નિર્ણય:મહાપુરા ગામમાં એપ્રોચ રોડની કામગીરીઅધિકારી સાથે વિવાદના કારણે બંધ કરાઇ
ભાજંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રસ્તાની પાંચ વર્ષ બાદ શરૂ થયેલી કામગીરી ફરી અટકી છે. ગામના કેટલાક આગેવાન રસ્તા બાબતે અધિકારીઓ સાથે બિન જરૂરી વિવાદ ઉભો કરી રહયાં હોવાથી કચેરી તરફથી હાલ પુરતું કામ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જંબુસરના મહાપુરા ગામમાં 2021-2022ના વર્ષમાં એપ્રોચ રસ્તાની કામગીરીને સરકારે મંજૂરી આપી હતી. પાંચ વર્ષ પહેલા રસ્તો મંજૂર થયો હોવા છતાં કોઇ ઇજારદાર કામ કરવા માટે તૈયાર થતો નહિ હોવાથી કામ વિલંબમાં પડી ગયું હતું. સંલગ્ન વિભાગ તરફથી અત્યાર સુધીમાં 10 વખત ટેન્ડર પણ બહાર પાડવામાં આવી ચુકયાં છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ 22મી ઓગષ્ટ 2024ના રોજ રાજય સરકારમાં પત્ર લખી રસ્તાનું માત્ર રીસફેસિંગ કરી તેના પરથી વાહનો સરળતાથી પસાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવા માટે જાણ કરી હતી. હાલમાં એક ઇજારદારે રસ્તાના રીસરફેસિંગ માટે ટેન્ડર ભરીને કામગીરી શરૂ કરી હતી. લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ઇજારદારે મેટલ વર્ક પોતાના ખર્ચથી કરીને આગળ ડામરના લેયર પાથરવાની તજવીજ હાથ ધરી હતી પણ ગામના કેટલાક આગેવાનોએ નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન અધિકારી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર સાથે અયોગ્ય વર્તન કરી વધારાની કામગીરી માટે બિન જરૂરી વિવાદ ઉભો કર્યો હતો. અધિકારીઓએ આગેવાનને કામગીરીને લઇ કોઇ અસંતોષ હોય તો લેખિતમાં આપવા માટે જણાવ્યું હતું પણ તેમ કરવામાં નહિ આવતાં હાલ કચેરી તરફથી કામગીરી અટકાવી દેવામાં આવી છે. બિન જરૂરી વિવાદના કારણે કામ બંધ થઇ જતાં અન્ય ગામલોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છેે.
પટ પહોળો થતા રસ્તો બંધ કરાયો:ઘમણાછા-ધાનપોર વચ્ચે પુલ વિના 20 કિમીનો ફેરાવો
ઘમણાછા અને ધાનપોર ગામ વચ્ચે 100 મીટરનું અંતર છે પણ કરજણ નદી પર પુલ બનતો નહિ હોવાથી ગામલોકોને 20 કિમીનો ફેરવો થઇ રહયો છે. નાંદોદ તાલુકાના ઘમણાછા અને ધાનપોર ગામના લોકોએ ફરી એકવાર ગામ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બ્રીજ બનાવવા માગ ઉઠાવી છે. કરજણ નદીને કારણે બે ગામના ફાંટા પડી જતા અને એક કિમીના અંતરની જગ્યાએ 20 કીમીનો ફેરાવો થઇ રહયો છે. માંડ 25 થી 30 મીટરની નદી હાલ ધોવાણ થઇ અને 400 મીટર જેટલી પહોળી થઇ ગઈ છે. હવે નદી પરથી અવરજવર કરવા સરકાર એક સારો બ્રિજ બનાવી આપે એવી માંગ સમસ્ત ગ્રામનો કરી રહ્યા છે. કરજણ નદી પરનો બ્રીજ બનવાથી 15 થી 20 ગામો ને સીધો ફાયદો થાય એવું હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ ધ્યાન આપતાં નથી .ગામના મનહર પટેલે જણાવ્યું છે કે 1990 માં ધાનપોરથી ઘમણાછા નદીના પટમાં રહીને બસ આવતી હતી પરંતુ આજે નદીનો પટ 400 મીટર થઇ જતાં રસ્તો બંધ થઇ ગયો હોવાથી 20 કિમીનો ફેરાવો થઇ રહયો છે. સરકાર એક નાનો પુલ બનાવી આપે તે જરૂરી છે. જમીનો ગણોતે આપી દેવાની ફરજ પડે છેઘમણાછા ગામના ખેડૂતોની 200 એકરથી વધુ જમીનો સામે ધનપોર ગામની સીમમાં આવેલી છે નદી ને કારણે અંતર વધતા રોજ જવું મુશ્કેલ છે એટલા માટે અમે ભાગે આપી દેવી પડે છે. જો આ બ્રિજ બની જાય તો અમારાથી સારી ખેતી થાય તેમ છે. ભુછાડ, વાઘેથા, હેલંબી પાટાના આ ગામોનાલોકો વડોદરા રોડ પર સીધા રસેલા, બીડ, પોઇચા પહોંચી જાય અને સીધા 20 કિમીની જગ્યા એ બે ત્રણ કિમિમાં પહોંચી જાય તેમ છે. > રાજુ પટેલ, ધમણાછા
જીવદયા પ્રેમીઓમાં રોષ:જંબુસરમાં ઘાયલ ગાયોને સારવારના બદલે ખડાઇ પુલ પાસે નાંખવાનું કૃત્ય
જંબુસરમાં પશુપાલકોની ગંભીર બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે. થોડા દિવસ પહેલાં એક વાછરડાને પગના ભાગે ગંભીર ઇજા થઇ જતી જેની જીવદયા પ્રેમીઓએ સારવાર કરી તેના માલિકને સુપરત કર્યું હતું. માલિકે તેની વધુ સારવાર કરાવવાના બદલે કલક જવાના રોડ પર ખડાઇ પુલ પાસે બિનવારસી હાલતમાં નાખી દીધું છે. ગાય અને વાછરડા પશુઓને ખોરાકની શોધમાં રખડતાં મુકી દેતાં હોય છે. જંબુસર નગરના ટંકારી ભાગોળ, કોટ દરવાજા, સ્વામી નારાયણ સોસાયટી પાસેના રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં રોજના 300 થી 400 જેટલા રખડતા પશુઓની હાજરી જોવા મળતી હોય છે. આ પશુઓ રાહદારી તથા વાહનચાલકો પર હૂમલો પણ કરી દેતાં હોય છે. આ પશુઓ બિમાર પડે છે અથવા અકસ્માતનો ભોગ બનતાં હોવા છતાં પશુમાલિકો કોઇ તકેદારી રાખતાં નથી. ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓ સ્થળ પર પહોંચી તેની સારવાર કરતાં હોય છે અને તેને માલિકોને સુપરત કરતાં હોય છે. હાલમાં બે ત્રણ દિવસ અગાઉ એક વાછરાડાને પગે ગંભીર ઈજા થતાં આ બાબતની જાણકારીગૌ રક્ષકો ને થતા તેમની સારવાર કરી અને માલિકને સોંપવામાં આવી હતી પરંતુ માલિકે તેને સારવાર કરવાની બદલે કલક રસ્તા પર આવેલ ખડાઇના પુલ પાસે ફેંકી દીધી હતી તેવું ગૌરક્ષકોનું કહેવું છે. હિન્દુ સમાજ ગૌ માતા તરીકે ગાયને પૂજનીય ગણે છે જ્યારે આવા વ્યક્તિઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તેને રાખે છે અને દૂધ ન આપતી ગાયને રખડતી મૂકી દે છે જે ખરેખર શરમજનક ઘટના છે. ગૌરક્ષકોની ટીમે સ્થળની મુલાકાત લેતાં અનેક ગૌવંશના હાડપિંજર મળી આવ્યાં હતાં. મૃતદેહોને દાટવા ને બદલે ખુલ્લા ફેંકી દેવામાં આવતાહતા પશુ માલિકોના કૃત્ય બદલ ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહયો છે. તેમણે આવા કૃત્ય બદલ તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આવા પશુ માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. હિન્દુ સમાજ ગૌ માતા તરીકે ગાયને પૂજનીય ગણે છે જ્યારે આવા વ્યક્તિઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તેને રાખે છે અને દૂધ ન આપતી ગાયને રખડતી મૂકી દે છે જે ખરેખર શરમજનક ઘટના છે.
ભરૂચ શહેર તથા દહેજ બાયપાસ રોડ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના મામલે ક્રેડાઇના પ્રમુખ સહિતના સભ્યોએ રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી હર્ષ સંઘવીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે પાંચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ભરૂચ ક્રેડાઇના પ્રમુખ નિશિધ અગ્રવાલ તથા સભ્યોએ તેમની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે શહેર તથા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યાના કારણે તેમના વ્યવસાય પર પડતી અસરોથી ઉપ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. નિશિધ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો બાબતે ઉપ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમણે ગાંધીનગર મુલાકાત માટે બોલાવ્યાં છે. અમારી ટીમ ગાંધીનગર જઇને વધુ રજૂઆત કરશે.
કલ્પેશ ગુર્જર | ભરૂચ અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી સુધી માઇલ્ડ સ્ટીલની નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. હયાત પાઇપલાઇનથી રોજના 4 કરોડ લીટર જેટલા પાણીનું વહન થઇ શકે છે પણ નવી લાઇનથી 7 કરોડ લીટર પાણીનું વહન થઇ શકે તેમ હોવાથી ભવિષ્યમાં 4.50 લાખ લોકોને પીવાનું પાણી આપી શકાશે. ભરૂચ શહેરમાં અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પાસેના પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી લંબાઇની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્તમાન પાઇપ લાઇન આરસીસીમાંથી બનેલી છે. અને તે 20 કરતાં વધારે વર્ષ જૂની છે. જૂની લાઇન બદલીને તેના સ્થાને હવે લોખંડના પાઇપથી નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. પહેલાં તબકકામાં માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીની લાઇન નાખવામાં આવશે. 23 કરોડથી વધુના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નવી લાઇન મારફતે ચાવજથી માતરિયા તળાવ સુધી અમલેશ્વર બ્રાંચ કેનાલનું પાણી લાવવામાં આવશે. પાઇપલાઇન નાખવાની કામગીરી આગામી બે મહિના સુધી ચાલી શકે તેમ છે. વર્તમાન આરસીસીની લાઇનથી શહેરની બે લાખની વસતીને પાણી આપી શકાય છે પણ નવી એમ.એસ ( માઇલ્ડ સ્ટીલ)ની લાઇન નંખાવાના કારણે ભવિષ્યમાં 4.50 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી આપી શકાશે. 1422 મીમીના વ્યાસની પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ભાસ્કર ઇનસાઈડછાશવારે લાઇનમાં ભંગાણની સમસ્યાથી મુક્તિહાલમાં પાણીના વહન માટેની મુખ્ય લાઇન કોંક્રિટની બનેલી હોવાથી કોઇ પણ સ્થળે ખોદકામ દરમિયાન જેસીબીથી પાઇપલાઇન તૂટી જવાનો ખતરો રહે છે. પાઇપલાઇન તૂટી જવાથી શહેરને મળતો પાણી પુરવઠો ઓછો થઇ જાય છે. જૂની લાઇનો તૂટી જવાના કારણે તેમાં ગટરના પાણી તથા કચરો ભળી જવાની સંભાવનાઓ રહેતી હોય છે. નવી 1422 મીમી વ્યાસના ડાયામીટર વાળી લોખંડની પાઇપો ખોદકામ દરમિયાન તૂટવાની સંભાવના નહીવત હોવાથી શહેરીજનોને છાશવારે ભંગાણના કારણે પડતી પાણીની તંગી માંથી મુકિત મળી જશે. હાલ તો ચાવજથી માતરિયા તળાવ સુધી આવતી મુખ્ય લાઇન બદલવાનું કામ જીયુડીસી તરફથી હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં શહેરમાં આવેલી જૂની અને જર્જરિત બની ગયેલી પાઇપલાઇન બદલવાનું પણ આયોજન પાલિકા સત્તાધીશો તરફથી કરવામાં આવી રહયું છે. ભરૂચમાં વ્યક્તિ દીઠ રોજ 195 લિટર પાણીનું વિતરણભરૂચ શહેરમાં રોજ વ્યકતિ દીઠ 195 લીટર પાણી આપવામાં આવે છે. નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજનું 4 કરોડ લીટર પાણી મેળવી તેનો માતરિયા તળાવમાં સંગ્રહ કરાઇ છે. તળાવમાંથી પાણીને અયોધ્યાનગર ફિલટરેશન પ્લાન્ટમાં લઇ જઇને તેને શુધ્ધ કરીને વિવિધ ટાંકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ ટાંકીઓ મારફતે લોકોના ઘરોમાં સવાર અને સાંજ એમ બે સમય પાણી આપવામાં આવે છે.
90 ટકા શિક્ષકો મતદારયાદી સુધારણામાં જોતરાશે
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બીએલઓની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના છાત્રોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષકોને જ બીએલઓ સહિત અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપી બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વિરોધને સમર્થન આપતા જિલ્લા સંઘે જણાવ્યુ હતું કે શિક્ષકો સિવાય અન્ય 12 વિભાગના કર્મચારીઓને બીએલઓ કામગીરી સોંપવા બાબતના રાજ્યના નાયબ ચૂંટણી અધિકારીના પરિપત્ર નું ઉલ્લંઘન કરી શિક્ષકોને જ 90 ટકા ઉપર ની કામગીરી સોંપી હેરાનગતિ કરવામાં આવે છે. તેમજ ધમકી આપવામાં આવે છે વોરંટ કાઢવામાં આવે છે આવા અધિકારીઓને કોર્ટમાં ઘસડી જઈ સબક શીખવાડવા માટે સંઘે રાજ્ય સંઘમાં લેખિતમાં ઉગ્ર રજુઆત કરી છે. બીએલઓની કામગીરી80 ટકા શિક્ષકોનેસોંપવામાં આવી છેબીએલઓ ની કામગીરી આખું વર્ષ ચાલે છે. ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવું હોય તો બીએલઓની કામગીરી સહિતની બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે. ભરૂચ જિલ્લામાં બીએલઓની કામગીરી શિક્ષકોને સોપાઇ છે. ઉપરથી એક જ મહિનામાં કામગીરી કરીને આપવા કહેવામાં આવ્યું છે. ત્યારે શિક્ષકોએ શાળા છોડીને કામગીરી કરવા જવું પડે છે ત્યારે બાળકોનું શું થશે. બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર છે. > પ્રદીપ સિંહ રાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભાસ્કર ઇનસાઈડપ્રાથમિક શાળાના શિક્ષકો કેવી રીતે બીએલઓની કામગીરી કરશેમતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકો ઘરે ઘરે જઈને નવી મતદાન યાદી બનાવશે જેમાં જેમાં શિક્ષકો ઘરે ઘરે જઈને કામગીરી કરશે. જેમાં પહેલા શિક્ષકોએ કામગીરી બાબતે ઓદર બાદ તાલીમ આપવામાં આવી છે. ત્યાર બાદ શિક્ષકો જેતે વિસ્તારમાં જઈને ફોમ ભરાવતા હોય છે જેમાં તમામ પુરાવા તૈયાર હોય તો ઓછામાં ઓછી 15 મિનિટ અને પુરાવા તૈયાર ન હોય તો 30 થી 40 મિનિટ પણ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારમાં ફોર્મ ભરતા વધુ સમય લાગે છે. જેથી શિક્ષક બીએલઓની કામગીરી કરવા જતા પહેલા જે તે વિસ્તારમાં જાણ કરી ડેટા હોય છે જેથી સમય બચી શકે અને કામગીરી ઝડપથી પૂરી થય શકે.
કલેક્ટરની બેઠક:દેવમોગરા પાંડુરી માતાના મંદિર પરિસરમાં સફાઇ, રાતોરાત નવા થાંભલા લાગી ગયાં
દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી દેવમોગરામાં પાંડુરી માતાના મંદિરના પરિસરની સફાઇ કરવામાં આવી છે તેમજ લાઇટો માટે રાતોરાત નવા થાંભલાઓ લગાવી દેવામાં આવ્યાં છે. ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે 15 મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાંડો. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારાકરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોનેબેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાનીસાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. બેઠકમાં એસપી વિશાખા ડબરાલ, ડીડીઓ આર. વી.વાળા, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં.
