SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાયો

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 8:29 pm

મુલાકાત:ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જૂનાગઢ જિલ્લાના ચાંપરડા સ્થિત શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામની મુલાકાત કરી

નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચાકીનું ખાતમુહૂર્ત અને યજ્ઞમાં સહભાગી થયા

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 8:19 pm

ખાતમુહૂર્ત:વિદ્યાનગર ખાતે વડતાલધામ સંસ્થા દ્વારા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 1000 છાત્રો માટે છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

મુખ્યમંત્રીએ પોતાના પુત્રને પણ ગુરુકુળમાં રહી શિક્ષા આપવી હોવાનો સ્વાનુભવ વ્યક્ત કર્યો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 8:06 pm

શ્રાવણ છલકાયો:દાહોદ જિલ્લામા મેઘમહેર યથાવત, શહેરમાં પાણી ભરાયા, બપોર સુધીમા 1 ઈચ વરસાદ

જિલ્લાવાસીઓ સહિત ખેડુત આલમમાં ખુશીનો માહોલ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:52 pm

ધરા ધ્રુજી:જામનગર શહેરમાં 4.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો, લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા

ભૂકંપનું કેન્દ્રબિંદ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધાયું

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:42 pm

AMCનું ચેકિંગ:અમદાવાદનો પંચમ મોલ, નક્ષત્ર મોલ, ચાણક્ય પ્લાઝા, વિનસ એમડ્સમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યાં, 348ને નોટીસ આપી રૂ. 6.69 લાખનો દંડ વસૂલ્યો

હેલ્થ વિભાગે શહેરના 511 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરી 348 એકમોને નોટીસ ફટકારી દંડ વસૂલવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:41 pm

ઉદ્દધાટન:માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન નાયબ મુખ્ય મંત્રીના હસ્તે કરાયું

શેઠ સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલનુ ઉદ્દધાટન કરાયુ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:36 pm

પાઇલોટ પ્રોજેક્ટ:રાજયના ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજનાના પાઇલોટ પ્રોજેક્ટ માટે ગાંધીનગરની પસંદગી

ગાંધીનગર જિલ્લાના 18 ગામોને પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે,ગાંધીનગર તાલુકાના પાંચ ગામમાં તા. 24મી ઓગસ્ટથી ડ્રોનથી સર્વેની કામગીરીનો આરંભ કરાશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:27 pm

મેઘમહેર:અમરેલી અને લીલીયામાં ધોધમાર વરસાદ, નાવલી નદી બે કાંઠે વહેતી થઈ

રાજુલા-જાફરાબાદમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:26 pm

તપાસ:રક્ષાબંધનના તહેવાર નજીક આવતા નવસારી જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામા આવ્યા

ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા 35 મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ એકત્ર કર્યા,રક્ષાબંધન નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં કુલ 35 મીઠાઈ ની દુકાન માંથી સેમ્પલ લીધા છે.

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:14 pm

કાર્યવાહી:અંકલેશ્વર જી.આઈ.ડી.સી નજીકથી બિસ્કિટ ભરેલા ટેમ્પો ચોરી મામલે સુરતનો વેપારી ઝડપાયો

પોલીસે ચોરીના બિસ્કિટની ખરીદી કરનાર સુરતના ભેસ્તાનના વેપારીને ઝડપી પાડ્યો,પોલીસે બિસ્કિટનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:06 pm

ભૂમિપૂજન:ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતમાં દહેજમાં SPC લાઇફ સાયન્સ કંપનીનું ભૂમિપૂજન કરાયું

દહેજ ઔદ્યોગિક વસાહતમાં નવનિર્માણ પામનાર કંપનીમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 7:02 pm

ખાસ સુવિધા:રક્ષાબંધનના તહેવારને લઈ નવસારી પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ રાખી કવર બનાવડાવ્યા

કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી 10 રૂપિયા ચુકવી કવર મેળવી શકાશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:36 pm

વીજ ચોરી:ગાંધીધામ સામખિયાળી કોરિડોર હાઈવે પર 11 હોટલમાંથી 50 લાખની વીજ ગેરરીતિ ઝડપાઈ

વડોદરાની વિજિલન્સની ટીમોએ 39 હોટલમાં ચેકિંગ કરી 11માંથી ગેરરીતિ ઝડપી પાડી,ભચાઉ શહેરમાંથી વધુ રૂ. 4.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:32 pm

સરાહનીય કામગીરી:ગારીયાધાર 108 ની ટીમે જોડિયા નવજાત શિશુને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપીને નવજીવન આપ્યું

ગારીયાધારની જોખમી સગર્ભા મહિલા અને તેના બે બાળકોના 108 એ મધરાતે જીવ બચાવ્યા,108 ની સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:29 pm

રોબોકોન ઈવેન્ટ:એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન સ્પર્ધામાં જીટીયુની બે ટીમ બીજા અને ત્રીજા સ્થાને રહી, હવે ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

રોબોટિક્સ જેવા ઉભરતાં ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વિવિધ સંશોધન આત્મનિર્ભર ભારત અભિયાનમાં વિશેષ ફાળો પૂરો પાડશે,એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન આયોજીત નેશનલ રોબોકોન ઈવેન્ટમાં જીટીયુની 2 ટીમે ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કર્યું

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:20 pm

વડોદરાનું ગૌરવ:MSUના સ્ટુડન્ટને UKની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં MSc મીડિયામાં અડમિશન મળ્યું, ઉચ્ચત્તર અભ્યાસ માટે 7920 પાઉન્ડની સ્કોલરશીપ મળી

કલરવ જોષી વિશ્વની ઉચ્ચ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં MSc મીડિયાનો અભ્યાસ સપ્ટેમ્બરથી શરૂ કરશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:16 pm

ઉજવણી:પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ભાઈ-બહેનના પવિત્ર પર્વ સમા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

જિલ્લા પોલીસ વડા સહિત એ ડિવિઝન,બી ડિવિઝનનાં પીઆઈ સહિત પોલીસ સ્ટાફને રાખડી બાંધી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:11 pm

શ્રાવણીયો જુગાર:ઝાલોદના ગામડીમાં અને લીમખેડાના મોટાહાથીધરા ગામે પોલીસે દરોડો પાડી 17 જુગારીઓને ઝડપી લીધા

પોલીસે બંને દરોડામાંથી રૂ. 83 હજારથી વધુમો મુદ્દામાલ કબ્જે કર્યો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:07 pm

ઉજવણી:ભાવનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાઈકલ સ્પર્ધાનું આયોજન કરાયું

સ્પર્ધકો માટે પાણી, એનર્જી ડ્રીકની વ્યવસ્થા કરવામા આવી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:04 pm

મહોરમ પર્વ:નડિયાદ સહિત જિલ્લામાં આવતીકાલે મોહરમનો પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરાશે

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે આ પર્વ ખૂબજ સાદગીપૂર્વક ઉજવાઇ રહ્યો છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 6:02 pm

સ્વસ્થ ભારતનો સંદેશ:બોલિવુડ એક્ટર મિલિંદ સોમણની મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 'રન ફોર યુનિટી', દરરોજ 56 કિમી દોડીને 8 દિવસમાં કેવડિયા પહોંચશે

મુંબઇથી 450 કિલોમીટર દોડીને 22 ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે,વલસાડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:45 pm

નમઃ પાર્વતી પતયૈ...:સોમનાથ સન્મુખ બિરાજશે મા પાર્વતી, બનશે 71 ફુટ ઊંચું મંદિર, કાલે સવારે PM કરશે પાર્વતી મંદિરનો શિલાન્યાસ

આગામી બેથી ત્રણ વર્ષમાં મંદિર તૈયાર થશે,મંદિર નિર્માણમાં શ્વેત આરસપહાણનો ઉપયોગ કરવામા આવશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:42 pm

મેઘમહેર:વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ પારડી અને વલસાડ તાલુકામાં 5-5 ઇંચ વરસાદ; ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં

ધરમપુર અને વાપીમાં ચાર-ચાર ઈંચ વરસાદ,ઉમરગામ અને કપરાડામાં અઢી ઈંચ વરસાદ,ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતાં ધરતીપુત્રોએ રાહત અનુભવી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:06 pm

કોરોના સામે જનજાગૃતિ:અમદાવાદના ઇકબાલભાઇએ કોરોના સામે સતર્કતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી

વડાપ્રધાન મોદી પણ ઈકબાલભાઈની રાખડી બનાવવાની કળાથી આકર્ષિત થયાં છે.,અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક.

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 3:19 pm

સિંહને ક્યાં લઈ જવાયા?:અમરેલીના રાજુલા પંથકના રેવન્યૂ વિસ્તારમાંથી રાતોરાત 5 સિંહોને રેસ્ક્યૂ કરી લઈ જવાતા સિંહપ્રેમીઓમાં રોષ

વનવિભાગે પહેલા રેસ્ક્યૂની ના પાડી, પછી સારવાર માટે લઈ જવાની વાત કરી,સિંહપ્રેમીઓએ અહીંથી લઈ જવાયેલા સિંહને ફરી અહીં લાવવાની માગ કરી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 3:17 pm

ઉદ્યોગને અસર:અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કરતાં સુરતના ઉદ્યોગકારો મુશ્કેલીમાં, ટેક્સટાઈલના 100 કરોડ રૂપિયા ફસાય તેવી કટોકટી

ટેક્સટાઈલ માર્કેટમાંથી સિન્થેટિક કાપડ મોટી માત્રામાં અફઘાનિસ્તાન એક્સપોર્ટ થાય છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 2:40 pm

પ્રવાસનના વૈશ્વિક કેન્દ્રમાં યાત્રાધામ:સોમનાથના કિનારે બનેલા સુમદ્ર દર્શન વોક-વે પર ડ્રોનના સથવારે એક લટાર, PM મોદી શુક્રવારે કરશે લોકાર્પણ

દોઢ કિમી લાંબો 'સમુદ્ર દર્શન વોક-વે' પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર,સોમનાથના ઈતિહાસથી સાક્ષી કરાવશે 'સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર'

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 2:14 pm

સુનાવણી:ગુજરાત હાઇકોર્ટનો લવ-જેહાદના કાયદાની કલમ 3, 4, 5 અને 6 પર મનાઈહુકમ, બળજબરીથી લગ્ન કર્યાનું પુરવાર થશે તો જ FIR થઈ શકશે

આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં: હાઈકોર્ટનું અવલોકન

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:40 pm

વર્લ્ડ ફોટોગ્રાફી ડે:ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજ, કેબલ બ્રિજ અને નર્મદા નદીની મનમોહક તસ્વીરો

માં રેવાની શાંતિ અને ભારોભાર પ્રાકૃતિક સૌંદર્યની પણ તસ્વીર

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:35 pm

ન્યાય યાત્રા:કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે

સુરતમાં કોંગ્રેસી નેતાઓએ યાત્રા સાથે સંકળાયેલી વિગતો જાહેર કરી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:22 pm

સુરેન્દ્રનગરથી:વેરાન રણ હજારો વિદેશી પક્ષીઓના ઝુંડ અને દુર્લભ ઘૂડખર માટે અનોખો આશરો, ઘૂડખર રણનું આગવુ ઘરેણું

ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો,અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વિક્રમજનક વધારો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:01 pm

AAPનો પ્રહાર:ગુજરાતમાં ઓક્સિજન વગર હજારો લોકો મર્યા અને ભાજપ જનઆશીર્વાદ યાત્રા કાઢે છે, આ અપમાન યાત્રા છે: ઇસુદાન ગઢવી

પ્રવીણ રામને યુથ વિંગના અધ્યક્ષ અને નિખિલ સવાણીને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવાયા,કોરોનામાં સરકાર ફેલ ગઈ એટલે ભાજપે કેન્દ્રના નેતાઓને મોકલ્યા: ઇસુદાન

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:41 pm

વિશ્વ ફોટોગ્રાફી દિવસ:રાજ્યના પાટનગર ગાંધીનગરે ભરેલી વિકાસની હરણફાળની એરિયલ વ્યૂ તસવીરો મંત્ર મુગ્ધ કરી દેશે

જાણીતા ફોટોગ્રાફર નદીમ શેખ દ્વારા દિવ્ય ભાસ્કરના વાચકો માટે તસવીરો વહેતી કરવામાં આવી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:13 pm

અફઘાની વિદ્યાર્થીનું દુઃખ:રાજકોટમાં અભ્યાસ કરતા અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીએ કહ્યું- આજે અફઘાનિસ્તાનનો આઝાદી દિવસ છે પણ ઉજવણી કરનારને તાલિબાનો મોતને ઘાટ ઉતારે છે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા નિકળેલા 2 લોકોના મોત, 6થી 7 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે : અફઘાની વિદ્યાર્થી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 11:28 am

રાજકારણ શરુ:રાજકોટમાં મનસુખ માંડવિયાએ કહ્યું-પાટીદાર એટલે ભાજપ, આનંદીબેને સમાજની જવાબદારી કરતા સત્તાના કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું

માંડવિયાએ 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી,મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 10:21 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ભાસ્કરે પૂછ્યું, ‘તમે રેલ મંત્રી બન્યાં તો હવે સુરતને અલગ ડિવિઝન અપાવશો ખરા?’, મંત્રી જરદોશ બોલ્યાં, ‘ક્યારેય નહીં, અમે નવી વ્યવસ્થા ઊભી કરવા તૈયાર છીએ’

વલસાડ-આબુ ટ્રેન ટૂંકમાં શરૂ થશે, શતાબ્દી-ગુજરાત ક્વિન હવે ગાંધીનગર સુધી દોડાવાશે,રાજ્ય કક્ષાના કાપડ-રેલવે મંત્રી બન્યા બાદ દર્શના જરદોશનો ભાસ્કરમાં પ્રથમ ઇન્ટરવ્યૂ,સૌરાષ્ટ્ર માટે 21મીથી સુરત-મહુવા ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે, ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનને સુરતનું સ્ટોપેજ અપાશે,સુરતમાં મેગા ટેક્સટાઇલ પાર્ક બનશે કે નહીં તે અંગે હું કંઇ ના કહી શકું, આ નિર્ણય કેબિનેટમાં લેવાશે : મંત્રી દર્શના જરદોશ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:17 am

મોનસૂન ઓડિટ:30 વર્ષના સૌથી નબળા ચોમાસાનો અણસાર, ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં 46% ઓછો વરસાદ, 15 જિલ્લામાં 50%થી વધુ વરસાદની ઘટ

જૂનમાં 5, જુલાઈમાં 7, ઓગસ્ટમાં અત્યાર સુધી સરેરાશ 1 જ ઇંચ વરસાદ, 72 જળાશયોમાં 25%થી પણ ઓછો જળસંગ્રહ,ઉત્તર ગુજરાતમાં હજુ સુધી માત્ર 31% વરસાદ, જળાશયોમાં 24% પાણી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે:જૂનાગઢના દોલતપરા ગામની સીમમાં રાત્રે 12:32 કલાકે મગરનાં બચ્ચાંની લેવાયેલી તસવીર

મગરની નજર: ગમે તેટલો પ્રકાશ પડે તો પણ આંખ બંધ થતી નથી... કારણ કે તે કીકીને સંકોચી નાંખે છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

વર્લ્ડ ફોટોગ્રાફી ડે:જેની એક ગર્જનાથી 8 કિમી સુધીનો વિસ્તાર ભયભીત થઈ જાય એ ગીરના સાવજોની 17 એક્સક્લૂઝિવ તસવીરો

જંગલનાં 2000 જાતનાં પ્રાણી પર રાજ કરે છે ગીર સાવજો,વિદેશી હોય કે ફિલ્મસ્ટાર, ગીરના સાવજોને નિહાળવા દોડી આવે છે ગુજરાત

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:10 am

પંચમહાભૂતના બનેલા શરીરના સ્વાસ્થ્ય પર ધરતીનું પણ મહામૂલું પ્રદાન છે...!

