SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ઊંઝામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા:બે ફાયર ટીમોએ 4 કલાકે આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પર સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીને કરોડો રૂપિયાનું નોંધપાત્ર નુકસાન થયું હોવાનો અંદાજ છે. ભીષણ આગથી ધુમાડાના કાળા ગોટેગોટા આ ઘટના આજે બપોરના સુમારે બની હતી. ઊંઝા તાલુકાના ઐઠોર-અરણીપુરા રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી અને થોડી જ ક્ષણોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જે દૂરથી પણ જોઈ શકાતા હતા. ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબૂ કરીઆગની જાણ થતાં જ ઊંઝા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, કેમિકલ્સના કારણે આગની તીવ્રતા એટલી વધુ હતી કે ઊંઝા ફાયર ટીમ માટે તેને એકલા હાથે કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક મહેસાણા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઊંઝા અને મહેસાણા એમ બંને ફાયર ટીમોએ સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. 3 થી 4 કલાકની સઘન કવાયત બાદ આગ પર કાબૂ મેળવાયોકેમિકલ્સના કારણે આગ વારંવાર ભભૂકી ઉઠતી હોવા છતાં, ફાયર કર્મીઓએ જીવના જોખમે લગભગ 3 થી 4 કલાકની સઘન કવાયત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ કામગીરી દરમિયાન, આગને આસપાસના વિસ્તારોમાં કે અન્ય કોઈ મિલકત સુધી પ્રસરતી અટકાવવામાં પણ ફાયર બ્રિગેડ સફળ રહ્યું હતું. શોર્ટ સર્કિટથી આગનું અનુમાનપ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ અને અંતિમ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફેક્ટરીમાં મોટું નુકસાનનો અંદાજફાયર બ્રિગેડની સમયસર કામગીરી અને ફેક્ટરીના કર્મચારીઓની સાવચેતીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ફેક્ટરીમાં રાખેલા કેમિકલ્સ, મશીનરી અને અન્ય સાધનસામગ્રીને કારણે નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. નુકસાનનો ચોક્કસ આંકડો તપાસ બાદ જ જાણી શકાશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:51 pm

સચિન જ્વેલર્સ લૂંટ વીથ મર્ડર કેસ:આશિષ રાજપરાની અંતિમ યાત્રામાં આખું સચિન હિબકે ચઢ્યું, પરિવારજનોનો આક્રંદ; લદ્દાખ ટૂર મિત્રો માટે અંતિમ સંભારણું બની

યાત્રા નીકળતા સમગ્ર સચિન પંથક હિબકે ચઢ્યું હતું. વેપારીઓ, પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને આ દુર્ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે તાજેતરમાં મિત્રો સાથેની લેહ લદ્દાખની ટૂર તેમના મિત્રો માટે આશિષ સાથેનું અંતિમ સંભારણું બની રહેશે. તેમના મિત્રો ભારે હૃદયે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે'. પરિવારજનોના આક્રંદથી સચિનમાં ગમગીનીઆશિષ રાજપરાની અકાળે વિદાયથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની કુંજલબેન અને બે પુત્રીઓ - ધો. 12માં અભ્યાસ કરતી આર્ચી અને ધો. 8માં અભ્યાસ કરતી એન્જલના હૃદયદ્રાવક આક્રંદથી સમગ્ર સચિન વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગઈકાલે બપોરે જ આ ઘટનાની જાણ થતાં માતા અને બંને પુત્રીઓએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું, જેને જોઈને હાજર સૌ કોઈની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. આશિષ રાજકોટથી આવ્યા બાદ પરિવારને મળીને દુકાને ગયા હતા અને ત્યાં જ લૂંટારૂઓનો પ્રતિકાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો. આ પણ વાંચો: આરોપીઓએ ઘટનાને અંજામ આપતાં પહેલાં રેકી કરવા મકાન ભાડે લીધું, પોલીસને હેન્ડમેડ રિવોલ્વર મળી; પકડાયેલા આરોપી પર બિહારમાં 6 કેસ વેપારીઓમાં ભારે આક્રોશઆશિષ રાજપરાની હત્યાથી સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં વેપારીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક સરળ સ્વભાવના અને સૌમ્ય વેપારી તરીકે જાણીતા આશિષના નિધનથી વેપારી આલમમાં શોક છવાઈ ગયો છે. મિત્રો માટે અંતિમ સંભારણું બની લદ્દાખ ટૂરઆશિષ રાજપરા તેમના વેપાર ધંધાર્થીઓ અને મિત્રવર્તુળમાં ખૂબ જ લોકપ્રિય હતા. તાજેતરમાં જ તેઓ તેમના મિત્રો નરેશ જૈન, મિન્કુ મિશ્રા અને આશિષ સોની સાથે લેહ લદ્દાખની ટૂરમાં ગયા હતા. આ ટૂર હવે તેમના મિત્રો માટે આશિષ સાથેનું અંતિમ સંભારણું બની રહી છે. તેમના મિત્રો ભારે હૃદયે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. આ પણ વાંચો: સુરત લૂંટ વિથ મર્ડરનો LIVE વીડિયો: લૂંટારાએ જેને ગોળી મારી તે શાકભાજી વિક્રેતાએ ભાસ્કર સમક્ષ વર્ણવ્યો ઘટનાક્રમ; કહ્યું- 'તે ગાડી પર બેઠો ને મેં પકડી લીધો' લંડનથી પહોંચેલા માતા-પિતાએ પુત્રને ગુમાવ્યોઆશિષના પિતા મહેશભાઈ અને માતા દક્ષાબેન લંડન ગયા હતા ત્યારે તેમને પુત્રની લૂંટના ઇરાદે હત્યા થયાની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક લંડનથી નીકળીને આજે બપોરે મુંબઈ થઈને સુરત સાંજે સાત વાગ્યે પહોંચ્યા હતા. પરિવારજનોએ સવારે સાત વાગ્યે આશિષની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ ઘટનાએ સુરતમાં સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:47 pm

શું SMCના અધિકારીઓ ભાજપના MLAનું પણ નથી માનતા?:બિસ્માર રસ્તા અને ખાડીપુર બાબતે કુમાર કાનાણીએ કહ્યું- 'અધિકારીઓની કામ કરવાની ઈચ્છા નથી એટલે પ્રશ્નો ઉભા થાય છે'

સુરતમાં ખાડીપુરના પાણી તો ઓસરી ગયા પરંતુ હજુ વિવાદ ઓસરી રહ્યા નથી. એક તરફ વિપક્ષ દ્વારા પ્રજાને ચોમાસા દરમિયાન થઈ રહેલી મુશ્કેલી અંગે મેયરને રજૂઆત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય પોતાને લાચાર માની રહ્યા છે. એક ધારાસભ્યને પૂછેલા પ્રશ્નોના જવાબ પણ જો મળતા ન હોય તો સામાન્ય પ્રજા જ્યારે વરસાદની સ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠી હોય અને એ પ્રશ્ન પૂછે તો જવાબ આપશે કોણ તે આજે કોર્પોરેશનના વહીવટ બાબતે સૌથી મોટો પ્રશ્ન છે. અધિકારીઓમાં કામ કરવાની ધગશ નથી- કુમાર કાનાણીવરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, સુરત શહેરમાં ખાડીપૂર આવ્યું હોય રસ્તાનું ધોવાણ થયું હોય આ તમામ બાબતોને લઈને હવે તંત્રએ વિચારવાની જરૂર છે. લોકોને આ સમસ્યામાંથી આ ત્રાસમાંથી મુક્ત કરવાની જરૂર છે. વરસાદ શરૂ થઈ ચૂક્યો છે એટલે આ વરસાદમાં તો હવે આપણે કંઈ ન કરી શકીએ. આજની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો સર્વે કરીને અભ્યાસ કરીને આવતા ચોમાસામાં આ તમામ મુશ્કેલી માંથી લોકોને મુક્તિ મળે તેવું આયોજન વહીવટી તંત્રએ કરવું જોઈએ. શહેરમાં રસ્તાઓ તૂટે છે, ખાડા પડે છે તેનું કારણ શું છે તે જણાવો? કોઈ જવાબ આપતું નથી. જવાબદાર આના માટે કોણ છે તેવો પ્રશ્ન પૂછતા એનો પણ કોઈ જવાબ આપતા નથી. જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના પાછળનું કારણ શું છે અને કોણ જવાબદાર છે એનો જવાબ મળે તો અમે પણ પ્રજાને કહી શકીએ. શાસકોની જવાબદારી ચોક્કસ છે એટલા માટે જ અમે વહીવટી તંત્રને કામે લગાડીએ છીએ. અધિકારીઓનું સંપૂર્ણપણે ધ્યાન ભંગ છે. કામ કરવાની ધગશ નથી. ઈચ્છા શક્તિ પણ નથી. રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હશે તેથી જ રસ્તા તૂટી જાય છે અને ધોવાણ થઈ જાય છે. કામગીરી કરવામા શાસકો નિષ્ફળ રહ્યા- વિપક્ષવિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું કે, અમે સુરતમાં ખાડીપુર અને રસ્તાની સ્થિતિને લઈને તમામ કોર્પોરેટરો મેયરની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા. સુરતમાં આવતા પૂરની સ્થિતિને લઈને તેમજ ચોમાસા દરમિયાન રોડ રસ્તાની જે સ્થિતિ થઈ જાય છે તે અંગે એમને સવાલો પૂછ્યા હતા. પરંતુ મેયરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવાની આવડત નથી. હંમેશા શું કોનું વારંવાર આ બાબતે ધ્યાન દોર્યું છે, વિરોધ પણ કર્યો છે પરંતુ કોઈ નક્કર પગલા લેવાયા નથી. 'વધુ વરસાદ આવે તો આવી સ્થિતિ થાય'મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, વિપક્ષના સભ્યો જ્યારે ચેમ્બરમાં મળવા આવ્યા ત્યારે મેં તેમને પુર અંગેની તમામ સ્થિતિની સચોટ માહિતી સાથે વાત કરી છે. એક તરફ સુરત શહેરની અંદર અકલ્પનીય વરસાદ થયો હતો તેના કારણે સ્વાભાવિક છે કે પાણીનો ભરાવો થાય બીજી તરફ એ જ સમયે સુરતના ઉપરવાસના વિસ્તારમાં પણ ખૂબ વરસાદ થયો હતો. છતાં પણ કોર્પોરેશન દ્વારા શક્ય તેટલી ઝડપથી લોકોને મુશ્કેલી ન થાય તે રીતે કામગીરી કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:46 pm

જૂનાગઢ GIDC નજીક બ્રિજનું કામ ખોરંભે:5 મહિનાથી રોડ અને 2 મહિનાથી કામ બંધ, પ્રવેશદ્વારના બ્રિજનું કામ મંદગતિએ, દુકાનદારો-સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

જૂનાગઢ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક દોલતપરા બ્રિજનું કામ છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહ્યું છે, પરંતુ હવે બ્રિજનું કામ ગોકળગતિએ ચાલતા વેપારીઓ, સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ પાસેના દુકાનદારોમાં પણ ઉભરાયો ગુસ્સોબ્રિજ નજીક દુકાન ચલાવતા હાર્દિક બાબરીયાએ જણાવ્યું કે છેલ્લા પાંચ મહિનાથી બ્રિજનું કામ ચાલુ છે. અમે ભાજપ સરકારને મત આપીને સત્તામાં બેસાડ્યા છે તો વિકાસના કાર્યો સમયસર પૂર્ણ પણ થવા જોઈએ.છેલ્લા એક મહિનાથી કોઈ પણ કારીગર, કોન્ટ્રાક્ટર કે મજૂર અહીં દેખાયા નથી.અમારા જૂનાગઢના ધારાસભ્ય ક્યારેક તો આ પુલની મુલાકાત લે. જૂનાગઢમાં ક્યાં કામ શરૂ છે તે તમામ માહિતી તેમને હોય જ, પણ જો વિપક્ષ આવી શકે તો ધારાસભ્ય શા માટે નથી આવતા?” ફરસાણના વેપારી રાહુલ કુંભડિયાએ ગુસ્સો વ્યક્ત કર્યોછેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ રસ્તો બંધ છે, પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી.રોડ બંધ હોવાથી દુકાનદારોને ધંધો કરવો મુશ્કેલ બન્યો છે.તંત્રને વિનંતી છે કે પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરી રોડ શરૂ કરાવો.નહીં તો અહીંના દુકાનદારોને ન છૂટકે પોતાની દુકાનો બંધ કરવી પડશે.” કોંગ્રેસનો આક્ષેપ : કોન્ટ્રાક્ટર કામ છોડીને ભાગી ગયાજૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈએ જણાવ્યું કે દોલતપરા નજીક પાંચ મહિનાથી કોર્પોરેશન દ્વારા પુલનું કામ ચાલી રહ્યું છે.ફાઉન્ડેશનથી પિલર સુધી કામ થયું, પરંતુ છેલ્લાં બે-અઢી મહિનાથી કામ બંધ પડ્યું છે.કોન્ટ્રાક્ટર કામ છોડી ભાગી ગયા છે અને કોઈ કહેવાવાળું નથી.રોડ પરથી પસાર થતા વાહનોને એક કિમીનો વળાંક લઈ જીઆઇડીસીમાંથી નીકળવું પડે છે.ભારે વાહનો જાય છે તેથી જીઆઇડીસી રોડની હાલત પણ બિસ્માર થઇ ગઈ છે.” વેપારીઓએ કામની ગોકળગતિ સામે ઉઠાવી અવાજઆ પુલ માત્ર વેપારીઓને નહીં, પરંતુ જૂનાગઢ શહેરના પ્રવેશદ્વાર માટે મહત્વપૂર્ણ છે,જ્યાંથી દરરોજ હજારો લોકો અને વાહનો પસાર થાય છે.આવી ઐતિહાસિક નગરીમાં આવતા પ્રવાસીઓ પણ ખરાબ રસ્તાઓ અને ગોકળગતીએ ચાલતા કામને કારણે તકલીફ અનુભવે છે,જેને કારણે જૂનાગઢની છબી પણ ખરાબ ચીતરાય છે.”

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:28 pm

ગુનેરી ગુફામાં ચાતુર્માસ ઉજવણીનો પ્રારંભ:ખુશાલ ભારતીજી મહારાજની શોભાયાત્રાનું ગામે-ગામ ભવ્ય સ્વાગત, આજે કૃષ્ણ ઝાંખી અને કાલે ગુરુપૂર્ણિમા ઉજવાશે

નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણીનો પ્રારંભ થયો છે. શૃંગીઋષિ આશ્રમ મેવાડના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે ગોસ્વામી સમાજવાડી ભુજથી શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. મીરઝાપર, માનકુવા, દેશલપર, દેવપર, નખત્રાણા, રવાપર, દયાપર, ઘડુલી અને સિયોત સહિતના ગામોમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોડી સાંજે યાત્રા ગુનેરી પહોંચી હતી. ત્યાંથી દોઢ કિલોમીટર દૂર આવેલી ગુફા સુધી પદયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં રઘનાથ ગીરી બાપુ, હરિસંગ દાદા, અશોક ભારતી મહારાજ, શંકગીરી મહારાજ, ભાનુગીરી મહારાજ સહિત અનેક સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 9 જુલાઈની રાત્રે વૃંદાવનના કલાકારો દ્વારા ભગવાન કૃષ્ણની ઝાંખી આધારિત કાર્યક્રમ યોજાશે. 10 જુલાઈએ ગુરુપૂર્ણિમાના દિવસે સવારે પાદુકા પૂજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાત્રે ઉદયપુરના કલાકાર સુરેશ ગેહલોત અને ગોહિલવાડના સાહિત્યકાર મુક્તિદાન ગઢવી દ્વારા ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર આયોજનની વ્યવસ્થા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:24 pm

મોરબી હાઈવે પર અકસ્માત:ટ્રક-બાઇક વચ્ચે અથડામણમાં 30 વર્ષીય યુવાનનું મોત, બીજા બનાવમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડીયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાયરા પેટ્રોલ પંપ સામે ટ્રક ટ્રેલર અને બાઇક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બે અલગ અલગ બનાવમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા. મૃતક ધર્મેશભાઈ ભુપતભાઈ ચારોલીયા (ઉં.વ. 30) મોરબીના નાની વાવડી ગામના સિદ્ધિવિનાયક પાર્ક-2ના રહેવાસી હતા. તેઓ પોતાની બાઇક (નંબર GJ14AQ1616) પર સવાર હતા. આ દરમિયાન ટ્રક ટ્રેલર (નંબર GJ12BZ2157)એ તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ધર્મેશભાઈને હાથ, પગ અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકના નાના ભાઈ ઘનશ્યામભાઈ ચારોલીયા (ઉં.વ. 27)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર થયેલા ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક ધર્મેશભાઈ મૂળ અમરેલી જિલ્લાના વતની હતા અને હાલમાં મોરબીમાં સ્થાયી થયા હતા. બીજા બનાવમાં બે બૂટલેગરોની ધરપકડ કરાઈમોરબીના નવલખી રોડે 5 બોટલ દારૂ સાથે આરોપી પકડાયોમોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર પાસે જલારામ એપાર્ટમેન્ટ પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની 5 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ કાંતિલાલ પલાણ (ઉ.વ.32) રહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટ મેરી સ્કૂલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. ગાંધી સોસાયટીના મકાનમાંથી 13 બિયરના ટીન સાથે આરોપી પકડાયોમોરબીમાં નજરબાગ સામે ગાંધી સોસાયટીની છેલ્લી શેરીમાં રહેતા હિતેશભાઈ બોચિયાના મકાનમાં દારૂની હેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 13 બિયરના ટીન મળી આવતા પોલીસે 1,755ની કિંમતના બિયરના જથ્થાને કબજે કર્યો અને આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચિયા (ઉ.વ.27) રહે. ગાંધી સોસાયટી છેલ્લી શેરી નજરબાગ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:23 pm

પંચમહાલમાં પાણીજન્ય રોગો સામે એક્શન:600 આરોગ્ય ટીમો ગામડાઓમાં સર્વે કરી રહી છે, ઝાડા-ઉલટીના 198 કેસ નોંધાયા

ચોમાસાની સિઝનમાં વધતા રોગચાળાને નિયંત્રણમાં લેવા પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે મોટું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 600 આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહી છે. તેઓ લોહીના નમૂના લેવાની સાથે ઘરની પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ઝાડા-ઉલટી, ટાઈફોડ, મેલેરિયા અને કમળાના કેસો વધતા હોવાથી ફીવર સર્વેલન્સ ટીમ પણ સક્રિય છે. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીના જણાવ્યા અનુસાર, આઈસીએમઆરની ટીમ ત્રણ પ્રકારનું રિસર્ચ કરી રહી છે. આમાં બાળકો, વેક્ટર અને પ્રાણીઓ પર ટેસ્ટિંગનો સમાવેશ થાય છે. જિલ્લામાં થતા સાપ્તાહિક મોનિટરિંગમાં 26મા સપ્તાહમાં 143 અને 27મા સપ્તાહમાં ઝાડા-ઉલટી અને કમળાના 198 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમો લોકોને રોગોથી બચવા માટેની સમજ આપી રહી છે. આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં લેવા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:16 pm

ખેડૂતો માટે મહત્વનું માર્ગદર્શન:જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે બનાસકાંઠા ખેતીવાડી વિભાગની સૂચનાઓ

બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જમીનજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી, પાલનપુરે બિનરાસાયણિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવવાની ભલામણ કરી છે. વિભાગે પાક ફેરબદલીનું મહત્વ સમજાવ્યું છે. દર વર્ષે એક જ જમીનમાં અલગ-અલગ પાકનું વાવેતર કરવાની સલાહ આપી છે. મગફળીના પાકમાં થડના કોહવારાને રોકવા માટે કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ સાથે ફેરબદલી કરવાનું સૂચન કર્યું છે. ખાતર વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોહવાયેલ છાણીયું ખાતર, લીંબોળી-દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ અને મરઘાં-બતકના ખાતરનો ઉપયોગ વધારવાની સલાહ આપી છે. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલાનો ખોળ 750 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવાનું સૂચવ્યું છે. કપાસમાં જમીનજન્ય રોગો માટે છાણીયું ખાતર 10 ટન અથવા મરઘાનું ખાતર 2 ટન પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરી છે. મગફળીમાં રોગ પ્રતિકારક જાત જીજેજી-33ની વાવણી કરવાનું સૂચન કર્યું છે. પાણીના યોગ્ય નિયમન પર ભાર મૂક્યો છે. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરમાં મૂળખાઈ રોગની તીવ્રતા જમીનનું તાપમાન વધારે હોય ત્યારે વધુ જોવા મળે છે. આ માટે સમયસર પિયત આપવાની સલાહ આપી છે. જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ અને શ્યુડોમોનાસ ફલુરેસેન્સનો ઉપયોગ (8-10 ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવાનું સૂચન કર્યું છે. 1 કિ.ગ્રા. ટ્રાયકોડર્માને 10 કિ.ગ્રા. છાણિયા ખાતરમાં મિશ્ર કરી, તેને 100 કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાની ભલામણ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:04 pm

મોરબીના સનાળા રોડ લાતી પ્લોટમાં વેપારીઓનો આક્રોશ:40 વર્ષથી મૂળભૂત સુવિધાઓના અભાવે કારખાનેદારોએ કર્યો ચક્કાજામ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

મોરબીના સનાળા રોડ ઉપર આજે લાતી પ્લોટમાં વર્ષોથી વિકાસને ઝંખતા કારખાનેદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કારણ કે, આ વિસ્તારની અંદર છેલ્લા 40 વર્ષથી રોડ રસ્તા, લાઈટ, પાણી સફાઈ સહિતના પ્રશ્નો છે તે ઉકેલવામાં આવતા નથી. જેથી લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરે છે અને આજે આક્રોશ વ્યક્ત કરવા માટે વેપારીઓએ રસ્તો ચક્કાજામ કર્યો હતો. અનેક વખત રજૂઆત છતાં પ્રશ્નો ઉકેલાયા નથીમોરબી નગરપાલિકા હતી ત્યારે અને હાલમાં મહાનગરપાલિકા બની ગઈ છે, ત્યારે એક નહીં પરંતુ અનેક વખત લાતી પ્લોટ વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. તેમજ સ્થાનિક ચૂંટાયેલ નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજની તારીખે લાતી પ્લોટ વિસ્તારમાં લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર, સફાઈ સહિતના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી. લોકોને મુશ્કેલી પડી રહી છેલગભગ અઢી વર્ષ પહેલા લાતી પ્લોટ વિસ્તારની અંદર રોડ રસ્તા સહિતના પ્રશ્નો માટે થઈને ખાતામહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આજની તારીખે ત્યાં નકકર કામગીરી કરવામાં આવતી નથી, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવું લાતી પ્લોટના સ્થાનિક કારખાનેદાર વિનોદભાઇ મગનભાઇ અને પ્રવીણભાઈ પટેલે જણાવ્યુ હતું. લાતી પ્લોટ વિસ્તારમાં ગટર અને ગંદકીનું સામ્રાજ્ય વધુમાં નજીવા વરસાદમાં પણ લાતી પ્લોટની તમામ શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે તથા ગટર અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જેથી કરીને કારખાનેદારો પોતાના કારખાને ન જઈ શકે, વેપારીઓ માલ લેવા માટે ન આવી શકે અને આટલું જ નહીં પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ કારખાના સુધી આવી જઈ ન શકે આવી પરિસ્થિતિ હોય છે. જેથી કરીને આક્રોશ વ્યક્ત કરવા માટે કારખાનેદારો દ્વારા સનાળા રોડ ઉપર લાતી પ્લોટના ખૂણા પાસે ચક્કાજામ કરાયો હતો. જ્યાં સુધી કમિશનર અને ધારાસભ્ય ન આવે ત્યાં સુધી ચક્કાજામની ચીમકી - યુવા કારખાનેદારતો લાતી પ્લોટના યુવા કારખાનેદાર યશભાઈ અને મોહિતભાઈએ કહ્યું હતું કે, જ્યાં સુધી કમિશનર અને ધારાસભ્ય ન આવે અને તેઓનો પ્રશ્ન ન સાંભળે તથા તેઓની સાથે તેમના વિસ્તારમાં આવીને તેમની સમસ્યાને ન જાણે ત્યાં સુધી ચક્કાજામ ખોલવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેની સાથોસાથ જો હવે લાતી પ્લોટ વિસ્તારના રોડ રસ્તા લાઈટ પાણી સફાઈ સહિતના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં મોરબીમાં વિસાવદર વાળી કરતા પણ લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ અને ત્યાં કામ કરવા માટે આવતા લોકો અચકાશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 1:00 pm

ભચાઉમાં ગાયનું સફળ રેસ્ક્યૂ:નર્મદા કેનાલમાં પડેલી ગાયને ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ બચાવી

ભચાઉમાં નર્મદા કેનાલમાંથી એક ગાયને બચાવવાની સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 8 વાગે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈએ ફાયર ટીમને જાણ કરી હતી કે રોટરી ક્લબ પાસે કેનાલમાં એક ગાય ફસાઇ ગઈ છે. ગત રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ ગાય કેનાલમાં પડી ગઈ હતી અને તે બહાર નીકળી શકતી ન હતી. સૂચના મળતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકોના સહયોગથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ગાય સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને કોઈ ઈજા થઈ નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:44 pm

અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલે મહિલા પર દુષ્કર્મ આચર્યું:પાંચ વર્ષ પહેલાં તપાસ અર્થે ગયેલા કોન્ટબલે મહિલાને ફસાવી, શોષણ કરીને મારમારતા FIR, આરોપી ફરાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પાંચ વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાભી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મહિલા તેના પતિ સાથે સુરત રહેતી હતી. ત્યાં પણ વિક્રમ ડાભીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ મારામારી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ કેસની તપાસ પીઆઈ પી.વી.પલાસ કરી રહ્યા છે. આરોપી વિક્રમ ડાભી પહેલા ડુંગર પોલીસ સ્ટેશનમાં અને પછી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ભોગ બનનાર મહિલાની સતત અરજીઓને કારણે ફરિયાદ નોંધાતા પહેલા જ તેની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. હાલમાં આરોપી પોલીસની પકડથી દૂર છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:41 pm

ભાસ્કરને હાથ લાગ્યું મોન્ટુ પટેલનું Ph.Dનું સર્ટીફિકેટ:સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી ભવનમાં 3 વર્ષમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું, જેમની સામે ચૂંટણી લડ્યા તેવા ડૉ. શેઠના નામનો ઋણ સ્વીકારમાં ઉલ્લેખ