38 લોકોએ લીધી હડકવાની રસી:ભેંસે દૂધ આપવાનું બંધ કર્યું ત્યારે અમને ખબર પડી કે તેને હડકવા છે
આમોદના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ 38 લોકોએ આમોદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લીધી હતી. ઘટના બાદ બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમો ગામમાં ફરી રહી છે. સમગ્ર ઘટનાને દિવ્યભાસ્કરે ભેંસના માલિક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમ ગામમાં લોકોની પુછપરછ કરી તકેદારીના ભાગરૂપે તેમને હડકવાની રસી આપી રહી છે. અત્યાર સુધી 38 લોકોને રસી અપાઇ છે. બળી બનાવવા માટે ફળિયામાં દૂધ આપ્યુંઅમે કોબલા ગામના રહેવાસી છીએ અને અમે પશુપાલન સાથે સંકળાયેલાં છે. અમારી ભેંસને પહેલાં કુતરૂ કરડયું હશે તેમની અમને ખબર ન હતી. એક મહિના પહેલાં અમારી ભેંસે બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સાત તારીખે જ બચ્ચાના જન્મને એક મહિનો પૂરો થયો છે. અમારી ભેંસનું દૂધ એક કે બે ઘરના લોકો લઇ જતાં હતાં પણ ભેંસે બચ્ચાને જન્મ આપતાં લોકોએ બળી ખાવા માટે અમારી પાસે દૂધની માગણી કરી હતી જેથી અમારા ફળિયામાં રહેતાં લોકોને દૂધ આપવામાં આવ્યું હતું. એક મહિના પહેલાં લોકોએ ભેંસના દૂધની બળી બનાવીને ખાધી હતી. એક દિવસ ભેંસે અમને દૂધ કાઢવા ન દેતાં અમે વેટરનરી તબીબને બોલાવ્યાં હતાં. ભેંસનું વર્તન પણ બદલાઇ ગયું હતું અને એકદમ દોડધામ કરવા લાગી હતી. અમે ભેંસને બાંધી દીધી હતી અને લાગ્યું કે ભેંસ બિમાર હશે એટલે તબીબને બોલાવ્યાં હતાં. તબીબે ભેંસને તપાસીને કહયું હતું કે, ભેંસને હડકવા થઇ ગયો છે એટલે તમે અને બાંધીને જ રાખજો. બાંધીને રાખ્યાં બાદ ભેંસ બાંધેલી હાલતમાં જ મરી ગઇ હતી. ચારથી પાંચ દિવસ સુધી અમે ભેંસને બાંધેલી જ રાખી હતી. 5 તારીખે સાંજે 7 વાગ્યે ભેંસનું મોત થતાં અમે જેસીબી બોલાવીને ભેંસને જમીનમાં દાટી દીધી હતી. અમારા પરિવારના 6 સભ્યોએ રસી લીધી હતી. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં આવી હતી. ગામમાં આવતી ટીમો અમને પૂછી રહી છે કે કેવી રીતે આવું બન્યું છે. ગામલોકોને તબીબોએ કીધું હતું કે, હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોય તો કોઇ ભય નથી પણ બધાના મનમાં એક વહેમ હતો તેથી તમામે હડકવાની રસી મુકાવી લીધી છે. અ ત્યાર સુધીમાં 38 લોકોએ હડકવાની રસી મુકાવી છે. ( ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ સાથે કલ્પેશ ગુર્જરે કરેલી વાતચીતના આધારે )
ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલનું પરિણામ:ભંડારી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પેલાડ બુહારી ગોલ્ડન વિજેતા
ભંડારી ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બુહારી ગામમાં આવેલ શ્રી બલ્લુકાકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બુહારી, બારડોલી, ગાંગપુર પેલાડબુહારી, વિરપોર સહિતની ગામોની 15 ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં પેલાડબુહારી જય ભવાની ક્રિકેટ ક્લબ અને પેલાડબુહારી ગોલ્ડન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પેલાડબુહારીની ક્રિકેટ ટીમે ટોસ જીતીને જય ભવાની ક્રિકેટ ક્લબને પ્રથમ બેટિંગ આપવામાં આવી હતી, જેમાં નિધૉરિત 10 ઓવરમાં 90 જેટલા રન ફટકાર્યા હતા જેની સામે પેલાડબુહારી ગોલ્ડન ઇલેવન દ્વારા છેલ્લાં બોલ સુધી રોમાંચક બનાવી હતી. છેલ્લાં બોલે ગોલ્ડન ઈલેવન વિજેતા જાહેર થતાં ટીમના ખેલાડીઓ ઝુમી ઉઠ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધી મેચ પ્રિન્સ પટેલ, બેસ્ટ બેટ્સમેન પ્રિન્સ પટેલ ,બેસ્ટ બોલર પ્રથમ પટેલ રહ્યા હતા. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ઇનામી ટ્રોફી કેપ્ટન હર્ષિલ પટેલને ભંડારી ક્રિકેટ કમિટીના પ્રમુખ પરિક્ષીત પટેલ, ઉપપ્રમુખ રાકેશ ભંડારી ખજાનચી પાથૅ પટેલ, બિપિન ભંડારી હાજર રહ્યા હતાં ટ્રોફી આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ગોઝારો અકસ્માત:રાણીફળિયામાં બાઈક વૃક્ષ સાથે અથડાતા ચાલકનું સ્થળ પર મોત
વાંસદા-ધરમપુર શામળાજી નેશનલ હાઈવે પર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામે જઈ રહ્યાં હતા. દરમિયાન બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડથી ઉતરી વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં ચાલકને વાંસદા કોટેજ હોસ્પિટલ લાવતા સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. વાંસદા-ધરમપુર રોડ વાપી-શામળાજી નેશનલ હાઈવે નજીક રાણીફળિયા સારિયા ફળિયા મહેશ પટેલની ઘરની બાજુમાં 9 નવેમ્બરના રોજ સાંજે 6.30 કલાકે હિમેશ જીતેશભાઇ ચવધરી (ઉ.વ. 17, રહે. ઘોડમાળ, કાસટપાડા ફળિયા) પોતાની KTM બાઇક (નં. જીજે-21-ડીએફ-4133) ઉપર વિનય સુમનભાઈ ચવધરી સાથે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામેથી મિત્રને મળીને ઘોડમાળ તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન બાઈક પરનું સંતુલન બગડતા બાઇક રોડથી નીચે ઉતરી ટેકરા ઉપર જઈ વૃક્ષ સાથે અથડાઇ હતી. જેને પગલે ચાલક હિમેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. કોઈકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108ના કર્મચારીએ હિમેશને તપાસ મૃત જાહેર કર્યો હતો. જ્યારે પાછળ બેસેલા વિનયને ઈજા પહોંચી ન હતી. તેણે મૃતક હિમેશના પિતા જીતેશભાઇને ફોન કરી અકસ્માત અંગે જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે આવી ત્યાંથી વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે પણ હિમેશને મૃત જાહેર કર્યો હતો. વાંસદા પોલીસ મથકે વિનય ચવધરી (રહે.ઘોડમાળ)એ ફરિયાદ આપતા પોલીસે મૃતક હિમેશ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
દુષ્કર્મ:ઉધાર આપેલા કપડાની ઉઘરાણીના બહાને આદિવાસી મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ
વાલોડ તાલુકાના એક ગામમાં રેડીમેટ કપડાની દુકાન ચલાવતા મહેમુદ ગુલામઅલી અન્સારીએ એક આદિવાસી મહિલાને કપડા ઉધાર આપ્યા હતા. જેના કેટલાક દિવસ બાદ ઉઘરાણીના બગાને દુકાનદાર મહેમુદ આદિવાસી મહિલાના ઘરે પહોંચી ગયો હતો. અને ઘરમાં એકલી મહિલાની એકલતાનો લાભ લઈ મહેમુદ ગુલામ અન્સારીએ મહિલાનો હાથ પકડી લઈ તેની સાથે જબરજસ્તી કરી તેને ખાટલા ઉપર લઈ જઈને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મને શરીર સંબંધ બાંધવા દે નહીં તો તને કપડાનો ધંધો નહીં કરવા દઉં કહી ફરિયાદી સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તીથી કપડાં કાઢી તેની શરીર તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી રહ્યો હતો. આ સમય દરમિયાન મહિલાનો પતિ ઘરમાં આવી જતા ગુલામઅલી મહિલાના પતિ સાથે ગાળા ગાળી અને ઝપાઝપી કરી સ્થળ પરથી મોપેડ લઈ ભાગી છૂટ્યો હતો. આ અંગેની તપાસ નાયબ પોલીસ અધિકક્ષક એસ.સી./એસ.ટી. સેલ તાપી જિલ્લાના નિકિતા શિરોયા કરી રહ્યા છે. બનાવને પગલે વાલોડ પોલીસે આરોપી મહેમુદ સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે. અને આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ભદેલીની ગ્રામપંચાયતના કામદારને નોકરીમાંથી છુટા કરવાનો ચકચારી મામલો ગરવી ગુજરાત લેબર યુનિયન મારફત લેબર કોર્ટમાં પહોંચ્યા બાદ કામદારને પૂન: સ્થાપિત કરવાના હુકમ સામે પંચાયતે હાઇકોર્ટમાં દાદ માગી હતી.જે હાઇકોર્ટે રદ કરી લેબર કોર્ટના હુકમનો અમલ કરવા આદેશ કરવા છતાં પંચાયતે તેમ નહિ કરતા છેવટે ડીડીઓ, ટીડીઓ અને લેબર કોર્ટની સૂચનાના પગલે રિકવરી પેટે રૂ.4.48 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. ભદેલી ગ્રામપંચાયતના કામદાર બાબુ હરિભાઇ ટંડેલને નોકરીમાંથી છુટા કરવાનો વલસાડ લેબર કોર્ટ રેફરન્સ કેસ નં. 504/98 1998માં જે તે સમયે એક જૂના યુનિયન મારફત કરાયો હતો, જેમાં યુનિયન સમય જતા કામદાર બાબુભાઇએ વાપી સ્થિત ઓફિસમાં ગરવી ગુજરાત લેબર યુનિયનના એડવોકેટ કૌશિક કપ્તાન દ્વારા દાખલ કરાયો હતો. જે કેસમાં એડવોકેટની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કામદારને તેની મૂળ જગ્યાએ પૂન: સ્થાપિત કરવાનો હુકમ થયો હતો. જેની વિરૂધ્ધ ગ્રામપંચાયત તરફથી હાઇકોર્ટમાં એસસીએ દાખલ કરાઇ હતી, જેને કોર્ટે રદ કરી દઇ લેબર કોર્ટના હુકમનો પાલન કરવા હુકમ કરવા છતાં તેનો અમલ થયો ન હતો. જેથી કામદારના એડવોકેટ કૌશિક કપ્તાન દ્વારા લેબર કોર્ટના હુકમ અનુસારના નાણાં મેળવવા પંચાયત સામે રિકવરી અરજી દાખલ કરાતા કામદાર તરફે હુકમ થયો હતો.તેમ છતાં પંચાયતે તેનું પાલન કર્યું ન હતું.
દુર્ઘટનાને આમંત્રણ:વ્યારા જળવાટિકા પાસે ફ્યુઝ બોક્સ જર્જરિત, નાગરિકોમાં સુરક્ષાનો ભય
વ્યારા નગર માં આવેલ જળવાટિકા તળાવની આસપાસ લગાવાયેલા લાઇટના ફ્યુઝ બોક્સો હાલ અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક ફ્યુઝ બોક્સના કવર તૂટેલા છે અને તેમાંના વીજ તાર ખુલ્લા પડ્યા છે. જેના કારણે કોઈપણ સમયે વીજશોક જેવી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ તળાવ ફરતે રોજ સેકડો નાગરિકો સવાર અને સાંજના સમયે ફરવા, કસરત કરવા અને બાળકો સાથે સહેલ કરવા માટે આવતા હોય છે. આવી જગ્યાએ ખુલ્લા વાયર સાથેના બોક્સો રહેતા નાગરિકો અને ખાસ કરીને બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઉભું થયું છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે તળાવની સુંદરતા વધારવાના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાના મૂળભૂત મુદ્દા પર ઉદાસીનતા ચિંતાજનક છે. નાગરિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલા લઈને જર્જરીત ફ્યુઝ બોક્સોની મરામત અથવા બદલાવ કરવા તેમજ સમગ્ર વિસ્તારની વીજ વ્યવસ્થા સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. વીજ વિભાગ અને નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે નાના મુદ્દાઓ પણ મોટા જોખમમાં પરિવર્તિત થઈ શકે છે, તેથી તાત્કાલિક કાર્યવાહી અનિવાર્ય બની છે.
SIR ફોર્મમાં ન સમજ પડે તો BLO કરશે મદદ :BLO હવે મતદાન મથકે ચાર દિવસ હાજર રહેશે
નવસારી જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારો ની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, દિલ્હીની સૂચનાનુસાર ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં 2002 ની યાદીમાં ન હોય અને અન્ય ગામે થી અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોય તેવા ખાસ કિસ્સામાં BLO દરેક મતદારને માર્ગદર્શન આપશે. ભાસ્કર ઇનસાઈડકોને કોને કેવી તકલીફ પડશેનવસારી જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજમાં લોકો રહેતા હોય છે ફોર્મમાં મતદાર ની વિગતો સાથે તેમના પરિવાર ની વિગત પણ આપવાની હોય છે.આવા કિસ્સામાં 2002 ની યાદી પ્રમાણે અમુક વિગત નોંધવાની હોય છે. જેમાં મોટા ભાગના લોકોને ચૂંટણી કાર્ડ પણ ખોવાઈ ગયા હોય અને લગ્ન કરીને આવેલી મહિલાઓને પણ તેમના પિયરે રહેતા માતા પિતાની ચૂંટણી કાર્ડની વિગતો ભરવાની હોય છે. જે હાલના તબક્કે આદિવાસી સમાજ અને ગરીબ પરિવાર માટે અશક્ય બાબત છે. ઉપરાંત ભાડેથી રહેતા લોકો માટે પણ અશક્ય બાબત છે. 15-16 તથા 22-23 નવેમ્બરે મતદાન મથકે મળશે તેમાં હાલના પ્રથમ તબક્કામાં તા.15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરે 1 કલાક સુધી દરેક BLO તેમના મતદાન મથકે હાજર રહેશે. જેની દરેક મતદારોએ નોંધ લેવી. ફોર્મ ભરવામાં મતદારોને મદદ કરશે.
લ્યો કરો વાત !:નવસારી મનપા સંકુલની માર્કેટમાં અધિકારી વેપારીઓના વજનકાંટા ઉઠાવી ગયા
નવસારી મનપા સંચાલિત માર્કેટમાં દબાણ અને પ્લાસ્ટિકની થેલી તપાસ કરવા આવતા અધિકારીઓએ શુક્રવારે કેટલાક વેપરીઓના વજન કાંટા ઉચકી જઈ સીલ કરવાની ધમકી પણ આપી હતી. જેને પગલે ત્રણ દિવસથી વેપારીઓ ધંધો કરી શકતા ન હોય તેમને આર્થિક રીતે નુકસાન થયાની માહિતી મળી છે. નવસારી મનપા ગ્રાઉન્ડમાં આવેલ શાકમાર્કેટમાં પ્લાસ્ટિકની કોથળી વપરાશ અને જગ્યાથી આગળ તેમના સાધનો મૂકતા હોવાની મળેલ બાતમીને આધારે મનપાના અધિકારીઓએ ચેકીંગ કર્યું હતું. અગાઉ પ્લાસ્ટિકની બેગ મળી હોય તેવા વેપારીઓને ધમકાવી તેમના શુક્રવારે વજન કાંટા લઇ જતા તેમનો ધંધો ન થતા તેમની આર્થિક સ્થિતિ કથળી છે. મનપાના અધિકારીઓ વિરુદ્ધ માર્કેટના વેપારીઓએ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી ત્યારે ધંધો કરતા વેપારીઓ હાલમાં વેપારીઓ ધંધો કરવા હરિફાઈ કરી રહ્યાં છે ત્યારે સ્થાનિક વેપારીઓ ફરી ફરિયાદ કરી છે. મીડિયામાં વાત વહેતા દુકાન સીલની ધમકી નવસારી માર્કેટના વેપારીઓને મનપા અધિકારી દ્વારા કાયમ હેરાન કરતા હોય તેઓ એ મીડિયામાં ફરિયાદ કરી હતી અને અધિકારીઓના નામ સહિત ફરિયાદ કરતા જે વેપારીઓને મનપાના કેટલાક અધિકારીઓએ ફોન ઉપર દુકાન સીલ કરવાની ધમકી આપી તેમના દુકાનના દસ્તાવેજ સહિતના કાગળો રજૂ કરવા માટે જણાવ્યું હતું.
નાણામંત્રીનું નિવેદન:પારડી શહેરમાં પાણી-ડ્રેનેજનો પ્રશ્ર હવે કાયમી ઉકેલાય જશે
પારડી શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહ મિલન અને નુતન વર્ષ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ નૂતન વર્ષના અભિનંદન સાથે ભાજપ દ્વારા ઉજાગર કરવામાં આવેલા દેશહિતના કાર્યો, ભારતને વિશ્વ ગુરુ બનાવવા મોદીના પ્રયાસો અને લોકલ ફોર વોકલ સાથે સ્વદેશી અભ્યાનને આગળ વધારવા લોકોને અપીલ કરી હતી.તેમજ હાલમાં ચાલી રહેલ SIR પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે પારડી શહેરમાં પાણી-ડ્રેનેજના પ્રશ્ર કાયમી ઉકેલાય જશે.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ થઇ ગયું છે.પારડી એક આદર્શ શહેર બની શકે છે. પાલિકા પ્રમુખ ચેતનભાઇ અને શહેર પ્રમુખ વિપલુભાઇની ટીમ સારુ કામગીરી કરી રહી છે.માજી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પણ સારી કામગીરી કરી હતી. દેવેનભાઇ શાહ વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. સિનિયર પણ છે. પારડી શહેરના વિકાસના કોઇ પણ કામ અને જરૂરિયાત માટે મારી પાસે આવી શકો છો.વાપી VIA પ્રમુખ સતિષભાઈ પટેલ ,પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ,નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા,વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ ,પૂર્વ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ,શહેર ભાજપ મહામંત્રી અશોક પ્રજાપતિ,ઝુબીન દેસાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન દેવેન શાહ અને આભારવિધિ અશોક પ્રજાપતિએ કરી હતી.વિવિધ સમાજો અને સંસ્થાઓએ શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દેસાઇનું અભિવાદન કર્યુ હતું.
ખેડૂતોને પુરતુ વળતર ન આપ્યાનો કોંગ્રેસનો આક્ષેપ:નાનાપોંઢામાં કોંગ્રેસનું સ્નેહ મિલન, ભાજપ પર પ્રહારો
નાનાપોંઢા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં AICC સભ્ય ગૌરવ પંડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારની1500 કરોડના પેકેજની જાહેરાત પર પ્રશ્નાર્થ મૂક્યો હતો.ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે.આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ટેકાના ભાવે ધાન ખરીદવા માટે 1500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસે આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે.પૂછ્યું છે કે ખેતરોમાં પાક જ બચ્યો નથી તો સરકાર શું ખરીદશે?નવરાત્રી દરમિયાન અને તે પછી પડેલા કમોસમી વરસાદથી વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો તૈયાર પાક જ્યારે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે.ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.ગૌરવ પંડયાએ ગુજરાત સરકારને સીધો સવાલ કર્યો કે જ્યારે ખેડૂતોના ખેતરમાં પાક જ બચ્યો નથી અને તમામ પાક ધોવાઈ ગયો છે ત્યારે સરકાર 1500 કરોડ રૂપિયામાં કયા ખેડૂત પાસેથી શું ખરીદશે? તેમણે આ પેકેજની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી હતી.આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાત-દિવસ રડવાનો વારો આવ્યો છે.આવા સમયે 1500કરોડના ટેકાના ભાવે ધાન ખરીદી માટેના પેકેજની જાહેરાત પર અનેક સવાલો ઉભા થયા છે. તાલુકાના વિભાજનથી ભાજપ છોડયુંકપરાડા તાલુકાના વિભાજનથી નાનાપોઢા નવો તાલુકોઅસ્તિત્વમાં આવ્યો છે. જેથી કેટલાક ભાજપના કાર્યકરોએ આનિર્ણય નારાજ થયા છે. જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારાઆયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં AICCના સભ્ય ગૌરવ પંડયા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને વાંસદાના ધારાસભ્ય અનંતપટેલની અધ્યક્ષતામાં .ભાજપના 200થી વધુ કાર્યકરોએ ભાજપનીવિચારધારા છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યકરોવાપી અને કપરાડા તાલુકામાંથી આવ્યા હતા.ભાજપના કાર્યકરોકોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યોહતો.કોંગ્રેસના નેતાઓએ આગામી દિવસોમાં નાનાપોંઢા અનેકપરાડા તાલુકા પંચાયત જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
દારૂનો મોટો જથ્થો પકડાયો:વલવાડાથી 18.64 લાખનો દારૂ ઝડપાયો
વલસાડ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે દમણ થી દારૂ ભરી બલીઠા થઈ કન્ટેનર સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે 10 નવેમ્બરે સવારે 5 કલાકે બલીઠા ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કન્ટેનર આવતા તેને ટોર્ચ અને લાકડીનાં ઇશારે ઊભું રાખવા જણાવ્યું હતું. કન્ટેનર ચાલકે પોલીસની વોચ જોઈ ટેન્કર વાપી તરફ હંકારી મૂક્યુ હતું.એલ.સી.બી ની ટીમે કન્ટેનરનો પીછો કરી લવાડ સાંઇ મંદિર રોડ પરથી ઝડપી પાડ્યું હતું.કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.
રસ્તો બન્યો ખખડધજ:આછવણી બંધાડ ફળીયાથી પણન્જને જોડતો રસ્તો બિસ્માર
ખેરગામના આછવણી બંધાડ ફળીયાથી ફળિયાથી પણન્જ તરફ રસ્તો ઘણા સમયથી નવો ન બનતા કે મરામત પણ ન કરાતાર મસમોટા ખાડા પડી જવાથી અને કપચી પથરાવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકો માટે આ રસ્તો કમરના દર્દ સમાન બન્યો છે. રસ્તો એટલો સાંકડો હોવાથી વાહન ચાલકો ફસડાઈ પડે છે.રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરા હોવાથી સામે આવતું વાહન દેખાતું નથી જેથી માર્ગ અકસ્માતના બનાવ વારંવાર બને છે. લાખોના ખર્ચે રસ્તાનું નવીનીકરણ થાય છે. પણ થોડા સમયમાં જ રસ્તો ખખડધજ બની જાય છે. અધિકારીઓ તથા કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે થોડા જ સમયમાં રસ્તો બદતર થઇ જાય છે. તથા મસ મોટા ખાડા પડી જાય છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર રસ્તાનું નવીનીકરણ તો દૂર પણ રસ્તાને રીપેરીંગ કરવામાં પણ રસ લેતું નથી. કોઈ બીમાર પડે કે માર્ગ અકસ્માત થાય તો દર્દીઓને લઈ જવા પડે તો હાલત ખરાબ થઈ જાય છે. રસ્તો એટલો બદતર છે કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરા હોવાથી સફાઈ કરવી પણ અનિવાર્ય બની છે. સંબંધિત તંત્રના અધિકારીઓ ઘોર નિદ્રા માંથી જાગી વહેલી તકે રસ્તો બનાવે તેવી ગ્રામ જનો ની ઉગ્ર માંગ ઉઠી છે.
