આણંદ જિલ્લાના ખંભાત ગામમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતાં અનવરહુસેન હુસેનમીયા મલેકની પુત્રી અને ભત્રીજો ગામમાં જ આવેલ એસ.બી વકીલ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. અનવરહુસેન ગતરોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાની પુત્રી અને ભત્રીજાને સ્કૂલે મુકવા ગયાં હતાં. તે વખતે શાળામાં પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. જેથી સ્કૂલના સંચાલકોએ અનવરહુસેનની પુત્રી અને ભત્રીજાને વર્ગખંડમાં પ્રવેશવા દીધા ન હતા અને મોડા આવનાર અન્ય વિદ્યાર્થીઓ સાથે આ બંનેને પણ કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હતાં. પોતાના બાળકોને બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હોવા અંગેની જાણ અનવરહુસેનને થતા તેઓ સ્કૂલે ગયા હતા અને પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના સંચાલકોને આવું ન કરવા જણાવ્યું હતું. દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ એકાએક ઉશ્કેરાઈ જઈ ગમેતેમ બોલવા લાગ્યાં હતાં. જેથી અનવરહુસેનએ પોતાનો મોબાઈલ કાઢી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યારે પ્રિન્સિપાલે અનવરહુસેનનો મોબાઈલ છીનવી લીધો હતો અને હવે તારી છોકરી-ભત્રીજાનું શું થાય છે તે જોઈ લેજે તેવી ધમકીઓ આપી હતી. આ અંગે અનવરહુસેન અને તેમના પરિવારજનો આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. પ્રિન્સિપાલે અભદ્ર વર્તન કરી મારો મોબાઇલ લઈ લીધો:વાલીઆ અંગે અનવરહુસેન જણાવે છે કે, મારી પુત્રી અને ભત્રીજો આજે સ્કૂલમાં થોડા મોડા પહોંચ્યાં, તો પ્રિન્સિપાલ મંજરીબેન નિખિલ ગોરડીયાએ તેઓને 17 ડિગ્રી ઠંડીમાં આખો દિવસ ક્લાસની બહાર ખુલ્લી જગ્યામાં બેસાડી રાખ્યાં. આ બાબતે હું મેડમને રજૂઆત કરવા ગયો હતો તેઓએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું અને મારો મોબાઇલ પણ લઈ લીધો. શોકોઝ નોટીસ આપવામાં આવી છે:જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઆ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અર્ચનાબેન પ્રજાપતિ જણાવે છે કે, આ અંગેની રજૂઆત સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તે શાળાની મુલાકાત લીધી છે. આ બાબતે શોકોઝ નોટીસ આપી દેવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં પણ લેવામાં આવશે. ઠંડીમાં બાળકોને આવી રીતે બહાર બેસાડી રાખવા તે યોગ્ય નથી.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ - ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
અંજારમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી:વીજ ચોરી, હથિયારધારા, NDPS કેસમાં કડક પગલાં લેવાયા
અંજાર પોલીસે છેલ્લા 30 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આવા ઈસમોની યાદી તૈયાર કરીને તેમના ડોઝિયર્સ ભર્યા છે અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, અંજાર પોલીસ વિભાગે હથિયારધારા, એન.ડી.પી.એસ. એક્ટ, બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક અને આશ્રય સ્થાનોની તપાસ કરી હતી. તેમની નોકરી, ધંધો અને અન્ય પ્રવૃત્તિઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, વિજય કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. પી.જી.વી.સી.એલ. ટીમ સાથે રાખીને આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને રૂપિયા 20,10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે, રામ કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના મકાનમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયું હતું. પી.જી.વી.સી.એલ. ટીમની મદદથી વીજ કનેક્શન કાપીને રૂપિયા 10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારધારાના 10 કેસ અને એન.ડી.પી.એસ. એક્ટના 10 ગુના સહિત બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારાના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને રૂબરૂ ચેક કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને અંજાર પોલીસ કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.
જામનગરમાં દુષ્કર્મના આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદીની તાત્કાલિક ધરપકડ કરવા, તેમનું હથિયાર લાયસન્સ રદ કરવા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવા પીડિતાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી છે. આ કેસ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિતાની અરજી મુજબ વિશાલ મોદી પ્રોપર્ટી બતાવવાના બહાને પીડિતાને જામનગરના આર્યભગવતી વીક એન્ડ વિલામાં લઈ ગયા હતા. ત્યાં તેમને કેફી પીણું પીવડાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મની અંગત પળોના ફોટા અને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના આધારે આરોપી વિશાલ મોદીએ ભોગ બનનાર સાથે સતત બે વર્ષ સુધી અનેક વખત શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ધરપકડથી બચવા નાસતા-ફરતા આરોપી વિશાલ મોદીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે નામદાર કોર્ટે નામંજૂર કરી છે. આરોપી હજુ પણ નાસતો-ફરતો છે અને પોલીસે તેની ધરપકડ કરી નથી. પીડિતાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આરોપી ગન ધરાવે છે અને કમરે હથિયાર લટકાવીને જાહેરમાં ફરે છે. ફરિયાદમાં આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે. પીડિતાએ ભય વ્યક્ત કર્યો છે કે જો આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો પીડિતા અને તેના પરિવારની જાનની સલામતી નથી. તેથી, જો આરોપી પાસે ગનનું લાયસન્સ હોય તો તે તાત્કાલિક અસરથી રદ કરવા અને જો લાયસન્સ ન હોય તો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા પીડિતાએ લેખિતમાં માંગ કરી છે.
માથાકૂટમાં પથ્થરમારાથી યુવકનું મોત:ભાવનગરમાં બે શખ્સોના ઝઘડામાં નિર્દોષ વસીમભાઈને ઈજા થતાં મૃત્યુ
ત્રણ દિવસ પહેલા શહેરના વડવા નેરા પાસે બે શખ્સો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન પથ્થરમારામાં નિર્દોષ યુવક વસીમભાઈ ઝાકાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત મોડીરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ગુન્હો હત્યામાં પરિણમ્યો હતો, આ બનાવ અંગે નીલમબાગ પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી ફેઝલ રઝાકભાઈ ઝાકા ઉ.વ.25, રહે.વડવા નેરા, ભાવનગર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16 નવેમ્બરની રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમના ભાઈ વસીમ વડવા નેરાથી વિજય ટોકીઝ તરફ ચાલીને જઈ રહ્યા હતા. બાવાગોર ચોક અને વડવા નેરા વચ્ચે અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઈ મકવા અને અલબક્ષ ઉર્ફે અબો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન અદનાન ઉર્ફે બાદશાહે શેરીમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવીને ફેંક્યો હતો. આ પથ્થર સીધો વસીમના માથામાં વાગ્યો હતો, જેના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા હતા અને તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસના લોકો ભેગા થતાં શહેઝાદ ઝાંકા અને નદીમ ઝાકા તેમને મોટરસાયકલ પર સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. સરકારી દવાખાનામાં વસીમની ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ તેમને જૂના બિલ્ડીંગના બીજા માળે આવેલા ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે તેમને મેરૂ નર્સિંગ હોમ હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવ્યા. ત્યારબાદ 18 નવેમ્બર 2025ના રોજ સાંજે તેમને બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 19 નવેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે ફરજ પરના ડોકટરે વસીમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદી ફેઝલભાઈએ જણાવ્યું કે, શરૂઆતમાં ઈજાના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ ભાઈના અવસાન બાદ આજે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડની યુવતીને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહીને વડોદરામાં ઓફિસ ધરાવતા એજન્ટ રૂ. 9.80 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા બનાવી નહી આપતા તેની પાસે રૂપિયાની માગણી કરતા માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના રૂ. 8.25 લાખ આજ દિન સુધી પરત નહી આપતા તેના વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોધાવવામાં આવી છે. વર્ક પરમિટ વિઝા માટે પૈસા લીધા પણ બનાવી ન આપ્યાવલસાડના જેસપોર ગામે રહેતા જીનલબેન ગણપતભાઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, વર્ષ 2024મા મારે સિંગાપોર ખાતે નોકરી અર્થે જવું હોય તેની વાત મે મારા બોસ હસમુખ જીવરાજભાઈ વોરાને કરી હતી. ત્યારે તેઓને જાણવા મળ્યું હતુ કે, વડોદરાના માંજલપુર ખાતે ઓફિસ ધરાવતો મિલીન પટેલ વિદેશ જવાના વિઝાનુ કામ કરે છે. જેની જાણ મારા બોસ હસમુખભાઇએ મને કરી હતી. હું, મારા બોસ હસમુખભાઈ વોરા, ખુશ્બુબેન ગીરીશભાઈ પટેલ તથા તેમના પતિ હિતેશભાઈ નાઈક માંજલપુર વિસ્તારમાં આવેલા શ્લોક કોમ્પલેક્ષની શિવાય ઓવરસિસના માલિક મિલીનકુમાર ઇન્દ્રવદન પટેલ મળ્યાં હતા અને અમારે સિંગાપુરના વર્ક પરમીટ વિઝા કઢાવી આપવા બાબતે વાત કરી હતી, ત્યારે મારા અને ખુશ્બુબેનના વિઝાના એક જણના રૂ.5.50 લાખ લેખે રૂ.11 લાખ થશે તેમ કહ્યું હતું. જેમાં હિતેશભાઈ રણજીતભાઈ નાઇક વિઝા ફ્રીમાં થઈ જશે અને તેમને રૂ.50 હજાર જ આપવા પડશે અને પૈસા આપ્યા બાદ તમારું કામ એક અઠવાડીયામાં પુરૂ કરી આપવાનો વાયદો કર્યો હતો. જેથી અમે તેની વાતમાં આવી ગયા હતા અને રૂ. 1.95 લાખ મિલીન પટેલને ઓનલાઇન મોકલ્યાં હતા. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીત્યારબાદ મિલીન પટેલે સિંગાપોરના વર્ક પરમીટ વિઝાનું કામ એક અઠવાડીયામાં કરી આપીશ તેમ જણાવ્યું હોવા છતા કામ કરી આપ્યું ન હતું. જેથી આ બાબતે વાત કરતા મિલીન પટેલ તમારા બાકીના રૂપિયા મોકલી આપો તો હું તમારું કામ પતાવી આપુ તેમ જણાવતા હસમુખભાઇ વોરાએ મિલીનકુમાર ઇન્દ્રવદનભાઈ પટેલને રૂ. 9.80 લાખ ચુકવી દીધા હતા હોવા છતાં તેણે કોઇ વિઝા બનાવી આપ્યા ન હતા. જેથી તેની પાસે રૂપિયા પરત માગતા તેણે માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યાં હતા. જ્યારે બાકીના રૂ.8.25 લાખ મને પરત આપ્યા નથી અને સિંગાપોરના વિઝા પણ નહી બનાવી આપી મારી સાથે છેતરપીંડી આચરી છે. જેથી માંજલપુર પોલીસે મિલીન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં એક નવું મોર પિચ્છ ઉમેરાયું છે. દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ભારત સરકાર દ્વારા ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત કરવામાં આવ્યું છે. આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27 ટકા ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન આપવામાં આવ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર શિયાવાડાએ રાષ્ટ્રીય કક્ષાના આ મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા કુલ 92.27 % ગુણ પ્રાપ્ત કર્યા છે. ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમે ગત 27 ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રની કામગીરીનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. શિયાવાડા કેન્દ્રની કામગીરીનું ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS, એનસીડી (NCD - બિનચેપી રોગો) તથા અન્ય એમ કુલ 12 પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજમાં સુક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રને આ સફળતા મળી છે. શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થવા બદલ કેન્દ્ર સરકાર તરફથી આગામી ત્રણ વર્ષ માટે રૂપિયા 2 લાખ 18 હજારની ગ્રાન્ટ મળવા પાત્ર થશે. આ ગ્રાન્ટ કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સતત જાળવી રાખવામાં મદદરૂપ થશે.કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ. અંતર્ગત દેશભરના આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે. શિયાવાડા પેટા કેન્દ્રને આ માન્યતા મળતા ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય આરોગ્ય માળખા માટે ગૌરવની લાગણી જન્મી છે.
મોરબીના આંદરણામાં સરપંચ સહિત 200 AAPમાં જોડાયા:ભાજપ ધારાસભ્યની નીતિથી નારાજ થઈ સામૂહિક પક્ષપલટો
મોરબી જિલ્લાના આંદરણા ગામમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ગામના સરપંચ, ઉપસરપંચ સહિત 200 જેટલા યુવાનોએ ભાજપ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં પ્રવેશ કર્યો છે. સ્થાનિક ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવામાં આવ્યો છે. આ ઘટના આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગામડાઓમાં કરવામાં આવી રહેલા પ્રવાસ દરમિયાન બની હતી. આંદરણા ગામે યોજાયેલી AAPની સભામાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સભામાં જ સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ 200 જેટલા યુવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા અને મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. AAPના આગેવાનો દ્વારા ગ્રામજનો સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગામના આગેવાનોએ જણાવ્યું કે, કેનાલની જમીન માટે કપાત, રોડ-રસ્તાની સમસ્યાઓ અને ગામનું તળાવ ભરવા સહિતના અનેક પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આમાંથી એક પણ કામ થયું નથી. આથી, ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની કાર્યપદ્ધતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગોધરા પાસે ઈકો કારમાં આગ:પાનમ બ્રિજ નજીકની આખી ગાડી ભડભડ સળગવા લાગી; 5 મુસાફરનો આબાદ બચાવ થયો
ગોધરા નજીક પાનમ બ્રિજ પાસે એક ચાલુ ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સંતરોડથી ગોધરા તરફ જઈ રહેલી આ કારમાં સવાર પાંચ મુસાફરનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોધરા-દાહોદ રોડ પર સંતરોડથી ગોધરા તરફ જતી વખતે બની હતી. પાનમ નદીના બ્રિજ પાસે પહોંચતા જ કોઈ અજાણ્યા કારણોસર ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ગાડી ભડભડ સળગવા લાગી હતી. ગાડીમાં આગ લાગતા જ અંદર બેઠેલા ચારથી પાંચ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ડ્રાઈવર અને મુસાફરોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતરી જતા તમામનો જીવ બચી ગયો હતો. જાહેર માર્ગ પર ગાડી સળગતી જોઈ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ રોડ સેફ્ટીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે અને અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે રોડ સેફ્ટીની ટીમે બ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરાવી ટ્રાફિકનું નિયમન કર્યું હતું.
ભરૂચમાં લઘુત્તમ તાપમાન 18°C નોંધાયું:વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પ્રભાવ અનુભવાઈ રહ્યો છે. આજે સવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઠંડીના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. જોકે, બપોરના સમયે ઠંડીનું પ્રમાણ ઘટતા વાતાવરણ સામાન્ય બન્યું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે આગાહી કરી છે કે મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, વધતી પવન ગતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે ખેતી પાકમાં દવાનો છંટકાવ પવનની ગતિ ઓછી થાય ત્યારે જ કરવો, જેથી દવાનો અસરકારક ઉપયોગ થઈ શકે.
કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું:સતત પાંચમા દિવસે રાજ્યનું શીત મથક બન્યું
કચ્છમાં શિયાળો ધીમે ધીમે તેની પકડ જમાવી રહ્યો છે. નલિયા સતત પાંચમા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું છે, જ્યાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. જિલ્લામાં ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ રહ્યો છે, જેના પગલે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. નલિયામાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વાતાવરણમાં વિષમતા દર્શાવે છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતાં લોકો પંખા અને એસીનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 14.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. શહેરીજનો સાંજ ઢળતાં જ ઠંડીનો વિશેષ અનુભવ કરી રહ્યા છે. અંજાર અને ગાંધીધામમાં પણ લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં હાલ ક્યાંક ઠંડી તો કોઈ સ્થળે બપોરના સમયે તીવ્ર તાપનો અનુભવ થઈ રહ્યો છે.
પાટણ શહેરના જુના ગંજ બજારથી નીલમ સિનેમા રોડ પર આવેલી ચોઇસ ટેલર નામની દુકાનમાં આજે સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનમાં રહેલો સિલાઈ મશીન અને અન્ય સરસામાન બળી જતાં અંદાજે ₹50,000થી વધુનું નુકસાન થયું હતું. સવારના સમયે બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા હોવાનું પાડોશીઓના ધ્યાને આવ્યું હતું. તેમણે તાત્કાલિક દુકાન માલિક જિબેર સૈયદને જાણ કરી હતી, જેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગને કારણે દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ પાટણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી તેના પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ભૂરા સૈયદ અને યાસીન મિર્ઝા સહિતના સ્થાનિક નાગરિકોએ પણ રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
જૂનાગઢના રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે મોરબીમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજકીય આગેવાનો, કલેક્ટર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યાત્રા મોરબીના સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈને મણીમંદિર સુધી યોજાઈ હતી. મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર અને કૌશલ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સનાળા રોડ પરની સરદાર પટેલની પ્રતિમા પાસેથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે જય સરદારના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ તકે જણાવ્યું હતું કે, દેશના 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન હતું, જેના કારણે તેઓને 'લોખંડી પુરુષ' તરીકે ઓળખવામાં આવે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના નિર્માણ માટે જે ફાળો એકત્ર કરાયો હતો, તેમાં મોરબીના ઉદ્યોગકારોએ નરેન્દ્ર મોદીની ચાંદીથી તુલા કરી હતી તે ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મોરબી માટે ગર્વની વાત છે.
સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર (ઉંમર 82 વર્ષ)ની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા સગાં-સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરુપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. ઠગાઈની સમગ્ર વિગત: બોગસ પાવર ઓફ એટર્નીથી 2.92 કરોડની લોનકેસની વિગત અનુસાર, આરોપી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઈકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલી કાયદાકીય લડાઈધરપકડના ડરથી કનૈયા કોન્ટ્રાક્ટરે સૌપ્રથમ સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, મૂળ ફરિયાદી તરફે વકીલ મનવી પટેલની ધારદાર દલીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.ત્યારબાદ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ તેમની આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને 6 અઠવાડિયાનો સમય આપીને બે મુખ્ય નિર્દેશો કર્યા હતા * બોગસ ડોક્યુમેન્ટ્સથી મેળવેલી લોનની સંપૂર્ણ ભરપાઈ કરવી.* બનાવેલા બોગસ દસ્તાવેજો મૂળ ફરિયાદીને પરત કરવા. સુપ્રીમના આદેશનું અનાદર રાહત રદ્દસુપ્રીમ કોર્ટના આદેશ બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ ડોક્યુમેન્ટ્સ પરત આપ્યા ન હતા. આ અંગે મૂળ ફરિયાદીએ ફરીવાર સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરીને આરોપીની દસ્તાવેજો પરત ન આપવાની ગુનાહિત માનસિકતા રજૂ કરી હતી. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી અને વચગાળાનું રક્ષણ પણ પરત ખેંચી લેવાયું હતું. સાથે જ, અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા, સુરત ઈકો સેલે તાત્કાલિક કાર્યવાહી કરીને SDCAના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
ભાવનગર શહેરના સુભાષનગર ચોક પાસે મોડી રાત્રે પાંચ શખ્સોએ રીક્ષા ચાલક પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે રીક્ષા ચાલક ની પત્નીએ ઘોઘા રોડ પોલીસ મથકે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઉર્મિલાબેન જીગ્નેશભાઈ રાઠોડ રહે.સુભાષનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, ભાવનગર એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ જીગ્નેશ પ્રવીણભાઈ રાઠોડ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે તા.19/11/2025 ના રોજ તેમના ફ્લેટમાં રહેતા રવિ અને આકાશે તેમના ઘર બહાર રાખેલા ફૂલછોડના કુંડા તોડી નાખ્યા હતા. આ બાબતે ઠપકો આપતા બપોરે 3:30 વાગ્યા આસપાસ રવિ અને આકાશે ઉર્મિલાબેન, તેમના માતા ભાવનાબેન અને ભાઈ રોહિત સાથે મારામારી કરી હતી, જેમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી અને સર ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ સાંજે 8:30 વાગ્યે સારવાર કરાવી ઉર્મિલાબેન, તેમના પતિ જીગ્નેશભાઈ, ભાઈ રોહિત અને માતા ભાવનાબેન સુભાષનગર ભગવાનેશ્વર મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યાં રોડ પર હાજર આકાશ અને રવિએ તેમને રોકી ગાળો આપવાનું શરૂ કર્યું. ગાળો દેવાની ના પાડતા આકાશે લોખંડના પાઇપ વડે જીગ્નેશભાઈના માથામાં ઘા માર્યો હતો. તે જ સમયે, રવિએ છરી વડે જીગ્નેશભાઈની પીઠના ભાગે હુમલો કર્યો. આ ઉપરાંત, રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર અને રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. રોહનના હાથમાં પણ છરી હતી, જેનો એક ઘા તેણે જીગ્નેશભાઈની પીઠમાં માર્યો. રોહિત ઉર્ફે ભોટી અને રોનકના હાથમાં લાકડાના ધોકા હતા, જેના વડે તેઓએ જીગ્નેશભાઈને માર માર્યો હતો. ઉર્મિલાબેન અને તેમના ભાઈ રોહિત વચ્ચે પડતા તેમને પણ મુંઢમાર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે જો તેઓ માથાકૂટ કરશે તો જાનથી મારી નાખશે. આ ઝપાઝપીમાં રોહિતનો ચાંદીનો ચેન પણ પડી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ જીગ્નેશભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે જ્યાં ટાંકા લેવામાં આવ્યા છે, અને પીઠના ભાગે પણ ગંભીર ઈજા થતાં ડોકટરોએ ઓપરેશન કરવાનું જણાવ્યું છે અને તેમને એસ.આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ઉર્મિલાબેને રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર, રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમાર, રવિ તથા આકાશ પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
ગતિશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે તાલાલા તાલુકા પંચાયતમાં સ્ટાફની ભારે અછતને કારણે વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ છે. સપ્ટેમ્બર 2025માં જ 3.5 કરોડના ખર્ચે નવું સેવાસદન બન્યા છતાં, 1.20 લાખથી વધુ વસ્તીના કામકાજ માટે માત્ર 12 કર્મચારી જ કાર્યરત હોવાથી અરજદારોને સરકારી કામો માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જ્યારે હાલના કર્મચારીઓ ઉપર કામનું અસહ્ય ભારણ વધ્યું છે. 29ના સેટઅપ સામે માત્ર 14, વાસ્તવિકતામાં 12 કર્મચારીતાલાલા તાલુકા પંચાયતમાં કુલ 29 કર્મચારીનો સેટઅપ મંજૂર થયેલો છે, પરંતુ હાલમાં આ સેટઅપના માત્ર 40 ટકા જેટલા એટલે કે માત્ર 14 કર્મચારી ફરજ પર છે. જોકે, આ 14માંથી પણ 2 કર્મચારી અન્ય તાલુકા (સૂત્રાપાડા અને ઉના)માં ચાર્જ સંભાળતા હોવાથી, તાલાલા સેવાસદનમાં વાસ્તવિક રીતે માત્ર 12 કર્મચારી જ કામકાજ સંભાળે છે. આના કારણે તાલાલા તાલુકામાં દર 10,000 લોકોએ માત્ર 1 કર્મચારી જ ઉપલબ્ધ છે. ATDO સહિત 15 મહત્વની પોસ્ટ ખાલીતાલુકા પંચાયતમાં 15 જગ્યા ખાલી છે, જેમાં વહીવટી અને વિકાસલક્ષી કામગીરી માટેની અતિ મહત્વની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. ખાલી પડેલી મુખ્ય જગ્યાઓમાં એટીડીઓ (ATDO), સહકાર વિભાગના વિસ્તરણ અધિકારી, બાંધકામ શાખા, ઘરથાળ શાખા, કેળવણી નિરીક્ષક, પશુધન નિરીક્ષક, જુનિયર ક્લાર્ક (વહીવટ), જુનિયર ક્લાર્ક (હિસાબી) અને પટ્ટાવાળા જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને, જે બે કર્મચારી તાલાલાના સેટઅપ પર છે પરંતુ અન્ય તાલુકામાં ચાર્જ પર છે, તેમનું વેતન તાલાલા તાલુકા પંચાયત દ્વારા ચૂકવવામાં આવે છે. આના કારણે તાલાલા તાલુકા પંચાયતને સ્ટાફનો અભાવ હોવા છતાં આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે. અરજદારોને ધક્કા, કર્મચારીઓ પર ભારણસ્ટાફની આ ભારે અછતની સીધી અસર તાલુકાના સામાન્ય ગ્રામીણ અરજદારો પર પડી રહી છે. તાલાલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ કિશન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, સેટઅપના માત્ર 40 ટકા સ્ટાફ હોવાથી અરજદારોને ભારે હાલાકી પડે છે. લોકોના કામો સમયસર પૂર્ણ થતા નથી. હાલના કર્મચારીઓ પર નિયમિત વહીવટી કામો ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અને વધારાની કામગીરીનો ભાર પણ આવી પડ્યો છે, જેના કારણે તેમને સેટઅપ મુજબના સ્ટાફની ગેરહાજરીમાં અતિશય કામ કરવું પડે છે. તાલાલા તાલુકા વિકાસ અધિકારી (TDO) રિઝવાન કોઢિયાએ આ અંગે જણાવ્યું હતું કે, દર મહિને કર્મચારીપત્રક જિલ્લા કક્ષાએ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી)ને રિપોર્ટ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ઓછા સ્ટાફ વચ્ચે પણ કામગીરી પૂરી કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરવામાં માગસ્થાનિક લોકો અને કારોબારી સમિતિ દ્વારા તાલાલા તાલુકા પંચાયતમાં સેટઅપ મુજબ તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે, જેથી વહીવટી કામગીરી સુચારુ રૂપે ચાલી શકે અને અરજદારોની હાલાકી દૂર થાય. સપ્ટેમ્બરમાં જ આ સેવા સદનનું લોકાર્પણ થયું હતું1 સપ્ટેમ્બરે તાલાલા ખાતે ₹3.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા તાલુકા પંચાયત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અનિલાબેન બારડ અને અન્ય મહાનુભાવોએ રિબન કાપીને ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંસદ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ સેવા સદનમાં અરજદારોને સુવિધાપૂર્ણ વાતાવરણમાં કામકાજ પૂર્ણ થાય અને તેઓ સંતોષ સાથે પરત ફરે તે મહત્વનું છે. ધારાસભ્ય બારડે નાગરિકોને અપીલ કરી હતી કે, આ ભવન પ્રજાના ટેક્સના નાણાંથી બનેલું છે, તેથી તેની જાળવણી પોતાની મિલકત સમજીને કરવી જોઈએ. (વાંચો આખો અહેવાલ)
અમરેલી જિલ્લામાં શાળાઓમાં બાળકો સાથે અડપલાના બનાવો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે મિશન સ્માઇલ નામનો એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સુરક્ષિત રાખવાનો અને તેમને ખરાબ સ્પર્શ અંગે જાગૃત કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમરેલીથી લઈને દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધીની કુલ 1300 શાળાઓમાં સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનાર દ્વારા અંદાજે 2 લાખ બાળકોને પોલીસ ટ્રેનિંગ આપવામાં આવશે. SP સંજય ખરાતે આવા બનાવોનું વિશ્લેષણ કર્યા બાદ અને પોલીસ કેસ વગરના અનેક કિસ્સાઓ વધતા જોઈને આ પહેલ કરી છે. મિશન સ્માઇલ કાર્યક્રમનું નેતૃત્વ નયના ગોરડીયા કરી રહ્યા છે. વિવિધ પોલીસ ટીમો, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સાથે મળીને શાળાઓમાં આ સેમિનાર યોજી રહ્યા છે. બાળકોને સરળતાથી સમજાવવા માટે ટીવી સ્ક્રીન પર કાર્ટૂન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ માહિતીને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે. આ ટ્રેનિંગમાં બાળકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે કે તેમને કોણ સ્પર્શ કરી શકે અને કોણ નહીં. પરિવાર સિવાય કોઈને પણ અંગત અંગોને સ્પર્શ ન કરવા માટે માર્ગદર્શન અપાય છે. ખરાબ સ્પર્શ કોને કહેવાય, સારો સ્પર્શ કોને કહેવાય અને કયા અંગો ખાનગી છે, તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. પોલીસની ટીમો દ્વારા બાળકોને શીખવવામાં આવે છે કે જો કોઈ શિક્ષક કે અન્ય વ્યક્તિ ખરાબ સ્પર્શ કરે તો શું કરવું અને કેવી રીતે પોલીસને જાણ કરવી. આ અભિયાનમાં SP, DYSP, અન્ય પોલીસ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા વધારવા માટે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે. અકસ્માતની તસવીરો ગઈકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2નાં મોત ગઇકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં હતા. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં હતા. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે
સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરૂં વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મુદત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. બે યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો, પરંતુ અન્ય 9 જેટલા યુનિયનોના નેતાઓ તેમની ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. 9 યુનિયનના નેતા ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયાબુધવારે(19 નવેમ્બર) સાંજે 6:10 વાગ્યે આ 7 દિવસની મુદત પૂરી થતાં જ પાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી હતી અને પાલિકા પરિસરમાંથી યુનિયનોના બોર્ડ ઉતારી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર-24માં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો. જોકે, અન્ય 9 યુનિયનના નેતાઓ ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. પોલીસ-સિક્યુરિટી બોલાવી યુનિયનોની ઓફિસોનો કબજો લીધોસાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરતાના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસોનો કબજો લેવામાં આવ્યો હતો. માત્ર પાંચ જેટલા યુનિયનોએ જ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે, જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઊલટતપાસ કરવામાં આવી શકે છે. પાલિકા પર ઓફિસના તાળાં તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપપાલિકાની આ મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળાં તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી. યુનિયનના લોકોએ લાલગેટ પહોંચીને રજૂઆત કરી હતીઆ કાર્યવાહીને પગલે યુનિયનના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી. ‘કર્મચારીઓના હક માટે યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરાશે’સુધરાઇ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઈકબાલ ભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે અધિકારીઓની તાનાશાહી ચાલી રહી છે. કર્મચારીના હિતમાં જે પણ લડશે તેનું આ જ પરિણામ આવશે. કારણ કે લોકશાહી ખતમ થવા આવી રહી છે. કર્મચારીઓના હક માટે જે પણ યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ યુનિયનના બોર્ડ ઉતારી શકે છે યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે પરંતુ યુનિયનનો અવાજ નહીં દબાવી શકે. સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી. ઓફિસની જરૂરિયાત અધિકારીઓને હોય છે. ઓફિસ ભલે બંધ કરાવે પણ યુનિયનની કોઈ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ કામ અટકશે નહીં.
મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ:જિલ્લા પોલીસ વડાએ 747 પોલીસકર્મીની સામૂહિક બદલી કરી
મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે 747 પોલીસકર્મીની આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની એકસાથે બદલી થતાં જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા પકડાયેલા દારૂના મોટા જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદના વમળોમાં ઘેરાયેલો છે. આ દારૂના વિવાદ વચ્ચે જ SP દ્વારા સાગમટે 747 પોલીસકર્મીની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડીને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં કરાયેલી બદલીઓ પાછળ વહીવટી કારણોની સાથે-સાથે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો અને વિવાદિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હેતુ પણ હોઈ શકે છે, જેના કારણે જિલ્લા પોલીસ બેડામાં હાલ તંગદિલી અને આશ્ચર્યનો માહોલ છે.
વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી વધુ પાણી પુરવઠો કરવા નવી પાઈપલાઈન જોડાણ કામગીરીને કારણે આગામી 25થી 27 નવેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જાણો કયા વિસ્તારમાં ક્યારે પાણી નહીં આવે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરીજનોને નજીકના ભવિષ્યમાં આજવા સરોવરમાંથી વધુ માત્રામાં પાણી પુરવઠો મેળવી શકાય તે માટે નળીકા જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત આજવા સરોવરથી નીમેટા સુધી નાખવામાં આવેલી નવી 1524 મીમી વ્યાસની મોટી પાઈપલાઈનને હાલની પાઈપલાઈન સાથે જોડવાનું તેમજ નવો મેનીફોલ્ડ સ્થાપવાનું કામ હાથ ધરવાનું છે. આ કામગીરીના કારણે આજવા ઈન્ટેકવેલથી મુખ્ય પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે જેના કારણે શહેરના પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, કપુરાઈ ટાંકી, સયાજીપુરા ટાંકી સંખેડા, દશાલાડ, મહેશનગર, સોમાતળાવ, દંતેશ્વર, મહાનગર, નંદધામ વગેરે ઓનલાઈન બુસ્ટર વિસ્તારો પાણી બંધ રહેશે. આ કામગીરી માટે આગામી 25 નવેમ્બરના રોજ સાંજના સમયે, 26 નવેમ્બરના રોજ સવાર અને સાંજ , 27 નવેમ્બરે સવારના સમયે પાણી પુરવઠો બંધ રહેશે. આ દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકીમાંથી કાપથી (અલગ વ્યવસ્થાથી) પાણી વિતરણ કરવામાં આવશે. આગામી 27 નવેમ્બરે સાંજથી તમામ ટાંકીઓ/બુસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે. જેથી લોકોએ આ કામગીરીમાં સહકાર આપવા અને જરૂરી પાણીનો સંગ્રહ કરવો તેવી સૂચનાઓ જારી કરવામાં આવી છે.
નવસારીના મરોલી બજારમાં શાકભાજી વાનમાં આગ લાગી:ચાલકે સમયસૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી, વાન બળીને ખાખ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાં વહેલી સવારે મરોલી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી શાકભાજી ભરેલી વાનમાં અચાનક આગ લાગી હતી. ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. વાન મરોલી બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકને એન્જિન તરફથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ચાલકે તુરંત જ વાનમાંથી નીચે ઉતરીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ચાલક બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં, શાકભાજી ભરેલી વાન બળીને ખાખ થઈ જતાં વાન ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ચાણસ્મા પંથકની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો (સેશન્સ) કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત મંછાભાઈ દેવીપૂજકને દોષિત ઠેરવી દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આરોપીને કુલ રૂ. 55,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો આદેશ અપાયો છે. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્રભાઈ જે. બારોટે રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને IPC કલમ 363/366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. પાંચ હજારનો દંડ તથા POCSO એક્ટની કલમ 3(એ), 4,5(જે)(2), 5(એલ), 6અંતર્ગત દસ વર્ષની સખ્ત કેદ અને રૂ. 50હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરાય તો વધારાની કેદની સજાનો પણ હુકમ કરાયો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. 3 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. પાટણની પોક્સો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પોતાના 21પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમગ્ર પુરાવા પરથી એવું નિશંકપણે પુરવાર થયું છે કે ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક નહોતી. સગીરા પોતાનું સારું-નરસું વિચારી શકે તેમ ન હોવા છતાં આરોપી ભરતભાઈ મંછાભાઈ દેવીપૂજકે તે સગીર હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે ભોગ બનનાર એક બાળકની માતા બની છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા આરોપી દયાને પાત્ર જણાતા નથી. આ કેસમાં કોર્ટે ફરિયાદ પક્ષના 8 મૌખિક અને 26દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામતળ વિસ્તારમાં ₹2.65 કરોડના ખર્ચે સી.સી. (સિમેન્ટ કોંક્રિટ) રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગ્રામજનોને આધુનિક અને ટકાઉ માર્ગ સુવિધા પૂરી પાડી સ્થાનિક વિકાસને વેગ આપવાનો છે. આ કામગીરી દૂધરેજ ખોડું અને વેળાવદર રોડ વચ્ચેના જોડાણને વધુ મજબૂત અને સુગમ બનાવશે, જે પરિવહન અને અવરજવર માટે અત્યંત લાભદાયી નીવડશે. આ પ્રોજેક્ટમાં મેટલિંગ, પ્લેઇન સિમેન્ટ કોંક્રિટ (PCC) અને સિમેન્ટ કોંક્રિટ (CC) રોડના નિર્માણનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા હાથ ધરાયેલા આ કાર્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 30 થી 35 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.વિભાગ દ્વારા આગામી દોઢ માસના સમયગાળામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્યતન માર્ગ સુવિધાથી દૂધરેજ ગામતળના રહેવાસીઓના જીવનધોરણ અને વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે.
હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી અને રાજકોટ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીસમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકોને મોટું નુકસાન થવાથી ખેડૂતો દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિમાંથી ઉગારવા સરકારે ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતા આ સહાય મેળવવા માટે ખેડૂતો ફોર્મ ભરવા માટે ગ્રામ.પંચાયત કક્ષાએ વીસીઈ પાસે મોટા પ્રમાણ ધસારો કરી રહ્યા છે. આ પાક નુકસાનની સહાયની અરજીની સતાવાર વિગતો મુજબ છ દિવસમાં એટલે આજદિન સુધીમા મોરબી જિલ્લામાં સહાયની અરજીની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ છ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ 55213 અરજીઓ જમા થઈ છે અને હજુ અરજી કરવાની 28 સુધીની મુદત છે. મોરબી જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સહાય મેળવવા માટે ખેડૂતોને અરજી કરવાની તા.14થી કામગીરી શરૂ થઈ હતી. જો કે આ સહાયની અરજી કરવા માટે 7/12 અને 8-અ જેવા મહત્વના ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી આ દાખલા મેળવવા ખેડૂતો બધા જ કામો પડતા મૂકી વહેલી સવારથી જ ગામડેથી જ મોરબીની ઇ-ધરા મામલતદાર કચેરીએ ધામા નાખ્યા હતા અને લાંબી લાઈનો લાગી હતી. એનું કારણ એ હતું કે સર્વર જ ડાઉન થઈ.જતા કામગીરી જ ન થવાથી ખેડૂતોને ધક્કે પે ધક્કા થયા હતા. આવા સંજોગોમાં છ દિવસમાં સહાયની અરજીઓ કરાઇ છે. તા.14થી આજ સુધીમાં હળવદમાં 10536, માળીયા મી.મા 7862, મોરબીમાં 16949, ટંકારામા 9114, વાંકાનેરમાં 10752 સહાયની અરજી ગ્રામ પંચાયતમાં વીસીઈ કક્ષાએ જમા થઈ છે. આ રીતે ફોર્મ ભરવાની કામગીરી ચાલે છેમોરબી જિલ્લા ખેતી અધિકારી ડો હસમુખ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ મોટાભાગની ગ્રામ પંચાયત માં વીસીઈ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે શક્ય તમામ મદદ કરી ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. હાલ મોટાભાગના ગામમાં ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે સહાય પાત્ર ખેડૂતને અમારા તરફથી ફોર્મ બાબતે તમામ સહયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે સર્વર ડાઉનનો પ્રશ્ન ઉકેલાઇ ગયાનો દાવોશરૂઆતમાં સર્વર ડાઉનનો પ્રશ્ન નડ્યો હતો. તેથી ખેડૂતોને ભારે હાલાકી પડી હતી. બે ત્રણ દિવસ આ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ રહ્યો હતો. પણ હવે આ મુશ્કેલી દૂર થઈ છે. ખેડૂતોના સરળતાથી 7/12 અને 8-અ દાખલા નીકળે છે, ઓનલાઈન રીતે આરામથી અરજી થાય છે. તેથી ખેડૂતોને કોઈ તકલીફ ન હોવાનો તંત્ર દ્વારા દાવો કર્યો હતો.
કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશના આધારે સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ઇનીસીએટીવ રીવીઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે અલગ અલગ વિધાનસભા સીટમાં નક્કી કરાયેલા બીએલઓ બુથ લેવલ ઓફિસર) દ્વારા તેમના બુથ વિસ્તારમાં આવતા મતદારોને ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરેલ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક મોરબી માળિયા ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવામાં કુલ 8,50 142 મતદારોનું આ મતદાર યાદી વેરીફીકેશન કરવાનું રહે છે જેના માટે 891 બીએલઓની નિમણુક કરવામાં આવી હતી અને તેના દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીની આ ત્રણેય બેઠકમાં તા 19 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં 1,47 901 જેટલા મતદારોનું વેરીફીકેશન પૂર્ણ કરી દીધું છે. વેરીફીકેશન દરમિયાન 17 13 મતદાર ના મોત થયા હોવાનું જયારે 929 મતદાર કાયમી ધોરણે અન્ય સ્થળે શિફ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. તો 126 મતદારોનું અગાઉ એનરોલ થયા હોવાનું સામે આવ્યું છે જયારે 5 મતદારો અન્ય કારણસર હજુ ફોર્મ કલેક્ત થયા નથી એટલે કે તા 19 નવેમ્બર ના સાંજે 6 વાગ્યા સુધીમાં 2778ના વેરીફીકેશન ફોર્મ ઉપલબ્ધ થયા નથી. ટકાવારી મુજબ જોઈએ તો આત્યાર સુધીમાં જિલ્લામાં 17 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે ચુંટણી પંચના આદેશ મુજબ આ કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. એક તરફ પાક સર્વેની કામગીરી બીજી તરફ એસ આઈ આર કામગીરી આમ એક સાથે બે કામગીરી બેવડાતા એક મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા સીટમાં એસઆઈઆર કામગીરીની સ્થિતિ
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી મુવી લાલોના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો ખાસ શોભેશ્વર રોડ ઉપર આવેલા વૃદ્ધાશ્રમના વડીલો માટે હતો. અંદાજે 40 જેટલા વડીલોએ અહીં લાલો મુવી નિહાળ્યું હતું. વૃદ્ધાશ્રમના વડીલો પણ આ મુવી જોઈ આનંદ મેળવી શકે અને ભગવાન કૃષ્ણને જોઈ ભાવ રાજી થાય તેથી તેમના માટે વિશેષ મુવી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો આ મુવી જોઈને ખૂબ આનંદિત થયા હતા. મુવી પૂર્ણ થયે વડીલો રાજા રણછોડ ગીત ઉપર ગરબે પણ ઘૂમ્યા હતા.