દેશ આખામાં જેમની ચર્ચા છે તેવા મોન્ટુ પટેલનું કાઠીયાવાડી કનેક્શન સામે આવ્યું છે. મોન્ટુ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાંથી HIV એઈડસ વિષય પર પી.એચડી.કર્યું હોવાની વિગતો દિવ્ય ભાસ્કર સામે લાવ્યું હતું. જે બાદ તેમનુ પીએચ.ડી.નુ સર્ટિફિકેટ પણ ભાસ્કરને હાથ લાગ્યું છે. તેમને વર્ષ 2016 માં પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો હતો અને વર્ષ 2019 માં તેમનું પીએચ.ડી. પૂર્ણ થયું હતુ. Ph.D. પૂર્ણ થયા બાદ તેના ઋણ સ્વીકારમાં પોતે જેમની સામે ચૂંટણી જીત્યા તેવા ડૉ. નવીન શેઠ, ફાર્મા ક્ષેત્રના મોટા માથાઓ તેમજ પોતાના પરિવારના નામોનો ઉલ્લેખ છે. અમદાવાદના ગાઈડ ડૉ.નિરવ પટેલ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ઇન્સપાયર ફેકલ્ટી તરીકે નિમણૂક પામ્યા ત્યારે જ મૂળ અમદાવાદના મોન્ટુ પટેલને અહીં પીએચ.ડી.માં એડમિશન મળ્યું અને સફળતાપૂર્વક તેમનું પીએચ.ડી. પૂર્ણ થયુ તે બતાવે છે કે તેઓ કેટલા વગદાર હતા. મોન્ટુ પર લાગ્યો છે ભ્રષ્ટાચારનો આરોપCBIના દરોડા બાદ જેમની સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેવા અને દેશની 12000 ફાર્મસી કોલેજો જેની દેખરેખ હેઠળ આવે છે તેવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ હાલ ફરાર છે. મોન્ટુ પટેલે પીએચડીની ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવ્યાની વિગતો સામે આવ્યા બાદ ભાસ્કરને તેનું સર્ટિફિકેટ પણ હાથ લાગ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમને 01/01/2016 ના પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો હતો અને વર્ષ 2019 માં તેમને પીએચ.ડી. પૂર્ણ કર્યા બાદ 13/01/2021 ના તેઓ પીએચ.ડી. થયા તેનું નોટિફિકેશન જાહેર થયું હતુ. HIV/AIDS વિષય પર સંશોધન કર્યુંમોન્ટુકુમાર એમ. પટેલ દ્વારા DEVELOPMENT AND CHARACTERIZATION OF NANOTECHNOLOGY BASED SYSTEMS FOR THE EFFECTIVE TREATMENT OF HIV/AIDS વિષય પર એટલે કે HIV/AIDS ની અસરકારક સારવાર માટે નેનો ટેકનોલોજી આધારિત સિસ્ટમોનો વિકાસ અને લાક્ષણિકતા પર મહાશોધ નિબંધ રજૂ કરવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે તે વખતે ફરજ બજાવતા ફોર્મ્યુલેશન સાયન્ટિસ્ટ ડૉ. નિરવ વી. પટેલના માર્ગદર્શનમાં મોન્ટુ પટેલે પીએચડી કર્યાનુ સામે આવ્યું છે. તે વખતે ફાર્મસી ભવનના અધ્યક્ષ ડૉ. મિહિર રાવલ હતા. આ સાથે જ તે વખતે કુલપતિ તરીકે ડૉ. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી હતા. પીએચડીના થીસીસમાં ડો. નવીન શેઠનો પણ આભાર માન્યોમહત્વની વાત એ છે કે વર્ષ 2022 માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનની ચૂંટણીમાં મોન્ટુ પટેલ જેમની સામે ગેરરીતિથી જીતી ગયો હોવાનો ખૂલાસો થયો છે તેવા GTU ના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠનો પણ પીએચ.ડી.ના થીસીસમાં આભાર માન્યો છે. સપ્ટેમ્બર 2020 માં તેમને રજૂ કરેલા પીએચ.ડી.ના એકનોલેજમેન્ટમાં ગુજરાતના કેમિસ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશનના ચેરમેન જસવંત પટેલ અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર જે. એચ. ચૌધરી સહિતનાં મોટા નામોનો ઋણ સ્વીકાર કરેલો છે. આ ઉપરાંત માતા લીલાબેન, પિતા મુકેશભાઈ, ભાઈ મૌલિકભાઈ અને પત્ની ખુશ્બૂનો આભાર માનેલો છે. જોકે મોન્ટુ પટેલ મૂળ અમદાવાદના હોવા છતાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમદાવાદના જ ગાઈડ ડૉ.નિરવ પટેલના ગાઈડન્સમાં પીએચ.ડી.કર્યુ તે પોતે વગદાર હોવાની પ્રતીતિ કરાવે છે. નોંધનીય છે કે, મોન્ટુ પટેલએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી Ph.D. ડિગ્રી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં ફાર્મસી ભવનમાં વર્ષ 2016 માં એડમિશન મેળવી PhD ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હાલ કેનેડા અને મૂળ અમદાવાદના ગાઈડ નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ મોન્ટુ પટેલએ PhD ડિગ્રી મેળવી હતી. આ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફાર્મસી ભવનમાં કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે 5 વર્ષ માટે નીરવ પટેલની નિમણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. હાલ મોન્ટુ પટેલ ફરાર છે. તેમની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો તેમજ જરૂર ન હોવા છતાં 117 કરોડની ઓફિસ અને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ 4 વર્ષ પહેલાં PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એટલું જ નહીં આ સંસ્થાનું નેતૃત્વ કરનારા તેઓ પહેલા ગુજરાતી છે. તેઓ ભાજપના યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે. દિવ્ય ભાસ્કરે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે ફરિયાદ કરનાર અને છેલ્લાં કેટલાય સમયથી લડત ચલાવતા લોકોમાંથી મહારાષ્ટ્રના અજય સોની અને ગુજરાતના રાજેશ પટેલ સાથે વાતચીત કરી હતી. અજય સોની નાગપુરના ફાર્મસિસ્ટ છે અને 'ફાર્મસિસ્ટ ટાઈમ્સ' નામનું વિકલી ન્યૂઝ પેપર ચલાવે છે. (વાંચો ભાસ્કર એક્સક્લૂસિવ)

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:38 pm

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ:8 તાલુકામાં અડધા ઇંચ સુધી વરસાદ, બે તાલુકા કોરાધાકોર

ભાવનગર જિલ્લામાં યલો એલર્ટના પગલે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના 10 તાલુકામાંથી 8 તાલુકામાં ઝરમરથી અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરમાં સૌથી વધુ 18 મિમી અને જેસરમાં 17 મિમી વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર અને તળાજામાં 9-9 મિમી, પાલીતાણામાં 7 મિમી વરસાદ પડ્યો છે. ઉમરાળા, ઘોઘા અને મહુવામાં 2-2 મિમી વરસાદ નોંધાયો છે. સિહોર અને ગારીયાધાર તાલુકા વરસાદથી વંચિત રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસના હવામાન આંકડા મુજબ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 5 જુલાઈએ મહત્તમ તાપમાન 32 ડિગ્રી હતું જે 9 જુલાઈએ ઘટીને 25.7 ડિગ્રી થયું છે. હવામાં ભેજનું પ્રમાણ 84થી 98 ટકા વચ્ચે રહ્યું છે. પવનની ગતિ 8થી 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:36 pm

દામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો:13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 52 વર્ષીય આરોપીને આજીવન કેદ અને 1 લાખનો દંડ

અમરેલી સેશન્સ કોર્ટે દામનગરના એક ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 52 વર્ષીય રમેશ કેશવભાઈ પડાયા (ઉર્ફે આર.કે.)એ 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનામાં આરોપી વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. અમરેલી સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં સરકારી વકીલે કરેલી ધારદાર દલીલો બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ પીડિત સગીરાને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં એક મજબૂત સંદેશ ગયો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:33 pm

CMની ટકોર બાદ મનપા તંત્ર જાગ્યું:રાજકોટમાં વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક ચાલુ, મોડીરાત્રે 12 વાગ્યા સુધી ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નર ફિલ્ડમાં

રાજકોટ શહેરમાં મામુલી વરસાદમાં ઠેર-ઠેર ખાડારાજ જેવો માહોલ સર્જાયો હતો. મીડિયા મારફત આ અંગે જાણ થતાં ખુદ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં આ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. અને રાઉન્ડ ધી કલોક કામગીરી કરવાનાં આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટનું મનપા તંત્ર પણ અંતે જાગ્યું છે. તેમજ વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક કરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મોડીરાત્રે 12 વાગ્યા સુધી ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નર ફિલ્ડમાં રહી કામ કરાવી રહ્યા છે. અને પદાધિકારીઓને રિપોર્ટ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ, માધાપર ચોકડી, કોઠારીયા રોડ, મવડી સહિત અનેક વિસ્તારોમાં મામુલી વરસાદમાં મસમોટા ખાડા પડયા હતા. તેમજ ઉમિયા ચોક વિસ્તારમાં સ્પીડબ્રેકર પણ સામાન્ય વરસાદમાં ખસી ગયું હતું. આ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા છેક સીએમ કાર્યાલય સુધી તેના પડઘા પડ્યા હતા. માત્ર રાજકોટ નહીં ગુજરાતમાં અનેક સ્થળે ખાડારાજ હોવાનું સામે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાકીદે બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની હાલની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. સીએમએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી ન જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા આદેશ મુખ્યમંત્રીએ બેઠકમાં આપ્યા હતા. જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ સૂચના આપી હતી. અને રોડની ગુણવત્તામાં કોઇ બાંધછોડ નહીં ચાલે તેવું સ્પષ્ટ કહ્યું હતું. આથી હવે રાજકોટ મનપા તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખરાબ થયેલા માર્ગો પર રિકાર્પેટિંગ, પેચવર્ક અને સમારકામની સહિતની કામગીરી રાઉન્ડ ધી કલોક ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય જનતાને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ઘણા વિસ્તારોમાં ખાડા બુરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રિકાર્પેટિંગનું કાર્ય ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરો તથા ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરો રાઉન્ડ ઘ ક્લોક કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગત રાત્રે પણ રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી, હર્ષદ પટેલએ સેન્ટ્રલ ઝોનના રૂડા ઓફિસ પાસેના વિસ્તાર, ઈસ્ટ ઝોનના આજી ડેમ પાસેના વિસ્તાર અને વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી-બાપા સીતારામ ચોક પાસેના વિસ્તારમાં રૂબરૂ જઈને કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેની સાથે સિટી એન્જીનીર અતુલ રાવલ, કુંતેશ મહેતા, શ્રીવાસ્તવ તેમજ ડેપ્યુટી એન્જીનીયરો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ફીલ્ડમાં રહ્યા હતા. છેલ્લા 48 કલાકમાં રાજકોટમાં વરસાદ ધીમો પડ્યો છે. જેને લઈને વિદ્યાનગર રોડ, જ્યુબિલી ચોક વિસ્તારમાં વરસાદને પગલે પડેલા ખાડામાં મેટલ નાખીને મનપાની ટીમ દ્વારા રોડને સમતલ કરી દેવામાં આવ્યો હતો. અને જંગલેશ્વર વિસ્તાર ખાતે વોર્ડ નંબર 16માં વરસાદને કારણે પડેલા ખાડાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી. જેના પરિણામે રસ્તાઓ ફરીથી સમથળ બન્યા છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને સુવિધાયુક્ત વોર્ડ નં.18 શ્રધ્ધા પાર્ક રોડ પર વરસાદના કારણે ધોવાણ થતાં રોડને સમતલ કરવા મહાપાલિકાએ રીસર્ફેસિંગની કામગીરી કરી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 17માં વરસાદના પગલે પડેલા નાના-મોટા 24 ખાડા 24 કલાકમાં જ બુરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં જ્યાં જરૂર લાગે ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નરોને ખાડાની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાના આદેશો અપાયા હતા. જે અંતર્ગત છેલ્લા 48 કલાકથી રાઉન્ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો જેવા કે, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સાધુ વાસવાણી રોડ, મવડી મેઈન રોડ 150 ફૂટ રિંગરોડ સહિતના રસ્તા ઉપર ખાડા બુરવા માટેની કામગીરી જોરશોરથી કરાઈ રહી છે. અને તમામ 18 વોર્ડનાં ખાડાઓ એક સપ્તાહ જેટલા સમયમાં બુરવા માટે ટીમો કામે લાગી છે. સાથે પાણી ભરાવાની સમસ્યા છે તેવા સ્થળો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. તેમજ વધુ વરસાદના સમયે ત્યાં ત્વરિત પહોંચી શકાય તે માટે સીસીટીવી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:11 pm

ઓખામાં ઓવરબ્રિજ નિર્માણ સાઈટ પર દુર્ઘટના:12 વર્ષીય બાળક પાણી ભરેલા 12 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો, પોણા કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

દ્વારકાના ઓખામાં રેલ્વે ફાટક નજીક બની રહેલા ઓવરબ્રિજ સાઈટ પર એક દુર્ઘટના સામે આવી છે. 12 વર્ષીય અઝરૂદ્દીન અકબર સુરાણી નામનો બાળક પાણી ભરેલા ખાડામાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરબ્રિજના નિર્માણ માટે 1520 ચોરસ અને 12 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાંથી પસાર થતા અઝરૂદ્દીન આ ખાડામાં પડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે પોણા કલાક સુધી શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મીઠાપુર હોસ્પિટલમાં ખસેડ્યો છે. પીએસઆઈ આર.આર. જરુ આ કેસની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટરે ખાડાની આસપાસ કોઈ ફેન્સિંગ કે સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાથી મૃતક બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 12:00 pm

વલસાડમાં વરસાદનો વરાપ:છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 13 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલ્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.67 મિમી વરસાદ નોંધાયો છે. પારડી તાલુકામાં સૌથી વધુ 13 મિમી વરસાદ પડ્યો છે. વલસાડ તાલુકામાં 9 મિમી, ધરમપુર, ઉમરગામ અને વાપી તાલુકામાં 4-4 મિમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં 40.40 મિમી વરસાદ નોંધાયો છે. ડેમના 6 ગામોમાં સરેરાશ 6.73 મિમી વરસાદ પડ્યો છે. ડેમનું જળસ્તર 70.25 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 11,231 ક્યુસેક પાણીની આવક થતાં 4 દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં 7,173 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે જિલ્લાના 7 લો-લાઈન રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્રએ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવા લોકોને અનુરોધ કરાયો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 1,113.83 મિમી વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 1,450 મિમી, ધરમપુર તાલુકામાં 1,172 મિમી, વાપી તાલુકામાં 1,136 મિમી, ઉમરગામ તાલુકામાં 1,020 મિમી, પારડી તાલુકામાં 1,012 મિમી અને વલસાડ તાલુકામાં 858 મિમી વરસાદ નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:58 am

'પાંચ-છ વાહનો પડી ગયા, અમે બ્રેક મારી એટલે બચી ગયા':ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- 'ત્યાંના દૃશ્યો જોઈ દીલના ધબકારા વધી ગયા, તે સમયે લાગ્યું કે જાણે ધરતીકંપ થઈ રહ્યો છે'

વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો હતો. આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જોકે, કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે કેટલાકનો બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે જીવ બચી શક્યા હતા. બાઈક પરથી કૂદીને આબાદ બચનાર યુવાનો અને ગાડી સાથે બ્રિજ નીચે પાણીમાં ખાબક્તા પ્રત્યક્ષદર્શીઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘટના સમયના દ્રશ્યો વર્ણવ્યા હતા. 'ધરતીકંપ થઈ રહ્યો હોય તેવો માહોલ હતો'આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી, નવાપુરાના 25 વર્ષીય સંજયભાઈ સોમાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ બાઈક લઈને કંપનીમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક બ્રેક મારવી પડી, કારણ કે પુલ એકદમ તૂટી પડ્યો હતો. તેમણે કહ્યું કે, 'પાંચ-છ વાહનો પડી ગયા, અમે બ્રેક મારી એટલે બચી ગયા. પુલના બે ભાગ તૂટ્યા, ખાસ કરીને આગળનો ભાગ તૂટ્યો. અમે બાઈક પરથી કૂદી ગયા અને અમારું બાઈક ત્યાં ધાર પર જ છે.' તે સમયે લાગ્યું કે જાણે ધરતીકંપ થઈ રહ્યો હોય તેવો માહોલ હતો. આ દુર્ઘટનામાં એક રિક્ષા, બાઈક અને ગાડી પુલ પરથી નીચે પડ્યા હતા, પરંતુ સંજયભાઈ અને બાઇક પર સવાર તેમના ત્રણ મિત્રો અને અન્ય લોકો મળીને કુલ પાંચ-છ લોકોનો આબાદ બચાવ થયો હતો. કિંખલોડના ભાઈઓએ કહ્યું 'દિલના ધબકારા વધી ગયા'કિંખલોડના રહેવાસી અને સગા ભાઈઓ મહેશભાઈ લાલજીભાઈ પરમાર (ઉંમર 23) અને વિજયભાઈ લાલજીભાઈ પરમાર (ઉંમર 25)નો પણ આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, તેઓ નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક પંચર થઈ ગયું હતું. પંચર કરાવીને તેઓ ફરી નોકરીએ જવા નીકળ્યા ત્યાં જ અચાનક બ્રિજ ધરાશાયી થયો. તેમણે જોયું કે, એક ઇકો ગાડી, પિકઅપ વાહન અને એક ટ્રક પુલ પરથી નીચે પટકાયા હતા. વિજયભાઈએ તરત બ્રેક મારી અને તેઓ બાઈક પરથી લસરીને નીચે પડી ગયા, પરંતુ તરત જ ઊભા થઈને સુરક્ષિત બહાર નીકળી ગયા. ત્યાંના દૃશ્યો જોઈ દીલના ધબકારા વધી ગયા હતા. 'ઘટના એટલી ઝડપથી બની કે શું બન્યું મને તેની ખબર જ નથી'દ્વારકાના રહેવાસી રાજુભાઈ ડુડાભાઈ આથિયા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટવાની ભયાવહ ઘટનાના પ્રત્યક્ષદર્શી બન્યા હતા. તેમણે જણાવ્યું કે, બે ત્રણ ટ્રક પુલ ઉપર હતા અને પુલ તૂટી ગયો. આ દુર્ઘટના સમયે તેઓ તેમના સાથીદાર સાથે દ્વારકાથી અંકલેશ્વર જઈ રહ્યા હતા. પુલ અચાનક તૂટી પડતા વાહન સાથે નીચે પટકાયા હતા. અમે બે જણા હતા પણ અત્યારે ખબર નહીં મારો સાથીદાર ક્યાં છે. હું જાતે જ પાણીમાંથી બહાર નીકળી એક વાહન પર ચઢી તેના ઉપર બેસી ગયો. થોડીવાર પછી લોકો હોડી લઈને મદદે આવ્યા અને બહાર કાઢ્યો. ઘટના સમયે પુલ પર ત્રણ ગાડીઓ, બે પિકઅપ વાન, એક ઇકો ગાડી અને એક રીક્ષા પણ હતી. આ ઘટના એટલી ઝડપથી બની કે શું બન્યું મને તેની ખબર જ નથી. 'એક માસી બહાર તરતા દેખાતા હતા, તેમને બચાવી બહાર લાવ્યા'ઘટના સમયે બચાવ કામગીરીમાં જોડાયેલા ગંભીરા ચોકડી પાસે રહેતા અતુલકુમાર ઠાકોરભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, પાદરા નજીક ગંભીરા પુલ તૂટી પડ્યાના સમાચાર મળતા હું અને મારો એક સાથી જોનિયો તાત્કાલિક રિક્ષા લઈને પહોંચી ગયા હતા. અમે આવ્યા ત્યાં તો બધુ તૂટી ગયું જ હતું અને લોકો ડૂબતા હતા. અહીં એક માસી બહાર તરતા દેખાતા હતા, તેમને કાઢવાનો પ્રયત્ન કર્યો અને કાઢી લાવ્યા હતા, જે જીવતા નીકળ્યા હતા. બે-ત્રણ ડ્રાઈવરોના હાથ-પગમાં ઈજા થઈ હતી અને તેમને દવાખાને મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને અન્યની શોધખોળ ચાલુ છે. અમે પાણીમાંથી લગભગ સાત-આઠ લોકોને બચાવ્યા.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:29 am

સોલાર પ્લાન્ટમાં ચોરી:લાલપુરના બબરજરમાં 2.30 લાખના કેબલની ચોરી અને નુકસાન

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામમાં આવેલા 21 મેગા વોટના ખાનગી સોલાર પ્લાન્ટમાં ચોરીની ઘટના બની છે. તસ્કરો 6 તારીખની રાત્રે પ્લાન્ટમાં ઘૂસી ગયા હતા. તસ્કરોએ 80 હજાર રૂપિયાની કિંમતના 2,400 મીટર કોપર કેબલની ચોરી કરી છે. સાથે જ દોઢ લાખ રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમના ડી.સી. કેબલને કાપીને નુકસાન પહોંચાડ્યું છે. કંપનીના સિક્યુરિટી અધિકારી જીગરભાઈ જતીન્દ્રભાઈ ત્રિવેદીએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઈ. ડી.ડી. જાડેજા અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું છે. પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:22 am

સુરેન્દ્રનગર મનપામાં મોટું આયોજન:13 વોર્ડમાં એચ.ઓ.ડી.ને લાયઝન અધિકારી બનાવાયા, રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ચોમાસાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની સૂચના મુજબ શહેરના 13 વોર્ડમાં એક-એક એચ.ઓ.ડી.ને લાયઝન અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. દરેક વોર્ડમાં એક સિવિલ એન્જીનીયર, ત્રણ સેનીટેશન સુપરવાઈઝર, વાયરમેન અને હેલ્પરની ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ શહેરમાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની કામગીરી સંભાળશે. શહેરીજનોને વાહન વ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓની રીપેરીંગ અને રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તાઓની મરામત માટેની ફરિયાદોના ઝડપી નિવારણ માટે તમામ ઝોન વિસ્તારમાં મેટલ ડસ્ટ અને વેટમિક્સ જેવી સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:19 am

બનાસકાંઠામાં વરસાદી ઝાપટા:પાલનપુર-અમીરગઢમાં ઝરમર ઝરમર વરસાદ, આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને પાલનપુર-ચિત્રાસણી વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદથી રવિ સીઝનમાં ખેતીવાડીને ફાયદો થવાની આશા છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:04 am

ભુજમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ:પાવરબેંક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં વાહનમાં આગ લાગી, સ્થાનિકોએ પાણી છાંટી કાબૂમાં લીધી

ભુજ શહેરના એસટી બસ પોર્ટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની. એક વ્યક્તિ દાબેલી ખાવા માટે નાસ્તાની દુકાને આવ્યો હતો. તેણે પોતાની પાવરબેંક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ચાર્જિંગમાં મૂકી હતી. ચાર્જિંગ દરમિયાન પાવરબેંકમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટના કારણે વાહનમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે આસપાસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. એક તરફનો માર્ગ દેખાતો બંધ થઈ ગયો હતો. આગના કારણે નજીકની ખાણીપીણીની દુકાનોમાં અને પસાર થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી. આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 11:02 am

સુરેન્દ્રનગરમાં રસ્તા રિપેરિંગ શરૂ:વોર્ડ-8માં રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે ખાડાઓની મરામત, ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ પર વરસાદને કારણે ખાડાઓ પડ્યા હતા. વરસાદી માહોલમાં વિરામ આવતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગે દુરસ્તી કામગીરી હાથ ધરી છે. મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-8માં આવેલા રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડાઓની પ્રાથમિક મરામત કરવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ખરાબ થયેલા રસ્તાઓનું કોન્ક્રીટ પેચવર્ક કામ પણ શરૂ થયું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને મોટરેબલ બનાવવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનોનો ઉપયોગ કરી રહી છે. સુપરવાઈઝરની દેખરેખ હેઠળ સમારકામની ટીમ કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:55 am

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન મથકોમાં વધારો:634 મથકોમાં 61નો ઉમેરો, 10 જુલાઈ સુધી વાંધા-સૂચનો મોકલી શકાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા બેઠકોમાં મતદાન મથકોની સંખ્યામાં વધારો થયો છે. અગાઉના 634 મતદાન મથકોમાં 61 નવા મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર, 1 જાન્યુઆરી 2026ની લાયકાતના સંદર્ભમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ 2 જુલાઈના રોજ 695 મતદાન મથકોની નવી યાદી જાહેર કરી છે. ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રમાં 357 અને દ્વારકામાં 338 મતદાન મથકો છે. નવી યાદીમાં દરેક મતદાન મથકનું સ્થળ અને તેમાં કયા વિસ્તારના લોકો મતદાન કરી શકશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો 10 જુલાઈ સુધીમાં વાંધા-સૂચનો રજૂ કરી શકશે. આ માટે તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા પ્રાંત અધિકારીઓ, મામલતદારો કે જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકે છે. નવી યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, પ્રાંત કચેરી ખંભાળિયા, દ્વારકા અને સંબંધિત મામલતદાર કચેરીઓમાં ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:51 am

હિંમતનગર નેશનલ હાઈવે 48 પર બાઈક સ્લીપ થતાં અકસ્માત:અમદાવાદથી વતન જતા 25 વર્ષીય યુવકને માથામાં ઈજા, 108 દ્વારા સિવિલમાં દાખલ

હિંમતનગર નેશનલ હાઈવે 48 પર સરવણા ગામ નજીક બુધવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વતન જઈ રહેલા 25 વર્ષીય ગુલાબનું બાઈક સરવણા પાસે રોડ પર સ્લીપ થતાં તેમને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટના સમયે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ કરી રહેલી સાબરકાંઠા ઈન્ટરસેપ્ટર મોબાઈલ વાન સરવણા ગામની સીમમાં પહોંચી હતી. પોલીસ સ્ટાફે ઈજાગ્રસ્ત યુવકને જોતાં તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફે અકસ્માત સ્થળે ટ્રાફિક વ્યવસ્થા પણ પૂર્વવત કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:47 am

'એ મારા દીકરાને, ઘરવાળાને બચાવો':મહીના વહેણમાં માતાનું આક્રંદ, ગંભીરા બ્રિજ તૂટતાં પતિ-પુત્ર વાહન સાથે 150 ફૂટ ઊંચેથી ખાબક્યા

મુજપુર પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા જ્યારે 8 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આ વચ્ચે એક મહિલા હૈયાફાટ રુદન કરી પોતાનો વ્હાલસોયો અને પતિ ડૂબ્યો હોવાનું જણાવી રહી છે. હાલમાં દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા છે જ્યારે રેસ્ક્યૂ ટિમો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. મહિલાનું આ આક્રંદ તમારા પણ રુવાંડા ઉભા કરી દેશે,જૂઓ વીડિયો...