ધરમપુરના મોટી ઢોલડુંગરીમાં બનેલી પાણીની ટાંકીઓ કોઈ કારણસર કાર્યરત ન થતા સ્થાનિકોને રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી તા.પં. અપક્ષ સભ્યએ આપી હતી. ગ્રામજનોને પાણીની સુવિધા ઉભી કરવા આ ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ જણાવ્યું હતું કે, મોટી ઢોલડુંગરીના ગ્રામજનો માટે પાણીની સુવિધા ઉભી કરવા ગામના વિવિધ ફળીયામાં ટાંકીઓ બનાવવામાં આવી છે. જોકે હજુ સુધી આ ટાંકીઓ કાર્યરત કરવામાં આવી નથી. જેથી ગ્રામજનો માટે પાણી માટે ઉભી કરવામાં આવેલી આ ટાંકીની સુવિધાનો લાભ મળી રહ્યો નથી. જ્યાં ઓછું અથવા પાણી નથી ત્યાં પાણી પહોંચાડવા પાઇપલાઇન સાથે આ આયોજન તંત્રએ કરી ટાંકી બનાવી કામગીરી તો કરી છે પરંતુ એમાં હજુ પાણી આવ્યું નથી એમ કહી આ ટાંકીઓ કાર્યરત થતા ગામમાં 90 ટકા પાણીની સમસ્યાનું નિરાકરણ આવી શકે એવી વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલે કુવા,બોરમાંથી પાણી લોકો મેળવી રહ્યા છે. આદિમજૂથ વિસ્તારમાં વાસમો મારફતે પાણી મળે છે.જ્યારે ગામના બાકીના 8 ફળીયામાં આ ટાંકીઓ કાર્યરત થાય તો પૂરતા પાણીની સુવિધા મળી શકે એમ છે. જેથી તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરી ટાંકીઓ કાર્યરત કરવામાં આવે એ જરૂરી છે એવી લાગણી અપક્ષ સભ્યએ વ્યકત કરી હતી.
સાદડવેલ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન:કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરો,સુગર ફરી શરૂ કરો
ચીખલી તાલુકાના સાદડવેલ ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરી સુગર ચાલુ કરવાની માંગ સાથે જળ, જંગલ, જમીનને નુકસાન થશે તેવા સંજોગોમાં રસ્તા પર ઉતરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાદડવેલ ગામના અગ્રણી પંકજભાઇ પટેલની આગેવાનીમાં સ્થાનિક શેર ધારકો, ખેડૂતો મોટી સંખ્યામાં આવી મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાદડવેલ ગામ અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે અને પેસા એક્ટ પણ લાગુ પડતો હોય અને નેવું ટકા આદિવાસી વિસ્તાર છે. કાવેરી સુગરમાં આદિવાસી ખેડૂતોએ 80થી 90 ટકા શેર ખરીદયા છે. સુગરના સંચાલકોએ એનસીડીસી પાસેથી લોન મેળવી કામ શરૂ કર્યું હતું પરંતુ કોરોના કાળથી કામ બંધ હોય એ દરમિયાન હપ્તા નહીં ભરાતા અમારી જાણ મુજબ જમીનની હરાજી થઈ ગઇ છે. અમારી જાણ મુજબ આશરે 35 હેકટર જમીન અને થયેલ બાંધકામ મળી આજના માર્કેટ ભાવ મુજબ આશરે 130 કરોડ જેટલી થાય છે છતાં અમારી જાણ મુજબ 59 કરોડ જેટલી મામુલી રકમમાં હરાજી થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ સમગ્ર હરાજીની પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઉભા થવા સાથે કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ જમીન ઉપર કોઈક અન્ય કંપની દ્વારા રાસાયણિક ખાતર બનાવાની કંપની સ્થાપવા માંગે છે. જો આ જમીનમાં કેમિકલ ખાતર બનાવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જળ,જંગલ,જમીન અને વાયુને પણ નુકસાન થાય તેમ હોય પેસા એક્ટ અને અનુસૂચિ-5ના નિયમોનું પણ ઉલ્લંઘન થાય એમ છે. આદિવાસીઓ પ્રકૃતિને પૂજનારા છીએ, જમીન અને વાયુને નુકસાન થવાથી આદિવાસીઓ તેમજ પશુ-પંખીઓનું પણ જીવન જોખમાય તેમ હોય ઉપરાંત આદિવાસી ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેમ છે તેવામાં ફરીથી કાવેરી સુગર ચાલુ થાય તો આદિવાસી ખેડૂતોને પણ સારી આવક મળી શકે તેમ છે. સાદડવેલ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા કાવેરી સુવરની જમીનની હરાજી રદ કરી કાવેરી સુગર ચાલુ કરાય અને અમારી માંગણીને ધ્યાનમાં ન લેવાશે તો રસ્તા પર ઉતરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી આદિવાસીનું જીવન જોખમાય તેવું કદી પણ ચલાવી લેવાશે નહીં.
‘નળ સે જળ' માત્ર કાગળ પર:સુબીરના ખેરિદ્રાના લાંબાસોંડા ફળિયામાં નળ છે, પણ પાણી નથી
ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં જ્યાં એક તરફ સરકાર ‘હર ઘર નળ, હર ઘર જળ’ (નળ સે જળ) યોજનાને સફળ બનાવાનો દાવો કરી રહી છે ત્યારે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરિદ્રા ગામનું લાંબાસોંડા ફળિયું આ દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી યોજના પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ ફળિયાના ગ્રામજનો આજે પણ પીવાના પાણીની મૂળભૂત સુવિધાથી વંચિત છે. સુબીરના ખેરિદ્રાના લાંબાસોંડા ફળિયામાં સરકારી તંત્ર દ્વારા નળ સે જળ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે અને દરેક ઘેર નળ પણ લગાવી દેવાયા છે પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે નળ લાગ્યા છતાં એક પણ ઘરમાં પાણીનું ટીપું આવતું નથી. યોજનાની કામગીરી પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ નળમાં પાણી ન આવતા સમગ્ર યોજના માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાને કારણે ગામની મહિલાઓએ રોજીંદી જરૂરિયાત માટે દૂરના કોતર, ઝરણાં કે નદી સુધી લાંબા અંતરની પગપાળા મુસાફરી કરવી પડે છે. ચોમાસું હજી માંડ પૂરું થયું છે અને જળસ્તર ઊંચા હોવા જોઈએ, તેવા સમયે જ ગ્રામજનોને પીવાના પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે. ટેન્કર દ્વારા પાણી મંગાવાની આ સ્થિતિ યોજનાના અમલ અને માળખાકીય ખામીની પોલ ખોલી નાખે છે. નળલાઇન નાંખવા અને અન્ય માળખાકીય કામોમાં ગુણવત્તા જાળવવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોની તરસ છીપાવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. તરસ્યા અને ત્રસ્ત ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે કે સંબંધિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તાત્કાલિક લાંબાસોંડા ફળિયાની રૂબરૂ મુલાકાત લે. સમગ્ર યોજનાના કામની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. યોજના પાછળ થયેલા ખર્ચ અને વાસ્તવિક કામગીરીનું ઓડિટ કરવામાં આવે અને સૌથી અગત્યનું, પીવાના પાણીની સુવિધા વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવે. માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી આપી છે. ઉનાળાની શરૂઆતમાં જળસંકટ ઉભુ થશે એ નક્કી છેગ્રામજનોએ વ્યથા ઠાલવતા જણાવે છે કે,જ્યારે ચોમાસું પૂરું થયું છે, ત્યારે જ જો અમારે પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડતો હોય, તો આગામી ઉનાળામાં અમારી શું હાલત થશે? જો અત્યારે જ પાણીની કોઈ વ્યવસ્થા નથી, તો ઉનાળાની શરૂઆતમાં જળસંકટ ઊભું થશે એ નક્કી છે. તેમના કહેવા મુજબ, નળ સે જળ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી થઈ હોવા છતાં, યોજનાનો અમલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
ગણદેવી સુગર ફેકટરીનો લક્ષ્યાંક:ગણદેવી સુગર 9.30 લાખ ટન શેરડી પિલાણ કરશે
ગણદેવી સુગર ફેકટરીમાં સને 2025-26ની શેરડી પિલાણ સિઝનનો સોમવાર સવારે શુભારંભ કરાયો હતો. જેમાં આગામી 165થી 170 દિવસો દરમિયાન 36 હજાર એકર વાવેતર વિસ્તારની 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. દેવ દિવાળી બાદ સોમવારના રોજ સવારે ગણદેવી સુગરના બોર્ડ ઓફ ડિરેકટર્સ, અધિકારી, કામદાર-કર્મચારી ની ઉપસ્થિતિમાં યજ્ઞ પૂજા વિધિ કરાઈ હતી. જે સાથે નવી શેરડી પુલિંગ કરી પિલાણની કામગીરીનો પ્રારંભ થયો હતો. જેમાં મહુવા, નવસારી અને વલસાડ વિસ્તારની અંદાજીત 36 હજાર એકર વિસ્તારમાંથી 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. જે આગામી 165થી 170 દિવસમાં લક્ષ્યાંક પૂરો કરાશે. જે માટે 300 ટ્રક, 135 બળદગાડા, 145 ટ્રેકટર ગાડા, 7 હજાર જેટલા શ્રમજીવીનો કાફલો કામે લાગ્યો છે. ગણદેવી સુગર ફેકટરી દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન હોય સેંકડો શ્રમજીવીઓને રોજી રોટી પૂરી પાડે છે. શેરડીની ચીમળી પશુઆહાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
નાનાપોંઢા ચાર રસ્તા પર ઓવર બ્રિજનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ કરતા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. નાનાપોંઢા ચાર રસ્તા પર સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓવર બ્રિજને લઈ સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે. સોમવારે તેમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓને આવેદનપત્ર આપીને બ્રિજની યોજના રદ કરવાની માંગ કરી હતી. વ્યાપારીઓનું કહેવું છે કે બ્રિજ બનશે તો ચાર રસ્તા આસપાસ આવેલી અનેક દુકાનો તૂટી જશે અને અનેક પરિવારોની રોજી-રોટી પર સંકટ ઊભું થશે. તેમણે સરકારને વિનંતી કરી છે કે વિકલ્પ રૂપે અન્ય સ્થળ પર બ્રિજ બનાવવાની યોજના વિચારવામાં આવે. આવેદન પત્ર આપવામાં લાલુ ગાંવિત, હુસેનભાઈ, હરેશ પટેલ, હમીદભાઈ, અરવિંદ જાદવ સહિત અનેક વેપારી, દુકાનદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અહીં બનનાર ઓવર બ્રિજથી સ્થાનિક દુકાનદારોને મોટું નુકસાન થશે, તેથી સરકાર આ યોજનાને રદ કરે તેવી માગ કરાઇ છે.
ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત:મરોલી અને ડહેલી પ્રાથમિક શાળાના 337 ભૂલકાંઓને નવા મકાનની સુવિધા મળશે
મરોલી દાંડી અને ડહેલી મુખ્ય પ્રાથમિક શાળાના નવા મકાન માટે રૂ.2.91 કરોડની ફાળવણી થતાં સોમવારે ઉમરગામ ધારાસભ્યએ ભૂમિ પૂજન કર્યું હતું.બન્ને શાળાના 337 વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે હવા ઉજાસવાળા પાકા મકાનની સુવિધા મળશે. ઉમરગામના મરોલી દાંડીમાં 1947 માં બનાવવામાં આવેલી પ્રા.શાળાનું મકાન જર્જરિત થતાં ચોમાસામાં છત પર તાડપત્રી નાંખી શિક્ષણ કાર્ય ચલાવામાં આવી રહ્યું હતું. ધારાસભ્ય રમણ પાટકરે સ્થળ નિરીક્ષણ માં શાળાનું મકાન જર્જરિત દેખાતા તેમણે આચાર્ય શિક્ષિકા પાસે શાળાની વિગતો મંગાવી શાળાના ઓરડા માટે રૂ.1.20 કરોડ ફાળવ્યા હતા.જ્યારે ડહેલી મુખ્ય શાળાના મકાન માટે રૂ.1.71 કરોડ ફાળવ્યા હતા.10 નવેમ્બર 2025ના રોજ આ બન્ને પ્રાથમિક શાળાના ઓરડા માટે ધારાસભ્ય પાટકરના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મરોલી દાંડી પ્રા.શાળાનું મકાન તૈયાર થતાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 82 બાળકો અને ડહેલી પ્રા.શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 255 વિદ્યાર્થીઓને હવા ઉજાસવાળા પાકા મકાનોની સુવિધા ઉપલબ્ધ થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે મરોલીના સરપંચ ગ્રીષ્માંમાબેન પટેલ,ડહેલીના સરપંચ પ્રભુભાઈ પાટકર,બાંધકામ સમિતિના ચેરમેન ભરત જાદવ,જિ.પંચાયત સભ્ય દિપક મિસ્ત્રી,દિલીપ ભંડારી,એપીએમસીના સભ્ય વિજય પાટકર,રાજેશ કેની,ચિરાગ પટેલ,વિવિધ ગામના સરપંચો,ગામના અગ્રણીઓ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત:જગતના તાતની જમીન સંપાદન કરી પણ જંત્રીનો ભાવ ઓછો ગણ્યો
વલસાડ તાલુકામાં આવેલી જમીનોમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 735 કેવીની હાઇટેન્શન લાઇન પસાર થતી હોય લાઇન કોરિડોરની ચૂકવણીમાં અન્યાયના મુદ્દે ઓલગામના ખેડૂતોએ સોમવારે વલસાડ કલેકટર ભવ્ય વર્માને આવેદન આપ્યું હતું.જેમાં બજાર કિમતે વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે.લાઇન કોરિડોરની અંદર આવતી જમીનની ચૂકવણી જે તે ગામના જંત્રીના આધારે કરવાની હોય છે. ઓલગામની જંત્રી 22 ચોરસ મીટર લેખે છે,જે અન્ય ગામોની સરખામણીએ ખુબ જ ઓછી હોવાની રજૂઆત ખેડૂતોએ કલેકટર સમક્ષ કરી છે.જેથી ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અને બજાર કિંમતને ધ્યાને લઇ યોગ્ય કિંમત નક્કી કરવા ઘા નાંખવામાં આવી છે. વળતરની યોગ્ય કિંમત નક્કી કરવામાં નહિ આવે ત્યાં સુધી કામ બંધ કરી દેવાના આદેશની માગ કલકેટર સમક્ષ કરવામાં આવી છે. પાવરગ્રીડ હાઇટેન્શન લાઇનમાં સંપાદિત જમીન વિગેરેનું વળતર આપવામાં અન્યાય થતાં ખેડૂતો રોષે ભરાયા હતા.
રાહતના સમાચાર:દાનહ નમો મેડિકલ કોલેજમાં પીજી કોર્સનો પ્રારંભ
દાનહ અને દમણ દીવ માટે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઇ છે.પ્રશાસનના પ્રયાસથી દાનહના સાયલીમાં આવેલી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ એમડી અને એમએસની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એક નવો યુગ શરુ થયો છે.સંસ્થા દ્વારા શરૂઆતમાં એનેસ્થેશિયોલોજી,જનરલ સર્જરી,જનરલ મેડિસિન,પેથોલોજી,કોમ્યુનિટી મેડિસિન અને ગાયનેકોલોજી સહિતના મહત્વના વિભાગોમાં પીજી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નમો મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યા પછી સ્થાનિક મેડિકલ ગ્રેજ્યુએટ્સને સ્પેશિયલાઈઝેશન માટે ગુજરાત,મહારાષ્ટ્ર સહિત બીજા રાજ્યમાં જવું પડતું હતું.હવે આ સુવિધા ઘર આંગણે જ અભ્યાસક્રમો ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓનો સમય,નાણા અને મહેનત બચશે.તેઓ પોતાના વતનમાં રહીને જ ઉચ્ચતમ ગુણવત્તાનું મેડિકલ શિક્ષણ મેળવી શકશે. નમો હોસ્પિટલમાં પણ આ નવી સુવિધાને કારણે મોટો સુધારો જોવા મળશે.પીજી રેસિડન્ટ ડોક્ટરોની ઉપલબ્ધતાને કારણે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ મજબૂત બનશે અને પ્રદેશની જનતાને પણ આનો લાભ મળશે. પીજી કોર્સની ફીને લઇને હાલ વિવાદ ઉભો થયો છે. દેશની અન્ય મેડિકલ કોલેજ કરતા નમો મેડિકલ કોલેજમાં ફી વધારે હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. પીજી કોર્સ માટે આ મુજબની ફી નું માળખું નક્કી કરવામાં આવ્યું નમો મેડિકલ કોલેજ એન્ડ નમો હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એમડી/એમએસ માટે એડમિશન એકેડેમિક વર્ષ 2025-26 માટે ફી એડમિશન ફી 5 હજાર,એન્યુઅલ ટ્યુશન ફી દર વર્ષ માટે એમડી-એનેસ્થેશિયોલોજી માટે 12 લાખ રૂ.એમડી-કોમ્યુનીટી મેડિસીન માટે 7 લાખ રૂ.એમડી ડેરમેટોલોજી એન્ડ વેનેરિયોલોજી માટે 25 લાખ રૂ.એમડી-જનરલ મેડિસિન માટે 20લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત એમએસ જનરલ સર્જરી માટે 20 લાખ,એમડી-માઈક્રોબાયો લોજી માટે 7 લાખ,એમએસ-ઓબ્સ્ટેટ્રિ ક્સ એન્ડ ગાયનેકોલોજી માટે 20 લાખ,એમએસ-ઓ ફથાલમોલોજી માટે 15 લાખ, એમએસ-ઓર્થોપેડિકસ માટે 20 લાખ, એમડી-પિડીયાટ્રીક્સ માટે 20 લાખ, એમડી-પેથોલોજી માટે 7 લાખ,એમડી-રેડિયો ડાયગ્નોસિસ માટે 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે. આ સાથે લાઈબ્રેરી ફી બે હજાર,હોસ્ટેલ ફી 4 હજાર અને સિક્યુરિટી ડિપોઝીટ માટે 1 લાખ રૂ. નક્કી કર્યા છે જે રિફન્ડેબલ છે.
ફૂડ વિભાગની દંડનીય કાર્યવાહી:દમણમાં ગુટખા વેચનારને 50 હજારથી લઇ બે લાખનો દંડ
દમણમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની તાબડતોડ કાર્યવાહી કરી હતી. દમણમાં ગુટકા વેચાણ પર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની જાણકારી મળતા જ હોલ સેલર પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દમણની ઘણી બધી કિરાણાની દુકાનો પર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે વિમલ અને અન્ય ગુટકા વેચનારાને રૂપિયા 50 હજારથી 2 લાખ સુધીના દંડ કરવામાં આવ્યા છે. સાથે જ પકડાયેલા ગુટખાને પણ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યાં સુધી દંડના ભરે ત્યાં સુધી દુકાન ખોલી શકસે નહીં. ઉલ્લેખનીય છે કે, દમણ એક પર્યટન સ્થળ છે, એની સુંદરતા જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણકે ગુટખાનું સેવન કરનાર લોકો, ગુટખા ખાઈને જ્યા ત્યાં થૂંકી દેતા હોય છે, જેના લીધે દમણની સુંદરતાને દાગ લાગી રહ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગુટખા સહિત તમાકુ સંબંધિત પદાર્થનું વેચાણ કરનારા ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. જો દુકાનમાંથી ગુટખાનો જથ્થો મળશે તો દુકાન પણ સીલ કરવાની કાર્યવાહી કરાશે.