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - ઘણા લોકો પશ્ચિમનું અનુકરણ કરીને ઘરમાં પણ સ્લીપર પહેરીને ફરે છે એટલે ધરતી સાથે સંપર્ક રહેતો નથી અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે શરીર પંચમહાભૂતનું બનેલું છે- ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. ધરતીના ણને આપણે સૌએ યાદ રાખવાની જરૂર છે. સાવ નાનકડા દાખલાથી શરૂ કરીએ. રહેવા માટેનાં મકાનો, કારખાનાં, વાહન વ્યવહાર માટેની સડકો, વૃક્ષો વગેરે ધરતીનો એક હિસ્સો છે. આપણા પૂરતી વાત કરીએ તો દિવસભર પરિશ્રમ કરીને સાંજે થાકીને ચૂર થઇ જઇએ. રાત્રે પલંગ પર કે ભોંય પર ગાદલું નાખીને સુઇ જઇએ ત્યારે સૃષ્ટિની તમામ ઊર્જા આપણા થાકને દૂર કરીને બીજે દિવસે સવારે સ્ફૂત અને તાજગી સાથે ઊઠાડે છે. ક્યારેક વિચારી જો જો. ટ્રેનમાં કે વિમાનમાં ઊંઘી જઇએ ત્યારે ઘરના ગાદલા પર સુતાં હોઇએ એવી તાજગીનો અનુભવ થતો નથી. અરે, ઘરમાં આરામ ખુરસી પર બપોરે એકાદ ઝોકું ખાઇએ ત્યારે પણ પરોઢિયા જેવી તાજગીનો અહેસાસ થતો નથી. એનું એક કારણ એ કે ઘરમાં સુતાં હોઇએ ત્યારે ધરતી સાથે આપણા શરીરનું સંતુલન સધાય છે. અધ્યાત્મની ભાષામાં કહીએ તો સુઇ જાઓ ત્યારે અહંકારનું સંપૂર્ણ વિસર્જન થઇ જાય છે. ઊંઘ દરમિયાન આપણે પ્રકૃતિ સાથે એક થઇ જઇએ છીએ. બલ્ગેરિયાના એક વિજ્ઞાાની ડોક્ટર લોરેંઝોએે ઊંઘ વિશે અને એની શરીર પર થતી અસર વિશે સરસ સંશોધન કર્યું છે. ખરી વાત હવે આવે છે. એક આંતરરાષ્ટ્રીય તબીબી પરિષદમાં ડોક્ટર લોરેંઝોને પૂછવામાં આવ્યું કે આ વિચાર તમને કેવી રીતે આવ્યો ? ડોક્ટર લોરેંઝોએ જવાબ આપ્યો કે ભારતીય યોગવિદ્યામાં આવતા 'શવાસન' પરથી મને આ વિચાર આવ્યો. શવાસન એટલે ધરતીને માનવ શરીરનું સંપૂર્ણ સમર્પણ. શરીરને એકદમ ઢીલું છોડીને શેતરંજી પર પડયા રહો. ગણતરીની સેકંડોમાં ઘસઘસાટ ઊંઘી જશો. અન્ય એક વિજ્ઞાાની ડોક્ટર રોબર્ટ પાવલીટા લોરેંઝો કરતાં પણ આગળ ગયા છે. હાઇપર ટેન્શન, સ્ટ્રેસ, હાઇ બ્લડ પ્રેસર વગેરે બીમારી ધરાવતા લોકોને એક તંદુરસ્ત ગાય પાસે લાવે છે. ગાયના ચાર પગ વચ્ચે બે ચાર દિવસ રોજ પાંચ પાંચ મિનિટ સુવડાવે છે. કોઇ દવા ઇંજેક્શન વિના લોકો સાજા થઇ જાય છે. ચોપગા જીવોનું ધરતી સાથેનું સંતુલન ચમત્કાર સર્જે છે. બગીચામાં ચાલવા જાઓ ત્યારે પણ ખુલ્લા પગે લીલોતરી પર ચાલવાનો અનેરો મહિમા છે. ઘણા લોકો પશ્ચિમનું અનુકરણ કરીને ઘરમાં પણ સ્લીપર પહેરીને ફરે છે એટલે ધરતી સાથે સંપર્ક રહેતો નથી. આપણે ત્યાં ગાયમાં ૩૩ કરોડ દેવીદેવતા હોવાની વાતો થાય છે પરંતુ ગાયોને રઝળતી મૂકી દેવાથી સડક પર ટ્રાફિક જામ કરે છે અથવા પેટ ભરવા ઊકરડા ચૂંથતી હોય છે. મૂળ વાત ધરતી સાથેના સંબંધની હતી. અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે ચોપગા જીવો અર્થાત્ પશુ પક્ષીઓનું ધરતી સાથેનું સંતુલન આજે પણ અકબંધ છે. માણસ બે પગ પર ટટાર ઊભો રહેતો થયો એટલે એનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો પરંતુ પ્રકૃતિ સાથેનો સહવાસ નામશેષ થઇ ગયો. માણસે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જોડવાની આજે સૌથી વધુ જરૂર છે. સ્વાધ્યાય પરિવારનાં બાળકોને એક સૂચના સાથે એક શ્લોક ખાસ શીખવવામાં આવે છે. સવારે પથારીમાંથી જમીન પર પગ મૂકતી વખતે એ શ્લોક બોલવાનો હોય છે, એનો સાર એટલો જ કે હે ધરતી માતા, મારા પગ વડે હું તમારા પર જાણ્યે અજાણ્યે પ્રહાર કરી રહ્યો છું, માટે મને માફ કરજો. એ શ્લોક આ રહ્યો- સમુદ્રવસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદ: સ્પર્શં ક્ષમસ્વ મે... ક્યારેક વિચારી જો જો. કુદરતે આપણને ઊંઘ નામનું એક અમોધ વરદાન તદ્દન મફત આપ્યું છે. કેટલાક સામ્યવાદી દેશોમાં વિરોધીઓને ઊંઘવા નહીં દેવાની સજા કરવામાં આવે છે. અત્યંત પાવરફૂલ સ્પોટ લાઇટનો પ્રકાશ રાત્રે એના પર છોડવામાં આવે છે. સતત ઘોંઘાટ કરવામાં આવે છે. ઠંડા પાણીની છાલક મારવામાં આવે છે. થોડા દિવસો સુધી ઊંઘવા ન મળે ત્યારે માણસના દિમાગની સમતુલા ખોરવાઇ જાય છે. એ પાગલ થઇ જાય છે. બીજી બાજુ આપણે રોજ મીઠ્ઠી નીંદર માણીને બીજી સવારે તાજામાજા થઇ જઇએ છીએ. એ માટે આપણે ધરતીમાતાના ઋણી છીએ.

ગુજરાત સમાચાર 10 Aug 2021 5:40 am

કોઇ પણ ક્ષેત્રની તદ્દન ઠોઠ વ્યક્તિને જિનિયસ બનાવતી ખાસ ટેકનિક !

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - મનને એકાગ્ર કરીને રોજ જપ કરતાં રહેવાથી મનની શક્તિને જગાડી શકાય એક કાલ્પનિક પ્રસંગ દ્વારા વાતનો ઉપાડ કરીએ. ભણવામાં કે સ્પોર્ટમાં અવ્વલ નંબર રાખતા એક કિશોરને અકસ્માત નડતાં એના દિમાગમાં કોઇ ખામી સર્જાઇ. એ તદ્દન ઠોઠ જેવો થઇ ગયો. એનાં માતાપિતા ઉપરાંત એના સહાધ્યાયીઓ અને શિક્ષકો પણ સ્તબ્ધ થઇ ગયાં. સૌનો લાડકો એવો આ કિશોર એની પ્રતિભા ગુમાવી બેઠો. એક મનોચિકિત્સકે એને ફરી જિનિયસ બનાવી દેવાનું બીડું ઝડપ્યું અને એક પ્રયોગ કર્યો. બરાબર ત્રીસ દિવસના એના પ્રયોગ પછી પેલો કિશોર કોઇ દવા-ઇંજેક્શન કે ટોનિક વિના ફરી પૂર્વવત્ થઇ ગયો. સહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે. પરંતુ આવું કરવું શક્ય છે. આમ તો છેક ૧૯૬૦ના દાયકાથી 'આર્ટિફિશ્યલ રિઇન્કાર્નેશન' (સરળ ભાષામાં કૃત્રિમ પુનર્જન્મ)ના પ્રયોગો થઇ રહ્યા હતા. આજે પણ આ પ્રક્રિયાને એકસો ટકા સફળતા મળી હોવાનો દાવો કોઇ કરી શકે એમ નથી. પરંતુ આખોય પ્રયોગ ખરેખર રસપ્રદ છે એટલે એની વાત અહીં કરવી છે. બે ન્યૂરોસાઇકોલોજિસ્ટ રશિયાના વ્લાદીમીર રૈકોવ અને ઝેકોસ્લેાવેકિયાના મિલાન રાયઝલે આ પ્રયોગ શરૂ કર્યા હતા. વ્યક્તિના વિચાર-વર્તન પર એના મનની કેટલી અને કેવી અસર છે, એના અર્ધજાગ્રત મનને સક્રિય કરી શકાય કે કેમ એ જાણવાની તેમની ઇચ્છા હતી. નિકોલાએવ નામના યુવક પર આ પ્રયોગનો આરંભ થયો હતો. ટૂંકમાં આ પ્રયોગની વાત કરીએ તો નિકોલાએવને સતત ત્રીસ દિવસ સુધી સંમોહન (હીપ્નોટિઝમ) દ્વારા તંદ્રામાં રાખીને એના મનની શક્તિને સતત વિકસાવવામાં આવી. એ તંદ્રામાં હતો ત્યારે એના મનમાં ઠસાવવામાં આવ્યું કે તારામાં ભારતના સિદ્ધયોગીઓ જેવી શક્તિ છે. હાલ એ સુષુપ્ત છે. અમે એને જગાડી રહ્યા છીએ. પરિણામ આશ્ચર્યજનક આવ્યું. આ પ્રયોગ પહેલાં એક મૂષક (ઉંદર) પર કરવામાં આવેલો. એક ઉંદરડીના ચાર પાંચ બચ્ચાંને સબમરીનમાં રાખીને એ સબમરીન દરિયામાં હજારો ફૂટ ઊંડે લઇ જવામાં આવી. થોડા કલાકો બાદ એક પછી એક બચ્ચાની ડોક મરડી નાખવામાં આવી. એ ક્ષણે ઉંદરડીના મગજમાં કેવા પ્રતિભાવ પ્રગટે છે એ જોવા માટે એના મસ્તક પર ઇલેક્ટ્રોડ્સ જોડયા હતા. બચ્ચાંને મારવામાં આવ્યાં, બરાબર એ જ ક્ષણથી પેલી માતા ઉંદરડી તરફડવા માંડી. એ વ્યથાની મારી પિંજરામાં દોડાદોડ કરવા માંડી. પોતાનાં બચ્ચાંઓ સાથે કશુંક અઘટિત થયું છે એની આ ઉંદરડી માતાને જાણ થઇ ગઇ હતી. અત્રે એ યાદ કરીએ કે ૨૦૦૪-૦૫ના ડિસેંબરની ૨૫મીએ કેટલાક દેશોમાં સુનામી આવી ત્યારે ઉત્તરાખંડના પિથોરાગઢની ભાગોળે આવેલા કાલાપાની તરીકે ઓળખાતા વિસ્તારમાં વસતા આદિવાસીઓ અને પશુઓ ખાસ્સા ઊંચા સ્થળે ચાલ્યાં ગયાં હતાં. સાગરના ડુંગરા જેવડાં તોફાની મોજાંની તેમને કોઇ અસર થઇ નહોતી. ઉંદરડીના પ્રતિભાવ નોંધ્યા પછી આ વિજ્ઞાાનીએાને થયું કે જાનવરના મગજમાં કે મનમાં આવી પ્રબળ ગ્રહણશક્તિ હોય તો માણસમાં તો અગાધ ગ્રહણશક્તિ હોવીજ જોઇએ. એને જગાડીને ભવિષ્યમાં અનેક જિનિયસ પેદા કરી શકાય. નિકોલાએવ પર કરેલા પ્રયોગો પછી જોવા મળ્યું કે એના મનની શક્તિ ખરેખર અગાધ થઇ ચૂકી હતી. બે હજાર માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિએ કરેલા વિચારની એને જાણ થઇ જતી હતી. આપણને આ વાતની નવાઇ લાગવી ન જોઇએ. આપણે ત્યાં વીરપુરના જલારામ બાપા કે શિરડીના સાંઇબાબા જેવા અનેક સિદ્ધ પુરુષો થઇ ગયા જેમણે પોતાના મનની આ સુષુપ્ત શક્તિને જગાડીને સંકલ્પસિદ્ધિ મેળવી હતી. એના દ્વારા દુ:ખિયાના દુ:ખો દૂર કરતા હતા. ગણેશપુરીના સિદ્ધયોગી બાબા મુક્તાનંદ કહેતા કે તમે સાચા હૃદયથી રોજ ઇષ્ટદેવના જપ કરીને આવી શક્તિ પ્રાપ્ત કરી શકો. દરેક ધર્મમાં એક યા બીજા મંત્ર હોય છે. એ મંત્રમાં આવી ચમત્કારી શક્તિ રહેલી છે. મનને એકાગ્ર કરીને રોજ જપ કરતાં રહેવાથી મનની શક્તિને જગાડી શકાય. ન્યૂરોસાઇકોલોજિસ્ટ્સ ભલે કહેતાં હોય કે આ પ્રયોગ દ્વારા સાવ ઠોઠ બાળકને તમે આઇન્સ્ટાઇન જેવો જિનિયસ બનાવી શકો. નામજપ દ્વારા તમે એ શક્ય બનાવી શકો. પ્રયોગ કરી શકો છો.