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:37 am

કવાંટના હાથીખણ ગામમાં કોતરમાં ઘોડાપુર:ગ્રામજનોએ જીવના જોખમે શાળાના વિદ્યાર્થીઓને બચાવ્યા, નાળાના અભાવે દર ચોમાસે આ જ સમસ્યા

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાથીખણ ગામમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે કોતરમાં ઘોડાપુર આવ્યું હતું. આ સમયે શાળાએથી પરત ફરી રહેલા હોળી ફળિયાના વિદ્યાર્થીઓ કોતરમાં અટવાઈ ગયા હતા. સાપણ નદી પાસે હાજર કેટલાક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને કોતર પાર કરાવી સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. જિલ્લામાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આના કારણે નદી-નાળા અને કોતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દર ચોમાસામાં આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. નાળાના અભાવે સ્થાનિક રહીશો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને જીવના જોખમે કોતર પાર કરવું પડે છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:37 am

સાબરકાંઠામાં વરસાદનો રેકોર્ડ, વડાલીમાં 100 ટકા વરસાદ:જિલ્લાના આઠ તાલુકામાં સરેરાશ 58.62 ટકા વરસાદ નોંધાયો, મોટાભાગના જળાશયો 50 ટકાથી વધુ ભરાયા

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના આઠ તાલુકામાં સરેરાશ 58.62 ટકા વરસાદ નોંધાયો છે. વડાલી તાલુકામાં સૌથી વધુ 100.12 ટકા વરસાદ થયો છે. પોશીના તાલુકામાં સૌથી ઓછો 31.57 ટકા વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, ખેડબ્રહ્મામાં 89.77 ટકા, વિજયનગરમાં 46.75 ટકા, ઈડરમાં 73.94 ટકા, હિંમતનગરમાં 44.03 ટકા, પ્રાંતિજમાં 38.95 ટકા અને તલોદમાં 41.58 ટકા વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 5 મિમી, વિજયનગરમાં 4 મિમી અને તલોદમાં 1 મિમી વરસાદ પડ્યો છે. જળાશયોની સ્થિતિ જોઈએ તો ગુહાઈ ડેમ 50.77 ટકા ભરાયેલો છે અને તેમાં 100 ક્યુસેક પાણીની આવક છે. હાથમતી ડેમ 43.40 ટકા ભરાયેલો છે અને 246 ક્યુસેક પાણીની આવક છે. હરણાવ ડેમ 63.15 ટકા ભરાયેલો છે અને 340 ક્યુસેક પાણીની આવક છે. ખેડવામાં 150 ક્યુસેક પાણીની આવક સામે 105 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:27 am

દ્વારકા જિલ્લાના અલગ-અલગ ચાર બનાવ:12 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, ઝેરી દવા પીને યુવાનનો આપઘાત; શ્રમિકનું કૂવામાં મોત, છ જુગારીઓ ઝડપાયા

દ્વારકા જિલ્લામાં ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે. ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં કાસમભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ સરકારી શાળા નજીકના પાણીના ખાડામાં નહાવા પડ્યો હતો. અકસ્માતે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામના 30 વર્ષીય કમલેશભાઈ મોરીએ સંતાન ન થવાની પીડામાં આપઘાત કર્યો છે. તેમણે ઘાસ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના 40 વર્ષીય કૈલાશભાઈ જમરા વાડીના મકાન પાછળના કૂવામાંથી પાણી પીતા હતા. તેઓ અચાનક કૂવામાં પડી જતાં ડૂબી ગયા હતા. તેમના પત્ની રેન્દાબેને પોલીસને જાણ કરી હતી. દ્વારકાના વરવાળા ગામમાં પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સોને પકડ્યા છે. તારમામદ જીવાણી, ઈકબાલ લધાણી, ખીમજી પાણખાણીયા, અશોક ચાનપા, હુસેન જીવાણી અને જયસુખ ઘોઘલીયા પાસેથી રૂપિયા 10,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:20 am

માણસાના દેલવાડમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઓસરીમાં સૂતો હતો ત્યારે તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના લઇ રફૂચક્કર

માણસા તાલુકાના દેલવાડ ગામના ચકલીવાળા વાસમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેશજી ઠાકોરના ઘરમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન પ્રવેશ કર્યો હતો. 6 જુલાઈની રાત્રે પરિવારના સભ્યો ઘરની ઓસરીમાં સૂતા હતા. સુરેશજીના માતા-પિતા બાજુના મકાનમાં હતા. સવારે 6 વાગ્યે જાગ્યા ત્યારે ઘરના દરવાજાના સ્ટોપર પર કેબલ વીંટાયેલો જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશતા બે લોખંડની તિજોરીઓ તૂટેલી અને ખુલ્લી હાલતમાં મળી આવી હતી. રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કરો તિજોરીમાંથી કુલ 3.30 લાખની કિંમતના દાગીના ચોરી ગયા છે. ચોરાયેલા દાગીનામાં બે સોનાના લોકેટ જેની કિંમત 80,000 રૂપિયા છે. ત્રણ સોનાની ચેઇન જેની કિંમત 2,10,000 રૂપિયા છે. એક જોડ ચાંદીની પગની ઝાંઝર જેની કિંમત 20,000 રૂપિયા છે. એક જોડ સોનાની બુટ્ટી જેની કિંમત 20,000 રૂપિયા છે. માણસા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 10:17 am

હિંમતનગર હાઈવે પર ખાડામાં એક બાઈક ચાલક ખાબક્યો:માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ખસેડાયો, ગટરનું કામ ચાલુ હતું; સાઈન બોર્ડ પણ લગાવેલ નહોતું

હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સહકારી જીનથી મોતીપુરા સુધી RCC રોડની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે સર્વિસ રોડ પર ગટરલાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક બાઈક ચાલક પડી ગયો હતો. હડીયોલ ગામના 25 વર્ષીય સુરેશભાઈ બાબુભાઈ વાઘેલા પોતાની બાઈક સાથે ખાડામાં પડ્યા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં તેમની બાઈકને પણ નુકશાન થયું હતું. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ, ખાડો ઊંડો છે અને તેમાં વરસાદી પાણી ભરાયેલું છે. રાત્રિના સમયે ત્યાં કોઈ લાઈટ, સાઈન બોર્ડ કે સાવચેતીની વ્યવસ્થા નથી. આવા અકસ્માતો ન બને તે માટે તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાઈન બોર્ડ સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:58 am

ચાતુર્માસનો પ્રારંભ:પાલીતાણાના સિદ્ધવડમાં 1100 જૈન સાધુ-સાધ્વીજી 50 દિવસ સુધી આરાધના કરશે

પાલીતાણાના આદપુર સિદ્ધવડ ખાતે જૈન ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ચાતુર્માસના પ્રારંભે 1100 જેટલા સાધુ ભગવંતો, સાધ્વીજીઓ અને સાધકો અહીં આત્માની અનુભૂતિની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરશે. સિદ્ધવડ એ જૈન સમાજ માટે મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં છેલ્લા 2000થી વધુ વર્ષોથી વિશ્વ કલ્યાણ માટે આરાધના થાય છે. આ સ્થળે 99 યાત્રા, શિબિર અને ઉદ્યાનતપ જેવા આયોજનો જૈન સમાજ દ્વારા નિયમિત કરવામાં આવે છે. હેમવલ્લભશ્રીસુરજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સ્થાનિક રાજકીય નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધવડની આરાધનાનું વિશેષ મહત્વ છે. લોકવાયકા અનુસાર અહીં હજારો વર્ષ પહેલાં એકી સાથે 8.5 કરોડ સાધુઓ મોક્ષે ગયા હતા. આગામી 50 દિવસ સુધી સાધકો અહીં ચાતુર્માસ દરમિયાન સાધના કરશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:20 am

સિધ્ધપુરમાં વૃદ્ધ પર હુમલો:ઘરની બહાર સૂતેલા 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા શખ્સનો તીક્ષ્ણ હથિયારથી હુમલો, મહેસાણામાં સારવાર હેઠળ

સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 7 જુલાઈની રાત્રે ઘરની બહાર સૂતેલા 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. વૃદ્ધ જીવાભાઈ દેવીપુજક તેમની બીમાર બહેનની ખબર કાઢીને રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યા હતા. તેઓ રોજની જેમ ઘરની બહાર લોખંડના ખાટલામાં સૂઈ ગયા હતા. રાત્રે 11:30 વાગ્યે બૂમાબૂમ સાંભળી તેમના પુત્ર જીતેન્દ્ર બહાર દોડી આવ્યા હતા. તેમણે પિતાને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. હુમલાખોરે જીવાભાઈની જમણી આંખ પર, ગાલ પર અને હોઠ પર તીક્ષ્ણ હથિયારથી ત્રણ ઊંડા ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત જીવાભાઈને પ્રથમ સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જીતેન્દ્રભાઈ અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હુમલાનું કારણ અને હુમલાખોરની ઓળખ હજુ સુધી જાણવા મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:18 am

પાટણના રીંગ રોડ માટે મુખ્યમંત્રીનો આદેશ:1000 કરોડના પ્રોજેક્ટની નવી દરખાસ્ત બનાવવા સૂચના, નેળીયા રોડને પણ સામેલ કરાશે

પાટણ શહેરમાં 31 કિલોમીટર લાંબા રીંગ રોડના નિર્માણ માટે નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1000 કરોડ રૂપિયા છે. પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ અંગે મૌખિક સૂચના આપી છે. નગરપાલિકાના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને મંત્રીઓ કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી અને ભાનુબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ શહેરના રસ્તાઓ પહોળા કરવા માટે સંપાદન વળતર અને ગ્રાન્ટની માંગણી કરી હતી. સાથે જ નગરપાલિકામાં ઘટી રહેલા કાયમી કર્મચારીઓની ભરતી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. નવી દરખાસ્તમાં રીંગ રોડને એક સાથે નહીં, પરંતુ તબક્કાવાર બનાવવાનું આયોજન છે. નેળીયા અને તેના સરકારી રસ્તાઓને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે. આ રીતે જમીન સંપાદનનો ખર્ચ ઘટાડી શકાશે. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીએ પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં પાટણના બાકી રહેલા વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:16 am

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 7 કોલેજોમાં તપાસ:બીએડ-એમએસસી સહિતની કોલેજોમાં નિયમભંગના આક્ષેપ, 4 સભ્યોની કમિટી દ્વારા સ્થળ તપાસ થશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ છે. કુલપતિએ આ મામલે ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે. કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી. કમિટીમાં એક એક્સપર્ટ, એક વકીલ અને એક બોર્ડના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં મળેલી અરજીઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના જણાવ્યા અનુસાર, કમિટી પ્રથમ તબક્કામાં કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યારબાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. આ તપાસ બીએડ અને એમએસસી સહિતના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં મંજૂરીના નિયમોના ભંગ અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો અંગેની અરજીઓના આધારે શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:15 am

વાપીમાં બોગસ ડોક્ટરો ઝડપાયા:પેરામેડિકલ ડિગ્રીના આધારે ગેરકાયદે પ્રેક્ટિસ કરતા બે આરોપી સામે કાર્યવાહી

વાપી તાલુકાની નાની તંબાડી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. હિરલબેન પટેલ અને તેમની ટીમે લવાછા પીપરીયા વિસ્તારમાં દરોડો પાડ્યો. શીવમ ક્લિનિકમાંથી બે બોગસ ડોક્ટરો પકડાયા છે. આરોપી અબ્દુલલતીફ અબ્દુલકુદૃસ ખાન વાપીના કરવડ વિસ્તારમાં રહે છે. બીજા આરોપી મુનીર અહમદ અબ્દુલલતીફ ખાન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમરા વિસ્તારના રહેવાસી છે. તેઓ ખાન પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર નામનું દવાખાનું ચલાવતા હતા. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન નથી. તેઓ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું માન્ય પ્રમાણપત્ર પણ ધરાવતા નથી. માત્ર પેરામેડિકલ ડિગ્રીના આધારે તેઓ દર્દીઓની સારવાર કરતા હતા. પોલીસે દવાઓ સહિત કુલ રૂ. ૧૬,૦૬૭.૯૭નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડુંગરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૭૧ અને ૫૪ તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક પંચો હાજર હતા. આરોગ્ય વિભાગ હવે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વધુ સક્રિય બની કાર્યવાહી કરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:12 am

દેવગઢ બારીઆમાં 12 વર્ષની સગીરાનું અપહરણ:રેઢાણા ગામના યુવકે લગ્નની લાલચ આપી ભગાડી, પોલીસ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જંબુસર ગામમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 12 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં દેવગઢ બારીઆ તાલુકાના રેઢાણા ગામે રહેતા સંજય બારીઆ નામના યુવકે સગીરાને પ્રેમના જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અને તેને પત્ની તરીકે રાખવાના ખોટા વચનો આપીને ગત 9 જૂન, 2025ના રોજ તેનું અપહરણ કરી લઈ નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારમાં ચિંતા અને આઘાતનો માહોલ છવાઈ ગયો. સગીરાના પિતાએ તાત્કાલિક દેવગઢ બારીઆ પોલીસ મથકનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું છે કે, સંજય બારીઆએ સગીરાને લગ્નનું વચન આપી તેનો વિશ્વાસ જીતી લીધો અને તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચર્ચા અને આક્રોશ ફેલાવ્યો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ સગીર બાળકીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. દેવગઢ બારીઆ પોલીસે ફરિયાદના આધારે સંજય બારીઆ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી, આગળની તપાસ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે અને સગીરાને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચોંકાવનારો માહોલ સર્જ્યો છે અને સગીર બાળકીઓની સુરક્ષા માટે વધુ કડક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:11 am

દાહોદમાં દારૂની હેરાફેરી કરતી ચાર મહિલાઓ ઝડપાઈ:મધ્યપ્રદેશના પીટોલથી 20 હજારનો દારૂ લાવતી મહિલાઓ સ્ટેશન રોડ પરથી પકડાઈ

દાહોદ એલસીબી પોલીસે સ્ટેશન રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે ચાર મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે. આ મહિલાઓ મધ્યપ્રદેશના પીટલ ગામના દારૂના ઠેકામાંથી વિદેશી દારૂની બોટલો હાથ થેલીઓમાં ભરીને લાવી રહી હતી. તેમને ભગીની સમાજ પાસે રોડ પરથી પકડવામાં આવી છે. પકડાયેલી મહિલાઓમાં રીનાબેન ઉર્ફે ટીનાબેન હિંમતભાઈ નીનામા (27), ગાયત્રીબેન વિજેન્દ્રભાઈ સિસોદિયા (35), શર્મિલાબેન ગોપાલભાઈ સાંસી (35) અને મીનાબેન નગીનભાઈ સિસોદિયા (35)નો સમાવેશ થાય છે. પોલીસે મહિલાઓની હાથ થેલીઓની તપાસ કરતાં રૂ. 20,190ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બિયરની કુલ 93 બોટલો જપ્ત કરી છે. આ મહિલાઓની અટકાયત કરી દાહોદ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. તેમની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં એલસીબી પોલીસ દારૂની હેરાફેરી અને વેચાણ સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. આના કારણે જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 9:09 am

મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત:મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્કયુ કરાયું, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. 4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત, 3ને રેસ્કયુ કરાયાપાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા .આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 8:36 am

MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ:350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો, 89 સ્ટુડન્ટને સયાજી હોસ્પિ.માં દાખલ કરાયા

વડોદરાની MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. ત્યારબાદ 89 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે. યુનિવર્સિટીના એસ.ડી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓને ઝાડાં-ઉલટી થતી હતી. તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 89 વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ-ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. ‘રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી’આ અંગે કેરળની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું. જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ચાવલ ખાધા હતા. રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુઃખતું હતું. હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. ‘રોટલીની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી’MS યુનિવર્સિટીના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી દિલ્હીની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મારું નામ માનુષી છે. ગઈકાલે જ અમારું મેસ ખુલ્યું હતું અને બધાએ ત્યાં ભોજન લીધું હતું, જે કોઈ લોકોએ ત્યાં ભોજન લીધું હતું તે તમામને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. જમવામાં પનીર ભુરજી, દાળ-ભાત ,રોટલી હતી. જેમાં રોટલીની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. શાકમાં મને કઈ લાગ્યું નહોતું અને મેં ખીર ખાધી નથી પરંતુ મને રોટલીમાં ખૂબ જ ગડબડ લાગતી હતી. રાત્રે એક વાગ્યા બાદ પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો અને ઝાડા થઈ ગયા હતા સાથે જ વોમિટિંગ થઈ રહી હતી. આ સાથે જ વોર્ડનને જાણ કરતા અમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મેસમાં તપાસ બાદ કાર્યવાહી કરીશું: ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરઆ અંગે MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુનિવર્સિટીના એસ.ડી હોલમાં જમ્યા બાદ આ ઘટના બની છે. ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી. ત્યારબાદ 300થી વધુ વિદ્યાર્થીનીઓમાંથી 70થી 80 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ગઈકાલે પહેલો દિવસ હતો. 15થી 20 વિદ્યાર્થિનીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. તમામની સ્થિતિ હાલ સારી છે. તેઓએ રાત્રે પનીરની સબ્જી અને દાળ-ભાત પાપડને બધું ખાધું હતું. આ બાબતે મેસમાં શું સ્થિતિ છે તે ચકાસી અને કાર્યવાહી કરીશું. 5 વોર્ડમાં વિદ્યાર્થિનીઓને દાખલ કરાઈ: RMOઆ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ સયાજી હોસ્પિટલમાં ઊલટીની કમ્પ્લેન સાથે 89 જેટલી વિદ્યાર્થીનીઓને અહીં લાવવામાં આવી હતી. તમામને હાલમાં દાખલ કરવામાં આવી છે અને સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્થિતિ સારી છે. તેઓએ ખીર અને પનીરની સબ્જી ખાધી હોવાની વાત કરી રહ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલના વિવિધ પાંચ વોર્ડની અંદર તમામ વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 8:13 am

શાળા બન્યાને 25 વર્ષ થયા પણ હજુ રસ્તો ન બન્યો:ખેતરો ખૂંદીને આવવા શિક્ષકો મજબૂર, 108ના અભાવે મહિલાની ડિલિવરી રસ્તામાં થઇ, ઐઠોરના પરાની કડવી વાસ્તવિકતા

ઉત્તર ગુજરાતનું હબ એટલે મહેસાણા અને મહેસાણાનું વિકસિત કહેવાતું ગામ એટલે ઐઠોર.. ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાના મંદિરથી જાણીતા આ ગામમાં તો પાયાની તમામ સુવિધા છે, પણ ગામથી ચાર કિલોમીટર દુર આવેલા વિજળીયા પરા વિસ્તારની વાસ્તવિકતા ઘણી અલગ છે. અહીં બીજી સુવિધા તો ઠીક પણ અહીં પહોંચવા માટે સરખો રસ્તો નથી. ડામરવાળા પાકા રોડની તો વાત જ નથી, પણ જે કાચો રસ્તો છે એની હાલત એટલી ખરાબ છે કે પરામાં આવવા-જવા માટે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઐઠોરના વિજળીયા પરામાં રહેતા અંદાજિત 80થી 90 પરિવારોના 500 જેટલા લોકોની વાસ્તવિકતા જાણવા દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમને પણ અહીં પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે અહીં જે કાચો રસ્તો છે એ વરસાદમાં એવો ધોવાઇ જાય છે કે બાઇક લઇને જવું પણ શક્ય નહોતું. જેથી અમારી ટીમ આ પરામાં રહેતા લોકોની વાસ્તવિકતા જાણવા માટે સ્થાનિકોની મદદથી ટ્રેક્ટરમાં બેસીને પહોંચી હતી. જ્યાં જે પરિસ્થિતિનો તાગ મેળવ્યો એ આગળ જાણીએ.. ખેતરો ખૂંદીને શાળાએ આવવા શિક્ષકો મજબૂરઅહીંના લોકોને આમ તો બારેમાસ અનેક તકલીફોનો સામનો કરવો પડે છે પણ ખાસ વરસાદની સિઝનમાં અહીં આવવા-જવામાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જીવન જરૂરી સામાન લાવવો પણ મુશ્કેલ બને છે. આ પરામાં આવેલી પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકો બાળકોને ભણાવવા આવે છે એમને ચાલીને આવવું પડે છે. જ્યારે ક્યારેક તો અહીં પહોંચવા માટે ખેતરો ખુંદવા પડે છે. જ્યારે ગામની બહાર ભણવા જતા વિદ્યાર્થીઓની પણ આ જ સ્થિતિ છે. 'શાળા બન્યાને 25 વર્ષ થયા પણ હજુ રસ્તો ન બન્યો'દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સ્થાનિક ચેનાજી ઠાકોર જણાવે છે કે,ચોમાસામાં વરસાદ પડે એટલે અમારે આવવા-જવાના માર્ગ બંધ થઈ જાય છે.પાણી ભરાવવાથી સગા સંબંધી આવી શકતા નથી. જો વધુ વરસાદ પડી જાય તો ટ્રેક્ટર પણ નીકળી શકતા નથી. અમે પંચાયતમાં સહિત અનેક જગ્યાએ રજુઆત કરી કરીને થાક્યા પણ રસ્તાનું કંઇ નિવારણ આવતું નથી. ચૂંટણીટાણે અહીં આવતા લોકો કહે છે કે મત આપો અમે તમારો રસ્તો બનાવી આપશું, પણ જીત્યા પછી અમારૂ કોઇ સાંભળતું નથી. અમારા પરામાં કોઈ બીમાર થયું હોય અને હોસ્પિટલમાં જવું હોય તો 108 પણ નથી આવતી. શાળા બન્યાને પણ 25 વર્ષ થઇ ગયા પણ હજી રસ્તો ન બન્યો. કોઇ સાંભળતું જ નથી. 'એક મહિલાની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી'વિજળીયા પરામાં રહેતા નાગજી ઠાકોર જણાવે છે કે, શાળામાં ભણાવવા આવતા શિક્ષકોનો આભાર માનીએ છીએ કે તેઓ આટલા દૂરથી ચાલીને અમારા બાળકોને ભણાવવા આવે છે.અહીંયા કોઈ બીમાર હોઈ તો અમારે ટ્રેક્ટરમાં દવાખાને લઈ જવા પડે છે. હજુ થોડા મહિના અગાઉ એક મહિનાની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઇ હતી. અત્યાર સુધીમાં ઊંઝામાં જેટલા ધારાસભ્ય રહ્યા એ તમામને રજૂઆત કરી છે પણ કોઇ જોવા આવ્યું નથી કે કોઈ નિવારણ આવ્યું નથી. 'શિક્ષકોને ટ્રેક્ટર મારફતે લાવવા પડે છે'નવઘણજી ઠાકોરે જણાવ્યું કે, અમને યાદ છે ત્યાં સુધી 25થી 30 વર્ષ જૂની આ સમસ્યા છે. ચોમાસાના ચાર મહિના ખુબ હેરાનગતિમાં પસાર થાય છે. સરકાર વિકાસની વાતો કરે છે પણ અહીંયા ક્યાંય વિકાસ દેખાતો નથી. સરકાર બેટી બચાઓ બેટી પઢાઓનું કહે છે પણ અહીંયા તો દીકરીઓ ભણવા જાય છે તો કોઈ સુવિધા જ નથી.વિદ્યાર્થીઓ ચોમાસામાં ચારે માસ પાણીમાં થઈ શાળાએ જાય છે અને આવે છે. માર્ગમાં વધુ પાણી ભરાઈ જાય તો બાળકો શાળામાં પણ જઈ શકતા નથી.વધારે વરસાદ આવે તો અમારે શિક્ષકોને ટ્રેક્ટર મારફતે લાવવા પડે છે. પરામાં 1થી 7 ધોરણની સ્કૂલ છે જેમાં 50 બાળકો અભ્યાસ કરે છે, બાકીના ઐઠોર હાઈસ્કૂલમાં જાય છે એમને ખુબ તકલીફ પડે છે. 'કરિયાણું લાવવામાં પણ આંખે પાણી આવી જાય છે'સ્થાનિક હંસાબેન જણાવે છે કે, રસ્તો પાણીથી ભરાઈ જાય તો ખાદ્યા-પીધા વિના અમે અને છોકરા બેસી રહીએ છીએ.અમુક સમયે કરિયાણું પતી જાય તો ગામમાં કેવી રીતે જવું અને વસ્તુંઓ કેવી રીતે વાવવી એ અમને જ ખબર છે, આંખે પાણી આવી જાય છે.મારા લગ્ન થયે 60 વર્ષ થવા આવ્યા ત્યારની આ તકલીફ જોવા મળી રહી છે. સ્થાનિક અલ્પાબેન જણાવે છે કે, વરસાદ આવતાની સાથે જ અમારી સમસ્યાઓ વધી જાય છે. પરામાંથી ગામમાં જવા ખેતરો ખૂંદવા પડે છે. 'પાકો રસ્તો હોત તો અમે સાયકલ લઈ શાળાએ જઇ શકતા'વિજળીયા પરાથી ચાલીને ઐઠોર શાળામાં અભ્યાસ કરવા જતી ધોરણ 10ની વિદ્યાર્થિની હેતલે ભાસ્કરને જણાવ્યું કે, પાકો રસ્તો ના હોવાથી ઘણી તકલીફ પડે છે. અમારે ચાલીને શાળાએ જવું પડે છે. પાકો રસ્તો હોત તો સાયકલ લઈ પણ જઈ શકતા, પણ રસ્તો નથી એટલે અમે ચાલીને જઇએ છીએ.અમારી સાથે 10થી 15 છોકરાઓ ચાલીને જાય છે. શાળાનો સમય 11 વાગ્યાનો છે પણ અમારે ઘરેથી 9 વાગે નીકળી જવું પડે છે ત્યારે શાળાએ સમયસર પહોંચી શકીએ છીએ. 'શિક્ષકો કાદવ કીચડમાં ચાલી બાળકોને ભણાવવા આવે છે'શાળાના આચાર્ય નિતાબેન ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે. શાળાએ આવવાનો એક જ રસ્તો છે અને એમાં પણ પાણી ભરાઇ જાય ત્યારે આવવામાં ખુબ તકલીફ થાય છે. ઝેરી જીવજંતુઓની પણ બીક લાગે છે. ક્યારેક તો ગ્રામજનોને ટ્રેક્ટર લઇને અમને લેવા આવવું પડે છે. હું અહીં 20 વર્ષથી નોકરી કરૂ છું. ચોમાસામાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. શાળાનો કોઇ સામાન લાવવો હોય તો પણ વિચારવું પડે છે. મારી માગ છે કે અહીં ઝડપી રોડ બનાવાય તો ગામની સાથે આ પરાનો પણ વિકાસ થાય...

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 8:00 am

તુલસીનું કમબેક, પૂર્વ સાંસદ ચલે સિરિયલ મેં!:'પંજો' મજબૂત કરશે લાલ, બાલ, પાલ ?; ભાવનગરમાં બે મહાનુભાવના દીકરા રાજનીતિ માટે તૈયાર

રાજનીતિ અને બ્યૂરોક્રસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 7:55 am

પુલવામા હુમલાની વિસ્ફોટક સામગ્રી ઓનલાઈન ઈ-કોમર્સ એપથી ખરીદવામાં આવી હતી : FATF

Pahalgam and Pulwama Attack News : આતંકવાદીઓ ભારત સહિતના દેશોમાં હુમલા કરવા માટે બોમ્બ બનાવવામાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીઓ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી રહ્યા છે. એટલુ જ નહીં આ જ ઇ-કોમર્સનો ઉપયોગ આતંકીઓ ફંડ મેળવવા માટે પણ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદ માટે થતા ફન્ડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય એજન્સી એફએટીએફે વિસ્તારપૂર્વક આ અંગે સંશોધન કર્યા બાદ રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં આ ખુલાસો થયો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા, આ વિસ્ફોટમાં જે સામગ્રીનો ઉપયોગ થયો હતો તેને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 9 Jul 2025 7:42 am

'ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ...', સુપ્રીમ કોર્ટના CJIનું મોટું નિવેદન

CJI News : ન્યાયતંત્ર કારોબારીની દખલગીરીથી મુક્ત હોવું જોઈએ તેવી ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની સંકલ્પના હતી તેમ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ મહારાષ્ટ્રના વિધાનમંડળનાં બંને ગૃહોનું સન્માન સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાન ભવનમાં સરકાર દ્વારા દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર.

