહારની તરફ દેખાતો હતો, એટલે તરવૈયાઓની મદદ લેવામાં આવી અને મૃતદેહ બહાર કાઢવાનું કામ શરૂ કર્યું. તરવૈયાઓ પાણીમાં ઊતરીને લાશને બહાર કાઢવા લાગ્યા ત્યારે લાશ સાથે કંઈક બાધેલું હોય એમ લાગ્યું. લાશને બહાર ખેંચતાં જ ત્યાં હાજર લોકો ચોંકી ઊઠ્યા હતા. મોબાઇલથી મૃતદેહથી ઓળખ થઈ અને તપાસ નવી દિશામાં આગળ વધીમૃતક પુરુષના ગળાના ભાગે એક ચૂંદડી બાંધેલી હતી, જેનો બીજો છેડો મોટરસાઇકલ સાથે બાંધેલો હતો. મોટરસાઇકલ પાણીમાં ગરકાવ હતી, એટલે દૃશ્યો ઘણા સવાલો ઊભા કરે એવા હતા. પોલીસને મૃતક પાસેથી એક મોબાઇલ મળ્યો, એટલે તેણે મોબાઇલના આધારે લાશની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા. મૃતક પાસેથી મળેલા મોબાઇલમાંથી કેટલાક નંબર મળ્યા, જેમાંથી એક નંબર પર પોલીસે ફોન કર્યો તો અંજિયાસર ગામના કોઇ રહેવાસીએ ફોન ઉપાડ્યો. પોલીસે આ વ્યક્તિને મોબાઇલના માલિક વિશે પૂછ્યું તો લાશ પાસેથી મળેલો નંબર અંજિયાસર ગામના હાજીભાઇનો હોવાની પોલીસને જાણકારી મળી હતી, એટલે પોલીસે મૃતક હાજીભાઈના દીકરાનો સંપર્ક કરીને તેને ઘટનાસ્થળે બોલાવ્યો, જેથી લાશની ઓળખ થઈ શકે. થોડીવારમાં મૃતકનો દીકરો સાહિલ ઘટનાસ્થળે આવી પહોંચ્યો. લાશને જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. સાહિલે પોલીસ સમક્ષ કહી દીધું કે આ લાશ મારા પિતાની છે. એટલું જ નહીં, મોટરસાઇકલ પણ હાજીભાઈની હોવાનું સામે આવ્યું હતું. લાશની ઓળખ થઈ ગયા બાદ પોલીસ સામે હવે ત્રણ સવાલ હતા. પહેલો સવાલ- શું હાજીભાઈ અકસ્માતે મૃત્યુ પામ્યા છે? બીજો સવાલ- શું આ વ્યક્તિએ કોઈક કારણોસર આત્મહત્યા કરી છે? ત્રીજો સવાલ- શું કોઈકે હત્યા કરી છે? પોલીસે પ્રાથમિક તબક્કે મૃતકના દીકરાની પૂછપરછ શરૂ કરી, જેમાં તેની પાસેથી છેલ્લા બે દિવસનો ઘટનાક્રમ જાણ્યો હતો. દીકરાએ કહ્યું, મારા પિતા ગઈકાલથી ઘરે ન હતાપોલીસને મૃતકના દીકરાએ માહિતી આપી કે મારા પિતા માછીમારી અને મીઠાના અગરમાં મજૂરીનું કામ કરતા હતા. 2 જુલાઈએ રાતના નવેક વાગ્યે હું જમ્યા પછી મારા ઘરની નજીકમાં રહેતા એક ભાઈના લગ્નમાં ગયો હતો. હું ઘરેથી નીકળ્યો ત્યારે મારાં માતા-પિતા, બહેનો અને એક ભાઈ ઘરે જ હતાં. રાત્રે બારેક વાગ્યે હું લગ્નમાંથી મારા ઘરે પરત ગયો હતો ત્યારે મારા પિતા હાજર નહોતા, જોકે તેઓ કંઈક કામથી બહાર ગયા હશે એવું વિચારીને હું સૂઈ ગયો હતો. તેણે આગળ જણાવ્યું, 3 જુલાઈએ સવારે મેં મારા પિતા અને તેમની મોટરસાઇકલ જોઈ નહીં, એટલે મને આ વાતની ચિંતા થવા લાગી હતી. મેં મારી માતાને મારા પિતા વિશે પૂછ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ વેણાસર ગામે કોઈક કામથી ગયા છે. આ જ દિવસે બપોરે એકાદ વાગ્યે હું મારા ઘરે હતો. ત્યારે મારા પિતાની લાશ માળિયામાં મચ્છુ નદીના પૂર્વ કાંઠે મળી હોવાની મને જાણ થઈ, એટલે હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાજકોટમાં પોસ્ટમોર્ટમ થતાં નવો ખુલાસો થયોહાજીભાઈની લાશને ખાડામાંથી કાઢ્યા બાદ માળિયાની સરકારી હોસ્પિટલને લઈ ગયા હતા, જોકે આ કેસ શરૂઆતથી જ અટપટો લાગતાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાવવાનું પોલીસે નક્કી કર્યું હતું.રાજકોટમાં હાજીભાઈ મોવરના પોસ્ટમોર્ટમ થયું અને થોડા જ કલાકોમાં રિપોર્ટ આવ્યો, જેની સાથે જ નવો ખુલાસો થયો હતો, કારણ કે રિપોર્ટમાં લખ્યું હતું કે હાજીભાઈનું મૃત્યુ ડૂબી જવાથી નહીં, પરંતુ ગળે ટૂંપો આપવાથી થયું છે. એટલું જ નહીં, મોત પહેલાં હાજીભાઈને દવા પીવડાવી હોવાનું પણ સામે આવ્યું હતું, જેથી એટલું તો નક્કી થઈ જ ગયું કે હાજીભાઈની હત્યા થઈ છે. પોલીસ સમક્ષ મૃતકના દીકરાએ જણાવ્યું, મારા પિતાની કોઈની સાથે પણ ઝઘડો નહોતો થયો. જૂની અદાવતમાં હાજીભાઈની હત્યા થઈ હોવાની કોઈ થિયરી સામે આવી ન હતી. એટલે પોલીસને હવે ઘરના લોકો પર જ શંકા થવા લાગી હતી. આ શંકા એક નિવેદન પરથી હકીકતમાં બદલાઈ ગઈ. પોલીસે જ્યારે મૃતકનાં પરિવાજનોની વારફરતી પૂછપરછ કરી ત્યારે મૃતકની લાશ પાસે સૌથી પહેલા પહોંચેલા દીકરાએ ચોંકાવનારો ઘટનાક્રમ વર્ણવ્યો. માતાએ જ દિકરાને પિતાના હત્યાકાંડની હકીકત જણાવીમૃતકના દીકરાએ પોલીસને કહ્યું, હું મારા પિતાનું પોસ્ટમોર્ટમ કરાવીને રાજકોટથી મારા ઘરે પહોંચ્યો હતો. પછી મારી માતાને પૂછ્યું કે પિતા સાથે આવું અચાનક શું થઈ ગયું. ત્યારે મારી માતાનું મોઢું પડી ગયું હતું. મારી મા રડવા લાગી અને કહ્યું, તારા પિતા અવારનવાર તારી નાની બહેન પર નજર બગાડતા હતા, જેથી હું કંટાળી ગઈ હતી. આખરે મારે આ પગલું ભરવું પડ્યું. મૃતકની પત્નીએ દીકરાને તેના પિતાના હત્યાકાંડ વિશે રજેરજની માહિતી આપી દીધી. તેણે કહ્યું, 2 જુલાઈની રાત્રે તારા પિતાને પહેલા ચા પીવડાવી અને થોડા સમય પછી ભોજન આપ્યું હતું. તેના પિતાને આપેલી ચા તેમજ શાક બન્નેમાં મેં બેભાન થવાની દવા નાખી દીધી હતી. થોડા સમયમાં જ તારા પિતા બેભાન થઈ ગયા હતા. પછી મેં ચૂંદડીની તેમને ગળેફાંસો આપી દીધો હતો. ત્યાર બાદ લાશના નિકાલ માટે બીજુના ગામમાં રહેતા તારા મામા ઇમરાનની મદદ લીધી હતી. પોલીસે આટલી જાણકારી મળ્યા બાદ મૃતકની પત્ની અને તેના સાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી એમાં લાશને ઠેકાણે પાડવા માટે અડધી રાત્રે ભાઈ-બહેને જે દોડધામ કરી એ વિશે નવા ઘટસ્ફોટ થયા છે, કારણ કે આ હત્યાકાંડમાં ત્રીજી વ્યક્તિની પણ એન્ટ્રી થઈ હતી., બનેવીની લાશને ઠેકાણે પાડવા મિત્રની રિક્ષા બહાનું બતાવીને માગીઇમરાનને તેની બહેને રાત્રે ફોન કરીને જ આખો ઘટનાક્રમ વર્ણવી દીધો હતો, એટલે લાશને ઠેકાણે પાડવા માટે રાતના સમયે ઇમરાને વાહનની શોધ આદરી હતી. ઇમરાને તેના એક મિત્રના ઘરે પહોંચ્યો અને બહાનું બતાવ્યું કે મારે એક ઇમર્જન્સી આવી છે, એટલે તારી રિક્ષા જોઈએ છે. મિત્રએ ભોળાભાવે રિક્ષા આપી દીધી. તેને ખ્યાલ જ નહોતો કે ઇમરાન લાશને ઠેકાણે પાડવા માટે આ રિક્ષા લઈ જઈ રહ્યો છે. રિક્ષા લઈને ઇમરાન પોતાના બનેવીના ઘરે પહોંચ્યો હતો. ત્યારે રાતના અંધારામાં લાશને કેવી રીતે ઠેકાણે પાડવી એ પ્લાનિંગ સાથે ઇમરાનની બહેન તૈયાર જ બેઠી હતી. આ પ્લાનમાં તેણે પોતાના સૌથી નાના 19 વર્ષના દીકરાને પણ સામેલ કરી દીધો હતો. રાતના સન્નાટામાં ત્રણ લોકો લાશ લઈને નીકળ્યાસૌથી પહેલા ઇમરાન અને તેની બહેને મળીને હાજીભાઈની લાશને રિક્ષામાં મૂકી દીધી હતી. પછી ઇમરાને તેની બહેનના કહેવા પ્રમાણે રિક્ષાને ગામના સીમાડા તરફ હંકારી દીધી હતી. અડધી રાત્રે ભાઈ-બહેન મચ્છુ નદીના પટ વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં પાણી ભરેલા એક ખાડા પાસે રિક્ષા ઊભી રાખી દીધી હતી. બન્ને ભાઈ-બહેને જોયું કે રાતનો સન્નાટો છે અને આસપાસ કોઈ જ હલચલ નથી, એટલે લાશને રિક્ષામાંથી બહાર કાઢીને ખાડાની પાસે ઢસડી ગયા હતા, પરંતુ લાશને ખાડામાં ન નાખી. આરોપીઓને લાગ્યું કે લાશને ખાડામાં નાખીશું તો થોડા જ સમયમાં તરવા લાગશે અને હત્યા થઈ છે એ વાત બધાને ખબર પડી જશે. એટલે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે તેમણે વધુ એક યુક્તિ અજમાવી. ઇમરાન અને તેની બહેન હાજીભાઈની લાશને રિક્ષામાં નાખીને મચ્છુ નદીના પટ પાસે લઈ ગયા હતા. ત્યારે પાછળ-પાછળ એક દીકરો પિતાની મોટરસાઇકલ લઈને આવ્યો હતો. હવે ત્રણેય આરોપીઓએ ભેગાં મળીને લાશને ઠેકાણે પાડવા પ્લાનિંગ પ્રમાણે આગળ વધ્યાં હતાં. એક્સિડન્ટ લાગે એ રીતે લાશને ઠેકાણે પાડીત્રણેયે ચૂંદડીનો એક છેડો હાજીભાઈના ગળાના ભાગે બાંધ્યો અને બીજો છેડો મોટરસાઇકલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ લાશ તેમજ મોટરસાઇકલને ખાડામાં ધકેલી દીધી હતી. આરોપીઓને લાગ્યું કે એવું કરવાથી કદાચ કોઈને તરત જ લાશની ખબર નહીં પડે. જો લોકોનું ધ્યાન જશે તો તેમને લાગશે કે રાત્રે હાજીભાઈનો એક્સિડન્ટ થયો હશે અને ગળામાં ચૂંદડી લપેટાઈને ગઈ હશે, એટલે મોટરસાઇકલ સહિત ખાડામાં પડવાથી મૃત્યુ થઈ ગયું હશે. આ કેસમાં પોલીસે શરૂઆતના તબક્કે મૃતકની પત્ની અને તેના સાળાની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ મૃતકનો દીકરો પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:00 am

મહારાષ્ટ્રમાં 11 બેઠકો પર MLC ચૂંટણી, ભાજપ સૌથી મજબૂત:મહાયુતિ 9 બેઠકો જીતી શકે છે, ક્રોસ વોટિંગ થશે તો કોંગ્રેસ-પવાર-ઉદ્ધવને ફાયદો થશે