તેરા તુજકો અર્પણ:મિતાણા ખોડિયાર આશ્રમમાં થયેલી લૂંટનો મુદ્દામાલ ‘તેરા તુજકો’ હેઠળ મહંતને પરત કરાયો
ટંકારા| ટંકારા તાલુકાના મિતાણા હાઈવે પર આવેલા ખોડીયાર આશ્રમમાં ત્રણ મહિના પહેલાં મધરાતે બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા તસ્કરો પાસેથી કબજે કરાયેલ રોકડ અને સોના–ચાંદીની વસ્તુઓ ટંકારા પોલીસે કાયદાની જોગવાઈ મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મંદિરના મહંતાને પરત કરી હતી. નોંધનીય છે કે તા.30 જુલાઈની મધરાતે ચાર તસ્કરો આશ્રમના તાળા તોડી અંદર ઘૂસી આવ્યા હતા અને મહંતા સાધ્વી રામચરણદાસ માતાજી નારણદાસજીને છરી બતાવી ડરાવી ધમકાવી દીધા હતા. તસ્કરોએ કાનમાં પહેરેલી સોનાની કડી, હાથમાં પહેરેલું ચાંદીનું કડું સહિત રોકડા સહિત કુલ રૂ.87,000ની લૂંટ ચલાવી રાતોરાત ફરાર થઈ ગયા હતા. ઘટનાની ફરીયાદ બાદ ટંકારા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂ.55,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કબજે કરાયેલ મુદ્દામાલ ડીવાયએસપી સમીર સારડાના હસ્તે, પો.ઈ. કૃણાલ છાસીયાની હાજરીમાં ભોગ બનનાર મહંતાને પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો કાર્યક્રમ હેઠળ પરત અપાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુનામાં જોડાયેલા અન્ય મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે વધુ કાર્યવાહી ચાલુ છે.
3 યુવાનોએ ઝેર પીધું:મહિકા ગામે મચ્છુ નદીકાંઠે ખનીજ લીઝના જમીન વિવાદમાં ત્રણ યુવાનોએ ઝેરી દવા પીધી
વાંકાનેરના મહીકા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે રેતી માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ લીઝ વિસ્તારમાં જમીન ખાલી કરવાની દબાણભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બાબતે સર્જાયેલા તણાવને પગલે આજે બપોરે ત્રણ પિતરાઈ ભાઈઓ—યશ હરિભાઈ બાંભણીયા (20), કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (23) અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (20)—એ સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર સ્થિતિમાં ત્રણે યુવાનોને પહેલા વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ દ્વારા ઘટના અંગે હજી ફરિયાદ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ, પંચાયતની જમીનમાં વરસોથી વેરો ભરી ખેતી કરતા આ પરિવારનો દાવો છે કે તેમની જમીન લીઝની સીમામાં આવતી બતાવી સંચાલકો દ્વારા ખાલી કરવાની માંગણી કરાઇ હતી. આ દબાણ અને તણાવથી કંટાળીને ત્રણે યુવાનોએ આ જોખમી પગલું ભર્યું હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે હજી સુધી કોઈ લેખિત ફરિયાદ આવનાર નથી અને જમીન વાસ્તવમાં લીઝ વિસ્તારમાં આવે છે કે કેમ, તે ફરિયાદ દાખલ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. મામલતદારનું સ્પષ્ટ વલણએકાદ મહિના પહેલાં લીઝની જમીનની સોંપણી કરવામાં આવી હતી. નદીના પટમાં દબાણ કરવામાં આવી હોય એવી વાત સાચી નથી, કેમ કે ત્યાં કોઈની માલિકીની જમીન હોય જ નહીં. > કે. વી. સાનિયા, મામતલદાર, વાંકાનેર
ગંભીર અકસ્માત:મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડતા પાછળથી કન્ટેનર રોડ પર પડ્યું
મોરબીની અણિયારી ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કન્ટેનર ટ્રેઇલરમાંથી ધડાકાભેર નીચે પડી ગયું હતું. આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, ઘટના પ્રમાણે ટ્રેલર મધ્ય રાત્રે અણિયારી ચોકડી પાસે ડિવાઇડરની ઉપર ચડ્યું હતું. ત્યારબાદ પાછળ મૂકાયેલ કન્ટેનર અચાનક નીચે પડતાં માર્ગ પર અવરોધ ઉભો થયો હતો. ડ્રાઇવર એ ડર હતો કે કન્ટેનર નીચે કોઇ દબાઇ ગયું છે. તેથી ટ્રેલર ત્યાંથી લઈ નાસી ગયો હતો. જો કે સદનશીબે કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં ટળી હતી. જોકે ઘટનાને લઇ ટ્રાફિક અટવાયું હતું.
નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, PM મોદી રહેશે હાજર
Bihar CM News : જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર આજે, ગુરુવાર, 20 નવેમ્બરના રોજ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે, જે આ સમારોહના મહત્વને દર્શાવે છે. 74 વર્ષીય નેતા નીતીશ કુમારને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શપથ લેવડાવશે. Nitish Kumar swearing-in ceremony LIVE UPDATES : શપથ ગ્રહણ સમારોહ અને મહેમાનોની યાદી
ખેડૂતો માટે ખાસ શિબિર:વ્યારા કેવિકેમાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર, લાઈવ વેબકાસ્ટ
વ્યારા ખાતે આવેલા તાપી જિલ્લાના એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવિકે) ખાતે બુધવારે પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ વેબકાસ્ટિંગનું પણ ખેડૂતોએ નિરિક્ષણ કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.આર. શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કુલ 232 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. વ્યારામાં કેવિકે વડા ડૉ. સી.ડી. પંડ્યાએ મહેમાનોનું સ્વાગત કરી તાલીમના મહત્વ પર પ્રકાશ પાડી લીધો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિ અધ્યક્ષ એ ખેડૂતોને વિવિધ સરકારયોજનાઓ અંગે માહિતગાર કરી વધુને વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.વૈજ્ઞાનિકો દ્વારા અલગ–અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એચ.આર. જાદવ (પાક સંરક્ષણ) દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત નિયંત્રણ ની માહિતી આપી હતી.ડો. અર્પિત ઢોડિયા (કૃષિ વિસ્તરણ) દ્વારા પ્રાકૃતિક પેદાશોના વેચાણ વ્યવસ્થાપન અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે જણાવ્યું. જ્યારે કુ. પ્રતિભા કોંકણી (ફાર્મ મેનેજર) દ્વારા ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમના અંતે લાભાર્થી ખેડૂતોએ પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના લાભો અંગે પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
પોલીસ કાર્યવાહી:વ્યારામાં 16 ભેંસ ટેમ્પો પકડાયો 10.20 લાખનો મુદ્દામાલ કબજે
વ્યારાના બાલપુર ગામની સીમમાં ભેંસોના ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક પરિવહનનો થઈ રહ્યાંની જાણ થતા વ્યારા પોલીસ દ્વારા લાકડાની આડશ મારી અંદર 16 ભેંસ ભરેલો ટેમ્પો સહિત કુલ રૂ. 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાલક ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. વ્યારા પોલીસ કર્મી પોકો આનંદભાઈ ગામીતે નોંધાવેલી ફરિયાદ મુજબ, પો.સ્ટે. અમલદાર તરફથી મળેલી માહિતીના આધારે ટેમ્પો નં. GJ-26-U-6591 વ્યારા પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પાના પાછળના ભાગે લાકડાના પાટિયા લગાવી છૂપાવી રાખેલ કુલ 16 ભેંસો મળી આવી હતી. પોલીસ જણાવ્યા મુજબ ભેંસોને ટુંકી દોરી વડે બાંધવામાં આવી હતી, તેમજ કોઈ ઘાસચારો, પાણી કે સારવારની વ્યવસ્થા નહોતી. ભેંસોની અંદાજિત કિંમત રૂ. 3,20,000 અને ટેમ્પોની કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 10,20,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઘટનાસ્થળે ટેમ્પો મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. 112 મોબાઇલ સ્ટાફ એ.એસ.આઈ. શકેશભાઈ રમેશભાઈ, એ.એસ.આઈ. કૈલાશભાઈ ગોરખભાઈ તથા GRD જવાન નિતેશભાઈ રામસિંહભાઈએ ટેમ્પો વિશેની વિગતો આપી હતી. આ બનાવ અંગે અજાણી ઓળખ ધરાવતા ટેમ્પો ચાલક સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગાંધીનગરથી પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી દ્વારા મળેલ ખાસ સૂચના મુજબ રાજ્યભરમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ આરોપીઓની ત્વરિત ચકાસણી કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ અનુસંધાને તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં તમામ પોલીસ મથકમાં અધિકારીઓને સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. તાપીમાં સૂચના મુજબ છેલ્લા 30 વર્ષ દરમિયાન તાપી જિલ્લામાં રાષ્ટ્ર સુરક્ષા સાથે સંબંધિત વિવિધ ગંભીર ગુનાઓ હેઠળ દાખલ થયેલા તમામ કેસોનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમાં હથિયારધારા, એનડીપીએસ એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, બનાવટી ચલણી નોટ, ટાડા–પોટા– મકોકા–UAPA જેવા ગંભીર પ્રકરણો તથા પેટ્રોલિયમ ધારાના કેસોનો સમાવેશ થાય છે. તમામ કેસોમાં કુલ 107 આરોપીને શોધી તેમની ચકાસણી કરવાનો દાયિત્વ તાપી પોલીસને સોંપાયો છે. અત્યાર સુધી જિલ્લામાંથી 72 આરોપીની તપાસ પૂર્ણ કરી તેમની ડોઝિયર્સ તૈયાર કરાયું છે, જ્યારે બાકીના આરોપીની ચેકિંગ પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. તમામ આરોપીઓના રહેઠાણ, હાલની ગતિવિધિઓ, સામાજિક મેળાપ અને સંભવિત શંકાસ્પદ જોડાણોની વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો અને ક્રમ મજબૂત રાખવો અને કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને મૂળેથી જ અટકાવવી છે. જિલ્લા પોલીસ મથક દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતર્ક રહેવા તથા ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા તત્વો પર સતત નજર રાખવા ખાસ સૂચના આપી છે. સુરક્ષા એજન્સી દ્વારા ચાલુ ડ્રાઇવને કારણે જિલ્લામાં ચકાસણી તથા પેટ્રોલિંગ વધારાયુ છે. તાપી પોલીસનું કહેવું છે કે આવી કાર્યવાહીની કારણે ભવિષ્યમાં રાષ્ટ્રવિરોધી, ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ રોકવામાં મદદ મળશે.
ઘઉં સડેલા નીકળી આવ્યા:રાજપીપળાના નવા ફળિયામાં કાર્ડધારકોને અપાયેલાં રેશનના ઘઉં સડેલા નીકળી આવ્યા
નર્મદા જિલ્લામાં આ મહિને ફરી ખરાબ અને સડેલા આનજ આવતા લાભાર્થીઓ એ રોષ વ્યક્ત કરી અનાજ લેવાનો બહિષ્કાર કરતા ઉહાપો મચાવ્યો હતો. અમે અપાતા નથી સરકાર ને રજૂઆત કરવાની વાત કહી દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. હાલ નવેમ્બર માસ સહિતનું અનાજ સરકાર તરફથી લાભાર્થીઓ ને આપવામાં આવી રહ્યું છે. જેમાં નવા ફળીયા રાજપીપળા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન ખાતે ગ્રાહકો અનાજ લેવા પહોંચ્યા ત્યારે સડેલા, કોવાઈ ગયેલા, જીવાત પડી ગયા હોય, જાળા બાઝીગયા હોય એવા ગંદા જેને પશુઓ પણ ના ખાય એવા ઘઉં સ્થાનિક કાર્ડ ધારક શહેરીજનોને આપવામાં આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો. આવા સડેલા અનાજ લેવાની લોકોએ ના પાડતા સ્થાનિક દુકાનદારે પણ ગ્રાહકો સાથે ઉધ્ધત વર્તન કર્યું હોય નવા ફળિયા ગણેશ ચોકના ભૈયા રોશનબેને મામલતદાર નાંદોદ, કલેક્ટર નર્મદા સહિત મંત્રીઓ ને પણ લેખિત રજૂઆત કરી પગલા ભરવા માંગ કરી છે . બોક્ષ : ખરાબ અનાજ પાછળ કોણ જવાબદાર ? રાજ્ય સરકારમાંથી આવતા અનાજનો જથ્થો ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ મોકલવામાં આવે છે. જો જેતે જિલ્લામાંખરાબ ગુણવત્તાનું અનાજ કેવી રીતે આવી રહયું છે. ગોડાઉનના મેનેજર પણ જથ્થાની ચકાસણી કરતાં નહિ હોય તેવી ફરિયાદ કાર્ડધારકો કરી રહયાં છે. ગોડાઉન મેનેજર રીપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે પણ એવું થઇ રહયું નથી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી ઉઠી છે.
ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારતી વખતે ટેકો ખસી જવાથી કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. મકાન ઉતારવાની કામગીરી કરી રહેલાં 3 શ્રમજીવીઓ પૈકી બે ખસી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને પગમાં ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જૂના શહેરમાં આવેલાં મોટાભાગના મકાનો જૂની ઢબના હોવાથી છાશવારે તૂટવાના બનાવો બનતાં રહે છે. દર વર્ષે નગરપાલિકા તરફથી જર્જરિત મકાનોમાં રહેતાં લોકોને ચોમાસા પહેલાં નોટિસ આપવામાં આવે છે અને મકાનો ઉતારી લેવા અથવા રીપેર કરાવી લેવા સૂચના અપાઇ છે. મંગળવારે રાત્રિના સમયે વેજલપુર પારસીવાડમાં એક મકાનને ઉતારતી વેળા ટેકો ખસી જતાં કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટના બની તે સમયે 3 શ્રમજીવીઓ કામ કરી રહયાં હતાં પણ બે શ્રમિકો દૂર હટી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મકાન જર્જરિત હોવાથી આ રીતે ખબર પડીભરૂચમાં બે પારસીવાડ આવેલાં છે જેમાં એક કોટ પારસીવાડ અને વેજલપુર પારસીવાડ આવેલાં છે. કોટ પારસીવાડમાં થોડા મહિનાઓ પહેલાં એક મકાન ધરાશાયી થતાં નગરપાલિકાની ટીમ સર્વે કરવા માટે પહોંચી હતી. સર્વે દરમિયાન તેની બાજુમાં આવેલું મકાન પણ જોખમી જણાતાં નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ પારસી પંચાયતે સ્વીકારી હતી. કિસ્સો - 1ઃ 9 મહિના પહેલાં નગરસેવકનું મૃત્યુ થયું હતુંભરૂચમાં જૂની ઢબના મકાનો જોખમી બની ચૂકયાં છે. શહેરના જૂમ્મા મસ્જિદ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન માર્ચ મહિનામાં ધરાશાયી થયું હતું. વોર્ડ નંબર –6ના નગર સેવક વિશાલ વસાવા અને તેમના પત્ની મકાનના બીજા માળે ઉંઘી રહયાં હતાં તે સમયે મકાન તૂટી પડયું હતું. જેમાં વિશાલ વસાવાનું મોત થયું હતું જયારે તેમના પત્નીને ઇજા પહોંચી હતી. જર્જરિત મકાનના કિસ્સામાં પાલિકા શું કરી છે ?મુખ્ય અધિકારીએ માલિક અથવા ભોગવટો કરનારને લેખિત નોટિસ આપી શકે છે. ઈમારત અથવા તેના પર લગાડેલી હોય તેવી વસ્તુ દૂર કરી તેને સુરક્ષિત કરી શકે છે. ત્રણ દિવસની અંદર તે ઇમારતની મરામત અથવા ઉતારી લેવી પડતી હોય છે. જો મકાન માલિક કે ભાડૂઆત આ કામ ન કરે તો તેને મુખ્ય અધિકારી દૂર કરી શકે છે. મુખ્ય અધિકારી મારફતે થયેલ તમામ ખર્ચ મકાન માલિક અથવા ભાડૂઆત પાસેથી વસુલ કરવાની પાલિકાને સત્તા અપાઇ જૂના મકાનોના લાકડાઓઉધઇ અને પાણીથી નબળાભરૂચ | જૂના ભરૂચ શહેરમાં મોટાભાગના મકાનો જૂની ઢબના બનેલાં છે. આ મકાનોના બાંધકામ માટે લાકડાનો સૌથી વધારે ઉપયોગ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. લાકડાને પાણી તથા ઉધઇના કારણે નુકસાન થયું છે. અત્યાર સુધી શહેરમાં મકાનો તૂટી પડવાના જેટલા બનાવો બન્યાં છે તેના માટે લાકડાનો મોભ અથવા ટેકો તૂટવાનું કારણ સામે આવ્યું છે. લાકડાના બનેલા મકાનો ખાલી કરીને લોકો સોસાયટી વિસ્તારોમાં રહેવા જતાં રહયાં છે. તેમાં ભાડૂઆતો રહે છે. ભાડૂઆતો મકાન રીપેર કરાવતાં નથી અને મકાન માલિકને મકાન ઉપયોગમાં લેવાનું નહિ હોવાથી તેઓ પણ આળસ દાખવે છે. આના કારણે પણ જર્જરિત મકાનો ભયજનક હાલતમાં હજી ઉભા છે. ભરૂચ પાલિકાએ તાજેતરમાં કરાવેલાં સર્વેમાં 40 મકાનો હજી જર્જરીત હાલતમાં છે અને તેમાંથી માત્ર 15 જ ઉતારી લેવામાં આવ્યાં છે.
ભાસ્કર ઈમ્પેક્ટ:ભરૂચમાં લિંક રોડ પર ટ્રાફિકજામબાદ માટી હટાવવાનું શરૂ કરાયું
ભરૂચમાં શ્રવણ ચોકડીથી માતરીયા તળાવ સુધી પાણીની નવી લાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લીંક રોડને વન વે જાહેર કરાયો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની હતી. ખાસ કરીને શહેરમાં આવવા તથા જવાના મુખ્યમાર્ગ પર ટ્રાફિકજામ થતો હોવાથી સાંજના સમયે સેંકડો વાહનચાલકો અટવાઇ રહયાં હતાં. ડીવાઇડર સહિતના બે લેનના રોડ પર એક તરફ માટીનો ઢગલો થઇ ગયો હતો. શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી માટીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેકટર સહિતની મશીનરીને કામે લગાડીને રસ્તા પરની માટી હટાવી દેવામાં આવતાં હજારો શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળી છે.
ખાસ કેમ્પ:2002ની યાદીમાં નામ ન હોય તો શું કરવું તેની માહિતી અપાશે
ભરૂચજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શિક્ષણ, સમાજ કલ્યાણ, પંચાયત, પાલિકા વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે બેઠકમાં કામગીરીનું સંકલન કરવામાં આવી રહયું છે. વહીવટીતંત્રની આગેવાનીમાં છૂટછવાયા વિસ્તારોમાં રહેતા જનજાતિય સમુદાય, હળપતિ, માછીમાર, મીઠાંના અગરીયામાં કામ કરતાં શ્રમિકો, ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંરિત લોકો, સ્લમ વિસ્તાર, થર્ડ જેન્ડર, વિચરતી - વિમુક્ત જ્ઞાતિ વગેરે જેવા સમૂહોને કરાઈ રહ્યા છે. 22મીએ શનિવાર અને 23મીએ રવિવારના રોજ વિશેષ કેમ્પ યોજવામાં આવશે. દરેક બૂથ પર સવારે 9 થી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. મતદારો આ સમય દરમિયાન બીએલઓ ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશેજે મતદાર અથવા માતા- પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ માર્ગદર્શન પણ અપાશે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં બીએલઓ ઘરે ઘરે ફરીને ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. આ કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. કોઇપણ મુઝવણ અંગે બીએલઓનો સંપર્ક કરી શકાય છે.
નવી બસોનો પ્રારંભ:લુણાવાડાથી બોર્ડર વિલેજ યોજના હેઠળ બસ સેવાનો પ્રારંભ
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના સરહદી અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ યોજનાના ભાગરૂપે, આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં રહેતા લોકોને શહેરી સુવિધાઓ સાથે જોડવા માટે નવી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રીના હસ્તે 250થી વધુ નવીન બસોને લીલી ઝંડી આપીને રાજ્યની સેવામાં સમર્પિત કરાઇ હતી. આ બસો ખાસ કરી તે ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યાં પરિવહનના સાધનોની કાયમી અછત છે. આ બસો આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચવામાં અને સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ તથા બજાર સુધી સરળતાથી મુસાફરી કરવામાં મદદ કરશે. લુણાવાડા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ, લુણાવાડા ડેપો મેનેજર સહિતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પહેલ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકોને વેગ આપશે.