ગુજરાત સમાચાર 3 Aug 2021 5:40 am

તમે કદી ઘરના ગાર્ડનમાં પ્લાન્ટ્સ સાથે વાત કરો છો ?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - ઘરમાં કોઇ બીમાર હોય, કોઇનું મરણ થાય ત્યારે પણ પ્લાન્ટ લાગણી અનુભવે છે સંખ્યાબંધ ફિલ્મોનાં શાીય રાગ પર આધારિત ગીતોમાં તબલાં વગાડનારા ઉસ્તાદ અબ્દુલ કરીમને પહેલીવાર મળવાનું ગોઠવાયું ત્યારે એક વિસ્મયજનક અનુભવ થયેલો. અગાઉથી સ્થળ-સમય નક્કી હતો. પરંતુ પત્રકાર અબ્દુલ કરીમના ઘરે પહોંચ્યો ત્યારે એ ઘરમાં નહોતા. એમનાં પત્ની કહે કે નીચે સોસાયટીના બગીચામાં જાઓ. એ ઘેલો ત્યાં પ્લાન્ટ્સને તબલાં સંભળાવતો હશે. ધૂની છે, પાગલ જેવું વર્તન કરે છે. અને ખરેખર સમજુ રસિકોની કોઇ મહેફિલમાં તબલાં વગાડતાં હોય એમ અબ્દુલ કરીમ પ્લાન્ટ્સ સામે બેસીને મોજથી તબલાં વગાડી રહ્યા હતા. આંખો મીંચેલી હતી.એ તાલસમાધિમાં હતા. થોડીવાર પછી અકસ્માત આંખ ખોલી ત્યારે પત્રકારને જોયો. તરત ઉષ્માસભર આવકાર આપ્યો.... એ કહે, હું રોજ આ પ્લાન્ટ્સને તબલાં સંભળાવું છું. એ બહુ ખુશ થાય છે. ક્યારેક એમની સાથે વાતો પણ કરું છું.... ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા ઘણા સિનિયર સાજિંદા અબ્દુલ કરીમને પાગલ કહેતા. અબ્દુલ કરીમ પાગલ નહોતા, પ્રકૃતિપ્રેમી હતા. એમની વાત અત્યારે યાદ આવવા પાછળ નક્કર કારણ છે. વૃક્ષ વનસ્પતિમાં પણ જીવ છે એવું આપણા વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝે કહેલું. સ્કૂલમાં ભણતાં બાળકોને એ વાત જરૂર યાદ કરાવવામાં આવે છે. અમેરિકામાં ક્લીવ બેક્સ્ટર નામનો બીજો એક વિજ્ઞાાની થઇ ગયો. બેક્સ્ટર જગદીશચંદ્ર બોઝથી થોડાં ડગલાં આગળ ગયો. એણે એક બે નહીં, પૂરાં છત્રીસ વર્ષ વિવિધ પ્લાન્ટ્સ સાથે વીતાવ્યાં. વૃક્ષ-વનસ્પતિ વિશે ગહન સંશોધન કર્યું. આ બેક્સ્ટરે એક બેસ્ટ સેલર પુસ્તક પણ લખ્યું. એ પુસ્તકનું નામ પ્રાયમરી પર્સેપ્શન: બાયોકોમ્યુનિકેશન વીથ પ્લાન્ટ્સ, લિવિંગ ફૂડ્સ એન્ડ હ્યુમન સેલ્સ. આ પુસ્તકમાં એણે જગદીશચંદ્ર બોઝના વિચારોનું અનુસંધાન સાધ્યું છે. બેક્સ્ટર કહે છે કે પ્લાન્ટ્સમાં જીવ તો છે જ, મારા તમારા જેવાં સંવેદનો પણ છે. તમે રોજ એક પ્લાન્ટ પાસે ઊભા રહો. તમે ખુશ હો ત્યારે એ પ્લાન્ટ પણ ખુશ હશે. તમે ગમગીન હો ત્યારે પ્લાન્ટ પણ ગમગીન થઇ જશે. ઘરમાં બે ત્રણ પ્લાન્ટ્સનું નાનકડું ગાર્ડન હોય તો તમે કોઇ એક પ્લાન્ટ સાથે વાત કરી શકો છો. એ તમારી લાગણીનો પડઘો પાડશે. આ સંદર્ભમાં એક બાળવાર્તા યાદ કરવા જેવી છે. રાજાની દાઢી કરવા જતા એક કેશ કર્તનકારે રાજાનો એક કાન કટ્ટો (કપાયેલો) જોયો. પોતે આ વાત જાણે છે એ બીજાને કહેવાની ઇચ્છા જાગી. પરંતુ કહેવું કોને ? વાત ફૂટી જાય તો જાનનું જોખમ થઇ જાય. કહ્યા વિના રહેવાય નહીં. જંગલમાં ગયો અને એક ઝાડ પાસે જઇને બોલી આવ્યો કે રાજા કાનકટ્ટો છે. આ ઝાડના લાકડામાંથી કોઇ કારીગરે સારંગી બનાવી. રાજદરબારમાં એ સારંગી વગાડવામાં આવી ત્યારે સારંગી ગાઇ ઊઠી રાજા કાનકટ્ટો, રાજા કાનકટ્ટો...આખો દરબાર ચોંકી ઊઠયો. ખેર, બેક્સ્ટર તો એથી પણ આગળ વધીને કહે છે કે ઘરમાં કોઇ બીમાર હોય, કોઇનું મરણ થાય ત્યારે પણ પ્લાન્ટ લાગણી અનુભવે છે. તમારી જેમ એ પણ વ્યથિત થાય છે. ક્યારેક તમે ગુસ્સે થઇને બૂમબરાડા પાડો ત્યારે પ્લાન્ટને ગમતું નથી. એ પોતાની નારાજી એક યા બીજી રીતે વ્યક્ત કરે છે. બેક્સ્ટરે આધુનિક ટેકનોલોજીની સહાયથી આ બધું રેકોર્ડ કર્યું. પછી પોતાના સંશોધનને રજૂ કરતું પુસ્તક પ્રગટ કર્યું. વૃક્ષ-વનસ્પતિ પણ ખુશમિજાજમાં હોય છે, ગમગીન હોય છે, વ્યથિત હોય છે. તમે ફૂલ તોડો ત્યારે તમને દોસ્ત ગણતો પ્લાન્ટ ડઘાઇ જાય છે કે આ શું, દોસ્ત થઇને મારું અંગછેદન કરે છે ! પ્લાન્ટ્સને સંગીત સંભળાવો ત્યારે એ ખુશ થઇને સરસ રીતે વિકસે છે, વૃદ્ધિ પામે છે. એનાં એ સંવેદનો પારખતાં તમને આવડવું જોઇએ. અત્યારે ચોમાસું જામી રહ્યું છે ત્યારે ઠેર ઠેર લીલી ચાદર પથરાશે. વૃક્ષ વનસ્પતિ મલકાશે. ક્યારેક કોઇ ગમતા પ્લાન્ટ સાથે દોસ્તી કરજો. એ પણ એક લ્હાવો છે.

ગુજરાત સમાચાર 27 Jul 2021 5:45 am

દ્રઢ મનોબળથી તમે સાજાસારા રહી શકો

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - માનવમનની શક્તિ અગાધ છે. માત્ર એને પિછાણવાની અને એનો લાભ લેવાની તાલીમ જાતને આપવાની જરૂર છે. લગભગ ૨૦૧૪-૧૫માં બનેલી ઘટના છે. બીબીસીએ એક સ્ટોરી પ્રગટ કરી હતી. એલન ઇરવિન નામની મહિલાને ગંભીર કહેવાય એવું કેન્સર હતું. હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડોક્ટરો મૂંઝાયા કારણ કે મહિલાની ઉંમર સેવન્ટી પ્લસ હતી. એને કીમોથેરપીના હેવી ડોઝ કેવી રીતે આપવા. એના પર સર્જરી પણ કરી શકાય એમ નહોતું. એ દર રવિવારે જ્યાં પ્રાર્થના કરવા જતી એ ચર્ચના એક પાદરી મળવા આવ્યા. એમણે કહ્યું કે મનમાંથી ખોટો ભય કાઢી નાખો. સતત તમારા મનને કહો કે હું સાજી સારી છું. રોજ સવારે તમારી જાતને કહો કે મને કોઇ બીમારી નથી. માત્ર અવસ્થાને કારણે માંદગીનો અહેસાસ થાય છે. તમે માનશો, કોઇ સારવાર વિના એલન જીવી ગઇ. કેન્સરને હંફાવ્યું. ૨૦૨૦માં કોરોનાના પગલે એનું અવસાન થયું. સહેલાઇથી માનવામાં ન આવે પરંતુ હવે મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે પચાસ ટકાથી વધુ બીમારી માનસિક હોય છે. છેક ૧૯૬૦ના દાયકાથી તબીબી જગતમાં સંશોધન ચાલી રહ્યું હતું. એક રશિયન વૈજ્ઞાાનિક કામેનીએવ અને એના સાથી અમેરિકી વિજ્ઞાાની ડોક્ટર રુડોલ્ફ કીરે એક પ્રયોગ હાથ ધર્યો હતો. મન અને માંદગી, અથવા કહો કે વિચાર અને વ્યાધિ વચ્ચે શો સંબંધ છે એની તપાસ આ બંને વિજ્ઞાાનીઓ કરી રહ્યા હતા. બે વ્યક્તિને પસંદ કરી. તેમને એક એક મટકી આપવામાં આવી. એ મટકીમાં પાણી ભરેલું હતું. એક વ્યક્તિએ રોજ સવારે પાણી ભરેલી મટકી હાથમાં લઇને પોઝિટિવ વિચાર કરવાના હતા, પછી પ્રાર્થના કરવાની હતી કે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાઓ. બીજી વ્યક્તિએ પોતે જેને નફરત કરતી હોય એને રોજ સવારે ગાળ આપવાની હતી અને પોતાની પ્રગતિના માર્ગમાં આડે આવતી જણાય એવી વ્યક્તિ માટે હિંસક વિચારો કરવાના હતા. આ બંને વ્યક્તિની મટકીનું પાણી પહેલાં વિવિધ છોડ પર પછી દૂધાળા ઢોર પર અને છેલ્લે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો પર અજમાવવામાં આવ્યું. પોઝિટિવ વિચારવાળી વ્યક્તિના પાણીથી છોડ સરસ વૃદ્ધિ પામ્યા, એના પર સુંદર ફૂલો આવ્યાં. દૂધાળા ઢોરે સારું દૂધ આપ્યું. દર્દીઓની સ્થિતિમાં સુધારો અનુભવાયો. માત્ર વિચારોથી પાણીના ગુણધર્મ બદલાઇ ગયા હતા, બોલો ! નવાઇ નહીં પામતા. આપણી ભગવદ્ ગીતામાં આ વાત સદીઓ પહેલાં કહેવાઇ છે. 'મનઃ એવમ્ મનુષ્યાણામ્ કારણમ્ બંધમોક્ષયોઃ..' એક શાયરે કહ્યું છે, 'કદમ અસ્થિર હોયે તો કદી મારગ નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...' જો કે એનો વધુ સચોટ શેર આ છે 'તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો. નહીં તો દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો... ' સરળ ભાષામાં કહે છે ડર ગયા વો મર ગયા. બીમારીનું નામ સાંભળીને ઢગલો થઇ જનાર વ્યક્તિનાં મરણની શક્યતા વધી જાય છે. બ્રહ્માકુમારી શિવાનીજી પણ અવારનવાર કહે છે કે રોજ સવારે ઊઠતાંની સાથે તમારી જાતને કહો કે તમે તંદુરસ્ત છો. તમને કોઇ તકલીફ નથી. તમારો દિવસ આનંદમય વીતવાનો છે.... આટલું કરો તો તમારું ભવિષ્ય તમે જાતે ઘડી રહ્યા છો એની ખાતરી રાખજો. દ્રઢ મનોબળ અને વિધાયક (પોઝિટિવ) વિચારો ક્રાન્તિકારી પરિવર્તન સર્જી શકે છે. માનવમનની શક્તિ અગાધ છે. માત્ર એને પિછાણવાની અને એનો લાભ લેવાની તાલીમ જાતને આપવાની જરૂર છે. પોઝિટિવ વિચારોથી આપોઆપ એ તાલીમ મળે છે. આ એક અનુભવસિદ્ધ વાત છે. એને કોઇ પુરાવાની જરૂર નથી. ઘણાને રોજ સવારે ઊઠીને છાપામાં આવેલા દૈનિક ભવિષ્ય વાંચવાની ટેવ હોય છે. એમાં જે દિવસે અશુભ થવાની આગાહી હોય તે દિવસે સવારથી આવી વ્યક્તિ સતત ભયભીત રહે છે. પરિણામે કામધંધામાં ન થવી જોઇએ એવી ભૂલો થાય છે અને માણસ હેરાન થાય છે. સારા અને વિધાયક વિચારોથી લાભ થતો હોય તો દૈનિક ભવિષ્યવાણી વાંચવાની છોડીને સવારે પોતાની જાતનો આત્મવિશ્વાસ વધારતા વિચારો કરવા બહેતર છે.

ગુજરાત સમાચાર 13 Jul 2021 5:40 am

વર્તમાન ક્ષણ સિવાય કશું માણસનું નથી

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - માણસ હજુ વર્તમાન ક્ષણને ઓળખતો થયો નથી. વર્તમાન ક્ષણનું મૂલ્ય સમજતો થયો નથી - માણસ ક્ષણનો મહિમા સમજી જાય તો એનું સમૂળું જીવન બદલાઇ જાય એક વક્તાએ નાનકડી પણ સરસ વાત કરેલી. એક મૃતાત્મા અને પ્રભુના પ્રતિનિધિ જેવા યમદૂતો વચ્ચે સંવાદ થાય છે. હજુ તો મારે ઘણું કરવાનું બાકી હતું, મને લઇ જવાની ઉતાવળ કાં કરો એવી દલીલના જવાબમાં યમદૂત કહે છે, અમે શું કરીએ, તારો સમય પૂરો થવા આવ્યો છે એટલે જવું તો પડશે... જીવ જાતજાતના સવાલો પૂછે છે, જાતજાતની દલીલો કરે છે. જીવનભર કરેલો સંઘર્ષ, સંતાનો, વ્યાવસાયિક સિદ્ધિઓ, સંપત્તિ, સપનાં... યમદૂત એ બધી વાતનો ટૂંકા જવાબો દ્વારા છેદ ઊડાડી દે છે. આખરે જીવ પૂછે છે કે તો પછી માણસનું પોતાનું કહી શકાય એવું હોય છે શું ? યમદૂત માત્ર બે શબ્દોમાં જવાબ આપે છે- 'વર્તમાન ક્ષણ'. ફિલ્મી ગીતકારે દાયકાઓ પહેલાં લખેલું, આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને ન તૂ, જો ભી હૈ, બસ યહી એક પલ હૈ... માત્ર એક પળ, એક ક્ષણ. એટલે ગુજરાતી ભાષામાં એક સરસ રૂઢી પ્રયોગ છે- અણી ચૂક્યો સો વરસ જીવે... આ કઇ અણી છે ? એજ જેને ફિલસૂફો પળ કે ક્ષણ કહે છે. ઓશો બહુ સરસ રીતે સમજાવતા. વહેતી નદીમાં હાથ બોળો ત્યારે હાથ બોળવાની ક્ષણે જે જલબિંદુઓને તમે સ્પર્શ્યા એ તો ગાઉઓ દૂર નીકળી ચૂક્યું હોય છે. એકની એક નદીમાં તમે ક્યારેય ફરી હાથ બોળી શકતા નથી. કોરોના કાળ દરમિયાન કદાચ દરેક વ્યક્તિએ પોતાના હાથમાં રહેલી ક્ષણને જીવી લેવાના પ્રયાસ કર્યા હશે. એમાંના કોઇને કદાચ જીવાઇ રહેલી ક્ષણનો મહિમા સમજાયો હશે, કોઇને નહીં સમજાયો હોય. કોઇએ પેઇન્ટિંગ કર્યું, કોઇએ દર્દીઓને ટિફિન મોકલ્યાં, કોઇએ નવી ગઝલો રચી, કોઇએ સતત ભયભીત રહીને પ્રભુ સ્મરણ કર્યું. દરેકના મનમાં એક તરફ પોતે કોરોના મુક્ત રહી શક્યા છે એનો એક તરફ હાશકારો અને બીજી તરફ વધુ પડતી સાવચેતી અને ભય રહ્યા કર્યા હશે. માસ્ક, સેનિટાઇઝર, આર્સેનિક આલ્બ જેવી હોમિયોપથીની દવા કે બીજા ઇમ્યુનિટી બૂસ્ટર્સ લીધાં હશે. છેલ્લાં પચાસ સાઠ વરસમાં આવો સમય કોઇએ કદી કલ્પ્યો નહીં હોય. માણસ હજુ વર્તમાન ક્ષણને ઓળખતો થયો નથી. વર્તમાન ક્ષણનું મૂલ્ય સમજતો થયો નથી. અખબારો ૧૯૧૮-૧૯ની મહામારીની વાતો પ્રગટ કરે છે પરંતુ એવી વાતો વાંચવાથી એ સમયની વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે. કોરોના કાળ દરમિયાન સતત દસ બાર મહિના ઘરમાં રહેલા માણસને સમયનું મૂલ્ય સમજાયું હોય તો ખરેખર કોરોના વાઇરસનો આભાર માનવો જોઇએ. કબીરના નામે ચડેલું એક ભજન છે- દન તો ઘડી એક પલ કો, સાયાજી અમને ડર તો લાગ્યો છે જો ને પલ કો... બીમારી કે મૃત્યુના ભયથી સતત થથરતો માણસ ક્ષણનો મહિમા સમજી જાય તો એનું સમૂળું જીવન બદલાઇ જાય. નાસ્તિક હોય તો આસ્તિક થઇ જાય અને ક્યારેક આસ્તિક માણસ નાસ્તિક થઇ જાય. મોટા ભાગના ધર્મસ્થળો બંધ હતા. હળવી ભાષામાં કહીએ તો કોરોના પોતાના ઘરમાં ઘુસી ન જાય એ માટે દેવદેવીઓ પણ પોતપોતાના દરવાજા બંધ કરીને બેઠાં હતાં. આપણે રોજબરોજની વાતચીતમાં જેને લાઇફસ્ટાઇલ કહીએ છીએ એ કોરોના કાળમાં સદંતર બદલાઇ ગઇ. સતત પ્રવૃત્તિશીલ રહેતા લોકો માટે તો ઘરમાં બેસીને સમય શી રીતે પસાર કરવો એ એક વિકટ સમસ્યા થઇ ગઇ હશે. પ્રત્યેક ક્ષણ ચટકા ભરતી હશે. એ દરમિયાન વીતી રહેલી ક્ષણને સમજી શક્યા હોય તો તો બહુ સારું ! વીતી ગયેલી ક્ષણ પાછી આવવાની નથી, તો આ ક્ષણને કાં પૂરેપૂરી જીવી ન લેવી