મહારાષ્ટ્રમાં 11 સીટો પર વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી યોજાવાની છે. 12 જુલાઈના રોજ મતદાન છે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારને જીતવા માટે 23 ધારાસભ્યોના વોટની જરૂર હોય છે. લોકસભાના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો દબદબો છે, પરંતુ એમએલસી ચૂંટણીમાં ભાજપ અને તેનું મહાગઠબંધન મજબૂત દેખાય છે. આ અંગે ભાસ્કરે રાજકીય નિષ્ણાતો અને વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી હતી. મોટાભાગના લોકોના મતે મહાયુતિ 11માંથી 9 સીટો જીતી શકે છે. સાથે જ મહાવિકાસ અઘાડીને હાલ માત્ર 2 બેઠકો જ મળતી જણાય છે. જો કે, લોકસભા ચૂંટણી પછી વાતાવરણ બદલાયું છે અને શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીના કેટલાક ધારાસભ્યો પક્ષ બદલી શકે છે. આવી સ્થિતિમાં જો ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય છે તો તેનો ફાયદો મહાવિકાસ આઘાડીને મળી શકે છે. આનો કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું પરંતુ આ ચૂંટણીના પરિણામોની અસર મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પર પણ જોવા મળશે. ચૂંટણીમાં 6 પક્ષોએ 12 ઉમેદવારો ઉભા રાખ્યામહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી મહાયુતિએ ચૂંટણીમાં 9 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે સૌથી વધુ 5 ઉમેદવારો ઉભા રાખ્યા છે. તે જ સમયે, અજિત પવારની NCP અને શિવસેના શિંદે જૂથે બે-બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષમાં બેઠેલા મહાવિકાસ અઘાડીના ત્રણ ઉમેદવારો મેદાનમાં છે.આમાં કોંગ્રેસ અને શિવસેના-યુબીટીએ એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે શરદ પવારની એનસીપી એટલે કે એનસીપી-એસપી શેતકરી કામગાર પક્ષના ઉમેદવાર જયંત પાટિલને સમર્થન આપી રહી છે. જયંત પાટીલ હાલમાં MLC છે. સૌથી મોટી પાર્ટી બીજેપી પાસે જીત માટે મજબૂત સંખ્યાબળમહારાષ્ટ્રની રાજનીતિને સમજતા વરિષ્ઠ પત્રકાર બ્રિજમોહન પાંડે કહે છે કે સંખ્યાની દૃષ્ટિએ મહાયુતિ મજબૂત દેખાય છે. તે 11માંથી 9 સીટો જીતી શકે છે. જો કે, લોકસભા ચૂંટણીના પરિણામો પછી, INDIA બ્લોકનો હાથ ઉપર છે, પરંતુ અત્યાર સુધીમાં, તે માત્ર 2 બેઠકો જીતી રહ્યું છે. જોકે ક્રોસ વોટિંગની શક્યતા નકારી શકાય નહીં. વરિષ્ઠ પત્રકાર શ્રીકાંત દેશપાંડે કહે છે, 'વિધાનસભામાં સંખ્યાની દૃષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી હોય તેવું લાગે છે. તેને જીતવા માટે તેના તમામ 5 ઉમેદવારો માટે ઓછામાં ઓછા 115 વોટની જરૂર છે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. આ સિવાય તેને 9 અન્ય નાના પક્ષો અને અપક્ષોનું સમર્થન છે. આવી સ્થિતિમાં તેની પાસે સંખ્યાત્મક તાકાત પૂરતી હોય તેવું લાગે છે. મહાવિકાસ અઘાડીની જીત 3 સમીકરણો પર ટકી રહી છેબ્રિજમોહન પાંડે કહે છે, 'લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ જે રીતે જીત નોંધાવી છે તેનાથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતિમાં, INDIA બ્લોક પાસે પાર્ટીને તોડવા અને 2 વર્ષ પહેલા થયેલા વિશ્વાસઘાતનો બદલો લેવાની મોટી તક છે.બ્રિજમોહન જણાવે છે કે હાલમાં જીત અને હાર આ સમીકરણોના આધારે નક્કી કરવામાં આવશે. 1. NCPમાં વિભાજનની શક્યતાઃ ભાજપમાં ભાગલાની શક્યતા ઓછી છે. ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ શિંદે જૂથના ધારાસભ્યોને પાછા ન ખેંચવાનું કહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સૌની નજર શરદ પવાર પર છે. તેમની પાર્ટીના નેતાઓએ પહેલા જ કહ્યું છે કે અજિત પવાર જૂથના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં જો એનસીપીમાં ભાગલા પડે અને ક્રોસ વોટિંગ થાય તો મહાવિકાસ અઘાડી વધુ એક બેઠક જીતી શકે છે. 2. સમાજવાદી પાર્ટી અને AIMIMનું સમર્થનઃ આ બંને પક્ષો પાસે 3 ધારાસભ્યો છે. જો તેઓ મહાવિકાસ આઘાડીને સમર્થન આપે છે તો તેમની જીતની શક્યતા વધી જશે. જો કે AIMIMએ હજુ સુધી તેની રણનીતિ સ્પષ્ટ કરી નથી. 3. આ બંને પક્ષોના મત નિર્ણાયક છે: બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી પાસે મળીને લગભગ 6 ધારાસભ્યો છે. તેમનું સમર્થન કે વિરોધ મહાવિકાસ અઘાડીની જીતને અસર કરી શકે છે. શરદ પવાર અને ઉદ્ધવે પાર્ટીના સૌથી મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાબ્રિજમોહન પાંડેએ ખુલાસો કર્યો, 'INDIA બ્લોક કોઈ તક લેવા માગતો નથી, તેથી જ ઉદ્ધવે તેમના અંગત સચિવ મિલિંદ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ શરદ પવારે પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. 'બંને નેતાઓને આશા છે કે તેમના ઉમેદવારો વિરોધી પક્ષમાં ખાડો પાડવામાં સફળ થશે. જો ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા સમીકરણની શરૂઆત થશે. તેની મોટી અસર રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. જો ક્રોસ વોટિંગ ન થાય તો શિવસેનાના બંને ઉમેદવારોની જીતની શક્યતાદેશપાંડે કહે છે, 'જો મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં ક્રોસ વોટિંગ ન થાય તો તેમના બંને ઉમેદવારો જીતી શકે છે. હાલમાં શિંદેની શિવસેના પાસે 38 ધારાસભ્યો છે. તેમની પાસે લગભગ 10 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની NCPએ પણ પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે 40 ધારાસભ્યો છે. તેમને વધુ 6 વોટની જરૂર છે. હજુ પણ બંને ઉમેદવારોની જીત માટે 5 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. NDA પાસે હાલમાં કુલ 199 વોટ છે. આ આંકડો NDAના તમામ ઉમેદવારોની જીત માટે જરૂરી સંખ્યાની ખૂબ નજીક છે. શ્રીકાંત દેશપાંડે વધુમાં કહે છે, 'NCP-SP પ્રમુખ શરદ પવાર અને શિવસેના-UBT ચીફ ઉદ્ધવ ઠાકરેએ ચાર્જ સંભાળી લીધો છે. INDIA બ્લોકમાં કોંગ્રેસ પાસે 37 ધારાસભ્યો છે, જેમાંથી એક ધારાસભ્યે અજિત પવાર જૂથને સમર્થન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હવે તેમની પાસે 36 વોટ બચ્યા છે. જો કે, તેમની પાસે 13 મત વધારાના છે. આ મતો શેતકરી કામદાર પક્ષના જયંત પાટીલને ટ્રાન્સફર થશે. શરદ પવારની પાર્ટીના 12 ધારાસભ્યો પહેલા જ જયંતને સમર્થન આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમની જીત પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. એનસીપી-એસપી ક્રોસ વોટિંગની શક્યતાને નકારતા નથીNCP-SP પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટો કહે છે, 'INDIA બ્લોકના ત્રણેય ઉમેદવારો જીતશે. અમે તમામ સમીકરણો નક્કી કરી લીધા છે, પરંતુ આ કેવી રીતે થશે તે હજુ જાહેર કરી શકાયું નથી. ક્રોસ વોટિંગના પ્રશ્ન પર ક્લાઈડ કહે છે, 'લોકસભા ચૂંટણીમાં જે રીતે જનતાએ અજિત પવારના જૂથને નકારી કાઢ્યું છે, તેનાથી તે લોકો માટે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે જેઓ તેમની સાથે હતા ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે.' પોતાની સાથે ધારાસભ્યો આવવાના દાવા પર ક્લાઈડ કહે છે, 'દરેક વ્યક્તિ જાણે છે કે અજિત પવારની સાથે જવાનું નુકસાન થયું છે, આવી સ્થિતિમાં ધારાસભ્યો ઘરે પાછા આવી શકે છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર એવી ચર્ચા છે કે અજિત પવાર જૂથના ઓછામાં ઓછા 10 ધારાસભ્યો આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરશે. શિવસેના-યુબીટીને સાથી પક્ષોનું સમર્થન મળ્યું, કહ્યું- દેશદ્રોહીઓની મદદ નહીં લઉંઆ ચૂંટણીમાં ખરો પડકાર શિવસેના-યુબીટી સામે છે. હાલમાં તેમની પાસે માત્ર 16 વોટ છે. તેમને વધુ 7 વોટની જરૂર છે. શિવસેના-યુબીટીના પ્રવક્તા આનંદ દુબે કહે છે, 'અમારી પાસે કોંગ્રેસ, એનસીપી-એસપી અને સહયોગી પક્ષોનું સમર્થન છે. જો આ બધા આંકડાઓને જોડવામાં આવે તો તે 23 કરતા ઘણા વધારે હશે. આવી સ્થિતિમાં અમને અમારી જીતનો પૂરો વિશ્વાસ છે. શિવસેના શિંદે જૂથના ધારાસભ્યો દ્વારા ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કરવાના પ્રશ્ન પર આનંદ દુબે કહે છે, 'તે બધા ગદ્દાર છે અને અમને તેમનું સમર્થન નથી જોઈતું. જે રીતે લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો તેવી જ રીતે જનતા તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ હરાવી દેશે. અમારો INDIA બ્લોક ત્રણેય બેઠકો જીતી રહ્યો છે અને અમે વિધાનસભાની ચૂંટણીમાં સત્તા કબજે કરવા જઈ રહ્યા છીએ. એનસીપી ચૂંટણી માટે ભાજપની નારાજગી સહન કરવા તૈયારઆ ચૂંટણીમાં એનસીપી માટે દરેક વોટ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે બીજેપીના ઇનકાર છતાં, અજિત પવારે નવાબ મલિકને પણ સામેલ કર્યા છે, જેમની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરિત સાથે સંબંધ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હવે જામીન પર બહાર છે. આ પહેલા પણ અજિત પવાર મલિકને પાર્ટીમાં સામેલ કરવા માગતા હતા પરંતુ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના નામે ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પછી નિર્ણય બદલવામાં આવ્યો હતો. હવે મલિકના આગમનથી ભાજપમાં ફરી નારાજગી વધી શકે છે. મુંબઈની ફાઈવ સ્ટાર હોટલોમાં ધારાસભ્યોને લોક કરવાની તૈયારીભાસ્કરને માહિતી મળી છે કે ક્રોસ વોટિંગના ડરને કારણે ઉદ્ધવ જૂથે તેના તમામ 16 ધારાસભ્યોને હોટલમાં રાખવાની તૈયારી કરી લીધી છે. તેમણે તેમના તમામ ધારાસભ્યોને 10, 11 અને 12 જુલાઈએ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અજિત પવારની એનસીપી અને બીજેપીના ધારાસભ્યો અલગ-અલગ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી રહી છે. 9 જુલાઈના રોજ અજિત પવાર તેમના ધારાસભ્યો સાથે સિદ્ધિ વિનાયકના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીંથી તે ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ થઈ ગયા છે. એક્સપર્ટ: આ ચૂંટણીઓ વિધાનસભા ચૂંટણીની દિશા નક્કી કરશેવરિષ્ઠ પત્રકાર શ્રીકાંત દેશપાંડે કહે છે, 'વિધાન પરિષદની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. ઉમેદવારને જીતવા માટે 23 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ અઢીથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. આવી સ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આ ચૂંટણીઓ ખૂબ મહત્વની છે. અહીંથી વિધાનસભા ચૂંટણીની દિશા નક્કી થશે. એટલે કે કોણ કોની સાથે ઉભું છે અને કોની પાસે કેટલી શક્તિ છે? દેશપાંડેના મતે, 'વિધાન પરિષદની ચૂંટણીમાં દરેક સભ્યને 6 વર્ષનો સમય મળે છે. તેથી, બંને ગઠબંધન અને તમામ છ પક્ષો પોતપોતાની તાકાતનો ઉપયોગ કરી રહ્યા છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલમાં 274 ધારાસભ્યો છે. ધારાસભ્યોના અવસાન અને કેટલાક સાંસદ બનવાના કારણે 14 બેઠકો ખાલી પડી છે. NDA-INDIA બ્લોક 4 સીટો પર થયેલી ચૂંટણીમાં બરાબરી પર26 જૂને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચાર બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 1 જુલાઈના રોજ જાહેર થયેલા પરિણામોમાં NDA અને INDIA બ્લોક બરાબરી પર રહ્યા. મુંબઈ ગ્રેજ્યુએટ અને મુંબઈ શિક્ષક સીટો પર ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટીનું વર્ચસ્વ હતું. મુંબઈ ગ્રેજ્યુએટ સીટ પરથી અનિલ પરબ અને મુંબઈ શિક્ષક સીટ પરથી જે. એમ.અભ્યંકર જીત્યા. જ્યારે કોંકણ ગ્રેજ્યુએટ સીટ પર બીજેપીના નિરંજન દાવખરેનો વિજય થયો હતો. જ્યારે નાસિક શિક્ષક સીટ પરથી શિવસેનાના કિશોર દરાડે જીત્યા છે. રાજ્યસભાની જેમ વિધાન પરિષદ પણ ઉપલું ગૃહવરિષ્ઠ પત્રકાર જિતેન્દ્ર દીક્ષિત સમજાવે છે કે વિધાન પરિષદ રાજ્યસભાની જેમ ઉપલું ગૃહ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 169માં એવી જોગવાઈ છે કે ઘણા રાજ્યો વિધાન પરિષદની સ્થાપના અથવા નાબૂદ કરી શકે છે. હાલમાં કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદો છે. જેમાં યુપી, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જીતેન્દ્ર વધુમાં જણાવે છે કે રાજ્યસભાની જેમ વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે. તેને વચ્ચે ભંગ કરી શકાય નહીં. આ માટે દર બે વર્ષે ચૂંટણી પણ યોજાય છે. સામાન્ય નાગરિકો આ ચૂંટણીઓમાં ભાગ લઈ શકતા નથી. વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. એક તૃતીયાંશ સભ્યો ધારાસભ્યો દ્વારા ચૂંટાય છેમહારાષ્ટ્ર વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલ અથવા મહાનગર પાલિકાના પ્રતિનિધિઓ ચૂંટે છે. જ્યારે એક તૃતીયાંશ સભ્યો વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. રાજ્યપાલ દ્વારા 1/6 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, જેઓ કલા, રમતગમત, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી આવે છે. આ ઉપરાંત શિક્ષક વર્ગ અને સ્નાતક વર્ગ પણ તેમના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા વિધાનસભાની સંખ્યાના એક તૃતીયાંશથી વધુ ન હોઈ શકે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યો સાથે, વિધાન પરિષદમાં 77 સભ્યો હોઈ શકે છે. વિધાન પરિષદ અને વિધાન સભાના સભ્યો માટેની લાયકાત લગભગ સરખી જ હોય ​​છે. જો કે વિધાન સભા માટે લઘુત્તમ વય 25 વર્ષ અને વિધાન પરિષદ માટે 30 વર્ષ છે. વિધાનસભાના સભ્યો 5 વર્ષ માટે ચૂંટાય છે જ્યારે વિધાન પરિષદના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે. વિધાનસભાને વિધાન પરિષદ કરતાં વધુ સત્તા છેવિધાનસભા વધુ શક્તિશાળી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે, નહીં તો સરકાર પડી જશે. મુખ્યમંત્રી વિધાન પરિષદ અથવા વિધાનસભામાંથી કોઈ એકના સભ્ય હોવા જરૂરી છે. મની બિલ માત્ર વિધાનસભામાં જ રજૂ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 6:00 am

EDITOR'S VIEW: દોસ્તીનો નવો રૂટ:ભારતને રશિયા સાથે જોડશે આ કોરિડોર, ભવિષ્યમાં ચીન સાથે તણાવ ઘટી શકે છે, આ રીતે સમજો મોદીની સ્ટ્રેટેજી