નિતુરાજસિંહ પુવાર મહીસાગર જિલ્લામાં અઢી માસ પૂર્વે થયેલી અજંતા એનર્જી પ્રા. લિ.ની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ યુવાનોના પરિવારમાં હજુ પણ શોકનો અંધકાર છવાયેલો છે. 4 સપ્ટેમ્બરના રોજ 5ના મોતની બનેલી આ કરુણાંતિકાને અઢી માસ વીતી જવા છતાં, જિલ્લા તંત્ર દ્વારા દુર્ઘટના માટે જવાબદારોને શોધવા રચાયેલી કમિટીનો અહેવાલ હજી સુધી રજૂ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ કમિટીના રિપોર્ટના આધારે દુર્ઘટના જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જે તે સમયે જણાવનાર સ્થાનિક પોલીસ દ્વારા કંપનીના મેનજર અને કર્મચારીની ધરપકડ કરી જામીનપાત્ર ગુનો હોવાથી જામીન આપી છોડી મૂક્યા હતાં. ત્યારે સમગ્ર બેજવાબદારી ભરી ઘટનામાં તંત્ર દ્વારા પ્રારંભે શુરા જેવી ભુમીકા નિભાવ્યા બાદ તપાસના અંતે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. દોલતપુરા ખાતે બનેલ ગોઝારી ઘટનામાં રાજ્યભરમાં પડઘો પડ્યો છે અજંતા એનર્જી કંપનીની બેદરકારીથી પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે પાંચ લોકોના મોતની જવાબદારીમાં કંપનીના માલિક અને મોરબી દુર્ઘટનાના જવાબદાર જયસુખ પટેલનું નામ આવતા જ દોડધામ મચી હતી. જોકે ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ માટે તપાસ કમિટિ બનાવવવામા઼ આવી હતી. અને તેના માટે કોણ જવાબદાર છે ? તેના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરવાની હતી. પરંતુ સૌથી આશ્યર્ચ જનક વાત એ છે કે, હજુ કમિટિના અધ્યક્ષ પ્રાંત અધિકારી કહે છે હજુ રિપોર્ટ જમા કરાવ્યો નથી. તે પહેલા તો તપાસ અધિકારીએ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરને દુર્ઘટના માટે જવાબદાર દર્શાવી ધરપકડ કરી લીધી હતી. અને જામીનપાત્ર ગુનો હોવાથી જામીન મુક્ત થયા હતાં. એક તરફ ઘટનાને અઢી માસ વીત્યા તપાસ કમિટીએ હજી સુધી જવાબદાર નક્કી કરી શકી નથી. ગુનામાં તપાસ થી લઈ જવાબદાર નક્કી કરવામાં કમિટી એ અત્યાર સુધીમાં શું તપાસ કરી ? તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. પરંતુ પુરની સ્થિતિ હોવા છતાં કામ ચાલુ રાખનારા કંપનીના મલિક જયસુખ પટેલ સામે કેમ કાર્યવાહી નથી થઇ ? તેની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે તંત્રની સૂચનાને અવગણી કંપની ચાલુ રાખનાર મુખ્ય માલિક સુધી તપાસનો ગાળિયો કસાશે કે કેમ તે જ મોટો સવાલ છે ઉલ્લેખનિય છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડાતુ હોવા છતાં સરકારી જાહેરનામા બાદ પણ કામગીરી ચાલુ રાખવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ શુ કાર્યવાહી થાય છે તેની પર સાૈની મીટ છે. અઠવાડિયામાં રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું આ બાબતે અગાઉ કમિટીના સભ્યોના રિપોર્ટ આવી ચૂક્યા છે પોલીસનો રિપોર્ટ બે દિવસ અગાઉ મળ્યો છે. જે હજી પોલીસ નો જે રિપોર્ટ આવ્યો છે. તે હજી જોયો નથી. પણ અઠવાડિયામાં તમામ રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું. - ક મિટી અધ્યક્ષ પ્રાંત અધિકારી લુણાવાડા ધરપકડ કરી જામીન મુક્ત કર્યા છેઆ ઘટનામાં કંપનીના મેનેજર અને સુપરવાઈઝર ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન લાયક ગુનો હતો એટલે જામીન મુક્ત કર્યા છે આગળની તપાસ ચાલુ છે. - ડી પી ચૂડાસમા, તપાસ અધિકારી. કંપનીના મેનેજર અને સુપરવાઇઝર સામે ગુનોપોલીસે અગાઉ આ ઘટનામા કમિટી ના રિપોર્ટ બાદ શ્રમિકોના મોત નો જવાબદાર નક્કી કરશે અને કમિટીના રિપોર્ટ બાદ પોલીસ ગુનેગારોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. જ્યારે પોલીસે આ ઘટનામાં કંપનીના કર્મચારીઓને માથે પાંચ લોકોના મોતની જવાબદારી થોપી જામીન આપ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખરેખર આ ઘટનામાં જ્યારે કમિટી એ હજી રિપોર્ટ રજૂ કર્યો નથી તે પહેલા જ પોલીસે કંપનીના મેનેજર અને સુપરવાઈઝર સામે ગુનો દાખલ કેવી રીતે કર્યો અને ક્યારે ધરપકડ કરી જામીન મુક્ત કર્યા ? આ ઘટનામાં પોલીસ ને કંપનીના કર્મચારીઓની જવાબદારી છે. તેવું નક્કી કરવામાં કોણે મદદ કરી તે અંગે તર્કવિતર્ક સર્જાયું છે
વડવાનેરા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક:નશાની હાલતે પથ્થરો ફેંકતા યુવકને ઈજા, સારવારમાં મોત
ભાવનગર શહેરમાં હત્યા નો સિલસિલો યથાવત રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સો એ વડવા નેરા ચોકમાં એક ટેમ્પા ઉપર પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન એક રાહદારી યુવકને પથ્થર માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયો હતો જેમાં આજે યુવકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. જેની મોડી રાત્રે ત્રણ શખ્સે વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં રહેતા વસીમ ભાઈ ઝાકા (ઉ.વ. અંદાજે 25) ગત રવિવાર ના રોજ તેમના પત્ની ને મોટર સાઇકલ માં બેસાડી ઘર પાસે પહોંચ્યા હતા. જે દરમીયાન અદનાન બાદશાહ નામ નો શખ્સ અને બે અજાણ્યા શખ્સો નશાની હાલતે એક ટેમ્પા ઉપર પથ્થર મારો કરી આંતક ફેલાવી રહ્યા હતા જે વેળાએ પથ્થર વસીમ ભાઈ ને માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર માં ભારે શોક ની લાગણી પ્રસરી હતી તેમજ બનાવ હત્યા માં પલટાતા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં એક સપ્તાહ માં પાંચ લોકોની હત્યા થતા શહેરભરમાં ભારે ચકચાર મચી છે. ભાવનગર શહેર દિન પ્રતિદિન અસામાજિક તત્વો, બૂટલેગરો, હત્યારા ઓ ખુલ્લેઆમ આંતક ફેલાવે છે પણ પોલીસ જાણે મૂક પ્રેક્ષક તરીકે હોય તેવું લોકો ને લાગી રહ્યું છે. આરોપીને અટક કરી મુક્ત કરી દેવાયો હતોગત રવિવાર ના દિવસે ત્રણેય શખ્સો નશાની હાલતે પથ્થર મારો કરી રહ્યા હતા જે દરમિયાન કોઈ જાગૃત નાગરિકે નિલમબાગ પોલીસ ને જાણ કરતા પોલીસ એ કોઈ એક શખ્સ ની અટક પણ કરી હતી જે બાદ તેનો છુટકારો પણ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ડિસેમ્બર પૂર્વે કામગીરી પૂર્ણ કરવા BLOને પ્રેસર:સિટી મામલતદાર કચેરીમાં મહિલા બીએલઓની તબિયત લથડી પડી
હાલમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી ડિસેમ્બર માસ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાના ટાર્ગેટ આપ્યા છે ત્યારે બીએલઓ પણ પ્રેશર સાથે દોડધામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આજે સાંજે સીટી મામલતદાર કચેરી ખાતે એક મહિલા બીએલઓની અચાનક તબિયત લથડી જતા તાત્કાલિક 108 બોલાવી સારવાર આપવી પડી હતી. મતદાર યાદી ખાસ સઘન સુધારણાના ચાલી રહેલા કાર્યક્રમમાં ખાસ કરીને શિક્ષક, આંગણવાડી વર્કર, પીજીવીસીએલ, કોર્પોરેશન અને અન્ય સરકારી કચેરીઓના સ્ટાફને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી છે તેમને કામગીરી માટે સતત માનસિક તણાવ રહેતો હોવાની પણ અસંખ્ય ફરિયાદો ઉઠી છે. જેની સામે બીએલઓને કામગીરી માટે સહાયક સહિતના સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ડિસેમ્બર પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવા માટે ઉચ્ચકક્ષાએથી સતત દબાણ કરવામાં આવતા બીએલઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. અનેક કિસ્સાઓમાં તો મતદાર સ્થળ પર ન મળે તો 2002 ની મતદાર યાદીમાં મેપ નથી થતા તેમ કરી ઓનલાઇન તે મતદારોને ચડાવી દેવા માટે પણ સુચના આપવામાં આવે છે. જે આગામી દિવસોમાં મતદારોને નુકસાનકર્તા રહેશે. હાલમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ભાવનગર ગુજરાત રાજ્યમાં પ્રથમ 5 ક્રમાંક પૈકીમાં છે. ત્યારે પ્રથમ ત્રણમાં ભાવનગર રહે તેવા પણ વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જાહેરનામું:ગોધરા પાસે હોટલમાં સીસીટીવી ન હોવાથી કાર્યવાહી કરાઇ
રાજ્યમાં બનતા ગુણખોરીના બનાવો અને અસમાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ખાનગી અને જાહેર જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાનગી હોટેલ અને ભીડભાડવાળી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે રાજ્યના ગૃહવિભાગ ધ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ SOG પોલીસ દ્વારા 18 નવેમ્બરે ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલ નાયરા પેટ્રોલપંપ સામે આવેલ લક્કી નામની હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇબ્રાહિમ અબ્દુલ સલામ દાવલા નામના સંચાલકએ સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે જાહેરનામાનો ભંગ બદલ પોલીસ દ્વારા ગોધરા શહેર બી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
કરંટથી ખેડૂતની મોત:જેસર તાલુકાના બીલા ગામે ઇલેક્ટ્રિક વાયરના કરંટે ખેડૂતનો ભોગ લીધો
પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાની સાથે કેટલાક કિસ્સામાં અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં બે દિવસ તા.17ને સોમવારે સાંજના અરસામાં પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન નીચેના જેસર તાલુકાના બીલા ગામે ખેતીવાડી વિસ્તારમાં તૂટેલા ઇલેક્ટ્રિક વાયરના કરંટથી ખેડૂતનું મોતની ઘટના બની છે ત્યારે મૃતકના પુત્રએ વીજ કંપનીના તંત્રવાહકોએ ઘોર બેદરકારીની ફરિયાદ કરી છે. બીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર ખેડૂત નાથાભાઈ કાછડીયા પર તૂટી પડતા વાયરના કરંટથી ઘટના સ્થળે અવસાન થયું હતું. અકસ્માતના આ કિસ્સામાં પૂર્વે પણ બેથી ત્રણવાર વાયર તૂટ્યા બાદ તંત્રવાહકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનો મૃતકના પુત્ર જનકભાઈ કાછડીયાએ આક્ષેપ કર્યો છે. ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાયેલીબીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાઈ હતી. ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર આ દુર્ઘટના બની છે. > વી.બી.પાંડોર , ડેપ્યુટી એન્જીનીયર, પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડજિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અનેક પ્રશ્નો ઠેરના ઠેરGEB (ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ)ના વર્ષ-2004માં પુનઃગઠનના બાદ રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણમાં અલગ-અલગ છ પેટા કંપની મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કામગીરી PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) સંભાળી રહી છે. જોકે GEBના પુનઃગઠનના બે દાયકા બાદ પણ ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક પ્રશ્નો ઠેરના ઠેર જેવી હાલત છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને GEB હોય કે PGVCL કોઈ ખાસ ફરક પડયો નથી.
પ્રેરણાદાયી પહેલ:વિદ્યાર્થી યુવાને પુરૂ પાડયું નાગરિક કર્તવ્યનું ઉદાહરણ
કોરોના કાળમાં લોહીના સંબંધો સાથે પરિવારમાં જોડાયેલા વ્યક્તિ પણ ખરા સમયે મોઢું મચકોડી જવાબદારીમાં છટકી ગયા હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. જોકે આનાથી વિપરિત બહુ જાણીતી ગુજરાતી ઉક્તિ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...ની માફક ભાવનગર શહેરના 21 વર્ષીય તબીબી વિદ્યાર્થી યુવાન કૃષાંગભાઈ ઘોરીએ દુર્લભ O-ev બ્લડ ગ્રુપના સિંગલ ડોનર પ્લેટલેટના દાતા બની વૃદ્ધ મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. શહેરના કાળિયાબીડ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે મંગળવારે 65 વર્ષીય વૃદ્ધ મહિલાને અગાઉ દોઢ વર્ષના સમયગાળામાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 4 ટકા ઘટવાની સાથે 5000થી ઓછા પ્લેટલેટ કાઉન્ટથી ગંભીર પરિસ્થિતિ સાથે O-ev (ઓ નેગેટિવ) ગ્રુપના SDPની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ હતી. જે માહિતી ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિએશનને મળતા સિંગલ ડોનર પ્લેટલેટના દાતા શોધવા અથાગ પ્રયત્નો હાથ ધરાયા હતા. ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિયેશન દ્વારા દુર્લભ ગણાતા O-ev બ્લડ ગ્રુપના સિંગલ ડોનર પ્લેટલેટ માટે રક્તદાતાઓનો સંપર્ક સાથે સોશિયલ મીડિયામાં સંદેશા વહેતા કર્યા હતા. ભાવનગર મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીના સહયોગથી સિંગલ ડોનર પ્લેટલેટના દાતા એવમ બી.એસ.સી. માઇક્રો બાયોલોજીના વિદ્યાર્થી કૃષાંગભાઈ ઘોરીનો સંપર્ક કરાયા બાદ આજે બુધવારે સર ટી. હોસ્પિટલની બ્લડ બેંકમાં જટિલ પ્રક્રિયા સાથે પ્લેટલેટનું સ્વૈચ્છિક દાન મેળવી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલા દર્દી સુધી પહોંચતું કરવામાં આવ્યુ હતું. ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સંગઠીત કરાયેલ ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિયેશન દ્વારા આ બીજા કિસ્સામાં સિંગલ ડોનર પ્લેટલેટના દાતા થકી દર્દીને નવ જીવન મળ્યું છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજરૂટિન બ્લ્ડ ડોનેશન કરતા SDP ખૂબજ જટિલ !રાબેતા મુજબના રક્તદાન કરતા ડેન્ગ્યુ વાઇરસ પોઝિટિવ ફીવરથી થતા ઓછા પ્લેટલેટ કાઉન્ટમાં સિંગલ ડોનર પ્લેટલેટ (SDP)ની જરૂરિયાત ઉભી હોય છે. SDP ડોનેશન એક લાઇવ બ્લ્ડ ડોનેશનની પ્રક્રિયા રૂટિન બ્લ્ડ ડોનેશન કરતા ખૂબ જ જટિલ અને પ્રમાણમાં થોડી વધુ કાળજી સાથેની બ્લ્ડ ડોનેશન પ્રક્રિયા છે. જેમાં ડોનરના જરૂરી બ્લડ રિપોર્ટ અને ક્રોસ મેચિંગ, બ્લ્ડ કલેક્શન, પ્લેટલેટ સેપ્રેશન, વધેલ બ્લડ રિટર્ન અને પ્લેટલેટ સ્ટોરેજ એમ પ્લેટલેટ ફેરેસીસની પ્રક્રિયામાં 3 કલાક થાય છે.
વીજચોરી:ઉખરલામાં રૂ.1.96 લાખની વીજચોરી
ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચેના ભાવનગર શહેર વિભાગ-2 ડિવિઝન નીચેના વિસ્તારમાં ગઈકાલે તા.18મી મંગળવારે વીજચોરી પકડવા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેર વિભાગ-2 ડિવિઝન કક્ષાની ડ્રાઈવમાં મામસા સબ ડિવિઝન નીચેના ઉખરલા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઉખરલા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 126 રહેણાકી વીજ જોડાણની તપાસમાં 18 જોડાણમાંથી રૂ.1.96 લાખની વીજચોરી પકડી પડાઇ હતી.
મામલતદારને અપાયું આવેદન:ખોડવદરીમાં કન્ટ્રકશનમાં થતા બોમ્બ વિસ્ફોટ તેમજ પ્રદૂષણથી નુકશાન
ગારિયાધાર તાલુકાના ખોડવદરી ખાતે કન્ટ્રક્શનમાં પથ્થર તોડવા (ખાણ) માટે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. ગત તા.14.4.25 ના મોટો બોમ્બ વિસ્ફોટ કરેલ છે જેના કારણે ખોડવદરી ગામના લોકોના કાચા કે પાકા મકાનો ધ્રુજાવી દે છે. તેમજ હાલમાં તેમના મકાનમાં દિવાલમાં તિરાડ પડેલ છે. જેથી હાલ વિસ્ફોટ કરતાં ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ખોડવદરી ગામના ગ્રામજનોએ મામલતદારને આયોજનપત્ર પાઠવ્યુ છે. આ વિસ્ફોટના કારણે ગામના ખેડૂતોને ખેતીના પાકમાં ખૂબ જ નુકસાન થાય છે અને આ ખેડૂતોને જ્યાં ગાડા ચલાવવાનો માર્ગ છે ત્યાં બિન કાયદેસર રીતે ડમ્પર ચલાવે છે. આ વિસ્ફોટના લીધે ગામના પીવાલાયક પાણીમાં પ્રદૂષણ થાય છે તેમજ અંદર રહેલા પાણીના તળ ઊંડા ચાલ્યા જાય છે. ગત તા.24.9.25 ના ગ્રામજનોએ આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપેલ હોવા છતાં ખોડવદરી ગામ ખાતે આવેલ કન્સ્ટ્રકશનો દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી,વિસ્ફોટોને ફોડતા બંધ કરેલ નથી. આ બાબતે ગ્રામજનોએ અવાર નવાર ખાણ ખનીજ વિભાગ ભાવનગર ખાતે જાણ કરેલ હોવા છતાં તેમના દ્વારા યોગ્ય તપાસ થયેલ નથી. કન્ટ્રક્શન પર કાયદેસર કાર્યવાહી કરેલ નથી.
વીજકાપ:મોટીધરાઈ 66 KV સબ સ્ટેશન હેઠળના વલભીપુરના 21 ગામોમાં આજે વીજકાપ
વરતેજ જેટકો એસેટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વલભીપુર તાલુકા ખાતેના મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાં આવતીકાલે તા.20મી નવેમ્બર-2025ને ગુરૂવારે મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનની મરામતની કામગીરી અંતર્ગત વલભીપુર પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચેના વલભીપુર, ભાવનગર અને ધંધુકા તાલુકાના 21 ગામોમાં સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેટકોની મરામતની કામગીરી અંતર્ગત મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી.ના 4 જ્યોતિગ્રામ અને 2 ખેતીવાડી ફીડર મળી કુલ 6 ફીડરમાં વીજકાપ લદાયો છે. મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરીથી રતનપર અને ભોરણીયા ખેતીવાડી ફીડર બંધ રહેશે. ઉપરાંત રંગપર જ્યોતિગ્રામ નીચેના ભોરણીયા, ભોજપરા, મુલધરાઈ, રંગપર અને જલાલપર તથા અધેળાઈ જ્યોતિગ્રામ નીચેના અધેળાઇ, બાવળીયાળી, ઝુંડ અને જસવંતપુરામાં વીજકાપ લદાયો છે. તેમજ મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા વેળાવદર જ્યોતિગ્રામ ફીડર નીચેના વેળાવદર, રાજગઢ, કાનાતળાવ એન ગાંગાવાડા તથા મોણપુર જ્યોતિગ્રામ નીચેના મોટીધરાઈ, મેવાસા, રતનપર(ગા), ઇટાલિયા, શાહપુર, નવાગામ(ગા), મોણપર અને પિપરિયામાં પણ મરામત કામગીરીના સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો દ્વારા મરામત કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.