ગુજરાત સમાચાર 9 Jul 2025 7:39 am

આજથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ:4 ગચ્છાધિપતિ, 51 આચાર્યો, 1100 સાધુ-સાધ્વીજી રાજનગરમાં

જૈન ધર્મીઓના ચાતુર્માસનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. રાજનગરમાં 4 ગચ્છાધિપતિ, 51 જેટલા આચાર્ય 11 જેટલા પંન્યાસ સહિત 1100થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો વર્ષાવાસ કરશે. આ સાથે જ પૂજ્યોની નિશ્રામાં ચાતુર્માસની આરાધના કરાશે. ચાતુર્માસ દરમિયાન જૈનો દ્વારા વિવિધ સંઘોમાં સામૂહિક સિદ્ધિ તપ, સામૂહિક માસક્ષમણ તપ, 16 ઉપવાસ, 8 ઉપવાસ, શ્રેણીતપ જેવા કઠોર તપ થશે. ઉપાશ્રયોમાં નિત્ય વ્યાખ્યાન, સવાર-સાંજ પ્રતિક્રમણ સહિતની તપ-જપ-આરાધના પણ કરવામાં આવશે. શહેરમાં ચાતુર્માસ કરવા પધારેલા શાસનપ્રભાવક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજે અમદાવાદના જૈનો માટે સળંગ 30 ઉપવાસ-માસક્ષમણ તપનાં આયોજનની ઘોષણા કરી હતી. આ માટેના સામૂહિક માસક્ષમણ-અઠ્ઠમ તપના પાસનું વિતરણ 15 જુલાઈ સુધી પંકજ જૈન સંઘ, આંબાવાડી જૈન સંઘ, ઓપેરા જૈન સંઘ, નવકાર જૈન સંઘ અને ગૌતમ જૈન સંઘમાંથી કરાશે. માસક્ષમણના ઉત્તરપારણાં 15 જુલાઈથી સાંજે 5 સંઘે નિશ્ચિત કરેલાં સ્થાનો પર કરાશે. 16 જુલાઈએ શ્રેષ્ઠ મુહૂર્તે પ્રથમ પચ્ચક્ખાણ જૈનાચાર્ય દ્વારા તમામ તપસ્વીઓને અપાશે. તપસ્વીઓની સંખ્યા 2000થી ઉપર જવાની ધારણા હોવાથી સામૂહિક પ્રથમ પચ્ચક્ખાણ સમારોહ મણિભુવનના બદલે કલાઉડનાઇન પાસેના એએમસી ગ્રાઉન્ડમાં યોજાશે. પચ્ચક્ખાણ વિધિ સવારે 8.30 વાગ્યાથી શરૂ થશે. પાલડીના જૈન સોસાયટી જૈન સંઘમાં દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીશ્વરજી મસાના સુશિષ્યરત્ન સૂરીમંત્ર સમારાધક રવિરત્નસૂરીશ્વરજી મસા, 6 વિગઈના ત્યાગી જયેશરત્નસૂરીશ્વરજી મસા આદિ 8 ઠાણાનો ચાતુર્માસ પ્રવેશનો ભવ્ય સામૈયાપૂર્વક થયો હતો, જેમાં ચંદ્રજિતસૂરીશ્વરજી મસા, રશ્મીરત્નસૂરીશ્વરજી મસાએ પણ હાજરી આપી હતી. નવપલ્લવ પાર્શ્વનાથ જૈન સંઘમાં ભગવતી સૂત્ર ગ્રંથ પર વ્યાખ્યાન થશેગચ્છાધિપતિ નરદેવ સાગરસૂરીશ્વરજી મસા નરોડાના નવપલ્લવ પાર્શ્વનાથ જૈન સંઘમાં ચાતુર્માસમાં ભગવતી સૂત્ર ગ્રંથ ઉપર વિવેચન-વ્યાખ્યાન આપશે. મસા છેલ્લાં 39 વર્ષથી પ્રત્યેક સંઘમાં શ્રી ભગવતી સુત્રનું વાંચન વિવેચન કરે છે. આ સતત 40મા વર્ષે ભગવતી સૂત્રનું વાંચન કરશે. સાબરમતીમાં ગુણાનુવાદ સભા, યુવા સંસ્કરણ શિબિર યોજાશેસાબરમતીમાં તપાગચ્છાધિપતિ મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મસા તથા ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મસાની નિશ્રામાં વિરાટ સંખ્યામાં સામૂહિક સિદ્ધિતપ, પ્રતિ રવિવારીય પ્રેરણાદાયક શિબિરો. ગુરુભગવંતોની ગુણાનુવાદ સભા, યુવા સંસ્કરણ શિબિરો, બાળકો-મહિલાઓ માટે શિબિર સહિત ગુરુભક્તિનાં અનુષ્ઠાનો થશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 6:09 am

ભલભલાના હૃદય ભીંજવે એ ગીરાધોધનો આકાશી નજારો:100 ફૂટ ઊંચાઈથી વહેતા ધોધની ધારાઓ નીચે પ્રવાસીઓની મોજ, સોહામણા સૌદર્યના અદભુત દ્રશ્ય

ચારે બાજુ પર્વત અને જંગલ વચ્ચે વહેતી અંબિકા નદી પરના ગીરાધોધ પ્રવાસીઓને આનંદની અનુભૂતિ કરાવે છે. દક્ષિણ ગુજરાતમાં જેને નાયગ્રાફ ફોલ તરીકે ઓળખવામાં આવે છે, એવા ગીરાધોધને વહેતો જુઓ એ જાણે સ્વર્ગને પામવા જેવું છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલો ગીરાધોધની ધારાઓ નીચે પ્રવાસીઓ મોજ કરવા ઉમટી પડે છે. ત્યારે આવો જોઈએ ભલભલાના હૃદય ભીંજવે એ ગીરાધોધનો આકાશી નજારો... ગીરાધોધને માણવા પ્રવાસીઓની ભીડ લાગે છેસાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી. અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમાં નદી વિસ્તરેલી છે, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદીનો ગીરાધોધ અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. અહીં મોટાભાગે પ્રેમી પંખીડા, પરિવારો સહિત બાળકો તેમના વૃદ્ધ માતા-પિતાને મોજ કરાવવા લઈ આવે છે. અહીં હીરા ધોધની આગળ સેલ્ફી લેવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે. સાપુતારા જતાં લોકો આ ધોધ માણવા અચુક આવેચોમાસાની શરૂઆત થતા જ ગીરાધોધને જોવા માટે દરરોજ 500થી વધુ લોકો આવે છે, જોકે, આ સંખ્યા શનિ-રવિમાં 1,000 થી વધુ થાય છે. જે પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે જાય છે તેઓ ગીરાધોધની ચોક્કસથી મુલાકાત લે છે. સાપુતારા પહોંચતા પહેલા આશરે 50 કિલોમીટર અગાઉ વઘઈ તાલુકામાં આવેલો છે ગીરાધોધ. સાપુતારા ફરવા જતા 90% લોકો અહીં થોડા કલાકોનો બ્રેક લઈને ધોધ ની મજા માણતા જાય છે. ફોરેસ્ટ વિભાગ અને મંડળી સંચાલન કરે છેફોરેસ્ટ વિભાગ અને એક મંડળી મળીને ગીરાધોધની આજુબાજુ આવેલી દુકાનો અને તેની સાફ-સફાઈ સહિત પાર્કિંગ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. ગિરાધોધ વિસ્તારમાં પ્રવાસીઓ માટે ચા-પાણી નાસ્તાની સુવિધાની દુકાનો ઊભી કરવામાં આવી છે, પ્રવાસીઓ પાસેથી ગીરાધોધ જોવા માટે 10 રૂપિયા તેમજ વાહનો પાર્ક કરવા માટે પણ 50 રૂપિયા પાર્કિંગ ફી વસૂલવામાં આવે છે સાથે જ અહીં રહેવા માટે એક હોટલ પણ નિર્માણ પામી છે. સો ફૂટ ઊંચેથી જળપ્રપાત નીચે ખાબકે છેડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઊડતી પાણીની બુંદ, વાછટ તમને ચોક્કસ ભીંજવી નાખે. અંબિકા નદીનું આ રમણીય દૃશ્ય જોવા, જાણવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. ધોધ વચ્ચે ગીત લલકાર તો કલાકારગીરાધોધ પાસે મૂળ કાઠીયાવાડના 55 વર્ષીય ગુલામભાઈ મીર છેલ્લા કેટલાક વર્ષોથી સહેલાણીઓનું મનોરંજન કરે છે, ખડખડ વહેતા ધોધની સાથે બોલીવૂડના ક્લાસિક ગીત પોતાના લહેકામાં લલકારે છે. ગીત સાંભળી કેટલાક સહેલાણીઓ તેમને પૈસા આપે છે. તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મારા પરિવારમાં કોઈ નથી હું અહીં ગીત ગાયને મારુ ગુજરાન ચલાવું છું. શનિ-રવિમાં અહીં બહુ ભીડ થાય છે હાલમાં ચોમાસુ હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. દરરોજ મને 500થી વધુ રૂપિયા ગીત ગાવા માટે મળે છે. અમારું ગ્રુપ દર વર્ષે અહીં આવે છેઃ યુવતીડાંગનું સૌંદર્ય માણવા આવનાર યુવતી મયુરી પટેલે જણાવ્યુ કે, અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચોમાસા દરમિયાન ગીરાધોધની મુલાકાત લેવા માટે આવીએ છીએ. ચોમાસા દરમિયાન ગ્રીનરી જોવા મળતા મનને આનંદ થાય છે. અમારું ગ્રુપ દર વર્ષે અહીંની મુલાકાત લેતું આવ્યું છે. સાપુતારા જતા પહેલા અમે અહીં આવીએ છીએવડોદરા થી આવેલા ડો.પરાગ શાહ જણાવે છે કે, અમે શહેરમાં ખૂબ વ્યસ્ત લાઇફ જીવીએ છીએ, જેથી ચોમાસાની ઋતુમાં રિલેક્સ થવા માટે સાપુતારા જઈએ છીએ પરંતુ તે અગાઉ અમે અહીં થોડો બ્રેક લઈને ગીરાધોધની મુલાકાત લીધી છે. આ ધોધ જોવો અમને ખૂબ જ ગમે છે. અહીં થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છેસૌરાષ્ટ્રના ભાવનગરથી આવેલા હિરેન વેગડ જણાવે છે કે, અહીં થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. આ સ્થળ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે જેથી અહીં રહેવા માટેની સરકારી વ્યવસ્થા હોય તથા યાત્રાધામ બોર્ડ દ્વારા ગીરાધોધનો પ્રચાર પ્રસાર કરવાની વધુ જરૂર છે. મનને શાંત કરવા માટે અહીં એકવાર આવવું પડેમિત્રો સાથે આવેલા જતીન પટેલ જણાવે છે કે, મનને શાંત કરવા માટે ચોમાસા દરમિયાન અહીં એકવાર તો આવવું જ પડે. ગીરાધોધને જોવો એ ખૂબ મોટો લ્હાવો છે અમે છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત ગીરાધોધની મુલાકાત લઈએ છીએ. આ ધોધ અમને અપાર આનંદની અનુભૂતિ કરાવે છેવડોદરાથી આવેલા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્ય અશોક પંચોલી જણાવે છે કે, વડોદરામાં અમારું સિનિયર સિટીઝનનું એક ગ્રુપ છે, જેના તમામ સભ્યો આજે અમે અહીં ગીરાધોધની મજા માણવા માટે આવ્યા છીએ. કામમાંથી રીટાયર થયા બાદ હવે અમે જીવનમાં બસ આનંદ માણીએ છીએ અને આ ધોધ અમને અપાર આનંદની અનુભૂતિ કરાવે છે. મારી ઉંમર 70 વર્ષની છે અને આ ગીરાધોધની હું લાંબા સમયથી મુલાકાત લેતો આવ્યો છું. જુઓ ગીરાધોધની તસવીરો....

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 6:05 am

કારની હેડલાઇટ, તૂટેલા ડોરગાર્ડથી ડબલ મર્ડરનો કેસ ઉકેલાયો:સુરત પોલીસે રાજસ્થાનથી આરોપીને ઉપાડ્યો, હર્ષ ગુર્જરને અંતે ફાંસીની સજા સંભળાવાઈ

સુરતમાં ચાર દિવસના સમયગાળામાં બે લાશ મળી હતી. સૌથી પહેલાં લગભગ 10-12 વર્ષની બાળકીનો મૃતદેહ હાઇવેની બાજુમાં જાળીઝાંખરા વચ્ચેથી મળી આવ્યો. બીજી લાશ 30થી 35 વર્ષની ઉંમર ધરાવતી મહિનાની હતી. બન્ને લાશ મળી એ જગ્યા વચ્ચે લગભગ દોઢેક કિલોમીટરનું અંતર હતું. હત્યા પહેલા બાળકીને નિર્દયતાથી માર મારીને દુષ્કર્મ કર્યું હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું. શરીર પર ઇજાના 78 નિશાન હતા. લાશ મળ્યાને 10 દિવસ થઈ ગયા પછી પણ પોલીસ બન્નેની ઓળખ નહોતી કરી શકી. આ બન્ને લાશ મા-દીકરીની છે કે કેમ આ જાણવા માટે DNA રિપોર્ટ કરાવ્યો હતો. આ અરસામાં આંધ્રપ્રદેશના એક યુવકે દીકરી પોતાની હોવાનો પણ દાવો કર્યો હતો. એટલે તેનો પણ DNA રિપોર્ટ કરાવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. આ કેસની તપાસમાં સુરતની પાંડેસરા પોલીસ ઉપરાંત ડીજીપીના આદેશ બાદ સુરત અને અમદાવાદની ક્રાઇમ બ્રાંચની ટીમ પણ લાગી હતી. ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ તપાસ થઈ રહી હતી. પોલીસે 6500 પોસ્ટર છપાવ્યા, મિસિંગ ચાઇલ્ડના રેકોર્ડમાંથી 8000 છોકરીના ડેટા સાથે સરખામણી કરી છતાં ઓળખ નહોતી થઈ શકી. દર મંગળવારે પબ્લિશ થતી સિરીઝ ક્રાઇમ ફાઇલ્સના ભાગ-1માં ગઇકાલે તમે 2018માં બનેલા હત્યાકાંડની આટલી વિગતો ડિટેલમાં વાંચી. હવે આજે વાંચો, કેવી રીતે પોલીસે બન્ને લાશની ઓળખ કરી અને હત્યારાને શોધી કાઢ્યો? પોલીસની ધરપકડ બાદ હત્યારાએ શું ખુલાસા કર્યા? પહેલા માતા અને થોડા દિવસો બાદ દીકરીની હત્યા કેમ થઈ? કેવા પુરાવાના આધારે હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ? પોલીસે બાળકી અને મહિલાના સેમ્પલ DNA રિપોર્ટ કઢાવવા માટે આપ્યા હતા. તેનો રિપોર્ટ પોલીસની તપાસ આગળ વધારવામાં મહત્વનો સાબિત થયો. કારણ કે DNA રિપોર્ટમાં પુરવાર થઈ ગયું કે બન્ને લાશ મા-દીકરીની જ છે. જો કે આંધ્રપ્રદેશ પોલીસ સાથે આવેલા વ્યક્તિના DNA મેચ ન થયા. એટલે પોલીસ માટે કડી-રૂપ એક દરવાજો ખૂલ્યો અને બીજો બંધ થઈ ગયો. જે દિવસથી બાળકીની લાશ મળી આવી એ દિવસથી પોલીસની એક ટીમ માત્ર એક જ કામ કરી રહી હતી. અલગ-અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ એકઠાં કરવા અને તેનું ડિટેલમાં એનાલિસિસ કરવું. જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તપાસ ટીમના અન્ય પોલીસકર્મીઓને આ માહિતી આપવી અને પછી તેની ખરાઈ કરવી. જીઆવ-બુડિયા રોડ એટલે કે 11 વર્ષીય બાળકીની લાશ જ્યાંથી મળી ત્યાંથી લગભગ સાત-આઠ કિલોમીટરના વિસ્તારમાં આવેલા આશરે 250 સીસીટીવી કેમેરાના કલાકોના ફૂટેજ પોલીસ જોઈ રહી હતી. આ દરમિયાન સફેદ રંગની એક ઇકો કાર શંકાના દાયરામાં આવી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ઇકો શોધવાનું કામ સોંપાયું. થોડા જ સમયમાં ઇકો કાર શોધી કાઢી. પરંતુ બનાવ બન્યો ત્યારે એ કાર લઈને કેટલાક યુવાનો નજીકમાં ક્રિકેટ રમવા આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. એટલે વધુ એક વખત પોલીસને નિરાશા હાથ લાગી. હજીરાથી લઈ સચિન જીઆઈડીસી સુધીના વિસ્તારના બીજા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા હતા. જેના એનાલિસિસમાં બાલાજી વેફર્સના એક ગોડાઉન બહાર લાગેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસને કાળા રંગની એક કાર જોવા મળી હતી. પછી આ જ કાર થોડે દૂર કેટરિંગના ગોડાઉન પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ હતી. પરંતુ રાતનો સમય હોવાથી વધુ સ્પષ્ટ દૃશ્યો જોવા નહોતા મળ્યા. જેથી પોલીસે વેગન-આર કાર હોવાનું નિષ્કર્ષ કાઢીને બનાવ બન્યો એ વિસ્તારમાં કાળા રંગની વેગન-આર કારની તપાસી કરી. પરંતુ પોલીસને આવી કોઈ કાર મળી જ નહીં. આ સમયગાળામાં સુરતના એક ડીસીપીએ સીસીટીવી ફૂટેજ વડોદરામાં રહેતા એક એક્સપર્ટને મોકલ્યા અને તેનું એનાલિસિસ કરી આપવા કહ્યું. એક્સપર્ટ દ્વારા વીડિયો એનાલિસિસ બાદ પોલીસને જાણવા મળ્યું કે કદાચ આ કાર હ્યુન્ડાઇની સેન્ટ્રો અથવા શેવરોલેટની સ્પાર્ક કાર હોઈ શકે છે. એક્સપર્ટે હેડલાઇટથી પડતા પ્રકાશને ધ્યાનમાં લઈને કાર શોધવા કહ્યું. એટલું જ નહીં, શંકાસ્પદ કારનો ડાબી તરફનો ડોર ગાર્ડ પર તૂટેલો જોવા મળ્યો હતો. એટલે કાર શોધવા માટે પોલીસ માટે આ મોટી કડીરૂપ માહિતી સાબિત થઈ. હવે પોલીસ આ બન્ને કાર શોધવામાં લાગી ગઈ. પાંડેસરા પોલીસ સૌથી પહેલા સ્પાર્ક કાર સુધી પહોંચી ગઈ. આ કાર જે સ્થળેથી બાળકીની લાશ મળી ત્યાંથી એકાદ કિલોમીટર દૂર વડોદ ગામમાં સોમેશ્વર ટાઉનશીપમાં પાર્ક કરેલી પોલીસે જોઈ હતી. પોલીસે કારના માલિક રામનરેશને ઉપાડી લીધો અને પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તે એટલો ડઘાઈ ગયો હતો કે કાંઈ જ નહોતો બોલતો. પરંતુ પોલીસે લાલ આંખ કરતા આ બનાવ અંગે પોતે જેટલું જાણતો હતો એ બધુ જ પોલીસ સામે ધરી દીધું. રામનરેશે કહ્યું, મારા મકાનમાલિકનો ભાઈ હર્ષ સહાય મારી કાર 6 એપ્રિલ 2018ના રોજ લઈ ગયો હતો અને પરોઢિયે સાડા ચાર વાગ્યે પાછો આવ્યો હતો. મેં જ્યારે તેને પૂછ્યું કે ક્યાં ગયો હતો? તો હર્ષે મને કહ્યું હતું કે, મેરે સાથ જો લડકી રહેતી થી, વો મર ગઈ હૈ, ઈસીલીયે ઉસે ડાલને ગયા થા. હર્ષ ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની હતો. સુરતમાં તે પોતાના ભાઈ સાથે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. 27 વર્ષીય હર્ષ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. પરંતુ જ્યારે બાળકીની લાશ મળી આવી, પછી તેની સાથે દુષ્કર્મ થયું હોવાના સમાચારો વહેતા થયા એટલે હર્ષને લાગ્યું કે પોતે પકડાઈ જશે, એટલે પત્ની અને બાળકો સાથે પોતાના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી અને પાક્કી બાતમીના આધારે હર્ષને ગંગાનગરથી દબોચી લીધો. પોલીસે હર્ષ ગુર્જરના સાગરીત હરીએમ ગુર્જરની પણ ધરપકડ કરી લીધી હતી. હર્ષ પરણીત હતો અને તેના બાળકો પણ હતા. ત્યારે મૃતક મહિલા અને બાળકી સાથે તેનો નાતો શું હતો એ બાબતે પોલીસે હર્ષની કડકાઈથી પૂછપરછ કરી. આખરે પોતાના કાળા કારનામા પોલીસ સામે ખુલ્લા પાડવા સિવાય હર્ષ પાસે કોઈ છૂટકો ન હતો. ભોગ બનેલી બાળકી અને તેની માતા મૂળ રાજસ્થાનના વતની હતા. કામ અપાવવાના નામે તેમને હર્ષ સુરત લઈ આવ્યો હતો. હર્ષે મહિલા અને બાળકી માટે કામરેજના માનસરોવર કોમ્પ્લેક્સમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ મહિલા સાથે અનૈતિક સંબંધો પણ હતા. મહિલા હર્ષની સાથે રહેવાની જીદ કરતી હતી. જેના કારણે હર્ષની પત્ની નારાજ થઈ ગઈ અને બન્ને વચ્ચે દરરોજ ઝઘડા થવા લાગ્યા હતા. જેથી હર્ષને લાગ્યું કે આ મહિલાને મારી નાખ્યા સિવાય છૂટકો નથી. 22 માર્ચ, 2018ની રાત્રે મહિલાને કામરેજથી અન્ય જગ્યાએ ફ્લેટ આપવાનું કહી હર્ષ અને તેનો મિત્ર હરીઓમ કારમાં લઈ નીકળ્યા હતા. આ વેગન-આર કાર હર્ષના મોટા ભાઈની માલિકીની હતી, એ કાર પણ પોલીસે કબજે કરી હતી. આમ, માતા અને પુત્રીની લાશના નિકાલ માટે બે જુદી-જુદી કાર વપરાઈ હતી. હરીઓમ કાર ચલાવતો હતો. તેની બાજુની સીટ પર મહિલાની દીકરીને બેસાડી હતી. જ્યારે પાછલી સીટ પર હર્ષ અને મહિલા બેઠા હતા. કામરેજથી જ હર્ષે મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું. થોડી મિનિટો બાદ હર્ષ વધુ ઉગ્ર બની ગયો અને આવેશમાં આવીને ચાલુ ગાડીમાં જ તેણે મહિલાનું ગળું દબાવી હત્યા કરી હતી. આ આખોય ઘટનાક્રમ મહિલાની સગી દીકરીની નજર સામે બન્યો હતો. હત્યા કર્યા બાદ લાશને ક્યાં નાખવી એ બાબતે હર્ષ કે હરીઓમને જરા પણ ભાન ન હોતું રહ્યું. એટલે રાતના સમયે હાઈ-વે પર તેઓ કાર લઈને 43 કિલોમીટર સુધી રખડ્યા હતા. પોલીસ પેટ્રોલિંગ કરતી હોય તો પકડાઇ જવાનો પણ મનમાં ડર હતો. આખરે રાતના અંધારામાં છેક પાંડેસરાના જીઆવ ગામની સરકારી પ્લોટમાં મહિલાની લાશ ફેંકીને ભાગી ગયા હતા. કરૂણતા તો જુઓ, આ સમયે મૃતક મહિલાની દીકરી પણ કારમાં જ હતી. એક મર્ડર કર્યા બાદ હર્ષ હવે જાણે રાક્ષસ બની ગયો. ન તેને બાળકીની માસૂમિયતનો ખ્યાલ રહ્યો, ન કાયદાનો ડર, ન તો તેના નિર્ણયોની આડે માનવતા આવી. હર્ષ બાળકીને ભેસ્તાનમાં સોમેશ્વર સોસાયટીમાં આવેલા ઘરે ગયો હતો. બાળકીને હર્ષ પોતાની સાથે પોતાના જ ઘરમાં રાખતો હતો. પરંતુ બાળકી ગમે ત્યારે મોઢું ખોલે અને તેનો ભાંડો ફૂટી જાય એવી પૂરી સંભાવના તેને લાગતી હતી. એટલે તેણે બાળકીને માર માર્યો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું. આખરે માતા બાદ દીકરીની હત્યા કરી નાખવાનો પણ હર્ષે પ્લાન ઘડી લીધો. 5 એપ્રિલ, 2018ની રાત્રે હર્ષે દરરોજની જેમ બાળકીને લાકડીથી ખૂબ માર માર્યો હતો. ત્યાર બાદ તેણી સાથે દુષ્કર્મ કર્યું અને અંતે હત્યા કરી નાખી હતી. પછી લાશને ઠેકાણે પાડવા માટે હર્ષે 10 દિવસ પહેલાં મહિલાની લાશ જે રીતે ઠેકાણે લગાવી હતી એવી જ મોડસઓપરેન્ડ અપનાવી. કારણ કે બાળકીની હત્યા કરી ત્યાં સુધી તેના માતાની લાશ કોઈને પણ મળી ન હતી. એટલે હર્ષને વિશ્વાસ હતો કે બીજા મર્ડરમાં પણ તેનું નામ નહીં જ આવે. હર્ષે રાતના સમયે જ તેના ઓળખીતાની સ્પાર્ક ગાડી માગી હતી. કારમાં લાશને નાખીને તે ઘરેથી નીકળી પડ્યો હતો. પરોઢિયે તેણે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાળકીની લાશને નાખી દીધી હતી અને પછી પાછો ઘરે આવી ગયો હતો. બીજા જ દિવસે સવારથી બાળકીની લાશ મળ્યાના સમાચાર હર્ષે મીડિયામાં જોયા એટલે પકડાઈ જવાના ડરે પરિવાર સાથે પોતાના વતન રાજસ્થાન નાસી છૂટ્યો હતો. FSLની તપાસમાં શેવરોલેટ કારની પાછળની સીટના એક ખાંચામાં કાળા રંગનો એક વાળ મળ્યો હતો. જેની લંબાઈ સાડા ચાર ઇંચની આસપાસ હતી. આ વાળ બાળકીનો હોવાનું પુરવાર થયું હતું. સુરતની સેશન્સ કોર્ટમાં માતા-દીકરીની હત્યા અને દુષ્કર્મનો કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટ સમક્ષ મૃતક મહિલાના પિતા અને પતિના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. આખરે ચાર્જશીટ ફાઇલ થયાના 3 વર્ષ 7 માસ અને 20 દિવસ બાદ કોર્ટે આ રાક્ષસી કૃત્ય માટે હર્ષ ગુર્જર અને હરીઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા. માતા-પુત્રીની હત્યા ઉપરાંત માસુમ પર બળાત્કાર તેમજ અમાનુષી અત્યાચાર આચરનારા હર્ષ ગુર્જરને 7 માર્ચ, 2022ના રોજ ફાંસી અને અન્ય આરોપી હરીઓમ ગુર્જરને અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ સેશન્સ કોર્ટે કર્યો હતો. કોર્ટે 282 પાનાંથી વધુના પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, બાળકીની લાશના ફોટોગ્રાફ્સ પરથી ખ્યાલ આવે છે કે તેની આંખમાં આંસું હતાં, તેની નજર સામે જ માતાને મારી નાંખી, બાદમાં બાળકીને પણ મારી નંખાઈ હતી. બાળકીએ રડતા-રડતા દુનિયાથી વિદાય લીધી હતી. આરોપીને કડક સજા કરવામાં ન આવે તો અન્ય આરોપીઓ પર તેની અસર પડશે. હળવાશ રાખવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય. હાલનો કેસ લોક લાગણી કે મીડિયા ટ્રાયલ નથી. આરોપીનું કૃત્ય જઘન્ય નહીં, પરંતુ તેનાથી પણ ઉપરનું, વખોડવવા શબ્દો પણ ઓછા પડે. આરોપીએ ઠંડા કાળજે બન્ને હત્યા કરી છે તેને સુધરવાની તક ન અપાય. મોતની સજા ફરમાવવી યોગ્ય સજા છે. ભોગ બનનારના પતિએ પણ મહિલાની વર્ષો સુધી દરકાર લીધી ન હોવાથી મૃતક મહિલાના પિતાને 7.50 લાખ વળતર આપવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો. જ્યારે એક મહિલા અને બાળકીની લાશ પોલીસ માટે કોયડો બની, શરીર પર ઇજાના 78 નિશાન, PM રિપોર્ટમાં રેપનો ખુલાસો, 8 હજાર બાળકોનો ડેટા તપાસ્યા બાદ પણ હાથ ખાલી, ક્રાઇમ ફાઇલ્સનો ભાગ-1 વાંચવા અહીં ક્લીક કરો.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 6:00 am

