SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

વડોદરા રેલવેના સ્ટોર રૂમમાંથી 9 હજાર બોટલથી વધુનો દારૂ જપ્ત:241 પેટીઓ સાથે 38 લાખનો મુદ્દામાલ જપ્ત, એક રેલવે કર્મચારી તથા RPF કોન્સ્ટેબલનો પુત્ર ફરાર

વડોદરા રેલવે મેમુ કાર શેડ ખાતેના સ્ટોર રૂમમાંથી LCB પશ્ચિમ રેલવેએ 38.09 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ફરાર જાહેર કર્યાં છે. જેમાં એક આરોપી રૂબિન યુસુફમિયા શેખ રેલવેમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો આરોપી કપીલ સિંગ RPF કોન્સ્ટેબલનો પુત્ર છે. વિદેશી દારૂની 9 હજારથી વધુ બોટલ જપ્ત, બે શખ્સ ફરારLCB પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જેથી LCB પશ્ચિમ રેલવે, વડોદરાના પીઆઇ ટી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વડોદરા રેલ્વે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાં રેડની કાર્યવાહી હાથ ધરી હતી અને વડોદરા રેલ્વે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 9143 બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં રૂબીન શેખ ઉર્ફે કટ્ટે અને કપીલસિંગ (રહે. વડોદરા) વોન્ટેડ જાહેર કરાયા છે. રૂબીન શેખનો ગુનાહિત ઈતિહાસ છે, જેમાં 2018માં વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો તેમજ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો જેવા ગુનાઓ નોંધાયેલા છે. દારૂનો જથ્થો સ્ટોર રૂમમાં રખાયોપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો રોડ માર્ગે મેમુ શેડના સ્ટોર રૂમમાં લાવવામાં આવ્યો હતો. આ સ્ટોર રૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલસામાન સંગ્રહ માટે ફાળવવામાં આવેલું હતું, જે રેલવેની અલગ-અલગ ઓફિસો વચ્ચે આવેલું છે. 'મિશન ક્લીન સ્ટેશન' ડ્રાઈવરેલવે SP અભય સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી 'મિશન ક્લીન સ્ટેશન' નામની ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ અમે રાત્રિના સમયે વિવિધ રેલવે સ્ટેશનો પર અસામાજિક તત્વોની હાજરી પર નજર રાખીએ છીએ. યાત્રીઓ અને રેલવે સ્ટાફ સિવાયના કોઈ પણ લુખ્ખા તત્વોને અટકાવીએ છીએ અને તેમના પર વોચ રાખીએ છીએ. દારૂની 241 પેટીઓ સાથે 38 લાખનો મુદ્દામાલ જપ્તઆ ડ્રાઇવ દરમિયાન અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે તેમને માહિતી મળી કે, રેલવેના મેમુ કાર શેડ વિસ્તારમાં એક જૂનું સ્ટોરરૂમ છે, જે રેલવે સ્ટેશનથી આશરે 3.5 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે. તેથી અમારી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે ત્યાં રેડ કરી, જેમાં 241(9143 બોટલ) પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 38 લાખ રૂપિયાના મુદ્દામાલને ત્યાંથી રિકવર કરવામાં આવ્યો છે. બે શખ્સ ફરાર, ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છેવધુ તપાસમાં આરોપી તરીકે રૂબિન યુસુફમિયા શેખ અને કપીલ સિંગના નામ જાણવા મળ્યા છે. બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ તેમને શોધવા માટે સતત કાર્યરત છે. રૂબિન શેખ રેલવેમાં એપોઇન્ટમેન્ટ તરીકે કામ કરે છે. તેનો જૂનો ઇતિહાસ છે: તે 2018માં મર્ડરનો આરોપી છે. વડોદરા શહેરમાં તેની વિરુદ્ધ વિવિધ પ્રોહિબિશન (દારૂબંધી) અને એસોલ્ટ (હુમલા)ના ગુનાઓ નોંધાયેલા છે. તે નવા યાર્ડ વિસ્તારની રેલવે કોલોનીમાં રહે છે આગળની તપાસ ચાલુંઆ કેસમાં આરોપીના CDR (કોલ ડિટેલ્સ રેકોર્ડ) વગેરેનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે. તેમજ, દારૂ ક્યારે અને ક્યાંથી આવ્યો, કઈ રસ્તે તેને લાવવામાં આવ્યો તે તમામ વિગતોની તપાસ અત્યારે ચાલી રહી છે. અમારી ટીમ આને લઈને સંપૂર્ણ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:58 pm

દ્વારકા મંદિરમાં રાધા અષ્ટમીની ઉજવણી:ભાદરવા સુદ આઠમે દ્વારકાધીશને રાધિકા સ્વરૂપ શૃંગાર કરવામાં આવ્યો

આજે ભાદરવા સુદ આઠમે રાધાષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશને રાધિકા સ્વરૂપ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે. દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તો ઓનલાઈન માધ્યમથી દર્શન કરી રહ્યા છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે રાધાષ્ટમી પર્વની ઉજવણી થાય છે. આ દિવસે રાધાજીનો જન્મ થયો હતો. વૃષભાનુ અને કીર્તિદાની પુત્રી રાધાનો જન્મ બરસાનામાં થયો હતો. આજે પણ ત્યાં 'રાધે રાધે'નો નાદ ગુંજે છે. માન્યતા છે કે આ દિવસે સાચા હૃદયથી રાધાકૃષ્ણની પૂજા કરવાથી સૌભાગ્ય, આરોગ્ય અને સંપત્તિના આશીર્વાદ મળે છે. જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. રાધાજીનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિ:સ્વાર્થ છે. તેઓ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણને સમર્પિત છે. કૃષ્ણપ્રેમનું શિખર રાધાભાવ છે, તેથી જ શ્રીકૃષ્ણને પામવા માટે દરેક ભક્ત રાધારાણીનો આશ્રય લે છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:57 pm

સ્ટેનઝા એપાર્ટમેન્ટમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી:C બ્લોકના રહેવાસીઓએ આરતી, હાઉસી અને ઢોકળા સાથે ત્રીજો દિવસ ઊજવ્યો

શેલા વિસ્તારમાં આવેલા સ્ટેનઝા એપાર્ટમેન્ટમાં ગણેશોત્સવના ત્રીજા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. C બ્લોકના રહેવાસીઓએ આ વર્ષે સામૂહિક ઉજવણીનું આયોજન કર્યું હતું. દિવસની શરૂઆત વહેલી સવારે આરતી અને પૂજાથી થઈ. સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં ભગવાન ગણેશની પૂજા-અર્ચના માટે એકત્રિત થયા. સાંજે બીજી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હાઉસીની રમત રહી. આ રમતે સર્વ રહેવાસીઓને એક મંચ પર લાવી એકતાનો સંદેશ આપ્યો. ઉજવણીનું સમાપન લાઇવ ઢોકળા સત્ર સાથે કરવામાં આવ્યું, જેનો સૌએ આનંદ માણ્યો. વ્યક્તિગત ઉજવણીને બદલે સામૂહિક રીતે થયેલી આ ઉજવણીએ સમુદાયના સભ્યો વચ્ચે એકતાની ભાવના મજબૂત બનાવી. ગણેશોત્સવના ત્રીજા દિવસની આ સફળ ઉજવણીએ સ્ટેનઝા એપાર્ટમેન્ટના રહેવાસીઓ વચ્ચે સામાજિક સંબંધો વધુ ગાઢ બનાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:54 pm

ગણેશ રોયલમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી:પાંચ દિવસ સુધી ભજન, અન્નકૂટ, રાસ-ગરબા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગણેશ રોયલ સોસાયટીમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પાંચ દિવસ સુધી ચાલશે. સોસાયટીના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક આ ભક્તિમય કાર્યક્રમમાં જોડાયા છે. આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, છપ્પન ભોગ અન્નકૂટ, રમત-ગમત, બાળકો માટે મનોરંજક કાર્યક્રમો અને રાસ-ગરબાનો સમાવેશ થાય છે. સવારે અને સાંજે કર્ણપ્રિય સંગીત સાથે આરતી કરવામાં આવે છે, જેમાં સભ્યો ધન્યતા અનુભવે છે. સભ્યોના સહિયારા પ્રયાસથી સોસાયટીમાં એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે. મહોત્સવના પાંચમા અને અંતિમ દિવસે સોસાયટી પરિસરમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:52 pm

આર્યન એમિનેંટમાં ગણેશ મહોત્સવની ધામધૂમ:મહિલાઓએ કર્યું 5 દિવસીય ઉત્સવનું આયોજન, સત્યનારાયણ કથા-અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

આર્યન એમિનેંટ સોસાયટીમાં મહિલાઓએ પાંચ દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે. ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની પધરામણી કરવામાં આવી હતી. સોસાયટીના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક આ ભક્તિમય માહોલમાં જોડાયા છે. મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં સત્યનારાયણ કથા, છપ્પન ભોગ અન્નકૂટ અને ફનફેર જેવા મનોરંજક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સવારે અને સાંજે કર્ણપ્રિય સંગીત સાથે આરતી યોજાય છે, જેમાં સભ્યો ભક્તિભાવપૂર્વક ભાગ લે છે. મહિલાઓના આ આયોજનથી સોસાયટીમાં એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે. પાંચમા દિવસે સોસાયટી પરિસરમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:48 pm

સાગબારામાં થાંભલે બાંધી યુવકને માર મારવાનો મામલો:ત્રણ મહિલા અને એક યુવક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં PM આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવક પર હુમલો થયો હતો. સેલંબા ગામના 37 વર્ષીય દીપક તુકારામ કોળીએ જિલ્લા વહીવટી તંત્રને યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. આ યુવકને થાંભલે બાંધીને મહિલાના ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે સાગબારા પોલીસે ત્રણ મહિલા અને એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધી છે. માર મારવાની આ સમગ્ર ઘટના 28 ઓગસ્ટે બની હતી. સાગબારા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન તડવી અને કંચનબેન તડવી સહિતની મહિલાઓએ દીપક પાસે આવી આવાસો કેન્સલ કરાવવા અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓએ દીપકને સુભાષ વસાવાના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો. દિવ્યેશ તડવી અને હંસાબેન તડવી સહિતના લોકોએ તેને માર માર્યો હતો. આરોપીઓએ દીપકને ગામમાં દોડાવી-દોડાવીને માર માર્યો અને મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર ઈજાઓને કારણે દીપકને પ્રથમ સ્થાનિક સરકારી દવાખાને અને પછી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનારનું નિવેદનઆ બાબતે ભોગ બનનાર દીપકભાઈએ જણાવ્યું, આ લોકો મહિલાઓને બોલાવીને થાંભલે બાંધીને બોવ માર્યો છે. મિટિંગ છે એમ કહી બધી મહિલાઓને ભેગા કરી લીધી હતી. મને બાંધીને અને રસ્તે ખેંચી ખેંચી માર્યો છે. વધુમાં જણાવ્યું કે મેં બધાના નામ લખાવેલ હતા. વિશાખાબેનના ઘરના બધાના નામ લખાવેલ છે. મને બપોરે દોઢ કલાકથી મારવાનું ચાલુ કર્યું કર્યું હતું. આ ઘટના બનતી હતી ત્યારે પોલીસ આવી હતી. તો મને આવી હાલતમાં જોઈ ને જતા રહ્યા હતા. મને મારતા હતા ત્યારે પોલીસ આવી હતી પણ મને જોઈ જતી રહી હતી. એક દિવસ પહેલા મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. પણ મને પોલીસ પ્રોટેક્શન મળ્યું ન હતું. પોલીસે કહ્યું કઈ નહીં થાય તમે ઘરે જાવ, હું આવા આશ્વાસનથી બિન્દાસ્ત થઈ ગયો હતો અને ઘરે જતો રહ્યો હતો અને બજારમાં ફરતો થઈ ગયો હતો. પછી બધી મહિલાઓ આવીને મને ઘેરી બહુ માર્યું છે. મને માર્યું છે, મારા છોકરા અને મારા ભાઈને માર્યો છે. મારી પત્નીને પણ જીવનું જોખમ છે. આ અમારું વતન છે, અને એ લોકો આ સેલંબા ગામમાંથી કાઢી મૂકવાની વાતો કરે છે. અમને કહ્યું કે જો તમે અરજી આપશો તો તમારું ઘર તોડી નાખીશું. તમને ગામમાં રહેવા નહીં દઈએ. અમે થોડા ખોટા કામ કરીએ છીએ. મેં આવાસ માટે રજૂઆત કરી હતી. બધા ઘણા ગરીબ લોકો સેલંબા ખાતે આવાસ વગર રહી રહ્યાં છે. મેં ગરીબો માટે રજૂઆત કરી હતી. આ આવાસ પાક્કા ધાબા વાળાના જ આવાસ આવી ગયા છે. ઇજાગ્રસ્તે પત્ની સાથે નવનિયુક્ત જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમારા જીવને જોખમ છે. ત્યારે પોલીસવડાએ તેમને પોલીસ દ્વારા પૂર્ણ રક્ષણ મળશે તેવી સાંત્વના આપી હતી. દીપકના નાના ભાઈ રાહુલ કોળી પર પણ હુમલો થયો હતો. તેના ઘરની વીજળી કાપી નાખવામાં આવી હતી. ઘટનાનો વીડિયો ઉતારનારાઓને પણ ધમકી આપવામાં આવી હતી. સાગબારા પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નવનિયુક્ત જિલ્લા પોલીસવડા સમક્ષ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:39 pm

છાલા ગામમાં અમુલ એજન્સીની ગાડીમાંથી 53 હજારની ચોરી:ઈકોનો કાચ ખુલ્લો રહી ગયો તો તસ્કર રોકડ લઈને ફરાર, ડ્રાઇવરની ઘોર બેદરકારી

ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં એક દુકાન પાસે પાર્ક કરેલી અમુલ ડેરી પ્રોડક્ટ્સની એજન્સીની ઇકો ગાડીમાંથી 53 હજાર 753 રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ ચિલોડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. એક શખ્સે ગાડીનો કાચ ખુલ્લો જોઈને રોકડ ચોરીગાંધીનગરના દોલારાણા વાસણા ગામના રાજદીપસિંહ મનહરસિંહ રાઠોડની માલિકીની શિવંશ સેલ્સ એજન્સીના ડ્રાઇવર અને હેલ્પર ગઈકાલે બપોરે મોટા ચિલોડા-હિંમતનગર હાઇવે પર છાલા ગામના શિવ પાર્લર પર માલ ઉતારવા ગયા હતા. આ સમયે તેમની ઇકો ગાડીનો કાચ ખુલ્લો રહી ગયો હતો. આ તકનો લાભ લઇ કોઈ અજાણ્યા ઇસમે ગાડીના ડેશબોર્ડની ડેકીમાંથી 53,753ની રોકડ ચોરી કરી લીધી હતી. ચિલોડા પોલીસે ગુનો નોંધ્યોઆ રકમ તે દિવસે અલગ-અલગ દુકાનો અને હોટલોમાં વેચેલા માલની હતી. જે અંગે ડ્રાઇવર અશોકકુમાર મકવાણાએ તાત્કાલિક રાજદીપસિંહને ફોન કરીને જાણ કરી હતી. જેથી રાજદીપસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:22 pm

AIની મદદથી ભક્તો કરી શકશે બપ્પા સાથે વાત:સુરતના AI ગણેશજીએ જમાવ્યું આકર્ષણ, સ્કેનરને સ્કેન કરો અને બપ્પા સામે તમારી સમસ્યા મૂકી જવાબ મેળવો