ગુજરાત સમાચાર 29 Jun 2021 5:45 am

તમામ ચિકિત્સા પદ્ધતિનો ઉદ્દેશ જીવમાત્રને સહાય કરવાનો

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - પ્રાચીન-અર્વાચીન મળીને નહીં નહીં તોય ત્રીસ પાંત્રીસ ચિકિત્સા પદ્ધતિ હોવાનુ અનુમાન છે - કોઇ પણ પદ્ધતિના ઉપચારક નિદાન સાચું કરી શકે તો અર્ધી બાજી જીતાયેલી ગણાય 'આ વિદ્યા એ વૈકલ્પિક પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઇરાદો અન્ય ઉપચારક પદ્ધતિઓની જગ્યા લેવાનો નહીં પણ તેને પૂરક થવાનો છે. રોગ અતિ ગંભીર હોય અને રોગનાં લક્ષણો દૂર ન થાય તો કૃપા કરી તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો...' ગુજરાત રાજ્ય રેઇકી શિક્ષા કેન્દ્રના વડા પ્રવીણ પટેલે રેઇકી વિશેના પુસ્તકમાં લખેલું આ વિધાન તમામ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિને લાગુ પડે છે. વિશ્વમાં આજે પણ પ્રાચીન-અર્વાચીન મળીને નહીં નહીં તોય ત્રીસ પાંત્રીસ ચિકિત્સા પદ્ધતિ હોવાનુ અનુમાન છે. યોગવિદ્યા, આયુર્વેદ, યુનાની ઔષધિ પદ્ધતિ, હોમિયોપથી, તાળી ચિકિત્સા, રેઇકી, મુદ્રા વિજ્ઞાાન, સ્વર (સંગીત) ચિકિત્સા, એક્યુપ્રેસર, સુજોક એક્યુપ્રેસર, એક્યુપંક્ચર, સાધુ-સંતો દ્વારા અજમાવાતી પ્રાણ ચિકિત્સા, ઉપચારાર્થે વપરાતી સંમોહન વિદ્યા, ક્ષાર ચિકિત્સા, જળ ચિકિત્સા... યાદી ઘણી લાંબી થઇ શકે. આ તમામ ચિકિત્સા પદ્ધતિએ લેખના આરંભે લખેલા વિધાનનો સર્વાનુમતે સ્વીકાર કરવો ઘટે. કબૂલ કે આયુર્વેદ હજારો વરસ જૂની ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધિતિના ધુરંધર અભ્યાસીઓએ વિજ્ઞાાન વ્યાખ્યા ન કરી શકે એવા ચમત્કારો કર્યા છે. એક નવાબની વૃદ્ધાવસ્થાને વરેલી ગાયિકા-નર્તકી આપઘાત કરવા જતી હતી ત્યારે વાજીકરણ ઔષધોના સમ્યક ઉપયોગથી એને ફરી યુવાન બનાવવાની સિદ્ધિ ઝંડુ ભટ્ટજીએ મેળવેલી એવી લોકકથા છે. પરંતુ એની પણ કેટલીક મર્યાદા છે. દરેક ચિકિત્સા પદ્ધતિની એક મર્યાદા હોય છે. તાજેતરમાં બાબા રામદેવ અને એલોપથીના ઉપચારકો વચ્ચે જે મૈં મૈં તૂ તૂ થયું એ સમજદાર નાગરિકો માટે ચિંતાનો વિષય બનવું ઘટે છે. એલોપથી છેલ્લાં ત્રણસો સાડા ત્રણસો વર્ષથી પ્રચારમાં આવી. આ એક અત્યંત આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે. સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે આ પદ્ધતિ લક્ષણો દૂર કરે છે, દર્દીના શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. એલોપથીનાં ઔષધોની સાઇડ ઇફેક્ટ્સ (આડઅસર) પણ ઘણી છે. બીજી બાજુ આયુર્વેદનાં ઔષધોની આવરદા છ માસની હોય છે એવું આ વિદ્યાશાખાના ઊંડા અભ્યાસીઓ કહે છે. એટલે દરેક ચિકિત્સા પદ્ધતિની એક યા બીજી મર્યાદા છે. એક સાવ સાદો દાખલો લઇએ. માથું દુઃખે છે. માથું દુઃખવાના અર્ધો ડઝન કારણો હોઇ શકે છે. મોડી રાત સુધીનો ઉજાગરો કર્યો હોય, એકધારું કલાકો સુધી વાંચ વાંચ કર્યુ હોય અથવા સતત ટીવી જોયું હોય, પેટ સાફ ન આવતું હોય, આંખોના ચશ્માના નંબર બદલાતા હોય, લાંબો પ્રવાસ કરીને આવ્યા હોય, ઊંઘ પૂરી ન થઇ હોય વગેરે. આજે પણ એવા નાડી વૈદ્યો છે જે માત્ર હાથની નાડી જોઇને સચોટ નિદાન કરે છે. નિદાન સાચું થાય તો સારવાર હાથવગી થઇ પડે. સંસ્કૃત ભાષામાં એક પ્રાચીન ગ્રંથ છે-માધવ નિદાન. કોઇ પણ પદ્ધતિના ઉપચારક નિદાન સાચું કરી શકે તો અર્ધી બાજી જીતાયેલી ગણાય. આ મુદ્દો શાંતિથી વિચારવાનો છે, મૈં મૈં તૂ તૂ કરીને એકબીજાને ઊતારી પાડવાનો નથી. તમામ ચિકિત્સા પદ્ધતિનો પાયાનો ઉદ્દેશ એકજ છે- દર્દી સાજો થવો જોઇએ. તો પછી રેઇકીના ઉપાસકો કહે છે એમ એકમેકને પૂરક થવાનો પુરુષાર્થ થવો ઘટે છે. વૈમનસ્ય વધારવાથી સરવાળે સમાજને લાંબા ગાળાનું નુકસાન થાય છે એ હકીકત ભૂલાવી નહીં જોઇએ. સર્વજનહિતાય સર્વજનસુખાય જે કંઇ થઇ શકે એ દરેક ચિકિત્સા પદ્ધતિના ઉપાસકોએ ધ્યાનમાં રાખવું ઘટે.

ગુજરાત સમાચાર 22 Jun 2021 5:40 am

સ્ત્રી શિક્ષણની પ્રખર હિમાયતી મહારાષ્ટ્રીયન રાજરાણીની એવરગ્રીન પ્રેરક કથા...

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - હજારો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રી આટલી હદે શિક્ષિત હતી તો પછીના સમયગાળામાં એવું તે શું બન્યું કે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી ? - નળ રાજા, યુધિષ્ઠિર, સીતામાતા અને ભગવાન કૃષ્ણ - આ ચાર પુણ્યશ્લોક ગણાય છે 'હું મનથી તમને વરી ચૂકી છું. મારાં સ્વજનો મને બળજબરીથી અન્યત્ર પરણાવી દેવાની તૈયારી કરે છે, મને હરી જાઓ...' ભગવાન શ્રી કૃષ્ણને આવો પત્ર લખનારી રુક્ષ્મણી જરૂર શિક્ષિત હોવી જોઇએ. કથાકારો રુક્ષ્મણીના આ પત્રને વિશ્વનો સૌ પ્રથમ પ્રેમ પત્ર ગણાવે છે. 'મારા પતિઓ પહેલાં પોતે હાર્યા છે કે પહેલાં મને હાર્યા છે' એવો સવાલ કૌરવોની ભરી સભામાં કરનારી પાંચાલી જરૂર ન્યાયશાસ્ત્ર ભણી હશે. શાસ્ત્રચર્ચા કરીને જગ જીતવા નીકળેલા શંકરાચાર્યને શાસ્ત્રચર્ચામાં પરાજિત કરનારી ગાર્ગી અને મૈત્રેયી જરૂર શાસ્ત્રવિદ્ હશે. હજારો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રી આટલી હદે શિક્ષિત હતી તો પછીના સમયગાળામાં એવું તે શું બન્યું કે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી ? સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નથી એવી પસંપરા શી રીતે શરૂ થઇ ? પુરુષ પ્રધાન સમાજનો અહં સ્ત્રી તેજને કારણે ઘવાયો હશે ? કે પછી સંત તુલસીદાસના નામે ચડેલી પેલી પંક્તિ 'ઢોર ગંવાર શુદ્ર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી...' ન્યાયે પુરુષો સ્ત્રીને પગની જૂતી સમાન રાખવા ઇચ્છતા હશે ? કોણ જાણે. છેલ્લાં થોડાં સપ્તાહથી એક ટીવી ચેનલ પર મહારાષ્ટ્રના હોલકર રાજપરિવારની એક પ્રતાપી મહિલાની કથા ટીવી સિરિયલ રૂપે રજૂ થઇ રહી છે. એ મહિલા એટલે પુણ્યશ્લોક અહિલ્યા. આપણે એક અન્ય અહિલ્યાથી પરિચિત છીએ. ગૌતમ ઋષિની પત્ની જેની કોઇ ભૂલ નહોતી છતાં ગૌતમના શાપથી શલ્યા બની ગઇ. ભગવાન રામના ચરણ સ્પર્ષથી ફરી અહિલ્યા બની. અહીં એક આડવાત. પ્રાચીન ગ્રંથોમાં એક શ્લોક છે- 'પુણ્યશ્લોકો નલો રાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિરઃ, પુણ્યશ્લોકા ચ વૈદેહી, પુણ્યશ્લોક જનાર્દનઃ.....' નળ રાજા, યુધિષ્ઠિર, સીતામાતા અને ભગવાન કૃષ્ણ- આ ચાર પુણ્યશ્લોક ગણાય છે. સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ હિન્દુસ્તાનની રચના કરવા છસોથી વધુ રાજરજવાડાં નાબૂદ કર્યાં. દેશના એક પણ રાજ્યના રાજપરિવારની એક પણ વ્યક્તિ પુણ્યશ્લોક તરીકે બિરદાવાઇ નથી. માત્ર મહારાષ્ટ્રના હોલકર પરિવારની રાણી અહિલ્યા પુણ્યશ્લોક કહેવાઇ છે. એવું શી રીતે બન્યું હશે એ સમજવા માટે પણ કાં તો ઇતિહાસનાં એ પૃષ્ઠો વાંચવા પડે અથવા હાલ રજૂ થઇ રહેલી ટીવી સિરિયલ જોવી પડે. જો કે ફિલ્મો કે સિરિયલમાં કેટલીક હકીકત છૂટ લેવાતી હોય છે. એક નાનકડા ગામડાના ખેડૂત પરિવારની દીકરી માત્ર નવ વર્ષની વયે માળવાના રાજપરિવારની પુત્રવધૂ બનીને આવે છે. એને ભણવાની ઉત્કટ ઇચ્છા છે, રાજ્યગુરુ પોતે એની પ્રતિભાને બિરદાવી ચૂક્યા છે. છતાં એને ભણતી અટકાવવા કેવાં કેવાં કાવાદાવા અને કાવતરાં થાય છે એ જોવા જેવું છે. આ પાત્ર ભજવનાર બાળ કલાકારે ખરેખર સરસ રીતે આ પાત્રને ઉપસાવ્યું છે. ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે કે મહારાણી અહિલ્યા સ્ત્રી શિક્ષણના કેવા જબરાં હિમાયતી હતાં. પોતાના શાસનકાળ દરમિયાન પતિ ગુમાવ્યો, પુત્ર ગુમાવ્યો, જમાઇ ગુમાવ્યો છતાં હિંમત હાર્યા વિના સુચારુ વહીવટ આપવા ઉપરાંત દેશના ખૂણે ખૂણે સેંકડો પ્રાચીન મંદિરોનેા જિર્ણોદ્ધાર કરાવ્યો અને સેંકડો મંદિરો નવાં બનાવ્યાં. પ્રજાહિતનાં નક્કર કાર્યો કર્યાં અને પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કર્યો. એમનાં સત્કાર્યોને કારણે જ આખા દેશમાં આ એકમાત્ર રાજરાણી પુણ્યશ્લોક તરીકે બિરદાવવામાં આવી. સ્ત્રી સશક્તિકરણનો આવો દાખલો બીજો શોધ્યો જડે એમ નથી.

ગુજરાત સમાચાર 15 Jun 2021 5:45 am

કૃતઘ્ની માણસ પશુ-પક્ષીઓના ઉપકારને વિસરી ગયો... !

