ફલાઈટ પકડતાં પહેલાં કસૂવાવડ થતાં એરપોટના ટોઈલેટમાં મૃત શિશૂ મૂકી દીધું હતું
- ડસ્ટબિનમાં મૃત શિશુ -મૂકી ગયેલાં માતા-પુત્રીની ભાળ મળી મુંબઈ : મુંબઈ એરપોર્ટના ટોઈલેટમાં આવેલ કચરાના ડબ્બામાં થોડા દિવસો પહેલાં પોલીસને એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસે આ ઘટના બાદ ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે આ કેસની તપાસ આદરી શંકાસ્પદ માતા- પુત્રીને શોધી કાઢયા હતા. પાલઘરની ૧૬ વર્ષની તરુણી પર બળાત્કાર થયા બાદ સગર્ભા બની હતી, રાંચી ફલાઈટમાં બેસવા આવ્યાં ત્યારે કસૂવાવડ થઈ
પુણે એમ્યુનિશન ફેક્ટરીમાંથી કારતૂસો ચોરી જતો કર્મચારી ઝડપાયો
- 22 કારતૂસ મળી, બ્લેકમાં વેચી દેતો હતો મુંબઈ : પુણેની ખડકીમાં આવેલ એક એમ્યુનિશન ફેક્ટરીમાંથી કારતૂસ ચોરી જનાર એક કર્મચારીને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ની મદદથી ખડકી પોલીસ અને ફેક્ટરીના સુરક્ષા વિભાગે પકડી પાડયો હતો. ત્યાર બાદ આરોપી કર્મચારી ગણેશ બોરુડે (૩૯)ની ઝડતી લેતા તેના ટૂ -વ્હિલરમાંથી પોલીસને ૨૨ જીવંત કારતૂસ મળી આવી હતી. આ ઘટના બાદ ખડકી પોલીસે બોરુડેની ધરપકડ કરી હતી. બાતમીના આધારે આઈબી અને પોલીસે ફેક્ટરીના ગેટ પર જ છટકું ગોઠવ્યું
હાલાકી:અમને જીતાડજો, કામ પડે ફોન કરજો, પણ કોઇ ડોકાતું નથી : રહીશો
થાન નગર પાલિકાના વોર્ડ નં. 7ના અનેક વિસ્તારમાં ગટરના ઢાંકણા ખૂલ્લા પડ્યા છે. અનેક નાના મોટા વાહનોને મોટી મુશ્કેલી પડે છે. અનેક બાઇક પડી ગયા છે. ત્યારે રવિવારે એક નાની ગાડી પણ ફસાઈ હતી. સ્થાનિક રહીશો ભેગા થઈને તેને બહાર કાઢી હતી. આ વિસ્તારના રહીશ નાનજીભાઈ, ગોપાલભાઈ, હેતલભાઈ, ચૌહાણભાઈએ અનેક વખત રજૂઆત કરી હતી. નગર પાલિકાના સભ્યો 2 માસથી જીતીને આવી ગયા છે પણ હજી જીતના નશામાં જ હોય એવું લાગી રહ્યું છે. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ પણ જ્યારે નગર પાલિકાની ચૂંટણી વખતે પ્રચાર કરવા આવતા હતા અને કહેતા હતા કે 2 વર્ષથી વહીવટ શાસન હોવાથી અમારા કામ નથી થયા. આ વખત અમને લોકોને જીતાડજો અડધી રાતે કામ પડે અમને લોકોને ફોન કરજો. પણ જીતીને આવ્યે 2 માસથી પણ વધારે સમય વીતી ગયો પણ હજી સુધી એક પણ સભ્ય પૂછવા આવ્યા નથી કે બોલો તમારું શું કામ છે. હવે વિસ્તારના લોકોએ નક્કી કર્યું છે કે ઘરે ઘરે ફાળો ઉઘરાવીને જ કામ કરાવી લેવું પણ પાલિકામાં રજૂઆત ન કરવી.
ફરિયાદ:સુરેન્દ્રનગરમાં બેંકમાં લોન ચૂકતે કરવા આવેલી મહિલાએ નજર ચૂકવી દાગીનાની થેલી સેરવી લીધી
ભાસ્કર ન્યૂઝ।જોરાવરનગર સુરેન્દ્રનગરની એક બેંકમાં ગોલ્ડ લોન વિભાગમાં અન્ય એક ગ્રાહકના દાગીનાની થેલી બેંક મેનેજર પાસે પડી હતી તે અન્ય મહિલા ગ્રાહકે મેનેજરની નજર ચૂકવી દાગીનાની થેલી સેરવી લીધી હતી. આ અમદાવાદની મહિલા રૂ.6.94 લાખના દાગીના લઇ ફરાર થઇ જતા બેંક સ્ટાફે તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગરના જેલચોકમાં આવેલી કેનેરા બેંકમાં નોકરી કરતા મુકેશકુમાર બારોલીયા નામના બેંક કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી કે તા.28.03એ બેંકમાં બારેક વાગે મુબારકભાઇ નોયડા આવેલા હતા. તેમણે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી જે રિન્યૂ કરાવવાની હતી. આથી મુબારકભાઇએ લોન પેટે મૂકેલા દાગીના સોનાના હાર નંગ 2, સોનાની બુટ્ટી નંગ 2, કાનની સેરો અને અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ.6,94,192ની કિંમતના દાગીના, ફાઇલ ટેબલ પર મૂકેલી હતી. તેમના ગયા બાદ દાગીનાને કાપડની બેગમા મૂકી મેનેજરે નેહાબેનને દાગીના સીલ કરવા માટે કહ્યું પરંતુ તેઓ અન્ય ફાઇલ શોધતા હતા. આથી દાગીનાની થેલી ટેબલ ઉપર મૂકીને ગયા હતા. તેવામાં અન્ય એક મહિલા ભાવનાબેન બળદેવભાઇ બારોટ બેંકમાં આવ્યા અને તેઓ ઓઢવ અમદાવાદના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેમણે કેનેરા બેંકમાંથી લીધેલી ગોલ્ડ લોન બંધ કરાવવી છે તેવું જણાવી ફાઇલ આપી જતા રહ્યા હતા. બાદમાં નેહાબેને આવીને મુબારકભાઇની ફાઇલ અને દાગીના શોધતા નહીં મળતા સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ભાવનાબેન બારોટે મેનેજરની નજર ચૂકવી દાગીનાની થેલી લઇ લીધી હોવાનું દેખાતા મહિલા સામે રૂ.6,94,192ના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો તો જોવા મળી રહ્યો છે. ઉપરાંત છેતરપિંડી પ્રકારના આવા કિસ્સાઓ પણ બની રહ્યા છે.
કાર્યવાહી:લીંબડી તાલુકાના જાંબુ ગામે જુગાર રમતાં 2 શખસ પકડાયા
પાણશીણા પોલીસ મથકના તાબા હેઠળ આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે જાંબુ ગામે નર્મદા કેનલાથી ગામ તરફ જવાના માર્ગે અમુક શખસો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. ભરતભાઈ સભાડ, નિકુલભાઈ ઝાપડિયાએ બાતમીનાં સ્થળે દરોડો પાડી કમલેશ બાબુભાઈ બોડીયા અને બાબુ ભુદરભાઈ નાયકને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા જુગારીયા પાસેથી રૂ. 380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
ચર્ચા:ઝાલાવાડના 10 હજાર શિક્ષકના પડતર પ્રશ્નો રાજ્ય કારોબારીમાં ચર્ચાયા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ડૉ.હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે રાજ્ય કારોબારી યોજાઈ હતી. રાજ્ય કારોબારીમાં જિલ્લાના 35 મુખ્ય જવાબદાર કાર્યકર્તાઓ જોડાયા.આ કારોબારીમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 હજાર શિક્ષકોના પ્રશ્નો ચમક્યા હતા. અખિલ ભારતીય મહાસંઘની રાજ્ય કારોબારી પ્રથમ 2 સત્રોમાં યોજાઇ હતી. આ રાજ્ય કારોબારીમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મુલાકાતે પધાર્યા હતા. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સંગઠનમંત્રી મહેન્દ્ર કપૂર, અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, અનિરુધસિંહ સોલંકી જોડાયા હતા. 4 સત્રોમાં ગત વર્ષ તેમજ આગામી વર્ષ બાબતે આયોજન, પડતર પ્રશ્ન તેમજ રજૂઆતો, સદસ્યતા વગેરે મુદે ચર્ચા-વિચારણા, ભાવિ આયોજનો કરાયા હતા. આ પ્રશ્નોની રજૂઆતો થઇ જિલ્લા વતી 2004 વાળા શિક્ષકોને જૂની પેન્શન યોજના ઝડપથી લાગુ કરી GPF ખાતા ખોલવા, BRC CRC કુલિંગ પિરિયડ રદ કરવા, શાળા સંયુક્ત ગ્રાન્ટ તેમજ અન્ય શાળા સ્વછતા, સ્ટેશનરી ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં ફાળવવા, ધો.6થી 8 જે શિક્ષકોએ વિકલ્પ લીધો છે તેમને પુનઃ ધો.1થી 5માં અંતિમ વિકલ્પ આપવા, સળંગ મહેકમમાં ગણવા, BRC CRC પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન શિક્ષકોને છૂટ આપવા સહિતના મુદ્દાઓ અંગે જિલ્લા લેટરપેડ ઉપર રજૂઆત કરાઈ હતી.
શહેરીજનોના ગુમ થયેલા મોબાઇલ, વાહનો, સાઇબર ફ્રોડ તથા દાગીના શોધી મૂળ માલિકને પરત સોંપવા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 4.40 કરોડની વસ્તુ પરત કરાઈ હતી.આ કાર્યક્રમમાં શહેરીજનોને સાઇબર રિફંડના 3.59 કરોડ, 33 વાહન, 33.76 લાખના 205 મોબાઇલ, સોના-ચાંદીના દાગીના સહિત રૂા.91 લાખની વસ્તુઓ અને રોકડા 8.15 લાખ મળી કુલ 4.40 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો હતો. આ મુદ્દામાલ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની, સાંસદ ડો.હેમાંગ જોષી, ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના અગ્રણી હાજર રહ્યાં હતાં. પોલીસે રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્નના અભિગમ હેઠળ આ કાર્યક્રમ યોજ્યો હતો. સંકલિત પ્રયાસથી મુદ્દામાલ પરત કરાયોપોલીસ ગુના બનતા રોકવા અને બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધવા સાથે મુદ્દામાલ રિકવર કરી ફરિયાદીને પરત કરવા સજજ છે. આ દિશામાં સંકલિત પ્રયાસથી 2024-25માં મુદ્દામાલ પરત કરાયો હતો.> નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
7 રેંજમાં કૃત્રિમ પોઇન્ટ કાર્યરત:સાવજો માટે પાણીના 52 પોઇન્ટ પવનચક્કીથી ભરવાનું શરૂ
શેત્રુજી રિઝર્વ ફોરેસ્ટ દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, જેસર, મહુવા તથા અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, લીલીયા, અમરેલી, કુકાવાવ તાલુકાનાં રેવન્યુ તથા સરકારી પડતર વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગની સાત રેન્જમાં શેત્રુજી વન્યજીવ વિભાગ હેઠળ વન્ય પ્રાણીઓને પીવા માટેના કુલ વોટર પોઈન્ટ 90 બનાવવામાં આવેલ છે. જેમાં 52 પાણીના પોઈન્ટ પવનચક્કી દ્વારા, 06 પાણીના પોઈન્ટ સોલાર અને ઈલેકટ્રીક મોટર દ્વારા તથા 32 પાણી પોઈન્ટ ટેન્કર દ્વારા એમ કુલ 90 વોટર પોઈન્ટો ભરવામાં આવી રહ્યા છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના 9 તાલુકામાં પાણીનાં પોઇન્ટ પરથી સિંહો સહિતનાં વન્ય પ્રાણીઓ સહેલાઈથી પોતાની તરસ છીપાવી રહ્યા છે. શેત્રુજી ડિવિઝન દ્વારા સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરીને દરરોજ પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે. વન વિભાગની સાત રેન્જના જંગલમાં હાલ ઉનાળાની સીઝન શરૂ થતા પાણીનાં પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે. કુલ 90 પાણીના પોઇન્ટ છે તેમાંથી સૌથી વધુ પવન અને સૌર ઉર્જાની મદદથી કુલ 58 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. ઉનાળા દરમિયાન મોટા ભાગના કેચમેન્ટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઇ જાય છે અને પાણી ભરેલા ખાડા જેને સ્થાનિક રીતે ઘુના તરીકે ઓળખાવામાં આવે છે તેમા પાણી વધે છે. જંગલની ડ્રેનેજ પેટર્ન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન છે આના કારણે વન્યજીવો જે બાજુ વધુ પાણી હોય તે બાજુ વધુ જતા રહેતા હોય છે. પાણીના પોઇન્ટનું ઇકો સિસ્ટમ ફંક્શનીંગ અને વન્યપ્રાણીઓની હિલચાલ સાથેના જોડાણના કારણે તેનું વ્યસ્થાપન મહત્વપુર્ણ બની જાય છે. તેથી વ્યવસ્થાપકો માટે ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમીયાન પાણીનાં પોઇન્ટનું વ્યવસ્થાપન કરવું અગત્યનું બની જાય છે. શેત્રુજી રિઝર્વ ફોરેસ્ટ શેત્રુજી વન્યજીવ ડીવીઝનના ડી.સી.એફ. જ્યંત પટેલના સતત મોનીટરીંગ અને સરપ્રાઈઝ ચેકીંગ દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાની સાત રેન્જના નવ તાલુકામાં તથા શેત્રુજી વન્યજીવ ડીવીઝન હેઠળના બે સબ ડિવિઝન પાલીતાણાના એ.સી.એફ. ભગીરથસિંહ ઝાલાની ચાર રેન્જ અને અમરેલી એ.સી.એફ. વિરલસિંહ ચાવડાની ત્રણ રેન્જ એમ કુલ સાત રેન્જમા પાણીના કૃત્રિમ પોઇન્ટ હાલ કાર્યરત છે. અહી દરરોજ ટેન્કર, પવનચક્કીના માધ્યમથી કુંડીમા પાણી ભરવામા આવી રહ્યું છે. વન કર્મચારીઓ દરરોજ કુંડીઓની સફાઇ કરી પાણી ભરાઇ રહ્યું છે.
રાજુલા પંથકના નેતાઓ પ્રજાના પૈસાનુ પાણી કરી પાણીના કામમાથી પૈસા બનાવી રહ્યાં છે. ધાતરવડી-1 ડેમમાથી દુરદુરથી પાઇપ લાઇન મારફત પાણી લાવવા વગનો ઉપયોગ કરી 27 કરોડનુ કામ હાથ પર લેવાયુ છે. શહેરમા જ 500 મીટર દુર ડેમમાથી માત્ર એકાદ કરોડના ખર્ચે પાણી મળી શકે તેમ છે. પરંતુ માત્ર કોન્ટ્રાકટ મેળવવા માટે આ ડેમના બદલે દુરના ડેમમાથી પાણી લવાઇ રહ્યું છે. રાજુલાના ધારેશ્વર નજીક બનેલો ડેમ ખરેખર સિંચાઇ માટે બનેલો ડેમ છે. જયારે રાજુલાના પાદરમા બનેલા ધાતરવડી-2 ડેમમાથી સિંચાઇ માટે પાણી અપાતુ નથી. બલકે આ ડેમ આખુ વર્ષ ભરેલો રહે છે. અને ઉનાળામા પણ પાણી ખુટતુ નથી. રાજુલા શહેરમા દર વર્ષે પાણીની રામાયણ સર્જાય છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓને જનતાની કંઇ પડી નથી. લોકો વારંવાર તેમને ચુંટે છે. પરંતુ આ નેતાઓ જુદા કોન્ટ્રાકટમા ભાગ રાખી માત્ર પોતાનુ ઘર ભરવામા વ્યસ્ત રહે છે. ધાતરવડી-1 ડેમથી રાજુલા સુધીની પાઇપ લાઇન અગાઉ જ નખાયેલી છે. આ પાઇપ લાઇન જે સ્થળે તુટી હતી તે ગયા વર્ષે રીપેર કરાઇ હતી. મરામતથી કામ ચાલી જાય તેમ હોવા છતા અમરેલીના એક નામચીન કોન્ટ્રાકટરે પોતાની વગનો ઉપયોગ કરી સરકારમાથી 27 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનનુ કામ મંજુર કરાવ્યું છે. અમરેલી જિલ્લાના તમામ મોટા કોન્ટ્રાકટ આ શખ્સ રાજકીય નેતાઓ સાથે ભાગીદારીમા રાખે છે જેથી દરેક કોન્ટ્રાકટ તેને મળે છે અને બાદમા જે તે વિસ્તારના ધારાસભ્ય કે તેના મળતીયાઓને પેટા કોન્ટ્રાકટ આપી દેવાય છે. જેના કારણે સૌ તગડી કમાણી કરે છે. બે દિવસ પહેલા 13 ગામના ખેડૂતોએ આંદોલનમા આ જ મુદો ઉઠાવ્યો હતો. ડેમના દરવાજા વર્ષોથી કાટ ખાય છે ધાતરવડી ડેમમા સિંચાઇ માટે વધુ પાણી સંગ્રહી શકાય તે માટે ફયુઝ ગેઇટ અગાઉ લગાવાયા હતા. જે નીકળી ગયા બાદ હવે વર્ષોથી કાટ ખાઇ રહ્યાં છે. ખેડૂતોના હિતમા આ ડેમના દરવાજા લગાવાતા ન હોવાનુ ધારેશ્વરના દિલીપભાઇ સોજીત્રાએ જણાવ્યું હતુ. રાજુલા નજીકના ધાતરવડી-2 ડેમમા ચોખ્ખુ અને પીવાલાયક પાણી છે. તે શહેરને અપાતુ નથી પરંતુ ઉપરવાસના ડેમનુ ગંદુ પાણી લોકોને અપાય છે. આજુબાજુમા રાજકીય નેતાઓના ભરડીયાનુ ગંદુ પાણી ડેમમા જાય છે જે પાણી શહેરની જનતા પીએ છે. અગાઉ ખેડૂતોના વાડી ખેતરમાથી નાની પાઇપ લાઇન નાખવામા આવી હતી. પરંતુ હવે નવા કોન્ટ્રાકટ મુજબ અઢી ફુટની પાઇપ લાઇન નાખવાનુ કામ હાથ પર લેવાયુ છે. પરંતુ આ માટે ખેડૂતોને વધારાનુ કોઇ વળતર નહી આપી દબાવવાનો પ્રયાસ થતો હોવાનુ રાજુભાઇ કરપડાએ જણાવ્યું હતુ. તંત્ર, નેતાઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગત એ હદે છે કે અહી 9 ફુટની ઉંડાઇએ પાણીની પાઇપ લાઇન નાખવાની છે પરંતુ 2 ફુટની ઉંડાઇ પર પાઇપ લાઇન નાખી દેવામા આવે છે. ધારેશ્વર નજીક બનેલો સિંચાઇ માટેનો ડેમ છે. તસવીર- કે.ડી.વરૂ
તપાસ:કારચાલકે ડિવાઈડર કૂદાવી સામે બસને અથાડતાં મુસાફરોને ઇજા
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આલમપુરા વળાંક પાસે થયેલા વિચિત્ર અકસ્માત માં ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી બસ સાથે અથાડી બંને ગાડીઓ ને નુકશાન કરતા બસ ચાલકે ફરિયાદ આપી છે. દાહોદના બોરિયાલા ગામના સરકારી એસ.ટી બસ ડ્રાઇવર દિવાન કાળુભાઈ ડામોર એ આપેલી ફરિયાદ મુજબ એક ફોર વ્હીલ ગાડી ના ચાલકે પોતાની ફોરવ્હીલ ગાડી પૂર ઝડપે હંકારી લાવી તેની સાઇડ માંથી ડીવાઇડર કુદાવી બસ જતી હતી તે સાઇડ તરફ સામેથી આવી સરકારી એસ ટી.બસ.l ની સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરી પોતાને અને ફોરવ્હીલ ગાડીમાં બેસેલા માણસોને શરીરે ગંભીર અને ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી તથા સરકારી એસટી.બસ. ને અને ફોરવ્હીલ ગાડીને નુકસાન કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં અકસ્માતના વધી રહેલાં બનાવો ચિંતાજનક છે.