સુરતના ત્રણ યુવાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણેશોત્સવનાં ભાગરૂપે એક અનોખું ચેટબોટ પોર્ટલ 'Bappa Ai' બનાવ્યું છે. જેની મદદથી તમને ગણપતિ બાપ્પા સાથે વાત કર્યાનો અનુભવ થશે‌. જેમાં તમને તમારા કોઇપણ પ્રશ્નનો જવાબ બાપ્પા આપશે. આ સાથે જ તમે તમારી આશા અને અપેક્ષા પણ બાપ્પા સમક્ષ મૂકી શકો છો. સ્કેનર ને સ્કેન કરો અને બાપ્પા સામે તમારી સમસ્યા મૂકો. બાપ્પા તેનો જવાબ આપશે. જે ફિલ્ડમાંથી આવુ છુ તેને જ ગણેશોત્સવની થીમ બનાવીસુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને નેક્સ્ટ ઝેન વર્લ્ડ નામની કંપની ચલાવતા ત્રણ યુવાનો ચાર્મીશ પટેલ, નંદરાજ માળી અને પટેલ મૃણાલ દ્વારા આ વર્ષે ગણેશોત્સવમાં અનોખી ઉજવણી કરી રહ્યા છે. નંદરાજ માળીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 35 વર્ષથી સુરતમાં રહું છું. ગણેશોત્સવમાં ગણપતિ બાપાને ઘરે લાવીને વર્ષોથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક ગણેશ ભક્તને ઘરે ગણપતિની કઈ થીમ રાખીએ તેની મૂંઝવણ થતી હોય છે. આ વખતે હું જે ફિલ્ડમાંથી આવું છું જનરેટિવ આર્ટિફિશીયલ, તેને જ ગણેશોત્સવની થીમ બનાવવાનું વિચાર્યું. લોકોમાં AIની અવેરનેસ વધારવા માટે આ થીમ રાખવાનો વિચાર પ્રબળ બન્યો. Bappa.ai ટૂલ થકી ભક્તો બાપા સાથે વાતચીત કરી શકેAI સાથે આ ગણેશોત્સવમાં બાપાને કઈ રીતે કનેક્ટ કરી શકાય? તેના માટે વિચાર્યું તો બાપ્પા આપણી સાથે જ રૂબરૂ ચેટ કરી શકે તો તે કોન્સેપ્ટ પહેલા મગજમાં આવ્યો. ત્યારબાદ એ કોન્સેપ્ટને AIથી જનરેટ કર્યો છે. ત્યારબાદ મેં બાપ્પાનું એક AI ટૂલ બનાવી દીધું, જેના થકી ભક્તો બપ્પા સાથે AIના માધ્યમથી વાત કરી શકે. Bappa.ai ટૂલ થકી ભક્તો બાપા સાથે વાતચીત કરી શકે. આ ગણેશા હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાચાર્મીશ પટેલે જણાવ્યું હતું કે, ચેટબોટ ટૂલ Bappa Ai અંગે રિસર્ચ કરતા અમને એક મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ આ ટૂલને જનરેટ કરતા એક દિવસ જેટલો સમય લાગ્યો છે. અમે ત્રણ જેટલા યુવાનો દ્વારા આ AI ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે અને પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામ નગર ખાતે ઘરે જ ગણપતિની સ્થાપના કરી છે. આ હોમ ગણેશા હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:21 pm

વેરાવળમાં 'ફિટ ઈન્ડિયા' સાઈકલ રેલી:1200થી વધુ સાઈકલીસ્ટોએ 5 કિમી સુધી સાયકલ ચલાવી, કલેક્ટર-ધારાસભ્યની ઉપસ્થિતિ

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે વેરાવળમાં 'સન્ડે ઓન સાઈકલ' કાર્યક્રમ યોજાયો. સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે સાઈકલ રેલીને લીલી ઝંડી આપી. રેલી સંસ્કૃત યુનિવર્સિટીથી શરૂ થઈ સરકારી હોસ્પિટલ, કે.કે.મોરી, બજાજ શો-રૂમ, બસસ્ટેન્ડ અને ટાવર ચોક થઈને પરત ફરી. રેલીમાં 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' અને 'ફિટનેસ કા ડૉઝ, આધા ઘંટા રોઝ' જેવા સૂત્રો સાથે બેનર્સ લહેરાવાયા. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકો, પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો. ત્રિદિવસીય રમતોત્સવના અંતિમ દિવસે યોજાયેલી આ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ડી.વાય.એસ.પી વી.આર.ખેંગાર અને રમતગમત અધિકારી કાનજી ભાલિયા સહિતના અધિકારીઓ જોડાયા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓએ રોજ એક કલાક મેદાનમાં પસાર કરી શારીરિક તંદુરસ્તી કેળવવાના શપથ લીધા. આ રીતે 'ફિટ ઈન્ડિયા' અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો સંકલ્પ લેવાયો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:16 pm

શેર માર્કેટમાં રોકાણના નામે 6.75 લાખની છેતરપિંડી:કમિશન પર બેંક એકાઉન્ટ આપનાર પૂર્વ GRD જવાન ઝડપાયો, સાયબર ગઠિયાઓએ કરોડોનું ટ્રાન્જેક્શન કર્યું

સુરત સાયબર ક્રાઇમ પોલીસે એક મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં શેર માર્કેટમાં રોકાણના બહાને લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ ચિરાગ પ્રજાપતિ છે. આરોપીએ કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ સાઇબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું. સાયબર ગઠિયાઓ દ્વારા આરોપીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શેર બજારમાં રોકાણ કરી અનેકગણા વળતરની લાલચ આપી હતીસુરતના એક મેડિકલ રિપ્રેઝેન્ઝિટિવ સાથે બનેલી ઘટનાથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદીને કેટલાક આરોપીઓએ શેર બજારમાં રોકાણ કરવાથી અનેકગણું વળતર મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ 6,75,600નું રોકાણ કર્યું હતું. જોકે, રોકાણ કર્યા બાદ તેમને એક પણ રૂપિયો નફો કે મૂળ રકમ પરત મળી ન હતી. પોતે છેતરાયા હોવાનું ભાન થતાં ફરિયાદીએ 27 જુલાઈ, 2025ના રોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાટણના ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરીપોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદીએ જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આ પૈસા ચિરાગ પ્રજાપતિ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આરોપી ચિરાગ પ્રજાપતિ પાટણના હારીજમાં આવેલા ચામુંડા નગરનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આશ્ચર્યજનક રીતે, તે અગાઉ GRD (ગ્રામ રક્ષક દળ)માં પણ નોકરી કરી ચૂક્યો છે. માત્ર 70 હજારના કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતુંપોલીસે ચિરાગ પ્રજાપતિની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે, તેણે માત્ર 70,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગુના આચરતી ટોળકીને ભાડે આપ્યું હતું. આ ટોળકી ગેરકાયદેસર રીતે લોકો પાસેથી પૈસા મેળવીને ચિરાગના ખાતામાં ટ્રાન્સફર કરતી હતી, અને ચિરાગ એ પૈસા ATMમાંથી ઉપાડીને ટોળકીને પહોંચાડતો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચિરાગના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1,53,54,994નું ટ્રાન્ઝેક્શન થયું છે. ચિરાગ પ્રજાપતિના બેંક એકાઉન્ટ પર કુલ 7 ફરિયાદ દાખલઆ એકાઉન્ટ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયું હતું. ચિરાગ પ્રજાપતિના બેંક એકાઉન્ટ પર NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર કુલ 7 ફરિયાદો નોંધાઈ છે. આમાંથી 2 ફરિયાદો હરિયાણામાં, જ્યારે પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક-એક ફરિયાદ નોંધાઈ છે. પોલીસની બેંક એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિને વાપરવા ન આપવા અપીલપોલીસ વારંવાર લોકોને અપીલ કરે છે કે, કોઈપણ વ્યક્તિએ કમિશનની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિને વાપરવા આપવું ન જોઈએ. આવી પ્રવૃત્તિઓ સીધી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જેવી છે, જેના પરિણામે જેલની સજા અને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સુરત પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે જેથી આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. આ ઘટના સાબિત કરે છે કે ઓનલાઈન રોકાણ અથવા પૈસાની લેવડદેવડ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 3:09 pm

ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરમાં 5 લાખ ભક્તોની ભીડ:ચંદ્રગ્રહણ દરમિયાન મંદિર બપોરે 12:30થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે, માત્ર જાળીમાંથી દર્શન

ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન મેળો યોજાશે. લગભગ 450 સંઘો અહીંથી અંબાજી તરફ પ્રયાણ કરશે. ચંદ્રગ્રહણને કારણે ભાદરવી પૂનમના દિવસે (7 સપ્ટેમ્બર) મંદિર બપોરે 12:30થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન ભક્તો માત્ર મંદિરની જાળીમાંથી દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું કે, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ભક્તોની સુવિધા માટે રહેવાની, પીવાના પાણીની અને રાહત દરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ સીસીટીવી કેમેરા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરની સ્વચ્છતા માટે ગુજરાત ટુરિઝમ અને નગરપાલિકા સાથે મળીને વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદને ધ્યાનમાં રાખીને વિનામૂલ્યે 'માં વિસામો શેડ' ઉપલબ્ધ કરાવવામાં આવશે. યાત્રાળુઓ માટે 250 ડબ્બા શુદ્ધ અમુલ ઘીનો પ્રસાદ બનાવવાનું આયોજન છે. 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સવારે 6:15થી બપોરે 12:00 અને બપોરે 3:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી દર્શન થશે. 5-6 સપ્ટેમ્બરે સવારે 6:00થી રાત્રે 12:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. 8 સપ્ટેમ્બરથી નિયમિત સમયપત્રક અનુસાર મંદિર ખુલ્લું રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:57 pm

મેસરી નદીમાં પાણી છોડાતા પૂરની સ્થિતિ:ગોધરામાં 250 અસરગ્રસ્ત લોકોને ઉદ્યોગપતિએ જમાડ્યા, ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ કામગીરી

ગોધરા શહેરના મધ્યમાંથી વહેતી મેસરી નદીમાં અચાનક પાણી છોડવામાં આવ્યું છે. નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 250થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નદીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરની સૂચનાથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પૂરના કારણે અસરગ્રસ્ત લોકોના ઘરોમાં સામાન વેરવિખેર થઈ ગયો છે. રસોઈ બનાવવી મુશ્કેલ બની હોવાથી શહેરના ઉદ્યોગપતિ હાજી ફીરદોસ કોઠીએ મદદ માટે આગળ આવ્યા છે. તેમની ટીમે સર્વે કર્યો જેમાં 250 લોકો પૂરથી પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું. હાજી ફીરદોસ કોઠીએ 300 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. તેમણે ગોંદ્રા ઉઝૈર મસ્જિદ અને સાતપુલ ખાતે જાતે હાજર રહીને પ્રભાવિત લોકોને ભોજન કરાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:50 pm

લીમખેડામાં જુગારનો અડ્ડો ઝડપાયો:માર્કેટ રોડ પર વરલી-મટકા રમતા 4 શખ્સો પાસેથી રૂ.4100 જપ્ત, પોલીસની કાર્યવાહીથી જુગારીયાઓમા ફફડાટ ફેલાયો

લીમખેડા નગરના માર્કેટ રોડ વિસ્તારમાં પોલીસે જાહેર જગ્યામાં વરલી-મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની ઓચિંતી રેડમાં આરોપીઓ પાસેથી રોકડ રૂ.4100 જપ્ત કરવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરમાં ગોળ કુંડાળું બનાવીને જુગાર રમી રહેલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દેવેન્દ્રસિંહ ગોરેસિંહ નાયક (મધ્યપ્રદેશ), અશોકસિંહ નરેન્દ્રસિંહ નાયક (ઉત્તરપ્રદેશ), અંકુશસિંહ નેત્રપાલ નાયક (ઉત્તરપ્રદેશ) અને ઉમાશંકર દિલેદાર નાયક (ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ હાલમાં લીમખેડાના માર્કેટ રોડ વિસ્તારમાં રહે છે. લીમખેડા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે સ્થાનિક નાગરિકોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:49 pm

રવેચી માતાજીના મેળામાં ભક્તોનો ધસારો:કચ્છ-સૌરાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સંતવાણી અને મનોરંજનના કાર્યક્રમો યોજાયા

ભાદરવા સુદ આઠમના દિવસે વાગડ વિસ્તારના રાપર તાલુકાના રવ ગામે આવેલા પાંડવકાલીન યાત્રાધામ રવેચી માતાજીનો પરંપરાગત મેળો યોજાયો. મેળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, પૂના, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને ખડીર સહિતના વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા. લોકોએ ભાતીગળ મેળામાં રવેચી માંની મૂર્તિના દર્શન કરી ધ્યાનતા અનુભવી હતી. મેળામાં ચકડોળ, ખાણીપીણી, રમકડાં અને મનોરંજનના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાત્રે સૌરાષ્ટ્ર-કચ્છના કલાકારોએ સંતવાણી રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલો ફાળો મંદિરની ગાયો માટે વપરાશે. મેળામાં રબારી, પાટીદાર, ક્ષત્રિય અને આંજણા ચૌધરી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા. સમગ્ર વ્યવસ્થા મંદિરના મહંત હિરાગીરી ગુરુ ગંગાગિરી બાપુના માર્ગદર્શન હેઠળ રવેચી મિત્ર મંડળ અને સેવક ગણે સંભાળી હતી. મેળામાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. રાપર એસટી ડેપો દ્વારા મુસાફરો માટે 33 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેળા દરમિયાન રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા અને નાયબ મામલતદાર બી.જે.ચાવડાએ વહીવટી વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:48 pm

દાહોદમાં મેજર ધ્યાનચંદ જયંતિએ સાયકલ રેલીનું આયોજન:કલેક્ટર નિરગુડેની આગેવાનીમાં વરસાદ વચ્ચે 'ફિટ ઇન્ડિયા' અભિયાનનો સંદેશ

દાહોદમાં ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મેદસ્વીતા મુક્ત ગુજરાત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું. રેલી શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ભગીની સમાજ, યાદગાર ચોક, દાહોદ નગરપાલિકા, પડાવ, અનાજ માર્કેટ થઈને પુનઃ છાબ તળાવ ખાતે સમાપ્ત થઈ. કલેક્ટર નિરગુડેએ જણાવ્યું કે દર રવિવારે સાયકલિંગની પ્રવૃત્તિ દ્વારા મેદસ્વિતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સાયકલિંગથી પ્રદૂષણ ઘટશે અને ફિટનેસ વધશે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા. ખાસ કરીને યુવાનો, બાળકો અને 70 વર્ષ સુધીની વયના વડીલોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. NCC અને NSS ના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં સામેલ થયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:45 pm

પાનમ ડેમમાંથી 1.65લાખ ક્યુસેક પાણી છોડાયું:લુણાવાડામાં નદી બે કાંઠે વહી રહી છે, 23 ગામોને એલર્ટ કરાયા, સાંજ સુધી જળસ્તર વધી શકે છે

મધ્ય ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાની મહેર વરસી રહી છે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતાં 1.65 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. આના કારણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદી હાલ બંને કાંઠે વહી રહી છે. સલામતીના પગલાં રૂપે મહીસાગર જિલ્લાના પાનમ નદી કાંઠાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સાંજે પાંચ-છ વાગ્યાના અરસામાં નદીનું જળસ્તર વધુ વધવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:37 pm

જામનગર શિક્ષક સંઘનો સન્માન સમારોહ:12 નિવૃત્ત શિક્ષકોનું સન્માન, નવી કારોબારીની વરણી; મેયર-સાંસદ,ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત

જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં 12 નિવૃત્ત શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ પ્રફુલ્લાબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ડે.મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશભાઈ કગથરા અને શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કાકનાણી પણ હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં આગામી વર્ષ માટે નવી કારોબારીની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી તરીકે રાકેશ માકડિયાની નિમણૂક કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે કે.જી. વાળા અને અરવિંદભાઈ પટેલ તેમજ મહિલા ઉપપ્રમુખ તરીકે હેતલબેન પંચમતિયા સહિત કુલ 27 સભ્યોની નિમણૂક થઈ હતી. સભામાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ધારાસભ્યોએ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી. સાંસદ પુનમબેન માડમે કેન્દ્ર અને રાજ્ય સરકાર કક્ષાએ પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું. કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવી, ચિરાગભાઈ સચાણીયા અને અમીતાબેન વિરાણીએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:22 pm

વલસાડ રૂરલ પોલીસની કાર્યવાહી:51 જપ્ત બાઇક 3.90 લાખમાં હરાજી થઈ, વાપીના ભંગાર વેપારીએ લીધો કબજો