ગાંધીધામને મળ્યા નવા 15 CA:શહેરના સંભવે ઇન્ડિયા લેવલે 43મો રેંક મેળવ્યો

ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિઆ દ્વારા ગત મે 2025 માં લેવાયલી પરીક્ષાનું પરીણામ રવિવારે સવારમાં જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રસ્તરે બન્ને ગ્રુપનું પરિણામ 18.75% જાહેર થયું હતું. સમગ્ર દેશમાંથી સી.એ. કોર્ષની ફાઈનલની પરીક્ષા કુલ 1,42,402 વિધાર્થીઓએ આપી હતી, જેમાં બંને ગ્રુપની પરીક્ષા આપનાર કુલ્લ 29, 286પૈકી 5490 જયારે ગ્રુપ 2 માં 66943 વિધાર્થીઓ માંથી 14979 તેમજ ગ્રુપ -2માં 46173 માંથી 12204 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ સમગ્ર દેશમાંથી 14247 જેટલા વિદ્યાર્થીઓ સી.એ. બન્યા હતા. આ વખતે પેહલી વખત સી.એ. ફાઉનડેસન, ઇન્ટરમીડીએટ તથા ફાઈનલનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. સી.એ. ફાઉનડેસનમાં ગાંધીધામથી 122 જેટલા વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી 23 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા તથા ઇન્ટરમીડીએટમાં બંને ગ્રુપમાં 55 જેટલા વિદ્યાર્થીઓમાં થી 15 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગાંધીધામ સી.એ. બ્રાન્ચના ચેરમેન સી.એ. મહેશ લીંબાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર પરિણામ પર દ્રષ્ટિપાત કરતાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે ગાંધીધામ સેન્ટર પરથી ટોટલ 15 જેટલા વિદ્યાર્થીઓ સી.એ. બન્યા, તેમજ સંભવ સુનીલ શર્મા દ્વારા ઓલ ઇન્ડિયા લેવલે 43 મો રેંક પ્રાપ્ત કર્યો છે. ગાંધીધામ સી.એ. બ્રાન્ચ તરફથી દરેક સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં સંભવ શર્મા, અનુપ મીલ, મુકેશ વીરડા, નેહા વાડોર, દર્શના પાલ, મિરાલી હરિયા, જાન્વી છાબલાની, નેહા કંદોઈ, કિંગ શાહ, વત્સલ વેદ, પ્રિયંકા દલવાણી, રાજવીરશીંગ રાઠોડ, રિદ્ધિ આહીર, યશ ખંડેલવાલ તથા પ્રાચી બેલાણીનો સમાવેશ થાય છે. ગાંધીધામ સંકુલમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ વધી રહી છે. હવે છાત્રો અનેકવિધ અભ્યાસક્રમો પસંદ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:04 am

સિટી એન્કર:લીલાશાહ રેલવે ફાટક અંડરબ્રિજના વૈકલ્પિક રસ્તાની દયનીય હાલત

આદિપુર શહેરના મેઘપર વિસ્તારમાં લીલાશાહ રેલવે ફાટક ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત રેલવે અંડરબ્રિજનું નિર્માણ કામ વર્ષોની રાહ બાદ શરૂ થયું છે. જોકે, આ પ્રોજેક્ટ શરુ થતાં નાગરિકો માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક રસ્તાની હાલત વરસાદી માહોલમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાની દયનીય સ્થિતિથી રહેવાસીઓ મૂંઝાઈ ગયા છે. લીલાશાહ રેલવે ફાટક ખાતે ચાલી રહેલા અંડરબ્રિજના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા એક વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેથી વાહનચાલકો અને રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહે. જોકે, વરસાદી મોસમમાં આ રસ્તો કીચડથી ભરાઈ ગયો છે, જેના કારણે વાહનો સ્લીપ મારી રહ્યા છે અને અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે ગંભીર અકસ્માતની શક્યતાને નકારી શકાય નહીં. આ સ્થિતિએ રોજિંદા અવાગમનને મુશ્કેલ બનાવી દીધું છે,ખાસ કરીને બાઈક અને નાના વાહનચાલકો માટે. તેથી વહીવટી તંત્રને આ રસ્તાને વ્યવસ્થિત અને મજબૂત રીતે બનાવવામાં આવે જેથી વરસાદી મોસમમાં કીચડ અને અકસ્માતની સમસ્યાઓ ટળે. રહેવાસીઓનું કહેવું છે કે રસ્તાની નબળી ગુણવત્તા અને અપૂરતું આયોજન વહીવટી ઉદાસીનતાનું પ્રતીક છે. જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો વધુ ગંભીર અકસ્માતો થઈ શકે છે, જે રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી શકે છે. રસ્તો વાહન તો નહીં જ, ચાલવા લાયક પણ નહીંમેઘપર વિસ્તારના રહેવાસીઓએ આ મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રહેવાસીઓ જણાવે છે કે અંડરબ્રિજનું કામ શરૂ થયું તે ખૂબ સારી વાત છે, પરંતુ આ રસ્તાની હાલતથી અમે વધુ મુશ્કેલીમાં મૂકાયા છીએ. વરસાદમાં આ રસ્તો ચાલવા લાયક નથી, અને બાઈક ચલાવવું તો જોખમી બની ગયું છે. અન્ય એક વાહનચાલકે ઉમેર્યું,“જો આ રસ્તો યોગ્ય રીતે નહીં બને, તો કોઈ મોટો અકસ્માત થશેે. તંત્ર દ્વારા ત્વરિત પગલા ભરાય તેવી ઉઠતી માંગઆદિપુરના મેઘપર લીલાશાહ રેલવે ફાટક ખાતે ચાલી રહેલા અંડરબ્રિજના નિર્માણનો મુદ્દો રહેવાસીઓની લાંબી લડતનું પરિણામ છે. જોકે, વૈકલ્પિક રસ્તાની ખરાબ હાલતે આ પ્રોજેક્ટની સફળતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. રહેવાસીઓની ફરિયાદો અને અગાઉના આંદોલનોને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર હવે ઝડપી અને ન્યાયી પગલાં લે. આ મુદ્દે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ તરફથી સત્તાવાર શું કરી રહ્યા છે તેની રાહ જોવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:03 am

ટ્રાફિક સમસ્યા:પડાણા અને ગાંધીધામ વચ્ચે બપોરે પાંચ કિલોમીટર ટ્રાફિકજામ સર્જાયો

મંગળવારે બપોરના સમયે પડાણા અને ગાંધીધામ વચ્ચે પાંચ કિલોમીટરથી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. કંડલા બાયપાસ પાસે આવેલો ઓવરબ્રીજ ભર ચોમાસે રિપેરીંગ માટે ખોદકામ કરવામાં આવતા આ પરીસ્થિતિ સર્જાઇ હતી. ઢંગધડા વગરના આયોજનના કારણે વરસતા વરસાદમાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરકારી તંત્ર આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિથી આજે આઝાદીને 78 વર્ષ થયા છતાં બહાર આવ્યું નથી. અત્યારે મેઘરાજા જોરશોરની તડી વગાડી રહ્યા છે ત્યારે કંડલા બાયપાસ રોડ પાસે આવેલા ઓવરબ્રીજને રીપેર કરવાનો સમય પાક્યો છે. પડાણાથી ગાંધીધામ તરફ આવતા રોડ ઉપર અડધો રોડ રિપેરીંગ અર્થે ખોદી નાખતા સિક્સલેન માર્ગ ટુ લેન થઇ જતા એક સમયે એક જ વાહન પસાર થઇ શકે તેમ હોવાથી બપોરના સમયે પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બપોરે એકબાજુ મેઘરાજા જામ્યા હતા ત્યારે ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો રીતસરના અકળાઇ ઉઠ્યા હતા. આ ટ્રાફિકજામમાં એક એમ્બ્યલન્સ પણ ફસાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ નેશનલ હાઇવે ઉપર મહિને કરોડોનો ટોલ ઉઘરાતું તંત્ર ચાલકોને સુયોગ્ય સેવા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. બિમાર પડાણાના ઓવરબ્રિજના કારણે હાલતાને ચાલતા ટ્રાફિકજામ સર્જાઇ જાય છે. રાધનપુરથી ગાંધીધામ (કંડલા) વચ્ચે નેશનલ હાઇવે ઉપર ત્રણ ટોલબુથ આવેલા હોવા છતાં અત્યારે એકાદ બે વરસાદમાં જ આ રોડ ખાડાઓમાં પરિવર્તીત થઇ ચૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:02 am

કાર્યવાહી:જુગાર રમતા 18 શખ્સ 37 હજાર રોકડા સાથે ઝડપાયા

ગાંધીધામના મહેશ્વરી નગરમાં બે અલગ અલગ દરોડા પાડીને કુલ 18 શખ્સને જુગાર રમતા ઝડપ્યા હતા. અષાઢ મહિનામાંજ જાણે શ્રાવણ ખીલ્યો હોય તેમ જુગારીઓ અત્યારથી જુગાર રમવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે પોલીસે પણ કમર કસીને કાર્યવાહીને અંજામ આપ્યો હતો. ગાંધીધામ એ ડિવીઝન પોલીસે મહેશ્વરી નગર ઝુપડામાં દરોડા પાડીને જુગાર રમી રહેલા શખ્સ સત્યેંદ્ર તેજરાજ સિંગ (ઉ.વ.33), દિનેશ શિવનારાયણ રાજપુત (ઉ.વ.42), જબીરસિંઘ્જ જનવેરસિંઘ સખવાર (ઉ.વ.45), જયકિશન પ્રિતમસિંઘ જાટવ (ઉ.વ.24), ધર્મવીરસિંહ છીતલસિંહ સખવાર (ઉ.વ.27), અરવિંદ વિધારામ જાટવ (ઉ.વ.35), સોનુસિંઘ ગોરેલાલ કોલી (ઉ.વ.28), રાકેશ બાબુરામ જાટવ, સુનીલ રામઅવતાર કુશ્વાહ (ઉ.વ.25), કુલદીપ સરનામસિંઘ ડંડોલીયા (ઉ.વ.19) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રોકડાઅ 16,460 રૂપીયા ઝડપાયા હતા. તો આજ વિસ્તારમાં બીજો દરોડો પાડીને ગાંધીધામ એ ડિવીઝન પોલીસે છોટેલાલ રામભજન રાજપુત (ઉ.વ.45), પ્રેમસિંગ વીરસિંગ (ઉ.વ.32), ઉદયસિંહ પ્રિતમસિંગ (ઉ.વ.29). રામવિલાસ નતીલાલ માહોર (ઉ.વ.37), મનોજકુમાર પ્રભુદયાલ (ઉ.વ.24), રમેશસિંહ ઉતમસિંહ કરોલીયા (ઉ.વ.24), પંકજ રામવીર કુશ્વાહ (ઉ.વ.27), સંતોશ હોલીરામ મહોર (ઉ.વ.28) ને જુગાર રમતા ઝડપી પડાયા હતા. તેમની પાસેથી કુલ 20,710 રોકડા જપ્ત કરાયા હતા. આ કામગીરી પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરાઈ હતી. ગાંધીધામ પોલીસના મહેશ્વરીનગરમાં બે દરોડા

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:01 am

પ્રશાસન સક્રિય થયું:મામલતદાર કચેરી પાસે ડીપીએ દ્વારા દબાણ હટાવાયું

ગાંધીધામના સેક્ટર 1એમાં મામલતદાર કચેરીની પાસે ગતરોજ દીનદયાલ પોર્ટ દ્વારા તેમની જમીનમાં થયેલા દબાણને દુર કરાયું હતું. દીનદયાલ પોર્ટના એસ્ટેટ વિભાગે આખરે આળસ મરડીને કામગીરી આરંભી છે, ગતરોજ પોર્ટ પ્રશાસને ગાંધીધામના સેક્ટર 1એમાં મામલતદાર ઓફિસ પાસે આવેલા તેમના પ્લોટ પર કન્ટેનર રાખીને ચાની દુકાન ચલાવતા અને એક આખો શેડ બનાવી દેતા તે દબાણને દુર કર્યું હતું. પોર્ટ દ્વારા અગાઉ નોટિસ અપાઈ હતી, પરંતુ તેને મચક ન અપાતા પોર્ટ પ્રશાસન સ્થળ પર ધસી ગયું હતું અને દબાણને હટાવાયું હતું. નોંધપાત્ર છે કે અગાઉ વિભાગના વિવાદાસ્પદ અધિકારીના કાર્યકાળમાં કોઇ નોંધપાત્ર કામગીરી થઈ નહતી, જેની પોર્ટ દ્વારા બદલી કરી દીધા બાદ દબાણ હટાવવા મુદે પોર્ટ પ્રશાસન સક્રિય થયું છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:01 am

લીઝની લડાઇ:એસઆરસીની બોર્ડ બેઠકમાં ત્રણ રોડને કોમર્શિયલમાં પરિવર્તિત કરવાનો ઠરાવ કરાયો

એસઆરસીની ગતરોજ બોર્ડ બેઠક મળી હતી, જેમાં ગાંધીધામ આદિપુરના ત્રણ રોડને કોમર્શિયલમાં પરીવર્તીત કરવાનો ઠરાવ પારીત કરાયો હતો. આ પ્રસ્તાવને હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટી સમક્ષ મંજુરી માટે મોકલાશે. આ ઠરાવ પોર્ટ અને શિપિંગ મંત્રાલયમાં કેટલો ટકી શકે છે તેના પર સહુની નજર લાગેલી છે. એસઆરસી દ્વારા ગત રોજ સાંજે એક્ઝીક્યુટીવ કમીટીની બેઠક મળી હતી. સંકુલમાં કોમર્શિયલ પ્લોટોની અછત હોવાના કારણે ત્રણ માર્ગો ટાગોર રોડ, રામબાગ રોડ અને એરપોર્ટ રોડને કોમર્શીયલમાં તબદીલ કરવાનો ઠરાવ રખાયો હતો. જેને મંજુરી અપાયા બાદ યોજાયેલી બોર્ડ બેઠકમાં પણ આ પ્રસ્તાવ રજુ કરાયો હતો. જેને ઉપસ્થિત એક સરકારી ડાયરેક્ટર સહિત તમામે મંજુર રાખતા હવે તેને મુખ્ય જમીનના માલીક દીનદયાલ પોર્ટ ઓથોરિટીને મોકલવામાં આવશે. એસઆરસીના સુત્રોએ જણાવ્યું કે આ સંકુલમાં ઓછા પડતા કોમર્શિયલ પ્લોટો વધારવાની દિશામાં પ્રથમ પગલું હશે, જેને મંજુરી મળ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં પણ કોમર્શિયલ કરવાની દિશામાં વધુ પ્રસ્તાવ લવાશે. પરંતુ આ પ્રસ્તાવ ખરેખર સફળ પ્રયાસ છે કે માત્ર લોકોનો ધ્યાન બીજી તરફ દોરવાનો પ્રયાસ છે તે જોવું રહ્યું. અને આ સાથે અન્ય પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે કે જો આ પ્રસ્તાવ પોર્ટ દ્વારા માન્ય પણ રખાય તો સબલીઝ ડીલના નિયમો અને પ્લોટોનો હેતું પરીવર્તન કે દબાણને કઈ રીતે ન્યાયસંગત કરી શકાસે તેવા મુદાઓ પણ સંકુલમાં ચર્ચાનો વિષય બન્યા છે. નોંધપાત્ર છે કે અગાઉ 61 પ્લોટની લીઝ રદ કરાયા અને 300 જેટલી નોટિસો લીઝ ધારકોને અપાયા બાદ સંકુલમાં કુત્રીમ ભુકંપ જેવો માહોલ પેદા થયો છે. ત્યારે કોઇ પણ રસ્તો કાઢવા માટે સમગ્ર સંકુલમાં વિવિધ પ્રયાસો આદરાયા છે, એક પક્ષએ ન્યાયાલયના દ્વાર પણ ખખડાવ્યા છે. કોર્ટમાં ચાલતા કેસમાં SRCએ જવાબ દાખલ કર્યોજેમની લીઝ રદ થઈ છે તેમના કેટલાક દ્વારા ગાંધીધામ કોર્ટમાં જઈને આ પ્રક્રિયાને પડકારી છે. જે અંગે ન્યાયલય દ્વારા એસઆરસીનો જવાબ માંગ્યો હતો પરંતુ તે ન અપાતા ફરી તેમને આ અંગે જણાવ્યા બાદ થોડા દિવસ પહેલા પડેલી તારીખમાં એસઆરસી દ્વારા જવાબ રજુ કરાયો હતો, જોકે તે શું છે તે અંગે એસઆરસી દ્વારા ફોડ પાડવામાં આવ્યો નહતો. હવે પડેલી આગામી 16 તારીખ પર લોકોની નજરે મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 5:00 am

સાવધાની:વર્ષા ઋતુમાં આરોગ્ય પ્રત્યે સાવધાની વર્તવી હિતાવહ

વર્ષા ઋતુ સમસ્ત જીવ સૃષ્ટિ અને પ્રકૃતિ માટે આહલાદક છે, છતાં ચોમાસું આરોગ્ય માટે સાવચેતીની મોસમ છે. જો આ વરસાદી વાતાવરણમાં થોડીઘણી આરોગ્યની સાવધાની વર્તવામાં આવે તો ઘણે અંશે આ ખુશનુમા મોસમની મજા માણી શકાય છે. ભુજની અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબોએ આ ઋતુને માણવા સ્વસ્થ રહેવાના ઉપાયો બતાવ્યા છે. તબીબોએ આ સંભાળ ત્રિસ્તરીય બનાવી આપ્યા છે. વરસાદ શરૂ થવાની સાથે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે પરિણામે વાયરસ, બેક્ટેરિયા, માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. જો જરાપણ લાપરવાહ થવાય તો મેલેરિયા, ડેંગ્યૂથી લઈ પેટની બીમારી થાય છે. તબીબોએ કહ્યું કે, પ્રથમ તો ભોજન અને પાણી સ્વચ્છ રાખવા, દૂષિત પાણીના કારણે સર્જાતા ત્વચા અને પેટના રોગો, ડેંગ્યૂ તેમજ ચિકનગુનિયાથી બચવાનું છે. વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, દિવસે તાપમાનમાં ઘટાડો -વધારો, ભેજ અને વાદળછાયા વાતાવરણને લીધે ભોજન જલ્દી ખરાબ થઈ જાય છે માટે ખાવા પીવામાં સતર્ક રહેવું જરૂરી છે. પીવાનું પાણી સ્વચ્છ હોવા સાથે કયા સ્રોતથી આવે છે એ પણ ચોકસાઈ આવશ્યક છે. વરસાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેથી બીમારી સામે સાવધાની વર્તવાની ખૂબ જરૂરી છે. મચ્છરથી મેલેરિયા ડેંગ્યૂ અને ચિકનગુનિયા થઈ શકે છે. ચિકનગુનિયાથી સાંધામાં સખત દુખાવો થાય છે. જે મહિના સુધી ચાલી શકે છે. ડેંગ્યૂ જેવા રોગમાં કેટલીક વાર ICU જેવી સારવાર પણ આપવી પડે છે. ભેજવાળા વાતાવરણમાં પૂરા સુકાયેલા કપડાં પહેરવા નહીતો ફંગસ, એલર્જી, ખંજવાળ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:59 am

આક્ષેપ:ગાગોદરમાં શાળાની બાળાઓના ભાવિ સાથે ચેડાં

રાપર તાલુકાના ગાગોદર ગામે આવેલી કન્યાશાળામાં વહીવટી અવ્યવસ્થા અને શિક્ષકોની અછતને કારણે નાની બાળકીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ શાળાનો સમય સવારે 10.30 થી સાંજે 5 વાગ્યા સુધીનો હોવા છતાં, અહીં ધોરણ 1 થી 5 ની બાળકીઓને વહેલી સવારે શાળાએ જવાની ફરજ પડી રહી છે. આના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને દૈનિક ક્રિયાઓ પર નકારાત્મક અસર થઈ રહી છે, ખાસ કરીને જ્યારે “ગોરમાના વ્રત” જેવા તહેવારોમાં તેમને વહેલા ઉઠીને પૂજા કરવાની હોય છે. કન્યાશાળામાં જગ્યાના અભાવને કારણે શાળાનો સમય બે પાળીમાં વહેંચી દેવામાં આવ્યો છે. આનાથી સરકારી નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને નાની બાળકીઓના શિક્ષણનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની પહેલેથી જ ઘટ છે, અને તેમાંય બે પાળી કરવાથી બાળકોના અભ્યાસ પર ખોટી અસર પડી રહી છે. સરકારના 10.30 થી સાંજે 5 વાગ્યા પરિપત્રનો ભંગ કરીને બાળકીઓને બે પાળીમાં વિભાજીત કરી દેવાઈ છે, જે સ્પષ્ટપણે નિયમ ઉલ્લંઘન છે. અધિકારીઓની જવાબદારીની ફેંકાફેંકીઆ મામલે દિવ્યભાસ્કરના પ્રતિનિધિ દ્વારા રાપર તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા, તેમણે પોતે ભુજમાં હોવાનું જણાવી અજાણતા વ્યક્ત કરી અને તપાસ કરીને માહિતી આપવાનું આશ્વાસન આપ્યું. બીજી તરફ, તાલુકા પ્રાથમિક શાળાના એન્જીનિયર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ગાગોદર કન્યાશાળાના રૂમની મંજૂરી આવી ગઈ છે. જોકે, તેમણે બાળકોને એકસાથે બેસાડવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ અને ગામ લોકોની હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. 2022માં બનેલું નવું બિલ્ડિંગ છતાં અવ્યવસ્થાનોંધનીય છે કે, 2002ની સાલમાં ટાટા રિલીફ દ્વારા કન્યાશાળાનું આખું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું, તેમ છતાં આજે જગ્યાના અભાવની બુમરાણ મચાવવામાં આવી રહી છે. ગાગોદર પ્રાથમિક શાળામાં પણ અત્યારે પાંચ શિક્ષકોની ઘટ છે. આ પરિસ્થિતિમાં બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મેળવી શકશે તે એક મોટો પ્રશ્ન છે. શિક્ષણ અધિકારી દ્વારા કન્યાશાળામાં સરકારના GR (સરકારી ઠરાવ) મુજબ જ બાળકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.”

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:57 am

વરસાદની આગાહી:માંડવી અને રાપરમાં અડધો ઇંચ, મોટા ભાગના કચ્છમાં ઝરમર

કચ્છમાં વરસાદે મંગળવારે મોટા ભાગે વિરામ રાખ્યો હતો. માંડવી અને રાપરમાં અડધો ઇંચ વરસાદને બાદ કરતાં મોટા ભાગના જિલ્લામાં ઝાપટારૂપે હાજરી જોવા મળી હતી. શનિ અને રવિવારે કચ્છમાં કેટલાક સ્થળે ફરી ભારે વરસાદ વરસવાની આગાહી છે. જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળેલા આંકડા અનુસાર માંડવીમાં સવારે 6થી 10 વાગ્યાના અરસામાં 10 મીલિ મીટર તો રાપરમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીમાં 12 મીલિ મીટર જેટલું પાણી વરસ્યું હતું. આ સિવાય ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા અને નલિયામાં સમયાંતરે વરસેલા હળવા ઝાપટાના પગલે માર્ગો ભીંજાયા હતા. કેટલાક વિસ્તારમાં ધૂપ છાંવનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદે વિરામ લેતાં ધરતીપુત્રો ફરી ખેતી કામમાં વ્યસ્ત બન્યા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ડેમને વધાવાયા હતા. ધાબડિયા માહોલને પગલે કચ્છમાં મહત્તમ તાપમાન 30થી 32.5 ડિગ્રી અને ન્યૂનતમ ઉષ્ણતામાન 25થી 26.5 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. આજથી શુક્રવાર સુધી છૂટા છવાયા ઝાપટા સાથે હળવા વરસાદનો દોર જારી રહેશે જ્યારે શનિ અને રવિવારે કેટલાક સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની સંભાવના છે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:56 am

રોડનું ધોવાણ:ગઢશીશા હાલાપર વચ્ચે કોઝવેના બંને તરફના એપ્રોચ રોડનું ધોવાણ

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના લીધે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે. કચ્છના માંડવી તેમજ ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદના લીધે ગઢશીશા-મઉ-કોટડી મહાદેવપુરી રસ્તા ઉપર આવેલા પોલડીયા ગામના એપ્રોચ રોડને નુકશાન થયું હતું. પાણીના ધસારાથી કોઝવેના બંને તરફના એપ્રોચ રોડનું ધોવાણ થઈ ગયું હતું. પાણીના ઓવરટોપિંગના લીધે માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, પાણી ઓસરી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પથ્થર, માટીથી પુરાણ કરીને જમીનને સમથળ કરવામાં આવી હતી. માર્ગ ઝડપથી પૂર્વવત થાય અને રાહદારીઓને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આ રસ્તાનું મરમ્મત કામ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી એપ્રોચને રિપેર કરીને રોડને પૂર્વવત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:55 am

રજૂઆત:કચ્છમાં આંગણવાડીની બહેનો બુથ લેવલની કામગીરી અપાશે તો નહીં કરે

જિલ્લાઓમાં બીએલઓની કામગીરી આંગણવાડી વર્કર બહેનોને સોંપવામાં આવી રહી છે જે હવેથી બહેનો નહીં કરે તેવી રજૂઆત નખત્રાણા ખાતે પ્રાંત અધિકારીને પાઠવાયેલા આવેદનમાં કરાઇ હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, વસ્તી ગણતરી, વિધવા બહેનોની ગણતરી, સખી મંડળ, આધારકાર્ડ, જનની સુરક્ષા યોજના, ગ્રામસભામાં હાજરી, સુખડી વિતરણ સહિતની કામગીરી આંગણવાડી વર્કર બહેનોને સોંપવામાં આવે છે સરકારના પરિપત્ર મુજબ આંગણવાડી બહેનો પાસેથી આંગણવાડીની કામગીરી સિવાય કોઈપણ કામગીરી ન લેવામાં આવે તેમ છતાં અધિકારીઓ દ્વારા બીએલઓની કામગીરી ફરજિયાત પણે પરિપત્રનું ઉલ્લંઘન કરી લેવામાં આવે છે. વર્કર બહેનોની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે એવી માંગ સાથે જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફિસર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી નખત્રાણા તાલુકાની આંગણવાડી કર્મચારીઓને કામગીરી સોંપતા નારાજગી સાથે પ્રાંત અધિકારી, મામલતદાર, સીડીપીઓ અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંધ આંગણવાડીના પ્રમુખ બીનાબેન દવે, જોશી મોનીકાબેન, દરજી કુસુમબેન, હર્શિકાબેન પ્રજાપતિ, કુસુમબેન ઝાલા, મિત્તલબેન જોશી, વિમલબેન ડંદ, દક્ષાબેન, મનીષાબેન જોશી, ડિમ્પલબેન ગોર, ભાવનાબા સોઢા, નીલમબેન, ક્રિષ્નાબેન ગરવા સહિતની બહેનોએ રજૂઆતો કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:54 am

કાર્યવાહી:તોડ કરનાર સ્ટેટ આઈબીના PSI સહિત 4ને ૩ વર્ષની કેદ

માંડવીના નાગલપરમાં રહેતા બિલ્ડરે રૂપિયા ૩ લાખ ડબલ કરવા આપ્યા બાદ ઠગાઈ થઇ હતી. જે બાદ સ્ટેટ આઈબીના પીએસઆઈએ બિલ્ડરને નકલી નોટના કેસની ધમકી આપી રૂપિયા 9 લાખની તોડ કરી હોવાના કેસમાં સાડા છ વર્ષ બાદ માંડવી કોર્ટે આરોપી પીએસઆઈ સહીત ચારને ત્રણ વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. વર્ષ 2018 માં ફરિયાદી દેવરાજ ખીમજી હીરાણીએ માંડવી સ્ટેટ આઈબીના તત્કાલીન પીએસઆઈ સુનીલકુમાર દલસુખ વૈષ્ણવ,ભરત મહેશ્વરી, અકબરશા સૈયદ મામદ ઉમર જત અને મોહમ્મદ સલીમ કરીમ મામદ હિંગોરજા વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો.વર્ષ 2015 માં આરોપી ભરતના કહેવાથી ફરિયાદીએ આરોપી અકબરશાને રૂપિયા ૩ લાખ ડબલ કરવા માટે આપ્યા હતા. એક મહિના બાદ ફરિયાદીએ તપાસ કરતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આરોપી પીએસઆઈએ ફરિયાદીને ફોન કરી રૂપિયા ત્રણ લાખની નોટો નકલી હોવાનું કહી ધાકધમકી કરી હતી અને આ ગુનામાં 11 વર્ષની જેલ થવાની ધમકી આપી હતી.ડરી ગયેલા ફરિયાદીએ મામલો પતાવવા કહેતા આરોપીએ પ્રથમ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને છેવટે 9 લાખ રૂપિયામાં સમગ્ર મામલે પતાવટ કરી તોડ કરી હતી જેમાં આરોપી પીએસઆઈએ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી. જે ગુનામાં માંડવી કોર્ટે આરોપી પીએસઆઈ સહીત ચારને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.જયારે આરોપી ભરત મહેશ્વરી આ ગુનામાં ફરાર છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:54 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મુન્દ્રાનું જેરામસર તળાવ 15 ઇંચ વરસાદ બાદ પણ તળીયા ઝાટક !