નોટિસ:નર્મદા જિલ્લામાં 15 દિવસથી હડતાળ પર ઉતરેલાં 119 કર્મીઓને શોકોઝ નોટિસ
નર્મદા જિલ્લાના વિવિધ શાખાના આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગો સાથે છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે.ત્યારે રાજ્યની આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના 49 એમ.પી.એચ.ડબલ્યુ તથા 70 એફ.એચ.ડબલ્યુ મળી કુલ 119 આરોગ્ય કર્મીઓને કારણદર્શક નોટીસ ફટકારી હતી.નોટીસમાં જણાવ્યું હતું કે તમારા દ્વારા મનસ્વીપણે બિનઅધિકૃત રીતે ગેરહાજર રહી જાહેર આરોગ્યની વ્યવસ્થાને જોખમમાં મુકી છે.તમારી અવ્યવહારુ માંગણીઓને લીધે હડતાળ પર ઉતરી જવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.તમારા દ્વારા જાહેર આરોગ્ય સેવાઓને બાનમાં લીધી છે જે ચલાવી લેવાશે નહીં. 260 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા નર્મદા જિલ્લામાં વિવિધ કેડર ના 260 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરે છે. જિલ્લાના એમ.પી.એચ.ડબલ્યુ તથા એફ.એચ.ડબલ્યુ કર્મીઓને અમે કારણદર્શક નોટીસ ફટકારી હતી. જિલ્લાના 119 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કર્યા છે. > ડો.જે.ઓ.માઢક- નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ટર્મિનેટ કરેલા 119 કર્મીઓને પરત લેવા જ પડશે અમે કોરોનામાં જે કામગીરી કરી એ સરકારે ભુલવી જોઈએ નહીં.અમે કોઈ એવો ગુનો કર્યો નથી કે અમને છુટા કરવા પડે. સરકાર અને અમારી વચ્ચે મધ્યસ્થી કરી માંગણીઓ સાંભળવી જોઈએ. ટર્મિનેટ કરાયેલા કર્મીઓને પરત લેવા પડશે. .>રાજેન્દ્ર તડવી-પ્રમુખ, નર્મદા જિલ્લા વિવિધ આરોગ્ય મંડળ
સેવા:કીડીમકોડી ઘાટ પર 38 હજાર પરિક્રમાવાસીએ ભોજન લીધું
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા ચૈત્ર મહિનામાં એક મહિનો ચાલતી નર્મદા પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઇ ગયો છે અને નર્મદા પરિક્રમા કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે ભક્તોને પરિક્રમા દરમ્યાન કોઈ તકલીફ ના પડે એ માટે તંત્ર દ્વારા તો સેવા સુવિધાઓ કરવામાં આવી છે પરંતુ સ્થાનિક લોકો દ્વારા પણ પરિક્રમા કરવા આવતા ભક્તો ની મદદ કરવા જાહેર અન્નક્ષેત્રો, વિસામા અને ચા-નાસ્તા, ફરાળ ના સ્ટોલ શરૂ કરાયા છે બિલકુલ મફત માં સેવા અર્થે લોકો સમય અને આર્થિક દાન કરી ભક્તોની સેવા કરવા એક મહિનો સમય કાઢે છે. રણછોડજી મંદિર રામપુરા થી શરૂ કરીને ધનેશ્વર મંદિર, માંગરોળ, ગુવાર, તિલકવાડા રેંગણ સહીત ઠેર ઠેર ચા નાસ્તા, ફરાળ, ઠંડા છાસ, લીંબુ શરબત ના ભંડારા થી ભક્તો તૃપ્ત થઇ રહ્યા છે. જયારે કીડીમકોડી ઘાટ પર જય ભોલે અન્નક્ષેત્ર પર દિવસ રાત, ક્યારે પણ ભક્ત આવે ચા, કોફી, દૂધ, નાસ્તો. બિસ્કિટ ફરારી વેફર, દાળભાત શાક, કાઢી ખીચડી સહીત ભક્તો માંગે તે તરત આપવામાં આવે છે. રામપુરા કીડીમકોડી ઘાટ પર આવેલ જયભોલે અન્ન ક્ષેત્રમાં પ્રથમ બે દિવસોમાં 38 હજાર પરિક્રમાવાસીઓ એ ચા નાસ્તો અને ભોજન લીધું, ત્રણ પારીમાં યુવાનો સેવા કરવા આવે છે અને ખુલ્લા દિલથી જે માંગો એ જમાડે છે. આ બાબતે જયભોલે ગ્રુપના પ્રમુખ કલમ વસાવાએ જણાવ્યું હતું કે આ અન્ન ક્ષેત્ર ભોલે બાબા જ ચલાવે છે. અમે તો માત્ર સેવા કરીએ છે. અમે બધા સભ્યો યથા યોગ્ય ફાળો એકત્રિત કરીને આ મંડપ અને સુવિધાઓ કરી ભોજન નાસ્તાની વ્યવસ્થા કરી ભક્તોને જમાડીએ છે સ્થાનિક આગેવાનો અને બહારના આગેવાનો પણ આર્થિક સહીત સમાન સામગ્રી ની મદદ દાન કરે છે. પરિક્રમા ચાલુ થાય ત્યારેથી પૂર્ણ થાય ત્યાર સુધી પરિક્રમા કરવા આવતા 80 ટકા ભક્તો જયભોલે અન્ન ક્ષેત્ર પર આવે છે 10 લાખથી વધુ લોકો જમતા હશે પણ ક્યારે કોઈ દિવસે ખુટ્યું એવું જોવા મળ્યું નથી એટલે અમને હિમંત અને બળ મળે છે.અમે સેવા કરીયે છે બાકી પૂરું કરવા વાળો હજાર હાથ વાળો બેઠો છે માં નર્મદા બેઠી છે.જે કોઈ ને કોઈ સેવા માટે મોકલી આપે છે.
લોકો ઉમટયાં:નર્મદાની પંચકોશી પરિક્રમામાં બે દિવસમાં ગરમી વચ્ચે પણ 50 હજાર લોકો ઉમટયાં
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા નર્મદાની પંચકોશી પરિક્રમામાં બે દિવસમાં 50 હજારથી વધુ શ્રધ્ધાળુઓ નોંધાયા છે. દિવસે તાપમાનનો પારો ઉંચો રહેતો હોવાથી લોકો હવે મળસ્કે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરી રહયાં છે. નર્મદા નદીમાં મગરોનો વસવાટ હોવાથી તંત્રએ નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને તેના સ્થાને રામપુરા, શહેરાવ અને તિલકવાડામાં કિનારાથી દૂર ન્હાવા માટે ફૂવારાની વ્યવસ્થા કરી છે. શનિવારથી શરૂ થયેલી પંચકોશી પરિક્રમા 27મી એપ્રિલ સુધી ચાલશે. બે દિવસમાં 50 હજારથી વધારે શ્રધ્ધાળુઓએ 21 કિમીના રૂટ પર પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. નર્મદા નદીના કિનારે 3 સ્થળે ફૂવારા મુકવામાં આવ્યાં છે જેમાં નદીમાંથી મોટર મારફતે પાણી ખેંચવામાં આવે છે. વીજળીના ઠેકાણા નહિ હોવાથી વારે વારે ફૂવારા બંધ થઇ જતાં લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. રાજપીપળા પાલિકાના પ્રમુખ પણ પરિક્રમામાં જોડાયા હતા.
કાર્યવાહી:નાવરા નજીકથી 29 કિલો ગાંજા સાથે એક ઝડપાયો
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામે રણછોડજી મંદિર માં રહેતા અને મૂળ ઝગડીયા રાજપારડી જ્યોતિનગર નો રહેવાસી દેવદત્ત આનંદપુરી તેની કારમાં ગાંજાની હેરાફેરી કરી રહયો છે અને તે નાવરાથી નવા રાજુવાડીયા જતો હોવાની બાતમી એસઓજીને મળી હતી. પોલીસે માર્ગ પર નાકાબંધી કરી તેની કારને રોકી હતી. કારની તલાશી લેવામાં આવતાં તેમાંથી 29 કિલોથી વધારે ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 2.91 લાખનો ગાંજો અને કાર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચૈત્રી નવરાત્રી નિમિત્તે શહેરના મુખ્ય માતાજી મંદિરમાં વિશેષ શણગારની સાથે દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નગરદેવી ભદ્રકાળી, નવાપુરા બહુચરાજી, માધુપુરા અંબાજી તેમ જ દુધેશ્વર મહાકાળી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો. નગરદેવી ભદ્રકાળી મંદિરમાં રવિવારે સવારે 7 વાગે શણગારની સાથે ભક્તો જોડાયા હતા. મંદિરમાં શનિવારે રાત્રે 1 વાગે શણગાર, સવારે 7 કલાકે ઘટસ્થાપન, 7.30 માતાજીની ચરણ પૂજા, 8.30 કલાકે આરતી, 9 વાગે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાજીને 100 લીટર ચરણામૃતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મંદિરના પુજારી રવી અવસ્થીના જણાવ્યા અનુસાર સવારે 7થી લઇને 12 વાગ્યા સુધીમાં માતાજી મંદિરમાં ૨૫ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. વધુમાં તમને જણાવ્યું કે આ નવરાત્રીનો પ્રારભ રવિવારે થતો હોવાના લીધે દર વર્ષે કરતા આ વર્ષે ભક્તોનો ઘસારો વધારે છે. ગણતરીના કલાકોમાં 10થી વધુ માતાજીની ચુંદડી ભેટ સ્વરૂપે ભક્તો દ્વારા આવી છે. માતાજી મંદિરમાં 12 કલાકે વિશેષ ભોગની સાથે સાંજે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો, ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરાઈ.
પાંચ કોર્સ માટે પ્રવેશ કાર્યક્રમની જાહેરાત:લકુુલિશ યોગ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 20 જૂન સુધી તક
સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી લકુલિશ યોગ યુનિવર્સિટીમાં યોગ આધારિત બીએ, એમએ, બીએસસી, એમએસસી, યાગા ટીચર્સ ટ્રેઈનીંગ કોર્સીસ સહિતના વિવિધ પાંચ પ્રકારના કોર્સીસમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર આ કોર્સમાં પ્રવેશ માટે 20મી જૂન સુધીમાં અરજી કરી શકાશે. પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ 1 જુલાઈથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.lyu.ac.in વેબસાઈટનો સંપર્ક કરીને ફોર્મ ડાઉલોડ કરીને જે તે વિદ્યાર્થીની વય સહિતની શૈક્ષણિક વિગતો વેબસાઈટમાં જમા કરાવવાની રહેશે. તે પછીથી લકુલિશ યોગ યુનિવર્સિટીમાં વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી યુનિવર્સિટીમાં ફોર્મ જમા કરાવવાનુ રહેશે. આ પ્રત્યેક કોર્સની 40 ટકા સીટ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં બીએ અને બીએસસીના કોર્સમાં પ્રવેશ માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રખાઈ છે. જ્યારે એમએ અને એમએસસીના કોર્સમાં કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુયેશનની ડિગ્રી આવશ્યક છે. તણાવગ્રસ્ત જીવનમાં યોગના વધી રહેલા મહત્ત્વની વચ્ચે આ કોર્સ ખૂબ જ ઉપયોગી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. લકુલિશ યુનિવર્સિટીના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે આજની વ્યસ્ત અને ઝડપી તથા તણાવગ્રસ્ત જીવનશૈલીમાં વ્યાવસાયિકો અને નોકરી કરતા લોકોની જીવનની લય ખોરવાઈ ગઈ ગઈ છે. આવી વિકટ માનસિક પરિસ્થિતમાં લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગાસનો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા કર્મ જ્ઞાન ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગ આઘારિત કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો www.lyu.ac.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને યુનિવર્સિટીમાં પર્નસલ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
મિશન મિલાપ:વલસાડ પોલીસે 2 ગુમ મહિલા, સગીરા, યુવાનને શોધી કાઢ્યા
વલસાડમાં 4 બનાવમાં 2 મહિલા,1 સગીરા અ્ને કોસંબાનો 1 યુવાન ઘર છોડી ચાલી નિકળતાં પરિવારની ફરિયાદના આધારે પોલીસના મિશન મિલાપના માનવીય અભિયાન તપાસ હાથ ધરી સિટી પોલીસે મુંબઇ સહિત અલગ અલગ જગ્યાએથી સર્વેલન્સ ટીમ મારફત શોધી કાઢવામાં સફળતા મળી છે. વલસાડ એસપી ડો.કરનરાજ વાધેલાના આદેશથી મિશન મિલાપ હેઠળ વધુ 4 વ્યક્તિને વલસાડ સિટી પોલીસે શોધી તેમના પરિવારને સોંપતાં હર્ષના આંસુ છલકાયાં હતા. 26 માર્ચે બપોરે અબ્રામાની 17 વર્ષીય તરૂણી કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી. આ તરુણીને સિટી પોલીસ પીઆઇ ડી.ડી.પરમાર અને સર્વેલન્સ પીએસઆઇડી.એસ.પટેલની ટીમે તે જ દિવસે રાત્રે શોધી કાઢી હતી. નાની ખત્રીવાડમાં રહેતી 29 વર્ષીય મહિલા પણ કહ્યા વિના 27 માર્ચે ચાલી ગઇ હતી. જેને મુંબઇથી શોધી કાઢી હતી. ઉપરાંત કોસંબાની 25 વર્ષીય મહિલા પણ ડિપ્રેશનમાં આવી જઇ ક્યાંક ચાલી ગઇ હતી.જેની માતાએ જાણ કરતાં વલસાડ પોલીસે ધરમપુરની શ્રીમદરાજચંદ્ર હોસ્પિટલ ખાતેથી શોધી કાઢી પરિવારજનોને સુપરત કરી હતી. 28 ફેબ્રુઆરીના રોજ વલસાડના શેઠિયા નગર કૈલાસ રોડ પર રહેતાં 42 વર્ષીય ગુલાબ તોલાની પત્ની સાથે બોલાચાલી થતાં માઠુ લાગતા ચાલી ગયા હતા. જેને શોધી કાઢી પરિવારને સુપરત કરાયો છે. વલસાડ જિલ્લા પોલીસે મીશન મિલાપ અભિયાનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ગુમ થનાર બાળકો અને વ્યકિતઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.
અકસ્માત:વલસાડમાં સ્કોર્પિયો ડીવાઇડર સાથે અથડાઇ રોડ નીચે ખાબકી
ભાસ્કર ન્યૂઝ |વલસાડ વલસાડમાં લીલાપોર રોડ પર પસાર થઇ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતાં ડીવાઇડ સાથે કાર અથડાઇને પલટી મારી રોડ નીચે ખાબકી ગઇ હતી.આ અકસ્માત સર્જાતાં કારમાં સવાર 2 મહિલાને ઇજા પહોંચી હતી.જ્યારે અન્યોનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. વલસાડના ઓરંગાનદી લીલાપોર રોડ થઇ એક સ્કોર્પિયો કાર ઝડપથી સ્ટેટ હાઇવે તરફ જઇ રહી હતી.તે દરમિયાન આ રોડ પર કારચાલકે અચાનક કોઇ કારણસર કાબૂ ગુમાવી દેતાં સંતુલન ખોરવાતાં ડીવાઇડર સાથે અથડાઇ પડી હતી.જેના કારણે રોડના નીચાણના ઢાળવાળા ઝાડીઝાંખરામાં સ્કોર્પિયો કાર પલટી મારી ગઇ હતી.જેને લઇ કારમાં સવાર એક મુસ્લિમ પરિવારના 4 જણાએ બુમાબુમ કરી મુકતા આજૂબાજૂના લોકોએ દોડી આવી તેમને બહાર કાઢ્યા હતા.જેમાં 2 મહિલાને ઇજા પહોંચી હતી.જ્યારે અ્ન્ય 2નો બચાવ થયો હતો. સદભાગ્યે મોટી અનિચ્છનીય ઘટના થતી રહી ગઇ હતી આ અકસ્માતમાં ઇજા પામનાર મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી.જ્યારે રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ક્રેઇન મગાવી કારને ઢાળ પર ખાબકેલી સ્કોર્પિયો કારને જહેમતથી બહાર કાઢી હતી.
તપાસ:ઉમરગામમાં લોનની ઉઘરાણીથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું હતું
ઉમરગામમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં પાણીપુરીની દુકાનના સંચાલક સાગર રાવલે આપઘાત કર્યો છે. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવાર જનોએ આવાસ ફાઇનાન્સ લિમિટેડ નામની બેંક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સાગર રાવલે પોતાની દુકાન મોર્ગેજ કરીને આવાસ ફાઇનાન્સ લિમિટેડમાંથી લોન લીધી હતી. પરિવારના આરોપ મુજબ, લોનનો એક હપ્તો ચૂકવવામાં મોડું થતાં બેંક કર્મચારીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આ દબાણથી કંટાળીને સાગરે આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. શનિવારે મૃતકના પરિવારજનોએ બેંક ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૃતકની માતાએ આક્રંદ કરતા કહ્યું કે તેઓ બેંકને બમણા પૈસા આપવા તૈયાર છે, પણ તેમનો દીકરો પાછો આપી દે. પરિવારે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં બેંકના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બેંકના કર્મચારીઓની પઠાણી ઉઘરાણી અને દબાણની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ નાણાકીય સંસ્થાઓની વસूલી પદ્ધતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
ધરપકડ:કન્ટેનરમાંથી 1.26 કરોડની સિગારેટ લૂંટનાર ઝડપાયો
વલસાડ | વલસાડ એલસીબી પોલીસે 2021માં થયેલા કરોડોની સિગરેટ લૂંટ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી છે. 2021માં મુંબઈની ટ્રાન્સપોર્ટ કંપનીનું કન્ટેનર અમદાવાદ જઈ રહ્યું હતું. વલસાડના સોનવડા હાઈવે પર કન્ટેનરને અટકાવી 1.26 કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. હેમરાજ ઝાલા છેલ્લા 4 વર્ષથી ફરાર હતો.પોલીસને મળેલી બાતમીના આધારે તેને મધ્યપ્રદેશના દેવાસથી પકડવામાં આવ્યો છે. આરોપીને કોર્ટે 1લી એપ્રિલ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
કાર્યવાહી:જિ.માં પ્રથમવાર પારડીમાં બૂટલેગરોની મિલકત ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
ગુજરાત સરકારે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પારડી તાલુકાના તીઘરા ગામમાં દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી રવિવારના રોજ થઇ છે. સાંજે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડીના પીઆઈ જી.આર. ગઢવીએ પોલીસ કાફલા અને રેવન્યુ વિભાગની ટીમ અને GEB સાથે તીઘરાગામમાં પહોંચ્યા હતા. ધનસુખ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે સની રાજુ ઉર્ફે રામુભાઈ નાયક દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલી દુકાનો પર કાર્યવાહી કરી હતી. આ બંને વ્યક્તિઓ અગાઉ દારૂના કેસમાં સંડોવાયેલા હતા. આ દુકાનો સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન દુકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહી વલસાડ જિલ્લામાં સૌપ્રથમ પારડી તાલુકામાં થઈ છે, જેને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સરકારના આ પગલાંને દારૂના ધંધા સહિતની અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટેના એક દાખલારૂપ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદે ધંધાઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે અન્ય તાલુકાઓમાં પણ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી શકે છે.
100 ટકા વસુલાતનું સ્વપ્ન અધુરું:વલસાડમાં 21 કરોડની વસુલાત પાલિકા માટે મુશ્કેલ
વલસાડ પાલિકાની વેરા શાખાની ટીમે મિલકત સીલિંગ, નળ, ડ્રેેનેજ કનેક્શન બ્લોક કરતાં લક્ષ્યાંકના 21 કરોડમાંથી લગભગ 15 કરોડથી વધુની વસુલાત થઇ હોવાનું જાણવા મળ્યું છે. આગળની વસુલાત કાર્યવાહીમાં નળ-ગટર જોડાણો કાપવાની કામગીરી ધપાવશે. પાલિકા હાઉસ ટેક્સ વિભાગ 85 ટકાથી વધુ વસુલાત પાર કરી જશે તેવી ગણતરી મડાઇ રહી છે. રાજ્ય સરકારના આદેશ વચ્ચે ગુજરાત મ્યુનિસિપલ નિયામક, શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાઓમાં નાણાંકીય વર્ષાન્ત પહેલાં મહત્તમ વેરા વસુલાતની કાર્યવાહીની સૂચના છે. વલસાડ પાલિકા મિલકતધારકો પાસેથી નિકળતી લેણાંની રકમ ભરાવવા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. પાલિકા સીઓ કોમલ ધાનૈયા અને પ્રમુખ માલતીબેન ટંડેલની સૂચના હેઠળ ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડે ટીમો બનાવી ડોર ટુ ડોર વસુલાતનો પણ અભિગમ હાથ ધર્યો છે. વેરો નહિ ભરે તો નળ અને ડ્રેનેજ જોડાણો કાપી નાંખવાની કાર્યવાહી થઇ રહી છે. 57 મિલકતોને સીલ મારી દીધાં અને 75 જોડાણ બ્લોક કરી દેવાયા છે. પરતું હવે પાલિકા દ્વારા લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે હજી એડી ચોટીનું જોર લગાવવું પડશે. વેરા માગણાંના બિલોની રકમ ઉપર પાછલા વર્ષોમાં સરકારે રિબેટ સ્કીમ આપતી હતી. જેમાં 10થી 15 ટકા વળતર અપાતું હતું,પરંતુ હવે માત્ર મિલકતવેરા પર માત્ર જૂન માસ પુરતું જ 10 ટકા વળતર આપવાનું નક્કી થયું હતું. જેથી અગાઉ જૂન જૂલાઇ બે માસ સુધી અપાતાં વળતરનો લાભ આ વર્ષે મળ્યો નથી.જેના પગલે આ વર્ષે વળતરનો પણ ગ્રહણ નડ્યો છે. નાણાંકીય વર્ષના મે અને જૂન સુધી 10 ટકા સુધીનું વળતર સરકાર જાહેર કરતી હતી.જેનાથી વલસાડના વેરાદારોને સારી એવી રાહત મળતી હતી. પરંતુ આ નાણાંકીય વર્ષે માત્ર મિલકત વેરા પર 10 ટકા વળતર જૂનમાં મિલકત વેરો ભરનારને આપવામાં આવ્યું હતું.આ સમગ્ર બાબત અંગે વલસાડ નગર પાલિકાના માજી સભ્યોમાં વિરોધ અને આક્રોશ પણ જોવા મળ્યો હતો. વળતરનો વિવાદ જાન્યુ.માં ગાજ્યો હતો
દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની યુજી નીટ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન્સ એક્ઝામના પરિણામમાં વિદ્યાર્થીઓને પર્સેન્ટાઈલ રેન્ક અપાતા હોય છે, પરંતુ માર્ક્સની જાહેરાત કરાતી નથી, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને તેમના વાસ્તવિક શૈક્ષણિક અને પરિણામને લગતા સ્તરની જાણકારી થતી નથી, જેના કારણે તેઓ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકો અને વાલીઓની માગણીના અનુસંધાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે. આ અંગે શિક્ષકો અને વાલીઓ આવશ્યકતા જણાશે તો કોર્ટમાં પીઆઈએલ કરવા માટેની વિચારણા પણ શરુ કરાઈ છે. શિક્ષકડો. સુશીલ નાઈકના જણાવ્યા પ્રમાણે એનટીએ દ્વારા યુજી નીટ ચોથી મેના રોજ અને જેઈઈ મેઈન્સ એક્ઝામ ચોથી એપ્રિલે યોજાવાની છે, આ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત થવાની છે. હાલમાં એનટીએ દ્વારા શૈક્ષણિક વર્ષ 2029 પછી યુજી નીટના પરિણામમાં વિષય વાર માર્કસ અપાતા જ નથી અને માત્ર પર્સેન્ટાઈલ અપાય છે જેન ચોક્કસ કારણ એડમિશન પ્રોસેસ હોઈ શકે, પરંતુ વિષયવાર માર્કસ અપાતા ના હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક તેની તૈયારીની સમજણ મેળવી શકતા જ નથી અને ભ્રમિત રહે છે. યુજી નીટ અને જેઈઈ મેઈન્સ એક્ઝામના પરિણામની જાહેરાતમાં જે તે વિષયના પર્સેન્ટાઈલ જાહેર કરવામાં આવે છે, પરંતુ માર્કસની જાહેરાત કરાતી નથી, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રોપર માર્કસની જાણકારી ન હોવાથી તેઓ વાસ્તવિક શૈક્ષણિક અને પરિણામ સ્તરની જાણકારી મેળવી શકતા નથી.