વલસાડ રૂરલ પોલીસે MV એક્ટ 207 હેઠળ જપ્ત કરેલા વાહનોની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી છે. વાપી ખાતે 20 જુલાઈના રોજ યોજાયેલી હરાજીમાં 51 બાઇક વેચવામાં આવી હતી. આ તમામ વાહનો વર્ષ 2023થી 2025 દરમિયાન પોલીસે જપ્ત કર્યા હતા. હરાજીમાં વાપીના એક ભંગાર વેપારીએ સૌથી વધુ બોલી લગાવી હતી. તેમણે 51 બાઇક માટે કુલ 3.90 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આજે તેઓ ટ્રક સાથે વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમને તમામ વાહનોનો કબજો સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાહનોના માલિકોને તેમના વાહનો છોડાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જો કે, કોઈ માલિક વાહન છોડાવવા આગળ આવ્યા ન હતા. ત્યારબાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસ મથકમાં વાહનોની ભીડ ઘટાડવાના હેતુથી આવા જપ્ત વાહનોની નિયમિત હરાજી કરવામાં આવશે. આ પ્રક્રિયાથી પોલીસ મથકમાં જગ્યા ખાલી થશે અને વ્યવસ્થાપન સરળ બનશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:20 pm

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી:હિંમતનગરમાં 5 કિમી સાયકલ રેલી યોજાઈ, સાંસદો-ધારાસભ્ય સહિત વિદ્યાર્થીઓ જોડાયા

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી. ખેલે ભી, ખીલે ભી થીમ સાથે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સન્ડે ઓન સાયકલ થીમ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ. મોતીપુરા સર્કલ, મહાવીરનગર અને એન્જિનિયર સર્કલ થઈને પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ રેલીને લીલી ઝંડી આપી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોએ ફિટ ઈન્ડિયા અભિયાન અને શારીરિક તંદુરસ્તી માટે રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો સંદેશ આપ્યો. રેલીમાં હિંમતનગર પ્રાંત અધિકારી વિમલભાઈ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણી સરવૈયા જોડાયા. હિંમત હાઇસ્કૂલ, જૈનાચાર્ય વિદ્યાલય અને ત્રિવેણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ પણ રેલીમાં ભાગ લીધો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 2:15 pm

પાટણના મોઢ મોદી સમાજનો ગરબા મહોત્સવ:કંકોત્રી વિતરણ માટે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી

પાટણના હિંગળાચાચર ચોક ખાતે મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા નવરાત્રિમાં ચાર કટમ ગરબા-૨૦૨૫નું આયોજન થયું છે. આ મહોત્સવમાં બાધા-માનતાના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે આમંત્રણ પત્રિકાના વિતરણ માટે શોભાયાત્રા યોજવામાં આવી હતી. યજમાન પરિવારો બગીમાં બેસીને કંકોત્રી વિતરણમાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું. મોઢ જ્ઞાતિ સમાજનો આ ગરબા મહોત્સવ નવરાત્રીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:54 pm

ભરૂચ ચાવજમાં વણકર સમાજની નવી વાડીનું લોકાર્પણ:ધનજીભાઈ પરમારના હસ્તે અનાવરણ, શૈક્ષણિક સંકુલ સાથે ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ

આજ રોજ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચાવજ ખાતે વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ વિધિ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની રચના થયા બાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ- ધડવૈયાઓને સમાજની એક વાડી બનાવાનો વિચાર આવ્યો હતો.જેથી સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓએ દાન મેળવી જમીન લઈને વાડી બનાવવાની તૈયારીઓ કરી હતી.જેમાં તે સમયના સ્વ.મગન કે. પરમાર ઉમરાજવાળાના અધ્યક્ષપણા હેઠળ સમાજની વાડીની જગ્યાની શોધખોળ ચલાવી હતી. ત્યાર બાદ ચાવજ મુકામે ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ. પરમાર અને ભરૂચના ભામાશા ધનજીભાઈ પરમાર દ્વારા તે જમીનનો સોદો કરી આ ત્રણેય (૩) પ્લોટનો દસ્તાવેજ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચના નામનો કર્યો હતો.જેમાં ધનજીભાઈ પરમારે એક પ્લોટની બાકીની રકમ ચૂકવી હતી.ત્યાર બાદ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ *૧૦૦૮ મહા મંડલેશ્વર મહંત શંભૂનાથ બાપુના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલી ગ્રાન્ટમાંથી અને દાતાઓએ આપેલા દાનમાંથી વાડીના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પૂર્ણ કરાઈ છે. જેથી આ વાડી અને શૈક્ષણિક સંકુલ સમાજ માટે ઉપયોગી બને તે માટે 31 મી ઓગસ્ટના શુભ દિને તેનું અનાવરણ વિધિ અને યજ્ઞ ભરૂચના ભામાશા અને સામાજીક કાર્યકર્તા માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું.આ પ્રસંગે સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ સુતરીયા,કનુભાઈ પરમાર,નગીનભાઈ પરમાર, રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર સાથે જ મોટી સંખ્યાના દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:53 pm

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરથી સાયકલ રેલી યોજાઈ:નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નિમિતે મોટી સંખ્યામાં સાયકલ ચાલકો જોડાઈને 'ફિટ ઇન્ડિયા'ના શપથ લીધા

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ 29મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 'હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી'ની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો. સાયકલ રેલીને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાનસાયકલ રેલીને લીલી ઝંડી આપવા માટે લોકસભા સાંસદ હરિ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનુભાવોએ પણ સાયકલ રેલીમાં ભાગ લઈને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. રેલીમાં ભાગ લેનારાઓએ 'ફિટ ઇન્ડિયા' શપથ લીધાઆ સાયકલ રેલી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે તોરણવાળી માતાનો ચોક, આઝાદ ચોક, પરા ટાવર, ધોબીઘાટ, ગાયત્રી મંદિર, જી.ઈ.બી., સોમનાથ ચોકડી અને બિલાડી બાગ થઈને પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી.આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારી, નેતાઓ તથા રેલીમાં ભાગ લેનારાઓએ 'ફિટ ઇન્ડિયા' અંતર્ગત શપથ લીધા હતા. શારીરિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરવા સાયકલ રેલીરેલીમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત જેગોડા, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, સાયકલ ક્લબના સભ્યો, પોલીસ કર્મીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:37 pm

ભવનાથના ગુરૂ ગૌરક્ષનાથ આશ્રમમાં ‘મન કી બાત’ કાર્યક્રમ:સાધુ-સંતો, ભાજપના હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યાં; ભારતનું વિશ્વમાં એક આગવું સ્થાનઃ શેરનાથ બાપુ

જૂનાગઢના ગિરનારની પવિત્ર છાયામાં આવેલા ભવનાથ વિસ્તારમાં આવેલ ગુરૂ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આજે રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”નું પ્રસારણ વિશેષ રીતે નિહાળવામાં આવ્યું હતું. આ મન કી બાતનો આ 125 મો કાર્યક્રમ હતો. કાર્યક્રમને નિહાળવા માટે જૂનાગઢ ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ભવનાથ-ગિરનાર વિસ્તારમાં નિવાસ કરતા સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત આજે વિશ્વમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યુંઃ મહંતઆ પ્રસંગે આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે, ગિરનારની ધરતી સદાયથી સાધુ-સંતોની તપસ્યાથી પવિત્ર રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના સર્વાંગી વિકાસ માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યું છે. રમતગમત, સંસ્કૃતિ, ખેતી, ટેકનોલોજી અને પરંપરા દરેક ક્ષેત્રમાં ભારત નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. આવી કામગીરી માટે સાધુ-સંતો અને જનમાનસ તરફથી આશીર્વાદ તથા શુભકામના પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમ દેશવાસીઓ સાથે હૃદયથી જોડાવાનો પવિત્ર પ્રસંગઃ મોદીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથેના તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 125મા એપિસોડ સાથે જોડાયા હતા. 2014થી શરૂ થયેલ આ અનોખા સંવાદના માધ્યમ દ્વારા વડાપ્રધાનએ એક વખત ફરીથી સામાન્ય જનતા, યુવાનો, ખેડૂતો, વિજ્ઞાનીઓ, આધ્યાત્મિક જગત અને દેશના વિવિધ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રેરણા આપતો સંદેશો આપ્યો હતો. મોદીએ કાર્યક્રમની શરૂઆત 125માં એપિસોડના ખાસ મહત્ત્વ પર પ્રકાશ નાખતાં કરી હતી. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ મારા માટે માત્ર એક માધ્યમ નથી, પરંતુ એ દેશવાસીઓ સાથે હૃદયથી જોડાવાનો પવિત્ર પ્રસંગ છે. મન કી બાત મારફતે મને દેશના ખૂણે ખૂણે કામ કરતા લોકોથી જાણવાની, શીખવાની અને પ્રેરણા મેળવવાની તક મળે છે. સ્વચ્છ ભારત અને હરિત ભારત તરફ ભારમોદીએ કહ્યું કે, છેલ્લા દાયકામાં દેશે સ્વચ્છતા અભિયાનને એક મહાન લોકઆંદોલન બનાવી દીધું છે. લોકો માત્ર શહેરી કે ગ્રામ્ય વિસ્તાર સુધી સીમિત રહીને નહીં પરંતુ પોતાના ગામડાં, મંદિરો, તળાવો અને ઐતિહાસિક સ્થળો સુધી સ્વચ્છતા માટે અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ગિરનાર અને ભવનાથ જેવા પવિત્ર સ્થળો પર ચાલી રહેલા સ્વચ્છતા કાર્યનો ઉલ્લેખ કરીને સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મહિલા શક્તિ પર વિશેષ ભારમોદીએ દેશની મહિલા શક્તિને નવા ભારતની પ્રગતિનું કેન્દ્ર ગણાવીને કહ્યું કે, આજે મહિલાઓ ખેલકૂદ, સ્ટાર્ટઅપ, વિજ્ઞાન, સેના અને ટેક્નોલોજી સહિત દરેક ક્ષેત્રે આગેવાની લઈ રહી છે. તેમણે ખાસ કરીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી અને યુવા પેઢીને તેમના પાસેથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ્સવડાપ્રધાને યુવાનોને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ એકોસિસ્ટમ વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધી રહી છે અને ગ્રામ્ય ક્ષેત્રે પણ યુવાનો નવતર પ્રયોગો કરી રહ્યા છે. આજના યુવાનો માટે કોઈ સપનું અશક્ય નથી, માત્ર સંકલ્પ અને મહેનત જોઈએ, એમ મોદીએ ઉમેર્યું હતું. પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે સંદેશમોદીએ 125માં એપિસોડમાં પર્યાવરણને સંરક્ષિત કરવાનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે વૃક્ષારોપણ, પાણી બચાવ, ઊર્જા બચત અને પ્રાણી-પક્ષીઓની સંભાળ એ દરેક નાગરિકનો કર્તવ્ય છે. ખાસ કરીને લોકોએ એક વૃક્ષ-એક જીવન સૂત્રને અનુસરવા આગ્રહ કર્યો. નાગરિકોના યોગદાનને સલામમન કી બાતના આ એપિસોડમાં મોદીએ અનેક સામાન્ય નાગરિકોના પ્રેરણાદાયક કિસ્સા પણ શેર કર્યા, જેમણે પોતાના ગામડાંમાં શાળાઓને ટેકનોલોજીથી સજ્જ કરી, પાણીની તંગી દૂર કરી અથવા નાના સ્તરે નવતર પ્રયાસો કર્યા. દેશની સાચી શક્તિ આ જ સામાન્ય નાગરિકો છે, જે અસાધારણ કાર્ય કરીને ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે, એમ મોદીએ કહ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એકતા, સંકલ્પ અને સંસ્કાર સાથે નવા ભારતના નિર્માણ માટે આગળ આવવા અપીલ કરી. આગામી સમયમાં 2047ના આઝાદીના 100 વર્ષના અમૃત મહોત્સવ સુધી ભારતને વિશ્વનું શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક રાષ્ટ્ર બનાવવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું છે. કેવું આજની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:29 pm

70થી 80 કિલો વેસ્ટ પેપરમાંથી ભગવદ્ ગીતાની થીમ પર ડેકોરેશન:બેનર દ્વારા ગીતાના અધ્યાય-શ્લોકોની માહિતી, વડોદરા પેઇન્ટર તાનાજીની ગલીમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઉજવણી

વડોદરા શહેરના પેઇન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશોત્સવને ગીતાજ્ઞાનની અદ્ભુત થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. આ મંડળની વિશેષતા એ છે કે, આખું ડેકોરેશન વેસ્ટ પેપર અને પસ્તીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જે 100 ટકા ઇકો-ફ્રેન્ડલી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને માનસિક તણાવ અને નિરાશાથી મુક્તિ મેળવવા માટે ભગવદ્ ગીતાના જ્ઞાન તરફ આકર્ષિત કરવાનો છે. ગીતાના શ્લોકોની માહિતી પ્રદર્શિતઆજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બને છે. માનસિક બીમારીઓમાંથી બહાર નીકળવા માટે ગીતાનો સહારો લેવો જોઈએ એવો સંદેશ મંડળના કાર્યકર્તાઓ આપી રહ્યાં છે. ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા-નિરાશાથી મુક્તિ મેળવવા માટે ગીતાના કયાં શ્લોકોનું અધ્યયન કરવું તેની વિગતવાર માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. 70થી 80 કિલો પેપરની પસ્તીનો ઉપયોગ કરીને ડેકોરેશનઆખું ડેકોરેશન વેસ્ટ પેપરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ગણપતિની મૂર્તિ અને ડેકોરેશન બનાવવા માટે 70થી 80 કિલો પેપરની પસ્તીનો ઉપયોગ થાય છે. આ પેપરની પસ્તી સ્થાનિક રહેવાસીઓ સ્વેચ્છાએ આપે છે, કારણ કે તેમને ખબર છે કે આનો ઉપયોગ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ અને ડેકોરેશન બનાવવા માટે થાય છે. આ કામ માટે 70 થી 80 દિવસનો સમય લાગે છે અને 10થી 12 કાર્યકર્તાઓ, જેમાં મહિલાઓ પણ સામેલ છે, આ કામ કરે છે. ખાસ વાત એ છે કે આ કામમાં કોઈ વ્યાવસાયિક કલાકારનો સમાવેશ નથી, ફક્ત મંડળના કાર્યકર્તાઓ જ આ કાર્ય કરે છે. વિષ્ણુની પ્રતિમા પણ કાગળથી બનાવાઈપંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા પણ કાગળથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે. પંડાલમાં પ્રવેશતા પહેલા દર્શનાર્થીઓના હાથ-પગ ધોવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવવામાં આવે છે. '2016થી અમારું મંડળ ઇકો-ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે'દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળના સભ્ય મિલિન્દભાઈ ઘાડઘે કહે છે કે, દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી. જોકે 2016થી અમારું મંડળ ઇકો-ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે. અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવામાં મદદ કરે છે. આ વર્ષે અમે ગીતાજ્ઞાન થીમ પર કામ કર્યું છે. આ ઉજવણી દ્વારા મંડળ માત્ર પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ લોકોના માનસિક આરોગ્યને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી પ્રેરણાદાયી ઉજવણી અન્ય મંડળો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે. ભગવદ્ ગીતા આધારિત થીમદર વર્ષે મંડળ ભાવી ભક્તોને સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરીએ છીએ. ગયા વર્ષે થીમ આયુર્વેદ પર હતી, જ્યારે આ વર્ષે ભગવદ્ ગીતા પર આધારિત થીમ રાખવામાં આવી છે. આ થીમ દ્વારા સંદેશ આપવામાં આવે છે કે ગીતાનું વાચન જીવનને સરળ બનાવે છે, કારણ કે ગીતા જ્ઞાનનો ખજાનો છે. ગીતામાંથી વિષ્ણુ ભગવાન અને ગણપતિ પ્રગટ થાય છે, જે આજના યુગમાં જીવનની સમસ્યાઓનું સમાધાન આપે છે. બેનર દ્વારા ગીતાના અધ્યાયો અને શ્લોકોની માહિતી દર્શાવાઈમંડળે એક મોટું બેનર લગાવ્યું છે, જેમાં ગીતાના અધ્યાયો અને શ્લોકોનો ઉલ્લેખ છે, જે ગુસ્સો, હતાશા, નિરાશા જેવી સમસ્યાઓનું સમાધાન આપે છે. આ બેનર દ્વારા ભક્તોને માહિતી અને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:24 pm