મારામારીનો મામલો:જસપરા ગામે ત્રણ હજાર પરત માંગતા છ શખ્સો સામસામે બાખડ્યા, ત્રણને ઇજા
ભાવનગરના તળાજા તાલુકાના જસપરા ગામે ગત મોડી સાંજના સુમારે એક યુવક પાસે ત્રણ હજાર રૂપિયા પરત માંગતા મહિલા સહિત છ શખ્સો સામસામી બાખડી પડ્યા હતા અને ગંભીર મારમારીમાં ત્રણ લોકોને ઇજા થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તળાજા પોલીસ મથકમાં બંન્ને પક્ષો એ સામસામી ફરિયાદમાં છ શખ્સોના નામ લખાવતા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તળાજાના જસપરા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલએ ગામમાં રહેતા બટુકભાઇ પંડ્યા પાસેથી બસો રૂપિયા તેમજ હર્બલ લાઇફ કંપનીના પાર્સલના રૂા. 2800 મળી કુલ ત્રણ હજાર રૂપિયા બાકી રાખેલ. જે મામલે ગઇકાલે પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલ બટુકભાઇ પંડ્યાની દુકાન પાસેથી પસાર થતા હતા તે વેળાએ બટુકભાઇએ બાકીના રૂા. 3000 પરત માંગતા બંન્ને વચાળે મામલો બીચક્યો હતો અને બોલાચાલી થઇ હતી અને બાદમાં ક્રિષ બટુકભાઇ પંડ્યા, બટુકભાઇ પંડ્યા અને બટુકભાઇના પત્નિ અને સામા પક્ષે પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલ, નરવીણસિંહ ઉર્ફે પીન્ટુ પ્રવિણસિંહ અને જયપાલસિંહ કનકસિંહ ગોહિલ વચાળે ગંભીર મારમારી સર્જાવા પામી હતી. જેમાં પૃથ્વીરાજસિંહ, ક્રિષ બટુકભાઇ પંડ્યા અને બટુકભાઇ પંડ્યાને ગંભીર ઇજા થતાં સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડાયા હતા જ્યાં બંન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવા પામતા પોલીસે મહિલા સહિત છ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
સિહોર ખાતે ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરતા શ્રમિકે ઇંટોના ભઠ્ઠાના માલિક પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજના તેમજ મુદ્દલ ચુકવી આપ્યા છતાં પણ રૂા. સાડા છ લાખ જેટલા રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, વ્યાખોરે તેના ભાઇ સાથે મળી ખોળ કપાસીયાના ખોટા બીલો બનાવી, મજુરના નામે ખરીદી બતાવી રૂા. પાંચ લાખથી વધુનો ચેક બેન્કમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો. જે મામલે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આણંદના સુજીત્રા ગામે રહેતા અને સિહોરના ગ્રામ્ય પંથકોમાં ઇંટોના ભઠ્ઠાની મજુરી કરતા જીતેન્દ્રભાઇ હેરાજીભાઇ વણઝારાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિહોરના નેસડા ગામે રહેતા અને ઇંટોના ભઠ્ઠાના માલિક અને વ્યાજખોર નરેશભાઇ ધિરૂભાઇ ડાંગરના ભઠ્ઠામાં મજુરીએ આવ્યા હતા. જે દરમિયાન જીતેન્દ્રભાઇને રૂપિયાની જરૂર પડતાં રૂા. 3 લાખ પાંચ ટકાના દરે વ્યાજે લીધા હતા. જે બાદ થોડાક વર્ષો સુધી વ્યાજ સહિત મુદ્દલ રકમ પરત કરવા છતાં પણ વ્યાજખોર નરેશભાઇ ડાંગરે રૂા. 6.50 લાખની માંગણી કરી હતી અને બળજબરી કરી, ધમકાવી, જીતેન્દ્રભાઇ પાસેથી બેન્ક ઓફ બરોડાનો ચેક પડાવી લીધો હતો અને ત્યાર બાદ પણ વ્યાજખોરે સોજીત્રા પોલીસને ફરિયાદીના ઘરે મોકલી, ત્રાસ આપ્યો હતો. વ્યાજખોરે કાવતરૂ રચી તેનો ભાઇ મહેશભાઇ ધિરૂભાઇ ડાંગર સાથે મળી ફરિયાદના નામે કપાસીયા ખોળ ખરીદીના ત્રણ ખોટા રૂા. 6.30 લાખના બિલો બનાવી, ચેક બાઉન્સ કરાવી, આર્થીક, માનસિક ત્રાસ આપી સિહોર કોર્ટમાં કેસ દાખલ કરી હેરાન કરતા નરેશ ધિરૂભાઇ ડાંગર અને તેમનો ભાઇ મહેશ ધિરૂભાઇ ડાંગર વિરૂદ્દ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદ નોંધાઈ:જેસરના માતલપર ગામે 20 ઘેટા બકરાની ચોરીની રાવ
જેસર તાલુકાના માતલપર ગામે વાડી વિસ્તારમાં રહેતા રણુંભાઇ ભુપતભાઇ ચાવડા પોતાના ઘરે રાત્રિના સમયે સુતા હતા અને બાજુના જોકમાં ઘેટા બકરાને બાંધેલ હતા. મોડી રાત્રીના કેટલાક શખ્સો દ્વારા જોકની જાળી તોડી વીસેક જેટલા ઘેટા બકરાની ચોરી થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. આમ, માલધારીના પુશની ચોરી થઇ જતાં પોલીસ મથકમાં ફરિયાદ કરવાની વિધિ હાથ ધરાઇ હતી. વીસેક જેટલા ઘેટા બકરાની ચોરી થઇ જતાં પશુપાલકની રોજી રોટી છીનવાઇ જવા પામી છે.
ઝુંબેશ:રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનાના 462 આરોપીનું ચેકિંગ
પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ના ગુનામાં સંડોવાયેલા 462 આરોપીઓનું ચેકિંગ અને વેરીફીકેશન કરવાની ઝુંબેશ પોલીસે હાથ ધરી છે. જેમાં પોલીસે 100 આરોપીઓનું વેરીફીકેશન કરી દેવામાં આવ્યું છે. બાકીના માટેનું ચેકીંગ ચાલુ છે. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં છેલ્લા 30 વર્ષ દરમ્યાન નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ, આર્મ્સ સહિત વિવિધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા ગુનાઓના 462 આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ આપતા જિલ્લા પોલીસે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.પંચમહાલ જિલ્લા પોલીસ અલગ અલગ પોલીસ મથકની પોલીસે અત્યાર સુધીમાં આશરે 100 જેટલા શખ્સોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીનાં આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ઝુંબેશનો ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવા તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓન ગુના માં સંડોવાયેલા આરોપીઓ હાલ શું પ્રવુતિઓ કરે છે તેમજ ફરીથી પ્રવુતિઓ માં જોડાયા છે કે નહીં તેના માટે ચેકીંગ અને વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓના ગુનાના આરોપી નું ચેકિંગ હાથ ધર્યું.
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હચમચાવી દે તેવી ત્રિપલ હત્યા કાંડમાં આરોપી સામે ભાવનગર પોલીસે તાકીદે પગલાં લઇ, પોલીસ ખુદ ફરિયાદી બની, કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા પોલીસ સામે લોકોએ લાગીણીની ભાવના દર્શાવી હતી. પરંતુ આ મામલે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન થઇ ગયું કે રિમાન્ડ પુરા થયે આરોપી ખાંભલાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવાશે તેવી પોલીસ વિભાગમાં પણ અસમંજસતા જોવા મળી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પી.આઇ. વાળાએ રિ-કન્સ્ટ્રક્શન થઇ ગયું તેમ જણાવ્યું હતું જ્યારે એસ.પી.એ તપસના અંતે જરૂર પડ્યે રિ-કન્સ્ટ્રક્શન કરાવાશે તેમ જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં કાચના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને બોટાદ ખાતે મદદનીશ વન સંરક્ષક અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ બચુભાઇ ખાંભલાએ ગત 5-11-2025ના મોડી રાત્રીના તેમની પત્નિ, પુત્ર અને પુત્રીની નિર્દયી રીતે હત્યા કરી, ખાડો ખોદી, દાટી દઇ, ભાવનગર જિલ્લા એસ.પી. તેમજ પોલીસ વિભાગને ગુમરાહ કરી, આરોપી એ.સી.એફ. શૈલેષ ખાંભલા ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે તાકીદે પગલાં લઇ ફરાર થયેલ આરોપી વિરૂદ્ધ પોલીસ ખુદ ફરિયાદ બની હતી અને કડક કાર્યવાહી કરી, સાત દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા હતા. જે મામલે હાલ પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખુલવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ કોઇપણ આરોપીને તેના કૃત્ય બદલ અને પાક્કા પુરાવા મેળવવા માટે થઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવાતું હોય છે. જે મામલે એલ.સી.બી.ના પી.આઇ. વાળાએ જણાવ્યું હતું કે, આરોપી શૈલેષ ખાંભલાની ધરપકડ બાદ તુરંત ઘટના સ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવાયું હતું જ્યારે ભાવનગર જિલ્લા એસ.પી.એ જણાવ્યું હતું કે, તપાસના અંતે જરૂર પડ્યે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવાશે તેમજ પોલીસ વિભાગમાં પણ આરોપીના રિ-કન્સ્ટ્રક્શન મામલે અસમંજસતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે અધિકારી કક્ષાનો આ આરોપી હોવાથી શું પોલીસે બંધ બારણે આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી દેવામાં આવ્યું તેની પણ ભારે ચર્ચા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડવન વિભાગની કર્મચારી યુવતી સાથે આડા સંબંધ હોવાનું ખુલ્યુંજુનાગઢ ખાતેની વન વિભાગની કોઇ યુવતી સાથે પ્રેમસંબધે હત્યા કરાયાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. જે મામલે ભાવનગર પોલીસે વન વિભાગની કર્મચારી યુવતીને ભાવનગર ખાતે લાવી પોલીસે પુછપરછ શરૂ કરી હતી. તપાસમાં આરોપી શૈલેષ ખાંભલાના યુવતી સાથેના પ્રેમસંબંધે જ પત્નિ, પુત્ર અને પુત્રીની હત્યા કર્યાનું તપાસમાં સાબિત થયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. ત્યારે ત્રણની હત્યામાં યુવતીની કોઈ મદદગારી ન હોવાનું પુરવાર થતાં યુવતીનું નામ ગુપ્ત રાખ્યુ છે. સુરત ખાતે શોકસભામાં આરોપીને ફાંસી આપવાની માંગસુરત ખાતે પરિવાર દ્વારા ત્રણેય મૃતકોની શોક સભા રાખવામાં આવી હતી. જે દરમિયાન શોક સભામાં આવેલા પરિવારના સંબંધીઓએ પણ આરોપી શૈલેષ ખાંભલાના નિર્દયી ભરેલા કૃત્યને લઇને આરોપીને ફાંસી આપાવની શોકસભામાં માંગ કરી કેન્ડલ માર્ચ કાઢી હતી.
વેરો નહીં ભરનાર 522 મિલકતો સીલ:જપ્તીની અસર, એક દિવસમાં 42.52 લાખનો વેરો ભરપાઈ
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોર્પોરેશન દ્વારા હવે માસ જપ્તી સાથે વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરી છે. આજે એક જ દિવસમાં 115 કરદાતાઓ દ્વારા 42.52 લાખનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે આવકમાં વધારો થયો છે. પરંતુ ઘરવેરા વસુલાતમાં પણ અંત સમયે જ જાગે છે અને દોડધામ કરે છે. ઘરવેરા વસુલાત માટે ઘરવેરા ઉપરાંત રિકવરીની ટીમની પણ રચના કરવામાં આવી હોવા છતાં માસ જપ્તી સહિતની કામગીરી માટે ઘરવેરા સિવાયના અન્ય વિભાગોને પણ વસુલાતની કામગીરી સોંપવામાં આવે છે. તા.19ના રોજ કુલ 115 કરદાતાઓ દ્વારા કુલ રૂ.42.52 લાખનો એક જ દિવસમાં વેરો ભરપાઈ કરવામાં આવતાં મહાનગરપાલિકાની મિલ્કત વેરાની ચાલુ નાણાકીય વર્ષની કુલ આવક રૂ.142.70 કરોડ થયેલ છે. માસ જપ્તીના પગલે મહાનગપાલિકાની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તા.10 નવેમ્બરથી શરૂ કરેલ માસ જપ્તીમાં અત્યાર સુધીમાં કુલ 522 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરનારની મિલકતને સીલ કરાશે. 10 નવેમ્બરથી તા.19 સુઘીના 9 દિવસોમાં કુલ 1037 કરદાતાઓ દ્વારા કુલ 1.95 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
ભાવનગર ડિવિઝનમાંથી ઉપડતી ટ્રેનોને 35 દિવસ માટે તેના અગાઉના નિયત રૂટને બદલે બદલાયેલા માર્ગ પરથી સંચાલિત કરવામાં આવનાર છે. ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને વિશાળ સ્તરના અપગ્રેડેશન કાર્યને કારણે 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. તેના પરિણામે ભાવનગર મંડળની કેટલીક ટ્રેનો પર અસર પડશે તેમ ભાવનગર રેલવે ડિવિઝનના ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યુ હતુ. 25 નવેમ્બર, 2025 ના રોજ અયોધ્યા કૅન્ટથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19202 અયોધ્યા કૅન્ટ–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ બદલાયેલા માર્ગ વડે ભરતપુર–કોટા–આણંદ–અમદાવાદ–વીરમગામ સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત ભાવનગર ડિવિઝનની પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તાત્કાળ અસરથી 12 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા–રીંગસ–રેવાડી સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે. પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર–દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 9 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા–રીંગસ–રેવાડી સ્ટેશનો મારફતે દોડશે. આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે. દિલ્લી સરાય રોહિલ્લાથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20938 દિલ્લી સરાય રોહિલ્લા–પોરબંદર એક્સપ્રેસ 24 નવેમ્બર, 2025 થી 8 ડિસેમ્બર, 2025 સુધી બદલાયેલા માર્ગ વડે રેવાડી–રીંગસ–ફુલેરા સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
વાંધા અરજી:મહેસાણામાં રોડના ઠેકાણા નથી, પાર્કિંગ પણ ઉભા કર્યા નથી, ત્યારે વ્હીકલ ટેક્સ મુલત્વી રાખો
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા વાહન ખરીદીમાં વ્હીકલ ટેક્સ લાગુ કરવાના નિર્ણય સામે વાંધા સુચનો લેવાઇ રહ્યા છે. જેમાં બુધવારે નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા કમલેસ સુતરિયાએ શહેરમાં ગટરની કુંડીઓ પણ રોડ લેવલ નથી, વાહનો ખાડામાં પટકાઇને જતા હોઇ ખાડા યથાવત છે, વાહનો પાર્કિંગ માટે કોઇ જગ્યાઓ પણ મનપાએ ઉભી કરી નથી સહિતના કારણો આગળ ધરીને વ્હીકલ ટેક્સ સામે વાંધો ઉઠાવી વ્હીકલ ટેક્સ મુલત્વી રાખવા લેખિત માંગ કરી છે. નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા કમલેસ સુતરીયાએ કહ્યું કે, ચોમાસામાં અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાઇ રહેતા હોઇ પાણીમાં વાહન ચલાવવાથી વ્હીકલોને નુકશાન થયેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા પણ હજુ નક્કર પગલાના અભાવે જૈ સે થે જેવી છે.નગરજનોને મહાનગરપાલિકા જેવી મળવી જોઇએ તેવી સુવિધા મળતી નથી.પાર્કીગની જગ્યામાં ગેરકાયદે દબાણો કરવામાં આવેલ હોવા છતાં તે દુર કરવામાં આવી રહ્યા નથી કારણે શહેરમાં પાર્કીગની પણ મોટી સમસ્યા થઇ રહી હોવાની હકીકતો સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારો હમણા મનપામાં સમાવેશ થયો પણ હજુ ત્યાના રસ્તામાં સુધારો થયો નથી. ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં 100 ટકા રસ્તા સારા બને, ટ્રાફીકની સમસ્યા હળવી થાય ત્યારબાદ વ્હીકલ ટેક્સની વિચારણા કરવી જોઇએ.હાલ વ્હીકલ ટેક્સ અમલ વિચારણા મુલત્વી રાખવા માંગ છે.
કૃષિ વિશેષ:રાજ્યમાં ડુંગળીનું 74.88% વાવેતર એકલા ભાવનગરમાં
આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ઠંડીની સિઝન શરુ થતા ભાવનગર સહિત ગુજરાતભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગીનું વાવેતર 20,700 હેકટરમાં થયું છે તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 15,500 હેકટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 74,88 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જો કે આ વખતે ભાવનગર સહિત રાજ્યના જે જે વિસ્તારોમાં માવઠા થયા ત્યાં આ વખતે શિયાળુ પાકનું વાવેતર 15 દિવસ કે તેનાથી વધુ પાછું ઠેલાયું છે. ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતાં રવિ પાક વાવેતર શરુ થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં વાવેતરમાં કુલ વાવેતર 23,400 હેકટર થયું છે. ખાસ કરીને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં બમણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 2,000 હેકટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 1,600 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર 900 હેકટર થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 3,100 હેકટર થયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો થવાની શકયતા છે. સમગ્ર ગુજરાતમાં રવિ પાકનું વાવેતર વધી રહ્યું છે અને ઘઉંનું કુલ વાવેતર 1,05,500 હેકટર થયું છે જ્યારે ચણાનું વાવેતર 1,19,900 હેકટરમાં થયું છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજશિયાળુ વાવેતર પૂર્વે આટલું યાદ રાખોઆ વર્ષે કમોસમી વરસાદથી જમીનનું તાપમાન ઠંડુ હોય વાતારવણ સૂકું બની જાય અને જમીન સુકાઈ જાય પછી જ પાકનું વાવેતર કરવું હિતાવહ છે અને આ રીતે શિયાળુ પાકનું સમયસર પણ વાવેતર કરવું. પીયતની સુવિધા ના આધારે પાકની પસંદગી કરવી. પાકને યોગ્ય પોષણ મળી રહે તેનું માર્ગદર્શન મેળવ્યા બાદ વાવેતર કરવું બે પાક વચ્ચે સામાન્ય રીતે 15થી 20 દિવસનું અંતર રાખવું અને જમીનને પૂરતું સૂર્યપ્રકાશ મળે તેનો પણ ધ્યાન રાખવું. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અપાઇગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની સચોટ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખતી મલ્ચિંગ પદ્ધતિ અને રસાયણમુક્ત કીટનાશક દ્રાવણો જેમ કે ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર વગેરે દ્વારા જીવાત નિયંત્રણના અસરકારક ઉપાયો વિશે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. રાજ્યમાં ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લા
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. પોલીસ બંદોબસ્તની નબળી કામગીરીથી IPS અધિકારીએ PIનો બરોબરનો ઉધડો લીધોએક બંદોબસ્ત દરમિયાન પોલીસની નબળી કામગીરી રહેતા IPS અધિકારીએ પીઆઇને ખખડાવ્યા હતા. તાજેતરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની હાજરીમાં જ એક અધિકારીના બંગલા સુધી લોકો પહોંચી ગયા હતા. આ ઘટના બની ત્યારે પીઆઇ એક ગંભીર ઘટનામાં વ્યસ્ત હતા. આ ઘટનામાં IPS અધિકારીએ બંદોબસ્તમાં ઢીલ મૂકવા બદલ પીઆઇને ખખડાવ્યા હતા. જે બાદ બીજા કાર્યક્રમમાં અન્ય પોલીસ સ્ટેશનના પીઆઇને અને ટીમને પણ ઉચ્ચ અધિકારીની સૂચનાથી મોકલવામાં આવી હતી. જેથી અગાઉ જેવી ઘટના ન સર્જાય. એક IPS અધિકારીને જ્યારે જવાબ આપવાના થાય એટલે ACPને આગળ ધરી દેએક એજન્સીમાં બદલી થઈને આવેલા IPS અધિકારીએ તેમના તાબા હેઠળના એક ACPને જ પ્રવક્તા બનાવી દીધા. નાનો હોય કે મોટો કેસ નવા આવેલા IPS અધિકારી મીડિયા સામે આવવાનું ટાળે છે. IPS અધિકારીની એજન્સી કામગીરી ખૂબ જ સારી કરે છે, પરંતુ જ્યારે જવાબ આપવાના આવે ત્યારે અધિકારી ACPને જ આગળ ધરી દે છે. અધિકારી સીધી રીતે લોકોને મળવાનું અને વાત કરવાનું ટાળે છે. જોકે, ACP પણ હવે રિટાયરમેન્ટના આરે છે, ત્યારે હવે IPS અધિકારીના નવા પ્રવક્તા કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. એક DCP એટલા પ્રકૃતિ પ્રેમી છે કે જ્યાં જાય ત્યાં એક વેલ તો સાથે જ રાખે અને ઉછેરે એક DCPએ તેમની ચેમ્બરમાં જ વેલ ઉગાડી છે. DCPને કુદરતી સૌંદર્યનો શોખ છે અને અગાઉ તઓ કુદરતી સૌંદર્ય વચ્ચેના જિલ્લામાં જ ફરજ બજાવતા હતા, પરંતુ તેમની કોઈ કારણસર બદલી શહેરમાં કરવામાં આવી જેથી તેઓ નાખુશ છે. તેઓ જ્યાં જાય ત્યાં વેલ સાથે જ રાખે છે. DCP પોતાની કામગીરી સાથે વેલનું સમયસર ધ્યાન રાખે છે અને તેને ઉછેરે પણ છે. આ ઉપરાંત DCP પોતાનું કામ પણ સોશિયલ મીડિયામાં બિરદાવે છે. સોશિયલ મીડિયાની ટીમ રાખીને પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનની કામગીરી પણ બિરદાવે છે. લ્યો બોલો... એક પોલીસકર્મી પોતાની જ ગાડીમાં સ્પાની યુવતીઓને લઈને ફરેઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં નદી કિનારે મોટા પ્રમાણમાં સ્પા ચાલી રહ્યા છે. ત્યાંના એક પોલીસકર્મી પોતાની ગાડીમાં સ્પાની યુવતીઓને લઈને જાય છે. શહેરમાં કેટલાક સમયથી એજન્સી દ્વારા અનેક જગ્યાએ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ તળાવ પાસે ચાલી રહેલા સ્પા એક પોલીસકર્મીને કારણે બિન્દાસ્ત ધમધમી રહ્યું છે. આ પોલીસકર્મીનું વર્ચસ્વ માત્ર સ્પા પૂરતું જ નહીં પરંતુ તેમના પાડોશી પોલીસ સ્ટેશન કે જેની હદ રાજધાની સુધી જાય ત્યાં સુધી છે. પોલીસકર્મીની મહેરબાનીથી શહેરનો મુખ્ય રસ્તો જે રાજધાની સુધી જાય છે ત્યાં પણ સ્પા શરૂ થયા છે. પોલીસકર્મી પાન પાર્લર પાસેથી જ પોતાના કામ કાર પણ કરે છે. એક પીઆઇએ પોતાના માણસો ગોઠવવા જૂના પીઆઇના માણસોને દાઝમાં રાખી બદલી કરાવીશહેરના એક પીઆઇની બદલી તો આવી ગઈ પરંતુ તેમની જગ્યાએ ચાર્જમાં આવેલા પીઆઇએ જૂના પીઆઇના માણસોને જાણ દાઝમાં રાખ્યા હોય તેમ બદલી કરાવી દીધી છે. પોલીસકર્મીને હેરાન કરવા પોલીસ સ્ટેશનથી દૂર કોર્ટ વર્ધી આપી દીધી હતી. જોકે, પોલીસકર્મીએ જ અંતે પીઆઇથી કંટાળીને પોતાની બદલીની ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી અન્ય જગ્યાએ કરાવી દીધી છે. પીઆઇએ જૂના માણસોને તગેડીને નવા માણસોની પણ નિમણૂક કરી દીધી છે. પીઆઇના નવા માણસો હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. જેને લઈને હોટલ માલિક પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પોલીસની વ્યાજખોરો સામે કાર્યવાહી વચ્ચે જ એક પોલીસકર્મીએ વ્યાજનો ધંધો જમાવ્યોઅમદાવાદના એક પોલીસકર્મી પોતાના વગથી વ્યાજનો ધંધો કરે છે. એક તરફ વ્યાજખોરી પર પોલીસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ પોલીસકર્મી જ રોજેરોજની ચોપડી પર વ્યાજખોરીનો કારોબાર કરી રહ્યો છે. પોલીસકર્મી સામાન્ય લોકોને તો વ્યાજે પૈસા આપે છે પણ બૂટલેગરોને પણ વ્યાજે રૂપિયા આપે છે. બૂટલેગરો પાસેથી ચોપડી પર રોજેરોજનું વ્યાજ વસૂલે છે. જોકે, થોડા સમયથી જ પોતાને સત્તા મળી હોવાથી પોલીસકર્મી વ્યાજનો ધંધો હવે બિન્દાસ્ત કરી રહ્યો છે. છે પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પરનો ડ્રાઈવર પણ કોઈની મજાલ નથી કે એને રોકી શકેનદી કિનારા પાસેના પોલીસ સ્ટેશનનો કરાર આધારિત કોન્ટ્રાક્ટ પરનો ડ્રાઈવર પોલીસના નામનો રોફ તો જમાવે છે સાથે પોલીસની ગાડીનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કરે છે. કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરનો પાવર સાતમા આસમાને હોય તેમ તે પોલીસકર્મીઓને તું તારાથી બોલાવે છે. એટલું જ નહીં રોડ પર દંડો લઈને પોલીસની જેમ ઊભો રહી લોકોને રોકીને ડરાવે ધમકાવે પણ છે. અગાઉના પીઆઇનો વહીવટ કરતો હોવાની પણ ડંફાસ મારતો ફરે છે. જોકે, હાલમાં ફરજ બજાવતા પીઆઇ પણ આ કર્મચારીને રોકી શક્યા નથી.