હાલ સમગ્ર મુન્દ્રા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે મેઘમહેર થતાં સીઝનનો 15 ઇંચ વરસાદ નોંધાયો છતાં અગાઉ 10 ઇંચમાં ઓગની જતું નગરના પ્રવેશદ્વાર પર આવેલું ઐતહાસિક જેરામસર તળાવ નીરની આવક માટે વલખાં મારતું નજર આવ્યું છે. ત્યારે લોકોના અભિપ્રાય મુજબ તળાવની નજીક આવેલા સોસાયટી વિસ્તારોમાં થયેલા દબાણોએ આવ અવરોધી હોવાનું પ્રાથમિક તારણ સામે આવતાં તાત્કાલિક ધોરણે પ્રશાસન દ્વારા નગરની શાન સમા તળાવ માટે બાધારૂપ બનતા અતિક્રમણ દુર કરાય તેવી લાગણી જોવા મળી હતી. મુખ્યત્વે જેરામસર તળાવની તદ્દન નજીક આવેલું નાનું તળાવ અગાઉ દસ ઇંચ વર્ષા થતાં ભરાઈ જતું અને તેમાંથી થતી નીરની આવક જેરામસરના ઓગન માટે નિમિત બનતી. હવે તેમાં પાણી એક માસથી વધારે નથી ટકતું તે પણ એક કોયડો બની રહ્યો છે. પણ પ્રથમ તેનું છલકાવું જરૂરી હોવાનો મત નગરજનોમાં પ્રવર્તી રહ્યો છે. ત્યારે નડતર રૂપ પરિબળો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરતાં આ બાબતો સપાટીએ તરી આવી હતી. પરંપરાગત આવની નિયમિત સફાઈ આવશ્યકજેરામસર તળાવમાં નીરને ખેંચી લાવતી પરંપરાગત આવની નિયમિત સફાઈ જરૂરી હોવા પર ભાર મુકતા એડવોકેટની સાથે વિપક્ષી નગરસેવક કાનજી સોંધરાએ અગાઉ ચીંચીં વાડી અને પીજીવીસીએલ નજીક આવેલો છેલ્લો આવકનો મુખ્ય સ્ત્રોત હોવા પર પ્રકાશ પાડી તેના પર અનેક જગ્યાએ દબાણો ખડકાઈ ગયા હોવાથી આવ અવરોધાઈ રહી છે અને તળાવ ભરાવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ધીમી ધારે વરસાદ થયો હોવાથી તળાવ છલકાયું નથી બીજી તરફ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ તળાવની તમામ આવની આગોતરી સફાઈ કરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડી હાલનો વરસાદ ધીમી ગતિએ થયો હોવાથી પાણીની અપેક્ષિત આવક ન થઇ હોવાની લાગણી સાથે ધોધમાર વરસાદ થતાં જ તળાવ ઓગનવાની ખાતરી આપી હતી. અત્રે નોંધનીય છે કે બે વર્ષ અગાઉ પાલિકા દ્વારા ઉમિયા નગરમાં આવેલા કેટલાક દબાણો દુર કરાતાં તળાવ છલકાઈ ગયું હતું. સાડાઉ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નજીકનો છેલો અવરોધરૂપ એડવોકેટ મહેશકુમાર સોધમે ત્રણ કિમી દુર આવેલ સાડાઉ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નજીક આવેલો છેલો અગાઉ ભારે માત્રામાં જળસ્રોત તળાવમાં ખેંચી લાવતો હતો તે જણાવ્યું હતું, પરંતુ હાલ લાંબા વિસ્તારમાં અનેક સોસાયટીઓ ખડકાઈ ગઈ હોવાથી તે પાણીની આવ માટે અનેક જગ્યાએ વિઘ્નરૂપ બની હોવાનો મત વ્યક્ત કરી દબાણ દુર કરવાની વાત દોહરાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:53 am

કાર્યવાહી:આડેસરમાં ત્રણ ગુનેગારોના દબાણ તોડી 8200 ચોરસ ફુટ જમીન ખાલી કરાવાઈ

આડેસરમાં અનેક ગુનાઓના આરોપી ત્રણ અઠંગ ગુનાગારોએ અલગ અલગ જગ્યાએ ખડકેલા દબાણો પર પોલીસ તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતું. આરોપીઓએ સરકારી જમીન પર ઓરડીઓ, દુકાનો અને રેસ્ટોરંટ ઉભા કરી દીધા હતા. પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે આરોપી નજરમામદ અયુબ હિગોરજા (રહે. સોઢા કેમ્પ, આડેસર, રાપર) સામે ખુનની કોશિષ, બળાત્કાર, અપહરણ, મારામારી, તથા ગેરકયદેસર ખાણ ખનિજ હેરાફેર સહિતના છ ગુનાઓ નોંધાયેલા છે. જેણે પોતાના આર્થીક ફાયદા માટે આડેસરના સરકારી ટાવર્સના સોઢ કેમ્પ વિસ્તાર, એકલવાંઢમાંસરકારી જમીનમાં 250 ચો. ફુટ મકાનનું બાંધકામ કરીને તથા ખુલ્લી જગ્યામાં દિવાલ કરી કુલ 4500 ચો.ફુટ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરી કર્યો હતો. જેને સરકારે જેસીબી, બુલડોઝર સાથે તોડી પાડ્યો હતો. તો આરોપી અનવર અયુબ હિગોરજા (રહે. સોઢા કેમ્પ, આડેસર) સામે પ્રોહિબિશન સાથે ખુનની કોશિષ, બળાત્કાર,અપહરણ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના 16 કેસ દાખલ છે. જેણે સોઢા કેમ્પ વિસ્તારમાં સરકારી જમીન પર 9 ઓરડીઓ તથા 4 બાથરુમ તથા એક રૂમ તથા એક દુકાન એમ મળી કુલ 3500 ચો.ફુટમાં દિવાલ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરી કરેલ હતો. જેને તોડી પડાયો હતો. તો ત્રીજા આરોપી બાલા રૂપા કોલી (રહે. રેલ્વે સ્ટેશન વિસ્તાર, આડેસર) સામે પ્રોહિબિશનના 21 કેસ દાખલ છે. તેણે સરકારી જમીનમાં બે રૂમ પાકા બાંધકામ વાળુ મકાન જે કુલ 200 ચો. ફુટ તથા બાજુમાં આવેલ દિવાલ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરી કરેલ હતો, જેને પણ પુર્વ કચ્છ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:50 am

માગ:ખડીરના અમરાપરના વીરડીવાળો ડેમના ઓગનની દીવાલમાં ગાબડાથી જોખમ સર્જાયું

ભચાઉ તાલુકાના ખડીરના અમરાપર ગામે વીરડીવાળો ડેમના ઓગનની દીવાલમાં ગાબડું પડતાં જોખમ ઉભું થયું છે. હાલે ડેમ ખાલી છે ત્યારે યુધ્ધના ધોરણે મરંમત કામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ અંગે સરપંચ અમીબેન માદેવભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, નાની સિંચાઇ કક્ષાના આ ડેમમાં પાણી આવ્યા પહેલાં જ ઓગનની દીવાલમાં ગાબડુ પડી ગયુ છે. ડેમ ભરાય તો તેની દીવાલ તો તૂટે જ સાથે સાથે ખેડૂતોની જમીનને મોટું નુક્સાન થાય તેમ છે. આ બાબતે રાપરના સિંચાઇ વિભાગને જાણ કરવામાં આવી છે. યુધ્ધના ધોરણે કામગીરી કરી દીવાલ રિપેર કરવી જરૂરી છે. ડેમ ભરાયા પછી આ કામ કરવું અશક્ય છે. આ ડેમ ગામની જીવાદોરી સમાન છે. મોટા ભાગની સિંચાઇ આ ડેમ પર આધારિત છે. ચોમાસું ચાલુ હોઇ ગમે ત્યારે નવા નીર આવવાની સંભાવના છે ત્યારે જો હાલે તુરંત મરંમતકામ કરાશે તો મામુલી ખર્ચે થઇ જાય તેમ હોતાં તાત્કાલિક આ દિશામાં પગલા ભરવામાં આવે તેવી સરપંચે માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:50 am

કપિત ખેતી:અબડાસામાં ભરચોમાસે વરસાદની અસમાનતા દેખાઇ: ક્યાંક જળબંબાકાર, તો અમુક વિસ્તારના ડેમો ખાલીખમ!

મહત્વના સિંચાઈ ડેમોની વર્તમાન સ્થિતિખેડૂતોને વાવણી પૂરતો વરસાદ મળી ગયો છે, પરંતુ સિંચાઈ માટેના ડેમો હજુ ભરાયા નથી. ગોયલા ડેમ, જંગડિયા ડેમ, બુટ્ટા ડેમ, એડનાત ડેમ, અને મીઠી ડેમ જેવા મોટા સિંચાઈ ડેમો પણ હજુ સુધી છલકાયા નથી. મીઠી ડેમ, જે નખત્રાણા સુધીના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, તે છલકાવામાં હજુ 3 ફૂટ જેટલો બાકી છે. આ ડેમ છલકાય તો કોષ, કેરવઢ, છસરા, વડસર અને રામપરના ખેડૂતોને ખુબ જ ફાયદો થાય તેમ છે.જંગડિયા ડેમમાં હાલ 40% જેટલું જ પાણી આવ્યું છે અને તેને ઓવરફ્લો થવામાં હજુ ઘણો બાકી છે. જ્યારે મીઠી ડેમમાં 80% પાણી આવી ગયું છે અને તે ઓવરફ્લો થવામાં ૨ ફૂટ બાકી છે. પૂર્વીય પટ્ટીમાં વરસાદથી જળાશયો છલકાયા એક દિવસ પડેલા ભારે વરસાદથી ભાનાડાથી શરૂ કરીને કોઠારા, મોથાળા, દેશલપર, ભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં આઠથી દસ ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો. મેઘમહેરને કારણે ડેમો, તળાવો, તલાવડીઓ છલકાઈ ગયા હતા, જેનાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. પશ્ચિમી પટ્ટીમાં સામાન્ય વરસાદથી ખેડૂતો નિરાશઆનાથી વિપરીત, નલિયાથી રામપર, બુટ્ટા, વલસરા, વાયોર, જંગડિયા, ગોયલા, મોખરા સહિતના પશ્ચિમી વિસ્તારમાં સામાન્ય વરસાદ જ પડ્યો છે. જેના પરિણામે અહીંના કોઈ તળાવો છલકાયા નથી. નદી-નાળા અને ડેમોમાં પણ માંડ એક-બે મહિના ચાલે તેટલું જ પાણી આવ્યું છે. ગયા વર્ષે આ સમયે આખા અબડાસામાં ડેમો અને તળાવો છલકાઈ ગયા હતા, ત્યારે આ વર્ષે આ વિસ્તારમાં વરસાદ જમીન માટે સારો પડ્યો હોવા છતાં, પાણીનો સંગ્રહ થયો નથી અને ડેમો ખાલીખમ પડ્યા છે. કચ્છના અબડાસા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદની અસમાનતા છે. એક તરફ જ્યાં કેટલાક વિસ્તારોમાં અનરાધાર મેઘ મહેર થઈ છે, તો બીજી તરફ અનેક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:48 am

ઘટસ્ફોટ:મહિલા આશ્રમમાં પોલીસે મોકલેલી સગીરા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ

મહિલા આશ્રમમાં આશ્રય લઇ રહેલી 17 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઇ ગયા બાદ ગર્ભવતી હોવાનું સામે આવતા સારવાર તળે રાખવામાં આવી જે મામલે પોલીસે તપાસ આદરી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ મુળ ભુજની અને હાલ મહિલા આશ્રમમાં રહેતી 17 વર્ષ 8 મહિનાની સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.બનાવ મંગળવારે સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.સગીરાને અચાનક પેટમાં દુખાવો થવા લાગતા મહિલા આશ્રમના અધિક્ષક તેને તાત્કાલિક સારવાર માટે જીકે જનરલમાં લઇ આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનો રીપોર્ટ કરાવતા સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.જે બાદ સગીરાને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.સામાન્ય રીતે નિરાધાર કે તરછોડાયેલી મહિલાઓને આશ્રમમાં આસરો આપવામાં આવે છે.જેની સારસંભાળ આશ્રમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે.જોકે આ કિસ્સામાં આધારભુત સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ સગીરાને ચારેક દિવસ અગાઉ મહિલા આશ્રમમાં પોલીસ મુકી ગયેલી હતી.જોકે સગીરાને કેટલા માસનું ગર્ભ છે તે વિગતો રીપોર્ટ સામે આવ્યા બાદ જાણવા મળશે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સગીરા સહિતનાઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે જેની પૂછપરછ બાદ સમગ્ર બનાવ સામે આવશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:47 am

અંતે કૃષ્ણાજી પુલનું કોકડું ઉકેલાવાના આરે:ભુજ પાલિકાએ સરકાર સાથે સંકલન સાધીને મંજૂરીની પ્રક્રિયાને નિર્ણાયક મોડ પર પહોંચાડી

મોરબી મચ્છુ નદી પર સર્જાયેલ ઝુલતા પુલની ભયાવહ દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી કોઈ પણ પ્રકારની અવરજવર માટે બંધ કરાયેલ કૃષ્ણાજી પુલના નવનિર્માણનું ગૂંચવાયેલું કોકડું હવે ઉકેલ ભણી જઇ રહ્યું છે આ માટે ભુજ નગરપાલિકા પહેલા દિવસથી માંડીને આજદિન સુધી સતત, અવિરત પ્રવૃત અને પ્રયત્નશીલ રહી છે. કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ મિત ઠક્કર તેમજ ભુજ નગરપાલિકાની સતાપક્ષની બોડીએ સંયુક્તપણે પ્રયત્નો આદરીને આ પુલનિર્માણ માટે સરકાર સાથે સંકલન સાધીને ભિન્ન ભિન્ન સ્તરે અનિવાર્ય એવી વિવિધ મંજૂરીઓ માટે કવાયત આદરી છે. નૂતન પુલ નિર્માણ અગાઉ અભિપ્રાય લેવા માટે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાએ પ્રત્યક્ષ રસ દાખવીને આ પુલનો સચોટ અને વાસ્તવિક યથાસ્થિતિ અભિપ્રાય મળી રહે એ હેતુથી કોઈ અનુભવી એજન્સીને સમગ્ર જવાબદારી સોંપવાનું નક્કી કર્યું અને આ રીતે ટેન્ડરના માધ્યમથી દ્વિતીય પ્રયત્ને સરવાળે જીયા કન્સલ્ટન્સી નામની એજન્સીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું જેનો કારોબારી સમિતિમાં ઠરાવ પણ પસાર કરીને તેમને ટુંક જ સમયમાં વર્ક ઓર્ડર પણ સુપરત કરવામાં આવ્યો હતો. આ એજન્સીના રિપોર્ટ અનુસાર પણ હયાત પુલને તોડી પાડીને પુનઃનિર્માણ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. નગરપાલિકાની કારોબારી સમિતિએ તા.12/6/24 ના ઠરાવ પસાર કરીને નવા પુલની ડિઝાઈન સાથે રૂ. 1,72,62,400 નો તાંત્રિક અંદાજ રાજકોટ સ્થિત પ્રાદેશિક નગરપાલિકાની કચેરીને મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો. રાજકોટ સ્થિત વડી કચેરી દ્વારા આ પુલની ડિઝાઇનને માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મેળવીને ફરીથી મૂકવાનો નિર્દેશ કરતાં નવી ડિઝાઇન અંતે તા. 11 નવેમ્બર, 2024 ના રાજકોટ આર.સી.એમ. કચેરીની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં ફરી એક વખત આ ડિઝાઈનને વિશેષ ચકાસણી અર્થે રાજકોટ વિભાગ આર. એન્ડ બી. ને મોકલવામાં આવતા આ પુલને “માયનોર બ્રિજ” ની શ્રેણીમાં ગણીને આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આખરે ભુજ વિભાગ આર. એન્ડ બી. દ્વારા ડિઝાઇનને સ્વીકૃતિ અપાતા જે તે પ્લાનને નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા તા. 29/3/25 ના ખાસ ઠરાવ બહાર પાડીને આર. એન્ડ બી. વિભાગ દ્વારા નવેસરથી સૂચવાયેલ ડિઝાઈન માટે રૂ. ચાર કરોડના ખર્ચના તાંત્રિક અંદાજ સાથેની મંજૂરી મેળવવા માટે રાજકોટ કચેરીને તાત્કાલિક અસરથી દરખાસ્ત મોકલવામાં આવેલ છે જેની મંજૂરી અંતિમ ચરણમાં છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ નગરપાલિકાના સત્તાધીશો સહિત રાજકોટ પ્રાદેશિક કચેરી તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓના સંપર્કમાં છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:46 am

લાખોની રકમમાં ભેંસના સોદા:બન્નીની લાખેણી ભેંસે એક સપ્તાહમાં 29 લાખ રળી આપ્યા!

ભુજ તાલુકાના બન્નીની ભેંસ મોટી માત્રામાં દૂધ આપતી હોવાથી લાખેણી ભેંસ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ ભેંસના સોદા લાખોની રકમમાં થાય છે. આવી જ એક ભેંસે બે માલધારીને એક સપ્તાહમાં 29 લાખ કરતાં વધુ રૂપિયા રળી આપ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલાં સાન્ધ્રોવાંઢના માલધારી ગાજી હાજી જતે તેની લાડલી નામની ભેંસ બન્નીના શેરવા ગામના સેરૂ મહમદ ભલ્લુને 14 લાખ રૂપિયામાં વેંચી હતી. એક સપ્તાહના ટૂંકા ગાળામાં સેરૂ મહમદ ભલ્લુએ આ જ ભેંસ અમદાવાદના રાણાસણ ગામના પ્રતાપ રબારીને 15,1100 રૂપિયામાં વેંચી હતી. દૈનિક 27 લિટર દૂધ આપતી આ ભેંસ હાલે 8 માસનો ગર્ભ ધરાવે છે. આમ બન્નીની આ મોંઘેરી ભેંસે એક જ અઠવાડિયામાં બે માલધારીને 29 લાખ કરતાં વધુ રૂપિયાની આવક કરાવી આપી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:44 am

અકસ્માત થાય તો ભૂલ કોની, તંત્રની કે ચાલકની..?:ગાંધી સર્કલથી ઝાંસીની રાણી સર્કલના રસ્તાની દયનીય સ્થિતિ

શહેરની ભાગોળે આવેલા એશિયાના સમૃદ્ધ ગામ માધાપરની ગરીબ બનતી રોજની સ્થિતિ લોકો માટે માથાનો દુખાવો બની છે સતત વરસાદથી અને તંત્રના વાંકે ગટરની લાઇન નાખીને રિસરફેસિંગ વિના છોડી દેવાયેલા આ રસ્તા પર એક ટ્રક ફસાઈ ગઈ હતી આવા હજી કેટલા બનાવ બનશે ત્યારે તંત્ર જાગશે.? વડીલો, વિધાર્થી અને મહિલાઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે આ ગાડામાર્ગ સ્થાનિકો માટે પણ માથાનો દુખાવો બન્યો છે.રોજના હજારો વાહનોનો ઘસારો આ રોડ પર રહે છે ત્યારે લોકોની આ મુશ્કેલી તંત્રને ક્યારે દેખાશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે.હાલે વરસાદી સીઝનમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા હાલાકીમાં વધારો થયો છે તાત્કાલીક નવો રસ્તો બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં સ્થાનિક તંત્ર કે નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:41 am

હડતાલ:આજે કચ્છની 200 બેન્ક શાખાના 450 અધિકારી, કર્મચારીઓ હડતાલ પર

બુધવારે કચ્છની 200 બેન્ક શાખાના કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના હોઈ ક્લિયરિંગ સહિત 200 કરોડના વ્યવહાર ખોરવાશે. કચ્છ જિલ્લા બેન્ક યુનિયનના મંત્રી અશોક ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, 9 જુલાઈ, બુધવારે વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે કચ્છની 200 બેન્ક શાખાના 450 જેટલાં કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, જેથી એક જ દિવસમાં ક્લિયરિંગ, લેવડ-દેવડ સહિત 200 કરોડ જેટલી રકમના નાણાકીય વ્યવહાર ખોરવાશે. યુનિયનના નિલેશ મહેતાએ જણાવ્યું હતું કે, જો લેબર કોડ અમલમાં આવશે તો કર્મચારીઓના હડતાલ પાડવાના અધિકાર પર અંકુશ આવી જશે, જેથી હડતાલને સફળ બનાવવા માટે બેન્ક કર્મચારીઓને 9 જુલાઈના દિવસે શાખા, ઓફિસમાં ન જવા અને ફરજીયાત હડતાલમાં જોડાવવા અપીલ કરી છે. છેલ્લા 10 મહિના બાકી હોય તેવા કર્મચારીને હડતાલમાં જોડાવવાથી પેન્શનનું કોઈ નુકસાન થતું ન હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. નોંધનીય છે કે આ હડતાલમાં બેન્ક ઉપરાંત અન્ય વિભાગો પણ જોડાશે તેવી શક્યતા વચ્ચે પોસ્ટ તંત્રના સત્તાવાર સૂત્રોનો સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે, કચ્છનું ટપાલ તંત્ર આ હડતાલમાં નહીં જોડાય અને જિલ્લાની તમામ ટપાલ કચેરીઓ બુધવારે રાબેતા મુજબ ચાલુ રહેશે. એસ.બી.આઈ. સિવાયના 3 યુનિયન જોડાશેબેન્ક યુનિયનના કચ્છના મંત્રી ભટ્ટે જણાવ્યું હતું કે, એસ.બી.આઈ. સિવાયના 3 યુનિયન ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઈસ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર એસોસિએશન અને બેન્ક એમ્પ્લોઇસ ફેડરેશન ઓફ ઇન્ડિયા બેન્ક હડતાલમાં જોડાશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:40 am

કાર્યવાહી:કેરાના 1.50 કરોડના દારૂના બે ગુનામાં ફરાર બુટલેગર લોરિયા પાસેથી પકડાયો

ભુજ તાલુકાના કેરા ગામ નજીક એસએમસીએ કટિંગ થઇ રહેલા દારૂના જથ્થા પર રેઇડ કરી 1.28 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો જે બાદ સ્થાનિક પોલીસે પણ 27 લાખનો દારૂ પકડ્યો હતો.જે બન્ને ગુનામાં ફરાર આરોપી બુટલેગરને એલસીબીએ લોરિયાથી ઝુરા જતા ત્રણ રસ્તા નજીકથી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માનકુવા પોલીસ મથકે નોધાયેલા દારૂના બે ગુના અને અમીરગઢ પોલીસ મથકે નોધાયેલા ગુનામાં ફરાર કેરાનો બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ લોરિયાથી ઝુરા તરફ ત્રણ રસ્તા પાસે હાજર છે.બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.જેની પૂછપરછ કરતા ત્રણેય ગુનામાં ફરાર હોવાની કબુલાત આપી હતી.એલસીબીએ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ મથકે સોપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,ગત 22 જુનના એસએમસીએ રેઇડ કરી રૂપિયા 1.28 કરોડની કિંમતનો દારૂ પકડ્યો હતો જેમાં આરોપી હાજર મળ્યો ન હતો જયારે સ્થાનિક પોલીસને પણ 1 જુલાઈના કેરા ગામની સીમમાંથી 27 લાખનો દારૂ મળ્યો હતો પણ આરોપી મળ્યો ન હતો.અને આખરે 16 દિવસ બાદ આરોપી એલસીબીને હાથ લાગ્યો છે. નોંધનીય છે કે, એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો હતો. જવાબદારીના ભાગરૂપે સ્થાનિક માનકુવા પીઆઇ અને પીએસઆઇને લીવ રીઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:39 am