ગુજરાત યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 39 પોસ્ટની ભરતી જાહેરાત કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર આ પોસ્ટને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવની વિગતો મૂકવામાં આવી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો 11 એપ્રિલ સુધીમાં સમર્થ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યાર બાદ ઉમેદવારોએ 19 એપ્રિલ સુધીમાં ઓનલાઇન એપ્લિકેશનની બે હાર્ડકોપી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, સમક્ષ જમા કરાવવાની રહેશે. જો ઉમેદવારોને અરજી કે અન્ય બાબતેેે પ્રશ્ન હોય તો gucdoe2025@gmail.comના માધ્યમથી રજૂ્આત કરી શકશે. ડેપ્યુટેશનની પોસ્ટ માટે રૂ.750, કોન્ટ્રાક્ટ નોનટીચિંગ પોસ્ટ રૂ.450 અરજી ફી નિયત કરવામાં આવી છે. જ્યારે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની સૌથી વધુ 12 જગ્યા ભરવામાં આવશે પોસ્ટસંખ્યા એસો. પ્રોફેસર4 એસો. પ્રોફેસર, ડે. ડિરેક્ટર1 આસિ. પ્રોફેસર12 આસિ. પ્રોફેસર, આસિ. ડિરેક્ટર1 ડેપ્યુટી રજિસ્ટ્રાર1 આસિ. રજિસ્ટ્રાર1 આસિસ્ટન્ટ3 પોસ્ટસંખ્યા સેક્શન ઓફિસર1 કમ્પ્યુટર ઓપરેટર2 મલ્ટિ ટાસ્કિંંગ સ્ટાફ2 ટેક. એસોસિએટ1 ટેક. આસિસ્ટન્ટ ટેક. મેનેજર એડમિશન1 ટેક. આસિ. એડમિશન2 45 વર્ષ સુધીના ઉમેદવારો 11 એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે ભરતીમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ માટે રૂ.14,800-47,100થી માંડીને એસોસિએટ પ્રોફેસરની પોસ્ટ માટે રૂ.1.31થી 2.17 સુધીનાં પેકેજ ઓફર કરવામાં આવશે.
ખાતામાંથી પૈસા ઉપાડી લીધા:ક્રેડિટ કાર્ડ ચાર્જ ફ્રી કરવાના નામે યુવક સાથે 85 હજારની ઠગાઈ
એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ ચાર્જ ફ્રી કરી આપવાનું કહીને સાઈબર ગઠીયાઓએ શાહપુરના યુવક પાસેથી રૂ.85 હજાર પડાવી લીધા હતા. યુવકને ફોનમાં લિન્ક મોકલી હતી. તે ડાઉનલોડ થઈ રહી હતી ત્યારસુધીમાં 2 ટ્રાન્જેકશથી પૈસા ઉપાડી લીધા હતા. ઘીકાંટા ગૌસ્વામી મહારાજના વંડામાં રહેતા નરેશ પઢીયાર 3 વર્ષથી ફાર્મા કંપનીમાં એમઆર તરીકે નોકરી કરે છે. 13 માર્ચે ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેમાં સામે વાળા વ્યકિતએ કહ્યું હતુ કે હું એચડીએફસી બેંકમાંથી બોલુ છુ. તમે જે ક્રેડિટ કાર્ડ લીધુ છે તે ચાર્જેબલ છે. જો તમારે કાર્ડ ચાર્જ ફ્રી કરવુ હોય તો તમારા વોટસએપ ઉપર એક લિન્ક આવી છે. તે લિન્ક ઉપર ક્લિક કરો. જેથી નરેશભાઈ એ તે લિન્ક ઉપર કલીક કરતા એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી હતી. આ જ સમયે તેમને મેલ આવ્યા હતા. જેમાં તેમના કાર્ડથી 2 ટ્રાન્જેકશનથી રૂ.80,506 અને રૂ.3800 મળીને કુલ રૂ. 84,306 ઉપડી ગયા હતા. આ અંગે નરેશભાઈએ બેંકે જઈને કસ્ટમર કેરમાં ફરિયાદ કરી તેમનું કાર્ડ બ્લોક કરાવી દીધુ હતુ. આ અંગે તેમણે સાઈબર હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કર્યા બાદ આ અંગે શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
થલતેજમાં આદિત્ય રેસિડેન્સીના એક બંગલામાં પરિવારના સભ્યો પહેલા માળે બેડરુમમાં સુઈ રહ્યા હતા. ત્યારે ગ્રાઉન્ડ ફલોર પરના બેડરુમની બાકીની લોખંડની ગ્રીલ તોડીને ઘુસી આવેલા તસ્કર રોકડ તેમજ સોના, ચાંદી, ડાયમંડના દાગીના મળીને કુલ રૂ.11.70 લાખની મત્તા ચોરી ગયા હતા. જેમાં રૂ.6.70 લાખના દાગીના ભરેલુ લોકર ચોરી ગયા હતા. થલતેજ ફાયર સ્ટેશન પાસે આવેલી આદિત્ય રેસિડેન્સીમાં ધ્રુવ પટેલ પત્ની ઈશીતાબહેન, દીકરી કીરા અને માતા હિનાબહેન સાથે રહે છે. ધ્રુવ પટેલ મ્યુઝિશિયન છે. તેમના માતા હિનાબહેન 3 - 4 દિવસથી સૌરાષ્ટ્ર ફરવા ગયા હતા. જ્યારે 27 માર્ચે રાતે ધ્રુવભાઈ, ઈશીતાબહેન અને કીરા બંગલાના પહેલા માળે આવેલા બેડરુમમાં સુઈ ગયા હતા. 28 માર્ચે સવારે 7 વાગ્યે ઈશીતાબહેન નીચે આવ્યા અને ગ્રાઉન ફલોરનો મેઈન દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ખુલ્યો ન હતો. જેથી તેમણે જોયું તો તેમના મકાનનો દરવાજો ખૂલે નહીં તે રીતે બહારની બાજુમાં કુંડા મુકેલા હતા. જેથી તેઓ હીનાબહેનના રુમમાં ગયા હતા. પરંતુ તેમનો દરવાજો પણ અંદરથી બંધ હતો. જેથી તેમણે ધ્રુવભાઈને જાણ કરતા તેઓ આવ્યા હતા અને માતાના બેડરુમનો દરવાજો ખોલીને જોયું તો બારીના સળીયા તુટેલા હતા. તેમજ લાકડાના કબાટ - તિજોરી પણ ખુલ્લા હતા અને રૂ.6.70 લાખની કિંમતના દાગીના મુકેલુ લોકર તેમજ તિજોરીમાંથી રોકડા રૂ.5 લાખ મળીને કુલ રૂ.11.70 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ઈશાનીબહેને બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરવાજો ન ખૂલે એટલે કુંડા આડા મૂકી દીધા હતા કોઈ જાગે તો પણ મેઈન દરવાજો ખોલી ન શકે એટલે કુંડા મુકી દીધા હતા ધ્રુવભાઈના બંગલામાં ચોરી કરવા આવેલા તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને અંદર આવ્યા બાદ પાછા બહાર જઈને ડ્રોઈંગ રુમનો દરવાજો ખુલે નહીં તે રીતે બહારની બાજુ કુંડા ગોઠવી દીધા હતા. જ્યારે બેડરુમનો દરવાજો બંધ કરીને ચોરી કર્યા બાદ અંદરથી લોક કરીને બારીમાંથી જ ભાગી ગયા હતા.
વીમા કંપનીઓના નામે કૌભાંડ કરતો હતો:ઝડપી નફાની લાલચ આપી છેતરપિંડી કરનારો પકડાયો
જાણીતી ઇન્સ્યોરન્સ કંપની એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સહિતની વીમા કંપનીમાં જલ્દી નફો કમાવવાની લાલચ આપી લોકોને રોકાણ કરાવી ઓનલાઇન ઠગાઇ કરનાર આરોપી અભયકુમાર પ્રસાદને ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધો છે. મૂળ બિહારનો અને દિલ્હી ન્યુ અશોકનગરમાં રહેતો 37 વર્ષીય અભયકુમાર પ્રસાદ લોકોને વોટ્સએપ મેસેજ અને કોલ કરીને જાણીતી ઇન્સ્યોરન્સ કંપી જેવી કે, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સહિતની વીમા કંપનીઓમાં જલ્દી રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી ઓનલાઇન ઠગાઇ કરતો હતો. આ અંગેની ફરિયાદના આધારે ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલેપીઆઇ પી.ડી.મકવાણાએ તપાસ હાથ ધરી હતી. આરોપી અભયકુમાર વીમા કંપનીમાં મોટા અધિકારી તરીકે ઓળખ આપતો હતો. આરોપીએ ફરિયાદીને પ્રથમ ફ્યુચર જનરલ લાઇફ ઇન્સ્યોરન્સનો લોંગટર્ન ઇન્કમ પ્લાન તથા શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સનો અર્લી કેશ પ્લાનની પોલિસી લેવડાવી હતી. ફરિયાદીએ રોકાણ કરેલા રૂપિયા નફા સાથે પરત નહી આપી ઠગાઇ કરી હતી. કસ્ટમરોના ડેટા લખેલા ચોપડા-ડાયરી મળી ગાંધીનગ સાઈબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 7- મોબાઇલ, 12-સીમકાર્ડ, 1- ચેકબુક, કોલીંગ કરવા માટેનું મોબાઇલ નંબરવાળુ લિસ્ટ, કસ્ટમરોના ડેટા લખેલ ચોપડા અને ડાયરી તેમજ રોકડા રૂ.1.60 લાખ કબજે કર્યા છે.
મન્ડે મેગાસ્ટોરી:વર્ષમાં જિલ્લા તિજોરી કચેરી દ્વારા 44,210 બિલ પેટે રૂ.29 અબજના ચુકવણા કરાયા
કચ્છમાં નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન ભુજ સ્થિત જિલ્લા તિજોરી કચેરી અને જિલ્લાની પેટા તિજોરી કચેરીઓ મારફતે રૂપિયા 29 અબજના ચુકવણા કરવામાં આવ્યા છે. માર્ચ એન્ડિંગના કારણે રવિવારે જાહેર રજા હોવા છતાં તિજોરી કચેરીઓ ચાલુ રહી હતી અને આજે સોમવારે પણ ઇદની રજા હોવા છતાં કચેરીઓ ચાલુ રહેશે. જિલ્લા તિજોરી અધિકારી એમ.એમ. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમ્યાન કુલ 44,210 બિલો પેટે રૂ.29,86,67,37,549 રકમના ચુકવણાં થયા છે. વર્ષ દરમ્યાન તિજોરી ખાતેથી થયેલા બિલો, ગ્રાન્ટની ચુકવણી, ટીસી, એલસી સહિતના નાણાંકીય વ્યવહારો સહિત કુલ રૂ.85,99,84,54,545 રકમના વ્યવહારો થયા છે. તે જ રીતે વર્ષ દરમ્યાન વિવિધ લેણા, ચલણ સહિતના વ્યવહારો પેટે સરકારને મોટી આવક પણ થઇ છે. રવિવારે રજા હોવા છતાં તિજોરી કચેરીઓ ધમધમી હતી અને 3 વાગ્યા સુધી બિલ લેવામાં આવ્યા હતા. માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા એક અઠવાડિયાથી તિજોરી કચેરી રાત્રે મોડે સુધી ચાલુ રહી હતી અને તમામ કર્મચારીઓ વિદાય લેતા નાણાકીય વર્ષની કામગીરી પૂર્ણ કરી રહ્યા છે. આજે સોમવારે ઇદની રજા હોવા છતાં પણ તિજોરી કચેરી ચાલુ રહેશે. નોંધનીય છે કે, અધિકારી વર્ગ, કચેરી સ્ટાફના ૫ગાર બિલ બનાવવા, લાઇટબીલ, ટેલીફોન બિલ, કન્ટીજન્સી બિલ, રીફંડ અંગેના બિલ, પ્રવાસ ભથ્થા અંગેના બિલ, જી.પી.એફ. ઉપાડ, પેશગી અંગેના બિલ, જૂથવીમા અંગેના બિલ, ઉચ્ચક બિલો, તહેવાર પેશગી, અનાજ પેશગી, સર્વિસ પોસ્ટલ સ્ટેમ્પના બિલો, ચાર્જ એલાઉન્સના બિલો, મોંઘવારી તફાવતના બિલો, ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી, પેન્શન કેસ, જુદા – જુદા સદરો અંગેના ખર્ચપત્રકો એકત્ર કરી સંકલિત કરવા અને માસિક ખર્ચપત્રકો બનાવવા, ઇન્કમટેક્ષના પત્રકો તૈયાર કરવા, ફોર્મ–16 તૈયાર કરવા, ત્રિ-માસિક પત્રકો તૈયાર કરવા, ઓડિટ પારા સહિતની કામગીરી કરવાની હોય છે. પોસ્ટ ઓફિસોમાં મંગળ-બુધ જમા-ઉપાડ બંધ બેન્કોમાં એક દી’ ગ્રાહકોના કામો નહીં થાય નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે કચ્છની તમામ ટપાલ કચેરીઓ તા.1,2 એપ્રિલ એટલે કે, મંગળ, બુધ ચાલુ રહેશે પરંતુ ગ્રાહકો રકમ જમા કે, ઉપાડી શકશે નહીં પરંતુ અન્ય સેવાઓ જેવી કે, રજિસ્ટર, સ્પીડ પોસ્ટ, પાર્સલ ડિલિવરી સહિતની સેવાઓ ચાલુ રહેશે. તે જ રીતે 1 એપ્રિલના બેન્કો ચાલુ રહેશે, અધિકારી, કર્મીઓ બેન્કોમાં હાજર હશે પરંતુ ગ્રાહકોના કોઇ જ કામો નહીં થાય કેમ કે, તે દિવસે સોફ્ટ અપડેટ સહિતની કામગીરી કરાશે અને તા.2 એપ્રિલથી રાબેતા મુજબ ગ્રાહકોના કામો થશે. નાણાકીય વર્ષની પૂર્ણાહુતિ : આજે ઇદની જાહેર રજા હોવા છતાં પણ તિજોરી કચેરી ચાલુ રહેશે તિજોરી કચેરીમાંથી માર્ચમાં જ 14 અબજ ને બાકીના 11 માસમાં 15 અબજનું ચુકવણું જિલ્લા તિજોરી કચેરીએથી નાણાકીય વર્ષ દરમ્યાન 44,210 બિલો પેટે રૂ.29,86,67,37,549નું ચુકવણું થયું હતું. જો કે, નવાઇની વાત એ છે કે, માત્ર માર્ચ મહિનામાં જ રૂ.14,43,11,36,610 રકમનું ચુકવણું થયું છે. એટલે કે, બાકીના 11 માસમાં રૂ.15,43,56,00,939ની રકમના ચુકવણા થયા છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:ડ્રગ્સ વેર હાઉસમાં 2.80 લાખની એકસ્પાયર્ડ દવા મળી
વિધાનસભામાં રજૂ થયેલા આરોગ્ય આંતરમાળખું અને આરોગ્ય સેવાઓનું વ્યવસ્થાપન પરના કેગના ઓડિટ અહેવાલમાં કચ્છના તંત્રની પણ અનેક ખામીઓ બહાર આવી છે. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓની સુવિધાઓ પૂરી પાડવા માટે દવાઓ, ઔષધો, શસ્ત્રક્રિયા સામગ્રી અને ચીકીત્સા ઉપકરણોની ખરીદી અને પુરવઠો પૂરો પાડવાના હેતુથી સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ ઓર્ગેનાઈઝેશન (CMSO)ની સ્થાપના કરવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રમાં બદલાતી માંગ અને વિકાસની ગતિ સાથે સંતુલન રાખવા માટે, CMSOને જુલાઈ 2012માં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL)માં રૂપાંતરિત કરવામાં આવ્યું, જે કંપનીઝ ઍક્ટ હેઠળ નોંધાયેલ એક સ્વાયત્ત સંસ્થા છે. GMSCL હેઠળ, રાજ્યના 33 જિલ્લાઓમાં વિવિધ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં દવાઓ/ઉપકરણોના સંગ્રહ અને વિતરણનું કાર્ય સુચારું બનાવવા માટે ભુજ સહિત કુલ 11 ડિસ્ટ્રિક્ટ ડ્રગ્સ વેર હાઉસિસ (DDW) સ્થાપિત કરવામાં આવ્યા છે. GMSCLની ગુણવત્તા ખાતરી માર્ગદર્શિકાઓ અનુસાર વેર હાઉસિસ ખાતે દવાઓ પ્રાપ્ત થાય ત્યારે ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી (FDL), વડોદરા ખાતે મોકલવાના હોય છે. જો લેબોરેટરી દ્વારા દવાઓને ”ધોરણસરની ગુણવત્તા રહિત (NSQ)” તરીકે જાહેર કરવામાં આવે, તો ઉપલબ્ધ સ્ટોકને તરત જ નિષ્ક્રિય કરવો જોઈએ. ઓડિટમાં એવું જોવા મળ્યું હતું કે વેર હાઉસિસમાંથી એકત્રિત કરવામાં આવેલા ઘણા નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ FDL દ્વારા જારી કરવામાં આવ્યા નહોતા. ભુજના વેરહાઉસની વાત કરવામાં આવે તો 2019થી 2022 વચ્ચે અહીંથી 1951 નમુના એકત્ર કરી તેના કુલ 1853 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. જેમાં 307 જેટલા પરીક્ષણ રિપોર્ટ આવ્યા જ ન હતા ! જેની ટકાવારી 5 જેટલી થાય છે. એટલું જ નહીં ભુજના વેરહાઉસમાં એકસ્પાયર્ડ દવાઓ પણ મળી આવી હતી. GMSCLના વેરહાઉસ મેનેજમેન્ટ મેન્યુઅલ અનુસાર, તમામ એકસ્પાયર્ડ દવાઓને નિર્ધારિત કરાયેલ રૂમમાં સંગ્રહવાની પસંદગી કરવાની છે. અલગ રૂમના અભાવમાં એકસ્પાયર્ડ દવાઓને અલગ કબાટમાં સંગ્રહ કરી શકાય છે. આ કબાટ પર ”વાપરવા લાયક ન હોય એવી એકસ્પાયર્ડ દવાઓ” લખાયેલો બોર્ડ સાથે હંમેશા તાળાંબંધ રાખવો જોઈએ અને. રૂમ/કબાટ ડેપો મેનેજરના નિરીક્ષણ હેઠળ હોવો જોઈએ. એકસ્પાયર્ડ દવાઓને બે ભાગોમાં વર્ગીકૃત કરી શકાય સક્રિય એકસ્પાયર્ડ દવાઓ એટલે કે પુરવઠો/ઉપયોગ ન થતાં એકસ્પાયર થયેલ દવાઓ અને નિષ્ક્રિય એકસ્પાયર્ડ દવાઓ એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા NSQ તરીકે જાહેર કરવામાં આવેલી દવાઓ. ભુજમાં કુલ 2.80 લાખની એકસ્પાયર્ડ દવાઓ મળી આવી હતી. જેમાં 19 હજારની એક્ટિવ એક્સપયાર્ડ દવા અને 2.61 લાખની ઇનેક્ટિવ એક્સપયાર્ડ દવા મળી આવી હતી.