નમસ્કાર, નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન ભેટ્યા એનાથી ઘણા દેશોના પેટમાં તેલ રેડાયું છે. ખાસ કરીને અમેરિકાના પેટમાં દુખ્યું છે. ભારત-રશિયા સંબંધો અત્યારે ચરમસીમાએ છે. ભારત જે-જે દેશ સાથે સંબંધ રાખે છે એ અમેરિકાને પસંદ નથી ને વારંવાર પ્રતિબંધો મૂકવાની ચીમકી આપે છે, પણ નરેન્દ્ર મોદીએ 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને સાત સમુદ્ર પાર પણ અપનાવ્યો છે. રશિયા એક એવો દેશ છે, જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે. મોદીની મોસ્કો યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશો રશિયાને વૈશ્વિક સ્તરે એકલું પાડી દેવા માગે છે અને રશિયા પર આકરા પ્રતિબંધો ઝીંકી દીધા છે. યુરોપિયન દેશો અને અમેરિકા માને છે કે પુતિન એ વ્યક્તિ છે, જેના કારણે યુરોપમાં ઊથલપાથલ મચી છે, પણ ભારતે અમેરિકાના સંબંધોને સાચવીને રશિયા સાથે મિત્રતા અકબંધ રાખવાની છે. ભારત રશિયા સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. માત્ર વેપનની ખરીદી માટે રશિયા પર આપણે નિર્ભર છીએ એટલે નહીં, પરંતુ એટલા માટે કે મોદી 3.0 સરકાર તમામ દેશોને સાથે લઈને ચાલવા માટે ઉત્સુક છે. 10 વર્ષમાં મોદી 6 વાર રશિયાના પ્રવાસે ગયા છે. મોદી અને પુતિન ભેટ્યા એ ઝેલેન્સ્કીને ગમ્યું નથીમોદી મોસ્કો ગયા છે ને ત્યાં પુતિને ઉમળકાથી સ્વાગત કર્યું. બંને નેતા ભેટ્યા. એ વાત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ગમી નથી. તેમણે મોદી-પુતિનની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોદીની મુલાકાતને યુક્રેનમાં શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા 'X' પર લખ્યું, 'દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ભેટે એ નિરાશાજનક છે.'યુક્રેનનો દાવો છે કે સોમવારે રશિયાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં 41 લોકો માર્યા ગયા હતા. આ બધું ત્યારે થયું, જ્યારે મોદી રશિયાના પ્રવાસે રવાના થયા હતા. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન અનુસાર, હુમલા બાદ 600થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હુમલાના થોડા સમય બાદ હોસ્પિટલની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે 3 બાળકનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે બાકીના ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો, જ્યારે હોસ્પિટલમાં ભીડ હતી. ગયા મહિને જ મોદી અને ઝેલેન્સ્કી મળ્યા હતા14 જૂન 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા. ઈટલીમાં G7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. એ વખતે ભારત અને યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. એ વખતે નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કી સાથેનો ફોટો શેર કરીને ટ્વીટ પર લખ્યું હતું કે ઝેલેન્સ્કી સાથે સાર્થક મિટિંગ થઈ. ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉત્સુક છે. ભારત માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણમાં વિશ્વાસ રાખે છે અને એવું સ્પષ્ટ માને છે કે શાંતિનો રસ્તો વાતચીતથી નીકળી શકે છે.તો સામે યુક્રેનને આશા છે કે ભારત તેમને યુદ્ધમાં શાંતિ માટે મદદ કરશે. ઝેલેન્સ્કી માને છે કે રશિયા સાથે શાંતિ સ્થાપવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, એટલે ઝેલેન્સ્કીએ સ્વિટ્ઝર્લેન્ડમાં થનારા શાંતિ સંમેલનમાં ભારતને ખાસ આમંત્રણ આપ્યું છે. રશિયા ગયેલા મોદીએ કહ્યું, રશિયા અમારાં સુખ-દુ:ખનો સાથી છેબે દિવસ રશિયા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ અપ સિસ્ટમ ધરાવે છે. જ્યારે દુનિયાના લોકો ભારતમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ભારત બદલાઈ રહ્યું છે. જો ભારત 40 હજાર કિલોમીટરથી વધુ રેલવેલાઈનનું વિદ્યુતીકરણ કરી શકે છે તો વિશ્વને પણ ભારતની શક્તિનો અહેસાસ થશે. તેમને લાગે છે કે દેશ બદલાઈ રહ્યો છે. ભારત L1 બિંદુથી સૂર્યની પરિક્રમા પૂર્ણ કરે છે. રેલવેનો સૌથી ઊંચો પુલ બનાવે છે. જ્યારે સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવે છે ત્યારે દુનિયા કહે છે કે ભારત ખરેખર બદલાઈ રહ્યું છે. વર્લ્ડ કપમાં ભારતની જીત પોતાનામાં જ વિજયની યાત્રાનું પ્રતીક છે. આ જીત દર્શાવે છે કે આજનો યુવાન છેલ્લા બોલ અને અંતિમ ક્ષણ સુધી હાર માનતો નથી. ભારત અને રશિયા વચ્ચેનો અનોખો સંબંધ છે. જ્યારે ભારતીયો રશિયાનું નામ સાંભળે છે ત્યારે તેમના મનમાં એ આવે છે. રશિયા અમારાં સુખ-દુઃખનો સાથી છે. મોદીએ કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરીવડાપ્રધાન મોદીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે કઝાન-યેક્ટેરિનબર્ગમાં કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી લોકો માટે રશિયામાં મુસાફરી અને વેપાર કરવાનું સરળ બનશે. કાઝાન એ તાતારસ્તાનનું સૌથી મોટું શહેર અને રાજધાની છે. 17મી સદીમાં ગુજરાતના વેપારીઓ આસ્તરાખાનમાં વસ્યા હતા. પ્રથમ શિપમેન્ટ INSTC કોરિડોરથી આવ્યું છે. એ મુંબઈને મોસ્કો સાથે જોડે છે. અમે ચેન્નઈ અને વ્લાદિવોસ્તોકને જોડવાનું કામ કરીશું. વિશ્વ રાજનીતિના બદલાતાં પરિમાણોમાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દુનિયામાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે ત્યાં સૌથી પહેલા ભારત પહોંચે છે. ચાબહાર પોર્ટનો વ્યૂહાત્મક રૂટ ભારતને રશિયા સુધી સરળતાથી પહોંચાડી શકશેચાબહાર પોર્ટ વ્યૂહાત્મક રીતે ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે. જ્યાં ચાબહાર આવેલો છે ત્યાંથી પાકિસ્તાનની સરહદ એકદમ નજીક છે અને એ પાકિસ્તાનમાં બની રહેલા ગ્વાદર પોર્ટની પણ નજીક છે. જ્યારે ચીને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ ગ્વાદર પોર્ટ બનાવવાનો શરૂ કર્યો ત્યારે ચાબહાર પોર્ટનું મહત્ત્વ આપોઆપ વધી ગયું. બીજું, ઈરાન અને અફઘાનિસ્તાનમાં ભારતની સીધી પહોંચ માટે ચાબહાર પોર્ટ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. ચાબહાર પોર્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન અને મધ્ય એશિયા સુધી પહોંચી શકશે. એટલું જ નહીં, ચાબહાર પોર્ટને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સાથે પણ જોડવામાં આવશે. આ કોરિડોર હેઠળ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સુધી જહાજો, રેલ અને રોડનું 7,200 કિલોમીટર લાંબું નેટવર્ક બનાવવામાં આવશે. એનાથી રશિયા અને યુરોપ સુધી ભારતની પહોંચ પણ સરળ બનશે. રશિયાથી 10 જ દિવસમાં માલ મુંબઈ પહોચી જશેન્યૂયોર્ક ટાઈમ્સમાં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે રશિયા એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યું છે, જેનાથી પશ્ચિમી દેશો પર એની નિર્ભરતા સંપૂર્ણપણે દૂર થઈ શકે. એનો સૌથી મોટો હિસ્સો 14 હજાર કરોડ રૂપિયાનો 165 કિલોમીટર લાંબો રેલમાર્ગ છે, જે રશિયાને ઈરાનના પોર્ટ સાથે જોડશે. આનાથી રશિયાના મોસ્કો અને સેન્ટ પિટર્સબર્ગ જેવાં શહેરોથી મુંબઈ પહોંચવું ખૂબ જ સરળ બનશે. આ પ્રોજેક્ટ માટે રશિયા ઈરાનને લગભગ 11 હજાર કરોડ રૂપિયાની લોન પણ આપી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એ સમયે જણાવ્યું હતું કે નવા રૂટથી સેન્ટ પિટર્સબર્ગથી મુંબઈ સુધીના કાર્ગો માટે મુસાફરીનો સમય 30થી ઘટાડીને માત્ર 10 દિવસ થશે. રશિયન અધિકારીઓ એને એક ક્રાંતિકારી પ્રોજેક્ટ ગણાવી રહ્યા છે. રશિયા અને ચીનની મિત્રતાથી ભારતને શું ફાયદો થશે?રશિયાએ 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું એનાં થોડાં અઠવાડિયાં પહેલાં રશિયા અને ચીને ઔપચારિક રીતે તેમના ‘કોઈ મર્યાદા વગરના’ સંબંધની જાહેરાત કરી. ત્યારથી બંને વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને લશ્કરી સહયોગ ખૂબ વધ્યો છે. રશિયા અને ચીન વચ્ચેનો વેપાર ગયા વર્ષે રેકોર્ડ 24,000 કરોડ ડોલર સુધી પહોંચ્યો હતો અને આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એ સતત વધતો રહ્યો છે. રશિયા પૂર્વમાં તેલ અને કુદરતી ગેસ મોકલી રહ્યું છે અને બદલામાં કાર, મશીનરી અને એના સંરક્ષણ ઉદ્યોગ માટે જરૂરી કેટલાક મહત્ત્વના ઘટકો મેળવી રહ્યું છે. ચીન અને રશિયા વૈકલ્પિક વ્યવસ્થા બનાવી રહ્યા છે. ચાઇનીઝ ટેક્નોલોજી રશિયાના ડ્રોન, ચિપ્સ અને મિસાઇલોને મદદ કરી શકે છે. રશિયાના સંબંધો જેમ ભારત સાથે સારા છે એમ ચીન સાથે પણ સારા છે. આનાથી ભવિષ્યમાં એવું બની શકે કે ભારત અને ચીન વચ્ચે રશિયા મધ્યસ્થી કરાવીને તણાવ ઘટાડી શકે છે. ત્રણ મહિના પહેલાં એસ. જયશંકરે કરી હતી આ વાતત્રણ મહિના પહેલાં સિંગાપોર ગયેલા વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે જો હું રશિયા વિશે વાત કરું તો ઘણા મહત્ત્વના પ્રસંગોએ રશિયાએ આપણને મદદ કરી છે. રશિયા એક એવો દેશ છે, જેની સાથે આપણા સંબંધો સારા રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા બંનેએ એકબીજાનાં હિતોનું ધ્યાન રાખ્યું છે. મને લાગે છે કે આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે ભવિષ્યમાં આ સંબંધો વધારે મજબૂત બનશે. મોદી અને પુતિન દર વર્ષે મળે છે, પણ બે વર્ષથી મળ્યા નહોતાભારત અને રશિયા બંને દેશ વચ્ચે દર વર્ષે વાર્ષિક સમિટ થાય છે, જેમાં એક દેશના નેતા બીજા દેશની મુલાકાત લે છે. સમિટનું સ્થળ બંને દેશોમાં એકાંતરે નક્કી કરવામાં આવે છે. રશિયા અને ભારત વચ્ચે અત્યારસુધીમાં 21 વાર્ષિક સમિટ થઈ છે. છેલ્લી સમિટ 2021માં યોજાઈ હતી, જ્યારે પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી નહોતી. એ પછી સપ્ટેમ્બર-2023માં રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ જી-20 માટે ભારત આવ્યા નહોતા. એટલે બંને નેતા બે વર્ષમાં પહેલીવાર મળ્યા છે. ખાસ કરીને યુક્રેન સાથેના યુદ્ધ પછી મોદીની પુતિન સાથે આ પહેલી મુલાકાત છે. ભારત-રશિયા સંબંધો 77 વર્ષ જૂના છે, આ રહી ટાઇમલાઇન21 ડિસેમ્બર 1947 : ભારતે વિજયા લક્ષ્મી પંડિતને રશિયા (એ સમયે સોવિયત સંઘ)માં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા. જ્યારે રશિયાએ કિરીલ નોવિકોવને ભારતીય રાજદૂત તરીકે દિલ્હી મોકલ્યા હતા. આ એ દિવસ હતો જ્યારે ભારત-રશિયા સંબંધોનો અતૂટ પાયો નાખવામાં આવ્યો હતો. 7 નવેમ્બર 1951 : આ વર્ષે વિશ્વના સૌથી મોટા કામદારોની રશિયન ક્રાંતિનાં 34 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં. રશિયામાં આ પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને એમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. રશિયાના રાજદૂત કિરીલ નોવિકોવ પોતે આમંત્રણ લઈને ભારતના રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પાસે પહોંચ્યા હતા. 28 નવેમ્બર 1955 : ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ગાઢ બની રહી હતી. નેહરુની મુલાકાતના 5 મહિના પછી પહેલીવાર યુએસએસઆર મંત્રી પરિષદના અધ્યક્ષ નિકોલાઈ બુલ્ગનિન અને નિકિતા ખ્રુશ્ચેવ (CPSU કેન્દ્રીય સમિતિના મુખ્ય સચિવ) ભારતની મુલાકાતે આવ્યાં હતાં. બંને 3 અઠવાડિયાંની લાંબી મુલાકાતે ભારત આવ્યા હતા. 10 ડિસેમ્બર 1955 : બુલ્ગનિન અને ખ્રુશ્ચેવ પણ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. કાશ્મીરીઓએ ત્યાં તેમનું સ્વાગત કરવા માટે સરઘસ કાઢ્યું હતું. તેમને જોવા માટે 20 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. તેઓ જ્યારે શ્રીનગરના રસ્તા પર નીકળ્યા ત્યારે ચક્કાજામ થઈ ગયા હતા. કાશ્મીરની આ મુલાકાતનું પરિણામ એ આવ્યું કે 7 વર્ષ પછી જ્યારે 22 જૂન 1962ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સોવિયેત રશિયાએ તેના 100મા વિટો સાથે ભારતને સમર્થન આપ્યું. 27 માર્ચ 1960 : વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ બીજી વખત સોવિયત સંઘ ગયા હતા. આ સમય દરમિયાન સોવિયત સરકારે તેમને એક ગાય ભેટમાં આપી હતી. જ્યારે સોવિયેત રાજદૂત ઇવાન બેનેડિક્ટોવ અને તેમનાં પત્નીએ નેહરુને ગાયનું દોરડું સોંપ્યું ત્યારે તેમણે તરત જ નેહરુએ ગાયને ઘાસ ખવડાવવાનું શરૂ કર્યું. બંને દેશો માટે આ ખૂબ જ યાદગાર સમય હતો. 1966 : ભારતની આઝાદીને 19 વર્ષ વીતી ગયાં. ત્યાં સુધી દેશમાં એકપણ મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થપાયો નથી. ભારત સરકાર પાસે પ્લાન્ટ સ્થાપવાની ટેક્નોલોજી નહોતી. આ કામ માટે ભારતે તેના મિત્ર રશિયા તરફ જોયું, જે પછી રશિયાએ તરત જ વિશેષ મદદ મોકલવાની જાહેરાત કરી. પરિણામ એ આવ્યું કે 1966માં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ રશિયાની મદદથી બોકારો સ્ટીલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. 1971 : બાંગ્લાદેશને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાએ ભારત સામે તેનાં યુદ્ધ જહાજો મોકલ્યાં હતાં. એના જવાબમાં રશિયાએ પરમાણુ મિસાઈલથી સજ્જ યુદ્ધ જહાજ સાથે દરિયાઈ માર્ગને અવરોધીને ભારત પર હુમલો ન કરી શકે એ માટે અમેરિકા, બ્રિટન સહિતના અન્ય દેશોનાં જહાજોને રોક્યાં હતાં. નવેમ્બર 2001 : કેન્દ્રમાં વાજપેયીની સરકાર હતી. પુતિન ફરી એકવાર ભારતના પ્રવાસે આવ્યા હતા. એક મિટિંગમાં વાજપેયી અને પુતિન ખુરસી પર બેઠા છે. આ બેઠક દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાછળ ઊભા છે. ત્યારે પુતિનને પણ અંદાજો નહીં હોય કે પાછળ ઊભેલા મોદી ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન હશે. ભારત-રશિયાનો મજબૂત વ્યાપારભારત અને રશિયાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર જોતજોતામાં 2023-24માં વધીને 64 અબજ ડોલર થઈ ગયો. રશિયા અને ભારત વચ્ચે ઘણી વસ્તુઓનું વર્ષોથી આદાનપ્રદાન થતું આવ્યું છે, જેમ કેભારત આ 5 વસ્તુ રશિયાથી ઈમ્પોર્ટ કરે છે1. ક્રૂડ પેટ્રોલિયમ - 8.36 હજાર કરોડ રૂપિયા2. કોલસો - 4.87 હજાર કરોડ રૂપિયા3. ડાયમન્ડ - 4.45 હજાર કરોડ રૂપિયા4. રિફાઈન્ડ પેટ્રોલિયમ - 2.38 હજાર કરોડ રૂપિયા5. ગેસ કાર્બાઈન - 2.21 હજાર કરોડ રૂપિયા ભારત આ 5 વસ્તુ રશિયાને એક્સપોર્ટ કરે છે1. દવા - 3.80 હજાર કરોડ રૂપિયા2. બ્રોડકાસ્ટિંગ સાધનો - 3.50 હજાર કરોડ રૂપિયા3. ચા - 806 કરોડ રૂપિયા4. કોફી - 482 કરોડ રૂપિયા5. ગાડીઓના પાર્ટ્સ - 730 કરોડ રૂપિયા ભારત રશિયા પાસેથી સૌથી વધારે હથિયારો લે છેરશિયા વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર-ઉત્પાદક દેશ છે. ભારત દર વર્ષે રશિયા પાસેથી કુલ હથિયારોની ખરીદીમાંથી 49% ખરીદે છે. 7 ડિસેમ્બર, 2021ના ​​રોજ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમની રશિયાની મુલાકાત દરમિયાન 6 લાખ AK-203 રાઇફલ્સનો સોદો કર્યો હતો. આ સિવાય S-400 મિસાઈલ પણ ભારતમાં લાવવાનો સોદો કર્યો હતો. રશિયા સાથે મળીને અમેઠીમાં શસ્ત્રોનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. છેલ્લે,મોદીએ રશિયામાં પોતાના સંબોધનમાં શ્રી420ના ગીતને યાદ કરીને કહ્યું હતું કે ભારત-રશિયાનો સંબંધ પરસ્પર સન્માન પર આધારિત છે. દરેક ઘરમાં એક ગીત ગવાય છે - 'સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... આ ગીત ભલે જૂનું હોય, પણ લાગણી હજુ અકબંધ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ...(રિસર્ચ: યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 9 Jul 2024 8:14 pm

એક્સક્લૂઝિવ:અમદાવાદના હાથીજણ-DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા અરજી રદ, 1 લાખનો દંડ પણ ફટકાર્યો, 400 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

વારંવાર નિયમોના ભંગ બદલ શાળાને નવેસરથી માન્યતા ન અપાઇ,અગાઉ પણ બે વાર જિલ્લા સ્તરે શાળાની માન્યતા રદ કરી હતી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 6:54 pm

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરામાં દેશના સૌપ્રથમ ગરિમા ગૃહમાં 10 ટ્રાન્સજેન્ડરનો પગભર થવાનો પ્રયાસ, 3 ટ્રાન્સજેન્ડર પેટ્રોલ પંપમાં નોકરી કરી વર્ષે લાખ રૂપિયા કમાય છે

વડોદરામાં શરૂ થયેલા દેશના પ્રથમ ગરીમા ગૃહમાં હાલ 10 ટ્રાન્સજેન્ડર રહે છે,ગરિમા ગૃહમાં રહેતા 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ પર નોકરી કરી રહ્યા છે,સરકાર ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરી આપીને પગભર બનાવે એવી માગ ઊઠી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 1:00 am

ડેટિંગ ડાયરી:પ્રેમ બદલાયો પરિણયમાં

જ્યારે લગ્ન થઇ ગયાં ત્યારે મેં એમને પૂછ્યું, ‘તમે મારા જેવી સામાન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કેમ સ્વીકાર્યું?’