વિશ્વાસઘાત:1 કરોડની ઠગાઈ થતા ભાઈ સહિત અન્ય સામે ગુનો

હોસ્પિટલ રોડ પર આવેલી કે.જે.જવેલર્સ પેઠીના બંધુઓ વચ્ચે મિલકત મામલે વિવાદ ચાલી રહ્યો છે, અગાઉ સીલ કરાયેલા શોરૂમમાંથી 30 થી 35 કરોડનું સોનું ગાયબ થઇ જવા મામલે અરજી થયા બાદ અટકાયતી પગલાં લેવાયા હતા. ત્યારે હવે આ મામલે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં સંયુક્ત પેઢીએ શ્રીજીનગરના શખ્સને રૂપિયા 2 કરોડ આપ્યા હતા, જેમાંથી ફરિયાદીના ભાગના 1 કરોડ પરત ન આપી ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘનશ્યામ નગરમાં રહેતા અને હોસ્પિટલ રોડ પર નંદની જવેલર્સ નામની દુકાન ચલાવતા ફરિયાદી જયેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પોતાના ભાઈ કિશોર પ્રેમજી સોલંકી અને ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ અગાઉ આરોપી ભાઈ સાથે હોસ્પિટલ રોડ પર સોની પ્રેમજી ગોવિંદજી કે.જે.જવેલર્સ પેઢી ચાલતી હતી. જેમાં બન્ને ભાઈઓ ભાગીદાર હતા. એ દરમિયાન વર્ષ 2016 માં સંયુક્ત પેઢીએ આરોપી ભરત બુધ્ધભટ્ટીને રૂપિયા 2 કરોડ આપ્યા હતા. જે બાદ બન્ને ભાઈઓ વચ્ચે મિલકત મામલે વિવાદ થયો હતો. આ મામલે આરોપી કિશોરે વર્ષ 2020 માં હાઈકોર્ટમાં આર્બીટેશન અરજી કરી હતી. ફરિયાદીની માતાએ આરોપી ભરતને બોલાવી પેઢીના 2 કરોડ બન્ને ભાઈઓને અડધા અડધા આપવા કહેતા આરોપીએ એક મહિનાનો સમય માંગ્યો હતો. જે બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી વર્ષ 2019 માં ફરિયાદી અને તેમનો દીકરો આરોપીની આરટીઓ રીલોકેશન સાઈટ પર આવેલ ઓફીસ પર ગયા હતા. ત્યારે આરોપીએ પેઢીના 2 કરોડ પોતાની પાસે હોવાનું સ્વીકાર્યું હતું.જેનું ફરિયાદીએ વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે 5 એપ્રિલ 2025 ના આર્બીટેશન અરજી મામલે આરોપી ભરતે હાઈકોર્ટ સમક્ષ પોતાને પેઢીએ 2 કરોડ રૂપિયા આપેલ ન હોવાનું જણાવ્યું હતું. અને ઉલ્ટાનું પોતે રૂપિયા 60 લાખ પેઢીને વ્યાજે આપેલ હોવાનું જણાવ્યું હતું. અને પોતાની પાસે વ્યાજે નાણા આપવા બાબતે કોઈ માન્ય લાયસન્સ ન હોવાની કબુલાત આપી હતી. બન્ને આરોપીઓએ સાથે મળી ફરિયાદીના ભાગના રૂપિયા 1 કરોડ પચાવી લેતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ 13 કરોડની ચોરી મામલે અટકાયત થઇ હતી સોની પ્રેમજી ગોવિંદજી કે.જે.જવેલર્સ નામની પેઢીના ભાગીદાર ભાઈઓ વચ્ચે મિલકત મામલે વિવાદ થતા મામલો કોર્ટે પહોંચ્યો અને શોરૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ બાદ બન્ને ભાઈઓની સહમતીથી આરબીટેશન દ્વારા શોરૂમને ખોલવામાં આવ્યો હતો. તપાસ કરતા શોરૂમમાંથી રૂપિયા 30 થી 35 કરોડની કિમતનું 60 કિલો સોનું ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ભાગીદારી પેઢીના બન્ને ભાઈઓએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે તપાસ કરવા માટે અરજી કરી હતી. ત્યારે ફરિયાદી કિશોરે પોતાના ભાઈ અને ભત્રીજા સામે પોતાના ભાગનું 12.50 કરોડનું સોનું, 35 લાખની ચાંદી અને રોકડ 20 લાખ મળી કુલ રૂપિયા 13 કરોડના દાગીના અને રોકડ ચોરીની ફરિયાદ કરતા પોલીસે બન્ને પિતા-પુત્રની અટકાયત કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:39 am

સિટી એન્કર:ગૌમુત્ર -ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા

પશુના ગૌમુત્ર અને ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા મળી મળી છે, એમ શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટી અને જૈન આગેવાન અતુલકુમાર વ્રજલાલ શાહે જણાવ્યું હતું. ડેરી ઉદ્યોગ દ્વારા પશુને મશીન તરીકે ઉપયોગ કરીને આ દેશના શેઢકડા દૂધ, અણિયાળું સુગંધી ઘી, વલોણાની છાશ કે ગોબર પર થયેલી માટીના હાંડાના વાસણની દુર્લભતા છે.ગાયના શરીર પર જે ખૂંધ છે તેમાં સૂર્યકેતૂ નાડી છે અને તેના જ કારણે સૂર્યના કિરણમાંથી તે માત્ર દૂધ અને ઘીમાં જ નહીં પરંતુ ગૌમુત્ર અને ગોબરમાં પણ સુવર્ણની ઉત્પત્તિ કરી શકે છે. જામગનગરના સંશોધક - વૈજ્ઞાનિકોએ પણ ઘણાં વર્ષોની મહેનત પછી સિદ્ધ કર્યું છે કે ગૌમુત્ર અને ગોબરમાં કેટલા ઉપયોગી તત્ત્વો છે અને સુવર્ણ હોવાની પુષ્ટિ પણ તેમણે આપી છે.સિનિયર માઈક્રોબાયોલોજિસ્ટ અને બાયોટેક્નોલોજી ઓફ ક્વોટાના પ્રમુખ પલ્લવી શર્માએ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પોતાનું એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું છે જેમાં ગૌમુત્રમાં એન્ટીફલંગ પ્રોપર્ટીઝ અને એન્ટીબેક્ટેરિયલ હોવાનું સિદ્ધ કર્યું છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક રાકેશ અગ્રવાલે પણ ગૌમુત્રમાંથી ખનીજ અને વિટામીનયુક્ત રોગપ્રતિકારક શક્તિવર્ધક એન્ટીઓક્સિડન્ટ સંજીવન રસ ગોલ્ડ ડ્રિંક બનાવ્યું છે તે મલ્ટીફંક્શનિંગ, બોડી ડિટોક્સ અને સેલ્પ એન્હાન્સિંગ આ ટોનિક છ મહિના સુધી એવું ને એવું જ રહે છે અને આમાં ગૌમુત્રને ગરમ કરવામાં આવતું નથી તેથી તેના મૂળ ગુણો સચવાયેલા રહે છે. વળી, તેમાં તુલસી, કેરી, નારંગી અને પાન જેવા રસના સ્વાદમાં કોઈ સરબત જેવું લાગે અને ગૌમુત્રની દુર્ગંધથી ઉબકી ગયેલા લોકો માટે એક આશીર્વાદ સમાન છે. તેમાં સોનું, ચાંદી, યુરોકિનેઝ જે લોઢને ગંઠવાનું બંધ કરે છે અને શિલાજીત અને કેલ્શિયમ, આર્યન, ઝીંક, વિટામીન બી-1 અને બી-12 છે, એમ અતુલભાઈએ જણાવ્યું હતું.ખાલી પેટે માત્ર પાંચથી દસ એમએલ સવાર-સાંજ બે વખત જો આ ટોનિક લેવામાં આવે તો અનેક રોગોમાં તે રાહત આપે છે. એટલું જ નહીં એન્ટિએજિંગ પ્રોસેસમાં પણ તે અત્યંત ઉપયોગી છે. કાશ, શેફાલી ઝરીવાલા પાસે આ માહિતી પહોંચી હોત તો તેણે આડઅસરવાળી એન્ટીએજિંગની દવાથી પોતાની જાતને દૂર રાખી શકી હોત. રિસર્ચમાં શું પુરવાર થયું છે?રમેશ પંડ્યાજીએ ત્રણ મહિના સુધી આ ગૌમુત્રના સંજીવની રસથી પોતાનું સાડા ચાર કિલો વજન ઓછું કર્યું છે. 15 મહિનાના ખૂબ મહેનતપૂર્વકના રિસર્ચ પછી એ પૂરવાર થયું છે કે ક્રોનિક, કિડની ડિસીઝ, ટાઈપ-2 ડાયાબિટીઝ, કોરોનરી આર્ટિલરી, ક્રોનિક ડિસઓર્ડર, ઓબેસિડી, બીપીએચ, પીસીઓએસ, યુટેરિનમય ફાઈબ્રોડઝ, નેફ્રોટીક સિન્ડ્રોઝ, ડાયજેસ્ટિવ ડિસઓર્ડર, હાઈપર લિપિડેમિયા, પથરીના રોગોમાં તેમ જ બ્રોન્કિયલ અસ્થમામાં અને મેલીગ્નન્સિ એટલે કે કુષ્ટરોગ સફેદ ડાઘમાં પણ ગૌમૂત્રનો રસ અતિઅદભુત કાર્ય કરી આપે છે, એમ અતુલભાઈએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:32 am

અનેકની અટકાયત:મંજૂરી ન હોવા છતા મનસેનો ભાયંદરમાં મરાઠી સ્વાભિમાન મોરચો સફળ

મરાઠી ભાષાને મામલે મીરા રોડના દુકાનદારની મારપીટ બાદ વેપારીઓએ કાઢેલા મોરચાના જવાબમાં મનસેએ મંગળવારે મરાઠી સ્વાભિમાન મોરચો કાઢ્યો હતો, જેમાં મનસે સાથે ઠાકરે સેનાના પદાધિકારી અને કાર્યકરો પણ જોડાયા હતા. પોલીસનો વિરોધ અને અનેક કાર્યકરોની અટક છતાં આ મોરચો સફળ રહ્યો હતો. મનસેએ સંવેદનશીલ માર્ગ પરથી મોરચો લઈ જવાનો આગ્રહ કર્યો હતો, જેથી પોલીસે મોરચા માટે પરવાનગી નકારી કાઢી હતી. આમ છતાં મનસે મોરચો કાઢવા મક્કમ હતી, જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે પોલીસે જમાવબંધીનો આદેશ લાગુ કર્યો હતો. આમ છતાં મનસે અને ઠાકરે સેનાના પદાધિકારી અને કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થતાં પોલીસે અનેકની અટકાયત કરી હતી. આ છતાં મોરચો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેથી પોલીસને સંભાળવામાં નાકે દમ આવી ગયો હતો. મનસેના નેતાઓ અવિનાશ જાધવ, સંદીપ દેશપાંડે, નીતિન સરદેસાઈ, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાળકર, ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારે પણ આ મોરચામાં જોડાયા હતા.અંતે અવિનાશ જાધવે જાહેરાત કરી કે અમે બધા આજના વિરોધ પ્રદર્શનને અહીં રોકી રહ્યા છીએ. પોલીસે દબાણ કર્યા પછી પણ, બધા મરાઠી લોકો અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા, મરાઠી લોકોનો અમારો સંદેશ સમગ્ર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. જ્યાં પણ મરાઠી લોકો પર દબાણ આવશે, ત્યાં મરાઠી લોકો રસ્તા પર આવશે. ભવિષ્યમાં જો કોઈ મરાઠીને વાસે પડશે તો આ જ રીતે જવાબ અપાશે, એમ તેમણે ચેતવણી આપી હતી.જાધવે કહ્યું કે આ આંદોલન સફળ રહ્યું છે. પોલીસે ગમે તેટલું દમન કર્યું હોય, આટલી મોટી સંખ્યામાં મરાઠી લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. જો કોઈની ધરપકડ ન થઈ હોત અને આ મોરચો સરળતાથી નીકળવા દેવાયો હોત ઓછામાં ઓછા 50 હજાર લોકો રસ્તા પર ઊતરી આવ્યા હોત. આ વિસ્તારના ધારાસભ્ય હંમેશાં કહે છે કે મીરા- ભાયંદરમાં ફક્ત ૧૨-૧૫% મરાઠી લોકો છે. જોકે આજના મોરચાએ તેમને પણ જવાબ આપી દીધો છે. સરકારમાંથી બહાર નીકળોઃ વિચારે : આ વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકને આ જગ્યાથી હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ જો તેમની પાસે હિંમત હોય તો તેમણે મહાયુતિ છોડી દેવી જોઈએ, એમ ઠાકરે જૂથના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારેએ અપીલ કરી હતી. તેમણે સરકાર પર હિન્દી ભાષીઓ અને મરાઠી ભાષીઓ વચ્ચે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે. તેમણે ચેતવણી પણ આપી છે કે અમે આ ભૂમિમાં કોઈને પણ ગુંડાગીરી કરવા દઈશું નહીં. મરાઠીને પ્રેમ કરતા તમામ જાતિ અને ધર્મના લોકોએ સાથે મળીને આ મોરચો કાઢ્યો હતો. વિચારેએ કહ્યું છે કે તે તેના માટે બધાના આભારી છીએ. વાતાવરણ બગાડવા માટે પોલીસ જવાબદારઉપરોક્ત મોરચા માટે પરવાનગી નકારવાનું કોઈ કારણ નહોતું. પોલીસે લીધેલા વલણને સરકારે સમર્થન આપ્યું ન હતું. પોલીસના આ વલણથી મુખ્ય મંત્રી પણ નારાજ હતા. પ્રતાપ સરનાઈકે એમ પણ કહ્યું કે તેમણે આ સંબંધ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી. મંત્રી સરનાઈકે આરોપ લગાવ્યો હતો કે વાતાવરણ બગાડવા માટે પોલીસ જવાબદાર છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:32 am

હુકમ:મનસેએ મોરચા માટે જાણીને અલગ રસ્તો અપનાવતાં મંજૂરી નકારવી પડી

જો રાજ્યમાં કોઈ મોરચા માટે પરવાનગી માગે છે, તો અમે પરવાનગી આપીએ છીએ. જોકે મનસેના મોરચા સંબંધમાં કમિશનરે મને કહ્યું કે મોરચા બાબતે રોજ મનસે સાથે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ તેઓ જાણીજોઈને એ રસ્તા પરથી મોરચો કાઢવા માગતા હતા જ્યાંથી મોરચો કાઢતાં સંઘર્ષ થાય. પોલીસે એમ પણ કહ્યું કે ઘણા લોકો તરફથી કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. તેઓ અલગ પ્રકારની કાર્યવાહી કરવા માગતા હતા. તેથી, પોલીસે તેમને સામાન્ય માર્ગ અપનાવવા અપીલ કરી હતી. જોકે મનસેના પદાધિકારીઓએ તેનો ઇનકાર કર્યો હતો. તેમણે એવું પણ વલણ અપનાવ્યું હતું કે અમે અમારા ધારેલા માર્ગ પરથી જ મોરચો કાઢીશું. તેથી, કમિશનરે મને કહ્યું છે કે પોલીસે મોરચા માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, એમ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં, ફક્ત મનસે જ નહીં, જો કોઈ પણ મોરચો કાઢવા માગતા હોય અને પરવાનગી માગે તો તેમને તે મળશે. પરંતુ ચોક્કસ માર્ગ પરથી જ મોરચો કાઢવાનો આગ્રહ નહીં કરવો જોઈએ. જો આ રીતે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો સભાન પ્રયાસ કરવામાં આવે છે, તો તે યોગ્ય નથી. આખરે, આપણે બધા એક રાજ્યમાં સાથે રહેવા માગીએ છીએ. આપણે આપણા રાજ્યના વિકાસ વિશે વિચારવા માગીએ છીએ. જો તેઓ યોગ્ય માર્ગે પરવાનગી માગે છે, તો તેમને તે પરવાનગી ગમે ત્યારે મળશે. પોલીસે સતત રુટ બદલવાની વિનંતી કરીરાજ્યનાં બે સંગઠનોએ 5મી તારીખે મોરચો કાઢવાનું આયોજન કર્યું હતું. તેમની સાથે ચર્ચા કર્યા પછી રૂટ પણ નક્કી કરવામાં આવ્યો હતો. તેમને મોરચા માટે પરવાનગી પણ આપવામાં આવી હતી. તેથી, ફડણવીસે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તેવો રુટ માગવાનું કોઈ કારણ નથી. જો મોરચો રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય તો પરિસ્થિતિ કેવી હશે તે અમે જાણીએ છીએ. તેથી, પોલીસે તેમને રુટ બદલવા માટે સતત વિનંતી કરી હતી, એમ ફડણવીસે એમ પણ કહ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:29 am

ઉબરના નવા ફીચર્સ:પ્રાઈઝ લૉકથી એરપોર્ટ પ્રાયોરિટી સુધી

ઉબરે રોજબરોજના રાઇડર અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે વિવિધ નવા ફીચર્સ લોન્ચ કર્યા હતા જે તેને સમગ્ર ભારતમાં લાખો લોકો માટે વધુ કિફાયતી, સુલભ અને ઉચ્ચ સ્તરના બનાવે છે. પ્રાઇઝ-લૉક ફીચર, વેઇટ એન્ડ સેવ, સિનિયર અકાઉન્ટ્સ, એરપોર્ટ પ્રાયોરિટી એક્સેસ સહિતની આ નવી સુવિધાઓ રોજબરોજના મુસાફરીના અનુભવને વધારવાનો ઉબરનો પ્રયાસ દર્શાવે છે. ઉબર ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંહે જણાવ્યું હતું કે ઉબર ખાતે અમે હંમેશા ભારતીય મુસાફરો જ્યાં પણ છે અને જેવી રીતે મુસાફરી કરે છે તેની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે હંમેશા પ્રયાસરત રહીએ છીએ. આ સુવિધાઓ વધુ સ્માર્ટ વેલ્યુ ઇચ્છતા અને રોજબરોજનો ખર્ચ ઘટાડવા માંગતા લોકોથી માંડીને મેટ્રો કનેક્શન કે પછી એરપોર્ટ પર રિઝર્વ્ડ રાઇડ માટે વધુ આરામદાયક સુવિધા માટે થોડા વધુ પૈસા ખર્ચવા તૈયાર લોકો અથવા ઘરે રહેલા સિનિયર સિટીજનો માટે એક સરળ એપ સુધીની વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે બનાવાયા છે અને તે સાથે અમે રોજબરોજની મુસાફરી માટેના માપદંડો વધારી રહ્યા છીએ. ફ્લેક્સિબલ શિડ્યૂલ ધરાવતા લોકો માટે વેઇટ એન્ડ સેવ થોડાક વધુ વેઇટ ટાઇમની સામે નીચા ભાડા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ પૂરો પાડે છે. તે ગો પ્રાયોરિટી જેવા વિકલ્પોથી વિપરિત છે. આ વિકલ્પો એવા યુઝર્સ માટે છે જેઓ પ્રીમિયમ કિંમત ચૂકવીને ઝડપી પિકઅપ પસંદ કરે છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:28 am

જૈન મેરેજ મિશનનું વેબપોર્ટલ:કચ્છી જૈનોની જ્ઞાતિના લગ્નના ડેટા ઉપલબ્ધ

જૈન મેરેજ મિશનના વેબપોર્ટલ jainmarriagemission.comનું ઉદ્દઘાટન સંસ્થાના એમીરેટ્સ ચૅરમૅન ચંદ્રકાંત વલ્લભજી ગોગરીએ દાદરના નવનીત ભવનના બેન્કવે હોલમાં કર્યું હતું. સંસ્થાની ટેક કમિટીના કન્વિનર દિલીપ સંઘવીએ જણાવ્યું હતું કે આ નિ:શુલ્ક, વિશ્વસનીય અને સંપૂર્ણ સુરક્ષિત વેબપોર્ટલ છે. અત્રે કચ્છ, વાગડ, હાલારના જૈન વતનીઓનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓના બાયોડેટા જોઈ શકાશે. સંસ્થાની એડમિન પેનલ દ્વારા દરેક પાત્રોની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ જ ઉમેદવારોનાં પ્રોફાઈલ મંજૂર થાય છે. ઉમેદવાર શોધવા માટેનાં વિવિધ ફિલ્ટરો પણ આ પોર્ટલમાં છે. વેબપોર્ટલમાં પ્રોફાઈલની સ્થિરતા ૩૬૫ દિવસ સુધી જીવંત રહેશે. અત્રે કોઈ પણ અજાણ્યા (જૈનેત્તર) સભ્યને મંજૂરી અપાતી નથી. આ પોર્ટલ સેવા આઈટી ડેસ્ક સોલ્યુશન્સના નીલેશ મહેતા દ્વારા વિકસાવાઈ છે. જૈન મેરેજ મિશનના પ્રમુખ તરલાબેન જયંત છેડાએ જણાવ્યું હતું કે શરૂઆતનાં બે-ત્રણ વર્ષો આ સેવા માત્ર કચ્છી જૈનો પૂરતી જ મર્યાદિત રહેશે, પણ ત્યાર બાદ તે ગુજરાતી જૈનો અને મારવાડી જૈનો માટે પણ ઉપલબ્ધ બનશે.જૈન મેરેજ મિશનના સ્વપ્નદ્રષ્ટા દેવચંદ છેડાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં કચ્છી જૈનોની તમામ જ્ઞાતિઓની કુલ વસતી ૪ લાખ આસપાસ છે. વળી દરેક પેઢીએ જૈનોની વસતી અડધી થતી જાય છે. આમ ૧૦૦ વર્ષમાં જૈનો નામશેષ થઈ જશે. આના ઉપાયરૂપે કચ્છી જૈનોના દરેક ફિરકાઓએ પરસ્પર રોટીબેટી વ્યવહાર શરૂ કરવો જોઈએ. સંસ્થાના ચૅરમૅન ડૉ. નાગજી રીટાએ જણાવ્યું છે કે જૈન ઉમેદવારોની ડેટા બૅન્ક મજબૂત બનાવવાની છે. આથી કચ્છ, વાગડ, હાલારનાં દરેક ગામનાં જૈન મહાજનોએ પોતપોતાનાં ગામનાં લગ્નઇચ્છુક યુવક-યુવતીઓની યાદી અને બાયોડેટા તૈયાર કરી ડીજાટલ સ્વરૂપે સંસ્થાને મોકલી આપવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:28 am

આરોપ:કુર્લામાં રોહિંગ્યાનાં ઝૂંપડાં બચાવવા આદિત્ય આરોપ કરે છે? મંત્રી લોઢા

કુર્લામાં મહારાણા પ્રતાપ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ને સ્વિમિંગ પૂલ બનાવવા માટે કાપી નાખવામાં આવી રહી હોવાનો આદિત્ય ઠાકરે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ તેમને વળતો જવાબ આપ્યો છે. લોઢાએ જણાવ્યું હતું કેત્યાં સ્વિમિંગ પૂલ નથી, પરંતુ પરંપરાગત શિવાજી યુગનું રમતનું મેદાન બને છે. આ મુદ્દે તેમણે સામો સવાલ કર્યો હતો કે શું આદિત્ય ઠાકરેનો ખરેખર હેતુ તે વિસ્તારમાં રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓના અનધિકૃત ઝૂંપડાઓને બચાવવાનો છે? કુર્લામાં ITI પરિસરમાં છેલ્લા બે મહિનાથી 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર' નામનું પરંપરાગત મરાઠી રમતગમતનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે. આગામી ૧૩મી ઓગસ્ટે તેમની પુણ્યતિથિ નિમિત્તે, ભવ્ય સ્વદેશી અને પરંપરાગત રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ITI વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડ્યા વિના અન્ય ખેલાડીઓ પ્રવેશ કરી શકે તે માટે પાછળ એક વોકવે અને જૂથ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. લોઢાએ વળતો પ્રહાર કરતા સવાલ કર્યો હતો કેઆદિત્ય ઠાકરેને ડર હશે કે આ ફૂટપાથ ITI ની બહાર ઊગી ગયેલા અનધિકૃત રોહિંગ્યા- બાંગ્લાદેશી ઝૂંપડાઓને અવરોધ થશે.મુંબઈમાં સૌપ્રથમ પરંપરાગત મરાઠા રમતગમતના મેદાનને આવકારવાને બદલે, અનધિકૃત રોહિંગ્યા- બાંગ્લાદેશી ઝૂંપડાઓને બચાવવા માટે શા માટે આટલો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? એવો સીધો પ્રશ્ન લોઢાએ પૂછ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:27 am

આયોજન:મુંબઈમાં છાત્રો- ઈનોવેટર્સ માટે ઈન્ક્યુબેશન સેન્ટર

વાઈ-ફાઈ ઉપકરણોમાં ભારત તથા વૈશ્વિક સ્તરે અગ્રસ્થાને રહેનાર કનેક્ટિવિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર ટીપી-લિંક ઇન્ડિયાએ નવા RD જીસીસી અને ઇન્ક્યુબેશન સેન્ટર સાથે ભારતમાં પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મુંબઈમાં સાકીનાકા ખાતે રાયસ્કરન ટેક પાર્ક ટાવર-2માં તેનું વિશાળ કાર્યાલય મંગળવારથી શરૂ થયું.હવે બેંગલુરુમાં આવેલું આરએન્ડડી જીસીસીનું મુખ્ય ધ્યાન સંશોધન પર રહેશે, જ્યારે મુંબઈ ઇન્ક્યુબેશન સેન્ટર વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને આધુનિક સવલતો પૂરી પાડશે. કંપનીએ આગામી વર્ષે ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યા 30%થી વધારવાની અને 20 નવા સર્વિસ સેન્ટરો શરૂ કરવાની જાહેરાત પણ કરી છે.આ સેન્ટરનું ઉદઘાટન કરતાં મહારાષ્ટ્રના સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ‘વિદ્યાર્થીઓ માટે ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરીને ટીપી-લિંક ઇન્ડિયા દ્વારા સંશોધન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા જોઈને આનંદ થાય છે. અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને આ ઇન્ક્યુબેશન સેન્ટરથી લાભ મળશે અને તેઓ સાચા અર્થમાં ડિજિટલ ભારતના નિર્માણમાં યોગદાન આપશે.’ ટીપી-લિંક ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સંજય સેહગલે જણાવ્યું કે, ‘અમે માનીએ છીએ કે ભાવિ પેઢીના ચેન્જમેકર્સને સશક્ત બનાવવા એ સ્થિર વૃદ્ધિ અને સામાજિક પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે. આ સેન્ટરમાં રોકાણ કરીનેઅમે ભવિષ્યમાં રોકાણ કરીએ છીએ, એક એવું ભવિષ્ય કે જે સર્જનાત્મકતા, સહકાર અને સાહસિક વિચારસરણી દ્વારા આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:27 am

ફરિયાદ:મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને ગઠિયો સાગરીત સાથે ફરાર

વડસર રોડ પર વહેલી સવારે પોણા છ વાગે ચાની લારી પર ચા પીવા આવેલા યુવકે લારીધારક મહિલાના ગળામાંથી ચેઈન તોડીને રોડ ક્રોસ કરીને પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈ ભાગી ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના અંગે મહિલાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુરના પારસ નગરમાં રહેતા જૈમીત્રાદેવી રામાશંકર ગીરી (ઉ.વ.45) વડસર બ્રિજ રોડ પર ચાની લારી ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. મંગળવારના રોજ સવારે સાડા પાંચ વાગે તેઓ ચાની કેબીન ખોલીને ચા બનાવવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન સવારે પોણા છ વાગે એક યુવક ચાની લારી પર આવીને ચા માંગી હતી. જેથી મહિલાએ આ યુવકને ચા બનતા વાર લાગશે તેમ જણાવતા તેને બિસ્કીટ માંગ્યા હતાં. જેથી મહિલાએ બિસ્કીટ આપવા માટે ડબ્બો ખોલતા તેને મહિલાના ગળામાંથી પેન્ડન્ટ વાળી સોનાની ચેઈન તોડીને રોડ ક્રોસ કરીને સામે ઉભેલા પોતાના મિત્ર સાથે બાઈક પર ભાગી ગયો હતો. માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, લારી પર આવેલો યુવક રેઈનકોટ પહેરીને આવ્યો હતો અને માથે કાળા કલરની ટોપી પહેરી હતી. જ્યારે હિિન્દી ભાષામાં વાત કરતો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:27 am