ગઢમાં મફત તબીબી કેમ્પનું આયોજન:100 વર્ષ જૂની શેઠ જેઠાભાઈ હોસ્પિટલ અને મેડિપોલિસ લાઇફ કેરના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો

પાલનપુર તાલુકાના ગઢમાં એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા કાર્યક્રમ યોજાયો. શેઠ જેઠાભાઈ નાનચંદદાસ ચેરિટેબલ હોસ્પિટલ ગઢ, રોટરી સેવાદળ ગઢ અને મેડિપોલિસ લાઇફ કેર હોસ્પિટલે સંયુક્ત રીતે મફત તબીબી તપાસ કેમ્પનું આયોજન કર્યું. પાલનપુરના અનુભવી તબીબોની ટીમે ગઢ વિસ્તારના દર્દીઓની તપાસ કરી. કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. સાથે જ તેમના આરોગ્યના રિપોર્ટ્સ પણ મફતમાં કરી આપવામાં આવ્યા હતા. મેડિપોલિસ લાઇફ કેરનો મુખ્ય ઉદ્દેશ ગઢ વિસ્તારના લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. આ કેમ્પમાં લાભ લેનારા દર્દીઓએ આયોજકોની આ પહેલને બિરદાવી હતી. આ આયોજન થકી ગ્રામીણ વિસ્તારના લોકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:24 pm

પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ:હિંમતનગરમાં શ્વેતાંબર જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી, સાંસદ સહિત અનેક મહાનુભાવો જોડાયા

હિંમતનગરમાં શ્વેતાંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે રવિવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં હ્રદયરત્ન મહારાજ આદિઠાણા અને સકળ સંઘની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન વખારિયાવાડમાં મહાવીરસ્વામી જૈન દેરાસરથી થયું હતું. યાત્રા શહેરના ગાંધીરોડ, ટાવર ચોક અને બગીચા વિસ્તારમાંથી પસાર થઈ હતી. ત્યારબાદ આંબાવાડી રેલવે અન્ડર પાસ થઈને મહાવીરનગર ચાર રસ્તે અહિંસા સર્કલ પહોંચી હતી. શોભાયાત્રા મહાવીરનગરમાં શાંતિનાથ જૈન દેરાસર સુધી પહોંચી અને ત્યાંથી પરત ફરીને વખારીયાવાડ ખાતે મહાવીરસ્વામી દેરાસરમાં સમાપન થયું હતું. કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હરસિદ્ધ માતાજી મંદિરના ટ્રસ્ટી ગીરીશભાઈ ભાવસાર અને વિશ્વ હિંદુ પરિષદના નલીનભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દર્શન કરી સૌ ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:21 pm

માલપુરમાં ધોધમાર વરસાદ:અણિયોર, જાલમખાંટના મુવાડા સહિત અનેક ગામોમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 11:30 કલાકે માલપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે અરવલ્લી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. માલપુર તાલુકાના અણિયોર, જાલમખાંટના મુવાડા, ભેમપોડા અને વાંકાનેડા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે. મકાઈ, બાજરી, જુવાર અને મગફળી જેવા પાકોને જીવતદાન મળ્યું છે. ઉપરાંત, અત્યાર સુધી પ્રવર્તી રહેલી ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 1:01 pm

'સન્ડે ઓન સાયકલ', પાટીલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું:સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 1500થી વધુ સાયક્લિસ્ટોએ ભરવરસાદમાં 13 કિમી સાયકલ ચલાવી

‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોન યોજાઈ હતી. જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. 1500 સાયક્લિસ્ટોની 13 કિમી સાયક્લોથોન'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત'ના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભરવરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ‘Y’ જંક્શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની 13 કિલોમીટર સાયક્લોથોનમાં 1500થી વધુ સાયક્લિસ્ટોએ ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશો પાઠવ્યો હતો. સાયક્લોથોનમાં નાગરિકોએ, યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લેવાઈજિલ્લા ક્લેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી. નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જોડાયેલા સૌએ ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી. સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:54 pm

ઘેડ પંથકના પ્રશ્નો મુદ્દે 'આપ' દ્વારા 14 દિવસની પદયાત્રા:5 સપ્ટેમ્બરથી પંચાળાથી શરૂઆત થશે અને 18મીએ સોનલ ધામ મઢડા ખાતે પદયાત્રા પૂર્ણ થશે

ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા 14 દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આગામી 5 સપ્ટેમ્બરથી પંચાળા ગામથી શરૂ થશે અને 18 સપ્ટેમ્બરના રોજ સોનલધામ મઢડા ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ ઘેડના લોકોના પ્રશ્નો અને પીડાને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે. પૂરની કાયમી સમસ્યા અને ખેડૂતોની વેદનાઆમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડવાના કારણે ઘેડ પંથકના ઉપરવાસમાંથી આવતા પાણીથી દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેડૂતોની હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે અને અનેક ગામડાઓ સંપર્કવિહોણા બની જાય છે. તેમણે એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓનો પ્રવાસ કરીને ખેડૂતોની વેદનાને નજીકથી જોઈ છે. અનેક ખેતરો ધોવાઈ ગયા છે, નદીના પાળા તૂટી ગયા છે અને વાવેલા પાક નિષ્ફળ ગયા છે. આ પરિસ્થિતિ જોઈને ગણેશ ચતુર્થીના શુભ દિવસે તેમણે ઘેડના લોકો માટે પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. પદયાત્રાનો ઉદ્દેશ અને કાર્યક્રમપ્રવીણ રામે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, આ પદયાત્રા 5 સપ્ટેમ્બરના રોજ પંચાળા સ્વામિનારાયણ મંદિર અને રામ મંદિરના દર્શન કરીને શરૂ થશે. ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસથી પ્રેરણા લઈને આ યાત્રા 14 દિવસ સુધી ચાલશે અને ૫૫થી વધુ ગામડાઓને આવરી લેશે. આ પદયાત્રા દરમિયાન તેઓ ખેડૂતો અને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે, તેમની સમસ્યાઓ, વેદના અને રજૂઆતો સાંભળશે, અને ખેતરોમાં થયેલા નુકસાનનો સર્વે કરીને તેને ઉજાગર કરશે. આ તમામ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓ આ પદયાત્રા 5 સપ્ટેમ્બરના શુભ દિવસે શરૂ થશે, જે ખેડૂતો માટે પણ એક ખાસ દિવસ ગણાય છે. આ યાત્રા દ્વારા ઘેડ પંથકના લોકોના પ્રશ્નોને વાચા આપવાનો અને તેમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:50 pm

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી:અમીરગઢની સરકારી કોલેજમાં 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ સાયકલિંગ કરી આપ્યો પર્યાવરણનો સંદેશ

અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. કોલેજમાં 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય ડૉ. એન.કે. સોનારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ખેલકૂદ ધારાના કો-ઓર્ડિનેટર ડૉ. ભાવેશ પ્રજાપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું. વિદ્યાર્થીઓએ સાયકલ પર કોલેજમાં આવી કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા બે મહત્વના સંદેશા આપવામાં આવ્યા હતા. પ્રથમ સંદેશ હતો લોકોને સાયકલનો ઉપયોગ વધારવા માટે પ્રેરિત કરવાનો. બીજો સંદેશ હતો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો. સાથે જ મેદસ્વિતા ઘટાડવા માટે સાયકલિંગના ફાયદા અંગે પણ માહિતી આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવામાં ભુપેન્દ્રભાઈ ચડોખિયા અને કોલેજના તમામ સ્ટાફ મિત્રોનો મહત્વનો સહયોગ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:49 pm

કેન્દ્રીય વિદ્યાલય પાસે નવજાત શિશુનો મૃતદેહ મળ્યો:ઝાડી માંથી મળેલા મૃતદેહની તપાસ શરૂ, સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ

શહેરના કેન્દ્રીય વિદ્યાલય નજીક રસ્તાની બાજુની ઝાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને શબપરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. સાથે સ્થાનિક લોકો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સ્થાનિક સમુદાયે આવી ઘટનાઓને રોકવા માટે સહયોગની અપીલ કરી છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:46 pm

પાનમ ડેમમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું:8 દરવાજા ખોલી 1.65 લાખ ક્યુસેક પાણી છોડાયું, 24 ગામને એલર્ટ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે જળસ્તર વધ્યું છે. આજે સવારે 11 વાગ્યે ડેમની સપાટી 127.20 મીટર નોંધાઈ હતી. રૂલ લેવલ 127.36 મીટર જાળવવા માટે ડેમના 8 દરવાજા 4.57 મીટર ખોલવામાં આવ્યા છે. પાનમ ડેમમાંથી 1,65,133 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની આવકને કારણે ત્રણ જિલ્લાના 24 ગામોને અસર થશે. પંચમહાલના શહેરા તાલુકાના રામજીની નાળ, લીંક અને ઉંડારા ગામો પ્રભાવિત થશે. મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના મોર અને બાલુજીના મુવાડા સહિત 5 ગામો અસરગ્રસ્ત થશે. લુણાવાડા તાલુકાના ચોપડા, વેરામા સહિત 17 ગામો અને ખાનપુર તાલુકાના પંડારડા અને નાનીચરેલ ગામોને પણ અસર થશે. જિલ્લા વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે. તમામ સંબંધિત કચેરીઓ અને અધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. કેચમેન્ટ વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:45 pm

જામનગરમાં સરકારી કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ ટુનામેન્ટ:મહાનગરપાલિકા ઇલેવને પોલીસ ઇલેવનને 15 રનથી હરાવ્યું

જામનગરમાં મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સરકારી કચેરીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ટેનિસ બોલથી રમાયેલી 10 ઓવરની આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને પોલીસ અધિક્ષક કચેરીની ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા યોજાયા હતા. મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં મહાનગરપાલિકા ઇલેવન અને પોલીસ ઇલેવન આમને-સામને આવ્યા હતા. જેમાં મહાનગરપાલિકા ઇલેવને 15 રનથી વિજય મેળવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમથી કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સૌહાર્દની ભાવના વધુ મજબૂત બની હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:42 pm

ગઢડાના સોસલા ગામ નજીક કાળુભાર ડેમમાં માછીમાર યુવકનું મોત:31 વર્ષીય રવિન્દ્ર સોનેલાલ માછીમારી દરમિયાન ડૂબ્યો, મૃતદેહ મળ્યો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સોસલા ગામ નજીક આવેલા કાળુભાર ડેમમાં એક માછીમારનું મોત થયું છે. મૃતક રવિન્દ્ર સોનેલાલ (ઉંમર 31) ગઈકાલે સાંજે માછીમારી માટે ડેમ પર ગયો હતો. ત્યાર બાદ તે ઘરે પરત ન ફરતા ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. આજે સવારે શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મોત અકસ્માત છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:25 pm

સીંગવડમાં 4 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ:કેશરપુર પાસે વૃક્ષ પડતાં પીપલોદ માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત

સીંગવડ તાલુકામાં ભારે વરસાદના કારણે કેશરપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. આ ઘટનાને કારણે પીપલોદ-સીંગવડ વચ્ચેનો મુખ્ય માર્ગ અવરોધાયો હતો. સીંગવડમાં છેલ્લા 24 કલાકમાં કુલ 89 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 31 મિલીમીટર વરસાદ પડ્યો હતો. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન વધુ 58 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે કેશરપુર પાસે રસ્તા પર વૃક્ષ પડી ગયું હતું. આ કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રને જાણ થતાં તેમણે તાત્કાલિક પગલાં લીધા છે. વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી માર્ગ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:23 pm

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી:પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સ રમતોનું આયોજન

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસે વિશેષ આયોજન કર્યું છે. 29થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન થયું. DySP જે.જી. ચાવડાના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સમાં ભાગ લીધો. DySP ચાવડાએ જણાવ્યું કે આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ દળમાં તણાવ ઘટાડવાનો છે. તેમણે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા પર ભાર મૂક્યો. ટીમવર્કને પ્રોત્સાહન આપવાનું પણ આ કાર્યક્રમનું લક્ષ્ય છે. પોલીસકર્મીઓએ રમતગમત પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો. આ આયોજન દ્વારા તેઓ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા. તેમણે શારીરિક તંદુરસ્તી અને ખેલદિલીની ભાવનાનો સંદેશ આપ્યો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:19 pm

રાષ્ટ્રીય રમત દિવસે મોરબીમાં સાયકલ રેલી:7 કિમી લાંબી રેલીમાં ધારાસભ્યો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા

મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'ખેલે ભી ખીલે ભી' થીમ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી રવાપર રોડ, સ્વાગત ચોકડી અને ઉમિયા સર્કલ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન સુધી પહોંચી. કુલ 7 કિલોમીટર લાંબી આ રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાએ ભાગ લીધો. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી સહિતના અધિકારીઓ પણ રેલીમાં જોડાયા. હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મનપાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની અને જિલ્લા રમત ગમત અધિકારી રવિભાઈ રાઠોડે પણ ભાગ લીધો. જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. રેલીમાં પોલીસના જવાનો, DLSS ના રમતવીરો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. 'સાયકલ ઓન સંડે' થીમ સાથે લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:15 pm

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિશાળ સાયકલ રેલીનું આયોજન:મ્યુનિસિપલ કમિશનરે સાયકલ ચલાવીને નેતૃત્વ કર્યું, મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો

નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આજે શહેરમાં એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સાયકલ ચલાવીને નેતૃત્વ કર્યું, જ્યારે શહેરના તમામ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીનો ઉદ્દેશઆ સાયકલ રેલીનો મુખ્ય હેતુ જનસામાન્યમાં શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આજના સમયમાં વધી રહેલી ઓબેસિટી (સ્થૂલતા) અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પડકારોને ધ્યાનમાં રાખીને, આ રેલી દ્વારા નાગરિકોને નિયમિત વ્યાયામ અને ફિટનેસનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલીની વિગતોસાયકલ રેલીની શરૂઆત સયાજીબાગથી કાલાઘોડા એસએસજી હોસ્પિટલ થઈ જેલ રોડ, કોઠી ચાર રસ્તા, પંચ મુખી ચાર રસ્તા થઈ કાલાઘોડા બાદ પરત સયાજીબાગ ફરી હતી. વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી થઈ, રેલીમાં યુવાનો, વરિષ્ઠ નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો સહિત હજારો લોકોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન સુરક્ષા માટે પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો તૈનાત હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સરળ રીતે સંપન્ન થઈ હતી. કમિશનરનો સંદેશમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રેલી દરમિયાન નાગરિકોને સંબોધન કરતાં જણાવ્યું, “નેશનલ સ્પોર્ટ્સ ડેના અનુસંધાને આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આપણને ફિટનેસ અને સ્વાસ્થ્યનું મહત્ત્વ યાદ અપાવે છે. સાયકલ રેલી એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક સંદેશ છે – ‘ફિટ રહો, સ્વસ્થ રહો.’ આપણે બધાએ નિયમિત વ્યાયામ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વડોદરા મહાનગર પાલિકા ભવિષ્યમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે. નાગરિકોનો ઉત્સાહરેલીમાં ભાગ લેનારા નાગરિકોએ આ પહેલની પ્રશંસા કરી. એક યુવા સાયકલિસ્ટે જણાવ્યું, “આવા કાર્યક્રમો યુવાનોને પ્રેરિત કરે છે. સાયકલ ચલાવવી એ માત્ર શારીરિક ફિટનેસ જ નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ ફાયદાકારક છે.” શહેરના કોર્પોરેટરોએ પણ આ પહેલને સમર્થન આપતાં જણાવ્યું કે, આવા કાર્યક્રમો શહેરની એકતા અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિને વધારે છે. ભવિષ્યની યોજનાઓવડોદરા મહાનગર પાલિકાએ જણાવ્યું કે, આવા ફિટનેસ કાર્યક્રમો નિયમિત રીતે યોજાશે, જેમાં યોગ સત્રો, મેરેથોન, અને અન્ય રમત-ગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે સાયકલ ટ્રેક અને સુરક્ષિત રસ્તાઓની વ્યવસ્થા પર પણ ધ્યાન આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:12 pm