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:59 am

સંબંધનાં ફૂલ:કોઇને તમારી પરવા છે...

મહામારીને ભૂલી જવી જ યોગ્ય છે પણ આ સમય દરમિયાન જે લાગણીનો અહેસાસ થયો છે એ જળવાઇ રહે એ જરૂરી છે. કપરા સમયમાં આ લાગણીઓએ આપણને ટકાવી રાખ્યા છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:54 am

મૂડ એન્ડ માઇન્ડ:જીનોફોબિયા ફીઅર ઓફ સેક્સ

બાળપણમાં થયેલા સેક્સ્યુલ એબ્યુઝ કે મોલેસ્ટેશનના લીધે પણ આ પ્રકારની નફરત પેદા થઇ શકે છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:52 am

વુમનોલોજી:સ્વતંત્ર ભારતમાં સ્ત્રીની સશક્ત સફર

ભારતમાં ઇતિહાસની સ્ત્રીએ સમગ્ર સ્ત્રી સમાજને જે વારસો આપ્યો એને શિસ્ત અને શિદ્દત સાથે દરેક દસકામાં અલગ અલગ સ્ત્રીઓએ આગળ વધાર્યો છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:47 am

રસથાળ:તહેવારોમાં મીઠાશ ઘોળતી મધમીઠી મીઠાઇઓ

22 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું પર્વ છે. આ દિવસે ભાઇનું મોં મીઠું કરવા માટે બહેનો અવનવી મીઠાઇઓ બનાવતી હોય છે. તો ચાલો બનાવીએ આવી જ કેટલીક ખાસ મીઠાઇઓ...

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:02 am

લઘુનવલ:માણસનો મોબાઇલ વાંચવા મળે તો એ મન વાંચવા બરાબર જ કહેવાય!

અતિરાજ આખરે તો પુરુષ. સુંદર નારીદેહનાં પ્રલોભન સામે પુરુષને પરાજિત થતા કેટલી વાર! કોને ખબર, સ્વીટીની નિયતમાં ખોટ હોય અને તેણે ચાલ રમી હોય

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:01 am

મેનેજમેન્ટ મંત્ર:ઓફિસમાં ન ખાઓ આચરકુચર, આ રહ્યો પરફેક્ટ ડાયટ પ્લાન

વજન નિયંત્રણમાં રહે એ માટે સ્વયં પર થોડું નિયંત્રણ જરૂરી છે. જો થોડી કાળજી રાખવામાં આવે તો વધેલું વજન ઘટાડી શકાય છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:00 am

તાલિબાનની આવકનું ગણિત:અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી યુદ્ધ લડી રહેલા તાલિબાનો કરે છે અધધ...રૂપિયા11,800 કરોડની વાર્ષિક કમાણી, અફીણ સહિત અનેક ક્ષેત્રો છે આવકના સ્રોતો

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ અહેવાલ, 2020ની માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થતું અફીણ વિશ્વમાં આશરે 84 ટકા બજાર હિસ્સો ધરાવે છે,વર્ષ 2016માં 400 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની યાદીમાં તાલિબાન પાંચમા સ્થાન પર હતું

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 12:05 am

એક્સક્લૂઝિવ:ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓએ કહ્યું, ફોન પર ફાયરિંગનો અવાજ સંભળાય છે, કંઇ પણ થાય અફઘાનિસ્તાન નથી જવું

અફઘાની વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહી વધુ ભણવા તૈયાર પણ ઘરે ન જવા મક્કમ,સરકારી સ્કોલરશિપથી આવેલ વિદ્યાર્થીઓને આશરો આપવાની ICCRની તૈયારી,તાલિબાનીઓ કેટલાક પ્રાંતમાં પૈસા અને ખાવાનું માગી રહ્યાં છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 6:11 pm

મંડે મેગા સ્ટોરી:20 વર્ષમાં 61 લાખ કરોડ ખર્ચ કર્યા પછી પણ અમેરિકા જેનાથી જીતી ન શક્યું તે તાલિબાનની સંપૂર્ણ કહાની

તાલિબાને અમેરિકાને 20 વર્ષ સુધી લડત આપી અને દેશ છોડવા માટે મજબૂર કર્યું,અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 61 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 10:57 am

ન્યૂ રીલ્સ:ફિલ્મી દેશભક્તિના મલ્ટિપ્લેક્સિયા રંગો

મલ્ટિપ્લેક્સ પહેલાંના દૌરમાં દેશભક્તિનો મતલબ સૈનિકો, જવાનો અને યુદ્ધ જ હતો. યુદ્ધો સરહદો ઉપર જ હતાં

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:40 am

માનસ દર્શન:તુલસીના પગ ધરતી પર અને નજર આકાશમાં છે

તુલસીના પગ ધરતી પર અને નજર આકાશમાં છે. આ સર્જકને માપવાનું મુશ્કેલ છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:38 am

માય સ્પેસ:ગણતંત્ર એટલે ગણવું કે ગણગણવું નહી...

નવી પેઢીને ખબર છે કે, લોકશાહી એટલે સ્વતંત્રતા, પરંતુ સાથે સાથે સ્વીકારવી પડતી જવાબદારી

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:36 am

Sci-લેન્ડ:ભારતનાં ભવિષ્યની ‘સ્માર્ટ’ ભૂતાવળ!

મોટાભાગના લોકો દિવસભરમાં 150 વખત કે દર છ મિનિટે ફોન ચેક કરે છે. યંગસ્ટર્સ દિવસનાં સરેરાશ 110 મેસેજ મોકલે છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:32 am

પ્રશ્ન વિશેષ:સાચું કહેજો, કેટલાએ નીરજ ચોપરાનું નામ પણ સાંભળ્યું હતું?

‘ગીતાંજલિ’ને નોબલ પ્રાઈઝ મળ્યાં પછી આપણે કહેલું કે, ‘આ નોબલ જીત્યા તે રવીન્દ્રનાથ ટાગોર તો અમારા હોં !’

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:29 am

વિશેષ:રાજદ્રોહનો કાયદો સમગ્ર લોકશાહી માટે પડકાર!

રાજદ્રોહનો કાયદો ઇંગ્લેન્ડમાં 2009માં જ નાબૂદ થઇ ગયો, પણ ભારતમાં એ આજેય યથાવત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેની વ્યાખ્યા કરવાનો સમય આવી ગયો છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:27 am

સોશિયલ નેટવર્ક:અંગ્રેજોએ કેવી રીતે સામ્રાજ્ય સ્થાપ્યું?

અંગ્રેજો જરાય ભ્રમમાં નહોતા કે આ દેશના લોકો પર હથિયારોના જોરે રાજ કરી શકવાના નથી

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:25 am

સ્ટોરી પોઈન્ટ:તો આજે હું કમોતે મર્યો હોત !

રિક્ષા ચલાવતો રમણીક એકાએક વેપારી થઈ ગયો. સૌને નવાઈ લાગી કે રમણીક પાસે દુકાન ખરીદવા નાણાં આવ્યા ક્યાંથી?

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:24 am

સાહિત્ય વિશેષ:અનુભવની મૂડીથી સર્જાય શબ્દની કેડી

દીકરીનો અવતાર એટલે બંધન. એટલે ધીરે ધીરે અંદર બળવાખોર બનતી ગઇ

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:22 am

ડૂબકી:મધ્યરાત્રિએ મળેલી આઝાદીનું પર્વ

આપણે આજે આઝાદ દેશમાં રહેવાનો ગર્વ અનુભવી રહ્યાં છીએ તો એની ક્ષણેક્ષણ એ માણસને આભારી છે, જેને ગોળી મારવામાં આવી અને એમણે માત્ર એક જ ઉદ્્્ગાર કાઢ્યો : ‘હે રામ’. જે હવે રાજઘાટના સમાધિસ્થળ પર શણગાર થઈને રહી ગયા છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:18 am

આક્રોશ:અફઘાની યુવાનોએ કહ્યું, 'પાકિસ્તાનીઓ ઘુસણખોરી કરી રહ્યાં છે અને રેપ થઇ રહ્યાં છે', સોશિયલ મિડીયામાં 'સેંક્શન પાકિસ્તાન' હેશ ટેગ મુવમેન્ટ શરૂ થઇ

અફઘાની યુવાનો દિવ્યભાસ્કર સાથે વર્ણવી સાથે આતંકની આંખે દેખી હાલત,ગુજરાત અને ભારતમાં ભણતા અફઘાની યુવાનોનો પાકિસ્તાન સામે મોરચો