દેહદાન:મહેતા પરિવારનાં મૃતક મહિલાનું દેહદાન
વલસાડમાં અગ્રણી મહેતા પરિવારના બાબુભાઇ મહેતાના ધર્મપત્ની સ્વ.રંજનબેન બાબુભાઇ મહેતા ( આશા સેલ્યુલોસ)નું 80 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. જેને લઈ આર એન સી ફ્રી આઇ હોસ્પીટલની ટીમના સહયોગથી એમનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એમણે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના નેજા હેઠળ અગાઉ દેહદાનનો સંકલ્પ પત્ર ભર્યો હતો. એ અન્વયે આર. એમ. ડી. આયુર્વેદ કોલેજ અને હોસ્પીટલ , વાઘલધરાના *યોગેશભાઇ અને એમની ટીમના સહયોગથી એમનું દેહદાન કરવામાં આવ્યું હતું. માનવતાના આ ઉમદા વિચાર અને અમલના કાર્ય માટે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા વલસાડ બાબુભાઇ , જીનેશભાઇ , અભયભાઇ તથા સમગ્ર મહેતા પરિવારનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ બે પ્રોફેસર પાસે 75-75 લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલા યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જે તે સમયે શ્વેતલ સુતરિયા અને પ્રોફેસર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થયેલી કથિત વાતચીતની ઓડિયો ભાસ્કરને મળી છે. જેમાં શ્વેતલ સુતરિયા બે પ્રોફેસરના મળી દોઢ કરોડ રૂપિયાની માગણી કરતા સાંભળવા મળી રહ્યા છે. ઓડિયોમાં પ્રોફેસરને ધમકીની ભાષામાં કહી રહ્યો છે કે, તમને ખબર જ છે કે, મારા PM અને CMને લખેલા લેટરના કારણે જ ચાર પ્રોફેસરનો ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલા છે. અગાઉ જે પ્રોફેસરો સસ્પેન્ડ થયા છે તે મારા કારણે જ થયા છે- શ્વેતલ સુતરિયાગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસેથી 75 લાખની માંગણી કરનાર પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાનો લાખો રૂપિયાની માંગણી કરતો કથિત ઓડિયો ભાસ્કરને મળ્યો છે. શ્વેતલ સુતરીયાએ HRDCના પ્રોફેસરને રૂબરૂ બોલાવીને કહ્યું હતું કે, તમારે 75 લાખ અને ચાવડાએ 75 લાખ આપવા પડશે નહીં તો તમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ બદલ યુનિવર્સિટી કમિટી બનાવશે જેમાં સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન ચેરમેન રહેશે અને હું પણ સભ્ય રહીશ. એટલું જ નહીં શ્વેતલ સુતરીયાએ એવું પણ કહ્યું હતું કે, અગાઉ કેટલાક પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં વનરાજસિંહ ચાવડા,વિપુલ પટેલ , લખતરીયાને પણ મારી ફરિયાદના કારણ જ સસ્પેન્ડ કર્યા છે.તેમની વિરુદ્ધ મે જ ઉપર સુધી લેખિતમાં ફરિયાદ કરી હતી.HRDCના પ્રોફેસરને એવું પણ કહ્યું હતું કે તમારે કુલપતિ બનવું હોય તો મારું જરૂર પડશે.કુલપતિ બનાવવા મારી સેન્સ લેવામાં જ આવશે.હું 24 વર્ષથી પરિષદમાં છું. વાસણા ખાતેની ઓફિસ પર પ્રોફેસરને બોલાવી પૈસા માગવામાં આવ્યાશ્વેતલ સુતરીયાએ પ્રોફેસરને તેમની વાસણા ખાતેથી ઓફિસે બોલાવ્યા હતા.જ્યાં ચા પાણીથી વાતચીતની શરૂઆત કરી હતી જે બાદ પ્રોફેસરે કારણ પૂછતા સુતરીયાએ લાખો રૂપિયાની માંગણી કરી હતી.સુતરીયાએ એવું પણ કહ્યું હતું કે પૈસા ન આપે તો અન્ય સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન સાથે મળીને કમિટી બનાવી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.જોકે આશિષ અમીનનું નામ આપતા તેઓ પણ સુતરિયા સાથે જોડાયેલા હતા કે કેમ તેને લઈને સવાલ છે. પ્રોફેસર જગદીશ જોશીની ફરિયાદ બાદ શ્વેતલનું રાજીનામું લેવાયું હતુંABVPમાં વર્ષોથી રહેલા અને ગુજરાત યુનિવર્સિટીના બીજી ટર્મના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થયેલા શ્વેતલ સૂતરિયાએ ગુજરાત યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર જગદીશ જોશીને પોતાની ઓફિસ બોલાવીને 75 લાખ રૂપિયાની માગણી કરી હતી. ગ્રાન્ટમાંથી જે રકમ આવે છે એમાંથી પૈસા આપવા પડશે એવું કહ્યું હતું અને જો પૈસા ના આપે તો જગદીશ જોશી વિરુદ્ધ અને તેમના વિભાગ વિરુદ્ધ એક ફરિયાદ કરીને તેની તપાસ કમિટી બનાવી જગદીશ જોશીને ઘર ભેગા કરવાની ધમકી આપી હતી. આ અંગે જગદીશ જોશીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પુરાવા સાથે ફરિયાદ કરી હતી, જેથી કુલપતિ કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. લાંબા વિવાદ બાદ અને મીડિયામાં મામલો સામે આવતાં શ્વેતલ સૂતરિયાનું રાજીનામું ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું હતું. સરકારી ભરતી પરીક્ષા લેતા OSD પાસે પણ 75 લાખ માગ્યા હતાશ્વેતલ સૂતરિયાએ માત્ર એક વિભાગના વડા પાસે નહીં, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સેક્શન ઓફિસર અને સ્પર્ધાત્મક સરકારી ભરતીની પરીક્ષાની કામગીરી સંભાળી રહેલા ઓએસડી ધર્મેન્દ્ર ચાવડા પાસે પણ 75 લાખ રૂપિયાની માગણી કરી હતી. પરીક્ષામાં થતી આવકમાંથી 75 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તેમની સામે પણ ફરિયાદ કરવાની ધમકી આપીને એમાં તપાસ કમિટીમાં પોતે તથા અન્ય સિન્ડિકેટ સભ્યોને સાથે રાખીને ધર્મેન્દ્ર ચાવડાને પણ ઘર ભેગા કરી દેવાની ધમકી આપી હતી. ઓડિયો મામલે શ્વેતલ પરીખનો વાત કરવાનો ઈન્કારગુજરાત યુનિવર્સિટી દ્વારા ઑડિઓ ક્લિપ સાથેની ફરિયાદ મળતા FSL માં પરીક્ષણ કરાવ્યું હતું.FSL રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા ઓડિયો ક્લિપ સાથેની ફરિયાદ સરકારને કરવામાં આવી હતી.સરકાર દ્વારા આદેશ મળતા જ ગુજરાત યુનિવર્સિટીએ તાત્કાલિક EC ની બેઠક બોલાવી હતી જેમાં શ્વેતલ સુતરીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.ઓડિયો મામલે દિવ્યભાસ્કરે શ્વેતલ સુતરીયાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે વાતચીત કરી નહોતી.
અજય દેવગનની ફિલ્મ દૃશ્યમનો એક ખૂબ જાણીતો ડાયલોગ છે. 2 ઔર 3 ઓક્ટોબર કો ક્યા હુઆ થા? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મર્ડરની એક એવી ઘટના બની, જેમાં પોલીસ સામે પણ કંઈક આવો જ સવાલ ઉભો થયો હતો. દર મંગળવાર અને બુધવારે પબ્લિશ થતી ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આ વખતે વાંચો સુરતનો શોકિંગ કેસ. પ્રેમ પ્રકરણ, ચોરી અને અઘટિત માગણી પછી થયેલી હત્યામાં માત્ર ત્રણ જ દિવસના ઇન્વેસ્ટિગેશમાં એટલા ઉતાર ચઢાવ આવ્યા જેની પોલીસને પણ કલ્પના ન હતી. દશેરાના બે દિવસ બાદ પછીની વાત છે. સુરત નજીક આવેલા ગામડાનો ખેડૂત વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં ખેતરે જઈ રહ્યો હતો. સાથે કેટલાક મજૂરો હતા. ખેતરમાં શું-શું કામ કરવાનું છે તેની વાતો ચાલતી હતી, પણ રસ્તામાં એમની નજર કેટલીક વસ્તુ પર પડી અને તમામ લોકો ઉભા રહી ગયા. ખેતર તરફ જવાના કાચા રસ્તે કેટલોક સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો. ભોજનનું પાર્સલ, પ્લાસ્ટિકની બેગ, કેટલોક કટલરીનો સામાન તેમજ દવાઓ. ખેતરોની વચ્ચે અવાવારું જગ્યાએ આવો સામાન ક્યાંથી આવ્યો હશે? તમામ લોકોને આ વાતની શંકા ગઈ. ખેડૂત અને તેમની સાથેના મજૂરોએ આમતેમ નજર દોડાવી. થોડે દૂર હજુ કંઈક એવું જોનાથી મનમાં વધુ પ્રશ્નો ઉભા થયા. ધાબડો ઓઢીને કોઈક સુતું હોય એવું લાગ્યું. ખેડૂતે અંદરોઅંદર વાત કરી અને કહ્યું, ત્યાં કોઈ હોય એમ લાગે છે. ચાલો જઈને જોઈએ. તમામ લોકો એ બાજુ આગળ વધ્યા. તેમની નજર ધાબડા પર જ હતી. વધુ નજીક પહોંચ્યા તો જોયું ધાબડો ઓઢીને કોઈ ઉંઘી નહોતું રહ્યું. પરંતુ તેની નીચે લાશ સંતાડવામાં આવી હતી. લોહીથી લથપથ એક યુવતીની લાશ જોઈને ખેડૂત અને મજૂરોના ધબકારા વધી ગયા. થોડી વાર સુધી તો કોઈને સમજાયું નહીં કે શું કરવું. ધાબડો હટાવીને જોયું તો યુવતી અજાણી હતી. એટલે કે કોઈ ઓળખતું ન હતું. ખેડૂતે હવે સૌથી પહેલો ફોન પોતાના ભત્રીજાને ફોન કરીને કહ્યું, ખેતરમાં અજાણી યુવતીની લાશ પડી છે. થોડી જ વારમાં લોકો ઘટનાસ્થળે ભેગા થવા લાગ્યા. જો કે આ અરસામાં જ ખેડૂતે 112 નંબર ડાયલ કરીને પોલીસને પણ જાણ કરી દીધી હતી. વહેલી સવારે કોઈક યુવતીનું મર્ડર થયાના સમાચાર મળતા જ પોલીસ પણ ચોંકી. કંટ્રોલ રૂમમાંથી ઓલપાડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. એટલે પીઆઇ સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે ટોળે વળેલા લોકોને દૂર ખસેડ્યા અને લાશનું નિરિક્ષણ કરીને તપાસ શરૂ કરી. યુવતીનું ગળું તિક્ષ્ણ હથિયાર વડે અડધું કપાયેલું હતું. ગળામાંથી ઘણુ લોહી વહી ચૂક્યું હતું. બન્ને હાથના કાંડા પણ નિર્મમ બનીને કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ હત્યારો હાડકું કાપી નહોતો શક્યો. તેણે યુવતીના પેટ તેમજ અને થાપાના ભાગે પણ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બ્રુટલ મર્ડરના આ કેસમાં પોલીસ માટે સૌથી મોટો પકડાર હતો યુવતીની ઓળખ કરવી. કારણે હત્યાના સમાચાર સાંભળીને એકઠા થયેલા લોકોમાંથી એક પણ વ્યક્તિ એવો ન હતો, જે આ યુવતીને ઓળખતો હોય અથતો પોતાના વિસ્તારમાં ક્યારેય જોઈ હોય. પોલીસ લાશનું નિરિક્ષણ કરતી હતી ત્યારે જોયું કે યુવતીના જમણા હાથ ગુજરાતીમાં “નિતેશ” લખ્યું હતું. જેની નજીક અંગ્રેજીમાં “N” આલ્ફાબેટનું છૂંદણું હતું. ડાબા હાથે પણ પતંગિયાનું છૂંદણું પડાવેલ હતું. તેમજ હાથમાં મોરની ડિઝાઇનવાળા પાટલા પહેરેલા હતા. પોલીસે વધુ માહિતી મેળવવા માટે વેરવિખેર પડેલો સામાન તપાસ્યો. લાશની બાજુમાં એક બેગ પડી હતી, જેમાંથી યુવતીના કપડા, સીમકાર્ડ તેમજ બીજો સામાન મળી હતો. નજીકમાં પ્લાસ્ટિકની બીજી એક બેગ પડી હતી. તેમાંથી કટલરીનો સામાન તથા દવાઓ મળી. આ દવા ઉપર બિલિમોરાની મેંગુશી જનરલ હોસ્પિટલ સ્ટિકર હતું. લાશની ઓળખ કરવાની દિશામાં આ પહેલું પગેરું હતું. લાશની હાલત જોતાં પોલીસને લાગ્યું કે કદાચ દુષ્કર્મના ઇરાદે હત્યા કરવામાં આવી હોઈ શકે. શરૂઆતના તબક્કે ઓલપાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ કેસની તપાસ કરી રહ્યો હતો. પણ કેસ વધુ ગંભીર જણાતા લોકલ ક્રાઇમ બ્રાંચ અને SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ. આમ, કુલ 15 અલગ-અલગ ટીમે તપાસમાં લાગી ગઈ. સૌથી પહેલા મૃતક યુવતી કોણ છે એ સવાલનો જવાબ મેળવવાનો હતો. એટલે એક ટીમને મેંગુશી જનરલ હોસ્પિટલ મોકલવામાં આવી. બીજી ટીમને નજીકના વિસ્તારમાં જેટલા પણ CCTV ફૂટેજ મળે તેની તપાસ માટે કહેવામાં આવ્યું. જ્યારે અન્ય ટીમો મહિલાના અને તેના હાથ પરના છૂંદણા, હાથના પાટલાના ફોટો પાડીને સોશિયલ મીડિયા મારફતે તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન હોસ્પિટલ પહોંચેલી પોલીસ ટીમને પહેલી સફળતા હાથ લાગી. મેંગુશી હોસ્પિટલમાંથી મૃતક યુવતી બારડોલીની સોનલ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. પોલીસની એક ટીમ આ વાતને કન્ફર્મ કરવા માટે બારડોલી પહોંચી. આ ઉપરાંત ત્યાંના ખબરીઓને પણ કામે લગાડી દીધા. એટલે મૃતક યુવતીના પરિવારનો મોબાઈલ નંબર મળી આવ્યો. હવે આ કેસમાં એક બાદ એક ખુલાસા થવાના શરૂ થયા. પોલીસને જાણવા મળ્યું કે સોનલ ઉર્ફે ક્રિષ્ના રાઠોડ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા જામણિયા ગામની મૂળ વતની હતી. સોનલે લગ્ન બારડોલી તાલુકાના એક ગામડામાં રહેતા નિતેશ નામના યુવક સાથે થોડા વર્ષે પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તેનાથી સોનલને સંતાનમાં 12 વર્ષનો એક દીકરો અને 7 વર્ષની દીકરી પણ હતી. બન્નેનું લગ્નજીવન ઘણા વર્ષો સુધી સુખેથી ચાલ્યું પણ થોડાક સમય પહેલા સોનલના જીવનમાં એક નવું પાત્ર આવ્યું. સોનલ તેના પતિ નિતેશ સાથે રહેતી હતી, તે દરમ્યાન છુટક મજુરી કામ કરતી હતી. મજુરી કામ માટે તે રિક્ષામાં બેસી જતી હતી. એ સમયે બારડોલીના જ રિક્ષા ચાલક શોએબ શેખના સંપર્કમાં આવી. સમય જતાં સોનલને શોએબ ગમવા લાગ્યો અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. હત્યા થઈ તેના લગભગ છએક મહિના પહેલાં સોનલે તેના પતિ અને બે બાળકોને તરછોડી દીધા અને પોતાના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ હતી. તેણીએ પોતાના પિયર પક્ષના લોકો તેમજ પતિ અને બાળકોની જરા પણ ચિંતા ન કરી અને પ્રેમી સાથે રહેવાનું નક્કી કર્યું. પોલીસને શંકા ગઈ કે ક્યાંક શોએબે જ સોનલની હત્યા નથી કરી ને? શંકાની સોય સોનલના પ્રેમી શોએબ તરફ જ હતી. બાતમીદારે શોએબ ગુનાખોર હોવાની પોલીસને જાણકારી આપી. હવે પોલીસે પોતાના પોર્ટલ eGujCopમાંથી (ઇ-ગુજકોપ) શોએબની ડિટેલ કાઢી અને ખબરીએ આપેલી વાત કન્ફર્મ થઈ ગઈ. સોનલનો પ્રેમી રીઢો ચોર હતો અને અગાઉ પણ તેની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ ચૂકી હતી. પોલીસે હવે શોએબી શોધખોળ હાથ ધરી. આ જ સમયગાળામાં અન્ય દિશામાં તપાસ કરી રહેલી ટીમને એવી માહિતી હાથ લાગી જેનાથી આ કેસના ઇન્વેસ્ટિગેશનમાં નવો વળાંક આવ્યો. જ્યાંથી લાશ મળી ત્યાંથી જ બે સીમકાર્ડ પણ પોલીસને મળી આવ્યા હતા. જેથી એક ટીમે એ દિશામાં પણ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી ટીમ એક-એક કરતા નજીકના 150થી વધારે CCTV ફેંદી વળી હતી. એમાં થોડી સફળતા હાંસલ થઈ. અમુક CCTVમાં સોનલ સાથે બે યુવકો ચાલતા દેખાયા. અત્યાર સુધી પોલીસે શોએબને શંકાના દાયરામાં રાખ્યો હતો. પણ હવે શોએબ બાદ બીજા શખ્સો પણ આ લીસ્ટમાં સામેલ થઈ ગયા. જો કે આ બન્નેની ઓળખ કરવાની બાકી હતી. CCTVના ફૂટેજમાં જોવા મળ્યું કે સોનલ આ બંને યુવકો સાથે 3 ઓક્ટોબરે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ રિક્ષામાં બેસીને ક્યાંક જઈ રહી હતી. તેના હાવભાવ પરથી લાગતું હતું કે સોનલ આ બન્ને યુવકોને ખૂબ સારી રીતે ઓળખતી હશે. કારણ કે ત્રણય લોકો અન્ય એક CCTV ફૂટેજમાં ખૂબ શાંતિથી વાતચીત કરતા પણ દેખાયા હતા. રિક્ષામાં બેસીને થોડા આગળ ગયા પછી બે યુવકોમાંથી એક યુવક જમવાનું પાર્સલ લેવા માટે ગયો હતો. આમ, આ તમામ ઘટનાક્રમ એકબીજા સાથે જોડાયેલો હતો. પોલીસને જાણકારી મળી કે સોનલ તેના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ પછી શોએબના એક મિત્ર વલ્લભ વસાવા ઉર્ફે અનવરને ત્યાં બન્ને લોકો રહેતા હતા. વલ્લભનું ઘર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીસરાદ ગામમાં આવેલું હતું. વલ્લભ અને શોએબની મિત્રતા થવા પાછળનું કારણ પણ ફિલ્મી હતું. શોએબ ચોરીના ગુનામાં જેલમાં ગયો હતો. ત્યારે તેની ઓળખાણ જેલમાં વલ્લભ વસાવા સાથે થઈ હતી. શોએબની જેમ જ વલ્લભ પર પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ શોએબ સોનલને ભગાડીને વલ્લભના ગામડે એટલે કે મિસરાડમાં રહેતો હતો. ત્યાંથી વલ્લભ તથા શોએબ બન્ને ટ્રેનમાં બેસીને ચોરી કરવા જતા હતા. ત્યારે સોનલ પણ તેમની સાથે રહેતી હતી. ટ્રેનમાં ચોરી કરવા દરમિયાન વલ્લભની ઓળખાણ રાહુલ યાદવ નામના એક યુવક સાથે થઈ. રાહુલ રખડતો ભટકતો રહેતો હતો. એટલે આ ત્રિપુટીમાં રાહુલ પણ સામેલ થયો અને વલ્લભ, શોએબ, રાહુલ અને સોનલ સાથે રહીને વડોદરાથી સુરતના રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં ચોરી કરતા હતા. સોનલનું મર્ડર થયા બાદ સોનલની લાશના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ ફોટા વલ્લભની પત્ની સુધી પણ પહોંચ્યા. એટલે તેણી ગભરાઈ ગઈ. વલ્લભની પત્નીને લાગ્યું કે ક્યાંક મારા પતિ સાથે પણ કંઈક અજુગતો બનાવતો નહીં બની ગયો હોય ને? કારણ કે કેટલાક દિવસથી વલ્લભ પણ તેની પત્નીના સંર્પકમાં ન હતો. વલ્લભની પત્નીએ પોતાના બનેવીને બોલાવીને આખા વાત માંડીને કરી. પછી વલ્લભની પત્ની, પત્નીનો બનેવી અને દીકરો એમ ત્રણેય લોકો ઓલપાડ પોલીસ સ્ટેશને તપાસ કરવા પહોંચી. ત્યાંથી વલ્લભનો તો અતોપતો ન લાગ્યો પણ પોલીસને ફાયદો થયો. તેમને વલ્લભ વિશે થોડી વધુ માહિતી મળી ગઈ. જે આગળ જતા ઇન્વેસ્ટિગેશનમાં કામ લાગી. એક વિચિત્ર ઘટના એ બની કે જ્યારે વલ્લભની પત્ની તેની ચિંતા કરતી પોલીસ સ્ટેશને બેઠી હતી એ દરમ્યાન વલ્લભ તેના મિત્ર રાહુલને લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. એટલું જ નહીં તેણે ઘરના ફળીયામાં ઉભા રહીને બૂમો પાડી કે મેં મર્ડર કર્યુ છે… સોનલનું મેં મર્ડર કર્યું છે. વલ્લભ ઘરે આવીને બૂમો પાડતો હતો ત્યારે તેનો નાનો દીકરો પણ ત્યાં હાજર હતો. તેણે તરત જ પોલીસ સ્ટેશન ગયેલા મોટાભાઈને ફોન કરીને આ વાતની જાણ કરી. એટલે પોલીસને પણ ખબર પડી ગઈ કે વલ્લભ ઘરે આવ્યો છે. તરત જ પોલીસની એક ગાડી દોડાવવામાં આવી અને વલ્લભના ગામડે પહોંચી ગયા. પણ પોલીસ આવે એ પહેલાં જ વલ્લભ અને રાહુલ ફરાર થઈ ગયા. એક પછી એક આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી રહી હતી. સામાન્ય રીતે કોઈ હત્યારો પોતે હત્યા કરી છે એવી બૂમો ન પાડે. પણ કેસમાં વલ્લભે આવું અજુગતું વર્તન કર્યું. જો કે વલ્લભે હત્યા કરી છે કે નહીં એ વાત પાક્કી ન હતી. છતાં તેના પર શંકા કરવી જરૂરી હતી. સત્ય જાણવા માટે પણ એને પકડવો પણ જરૂરી હતો. નાસતા-ફરતા આરોપી વલ્લભ અને રાહુલ સંભવિત જે વિસ્તારમાં હોઈ શકે એની જાણકારી પરિવાર પાસેથી મેળવીને પોલીસે શોધખોળ ચાલુ રાખી. ત્યારે પોલીસને બાતમી મળી કે બન્ને આરોપી પાલેજની બજારમાં રખડી રહ્યા છે. પોલીસ ગણતરીની મિનિટોમાં ગાડી લઈને ત્યાં પહોંચી અને બન્નેને ઝડપી પાડ્યા. આમ, 3 ઓક્ટોબરે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો અને વલ્લભ તેમજ રાહુલ નામના બે શંકાસ્પદ આરોપી 5મી તારીખે ઝડપાયા. સોનલ હત્યાકાંડમાં આ પહેલી ધરપકડ હતી. પરંતુ આ કેસમાં હજુ પણ ફિલ્મી સ્ટોરીની માફક ઉતારચઢાવ આવવાના હતા. બંને આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી ત્યારે તેમનો ભૂતકાળ સામે આવ્યો. વલ્લભ ઉર્ફે અનવર વસાવા ભરૂચના ટંકારીયા ગામમાં એક ખેડૂતને ત્યાં ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો. ત્યાં ત્રણ વર્ષ તનતોડ મહેનત કરી. છતાં રૂપિયા ઓછા પડતા હતા. એટલે તેણે ડ્રાઇવિંગનું કામ છોડી દીધું અને અલગ-અલગ રેલવે સ્ટેશને રખડીને ચોરી કરવાનું શરૂ કરી દીધું. સુરતથી સાયણ, કીમ, પાનોલી, પાલેજ, ભરૂચ, વડોદરા સુધીના રૂટ પરની ટ્રેનમાં રખડીને મોબાઇલ ફોન અને પર્સની ચોરી કરતો હતો. તેની સામે કીમ, કામરેજ, કોસંબા અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના દાખલ થયા હતા. ઘણીવાર ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા પણ વલ્લભ પકડાતો હતો. ત્યારે તેની પત્ની અથવા સાઢુભાઈ જામીન પર છોડાવતા હતા. જ્યારે રાહુલ ઉર્ફે રાજેશ યાદવ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પાસેના ફૂલપુરનો વતની હતો. તેના પિતા ફુલચંદ બિલીમોરામાં નોકરી કરતા હતા. ત્યારે રાહુલ તેના મોટા ભાઈ સાથે બિલીમોરા રહેવા આવી ગયો હતો. પરંતુ તેના પિતા ગુસ્સામાં તેને મારતા હોવાથી ઘણા સમયથી તે ઘરેથી ભાગીને એકલો રખડતો હતો. આ દરમિયાન વલ્લભ મળ્યો અને બન્ને લોકો મળીને ચોરી કરવા લાગ્યા હતા. શોએબનો ભૂતકાળ પણ વલ્લભ અને રાહુલ જેવો જ હતો. તે રિક્ષા ચલાવવાની સાથે વાહન તેમજ અન્ય ઘણી વસ્તુની ચોરીમાં સંડોવાયેલો હતો. 16થી વધુ ગુનાનો આરોપી શોએબ જેલમાં ગયો ત્યારે તેની ઓળખાણ વલ્લભ ઉર્ફે અનવર સાથે થઈ. બંને મિત્રો બની ગયા. શોએબ સોનલને ભગાડીને લઈ ગયો ત્યારે તે વલ્લભના ઘરે જ રહેતો હતો. આ તમામ માહિતી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન વલ્લભ અને રાહુલે આપી હતી. પરંતુ જ્યારે તેમને સોનલના મર્ડર વિશે પૂછવામાં આવ્યું તો બન્ને આરોપીઓએ કંઈક અલગ જ કહાની પોલીસ સામે રજૂ કરી. પોતાના ઘરે જઈને સોનલનું મર્ડર કર્યું હોવાનો દાવો કરનારો વલ્લભ પોલીસ સામે બોલ્યો, સોનલને મેં નહીં પરંતુ તેના પ્રેમી શોએબે મારી નાખી હતી. આ વાત પોલીસ માટે પણ આશ્ચર્યજનક હતી. કારણ કે સોનલનું છેલ્લું લોકેશન અને CCTV ફૂટેજના પુરાવાને ધ્યાને લેતા તેણીની સાથે વલ્લભ અને રાહુલ જ હતા. એ ઘટનાક્રમમાં શોએબ દેખાતો ન હતો. આ કહાનીમાં સૌથી મોટું ટ્વિસ્ટ એ હતું કે વલ્લભ અને રાહુલની ધરપકડ થઈ એ પહેલાં જ પોલીસને શોએબ મળી આવ્યો હતો. પરંતુ આ બન્ને આરોપીઓને આ વાતની જાણ કર્યા વગર જ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી, જેથી તમામ પક્ષની જાણકારી મળી શકે. વલ્લભ અને રાહુલના નિવેદન બાદ ફરી એકવાર શોએબ શંકાના ઘેરામાં હતા. પરંતુ ઘણા સવાલો હજુ પણ પોલીસના મનમાં હતા. વલ્લભે પોલીસને કહ્યું કે શોએબે સોનલનું મર્ડર કર્યું છે. તો તેણે પોતે મર્ડર કર્યાની બૂમો કેમ પાડી?શું ખરેખર શોએબે જ સોનલનું મર્ડર કર્યું હતું?સોનલને હત્યા પહેલાં હોસ્પિટલ કેમ લઈ જવામાં આવી હતીસોનલ હોસ્પિટલમાંથી નીકળી ત્યારે શોએબ ક્યા હતો? આ તમામ સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.
જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ હોય, હું બધા ગુંડા તત્વો સામે લડું છું....નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે....પાર્ટી મને તક આપશે તો હું ચોક્કસ ગોંડલથી ચૂંટણી લડીશ....નિખિલ દોંગા મને નડવા તો નહીં જ આવે.... આ શબ્દો છે જિગીષા પટેલના. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે બાંયો ચડાવનારા જિગીષા પટેલે હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં જિગીષા પટેલે જયરાજસિંહ, ગણેશ ગોંડલ, નરેશ પટેલ અને ખોડલધામ તેમજ ગોંડલથી ચૂંટણી લડવા અંગે ખુલીને વાત કરી છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને જિગીષા પટેલના જવાબ.... દિવ્ય ભાસ્કર: શું તમે 2027માં ગોંડલથી ચૂંટણી લડવાના છો? શું તમે કોઇ પ્રોમિસ સાથે જ AAPમાં જોડાયા છો?જિગીષા પટેલ: ના, હું આમ આદમી પાર્ટી સાથે કાર્યકર તરીકે જોડાઇ છું. જો મારે માત્ર ટિકિટ લેવા જ પાર્ટીમાં જોડાવું હોત તો હું ચૂંટણી નજીક આવે ત્યારે અચાનક પાર્ટીમાં જોડાઇ જાત અને ટિકિટ મેળવી લેત. પરંતુ મારે પરિણામ અને પરિવર્તન લાવવું છે. હું ગોંડલમાં મારા બનતા તમામ પ્રયત્નો કરીશ અને પછી પાર્ટીને નિર્ણય લેવા દઇશ. જો પાર્ટી મને તક આપશે તો હું ચોક્કસ ત્યાંથી લડીશ અને પરિણામ પણ લાવીશ. દિવ્ય ભાસ્કર: જો કોઇ કમિટમેન્ટ નથી મળ્યું તો સ્થાનિક નેતાઓ અત્યારથી કેમ તમારો વિરોધ કરી રહ્યા છે? નિમિષા ખૂંટની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી.જિગીષા પટેલ: જ્યાં મોટો પરિવાર હોય ત્યાં નાના-મોટા મતભેદ હોય છે. જે કોઇ પ્રોબ્લેમ હશે તે હું અને નિમિષાબેન સાથે મળીને ઉકેલીશું. મને નથી લાગતું કે તેમને મારાથી કોઇ વાંધો હોય. જો પાર્ટી નક્કી કરશે કે નિમિષાબેનને ટિકિટ આપવી છે, તો હું તેમની સાથે ઢાલ બનીને ઊભી રહીશ અને જો પાર્ટી નક્કી કરશે કે મને ટિકિટ આપવી છે તો નિમિષાબેન મારી પડખે ઊભા રહેશે. મને તેમના પર એટલો વિશ્વાસ છે. દિવ્ય ભાસ્કર: ગણેશ ગોંડલે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં 2027માં ગોંડલથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો તેમને ભાજપમાંથી અને તમને આપમાંથી ટિકિટ મળે છે તો જંગ કેવો રહેશે?જિગીષા પટેલ: 2027ની ચૂંટણીમાં ટિકિટ આપતા પહેલા ભારતીય જનતા પાર્ટીએ જોવું જોઇએ કે રાજકુમાર જાટના કેસમાં તેણે કેવા ખેલ ખેલ્યા છે, પોલીસને પૈસા આપીને તેણે કેટલી રમતો રમી છે. જનતા સામે તેમને ખુલ્લા પાડવા જોઇએ પરંતુ આ બધી વાતને અવગણીને પણ ભાજપ જો ગણેશ ગોંડલને ટિકિટ આપશે તો એટલું ચોક્કસ કહીશ કે ગોંડલની જનતા હવે તેને સ્વીકારશે નહીં. દિવ્ય ભાસ્કર: અનેક લોકોને સવાલ છે કે તમે જયરાજસિંહ સામે જ વધારે મજબૂતાઇથી કેમ બોલો છો? અનિરુદ્ધસિંહ રીબડાએ પણ અત્યાચાર કર્યા છે.જિગીષા પટેલ: જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ હોય હું બધા ગુંડા તત્વો સામે લડું છું. જ્યારે પણ હું મારો અવાજ ઉઠાવું છું આ બધા સામે ઉઠાવું છું. એક-બે વર્ષ પહેલા હું કેશુબાપાના પ્રોગ્રામમાં આસપાસના ગામડાઓમાં ફરી હતી ત્યારે મને ત્યાંની હકીકત અંગે ખબર પડી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું એક વખત તો આ લોકોને સરકારની સામે ખુલ્લા પાડીશ કે અહીંયા શું પરિસ્થિતિ છે. 'સરકારને બધી ખબર જ હોય છે પરંતુ જ્યાં સુધી કોઇ અવાજ ન ઉઠાવે ત્યાં સુધી નિરાકરણ આવતું નથી. માત્ર અવાજ ઉઠાવવાની જરૂર હોય છે. પરિવર્તન ચોક્કસ આવે છે કારણ કે જો મને ડર લાગે તો એમને પણ લાગે. મારું માથું ફૂટે તો પણ લોહી નીકળે અને એમનું માથું ફૂટે તો પણ લોહી જ નીકળે.' દિવ્ય ભાસ્કર: જયરાજસિંહ જામીન પર છે. તેમના કેસની ફાઇલ ફરીથી ખૂલી શકે છે. એ શું તમારી લડતનું પરિણામ છે?જિગીષા પટેલ: અગાઉ પણ અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેમને દબાવી દેવામાં આવતા હતા. હું ગોંડલમાં ફરતી હોઉં અને કોઇ મારી સાથે ફોટો પણ પાડે તો તેને જયરાજસિંહના બંગલે બોલાવીને ધમકાવવામાં આવે છે. એ સમયે તેમની સામે લડનારું કોઇ નહોતું એટલે લોકો ડરીને પાછીપાની કરી લેતા હતા. હવે તેમને ખુલ્લા પાડી દેવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કર: તમે લડાઇ શરૂ કરી ત્યારે ગણેશ ગોંડલે નિવેદન આપ્યું હતું કે 'જીગીશા, તું તારું ઘર નથી સંભાળી શકતી. વડીલોને મોકલ ત્યારે હું બધા જવાબ આપીશ.' આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો?જિગીષા પટેલ: પહેલાં તો આ નિવેદનથી તેની મેન્ટાલિટી જુઓ કે તે માતાઓ-બહેનો વિશે શું વિચારે છે. શું માતાઓ-બહેનોએ માત્ર ઘર જ સાચવવાનું છે? અને જો ઘર સાચવવાની જ વાત હોય તો હું આખા દેશને મારું ઘર માનું છું. 'તેમણે તેમના માતા ગીતાબા જાડેજાને કેમ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા? ગણેશ ગોંડલ કે જયરાજસિંહ એમ બેમાંથી કોઇને ટિકિટ મળે તેમ નહોતી. એકની ઉંમર ઓછી હતી જ્યારે એકને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી એટલે તેમની પણ બેવડી નીતિ છે. એક તરફ તે માને છે કે મહિલાઓએ ઘર સંભાળીને બેસી રહેવું જોઇએ. બીજીતરફ તે પોતાના સ્વાર્થ માટે મહિલાઓનો ઉપયોગ કરે છે.' દિવ્ય ભાસ્કર: શું આગામી સમયમાં ગોંડલમાં મોટી મીટિંગ થશે અને શું કેજરીવાલ ત્યાં આવીને જયરાજસિંહ સામે અવાજ ઉઠાવશે?જિગીષા પટેલ: હા, બની શકે. દિવ્ય ભાસ્કર: જ્યારે ખોડલધામ બનવાનું હતું ત્યારે નરેશ પટેલ એવું કહેતા કે ખોડલધામમાં રાજકારણ નહીં આવવા દઇએ પરંતુ હવે એવું નથી લાગતું કે ખોડલધામ રાજકારણનો અડ્ડો બની ગયું છે?જિગીષા પટેલ: ખોડલધામ અમારા દરેક માટે આસ્થાનું કેન્દ્ર છે. નાનામાં નાના ખેડૂતથી લઇ મોટા ઉદ્યોગપતિના ઘરેથી પૈસો આવ્યો ત્યારે ખોડલધામ બન્યું છે. 'મંચ પરથી એવું કહે છે કે પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી પટેલ હોવો જોઇએ. બીજી તરફ જ્યારે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમની સામે લેઉવા પટેલની દીકરી ઊભી હતી. છતાં પણ તેમણે ખોડલધામના દરેક પદાધિકારીઓને અમિત શાહ માટે પ્રચાર કરવાનું ફરજિયાત કર્યું. લોકો હવે જાણે છે કે તમે સમાજની સામેવાળા લોકોની મદદ કરો છો કારણ કે તેમને રાજકારણના રોટલા શેકવા છે. તેમને ધંધાકીય રીતે ક્યાંક ને ક્યાંક આ લોકો નુકસાન પહોંચાડે છે એટલે તેઓ તેમના દબાણમાં આવીને આ બધું કરે છે. હું તો નરેશ પટેલને એમ કહું છું કે તેમણે એકાદી પાર્ટી પકડી પોતાનું વર્ચસ્વ દેખાડી દેવું જોઇએ.' દિવ્ય ભાસ્કર: તમને નરેશ પટેલ કોના તરફી હોય તેવું લાગે છે? આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ?જિગીષા પટેલ: હું એટલું જ કહી શકું કે નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે. સ્ટેજ પરથી અલગ રીતે ભાષણ કરે છે અને અંદરખાને તેમનું કામ કંઇક અલગ હોય છે અને અમે તે બધાના ભોગ બની ચૂક્યા છીએ. 'હું તમને એક કિસ્સો કહી આ વાત સમજાવીશ. પાટીદાર અનામત આંદોલન સમયે વસ્ત્રાલના જતીન પટેલે કાયદાકીય લડત આપી હતી. પટેલોનો સર્વે થવો જોઇએ તેવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં 8 વખત થઇ. 7 વખત પિટિશન ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આઠમી વખત મંજૂર થઇ ગઇ હતી.' 'અમે તે સમયે કેસની ફાઇલ લઇને નરેશ પટેલ સહિત તમામ સંસ્થાના આગેવાનો પાસે ગયા. અમે તેમનો સહયોગ માગ્યો. અમે કહ્યું સુપ્રીમના વકીલની ફીનો ચાર્જ બે કરોડ રૂપિયા છે. અમારે કંઇ નથી જોઇતું. અમે તેમનો એકાઉન્ટ નંબર આપીએ છીએ તમે અમને આર્થિક મદદ કરો પરંતુ એક પણ વ્યક્તિએ અમને મદદ કરી નહોતી. જો સમાજની પડી હોત તો તેમણે મદદ કરી હોત. એટલે અમને તો પહેલેથી જ ખબર પડી ગઇ હતી કે સંસ્થાઓ ક્યારેય સમાજને કામ નથી આવતી. દરેક સમાજની તમામ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીએ હાઇજેક કરી લીધી છે અને તે સંસ્થા દ્વારા જે તે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે.' દિવ્ય ભાસ્કર: તમે પહેલા ખોડલધામના સંગઠનમાં પણ હતા. શું 2027માં તમને ટિકિટ મળશે તો નરેશ પટેલ તમને સપોર્ટ કરશે?જિગીષા પટેલ: નરેશ પટેલ ખોડલધામ સંસ્થાના ચેરમેન છે, તેઓ સમાજના આગેવાન છે એટલે હું તેમને તેમની ફરજ યાદ અપાવી દઉં કે તેમણે રાજકીય રંગ છોડીને સમાજના હિત માટે સમાજ સાથે ઊભું રહેવું જોઇએ. તે તેમની ફરજમાં આવે છે. બાકી તેઓ મારી સાથે કેવું વર્તન કરશે તેનો જવાબ તમારે નરેશ પટેલ પાસેથી જ લેવો જોઇએ. 'જો તેમને એવું લાગશે કે હું તેમને નડું છું તો તેઓ મારું પત્તું કાપવાનો પ્રયત્ન કરશે. આવા અનેક ઉદાહરણો તમે આ વિસ્તારમાં જોયા હશે. જે બેવડી નીતિથી તેઓ કામ કરી રહ્યા છે તે નીતિ હવે તેમણે બંધ કરવી જોઇએ. નરેશ પટેલની ઇમેજ સાથે અમારે કોઇ લેવાદેવા નથી પરંતુ ખોડલધામની ઇમેજ ખરાબ થાય છે.' દિવ્ય ભાસ્કર: નરેશ પટેલ વિશેની તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. તે અંગે નરેશ પટેલ સાથે કોઇ વાતચીત થઇ હતી?જિગીષા પટેલ: મેં પહેલાં પણ કહ્યું હતું કે તે ઓડિયો ક્લિપ એડિટ થયેલી હતી. એ પછી મને ખોડલધામમાંથી સંપર્ક કરીને કહેવામાં આવ્યું હતું કે તમે આ મુદ્દે વધારે કંઇ બોલતા નહીં. એટલે મેં કહ્યું હતું કે તમારે કહી દેવું જોઇએ કે જે વસ્તુ થઇ જ નથી, તેનો ખુલાસો કરવો જોઈએ. એટલે તેમણે હસમુખભાઇ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાવીને એવું કહ્યું હતું કે અમારી સાથે આવું કંઇ થયું નથી. દિવ્ય ભાસ્કર: અત્યાર સુધી લોકોની માન્યતા એવી હતી કે નિખિલ દોંગા આવનારી ચૂંટણી લડી શકે છે. જેના માટે તમે બધા મહેનત કરી રહ્યા હતા પરંતુ તમારા રાજકારણમાં જોડાવાથી નવા સમીકરણો ઊભા થયા છે. રાજકારણમાં તમારી એન્ટ્રીને નિખિલ દોંગા કેવી રીતે જુએ છે?જિગીષા પટેલ: હું એક સ્પષ્ટતા કરી દઉં કે નિખિલ દોંગા સાથે મારે ક્યારેય કોઇ વાતચીત નથી થઇ. હું અલ્પેશ કથીરિયા સાથે સંપર્કમાં છું. અલ્પેશ કથીરિયા ભલે પહેલેથી ભાજપમાં હતા પરંતુ જ્યારે જરૂર પડી છે ત્યારે અમે સાથે રહ્યા છીએ. જ્યારે પણ તકલીફ પડે ત્યારે અમે બધા એકસાથે એટલા માટે હોઇએ છીએ કારણ કે અમે બધા એક માનસિકતાના છીએ. અમે આંદોલનમાંથી ઊભા થયા છીએ. 'નિખિલ દોંગા ગોંડલમાં 'યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ' ચલાવે છે અને સામાજિક કાર્ય કરે છે. મને એટલી ખાતરી છે કે જો પાર્ટી મને ટિકિટ આપશે તો આવનારી ચૂંટણીમાં નિખિલ દોંગા મને નડવા તો નહીં જ આવે. કારણ કે તેમની હાલની જે પરિસ્થિતિ છે તે એ જ લોકોના કારણે છે જેની સામે હું લડી રહી છું. હું તેમની પાસે સપોર્ટની આશા તો ન રાખી શકું પરંતુ નડવા તો નહીં જ આવે.' દિવ્ય ભાસ્કર: મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપે જયેશ રાદડિયાનું પત્તું કાપી નાખ્યું. આને તમે કેવી રીતે જુઓ છો?જિગીષા પટેલ: પહેલા તો મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એ જ મોટું નાટક છે. દર વખતે ભાજપ આવું જ કરે છે. ભ્રષ્ટાચાર કરી જેઓ આંખે ચડી ગયા હોય, તેવા લોકોને દૂર કરી દે છે એટલે લોકો એવું વિચારે કે ચાલો આ ભ્રષ્ટાચારી લોકો નીકળી ગયા અને તેમનું શાસન આગળ ચાલ્યું જાય. 'જયેશ રાદડિયાને એટલા માટે પડતા મૂકવામાં આવ્યા કારણ કે તેઓ ઇફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વગર પણ તેઓ જીતી ગયા. જયેશ રાદડિયા તેમની સામે પડ્યા અને જીતી ગયા એટલે તેમને ક્યાંક એવું લાગતું હશે કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં આપણાથી મોટા થઇ રહ્યાં છે. ભાજપની આવી જ નીતિ છે. જે લોકો મોટા થાય તેને ગમે તેમ કરીને પાડી દેવાના.' 'જયેશ રાદડિયા અને ખાસ કરીને તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાને પ્રત્યે સમાજના લોકોમાં ખૂબ માન-સન્માન છે. જયેશ રાદડિયા પણ વિઠ્ઠલભાઇના વિચારો સાથે કામ કરતા આવ્યાં છે અને તેમણે સમાજના અને પોતાના વિસ્તારના કામો કર્યાં છે. જો આવી જ રીતે કામ કરતા રહેશે તો આગામી સમયમાં મજબૂત પરિણામ લાવી શકશે.' દિવ્ય ભાસ્કર: તમે ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાની વાત કરી હતી. એ કામ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે પ્રતિમા સ્થપાશે?જિગીષા પટેલ: વિનુ શિંગાળાની પ્રતિમા લાગશે, લાગશે અને લાગશે જ. તેના માટેની તૈયારીઓ અમે ખૂબ મોટા પાયે કરવાના છીએ. વિનુ શિંગાળાને ગોંડલના લોકો પ્રત્યે પ્રેમ હતો અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વડીલોની સલાહ લઇ દરેકનું માર્ગદર્શન લઇ વિનુ શિંગાળાને માન-સન્માન સાથે અમે ત્યાં બેસાડી શકીએ તેવા પ્રયત્નો ચાલુ છે. દિવ્ય ભાસ્કર: હાલમાં ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે તમે શું માનો છો?જિગીષા પટેલ: હું જે-તે વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોને કહેવા માંગુ છું કે ચૂંટણી સમયે મત લેવા માટે તેઓ છેલ્લી ઘડીએ અનેક મહેનત કરતા હોય છે. ભજિયાંની પાર્ટી કરતા હોય છે, તાવડા માંડતા હોય છે. ઘણી જગ્યાએ દારૂના ટ્રક ઉતરતા હોય છે. તે સમયે એક-એક વ્યક્તિને રૂપિયા અપાતા હોય છે. 'ઘણા ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે આ વખતે આવક આવશે તેમાંથી આપણા ઘરના અવસરનો ખર્ચ કાઢીશું. આજે તે ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. આ બધી પરિસ્થિતિ સમજી દરેક ધારાસભ્ય-સાંસદે પોતાના વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવું જોઇએ. જેમાં આવા તમામ ખેડૂતના દીકરા-દીકરીઓના લગ્ન કરવા જોઇએ.' 'ખેડૂતની જવાબદારીને ઓછી કરવાનો આ એક સમય છે. ચૂંટણી સમયે તો આટલો બધો ખર્ચો તમારી જાત પાછળ કરો છો એટલે ખેડૂતોની સહાય માટે તમારે લેટર લખી-લખીને સરકાર પાસે માંગવાની જરૂર નથી.' 'ધારાસભ્યો-સાંસદો કૌભાંડો કરી-કરીને આટલા બધા આગળ તો આવી જ ગયા છે. બે નંબરના ધંધાના પૈસાનો ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ તો કરો. જ્ઞાતિ-જાતિનો ભેદભાવ બાદ કરીને તમારા વિસ્તારના જે ઉદ્યોગપતિઓ છે તેમની પાસે જેમ ચૂંટણીમાં ઉઘરાણું કરો છો તેમ આ કામ માટે પણ પૈસાની ઉઘરાણી કરો અને ખેડૂતોની મદદ કરો.'
સુરતમાં રહેતાં એક કપલનાં લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થયો છે. આ પતિ-પત્નીમાં બેઝિક હાઇજીન જેવી નજીવી બાબતોને લઇને મસમોટા ઝઘડા થવા માંડ્યા. પત્ની લોહીવાળાં યુઝ્ડ સેનિટરી પેડ્સ બાથરૂમમાં મૂકી રાખતી. વપરાયેલાં સેનિટરી પેડ્સ તો રોજે રોજ નાખી દેવાનાં હોય, પરંતુ પત્ની તેને પાંચ-છ દિવસ સુધી બાથરૂમમાં જ મૂકી રાખે. પતિને આ વાતથી ચીડ ચડે. બંને વચ્ચે આ વાત એવી વકરી કે પતિએ કંટાળીને કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. હવે પતિને એ સાબિત કરવાનું હતું કે પત્ની બેઝિક હાઇજીન રાખતી નથી, તો તેણે આ રીતે બાથરૂમમાં દિવસો સુધી મૂકી રાખેલાં સેનિટરી પેડ્સના ફોટો ક્લિક કર્યા. આ કિસ્સો સાચે જ એટલો વિચિત્ર હતો કે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. જ્યારે એડવોકેટ તરીકે ફોટો જોયા તો અમને ચિતરી ચઢી ગઈ તો પતિની શું હાલત થતી હશે તે વિચારો. આ માનસિક વિકૃતિ બતાવે છે. તેમને એક બાળક પણ છે. બાળકને કારણે પતિએ વિચાર્યું કે તેના ભવિષ્ય માટે અલગ થવું નથી, પરંતુ વાત હદ બહાર પહોંચતાં તેમણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. પત્ની પોતાના બાળકના યુનિફોર્મ પણ એટલા જ ગંદા રાખે. બાળકને સ્કૂલે જવાનું હોય તો યુનિફોર્મ ધોયા વગરનો એકદમ ગંદો જ હોય. બાળકની સ્કૂલ બેગ પણ એટલી જ ગંદી જોવા મળે. માતા તરીકે તે બાળકનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખતી નહોતી. આ કેસમાં હવે બહાર આવ્યું છે કે પત્ની કોઇ માનસિક રોગથી પીડાય છે અને કોર્ટમાં ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે. અન્ય એક કિસ્સામાં વાત એવી હતી કે પતિ પોતાની પત્ની માટે ચોકલેટ લઈને આવ્યો. પત્ની કામમાં હતી તો તેણે એવો જવાબ આપ્યો કે તું ચોકલેટ સાઇડમાં મૂકી દે પત્નીની વાત સાંભળીને પતિએ ચોકલેટ ફ્રિજ પર મૂકી દીધી. આ દરમિયાન સાસુ ત્યાંથી પસાર થયાં ને તેમણે ચોકલેટ જોઈ. ખબર નહીં કેમ પણ સાસુએ તે ચોકલેટ ખાઈ લીધી. હવે પત્નીએ જ્યારે ચોકલેટ માગી ને મળી નહીં તો પત્નીએ આ વાતને મુદ્દો બનાવીને ઝઘડો કર્યો કે મારો પતિ મારા માટે ચોકલેટ લાવ્યો તે સાસુ કેવી રીતે ખાઈ શકે? મારાં સાસુ અમારા સંબંધોમાં ઇન્ટરફિયર કરે છે. આ તદ્દન બાલિશ ઈશ્યૂ એટલો મોટો બની ગયો છે કે હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે!***આ બંને કિસ્સા છે સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલાની પાસે આવેલા બે અલગ-અલગ ડિવોર્સ કેસના. તદ્દન સામાન્ય લાગતી અને બેઝિક સમજણથી વાતનો ઉકેલ લાવી શકાય તેવા મુદ્દે જ્યારે કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કરવામાં આવે ત્યારે માત્ર પરિવાર જ નહીં, વકીલોને પણ નવાઈ લાગતી હોય છે. દિવ્ય ભાસ્કરની ડેઇલી સિરીઝ ‘છૂટાછેડા’ના બીજા એપિસોડમાં જાણીએ કેવી નજીવી, ક્ષુલ્લક અને હાસ્યાસ્પદ લાગતી બાબતો પણ ડિવોર્સ સુધી કેવી રીતે પહોંચે છે તે વિશે. દિવ્ય ભાસ્કરે આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, સિનિયર એડવોકેટ નેહુલ દવે, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી તથા સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સાથે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસેથી આ કેમ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 'બોન્ડિગ તૂટે છે ત્યારે નાની-નાની ફરિયાદો શરૂ થાય છે'સિનિયર એડવોકેટ નેહુલ દવેએ વાત કરતાં જણાવ્યું, 'નાની-નાની વાતો અંગે ફરિયાદ થવાની શરૂઆત ક્યારે થાય છે એ વિશે પહેલાં વિચારવું જોઈએ. પતિ-પત્ની વચ્ચે બોન્ડિંગ તૂટે ત્યારે આ શરૂઆત થાય છે. આનો સીધો અર્થ એ થયો કે પતિ કે પત્ની બેમાંથી એક આઇસોલેટ-એકલવાયું ફીલ કરે છે. આ જ કારણે પ્રેમ કરતાં ફરિયાદ પર ફોકસ વધે છે. આ વાતને જરા વિસ્તારથી સમજાવું તો હવે થાય છે એવું કે પતિ થાકીને ઘરે આવે છે ત્યારે તે એવું ઈચ્છે છે કે ઘરમાં શાંતિનું વાતાવરણ મળે અને પત્ની સીધી ફરિયાદ ના કરે કે આજે તારાં મા-બાપે આમ કર્યું ને બાળકોએ આવું કર્યું. રોજેરોજ આવી ફરિયાદ થાય એટલે પતિ અકળાઈ જાય છે અને પછી પતિ, પત્નીની નાની-નાની બાબતોની ફરિયાદ કરવાનું શરૂ કરે. સતત નાની ફરિયાદોને કારણે પતિ કે પત્ની હતાશામાં જીવવા લાગે અને અંતે તેમને લાગે છે કે લાઇફ પાર્ટનર બરોબર નથી.' 'પતિને પત્ની ગુડમોર્નિંગ નથી કહેતી તેની સામે વાંધો હતો'એડવોકેટ નેહુલ દવેએ એક કિસ્સો શૅર કરતાં જણાવ્યું, 'મારી પાસે અમદાવાદનો એક કેસ આવ્યો હતો. આ કેસમાં પતિની ફરિયાદ હતી કે પત્ની રોજ સવારે ગુડ મોર્નિંગ કહેતી નથી. સાસુ-સસરાને એવું હતું કે ઘરની વહુ તો ‘જય શ્રીકૃષ્ણ’ બોલવી જ જોઈએ, પરંતુ આ બોલતી નથી. આખો દિવસ વહુ પિયરમાં વાતો કરે છે. અમારાં પર તો ધ્યાન જ આપતી નથી, તો સામે પત્નીની ફરિયાદ એવી હતી કે પતિ તેના પરિવાર સાથે સરખી રીતે વાત કરતો નથી ને તેના ઘરના પ્રસંગોમાં હાજરી આપતો નથી. તમે જ વિચારો આ મુદ્દે ડિવોર્સ લેવાના હોય? પરંતુ આ યુગલનાં થયાં!' 