મંડે પોઝિટીવ:વી. ડી. હાઇસ્કૂલમાં છાત્રોનો પ્રેરણારૂપ અનોખો પુસ્તક યજ્ઞ
{ શાળા બહારના વિદ્યાર્થીઓને પણ ઉપલબ્ધિ અનુસાર વિનામૂલ્યે પુસ્તક અપાય છે વર્તમાન સમયે શિક્ષણ મોંઘું બન્યું છે જેમાં ખાસ કરીને જરૂરતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક ખરીદીમાં ક્યારેક મુસીબતોનો સામનો કરવો પડે છે. આવા છાત્રોને સુગમતા રહે અને ખોટો ખર્ચ ન થાય તે માટે ભુજની વી. ડી. હાઇસ્કૂલમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી અનોખો પુસ્તક યજ્ઞ શરૂ કરાયો છે જેમાં જે તે ધોરણના વિદ્યાર્થી પરિણામ આવતાં જ પોતાના પુસ્તકો શાળાએ લાવે છે અને જરૂરતમંદ છાત્રોને તે આપવામાં આવે છે. એક સમયે આરોગ્ય અને શિક્ષણ સેવા માનવામાં આવતા હતા પણ હવે આરોગ્યની જેમ જ શિક્ષણ પણ મોઘું થઇ ગયું છે. જો કે, સરકારી શાળાઓમાં પુસ્તકો વિના મૂલ્યે આપવામાં આવે છે પણ એ સિવાયના ખર્ચા નબળી આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓને પરવડતા નથી. જો કે, વાલીઓ મહામુસીબતે પોતાના સંતાનોના અભ્યાસ માટે કોઇને કોઇ રીતે ખર્ચા ઉઠાવી લે છે. આ સંજોગોમાં વિદ્યાર્થીનો અભ્યાસ અટકે નહીં તે માટે શહેરની વી. ડી. હાઇસ્કૂલમાં પ્રેરણાદાયી કામ કરાઇ રહ્યું છે. જેના માર્ગદર્શન તળે છેલ્લા બે-ત્રણ વર્ષથી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા આચાર્ય બ્રિજેશ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યા બાદ સારી કન્ડિશનમાં હોય તેવા પોતાના પુસ્તકો લાવે છે અને શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપી દેવાય છે. આ સદ્દપ્રવૃત્તિ થકી પુસ્તકો રદ્દીમાં જતાં બચી જાય છે એટલું જ નહીં પણ કોઇને આગળ અભ્યાસ કરવા માટે અતિ ઉપયોગી બને છે. શાળાના આચાર્યએ ઉમેર્યું હતું કે, સરકારી શાળામાં પુસ્તકો રાજ્ય સરકાર આપે જ છે પણ ક્યારેક તે મોડા આવે, ક્યારે અમુક પુસ્તક ન આવે તેવું બનતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતા પુસ્તકો બહુ જ કામ આવે છે. માત્ર વી. ડી. હાઇસ્કૂલ જ નહીં, અન્ય શાળાના કોઇ વિદ્યાર્થીને પુસ્તકની જરૂર હોય અને જો સ્ટોકમાં હોય તો તેમને પણ આપવામાં આવે છે. આગામી માસમાં પરીક્ષા બાદ પરિણામ આવશે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો લાવશે જે નબળી આર્થિક સ્થિતિ વાળા છાત્રો માટે ઉપયોગી બની રહેશે તેમ તેમણે કહ્યું હતું. ધો. 10 અને 12ના અન્ય સાહિત્યો પણ અપાય છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ પુસ્તક ઉપરાંત મોંઘાદાટ કહી શકાય તેવા ગાઇડ, પ્રશ્નપત્રો, ટ્યૂશન નોટ જેવા અન્ય સાહિત્યો પણ શાળામાં આપી જાય છે જે અન્ય છાત્રોને આવશ્યકતા મુજબ આપવામાં આવે છે તેમ બ્રિજેશભાઇએ જણાવ્યું હતું. પરિણામ આવતાં જે તે ધોરણના છાત્રો જરૂરતમંદ વિદ્યાર્થીને પોતાના પુસ્તકો આપેેે છે પોઝિટીવ મંડે
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:BSNL નેટવર્કના અભાવે રણકાંધીના ગામો મુશ્કેલીમાં
રણકાંધીના ગામોમાં BSNLના નેટવર્કના અભાવે લોકો પાયમાલ છે અને ગ્રામપંચાયત, રાશનની દુકાનોમાં અરજદારોની લાઇનો વચ્ચે કામો થતા નથી. રણકાંધી વિસ્તારના ગામો ડિજિટલ કનેક્ટિવિટીથી બાકાત છે. મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે નેટના અભાવે લોકોના કામો થતા નથી અને વાઈફાઈ ડોંગલ છત પર લગાવી કામ કરાય છે પણ સ્પીડ ઓછી હોવાના કારણે લોકોના કામ થઈ શકતા નથી. નેટ સમસ્યાના કારણે લોકોને નાછૂટકે મથક સુધી લાંબા થવું પડે છે. જન્મ-મરણના દાખલા, રાશનકાર્ડ, આધારકાર્ડ સહિતની ઓનલાઈન કામગીરી થતી નથી. નેટના અભાવે ઘણી વખત લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી રાશન લીધા વિના પરત ફરવું પડે છે. દેશલપર ગુંતલીથી હાજીપીર સુધીના અનેક ગામોની ડિજિટલ કનેક્ટિવિટીના અભાવે ઓનલાઇન કામગીરી થઇ શકતી નથી. ગ્રામપંચાયતો, રાશનના દુકાનદારો છત ઉપર વાઈફાઈ મૂકી કામો કરે છે તેમ પણ સ્પીડના આવતા લોકોને હાલાકી વેઠવી પડે છે. બીએસએનએલ ટાવરના પાપે લોકોને મજૂરીકામ છોડી તાલુકા મથક નખત્રાણા સુધી લાંબા થવું પડે છે. તાલુકાના દેશલપર ગુંતલી, વજીરાવાઢ, ઢોરો, લુડબાય, ઉઠંગડી, ભભારાવાંઢ, હાજીપીર સુધી નેટના અભાવે લોકોના મોબાઇલ મુંગા બની ગયા છે અને વાત થઇ શકતી નથી. ગ્રામજનોના કહેવા મુજબ નેટવર્કના અભાવે મોબાઇલ ફોન પણ મુંગા મંતર બની જતા હોઇ લોકો ઇમરજન્સીના સમયે 108 એમ્બ્યૂલન્સ સેવાને ફોન કરતી વેળાએ નેટના અભાવે ફોન લાગતા ન હોવાની રાવ ઉઠી છે { ગ્રામપંચાયત, રાશનની દુકાનોમાં અરજદારોની લાઇનો : લોકોના કામો ન થતા હોવાની રાવ ભારતીય સંચાર નિગમના ટાવર શોભાના ગાંઠિયા સમાન બીએસએનએલના ટાવર કામ નથી કરતા. નેટના અભાવે અનેક ગામો સંપર્ક વિહોણા બની જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા તેનું નિરાકરણ ન કરી ખાનગી કંપનીઓને આમંત્રણ અપાયું છે. આ અંગે બીએસએનએલને વારંવારની રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. - યાકુબ મુતવા, બન્ની કોર કમિટી પ્રમુખ, અતાઉલ્લા ખાન મુતવા, સરપંચ ઢોરો સરકારની ડિજિટલ યોજનાઓથી લોકો વંચિત એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરાય છે અને સરકારી કચેરીઓમાં પણ પત્ર વ્યવહાર ઓનલાઇન કરવા, ડિજિટલી ચુકવણા કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે રણકાંધીના હાજીપીરથી લુડબાય સુધીના ગામોને આ લાભથી વંચિત રખાયા હોય તેમ નેટ સમસ્યા યથાવત છે. - લુડબાયના જબાર જત, સરપંચ અમારી પાસે કોઇ ફરિયાદ આવી નથી : તંત્ર અમારી પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી અને લુડબાયમાં બીએસએનએલનું ટાવર ચાલુ છે. - મહેશ માલીવાડ, નખત્રાણા બીએસએનએલ જેટીઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
બંદોબસ્ત:માના દરબારમાં પ્રથમ નોરતે 30 હજારે શીશ ઝુકાવ્યા
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં અશ્વિન નવરાત્રિની જેમ પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે રવિવારે ત્રીસ હજાર કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. આદ્યશક્તિની આરાધના અને ઉપાસના માટેના પર્વ એવા ચૈત્રી નવરાત્રિનો રવિવારે પ્રથમ નોરતા સાથે પ્રારંભ થયો છે. યાત્રાધામ માતાનામઢમાં અમાસના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે આ પર્વની પરંપરાગત ઉજવણી શરૂ કરાઇ છે. આ વખતે ધો.10, 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ નોરતે રવિવારની જાહેર રજા હોવાના કારણે વહેલી સવારથી બપોર સુધી અહીંની બજાર તેમજ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં માઇભક્તોની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ 30,000 કરતાં પણ વધુ ભાવિકોએ માં આશાપુરા માતાજીના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું અને માતાનાજી દર્શન માટે પરિસરમાં લાંબી લાઇનો લાગી હતી. મંદિરમાં પૂજારી, સ્ટાફ દ્વારા ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ બપોરે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અહીંની મુખ્ય બજાર તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી તેમજ દુકાનોમાં માતાજીની ચુંદડી, પ્રસાદ, શ્રીફળ સાથે અલગ અલગ વસ્તુઓની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. અહીં ખાનગી વાહનો દ્વારા આવનારા યાત્રિકોને લઈને બસ સ્ટેશનથી ચાચરાકુંડ માર્ગે વાહનોની લાંબી કતારો સાથે પાર્કિંગ પ્લોટમાં પણ મોટી સંખ્યામાં વાહનોની સંખ્યા નજરે પડી હતી. અશ્વિન નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિમાં પણ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોઇ અહીં પોલીસ, હોમગાર્ડ જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે.
માગ:બેવડી ઋતુમાં અબડાસા તાલુકામાં વાયરલ બીમારીએ માથું ઉંચક્યું
અબડાસા તાલુકામાં રાત્રે ઠંડી અને દિવસે ગરમી એેમ બેવડી ઋતુ વચ્ચે વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે અને નલિયાની રેફરલ હોસ્પિટલમાં દૈનિક 150થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, અહીં તબીબની જગ્યા ખાલી છે, જેથી ઇન્ચાર્જના ભરોસે ગાડું ગબડાવાય છે. અબડાસા તાલુકા પ્રત્યે સરકારનું ઓરમાર્યું વર્તન જોવા મળી રહ્યું છે અને અહીં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવા ખાડે ગઇ છે. હાલમાં કચ્છમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે તેમાંય ખાસ કરીને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં તો શિયાળો પાછો ફર્યો હોય તેમ રાત્રિ ઠંડી અને દિવસે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અવડી અસર પડી રહી છે. બેવડી ઋતુના કારણે તાવ, માથાનો દુ:ખાવો, ઝાડા, ઉલટી સહિતની વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે. નલિયાની સરકારી હોસ્પિટલમાં દરરોજ 150થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે. જો કે, આ સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ન હોવાથી તાલુકાના અન્ય પીએસસીમાંથી ચાર્જમાં આવતા હોય છે. જેથી જે પીએસસીમાંથી તબીબ નલિયા આવે તે દિવસે સંબંધિત પીએચસીમાં પણ અન્ય કોઇ તબીબ ન હોવાથી દર્દીઓ હાલાકી ભોગવે છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સહિત સ્ટાફની ઘટ હોવાના કારણે નલિયામાં આવેલા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને લોકો નાછૂટકે મોંઘી દવા અને સારવાર કરાવવા માટે મજબુર બન્યા છે. મચ્છરોના ઉપદ્રવ સાથે તાવના કેસો વધ્યા છે, જેથી દવા છંટકાવ અને ફોગિંગ કરાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
આયોજન:મહાપાલિકાના પાંચ કર્મચારીઓનો વિદાઇ સમારંભ યોજાયો
નવસારી મહાનગર પાલિકામાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓનું વય મર્યાદા નિવૃત્ત સમારોહ પાલિકા કમિશનર દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવસારી મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ટાઉન પ્લાનિંગ ઓફિસર નીતિન શાહ, ફાયર ઓફસર કિશોર માંગેલાલ, ક્લાર્ક હિનુભાઇ ચૌહાણ ઇસ્માઇલભાઇ ટેલર સહિત પાંચ જેટલા કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. નીતીન શાહે જણાવ્યું કે નાની પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે નિષ્ઠા પૂર્વક ફરજ બનાવી છે. ફાયર ઓફિસર કિશોર માંગેલાલે જણાવ્યું કે એક નિડર ફાયર કર્મચારી કેવો હોઇ શકે એ માટે મારા જીવનની તમામ કટોકટીમાં પાલિકાની પડખે રહ્યો છું. હું 14 દિવસ ફરજ બજાવતા કોમામાં પણ જઇને પાછો આવ્યો છે. મહાપાલિકાના વિનોદ ડાભી, રાજેશ ગાંધી અને હેલ્થ ઓફિસર અલ્પેશભાઇએ પ્રાસંગિક શુભકામના પાઠવી હતી.
નિર્ણય:નવેમ્બરમાં 70 ટકા જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના બોરિયાચ ટોલનાકે સાડા 4 મહિના અગાઉ ટોલટેકસમાં 70 ટકા જેટલો વધારો કર્યા બાદ 1 એપ્રિલથી પુનઃ 4 થી 5 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે,જેથી હજારો વાહનચાલકોને અસર થશે. નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે 48 ઉપર એકમાત્ર ટોલનાકું બોરિયાચ નજીક ઘણા વર્ષોથી ઊભું કરવામાં આવ્યું છે, જ્યાંથી પસાર થતા વાહનો પાસે ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે. આ ટોલનાકાએ જે ટેક્સ સમયાંતરે વધારવામાં આવે છે તે વિવાદિત બની રહ્યો છે. આજથી સાડા ચાર મહિના અગાઉ નવેમ્બરમાં ટોલટેક્સ બોરિયાચમાં વધારવામાં આવ્યો હતો. વધારો થોડો નહી પણ 70 ટકા જેટલો ભારે વધારો કરી દેવાતા વાદવિવાદ થયો અને મામલો ઉચ્ચ કક્ષાએ પણ ગયો હતો પણ ઘટાડો કરવામાં આવ્યો નહી. હવે થોડા સમયમાં પુનઃ વધારો 1 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કરાયો છે.4 ટકા જેટલો વધારો કરાઈ રહ્યો છે. જ્યાં અગાઉનો તોતિંગ ટોલટેક્સ વધારો તો ઘટાડ્યો નહી, વધુમાં ફરી વધારો ઝીકવાની તૈયારી કરાઇ છે, ને અહીંથી પસાર થતા 30 હજારથી વધુ વાહનોને અસર થશે. દર વર્ષે એપ્રિલમાં હાઈવે ઓથોરિટી ટોલટેક્સ રિવાઈસ કરે છે, તેના સંદર્ભમાં આ વધારો કરાઈ થયાનું સ્થાનિક જણાવી રહ્યા છે. વાહન પ્રકાર લાઇટ મો.વ્હીકલ લાઈટ કો.વ્હીકલ ટુ એક્સએલ બસ/ટ્રક 3 એક્સએલ કો.વ્હીકલ મલ્ટીએક્સલ વાહન મોટા વાહનો હાલનો રૂ.115 રૂ.190 રૂ.395 રૂ.430 રૂ.620 રૂ.755 1લીથી લાગુ રૂ.120 રૂ.195 રૂ.410 રૂ.445 રૂ.640 રૂ.780 થોડા જ સમયમાં કરાયેલ પુન: ટેક્સ વધારો અન્યાયી સાડા ચાર મહિના અગાઉ જ્યારે ટોલ ટેક્સ વધારો કરાયો ત્યારે સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત કરી જેમાં સકારાત્મક હૈયાધરપત અપાયાનું જણાયું હતું. તે વધારો તો નહીં ખેંચાયો પરંતુ ફરી પાછો કરાયેલો વધારો તદ્દન ખોટો છે. વધારો નહીં ખેંચાય તો અમે ઉગ્ર રજૂઆત કરીશું. >અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા
અકસ્માત:નેશનલ હાઇવેના ભુલાફળિયા પાસે ટ્રક-ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત
ભાસ્કર ન્યૂઝ । ખારેલ 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 ઉપર ભુલાફળિયા કટ પાસે બસ-ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવની વિગત એવી છે કે, નવસારી ડેપો દ્રારા સંચાલિત થતી ઉનાઈ-નવસારી (જી.જે.18 ઝેડ.6462) સાતેમ બાજુથી આવી નવસારી જવા માટે ભુલાફલીયા કટ ક્રોસ કરવા સવારે 7 કલાકે જતી હતી બસ 95% હાઇવે ક્રોસ કરી ત્રીજી લાઈનમાં જતી હતી ત્યારે બસની પાછળ એક ઈટો ભરેલી ટ્રક ન.જી.જે.05 એ.ઝેડ.6418ના ચાલકે ચીખલી તરફથી આવતા ટ્રેઇલર ન.આર.જે.19 જી.એફ.4819ના ચાલકે કાબુ ગુમાવતા બ્રેક મારતા પલટી મારી ગઈ હતી અને બસમાં પાછળ થોડી અથડાઈ હતી. આ બનાવને પગલે ટ્રેઇલરમાં ભરેલ ગુણો હાઇવે ઉપર વેરવિખેર પડી ગઈ હતી. જેને લઈને હાઇવે જામ થઇ ગયો હતો.
તપાસ:સરકારી અનાજનો જથ્થો ઘરે કેમ લાવ્યા, કાર્યવાહી થશે જ
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી રહેતા સરકારી અનાજ દુકાનમાં પહોંચાડતા ડોર સ્ટેપ કોન્ટ્રાકટર દ્વારા સરકારી ચોખા ઘરે રાખવાનો મામલામાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, મહુવરની દુકાનમાં ખરાબ જથ્થો હોય તે બદલવાનો હતો પણ સરકારી ગોડાઉનના મેનેજરને આ બાબતે કેમ જાણ ન કરી તેમ મામલતદાર દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો હોવાની માહિતી મળી છે. જલાલપોરના સરકારી અનાજનો જથ્થો ડોર સ્ટેપ કોન્ટ્રાકટરના ઘરે 19 કટ્ટા સરકારી ચોખાના મળતા ત્રણ મામલતદાર દ્વારા સંયુક્ત રિપોર્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેર મામલતદાર દ્વારા જણાવાયું કે, કોન્ટ્રાકટર કિશન બાબુ વણઝારા (રહે.રામેશ્વર પાર્ક કબીલપોર નવસારી)દ્વારા જવાબ લખાવ્યો કે, જલાલપોરના મહુવર ગામે સરકારી અનાજની દુકાનમાં પહોચાડવા ગયેલો ચોખાનો જથ્થો ખરાબ નીકળ્યો અને તેને બદલવાનો હતો. જેથી ઘરે લાવ્યો પણ તપાસમાં ત્રણ મામલતદારની ટીમે જણાવ્યું કે સરકારી અનાજનો જથ્થો ખરાબ હોય તો પહેલા ગોડાઉન મેનેજરને જાણ કરી તેમને જ જથ્થો આપવાનો હોય છે. પણ તેઓને જાણ ન કરી તમારા ઘરે રાખ્યો તે ગંભીર બાબત કહી શકાય. જેને લઇને હવે રિપોર્ટ બનાવી જિલ્લા પૂરવઠા અધિકારીને જાણ કરી દીધી છે . કાર્યવાહી શું થઈ શકે.. સરકારી અનાજ પરવાનગી વગર ઘરમાં રાખવામાં આવે તે ગંભીર બેદરકારી કહી શકાય હાલમાં ડોર સ્ટેપ કોન્ટ્રાકટરના લાયસન્સ રદ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી પણ કોન્ટ્રાક્ટર ઉપર કરાશે. અગાઉ કોઈ વાર આવી બેદરકારી થઈ હોય તે બાબતે પણ સરકારી તપાસ શરૂ થઈ તેમ માહિતી મળી છે.
ગામ ગામની વાત:8 પારસી પરિવારોમાં 60 લોકોની વસ્તી 500 વર્ષથી પણ વધુ સમયથી અહીં વસવાટ
વાંસદા તાલુકાનું અને આદિવાસીઓનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ તોરણીયા ડુંગરના નામથી પ્રચલિત સરા ગામ એ ડુંગરોની હારમાળા તેમજ પ્રકૃતિથી ઘેરાયેલું છે. ગામની વસ્તી માત્ર 2500 જેટલી છે. ગામ ભલે નાનું હોય પરંતુ અહીં દરેક જાતિના લોકો વસવાટ કરે છે. જેમાં પારસી, ગામીત, ધોડિયા પટેલ, કુંકણા પટેલ, નાયક, ચૌધરી, ગોહિલ, પરમાર, સોલંકી, મુસ્લિમ, પરપ્રાંતીય, કણ બી પટેલ, વાણીયા, ગાંધી, ભીલ, કોવાડિયા,વસાવા,ટંડેલ જેવી અનેક જાતિઓ વસવાટ કરે છે. અહીં મુખ્યત્વે ખેતીમાં શેરડી,ડાંગર, સિંગ,મકાઈ તેમજ શાકભાજીમાં ભીંડા,રીંગણાંનો પાક થતો હોય છે. સરા ગામ 80% સાક્ષર ગામ છે, ગામમા મોટાભાગના લોકો સરકારી જોબ કરી રહ્યાં છે. જેમાં અહીં 2500ની વસ્તીમાં 40થી વધુ શિક્ષકો, 6 પોલીસ, 4 લોકો રેલવેમાં, એક રિટાયર્ડ આર્મી મેન, બે જવાન બીએસએફમાં ચાલુ નોકરીમાં છે. સરામાં આવેલું તોરણીયા ડુંગર આદિવાસી લોકોનું અસ્થાનું કેન્દ્ર છે. દંતકથા પ્રમાણે ભગવાન શિવપર્વતીના લગ્ન સમયે આ ડુંગર પર તોરણ બાંધવામાં આવ્યા હતા જેને લઈ આ ડુંગરનું નામ તોરણીયા ડુંગર નામ પડ્યું હોવાની લોકવાયકા છે. તોરણીયા ડુંગર પર અનેક મંદિરો આવ્યા છે, જ્યાં ભગવાન શ્રીરામના ચરણોના નિશાન પણ છે. અહીં દર વર્ષે જન્માષ્ટમીએ મેળો ભરાય છે તેમજ ગ્રામજનો દર વર્ષે તોરણીયા ડુંગર નીચે કુવા પાસે જેસલ તોરલની ધજા ચઢાવવા જાય છે. આદિવાસી વિસ્તારની જીવાદોરી અને હેરિટેજ ધરોહર બાપુની ગાડી નેરોગેજ ટ્રેન સરા ગામની વચ્ચોવચથી પસાર થતા સરા ગામની રોનકને ચાર ચાંદ લગાડે છે. સરા ગામમાં વર્ષોથી ત્રણ જેટલા વૈદ આયુર્વેદિક દવાઓ પણ આપી રહ્યા છે, જેમાં કેન્સર,ડાયાબિટીસ તેમજ અન્ય રોગોની દવા લેવા રાજ્યના અનેક ખૂણેથી લોકો આવતા હોય છે. સરાનું ઘનઘોર જંગલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનને અડીને આવેલું જંગલ છે. સરા નવસારી અને તાપી જિલ્લાની હદ પર આવેલું ગામ છે. જેમાં સરકાર દ્વારા અંબિકા નદી પર પુલ બનાવતા પદમડુંગરી અને સરા વચ્ચે અંતર માત્ર 5 કિમિનું થયું છે. જોકે પહેલા 40 કિમીનો ફેરો પડતો હતો. હાલમાં સરા ગામ રોડ,રસ્તા, ડિજીટલ કનેક્ટિવિટી તેમજ ભણતર બાબતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યત્વે ખેતી, પશુપાલન અને બકરા ઉછેર સરા ગામામા ગ્રામ પં., પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દૂધ ડેરી જેવી ઉપલબ્ધ છે તેમજ દર શનિવારે ગામ હાટબજાર ભરાતો હોય છે. અહીં મુખ્યત્વે ખેતી,પશુપાલન, બકરા ઉછેર કરવામાં આવે છે. ડુબાઉ પુલ અને રેલવે સ્ટેશન બનાવવાની જરૂર છે ગામમાં રસ્તે રસ્તે સ્ટ્રીટ લાઈટ છે તેમજ રસ્તા તેમજ પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ગામમાં મોટી ટાંકી પણ બનાવાઇ છે પરંતુ સરા અને મહુવાસને જોડતો ડૂબાઉ પુલ તેમજ રેલવે સ્ટેશનને સુવિધાસભર બનાવાની જરૂર છે. > શૈલેષભાઈ પટેલ, માજી પંચાયત સભ્ય, સરા સરા ગામની ઓળખ સમો તોરણીયો ડુંગર. ગામની વિગત વસતી 2500 સાક્ષરતા 80% જિલ્લા મથકથી અંતર 72 કિમી
કાર્યવાહી:રવિવારે વધુ વર્ષોની બાકી મુદ્દે વધુ 23 મિલકતો સીલ
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીમાં જાહેર રજાના દિવસે મહાપાલિકાએ વધુ વર્ષોની વેરા બાકી ધરાવતી 23 મિલકતોને સીલ મારી દીધા હતા. ટેકનીકલ સ્કૂલ વિસ્તારના એક એપાર્ટ.માં જ 12 સીલ તો મારવામાં આવ્યા હતા.નવસારીમાં હવે નાણાંકીય વર્ષ 2024- 25 પૂર્ણ થવાને માંડ 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ જાહેર રજાએ પણ કામકાજ ચાલુ રાખી કડક વેરા વસૂલાત જારી રાખી હતી. જે અંતર્ગત જે મિલકતધારકોના એક યા બે વર્ષથી ય વધુ સમયથી વધુ વેરા બાકી હોય તેમની મિલકતોને નિશાન બનાવી હતી. રવિવારે આવી 23 મિલકતો વધુ બાકી મુદ્દે સીલ કરી હતી,જેમાં ટેક્નિકલ સ્કૂલ સામેના એક એપાર્ટમેન્ટમાં જ આવેલી 12 દુકાનો સીલ કરી હતી.આ ઉપરાંત નાની પંડ્યા ખડકી વિસ્તારના સુવર્ણ એપાર્ટમેન્ટની 2, છાપરા રોડના દેવ કોમ્પલેક્ષમાં 2 અને જલાલપોર રોડ ઉપરના વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં 3 મિલકતો સીલ કરી હતી. આશાનગરમાં સનફ્લાવર એપાર્ટમેન્ટમાં, ઉદ્યોગનગરમાં, દેવીના પાર્ક વિસ્તારના શાલીભદ્રમાં તથા વોર્ડ 13માં એક એક મિલકતો મનપાએ સીલ કરી હતી. બે દિવસ અગાઉ ગણદેવી રોડ ઉપરના સેન્ટ્રલ મોલની તો 34 મિલકતો સીલ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ સાલ મનપાએ સીલ સાથે ઘણા વર્ષોની બાકી કેટલીક મિલકતો હરાજી કરવાની પણ કાર્યવાહી કરી છે. આજે રજાએ કામ ચાલુ રહેશે.. સરકારે 31 માર્ચના રોજ ઇદની રજા જાહેર કરી છે. જોકે નવસારી મનપાએ જાહેર કરેલ યાદીમાં જણાવ્યા મુજબ દુધિયા તળાવ સ્થિત મુખ્ય કચેરી ઉપરાંત ઝોન કચેરીઓ એ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી વેરા સ્વીકારવામાં આવશે.