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 12:12 am

સ્પેસ યુગઃ હવે પગ જમીન પર નહીં રહે

- નાસા મંગળ પરના વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે - રશિયાએ ધરતી પર જ નિશ્ચિત જગ્યામાં મંગળ જેવું વાતાવરણ રચી કરેલા પ્રયોગમાં મળેલી નિષ્ફળતા લેસન રૂપ બની - એક સમયે પૃથ્વી ખેડવી પણ મુશ્કેલ હતી અને હવે અવકાશી મિશનોની લાઇન લાગી છે એક સમયે વિશ્વ પ્રવાસ એ એક અજાયબ ઘટના હતી. મેગાસ્થનીસ, યુ એન સંગ, માર્કો પોલો અને ઇબ્ને બતુતા જેવા પ્રવાસીઓ અડધું જીવન વિવિધ દેશોના પ્રવાસમાં વિતાવી દેતાં અને તેનું પ્રવાસ વર્ણન લખતા. એ વર્ણન બાકીની દુનિયા માટે કોઈ મહાન શોધ જેવું બની રહેતું, કારણ કે ત્યારે વાહન વ્યવહારના સાધનો ટાંચા હતા. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવું ખૂબ કપરું હતું, જીવનું જોખમ રહેતું. કોમ્યુનિકેશનની ક્રાંતિ પછી પૃથ્વીનો એક ઈંચ ધમરોળવાનો બાકી રહ્યો નથી ત્યારે હવે માણસને અવકાશ ધમરોળવામાં રૂચિ જાગી છે. ચંદ્ર અભિયાન, મંગળ અભિયાન અને સ્પેસ ટૂરના કાર્યક્રમો વધતા જાય છે. કેટ-કેટલું ઘટી ચૂક્યું છે અને ઘટી રહ્યું છે. ભારતના ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધી કાઢયું, આપણે માર્સઓરબીટ મિશન પણ મોકલ્યું, ચીનનું યાન ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બાજુ પર ઊતર્યું. નાસા મંગળ પરના વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે. ચંદ્ર અભિયાન પછી હવે મંગળમાં વિવિધ દેશોને વધારે રૂચિ જાગી છે. એપ્રિલ માસમાં પહેલી વખત પૃથ્વી સિવાયના કોઈ ગ્રહ પર હેલિકોપ્ટર ઊડયું. નાસાએ મંગળના આકાશમાં ઈનજેન્યુઈટી નામનું રોબોટ હેલિકોપ્ટર ઉડાવ્યું. વિજ્ઞાાનીઓએ કહ્યું કે આ ઉપલબ્ધિ અન્ય ગ્રહો પર સાધનોના ઉપયોગનો માર્ગ ખોલી શકે છે. આ અન્ય ગ્રહ એટલે શુક્ર, શનિનો ઉપગ્રહ ટાઈટન. યુ.એ.ઈ.એ મંગળ પર અલઅમલ અભિ-યાન મોકલ્યું છે. અલઅમલનો અર્થ થાય છે, ઉમ્મીદ. યુ.એ.ઈ. મંગળ મિશન હાથ ધરનારો પહેલો આરબ દેશ બન્યો છે. નાસાએ મોકલેલા પરસીવરન્સ રોવરે મંગળના વાતાવરણમાં ઉપલબ્ધ કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં રૂપાંતર કરવામાં સફળતા મળી છે. તમે જુઓ, કેટલી મોટી મોટી સિદ્ધિઓ મેળવવામાં આવી રહી છે. પરસીવરન્સ મંગળ પર મોકલવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોવર છે. તેમાં મોક્સી નામનું એક યુનિટ લગાડવામાં આવ્યું છે. મોક્સીનું ફૂલફોર્મ થાય છે, માર્સ ઓક્સિજન ઈન સીટુ રીસોર્સ યુટિલાઈઝેશન યુનિટ. આ એકમે હાલ તો ૫ ગ્રામ ઓક્સિજનનું જ ઉત્પાદન કર્યું છે પરંતુ ભવિષ્યમાં મોટા જથ્થાનું ઉત્પાદન કરશે તેમાં શંકા નથી. તેના લીધે અવકાશયાત્રીઓનો મંગળ પર જવાનો માર્ગ મોકળો થશે એટલું જ નહીં તેમને અહીંથી ઓક્સિજનનો જથ્થો લઈ જવાની જરૂર નહીં પડે. અમેરિકાની આ સ્પેસ એજન્સીને જંપ નથી. તેઓ સતત કંઈક ને કંઈક નવું વિચારતા રહે છે અને ઝપાટાભેર તેને અમલમાં મૂકવાની કોશિશ કરે છે. તેમણે અમેરિકામાં એક એવી જગ્યા બનાવી છે જ્યાંનું વાતાવરણ બિલકુલ મંગળ જેવું છે. નાસા એ જગ્યાએ કેટલાક વોલિયન્ટર્સને એક વર્ષ સુધી રાખવા માગે છે. પૃથ્વી પર રહીને મંગળ જેવો અનુભવ કરવાનો આ એક અભૂતપૂર્વ પ્રસાસ છે. ૧૭૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં મંગળ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થા કેટલું વિચારે છે! ડાયરેક્ટ કોઈ માણસને મંગળ પર મોકલીએ અને જીવનું જૌખમ ઊભું થાય તો તાત્કાલિક મદદ કરી શકાય નહીં, આથી ટ્રાયલના ભાગ રૂપે પહેલાં પૃથ્વી પર મંગળ જેવી સ્થિતિ નિર્માણ કરી તેના અનુભવના આધારે ભવિષ્યમાં વિજ્ઞાાનીઓ મંગળ પર છલાંગ લગાવશે. હ્યુસ્ટન સ્થિત જૉનસન અંતરિક્ષ કેન્દ્રમાં થ્રીડી પ્રિન્ટરની મદદથી મંગળ સરિખી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું નામ છે માર્સ ડયુન આલ્ફા. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ત્રાસવાદી હુમલાની મોકડ્રીલ યોજાય તેમ અહીં એક વર્ષ સુધી સંશોધકો મંગળ અભિયાનની નકલ કરશે. તેમાં સ્પેસ વોક પણ સમાવિષ્ટ હશે. પરિવારજનો સાથે મર્યાદિત વાતચીત થઈ શકશે. નાસા દ્વારા ઠરાવવામાં આવેલો ખોરાક જ લઈ શકાશે. સંશાધનો અને ઉપકરણો ફેઈલ થઈ જાય ત્યારે શું કરવું તેની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. નાસાના વિજ્ઞાાનીઓ અસીમ વિચારે છે. કવિ અને રવિથી પણ આગળ નીકળી ચૂક્યા છે. કલ્પના બહારના મૂલ્કમાં મહાલે છે. આ પ્રયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલો પ્રયોગ ચાલુ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. તેમાં અંતરિક્ષમાં ખાવામાં આવતું રેડી ટુ ઈટ ફુડ હશે. આ સ્યુડો મંગળયાનને કોઈ બારી નહીં હોય, કેટલાક છોડ જરૂરથી ઉગાડવામાં આવશે. પણ તે મેટ ડેમનની ધ માર્સિયન ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે એમ બટેટાના નહીં હોય. વિજ્ઞાાનીઓ એ જાણવા માગે છે કે માણસ મંગળ પર જાય તો તે કેવી રીતે રહી શકશે? તેનું પર્ફોમન્સ કેવું રહેશે? તેને કોઈ શારીરિક, માનસિક કે અન્ય પ્રકારની તકલીફ તો નહીં થાય ને? અને જો થશે તો કેવી થશે? આ અભિયાન માટે વોલિયન્ટર્સની શોધ જરૂર કરવામાં આવી રહી છે પરંતુ ગમે તે વ્યક્તિ આ શોધમાં જોડાઈ શકે નહીં. તેના માટે વિજ્ઞાાન, એન્જીનિયરિંગ અથવા ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી અથવા પાયલોટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. માત્ર અમેરિકનો જ અરજી કરી શકે છે. વય મર્યાદા ૩૦થી ૫૫ વર્ષની છે. આરોગ્ય સારું હોવું જરૂરી છે. ભોજન સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ગતિને કારણે ચક્કર કે એવી કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવી જોઈએ. અંતરિક્ષ યાત્રીઓ માટે જે પૂર્વશરતો હોય છે એ જ અહીં રાખવામાં આવી છે. ભવિષ્યમાં સમાનવ મંગળ યાત્રા વધારે સારી અને સફળ રીતે યોજી શકાય તેના માટેની આ કસરત છે. અગાઉ પણ આવો પ્રયોગ થઈ ચૂક્યો છે. રશિયાએ માર્સ-૫૦૦ નામથી આવો એક અખતરો કરેલો, જે નિષ્ફળ ગયો હતો. નિષ્ફળ જવાનું કારણ એ હતું કે તેમાં સામાન્ય લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશ યાત્રી જેવી યોગ્યતા ન ધરાવતા લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશી અભિયાનમાં જોડાવાનું કામ ખૂબ કઠિન છે. તેમાં તમે કેવળ સારા વિજ્ઞાાની હો એ પૂરતુ નથી, શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોવું જરૂરી છે. સુનિતા વિલિયમ્સ એવું કહે કે હું સ્પેસ વોક નહીં કરું, નીચે જોઉં તો મને ચક્કર આવે છે, એવું ચાલે? તેમનું નામ ઇતિહાસમાં એટલા માટે દર્જ થયું કે તેઓ બધી રીતે મજબૂત અને યોગ્ય છે. તમને વિજ્ઞાાનની ગમે તેટલી જાણકારી હોય પણ તમને જો દસમા માળેથી પણ ચક્કર આવતા હોય તો તમે અવકાશ યાત્રાનો હિસ્સો બની શકો નહીં. ત્યાં નેટફ્લિકસ ન હોય, ત્યાં યુ-ટયુબ કે ગિટાર ન હોય, તમારે કોઈ આધાર વિના જ રિલેક્સ થવું પડે. અવકાશ સંશોધનના પાંચ દાયકા પછી ખગોળ વિજ્ઞાાનીઓ નવી ઊંચાઈ આંબી રહ્યા છે, નવી ક્ષિતિજ ઓળંગી રહ્યા છે. ભારતની વાર્ષિક અવકાશી બજેટ રૂા.૧૩,૯૪૯ કરોડનું છે. અમેરિકાનું વાર્ષિક સ્પેસ બજેટ ૭.૯ અબજ ડોલરનું છે. ૫૯,૨૫૦ કરોડ રૂપિયા. અમેરિકા બાદ ચીન પણ સ્પેસ રીસર્ચમાં રોકેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમુક બાબતમાં તો આગળ નીકળી પણ રહ્યું છે. જેમ કે ચંદ્રની પાછળની બાજુ પર પહોંચવું. જેફ બેઝોસ અને રીચર્ડ બ્રાન્સને સ્પેસ ટુરિઝમનો યુગ શરૂ કરી દીધો છે. સીએજીઆરના આંકડા પ્રમાણે ૨૦૨૫ લગીમાં સ્પેસ ટુરિઝમ માર્કેટ ૧.૩ અબજ ડોલરનું થવાનું છે. માણસના પગ હવે જમીન પર રહેવાના નથી. આકાશની કોઈ સીમા નથી અને માણસની મહત્ત્વાકાંક્ષા પણ અસીમ છે. આવનારા દિવસોમાં બધું અકલ્પનીય અને અજબ-ગજબ, અજબ-અજાયબ જોવા મળવાનું છે. આજની નવી જોક મગન (છગનને): ક્યાં જાય છે? છગનઃ પોલીસ સ્ટેશન. મગનઃ કેમ? છગનઃ મેં તારા ભાભીના માથા પર દંડો મારી દીધો. મગનઃ ભાભી મરી ગયા? છગનઃ ના, જીવે છે અને હવે મને નહીં જીવવા દે એટલે પોલીસ સ્ટેશન જાવ છું. મગનઃ હેં!? જીકે જંકશન - દર વર્ષે ૧૦મી ઓગસ્ટે વિશ્વ જૈવ ઈંધણ દિવસ મનાવવામાં આવે છે. જૈવ ઈંધણ એક કાંકરે અનેક નિશાન વીંધે છે. એક તો કચરાની સમસ્યા દૂર થાય છે અને બીજું પ્રદૂષણ મુક્ત ઊર્જા સ્ત્રોત મળી રહે છે. - દિલ્હી સરકારે પર્યટકો માટે એપ્લિકેશન વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોનાને કારણે પ્રવાસન ક્ષેત્રમાં ૨.૧૫ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. - ટિકટોક દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઈ છે. તે ફેસબુકને પણ ઓવરટેક કરી ગઈ છે. યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આ એપ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ભારતમાં પ્રતિબંધિત છે. - રાજસ્થાનના મુખ્યમંત્રીએ ડિજિટલ મોનોગ્રાફનું અનાવરણ કર્યું હતું. મોનોગ્રાફનો અર્થ વિશેષ લેખ એવો થાય છે. ડિજિટલ મોનોગ્રાફમાં આઝાદીનું આંદોલન લડનારા સેનાનીઓના યોગદાન અને સંઘર્ષ પરના વિશેષ લેખો છે. - ઑલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા નીરજ ચોપરાના સન્માનમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ૭મી ઓગસ્ટને ભાલાફેંક દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. - તાજેતરમાં સુધા મૂર્તિનું એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે હાઉ ધ અર્થ ગોટ ઇટ્સ બ્યુટી. દર વર્ષે ૯મી ઓગસ્ટે નાગાસાકી દિવસ મનાવવામાં આવે છે. ૯મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ અમેરિકાએ નાગાસાકી પર એટમબોમ્બ ફેંક્યો હતો. - તાજેતરમાં અભિનેતા અનુપમ શ્યામ તથા કેરળના પ્રસિદ્ધ મૂર્તિકાર પી. એસ. બેનર્જીનું નિધન થયું હતું. ઉત્તરાખંડ રાજ્ય સરકારે વંદના કટારિયાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આઈઆઈટી જોધપુરે સૌથી ઓછા ખર્ચે વોટર પ્યુરોફિકેશન યુનિટનું નિર્માણ કર્યું છે. - જમ્મુ કાશ્મીરમાં સાયક્લોથોન આયોજિત કરવામાં આવી છે જેનું શીર્ષક છે પેડલ ફોર ડલ. આંતરરાષ્ટ્રીય સેના ખેલ ૨૦૨૧ની યજમાની રશિયા દ્વારા કરવામાં આવશે. - મોહમ્મદ મોખબર ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ભારત અને યુ.એ.ઈ. વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો, જેનું શીર્ષક હતું ઝાએદ તલવાર ૨૦૨૧.

ગુજરાત સમાચાર 14 Aug 2021 5:30 am

સુપર એક્સક્લૂઝિવ:‘ભુજ’ ફિલ્મની કહાની પાછળ રાજકોટના રિયલ હીરોની અનટોલ્ડ સ્ટોરી, 13 દી' ચાલેલા યુદ્ધમાં 500 કિલોના બોમ્બના ધમાકા વચ્ચે આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ લખ્યો

300 વિરાંગનાની એરસ્ટ્રિપના ફોટોગ્રાફ્સથી લઈને વિજય કર્ણિકની વીરતાને લેખના માધ્યમથી ઉજાગર કરી હતી,યુદ્ધમાં સૈનિકો સાથે રહીને માથે તોળાતાં મોત વચ્ચે કલમની ધાર તેજ કરી વીર જવાનોની બહાદુરીને દેશ સુધી પહોંચાડી

દિવ્ય ભાસ્કર 13 Aug 2021 12:30 am

ઓર્ગન ડોનેશન ડે સ્પેશિયલ:લંગ્સ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 35 લાખ, જાણો કયા અંગનો કેટલો ખર્ચ આવે? હાર્ટ શરીરમાંથી કાઢ્યા બાદ 6 કલાકમાં અને આંખ 3 મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે

એક બ્રેન ડેડ વ્યક્તિ 8 લોકોને નવું જીવન આપી શકે છે,ઓર્ગન મેળવવા માટે SOTTOમાં રજિસ્ટ્રેશન બાદ મેળવી શકાય છે ઓર્ગન,નવા ઓર્ગનથી વ્યક્તિને બે દાયકાનું નવું જીવન મળે છે, અંગદાન કેમ કરવું અને ઓર્ગન કેવી રીતે મળી શકે છે એ વિશે જાણો આ લેખમાં

દિવ્ય ભાસ્કર 13 Aug 2021 12:10 am

કૈસા હૈ એ બંધન અનજાના:ઓર્ગન ડોનેશન પછી થાય છે સંબંધોની આપ-લે, અંગદાન કરનારા પરિવારોની લાગણી સભર વાત

ઓર્ગન ડોનરનાં પરિવારજનો સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત,ડોનર અને અંગ મેળવનાર પરિવાર વચ્ચે બંધાય છે પારિવારિક સંબંધો