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - વિશ્વમાં દર વરસે તેર લાખ ચોરસ કિલોમીટર જેટલાં જંગલો કપાતાં જાય છે - એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં પચીસ વર્ષ લાગે છે માણસ ઇલેક્ટ્રિક કરવત વડે માત્ર પાંચ મિનિટમાં વૃક્ષને ધરાશાયી કરી દે છે ચકલીનું ચીં ચીં, કાગડાનું કા કા, કોયલનો ટહૂકો, મોરનો ગહેંકાટ, ગાયનું હમ્ભા... (ગાંગરવું), શ્વાનનું હાઉ હાઉ, ઘોડાનો હણહણાટ, ગર્દભનું હોંચી હોંચી, સિંહની ડણક, વાઘની ત્રાડ... ગુજરાતી પરિવારનાં આવતી પેઢીનાં બાળકોને આમાંનું ઘણું જોવા-સાંભળવા નહીં મળે. શનિવારે પાંચમી જૂને પર્યાવરણ દિન હતો. પરંતુ અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ વિશ્વમાં દર વરસે તેર લાખ ચોરસ કિલોમીટર જેટલાં જંગલો કપાતાં જાય છે. જંગલો એટલે વૃક્ષો. દરેક વૃક્ષ એની છાલ, થડ, ફૂલ, ફળ અને પાંદડાં ઉપરાંત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સાવ મફ્ફત પ્રાણવાયુની ભેટ આપે છે. નદીઓમાં ભીષણ પૂર આવે ત્યારે એ વિનાશકારી જળપ્રપાતને રોકવામાં પણ વૃક્ષો મહત્ત્વનો ભાગ ભજવે છે એ તો સ્કૂલમાં ભણતાં બાળકો પણ જાણે છે. ધસમસતાં આવતાં જળપ્રવાહ સાથે આવતા કાંપને રોકી રાખીને ધરતીની ફળદ્રુપતા પણ વૃક્ષો વધારી આપે છે. બારેમાસ આપતો છાંયડો તો છોગામાં. આમ વૃક્ષ સતત માણસ પર ઉપકાર કરે છે. કેટલાંક વૃક્ષો આયુર્વેદનાં ઔષધો બનાવવામાં કામ લાગે છે. બદલામાં માણસ એને અકાળ અવસાન આપે છે. એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં પચીસ વર્ષ લાગે છે. ભૌતિક સમૃદ્ધિની લાહ્યમાં રાચતો માણસ ઇલેક્ટ્રિક કરવત વડે માત્ર પાંચ મિનિટમાં વૃક્ષને ધરાશાયી કરી દે છે. એક વૃક્ષ ધરાશાયી થાય એટલે મિનિમમ પચીસ પંખીઓના માળા નષ્ટ થાય છે. આ પંખીઓએ શો ગુનો કર્યો કે માણસ આટલો ક્રૂર બનીને એમને નિરાધાર કરી દે છે ? આપણે ભાગ્યે જ કદી કલ્પના કરીએ છીએ કે પશુ-પક્ષીઓ પણ માણસ પર બહુ મોટો ઉપકાર કરતા રહ્યા છે. માત્ર બે દાખલા વડે આ વાત સ્પષ્ટ કરીએ. ભારતીય સંગીતમાં સાત સ્વરો છે. આ સાતે સાત સ્વરો માણસને પશુ-પક્ષીઓએ આપ્યા છે. મોરે ષડ્જ (સા) આપ્યો, વૃષભ એટલે કે ગોવંશે રિષભ (રે) આપ્યો, બકરાએ ગાંધાર (ગ) આપ્યો, બગલાએ મધ્યમ (મ) આપ્યો, કોયલે પંચમ (પ) આપ્યો, ઘોડાએ ધૈવત (ધ) આપ્યો અને ગજરાજ અર્થાત્ હાથીએ નિષાદ (ની) આપ્યો. છેક સામવેદના સમયથી એટલે કે હજારો વરસથી માણસ સંગીત માણતો આવ્યો છે પરંતુ કદી સંગીતના સ્વરો આપનારા મૂગા જીવોને યાદ કર્યા નથી. આ તો હદ થઇ ગઇ કહેવાય. ઔર એક વાત કોરોના મહામારી પહેલાં અને પછી પણ યોગનાં આસનો કરવાની સલાહ માણસને સતત આપવામાં આવે છે. સતત સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યોગાસનો જરૂરી છે. પરંતુ યોગાસનો તરીકે ઓળખાતી મુદ્રાઓ આવી ક્યાંથી એ વિશે માણસ કદી વિચાર કરતો નથી. આમ તો આસનનાં નામ પરથી જ ખબર પડી જાય કે આ આસન ક્યાંથી આવ્યું. જેમ કે કૂક્ટુાસન એટલે કૂકડા જેવી મુદ્રા, મયૂરાસન એટલે મોર જેવી મુદ્રા, ભુજંગાસન એટલે સર્પ-નાગ જેવી મુદ્રા. મકરાસન એટલે મગર જેવી મુદ્રા, માર્જારાસન એટલે બિલાડી જેવી મુદ્રા.... છેક પાતંજલ યોગસૂત્રના રચનાકાળથી આ આસનો થતાં આવ્યાં છે. આપણે કદી એ દિશામાં વિચાર કરતા નથી. માણસ તો પેટ ભરવા માટે પણ પશુ-પક્ષીને હણી નાખીને રાંધીને ખાઇ જાય છે. કહેવાય બુદ્ધિશાળી, બોલકો (પશુ-પંખી મૂગા ગણાય). પરંતુ એનું વર્તન મૂગા જીવોને પણ સારાં કહેવડાવે એવું. હવે જંગલો કાપી નાખીને એ પશુ-પંખીને પણ બેઘર બનાવી રહ્યો છે. આવું થાય ત્યારે કુદરત કોપે એમાં શી નવાઇ ! હજુય સમય છે, માણસ સમજે તો સારું !

ગુજરાત સમાચાર 8 Jun 2021 5:40 am

અર્થતંત્રને ફરી સદ્ધર કરવાનો રામબાણ કીમિયો...!

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - નેતાઓએ પોતાને મળતી બાદશાહી સગવડોનું વળતર નાગરિકોને આપવાની એક તક અત્યારે ઊભી થઇ છે - આજ સુધીમાં એક પણ રાજકીય પક્ષ કે નેતાએ પોતાના તરફથી પ્રજાલક્ષી કોઇ પગલું ભર્યાનું સાંભળ્યું નથી લગભગ ૨૦૨૦ના આરંભથી દુનિયાભરને ભરડો નાખીને પડેલી કોરોના મહામારીએ માનવ જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં ભયાનક મંદી સર્જી છે. ભારત પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લાખ્ખો શ્રમિકો મરવાને વાંકે જીવી રહ્યા છે. અર્થતંત્ર ખોખરું થઇ ગયું છે અને નીત નવી સમસ્યા સર્જાતી જોવા મળે છે. એવા સમયે કેટલાક અનામી સમજુ નાગરિકોએ એક સચોટ સૂચન કર્યું છે. એનો અમલ કરવામાં આવે તો અર્થતંત્ર ભરી ચેતનવંતું બની શકે છે. એ સૂચન અત્રે વિનમ્રભાવે પ્રસ્તુત છે. ધ્યાનથી વાંચજો અને વિચારજો. આપણે ત્યાં લોકસભાના ૫૪૫ સંસદ સભ્યો છે. રાજ્યસભાના બીજા ૨૪૫ સંસદ સભ્યો છે. દેશભરમાં કુલ ૪૧૨૦ ધારાસભ્યો છે. આમાંના મોટા ભાગના નેતાઓ કરોડોપતિ છે. આમ છતાં એમને નાગરિકોના હિસાબે ને જોખમે આલીશાન રહેઠાણ, વીજળી, પાણી, ટેલિફોન, વાહન માટે પેટ્રોલ-ડિઝલ વગેરે મફત મળે છે. તગડો પગાર તો છોગામાં. સાઇકલ પર આવતા ધારાસભ્ય કે સંસદ સભ્ય એકજ મુદત પછી મર્સિડિ ફેરવતાં જોવા મળે છે. ચૂંટણી જીતવા માટે આ લોકો લાખ્ખો રૂપિયા પાણીની જેમ ખર્ચે છે. જેટલા રૂપિયા ખર્ચ્યા હોય એના કરતાં અનેકગણું વળતર એક જ મુદતમાં મેળવી લે છે. માત્ર એક મુદત પૂરી કરનારા ધારાસભ્ય કે સંસદ સભ્ય જીવે ત્યાં સુધી મબલખ પેન્શન મેળવે છે. નેતાઓએ પોતાને મળતી આવી બાદશાહી સગવડોનું વળતર નાગરિકોને આપવાની એક તક અત્યારે ઊભી થઇ છે. દરેક સંસદ સભ્ય અને દરેક ધારાસભ્ય માત્ર એકવાર પાંચ પાંચ લાખ રૂપિયા આપે. આમ થાય તો બે અબજ ૪૫ કરોડ પચાસ લાખ રૂપિયા એકઠા થાય. ભારતીય અર્થતંત્રને જબરો ટેકો મળી જાય અને અર્થતંત્ર ફરી ચેતનવંતું બની જાય. જે સમજુ નાગરિકોએ આ સૂચન કર્યું છે એમને ધન્યવાદ ઘટે છે. કોઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ સૂચન પહોંચાડવું જોઇએ. જ્યારે જ્યારે પગારવધારાની દરખાસ્ત આવે ત્યારે તરત બધા રાજકીય પક્ષો એક થઇ જાય છે જાણે તેમની વચ્ચે કોઇ મતભેદ જ નથી. તો આવા પ્રસંગે એ લોકો ખભેખભા મિલાવીને પાંચ પાંચ લાખ રૂપિયા જરૂર આપી શકે. તેમને માટે તો આ રકમ મુખવાસ એટલે કે પાનસોપારી જેટલી છે. ખાટલે મોટી ખોડ એ કે પોતાને લોકસેવક ગણાવતા કેટલા નેતાઓ આ માટે તૈયાર થાય ? પોતાની સાત પેઢી ખાય એટલા પૈસા ભેગા કરીને ટેક્સ ફ્રી હોય એવી વિદેશી બેંકોમાં જમા કરાવતા આ નેતાઓ ધારે તો આંખના પલકારામાં આટલી રકમ આપી શકે અને ખાડે જઇ રહેલા અર્થતંત્રને બેઠું કરી શકે. નેતાઓ પોતે સ્વેચ્છાએ આ પગલું લેવા તૈયાર ન હોય તો નાગરિકોએ અદાલતોની મદદથી તેમને આ પગલું લેવાની ફરજ પાડવી જોઇએ. આ તો સમગ્ર રાષ્ટ્રના અર્થતંત્રનો સવાલ છે, લાખ્ખો શ્રમિકોનાં બાલબચ્ચાંનો સવાલ છે. જરૂર છે માત્ર પહેલ કરવાની. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી આજ સુધીમાં એક પણ રાજકીય પક્ષ કે નેતાએ પોતાના તરફથી પ્રજાલક્ષી કોઇ પગલું ભર્યાનું સાંભળ્યું નથી. તાજેતરના વાવાઝોડા પછી પણ કોઇ પક્ષ કે નેતાએ પોતાના ગજવામાંથી એક ફદિયુંય ફાળવ્યું નથી. અત્યારે અર્થતંત્રને બેઠું કરવાનો રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન છે. ત્યારે એમને સાચી દેશસેવા કરવાની આ એક તક છે. છે કોઇ માઇનો લાલ આ દરખાસ્ત લેનાર ?

ગુજરાત સમાચાર 1 Jun 2021 5:40 am

મધ્યમ માર્ગનો ઉપદેશ ઘણા દેશોએ સ્વેચ્છાએ અપનાવ્યો છે !

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - મધ્યમ માર્ગનો મર્મ સમજાય તો અડધો અડધ સમસ્યા આપોઆપ વિદાય થઇ જાય - સતત અજંપો, હાઇપર ટેન્શન, અનિદ્રા અને વાતે વાતે ચીડાઇ જવાના વધી રહેલા બનાવો પાછળ માનસિક કારણ છે 'તું તો વીણાવાદનમાં ધુરંધર છો. મને એ કહે વત્સ, વીણાના તાર ખૂબ તંગ હોય તો સ્વરો પ્રગટે ખરા ?' ભગવાન બુદ્ધે પોતાના એક શિષ્યને પ્રશ્ન કર્યો. એ સંન્યાસીએ ના પાડી. બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો- 'તાર એકદમ ઢીલા હોય તો વીણા વાગે ખરી ?' ફરી પેલા સંન્યાસીએ ના પાડી. એણે કહ્યું, 'પ્રભુ, તાર એકદમ તંગ પણ નહીં અને એકદમ ઢીલા પણ નહીં એ રીતે ખૂંટી પર બાંધેલાં હોય તો સ્વરો પ્રગટે...' તરત બુદ્ધે કહ્યું કે બસ, આ જ વાત છે વત્સ. તું રાજમહેલમાં હતો ત્યારે ભોગવિલાસનો અતિરેક કરતો હતો, હવે વૈરાગ્ય કે ત્યાગનો અતિરેક કરી રહ્યો છે. શરીરને તાવી તાવીને હાડપિંજર જેવું કરી નાખ્યું છે. પહેલાં ભોગનો અતિરેક હતો, હવે ત્યાગનો અતિરેક છે. સરળ માર્ગ એ છે કે સંતુલન જાળવવું. ન એક બાબતનો અતિરેક, ન બીજી બાબતનો અતિરેક. એને તમે સમતા કે મધ્યમ માર્ગ જે કહેવું હોય તે કહી શકો છો. બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ..., ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ..., સંઘમ્ શરણમ્ ગચ્છામિ... નાભિમાંથી ઘુંટાઇને આવતા ખરજના સ્વરોમાં આ મંત્રો સમૂહગાન રૂપે સાંભળીએ ત્યારે અનાયાસે ધ્યાનમાં સરકી પડાય. વૈશાખ શુક્લ પૂર્ણિમા. એને બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે. આવતી કાલે બુદ્ધ પૂર્ણિમા છે. મધ્યમ માર્ગનો બુદ્ધનો ઉપદેશ અમલમાં મૂકવો અત્યંત સરળ લાગવાથી બૌદ્ધ ધર્મ એશિયાના ઘણા દેશોમાં સહેલાઇથી પ્રસરી ગયો. જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, જપાન અને સૌથી ઘાતકી ગણાતા ચીનમાં પણ બૌદ્ધ ધર્મના લાખ્ખો અનુયાયીઓ છે. બુદ્ધ પોતે પણ રાજપરિવારના નબીરા હતા. એક વિરલ પળે રજવાડી જીવન નિરર્થક લાગતાં પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને સંન્યાસ લઇ લીધો. એ ઘટના મહાભિનષ્ક્રમણના નામે જાણીતી છે. બુદ્ધે પેાતે પણ પહેલાં આકરી તપશ્ચર્યા કરી હતી. પરંતુ જેને કેવળ જ્ઞાાન કહે છે એ તો આકરા તપના પગલે મળ્યું નહીં. એ તો તદ્દન જુદા સંજોગોમાં પ્રાપ્ત થયું. ત્યારે બુદ્ધને પોતે મધ્યમ માર્ગનો મહિમા આત્મસાત થયો. નિષ્ણાત ડોક્ટરો કહે છે કે પચાસ ટકા બીમારી માનસિક (સાઇકો-સોમેટિક) હોય છે. આજે સતત અજંપો, હાઇપર ટેન્શન, અનિદ્રા અને વાતે વાતે ચીડાઇ જવાના વધી રહેલા બનાવો પાછળ માનસિક કારણ છે. એવું એેક કારણ એ પણ છે કે આધુનિક માણસ મધ્યમ માર્ગ ભૂલી ગયો છે. મધ્યમ માર્ગનો મર્મ સમજાય તો અડધો અડધ સમસ્યા આપોઆપ વિદાય થઇ જાય. પ્રગતિ અને ટોચ પર પહોંચવાની લાહ્યમાં મધ્યમ માર્ગ વિસરાઇ જતો હોય છે. મધ્યમ માર્ગ સતત યાદ રહે તો જીવન જીવવું આકરું ન લાગે. બૌદ્ધ ધર્મના બાકીના બે મંત્રો પણ ઊંડો સૂચિતાર્થ ધરાવે છે. ધર્મ એટલે તમે જે કામ કરતા હો તેને સંપૂર્ણપણે સમર્મિત થઇ જવું. જે વ્યવસાય કરતાં હો એને વફાદાર રહીને નિષ્ઠાપૂર્વક કામ કરતાં રહેવું એ ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ થયું. સંઘમ્ શરણમ્ ગચ્છામિ એટલે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવું. સંકુચિત સ્વાર્થમાં રચ્યાપચ્યા ન રહેવું એટલે સંઘમ્ શરણમ્ ગચ્છામિ. આજે આ વિકરાળ કોરોના કાળમાં આ બે મંત્રો વધુ મહત્ત્વના છે. એનો અમલ કરીએ તો ઝડપભેર પરિસ્થિતિ નોર્મલ થઇ જાય.