આયોજન:બૃહદ અનાવિલ સમાજની BACL -5 ક્રિકેટ લીગનો પ્રારંભ
નવસારી બૃહદ અનાવિલ સમાજ દ્વારા છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રિફ્રેશ બીએસીએલ-5 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે કુલ 6 ટીમો દ્વારા બીએસીએલ-5ની ટ્રોફિ પોતાના નામે કરવા જંગ જામ્યો છે. જેમાં પંથ પેન્થર, એચ.એન.વોરિયર્સ, ઇન્ડિયા માસ્ટર્સ, વિનસ ઇલેવન, છુકાજી ટાઇટન્સ અને સુહાની પેટલ્સની ટીમોએ ભાગ લીધો છે. જેમાં આજે પ્રથમ દિને એટલે કે રવિવારે કુલ 6 મેચ રમવામાં આવી હતી. આ સાથે જ ટુર્નામેન્ટની આગામી મેચો તા.5 એપ્રિલ અને તા.6 એપ્રિલના રોજ રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ પણ છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે રમાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા માટે સમાજના લોકોની સાથે અન્ય લોકોને પણ ટુર્નામેન્ટ નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત રવિવારે સવારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવી હતી. આ સાથે જ ઉદ્ધાટન પ્રસંગે રિફ્રેશના જિજ્ઞેશભાઇ દેસાઇ, સમાજના પ્રમુખ મુકેશભાઇ નાયક, ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારો, કારોબારી અને સ્વંયસેવકોની હાજર રહ્યાં હતા.
આયોજન:દીકરીના પ્રથમ જન્મ દિવસે રક્તદાન શિબિરમાં 65 યુનિટ રક્ત એકત્ર
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના શાહ પરિવારના ભરતભાઈ શાહના પરિવારના રાવીનું જન્મ દિન 30 માર્ચે આવતું હોય પરિવાર દ્વારા સમાજને અનોખો સંદેશ જાય તે માટે રક્તદાન જીવન દાનનો અનોખો કાર્યકમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના સૌજન્યથી કરવામાં આવ્યો આવ્યો હતો. જેમાં જુની દરજીની વાડી આશા નગર ખાતે સવારે 9થી 12 કલાક દરમિયાન રાખવામાં આવ્યો હતો. જેમાં પરિવાર, મિત્રો તરફથી 65 બોટલ રક્તદાન કરી રાવીના પ્રથમ જન્મ દિવસે 65 જેટલા લોકોના જીવન બચાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાવીને આશીર્વાદ પણ રક્તદાતાઓએ આપ્યા હતા.
મંડે પોઝિટીવ:વિજલપોરની સરકારી પ્રા. શાળામાં બાળકોને અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી તાલીમ પણ
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના વિજલપોરમાં આવેલી આંબેડકરનગર પ્રાથમિક શાળામાં NEP-2020 અંતર્ગત પ્રિ-વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમમાં 10 બેગલેસ ડે ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 6થી 8ના બાળકોને અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ દિવસની પ્રવૃત્તિઓનું આયોજન કરી બાળકોને વિવિધ વ્યવસાયકારોની મુલાકાત અથવા વ્યવસાયલક્ષી પ્રવૃત્તિ શાળામાં કરાવી જુદા જુદા વ્યવસાયોથી માહિતગાર કરવામાં આવે છે. તેમજ આ પ્રવૃત્તિ બાળકોને અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે. ફ્રી વોકેશનલ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના બાળકોએ અભ્યાસની સાથે તેમની કારકિર્દીની પસંદગીમાં મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તેમજ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બાળકોએ શિક્ષણ મેળવ્યું. આ પ્રવૃત્તિઓ તેમના સફળ ભવિષ્ય માટે ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. 3 વર્ષથી જીવન ઉપયોગી પ્રવૃત્તિ કરાઇરહી છે શૈક્ષણિક વર્ષ-2024-25માં બેકરી, ઇલેક્ટ્રિશિયન, બ્યુટી પાર્લર, લોંડરી, ચીકીની ફેક્ટરી, બાંધકામ સ્થળ, પશુપાલન કરનાર, વોટર ફિલ્ટર પ્લાન્ટ જેવા સ્થળોની મુલાકાત કરાવવામાં આવી આ સ્થળોએ કામ કરતાં કારીગરોની પ્રત્યક્ષ મુલાકાત દ્વારા તેમના વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ તે ઉપરાંત, શાળામાં રાખડી બનાવવાની પ્રવૃત્તિ, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી,ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શાળામાં સલામતી અંગેનું માર્ગદર્શન સહિતની પ્રવૃત્તિ કરાઇ. > દિપેશ પટેલ, આચાર્ય
આયોજન:કેસલી ગામના શિક્ષકને કલા અને સંગીત ક્ષેત્રે રાજ્યનો એવોર્ડ
ભાસ્કર ન્યૂઝ । નવસારી કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો. ગુજરાત રાજ્યકલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનોનું શાબ્દિક પરિચય આપ્યો હતો. શુકદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રુચિના વિષયમાં આગળ આવે અને માતા પિતા તેનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે છે તેમ જણાવ્યું હતું. નાયબ દંડક રમણભાઈ સોલંકીએ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ચિત્રકલા નું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના બે ત્રણ પ્રશ્નો છે. તેને ઉકેલની દિશામાં વિચારશે અને આગળ રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લામાંથી વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવા તથા કલા તથા સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ કેસલી ગામ તથા સુરતના એક્સપરિમેન્ટલ સ્કૂલના સંગીત/ચિત્ર શિક્ષક અજયકુમાર એચ પટેલને વિશિષ્ટ શિક્ષક તરીકે પસંદગી કરી કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર તથા કર્ણાવટી યુનિવર્સિટીના પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવીના હસ્તે એવોર્ડ, સર્ટિફિકેટ, મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તથા શાળાના વિદ્યાર્થી દવે રુદ્ર ભાવેશભાઈને દ્રશ્ય ચિત્ર કલાકારનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દુષ્પ્રેરણાની ફરિયાદ:રામોલમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાધો
રામોલમાં રહેતી પરિણિતાને દહેજ, ઘરકામ તેમજ સંતાન બાબતે શારિરિક - માનસિક ત્રાસ આપતા સાસરીયાઓથી કંટાળીને પરિણિતાએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિણિતાના અગાઉ બે વખત લગ્ન થઈ ચૂકયા હતા. પરંતુ પતિ તેમજ સાસરીયા સાથે મન મેળ નહીં રહેતા છુટા છેટા લઈ લીધા હતા. ત્યારબાદ ત્રીજી વખત લગ્ન કર્યા હતા. જેના સવા વર્ષમાં જ સાસરીયાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. મહેસાણામાં રહેતા પ્રહલાદભાઈ પ્રજાપતિ(55) ની દીકરી પાયલ(28) ના પહેલા લગ્ન 2015 માં થયા હતા. પરંતુ પતિ સાથે મન મેળ નહીં રહેતા અઢી વર્ષમાં છુટા છેડા લઈ લીધા હતા. ત્યારબાદ 2028 માં બીજા લગ્ન કર્યા હતા. તેમાં પણ પતિ અને સાસરીયા ત્રાસ આપતા હોવાથી 2022 માં છુટા છેડા લઈ લીધા હતા. ત્યારબાદ 28 જાન્યુઆરી 2024 ના રોજ પાયલના ત્રીજા લગ્ન રામોલ ન્યૂ મણિનગર માતૃસાનિધ્ય ફલેટમાં રહેતા બિજલભાઈ પ્રજાપતિ સાથે થયા હતા. લગ્ન બાદ દહેજ, ઘરકામ તેમજ સંતાન બાબતે પતિ, સાસુ કૈલાબહેન, સસરા કૈલાસભાઈ, દીયર બાદલભાઈ અને નણંદ પૂજાબહેન અવાર નવાર પાયલને ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. પાયલ જ્યારે પીયરમાં આવે ત્યારે આ લોકોની ફરિયાદ કરતી હતી. પરંતુ અગાઉ પાયલના 2 વખત છુટા છેડા થઈ ગયા હોવાથી ત્રીજી વખત તેનો ઘર સંસાર બગડે નહીં તે માટે માતા - પિતા અને બહેનો તેને સમજાવીને સાસરીમાં મોકલી દેતા હતા. દરમિયાનમાં તા.24 માર્ચના રોજ પાયલે સાસરીમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પ્રહલાદભાઈ પ્રજાપતિ એ પાયલના પતિ, સાસુ, સસરા, દીયર અને નણંદ વિરુધ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં દૂષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
કાર્યવાહી:અંજાર નગરપાલિકાએ 19.13 કરોડના માગણા સામે 6.85 કરોડની વસૂલાત કરી
અંજાર નગરપાલિકા દ્વારા દર વર્ષે મિલકત ધારકોને વેરા સમયસર ચુકવી આપવા અપીલો કરવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં દર વર્ષે કરોડો રૂપિયાનું માગણું બાકી જ રહેતું હોય છે, આ વર્ષે પણ અંજાર નગરપાલિકાએ 19 કરોડ 13 લાખ 61 હજાર 035 ના માગણા સામે રૂ.6 કરોડ 85 લાખ 58 હજાર 196 ની વસૂલાત કરી હતી. દર વર્ષનની જેમ નાણાકિય વર્ષના અંતે રૂ.12 કરોડ 28 લાખ 02 હજાર 839 નું માગણું પેન્ડિંગ રહ્યું છે. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ 35.827 ટકાની વસૂલાત માર્ચના અંત સુધી કરી શકાઇ છે. નાણાકીય વર્ષના અંતે આપવામાં આવતા ટાર્ગેટ પ્રમાણે કર્મચારીઓની ટીમ રાત દીવસ તેમજ રજાના દિવસોમાં પણ વસૂલાતની કામગીરી કરતા હોય છે પરંતુ અમુક વર્ગ વર્ષોથી વેરા ભરવામાં માનતા જ ન હોય તેમ વેરા ભરતા નથી , બીજી તરફ નોટિસો આપવા છતાં વેરા ન ભરનાર 17 મિલકતધારકોના પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નખાયા હતા. પરંતુ તેમ છતાં કરોડોનો બાકી રહેતો વેરો બાકી જ રહેતો હોય છે તે કમનસીબી છે. બોક્સ: પાલિકા જેનો વેરો સૌથી વધુ બાકી છે તે જાહેર કરે તો મોટા ધડાકા થાય અત્રુે ઉલ્લેખનિય છે કે અંજાર પાલિકા દ્વારા વેરા વસૂલાત માટે અપીલો કરાય છે, કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ અપાતી હોય છે તેમ છતાં અમુક મિલકતધારોકોના ઘણા વર્ષોથી વેરા ભરવાના બાકી હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે , એવી પણ ચર્ચા ઉઠી ચુકી છે કે જે મિલકતધારોકોના સૌથી વધુ અને જુના વેરા ભરવાના બાકી હોય તે મિલકતધારકોના નામ જો જાહેર કરે તો મોટા ધડાકા થાય તેમ છે. 12 કરોડ 28 લાખ હજી વસૂલવાના બાકી : આટલી અપીલ છતાં 35 ટકા જ વસૂલાત થઇ પાણી અને ગટરનો વેરો 92.90 લાખ બાકી બોલે છે આ વર્ષે વેરા વસૂલાતની કામગીરી અંતે પાણીનો રૂ.72,67,377 અને ડ્રેનેજનો વેરો રૂ.20,23,508 એમ કુલ રૂ.92,90,885 પાણી અને ગટરનો બાકી વેરો બોલે છે. જો કડક કાર્યવાહી કરી બાકીદારોના કનેક્શન કોઇની સેહ શરમ રાખ્યા વગર કાપવામાં આવે તો બાકીદારો વેરા ભરવા ગંભીર બને તેવી ચર્ચા પણ પાલીકાના આંતરીક સૂત્રોમાં સંભળાઇ હતી.
અકસ્માત:રાતા તળાવમાં ગૌસેવા અર્થે રૂ.6.12 કરોડના દાનની જાહેરાત
અબડાસા તાલુકાના પ્રવેશદ્વાર એવા રાતા તળાવમાં ચાલતા સેવાધામની ગૌસેવાની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ દાતા દ્વારા રૂ.6.12 કરોડના અનુદાનની જાહેરાત કરાઈ હતી. આ રકમ આગામી જન્માષ્ટમીથી દર મહિને 51-51 લાખ કરી સંસ્થાને અર્પણ કરાશે. આ તકે દાતાઓના સત્કાર સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીનાથજીના ભક્ત ધનલક્ષ્મીબેન કરશનદાસ મંગે પરિવાર દ્વારા ગૌસેવા અર્થે રૂ.6.12 લાખના અનુદાનની જાહેરાત થઈ છે. આ અનુદાન બદલ દાતા નિલેશભાઈ તથા તેમના પરિવારનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. સાથે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાતાતળાવ આશાપુરા મંદિરે ઘટસ્થાપન કરાયું હતું. આ કાર્યમાં દાતા અને સંસ્થા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવનારા ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ અને જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારિયા, બાબુભાઈ, હંસરાજભાઈનું પણ સન્માન કરાયું હતું. દાતા પરિવારના નિલેશભાઈએ સંસ્થાના ગૌસેવા કાર્યમાં સહભાગી થવા બદલ તેમજ રાતાતળાવે જામનગર મહાપાલિકાના ગૌવંશ સ્વીકારવા બદલ મનીષભાઈએ સંસ્થાનો આભાર માન્યો હતો. સંસ્થાના સેવકગણો મનજીભાઈ, ઉમરશીભાઈ, મહેશભાઈ, વાલજીભાઈ, મોહનભાઈ પટેલ, ગોવિંદભાઈ, કનૈયાભાઈ, ગજુભા જાડેજા વગેરેએ મહેમાનો, મહાજન મંડળો, શાળા પરિવારો તેમજ ટ્રસ્ટી આશારિયા લાલજી વડોર દ્વારા 60 દિવસ સુધી રોજ એક ટેમ્પો લીલોચારો, આઈ દેવલમા જીવદયા સત્સંગ સમિતિ ભુજના અરવિંદભાઈ ગોર વતીથી દરવર્ષે ઉનાળાના પ્રારંભથી વરસાદ સુધી મોકલાતા લીલાચારાના દાન બદલ સન્માન કરાયા હતા. કચ્છ કડવા પાટીદાર સામજના ગૌદાન ગ્રુપ, કરશનભાઈ નારાણભાઈ છાભૈયા પરિવાર (આસંબિયા), નવીનભાઈ આઈયા (ભુજ), તુલસીદાસ જોશી (ભુજ), વિનોભાઈ પરસોત્તમ સોલંકી (માધાપર), ચંદુમા (ગઢશીશા) જેવા નામી-અનામી દાતાઓને પણ યાદ કરાયા હતા. આ પ્રસંગે ભીમપર-બાલાચોડ પ્રાથમિક શાળા પરિવાર, ગાંધીધામ, નલિયા, વમોટી, હમીરપર, બિટ્ટા, ભવાનીપર, સાંધાણ, બાલાચોડ, ભાચુંડા, મોથાળા, ધનાવાડા, નરેડી સહિતના વિવિધ ગામના ભાનુશાલી અને જૈન મહાજન મંડળ, ભાનુશાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેશભાઈ (સેલવાસવાળા) અને આભારવિધિ નલિયા મહાજનના પરેશભાઈએ કર્યા હતા. વસંતભાઈ, શિવજીભાઈ, હંસરાજભાઈ, કનુ બાવાજી, જગદીશભાઈ, મોહનભાઈ, હિંમતભાઈ, કરણભાઈ, વિપુલભાઈ, શંકરભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. જન્માષ્ટમીથી દર મહિને 51-51 લાખ કરી સંસ્થાને અર્પણ કરાશે: દાતાઓનું સંસ્થા દ્વારા કરાયું સન્માન
30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. રાજસ્થાન દિવસની યાદગાર ઉજવણીસુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓ એ અનોખું આયોજન કર્યું છે. ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે. ઘુમ્મર નૃત્યનો જયપુરનો રેકોર્ડ સુરતમાં તૂટ્યોઆ પહેલા રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેરે તોડી નાખ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલીયા ફોક નૃત્યનાં સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા આવ્યા હતા. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસર્યા હતા, સાથે બોલીવુડનાં ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા. રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 12,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરવામાં આવી હતી, જે એક નવો કીર્તિમાન બન્યો છે. બનારસનાં ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી.અને સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા, અંદાજે 2 લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકોટની એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામા આવ્યો છે. હરિયાણાના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના રૂ.70 લાખની ફેસબુક દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કરાવી નાણા પરત ન મળતા ઠગાઈના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓએ રાજકોટનાં હેર શેમ્યુ મેન્યુફેક્ચરના વેપારી હર્ષદભાઈ હોથીનુ નામ આપ્યું હોવાથી હરિયાણા સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ આવી હતી. જોકે, તે વખતે તેઓ ઘરે હાજર ન હતા. આ દરમિયાન વેપારીએ વકીલને રોકી રાજકોટની એડીશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી. જેમાં જયારે કોઈ વ્યકિતને મુસાફરી કરતી વખતે અથવા અધિકાર ક્ષેત્રમાં ફરતી વખતે ધરપકડમાંથી કામચલાઉ રાહતની જરૂરીયાત જરૂર હોય ત્યારે ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી મંજુર કરી શકાય તેવી દલીલોને ધ્યાનમાં રાખી હરિયાણાના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુન્હામાં 15 દિવસના ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવ્યા છે. જે ખૂબજ અપવાદ રૂપ કિસ્સો ગણી શકાય. રાજકોટ શહેરમાં રહેતા અને હેર શેમ્પુનું મેન્યુફેક્ચરનો વેપાર કરતા વેપારી હર્ષદ હોથીને હરીયાણા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુન્હામાં હરિયાણા પોલીસે રાજકોટ આવી અન્ય આરોપીઓને ધરપકડ કરી ગુજરાતના અલગ-અલગ જીલ્લાનાં આરોપીની આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાંથી એક આરોપીની ધરપકડ કરતા હરિયાણા પોલીસ હર્ષદભાઈના ઘરે તપાસ કરતા તેઓ ઘરે હાજર ન હોય પોલીસે તેમને ફોન કરી ગુન્હામાં જે આરોપીની ધરપકડ કરી છે. તેને તમારુ નામ આપેલ છે. તમારે અમારી સાથે હરિયાણા આવવાનું છે. જેથી હર્ષદભાઈ ખૂબ જ ડરી ગયા હતા અને તેમણે કોઈ ગુન્હો કરેલ નથી છતા ખોટા ગુન્હામાં સંડોવવામાં આવી રહ્યા છે એવું જણાતા ખરેખર હરિયાણા પોલીસ હતી કે બીજા કોઈ તેમના નામની ઓળખ આપતા હતા. આનાથી માલૂમ પડ્યું કે હરીયાણાના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક ઈન્વેસ્ટમેન્ટ માટેની જાહેરાત જોતા તે જાહેરાતમાં આપેલા અલગ-અલગ મોબાઈલ નંબરો પર પોતે સંપર્ક કરી કટકે-કટકે રૂ. 70 લાખ ઉપરનું રોકાણ કર્યુ હતું. આ રોકાણ કર્યા બાદ જાહેરાતમાં આપેલ ફોન નંબર બંધ આવતા અને તેમણે આપેલ પોતાની એપ્લિકેશનથી પૈસા પણ ન ઉપડતા ત્યાં હરિયાણાના ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં રૂ. 70 લાખ ઉપરની ઠગાઈ થયાની ફરીયાદ આપી હતી. જેમાં આ નાણા ઓનલાઈનની મદદથી અલગ-અલગ એકાઉન્ટમાં ગુજરાત તથા અન્ય રાજ્યોના લોકોનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેની તપાસમાં હરિયાણા આગોતરા જામીન માટે અને પોતે આ ગુન્હામાં કોઈ રોલ ન હોય પોતાને ખોટા કેસમાં ફીટ કરવા માંગતા હોય તેથી તેમણે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી. ચાવડા ને હરિયાણાના ગુન્હામાં આગોતરા માટે વકીલ તરીકે રોક્યા હતા. જેઓએ રાજકોટથી હરિયાણાના કોર્ટમાં જતા સુધીમાં ગુજરાત કે હરિયાણા પોલીસ પોતે બાય પ્લેન, ટ્રેન કે બસ દ્વારા મુસાફરી કરતા હોય અને ટ્રાવેલીંગ દરમિયાન જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેઓનાં ભારતના નાગરિક હોય ભારતીય બંધારણીય મુજબનાં હકકો તેમને મળવા જોઈએ અને પોતે નિર્દોષ છે, જે સાબિત કરવા કોર્ટ કાર્યવાહી કરવા હરિયાણા જવુ પડે તેમ હોય જેથી કાયદાકીય રક્ષણ મેળવવા ટ્રાન્ઝિટ બેલના આગોતરા જામીનની અરજી રાજકોટ એડીશન સેશન્સ કોર્ટમાં દાખલ કરી. જેમાં ગુજરાત સરકાર વતી સરકારી વકીલ,હરીયાણા સરકાર વતી સરકારી વકિલ આ ગુન્હાની તપાસ કરનાર અધિકારી તથા આ ગુન્હાના મુળ ફરીયાદીને રાજકોટ એડીશનલ સેશન્સ કોટમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી સબંધે રાજકોટ કોર્ટમાં હાજર રહેવા નોટીસ ઈસ્યુ કરી હતી અને ત્યારબાદ બધાને નોટિસ બજી જતા હરીયાણાનાં ગુરુગ્રામ સાઈબર ક્રાઈમ પોલીસ તરફથી આ જામીન નામંજુર કરવા સોગંદનામા સાથે વાંધા રજુ કરવામા આવ્યા હતા કોર્ટ તરફથી સુનાવણી હાથ ધરાતા અરજદાર હર્ષદ અરજણભાઈ હોથીના એડવોકેટ દ્વારા દલીલો કરવામા આવી. જેમાં જણાવ્યું કે, આપ કોર્ટને ટેરીટોરીયલ જયુરીશડીકશન છે. અરજદાર રાજકોટના સ્થાનિક રહેવાસી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ અમારા દ્વારા રજુ થયેલ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપ કોર્ટને આ જામીન અરજી સાંભળવા તથા તેનો નિકાલ કરવા પૂરતી સત્તા અને અધિકાર છે તેમજ વધુમાં જણાવેલ કે, જે એફ.આઈ.આર. થયેલ છે. તેમાં ધરપકડનો ભય છે. અરજદાર સામે કોઈ પ્રથમદર્શી કેસ બનતો નથી. જેથી, અરજદાર હરિયાણા ગુરુગ્રામ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવા માંગે છે. ગુરુગ્રામ જતા રસ્તામાં ધરપકડનો ભય છે અને ટ્રાન્ઝિટ જામીન અરજી હતી. સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા આ અંગે રજુ કર્યા હતા. સરકાર પક્ષની મહત્વની રજુઆત એવી હતી કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે. તેથી ટ્રાન્ઝિટ આગોતરા જામીન મેળવવા હકદાર નથી, સાયબર ક્રાઈમ દિવસે ને દિવસે વધી રહયો છે તેમજ ગુનામાં અરજદારની સંડોવણી પ્રથમ દ્રષ્ટિએ સ્થાપિત થાય છે. અરજદારની ટ્રાન્ઝિટ આગોતરા ખર્ચ સાથે નામંજુર કરવા ભાર આપવામાં આવ્યો હતો બંને પક્ષોની દલીલો સાંભળયા બાદ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ કે, જયારે કોઈ વ્યક્તિને મુસાફરી કરતી વખતે અથવા અધિકારક્ષેત્રમાં ફરતી વખતે ધરપકડમાંથી કામચલાઉ રાહતની જરૂરિયાત જરૂર હોય ત્યારે ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી મંજુર કરી શકાય છે અને જો ન્યાય અને ન્યાયનાં સિધ્ધાંતો આરોપીને કામચલાઉ રક્ષણ પૂરુ પાડે છે. જેનાથી બિનજરૂરી જોખમ વિના કાનુની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે તો કોર્ટ ટ્રાન્ઝિટ આગોતરા આપી શકે છે. જેથી અરજદારની અરજી ન્યાયોચિત જણાતા રાજકોટના એડી.સેશન્સ જજ ડી.એસ.સીંગે ટ્રાન્ઝિટ આગોતરા જમીન 15 દિવસ માટે મંજુર કરવાનો હુકમ ફરમાવ્યો છે.