પાછોતરા વરસાદના કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતાં મહેસાણા શહેરમાં હાલ ટીંડોળી, વટાણાં, ભીંડા અને તુવેર સહિતના ભાવ કિલોના રૂ.100ને પાર પહોંચી ગયા છે. શહેરના હોલસેલ શાકમાર્કેટના વેપારી સૂત્રોએ કહ્યું કે, મહેસાણા સહિત રાજ્યભરમાં માવઠું થયું, તેમાં શાકભાજીના વાવેતરમાં બગાડ થતાં પાક ઓછો ઉતર્યો છે. જેથી યાર્ડમાં આવક ઓછી આવતાં ભાવ ઉંચકાયા છે. વેપારી સાજીદભાઇએ કહ્યું કે, કાઠિયાવાડી તુવેર આવી રહી છે. ચાર દિવસ પહેલાં હોલસેલમાં તુવેરના પ્રતિ કિલો રૂ.40 ભાવ હતા. આજે ડબલ રૂ.80 થયા છે. એટલે, છૂટકમાં તો ભાવ હજુ વધશે. આવી સ્થિતિ મરચાંના ભાવ રૂ.20થી વધીને રૂ.35 હોલસેલમાં થયા છે. બેંગ્લુરુથી આવતા આદુના ભાવ ત્રણ દિવસ પહેલાં હોલસેલમાં રૂ.50 હતા, જેમાં રૂ.20નો વધારો થઇ રૂ.70 થયા છે. રીંગણ, ભટ્ટા, રવૈયાના ભાવ પખવાડિયાથી હોલસેલમાં રૂ.60 જળવાયા છે. બાકી શાકભાજીના ભાવમાં ઓછા પાકના લીધે વધારો થયો છે. મહેસાણાના બજારમાં અત્યારે શાકભાજીના ભાવમાં ખાસ્સો વધારો આવેલો હોઇ ગૃહિણીઓ રસોડા મેનેજમેન્ટમાં કયું શાકભાજી ખરીદવું તેને લઇને લારી લારીએ ફરીને પછી ખરીદી કરતી જોવા મળી રહી છે. હોલસેલ શાકમાર્કેટમાં પણ અઠવાડિયાથી ગીલોડી સહિતની શાકભાજીની આવક ખેડૂતોથી ઓછી આવી રહી છે. બીજી તરફ ભાવ વધતાં છૂટક લારીવાળા બગાડમાં ફટકો ન આવે એટલે શાકભાજીનો જથ્થો ઓછો લાવી રહ્યા છે.
વીજ પુરવઠો અપાશે:બહુચરાજી સહિત ઉ.ગુ.ના આઠ તાલુકામાં ખેતી માટે આજથી 10 કલાક વીજળી અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં હાલ રવિ પાકનું વાવેતર ચાલી રહ્યું હોવાથી મહેસાણા જિલ્લાના બહુચરાજી સહિત ઉ.ગુ.ના આઠ અને રાજ્યના કુલ 13 તાલુકાઓમાં વીજ પુરવઠો 8 કલાકથી વધારી 10 કલાક આપવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારથી જ મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબી જિલ્લાના 13 તાલુકાઓમાં ખેતીવાડી ફીડરો પર વીજ પુરવઠો 8 કલાકથી વધારી 10 કલાક કરાશે. આ નિર્ણયથી અંદાજે 1,090 ગામોના 49 હજારથી વધુ ખેડૂતો લાભાન્વિત થશે. મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકા, પાટણના સમી, હારિજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, વાવ-થરાદના સુઇગામ અને વાવ તાલુકાને 10 કલાક વીજ પુરવઠો મળશે. જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
ખેડૂતોને ભારે નુકસાન:GPCLના પ્રદૂષણ ઓકતા પ્લાન્ટથી 9 ગામના પાકને નુકસાન
ઘોઘા તાલુકાના બાડી ગામ નજીક આવેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ)ના પાવર પ્લાન્ટની કોલસા તોડવાની મશિનરી મંજૂરી વિના લગાડવામાં આવી છે. નિયમ મુજબ ફ્લો ગેસ ડી-સલ્ફરાઇઝેશન પ્લાન્ટ પણ નિયમ મુજબ લગાડવામાં આવ્યો નહીં હોવાને કારણે પાવર પ્લાન્ટની ફરતે આવેલા 9 ગામોમાં ભારે ડસ્ટ ઉડી રહી છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ અંગે જીપીસીબીએ 5 વર્ષ અગાઉ નોટિસ આપી અને સંતોષ માની લીધો હતો. જીપીસીએલ પાવર પ્લાન્ટમાં કોલસા તોડવાની મશિનરી લગાડવામાં આવેલી છે જે સદંતર પૂર્વ મંજૂરી વિના લગાડવામાં આવેલી છે. જેના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ટુકડીએ 6 નવે.થી 25 નવેે.2020 દરમિયાન ઇન્સપેકશન હાથ ધર્યુ હતુ અને તપાસમાં કોલ ક્રશિંગ મશિનરીની પૂર્વ મંજૂરી નહીં લીધી હોવાનું જણાયુ હતુ. ઉપરાંત મુલાકાત સમયે મશિનરી સાથે હવાના પ્રદૂષણને રોકવા માટે કોઇ સવલત રાખવામાં આવી નહીં હોવાને કારણે મોટી માત્રામાં ડસ્ટિંગ થતું હોવાનું જણાયુ હતુ. બાદમાં જીપીસીબી દ્વારા 31મી ડિસેમ્બર 2020ના રોજ જીપીસીએલને કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી. જીપીસીબીએ આપેલી નોટિસને પાંચ વર્ષ વીતી ગયા હોવા છતા આજદિન સુધી જીપીસીએલ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને જીપીસીબીએ પણ કોઇ પગલા લીધા નથી. બાર ગામ ખેડૂત સંઘર્ષ સમિતિના પ્રમુખ કનકસિંહ ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પાવર પ્લાન્ટમાંથી ભારે માત્રામાં ડસ્ટિંગ થઇ રહ્યું છે, જીપીસીબી અને જીપીસીએલના કોન્ટ્રાક્ટરોની મીલી ભગતને કારણે બાડી, પડવા, મલેકવદર, મોરચંદ, કરેડા, ભડભીડીયા, આલાપર, ખડસલીયા, હોઇદડના ખેડૂતોના પાકને નુકસાન થઇ રહ્યું છે. ઉપરાંત ગ્રામ્યજનોન સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે. ઉપરાંત કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રાલય વિભાગ દ્વારા 24મી ડિસેમ્બર 2014ના રોજ પાવર પ્લાન્ટને આપેલી પર્યાવરણીય મંજૂરીમાં ફ્લો ગેસ ડી-સલ્ફરાઇઝેશન પ્લાન્ટ લગાડવાની શરત રાખવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી નિયત પ્લાન્ટ લગાડવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજપ્રોટેક્શન વોલ, ગ્રીન બેલ્ટના કામ અધૂરાજીપીસીએલ દ્વારા 16,800 મીટરની પ્રોટેક્શન વોલ બનાવવાની હતી, તે કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યુ નથી. ઉપરાંત ગ્રીન બેલ્ટ પણ નિયમ મુજબનો વિકસાવવામાં આવ્યો નથી. આજુબાજુના 9 ગામોમાં ડસ્ટ સતત ઉડી રહી હોવાની બાબતે પણ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. સ્થળ મુલાકાત કરાવાશે, પગલા પણ લેવાશેપાવર પ્લાન્ટમાંથી ડસ્ટ ઉડી રહી હોવા અંગે, તથા અન્ય ફરિયાદો બાબતે અમારી નિષ્ણાંત ટુકડી દ્વારા સ્થળ મુલાકાત કરાવવામાં આવશે અને જો તેમાં કશું નિયમ વિરૂધ્ધ નિકળશે તો પગલા પણ લેવામાં આવશે. > એન.એમ.કાવર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર 2018માં મોટા આંદોલન પણ થયા હતાબાડી નજીકના જીપીસીએલના પાવર પ્લાન્ટની જમીન અધિગ્રહણથી લઇ અને આજુબાજુના બાર ગામમાં સતત ફેલાઇ રહેલા પ્રદૂષણના મામલે ગ્રામ્યજનો દ્વારા એક સમયે મોટા આંદોલનો પણ થયા હતા અને રાજકીય ક્ષેત્રે પણ આંદોલનને કારણે ભારે ગરમી ફેલાઇ હતી. જોકે ત્યારબાદ પણ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી.
દીવાલ તોડી પડાઈ:બસ સ્ટેશનની દીવાલે પેઇન્ટિંગ કર્યું હવે શૌચાલય બનાવવા તોડી
મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર દેખાડવા માટે તાજેતરમાં જ બસ સ્ટેશનની દીવાલ ઉપર પેઇન્ટિંગ કરાયું હતું. ત્યાં બુધવારે નવું શૌચાલય બનાવવા દીવાલ તોડી પડાતાં પેઇન્ટિંગ પાછળ કરેલ ખર્ચ એળે ગયો છે. મનપાના ઇજનેરે કહ્યું કે, બસ સ્ટેશન સાઇડ જૂનું શૌચાલય તોડી ત્યાં નવું બનાવવાનું છે એટલે પેટ્રોલ પંપ સાઇડ દીવાલનો કેટલોક ભાગ તોડાયો છે. અહીં પેઇન્ટિંગ કરેલ તેનું ચૂકવણું એજન્સીને કરવાનું નથી.
ભાસ્કર ફોલોઅપ:બેન્ક ખાતામાંથી 8.37 કરોડ ઉપાડી ઊંઝાની ચાર પેઢીઓને આપ્યા હતા
માત્ર 400 રૂપિયા કમિશનની લાલચમાં ઉનાવા એપીએમસીની પેઢી હિતેશ ટ્રેડર્સનું ખોટું કરન્ટ એકાઉન્ટ ખોલાવીને રૂ.8.37 કરોડના ટ્રાન્ઝેક્શન કરી, આ કરોડો રૂપિયા ખાતામાંથી ઉપાડી પિયુષ પટેલે ઊંઝાની ચાર પેઢીઓને આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમજ હિતેશ ટ્રેડર્સનું લાયસન્સ ચાલુ વર્ષે ઉનાવા એપીએમસી દ્વારા રિન્યુ કરાયું ન હોવાનો પણ ખુલાસો થયો છે. સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જયેશ વાઘેલા અને પીએસઆઇ નારાયણસિંહ ચાવડાએ રિમાન્ડ દરમિયાન બુધવારે આ રોપી પિયુષ પટેલ અને હિતેશ રાવળને સાથે રાખી ઊંઝામાં તપાસ હાથ ધરી હતી. જેમાં હિતેશ ટ્રેડર્સના નામે ખોલેલા ખોટા એકાઉન્ટમાં રૂ.8.37 કરોડ ક્રેડિટ થયા બાદ સેલ્ફ ચેકથી ઉપાડીને શંખેશ્વર ટ્રેડિંગ સહિત ચાર પેઢીઓને આપ્યા હોવાની પિયુષ પટેલની કબૂલાતને પગલે પોલીસે પિયુષે આપેલા સરનામા ઉપર ઊંઝામાં તપાસ કરતાં હકીકતમાં આવી કોઈ જ પેઢી ન હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય, અન્ય એક પેઢીનું નામ આ પતાં તે પેઢીના માલિકની પૂછપરછમાં તેણે પિયુષ પટેલને ઉછીના રૂપિયા આ પ્યા હતા અને તે પરત માગતો હોવાથી તેણે તેની પેઢીનું અને પોતાનું નામ આપ્યું હોવાનું જણાવ્યુૂં હતું. આમ, પિયુષ પટેલ હજુ પણ પોલીસને સાચું જણાવી રહ્યો નથી. બીજી તરફ, કરોડોના વ્યવહારો જે બંધન બેન્કના એકાઉન્ટમાં થયા છે તે એકાઉન્ટ પણ જુલાઈ પૂર્વે જ બંધ થઈ ગયેલું છે.
મહેસાણા શહેરમાં વર્ષ 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ સર્ચ કરવામાં અટવાયેલા મતદારો માટે 5 જગ્યાએ શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરના બુધવારે પ્રથમ દિવસે મતદારોનો ધસારો રહ્યો હતો. જ્યાં પ્રાંત કચેરીના કર્મચારી, સ્થાનિક મદદનીશ ગુગલ સીટ, ચુનાવ લીંક અને એક્સલ સીટ ત્રણેય ફોર્મેટમાં મતદારોના નામ શોધવામાં મથામણ કરતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક નામ અનેક પ્રયાસ પછી પણ મળી શક્યા ન હતા. તો 50 ટકા મતદારોના નામ, તેમનો ભાગ અને ક્રમ નંબર મળી જતાં ફોર્મ ભરી આપ્યાં હતાં. મતદારોનાં નામ સર્ચ ન થવામાં ક્યાંક સ્પેલિંગમાં ભૂલ, નામમાં ખામી હોઇ શકે કે જૂની યાદી અપૂરતી હોય.આ સેન્ટર હજુ ચાલુ રખાશે. મહેસાણા વિધાનસભાના તમામ મતદાન મથકોમાં આજથી ચાર દિવસ બીએલઓ પણ હાજર મળશે. રાધનપુર રોડ ઝોનલ કચેરી : સવારે 10.30 વાગે આકાશગંગા સોસાયટીના સુરેશભાઇ ત્રિપાઠી આવ્યા. તેમનું નામ 2002ની યાદીમાં સર્ચ કરી આપવા ફોર્મ આ પતાં મહિલા કર્મચારીએ કમ્પ્યુટરમાં ત્રણેય ફોર્મેટમાં નામ શોધવા પ્રયાસો કર્યા. બીએલઓને વોટ્સએપમાં ફોર્મ મોકલી પ્રયાસ કર્યો પણ નામ ના મળ્યું. સુરેશભાઇએ કહ્યું કે, અમે સોસાયટીના 10 લોકોના નામ સર્ચ કરીને આપ્યા પણ મારું જ ન થયું. સાંજ સુધીમાં 30 મતદારને વિગતો મળી , એટલાને પરત જવું પડ્યું. તાલુકા પંચાયત : બપોરે 2.30 વાગ્યા સુધીમાં 14 લોકોને 2002નીમતદાર યાદીમાં નામ સર્ચ કરીને આ પ્યા હતા. ગુજરાત બહારના ઉત્તરપ્રદેશ તેમજ અન્ય રાજ્યમાં વર્ષ 2002ની યાદીમાં નામ હોય તેવા સિંધીસોસાયટી સહિતથી આવેલા મતદારના નામ સર્ચમાં મળ્યા નહોતા. મહાનગરપાલિકા : બપોરે 1 વાગ્યા સુધી 10 જેટલા મતદારોના નામ 2002ની યાદીમાં સર્ચ થયા હતા. અહીં ગજાનંદ સોસાયટીના રહીશ મૂળજીભાઇ દંતાણીનું નામ સર્ચ કરવા અનેક પ્રયાસ છતાં ન મળ્યું. તેમણે કહ્યું, મામલતદાર કચેરીએ જઇ આવ્યો ત્યાં પણ ન મળ્યું, દેસાઇનગરના વલીમહંમદ મનસુરીએ કહ્યું કે, હેડ ક્વાર્ટર શાળામાં મતદાન કરતાં આવ્યા છીએ પણ નામ જૂની યાદીમાં સર્ચ થતાં નથી.
RFO સોનલ સોલંકી ઉપર ફાયરિંગ કરીને ઘટનાસ્થળે ઝડપથી ભાગી ભાગેલા શૂટર ઇશ્વર ગોસ્વામીએ રૂ. 2 લાખની સ્પોર્ટ્સ બાઇક નાસિકના માસેજ ઘાટની 600 ફૂટ ઉંડી ખીણમાં ફેંકી દીધી હતી. આ બાઇક શોધવા માટે કામરેજ પોલીસે એક ટીમ બનાવી હતી. પોલીસ અને ખાનગી માણસો મળીને 25 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા. બે યુવકો પહેલા ખીણમાં ઉતર્યા પછી બાઇકને બાંધી અને ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને બાઇક બહાર કઢાઈ હતી. RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ શૂટર ઇશ્વર ગોસ્વામીને જે પિસ્તોલ આપી હતી તે તેણે બીલીમોરા નજીક અંબિકા નદીમાં ફેંકી હતી, ઘણા દિવસોથી પોલીસ આ વેપન શોધી રહી છે પરંતુ તે મળતું નથી, ગુરુવારે રીમાન્ડ પૂરા થતા હોઈ વધુ એક વખત પ્રયાસ કરવા માટે પોલીસ બુધવારે ઇશ્વરને ઘટનાસ્થળે લઈ તપાસ કરી પરંતુ હથિયાર મળ્યું ન હતું. બીજીતરફ, પોલીસની ત્રીજી ટીમ તાપી આરોપીઓએ મોબાઇલ વાલકબ્રિજ પરથી તાપીમાં ફેંક્યા હોવાનું કહેતા ફાયરબ્રિગેડના જવાનો સાથે પોલીસે નદીમાં શોધખોળ કરી હતી પરંતુ મોબાઇલ મળ્યા ન હતા. 20 ફૂટ ઉંડે સુધી સ્કૂબા ડાઇવરોએ તપાસ કરી હતી. હત્યાના પ્રયાસમાં વપરાયેલું વાહન અને હથિયાર મેળવવું સજા કરાવવા માટે પોલીસ માટે મહત્વના
હુમલો:ભીલોટ ગામમાં પ્રેમલગ્ન કરતાં યુવકના મકાન પર યુવતીના પરિવારનો હુમલો
રાધનપુર તાલુકાના ભીલોટ ગામ પ્રેમલગ્ન કરનાર યુવકના ઘર પર યુવતીના પરિવારે મનદુ:ખ રાખી હુમલો કરતાં 17 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર તાલુકાના ભીલોટ ગામે રહેતા પ્રભાતબા દેવુભા વાઘેલાનો દીકરો એકાદ મહિના અગાઉ તેમના જ ગામની ચૌધરી સમાજની દીકરી સાથે પ્રેમલગ્ન કહ્યા હતા. આ વાતનું મન દુઃખ રાખી યુવતીના પરિવારે મંગળવારે બપોરે 17 લોકો એકઠા થઈ લાકડીઓ લઈ તેમના ઘરે મારવા ધસી આવ્યા હતા. હિચકારો હુમલો કરી બહાર પડેલી કારના કાચ તોડી નાખ્યા મહિલાને આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાએ રાધનપુર પોલીસ મથકે 17 શખ્સો સામે મારઝુડની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ એચ.વી.ચૌધરી હાથ ધરી હતી. આ શખ્સો સામે ફરિયાદ બબાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ શીવાભાઈ ચૌધરી, શીવાભાઈ કલાભાઈ ચૌધરી, દઝાભાઈ કલાભાઈ ચૌધરી, ગીતાબેન મુકેશભાઈ ચૌધરી, આશાબેન ભીખાભાઈ ચૌધરી, ભીખાભાઈ કલાભાઈ ચૌધરી, ગંગાબેન ભીખાભાઈ ચૌધરી, ઓખીબેન જેઠાભાઇ ચૌધરી અને જશીબેન શીવાભાઈ ચૌધરી અને અન્ય સાત શખ્સો રહે.ભીલોટ
વિરોધ:પાટણના અંબાજી નેળિયામાં સમસ્યા મુદ્દે મહિલાઓએ પદયાત્રા રોકી વિરોધ કર્યો
પાટણ શહેરમાં સરદાર પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ અંબાજી નેળિયા ખાતે પહોંચતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપ આગેવાનોનો ઘેરાવો કર્યો હતો.પાટણ અંબાજી નેળિયા વિસ્તારમાં રહીશોએ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો ન થવાને કારણે આગેવાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. માહી સોસાયટી, એપોલોનગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ,દીયાંના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી કરી નથી.અગાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી આપી હતી કે.ચોમાસું પૂર્ણ થયા બાદ પાણીની લાઈન નાખવાની કામગીરી તાત્કાલિક શરૂ કરાશે. જોકે ચોમાસું પૂર્ણ થયાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ કામગીરી શરૂ કરી નથી. બુધવારે બપોરે પદયાત્રા વિસ્તારમાં આવી પહોંચતા મહિલાઓએ રેલી અટકાવી પ્રમુખ અને કોર્પોરેટરોને ઘેરીને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી. મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે માત્ર વાયદાઓ નહીં, પરંતુ આ સમસ્યાનું કાયમી અને ઝડપી નિવારણ લાવવા માંગ કરી હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન નાખવાનું રીટેન્ટર કરાયું છે. ટૂંક સમયમાં ટેન્ડર ખોલી આ ભૂગર્ભ ગટરની નવીન લાઈન નંખાશે. સાથે 47 લાખના ખર્ચે નવો રોડ બનાવાશે તેવી હૈયાધારણ આપી હતી.