ગુજરાત સમાચાર 25 May 2021 5:45 am

કોરોના મહામારી વચ્ચે રાજીપો થાય એવી ઘટનાઓ

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - આ એખલાસ અને ભાઇચારો કાયમ થઇ જાય તો સત્તાભૂખ્યા રાજકીય પક્ષો અને નેતાઓના દાવપેચ નહીં ચાલે 'હેવર ત હી સેવા વડી ચોવાજે... આંઇ હેડો ક્યોતા ત અંસી એતરો ત કૈયું...' (અત્યારે તો આ જ મોટી સેવા છે... તમે આટલું બધું કરો છો તો અમે આટલું તો કરીએ )... ધીંગી ધરા ગણાયેલા કચ્છના ભુજ તાલુકામાં બનેલી ઘટના છે. કેટલીક એનજીઓ કોરોનાથી મરણ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરે છે. એક સાથે પાંચ પંદર મૃતદેહો આવી પડે ત્યારે અંતિમ સંસ્કારની જરૂરી સામગ્રીની ખેંચ પડી જાય. એક મુસ્લિમ બિરાદરે સામેથી કહ્યું કે મારી વખારમાં લાકડાનો ઘણો વેસ્ટ પડયો છે. તમે જોઇએ તેટલો વાપરો. હું મોકલી આપું છું. એ લાકડું કાપવા માટે અન્ય એક મુ્સ્લિમ બિરાદરે તૈયારી દાખવી અને એ પણ અડધા મહેનતાણે. એ પોતાનું કટિંગ મશીન લઇને આવ્યા... લેખની શરૂઆતમાં જે શબ્દો મૂક્યા એ આ કટિંગ માસ્ટરે ઉચ્ચાર્યા હતા.... ભુજની જ અન્ય એક ઘટના છે. સંખ્યાબંધ માટલીની જરૂર હતી. પ્રજાપતિનો સંપર્ક સાધ્યો ત્યારે એ ભાઇએ પણ બજાર કરતાં ઓછા પૈસે આપવાની તૈયારી દાખવી. તમે કેમ સસ્તી આપો છો એવા સવાલના જવાબમાં ત્યાં બેઠેલાં એ પ્રજાપતિ ભાઇના વૃદ્ધ માતા બોલ્યા- 'સે ભા, મથેવારે કે ઘરે આંકે ને અસાંકે બોય કે હસાબ ડીણો પોંધો કે ન ? (તે ભાઇ, ઉપરવાળાને ત્યાં તમારે અને અમારે બંનેએ હિસાબ તો આપવો પડશે ને ) ? ને ડબલ રૂપિયા ગનીને રખણા પણ કેડા ? (અને વધુ રૂપિયા લઇને રાખવા પણ ક્યાં ? ) હી મડે વનેતા સે કુરો મથે ખણી વનેતા ? ( અને આ બધા જાય છે તે શું ઉપર પૈસા લઇને જાય છે ? ) અસાંકે વધુ ન ખપે ભા... (અમને વઘુ નહીં જોઇએ ભાઇ...)...' -ફરી ફરીને વાંચવાની ઇચ્છા જાગે એવો સંવાદ છે આ. કોરોનાની સારવાર માટે રેમડેસિવર ઇંજેક્શન અને બીજી ચીજોનાં કાળાંબજાર કરનારા પણ આપણી વચ્ચે રહે છે. અંતિમ સંસ્કાર માટે લાકડું અને માટલી આપનારા પણ આપણી વચ્ચે રહે છે. અનેક નેગેટિવ સમાચારો વચ્ચે કેટલાક એવા સમાચાર પણ પ્રગટ થતા રહ્યા છે જે આપણે હૈયે ટાઢક પ્રસરાવે. ક્યાંક એવી ઘટના બની છે જ્યાં હિન્દુ મૃતદેહોના અંતિમ સંસ્કાર મુસ્લિમોએ કર્યા હોય અને ક્યાંક મુસ્લિમ મૃતદેહને હિન્દુ યુવાનોએ અવ્વલ મંજિલે પહોંચાડયા હોય. લગભગ રોજ કોઇ ને કોઇ સંસ્થાના અહેવાલ પ્રગટ થાય છે જે કોરોનાના પેશન્ટોને ટિફિન પહોંચાડતી હોય. એક સંસ્થાએ માત્ર દસ રૂપિયામાં પાંચ રોટલી અને શાકની સગવડ શરૂ કરી તો કોઇએ તદ્દન ફ્રી ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરી. આ નાની સૂની વાત નથી. એક ટંક લિમિટેડ ભોજનના આજે સવાસોથી દોઢસો રૂપિયા બોલાતા હોય ત્યારે એક સાથે પાંચ પચીસ જણને ઘેર બેઠાં ભરપેટ ભોજન પહોંચાડવું એ ઘણી મોટી વાત છે. સંત પુનિત મહારાજનું એક ભજન છે- 'રામે દીધો છે રૂડો રોટલો રે કોઇને ખવરાવીને ખાવ, તમે દઇને રાજી થાવ, રામે દીધો છે રૂડો રોટલો...' આ કપરા સમયમાં સમાજમાં સકારાત્મક (પોઝિટિવ) કામ કરનારાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે એ હકીકત હૈયું ઠારનારી છે. તમામ ધર્મસ્થાનો બંધ છે ત્યારે માનવ ધર્મ ઠેર ઠેર પ્રગટયો છે. કેટલીક એનજીઓએ સંખ્યાબંધ વેન્ટિલેટર દાનમાં આપ્યા છે તો કેટલાક લોકોએ પોતાનાં મકાનોમાં કોવિડની હોસ્પિટલો ઊભી કરી દીધી. મુંબઇના કાંદિવલી ઉપનગરમાં ભૂરાભાઇ આરોગ્ય ભવનમાં રાતોરાત હોસ્પિટલ ઊભી થઇ ગઇ. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો. સંજોગોનો ગેરલાભ લેનારા પરિબળો પણ હોવાના. એ બધાંની વચ્ચે તદ્દન નિઃસ્વાર્થપણે સેવા કરનારા ડોક્ટરો અને નર્સો જેવી જ સેવા અત્યારે સમાજનાં અન્ય લોકો કરી રહ્યા છે.આ કોમી એખલાસ અને ભાઇચારો કાયમ થઇ જાય તો સત્તાભૂખ્યા રાજકીય પક્ષો અને કહેવાતા નેતાઓના દાવપેચ હવે પછી નહીં ચાલે એ ચોક્કસ વાત છે. કોરોનાએ આપેલો આ એક આશીર્વાદ છે.

ગુજરાત સમાચાર 18 May 2021 5:45 am

મનને જીતો તો માનું કે સિકંદર છો, બાકી 'દિગ્વિજય' ઉચરતા શ્રમ નથી પડતો....

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - માણસના તમામ કામકાજ અને પ્રવૃત્તિઓ પર એની માનસિકતાનો સચોટ પ્રભાવ હોય છે એક અદ્ભુત ગઝલનો આ શેર છે. એનો ઉપાડ લગભગ બધાને કંઠસ્થ છે- 'કદમ અસ્થિર હોયે તો કદી મારગ નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...' શાયરની માફી માગી લઇને હિમાલયના સ્થાને કોરોના મૂકી દઇએ તો કેમ ? આ મથાળું એ ગઝલનો એક શેર છે. એક સત્યઘટનાથી વાતનો આરંભ કરીએ. માનવીના મનમાં આવતા વિચારોનો કોઇ પ્રભાવ શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે ખરો ? એ વિશે અમેરિકાના કેટલાક વિજ્ઞાાનીઓ સંશોધન કરી રહ્યા હતા. તેમણે એક પ્રયોગ કર્યો. જરૂરી સરકારી પરવાનગી લીધા બાદ મોતની સજા થઇ હતી એવા એક કેદીને કહ્યું કે આજથી ત્રીજે દિવસે તને દુનિયાના સૌથી ઝેરી નાગના ડંખ દ્વારા મોતની સજા કરવામાં આવશે. એ ક્ષણથી પેલો કોબ્રાના વિચારોમાં ગૂંથાઇ ગયો. સજાના દિવસે એેને કાળો બૂરખો પહેરાવીને એક સામાન્ય દવા ભરેલી સિરિંજથી ઇંજેક્શન મારવામાં આવ્યું. વિજ્ઞાાનીઓના આશ્ચર્ય વચ્ચે પેલો દસ સેકંડમાં મરી ગયો. એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નાગનું ઝેર મળી આવ્યું. વિજ્ઞાાનીઓ એવા તારણ પર આવ્યા કે માણસના તમામ કામકાજ અને પ્રવૃત્તિઓ પર એની માનસિકતાનો સચોટ પ્રભાવ હોય છે. આ વાત આજે આપણે સૌએ ખાસ ધ્યાનમાં લેવાની છે. અંધારી રાત્રે ચાલ્યા જતા માણસને દોરડું દેખાય ત્યારે સાપ સમજીને છળી મરે એવા બનાવ બને છે. મૂળ તો મનને સુદ્રઢ કરવાનું છે. મનમાં ખરોખોટો ડર પેસી ગયો હોય તો કોરોના વાઇરસ શરીરમાં ઘુસી જવા તૈયાર ઊભા હોય છે. ૮૫ અને ૯૦ વર્ષના વડીલો કોરોનાને હંફાવે એવા રિપોર્ટ ફોટોગ્રાફ સાથે અખબારોમાં પ્રગટ થતા રહ્યા છે. આપણે સૌએ વાંચ્યા છે. આવા વડીલોની ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) કદાચ યુવાનો જેવી ધીંગી નહીં હોય પરંતુ મનોબળ ધીંગું હોઇ શકે છે. અને ત્યાંજ વિજયની શક્યતા સર્જાય છે. અત્યારે માનસિક સ્થિતિ ડામાડોળ ન થઇ જાય એ મહત્ત્વનો મુદ્દો છે. રોજ સવારે ઊઠીને ઇષ્ટદેવનું સ્મરણ કરીને સકારાત્મક (પોઝિટિવ ) વિચારો મનમાં રોપવાના છે. હું સાજોસારો છું, મારી ઇમ્યુનિટી મને કોરોના સામે રક્ષણ આપે એટલી તો છે જ, મને કશું થવાનું નથી. પરમાત્મા મારું રક્ષણ કરે છે, મારે કોરોના વાઇરસને હંફાવવાનો છે... આ રીતે મનને પોઝિટિવ વિચારોનું ટોનિક આપવાની તાતી જરૂર છે. કોરોનાની રસી, કોરોના સામે રક્ષણ આપે એવી ગાઇડલાઇન્સનું પાલન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરે બાબતોની સાથે યથાશક્તિ થોડો હળવો વ્યાયામ અથવા ઘર કે મકાનના ધાબે પંદર મિનિટ ચાલવાની કસરત કરવી હિતાવહ છે. નરી આંખે દેખાય પણ નહીં, ડોક્ટરો માઇક્રોસ્કોપની મદદથી માંડ જોઇ શકે એવા વાઇરસથી ડરવાને બદલે એને હંફાવવાનું મનોબળ કેળવાય એ આજની અનિવાર્ય જરૂરિયાત છે. સરકાર શું કરે છે, શું નથી કરતી એવી લમણાફોડમાં પડવાને બદલે આપણે જાતને દ્રઢ મનોબળ દ્વારા સજ્જ રાખીએ એ આપણા પોતાના હિતમાં છે. પેલું ગીત છે ને, ઇતની શક્તિ હમેં દેના દાતા, મન વિજય કરે... મહષ વ્યાસે પણ ગીતામાં કહ્યું છે, મન: એવમ્ મનુષ્યાણામ્ કર્મણમ્ બંધ મોક્ષયો:... મન મજબૂત હોય તો દુનિયાની કોઇ શક્તિ કશું કરી નહીં શકે. દરેક ધર્મના સાધુ-સંતો મન પર કાબુ મેળવવાની શીખ સદૈવ આપતા રહ્યા છે. ફિલ્મ ગીતકારો પણ સરળ શબ્દોમાં આ વાત કરતા રહ્યા છે- મન હી દેવતા, મન હી ઇશ્વર, મન સબ કા આધાર, જગ સે ચાહે ભાગ લે કોઇ, મન સે ભાગ ન પાય... દરેક વ્યક્તિએ પોતાના મનને મક્કમ કરવાનું છે. આટલું તો દરેક વ્યક્તિ કરી શકે.

ગુજરાત સમાચાર 4 May 2021 5:45 am

નિર્ભયતા કેળવીને સુષુપ્ત ઊર્જા જાગ્રત કરો પવનપુત્રનો સંદેશ

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - હનુમાન એક સર્વોત્તમ સેવક, તમામ ઉત્તમ ગુણોથી યુક્ત, વ્યવહાર કુશળ અને ખરા અર્થમાં ભક્ત છે - દરેક વ્યક્તિના અંતરમાં બ્રહ્મતત્ત્વ બિરાજમાન છે. પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે આજે ચૈત્ર સુદ પૂનમ છે. વ્રતની પૂનમ ગઇ કાલે ગઇ. આજે હનુમાન જયંતી છે. રામાયણ અને મહાભારત બંને ભારતીય મહાકાવ્યોમાં એક એક વાયુપુત્ર છે. રામાયણમાં હનુમાનજીને વાયુપુત્ર કે પવનપુત્ર કહ્યા છે. મહાભારતમાં ભીમને વાયુપુત્ર કહ્યો છે. બહુ સૂચક પરિચય છે. હનુમાન વાનર નથી. માણસમાત્રમાં વાનરવૃત્તિ હોય છે એનું પ્રતીક છે. બાળપણમાં દરેકે યથાશક્તિ વાનરવેડા કર્યા હોય છે. વાસ્તવમાં હનુમાન એક સર્વોત્તમ સેવક, તમામ ઉત્તમ ગુણોથી યુક્ત, વ્યવહાર કુશળ અને ખરા અર્થમાં ભક્ત છે. એક લોકકથા પ્રમાણે અયોધ્યા પાછાં ફર્યા પછી સીતામાતાએ હનુમાનને એક રત્નજડિત હાર આપ્યો. હનુમાને છાતી ચીરીને પોતાના હૃદયમાં બિરાજમાન સીતારામ દેખાડયાં. લોકકથા છે. વાસ્તવમાં દરેક વ્યક્તિના અંતરમાં બ્રહ્મતત્ત્વ બિરાજમાન છે. પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે. અત્યારે કોરોના કાળમાં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. આપણે સૌ પવનપુત્ર છીએ. જરા કલ્પના કરી જુઓ. વાયુ વિના જીવી શકાય ખરું ? આપણને જીવાડી રહેલા વાયુને આપણે પ્રાણવાયુ (ઓક્સિજન) કહ્યો છે. સર્જનહારે અવકાશમાં ભરપુર પ્રાણવાયુ ભેટ આપ્યો હતો. ઔદ્યોગિક અને ટેક્નિકલ પ્રગતિના નામે માણસે પ્રદૂષણ વધાર્યું, દિવસ દરમિયાન સાવ મફત ઓક્સિજન આપતાં વૃક્ષો જડમૂળથી ઊખાડી નાખ્યાં એટલે પ્રાણવાયુની અછત થઇ. હજુ પૂરતો સમય છે. દરેકે જાગ્રત થઇ જવાની તાતી જરૂર છે. રામાયણમાં એક સરસ પ્રસંગ છે. સીતામાતાની શોધમાં નીકળેલી રામસેના (એને વાનર કહીને અનાદર ન કરાય) સમક્ષ દરિયો આવ્યો ત્યારે બધા મૂંઝાયા હતા. જાંબુવાને હનુમાનમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરી અને પ્રભુકૃપાથી હનુમાન દરિયો ઓળંગીને લંકા પહોંચી ગયા. અત્યારે કોરોના વાઇરસ જાંબુવાન બનીને આવ્યો છે. એ દરેકને હાકલ કરે છે, જાગો, ઊઠો, તમારી પૂરેપૂરી શક્તિને કામે લગાડો. એક વિદેશી વિચારકે કહ્યું છે કે અત્યંત કટોકટી જેવી અથવા કહો કે જીવન-મરણની સમસ્યા જેવી સ્થિતિ સર્જાય ત્યારે માણસની પૂરેપૂરી ક્ષમતા કામે લાગે છે. સડક પર વિચારમાં ચાલ્યો જતો માણસ કોઇ વાહન ધસી આવતું જુએ ત્યારે પોતાની તમામ શક્તિ કામે લગાડીને જીવ બચાવવા મથે છે. અત્યારે આપણા સૌ માટે એવી કટોકટી સર્જાઇ છે. એનાથી ડર્યા વિના ધીરજભેર એનો સામનો કરવાનો છે. એ માટે મૂળ ભારતીય એવા બે ત્રણ પ્રાચીન પ્રયોગો કરવાના છે. એક પ્રયોગની વાત આ સ્થળેથી અગાઉ કરેલી. એ પ્રયોગ એટલે સસ્વર ઓમકારનું ગાન. વહેલી સવારે ઊઠીને મુખશુદ્ધિ કર્યા બાદ ચા-કોફી પી લીધા પછી શાંતિથી બેસીને દસેક મિનિટ ઓમકાર ગાઓ. ઓમકાર લોહીમાં અને ખાસ તો મગજમાં ઓક્સિજન વધારે છે એ હકીકત હવે તો આધુનિક વિજ્ઞાાન પણ સ્વીકારે છે. બીજો પ્રયોગ ધીરજભેર ઊંડા શ્વાસ લેવાનો છે. અનુકૂળ આસનમાં બેસીને જરાય ઉતાવળ કર્યા વિના ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાનો પ્રયોગ કરવા જેવો છે. જેમને ફાવટ હોય એ અનુલોમ-વિલોમ પ્રાણાયામ પણ કરી શકે. ત્રીજો પ્રયોગ સવાર-સાંજ ગરમ પાણીમાં સૂંઠ નાખીને એનો નાસ લેવાનો છે. આવા સાદા સીધા પ્રયોગોથી રોગ પ્રતિકાર શક્તિ આપોઆપ વધે છે. આ બધાંની સાથોસાથ દ્રઢનિશ્ચય કરવાનો છે કે મને કશું નહીં થાય. એને ઓટો-સજેશન કે ઓટો-હિપ્નોટીઝમ કહે છે.આપણે સૌ પવનપુત્ર છીએ, બજરંગ બલિના વંશજો છીએ એ યાદ રાખીને આ કટોકટીનો સામનો કરવાનો છે. ડર ગયા વહ મર ગયા એ હૈયામાં કોતરી રાખવાનું છે.