અબડાસાના નિરોણા ગામમાં ખેલ સ્પર્ધા:ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ અને ક્રીડા ભારતીના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવ યોજાયો

અબડાસાના નિરોણા ગામમાં સારસ્વતમ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને ક્રીડા ભારતી-કચ્છના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને માં શારદા વંદનાથી થઈ હતી. કાર્યક્રમમાં સી.આર.સી. જોટવા અને વિદ્યાર્થીની કંચન ગરવાએ રાષ્ટ્રીય રમત દિવસ વિશે વિચારો રજૂ કર્યા. આચાર્ય ડૉ. ચૌધરીએ મેજર ધ્યાનચંદના જીવન અને તેમના રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ વિશે માહિતી આપી હતી. 'ખેલેગા નિરોણા, ખિલેગા નિરોણા' થીમ હેઠળ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓએ વિવિધ દેશી રમતોમાં ભાગ લીધો. લીંબુ ચમચી, ખો-ખો, કોથળા દોડ, ત્રિપગી દોડ અને રસ્સાખેંચ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું. રમતોત્સવના સફળ આયોજન માટે શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી. કાર્યક્રમનું સંકલન શિક્ષિકા ભૂમિબેન વોરાએ કર્યું. વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ કાર્યક્રમનું સંચાલન કર્યું. કુમાર શાળાના આચાર્યા કંચનબેને આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:09 pm

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર પાટડીમાં રમતોત્સવ:200 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી સહિત વિવિધ રમતોમાં ભાગ લીધો

પાટડીની શ્રી સુરજમલજી પ્રાથમિક શાળા અને ન્યુ હાઇસ્કૂલમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ઇનસ્કુલ યોજના અંતર્ગત આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.જી-1થી ધોરણ 8 સુધીના 200 જેટલા વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી, 50-100 મીટર દોડ, લોટ ફૂકણી અને રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો. શાળાના આચાર્ય દીપક શર્માએ વિદ્યાર્થીઓને રમતોનું મહત્વ સમજાવ્યું. પાટડી કેળવણી મંડળ અને આચાર્યએ દરેક વર્ગખંડમાંથી પ્રથમ ક્રમાંકે આવેલા વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપ્યા હતા. સ્પોર્ટ્સ ટ્રેનર્સ નીરજ પટેલ અને ભારતીબેન રાવલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્ય અને શિક્ષકોના સહયોગથી રમતોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:04 pm

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આણંદમાં સાયકલ રેલી:ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન સુધીની રેલીમાં નાયબ મુખ્ય દંડક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે આણંદમાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સાયકલ રેલીમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી આણંદ ટાઉન હોલથી શરૂ થઈને શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર સુધી યોજાઈ હતી. રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે નગરજનોએ સ્પોર્ટ્સનું મહત્વ સમજીને તેને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ. તેમણે નિયમિત સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાઈ રહેવાની વાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી હાજર રહ્યા હતા. આ ઉપરાંત નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. રેલીમાં મોટી સંખ્યામાં રમતવીરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસકર્મીઓ, વિવિધ કચેરીઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 12:02 pm

ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો કેસ, વધુ ત્રણને રાજસ્થાનથી દબોચ્યા:અગાઉ સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરી'તી, માફિયા ગેંગના શખ્સોની સંડોવણી

વડોદરામાં શાંતિ ડહોળવાના ઈરાદે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના સોમવારે મોડી રાતે પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જતા રસ્તે, સિટી પોલીસ સ્ટેશનથી થોડે દૂર મદાર માર્કેટ પાસે બની હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી, એક સગીર સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ ત્રણ આરોપીને ઓપરેશન સર્ચ હેઠળ રાજસ્થાન પોલીસે જયપુરથી દબોચ્યા છે. 25 ઓગસ્ટે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતાંનિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિ સોમવારે(25 ઓગસ્ટ) મોડી રાતે માંડવી તરફ લઈ જવામાં આવી રહી હતી. રાત્રે અઢી વાગ્યાની આસપાસ મદાર માર્કેટ પાસે અજાણ્યા શખ્સોએ મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાની જાણ યુવક મંડળના સભ્યોએ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સ્થિતિ પર કાબૂ મેળવ્યો અને તપાસ શરૂ કરી હતી. માફિયા ગેંગના શખ્સોની સંડોવણીપ્રાથમિક તપાસમાં ઈંડા ફેંકનારા બે આરોપીઓ, સૂફીયાન અને સહેજાદની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન માફિયા ગેંગના એડમીન જુનેદ સિંધી સહિત ચાર અન્ય શખ્સોની સંડોવણી સામે આવી હતી. વધુ તપાસમાં સલમાન મન્સૂરીની ધરપકડ કરવામાં આવી, જ્યારે જુનેદ સિંધી, સમીર અને અનસનું લોકેશન રાજસ્થાનના અજમેરમાં હોવાનું જાણવા મળ્યું હતું. વધુ ત્રણ આરોપી રાજસ્થાનથી પકડાયાવડોદરા પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક કરી, આરોપીઓની વિગતો શેર કરી હતી. અજમેર પોલીસે 'ઓપરેશન સર્ચ' હાથ ધરી, જુનેદ સિંધી, સમીર અને અનસને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા છે. વડોદરા પોલીસની ટીમ આ ત્રણેય આરોપીઓને લઈ વડોદરા પરત ફરી રહી છે, જ્યાં તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 'આરોપીઓને જયપુર ​​​​​​જઈ દબોચી લીધા'વડોદરા સિટી પોલીસ મથકના પી. આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે અમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડયા છે, જેમાંથી બે જેલમાં છે અને એક સગીર છે તે પણ કસ્ટડીમાં છે. અન્ય બે આરોપીના રિમાન્ડ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવતાં તેઓનું લોકેશન જયપુર હોવાથી રાજસ્થાન પોલીસને ઈનપુટ આપી આરોપીઓના લોકેશન પર જઈ દબોચી લીધા હતાં. હાલમાં અમારી ટીમ ત્યાં પહોચી છે અને આરોપીઓને લઈ પરત ફરશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:59 am

ભરૂચમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલોથોન:કલેક્ટર કચેરીથી શરૂ થયેલી સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રવિવારે સન્ડે ઓન સાઇકલ અભિયાન હેઠળ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કલેક્ટર કચેરીથી સાયકલ રેલીનો પ્રારંભ થયો. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મામલતદાર માધવી મિસ્ત્રીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. આ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા. સાયકલ રેલી શહેરના શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, શાલીમાર હોટલ અને સ્ટેશન સર્કલ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. રેલી સિવિલ હોસ્પિટલ રોડ થઈને કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે. સાથે આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન અને ફિટ ઈન્ડિયા અભિયાનને મજબૂતી આપવાનો પણ ઉદ્દેશ છે. તેમણે આગામી સમયમાં આવા વધુ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને ફિટ ઈન્ડિયા અને રમતગમત પ્રત્યે જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પોલીસ તંત્ર અને સ્વયંસેવકોએ સમગ્ર માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:56 am

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ:ઉમરગામમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં 45 મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 35 મિમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 2147.5 મિમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસના 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 137 મિમી વરસાદ નોંધાયો છે. ડેમનું જળસ્તર 75.95 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં 13,193 ક્યુસેક પાણીની આવક થઈ છે. રુલ લેવલ જાળવવા માટે ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. આ દ્વારા 12,631 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં પારડીમાં 28 મિમી, કપરાડામાં 24 મિમી, ધરમપુરમાં 4 મિમી અને વાપીમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2776 મિમી નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી તથા દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:55 am

સીંગવડના રણધીકપુરમાં વીજળી પડતાં કાચું મકાન ધરાશાયી:પરિવારનો આબાદ બચાવ, બે બકરાંના મોત, છેલ્લા 4 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી તબાહી

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર ગામના નદી ફળિયામાં વહેલી સવારે વીજળી પડવાની ઘટના બની. કમલેશભાઈ માનસિંગભાઈ બારીઆનું કાચું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું. મકાનમાં બાંધેલા બે બકરાં કાટમાળમાં દબાઈ જતાં મૃત્યુ પામ્યા. જો કે, મકાનમાં હાજર પરિવારનો આબાદ બચાવ થયો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં સિંગવડ વિસ્તારમાં 58 એમએમ વરસાદ નોંધાયો. ભારે વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકાએ ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન પહોંચાડ્યું. રણધીકપુરના નદી ફળિયામાં વીજળી પડવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. કમલેશભાઈના મકાનને ભારે નુકસાન થયું છે. મકાન સંપૂર્ણપણે નષ્ટ થવાથી તેમની આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. પરિવારના સભ્યોનો બચાવ થયો હોવાથી મોટી જાનહાનિ ટળી. સ્થાનિક લોકો અને પડોશીઓએ પરિવારને મદદ કરવાનું શરૂ કર્યું છે. વહીવટી તંત્રના તલાટી કમ મંત્રી સ્થળ ઉપર પહોંચીને પરિવારને થયેલ નુકસાનનો સર્વે કરીને સહાયની રકમ ચૂકવવા જરૂરી કાર્યવાહી શરુ કરવામા આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:54 am

સીંગવડમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત:નીચવાસ બજારના રસ્તાઓ ઢીંચણસમા પાણીમાં ડુબ્યા, કબૂતરી નદીમા પુર આવતા નદી બે કાંઠે, 5 ગામોનો સંપર્ક તૂટ્યો

દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં છેલ્લા 24 કલાકમાં 89 મિમી વરસાદ નોંધાયો છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નીચવાસ બજારમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયું છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 58 મિમી વરસાદ પડ્યો છે. કબૂતરી નદીમાં પૂર આવતા રંધીકપુર ખાતે નદીનું પાણી ગાડીતૂર બન્યું છે. વહીવટી તંત્રે કબૂતરી નદી પરના રસ્તાઓ બંધ કર્યા છે. મંડેર, માતાના પાલ્લા, વડાપીપળા, કાળિયા રાય અને કેળકુવા ગામોનો સીંગવડ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે સમસ્યા વધુ ગંભીર બની છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ ડ્રેનેજ સિસ્ટમની અછત અને નદીના પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અંગે વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:51 am

પાટણમાં રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત:27 લાખના ખર્ચે શાહના પાડા અને બડવાવાડામાં સીસી રોડ બનશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી રોડ-રસ્તાના કામોની શરૂઆત કરવામાં આવી છે. રવિવારે શાહના પાડા અને બડવાવાડા વિસ્તારમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. શાહના પાડામાં મેઇન દરવાજેથી બ્રાહ્મણવાળી શેરી તથા અન્ય શેરીમાં સીસી રોડનું કામ હાથ ધરાશે. હિંગળાચાચર પાસેના બડવાવાડામાં ચિરાગભાઈ ખમારના ઘરથી કનુભાઈ નાયીની દુકાન સુધી રિમિક્સ સીસી રોડ બનાવવામાં આવશે. પાલિકા સૂત્રો મુજબ, આ કામો પાછળ અંદાજે રૂ. 27 લાખનો ખર્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને વિકાસલક્ષી કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. તેમણે પાલિકા પ્રમુખ અને નગરસેવકોને શહેરના વિકાસ કામોની વ્યવસ્થિત દેખરેખ રાખવા જણાવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરસેવકો, પદાધિકારીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજક તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:47 am

હાથમતી નદીનો અદભુત ડ્રોન નજારો:લીલી હરિયાળી વચ્ચે કોતરમાંથી વહેતી નદીએ વોટરફોલનું સ્વરૂપ લીધું; આહલાદક દૃશ્યો થયાં કેમેરામાં કેદ

ચોમાસાની મોસમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી હાથમતી નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પીપલોદી વિસ્તારમાં નદીએ જે મનમોહક દૃશ્યો સર્જ્યા છે, તે અત્યંત આકર્ષક છે. ભારે વરસાદના કારણે નદી બંને કાંઠે છલકાઈ રહી છે અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતાં પાણીએ પીપલોદી પાસેના કોતરમાં એક સુંદર વોટરફોલનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ કુદરતી સૌંદર્યનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. ડ્રોન દ્વારા લેવાયેલા આ આકાશી દૃશ્યોમાં પીપલોદીના આ વોટરફોલની ભવ્યતા અને તેની આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વીડિયોમાં હાથમતી નદીની પ્રાકૃતિક સુંદરતા અને તેની આસપાસના વિસ્તારની લીલીછમ હરિયાળીનો એક અનોખો અને વિહંગમ નજારો રજૂ થાય છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે. આ દૃશ્યોએ પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં 69 મિમી (પોણા 3 ઇંચ) નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 53 મિમી (2 ઇંચ) અને વડાલીમાં 43 મિમી (પોણા 2 ઇંચ) વરસાદ થયો છે. અન્ય તાલુકાઓમાં વિજયનગરમાં 7 મિમી, હિંમતનગરમાં 10 મિમી, પ્રાંતિજમાં 10 મિમી, તલોદમાં 17 મિમી અને પોશીનામાં 16 મિમી વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : હિંમતનગર ધોધમાર વરસાદને પગલે કારો ડૂબી, ઘરોમાં પાણી ઘૂસ્યાં, ડ્રોન વીડિયો હાથમતી જળાશય 100 ટકા ભરાયોવરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત્ છે. હાથમતી જળાશય 100 ટકા ભરાઈ ગયો છે. જેમાં 5425 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે. ગુહાઈ જળાશય 94.69 ટકા ભરાયો છે, જોકે હાલમાં તેમાં પાણીની આવક બંધ છે. હરણાવ જળાશય 96.31 ટકા ભરાયો છે, જેમાં 235 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:42 am

સાબરકાંઠામાં વરસાદનો વરાપ:ઇડરમાં સૌથી વધુ પોણા 3 ઇંચ વરસાદ, હાથમતી ડેમ 100 ટકા ભરાયો

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં 69 મિમી (પોણા 3 ઇંચ) નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 53 મિમી (2 ઇંચ) અને વડાલીમાં 43 મિમી (પોણા 2 ઇંચ) વરસાદ થયો છે. અન્ય તાલુકાઓમાં વિજયનગરમાં 7 મિમી, હિંમતનગરમાં 10 મિમી, પ્રાંતિજમાં 10 મિમી, તલોદમાં 17 મિમી અને પોશીનામાં 16 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે. હાથમતી જળાશય 100 ટકા ભરાઈ ગયો છે. જેમાં 5425 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે. ગુહાઈ જળાશય 94.69 ટકા ભરાયો છે, જોકે હાલમાં તેમાં પાણીની આવક બંધ છે. હરણાવ જળાશય 96.31 ટકા ભરાયો છે, જેમાં 235 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:22 am

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી:ચોરીના કેસમાં ફરિયાદીને રૂ. 3.12 લાખ પરત કરાયા

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રજાલક્ષી કામગીરી કરતા એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાની આગેવાની હેઠળ પોલીસે ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જાન-માલની સુરક્ષા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ પણ આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેસમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદીને રૂ. 3.12 લાખની રકમ પરત કરી છે. આ રીતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી કામગીરી કરી છે. આ કામગીરીથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:18 am

જામનગરમાં અનામિકા પારણામાં મળ્યું નવજાત:બાળકની હાલત ગંભીર, જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દાખલ

જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાં શુક્રવારે સવારે એક તાજા જન્મેલા બાળકને કોઈ અજાણી સ્ત્રી મૂકી ગઈ હતી. બાળકની તબિયત નાજુક જણાતા તેને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણીએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભોજાણીએ યુવાનોને સાવધાન રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ઘણી વખત નવજાત શિશુઓને અવાવરુ જગ્યાએ છોડી દેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં જાનવરો દ્વારા બાળકોને નુકસાન થવાનું જોખમ રહે છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જો કોઈ અનિચ્છનીય સંજોગો ઉભા થાય, તો બાળકને સુરક્ષિત સ્થળે મૂકવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:17 am