'જો ઈરાન પરમાણુ કરાર નહીં કરે તો બોમ્બમારો કરીશું', ન્યુક્લિયર ડીલને લઈને ટ્રમ્પની ધમકી
Donald Trump Threatens Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપી દીધું છે. તેમણે સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય, તો બોમ્બમારો કરવામાં આવશે. આ ઉપરાંત, તેને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. ન્યૂઝ એજન્સીના અનુસાર, NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ઈરાન સંમત નહીં થાય તો બોમ્બમારો થશે. જો ઈરાન સંમત નહીં થાય, તો હું ફરીથી તેમના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું.
હાલમાં કાળજાળ ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરા શહેરમાં આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. સમી સાંજ પડતા જ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહેલ સીટી બસ સ્ટોપમાં સ્પેરમાં રહેલ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. ઉપરથી વીજ વાયર પસાર થાય છે અને ઇલેક્ટ્રિક વીજ વાયર પણ બસ પર પડ્યો હતો ત્યારે આ આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ આ આગ ભભૂકી ઉઠતો અફરા તફરી મચી જવા પામી હતી. ફાયરની ટીમે વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી બસ સેવા જનમહેલમાં પાર્કિગમાં અને સ્પેરમાં રાખેલી સીટી બસમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની જાણ થતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. ઉપરથી વીજ પ્રવાહ પસાર થતો હોવાથી વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વીજ વાયર તૂટતા આગ લાગી હોવાની સંભાવનાઆ અંગે વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારી બસ સવારથી આ જગ્યા પર ઊભી હતી. આ બસમાં કોઈ હોતું નહીં, આ બસ એની રૂટમાં જતી બસની સ્પેરમાં હતી. બસ પર વીજ વાયર તૂટતા આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આગ કાબુમા આવી છે, પરંતુ આ બસ બળીને ખાખ થતા 10 લાખથી વધુનું નુકસાન થયું છે. 24 કલાકમાં નાના-મોટા આગના 9 કોલ મળ્યા મહત્વની બાબત છે કે, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે ત્યારે વડોદરા ફાયર વિભાગને પણ વધુ કોલ મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નાના-મોટા આગના 9 કોલ મળ્યા છે. જેમાં સેન્ટિંગના તંબુમાં આગ, જંબુસર જીઆઈડીસી,શોર્ટસાર્કિટ, મકરપુરા લાકડાંના પીઠામાં આગ, ભાયલી કચરામાં આગ સાથે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કચરાની ગાડીમાં આગ સાથે દેણા ચોકડી પાસે ટ્રક સળગવાનો કોલ મળ્યો હતો.
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ અસહ્ય ગરમીમાં મહારાજા શિવ ગંગા ગ્રુપે માનવતાનું કાર્ય શરૂ કર્યું છે. ગ્રુપે કલાલ દરવાજા વિસ્તારમાં આરો પાણીની ઠંડી પરબ શરૂ કરી છે. આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે. અહીં અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે. વર્તમાન સમયમાં પાણીની એક બોટલની કિંમત ₹20 છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આટલી કિંમત ચૂકવવી મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાજા શિવ ગંગા ગ્રુપે નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા કરી છે. આ પહેલથી દૂરથી આવતા દર્દીઓ અને તેમના સગાઓને મફત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. ગરમીના દિવસોમાં આ સેવા વિશેષ ઉપયોગી સાબિત થઈ રહી છે. સ્થાનિક લોકો આ માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.
મોડાસામાં સિંધી સમાજના ચેટીચાંદની ઉજવણી:જુલેલાલની શોભાયાત્રા, બાઇક રેલી અને મહા આરતી સાથે ભવ્ય ઉજવણી
મોડાસામાં સિંધી સમાજે ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસે ઉજવાતા આ પર્વમાં સિંધી સમાજના ગુરુ જુલેલાલની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજની વાડીમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો એકત્રિત થયા હતા. અહીં જુલેલાલની તસ્વીરની આરતી અને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ બાઇક રેલી સાથે વાજતે-ગાજતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા મોડાસા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ દરમિયાન 'આયોલાલ જુલેલાલ'ના નારા સાથે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. સિંધી સમાજના ભાઈ-બહેનોએ નૃત્ય અને ગાન સાથે ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન મળેલ ચોક્કસ હકીકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે નીતેશ શાંતિલાલ ખરાડી (ઉ.વ.23 રહે-ફતેપુરા ગામ, તા.જી.બાંસવાડા રાજસ્થાન) અને ગણપત ઉર્ફે ગણેશ સ/ઓ અભીયાભાઇ ઉર્ફે અબુભાઇ મઇડા (ઉ.વ.25 રહે- હાલ મુંજકા-ઇશ્વરીયા રોડ, પુજા મંડપ સર્વિસના ગોડાઉનમાં, રાજકોટ શહેર મૂળ રહે- હેરાપાડા ગામ, સંગ્રોડ પંચાયત, તા.જી.બાંસવાડા, રાજસ્થાન)ને જામનગર રોડ ખાતેથી પકડી પાડયો હતો. રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતકબીર રોડ પર ઇમીટેશન માર્કેટમાં આવેલ ડેનીશા સેલ્સ, ગણપતી સેલ્સ તથા મીત્તલ જવેલરી નામની 3 દુકાનોમાં એક સાથે થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જોકે હજૂ રામેશ્વર ઉર્ફે રમેશ નાથુ નીનામાં (રહે-મલવાસા ગામ તા.જી. બાંસવાડા, રાજસ્થાન) ને પકડવાનો બાકી છે અને રૂ. 10,000ની રોકડ કબ્જે કરી છે. રાજકોટમાં 2 યુવતી, યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટના ભાવનગર રોડ ઉપર મનહર સોસાયટીમાં રહેતી 23 વર્ષની મિતલબેન કિશોરભાઈ સરવૈયા આજે બપોરે 12.30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોથી ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યુ હતું. આ જ રીતે નવાગામમાં રહેતાં 35 વર્ષનાં ચંદ્રિકાબેન ભીમજીભાઈ પરસાણા આજે સવારે 5 વાગ્યે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમને કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું જ્યારે ત્રીજા બનાવમાં રાજકોટ શહેરના ચુનારવાડ ચોક પાસે લાખાજી રાજ ઉદ્યોગ નગર શેરી નંબર 3 માં રહેતા 40 વર્ષના ભરતભાઈ બીજલભાઇ ભીલે કોઈ કારણોથી ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજયું હતુ. જેતપુરમાંથી 564 વિદેશી દારૂની બોટલ સાથે 1 ઝડપાયોજેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જેતલસર ગામ માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 564 તથા બીયર ટીન 12 સાથે કુલ રૂ.5,84,420 ના વિદેશી દારૂ સાથે જસકુભાઇ જીતુભાઇ હુદડ (જાતે-કાઠી દરબાર રહે. જેતલસર, તા.જેતપુર, જી.રાજકોટ) ને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો હતો. જ્યારે કિશન ચીમનભાઇ સેંજલીયા, (જાતે- પટેલ, રહે. જેતલસર ગામ, તા.જેતપુર) અને વનરાજ કાઠી દરબાર (રહે. ધારી) ને ઝડપવાના બાકી છે. જુગાર રમતા 3 મહિલા સહિત 9 શખ્સો રૂ. 2.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાવિરપુર પોલિસ સ્ટેશનના ઉમરાળી ગામની સીમ વિસ્તારમાંથી 9 જુગારીઓને રોકડ રૂ.85,500 મળી કુલ રૂ. 2,85,500 ના મુદામાલ સાથે જુગારનો અખાડો રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. જ્યાંથી સંકેત મુળજીભાઇ સોજીત્રા,મેરામણ, કિશોર મગનભાઇ કુંડલીયા, મહેશ ભુરાભાઇ ભોજાણી, ધર્મેન્દ્રસિંહ મંગળસિંહ સોલંકી,સતીબેન દેવાયતભાઇ ડાંગર, વાલીબેન ઉર્ફે શાંતીબેન પરબતભાઇ કેશવાલા, કમુબેન ઉર્ફે કંચનબેન મહેશભાઇ ભોજાણી અને હંસાબેન મુકેશભાઇ મણવરને પકડી પાડયા હતા.
ભાજપના નવા સંગઠનની રચનાના પગલે ગુજરાત ભાજપ દ્રારા વિવિધ શહેર, જિલ્લા, તાલુકા તેમજ વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે કેટલાક જિલ્લા તાલુકા તેમજ વોર્ડ પ્રમુખોની જાહેરાત બાકી છે ત્યારે આજે 30 માર્ચ રવિવારના રોજ રાજકોટ, પોરબંદર, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર જામનગર જિલ્લાના તાલુકા, વોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં પણ બાકીના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે હજી સુધી અમદાવાદ શહેર અને મહાનગરપાલિકાના નવ જેટલા વોર્ડના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત ભાજપ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દ્વારા વિવિધ જિલ્લા અને મહાનગરોના તાલુકા તેમજ વર્ડ પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી છે જેઓની યાદી નીચે મુજબ છે.
નર્મદામાં ગાંજાની હેરાફેરી:29 કિલો ગાંજા સાથે કાર ચાલક ધરપકડ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. એસઓજી શાખાએ 29 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી દેવદત્ત આનંદ પુરી ઉમરવા ગામના રણછોડજી મંદિરમાં રહે છે. તે મૂળ ઝગડીયા રાજપારડી જ્યોતિનગરનો વતની છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી પોતાની કારમાં ગાંજો લઈને નાવરા ગામથી નવા રાજુવાડીયા તરફ જઈ રહ્યો છે. નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાએ નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ.શિરસાઠ અને પીએસઆઈ એચ.કે.પટેલની ટીમે આરોપી પાસેથી 29.159 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજાની કિંમત 2,91,590 રૂપિયા છે. પોલીસે આરોપીની કાર અને મોબાઈલ સહિત કુલ 5,06,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમલેથા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં ACમાં આગ લાગતા અફરાતફરી:શ્યામ સુંદર પેલેસના ફ્લેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાં આજે સવારે એક ગંભીર અગ્નિકાંડ સર્જાયો હતો. શ્યામ સુંદર પેલેસના બીજા માળે આવેલા એક ફ્લેટમાં સવારે છ વાગ્યાના સુમારે એરકન્ડિશનરમાં આગ લાગી હતી. સ્થાનિક રહીશે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, એરકન્ડિશનર ઓવરહીટ થવાના કારણે શોર્ટ સર્કિટ થયું હતું. આ કારણે એરકન્ડિશનર અને ઘરની અન્ય વસ્તુઓને નુકસાન થયું હતું. સદ્ભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
દાહોદ-અલીરાજપુર હાઈવે પર મોટી ખરજ ગામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગરબાડાથી દાહોદ તરફ કેળાં ભરીને જતી આઈશર ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે ટ્રક ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં તેણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જોકે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. દાહોદ-અલીરાજપુર હાઈવે પર વાહન ચાલકોની બેદરકારી અને ગફલતના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવે દ્વારા હિંમતનગર-ખેડબ્રહ્મા મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. રવિવારે હિંમતનગરથી વડાલી સુધીના રૂટ પર લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. બપોરે 3:30 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશન પરથી અધિકારીઓના પૂજન-અર્ચન બાદ લોકો ટ્રાયલનું પ્રસ્થાન થયું. આ ટ્રાયલ હિંમતનગર-ઇડર-વડાલી વચ્ચેના 44.5 કિલોમીટરના અંતર માટે કરવામાં આવી. લોકો વડાલી સ્ટેશન, યાર્ડ અને ઓવરબ્રિજ પરથી પસાર થઈને વડાલી પહોંચી અને ત્યાંથી હિંમતનગર પરત ફરી. કુલ 55.82 કિલોમીટરના હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટમાં હાલ વડાલી સુધી નવી રેલ લાઈન નાખવામાં આવી છે. સ્ટેશન અને ઓફિસનું કામ પણ પ્રગતિમાં છે. લોકો ટ્રાયલ બાદ સ્પીડ ટ્રાયલ અને CRS ઇન્સ્પેક્શન થશે. પ્રોજેક્ટ જૂન મહિનામાં પૂર્ણ થવાની આશા છે. સ્થાનિક રહેવાસી દેવલ ગોરે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી હિંમતનગરથી જાદર અને ખેડબ્રહ્મા સુધીની મુસાફરી સરળ બનશે. મુસાફરો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થશે. તેમણે ઉમેર્યું કે રેલવે મુસાફરી દરમિયાન હરિયાળી અને સુંદર દૃશ્યોનો આનંદ માણી શકાશે.
રમઝાન માસમાં બાળકોની અનોખી ઈબાદત:વાગરા-જંબુસરના 10થી 13 વર્ષના ત્રણ બાળકોએ આખા મહિનાના રોજા રાખ્યા
ભરૂચ જિલ્લામાં રમઝાન માસ દરમિયાન નાના બાળકોએ પણ આસ્થા અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાગરા તાલુકાના વાટા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય નસીરા જાવીદ સિંધા તેમજ જંબુસર તાલુકાના દહેગામના 10 વર્ષીય સાહીલ અને 13 વર્ષીય સેફ અલાઉદીન ચોક્સીએ આકરી ગરમીમાં પણ આખા મહિનાના રોજા પૂર્ણ કર્યા છે. ધોમધખતા તાપમાં શરૂ થયેલા આ પવિત્ર માસમાં નાની નસીરાએ દિવસભર ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઈબાદત કરી. તેણે 29 રોજા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. નસીરાની આ સાધનાએ સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. દહેગામ ગામના સાહીલ અને સેફ બંને ભાઈઓએ પણ નાની ઉંમરે આખા મહિનાના રોજા રાખી લોકોના હકમાં દુઆ કરી. ત્રણેય બાળકોની આ સાધનાને બિરદાવતા તેમના પરિવારજનોએ ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું છે. મુસ્લિમ સમાજમાં આ નાના બાળકોએ રાખેલા રોજાએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આકરી ગરમીમાં પણ આટલી નાની ઉંમરે બાળકોએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
માલ ખરીદી પૈસા ન આપ્યા:વેપારી પાસેથી ઠગ પિતા પુત્રોએ 4.05 કરોડનું કેમિકલનું મટીરિયલ ખરીદી ઠગાઈ કરી
નારોલમાં કેમિકલ કંપની ચલાવતા વેપારી પાસેથી વિરમગામમાં ટીસ્યુ પેપર બનાવતી કંપનીના માલિકે રૂ. 4.05 કરોડનું કેમિકલનું મટીરીયલ્સ ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી છે. વેપારીએ રૂપિયાની માંગણી કરતા વિરમગામની કંપની થોડાઘણા રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના રૂપિયા ચુકવવા માટે બહાના બતાડવા લાગ્યા હતા. તપાસ કરતા જે કંપનીમાં કેમિકલનું મટીરીયલ સપ્લાય કર્યું હતું, તેના માલિકો આ સિવાય બીજા ત્રણ વેપારીઓ સાથે પણ ઠગાઈ આચરી ચૂક્યો છે. આ અંગે વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણેય ઠગ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાપ-દીકરાની ઠગ ટોળકીએ રૂપિયા આપવા બહાનાબાજી કરીસેટેલાઈટમાં રહેતા હરનેશ મહેતા નારોલમાં કેમિકલની કંપની ધરાવી ધંધો કરે છે. વર્ષ 2021માં તેમના ઓળખીતા વ્યક્તિ મારફતે વિરમગામની ટીસ્યુ પેપર બનાવતી કંપનીના માલિકો સાથે પરિચય કરાવ્યો હતો. જે બાદ બંને વેપારીઓ વચ્ચે ધંધાકીય સંબંધો શરુ થયા હતા. જેમાં નારોલની દીપ કેમિકલ કંપનીએ વિરમગામની આ પેપર મિલ કંપનીને રૂ.1.51 કરોડનું કેમિકલ વર્ષ 2022 વેચ્યુ હતું. બાદમાં વિરમગામની કંપનીના માલિક એવા બાપ દીકરાની ઠગ ટોળકીએ વેપારીના રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાડવા લાગ્યા હતા. બાદમાં નારોલના વેપારીએ બાંયો ચઢાવી અને ટીસ્યુ પેપર બનાવતી કંપનીના ઠગ બાપ અને તેના બે દીકરા વિરુદ્ધ લિગલ નોટીસ ઈ-મેઈલ તથા આરપીએડીથી મોકલી આપી હતી. 4.05 કરોડની ઠગાઈની ફરિયાદ નોધાવી ગભરાઈ ગયેલા આરોપીઓ વેપારીને મળવા આવ્યા અને લોન લઈને ચુકવણી કરી દેવાની બાહેંધરી આપી અને પેનલ્ટીના અડધા રૂપિયા ચૂકવીને ગયા હતા. ત્યારબાદ વેપારીએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે,વિરમગામમાં કંપની ચલાવતા ઠગ બાપ દીકરાની જોડીએ અન્ય ત્રણ વેપારીઓ સાથે પણ આજ પ્રકારે મટીરીયલ લઈને રૂપિયા ચૂકવ્યા નહી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તમામે ભેગા થઇને નારોલ પોલીસ સ્ટેશનમાં લલિત સોની, ચંદ્રેશ સોની તથા જય સોની સામે રૂ. 4.05 કરોડની ઠગાઈની ફરિયાદ નોધાવી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં સાવકા પિતાએ પોતાની 16 વર્ષની સગીર પુત્રી સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતો હતી. પુત્રીને અશ્લીલ વીડિયો બતાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરતો હતો. સગીરાને ધમકી આપતો હતો કે, આ અંગે કોઇને જાણ કરીશ તો લેપટોપમાં તારા નગ્ન વીડિયો છે તે તારી માતાને બતાવી દઇશ. આ અંગે સગીરાની માતાએ સાવકા પિતા સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પહેલા પતિ સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યાશેલામાં 40 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પહેલા લગ્ન રાજસ્થાનના યુવક સાથે થયા હતા. જેમાં તેને સંતાનમાં 16 વર્ષની પુત્રી છે. જે બાદ પતિ સાથે મનમેળ ન આવતા છુટાછેડા લીધા હતા અને બાળકીને લઇને પિયરમાં રહેવા આવી હતી. બાદમાં મહિલા જ્યાં નોકરી કરતી ત્યાં એક યુવક અવારનવાર આવતો હોવાથી તેની સાથે મુલાકાત થઇ અને પ્રેમસંબંધ બંધાતા પ્રેમલગ્ન કર્યા હતા. બંનેના બીજા લગ્ન હતા. બાદમાં પતિ-પત્ની બાળકો સાથે આંબાવાડીમાં રહેતા હતા અને તે પછી શેલા રહેવા આવ્યા હતા. સગીરા ગુમસુમ રહેતા માતાએ પૂછપરછ કરતાં સત્ય સામે આવ્યુંપત્નીએ પતિને રાત્રીના સમયે બેથી ત્રણ વખત 16 વર્ષની પુત્રીના રૂમમાંથી બહાર નીકળતા જોયા હતા. જેથી પત્નીએ પતિને પૂછતા કહ્યુ કે, હું તેની દેખરેખ માટે તેના રૂમમાં જાઉ છું. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી સગીરા ગુમસુમ રહેતા માતા પુત્રીને બહાર ફરવા લઇ જઇને પૂછતા તેણે જણાવ્યું કે, તમારા લગ્નના બે મહિના બાદ પિતા મને શારીરિક અડપલા કરતા હતા અને અશ્લીલ વીડિયો બતાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા હતા. આટલું જ નહિ છેલ્લા 8 વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. ઉપરાંત કોઇને જાણ કરીશ તો લેપટોપમાં તારા નગ્ન વીડિયો છે તે તારી માતાને બતાવી દઇશ એવી ધમકી આપતા હતા. આ અંગે પત્નીએ પતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સિંધી સમાજવાડીથી પ્રારંભ થઈ હતી. શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલ જ્યોત સાથે રથમાં બિરાજમાન હતા. શોભાયાત્રામાં નાસિક બેન્ડ અને ડીજેના તાલે યુવક-યુવતીઓ અને વડીલો જોડાયા હતા. શરણાઈના સૂર વચ્ચે ભગવાન ઝૂલેલાલનો જ્યોત સાથેનો રથ આગળ વધ્યો હતો. અલગ-અલગ ટ્રેક્ટર પર શિવજી, ભગવાન ઝૂલેલાલ, મહાકાલી માતાજી અને રાધાકૃષ્ણ ભગવાનની આકર્ષક ઝાંખીઓ સજાવવામાં આવી હતી. શોભાયાત્રાના અંતે સમાજના બાળકોએ પ્લેકાર્ડ સાથે ચેટીચાંદનો સંદેશો આપ્યો હતો. શોભાયાત્રા પંચદેવ મંદિર, મહાવીરનગર ચાર રસ્તા થઈને આંબાવાડી વિસ્તારમાં પહોંચી હતી. ત્યાંથી જૂની જિલ્લા પંચાયતના ફાટકે થઈને ટાવર અને પાંચબત્તી વિસ્તારમાં આવેલા ભાટવાસ ખાતે પૂર્ણ થઈ હતી. સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ગોંડલમાં જાટ યુવાનના મૃત્યુ કેસમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનમાં રોષ આસમાને છે. એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે, રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે. આ માટે અમે સતત જનપ્રતિનિધિઓને સરકારને પત્રો લખવા માટે કહી રહ્યા છીએ અને યુવાનોને પણ મળી રહ્યા છીએ. આ સંદર્ભે 31 માર્ચે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી દ્વારા સરકારનું ધ્યાન દોરશું. ગૃહમંત્રીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશેતેમણે જણાવ્યું હતુ કે, UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો FIR ન નોંધવી એ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં 1 એપ્રિલ, 2025ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક રોષ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને માંગણીઓ રજૂ કરીઅત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ CBI તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મૃતકના શરીર પર 40થી વધુ ઈજાના નિશાન મળી આવ્યા હતાએડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે, તેને લોકશાહીની હત્યા કહેવાનો આધાર એ છે કે, પ્રભાવશાળી લોકોના દબાણ હેઠળ ગુજરાત પોલીસે આ કેસને અકસ્માત તરીકે રજૂ કર્યો હતો, જ્યારે મૃતકના શરીર પર 40થી વધુ ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે હત્યા તરફ ઈશારો કરે છે. એવો આરોપ છે કે, પોલીસે નિષ્પક્ષ તપાસ કરી ન હતી અને પુરાવા દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મામલે રાજસ્થાન અને ગુજરાતમાં વ્યાપક રોસ છે અને CBI તપાસની માંગણી જોર પકડી રહી છે છતાં કોઈ કાર્યવાહી ન થવી એ લોકશાહી માટે ગંભીર ફટકો છે. નિષ્પક્ષ તપાસ અને પારદર્શિતા જ સત્ય બહાર લાવી શકેઆ કેસ લોકશાહી પર પણ પ્રશ્નો ઉભા કરે છે કારણ કે, આમાં કાયદા સમક્ષ બધાની સમાનતા અને ન્યાય વ્યવસ્થાની ન્યાયિતા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો શક્તિશાળી લોકો તપાસને પ્રભાવિત કરી શકે છે તો તે સામાન્ય નાગરિકોના અધિકારો અને વિશ્વાસનું ઉલ્લંઘન છે. ગુજરાત પોલીસનો દાવો છે કે, તે એક માર્ગ અકસ્માત હતો, પરંતુ રાજકુમારના પરિવાર અને સમાજના સભ્યો કહે છે કે આ દાવો ઇજાઓની ગંભીરતા અને સંજોગો સાથે મેળ ખાતો નથી. તેથી, આ ઘટના માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી પણ તે એવા પ્રશ્નો પણ ઉભા કરે છે કે, શું સત્તા અને પ્રભાવ લોકશાહી વ્યવસ્થામાં ન્યાયને હરાવી શકે છે? આ મુદ્દા પર નિષ્પક્ષ તપાસ અને પારદર્શિતા જ સત્ય બહાર લાવી શકે છે.