ગુજરાત સમાચાર 27 Apr 2021 5:45 am

'તમે તરછોડશો તેહને નાથજી, પછી ત્રિલોકમાં કોણ તારે ?'

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - કહેવાતા લોકસેવકો કોરોના સામે રક્ષણ આપતા હજારો ઇંજેક્શનો મેળવી - લ્યે અને રાજ્યનો વડો લાચારી વ્યક્ત કરે એ કેવી કરુણતા ! - હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને શાસકોનો કાન આમળવો પડે એ રામ રાજ્યનું લક્ષણ તો નથી 'કૂળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વહેમ આવ્યો, મુજ તણા નામથી પથર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો ?' ભક્ત કવિ નરસિંહ મહેતાના લાડકા ઝૂલણા છંદમાં કાગબાપુએ એક અદ્ભૂત કલ્પના કરી છે. રામસેતુ બાંધતી વખતે કપિ સેનાએ રામનું નામ લખીને સાગરમાં પધરાવતાં એ પથ્થરો તરી ગયા એવી કથા છે. એ પ્રસંગને યાદ કરીને કાગ બાપુએ કાંકરી નામની આ રચના કરી છે. ખરેખર અદ્ભૂત રચના છે. ભગવાનને એવો વિચાર આવે છે કે મારા નામે પથરા તરે એ કેવી રીતે બને ? એટલે રામ દરિયા કિનારે જાય છે અને એક કાંકરી લઇને દરિયામાં ફેંકે છે. કાંકરી ડૂબી જાય છે. રામ હજુ લંકામાં છે એટલે શત્રુના પ્રદેશમાં કહેવાય. પરિણામે રામસેવક હનુમાનજી ભગવાનની પાછળ દરિયા કાંઠે આવ્યા છે. કાંકરી ડૂબી જવાથી ભોંઠા પડેલા રામને હનુમાનજી કહે છે, 'ચરણમાં જઇ કપિ હાથ જોડી કહે, નાથજી ! આ મતિ કેમ આવી ? હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતાં આપના બિરદની શરમ ના'વી ? તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો, કરી ભૂલ ભારે, તમે તરછોડશો તેહને નાથજી ! પછી ત્રિલોકમાં કોણ તારે ?' કાગબાપુએ જ ઔર એક કાવ્ય રચ્યું છે જે ઘણા ગાયકોએ ગાયું છે- પગ મને ધોવા દ્યો રઘુરાય... આ કાવ્યમાં પણ અંતે કાગબાપુ લખે છે, 'નાયીની કદી નાયી લીયે નહીં આપણ ધંધાભાઇ જી, કાગ લિયે નહીં ખારવાની ખારવો ઉતરાઇ...' હું તમને નદીપાર ઊતારું, તમે મને ભવસાગર પાર ઊતારજો.. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એમ કહેવાય છે. આવતી કાલે રામ નવમી (ચૈત્ર સુદ નોમ) છે ત્યારે અનાયાસે કાગબાપુ યાદ આવી ગયા. આજે વસમી પરિસ્થિતિ છે. રામ રાજ્યની અને રામ મંદિર બનાવવાની વાતો કરતા લોકો રામ કરતાં વિપરીત વર્તન કરી રહ્યા હોય એવું લાગે છે. હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને શાસકોનો કાન આમળવો પડે એ રામ રાજ્યનું લક્ષણ તો નથી. રામ રાજ્યની વાતો કરનારા કહેવાતા લોકસેવકો કોરોના સામે રક્ષણ આપતા હજારો ઇંજેક્શનો મેળવી લ્યે અને રાજ્યનો વડો લાચારી વ્યક્ત કરે એ કેવી કરુણતા ! જો કે કૂવામાં હોય તો હવાડામાં આવે. પશ્ચિમ બંગાળ કે આસામમાં કોરોના ગાઇડ લાઇન્સનો છડેચોક ભંગ કરીને હજારો લોકોની મેદની ભેગી કરવામાં આવે તો પછી ભગવાન રામે કાંકરી સમુદ્રમાં ફેંકી દેવી પડે. પછી ભલે એ કાંકરી ડૂબી જાય. કોઇ કહેતાં કોઇને બિરદાવી શકાય એમ નથી. સત્તાતુરાણાં ન ભયં ન લજ્જા... મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે પશ્ચિમ બંગાળ યા આસામ હોય, દરેક રાજકીય પક્ષ અને દરેક કહેવાતા નેતા આજે પ્રજાવિમુખ થઇ ગયા જણાય છે. રામના નામે ચૂંટણી જીત્યા પરંતુ 'રામરાજ્ય' ક્યાંય સ્થપાયું નહીં. સ્થાપવાની દાનત જ નહોતી. આ તો ચૂંટણી જીતવા રામને પણ વટાવી ખાધા જેવી વાત છે. ભગવાન રામ આજે હાજર હોય તો લક્ષ્મણે સુગ્રીવને આપેલી ચેતવણી યાદ કરાવે કે જે રસ્તે વાલી ગયો એ માર્ગ હજુ ખુલ્લો છે હોં ને ! પરાણે લખવાનું મન થાય કે શાસકો ગૂમરાહ થાય ત્યારે પ્રજાએ સંગઠિત થઇને ક્રાન્તિ કરવી પડે. ઇતિહાસ સાક્ષી છે, પ્રજા વિફરે ત્યારે ગમે તેવો ચમરબંધી પણ નરમઘેંસ થઇ જાય. કોરોના જેટલી જ દ્રઢતાથી નીંભર નેતાઓ સામે પણ અવાજ ઊઠાવવો પડે. ઉત્તિષ્ઠ જાગ્રતઃ... સ્વામી વિવેકાનંદે કહેલુ, ઊઠો, જાગો... !

ગુજરાત સમાચાર 20 Apr 2021 5:40 am

મંગળવારે બેસતો ચૈત્ર માસ અમંગળ સર્જે એવી માન્યતા

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - આ માસમાં નમક જેટલું ઓછું ખાઓ એટલું સારું. વધુમાં લીમડાની ગળો કે લીમડાના પાનનો ઉકાળો અમૃત સમાન ગણાય - જાતને સુરક્ષિત રાખવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અનિવાર્ય છે ઉપચાર કરતાં અગમચેતી સારી ખરું-ખોટું તો રામ જાણે. મંગળવારે નવો હિન્દુ માસ બેસે એ બહુ ભારે કહેવાય એવી એક માન્યતા સેંકડો વરસોથી લોકમાનસમાં ઘર કરી ગઇ છે. આજે મંગળવાર અને બેસતો મહિનો છે. આમ તો ચૈત્ર માસ એટલે બબ્બે પ્રજાસમૂહના ઉત્સવનો માસ. મરાઠી પ્રજા ગુડી પડવો ઊજવે અને સિઁધી સમાજ ચેટી ચાંદ ઊજવે. એટલે ચૈત્ર માસનો આરંભ તો બહુ સરસ થઇ રહ્યો છે. પુરાણોની વાત માનીએ તો આ માસ ઓખાહરણ આખ્યાનનો માસ છે. પાર્વતીજી નહાવા બેઠાં હતાં અને ગણેશ ચોકી કરતા હતા ત્યારે શિવજી આવી જતાં પિતા-પુત્ર વચ્ચે સંઘર્ષ થયો ત્યારે ડરની મારી ઉષા નમકની ગુણીમાં સંતાઇ ગઇ હતી. સદ્યસ્નાતા પાર્વતીજી બહાર આવ્યાં ત્યારે ઉષા પર ગુસ્સે થયા અને એને શાપ આપ્યો એવી પુરાણકથા છે. ઓખાહરણમાં ઉષાનો નવો જન્મ વર્ણવાયો છે. બાણાસુરે પુત્રીને એકદંડિયા મહેલમાં પૂરી દીધી હતી. એની સખી ચિત્રલેખા એને જુદા જુદા દેવપુત્રોની તસવીરો બનાવીને દેખાડે છે. એમાં યદુવંશના પ્રદ્યુમ્ન પર ઉષા પસંદગી ઢોળે છે. ચિત્રલેખા આકાશ માર્ગે ઉષાના પ્રિયતમને લાવી દે છે એવી આ કથા છે. કોઇ પણ મસાલા ફિલ્મને ટક્કર મારે એવો એનો પ્લોટ છે. અગાઉ ચૈત્ર માસમાં ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં મહિલાઓ ગોળાકારે બેસીને ઓખાહરણ વાંચતી. આજે પણ કેટલાંક ગામડાંમાં ઓખાહરણ વંચાતું હશે. કદાચ કોરોનાના કારણે ઓખાહરણ ન વંચાય એવું બને. શહેરી વિસ્તારોમાં તો કિટ્ટી પાર્ટી કે ટીવી પ્રોગ્રામ્સનો મોટો મહિમા છે. કોરોના કાળમાં સૌથી વધુ મહત્ત્વ આરોગ્ય જાળવવાનું છે. આધુનિક તબીબી વિજ્ઞાાન તો ખાંડ અને નમક બંનેનો ત્યાગ કરવાની સલાહ આપે છે. આ માસમાં નમક જેટલું ઓછું ખાઓ એટલું સારું. વધુમાં લીમડાની ગળો કે લીમડાના પાનનો ઉકાળો અમૃત સમાન ગણાય. રોજ સવારે નરણા કોઠે અર્ધો કપ લીમડાનો રસ પીઓ તો બારે માસ નરવા રહી શકાય એવું આયુર્વેદના ઉપાસકો કહે છે. સૌથી મોટી વાત કોરોના સામે હેલ્થ વર્કર્સે આપેલી સલાહનો અમલ કરવાની છે. હવે નેતાજીઓ કે સરકારના ભરોસે બેસી રહેવા જેવું નથી. પહેલું સુખ તે જાતે નર્યા... આપણું ધ્યાન આપણે પોતે રાખવાનું છે. પોલીસના દંડના ડરથી નહીં પણ જાતને સુરક્ષિત રાખવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અનિવાર્ય છે. દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યનું ધ્યાન પેાતે રાખવું જરૂરી છે. ઉપચાર કરતાં અગમચેતી સારી એવું આપણા વડીલો અમસ્તા નથી કહી ગયા. બીમાર પડીને રીબાઇ રીબાઇને જીવવા કરતાં સાવચેત રહીને સાજાસારા રહેવું વધુ યોગ્ય છે એ ધ્યાનમાં રાખીએ તો કોરોના જખ મારે છે. બાકી લોકડાઉન કે કર્ફ્યૂ એ તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવાં સરકારી પગલાં છે. ચૂંટણી પ્રચારમાં હજારો લોકોની ભીડ ભેગી કરતી વખતે નેતાજીઓ પોતાની જવાબદારી ભૂલી જાય છે. પછી અદાલતોએ સરકારનો કાન આમળવો પડે છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી પરંતુ નેતાઓના પેટનું પાણી હાલતું નથી. કોરોનાથી કોઇ ટોચના નેતા સ્વર્ગવાસી થયા હોય એવા સમાચાર હજુ તો વાંચવા મળ્યા નથી. સાવ નિર્દોષ નાગરિકો જ માર્યા જાય છે. કોરોનાએ અત્યારે આતંકવાદીઓને પણ હંફાવ્યા હોય એવી છાપ પડે છે. સ્મશાનો ઓછાં પડે છે એટલી ઝડપે કોરોના ભોગ લઇ રહ્યો છે ત્યારે સાવચેતીથી ઘરની ચાર દિવાલ વચ્ચે સાજાસારા રહેવામાં જ સાર છે. જીવતો નર ભદ્રા પામે.

ગુજરાત સમાચાર 13 Apr 2021 5:45 am

કોરોના રહસ્યમય વાઇરસ: નથી ત્યાં બિલકુલ નથી, છે ત્યાં મબલખ અને અખૂટ છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ છેલ્લા થોડા સમયથી કેટલાક ચિત્રવિચિત્ર કહી શકાય એવા બનાવો બની રહેલા જોવા મળ્યા. એ બનાવોના અનુસંધાનમાં આજે કેટલાક છૂટાછવાયા વિચારોનું સંકલન કર્યું છે. દરેક મુદ્દા પર ધ્યાન આપવા જેવું છે. દરેક મુદ્દો રસપ્રદ લેખનું નિમિત્ત બની શકે એવો છે. * માત્ર ભારત નહીં, દુનિયાભરના લોકોને ત્રાહિમામ્ પોકારાવનારા કોરોના વાઇરસ ખરેખર રહસ્યમય છે. એક મિત્રે સરસ નિરીક્ષણ વ્યક્ત કર્યું. જુઓને, છેલ્લા પાંચ છ મહિનાથી દિલ્હીના સીમાડા પર ત્રાગું કરી રહેલા હજારો ખેડૂતોમાં કોઇને કોરોના નથી થયો. થયો હોય તો જાહેર થયું નથી. એક પણ ખેડૂત કોરોનાથી મરણ પામ્યો હોવાના મિડિયા અહેવાલ નથી. પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીના પ્રચારમાં હજારો લોકો એકઠા થયેલા ટીવી ન્યૂઝ ચેનલ્સ પર જોઇ શકાતા હતા. એ તરફ પણ અત્યારે તો કોરોનાના વાવડ નથી. ચૂંટણી પતે ત્યારબાદ કોરોના વાઇરસ એ તરફ પોતાનો લાગો લેવા જાય તો કહેવાય નહીં. * એક તરફ એક કરતાં વધુ રાજ્યો કોરોનાના પગલે લોકડાઉન જેવાં પગલાં વિચારી રહ્યા છે, બીજી તરફ રેલવે તંત્ર રોજ રોજ નવી નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી રહ્યું છે. શું દેશનાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરેપૂરી તકેદારી રાખીને કોરોના ટેસ્ટિંગ અને તત્કાળ સારવારની વ્યવસ્થા હાથવગી છે ખરી ? * પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા શ્લોકમાં આ પાંચ મહિલાઓને પુણ્યશ્લોક ગણાવાઇ છે. આધુનિક કાળની વાત કરીએ તો દેશની એકમાત્ર રાજરાણી 'પુણ્યશ્લોક' ગણાવાઇ છે. એ છે મરાઠા સામ્રાજ્યની હોલકર પરિવારની અહિલ્યાબાઇ હોલકર. હાલ એક ટીવી ચેનલ પર એના જીવનની રસપ્રદ વાતો સિરિયલ રૂપે રજૂ થઇ રહી છે. યોગાનુયોગ કેવો છે કે પ્રાચીન અને અર્વાચીન બંને દ્રષ્ટિએ અહલ્યા કોમન નામ છે. * હરિદ્વારમાં પૂર્ણકુંભ મેળો શરૂ થઇ ચૂક્યો છે. કુંભ મેળાની તવારીખ તપાસીએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ વિસ્તારના લાખો લોકો આ ભક્તિમેળામાં હાજરી આપતા રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ શહેરી વિસ્તારમાં કાળો કેર વર્તાવ્યો છે. ગ્રામ વિસ્તારોમાં એની અસર ઓછી જોવા મળી. હરિદ્વારમાં કોરોના ટેસ્ટિંગ અને જરૂર પડયે સારવારની વ્યવસ્થા યોગી સરકારે કરી હોવાનો દાવો કરાયો છે. કોરોના કેટલા શ્રદ્ધાળુઓને પોતાના પંજામાં સપડાવે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે. * તમાકુના સેવનના કારણે એકવાર કેન્સરનો ભોગ બનીને સર્જરી કરાવ્યા બાદ ફરી એકવાર એનસીપીના શરદ પવાર આ લખાઇ રહ્યું હતું ત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. એમના પક્ષના નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર મુંબઇના પોલીસ કમિશનર રહી ચૂકેલા પરમવીર સિંઘે ગંભીર આક્ષેપ કર્યા છે. મહારાષ્ટ્રના રાજનેતાઓ અને મુંબઇના પોલીસ તંત્ર બંનેની પ્રતિષ્ઠા હાલ ખરડાઇ છે. એ કલંકના ડાઘને નિર્મૂળ કરવાની ક્ષમતા કયો નેતા દેખાડશે એ જોવાનું છે. * સૂરત સોનાની મૂરત અને સૂરતનું જમણ, કાશીનું મરણ જેવી લોકોક્તિઓ સેંકડો વરસોથી આપણે સાંભળતા આવ્યા છીએ. આ વખતે ગુજરાત રાજ્યમાં કોરોનાનો સૌથી વધુ કોપ સૂરતમાં જોવા મળ્યો. ગયા વર્ષની જેમ કેટલાક ક્ષેત્રના શ્રમિકો ફરી એકવાર જે ટ્રેન કે બસ મળે એ પકડીને વતન ભેગા થઇ રહ્યા છે. સૂરતીલાલાઓએ સમૂહ પ્રાર્થના અને શાંતિયજ્ઞા દ્વારા સંજોગો સુધરે એવા પ્રયાસ કરવા જોઇએ. નહીંતર સૂરતની જાહોજલાલી ઇતિહાસનો એક ભાગ બની રહેવાની પૂરી શક્યતા છે. * બહુ ઓછા લોકોના ધ્યાનમાં એક ટ્રેજેડી આવી હશે. ગાયક કે સંગીતકાર તરીકે મોં માગ્યું મહેનતાણું લેવા છતાં જે કલાકારોની ડેટ મળતી નહોતી એવા કેટલાક કલાકારો હવે ગાંઠના ખર્ચે ઓનલાઇન કાર્યક્રમો યોજીને કારકિર્દી ટકાવી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. સોશ્યલ મિડિયા પર મળતી વાહ્ વાહીથી સંતોષ માનતા હોય એવું લાગે છે.