દિવ્ય ભાસ્કર 12 Aug 2021 4:15 pm

આઝાદીના ઇતિહાસની એક હિંમતભરી, અનેરી ક્રાંતિકારી પ્રવૃત્તિ

- ફ્રીડમ રેડિયોના કાર્યક્રમનો 'હિંદોસ્તાં હમારા'થી પ્રારંભ થતો અને 'વંદે માતરમ્'થી સમાપ્તિ થતી આઝાદીની ઝંખનાનો આતશ જલતો રાખવા માટે કેટલીય વ્યક્તિઓએ કુરબાની આપી છે. માત્ર પાંચ વર્ષની વયે અમદાવાદના આશ્રમમાં ગાંધીજીને જોતાં જ ઉષાબહેન મહેતા ગાંધી રંગે રંગાઈ ગયા. એ પછી થોડા જ સમય બાદ સૂરત જિલ્લાના એમના ગામ સરસની પાસેના ગામમાં ગાંધીજીએ યોજેલી એક શિબિરમાં એમણે ભાગ લીધો અને થોડો સમય આ નાની બાળાએ રેંટિયો પણ કાંત્યો હતો. ૧૯૨૮માં માત્ર આઠ વર્ષની વયે ભારતના પ્રવાસે આવેલા સાયમન કમિશન સામેના મોરચામાં ભાગ લીધો. 'સાયમન ગો બેક'ના નારા સાથે વહેલી સવારની બાળકોની પ્રભાતફેરીમાં ભાગ લીધો. આવા આંદોલનની એક કૂચમાં પોલીસોએ બાળક-બાલિકાઓ પર લાઠીમાર કર્યો. 'ઝંડા ઊંચા રહે હમારા' એમ કહીને હાથમાં ઝંડા સાથે આગળ વધતાં બાળકો પર લાઠીમાર થતાં એક છોકરી બેહોશ બની ગઈ અને એના હાથમાંથી ઝંડો જમીન પર પડી ગયો. ઝંડાને જમીન પર પડેલો જોઇને ઉષાબહેનનું હૈયું કકળી ઊઠયું. એમને લાગ્યું કે આ તો આઝાદીના ઝંડાનું અપમાન કહેવાય અને એથીયે વધારે આ રીતે બ્રિટિશ તાબેદારી ધરાવતી પોલીસનો વિજય કહેવાય. આથી એમણે હાથમાં ઝંડો રાખવાને બદલે પહેરવાનો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખ્યો. તરત જ ખાદીના તાકા ખરીદવામાં આવ્યા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી એવી રીતે વસ્ત્રો બનાવ્યાં કે એ ઝંડા જેવા જ લાગે. પોલીસ ગમે તેટલો લાઠીમાર કરે, પણ એ ઝંડો કઇ રીતે ઝૂંટવી શકે કે ફેંકી દઈ શકે ? ગાંધીજીની ભાવનાઓને જીવનમાં સાકાર કરનારી વિરલ વ્યક્તિઓમાંથી એક એવા ડો. ઉષાબહેન મહેતા ૮૦ વર્ષની વયે ઇ.સ. ૨૦૦૦ની ૧૧મી ઓગસ્ટે અવસાન પામ્યા, પણ આજે પણ એમની સાદાઈ, લઘુતા અને નિખાલસતાનું સ્મરણ થાય છે. 'પદ્મવિભૂષણ'નો ખિતાબ મળ્યો હોવા છતાં ક્યારેય સભામંચ પર સ્થાન મેળવવા આગળની હરોળમાં બેસવાની વૃત્તિ નહીં, પાછળ બેસવામાં ક્ષોભ નહીં. બધું સરળ અને સહજ. એમાં પણ ઉષાબહેન મહેતાની ફ્રિડમ રેડિયોની પ્રવૃત્તિએ એક કુશળ, સાહસિક નારીરત્નની પ્રતિભાના પ્રકાશનો સૌને અનુભવ કરાવ્યો. ૧૯૪૨ની ૯મી ઓગસ્ટે ભારતના લાડીલા નેતાઓને કારાવાસમાં બંધ કરીને અંગ્રેજ સરકારે આઝાદીનો અવાજ ગૂંગળાવી નાંખવાનો પ્રયત્ન થયો. આ સમયે 'ક્વિટ ઇન્ડિયા' (હિંદ છોડો)નો સંગ્રામ આરંભાયો હતો. ઉષાબહેન અને એમના સાથીઓને દેખાવો કે જાહેર સભામાં ઝાઝી શ્રદ્ધા નહોતી. અગાઉનાં આંદોલનોના ઇતિહાસ પર નજર નાખવાથી એમને એટલી ખાતરી થઇ ગયેલી કે આઝાદીની આ ચળવળમાં જો સફળ થવું હોય તો પોતાનું ટ્રાન્સમીટર હોવું જોઇએ. જુદાં જુદાં પ્રેસને તાળાં લાગી ગયાં. સમાચારો પર પ્રતિબંધ હતો. જેલમાં રહેલાં નેતાઓની કોઇ જાણકારી મળતી નહોતી, ત્યારે ઉષાબહેન અને બાબુુભાઈ ઠક્કરે 'ફ્રીડમ રેડિયો'નું કામ કરવાનો નિર્ણય કર્યો. આઝાદીના આશકોને માટે નેતાઓની ગતિવિધિ જાણવા માટે અને પ્રજાની સ્વાધીનતાની ઝંખના જાગૃત રાખવા માટે આવા ટ્રાન્સમીટરની ઉપયોગીતા હતી. વળી શક્તિશાળી ટ્રાન્સમીટર હોય તો અન્ય દેશો સુધી પણ પોતાની આઝાદીની વાત પહોંચાડી શકાય. શિકાગો રેડિયોનાં નાનક મોટવાણી પણ આની સાથે જોડાયાં, જેને પરિણામે ટ્રાન્સમીટર માટેનાં સાધનો અને ટેકનિશિયનો ઉપલબ્ધ થયાં. એવી જ રીતે ડો. રામમનોહર લોહિયા. અચ્યુતરાવ પટ્ટવર્ધન અને પુરુષોત્તમ ત્રિકમદાસ આ સિક્રેટ કોંગ્રેસ રેડિયોમાં સહયોગ આપવા તૈયાર થયા. આ રેડિયો દ્વારા ગાંધીજી અને બીજા નેતાઓનાં સંદેશાઓ દેશભરમાં ફેલાવવાના હતા, પરંતુ ટ્રાન્સમીટર તૈયાર કરવા માટે ઘણો ખર્ચો થાય. એનું શું કરવું ? આવે સમયે પોતાનં સઘળાં ઘરેણાં એક વ્યક્તિએ આપવાની તૈયારી બતાવી, પરંતુ આવી રીતે રકમ મેળવવી કેટલું યોગ્ય ગણાય ? આથી અંતે બાબુભાઈ ઠક્કરે જરૂરી પૈસા મેળવ્યા અને નિષ્ણાત દ્વારા એક જરૂરી સેટ બનાવડાવ્યો. જો કે, હકીકત એ બની કે આ સેટ બનાવનારે જ અંતે ઉષાબહેન અને એમના સાથીઓને દગો દીધો ! બીજી બાજુ 'મહાત્મા' ફિલ્મ તૈયાર કરનાર વિઠ્ઠલભાઈ ઝવેરીની દોરવણી હેઠળ એક બીજું જૂથ પણ બીજા ટ્રાન્સમીટર ચલાવવાની વિતરણમાં હતું. આ સિવાય પણ બીજા કેટલાંક જૂથો આઝાદી માટે ઝઝૂમતા લોકોનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરતાં હતા. જો કે, બીજા જૂથોએ બહુ ફાળો ન આપ્યો, પરંતુ આ બધાં જૂથો વચ્ચે સુમેળ અને સંગઠન સાધવાનું કામ ડો. રામમનોહર લોહિયા કરતા હતા અને આ બધાં જૂથો અનેક રોમાંચક સાહસો અને રહસ્યો સાથે સંકળાયેલાં 'કોંગ્રેસ રેડિયો'ને નામે એક સાથે કામ કરતાં હતાં. આ કોંગ્રેસ રેડિયો માત્ર નામનો જ રેડિયો નહોતો, પરંતુ એને એનું પોતાનું ટ્રાન્સમીટર, પ્રસારણ મથક અને રેકોર્ડિંગ મથક પણ હતું. પોતાની કોલસાઇન અને આગવી તરંગ લંબાઈ હતા અને ૧૯૪૨ની ૧૪મી ઓગસ્ટથી એનું પ્રસારણ શરૂ થયું. આ કોંગ્રેસ રેડિયો છે. ૪૨.૩૪ મીટર પર ભારતના કોઇ સ્થળેથી બોલે છે અને આમ આ રેડિયો દ્વારા દેશના ખૂણે ખૂણે સમાચારો પહોંચવા લાગ્યા. શહેરની પોલીસ અને ગુપ્તચર પોલીસ એમની ભાળ મેળવવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યાં. એમના વિશાળ પંજામાંથી આ આઝાદીના આશકો આબાદ રીતે હાથતાળી આપતા હતા. ટ્રાન્સમીટર અને પોલીસની ગુપ્તચર વાન વચ્ચે સંતાકૂકડી ચાલતી હતી. ટ્રાન્સમીટર સાવ નજીક હોય, તો પણ પોલીસને થાપ આપવામાં સફળ થતા અને ક્યારેક તો પોલીસને એમ લાગતું કે તે માઇલોના માઇલ દૂર છે. હકીકતમાં સાવ નજીક જ હોય ! આને માટે એક મહિનાના ભાડે જુદી જુદી જગ્યાએ આ આઝાદીના આશકો ફ્લેટ લેતાં. ક્યારેક કહેતા કે 'કાકાને માટે ફ્લેટ જોઇએ છે.' 'કાકા'ની સહુ આતુરતાપૂર્વક રાહ જોતા હોવાનો દેખાવ પણ કરતાં. શરૂઆતમાં દિવસમાં એકવાર પ્રસાર થતું. એમાં સમાચાર, ભાષણ, સૂચના અને એલાન પ્રસારિત થતાં. અમુક વિષયોને સ્પર્શવાનો અખબારો વિચારસુદ્ધાં કરી શકતા નહીં, તેઓ કોંગ્રેસ રેડિયો સરકારી હુકમોનો ભંગ કીરને લોકોને સાચી માહિતીથી વાકેફ કરતો હતો. આમ જનસમૂહમાં એક નવું જોમ જાગી ઊઠયું. ધીરે ધીરે સવારે એક સાંજ એમ બે વખત અંગ્રેજી અને હિન્દીમાં પ્રસારણ શરૂ થયું. શાયર ઇકબાલના 'હિંદોસ્તાં હમારા' એ ગીતથી કાર્યક્રમનો આરંભ કરતા અને કાર્યક્રમને અંતે 'વંદે માતરમ્' પ્રસારિત થયું. ૧૯૪૨ની ૧૨મી નવેમ્બરે કાર્યકરોની બેઠક મળી અને સહુએ નક્કી કર્યુંકે આ આખીયે પ્રવૃત્તિ ગુપ્ત રાખવી. બીજી બાજુ અંગ્રેજ પોલીસે મુંબઈના અગ્રણી રેડિયો વેપારીઓને પકડયા. એ પછી બાબુભાઈ ઝવેરીની કચેરી પર દરોડો પાડયો, ત્યારે સીઆઈડીના બારેક અધિકારીઓની ચાંપતી નજર હોવા છતાં કચેરીની બધી ફાઇલો આબાદ રીતે ખસેડી દીધી. આ સમયે ઉષાબહેને બાબુભાઈને પૂછ્યું, 'તમારી માતાની તબિયત અંગે મારે ડોક્ટરને શું કહેવાનું છે ?' બાબુભાઈએ કહ્યું, 'માતાની સ્થિતિ ગંભીર છે એમ ડોક્ટરને કહેશો.' અહીં ડોક્ટર એટલે ડો. રામમનોહર લોહિયા અને આ ઉત્તર સાંભળીને ઉષાબહેન ડો. રામમનોહર લોહિયા અને અન્ય સહુ કાર્યક્રમ રેકોર્ડ કરવા માટે જ્યાં રોકાયા હતા, ત્યાં ગયા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા. એવામાં એક ટેનિશિયનની ધરપકડ થતાં કાર્યક્રમ પ્રસારિત થવાની મુશ્કેલી ઊભી થઇ, પણ સહુએ નક્કી કર્યું હતું કે આ રેડિયો બંધ થવો જોઇએ નહીં. આથી એક જ મથક ચલાવવાનું અને બીજું ટ્રાન્સમીટર રાતોરાત બદલી નાખવાનું નક્કી કર્યું. છેવટે એક સ્થળે ત્રણ ઓરડાઓ બંધ કરીને કાર્યક્રમ શરૂ થયો, પણ એ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યાં જ બારણે ટકોરા પડયાં. કાર્યક્રમ તો પૂરો કર્યો, પોલીસે ત્રણ બંધ બારણાં તોડીને સહુને પકડી લીધાં. પોલીસને ત્રણ મહિનાની આકરી મહેનત અંતે સફળ થઇ. ડેપ્યુટી કલેક્ટર, મિલિટરી ટેકનિશિયનો અને પચાસેક પોલીસોનું દળ વિજયના સ્મિત સાથે ધસી આવ્યું. તેમણે રેકોર્ડ ચલાવવાનું બંધ કરવા ફરમાન કર્યું, પરંતુ સહુએ આ હુકમ માનવાનો ઇન્કાર કર્યો અને 'વંદે માતરમ'ની રેકોર્ડ પૂરી થવા દીધી, પણ સાથે એમનો હેતુ શ્રોતાજનોને એ જાણ કરવાનો હતો કે અમારા એક ટેકનિશિયને એમને દગો દીધો છે અને અમારી ધરપકડ થઇ છે. પરંતુ આ ખબર પ્રસારિત કરવા ગયા, ત્યાં તો દગાબાજ ટેકનિશિયને ફ્યૂઝ ઉડાડી દીધો. ઓરડામાં અંધારં થઇ ગયું. પોલીસે એકાદ ફાનસ મંગાવીને મકાનમાંથી મળેલી વસ્તુઓની યાદી તૈયાર કરી અને પંચ બોલાવ્યું. પંચના એક માણસ તરીકે મકાનના ચોકીદારને બોલાવ્યો. તેણે કહ્યું, 'સાહેબ, હમ તો ગરીબ લોગ હૈ, હમ કૈસે સમજે ઇન બાતો મેં ?' પોલીસે તેને ધમકાવવા ને ડરાવવા પ્રયત્ન કર્યો, પણ તેણે તો ટ્રાન્સમીટર હોઈ શકે તે વાત જ માનવાની ના પાડી. એમણે કહ્યું, 'ટ્રાન્સમીટર એટલે શું ? તેની મને શું ખબર ?' એક પોલીસે દમદાટીથી કહ્યું, 'અલ્યા બેવકૂફ, તને એટલી ય ગમ પડતી નથી કે આમાંથી ગીત વાગે ?' ચોકીદારે ખડખડાટ હસતા કહ્યું, 'લાકડાની વસ્તુ તે વળી કઈ રીતે ગાઈ શકે ?' અંતે જ્યારે ઉષાબહેને એને કહ્યું કે એને સહી કરવામાં કંઈ વાંધો નહિ આવે, ત્યારે જ છેવટે એણે કમને સહી કરી. લગભગ સાડા ત્રણ કલાક સુધી કાર્યવાહી ચાલી. ઓરડાની બહાર બધાએ પગ મૂક્યો, ત્યારે પ્રત્યેક પગથિયે એકેક તેમજ નીચે કેટલાયે પોલીસોની ટુકડી ઊભી હતી. આઝાદીના આશકોને તો આ 'ગાર્ડ ઓફ ઓનર' જેવું લાગ્યું! પોલીસે ઘણી ખૂટતી વિગતોની કડીઓ મેળવી લીધી અને બીજે દિવસે વિઠ્ઠલભાઈ ઝવેરીની ધરપકડ કરી, પછી વારો આવ્યો ચિકાગો રેડિયો કંપનીના નાનિક મોટવાણીનો. આ કેસની મહિનાઓ સુધી તપાસ ચાલી. પોલીસે આરોપોની ઝડી વરસાવી. કાયદાની કલમો લગાડવામાં કશું બાકી નહીં. સહુની અનિચ્છા છતાં કોંગ્રેસની આબરૂ જાળવા દેશના મોખરાના ધારાશાસ્ત્રીઓ શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી મોતીલાલ સેતલવાડ, શ્રી એસ.આર. તેંડુલકર અને શ્રી ઠક્કરને બચાવ માટે રોકવામાં આવ્યા. જ્યારે શ્રી વિમા દલાલે સરકારી વકીલ તરીકે કામ કર્યું. એંશી જેટલાં સાક્ષીઓની જુબાની બાદ નાનિક મોટવાણી અને વિઠ્ઠલ ભાઈ ઝવેરી નિર્દોષ ઠર્યા. ચંદ્રકાન્તભાઈ અને ઉષાબહેન ગુનો કરતાં પકડાયા હતા. અંતે ચંદ્રકાન્તભાઈને એક વર્ષની, ઉષાબહેનને ચાર વર્ષની અને બાબુભાઈને પાંચ વર્ષની કેદ મળી, પણ આ સજાથી કોઇને સહેજે ક્ષોભ નહોતો, બલ્કે આનંદ અને ગૌરવ હતાં અને એ સઘળા ગાંધીજીની એ હાકલના શબ્દો એમના કંઠમાંથી ગૂંજતા હતા : 'કરેંગે યા મરેંગે.' આજની વાત બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ? બીરબલ : જહાંપનાહ, કોઇપણ દેશનો વિનાશ બોંબમારાથી શક્ય નથી. જાપાન એનું ઉદાહરણ છે. કોઇ દેશનો વિનાશ આક્રમણો કે અત્યાચારોથી થતો નથી, જેમ કે ઇઝરાયેલ બાદશાહ : ક્યા ખૂબ ? પણ કઈ રીતે દેશનો વિનાશ થાય છે ? બીરબલ : પક્ષોની યાદવાસ્થળી, ભ્રષ્ટ રાજકારણીઓ અને ધર્મ-જાતિ કે કોમના ભેદભાવથી ! પ્રસંગકથા શરીફ ચાંચિયાઓની નાગચૂડ પોતાના અંતિમ સમયે સુલેમાને ત્રણેય પુત્રોને બોલાવ્યા. આખરી સંદેશ આપતા હોય એમ એમણે કહ્યું, 'જુઓ, તમને દરેકને પચીસ હજાર રૂપિયા આપું છું, પણ સાથે મારી એક શરત છે.' કંજૂસ પિતા પાસેથી આટલા પૈસા મળે છે તેય ઘણું છે, એમ માનીને ત્રણે પુત્રોએ નમ્રતાથી કહ્યું, 'પિતાજી, આપ બેફિકર રહેજો. અમે જરૂર વચનપાલન કરીશું.' સુલેમાને કહ્યું, 'તો સાંભળો, તમને દરેકને આ રકમ આપું છું, પરંતુ મારી દફનવિધિ વખતે તમારે એક કામ કરવાનું. તમારે મારી કબરમાં અગિયાર હજાર એકસોને એક રૂપિયા મુકવાના. બોલો, તમે આ મંજુર છે ?' ત્રણેય દીકરાઓએ વિચાર્યું કે પિતાજી પાસેથી જે કંઇ મળે તે લઇ લેવું. આથી ત્રણેયે વાત મંજૂર રાખી. પહેલા દીકરાએ પિતાનું અવસાન થતાં એમની કબરમાં ૧૧ હજાર એકસોને એક રૂપિયા મૂક્યા, બીજાએ પણ એ જ રીતે એટલી રકમ મૂકી. પણ ત્રીજા દીકરાએ છટાથી પોતાના ખીસ્સામાંથી ચેકબૂક કાઢી. તેત્રીસ હજાર ત્રણસોને ત્રણ રૂપિયાનો ચેક લખ્યો. બંને ભાઈઓએ મૂકેલા બાવીસ હજાર બસો ને બે રૂપિયા પોતાના પાકિટના હવાલે કરીને એ ચેક કબરમાં મૂક્યો. આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં પેલા ત્રીજા દીકરાની માફક ષડયંત્રો, ગેરરીતિ કે ગોટાળા કરીને બીજાની સંપત્તિ આંચકી લેનારાઓની હોડ જામી છે. સરકારી કારકૂન હોય, બાંધકામનો કોન્ટ્રાક્ટર હોય, સાયબર ફ્રોડ કરનાર હોય, કોલેજમાં પ્રવેશ હોય કે પછી બેંક હોય - બધેજ આવા લોકોનો પંજો એટલો બધો ફેલાઈ ગયો છે કે આ દેશમાંથી સીધી લીટીએ કામ કરવાનું કે સચ્ચાઈથી જીવવાનું મુશ્કેલ બનવા લાગ્યું છે. પ્રમાણિકતા કાજે સુખ કે સંપત્તિ ગુમાવનાર માનવી આજે બેવકૂફ ગણાય છેઅથવા તો એને બીજી દુનિયામાં વસતો હોય એમ કહીને લોકો એની હાંસી ઉડાવે છે. ક્યારે આ દેશમાં સાચા રાહે ચાલનારા માનવીનો આ ત્રીજા દિકરા જેવા ચાંચિયાઓથી ઉગારો થશે !

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:40 am

ઑલિમ્પિક્સમાં ભારતની મેડલ જર્ની .

- ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ જીતનારા ટોપ 15 દેશોના નામ વાંચતા જ અંદાજ આવે છે કે સ્પોર્ટ્સ અને આર્થિક વિકાસ વચ્ચે સીધો સંબંધ છે - કડવું સત્યઃ આપણને અત્યાર સુધીમાં જેટલા ગોલ્ડ મળ્યા છે તેના કરતા ત્રણ ગણા યુએસ દરેક ઑલિમ્પિકમાં જીતે છે - 1948માં ભારતની હોકી ટીમે બ્રિટનને ફાઇનલમાં પરાજિત કરીને સદીઓની ગુલામીનું વેર વાળેલું ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય ખેલવીર નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડમેડલ અપાવતાં સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છે. આ પહેલાં ૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ ભારતને શૂટિંગમાં ગોલ્ડમેડલ અપાવ્યો હતો. રમત-ગમત એ ઊર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ ઊર્જા અને ઉત્સાહ વિકાસમાં પરિવર્તિત થતાં હોય છે. ટોક્યો ઑલિમ્પિકમાં અમેરિકાના ખેલવીરોએ ૩૯ ગોલ્ડ સહિત ૧૧૨ મેડલ જીત્યા છે. ૩૮ ગોલ્ડ સહિત ૮૮ મેડલ સાથે ચીન બીજા ક્રમ પર છે. ૨૭ ગોલ્ડ સહિત ૫૮ મેડલ સાથે જાપાન ત્રીજું અને ૨૨ સુવર્ણ સહિત ૬૫ ચંદ્રક સાથે બ્રિટન ચોથા ક્રમ પર છે. ભારતને ૧૯૨૮થી આજ સુધીમાં કુલ ૧૦ ગોલ્ડમેડલ મળ્યા છે. પહેલાં ચારમાં અમેરિકા, ચીન, જાપાન અને બ્રિટન આવે છે તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્પોર્ટસ પર્ફોમન્સ અને વિકાસ વચ્ચે શું સંબંધ છે. રમત ક્ષેત્રે તમારે સર્વોચ્ચ શિખર પર પહોંચવું હોય તો અતિમહત્ત્વાકાંક્ષી અને અતિપરિશ્રમી હોવું આવશ્યક બની જાય છે. એ જ પરિશ્રમ અને મહત્ત્વાકાંક્ષા દેશને વિકસિત બનાવવા જરૂરી હોય છે. દેશવાસીઓની મહત્ત્વાકાંક્ષા અને પરિશ્રમ જ્યારે વધતા જાય ત્યારે અભિનવ બિન્દ્રા અને નીરજ ચોપરા જેવા સર્વોત્કૃષ્ટ ખેલાડીઓની સંખ્યા પણ વધતી જાય છે અને દેશની ગ્રોથસ્ટોરી પણ લખાતી જાય છે. ૨૦૨૧ના મેડલ ટેલીમાં ટોપ-૧૫ દેશોના નામ વાંચીએ તો તરત જ ખ્યાલ આવે છે કે દેશના આર્થિક વિકાસ અને સ્પોર્ટ્સના વિકાસ વચ્ચે સીધો સંબંધ છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા ટોપ-૧૫ દેશોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. ૧. યુ.એસ., ૨. ચીન, ૩. જાપાન, ૪. બ્રિટન, ૫. આર.ઓ.સી. (રશિયા), ૬. ઓસ્ટ્રેલિયા, ૭. નેધરલેન્ડ, ૮. જર્મની, ૯. ઇટલી, ૧૦. ફ્રાન્સ, ૧૧. કેનેડા, ૧૨. બ્રાઝિલ, ૧૩. ન્યુઝીલેન્ડ, ૧૪. ક્યુબા, ૧૫. હંગેરી. ભારત આ યાદીમાં બહુ પાછળ છે. જે આપણને કહી જાય છે કે હજી બીજી રમતોમાં પણ આપણને નીરજ ચોપરા જેવા પ્રતિભાવંતોની જરૂર છે. નીરજની સોનેરી જીતની ઉજવણીના અવસર પર ભારતની અત્યાર સુધીની ઓલિમ્પિક જર્ની પર નજર કરવાનું મન થઈ જાય છે. સાલ ૧૯૦૦માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં નોર્મન પ્રીચાર્ડને દોડમાં બે સિલ્વર મેડલ મળ્યા હતા. નોર્મનને એકઝેટલી ઇંડિયન કહી શકાય નહીં. તેનો જન્મ ભારતના બ્રિટિશ ફેમિલીમાં થયો હતો ત્યારે ભારત અંગ્રેજોના તાબા હેઠળ હોવાથી ઓલિમ્પિકમાં ભારતનો સ્વતંત્ર ધ્વજ પણ ન હોય. ભારત ૧૯૨૮માં ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે જોડાયું. પ્રીચાર્ડ સ્વતંત્ર ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં જોડાયેલા. રશિયાના ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં હાલ જે રીતે ભાગ લઈ રહ્યા છે એ રીતે. નોર્મનનો જન્મ ભારતમાં થયો, અહીં જ શિક્ષણ મેળવ્યું અને કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં શણનો વેપાર પણ કર્યો. અહીં તે સમયે યોજાતી રમતોમાં તેમણે અનેક વિક્રમ સર્જેલા. તેનું જન્મ પ્રમાણપત્ર અહીંનું, પેરિસની યાત્રા ભારતના ડોક્યુમેન્ટ પર કરેલી, એ રીતે તે ચોક્કસ ભારતીય કહી શકાય. પ્રીચાર્ડ બાદની વાત કરીએ તો ૧૯૨૮માં એર્મ્સ્ટડમ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં પ્રથમ ગોલ્ડ મેળવ્યો. ૧૯૨૮થી ૧૯૫૬ દરિમયાન ભારતની પુરુષ હોકી ટીમે બેકટુ બેક છ ગોલ્ડમેડલ મેળવેલા. ૧૯૨૦થી ૧૯૮૦ સુધીમાં ૧૨ ઓલિમ્પિક રમાઈ, તેમાં ભારતના નામે ૧૧ મેડલ બોલતા હતા. ૧૯૪૮માં ભારતના ખેલાડીઓએ પ્રથમ વખત ત્રિરંગાના નેજા હેઠળ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો. ભારતની હોકી ટીમે ફાઈનલ મેચમાં હરીફ ટીમને ૪-૦થી પરાજિત કરી ગોલ્ડમેડલ જીતેલો. આ જીત ત્રણ કારણથી સ્પેશ્યલ હતી. એક તો ભારતે સ્વતંત્ર દેશ તરીકે ભાગ લીધેલો. બીજું અત્યાર સુધી જેની ગુલામી કરી હતી એ બ્રિટનની ટીમને જ હોકીની ફાઈનલમાં પરાજિત કરેલી અને ત્રીજું તેની જ જમીન પર લંડન ખાતે હરાવી. સ્વતંત્ર ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડમેડલ ખાસાબા જાદવે અપાવેલો. ૧૯૫૨માં હેલસિંકી ખાતે ઓલિમ્પિક યોજાયેલી. તેમાં કુસ્તીબાજ ખાસાબા જાદવ બ્રોન્ઝ વિજેતા બનેલા. ઓલિમ્પિકમાં જવા માટે તેમને અને તેમના પરિવારે લોકફાળો કરવો પડયો હતો. ખાસાબા જાદવે વ્યક્તિગત મેડલ મેળવ્યા પછી ભારતને ઓલિમ્પિકમાં બીજો વ્યક્તિગત મેડલ મેળવવા માટે ૪૪ વર્ષની રાહ જોવી પડી. ૧૯૯૬માં એટલાંટા ખાતે આયોજિત ઓલિમ્પિક રમતોમાં લિયેન્ડર પેસે ટેનિસમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. ત્યારપછી આપણું પર્ફોમન્સ ક્રમશઃ સુધરવા લાગ્યું. દરેક ઓલિમ્પિકમાં કમસેકમ એક મેડલ મળતો થયો. ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતને પહેલી વખત ૬ મેડલ મળ્યા. સાલ ૨૦૦૦માં વેઈટલિફટર કરન્મ મલ્લેશ્વરી ઑલિમ્પિક મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની. સિડની ઑલિમ્પિકમાં તેઓ બ્રોન્ઝમેડલ વિજેતા બન્યા. મલ્લેશ્વરીએ ચંદ્રક જીત્યા પછી બીજી ભારતીય ખેલવિરાંગનાને ચંદ્રક જીતવામાં ૧૨ વર્ષ લાગ્યા, અલબત્ત એ પછી બોક્સિંગમાં મેરી કોમ, બેડમિન્ટનમાં સાયના નેહવાલ અને પી.વી. સિંધુ તથા કુસ્તીમાં સાક્ષી મલિકે મેડલનું ગૌરવ અપાવ્યું. આજે એ સ્થિતિ છે કે ઑલિમ્પિકમાં ભારતના પુરુષ ખેલાડીઓ કરતાં વધારે મેડલ મહિલા ખેલાડીઓ જીતી રહી છે. ભારતને સૌ પ્રથમ વ્યકિતગત સિલ્વર મેડલ ૨૦૦૪માં મળ્યો. જે એથેન્સ ખાતે શૂટિંગમાં રાજ્યવર્ધનસિંહ રાઠોરે પ્રાપ્ત કરેલો. ભારતને અત્યાર સુધીમાં હોકીમાં આઠ ગોલ્ડમેડલ મળ્યા છે, તેમાંથી છેલ્લો ગોલ્ડ ૧૯૮૦માં મોસ્કો ઑલિમ્પિકમાં મળ્યો હતો. આ વખતે ઇંડિયન હોકી ટીમ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બની. આ સાથે અત્યાર સુધીમાં હોકીમાં ભારતના ૧૨ મેડલ થયા છે. હોકી પછી ભારતીય રમતવીરોને સૌથી વધુ સફળતા શૂટિંગ અને રેસલીંગમાં મળી છે. ૨૦૦૮માં અભિનવ બ્રિન્દાને ૧૦ મીટર એર રાયફલ શૂટિંગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત થયો હતો. આ સાથે ૧૯૮૦ પછી સુવર્ણચંદ્રકનો ૩૮ વર્ષનો ખાલીપો સમાપ્ત થયો. ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સમાં શૂટિંગની હરિફાઈમાં વધુ બે પ્રતિભા ઝળકી. વિજય કુમારને સિલ્વર અને ગગન નારંગને બ્રોન્ઝ મેડલ મળ્યો. ટોક્યો ઑલિમ્પિકમાં રવિ દહીયા કુસ્તીમાં સિલ્વર મેડલ વિજેતા બન્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કેવળ એક જ પુરુષ કુસ્તીબાજને બે ઑલિમ્પિક મેડલ મળ્યા છે. ૨૦૦૮માં સુશીલકુમારને બ્રોન્ઝ મેડલ અને ૨૦૧૨માં સિલ્વર મેડલ વિજેતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. યોગેશ્વર દત્તને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે અને સાક્ષી મલિક કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ મેળવનારી પહેલી ભારતીય મહિલા છે. ૨૦૧૬માં તેને પ્રથમ ગોલ્ડમેડલ મળ્યો હતો. બેડમિંટન અને બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પ્રતિભા બતાવી છે. બોક્સિંગમાં ૨૦૦૮માં વિજેન્દ્રસિંઘ અને ૨૦૧૨માં મેરી કોમ બ્રોન્ઝ વિજેતા બન્યા હતા. બેડમિંટનમાં ૨૦૧૨માં સાયના નેહવાલ બ્રોન્ઝ અને ૨૦૧૬માં પી.વી. સિંધુ રજત ચંદ્રક વિજેતા બન્યા હતા. આ વખતે ૪૯ કિલો વેઈટ લિફટિંગમાં મીરાબાઈ ચાનુ સિલ્વર મેડલ, બેડમિંટનમાં પી.વી. સિંધુ બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફટિંગમાં લવલીના બોર્ગોહાઈન બ્રોન્ઝ મેડલ, કુસ્તીમાં રવિ દહીંયા સિલ્વર મેડલ, બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ અને ભાલા ફેંકમાં નીરજ ચોપરા ગોલ્ડમેડલ વિજેતા બન્યા છે. મેડલની વધતી જતી સંખ્યા એક દિવસ આપણને ઑલિમ્પિકના ટોચના પાંચ વિજેતાઓમાં પહોંચાડશે એવી આશા બૂલંદ છે. આજની નવી જોક લલ્લુ (છગનને): પપ્પા, તમને અંધારાથી ડર લાગે છે? છગનઃ ના. લલ્લુઃ તમને ગાજવીજથી ડર લાગે છે? છગનઃ ના. લલ્લુઃ એનો મતલબ એમ કે તમને મમ્મી સિવાય કોઈથી ડર લાગતો નથી. છગનઃ હેં!? બહુ કેવાય ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં જવા માટે ઘર ગીરવે મૂકવું પડેલું કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં ભાગ લેવા પોતાનું ઘર ૭ હજાર રૂપિયામાં ગીરવે મૂકેલું. ભારતમાં પ્રતિભાઓ તો અનેક પાકે છે પરંતુ- તેનું સંવર્ધન કરનારા અને તેને પારખનારા કદરદાનોનો અભાવ હોવાથી એ પ્રતિભાઓ વિશ્વપ્રસિદ્ધ થયા પહેલાં જ કરમાઈ જાય છે. કુસ્તીબાજ ખાસાબા જાદવ આવા વિસમ સંજોગોમાંથી પણ પાર ઊતર્યા હતા. ૧૯૫૨માં તેમણે હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતને પહેલો સ્વતંત્ર ગોલ્ડ મેડલ અપાવેલો. વિજય પછી દેશમાં તેમનું જબરદસ્ત સન્માન થયું. રેલ્વે સ્ટેશન પર તેમને આવકારવા હજારોની ભીડ એકઠી થઈ. ૧૫૧ બળદ ગાડાનું વિશાળ સરઘસ નીકળ્યું, પરંતુ જ્યારે તેમને ઓલિમ્પિકમાં જવાનું હતું ત્યારે સ્થિતિ બિલકુલ ઉલટી હતી. એ સમયમાં ભારતમાં રમતગમત ક્ષેત્રે અણઘડ વહીવટ ચાલતો હતો. ૧૯૫૨માં મદ્રાસ ખાતે આયોજિત નેશનલ ગેમ્સમાં તેઓ વિજેતા બન્યા હોવા છતાં તેમને ગોલ્ડમેડલ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. આવા ભેદભાવ બદલ તેમણે પતિયાલાના મહારાજા યાદવીન્દ્રસિંહને ફરિયાદ કરી. તેઓ ત્યારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનના અધ્યક્ષ હતા. તેમણે કોલકત્તામાં જાદવની ફરીથી પરીક્ષા લીધી અને તેમાં તેઓ હેલસિંકી ઑલિમ્પિક માટે ક્વોલિફાય થયા. ક્વોલિફાય તો થઈ ગયા પરંતુ તેમની પાસે હેલસિંકી જવાના પૈસા નહોતા. તેમણે રૂપિયા ૭,૦૦૦માં એક કોલેજ પ્રિન્સિપાલ પાસે પોતાનું ઘર ગીરવે મૂક્યું. હજી રૂપિયા ૧૨૦૦૦ ખૂટતા હતા. તેમણે બોમ્બે પ્રાંતના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈને વાત કરી. મોરારજીભાઈનો જવાબ હતો, ગેમ્સ પછી મળીએ. અંતે તેઓ લોકફાળો ઊઘરાવીને ઑલિમ્પિકમાં પહોંચ્યા અને તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ દેશને ગૌરવ અપાવ્યું. જીકે જંકશન - દર વર્ષે ૭મી ઓગસ્ટે વિશ્વ હાથશાળ દિવસ મનાવવામાં આવે છે. હાથશાળના ઉત્પાદનો વધારે સારી ગુણવત્તાના હોય છે પરંતુ બજારવાદને લીધે તેમનું સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ વિશે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. - તાજેતરમાં અમેરિકાના કુસ્તીબાજ બોબી ઇટનનું અવસાન થયું હતું. રાજસ્થાન સરકાર દ્વારા ૬૦ ભિક્ષુકોને નોકરી આપવામાં આવી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે પાકિસ્તાનને કોરોનાની રસી ખરીદવા માટે ૫૦ કરોડ ડોલરની લોન આપી છે. - ઉત્તરાખંડના લાભાંશુ શર્મા કેસરી કુસ્તીદંગલમાં વિજેતા બન્યા હતા. એ.ડી.બી. મહારાષ્ટ્રને ગ્રામીણ કનેક્ટિવટી સુધારવા માટે ૩૦ લાખ ડોલરની લોન આપશે. - જોન્સન એન્ડ જોન્સનની સીંગલ ડોઝ રસીને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે તેનો ઉપયોગ ઈમરજન્સીમાં જ કરી શકાશે.

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:30 am

ઉ.પ્રદેશમાં બ્રાહ્મણોને ખેંચવા વિપક્ષો સક્રિય..