દાહોદમાં મેઘરાજાની સટાસટી:સંજેલીમાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ ખાબક્યો, 9 તાલુકામાં મેઘમહેર

દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી પવનના સુસવાટા, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદે જિલ્લાને ભીંજવી દીધો છે. લીમડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા, લીમખેડા, દાહોદ, ધાનપુર, સિંગવડ, દેવગઢ બારીયા અને ગરબાડા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં સંજેલીમાં સૌથી વધુ 68 મિમી વરસાદ નોંધાયો છે. લીમખેડામાં 61 મિમી, ધાનપુરમાં 39 મિમી, ફતેપુરામાં 36 મિમી અને સિંગવડમાં 31 મિમી વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં 22 મિમી, દાહોદમાં 18 મિમી, ઝાલોદમાં 8 મિમી અને ગરબાડામાં 2 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લાના નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ખેતરો લીલાંછમ બન્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. ખેડૂતો માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર આ સમસ્યાના નિવારણ માટે કાર્યરત છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:16 am

બનાસકાંઠા LCBની કાર્યવાહી:અમીરગઢમાંથી 5.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી પકડાયો, ત્રણ ફરાર

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ એલસીબી પોલીસે અમીરગઢ વિસ્તારમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ઈકબાલગઢથી જાંજરવા તરફ જતા હાઈવે પરથી પોલીસે હોન્ડા સીટી કાર (GJ02EC9489)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 825 બોટલ અને ટીન કબજે કર્યા છે. આ દારૂની કિંમત રૂ. 2,52,440 છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 5,52,440 થાય છે. પોલીસે આવલ ગામના રજુસિંહ સમેરસિંહ ડાભીને પકડ્યો છે. જ્યારે કારના ચાલક દુર્જનસિંહ પચાણસિંહ ડાભી અને વિરેન્દ્રસિંહ ઉમનસિંહ ડાભી ફરાર થઈ ગયા છે. મોટરસાયકલ પર પાયલોટિંગ કરનાર નરેન્દ્રસિંહ જેસળસિંહ ડાભી પણ ફરાર છે. આરોપીઓએ રાજસ્થાન રાજ્ય નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. આર્થિક લાભ માટે કરાયેલા આ ગુના સંદર્ભે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:14 am

વાગરામાં ગેરકાયદે ખનન પર કાર્યવાહી:25 ટન રેતી ભરેલું ડમ્પર જપ્ત, માલિકને 2.31 લાખનો દંડ

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી કરી છે. વિભાગની ટીમે વાગરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી 25.53 ટન રેતી ભરેલું એક હાઈવા ડમ્પર પકડ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડમ્પરમાં રહેલી રેતી માટે કોઈ રોયલ્ટી કે કાયદેસર મંજૂરી લેવામાં આવી નથી. વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યું છે. ડમ્પરના માલિકને 2.31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી કાર્યવાહી ચાલુ રહેશે. આ પગલાં સરકારી આવકની સાથે પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 11:13 am

ઓરસંગ નદીમાં ઘોડાપુર:છોટા ઉદેપુરના જોજવા આડબંધમાં પાણી ફરી વળ્યું, ખેડૂતોમાં ખુશીનો માહોલ

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદની મેહર વરસી રહી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ કારણે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. બોડેલી તાલુકાના જોજવા ગામે આવેલો રજવાડા સમયનો ઐતિહાસિક આડબંધ હાલમાં ઓવરફ્લો થયો છે. આડબંધમાંથી વહેતા પાણીએ આસપાસના વિસ્તારમાં આહ્લાદક વાતાવરણ સર્જ્યું છે. પાણીની આ આવકથી પંથકના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આડબંધમાં પાણીની આવક થવાથી આસપાસના વિસ્તારના ખેતરોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:59 am

15 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા:મુળીના શેખપર ગામમાં તંત્રની કાર્યવાહી, બાંધકામો તોડી 1.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

મુળી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 30 ઓગસ્ટ, 2025ના રોજ સરકારી સર્વે નંબર 466/1/પૈકી 4 વાળી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. શેખપર ગામના ત્રણ વ્યક્તિઓ - સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરુભા પરમાર અને બળવંતસિંહ હેમુભા પરમાર દ્વારા આશરે 15 વર્ષ પહેલા આ સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવ શક્તિ હોટલનું ગેરકાયદેસર પાકું બાંધકામ કર્યું હતું. તંત્ર દ્વારા આ બંને હોટલો ઉપરાંત બે પાનના ગલ્લા, પાકા તપરાના શેડ, પંચરની દુકાન અને એક કરિયાણાની દુકાન સહિતના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અંદાજે રૂપિયા એક કરોડ પચાસ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 15 વર્ષથી કરાયેલા આ ગેરકાયદેસર બાંધકામોની વસૂલાત માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:54 am

અમરેલી જિલ્લામાં ગણેશ વિસર્જન માટે સ્થળો જાહેર:જાફરાબાદ-રાજુલા સહિત તમામ તાલુકામાં નદી-તળાવ અને દરિયા કિનારે વિસર્જન કરાશે

અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ વિસર્જન માટે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ વર્ષે પ્રથમ વખત નિયમ પ્રમાણે વિસર્જન કરવા માટે ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જાફરાબાદ તાલુકામાં વઢેરા સરકેશ્વર બીચ, રતનેશ્વર બીચ, બલાણા, ખારીબા બીચ, લુણસાપુરીયા દાદા તળાવ અને શિયાળબેટ વિસ્તારમાં વિસર્જન કરાશે. રાજુલા તાલુકામાં વિકટર, ખાડી, ચાંચની ખાડી અને પટવા વિસ્તારમાં મૂર્તિઓનું વિસર્જન થશે. લાઠી વિસ્તારમાં નમ્રમુનિ સરોવર અને હરિકૃષ્ણ સરોવર ખાતે વિસર્જન થશે. બાબરામાં રામપરા ડેમ અને સોનપરી મહાદેવ મંદિર પાસે વિસર્જન કરાશે. ધારી તાલુકામાં જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર અને ખોડિયાર ડેમ પાસે વિસર્જન થશે. ખાંભા તાલુકામાં રાયડી ડેમ અને મોટા બારમણ મોભનેસ ડેમ ખાતે વિસર્જન કરવામાં આવશે. બગસરામાં પોલીસ સ્ટેશન પાછળ સાતલડી નદી ખાતે વિસર્જન થશે. કુંકાવાવ-વડીયા વિસ્તારમાં ગ્રામ પંચાયત પાસેના ચેકડેમ અને સોનલ ડેમ ખાતે વિસર્જન કરાશે. કલેકટરે જાહેર કરેલા સ્થળો સિવાય અન્ય જગ્યાએ વિસર્જન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓની દેખરેખ હેઠળ વિસર્જન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:52 am

તરણેતર મેળામાં છરી સાથે દાદાગીરી અને મારામારી:વીડિયો વાયરલ થતાં પોલીસે યુવકને ઝડપીને કાયદાના પાઠ ભણાવ્યા

તરણેતર મેળામાં છરી સાથે ઉપદ્રવ મચાવવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા કૃષ્ણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાને પોલીસે છરી સાથે પકડી પાડ્યો છે. 28 ઓગસ્ટની રાત્રે તરણેતર મેળામાં બે જૂથો વચ્ચે થયેલી ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટ રેન્જ IGP અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ મેળામાં શાંતિ જાળવવા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેળામાં કોઈ શાંતિ ભંગ કરે તો કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ખાંટ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એસ.ગાબુ અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ સાપરાની ટીમે કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:50 am

લખતર-વણા વચ્ચે એસટી-ડમ્પર અકસ્માત:મુસાફરો સુરક્ષિત, એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર અને વણા વચ્ચે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી દિયોદર જતી એસટી બસને આ અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. દુધરેજ પુલ બંધ હોવાના કારણે હાલમાં સરકારી એસટી બસો સુરેન્દ્રનગરથી લખતર અને વણા થઈને માલવણ તરફ જાય છે. આ રૂટ પર જતી બસને સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટક્કર થઈ હતી. અકસ્માતને કારણે બસ એક કલાક સુધી રોડ પર ઊભી રહી હતી. આ દરમિયાન મુસાફરો અટવાયા હતા. એસટીના કંડક્ટરે ડેપો મેનેજર અને અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. અધિકારીઓની સૂચના બાદ બસને આગળ રવાના કરવામાં આવી હતી. બસ આગળ રવાના થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:44 am

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક:પાણી પુરવઠા, નર્મદા સિંચાઈ યોજના સહિત વિવિધ પ્રશ્નોની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરને વિકાસના તમામ માપદંડોમાં અગ્રેસર રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના તમામ સરકારી માળખાઓની નિયમિત સફાઈની ખાતરી કરવા જણાવ્યું હતું. પાટડીના ધારાસભ્ય પી. કે. પરમારે પાણી પુરવઠા, નર્મદા સિંચાઈ યોજના અને નહેરોના કામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ધ્રાંગધ્રાના ધારાસભ્યે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા અને દબાણ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. કલેકટરે આ તમામ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી માળખાઓની ચકાસણી અને સરકારી જાહેરાતના ચુકવણા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં એક અનોખી પહેલ જોવા મળી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉદ્ગીથ પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સૂચનાથી આ પ્રાણાયામ સત્રનું આયોજન કરાયું હતું. પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે આજના તણાવભર્યા જીવનમાં યોગ અને પ્રાણાયામ અનિવાર્ય છે. બેઠાડું જીવનશૈલીથી થતી સમસ્યાઓને દૂર કરવા માટે આ પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી પણ યોગને માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂરતો સીમિત ન રાખતા, તેને નિત્યક્રમનો ભાગ બનાવવાનું સૂચન કરે છે. આ પહેલથી અધિકારીઓ અને પદાધિકારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. તેનાથી તેઓ વધુ ઊર્જાવાન બની સમાજની બેહતર સેવા કરી શકશે. આ પ્રકારની પહેલ વ્યક્તિગત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાની સાથે સમાજમાં સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ પણ સ્થાપિત કરે છે

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:42 am

જામનગરમાં મધરાતે પોલીસનું ચેકિંગ:વાહન ચાલકો દંડાયા, કાળી ફિલ્મ દૂર કરાઈ, ટ્રિપલ રાઈડિંગ-રોમિયોગીરી પર કાર્યવાહી

જામનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના આદેશથી ગઈકાલે રાત્રે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઈવમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો. પોલીસે વાહન ચાલકોના લાયસન્સ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી. ફોર-વ્હીલર વાહનોમાંથી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી. ટ્રિપલ રાઈડિંગ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, સ્ટંટબાજી, દારૂ પીને વાહન ચલાવવું અને રોમિયોગીરી જેવા ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદાકીય કાર્યવાહીમાં જીપી એક્ટ કલમ 135 અને એમવી એક્ટ કલમ 185 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો. નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ કીર્તિ પાન, જકાતનાકા પાસે સીટીસી પોલીસ સ્ટેશન, લાલપુર બાયપાસ પાસે પંચકોષી બી પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાનો અને ગુનાખોરી અટકાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:40 am

ભુજમાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ:રિક્ષા ચાલક પાસેથી 185 ગ્રામ ગાંજો જપ્ત, એક આરોપી ફરાર

ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાની હેરાફેરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભીડનાકા વિસ્તારમાંથી એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અદ્રેમાન ઉર્ફે અકરમ સુલેમાન વીરા (ઉંમર 40) તરીકે થઈ છે, જે ભુતેશ્વર ફળિયામાં રહે છે. પોલીસે તેની પાસેથી પેન્ટના ખિસ્સામાંથી ગાંજાની પડીકીઓ મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં તેના ઘરે વધુ ગાંજાનો જથ્થો હોવાની કબૂલાત કરતા, પોલીસે FSL અધિકારી અને પંચોની હાજરીમાં તેના ઘરે રેઇડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 185 ગ્રામ ગાંજો (કિંમત રૂ.1,850), એક મોબાઇલ ફોન (કિંમત રૂ.5,000) અને બજાજ કંપનીની પેસેન્જર રિક્ષા (કિંમત રૂ.50,000) મળીને કુલ રૂ.56,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક અજાણ્યો આરોપી હજુ ફરાર છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ધીરાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઇ લક્ષ્મણભાઇ અને નવીનભાઇ લગધીરભાઇ સામેલ હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:39 am

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી:ગીર સોમનાથમાં બીચ વોલિબોલ, બેડમિન્ટન સહિતની રમતો યોજાઈ

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાનની થીમ સાથે રમતોત્સવનો પ્રારંભ થયો છે. રમતોત્સવના બીજા દિવસે વિવિધ સ્થળોએ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પેલક્સ ખાતે બેડમિન્ટનની રમત યોજાઈ હતી. સોમનાથ બીચ ખાતે બીચ વોલિબોલની સ્પર્ધા રમાઈ હતી. સ્પર્ધાઓના અંતે વિજેતા ટીમો અને ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી ચેતન ખટાણાં અને રમતગમત અધિકારી કાનજી ભાલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરપંચ, સ્થાનિક અગ્રણીઓ, વિવિધ ટીમોના સભ્યો, કોચ અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:34 am

દાહોદમાં સાંપના ડંખથી બાળકનું મોત:ઉંડાર ગામના 11 વર્ષીય બાળકને ઘરમાં સાંપે ડંખ માર્યો, સારવાર દરમિયાન મોત

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ખેડા ફળિયામાં રહેતા સુભાષભાઈ સોબનભાઈ રાઠોડ નામના 11 વર્ષના બાળકનું સાંપના ડંખથી મોત નીપજ્યું છે. 29 ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગ્યે સુભાષભાઈ ઘરમાં જમીન પર સૂતા હતા. એક ઝેરી સાંપે તેમના જમણા હાથની આંગળી પર ડંખ માર્યો. બાળકની બૂમાબૂમ સાંભળી પરિવારજનો દોડી આવ્યા. તેમણે જમીન પર સાંપ જોયો અને બાળકની આંગળી પર ડંખનું નિશાન જોયું. સાંપના ડંખની અસરથી સુભાષભાઈ બેભાન થઈ ગયા. પરિવારજનો તેમને તાત્કાલિક નજીકના દવાખાને લઈ ગયા. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં બાળકને બચાવી શકાયો નહીં. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. સુભાષભાઈના પિતા સોબનભાઈ રમણભાઈ રાઠોડે ધાનપુર પોલીસ મથકે ઘટનાની જાણ કરી. પોલીસે આ ઘટનાને અકસ્માત મોત તરીકે નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:32 am

વેરાવળમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ સ્થાપના:ગોવાળિયા ગ્રુપના પંડાલમાં સાંસદ સહિત અનેક મહાનુભાવોએ કરી આરતી

વેરાવળ શહેરના ટાવરચોક વિસ્તારમાં ગોવાળિયા ગ્રુપે ઓપરેશન સિંદૂર થીમ પર કરેલી ગણેશજીની સ્થાપના જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વિશેષ ગણેશ પંડાલમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોએ દર્શન અને આરતી કરી હતી. ગોવાળિયા ગ્રુપે દેશના સૈનિકોના સન્માનમાં આ વિશેષ થીમ પસંદ કરી છે. શહેરીજનો અને જિલ્લાભરમાંથી લોકો આ પંડાલના દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા,જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો.સંજય પરમાર, મહેન્દ્ર પીઠીયા, મહામંત્રી દિલીપસિંહ બારડ,બશહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, મહામંત્રી મૌલિક વૈયાટા, જયેશ પંડયા સહિતના સંગઠનના પદાધિકારીઓ ગોવાળિયા ગ્રુપના વિશેષ ગણેશ પંડાલમાં મહાઆરતી માટે પહોંચ્યા હતા. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ વિશેષ રીતે ઉજવાય છે. તેમણે ગોવાળિયા ગ્રુપને અભિનંદન આપતા કહ્યું કે, આ થીમથી દેશના સૈનિકોનું મનોબળ વધશે. તેમણે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દેશભક્તિનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગોવાળિયાગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર જ્યારે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું કે હે ભગવાન આ દેશના અને અમારા રાજ્ય ગુજરાત રાજ્યના તમામ વિઘ્નો તમે હરી લેજો અને વિસર્જન તમારી સાથે કરી લેજો અને આ દેશ મજબૂત દેશ બને મહાસત્તા બનેએ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:31 am