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં હોર્ન વગાડવાના મામૂલી મુદ્દે ચાર શખ્સોએ આતંક મચાવ્યો હતો. સત્યનારાયણ સોસાયટી નં.1માં બાલાજી વેફરના સેલ્સમેન મહેશભાઈ ગોહિલ વેફર ઉતારી રહ્યા હતા. આ દરમિયાન સમીર ઉર્ફે શાંભો અને તેનો ભાણેજ ફૈઝલ કાર લઈને પસાર થયા. હોર્ન વગાડવા છતાં ગાડી ન ખસેડવા બાબતે મહેશભાઈ સાથે બોલાચાલી થઈ. બંને શખ્સો ઉશ્કેરાયા અને ગાળાગાળી કરવા લાગ્યા. થોડી વારમાં સમીર, ફેઝલ, પારસ અને કૃષ્ણદેવસિંહ ગોહિલ છરી લઈને આવ્યા. મહેશભાઈ જીવ બચાવવા ભાગી ગયા. આરોપીઓએ વેફર કંપનીની ગાડીનો આગળનો કાચ તોડ્યો. હેડલાઈટ તોડી નાખી અને ચારેય ટાયરમાં કાણાં પાડી દીધાં. મહેશભાઈએ તેમના શેઠ મુકેશભાઈ માવણીને જાણ કરી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી. લોકો ભેગા થતાં આરોપીઓ કાર લઈને નાસી ગયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બોરતળાવ પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ઘટનાસ્થળે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
સંતાન ન થતા હોવાથી સાસરિયા ત્રાસ આપતા:પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત
અમદાવાદના રામોલમાં પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.લગ્નના થોડા દિવસમાં પતિ સહિત સાસરિયાએ તુ અમારા માથે પડી છે તે ત્રણ લગ્ન કર્યા છતા તારે સંતાન નથી કહીને મેણા-ટોણા મારીને ત્રાસ આપતા હતા.આ અંગે રામોલ પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણામાં રહેતા પ્રહલાદભાઇ પ્રજાપતિ ડ્રાઇવિંગની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 28 વર્ષીય પુત્રી પાયલબેનના લગ્ન વર્ષ 2015માં ઘેલડા ગામના પ્રવિણ પ્રજાપતિ સાથે કરાવ્યા હતા. પરંતુ પતિ-પત્નીને મનમેળ ન આવતા અઢી વર્ષ બાદ છુટાછેડા લીધા હતા. ત્યારબાદ વર્ષ 2018માં અંબાડા ગામના રાજુ પ્રજાપતિ સાથે થયા હતા ત્યાં પણ બંને વચ્ચે મનમેળ ન આવતા છુટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ 2024માં પાયલબેનના લગ્ન ન્યૂ મણિનગરમાં રહેતા બીજલભાઇ પ્રજાપતિ સાથે થયા હતા.લગ્નબાદ પાયલબેન સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી.લગ્નના થોડા દિવસમાં પતિ સહિત સાસરિયાઓએ નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. તેમજ તુ અમારા માથે પડી છે કહીને હેરાન કરતા હતા. જેથી પરિણીતા પિયરમાં રહેવા ગઇ હતી તે સમયે માતાને વાત કરી હતી. પરંતુ માતા-પિતાએ તેને સમજાવીને સાસરીમાં પરત મોકલી હતી. જે બાદ પતિ સહિત સાસરિયાઓએ તેને ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને પાયલબેને ગત 24 માર્ચે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેથી મૃતકના માતા-પિતા અને પિયરજનો આવી જતા જમાઇ બિજલને કારણ પૂછતા કંઇ જણાવ્યુ ન હતુ. તેમજ સોલા સિવિલમાં લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ ગયા ત્યાં પણ મૃતકની સાસરીમાંથી કોઇ આવ્યુ ન હતુ. આ અંગે મૃતકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં જમાઇ, બિજલ, વેવાઇ કૈલાશભાઇ, વેવણ કૈલાસબેનસ, મૃતકના દિયર બાદલ અને નણંદ પુજાબેન સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
આધુનિક ટેક્નોલોજીના સહારે સાયબર ફ્રોડ ડિટેકશન અને રીસર્ચ માટે રાજકોટમાં ગુજરાતની પ્રથમ અદ્યતન ‘સાયબર સેન્ટીનલ લેબ’ને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગત જાન્યુઆરી માસમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ગુજરાતની આ સૌપ્રથમ લેબ છે જે પોલીસ વિભાગ અને લોકભાગીદારી થકી કાર્યરત છે. જેમાં સાયબર એક્સપર્ટની ટીમને પોલીસ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મદદરૂપ બની રહ્યા છે. જેને કારણે પાયલ મેટરનિટી હોસ્પિટલ કેસમાં આરોપીનું લોકેશન, પત્રિકા કાંડમાં આરોપીને શોધવામાં સોફ્ટવેરની મદદથી સફળતા અને 27 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ - નાણાંકીય ફ્રોડના કેસમાં સફળતા મેળવી છે. એસીપી ચિંતન પટેલે જણાવ્યું કે, સાયબર ફ્રોડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક સોશિયલ મીડિયા અને બીજો ફાયનાન્શિયલ નુકશાનકર્તા. લેબ થકી આજ સુધીમાં 27 જેટલા કેસમાં આરોપીના લોકેશન, પ્રોફાઈલ સહિતના ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી છે. જેમાં હાલમાં પાયલ મેટરનિટી હોસ્પિટલ કેસમાં સંકળાયેલા આરોપીઓના લોકેશન મેળવવામાં તેમજ રાજકોટનાં પત્રિકા કાંડમાં આરોપીને શોધવામાં સોફ્ટવેરની મદદ લેવામાં આવી હતી. લેબમાં ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ વિવિધ સોફ્ટવેરલેબ ઇન્ચાર્જ પી.આઇ નિમાવતે આ લેબની વિશેષતા જણાવતાં કહ્યું કે, અહીં લેબમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જેમાં એક ટ્રેનિંગ સેન્ટર, બીજું ઇન્વેસ્ટીગેશન સેન્ટર કે જ્યાં સાયબર ફ્રોડ અંતર્ગત જરૂરી કામગીરી કરવામાં આવે છે. જયારે ત્રીજો વિભાગ કે જેમાં રિસર્ચ કરવામાં આવે છે. લેબમાં ઉપલબ્ધ સોફ્ટવેર અંગે વાત કરવામાં આવે તો ડીવાઈસમાંથી ડેટા રીકવરી અર્થે સાયબર લેબ ખાતે લાઇસન્સ ધરાવતા યુફેડ, રીવર્સ એન્જીનીયરીંગ, મેલ એક્ઝામિનર, એમ્પૅડ જેવા આઠ જેટલા આધુનિક સોફ્ટવેર કાર્યરત છે. જે જરૂર પડ્યે મોબાઈલની ઇમેજ બનાવી જરૂરી ડેટા કાઢી આપે છે, ક્લાઉડ ડેટા સ્ટોરેજ એક્સટ્રેક્ટર થકી ઓનલાઇન ડેટા મેળવી શકાય છે. મોબાઈલ કે સી.સી.ટી.વી. ઇમેજ કે ફુટેજનું ક્લિનીંગ કરી શકે છે. ઉપરાંત, વેબસાઈટ બગ શોધવા, એપલ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ડીવાઈસના તમામ ડેટા એક્સટ્રેક્ટ કરવા માટે પણ અહીં સોફ્ટવેર ઉપલબ્ધ છે. આ કામગીરીમાં ત્રણ સાયબર સિક્યોરિટી એક્સપર્ટસ, વાયરલેસ પીઆઈ, પીએસઆઈ સહીત 10 પોલીસનો સ્ટાફ કાર્યરત છે. સાયબર ફ્રોડથી બચવું આટલું કરીએહાલ લોભામણા પ્રલોભનો અને બેદરકારીથી સાયબર ક્રાઇમમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવું, ત્યાર બાદ તેમને બ્લેકમેલ કરવા જેવા ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે ફાયનાન્સિયલ ફ્રોડમાં ઓનલાઇન પૈસા મેળવી લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા ટિપ્સ આપતા એ.સી.પી. પટેલે જણાવ્યું કે, સાયબર ફ્રોડથી બચવા લોકોએ જાગૃત બનવું પડશે. વોટ્સએપ, ટેલિગ્રામ સહિતના ઓનલાઇન કોલ શંકાસ્પદ લાગે ત્યારે આવા કોલ પર જવાબ આપવાનું ટાળવું જોઈએ. તજજ્ઞની મદદથી ગુનેગારોને પકડી પાડવામાં લેબ મદદરુપ બની રહી છેહંમેશા સાદા કોલ પર જ વાત કરવી. આજકાલ સૌથી વધુ ફોન શેર બજારમાં બમણી આવક, ઓનલાઇન ટાસ્ક, રેટિંગ આપવા જેવી લોભામણી જાહેર ખબર અને સ્કીમ વગેરેના આવતા હોય છે. આવા કોલ વખતે કોઈ જાણીતી વ્યક્તિનો રેફરન્સ હોય તો જ કોલ અટેન્ડ કરવો, શક્ય હોય તો ફિઝિકલ વેરિફિકેશન બાદ જ તેમાં વિશ્વાસ કરવો જોઈએ. તેમજ ખાસ કરીને ઈ-મેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન રાખવો. ક્રેડિટ કાર્ડ સંબંધી માહિતી ક્યારેય ઓનલાઇન શેર ન કરવી જોઈએ. ખાસ તો સોશિયલ મીડિયા ઉપર અંગત વાત શેર ના કરવી જોઈએ. રાજકોટ ખાતે લોક ભાગીદારીથી આશરે પાંચ કરોડના ખર્ચે નિર્મિત લેબનું 'રાજકોટ સીટી સાયબર સિક્યુરિટી સોસાયટી' નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશ્નર, ડી.સી.પી. ક્રાઈમ તેમજ રાજકોટ શહેર એ.સી.પી. સાયબર ક્રાઈમ અને અન્ય શ્રેષ્ઠીઓઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ વિભાગના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં લેબના તજજ્ઞની મદદથી સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડી પાડવામાં લેબ સતત સફળતાપૂર્વક આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, આપણે સોશિયલ મીડિયા પર જે માહિતી શેર કરીએ છીએ, કે કમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઇસમાં જે માહિતી સ્ટોર કરીએ છીએ, તે કેટલી સલામત છે ? બદલાતા ટેક્નોલોજીના સમયમાં આ પ્રશ્ન અનુત્તર છે, ત્યારે સલામતીની દ્રષ્ટિએ આપણે સતત સાવચેત તેમજ અપડેટ થવું જરૂરી છે. સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને સુરક્ષિત રાખવા તેમજ તેઓને થયેલ નુકશાન ભરપાઈ કરવા શક્ય તમામ પ્રયત્ન હાથ કરવા કટિબદ્ધ છે. ત્યારે લોકો પણ જાગૃતિ રાખે તે ખૂબ જ જરૂરી છે.
ગોધરાના મુસ્લિમ ઘાંચી સમાજમાં નવો ઇતિહાસ:તાહિર ભટુક સમાજના પ્રથમ શારીરિક શિક્ષણમાં પીએચડી ધારક બન્યા
ગોધરાના ડૉ.તાહિર સલીમહુસૈન ભટુક મુસ્લિમ ઘાંચી સમાજના પ્રથમ વ્યક્તિ બન્યા છે જેમણે શારીરિક શિક્ષણમાં પીએચડી પ્રાપ્ત કર્યું છે. તેમણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી આ ઉપલબ્ધિ મેળવી છે.ડૉ. ભટુકે આદિવાસી અને બિનઆદિવાસી વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતા અને શારીરિક ક્ષમતાના તુલનાત્મક અભ્યાસ પર સંશોધન કર્યું. આ સંશોધન ડો. પુનિતભાઈ તેરૈયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું. તેઓ લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ તરીકે સેવા આપે છે. સાથે જ રમતગમતના કોચ અને સામાજિક કાર્યકર તરીકે પણ કાર્યરત છે. તેઓ કફાલત ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ વકફ (શુરા)ના સભ્ય તરીકે પણ સેવા આપે છે. તેમની આ સિદ્ધિ પર મંત્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને સી. કે. રાઉલજી સહિત અનેક મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને રજિસ્ટ્રાર સોલંકી સાહેબે પણ શુભેચ્છાઓ આપી છે.
વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ઈદ અને રામનવમી સહિતના તહેવારોને લઈ ઉજવણીમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં કૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ બંદોબસ્તમાં 2000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે 700થી વધુ હોમગાર્ડ જોડાયા હતાં. 750થી વધુ બોડીવોર્ન કેમેરા સાથે બંદોબસ્ત પર ફરજ બજાવશે. આ સાથે આકાશ પરથી ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત બાજ નજર રખાશે. એક દિવસમાં ચાર તહેવારોની ઉજવણી થશેઆ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર,નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે, આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ગુડી પડવો, ચેટીચાંદ, યુગાદિ એન એક દિવસમાં ચાર તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેના ભાગ રૂપે તેના ભાગરૂપે મંદિરોમાં પૂજા,દર્શન,આરતી અને કેટલાક નિર્ધારીત રૂટ પર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુડી પાડવાના એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક અઠવાડિયાથી પોલીસ સિક્યુરિટી પ્લાન પર વર્કઆઉટ કરી રહી છેવધુમાં કહ્યું કે, આવતીકાલે ફરીથી રમજાન માસ અને ઇદની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે સયાજીગંજ અને વાડી વિસ્તારમાં આવે ઇદ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પ્રાર્થના માટે ભેગા થનાર છે. આ સાથે શહેરમાં અન્ય સ્થાને પણ ભેગા થનાર છે. આજ અને આવતીકાલના તહેવારોને ધ્યાનમાં રાખીને ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન વર્કઆઉટ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં નજર રખાશેવધુમાં કહ્યું કે, ઇતિહાસમાં બનેલા બનાવને ધ્યાનમાં રાખીને નોન ક્રિમીનલ સાયન્ટી સોશિયલ એલિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને નિયંત્રણમાં રાખીને અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. આ સાથે અને આવતીકાલના બંદોબસ્ત માટે મહતમ માનવબલ, CCTV કેમેરા અને બોડીવોર્ન કેમેરાના મેપિંગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે ઇન્ટિગ્રેટ કરવાની એક્સાઇઝ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આકાશથી પોલીસ સ્કેનિંગ કરીને કોઈ પણ વાંધાજનક વસ્તુ પર આપણે ધ્યાન રાખીએ છીએ. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સતત કાર્યરત છેવધુમાં જણાવ્યું કે, આજે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, SRPF અને હોમગાર્ડના જવાનો ફૂટ પેટ્રોલિંગ કરીને આનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની વાંધાજનક પ્રવૃત્તિ ન ચાલે તે માટે સાયબર પેટ્રોલિંગના માધ્યમથી આપણી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સતત છે. કોઈપણ પ્રકારના વાંધાજનક કન્ટેન્ટ અપલોડ કન્ટેન્ટ કરવામાં ના આવે અને ઉશ્કેરણીજનક કોઈ કન્ટેન્ટ અપલોડ ન થાય તે માટે કામગીરી કરી રહી છે. સાથે-સાથે SOG, DCBની ટીમ પણ સતત કામગીરી કરી રહી છે. 2700થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાયાઆવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના તમામ ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સહિત 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, ત્રણ કંપની એસ આર પી એફ અને 700 થી વધારે હોમગાર્ડના સભ્યો આ બંદોબસ્તમાં જોડાયા છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ક્રિમીનલ પ્રવૃતિ ન મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી. તેમણે ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલય 'કમલમ'નું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંગઠન મંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સમાજના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે આદિવાસી સમાજના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ડાંગ જિલ્લાની પાણીની સમસ્યા અંગે તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. છતાં ઉનાળામાં લોકોને પાણી માટે ભટકવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે જળશક્તિ મંત્રાલય દિલ્હીમાં એક નવો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટથી લોકોને પીવાનું અને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. નવા કમલમ કાર્યાલય અંગે પાટીલે જણાવ્યું કે અહીં લોકોને સરકારની તમામ યોજનાઓની માહિતી મળી રહેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
જામનગરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના 1075મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિધાનસભા 78 અને 79ના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ ઝુલેલાલ મંદિરમાં સિંધી પરંપરાગત ટોપી પહેરી નૃત્ય કર્યું હતું. જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલ મંદિરમાં સવારે મંગલા આરતીથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ સાધના કોલોની ઝુલેલાલ મંદિરથી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જુના રેલ્વે સ્ટેશન પાસે પૂર્ણ થઈ. સિંધી સમાજ માટે ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત મનાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના 14મા અવતાર વરુણ અવતારે ભગવાન ઝુલેલાલે ધરતી પર અવતાર લીધો હતો. પૌરાણિક કથાઓ અનુસાર, તેમણે હિંદુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે અવતાર લીધો હતો. મંદિર ખાતે સામૂહિક યજ્ઞોપવિત્ર કાર્યક્રમ અને ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સાંજે નાનકપુરી સિંધી કોલોનીથી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં વિવિધ ફ્લોટ્સ અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ સિંધી સમાજના લોકોએ ભાગ લીધો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
દાહોદમાં રમઝાન ઈદની ઉજવણીનો માહોલ છવાયો હતો. દાઉદી વહોરા સમાજે આજે રવિવારે ઈદની ખાસ ઉજવણી કરી હતી. પવિત્ર માહે મુકદદસ રમજાનનો મહીનો પૂર્ણ થતાં વહોરા સમુદાયમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. રમઝાન મહિનો મુસ્લિમ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે. ઈદ-ઉલ-ફિત્ર રમઝાન મહિનાના અંતની ઉજવણી છે. તેને અલ્લાહ તરફથી રોઝા કરનારાઓ માટેનો પુરસ્કાર માનવામાં આવે છે. > દાઉદી વ્હોરા સમાજે વહેલી સવારે મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. વહોરા સમુદાયના લોકોએ કબ્રસ્તાનની મુલાકાત લઈને તેમના સ્વર્ગસ્થ પરિજનો માટે દુઆ કરી હતી. ઈદના આ ખાસ દિવસે લોકોએ નવા કપડાં પહેર્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કર્યું હતું. સમગ્ર વાતાવરણમાં ભાઈચારા અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
હિંમતનગરમાં વિદેશી દારૂની હેરાફેરી:કારની સીટ અને લાઈટમાં છુપાવેલી 72 બોટલ સાથે એક ઝડપાયો, બે ફરાર
સાબરકાંઠા એલસીબીએ હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ નીચેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારની તપાસ કરતાં પાછળની સીટ નીચે અને લાઈટોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.89,424ની કિંમતની દારૂની બોટલો, એક મોબાઈલ અને રૂ.4 લાખની કાર મળી કુલ રૂ.4,89,984નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારના ચાલક દિનેશભાઈ અઢેલાજી અસારી (ઉંમર 36, રહે. પાટિયા કુવા, તા.ભિલોડા, જિ. અરવલ્લી)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના રાજસમંદથી ભરીને ભિલોડા, ગાંભોઈ અને હિંમતનગર થઈને મોટા ચિલોડા લઈ જવાનો હતો. આ કેસમાં બે આરોપીઓ હજુ ફરાર છે - તુલસીરામ માંગીલાલ કલાલ (રહે. પીપલીનગર, તા. ભીમ, જિ. રાજસમંદ, રાજસ્થાન) અને મોટા ચિલોડા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર વ્યક્તિ. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બોટાદ જિલ્લા ભાજપના નવા કાર્યાલય 'આધ્યાત્મિક કમલમ'નું આજે ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન થયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં સાળંગપુર હનુમાનજી મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર, બરવાળા ભીમનાથ મહાદેવ મંદિર, પાળીયાદ વિહળનાથની જગ્યા અને કુંડળધામ જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. આ આધ્યાત્મિક વારસાને ધ્યાનમાં રાખીને નવા કાર્યાલયને 'આધ્યાત્મિક કમલમ' નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકરજી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તેમજ સ્થાનિક નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:જૂનાગઢના 3 પોલીસ સ્ટેશનના 7 ગુનામાં વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી આલા સીદીભાઈ રાડાની ધરપકડ કરી છે. આરોપી જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપી સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 ગુના, વંથલી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલની ટીમને બાતમી મળી હતી કે આરોપી જૂનાગઢ પ્લાસવા ગામના પાટીયા નજીક છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. 30 વર્ષીય આરોપી મજૂરી કામ કરે છે અને ગાંધીગ્રામ ગ્રોફેડ મીલ પાછળ, કુવડ તળાવ વિસ્તારમાં રહે છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલ ઉપરાંત પોલીસ હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ ડેર અને પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ બડવા તથા દિવ્યેશકુમાર ડાભીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આણંદ શહેરના રાજપથ માર્ગ પર શાન મોલ પાસે ટેમ્પો, કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં વિદ્યાનગરના રહેવાસી 32 વર્ષીય કાલિદાસ સરગરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. યુવક મિત્રો સાથે ક્રિકેટ રમીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્રંદ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોએ વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મોડાસા કોલેજથી મેઘરજ રોડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી કોમ્પ્લેક્ષ ખાતે પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે હર્ષદસિંહ રહેવરે જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે. આ સ્થિતિમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઊભરી આવશે. તેમણે પાર્ટીને 'જનતાનો પાવર' ગણાવી હતી. પાર્ટી રાજ્યના તમામ જિલ્લા સ્તરે કાર્યાલયો ખોલીને સંગઠન મજબૂત બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. મોડાસામાં શહેરમાં પ્રવેશ સમયે શંકરસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આણંદ તાલુકાના ઓડ ગામમાં એસટી બસ ચાલક પર થયેલા હુમલાના કેસમાં પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. ગત શુક્રવારે સવારે શીલી ગામેથી આણંદ તરફ જતી એસટી બસના ચાલક ભાનુ ઠાકોર જ્યારે ઓડ ગામના સૂર્યા દ્વાર પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક બાઈક ચાલક અવરોધરૂપ હતો. બસ ચાલકે તેને સાઈડમાં લેવા કહ્યું ત્યારે બાઈક ચાલકે પોતાની ઓળખ ઓડ ગામના 'ડોન' જયેન્દ્રસિંહ નટવરસિંહ રાઉલજી તરીકે આપી હતી. આ પછી મામલો બિચક્યો હતો અને જયેન્દ્રસિંહે તેના ત્રણ સાગરિતો સાથે મળીને બસ ચાલક ભાનુભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ભાનુભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ખંભોળજ પોલીસે જયેન્દ્રસિંહ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પરંતુ 72 કલાક વીતવા છતાં કોઈ ધરપકડ ન થતાં આજે ભાનુભાઈના પરિવારજનો અને ખાનપુરના ગ્રામજનોએ એસપી કચેરીએ જઈને આવેદન આપ્યું હતું. રજૂઆતમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
દાહોદ શહેરના એમજી રોડ પર આવેલી સાડીની દુકાનમાં એક મહિલા સાથે ચોરીની ઘટના બની છે. ભાઠીવાડા ગામના ગામતળ ફળિયાના રહેવાસી શાંતિબેન નિનામા દાહોદમાં ખરીદી માટે આવ્યા હતા. શાંતિબેન બહુરાની સાડી સેલ નામની દુકાનમાં સાડીની ખરીદી કરવા ગયા હતા. તેમની પાસે એક થેલીમાં 69,000 રૂપિયા રોકડા હતા. જ્યારે તેઓ દુકાનમાં સાડીઓ જોઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની નજર ચૂકવીને થેલીમાંથી રોકડા રકમ ચોરી લીધી. શાંતિબેને જ્યારે થેલીમાં પૈસા જોવા માટે તપાસ કરી ત્યારે રકમ ગાયબ હતી. આ ઘટનાની જાણ થતાં દુકાનના માલિક અને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શાંતિબેન નિનામાએ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ગઠિયાની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું. આ પથ સંચલન RSS ના સંસ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવારની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં હિન્દુ નવવર્ષની ઉજવણી કરવામાં આવી અને ભગવા ધ્વજનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. જિલ્લા સંઘ સંચાલક સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. પથ સંચલન ઇન્દિરા મેદાનથી શરૂ થયું હતું. આ પછી તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને અસ્થાના બજાર, ફુવારા ચોક સુધી પહોંચ્યું હતું. સમગ્ર માર્ગ દરમિયાન સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે માર્ચ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સંઘના સિદ્ધાંતો અને મૂલ્યોનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
71 પેઢીને મોક્ષ આપનારી મા નર્મદાની પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. શરૂઆતના શનિ-રવિવારે જ 50 હજારથી વધુ પ્રવાસીઓએ પરિક્રમામાં ભાગ લીધો છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે પરિક્રમાવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. નદીમાં મગરના ભયને કારણે રામપુરા, સહેરાવ અને તિલકવાડા એમ ત્રણ સ્થળે ફુવારા દ્વારા સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. નદીના કિનારાથી દૂર મોટર મૂકીને પાણી ખેંચવામાં આવે છે. નાના બાળકો, પુખ્ત વયના લોકો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી સ્નાનનો મહિમા અને પવિત્રતા જળવાઈ રહે છે. જો કે, વારંવાર વીજળી જવાના કારણે પાણીની મોટર બંધ થઈ જતાં ભક્તોને મુશ્કેલી પડી રહી છે. વડોદરાના પરિક્રમાવાસી કિશોરભાઈ સુથારે જણાવ્યું કે પોલીસ બંદોબસ્ત અને અન્ય વ્યવસ્થા ખૂબ સરસ છે. નદીમાં મગર હોવાથી અને નાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી ફુવારાની વ્યવસ્થા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.
ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભજન કિર્તન કરવામા આવ્યુ હતુ. આજે ચેટીચાંદના પર્વ એ સિંધી સમાજનો મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જળ અને જ્યોતિના અવતાર તરીકે પૂજાતા ભગવાન ઝૂલેલાલે સદભાવના અને ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો. ઉજવણીની શરૂઆત 29 માર્ચથી થઈ, જેમાં બાળકો માટેની ઇવેન્ટ્સ અને ભજન સત્સંગનું આયોજન કરાયું. આજે વહેલી સવારે પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ સવારે 11 વાગે ઝૂલેલાલ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાંજે નગરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સિંધી સમાજના લોકો ભજનો પર નાચતા-ઝૂમતા જોવા મળ્યા. શોભાયાત્રા દરમિયાન 'આયોલાલ ઝુલેલાલ'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે સમાજના તમામ લોકોએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખ્યા. કાર્યક્રમના અંતે મંદિરમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું. સિંધી સમાજના નવા પ્રમુખ પ્રેમ મેરવાનીએ ઉત્સવની સફળતા માટે સમાજના સર્વ લોકોનો આભાર માન્યો.
કચ્છના ભુજ શહેરમાં દરિયાલાલ દેવની 852મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોહાણા સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં શણગારેલી ઓડગાડી અને બગીઓ સાથે દરિયાલાલની વિશાળ મૂર્તિને ફેરવવામાં આવી. લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા. વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને મંત્રી હિતેશ ઠક્કરના માર્ગદર્શનમાં 'પ્રસાદિત પર્વ - દરિયાલાલ ઝુલેલાલ'ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દરેક રઘુવંશી પરિવારોએ યથાયોગ્ય યોગદાન આપ્યું.યુવક મંડળના સભ્યોએ વ્યવસ્થા સંભાળી છે. કાર્યક્રમના સમાપન રૂપે વિડી હાઈસ્કૂલ પાસે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમગ્ર કચ્છ વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા દરિયાલાલ દેવની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરતમાં એક તરફ હાલ ગુનેગારોની યાદી તૈયાર કરી પોલીસ કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એ.પટેલ જનતા રેડમાં કારમાંથી દારૂ સાથે ઝડપાયા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. ચાર મિનિટના વાઈરલ વીડિયોમાં પીએસઆઈની કારમાં દારૂ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઈને એક રિક્ષામાં બેસાડી તેના ઘર સુધી મૂકી આવી હોવાનું જોવા મળી રહ્યું છે. વાઈરલ વીડિયોમાં જે લોકો જોવા મળી રહ્યા છે તેઓએ સતત પીએસઆઈની રિક્ષાનો પીછો કરી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો બાદ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલામાં સુરત પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. એસીપીએ કહ્યું હતું કે, પીએસઆઈના બ્લડ સેમ્પલ લેવાયા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. PSIની કારમાંથી દારૂ મળતા લોકોએ હોબાળો મચાવ્યોસુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.એ.ચૌધરીની પોલીસની નેમ પ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વીડિયો બનાવી હોબાળો મચાવ્યો હતો. જેના પગલે અન્ય પોલીસકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પીએસઆઈને ત્યાંથી લઈને નીકળી ગયા હતા. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં કારની અંદર ઈંગ્લીશ દારૂની બોટલ, ગ્લાસ અને ચખના જોવા મળી રહ્યું છે. લોકોએ પોલીસ અને PSIનો પીછો કર્યોસોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં પોલીસકર્મીઓ પીએસઆઈ એ.એ.પટેલને રિક્ષામાં બેસાડી જતા જોવા મળી રહ્યા છે. તેની પાછળ પાછલ કેટલાક લોકો પણ પીછો કરે છે અને વીડિયો બનાવે છે. જેમાં પોલીસકર્મીઓ જ પીએસઆઈને રિક્ષામાં બેસાડી તેના ઘર સુધી મૂકી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. PSI એ.એ.પટેલને સસ્પેન્ડ કરાયાસુરત પોલીસની આબરુના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પીએસઆઈને તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવાયા છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યકિત દારૂ સાથે ઝડપાય તો પોલીસ તેને હોસ્પિટલ લઈ જઈ બ્લડ સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતી હોય છે. આ બનાવમાં પોલીસ જવાનોએ પીએસઆઈ સામે ક્યારે અને શું કાર્યવાહી કરી તેની તપાસ પણ જરુરી છે. શું કહી રહ્યા છે એસીપી?આ મામલે એસીપી બી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પીએસઆઇના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.
અમીરગઢ તાલુકાના અરણીવાડા ગૌશાળા સ્થિત મહાકાલેશ્વર મંદિર ખાતે દ્વિતીય વાર્ષિક હવનનું આયોજન કરવામાં આવ્યું. કાળા બાવજીની સમાધિ સ્થળે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌશાળાના ગાદીપતિ લાલપુરીજી મહારાજ ના ઉપસ્થિત આયોજન કરવામા આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને આજુબાજુના ગામોના ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. ભક્તોએ કાળા બાવજીની સમાધિના દર્શન કરી મહાપ્રસાદ લીધો હતો. શનિવારની રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. બીજા દિવસે દ્વિતીય વાર્ષિક મેળો યોજાયો હતો. શ્રી શ્રી 1008 સિદ્ધિ તપસ્વી જયરાજ શ્રી શંકરપુરી મહારાજ કાળા બાપુ મહારાજની સમાધિ સ્થળે યોજાયેલા મેળામાં ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
BIG BREAKING: મ્યાનમાર બાદ વધુ એક દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ પડીકે બંધાયા
Earthquake Of Magnitude 7.1 Strikes Tonga : મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત છે. એવામાં હવે પેસિફિક દ્વીપના વધુ એક દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. ટોંગામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. અધિક તીવ્રતાના કારણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
વધુ એક ફરિયાદ:વડોદરામાં RTI એક્ટિવિસ્ટે કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી આપી 40 લાખની માંગણી કરી
RTI કરી લોકો પાસે નાણાં પડાવનાર RTI એક્ટિવિસ્ટ સામે વધુ એક અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં આરોપીએ કોર્ટ કમ્પાઉન્ડમાં જ ધમકી આપતા કહ્યું હતું કે, 40 લાખ આપો નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કરવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે, અગાઉ આરોપી સામે બે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 40 લાખ આપ નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કરતો રહીશરમેશભાઇ વ્રજલાલ ડબગર દ્વારા RTI એક્ટિવિસ્ટ ડાહ્યાભાઇ સનાભાઇ રાજપૂત વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, અગાઉ આરોપી દ્વારા કંપનીના માલિક શિવલાલ પીરાગચંદ ગોયલ વિરૂદ્ધ કોર્ટમાં કેસ નહીં કરવા માટે આજથી 5-7 વર્ષ પહેલા ડાહ્યાભાઇ રૂપિયા 5 લાખ લઇ ગયા હતા તેમછતાં એક વર્ષ બાદ ફરીથી શિવલાલ ગોયલ વિરૂદ્ધ કેસો કરવા લાગ્યા હતા. આ દરમિયાન કંપનીના કોમર્શિયલ કેસોના કામે આજથી અઢી મહિના પહેલા ફરિયાદી દિવાળીપુરા કોર્ટમાં ગયા હતા ત્યારે બપોરના ત્રણ વાગ્યે આરોપી તેમને કોર્ટના કમ્પાઉન્ડમાં મળ્યો હતો અને ધમકી આપી કે, રૂપિયા 40 લાખ આપ નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કરતો રહીશ. આરોપી ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂત (રહે પરિવાર પાર્ક, કરોડિયા, વડોદરા) વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. લોકોને ખોટી રીતે કનડગત કરતા એક્ટિવિસ્ટો વિરૂદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરતા કેટલાય ફફડી ઉઠ્યા છે.
હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત
Kullu Accident: હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મણિકર્ણ પાસે મોટી દુર્ઘટના થઈ છે જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પહાડી રસ્તા પર મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા.
અમદાવાદમાં યુવકને ક્રેડિટ કાર્ડનો ચાર્જ ફ્રી કરી આપવાનું કહીને વ્હોટ્સએપ પર લિંક મોકલી ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ યુવકના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 84 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. લિંક પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરતા 84 હજાર ઉપડી ગયાશાહપુરમાં રહેતા નરેશ પઢિયારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે 13 માર્ચના રોજ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના પર ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તે HDFC બેન્કમાંથી બોલે છે અને જે ક્રેડિટ કાર્ડ નરેશભાઈ વાપરે છે, તે ચાર્જ ફ્રી કરવું હોય તો વોટ્સએપ પર આવેલી લિંક પર ક્લિક કરો. જેથી, નરેશભાઈએ લિંક પર ક્લિક કરતા એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી અને તેમના ફોનમાં સ્ક્રિન પર લોડિંગની પ્રોસેસ થવા લાગી હતી. થોડાક જ સમયમાં તેમના ઈ-મેલમાં એક મેલ આવ્યો હતો, જેમાં ક્રેડિટ કાર્ડમાંથી 80,300 અને 3,800 એમ અલગ-અલગ બે ટ્રાન્ઝેક્શન દ્વારા 84 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. નરેશભાઈને જાણ થઈ હતી કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી, તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની બેદરકારીના કારણે હવે ઢોર માલિકો બેખૌફ બની અને પોતાના ઢોરને રોડ પર ખુલ્લા મૂકી દે છે. શહેરમાં ફરી એકવાર રોડ પર રખડતા ઢોરને લઈને ભાજપના કોર્પોરેટરો એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ફરિયાદ કરી હતી. તમામ જગ્યાએ દિવસે અને રાત્રે રખડતા ઢોર મળે છે. આ મામલે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે અને હવે જો આગામી કમિટી સુધીમાં શહેરમાં રખડતા ઢોર જોવા મળે અને કામગીરી સંતોષકારક ના હોય તો તેઓ દ્વારા જે-તે જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અને ઠપકાની દરખાસ્ત લાવવામાં આવશે. અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત લવાશેસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, કમિટીમાં સભ્યો દ્વારા શહેરમાં રખડતા ઢોર અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જેથી, આગામી અઠવાડિયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર CNCD વિભાગના અધિકારીઓ સાથે આ મામલે મીટીંગ કરવામાં આવશે અને જો આગામી કમિટી સુધીમાં શહેરમાં રખડતા ઢોર અંગે કોઈ સંતોષકારક કામગીરી નહીં હોય તો અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત લાવવામાં આવશે. ઓનલાઇન સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી શકોશહેરમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, ઓઢવ, નરોડા, નિકોલ, સોલા, ચાણક્યપૂરી, ઈસનપુર, ગોતા, સોલા, ભાડજ, ઓગણજ, ગોતા, નરોડા, વસ્ત્રાલ, અસલાલી, હેબતપુર, કઠવાડા, નવા નિકોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, વિરાટનગર સહિતના વિસ્તારોમાં ખૂબ ઢોર રખડતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાત્રે 8 વાગ્યા બાદ પશુ માલિકો પોતાના ઢોરને રખડતા છોડી મૂકે છે. જો શહેરમાં ક્યાંય પણ રખડતા ઢોર જોવા મળે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 ઉપર ફોન કરીને ફોટો મોકલી અને ફરિયાદ કરી શકે છે. ઓનલાઇન સોશિયલ મીડિયા ટ્વીટર વગેરે જગ્યાએ પણ ફરિયાદ કરી શકે છે. માર્ચ મહિનામાં રખડતા ઢોર અંગેની ઓનલાઈન 117 ફરિયાદો મળીજે પણ રખડતા ઢોર પકડાય તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકાય છે છતાં પણ CNCD વિભાગના અધિકારીઓની અને કર્મચારીઓની નિષ્ક્રિય કામગીરીના કારણે ફરી એકવાર કોઈ દુર્ઘટના સર્જાઇ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના અધિકારીઓ ઢોર પકડવાની આંકડાકીય માયાજાળ કરતા હોય તેમ માર્ચ મહિનામાં રખડતા ઢોર અંગેની ઓનલાઈન 117 ફરિયાદો મળી હતી. દિવસે અને રાતે રાઉન્ડમાં ક્યાંય પણ CNCDની ટીમો રોડ પર દેખાતી નથીશહેરમાં બે મહિનાથી રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો જાણે કોઈ અમલ જ ન થતો હોય તેમ રોડ ઉપર ઢોર ફરી રહ્યા છે. સીએનસીડી વિભાગના પીઆઇ અને તેમનો સ્ટાફ પણ ખાસ કામગીરી કરી રહ્યો નથી. સાંજના સમયે હવે ઢોર ફરી એકવાર રોડ ઉપર આવી જતા જોવા મળ્યા છે ત્રણ શીફ્ટમાં 15થી વધારે ટીમો કાર્યરત કરવામાં આવી હોવાની વાતો CNCD વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, દિવસે અને રાતે રાઉન્ડમાં ક્યાંય પણ CNCDની ટીમો રોડ પર દેખાતી નથી.
વલસાડમાં દિવસે જુગારનો અડ્ડો:આંબાવાડીમાં જુગાર રમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ
વલસાડના શેઠિયા નગર વિસ્તારમાં આવેલી એક આંબાવાડીમાં દિવસે જુગાર રમાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદ કરી છે. સ્થાનિક યુવકે આંબાવાડીમાં જુગાર રમતા લોકોનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વલસાડ સીટી પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ પોતાના બાળકોને આ વિસ્તારમાં મોકલતા ડરે છે. તેમણે આ અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વલસાડ સીટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસ ટીમે શેઠિયા નગર અને આજુબાજુના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જુગાર રમનારાઓને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.