- વિપક્ષી એકતા નહીં, તો યોગી રોકાશે નહીં - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર - સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે સંસદમાં વિરોધ પક્ષોએ સ્પાયગેટ-ટુના મુદ્દે સરકારને ભીંસમાં લેવા એકતા બતાવી છે પરંતુ હવે એ જોવાનું એ છે કે આગામી છ મહિનામાં ભાજપ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશનો જંગ લડશે ત્યારે વિપક્ષો કેવા પ્રકારની એકતા બતાવશે તે પર સૌની નજર છે. ઉત્તર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષો તેમના અભિમાન છોડીને એક થાય તો પણ ઘણુંં એમ કહી શકાય. આ બંને મુખ્ય પ્રાદેશિક પક્ષોજ યોગી આદિત્યનાથનો વિજય રથ અટકાવી શકે એમ છે. પરંતુ તે બંને વચ્ચે અનેક મતભેદો છે. બંને પક્ષ ભૂતકાળમાં એક થયેલા છે પરંતુ તેનું પરિણામ બહુ પ્રોત્સાહજનક નથી. અખિલેશ યાદવ અને માયાવતી એમ બંનેના પાયાના કાર્યકરો એક થવા રાજી નથી તે પણ હકીકત છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજદવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે. બંને ચોક્ક્સ જ્ઞાાતિઓને સાથે રાખતી આવી છે. આ જ્ઞાાતિઓની પેટા જ્ઞાાતિને પણ આ લોકો પોતાના પક્ષમાં ખેંચી લાવે છે. બીજી તરફ ભાજપે જાતિવાદને સાઇડમાં રાખીને જંગ લડવાનો સંકેત આપ્યો છે. ભાજપે દરેક જ્ઞાાતિને પોતાની સાથે સમાવી છે. ભાજપે વિવિધ જ્ઞાાતિના નેતાઓને પણ પોતાની સાથે રાખ્યા છે. એ પણ બહુ જાણીતી વાત છે કે મોદી સરકારે તાજેતરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે તેમાં સૌથી વધુ પ્રાધાન્ય ઓબીસી અને પછાત વર્ગને આપ્યું છે. તેમાં ચૂંટણી જંગમાં જઇ રહેલા ઉત્તર પ્રદેશના ચહેરાઓનો સમાવેશ પણ થાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાન સભા અને અન્ય રાજ્યોની ચૂંટણીઓના પરિણામોની અસરમાં ફર્ક છે. કેમકે ઉત્તર પ્રદેશને આગામી લોકસભાની હાર જીત પર અસર સાથે જોડવામાં આવે છે. જો વિપક્ષ ઉત્તર પ્રદેશમાં જીતશે તો તે લોકસભામાં ચૂંટણી વખતે અનેક વાંધા ઉભા કરી શકે છે. જો વિપક્ષ જીતશે તો વડાપ્રધાન પદનો ઉમેદવાર માટે પણ વિપક્ષમાં જંગ શરૂ થઇ જશે. જો ભાજપ જીતશે તો ૨૦૨૪ના લોકસભાના જંગમાં તે ઉત્સાહ સાથે ઉતરશે. હાલની સ્થિતિ એ છે કે બ્રાહ્મણોને મનાવવા દરેક પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૨ ટકા જેટલી છે. તેમને પોતાની તરફ ખેંચવા દરેક રાજકીય પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના ૫૭ જેટલા રેકોર્ડ બ્રાહ્મણ વિધાનસભ્યો ચૂંટાયા છે. આ ઉપલા વર્ગે ૨૦૧૭ના જંગમાં ભાજપને એક તરફું મતદાન કર્યું હતું. યાદવ અને રાજપુત વચ્ચેની ચાલી આવતી મડાગાંઠમાં બ્રાહ્મણો હંમેશા રાજપૂત તરફ રહ્યા છે. કેમકે જ્યારે બ્રાહ્મણોને જરૂર પડી છે ત્યારે રાજપુતો તેમની સાથે રહેતા આવ્યા છે. હવે વિપક્ષો એવો આક્ષેપ કરે છે કે યોગી આદિત્યનાથના શાસનમાં બ્રાહ્મણો નારાજ છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે પરશુરામ જ્યંતિની રજા યોગી સરકારે કાપી માટે બ્રાહ્મણો નારાજ છે. જોકે એ વાતમાં બહુ દમ નથી. જ્યારે સમાજવાદી પક્ષના લોકોની ગુંડાગીરી હતી ત્યારે અને બહુજન સમાજવાદી પક્ષની જાટવ કોમના પ્રભુત્વ વાળી સરકાર હતી ત્યારે બા્રહ્મણો નારાજ હતા. યાદવ-મુસ્લિમના પ્રભુત્વ વાળા સમાજવાદી પક્ષ હોય કે દલીત-મુસ્લિમના પ્રભુત્વ વાળી બહુજન સમાજવાદી પાર્ટી હોય તે બંને સાથે બ્રાહ્મણોને બહુ ગોઠતું નહોતું. જ્ઞાાતિવાદને બાજુ પર રાખીને વાત કરીયે તો યોગી આદિત્યનાથે છેેલ્લા છ મહિનાથી પછાત વર્ગને વિવિધ સવલતો આપવી શરૂ કરી દીધી છે. જેમકે વધુ ગેસ સિલિન્ડર્સ અને નાના ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો રાહતનો હપ્તો પહોંચાડવો વગેરે શરૂ કરી દીધા છે. વડાપ્રધાન ગ્રામીણ યોજના હેઠળ મળતા લાભો લોકો સુધી પહોંચાડવા માટે યોગી સરકારે ખાસ વ્યવસ્થા તંત્ર ઉભું કર્યું છે. જેના કારણે યોગી સરકાર સામે ઉભો થયેલોએન્ટી ઇન્કમબન્સી વેવ ખતમ થઇ જાય. ટૂંકમાં ભાજપે સત્તા ટકાવી રાખવા માટેના પ્રયાસો છ મહિનાથી શરૂ કરી દીધા છે. કેટલાક લોકો યોગી સરકાર માટે વિવાદ ઉભો કરી રહ્યા છે. પરંતુ આજની તારીખમાં યોગીનો હાથ ઉપર છે.

ગુજરાત સમાચાર 11 Aug 2021 5:40 am

લુઈ ઝમ્પેરિનિના ઘરમાં ટ્રોફિઓનો ઢગલો થઈ ગયો..

- ઝડપી રનર તરીકે લુઈનું નામ આખા અમેરિકામાં જાણીતું થઈ ગયું - લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-5 - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - 1 માઈલ દોડનો 4:21.3 મિનિટનો લુઈનો રેકોર્ડ 19 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહોતું - એક અખબારે લુઈના બન્ને પગનો 50,000 ડોલરનો વીમો ઉતરાવ્યો હતો..! પછી લુઇએ યુનિવર્સિટી ઓફ કેલિફોનિંયા, લોસ એન્જેલસ (UCLA) ની સધર્ન કેલિફોનિંયા ક્રોસ કન્ટ્રીની બે માઇલની દોડ કોમ્પિટિશનમાં ભાગ લીધો. તે સાવ સહજતાથી એટલી તેજ ગતિએ દોડતો 'તો કે જાણે તેના પગ જમીનને અડતા જ ન હોય એવું ખુદ તેને મહેસૂસ થતું હતું. બીજા તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં લુઇ ઘણો આગળ હતો. તેની દોડનો વેગ એટલો તો જલદ હતો કે એકેય હરીફ તેની નજીક રહી શકતો નહોતો. લુઇની દોડવાની ઝડપ જોઇ ઘણાં દર્શકોના હૃદયના ધબકારા વધી ગયા. તેમને લાગ્યું કે આ છોકરો દોડતો દોડતો ગમે તે ઘડીએ ઢળી પડવાનો છે. પણ આવું વિચારનારા દર્શકો ખોટા પડયા. લુઇ દોડતો દોડતો ના ઢળી પડયો. ફિનિશ લાઇન ક્રોસ કર્યા પછી લુઇએ પાછળ નજર કરી તો તેને એક પણ હરીફ નજરે ના ચઢ્યો. પ્રતિસ્પર્ધીઓ તેનાથી લગભગ પા માઇલ જેટલા પાછળ હતા. ટ્રેક રનની સંજ્ઞાામાં જોઇએ તો બે માઇલ એટલે ૮ લેપ્સ ગણાય. એક લેપના ૪૦૦ મિટર લેખે ૮ લેપના ૩૨૦૦ મિટર થાય. લુઇ એટલી તેજ ગતિએ દોડયો કે તેનો નજીકનો પ્રતિસ્પર્ધી તેનાથી પા માઇલ એટલે કે લગભગ ૪૦૦ મીટર અથવા એક લેપ પાછળ હતો. લુઇને લાગ્યું કે તે મુર્ચ્છિત થઇ જશે; તેજીલા તોખાર જેવી અતિ ઝડપી દોડના લીધે નહીં, પણ પોતે કેટલી મોટી સિધ્ધિ હાંસલ કરી નાંખી તેના વિચાર માત્રથી તેને લાગ્યું કે તે હોશ ગુમાવી બેસશે.. પાછળ દોડતા આવી પહોંચેલા તેના મોટાભાઇ પીટેએ લુઇની પીઠ થાબડી તેને અભિનંદન આપતા બન્ને ભાઇઓ ભાવવિભોર બની ગયા... ઝડપી રનર તરીકે લુઇનું નામ એ હદે પ્રખ્યાત થઇ ગયું કે ટ્રેક પર લુઇને દોડવા માટે ઊભેલો જોઇ ભલાભલા હરિફોને દોડતા પહેલા જ પરસેવો વળી જતો હતો. લુઇનો ઓટોગ્રાફ લેવા માટે છોકરીઓ પડાપડી કરતી, અખબારના ફોટોગ્રાફરો તેને ઘેરી વળતા અને લુઇના ઘરમાં જીતની ટ્રોફીઓનો ખડકલો થઇ ગયો'તો. લુઇને અત્યાર સુધીમાં એટલી બધી કાંડા ઘઢિયાળો ભેટમાં મળી ચૂકી હતી કે હવે તેણે પોતે ફ્રેન્ડસ, સગા-સંબંધી અને પડોશીઓને આ રિસ્ટવોચ ભેટમાં આપવાનું શરૂ કર્યૂં હતું. વર્ષ ૧૯૩૪ માં સધર્ન કેલિફોર્નિયા ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપની સ્પર્ધા લુઇ માટે જીવનની સૌથી સોનેરી ક્ષણ બની રહી. હાઇસ્કૂલ કક્ષાની એક માઇલની આ દોડ સ્પર્ધા વીજળી વેગે ૪ઃ૨૧.૩ મિનિટમાં ખતમ કરીને લુઇએ એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. લુઇએ નેશનલ હાઇસ્કૂલ કક્ષાએ જે નવો રેકોર્ડ નોંધાવ્યો એ દોડ સ્પર્ધા વખતે લુઇનો મુખ્ય હરિફ ટ્રેક પર દોડતા દોડતા એટલો બધો હાંફી ગયો કે ટ્રેક પરથી તેને ઊંચકીને દવાખાને લઇ જવો પડયો હતો, જ્યારે ભયંકર ઝડપી દોડ પછી પણ લુઇ તો એકદમ પ્રફુલ્લિત અને તરોતાજા લાગતો હતો. દોડ બાદ તેણે મિત્રો સાથેની વાતચીતમાં કહ્યું, બીજી 'લેપ'માં હુ જો થોડોક જ વધારે તેજ ગતિએ દોડયો હોત તો એક માઇલની દોડ મેં ૪ઃ૧૮ મિનિટમાં પુરી કરી હોત, અર્થાત ૩ મિનિટ ઓછા સમયમાં એક માઈલની દોડ હું પુરી શક્યો હોત. તે વખતે એક રિપોર્ટરે અખબારમાં આ દોડ સ્પર્ધાના ન્યૂઝમાં લુઇની દોડના ભરપેટ વખાણ કરતા ભવિષ્યવાણી ભાખી હતી કે લુઇએ નેશનલ હાઇસ્કૂલનો ૪ઃ૨૧.૩ નો જે વિક્રમ સર્જ્યો છે, તે આવતા ૨૦ વર્ષમાં કોઇ નહીં તોડી શકે. રિપોર્ટરની એ આગાહી લગભગ સાચી પડી. એક માઇલની દોડ સ્પર્ધાનો ૪ઃ૨૧.૩ નો રેકોર્ડ ૧૯ વર્ષ બાદ તૂટયો હતો. વર્ષ ૧૯૧૬ માં એડ શિલ્ડસનો ૪ઃ૨૩.૬ નો રેકોર્ડ હતો પરંતુ તેના પછી ૧૯૨૫ માં ચેસ્લી ઉનરૂએ ૧ માઇલની દોડ સ્પર્ધા ૪ઃ૨૦.૫ માં પુરી કરી હતી, પણ ચેસ્લીના આ રેકોર્ડની કોઇ સત્તાવાર નોંધ કરાઇ ન હોવાથી આ રેકોર્ડ ગણત્રીમાં લેવાતો નથી. ગ્લેન કર્નિંગહામનો વર્ષ ૧૯૩૦ નો રેકોર્ડ ૪ઃ૨૪.૭ નો હતો. આમ એડ શિલ્ડસના ૪ઃ૨૩.૬ ના રેકોર્ડ સામે લુઇએ ૪ઃ૨૧.૩ નો નવો જ નેશનલ હાઇસ્કૂલ રેકોર્ડ સ્થાપતા ટ્રેક રનર તરીકે આખા અમેરિકામાં તેનું નામ ગાજતુ થઇ ગયું. લુઇ મૂળે ટોરેન્સ ગામનો રહીશ હતો, અને ટ્રેક રનમાં તે ઝંઝાવાતી ગતિએ દોડતો હોવાથી આખા અમેરિકામાં તે 'ટોરેન્સ ટોર્નેડો' તરીકે જાણીતો થઇ ગયો હતો. અખબારોમાં પણ લુઇના નામ આગળ 'ટોરેન્સ ટોર્નેડો' વિશેષણ અચૂક લખાતું થઇ ગયું હતું. એક મઝાની અને આશ્ચર્યની વાત તો એ છે કે લુઇના ન્યૂઝના કારણે 'ટોરેન્સ હેરાલ્ડ' નામના સમાચાર પત્રની નકલોનું વેચાણ વધી જવાના કારણે આ પેપરની આવક પણ ખૂબ વધી ગઇ. જેથી અખબારના માલિકે લુઇના બન્ને પગનો ૫૦,૦૦૦ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો.! હજી થોડા વર્ષો પહેલા જે છોકરો આજે હું કોના ઘરના રસોડામાંથી બ્રેડ-બટર ચોરીને ખાઇ જઉં'ના વિચારમાં ખોવાયેલો રહેતો હતો, એ છોકરો હવે વર્ષ ૧૯૩૬ માં બર્લિનમાં યોજાનારી ઓલિમ્પિકમાં ટ્રેક રેસ જીતવાના ખ્યાલમાં ખોવાયેલો રહેતો હતો. ઓલિમ્પિકમાં એક માઇલની રેસ નહોતી, ૧૫૦૦ મીટરની દોડ સ્પર્ધા જ હતી. ૧૫૦૦ મીટર એટલે એક માઇલ કરતાં થોડું ઓછું અંતર થાય. ૧૫૦૦ મીટર બરાબર ૦.૯૩ માઇલ થાય છે. ઓલિમ્પિકની ૧૫૦૦ મીટરની દોડમાં સામાન્ય રીતે ૨૨ થી ૩૦ વર્ષના યુવાનો ભાગ લેતા હતા. વર્ષ ૧૯૩૬ની ઓલિમ્પિકની ટ્રેક સ્પર્ધામાં કયા કયા રનર ભાગ લેશે? અને તેમાં જીતવાની સંભાવના કોની છે? તે વિશેની અટકળોમાં પહેલું નામ ગ્લેન કર્નિંગહામનું ચર્ચાતું હતું. ૧ માઇલની દોડમાં ૪ઃ૦૬.૮ નો વર્લ્ડ રેકોર્ડ કર્નિંગહામના નામે હતો. મહત્વની વાત એ છે કે કનિંગહામે ચોથા ધોરણમાં હતો ત્યારથી દોડની હરિફાઇમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૩૬ ની ઓલિમ્પિક વખતે તેની ઉંમર ૨૭ વર્ષની હશે. જ્યારે લુઇની ઉંમર તે વેળા માત્ર ૧૯ વર્ષની થશે અને ટ્રેક દોડનો લુઇનો અનુભવ માત્ર પાંચ જ વર્ષનો હતો. પરંતુ હાઇસ્કૂલ કક્ષાએ એક માઇલની દોડ હરિફાઇમાં આખા અમેરિકામાં લુઇએ ડંકો વગાડી દીધો હતો. દરેક દોડ સ્પર્ધામાં લુઇ ખુદ પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જતો હતો.

ગુજરાત સમાચાર 11 Aug 2021 5:35 am