ગરબાડામાં ગેરકાયદે હથિયાર સાથે યુવક ઝડપાયો:નઢેલાવ ગામે નાકાબંધી દરમિયાન પોલીસે 5000નો દેશી તમંચો કર્યો જપ્ત

દાહોદ જિલ્લા પોલીસે ગરબાડા તાલુકામાં સફળ કામગીરી કરી છે. એસઓજી પોલીસે નઢેલાવ ગામે નાકાબંધી દરમિયાન એક યુવક પાસેથી ગેરકાયદે હથિયાર જપ્ત કર્યું છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. એસઓજી પોલીસે નઢેલાવ ગામના ત્રણ રસ્તા પર નાકાબંધી કરી વાહનોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ યુવક અલ્પેશભાઈ હરસિંગભાઈ ભાભોર પસાર થયો હતો. તે નઢેલાવના બારના કુવા ફળિયાનો રહેવાસી છે. પોલીસે તેની પૂછપરછ કરી હતી. સંતોષકારક જવાબ ન મળતા તેની અંગઝડતી લેવામાં આવી હતી. અંગઝડતી દરમિયાન યુવક પાસેથી રૂ. 5000ની કિંમતનો દેશી હાથબનાવટનો તમંચો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:31 am

અમૂલ ઇલેક્શન અપડેટ, 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ:હવે વ્યક્તિ સભાસદની એક બેઠક તેમજ બાકીના 8 બ્લોકની ચૂંટણી માટે કુલ 22 ઉમેદવારો મેદાનમાં, આણંદ બ્લોકમાં સૌથી વધુ 5

આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. 12 બ્લોક તેમજ વ્યક્તિ સભાસદ માટેની આ ચૂંટણી માટે 55 ઉમેદવારોએ કુલ 123 જેટલાં ફોર્મ ભર્યાં હતાં. જોકે, ગતરોજ ફોર્મ ચકાસણી બાદ માત્ર 42 ઉમેદવારો જ માન્ય ઠર્યા હતાં. જે પૈકી 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધાં છે. આ સાથે જ મહેમદાવાદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ, બાલાસિનોર બ્લોકમાં ભાજપના રાજેશભાઈ ગજાનંદ પાઠક, વિરપુર બ્લોકમાં શાભેસિંહ મોંઘાભાઈ પરમાર તેમજ ઠાસરા બ્લોકમાં પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયાં છે. ત્યારે હવે બાકી રહેલ 8 બ્લોક તેમજ વ્યક્તિ સભાસદ માટેની આ ચૂંટણી માટે માત્ર 22 ઉમેદવારો જ મેદાનમાં છે. નડિયાદ, ખંભાત, બોરસદ, પેટલાદ, કઠલાલ, કપડવંજ બ્લોક તેમજ મતદાર વિભાગ - 2 (વ્યક્તિ સભાસદ) માં બે-બે ઉમેદવારો જ હોવાથી સીધી ટક્કર જામશે. જ્યારે આણંદ બ્લોકમાં 5 ઉમેદવારો અને માતર બ્લોકમાં ત્રણ ઉમેદવારો હોવાથી આ બંને બ્લોકમાં રસાકસીભર્યો જંગ જામશે. આણંદ બ્લોકના ઉમેદવારો ખંભાત બ્લોકના ઉમેદવારો બોરસદ બ્લોકના ઉમેદવારો પેટલાદ બ્લોકના ઉમેદવારો કઠલાલ બ્લોકના ઉમેદવારો કપડવંજ બ્લોકના ઉમેદવારો માતર બ્લોકના ઉમેદવારો આણંદ બ્લોકના ઉમેદવારો મતદાર વિભાગ - 2 (વ્યક્તિ સભાસદ)ના ઉમેદવાર

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:29 am

15 વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરની ધરપકડ:દાહોદ એલસીબી પોલીસે MPના આરોપી રમેશ બારીયાને ખરોડા ગામેથી પકડ્યો

દાહોદ એલસીબી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા 15 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના રમેશભાઈ વેસ્તાભાઈ બારીયાને દાહોદના ખરોડા ગામેથી પકડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં પ્રોહિબિશન, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનો પણ સમાવેશ થાય છે. એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી રમેશ બારીયા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ધરપકડથી દાહોદ તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં ઘટાડો થશે તેવી આશા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:27 am

ખેડૂતો માટે મોટી રાહત:મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર, 1થી 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખરીફ સીઝન 2025-26 માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ચાર મુખ્ય પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263, મગ માટે રૂ. 8,768, અડદ માટે રૂ. 7,800 અને સોયાબીન માટે રૂ. 5,328નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ખરીફ ઋતુમાં સારા વરસાદને કારણે આ પાકોનું ઉત્પાદન વધવાની શક્યતા છે. ખેડૂતોએ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ VCE મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડ, 7-12 અને 8-અ રેકોર્ડ, પાક વાવણીનો તલાટી દાખલો અને બેંક એકાઉન્ટની વિગતો જરૂરી છે. ખેડૂતો ઈ-ગ્રામ સેન્ટર ખાતે જઈને ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ નોંધાયેલા ખેડૂતો ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત પોતાના ખેતરનો જાતે સર્વે કરી શકશે. આ માટે ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:26 am

વીર નર્મદ યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા:વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની મહિલા ટીમ રનર્સ અપ બની

સોનગઢની ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે 10 કિલોમીટરની દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં કુલ 49 કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો.વી.આર.ચાંપાનેરી અને સમગ્ર શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ટીમને શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. મુકેશભાઈ કે.પટેલે તાલીમ આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:26 am

પાટણના આનંદેશ્વર મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો:વૈભવી કાર સાથે આવેલા ત્રણ આરોપીઓ પાસેથી 5.66 લાખનો મુદ્દામાલ મળ્યો

પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે આનંદેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ની રાત્રે મંદિરની દાનપેટીમાંથી રૂ. ૧.૯૧ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ સફેદ વેરના કારના આધારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેમણે દસ દિવસ પહેલા એક અન્ય સાથીદાર સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૫૧,૯૬૦ની રોકડ રકમ, ત્રણ મોબાઈલ ફોન, વેરના કાર અને એક લોખંડની કોંસ મળી કુલ રૂ. ૫.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ભાવાભાઈ અબાજી પટેલ, ઉત્તમ આભાજી ખોલવાડિયા અને ચેતનભાઈ લીલાજી ઠાકોરનો સમાવેશ થાય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગે એક મહિના પહેલા બનાસકાંઠાના મૂડેઠા ગામના મંદિરમાં પણ દાનપેટી તોડી હતી. આ કેસમાં હજુ એક આરોપી અંકિત ભેરાજી ઠાકોર ફરાર છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:23 am

પારડી DGVCL કચેરીનું ભૂમિપૂજન:ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ 3 કરોડના ખર્ચે બનનાર સિટી અને ગ્રામ્ય કચેરીનું ખાતમુહૂર્ત કર્યું

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી ખાતે રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ થનાર DGVCL પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કર્યું. તેમણે પારડી નગરપાલિકા વિસ્તારમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત 11 કેવી રિંગ મેઈન યુનિટનું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત વીજ કંપની છેલ્લા 12 વર્ષથી વીજ સેવાઓમાં દેશમાં પ્રથમ સ્થાને છે. બીપરજોય વાવાઝોડા દરમિયાન કંપનીના કર્મચારીઓએ માત્ર 72 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. DGVCLનો વીજ નુકસાન દર પણ સૌથી ઓછો છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે 24 કલાક વીજળી પૂરી પાડે છે. વલસાડના ધરમપુર, પારડી અને ઉમરગામમાં રૂ. 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે ગુજરાત સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. નવી પેટા વિભાગીય કચેરીથી ગ્રામ્ય વિસ્તારના 26 ગામોના 20,143 અને શહેરી વિસ્તારના 4 ગામો સહિત પારડી નગરપાલિકા વિસ્તારના 22,219 વીજ ગ્રાહકોને લાભ થશે. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, DGVCLના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:22 am

પાલનપુરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન:ધારાસભ્ય-કાર્યકરોએ કોંગ્રેસનો વિરોધ કર્યો, રાહુલ-સોનિયા ગાંધીના પૂતળા બાળ્યા

બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં પાલનપુરમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક કાર્યકરોએ એકત્રિત થઈને આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ 'કોંગ્રેસ હાય હાય'ના નારા લગાવ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બિહારમાં થયેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. ભાજપના કાર્યકરોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:21 am

મહેસાણાના ભમ્મરિયા નાળા પાસેનો હાઈટ ગેજ તૂટ્યો:રસ્તા વચ્ચે હાઈટ ગેજ પડ્યો હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ

મહેસાણા શહેરની મધ્યમાં આવેલા અને અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ભમ્મરિયા નાળા પરનો હાઈટ ગેજ તૂટી ગયો છે. કોઈ અજાણ્યા વાહનચાલકે વહેલી સવારે આ હાઈટ ગેજ તોડી નાખ્યો અને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે. આ ઘટનાને કારણે ભારે વાહનો માટે નાળામાંથી પસાર થવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મોટા વાહને હાઈટ ગેજને તોડ્યોમળતી માહિતી મુજબ વહેલી સવારે ગંજ બજારમાં માલ-સામાન લઈને આવતા કોઈ મોટા વાહને આ હાઈટ ગેજને તોડ્યો હોવાની આશંકા છે. આ હાઈટ ગેજ નાળાની સલામતી માટે લગાવવામાં આવ્યો હતો, જેથી મોટી ઊંચાઈ ધરાવતા વાહનો નાળામાં પ્રવેશી ન શકે અને અટવાઈ ન જાય. નાળા આસપાસ ટ્રાફિકની સમસ્યાહાઈટ ગેજ તૂટી જવાથી હવે નાળામાંથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. આ નાળું શહેરના ઘણા વિસ્તારોને જોડે છે, જેથી તેના પર ભારે વાહનોની અવરજવર બંધ થવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ હાઈટ ગેજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:20 am

અરનાલા-ઉદવાડા હાઈવે પર લોકોનું શ્રમદાન:જર્જરિત માર્ગ પર સ્થાનિકોએ ખાડા પૂર્યા, ડાળીઓ મૂકી વાહનચાલકોને કર્યા સાવધાન

પારડી તાલુકાના અરનાલા મરીમાતા ચોકડીથી ઉદવાડા સુધીનો સ્ટેટ હાઈવે અત્યંત જર્જરિત હાલતમાં છે. માર્ગ પર મોટા ખાડા હોવાથી વાહનચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. કોઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે ખાડા પુરાણ અને અન્ય કામગીરી હાથ ધરી માર્ગ મકાન વિભાગ અને જિલ્લા લંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીનો સામે અનોખો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ અકસ્માત અટકાવવા પહેલ કરી છે. તેમણે ખાડાઓમાં ઝાડની ડાળીઓ મૂકી વાહનચાલકોને ચેતવણી આપી છે. તાજેતરમાં એક સ્થાનિક વ્યક્તિની કાર ખાડામાં ફસાઈ હતી. વાહનની ગતિ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. નેશનલ હાઈવે-56 પર કોલક નદીનો પુલ ભારે વાહનો માટે બંધ છે. આથી સમગ્ર ટ્રાફિક આ માર્ગ પર વળ્યો છે. ટ્રક અને ટેમ્પોની સતત અવરજવરથી રોડની સ્થિતિ વધુ બગડી છે. વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અનેક અકસ્માતો થયા છે. રાત્રે અકસ્માતનું જોખમ વધુ રહે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોને જોડતો આ માર્ગ હવે અડચણરૂપ બન્યો છે. ગોયમા, અરનાલા અને આસપાસના ગામલોકોમાં રોષ છે. તેઓની માંગ છે કે મરીમાતા ચોકડીથી ઉદવાડા સુધી તાત્કાલિક મરામત થવી જોઈએ. જો આમ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયતની બેદરકારીથી લોકો અને વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:19 am

જામનગરના દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં નવું સાહસ:ગણેશજીને સૌથી વધુ મુગટ પહેરાવી વિશ્વ રેકોર્ડ માટે નવમું નોમિનેશન

જામનગરના બેડી ગેઈટ વિસ્તારની કડિયા બજાર શેરીમાં આયોજિત દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવે નવો કીર્તિમાન સ્થાપવાની તૈયારી કરી છે. એઈટ વન્ડર્સ ગ્રુપના આયોજકોએ ભગવાન ગણેશજીને સૌથી વધુ મુગટ પહેરાવીને ઉંચાઈનો વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાવ્યું છે. આ મહોત્સવ છેલ્લા 28 વર્ષથી નિયમિત રીતે યોજાય છે. આયોજકોએ અત્યાર સુધીમાં આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આજે લીમ્કા બુક ઓફ ઈન્ડિયા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓની હાજરીમાં નવમા રેકોર્ડ માટેનું નોમિનેશન રજૂ કરવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં વિશ્વ રેકોર્ડની ઔપચારિક વિધિ પૂર્ણ કરવામાં આવશે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આ નવો કીર્તિમાન સ્થાપિત કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:17 am

પાટણમાં ભાજપનો ઉગ્ર વિરોધ:બગવાડા ચોકમાં રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું, કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર

બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બિહારમાં મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપે બગવાડા ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું. કાર્યકર્તાઓએ 'કોંગ્રેસ હાય હાય' અને 'રાહુલ ગાંધી હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી શાંત રહેલી ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:16 am

કોંગ્રેસનો વોટ ચોર-ગદ્દી ચોર કાર્યક્રમ:દાહોદ જિલ્લામાં 2થી 6 સપ્ટેમ્બર સુધી તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન થશે

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે 31 ઓગસ્ટે અમદાવાદમાં વોટ ચોર-ગદ્દી ચોર કાર્યક્રમમાં જોડાશે. આ અંગે દાહોદમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ માહિતી આપી હતી. નિનામાના જણાવ્યા મુજબ, અમદાવાદના કાર્યક્રમ બાદ દાહોદ જિલ્લામાં વિરોધ કાર્યક્રમોની શ્રેણી શરૂ થશે. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન દરેક તાલુકામાં ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાશે. 8 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર કરી રહી છે. નિનામાએ જણાવ્યું કે પાર્ટી આક્રમક અભિગમ સાથે આ ચૂંટણીઓમાં ઝંપલાવશે અને સત્તા મેળવવા પ્રયાસ કરશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:15 am

જામનગરમાં શોર્ટ સર્કિટથી આગ:લીમડા લાઈન વિસ્તારના મોમાઈ કૃપા મકાનમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા મોમાઈ કૃપા રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. શોર્ટ સર્કિટથી નીકળેલા તણખાઓએ ધીમે ધીમે આગનું સ્વરૂપ લીધું હતું. ચર્ચ નજીક આવેલા આ મકાનમાં આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:12 am

બોટાદમાં નવા SP દ્વારા મોટું કોમ્બિંગ ઓપરેશન:125 પોલીસકર્મીની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરી, અસમાજિક પ્રવૃતિ કરતા લોકોને આપી ચેતવણી

બોટાદમાં નવનિયુક્ત એસપી ચિંતન તેરૈયાએ ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આગામી ગણેશ મહોત્સવ અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. એસપી તેરૈયાના નેતૃત્વમાં DYSP, LCB, SOG, PI અને PSI સહિત 125 પોલીસ જવાનોની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. મહમદ ગફુર વિસ્તાર, પોસ્ટ ઓફિસ પાસે, હરણ કુઈ અને સાળંગપુર રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી. કોમ્બિંગ દરમિયાન કેટલાક સ્થળોએથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. એસપીએ તેમને કડક ચેતવણી આપી. એસપી તેરૈયાએ જણાવ્યું કે બોટાદના શાંતિપ્રિય નાગરિકોને હેરાન કરનારા અસામાજિક તત્વોને સખત સંદેશ આપવાનો આ પ્રયાસ છે. તેમણે આગામી દિવસોમાં જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:11 am