સુનાવણી:હાઇકોર્ટે 3જી ડિસેમ્બરની મુદત આપતાં વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડી શકે
આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં લડવા માટે અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટમાં પોતાની સજા ઉપર સ્ટે માંગતી કરેલી પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કન્વીક્સન અરજી ફગાવ્યા બાદ તેમણે સ્ટે મેળવવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પરંતુ, તે પિટિશનમાં પણ હાઇકોર્ટે 3 ડિસેમ્બરની મુદત આપતાં વિપુલ ચૌધરી ચૂંટણી કદાચ લડી નહીં શકે. સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરીને સજા પડી હોવાથી સહકારી કાયદા મુજબ બે વર્ષથી વધુની કોઈ આરોપીને સજા પડી હોય તો તે સહકારી ક્ષેત્રની ચૂંટણી લડી શકતો નથી. જેને લઇ દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા માટે વિપુલ ચૌધરીએ અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટમાં સજા ઉપર સ્ટે માટે કરેલી અરજી કોર્ટે ફગાવતાં તેમણે આ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરી હતી. પરંતુ, હાઇકોર્ટે આ અરજીની 3 ડિસેમ્બરની મુદત આપી તે દિવસે સુનાવણી રાખી છે. બીજી તરફ, ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર હોવાથી અને હાઇકોર્ટમાં તેમની સજા ઉપર સ્ટે મામલે 3 ડિસેમ્બરના રોજ નિર્ણય થવાનો હોવાથી કદાચ વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી નહીં લડી શકે.
ગુનાનો ભેદ ઉકેલ્યો:પાટણમાં બસમાં ચડતી મહિલાનો દોરો ખેંચનાર પાલનપુરનો શખ્સ પકડાયો
પાટણમાં એસટી બસમાં ચડતી મહિલાનાં ગળામાંથી બે તોલા સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર પાલનપુરના એક શખ્સની ધરપકડ કરી એલસીબીની ટીમે 4 દિવસમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નવસારીનાં રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ નવા બસ સ્ટેન્ડમાં અમદાવાદ-દિયોદર બસમાં ચડી રહ્યા હતા. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ લોકોની ભીડનો લાભ લઈને રંજનબેને પહેરેલો રૂ. 1.20 લાખનો બે તોલાનો સોનાનો દોરો તફડાવી લીધો હતો. પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા ચેક કર્યા અને શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ કરતાં બાતમી મળી કે આ ઘટનામાં સંડોવાયેલો એક શખ્સ સિદ્ધપુર ચોકડી પર તિરૂપતિ બજારમાં આઇ-10 ગાડી લઈને ઊભો છે. પોલીસે તુરંત પાલનપુરના સાજીદ સાલેમહમદ સલાટને પકડીને પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ અને નુરભાઈ ખલીફા લીટ્ટુ 15 નવેમ્બરે બપોરના સમયે પાલનપુરથી ગ્રે કલરની i10 ગાડી લઈ પાલનપુરથી પાટણ બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. તેઓ સોનાનો દોરો પહેરેલી એકલદોકલ મહિલાઓની વોચમાં હતા. સાંજના સમયે અમદાવાદથી દિયોદર જતી બસમાં ચડવા માટે લોકોની ભીડ વધારે હોવાથી મહિલાએ પહેરેલો સોનાનો દોરો કટરથી કાપી ચોરી કરી હતી.
શાકભાજીના ભાવ:પાટણમાં 40ના બદલે 20 ગાડી માલ આવતાં આવક ઘટતાં શાકભાજીમાં કિલોએ ભાવમાં રૂ.20થી 80 વધ્યા
ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીની વાવેતર વધુ થાય છે. આ વર્ષે માવઠામાં શાકભાજીના પાકમાં નુકસાન થતા તેની અસર હવે શાક માર્કેટમાં માલની અછત સર્જાતાં શાકભાજીમાં કિલોએ ₹20થી લઈ ₹80 સુધીનો વધારો જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે શાકભાજીમાં મસાલા તરીકે વપરાતાં મરચાં, કોથમીર અને ટામેટાંના ભાવ ડબલ થઈ ગયા છે. તો સૌથી વધુ ભાવ લીલા શાકભાજીમાં ટીંડોળાનો 160 રૂપિયા કિલો પહોંચ્યો છે. શાકભાજીના માત્ર એક અઠવાડિયામાં જ ભાવ ઉચકાતા મધ્યમ અને ગરીબ પરિવારોને શાકભાજી ખરીદવામાં આર્થિક સંકળામણ અનુભવી ખરીદીમાં કાપ મુકવાની અથવા ટાળવાની ફરજ પડી રહી છે. પાટણ યાર્ડમાં અમદાવાદ, વડોદરા, ધાંગધ્રા, ચોટીલા, ડીસા, થરા જેવા જિલ્લામાંથી અગાઉ દરરોજની રૂ.30થી 40 શાકભાજીની ગાડીઓ આવતી હતી.પરંતુ હાલમાં માત્ર 20 જેટલી ગાડીઓ આવે છે. જેથી શહેરમાં શાકભાજીના ભાવ બજારમાં ઊંચકાયા છે. જેમાં ગવાર, ભીંડા, ટીંડોળા, રીંગળ, કોથમીર અને લીલી પાપડીના ભાવ રૂ.40થી 100 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.જેથી હોલસેલ ના ભાવમાં જ વધારો આવ્યો હોય રિટેલમાં તેના ભાવ તેનાથી વધતા લોકો શાકભાજીની ખરીદી કરતા પણ વિચાર કરી રહ્યા છે. લારીવાળા વેપારીઓ રૂ.100ની કિંમતના શાકભાજીની ખરીદી ઓછી કરી રહ્યા છે. 40 ગાડીઓ સામે 20 ગાડી માલની આવીવેપારીઓએ જણાવ્યું કે અગાઉ શાકભાજીની 35થી 40 જેટલી ગાડીઓ આવતી હતી.માલની અછતના કારણે હાલમાં માત્ર 15થી 20 જેટલી ગાડીઓ આવે છે. આટલા ઊંચા ભાવે શાકભાજીની ખરીદી કરી બજારમાં છૂટકમાં ક્યાં ભાવે માલ વેચવો એ પણ વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગાંધીબાગની જાળવણીનો અભાવ:પાટણમાં જાળવણીના અભાવે ગાંધીબાગ દારૂ પીવાનો અડ્ડો બન્યો
પાટણ નગરપાલિકા સંચાલિત ગાંધીબાગ જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો હોય લોકોની અવરજવર ના હોય અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે લોકોને ખુલ્લો દોર મળતા દારૂ પીતા લોકોએ દારૂ પીવા માટેનો અડ્ડો બનાવી દીધો હોવાના દ્દશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને પોટલીઓ રઝળતી જોવા મળી રહી હોય દારૂબંધીના સખત વિરોધી ગાંધીજીના નામના આ બાગમાં જ દારૂબંધીના લીધે ઉડતા દ્રશ્યોથી તેમની નામની છબી પણ કલંકિત થઈ રહી હોવાના સ્થાનિક વેપારીઓ દ્વારા અભિપ્રાય વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા આ બાગ બગીચામાં સાફ-સફાઈ યાદ કરી લોકોને અવરજવર અને બેસવા માટેનું સ્થળ બને અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકે માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરેલા ગાંધીજીના બાગમાં જાળવણીના અભાવે ફરીથી ઉજ્જડ બની ગયો છે. બાળકોને રમવા માટે મૂકેલા રમત ગમતના સાધનોમાં પણ ઘાસ ઊગી નીકળ્યું છે.પાલિકાની આળસના કારણે હર્યાભર્યા બગીચો હાલમાં વિરાન બન્યો છે. અહીં બનાવેલ ઓપન થિયેટરની લાદીઓ પણ ઉખડી ગઈ છે. બાગની અંદર સિટી સિવિક સેન્ટરની બાજુમાં જ અપ્રમાણસર દારૂની બોટલો જોવા મળી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીંયા રાત્રી દરમિયાન લોકો દારૂ પીવા માટે આવી જાય છે. અનેક યુવાનો અહીંયા દારૂની પાર્ટીઓ કરી રહ્યા છે. આમતેમ બોટલો ફેંકે છે.જે બાગમાં દારૂની બોટલો નજરે પડે છે. બગીચાની સફાઈ કરી સિક્યુરિટી મૂકવા માંગબાગમાં બપોરે વિશ્રામ કરવા આવેલા બાબુભાઈ રાવળે જણાવ્યું હતું કે પાટણમાં કામ અર્થે આવ્યો હતો. બગીચામાં બેસવાની અને બપોરે આરામ કરવાની સારી વ્યવસ્થા હોય અહીંયા આવ્યો છું.પરંતુ કચરો અને દારૂની બોટલો પડી હોય પરિવાર ખાતે આવવું હિતાવહ લાગતું નથી.પાલિકા દ્વારા બાગમાં નિયમિત સફાઈ અને સિક્યુરિટી ગાર્ડ રાખવો જોઈએ.
4 હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેક્શનથી 370 કરોડની આઇટીસી ઉસેટવામાં આરોપીના કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યુ કે હાલ રાજયના આર્થિક ક્ષેત્રને અસર કરે છે આવા ગુનાઓ જનતા તેમજ રાજયના ભંડોળને પણ અસર કરે છે. ડીજીજીઆઇએ ભિવિંડી રહેતા અને આર્ક એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતા સુહાસ નવનાથ જાધવની ધરપકડ કરી હતી. આરોપીને ત્યાંથી બોગસ કંપનીઓ અને તેને લગતા અનેક ડોક્યુમેન્ટ મળ્યા હતા. આરોપીએ બોગસ બિલિંગના આધારે ક્રેડિટ પાસઓન કરી હતી. ધરપકડ બાદ આરોપીએ કરેલી જામીન અરજીનો સરકારી વકીલે તેની સામેના ગંભીર પ્રકારના આર્થિક ગુનાની વિગતો રજુ કરતા કોર્ટે આરોપીના જામીન રિજેક્ટ કર્યા હતા. 19 કરોડની આઇટીસી લેનારની ધરપકડ : ડીજીજીઆઇની ટીમે કડોદરામાં દરોડા પાડીને 100 કરોડથી વધુના બોગસ બિલિંગના કેસમાં આરોપી અંકુર પટેલની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ માલ મોકલ્યા વગર જ રૂપિયા 19 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)મેળવી હતી. બોગસ બિલિંગ પકડાય તો ITમાં 200 % પેનલ્ટીબોગસ બિલિંગ રોકવા અનેક પગલા લેવાયા છે જો કોઈ વેપારીનો ટેક્સ 50 લાખની ઉપર જાય તો તેણે1 ટકા ટેક્સ રોકડમાં ભરવાનો રહેશે. જો બોગસ બિલિંગ પકડાઈ તો આઇટી તેનીસામે 200 ટકા પેનલ્ટી લગાવી કાર્યવાહી કરશે. ઉપરાંત જો એવી પેઢીઓના ટ્રાન્ઝેકશન અચાનક વધી જાય તો તેના માટે એક એઆઇ સેન્ટર ઉભુ કરાયું છે. > જગદીશ વૈષ્ણવ, સી.એ. જે કંપની જ નથી તેના ઇ-વે બિલ બની ગયાઆરોપીને ત્યાંથી 28 કંપનીના રબર સ્ટેમ્પ, જીએસટી અને ઇ વે બિલ પોર્ટલના લોગઇન-ઓળખપત્રો અને 83 કંપનીના લિક્ંડ ઇમેઇલ મળ્યા હતા. સહ આરોપી પાસેથી અનેક મોબાઇલ અને સીમ કાર્ડ મળ્યા હતા. જેનું અસ્તિત્વ જ નથી તેવી કંપનીઓના ઇ-વે બિલ ણ મળ્યા હતા. 135 કંપનીઓમાથી 10 કંપનીના કેસમાં અજાણી વ્યક્તિઓના દસ્તાવેજ મળ્યા હતા. જેનો નકલી કંપનીઓ બનાવવા માટે ઉપયોગ થયો હતો.
ખનીજચોરોનો ત્રાસ:ભુજ, ગજોડ અને ગુંદાલામાં ખનિજચોરી પકડાઈ 5 ડમ્પર, એસ્કેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું
જિલ્લામાં ખનીજચોરી અટકાવવા માટે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભુજના મિરજાપર રોડ તેમજ મુન્દ્રાના ગજોડ અને ગુંદાલામાં ખનિજચોરી ઝડપી લેવામાં આવી છે.3 કાર્યવાહીમાં 5 ડમ્પર અને મશીન જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ટીમ દ્વારા ભુજ તાલુકાના ગજોડ સીમ વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદે ખનન કરતુ એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર પકડવામાં આવ્યા હતા આ મશીન તથા બે ડમ્પરને સિઝ કરી સરકારી ગોદામ ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. આ સાથે મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ પાસેથી સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા એક ડમ્પરને પકડી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે.જ્યારે બુધવારે વહેલી સવારે મીરજાપર-ભુજ હાઈવે ખાતે સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા બે ડમ્પરને પકડી સિઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
ગુમ થયેલ વ્યક્તિની મળી આવી લાશ:બે દિવસથી ગુમ યુવકનો ખાડીમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો
બે દિવસથી ગુમ થયેલા ઉનના 43 વર્ષીય યુવક રફીક રઝાક શેખનો રહસ્યમ સંજોગોમાં ખાડીમાંથી મૃતદેહ મળ્યો હતો. જુગાર રમતી વખતે ભાગદોડ બાદ યુવક ગુમ થયો હોવાની મિત્રોએ પરિવાર સમક્ષ કેફીયત વ્યકત કરી હતી. જોકે પરિવારે યુવકના મોત અંગે શંકા વ્યકત કરી છે. રફીક શેખ ટેક્ષટાઈલ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ દરમ્યાન રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના 6 અલગ અલગ હેડમાં નોંધાયેલા ગુનાના આરોપીઓની યાદી બનાવી તેઓના ચેકિંગ વેરિફિકેશન કરી ડોઝિયર્સ ફોર્મ ભરવાની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 800 આરોપીની યાદી બનાવી અત્યારસુધીમાં 554 ગુનેગાર ચેક કરી 335ના ડોઝીયર ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે હજી પણ આ કામગીરી ચાલુમાં છે. ગુજરાત એટીએસ દ્વારા ગત 8 નવેમ્બરના રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર 3 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી ઉપરાંત 9 તારીખે ફરીદાબાદ ખાતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર આરોપીઓને પકડવામાં આવ્યા હતા જ્યારે આ જ દિવસે દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો ઉપરોક્ત તમામ બાબતની ગંભીરતાને ધ્યાને ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરી રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓને અગાઉ આપેલ સુચના મુજબ આરોપીઓની યાદી તૈયાર કરી કાર્યવાહી માટે સૂચના અપાઈ હતી. પશ્ચિમ કચ્છમાં છેલ્લા 30 વર્ષના જાણીતા હથિયાર ધારાના કેસોમાં 429 આરોપી , એન.ડી.પી.એસ.એક્ટ હેઠળના કેસોમાં 272 આરોપી, એક્સપ્લોજીવ એક્ટના કેસોમા 39, બનાવટી ચલણી નોટોના કેસોમાં 43 તથા ટાડા, પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ. જેવા કેસો અને પેટ્રોલિયમ એક્ટના કેસોના 17 આરોપી મળી કુલ છ હેડમાં 800 આરોપીની યાદી તૈયાર કરવામાં આવી હતી.રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પોલીસ વડા વિકાસ સુંડા દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લાના ઉપરોક્ત હેડના તમામ આરોપીઓને આગામી 100 કલાકમાં ચેક કરી વેરીફીકેશન કરી તેઓના ડોઝીયર ભરવા સુચના આપવામાં આવી હતી. તા.16 થી 18 નવેમ્બર સુધીમાં જાણીતા તમામ ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઝુંબેશ દરમ્યાન પશ્ચિમ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 554 જાણીતા ગુનેગારોને ચેક કરી તે પૈકી 335 આરોપીના ડોઝીયર ભરવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ બાકી રહેતા જાણીતા ગુનેગારોને ચેક કરવાની અને ડોઝીયર ભરવાની કામગીરી હાલમાં ચાલુમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
નકલી જેલર જેલ હવાલે:જેલરના નામે લાંચ માગનારો અમદાવાદથી પકડી લેવાયો
અડાજણ પોલીસમાં નોંધાયેલા બ્લેકમેઇલના ગુનામાં આરોપીના પરિવારને જેલરના નામે ફોન કરીને પૈસાની માંગણી કરનાર ઠગ અમદાવાદથી પકડાયો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. અડાજણ પોલીસમાં બ્લેકમેઇલ કરીને કાકા સસરા પાસેથી રૂ.10 કરોડની ખંડણી માંગવાના ગુનાના આરોપી ના પરિવારને જેલમાં સુવિધા આપવાના બહાને રૂ.15 હજારની માંગણી કરનાર ગઠીયા રાજેશ નરેન્દ્ર ત્રિવેદી (ઉવ.49)ને અમદાવાદ પોલીસે તેના નિવાસસ્થાન આનંદ સોસાયટી વિભાગ-1 જયમાલા ઇશનપુર અમદાવાદથી પકડી પાડ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણ રાજેશ મોરબીથી ટાઇલ્સ મંગાવીને કમિશન પર વેચવાનો ધંધો કરતો હતો. ઝાંપા બજાર તૈયબી પેલેસમાં રહેતા મઝહરસાબ કમરસાબ સૈયદ હોટલ ચલાવે છે. તેના સાળો સલમાન લાજપોર જેલમાં હોવાની જાણ થતા તા.16-11-2025ના રોજ રાજેશે મઝહરસાબ ને ફોન કરીને લોજપોર જેલમાંથી બોલતા હોવાનું કહીને તુમ પેમેન્ટ કરોગે તો મેં ઉસકો રખુંગા બાકી મેં ઉસકો લોકઅપ મે ડાલ દેતા હું કહીને રૂ. 7000 માંગ્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:કરાટે સ્પર્ધામાં નિલેશને મેલ ટીમમાં ગોલ્ડ
મહારાષ્ટ્રના નાશિકમાં ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 5મી વેસ્ટ ઝોન સિનિયર કરાટે ચેમ્પિયનશીપ-2025 નું આયોજન કરાયું હતું. જેમાં પી.પી સવાણી વિદ્યાભવનમાં ફરજ બજાવતા વ્યાયામનાં શિક્ષક નિલેશ જાધવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સિનિયર મેલ ટીમમાં ગોલ્ડ મેડલ જીતી સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ આગામી ડિસેમ્બર મહિનાંમાં દિલ્હી ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઝોનલ સિનિયર કરાટે ચેમ્પિયનશીપમાં ગુજરાત તેમજ વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ મેળવવીએ રાજ્ય અને પી.પી. સવાણી વિદ્યાભવન માટે ગર્વની વાત છે.
ગર્વની વાત:ફુટબોલ સ્પર્ધામાં રાજ્યની ટીમમાં તેજસ્વી સિલેક્ટ
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત જુનિયર ગર્લ્સ ફુટબોલ નેશનલ સ્પર્ધાનું આયોજન આંધ્ર પ્રદેશના અનંતપુર ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતની ટીમની ગૃપ-સીની લીગ મેચો મણિપુર, કર્ણાટક અને છત્તીસગઢ રાજયોની ટીમો વચ્ચે રમાશે. તાપી વેલી ઈન્ટરનેશનલ સ્કુલની ધોરણ-10 ની વિદ્યાર્થીની અને ઓલપાડ તાલુકાના મોરભગવા ગામની તેજસ્વી પટેલની પસંદગી ગુજરાત રાજયની ટીમમાં ખેલાડી તરીકે પસંદગી થઈ છે. ટીમ અમદાવાદમાં ગુજરાત ફુટબોલ કોચ જુલયેટ મિરીન્દાના નેજા હેઠળ પ્રિ.નેશનલ કેમ્પમાં સઘન તાલીમ લઇ સ્પર્ઘામાં ભાગ લેવા ગઈ છે.