સારવાર:બાળકની શ્વાસનળીને દબાણ કરતી થાઇરોઈડની ગાંઠનું સિવિલમાં સફળ ઓપરેશન કરાયું

શ્વાસનળી ઉપર દબાણ કરતી થાઇરોઇડ ગ્રંથિમાં થયેલી 8 સેમીથી 7 સેમીની ગાંઠ 14 વર્ષીય બાળકના ગળામાં થઇ હતી. ગાંઠ શ્વાસનળીમાં દબાણ કરતી હોવાથી બાળકને તકલીફ કરતી હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જરની ટીમે ઓપરેશન કરીને થાઇરોઇડની ગાંઠને બહાર કાઢવામાં આવી હતી. ગાંઠના સફળ ઓપરેશનથી બાળકને ભવિષ્યમાં થનાર અન્ય અસરથી બચાવી લેવામાં આવ્યો છે. થાઇરોઇડની ગાંઠના ઓપરેશન મફત કરવામાં આવ્યું હતું. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આથી નાના મોટા ઓપેરેશન મફત કરવામાં આવતા દર્દીઓ માટે નિદાન અને સારવાર માટે સુરક્ષિત સ્થળ બની રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગ દ્વારા 14 વર્ષીય બાળકના ગળામાં થાઇરોઇડ ગ્રંથીમાં થયેલી ગાંઠને ઓપરેશનથી દુર કરવામાં આવી છે. આ અંગે ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જરે જણાવ્યું છે કે છેલ્લા ચારેક માસથી ગળામાં ગાંઠથી પીડાતા 14 વર્ષીય બાળકને લઇને તેના માતાપિતા ઇએનટી વિભાગમાં આવ્યા હતા. બાળકની તપાસ કર્યા બાદ ગાંઠ કેટલી છે સહિતની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ લોહીના રિપોર્ટ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સાઇમારીને ગાંઠમાંથી પાણી કાઢીને પ્રાથમિક રિપોર્ટ કરાવતા થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગાંઠ 8 સેમીથી 7 સેમીની હોવાથી તે બાળકની શ્વાસનળી ઉપર દબાણ કરતી હતી. આથી થાઇરોઇડની ગાંઠનું ઓપરેશન કરતી વખતે કાળજી રાખવામાં આવે નહીં તો શ્વાસનળીને ડેમેજ થઇ શકે તેમ હતું. વધુમાં થાઇરોડની નીચે આવેલી રિર્કન્ટ લેરિનજિયલ નસને ઇજા થાય તો બાળકનો અવાજ ખોખરો થઇ જાય તેવી સ્થિતિ હતી. આથી બાળકના ગળામાંથી થાઇરોઇડની ગાંઠનું ઓપરેશન સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકને બેભાન કરવા માટે ડૉ.હીના ગદાણીએ એનેસ્થેસિયા આપવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:25 am

કાર્યવાહી:ફતેગંજ PI કેબીન બહાર શખ્સની દાદાગીરી, કાચમાં માથું અથાડીને પોલીસને હત્યામાં ફસાવવાની ધમકી

દારૂ પીધેલા પકડાયેલા ત્રણ પૈકી ભાઈને છોડાવવા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આવેલા યુવકે આખુ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હું ફુલવાડીનો દાદા છું. પોલીસ મારૂ કશું બગાડી નહીં લે. કહીને પીઆઈની કેબીન બહાર લાગેલા કાચ સાથે માથુ અથાડી પોલીસને મર્ડરના ગુનામાં આજીવન જેલ કરાવી દેવાની ધમકી આપી હતી. ત્યારે ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સોમવારે ફુલવાડી અમરનગરની પાછળથી ત્રણ જણાને દારૂ પીધેલી હાલતમાં પકડી લાવી હતી અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. સાહિલ રાજ, ઈરફાન રાઠોડ અને મલેક મહંમદ અનીશ અજમતુલા પોણા અગિયાર વાગે પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારે સાહિલ મહિલા પોલીસ સહિત કર્મીઓને મારા ભાઈને કેમ પકડીને લાવ્યા છો, તેને છોડી મુકો. તે કહેતો હતો કે, તુ મને ઓળખે છે, હું કોણ છું. હું નવાયાર્ડ ફુલવાડીનો દાદા છું. પોલીસ મારૂ કંઈ બગાડી નહીં લે. ત્યારબાદ સાહિલ સહિત સાથે આવેલા બે જણા બુમો પાડવા લાગ્યા હતા. તેઓ દારૂ પીધેલા પકડાયેલા ત્રણ ઈસમને છોડાવી લઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. સાહિલ કહેતો કે, મારા ભાઈને નહીં છોડો તો હું માથું પછાડીને મરી જઈશ. ત્યારબાદ તે પોલીસ ઈન્સ્પેક્ટર ઓફિસની બહાર લગાવેલા કાચ તરફ દોડીને ગયો હતો અને માથુ પછાડી કાચ તોડી નાખ્યો હતો. તે કહેતો કે, મારો ભાઈ સાજીદ હાજર પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી બધાને મર્ડરના ગુનામાં આજીવન જેલ કરાવી દેશે. પીધેલા પકડાયેલા આરોપી ઘર્ષણ કરનાર આરોપી

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:25 am

સમસ્યા:સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છતાં ઉકેલ લવાતો નથી

શહેરમાં એકતરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી ગટર લાઇનો નાંખવામાં આવી રહી છે બીજીતરફ નવી ગટરલાઇનો કાર્યરત કરવામાં નહીં આવી હોવાથી પાંચ દાયકા જૂની ગટરલાઇનોમાં લિકેજની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે પરંતુ નાગરિકો માટે ઘર આંગણે જ નર્કાગારની સ્થિતિ સર્જાઇ રહી છે. સેક્ટર-13 અને 14માં ઘરના આંગણે જ ગટરો ઉભરાતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાટનગર યોજના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરના મોટાભાગના સેક્ટરોમાં ડ્રેનેજ લિકેજની સમસ્યા સર્જાઇ રહી છે. વર્ષો જૂની પાઇપલાઇન હોવાથી મેઇન લાઇનમાં ભંગાણ પડવાના કિસ્સા પણ અવારનવાર બનતા રહે છે. સેક્ટર-13 અને 14માં છેલ્લા ઘણા દિવસોથી પાણીની લાઇનો લિકેજ થવાને કારણે નાગરિકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે. સેક્ટર-14માં 248/2 પાસે લાંબા સમયથી ગટરનું પાણી ભરાઇ રહે છે. વસાહતી જગદિશ દવેના જણાવ્યા પ્રમાણે અનેક વખત પાટનગર યોજના વિભાગ અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે. છતાં તેનો ઉકેલ લવાતો નથી. આ જ પ્રકારે સેક્ટર-13 બીમાં પ્લોટ નં. 968/1 ખાતે ગટર ઉભરાવાની સમસ્યા છે. આ અંગે પણ ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:25 am

કાર્યવાહી:આદિવાડાની મહિલા બુટલેગરના ઘરમાંથી 45 હજારનો દારૂ પકડાયો

શહેરમાં પોલીસ અધિક્ષકની કચેરી સામે આવેલા આદિવાડી ગામમાં રહેતી મહિલા બુટલેગર અનેક વખત દેશી અને વિદેશી દારૂનો વેપાર કરતા પકડાઇ ચૂકી છે, છતાં દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક વખત મહિલા બુટલેગરના ઘરે રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસને 45 હજારનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 21 પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, આદિવાડા ગામમાં રહેતી મહિલા સવિતાબેન મુકેશભાઇ દંતાણી તેના ઘરની સામે આવેલા મકાનની સામેની જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી વેપાર કરી રહી છે. જેથી પોલીસની ટીમ બાતમી મુજબ મહિલા બુટલેગરના ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેના ઘરની સામેની જગ્યામાં ભંગારની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા બિયર અને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 182 બોટલ કિંમત 44797 મળી આવી હતી. જેથી પોલીસે મહિલા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહિલા બુટલેગરના ઘરેથી પોલીસને અનેક વખત દારૂ મળી આવ્યો છે, મહિલા દારૂનો જ ધંધો કરે છે. જ્યારે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા છતા દારૂનો ધંધો બંધ કરતી નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:24 am

ફરિયાદ:3.12 લાખની સામે 3.68 લાખ ચૂકવ્યા છતાં વધુ નાણાં માગી ધમકી

નિલામ્બર સર્કલ પાસે પાવભાજીના લારીધારકને રૂ.3.12 લાખ વ્યાજે આપી તેની સામે રૂ.3.68 લાખ વસુલી લીધા હોવા છતાં યુવકે વધુ રૂપિયાની ઉઘરાણી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે યુવક પાસે નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં તે વ્યાજે રૂપિયા આપતો હતો. ત્યારે ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગોરવા શિવશક્તિ સોસાયટીમાં રહેતા પ્રકાશ શંકરભાઈ તૈલી નિલામ્બર સર્કલ પાસે સુપર બોમ્બે નામથી પાવભાજીની લારી ચલાવે છે. ત્યારે વર્ષ 2022માં ગોત્રી શિવાલય હાઇટ્સમાં રહેતા સાહિલ નવલકિશોર અગ્રવાલ સાથે મિત્રતા થઈ હતી. પ્રકાશે સાહિલ પાસેથી કુલ રૂ.3.12 લાખ લીધા હતા. તેને સામે વ્યાજ પેટે રૂ.60,255 બળજબરીથી કઢાવી વ્યાજ સાથે રૂ.3.68 લાખની વસુલી કરી લીધી હતી. ત્યારબાદ પણ સાહિલ વ્યાજની માગણી કરી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સાહિલ પાસે નાણા ધીરધાર કરવાનું લાયસન્સ ન હોવા છતાં તે વ્યાજે રૂપિયા આપતો હતો. ત્યારે પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:24 am

હુમલો:રાંધેજામાં ‘તું મારી નહિ તો કોઇની નહિ’ પૂર્વ પ્રેમીએ વિધવા પ્રેમિકાને ચપ્પું હુલાવ્યું

રાંધેજામાં રહેતી વિધવા મહિલાએ તેના બાળકોને ટ્યુશન લેવા મુકવા માટે ગામના એક યુવકની રીક્ષાનો ઉપયોગ કરી હતી. રિક્ષા ચાલક બાળકોને ટ્યૂશન સુધી મુકી આવતો હતો. તે સમયે વિધવા મહિલા બાળકોને રિક્ષામાં મૂકવા સાથે જતી હતી. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. પરંતુ મહિલાએ રિક્ષા ચાલક સાથે પ્રેમ સંબંધ તોડી નાખતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાના પેટમાં ચપ્પુ મારી દીધુ હતુ. જેથી પેથાપુર પોલીસ મથકમાં આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. રાંધેજામાં રહેતી મહિલાના પતિનુ પાંચ વર્ષ પહેલા અવસાન થઇ ગયુ હતુ. ત્યારે બાળકોને ટ્યુશન મુકવા માટે ગામમાં રહેતા રોહિત રાવળની રિક્ષા નક્કી કરી હતી. આ સમયે માતા પણ બાળકો સાથે ટ્યૂશન મૂકવા જતી હતી. જેથી રિક્ષાચાલક સાથે પ્રેમ થઇ ગયો હતો. અભ્યાસ કરતા બાળકો મોટા થઇ જતા મહિલાએ રિક્ષાચાલક સાથેના પ્રેમ સંબંધનો અંત આણ્યો હતો. ગત રોજ મહિલા નોકરી ઉપરથી ઘરે જઇ રહી હતી. તે સમયે રિક્ષાચાલક રોહિત મહિલા પાસે આવ્યો હતો અને પ્રેમ સંબંધ ચાલુ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. પરંતુ મહિલાએ સંબંધ ચાલુ રાખવાની ઘસીને ના પાડી દીધી હતી.જેથી યુવકે કહ્યુ કે તું મારી સાથે સંબંધ નહિ રાખે તો હું તને શાંતિથી જીવવા નહિ દઉ કહીને તેના ખિસ્સામાં રહેલુ ચપ્પુ મહિલાના પેટ ઉપર મારી દીધુ હતું. મહિલાએ બુમરાણ રકતા લોકો દોડી હતા જેથી આરોપી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:24 am

અકસ્માત:ડોર-ટુ-ડોર કચરા ગાડીના ચાલકે પેપર વિતરકને અડફેટે લઈને ઢસડતાં ઘાયલ

પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીએ પેપર વિકતકને ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલ બહાર અડફેટે લઈને ઘસેડ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, શહેરમાં ડોર-ટુ-ડોર ગાડીઓને કારણે ઘણા અકસ્માતોની ઘટના બની ચૂકી છે. શહેરમાં પાલિકાની ડોર-ટુ-ડોરની ગાડીઓ કચરો લેવા માટે ફરતી રહેતી હોય છે, પણ ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં આ ગાડીઓ દ્વારા અકસ્માત થયા હોય અને વાહનચાલક-રાહદારીઓને ઈજા પહોંચી હોય. આવો ફરીએક કિસ્સો શનિવારે બન્યો હતો. ગોત્રી વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં રહેતા 46 વર્ષીય અમીતભાઈ પંડ્યા પેપર વીતરક તરીકે કામ કરતા હતા. ઉપરાંત ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં વોર્ડ બોય તરીકે કામ કરે છે. શનિવારે તેઓ હોસ્પિટલમાંથી પોતાની ફરજ પૂરી કરીને તેના ઘરે મોપેડ પર જઈ રહ્યા હતા. ત્યારે ગોરવા આઇટીઆઈ તરફથી ડોર-ટુ-ડોરની પૂર ઝડપે આવી હતી અને અમીતભાઈને અડફેટે લઈને તેઓને ઘસેડ્યા હતા. જેના કારણે તેઓને છાતીના ભાગે અને જમણા હાથમાં ઈજા પહોંચી હતી. ડોર-ટુ-ડોરનો ડ્રાઈવર ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં આસપાસના લોકોના ટોળા વળી ગયા હતા અને તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જેથી આ બાબતે અમીતભાઈએ સમગ્ર ઘટના બાબતે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે વડસર ઝુપડપટ્ટીમાં રહેતા સુકિયા માનસિંગ ડામોરની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારો એક જ કમાનાર દીકરો છે, પાલિકાએ વળતર આપવું જોઈએહું નિવૃત્ત થયેલો છું. મારા નાના દીકરાનું મૃત્યું થયું છે અમારો આખુ ઘર અમીત પર ચાલે છે. હોસ્પિટલમાંથી લાખો રૂપિયાનું બીલ આપી દેવામાં આવ્યું છે. તો પણ હોસ્પિટલ વાળા એવુ કહે છે કે, ખર્ચો વધી શકે છે. હજૂ હાથનુ મુખ્ય ઓપરેશન બાકી છે. એટલે કેટલું બિલ થશે અમને ખબર નથી. અમને પાલિકા તરફથી વળતર મળવું જોઈએ. મારુ એવુ કોઈ ખાસ પેન્શન પણ નથી આવતું. અમારા ઘરનો આધાર જ અમીત છે. હાથ ઉપર ગંભીર ઈજા થતાં ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિઅકસ્માતમાં અમિતભાઈના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે હાથનું મેજર ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમિતભાઈના પરિવારમાં તેમની પત્ની અને માતા-પિતા છે. છેલ્લા 3 દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:24 am

ફરિયાદ:પીડીપીયુ બ્રિજ પર અસામાજિક તત્ત્વોએ યુવકને માર માર્યો

પીડીપીયુ બ્રિજ ઉપર વહેલી સવારે ઓડી કાર લઇને નિકોલથી આવેલા યુવક ઉપર બે ફોર્ચ્યુનર કારમાં આવેલા લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. યુવક તેના મિત્રો સાથે ઓડી કાર લઇને આવ્યો હતો. તે સમયે પહેલા એક ફોર્ચ્યુનર કાર આવી હતી અને કાર રોકાવી હતી. બાદમાં કહેવા લાગ્યો હતો કે, આ કાર કોની છે ? જેથી યુવકે મારી કાર હોવાનુ કહેતા ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી કરી હતી. આ બનાવ બાદ યુવકે મારામારી કરનાર આરોપીઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. અનિષ નરેશભાઇ રાજપરા (રહે, નિકોલ, અમદાવાદ) વેપાર કરે છે. ત્યારે ગત મોડી રાતે તેના મિત્રો મહિપાલસિંહ, માનવ, સશાંક મહિપાલસિંહની ઓડી કારમાં નંબર ચાર મિત્રો નિકોલથી નિકળ્યા હતા અને કાર માનવ ચલાવતો હતો. સવારના આશરે 4 કલાકે પીડીપીયુ બ્રિજ પાસે આવ્યા હતા તે દરમિયાન રોડ ઉપર એક ફોર્ચ્યુનર કાર આવી હતી અને તેમાંથી એક વ્યક્તિ કહેવા લાગ્યો હતો કે, આ કાર કોની છે ? જેથી કારમાં બેઠેલા મહિપાલસિંહે કહ્યું હતું કે, કાર મારી છે. એકનો એક સવાલ કરતા જવાબ એક જ અપાતા ઉશ્કેરાઇ ગયો હતો અને મહિપાલસિંહ સાથે મારામારી કરવા લાગ્યો હતો. જેથી ઓડીમાં બેઠેલા મિત્રો બચાવવા નીચે ઉતરતા ફોર્ચ્યુનર કારમાંથી અન્ય લોકો લાકડી લઇને ઉતર્યા અને બીજી ફોર્ચ્યુનર કાર આવી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો ઉતર્યા હતા અને તેઓ પણ મારામારી કરવા લાગ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:24 am

ફરિયાદ:સેક્ટર 21 પોલીસ મથકમાં એક હોમગાર્ડે બીજા ઉપર હુમલો કર્યો

શહેરના સેક્ટર 21 પોલીસ મથકમાં નોકરી ઉપર ગયેલા બે હોમગાર્ડ રૂપિયાની લેવડ દેવડ બાબતે ઝગડ્યા હતા. ફોટોગ્રાફીનો ઓર્ડર કરનાર હોમગાર્ડ દ્વારા 10 હજાર રૂપિયા લેવાના નિકળતા હતા. જ્યારે ઓર્ડર આપનાર ગાર્ડે ફોટા માંગતા રૂપિયા માગવામાં આવ્યા હતા. આ બાબતે હોમગાર્ડ ઉશ્કેરાઇ ગયો હતો અને રૂપિયા માંગનાર હોમગાર્ડ ઉપર હુમલો કરવામાં આવતા બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. શહેરના સેક્ટર 24માં રહેતો ધર્મેન્દ્ર સોલંકી અને નિલેશ પ્રજાપતિ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. ત્યારે નિલેશ પ્રજાપતિ ફોટોગ્રાફીનો ધંધો કરતો હોવાથી આશરે છ મહિના પહેલા ધર્મેન્દ્રની બહેનના લગ્ન હતા, તેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જ્યારે લગ્ન થઇ ગયા બાદ ધર્મેન્દ્ર દ્વારા ફોટાની માગણી કરવામાં આવી હતી. જેથી નિલેશએ બાકી નિકળતા 10 હજારની માગણી કરી હતી. રૂપિયા આપ્યા બાદ ફોટા આપવાની વાત કરતા ધર્મેન્દ્ર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. ગત રોજ સોમવારે રાતના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં નોકરી ઉપર બંને આવ્યા હતા. તે સમયે ફોટા બાબતે વાત કરવામાં આવતા બાકીના રૂપિયાની માંગ કરતા ઉશ્કેરાઇ જઇ સેક્ટર 21 પોલીસ મથકમાં જ મારામારી કરી હતી. ધર્મેન્દ્રએ લાફા માર્યા હતા. જેમાં બાઇક ઉપર બેઠેલો નિલેશ નીચે પડી જતા તેની ઉપર બાઇક પડ્યું હતું અને બાદમાં ધર્મેન્દ્ર પાસે રહેલી લાઠીથી ગળુ દબાવ્યુ હતું અને માથામાં માર માર્યો હતો. જેમાં શરીરે અને માથામાં ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં નિલેશની સિવિલમાં સારવાર કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઇ પોલીસ ચોપડે નોંધ પડી નથી.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:23 am

સ્થાનિકોમાં નારાજગી:પીંપળજ ગામના માર્ગો અતિશય બિસમાર હાલતમાં, ગ્રામજનોને ભંગાર માર્ગથી હાલાકી

છેલ્લા બાર માસથી પીંપળજ ગામના માર્ગમાં ખાડાઓએ સામ્રાજ્ય સ્થાપતા ગ્રામજનોને રોડ ઉપર વાહન ચલાવીએ છીએ ખાડામાં તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે પીંપળજ ગામના રોડનું પેવરકામ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માગણી ઉઠી રહી છે. ઉબડખાબડ બનેલા માર્ગને પગલે ગ્રામજનોને પોતાના વાહનો લઇને પસાર થતાં કમરના મણકાના દુ:ખાવો ઉપડે તેવી સ્થિતિ બની જવા પામી છે. ત્યારે પીપળજ ગામના રોડનું પેવર કામ કરવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની હદથી માંડ 5 કિમી દૂર આવેલા પીપળજ ગામના રોડની હાલત ભંગાર બની જવાથી ગ્રામજનો પોતાના વાહનોને રોડ ઉપર હંકારે છે કે પછી ખાડામાં હંકારી રહ્યા છે તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. ગામના માર્ગ ઉપર નાના મોટા એટલા ખાડા પડી ગયા છે કે વાહન લઇને પસાર થતાં ગ્રામજનોને કમરના મણકાના દુખાવા થવાના કિસ્સા બની રહ્યા હોવાનું ગ્રામજનોએ મોબાઇલ ઉપર જણાવ્યું છે. ગામના કમર તોડ રોડને કારણે હોસ્પિટલ માટે લઇ જતા દર્દીઓ કે સગર્ભા મહિલાને લઇ જતા તેમની તબિયત વધારે બગડે તેવી સ્થિતિ બની જવાની શક્યતા રહેલી છે. ત્યારે સમગ્ર રાજ્યનું જ્યાંથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેવા ગાંધીનગરથી માંડ પાંચ કિમીના દુરના અંતરે આવેલા પીપળજ ગામના રોડની આવી હાલત હોય તો પછી અન્ય ગામોની હાલત વિશે પૂછવું જ શું રહ્યું તેવા સૂર ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. જોકે હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી પીંપળજ ગામના માર્ગનું પેવેર કામ કરવું શક્ય નથી. પરંતુ રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓમાં પુરાણ કરીને રોડને સરખો બનાવવામાં આવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:23 am

સરપંચ અને સદસ્યોમાં ઉત્સાહ:જિલ્લાની 110 ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ માટેની પ્રથમ બેઠકનો ધમધમાટ

જિલ્લાની 110 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે હવે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સહિતના સભ્યોની પ્રથમ બેઠક 10મી, જુલાઇ અને 11મી, જુલાઇના રોજ યોજવામાં આવનાર છે. તેમાં ડેપ્યુટી સરપંચની વરણી કરવા સહિતના ગામના વિકાસને લઇને નવા નિર્ણયો લેવાની સાથે સાથે બે વર્ષથી નહીં વપરાયેલી ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી તેવા કામોને મંજૂરી સહિતની કામગીરીઓ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. ત્યારે હાલમાં ડેપ્યુટી સરપંચની પસંદગીને લઇને સદસ્યોમાં લોબિંગ શરૂ થઇ ગયું છે. જ્યારે અમુક ગામોની ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ નહીં બનવા માટે સભ્યોની માગણી કરી રહ્યા છે. છેલ્લા બે કે તેનાથી ઓછા વર્ષથી ગ્રામ પંચાયતોની અટકેલી સામાન્ય ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થતાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતનું માળખું કાર્યરત કરવા માટે અને ડેપ્યુટી સરપંચ સહિતની વરણી કરવા માટે ગ્રામ પંચાયતોમાં 10મી, અને તારીખ 11મી, જુલાઇના રોજ પ્રથમ બેઠક યોજવાનો આદેશ વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીશ, આંકડા મદદનીશની અધ્યક્ષતામાં અને તલાટી કમ મંત્રીની હાજરીમાં પ્રથમ બેઠક યોજવામાં આવનાર છે. તેમાં ડેપ્યુટી સરપંચ બનવા માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. જેમાં પેનલ બનાવવામાં આવી રહી હોવાથી સરપંચના પસંદગીના સભ્યને ડેપ્યુટી સરપંચ બનાવવા માટે મથામણની વચ્ચે અમુક ગામોમાં સભ્યોને હાજર રહે તે માટે ગાયબ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે અમુક ગામોમાં ડેપ્યુટી સરપંચનો દાવેદાર સભ્ય ગેરહાજર રહે તેવા કારસો ઘડાઇ રહ્યો છે. ત્યારે તેની વચ્ચે કલોલ તાલુકાના મોખાસણ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ બન્યા છે. ત્યારે ડેપ્યુટી સરપંચ માટે સભ્ય તરીકે ચુંટાયેલા કીર્તિબેન અનિકભાઇ પટેલને ડેપ્યુટી સરપંચ બનાવવા ચૂંટાયેલા સરપંચ સહિતના સભ્યો દબાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયતની પલિયડ સીટના સદસ્ય અનિલ પટેલના ધર્મપત્ની હોવાથી તેઓ પોતાની પત્નીને ડેપ્યુટી સરપંચ બનાવવા તૈયાર નથી. પરંતુ ચૂંટાયેલા અન્ય સભ્યોને ડેપ્યુટી સરપંચનું પદ આપવાની તેમની માંગણી છે. વધુમાં તેઓ ગામના વિકાસમાં આર્થિક, સામાજિક સહિત દરેક ક્ષેત્રે સહયોગ આપવા તૈયાર હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલે જણાવ્યું છે. જિલ્લાની 110 ગ્રામ પંચાયતોમાં ચાલુ સપ્તાહથી જ સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતની બોડી મળી જવાથી સુષુપ્ત બનેલા ગામના વિકાસમાં વેગ આવશે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:22 am

કાર્યવાહી:ચોમાસામાં જોખમી જણાતી 10 જેટલી બાંધકામ સાઇટો બંધ કરાવામાં આવી

ચોમાસા દરમિયાન બાંધકામ સાઇટો પર કે જ્યાં બેઝમેન્ટનું કામ ચાલું હોય ત્યાં માટી ધસી પડવાના કે પાણી ભરાઇ જવાથી અકસ્માતના બનાવ બનતાં અને જાનમાલનું નુકસાન થતું અટકાવવા માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા બેઝમેન્ટ ધરાવતી બાંધકામ સાઇટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જોખમી જણાયેલી 10 જેટલી બેઝમેન્ટ સાથેની બાંધકામ સાઇટ પર કામ બંધ કરાવવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુને ધ્યાનમામાં રાખી ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા બેઝમેન્ટનું બાંધકામ ચાલુ હોય તેવી સાઇટની વિઝિટ શરૂ કરવામાં આવી છે. સ્થળ પર રૂબરૂ તપાસ કરી બેઝમેન્‍ટ બાંધકામની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી સાવચેતી રાખવાના ઉપાય ડેવલપર્સ દ્વારા કરવામાં આવ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે જરૂરી સૂચના પણ આપવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જોખમી જણાયેલી 10 સાઇટો પર તકેદારીના ભાગરૂપે કામગીરી સ્થગિત કરાવવામાં આવી છે જ્યારે જરૂરી તકેદારી રાખવા માટે 33 જેટલી સાઇટને નોટીસ ફટકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jul 2025 4:21 am