ઉમરેઠના વાડી વિસ્તારમાં ચાર મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા:પાલિકાએ ફોન ન ઉપાડતાં સ્થાનિકોએ ડે.મામલતદાર પાસે મદદ માંગી, ડે.મામલતદારે તુરંત જ સ્થળ પર જઈ નિકાલની તજવીજ હાથ ધરી

આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજરોજ સવારે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ 110 મી.મી એટલે કે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને પગલે ઉમરેઠ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જોકે, સવારે દશ વાગ્યા બાદ વરસાદનું જોર ઘટી ગયું હતું. જેને પગલે બપોરે બારેક વાગ્યા સુધીમાં નગરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી ગયાં હતાં. પરંતુ, ઉમરેઠ નગરના વોર્ડ નંબર 1 માં વાડી વિસ્તાર ખાતે આવેલ એફ.આર ખરી પાસેના એક રહેણાંક વિસ્તારમાં પાંચ કલાક બાદ પણ પાણી ઓસર્યાં ન હતાં. આ વિસ્તારમાં આવેલ ચાર જેટલા મકાનોની અંદર ઢીંચણસમા પાણી ભરાયાં હતાં. આ પાણીનો નિકાલ થતો ન હોવાથી સ્થાનિકોએ પાલિકા કચેરીમાં તેમજ કાઉન્સિલરોને ફોન કર્યાં હતાં. પરંતુ, કોઈએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. ઘરમાં પાણી ઘુસવાથી અનાજ, કપડાં સહિત ઘરવખરીનો સામાન પલળી ગયો હતો. જેથી રહીશો બપોરે ત્રણ વાગ્યા સુધી ભૂખ્યાં-તરસ્યાં રહ્યાં હતાં અને ઘરમાંથી પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું. પરંતુ ઘરની બહાર ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકા તંત્રની કોઈ મદદ ન મળતાં આખરે સ્થાનિક દિપીકાબેન સોલંકીએ મામલતદાર કચેરીમાં ફોન કરી સમગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆત સાંભળી ડેપ્યુટી મામલતદાર (ડીઝાસ્ટર) યશપાલ પરમાર તુરંત જ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને નગરપાલિકાના કર્મચારીને સ્થળ પર બોલાવી પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લાં 40 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા - દિપીકાબેનસ્થાનિક દિપીકાબેન સોલંકી જણાવે છે કે, વરસાદને કારણે અમારા ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘણી તકલીફ ઉભી થઈ છે. આ બાબતની રજૂઆત કરવા માટે અમે લાગતા વળગતા બધાને ફોન કર્યાં, નગરપાલિકામાં પણ ફોન કર્યાં. પણ કોઈ ફોન ઉપાડતું નથી. કોઈ અમારી રજૂઆત સાંભળવા પણ તૈયાર નથી. છેલ્લાં 40 વર્ષથી અમે આ જ પરિસ્થિતિમાં છીએ. અત્યારે અમારા ઘરનો માલસામાન, ઘરવખરી, ઈલેક્ટ્રીક વસ્તુઓ બધી જ પલળી ગઈ છે. તો અમે કરીએ શું.? ઘરોમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાવાથી ઘરવખરીનો સામાન પલળી ગયો - પિંકીબેનસ્થાનિક પિંકીબેન સોલંકી જણાવે છે કે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન જે વરસાદ પડ્યો, તેને કારણે અમારા ઘરમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું અને અમારા ઘરનો સામાન જેવો કે અનાજ, બાળકોના ભણવાના ચોપડા, કપડા, ઇલેક્ટ્રીક વસ્તુઓ બધું જ પલળી ગયું છે. અમે સવારથી જ ચા-નાસ્તો કે જમવાનું બનાવી શક્યા નથી. અમે વર્ષોથી પાણીના નિકાલ બાબતે રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ અમારું સાંભળતું નથી કે કોઈ અહીંયા જોવા પણ આવતું નથી. જગ્યા નીચાણવાળી છે, છતાં પાણીનો સત્વરે નિકાલ કરવાનો પ્રયત્ન ચાલુ છે - ડે.મામલતદારડેપ્યુટી મામલતદાર (ડીઝાસ્ટર) યશપાલ પરમાર જણાવે છે કે, પાણી ભરાયું હોવા અંગે સ્થાનિકોનો ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્થળ પર આવ્યો છું. આ જગ્યા નીચાણવાળી હોવાથી તેનું નિરીક્ષણ કરી, આ પાણીનો સત્વરે નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:09 am

નવસારીમાં એક અઠવાડિયામાં કરંટથી ત્રીજુ મોત:પેથાણ ગામમાં વોટરપ્રૂફિંગ કામ દરમિયાન 25 વર્ષીય મજૂરનું મોત, 8 મહિનાના બાળકે પિતા ગુમાવ્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પેથાણ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. વોટરપ્રૂફિંગના કામ દરમિયાન કરંટ લાગવાથી 25 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે. મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની કૈલાશ ચૌહાણ નવસારીમાં કડિયા કામ કરતો હતો. ઘટના દરમિયાન કૈલાશ ધાબા પર ટેમ્પરરી લિફ્ટથી માલસામાન ચડાવી રહ્યો હતો. આ સમયે તેને કરંટ લાગ્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી કૈલાશના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેના માત્ર 8 મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં નવસારી જિલ્લામાં કરંટ લાગવાથી આ ત્રીજો મોત છે. આ અગાઉ ગણપતિ આગમન દરમિયાન બે યુવાનોના કરંટ લાગવાથી મોત થયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:07 am

સાવરકુંડલાના ત્રણ ગામોમાં વિકાસ કાર્યોનો પ્રારંભ:ધારાસભ્ય મહેશ કસવાલાએ ₹18.25 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું

સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલાએ વિસ્તારના વિકાસ કાર્યોને નવી દિશા આપી છે. તેમણે સાવરકુંડલા તાલુકાના ત્રણ ગામોમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે. સુરજવડી ગામમાં ₹8.75 લાખના ખર્ચે અનેક કામો હાથ ધરાશે. આમાં કોઝવે, સી.સી. રોડ, અવેડો અને સ્મશાનની દીવાલનો સમાવેશ થાય છે. ઘનશ્યામનગર ગામમાં ₹9.50 લાખના ખર્ચે વિકાસ કાર્યો થશે. અહીં બ્લોક રોડ, દીવાલ અને સ્મશાનની છાપરીનું નિર્માણ કરવામાં આવશે. ધારાસભ્યએ ધજ્ડી ગામની મુલાકાત લઈ લોકસંપર્ક પણ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીતુ કાછડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ રજની ડોબરિયા હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય લાલ મોર, ભાજપના આગેવાનો ભુપેન્દ્ર ખુમાણ, મહેશ ભાલાળા, દીપક મકવાણા, સંજય બરવાળીયા, ચંદ્રેશ રામાણી, જયસુખ રાદડીયા અને જીતુ ચોવટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:06 am

ધરમપુર તાલુકાની આંગણવાડીમાં બાળકોને સડેલા ચોખા:ચોખામાં મોટા પથ્થરો મળ્યા, સ્થાનિક આગેવાનોએ પ્રાંત અધિકારીને કરી ફરિયાદ

ધરમપુર તાલુકાના નડગધરી ગામની આંગણવાડીમાં આદિવાસી બાળકોને આપવામાં આવતા ચોખામાં સડેલું અનાજ અને મોટા પથ્થરો મળી આવ્યા છે. આ મામલે સ્થાનિક આગેવાનોએ પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે. ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ અને પંચાયત સભ્ય ગુલાબભાઈએ 28 ઓગસ્ટે આ મામલો ધ્યાન પર લાવ્યો હતો. આંગણવાડીમાં કંટ્રોલ શોપમાંથી લાવવામાં આવેલા ચોખાની તપાસ કરતા તેમાંથી સફેદ રંગના મોટા પથ્થરો મળી આવ્યા હતા. આ અગાઉ પણ ધરમપુર તાલુકાના મરઘમાળ અને મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને જીવાતવાળા ચણા આપવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. સ્થાનિક આગેવાનોએ માગણી કરી છે કે આ અનાજ મોકલનાર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ સડેલા અનાજનો જથ્થો બદલીને તાત્કાલિક સારી ગુણવત્તાનું અનાજ પૂરું પાડવામાં આવે. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આદિવાસી બાળકોના સ્વાસ્થ્યના હિતમાં મામલતદાર કચેરી ખાતે ધરણા અને આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:05 am

સિધ્ધપુર-ઊંઝામાં 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ:કેન્દ્રીય મંત્રી રાજપૂતે સહકારી આગેવાનો સાથે કર્યો સંવાદ, આત્મનિર્ભરતા પર ભાર

ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ, સિધ્ધપુર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી રાજપૂતે જણાવ્યું કે ખેડૂતો અને પશુપાલકોને પાયાની સુવિધાઓ ઘર આંગણે મળવા લાગી છે. તેનાથી તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે છેવાડાના ગામડા સુધી સત્ય હકીકત પહોંચાડવી આપણી જવાબદારી છે. દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો ફાળો છે. મંત્રીએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે દેશને સક્ષમ બનાવવા માટે દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 2047 સુધીનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપથી દેશ આત્મનિર્ભર બનશે અને તેનો લાભ દેશવાસીઓને મળશે. કાર્યક્રમમાં લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સભાસદો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 10:03 am

ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા:1.13 લાખ ક્યુસેક પાણીની આવક-જાવક, કાંઠા વિસ્તારમાં એલર્ટ

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 7 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 335.97 ફૂટે પહોંચી ગઈ છે. ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 13,210 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ડેમમાંથી પણ એટલી જ માત્રામાં એટલે કે 1,13,210 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ તાપી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં રૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ પગલું નદીના પાણીની સપાટીમાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 9:49 am

પૂર્વ વિસ્તારમાં પોલીસનું મોડી રાત્રે કોમ્બિંગ:હત્યા અને મારામારી સહિતના ગુનાઓના આરોપીઓના ઘરે તપાસ હાથ ધરાઈ, છરી અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો મળ્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યા, હત્યાનો પ્રયાસ મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરે ઝોન 6 ડીસીપી દ્વારા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વટવા, ઇસનપુર, મણીનગર, નારોલ, વટવા, જીઆઇડીસી, દાણીલીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે કોમ્બિગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઘરમાંથી અને પેટ્રોલિંગમાં અલગ-અલગ 10 જેટલા વ્યક્તિઓ પાસેથી છરી ચપ્પુ જેવા હથિયાર મળી આવતા પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. 215 આરોપીઓના ઘરે અને વાહનોનું ચેકિંગ કરાયુંઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા તેમના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક જાન્યુઆરી 2025થી અત્યાર સુધી શરીર સંબંધી ગુના જેવા કે હત્યા, મારામારી, હત્યાનો પ્રયાસ વગેરે જેવા ગુનાઓમાં છરી, ચપ્પુ, તલવાર, ધારીયા, પિસ્તોલ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા આરોપીઓના ઘરે 30 ઓગસ્ટના રોજ રાત્રે સર ચોપરેશન કરવામાં આવ્યું હતું. ઝોન 6 એલસીબી અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોના પીઆઇ અને પોલીસ કર્મચારીઓ દ્વારા કુલ 215 જેટલા આરોપીઓના ઘરે અને તેમના વાહનો વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે તમામ હથિયાર કબજે કરીને આરોપીઓની ધરપકડ કરીમોડી રાત્રે મેગા કોમ્બિંગ કરવામાં આવતા અગાઉના ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓના ઘરેથી છરી અને ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામ હથિયાર કબજે કરીને તેમની ધરપકડ કરી હતી. કોમ્બિંગ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં અન્ય પાંચ લોકો પાસેથી પણ પાંચ જેટલા લોકો પાસેથી હથિયારો મળી આવ્યા હતા જેથી પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. ઝોન 6 વિસ્તારમાં મેગા કોમ્બિગ દરમિયાન 10 જેટલા હથિયારો રાખવા અંગેના કેસ નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 9:32 am

માલપુરનો વાત્રક ડેમ ઓવરફ્લો:રૂલ લેવલ જાળવવા 12600 ક્યુસેક પાણી છોડાયું, આસપાસના ગામોને એલર્ટ કરાયા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે. વાત્રક ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે અને રૂલ લેવલ મહત્તમ સપાટી 135.97 મીટર છે. ગઈકાલે મોડી રાત્રે ડેમમાં 12600 ક્યુસેક પાણીની આવક થતાં પાણી મહત્તમ સપાટી વટાવી ગયું હતું. તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બે દરવાજા ત્રણ ફૂટ ખોલીને 12600 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડતા પહેલા તંત્રએ આસપાસના ગામોને એલર્ટ કરી દીધા હતા. સિઝનમાં પહેલી વાર વાત્રક ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પણ વાત્રક નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 9:32 am

માંગરોળમાં દીપડાનો આતંક યથાવત્, CCTV:કામનાથ મંદિર પાસે એકસાથે બે દીપડા દેખાતા ભયનો માહોલ, વન વિભાગે દીપડાને પકડવા કામગીરી હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની અવરજવર અને હુમલાની ઘટનાઓમાં વધારો થતાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે, તાજેતરમાં માંગરોળના પ્રખ્યાત કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એકસાથે બે દીપડા જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ​CCTVમાં કેદ થઈ દીપડાની હરકત​આ ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે બંને દીપડા મંદિર પરિસરમાં આરામથી ફરતા જોવા મળ્યા હતા. તેમની આ હરકત મંદિરના પરિસરમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક દીપડો મંદિરના કમ્પાઉન્ડની અંદર દાખલ થાય છે અને તેની પાછળ બીજો દીપડો પણ પ્રવેશ કરે છે. આ બંને શિકારી પ્રાણીઓ કોઈ પણ જાતના ડર વિના મંદિરના આસપાસના વિસ્તારમાં આંટાફેરા કરતા દેખાઈ રહ્યા છે. ​પૂજારીના કૂતરાનો શિકાર કર્યો​સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને દીપડાએ મંદિરના પૂજારીના પાલતુ કૂતરાને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ઘટનાએ મંદિરના પૂજારી અને આસપાસના રહેવાસીઓને વધુ ચિંતિત કરી દીધા છે. આ પહેલી ઘટના નથી, અગાઉ પણ માંગરોળ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો, વાડીઓ અને રહેણાંક વિસ્તારોની નજીક દીપડા દેખાયા હોવાના અસંખ્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ વીડિયોમાં દીપડાઓ ખેડૂતોના ઢોર-ઢાંખરનો શિકાર કરતા પણ જોવા મળ્યા છે. ​ગ્રામજનોએ વન વિભાગને અપીલ કરી​આ ઘટના બાદ આખા વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ગ્રામજનો અને મંદિરના પૂજારીએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે. તેમણે વહીવટીતંત્રને અપીલ કરી છે કે, આ દીપડાઓને તાત્કાલિક પાંજરે પુરીને દૂરના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી દીપડાઓનો આતંક ઓછો નહીં થાય ત્યાં સુધી તેઓ સલામત અનુભવી શકશે નહીં અને સામાન્ય જનજીવન પાછું પાટા પર આવી શકશે નહીં. હાલમાં, વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં તકેદારી વધારી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 9:26 am

મોરબી આપઘાત કેસમાં નવો ખુલાસો:4.30 કરોડના વિવાદમાં બ્લેકમેલિંગ કરનાર મહિલા-પુરુષ જેલમાં

મોરબીમાં કારખાનેદારના આપઘાત કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. ટંકારાના ઉમિયાનગર ગામના પ્રકાશભાઇ ભાડજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના સાળા અશોકભાઇ પાડલિયાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. મૃતકે સુસાઇડ નોટમાં છ લોકોના નામ લખ્યા હતા. મૃતકના ચાર ભાગીદારો પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા. આ ભાગીદારો પૈસા આપતા નહોતા અને ધમકીઓ આપતા હતા. અમદાવાદની એક મહિલા સાથે મૃતકને પ્રેમ સંબંધ હતો. આ મહિલા અને અર્ચિતભાઇ મહેતાએ મળીને મૃતકને ઇમોશનલ બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યા હતા. પોલીસે ગાંધીનગરના અર્ચિતભાઇ મહેતા અને અમદાવાદના મનીષાબેન ગોહિલની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થયા બાદ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Aug 2025 9:19 am