વિધાર્થીઓ શીખ્યા ભુજૉડી આર્ટ:ફેશન ટેક્સટાઇલ ડિઝાઇનના વિધાર્થીઓ ભુજૉડી આર્ટ શીખ્યા
ઓરો યુનિવર્સિટીના ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનના વિધાર્થીઓને ભુજૉડી આર્ટની કળા શીખવવામાં આવી હતી. આર્ટિસ્ટ દયાલાલ કુદેચાએ આ કળા શીખવી હતી. ભુજૉડી ગુજરાતનું એક ગામ છે, જે ટ્રેડિશનલ હેન્ડલૂમ વિવિંગ માટે પ્રસિદ્ધ છે. આ કળાનો ઉપયોગ ખાસ કરીને શૉલ, બ્લેન્કેટ અને કાર્પેટ બનાવામાં થાય છે. આ કપડામાં ખાસ કરીને સીધી, ત્રિકોણ જેવી ડિઝાઇન હોય છે. જેની કિંમત રૂ.600થી રૂ.12,000 સુધી હોય છે. ભુજૉડી કપડા ઠંડીમાં પ્રાકૃતિક રીતે શરીરને ગરમી આપવાનું કામ કરે છે. જે કુદરતી રંગોથી બનેલા હોવાથી ત્વચા માટે પણ અનુકૂળ છે. ભુજૉડી કપડાને બનાવવાની પદ્ધતિભુજૉડી બનાવવાની પ્રક્રિયા સૈપ્રથમ યાર્નને હાથથી કોતરવાથી શરૂ થાય છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં તેને સુકાવામાં આવે છે. પછી લૂમ્સ પર યાર્ન મુકવામાં આવે છે અને જીઓમેટ્રિક આકાર મૂકીને તેનાથી યાર્ન પર ડિઝાઇન બનાવામાં આવે છે.
સુરત • સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા RD સેલ SCET અને IETE સુરત સબ-સેન્ટરના સહયોગથી ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ ડિઝાઈન ચેલેન્જ 3.0’ યોજાઈ હતી. આ ઈવન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ઈન્ટરનેટ ઓફ થીંગ્સ ટેકનોલોજી પ્રત્યેની સમજણ અને નવીન ક્ષમતા વિકસાવવાનો હતો. જેમાં કુલ 22 ટીમોમાં 70થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી, ટેકનિકલ કુશળતા અને સમસ્યા-નિવારણ ક્ષમતા દર્શાવતું મંચ બની હતી. ડસ્ટબિન 75% ભરાઈ જાય ત્યારે સિસ્ટમ એલર્ટ અને નોટિફિકેશન આપે છે
કિસાન સન્માન નિધિ:કચ્છના 1.13 લાખ ખેડૂતોના ખાતામાં 21 મા હપ્તાની રકમ જમા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જારી કર્યો છે. સરકારે 21મા હપ્તામાં કચ્છ સહીત દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. જેમાં કચ્છના 1.13 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કચ્છમાં પીએમ કિસાન પોર્ટલ પર 1,59,641 ખેડૂતોની નોંધણી થયેલી છે. પરંતુ કચ્છના 1,14,477 ખેડૂતોને જ 21માં હપ્તાની રકમ મળી છે. 45,165 ખેડૂતોએ ઈ-કેવાયસી, આધાર સિડિંગ અને લેન્ડ સિડિંગ કરાવ્યું ન હોવાથી તેમને આ વખતે 21માં હપ્તામાં પૈસા મળ્યા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી, આધાર સિડિંગ અને લેન્ડ સિડિંગમાંથી કોઈ પણ એક પ્રક્રિયા બાકી હોય તો તે હપ્તો મેળવવા પાત્ર રહેતા નથી. કચ્છના હજારો ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી જ કરાવ્યું નથી જેના કારણે તેઓ સરકારના 21માં હપ્તાથી વંચિત રહેવું પડ્યું છે. હજુ પણ ગ્રામ સેવક કે સીએસસી સેન્ટર ખાતે ઈ-કેવાયસી અને આધાર સિડિંગની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને કુલ 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. તે 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જે ખેડૂતોના ખાતામાં કદાચ હપ્તો જમા ન થયો હોય તો તેવા ખેડૂતોને આગામી એક સપ્તાહની અંદર નાણા તેમના ખાતામાં જમા થઇ જશે. કોને મળે છે પીએમકિસાન યોજનાનો લાભ?પીએમ કિસાનનો લાભ માત્ર એવા ખેડૂતોને મળે છે, જેમનું જમીનની નોંધણી પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ કરેલી છે. સાથે જ ખેડૂતનું બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હોવું જરૂરી છે.જો તમારી પાસે ખેતીલાયક જમીન છે અને હજી સુધી યોજના સાથે જોડાયા નથી, તો તમે પણ ઓનલાઈન અથવા CSC સેન્ટર દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો.
મ્યુઝિયમ ઓન વ્હિલ્સ પ્રદર્શનનું સમાપન:બે દિવસમાં 1600 સ્ટૂડન્ટ્સે લુપ્ત કળાની માહિતી મેળવી
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, મુંબઈ દ્વારા તૈયાર કરાયેલી ‘મ્યુઝિયમ ઓન વ્હિલ્સ’ની છેલ્લા બે દિવસમાં 1600થી વધુ બાળકોએ મુલાકાત કરી હતી. પ્રથમ દિવસે ચોક બજાર કિલ્લા ખાતે 956 અને બીજા દિવસે સાયન્સ સેન્ટર પર 670 લોકોએ મુલાકાત લીધી હતી. આ બસ ભારતભરમાં ભ્રમણ કરીને લુપ્ત થયેલી ભારતની કળાઓને લોકોમાં ફરી જીવંત કરવા અને લોકોને આ કળાઓ વિશે માહિતગાર કરવા અલગ અલગ વિષયો ઉપર શિક્ષણલક્ષી પ્રદર્શન કરે છે. આ બસની થીમ ‘ઝરોખા- લેગેસી ઓફ ઇન્ડિયન આર્ટ્સ’ રખાઇ છે. જે ભારતના વિવિધ રાજ્યોની કલાકૃતિઓ, સાંસ્કૃતિ અને શૈક્ષણિક મૂલ્યોને પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમની મુલાકાતે આવનાર બાળકોને બ્લોક પ્રિન્ટિંગ સહિતની એક્ટિવિટીઓ પણ કરાવાઇ હતી. હવે બસ ભરૂચમાં પ્રદર્શન યોજશે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા ડિફેન્સ સાયન્સ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર સંશોધન અને ઇનોવેશન કરનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે અરજી મંગાવવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને તેની કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષ 2024-25ના DRDO રાષ્ટ્રીય પુરસ્કારો માટે ઉમેદવારોના નોમિનેશન કરવા સૂચન કર્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓ આગામી 1 ડિસેમ્બર, 2025 સુધીમાં ઉમેદવારોના નામોને નોમિનેશન કરી શકે છે. પુરસ્કારોમાં ડૉ. કોઠારી રક્ષા વિજ્ઞાન પુરસ્કાર અને ડૉ. કલામ રક્ષા ટેકનોલોજી પુરસ્કારનો સમાવેશ થાય છે, જેમાં પ્રમાણપત્ર અને 10 લાખ રૂપિયા રોકડ આપવામાં આવશે. કોઠારી પુરસ્કાર મૂળભૂત સંશોધન માટે અને કલામ પુરસ્કાર ટેકનોલોજી વિકાસ માટે આપવામાં આવશે. નોમિનેશન માત્ર મંત્રાલય, વિભાગો અથવા સંસ્થાઓ મારફતે માન્ય રહેશે; વ્યક્તિગત અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજીમાં ઉમેદવારના મુખ્ય યોગદાનનું વર્ણન લગભગ 100 શબ્દોમાં કરવા અને વિશ્વ સ્તરે સમાન ટેકનોલોજીનો સ્તર દર્શાવવો ફરજિયાત છે. આ નોમિનેશન પછી સ્ક્રીનિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને ટોચની સમિતિની ભલામણ પર રક્ષા મંત્રીએ અંતિમ મંજૂરી આપશે. કામની વાતકોલેજ થકી અરજી મોકલી શકાશે
વર્લ્ડ પાઇલ્સ ડે:હરસ-મસાની બીમારી સહન કરવા કરતા સારવાર સાચું શાણપણ
આજના યુગમાં બદલાતી જીવનશૈલીના લીધે ઘણી બીમારીમાં વ્યક્તિઓ સપડાય રહ્યા છે. જેમાં પાઇલ્સ એટલે કે મસા થવાની તકલીફ પણ બાકી નથી. આ રોગ બાબતે જાગૃતિ આવે તે માટે વર્લ્ડ પાઇલ્સ ડે ઉજવાય છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં હરસ-મસાની બીમારીઓ માટે ઘણી બધી સારવારનું વર્ણન કરેલું છે. જેમાં ‘ચરક સંહિતા’ અને ‘અષ્ટાંગહૃદય’ ઔષધિની સારવાર અને પંચકર્મ સારવાર જયારે સુશ્રુત સંહિતામાં મુખ્યત્વે શસ્ત્રકર્મ, ક્ષારકર્મ અને અગ્નિકર્મ સારવારનું વર્ણન જોવા મળેછે. તબીબ મેહુલસિંહ ઝાલાના કહેવા મુજબ, જો સમયસર હરસ-મસા જેવી મળમાર્ગની બીમારીની સારવાર કરાવવામાં આવે તો, એ કાયમ માટે મટી જાય છે. મેડીકલ સાયન્સ અને આયુર્વેદમાં જણાવ્યા મુજબ હરસ-મસાની બીમારીના મુખ્ય કારણો વંશપરંપરાગત એટલે કે, જો માતા પિતાને હરસ-મસાની બીમારી હોય તો, સંતાનોને થવાની સંભાવના વધી જાય છે. વધારે પડતી બેઠક વાળો વ્યવસાય. ખાસ કરીને કમ્પ્યુટર સામે લાંબો સમય બેસીને કામ કરતા લોકો અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તકલીફ થાય છે. મદ્યપાન, ધુમ્રપાન, તમાકુ અને વિશેષ કરીને અફીણના સેવનથી. જંકફૂડ એમાં પણ ખાસ કરીને મેંદાની વાનગીઓના ખોરાકમાં વધારે પડતા લેવાથી. સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાના અંતિમ ચરણમાં. જમવાની અને ઊંઘની અનિયમિતતાને લીધે. ડૉ. ઝાલાએ જણાવ્યું હતું કે, દેશ અને દુનિયા માં અત્યારે કેન્સર બહુ જ મોટો પ્રશ્ન થઈને ઉભરી રહેલી બીમારી છે. ત્યારે, મળમાર્ગના કેન્સરના વધતા જતા કેસ એક નવી સમસ્યા થઈને સામે આવી રહ્યા છે. હરસ- મસા ની તપાસ અને સારવાર કરાવવા આવતા દર્દીઓ માંથી દર મહિને સરેરાશ 2 થી 3 દર્દીઓ મળમાર્ગના કેન્સર ના નિદાન સાથે અન્ય હોસ્પિટલમાં મોકલવા પડતા હોય છે, જે આપણા સૌ માટે પડકારરૂપ પરિસ્થિતિ છે. યોગ્ય આહાર, નિયમિત જીવનશૈલી, માત્રાવત કસરત, સમયસર નિદાન અને યોગ્ય તથા નિષ્ણાંત તબીબની સારવારથી હરસ-મસા ( મળમાર્ગ ની બીમારી) ખાળી શકાય છે.
શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ થતા હોવાની ફરિયાદ સામે આવી છે. એલ.પી. સવાણી એકેડેમિક, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્ઞાનગંગા વિદ્યાલય, માધવબાગ વિદ્યાભવન, આશાદીપ વિદ્યાલય, બ્રોડવે ઇન્ ટરનેશનલ સ્કૂલ અને કે સેવન ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી હતી. જેમાં જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા સ્કૂલમાંથી યુનિફોર્મ-સ્ટેશનરી ખરીદવા દબાણ કરાયાની પણ ફરિયાદ મળી હતી. આ અંગે ડીઇઓ ડો. ભગિરથસિંહ પરમારે તપાસ હાથ ધરી અને આ સ્કૂલોને 10 હજારનો દંડ ફટકાર્યો છે. વાલીઓએ મુખ્યમંત્રી જનસંદેશ પોર્ટલપર ફરિયાદ કરી હતી. ડીઇઓ જણાવ્યું હતું કે જો હવે ફરી આ સ્કૂલો સામે આવી કોઇ ફરિયાદ મળશે તો રૂ.25 હજારનો દંડ અને માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. ભાસ્કર એક્સપર્ટ‘અલગ બેસાડવા સમાનતા-શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન’ > ઉમેશ પંચાલ, એડવોકેટ
શિક્ષણ:કચ્છ પ્રદેશની ભૂમિ નવીનતા અને અવસરોથી ભરપૂર છે
ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિયેશન (IEASA) ની છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનો બુધવારથી ભુજમાં આરંભ થયો છે.કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રણ દિવસીય પરિષદનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047 છે. મહિલા કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા આ પ્રારંભિક સત્રમાં ભારતના આર્થિક ભવિષ્ય, જ્ઞાનની શક્તિ અને ઝડપથી પરિવર્તિત થતી દુનિયામાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ખાસ ચર્ચા કરાઈ હતી. પરિષદ સંયોજક પ્રો. વિજય વ્યાસે જણાવ્યું કે નોંધણી કરાવેલા પ્રતિનિધિમાંથી 60થી વધુ પ્રતિનિધિ ગુજરાત બહારથી આવ્યા છે. IEASAના સચિવ પ્રો. આલોક કુમારે ઓક્ટોબર 2018માં માત્ર સાત સ્થાપક સભ્યો સાથે શરૂ થયેલી સફર યાદ કરાવી જણાવ્યું કે આજે એસોસિયેશન પાસે 744 સભ્યો છે. આ પરિષદમાં ત્રણ દિવસ દરમિયાન 127થી વધુ સંશોધન લેખો રજૂ થવાના છે.સ્થાપક અધ્યક્ષ ડૉ. ગિરિરાજસિંહ રાણાએ સંશોધકોને આ પરિષદને પ્રભાવશાળી સંશોધન અને બૌધિક વિકાસનું સાધન બનાવવા જણાવ્યું હતું. સંજય પાસવાને કહ્યું કે,બચાવેલી શક્તિ એ કમાયેલ શક્તિ અને બચાવેલું ધન એ કમાયેલું ધન છે. સુશીલ કુમાર સિંહે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આ પોર્ટ કચ્છ અને સમગ્ર ગુજરાત માટે વેપાર, ઉદ્યોગ અને રોજગારનું મુખ્ય કેન્દ્ર છે. પ્રો. આલોક કુમાર ચક્રવાલએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ કે કૌશલ્ય વિકાસ, અનુભવ આધારિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ વૈશ્વિક અર્થવ્યવસ્થાની તૈયારી માટે અનિવાર્ય છે. રોબિન ભૌમિકે જણાવ્યું કે, વિકસિત ભારત 2047ના સપનાની પૂરતી સિધ્ધિ માટે કુશળ માનવસંસાધન સૌથી મહત્ત્વનું છે. પ્રમાદ નાથજીએ કહ્યું કે ભવિષ્ય તેઓનું છે જે શીખી શકે, ભૂલી શકે અને ફરી શીખી શકે. રોહિત શુક્લએ જણાવ્યું કે શાસ્ત્રીય સંશોધન માટે ખુલ્લી વિચારસરણી જરૂરી છે.અલકનંદા પટેલએ વારસા થી વિકાસ વિષય પર સંતુલિત દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છની સ્થિતિસ્થાપકતા અને વિકાસની સફર પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કચ્છ આજે નવીનતા અને અવસરોથી ભરપૂર ભૂમિ . પરિષદની સ્મૃતિ પુસ્તિકા, ચાર સંશોધન જર્નલ અને પાંચ નવી શૈક્ષણિક પુસ્તકોનું વિમોચન કરાયું હતું. પરિષદ અધ્યક્ષ પ્રો. તુષાર શાહે આર્થિક સુધારા, સામાજિક પ્રગતિ અને સહયોગી સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.બપોર બાદ પ્લેનરી સત્રનું અધ્યક્ષસ્થાન પ્રો. અશોક મિત્તલ, પ્રોફેસર એમેરિટસ, દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીએ કર્યું અને પ્રો. સુનીતા ગુપ્તા, અર્થશાસ્ત્ર વિભાગ, આગ્રા કોલેજે રેપોટિયર તરીકે કામગીરી સંભાળી.સત્રનો પ્રારંભ અર્પણ યાલિક, પ્રોગ્રામ હેડ, પેન સ્ટેટ યુનિવર્સિટીના ઉદ્બોધનથી થયો. તેમણે ભય દૂર કરો, સર્જનાત્મકતા જગાવો વિષય પર વિચારો રજૂ કર્યા. ડૉ. માર્જાના જૌહોલા, એસોસિએટ પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ હેલસિંકી ફિનલેન્ડ દ્વારા ભારતના વિકાસ માર્ગોની તુલનાત્મક ભૂગોળીય દૃષ્ટિ રજૂ કરાઈ હતી.એસપી યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રો. હરીશ પાઘે વિકસિત રાષ્ટ્ર બનવાની તૈયારી પર ચર્ચા કરી.પ્રો. એસ. એસ. કલમકર, ડાયરેક્ટર, સરદાર પટેલ યુનિવર્સિટીએ કૃષિનો પરિવર્તન વિષય પર વિશ્લેષણ રજૂ કર્યું.સત્રમાં ડૉ. આઈ.જી. પટેલ સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું, જે પ્રો. પ્રસાદ રાવ મિચારલા, સભ્ય. 5મી રાજ્ય નાણાકીય કમિશન, આંધ્રપ્રદેશે રજૂ કર્યું હતું. વર્લ્ડ બેંકના સિનિયર ઇકોનોમિસ્ટ ઓનલાઇન જોડાયાઆંતરરાષ્ટ્રીય ઓનલાઇન સત્રમાં વર્લ્ડ બેંકના સિનિયર ઇકોનોમિસ્ટ સૌમ્યા બાલાસુબ્રમણ્યમ, પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પેન્સિલ્વેનિયાના ડૉ. જોર્ડન જેક્સન અને દીપાક્ષી સિંહ સેન્ટર ફોર ઇકોનોમિક પોલિસી રિસર્ચ, યુનિવર્સિટી ઑફ ગ્રોનિંગન જોડાયા અને વૈશ્વિક આર્થિક અને વિકાસલક્ષી પ્રશ્નો પર દૃષ્ટિકોણ ઉમેર્યા હતા.
આચાર્ય પદપ્રદાન મહોત્સવનો પ્રારંભ:‘આચાર્ય પંચાચારના પાલનથી ઘણાં સુકૃતોનું સર્જન કરે છે’
વેસુ મહાવિદેહધામમાં આચાર્ય વરબોધિસૂરિજી, ઉપાધ્યાય ઈન્દ્રવિજયજી, પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી, પંન્યાસ પદ્મબોધિવિજયજી આદિ શતાધિક શ્રમણ-શ્રમણી વૃંદની નિશ્રામાં આચાર્ય પદપ્રદાન મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય પ્રસંગનો પ્રારંભ થયો હતો. જેમાં ‘પ્રભાવકોની પાવન કથા’ આ વિષય ઉપર સવારે 9થી 11 સુધી ધર્મસભાનું આયોજન થયું હતું. જેમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, દિવ્યશક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે મંત્ર શકિત પણ ક્યારેક ચમત્કાર સર્જે છે. પુણ્ય, પ્રભાવ અને પ્રજ્ઞાના વિકાસથી આચાર્ય પંચાચારના પાલન દ્વારા ઘણાં સુકૃતોનું સર્જન કરે છે. આચાર્ય વિશિષ્ટ કોટિનાં સર્જન કરે છે. આચાર્ય પદ એ સમજદારી અને જવાબદારીનું પદ છે.
આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સુરતની ઉમરા પોલીસે જે માનવતાભર્યું કાર્ય કર્યું છે તે ખરેખર કાબીલે તારીફ છે. ઉમરા પોલીસના સ્ટાફે વૃદ્ધાશ્રમમાં રહેતા લગભગ 90 વૃદ્ધો અને શેલ્ટર હોમમાં રહેતા 120 બાળકોને ડુમસ રોડના થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોવા માટે લઇ ગયા હતા. પોલીસકર્મીઓએ દરેક વૃદ્ધ અને બાળકોને પોતાના વાહન અને બસમાં બેસાડી સુરક્ષિત રીતે થિયેટરમાં લઈ ગયા હતા અને ફિલ્મ દરમિયાન નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી. પોલીસે વૃદ્ધોને પોતાના મા-બાપ સમજી દીકરાની જેમ સેવા કરી હતી. જેના કારણે વૃદ્ધોના ચહેરા પર ખુશી અને સ્મિત ચમક્યું હતું સાથે નાના બાળકો પણ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા.

29 C