'નાની વાતનું વતેસર બનાવી દે છે'સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'મને તો દરેક ડિવોર્સ કેસ શૉકિંગ જ લાગે છે. ઘણીવાર શૉકિંગ એ રીતે પણ લાગે કે બહારથી સંયુક્ત પરિવાર એકદમ સુખ શાંતિથી રહેતો હોય. તેમને પહેલી નજરે જોઈએ તો લાગે પણ નહીં કે પરિવારમાં કંઈક ખોટું થતું હશે. આ પરિવારમાંથી જ્યારે કપલ ડિવોર્સ માટે આવે ત્યારે આઘાત લાગે. આ ઉપરાંત એવું પણ બને છે કે જ્યારે લગ્ન કર્યાં હોય ત્યારે પત્નીને હાથમાં ને હાથમાં રાખે ને પછી બિઝનેસમાં નુકસાન જાય અને પૈસા ના હોય તો પત્ની સમજદારીથી કામ લેવાને બદલે સીધી ડિવોર્સ માટે આવે. આ ઘણું જ ખોટું છે. આ સમયે પતિ- ઘરને સપોર્ટ કરવાનો હોય, પરંતુ તે એમ કહીને ડિવોર્સ માગે છે કે પતિ વાપરવા માટે પૈસા આપતો નથી. આ ક્રૂરતા નથી. સમય ક્યારેક સારો તો ક્યારેક ખરાબ હોઈ શકે છે. ક્રૂરતા ત્યારે ગણાય જ્યારે તે ગેરકાયદેસર કામ કરે, ગેરકાયદેસર સંબંધો હોય. ફ્રોડ કરે કે પછી ફ્રોડ જેવી પરિસ્થિતિ ઊભી કરે અથવા તો પત્નીના નામથી ખોટી સહીઓ કરીને પૈસા ઉપાડે. ઉદ્ધતાઇથી વાત કરે, મારામારી કરે. તમને વિશ્વાસ નહીં થાય, પણ સારા સારા ઘરમાં આ રીતના કિસ્સા બનતા હોય છે. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એનું નિરાકણ જાતે જ લાવવું પડશે. નાની વાતનું વતેસર બનાવીને કપલ વકીલ પાસે ડિવોર્સ કેસ લઈને આવી જતા હોય છે.' 'વહુ નાહ્યા વિના રસોડામાં કેમ જાય છે?'એડવોકેટ અલ્પા જોગી વાતની શરૂઆત કિસ્સા સાથે કરતાં કહે છે, 'અમદાવાદની જ એક યુવતીનાં લગ્ન થયાં. સાસરે કલ્ચર અલગ હતું અને આ જ મુદ્દે સાસુ-વહુ વચ્ચે વિખવાદ થવા માંડ્યા. આ યુવતી વર્કિંગ હોવાથી સવારે ઊઠીને સીધી જ રસોડામાં જઈ રસોઈ બનાવવા લાગે. સાસુને એવું કે વહુ નાહ્યા વગર રસોડામાં ના જ જવી જોઇએ. આ મુદ્દે ઘરમાં રોજેરોજ ઝઘડા થવા લાગ્યા. પછી તો સાસુ નાની-નાની વાતોમાં ટોકવા લાગ્યાં. બંને વચ્ચે જનરેશન ગેપ હતો. સાસુએ ક્યારેય નોકરી કરી નહોતી એટલે તેમની જીદ એવી કે વહુ ઘરનાં બધા કામ કરીને જ ઓફિસ જાય. વહુ માટે આ શક્ય નહોતું. આ પરિસ્થિતિમાં પતિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. પછી તો સાસુ સફાઈ, ધાર્મિક માન્યતા અંગે ટોક્યા કરે. કંટાળીને પત્ની પિયર જતી રહી ને એકાદ-બે વર્ષ રાહુ જોઈ, પરંતુ કંઈ સુધારો ના થયો એટલે ડિવોર્સ થઈ ગયા.' 'કઇ રેસ્ટોરાંમાં જમવું તેવા મુદ્દે પણ ડિવોર્સ થાય છે'અમદાવાદના જ એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકરે જણાવ્યું, 'ડિવોર્સના કેસમાં ઘણીવાર અમને એવું થાય કે આટલી નાની બાબતો એવી તો કેવી રીતે આગળ વધી કે છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. ડિવોર્સ પાછળનાં પરિબળોની વાત કરું તો પહેલાં બધા સંયુક્ત પરિવારમાં રહેતા અને હવે વિભક્ત પરિવારો છે. વિભક્ત પરિવારમાં વડીલ કે પિતાતુલ્ય કોઈ વ્યક્તિ રહી જ નથી કે તે સમજાવે. તમને વિશ્વાસ નહીં આવે કે પણ ઘણીવાર તો ડિવોર્સનાં કારણો એ હદે સામાન્ય હોય છે કે વાત ના પૂછો. કપલ વચ્ચે કઈ રેસ્ટોરાંમાં જમવા જવું છે, વેકેશનમાં ક્યાં ફરવા જવું છે, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, જનરલ લાઇફસ્ટાઇલ કેવી રીતે જીવવી, કેટલા વાગ્યે ઊઠવું ને સૂવું, શું જોબ કરવી, કયા સિટીમાં રહેવું જેવી બાબતોમાં મતભેદ થતા હોય છે. આ નાની બાબતો પતિ-પત્ની વચ્ચે ટકરાવની શરૂઆત થાય પછી બંને વચ્ચેના મતભેદો ક્યારે મનભેદ સુધી પહોંચી જાય તે ખ્યાલ જ નથી રહેતો ને અંતે વાત ડિવોર્સ પર આવીને ઊભી રહે છે.' 'સમજણનો અભાવ સૌથી મોટી સમસ્યા'એડવોકેટ અલ્પા જોગી પણ સ્વીકારે છે, 'આજકાલ બધામાં સહનશક્તિ ને સમજણ ઓછી છે. બંને પક્ષે સમજણનો અભાવ હોય ત્યારે જ આવી નજીવી બાબતોમાં ડિવોર્સ થાય. અન્ય એક કિસ્સાની વાત કરું તો, સાસરું એકદમ ટિપિકલ હતું. દીકરાનાં લગ્ન થયાં ને ઘરમાં વહુ આવી. વહુ પર જૂના જમાનાના દરેક નિયમો લાદી દેવામાં આવ્યા. વહુ વર્કિંગ હતી એટલે ઘરનાં તમામ કામો જાતે કરીને ઑફિસ જઈ શકે નહીં. તેણે ઘરકામ માટે કોઈને બોલાવવાની વાત કરી તો એવું કહેવામાં આવ્યું કે તે જોબ કરે છે એટલે ઘરમાં પૈસાનો પાવર બતાવવો છે. ઘરમાં દેરાણી-જેઠાણી બંને હોય છે અને કામને કારણે ઝઘડા થવા લાગ્યા. અંતે પરસ્પર સમંતિથી બંને અલગ થયાં. આજકાલ રાઈનો પર્વત બનાવીને રજૂ કરવાની વૃત્તિ વધી ગઈ છે.' 'ફેમિલીમાં લગ્ન પ્રસંગ છે, તે પતે પછી ડિવોર્સ લઇશું'એડવોકેટ અલ્પા જોગી આ પાછળનાં કારણો આપતાં કહે છે, 'પહેલાં વડીલો સમજાવતા અને પતિ-પત્ની સમજી જતાં. હવે, બંને આર્થિક રીતે પગભર છે. પત્નીને એવું છે કે હું આટલું કમાઉં છું તો કેમ સામેની વ્યક્તિનું સહન કરું? પહેલાં જતું કરવાની ભાવના જોવા મળતી, પણ હવે નથી. એવું નથી કે ઝઘડા હાલના સમયે જ થાય છે. જૂના સમયમાં પણ સાસુ-વહુ ને પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થતા જ હતા, પરંતુ ત્યારે પડ્યું પાનું નિભાવી લેવાની ભાવના ને સમાધાનથી જીવન પસાર કરવાની વૃત્તિ હતી. હું અહીંયા સ્પષ્ટતા કરીશ કે કોઈ તમને મરજી વિરુદ્ધ કોઈ સંબંધમાં રહેવાનું કહેતું જ નથી, પરંતુ સાવ નજીવી બાબતો પર તો ડિવોર્સ ના જ લઈ શકાય. આજકાલનાં તો પેરેન્ટ્સ પણ સંતાનોને સમજવવા તૈયાર નથી.' આ મુદ્દે સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજના સમયે પેરેન્ટ્સ પોતાનું સંતાન ખોટું છે તે વાત સ્વીકારવા તૈયાર નથી. ઘણા કિસ્સામાં પેરેન્ટ્સ સંતાનોને સમજાવે તો ડિવોર્સની શક્યતા ઘટી જાય છે. સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સંતાનોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પેરેન્ટ્સ અંદરોઅંદર ઝઘડી પડે છે. થોડા સમય પહેલાં જ એક કિસ્સો આવ્યો હતો, જેમાં કપલને ત્રણ બાળકો છે. વાઇફ બેથી ત્રણ વાર પિયર રિસાઈને જતાં રહ્યાં. પરિવાર એકદમ વેલ સેટલ્ડ છે. પતિ ઈચ્છે છે કે સંમતિથી અલગ થઈએ. પત્ની માટે ભરણપોષણ મુદ્દો મુખ્ય છે. આ ઉપરાંત દિવાળી આવે છે અને બે મહિના બાદ કુટુંબમાં લગ્ન છે તો પત્નીને એવું છે કે અમારું ખરાબ ના દેખાય એટલે ડિવોર્સ અંગે પછીથી વાત કરવાનો આગ્રહ રાખે છે. લોકો આવું પણ કરતા હોય છે. આ સંજોગોમાં પરિવારમાં લગ્ન છે તો સાથે રહેવાથી મનમેળ બેસી જાય તો બની શકે કે તેઓ ડિવોર્સ ફાઇલ ના કરે.' તો વળી એડવોકેટ લાખિયાના મતે, પહેલાંના સમયમાં પણ ઝઘડા થતા જ હતા, પરંતુ તે ઘરની બહાર નહોતા આવતા. આજકાલ આવું નથી. હું તો એટલું જ કહીશ કે કપલ જ્યારે ડિવોર્સ માટે આવે છે અને તેમને બાળક છે તો તેમણે તેનું ખાસ વિચારવું જોઈએ. આપણે ત્યાં ઘણા કિસ્સામાં બાળક માતા પાસે જ રહેતું હોય છે. આપણા દેશમાં માતૃભાષા જેવો શબ્દ છે, પિતૃભાષા ક્યારેય બોલાતું નથી. કોર્ટ પણ બાળકના હિતનો વિચાર કરીને નિર્ણય લેતી હોય છે. 'ઘણીવાર પેરેન્ટ્સને ખુશ કરવા પણ ડિવોર્સ થાય છે'સિનિયર એડવોકેટ નેહુલ દવે પણ માને છે, આ સમજણની વાત છે. પતિ કે પત્ની થોડો સમય પણ શાંતિથી બેસીને આ મુદ્દે વાત કરે તો આરામથી ઉકેલ મળી જાય, પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે કે કપલને તેમનાં પેરેન્ટ્સ સતત એકબીજા વિરુદ્ધ ઉશ્કેરે છે. પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધો તૂટી ગયા હોય છે એટલે તેઓ પેરેન્ટ્સને જ સાચાં માને છે. બીજી એક વાત કહું તો દુનિયાની દરેક વ્યક્તિ સામેની વ્યક્તિમાં એક સિક્યોરિટી શોધે છે અને તેની સાથે એટેચ્ડ થાય છે. હવે આ એટેચમેન્ટ ના હોવાથી કપલ પેરેન્ટ્સ સાથે વધુ પડતા ક્લોઝ થાય છે અને મોટાભાગે પેરેન્ટ્સ બંનેને ભેગાં કરવાને બદલે અલગ કરે છે. હવે કપલ પેરેન્ટ્સને ખુશ કરવા ડિવોર્સ લે છે અને પછી એવું વિચારે છે કે તે બીજાં લગ્ન કરશે ત્યારે પેરેન્ટ્સ બધાં સાથે મળીને ખુશ રહી શકશે. અલબત્ત, આવું ભાગ્યે જ થતું હોય છે. ' 'સાસુ-સસરાને વહુ સાથે ન ફાવ્યું એટલે દીકરાના ડિવોર્સ કરાવ્યા'વધુમાં એડવોકેટ નેહુલ દવે કહે છે, 'આટલાં વર્ષોના અનુભવ પરથી હું એ તારણ કાઢી શક્યો કે પતિ કે પત્નીને વ્યવસ્થિત સમજણ આપવામાં આવે ને પેરેન્ટ્સ એવું કહે કે અમે અમારું જીવન જીવી લીધું છે, હવે તમારે તમારું જીવન જીવવાનું છે. પેરેન્ટ્સ સંતાનોની ખોટી વાતોમાં સપોર્ટ કરવાને બદલે લગ્નજીવનને બચાવવાનો પ્રયાસ કરે તો ડિવોર્સનું પ્રમાણ ઘટી શકે છે. હું તો એમ કહીશ કે પતિ-પત્ની ફેમિલી કાઉન્સિલિંગ, મેરેજ કાઉન્સિલિંગ થેરપી, સાયકોલોજિસ્ટ પાસે જાય. પતિ-પત્ની અહમ છોડશે તો ઘર તૂટતું બચી જશે.' અન્ય એક કિસ્સાની વાત કરતાં એડવોકેટ નેહુલ દવે જણાવે છે, 'મારા એક મિત્રે પહેલાં લગ્ન કર્યા. નવી વહુ ઘરમાં આવી, પરંતુ સાસુ-સસરાને ફાવ્યું નહીં તો તેમણે એકના એક દીકરાને એમ કહ્યું કે આ તો આપણા ઘરમાં સેટ જ નહીં થાય. દીકરાએ ડિવોર્સ આપ્યા. પછી બીજાં લગ્ન કર્યાં. આ વખતે પણ પેરેન્ટ્સે એમ જ કહ્યું કે આ તો આપણા ઘરનાં રીત-રિવાજો, રીત-ભાત પ્રમાણે ચાલશે નહીં. ઘરનાં નીતિ-નિયમો માનતી નથી. અમે જે કહીએ તેવું કરતી જ નથી. તે પોતાનું ધાર્યું કરે છે. આવું આપણા ઘરમાં ચાલશે નહીં એટલે ડિવોર્સ આપી દે. દીકરાએ ફરી મા-બાપની વાત માનીને બીજી પત્નીને પણ ડિવોર્સ આપી દીધા. દીકરાએ ત્રીજાં લગ્ન તો કરી નાખ્યાં, પરંતુ આ વખતે તેણે પેરેન્ટ્સથી અલગ રહેવાનું નક્કી કર્યું એટલે ત્રીજું લગ્નજીવન ટકી ગયું. ઘણા કિસ્સામાં મેં પતિ-પત્નીને સમજાવ્યાં અને તેઓ પછી પેરેન્ટ્સથી અલગ થઈને પોતાનું નવું જીવન શરૂ કરે છે. કહેવાનો અર્થ એટલો જ કે પેરેન્ટ્સે પણ વધુ પડતી દખલગીરી કરવાની હોય નહીં. મારા મતે તો ડિવોર્સ લેવાનાં કોઈ કારણો હોતા જ નથી, હું સ્પષ્ટ માનું છું કે તે ઊભાં કરવામાં આવે છે.' 'મોડા ઊઠવા, ક્રિકેટ જોવા કે ફરવા ન લઈ જવા મુદ્દે પણ છૂટાછેડા થાય છે'સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ કહ્યું, 'લગ્નજીવનની સાચી હકીકત ક્યારેય ઘરના ઉંબરાની બહાર આવતી નથી. છોકરા-છોકરી લગ્ન માટે જ્યારે મળતાં હોય છે ત્યારે એકબીજાને સવાલ કરતાં હોય છે અને બંનેને ખ્યાલ હોય છે કે કોણ શું કરશે. હવે લગ્ન થાય છે. કામવાળો ના આવે કે રસોઈયો ના આવે એટલે તરત જ પત્ની જમવાનું બનાવવાની કે કામ કરવાની પાડી દે છે. આ મુદ્દે પછી ઘરમાં ઝઘડા થાય. પત્નીની હંમેશાં ફરિયાદ હોય છે કે પતિ તો ક્યાંય બહાર ફરવા નથી લઈ જતો. સાચું કહું તો ઘણીવાર તો પતિ-પત્નીને ખ્યાલ જ નહીં હોતો કે બંનેની લાઇકિંગ શું છે ને એમને કઈ દિશામાં આગળ વધવું છે. લગ્નજીવનમાં જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે જોડાય છે ત્યારે બંનેએ એકબીજાને સમજીને આગળ વધવાનું છે. તમે નહીં માનો, બેડરૂમમાં એવા મુદ્દે ઝઘડા થાય કે એક વહેલું સૂએ છે તો બીજું મોડું ઊઠે છે. એકને ટીવી જોવાનો શોખ છે તો અવાજ વધારે રાખે છે. કેટલાકને ક્રિકેટ મેચ જ જોવી છે. આ બધી અલગ-અલગ બાબતોને આજની જનરેશન એવું માને છે કે અમે બંને અલગ છીએ એટલે અમે સાથે ના રહી શકીએ. આનો રસ્તો કાઢવો સરળ છે, પરંતુ કોઈને કાઢવો નથી.' 'વડીલોની મધ્યસ્થતામાં વાત કરીને ઉકેલ મેળવો'એડવોકેટ ડૉ. અભીષ્ટ કહે છે, 'જ્યારે સાવ નાની બાબતો લઈને ક્લાયન્ટ્સ ડિવોર્સ માટે આવે ત્યારે અમને સિરિયસલી શોક લાગે કે આ તો બહુ ઇઝલી સોલ્વ થઈ શકે તેમ છે. જોકે, એક વાતમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી નીકળે છે… ને પછી તો સંબંધ બચાવવા શક્ય જ રહેતા નથી. આવી નાની નાની બાબતો અંગે વડીલો સમજાવે તો ડિવોર્સ થવાની શક્યતા ઘટી જાય છે. ' 'આજની પેઢીને થોડું પણ સહન કરવું નથી'અન્ય કારણો અંગે એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'પતિ-પત્ની એકબીજાની લાગણી સમજવા તૈયાર નથી. જીવનમાં દરેક સમય સરખો ના હોય. ક્યારેક અપ્સ-ડાઉન હોય. આજની પેઢી યુઝ એન્ડ થ્રોમાં માને છે. નથી બનતું તો સીધી જ વાત ડિવોર્સ પર આવે છે. પત્નીમાં એક એવી ભાવના આવવા માંડી છે કે હું આર્થિક રીતે સક્ષમ છું તો મારે તારી ગરજ કે જરૂર નથી. હું કેમ તારી ગુલામી સહન કરું. વાત તો ગુલામીની હોતી જ નથી. તેઓ એક ક્ષણ માટે પણ વિચારતા નથી કે બીજું પાત્ર સારું મળશે કે નહીં અને તેમાં કેટલો સમય જશે, ત્યાં પણ તમારે કંઈક તો ઉપર-નીચે હશે તો હાલમાં જે સંબંધ છે તેને થોડો ટાઇમ આપીને સમજણ દાખવીને કેમ બચાવી ના શકાય. પેરેન્ટ્સ તો આખી જિંદગી રહેવાનાં નથી. આ વાત આજની પેઢીએ સમજવી જ નથી. આજકાલનાં સંતાનો તો પેરેન્ટ્સનું પણ માનતાં નથી. જો તેઓ સમજાવે તો સમજવા તૈયાર જ નથી. મેચ્યોરિટી ઓછી છે કે પછી તેઓ આર્થિક સક્ષમ હોવાથી સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. એમ કહેવું પણ ખોટું નથી કે આજની પેઢીમાં અમેરિકન કે વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ ગયું છે કે આજમાં જીવો, ભવિષ્યની ચિંતા કેમ કરવી. છોકરીઓ ઘણીવાર પૈસાનો પાવર બતાવે છે તો સાસુને પોતાની રૂઢિઓ પ્રમાણે જીવવું છે, જે અંતે ઝઘડામાં પરિણમે છે.' 'આજની જનરેશનને સમસ્યા કોને કહેવાય તે ખ્યાલ જ નથી'એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'ઘણીવાર તો કપલ અમારી પાસે આવે ત્યારે એમ કહે કે હું બેઠો હતો ને પત્નીએ પાણી ના આપ્યું, પત્ની કહે મારાં પેરેન્ટ્સ આવ્યાં ત્યારે તું પગે ના લાગ્યો. તું એમને માન-સન્માન નથી આપતો. આ બહુ સામાન્ય બાબત છે. આપણે લગ્નને એક સંસ્કાર તરીકે જોઈએ છીએ. કોર્ટ પણ બને ત્યાં સુધી લગ્ન ટકી રહે તેવા પ્રયાસો કરતી હોય છે.' તો એડવોકેટ અલ્પા જોગી કહે છે, સાચું કહું તો ઘણીવાર એવી નજીવી બાબતો હોય છે કે મારે તેમને કહેવું પડે કે તમને વાસ્તવમાં ખ્યાલ છે કે સમસ્યા કોને કહેવાય? પતિ કમાતો ના હોય, પતિ દારુ પીને મારતો હોય, ઘરની કોઈ જવાબદારી લેતો ના હોય, ઘરમાં પૈસા આપતો ના હોય. ખાવા ના આપે...