ગુજરાત સમાચાર 6 Apr 2021 5:45 am

સુખની વ્યાખ્યા તમે કયા માપદંડથી કરો છો ?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - ભારતને દુઃખી દેશ ગણાવનારા યૂરોપ અમેરિકાના દેશોમાં પણ હજારો લોકો પોતાને દુઃખી માનતા હશે જૂની રંગભૂમિના એક નાનકડા ગીતથી આજની વાતનો આરંભ કરવો છે. પહેલાં ગીત માણો. પછી મુખ્ય વાત કરીએ. 'ઘડી બે ઘડી સુખની છાયા, દુઃખ સનાતન છે, પળે પળે પલટાતું આજે માનવ જીવન છે... સુખી નથી કોઇ સંસારી એવી છે આ દુનિયાદારી, સુખ કહો કે દુઃખ કહો એ બંને બંધન છે, દુઃખ સનાતન છે... સુખ દુઃખને સરખાં માની, દશા હોય એ ભોગવવવાની, એ ઇશ્વરની લીલા એને લાખ્ખો વંદન છે...' યુનોના વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ૧૪૯ દેશોને સમાવી લેવાયા, એમાં ભારતને ૧૩૯મો ક્રમ મળ્યો એટલે કે ભારત સૌથી વધુ દુઃખી દેશોમાં મોખરે છે. ઓક્કે ફાઇન. વસતિ ઓછી હોય ત્યારે નાનાંમોટાં બધાં રોજિંદાં કાર્યો મશીનથી થતાં હોય એવી ભૌતિક સંપત્તિથી લથબથ દેશોની દ્રષ્ટિએ ભારત દુઃખી હોઇ શકે છે. અમેરિકા યૂરોપના દેશોની સુખની વ્યાખ્યા ભારત જેવા વિકાસશીલ દેશો કરતાં જુદી હોય એ સમજી શકાય એવી વાત છે. વૈશાખ મહિનાના ધોમધખતા તડકામાં એક માણસ ત્રણ ચાર કિલોમીટર દૂરથી ચાલીને આવે ત્યારે એણે પહેરેલાં કપડાં પરસેવાને કારણે શરીર સાથે ચોંટી ગયાં હોય, એના ગળામાં શોષ પડતો હોય. એ થોડોક હાંફી રહ્યો હોય. તમે એને માટલાનું એક ગ્લાસ શીતળ જળ આપો ત્યારે એને જે હા...શ થાય એ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. એ ક્ષણ સૌથી સુખી ક્ષણ હોય છે. પરંતુ તમે એને એમ કહો કે આ માટલાનું બધું પાણી તારે પી જવાનું છે તો એ દુઃખી થઇ જશે. આંખના પલકારામાં એની સુખની લાગણી અલોપ થઇ જશે. વિશ્વ વિજેતા સિકંદરને લગતી એક લોકવાયકા છે. ઘણું કરીને ડાયોજિનસ સાથે બનેલી. ભૂલચૂક લેવી દેવી. સિકંદરે ડાયોજિનસને કંઇક માગવાનું કહ્યું ત્યારે ડાયોજિનસે એને કહ્યું કે તું થોડો આઘો જા. મારા પર આવી રહેલા સૂર્યપ્રકાશને અને પવનને તું રોકી રહ્યો છે. સિકંદર અવાક્ થઇ ગયો. ડાયોજિનસની સુખની વ્યાખ્યા જુદી હતી. વિશ્વ વિજેતા થઇનેય સિકંદર સુખી થયો નહોતો. એણે પોતાની નનામિમાં બંને હાથ બહાર રાખવાની સૂચના આપેલી. કેમ, તો કહે, દુનિયા જુએ કે વિશ્વ વિજેતા થયા પછી પણ હું ખાલી હાથે જઇ રહ્યો છું. વિશ્વ વિજેતા થયા પછી પણ એને સુખ સાંપડયું નહોતું. ઓશો બીજી રીતે આ વાત કરતા. એ કહેતા કે કોઇની પણ પાસે અપેક્ષા નહીં રાખો. અપેક્ષા રાખો અને ન સંતોષાય તો તમે અપસેટ થઇ જશો. તમને દુઃખની લાગણી જાગશે. એના કરતાં નિરપેક્ષ થઇ જાઓ. સર્વ દુઃખોનું મૂળ અપેક્ષા છે. શ્રીમદ્ રાજચંદ્ર તો એથી પણ આગળ વધીને કહેતાં કે જે થાય તે થવા દેવું. પરમાત્મા પાસે ન કોઇ ફરિયાદ કરવી કે ન તો ઘાંઘા થઇ જવું. સદા સુખી રહેવાનો આ હાથવગો ઉપાય છે. ભારતને દુઃખી દેશ ગણાવનારા યૂરોપ અમેરિકાના દેશોમાં પણ હજારો લોકો પોતાને દુઃખી માનતા હશે. વાસ્તવમાં સુખ અને દુઃખ બંને સાપેક્ષ છે. આ બંને લાગણીની વચ્ચે સેતુરૂપ વધુ એક લાગણી છે જેને સંતોષ કહેવામાં આવે છે. વડીલો કહે છે કે સંતોષી નર સદા સુખી. માત્ર બે ચોપડી ભણેલી એક માતા કહેતી, તને જ્યારે કોઇ વાતનું ઓછું આવે ત્યારે તારા કરતા ઓછો પગાર હોય એવા કર્મચારીને જોજે. તારું દુઃખ તું ભૂલી જઇશ. આ માતાએ પોતાના સંતાનોને જીવન જીવવાની જડીબુટ્ટી આપી દીધી એમ કહીએ તો ચાલે. કોઇ વાતે અસંતોષ થાય ત્યારે આ સલાહ યાદ રાખવા જેવી છે.

ગુજરાત સમાચાર 23 Mar 2021 5:45 am

ઉપવાસનો સાચો અર્થ સમજાય તો વગર દવાએ કેન્સર દૂર કરી શકાય છે- વૈજ્ઞાાનિક સંશોધન કહે છે

- પેટ સાવ ખાલી હોય ત્યારે શરીર એવા કોષો નષ્ટ કરવા માંડે છે જે કેન્સરને વિકસાવે છે કેન્સર અને કોરોના બંનેની રાશિ એક જ છે. કોરોનાને હંફાવવાના માનવ જાતના પ્રયોગો હજુ ચાલુ છે. કેન્સરને હંફાવવામાં ઘણે અંશે સફળતા મળી છે. અભ્યાસીઓ કહે છે કે તમાકુ, માંસાહાર અને શરાબનું વ્યસન ન હોય એવા તદ્દન નિર્વ્યસનીને પણ કેન્સર તો થઇ શકે. એની સામે એક નવું સંશોધન મહત્ત્વની વાત કરે છે. ૨૦૧૮માં મેડિસિનનું નોબેલ પારિતોષિક બે વિજ્ઞાાનીઓ વચ્ચે વહેંચાઇ ગયું હતું. એક વિજ્ઞાાની જાપાનના હતા. એમનું નામ તાસુકુ હોંજો. એ જાપાનની કિયોટો યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. બીજા વિજ્ઞાાની અમેરિકાના ઇમ્યુનોલોજિસ્ટ જેમ્સ એલીસન હતા. એ ટેક્સાસ યુનિવર્સિટીના વિજ્ઞાાની છે. આ બંનેએ કેન્સરને હંફાવવા એક સાવ સરળ સૂચન કર્યું હતું. વરસમાં ફક્ત વીસ દિવસ સરેરાશ દસ કલાક ખરા અર્થમાં ઉપવાસ કરો. ઉપવાસ સંસ્કૃત શબ્દ છે. ઉપ એેટલે પાસે, નજીક અને વાસ એટલે વાયુભક્ષણ. માત્ર હવા અર્થાત્ પ્રાણવાયુ પર રહેવું. ઉપવાસનો સાચો અર્થ આ છે. દુનિયાના દરેક ધર્મમાં ઉપવાસનો મહિમા સ્વીકારાયો છે. માત્ર દરેકની ઉપવાસ કરવાની પદ્ધતિ જુદી છે. હાલ ભાગ્યે જ કોઇ આ અર્થમાં ઉપવાસ કરે છે. અત્યારે વસંત તુ ચાલે છે. માર્ચની પંદરમીથી મેની પંદરમી સુધી આયુર્વેદની દ્રષ્ટિએ વસંત તુ છે. આ તુ કફ પ્રધાન છે. વધુ પડતા તળેલા કે ગળ્યા પદાર્થો ઓછા ખાવા જોઇએ અને બપોરની વામકુક્ષી ટાળવી જોઇએ એવું આયુર્વેદના ઉપાસકો કહે છે. હવે વાત કરીએ ઉપવાસની. આધુનિક વિજ્ઞાાન પણ હવે ઉપવાસનું મહત્ત્વ સ્વીકારે છે. સૌથી શ્રે ઉપવાસ જૈન ધર્મના અનુયાયીઓ કરે છે. પહેલા દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એટલે કે ચોવીસ કલાક સુધી ભૂખ્યા રહેવાનનું. બહુ તો ગરમ પાણી લઇ શકાય. ગરમ પાણી સિવાય કશું લેવાનું નહીં. ફરાળી વાનગીના નામે માલમલીદા ઝાપટવાના નહીં. અત્યારે તો ફરાળના નામે જાતજાતની સ્વાદિષ્ટ વાનગી ઝાપટવાની ફેશન થઇ પડી છે. ફરાળી પીઝા અને ફરાળી ભેળ પણ છૂટથી ખવાય છે. ગુજરાતમાં ક્યાંક ક્યાંક ફરાળી આઇસક્રીમ પણ ખવાય છે. મૂળ શબ્દ ફલાહાર હતો. ફળો લઇ શકાય. ફલાહાર શબ્દ ઘસાઇ ઘસાઇને ફરાળ થઇ ગયો. તળેલી અને ગળી (મીઠ્ઠી) વાનગીઓને ફરાળના નામે ઠાંસીને ખાવી એ ઉપવાસ નથી. ઉપવાસ એટલે કમ સે કમ ચોવીસ કલાક ભૂખ્યા અને બની શકે તો તરસ્યા રહેવાનું. પોતાની આત્મકથા 'મારા સત્યના પ્રયોગો'માં ગાંધીજીએ તેમના માતુશ્રી જે ઉપવાસ કરતા એની વાત કરી છે. ખાસ કરીને હિન્દુ પંચાંગ પ્રમાણે જેઠ માસમાં નિર્જળા એકાદશી આવે છે. ભીષણ તાપ હોય. પાણી વિના ગળું સુકાય. કાચાપોચાને ચક્કર આવી જાય. પરંતુ ગાંધીજીના માતુશ્રી પૂતળીબાઇ એવા નિર્જળા ઉપવાસ કરતા એમ ગાંધીજીએ લખ્યું છે. પોતાની ઉત્તરાવસ્થામાં ખુદ ગાંધીજી ઉપવાસ કરતા. નોબેલ પારિતોષિત વિજેતા આ બંને વિજ્ઞાાનીઓએ પોતાનો ઉપવાસ પાછળનો તર્ક આ રીતે સમજાવ્યો હતો- તેમણે કહ્યું, 'પેટ સાવ ખાલી હોય ત્યારે શરીર એવા કોષો નષ્ટ કરવા માંડે છે જે કેન્સરને વિકસાવે છે. કેન્સર એટલે અમુક કોષોની અતિવૃદ્ધિ- ઓવરગ્રોથ ઓફ સર્ટન સેલ્સ. સાચા અર્થમાં ઉપવાસ કરવામાં આવે ત્યારે બિનજરૂરી જણાય એવા કોષોને શરીર પોતે નષ્ટ કરવા માંડે છે. વરસમાં ઓછામાં ઓછા વીસ દિવસ સરેરાશ દસ કલાક નિર્જળા ઉપવાસ કરવો જોઇએ....' આ બંને વિજ્ઞાાનીઓને તબીબી ચિકિત્સા વિભાગનું નોબેલ સહિયારું વહેંચવામાં આવ્યું હતું. વિચાર આપણે સૌએ કરવાનો છે. વરસો પહેલાં મુંબઇની કેઇએમ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોક્ટર મનુ કોઠારી (નામમાં સરતચૂક હોય તો ક્ષમસ્વ મે...) એ ઊંડો અભ્યાસ કરીને 'કેન્સર એટલે કેન્સલ નહીં નામે' પુસ્તક લખ્યું હતું. હવે નોબેલ પારિતોષિત વિજ્ઞાાનીઓ સાચા અર્થમાં ઉપવાસ કરવાની સલાહ આપે છે. બની શકે તો જૈન પદ્ધતિના ઉપવાસ પણ કરી શકાય. ગરમ પાણી શરીરની ભીતર રહેલા કચરાને સાફ કરી નાખે છે. શરીર નરવું બની રહે છે. બોલો, કેન્સરની હંફાવવાની એક પણ પૈસો ખર્ચ્યા વિનાની આ સારવાર પદ્ધતિ અજમાવવા જેવી ખરી કે નહીં ?

ગુજરાત સમાચાર 16 Mar 2021 5:40 am