આમાંથી કોઈ સમસ્યા હોય જ નહીં. હું ઘણીવાર કપલને કહું કે તમે તમારા બંનેની 10 સમસ્યા કાગળ પર લખીને આપો. મોટાભાગે સાતથી આઠ સમસ્યા તો એમ જ ઉકેલાઈ જતી હોય હોય છે. બે-ત્રણ સમસ્યા થોડી સમજણ ને એડજસ્ટમેન્ટથી સોલ્વ કરવાની હોય છે અને લગ્નજીવન બચી જાય છે. પત્નીની સમસ્યા એક જ હોય છે કે પતિ મારું કહ્યું કરતો નથી તે તો તેની માતાની સાઇડ લે છે. પતિ પત્નીનું માને તો ‘જોરુ કા ગુલામ’ ને માતાનું માને તો ‘માવડિયો’. પતિની સ્થિતિ દયનીય બની જતી હોય છે. જોકે, આ સમયે સાસુ ને વહુ બંનેએ પોતાની મમત છોડવી પડે. જો સાસુ ને વહુ થોડું ઉપર-નીચે ચલાવતાં શીખી જશે તો પાંચેક વર્ષમાં જ બંને વચ્ચે સારું બોન્ડિંગ થઈ જશે. અલબત્ત, આજકાલ તો કોઈને લગ્નજીવનમાં સમય જ આપવો નથી. બે-પાંચ મહિનામાં જ મનનું ધાર્યું ના થાય એટલે પતિ કે પત્ની તરત જ અલગ થવાની વાત કરવા લાગે છે. ' 'જીવનનો મહત્ત્વનો સમય કોર્ટ કેસમાં જતો રહે છે'સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા જણાવે છે, 'આજકાલ ખબર નહીં સહનશક્તિ ને સમજણ જેવું કંઈ જ જોવા મળતું નથી. સમજણ તો ખબર નહીં આજકાલ ક્યાં જતી રહી એ જ ખ્યાલ નથી આવતો. હવે કપલ આ સમજતાં નથી અને પછી વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને બંને અલગ થાય જ છે. મનમાં નાની-નાની વાતોને ભેગી કરતા જાય છે અને પછી તે એટલો મોટો પર્વત બને છે કે લગ્નનાં બે કે ત્રણ વર્ષમાં અલગ થઈ જાય છે. ડિવોર્સ કેસમાં મોટાભાગના યુગલોનાં લગ્નને એકથી પાંચ વર્ષનો સમય થયો હોય છે. આ સમયગાળો તો એકબીજાને સમજવાનો ને બોન્ડિંગ વધારવાનો છે, પરંતુ તેઓ જીવનના આ મહત્ત્વના સમયે જ ડિવોર્સ માટે કેસ લડી રહ્યાં હોય છે.' 'પતિએ મોડું આવવાનું કહેતાં જ પત્ની બેફામ ગાળો બોલવા લાગી'અલ્પા જોગી એક આંચકાજનક કેસ અંગે વાત કરતાં કહે છે, 'તમને જાણીને આશ્ચર્ય થશે કે માંડ 26-27 વર્ષનું કપલ હતું. પત્નીના પિયરમાં કંઈક જમવાનો પ્રોગ્રામ હશે તો સાંજે સાત વાગ્યે જવાનું હતું. પતિએ એવું કહ્યું કે ઑફિસમાં કામ છે તો તે સાડા આઠ વાગ્યે આવશે. આટલું જ કહેતાં પત્ની બેફામ ગાળો બોલવા લાગી. વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. કોર્ટમાં પત્ની બેફામ ગાળો બોલતી હોય તેવા રેકોર્ડિંગ પુરાવા તરીકે આપ્યા અને પછી ડિવોર્સ થયા. હવે તમે જ નક્કી કરો કે આ ડિવોર્સ લેવા જેવી બાબત હતી? પતિની કોર્પોરેટ જોબ છે તો સાતને બદલે સાડા આઠે જમવા જાય તો શું ખાટું-મોળું થઈ જવાનું છે? પત્નીએ પણ વિચારવું પડે કે જોબમાં આજકાલ પ્રેશર-સ્ટ્રેસ ને કામનું ભારણ વધી ગયું છે તો વહેલું-મોડું થાય. જોકે, પત્નીની એક જ જિદ્દ હતી કે તે સાત વાગ્યે કેમ ના આવે અને પછી તો નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ડિવોર્સ કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ફેમિલી કોર્ટમાં સવારે 11 વાગ્યે એટલી ભીડ હોય કે એમ થઈ જાય કે આ કઈ જગ્યાએ આવી ગયા?' 'નાની વાતો જ્વાળામુખી બનીને ફાટે છે'નાની બાબતોને કારણે ડિવોર્સ લેવાના કારણો અંગે એડવોકેટ મિહિર લાખિયા પણ માને છે કે લોકોમાં સહનશક્તિ નથી. દેખાદેખી વધી ગઈ છે. ક્યાંક બહાર ગયા ને કોઈક પતિ કે પત્નીએ પોતાના લાઇફ પાર્ટનર માટે સારું કર્યું તો પછી બીજા કપલ આ જોઈને ઘરમાં ઝઘડો કરે. હવે નાની નાની વાતો એટલી ભેગી થાય કે પછી એમ લાગે કે હવે સાથે નહીં રહી શકાય એટલે ડિવોર્સ લઈએ. હું માનું છું કે કોર્ટ તથા સરકાર મારફતે સાયકિયાટ્રિસ્ટ તથા સાયકોલોજિસ્ટ હોય એવું એક સેન્ટર બનાવવું. કોર્ટમાં મીડિએશન સેન્ટર છે, પરંતુ તેમાં હજી વધારે કામ કરવાની જરૂર છે. આ સેન્ટર થેરપીથી લોકોને સમજાવવાનું કામ કરે. કોર્ટને લાગે તો મીડિએશન સેન્ટરમાં કપલને મોકલતી હોય છે. ઘણીવાર કોર્ટમાં જજ પોતાની ચેમ્બરમાં બોલાવીને કપલ સાથે વાત કરે છે, પરંતુ આમાં સમય આપવો પડે. કોર્ટ પાસે કામનું ભારણ જ એટલું છે કે તે આ બધું કરી શકે નહીં. આ જ વાતમાં સૂર પૂરાવતાં એડવોકેટ શિવાની ચાહવાલા કહે છે, 'નાની બાબતો જ્યારે મનમાં ઘર કરી જાય છે પછી તે ગમે ત્યારે જ્વાળામુખી બનીને ફાટે છે. ખરી રીતે તો ઇન્ટરફિયર જેવું કંઈ જ આવતું નથી. પછી પત્નીએ ભૂતકાળની સાવ નાની વાતો યાદ કરીને એકબીજા સાથે કનેક્ટ કરી દીધી. તેની એક જ વાત હતી કે સાસુ અમને ઇરાદાપૂર્વક એક થવા દેતી નથી. ઘણા કિસ્સામાં સાસરિયાંનો કોઈ જ વાંક હોતો નથી અને પત્નીની સમજણ ઓછી હોય છે. ઘણા કિસ્સામાં સાસુ-સસરા ને પતિનો વાંક હોય છે. તેઓ પત્નીને એક કમ્ફર્ટ ઝોન પણ આપતાં નથી.' 'જીવનમાં એડજસ્ટમેન્ટ જરૂરી છે'એડવોકેટ લાખિયા છેલ્લે યંગ જનરેશનને સલાહ આપતાં કહે છે, 'સહનશક્તિ વધારો. દેખાદેખી ના કરો. સમાજ- ફેમિલી વેલ્યૂને ધ્યાનમાં રાખો તથા બાળકોનું ખાસ વિચારો. એક વાત કહીશ કે કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ નથી. જો કોઈ એમ કહેતું હોય કે હું બધી જ રીતે સક્ષમ ને વ્યવસ્થિત છું તો આ વાત જ ખોટી છે. ઇશ્યૂ બનાવવા કરતાં એ ઇશ્યૂને સમજવાનો પ્રયાસ કરો. ઇશ્યૂ તો દરેકની લાઇફમાં હોય જ છે અને દરેકના ઘરમાં ઝઘડા પણ થતા હોય છે. લગ્ન બાદ મહિલા કે પુરુષે એકબીજા સાથે એડજસ્ટ થવાનું છે. એકબીજાના પ્રોફેશનને સમજીને સપોર્ટ કરવાનો છે. ખાસ કરીને સ્ટ્રેસ લેવલ તથા મેન્ટલ કન્ડિશન સ્ટેબલ રાખવાની જરૂર છે. ઓફિસનો ગુસ્સો ઘરમાં કાઢી ના શકાય ને ઘરની કચકચને ઓફિસમાં લઈ ના જવાય આ બંનેને કેવી રીતે અલગ રાખવા તે આપણે જાતે જ શીખવાનું છે. લક્ષ્મણ રેખા આપણે જાતે જ દોરવાની છે. બીજા આપણને સમજાવે ને આપણે કરીએ તો તેનાથી કંઈ ખાસ ફાયદો થશે નહીં. એકબીજાની પસંદ, નાપસંદનો ખ્યાલ રાખવાનો. લગ્નના શરૂઆતમાં પાર્ટી કરી શકાય, પરંતુ બાળકના જન્મ બાદ પાર્ટી કરવી મુશ્કેલ છે તો આ વાત સમજવાની હોય. આ મુદ્દે ઝઘડો કરવાનો ના હોય તમારી ઉંમર વધે તે રીતે સંયુક્તમાં પરિવારમાં રહેતા હો કે ના રહેતા હો પણ પેરેન્ટ્સની ઉંમર વધે છે અને તેમને સ્વાસ્થ્યની નાની-મોટી તકલીફો આવે છે તો તેમની સંભાળ લેવાની હોય. આ વાત કોઈ સમજાવે નહીં અને આ વાતને કારણે ઝઘડવાનું ના હોય.' 'જેન ઝી લગ્નજીવનને બીજી તક આપવા તૈયાર જ નથી'સિનિયર એડવોકેટ નેહુલ દેવે કહે છે, 'જેન ઝીની વાત કરીએ તો, તેમાં હવે કોર્પોરેટ કલ્ચર જોવા મળે છે. આ પેઢી કોર્પોરેટ લાઇફમાં એટલે કે જોબમાં વધારે બિઝી છે. આ જ કારણે આ પેઢીનાં યુગલ એકબીજાને બહુ જ ઓછો ટાઇમ આપે છે. કોર્પોરેટ જોબ હોય એટલે સવારે નવ વાગ્યે નીકળે ને રાત્રે નવ વાગ્યે ઘરે આવે. માંડ શનિ-રવિ એકબીજાને મળતાં હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ સંબંધો રાખી શકતા નથી. આ દરમિયાન જો બાળક થઈ ગયું તો તેને સાથે મળીને મોટું કરી શકતાં નથી અને તેમાં ઝઘડા વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પતિ કે પત્ની સમાધાન કરવાના મૂડમાં હોતાં નથી. પતિ-પત્ની બંને આર્થિક રીતે પગભર હોય એટલે પત્ની તરત જ એમ કહે છે કે બાળકની આર્થિક જવાબદારી તારી પણ છે અને તું પૈસા આપીશ તો ઠીક છે, નહીંતર હું કોર્ટમાંથી લઈ લઈશ. જેન ઝી એવું માને છે કે મારાં પેરેન્ટ્સે જે સહન કર્યું એ અમે તો નહીં જ કરીએ. જો પતિ એમ કહે કે તારે મારી શરતો પ્રમાણે કે મારા કહ્યા પ્રમાણે જીવવું પડશે અને પત્ની ના પાડે એટલે તરત જ બ્રેકઅપ કરે છે. તેઓ લગ્નજીવનને બીજી તક આપવા તૈયાર નથી. તેઓ સીધું એમ જ કહી દે છે કે નથી ફાવતું તો પરિવારને જાણ કર્યા વગર સીધા ફેમિલી કોર્ટમાં જશે અથવા તો કોઈક ને કોઈક કેસ કરી બેસશે. કોર્ટમાં જ્યારે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે પણ ત્યાં સુધી એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સામેનું પાત્ર સ્વીકારવા તૈયાર જ ના થાય. હું અંગત રીતે આ પેઢીને એ જ સલાહ આપીશ કે કોઈ ઇશ્યૂ ઊભા થાય તો સીધા કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જવાને બદલે પરિવારને ભેગા કરો, મીડિયેટર તરીકે કોઈને બોલાવો અને પછી ચર્ચા કરો.''આજે માત્ર પોતાનું જ જોવામાં આવે છે' આ મુદ્દે સાઇકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણીએ વાત કરતાં કહ્યું હતું, 'સાવ નાનાં-નાનાં કારણોથી ડિવોર્સ થવાનું એક માત્ર કારણ આજકાલ લોકોની સહનશક્તિ ઘટી ગઈ છે. આજકાલ માત્ર પોતાનું જ જોવામાં આવે છે. આઇ, મી ને માયસેલ્ફ. મારે મારું જ જોવાનું ને બીજા કોઈનું કંઈ જ નહીં. પહેલાં પરિવાર ને સમાજની વાતો થતી, પરંતુ હવે માત્ર ને માત્ર મારી જ વાત એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવે છે. સમાજમાં આવો ફેરફાર આવતા ઝઘડાનું પ્રમાણ વધ્યું છે અને તેમાંય નાની નાની વાતો ઘણીવાર ડિવોર્સ લેવા સુધી પહોંચી જાય છે. સામાન્ય ઝઘડામાં ઇગો કે અહંકારની વાત આવે છે. આ જ કારણે લોકો છૂટા પડી જાય છે.' (આવતીકાલે 'છૂટાછેડા' સિરીઝના ત્રીજા એપિસોડમાં વાંચો, આજકાલ અમદાવાદ-સુરતમાં હાઇ સોસાયટીમાં પતિની નજર સામે પત્ની અન્ય વ્યક્તિ સાથે રિલેશન માણે છે, તે વ્યક્તિ રૂમની બહાર જાય એટલે પતિ-પત્ની ફિઝિકલ રિલેશન માણે છે.. કેમ આ ટ્રેન્ડ વધી રહ્યો છે...)
ભૂવાઓનું બાળકો-બીમારો સાથે અમાનવીય કૃત્ય:ભૂલકાંઓને ભૂવાઓ તારથી આપી રહ્યા છે ડામ
મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો અંધવિશ્વાસની જાળમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક પરંપરા, માન્યતાઓ અને અંધશ્રધ્ધાના સમન્વય ની વચ્ચે વલસાડ,ડાંગ,તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભૂવાઓ દ્વારા હજુ પણ કુમળી વયના બાળકોને ડામ આપવાની વેદનાભરી પ્રથાઓનો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે. દાયકાઓથી ચાલતી આવી જૂની પરંપરા, માન્યતાઓ અને અંધશ્રદ્ધા વચ્ચે બાળકો સાથેની આ પ્રથામાં દુ:ખ સાથે નાનાં બાળકોની ચીસ સાંભળી શકાય છે, લોકો તેને ડામ કહે છે. દુઃખ આપતી ડામ આપવાની આ કૂપ્રથામા ગામમાં જ્યાં સૂર્ય ઊગતાં પહેલા ગ્રામ્ય મહિલાઓ પોતાના નાનાં બચ્ચાને કાંધે લઈને ગામના એક ઘરમાં જાય છે. તે ઘરના આંગણામાં માટીની ભૂમિએ બેઠેલો વ્યક્તિ આગને હવા આપી રહ્યો છે અને આગમાં લોખંડના તારને ગરમ કરે છે. ગામની મહિલાઓ પોતાના વ્હાલસોયા બાળકોને ભૂવા તરીકે ઓળખાતા આ શખસને સોંપે છે. ભૂવો ગરમ લોખંડનાં તારથી બાળકે પેટ પર ડામ લગાવે છે. આ પરંપરા એવો સંતોષ માને છે કે હવેથી બાળકને ક્યારેય દુ:ખ નહીં થાય,પરંતુ બાળકનું રૂદન વેદનાની ચીસ દુઃખ વ્યક્ત કરી દે છે. ખાસ કરીને પેટ ચડવાની બીમારી હોય તો તેની પર ડામ અપાય છે, જેવી બીમારી હોય તે પ્રકારે પીડાદાયી ડામ આપવામાં આવે છે. જેનો મહત્તમ ભોગ બાળકો બને છે. અંધવિશ્વાસમાં સપડાયેલા લોકો બાળકોને ડામ મૂકાવે છેઅંધવિશ્વાસમાં સપાયેલા માતાપિતા - વાલી હજુ પણ જૂની પરંપરાને વળગી રહ્યા હોવાથી તેઓ બાળકોને ડામ મૂકાવે છે. મેડિકલ સાયન્સને પડકારતી આ પ્રથા અંધવિશ્વાસ પર આધારિત છે. ડોક્ટોરો પણ માને છે કે જાગૃતતાના અભાવે અને અજ્ઞાનતાના કારણે આ થઈ રહ્યું છે. પેટ-માથાના દુખાવા, કમરના દુખાવા સહિત અનેક બીમારીમાં ડામ અપાય છેડામ મૂકવાની જૂની પરંપરા અનુસાર, નવજાત 21 દિવસના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધીને પણ ડામ આપવામાં આવે છે. માન્યતા છે કે ડામથી પેટની જે નસ વધે છે તે ઠીક થવાનો દાવો છે. ડામથી પેટમાં પીડા નથી થતી, પગ અને કમરનાં દુખાવા માટે પણ ડામ આપવામાં આવે છે. ભૂવાઓનું માનવું છે કે દવાથી અંદરની સારવાર થાય છે. ડામ મૂકનાર સાથે સંવાદ... ભાસ્કર : અમારા બાળકને ડામ મૂકવાનો છે.ભુવા : શનિવારે લઈ આવજો. ભાસ્કર : પણ શાળા ચાલુ છે તો સારું થઈ જશે ને ?ભુવા: સારું થઈ જશે એ તો. ભાસ્કર : મારા મિત્રના છોકરાને પણ મૂકવાનો છે, માથામાં પણ મૂકે કેભુવા : માથામાં ત્રણ ભમર હોય તો માથામાં મૂકે, પેટ ચડતું હોય તો પેટ પર પણ મૂકાય ભાસ્કર : કેટલા રૂપિયા આપવાના થાય ?ભુવા : બીજા તો મોઢું ખોલીને માંગે પણ મને તો ખુશીથી જે આપી જાય એ ચાલે ભાસ્કર એક્સપર્ટ : ડો.આશિષ ગામીત,બાળરોગ નિષ્ણાત, વલસાડ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સિટી એન્કર:મેઘપર બોરીચીની સોસાયટીઓમાં એકત્ર થતું ગંદુ પાણી દુષ્કર
ગત રોજના સમસ્ત મેઘપર વિસ્તાર માં વહેતા ગટર, ગટર પાણી ભરાવા અને વરસાદી પાણી ભરાવા ની સમસ્યા વિશે પીડિત સમસ્ત સોસાયટીની એક મિટિંગ આયોજન કરવામાં આવ્યુ હતું. જે બેઠકમાં સમસ્યાની સમીક્ષા માટે અસરગ્રસ્ત સોસાયટીઓમાં કાવેરીનગર, પારસનગર, ભક્તિધામ, ગોકુલધામ, ઘનશ્યામનગર, કૃષ્ણવિલા, પુષ્પ કોટેઝ, આશાપુરા પાર્ક 2, મહાવીરનગર, ભગીરથનગર, શાંતિનગર અને પૃથ્વીનગરના રહેવાસીઓએ હાજરી સભ્યોના મંતવ્યો લેવાયા હતા. અને આગળ શું કર્યાંવાહી કરવી એ મુદ્દે ચર્ચા થઈ હતી. દર વર્ષે આવી સ્થિતિ કેમ બને છે, પાણી ક્યાંથી આવે છે, એ જાણવા મેઘપર સોસાયટી સદસ્ય સમિતિના બે સદસ્યો જાડેજા યોગેન્દ્રસિંહ પુષ્પ કોટેજ અને બારોટ પલરાજભાઈ આશાપુરા સોસાયટી વાળાએ નર્મદા કેનાલથી રવેચીનગર, નવકાર સોસાયટી થઈ દુર્ગમ રસ્તે પગે ચાલીને લગભગ 7 કિલોમીટર સુધી ફરતા જોતા જાણવા મળ્યું કે હાઈવેની 2 સોસાયટીના ગટરનું પાણી કેનાલ નીચે બનાવેલા નાળામાંથી થઈને આ સોસાયટીઓમાં ભરાવો થાય છે. પણ અહીં નિકાલ વ્યવસ્થા ન હોવાથી વરસાદી અને ગટર નું પાણી ત્યાંની અમુક સોસાયટીમાં જમા થઈ જાય છે. ગંદકી સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પાણીનું વહેણ ફાટક નજીક પુષ્પ કોટેજ અને આશાપુરા સોસાયટી સુધી જાહેર રસ્તા પર વહેતા રાહદારીઓ અને બાળકોને બહુ જ સમસ્યા થાય છે. હવે જ્યારે સમસ્ત મેઘપર વિસ્તાર ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવીષ્ટ થયેલ છે. તેના કાયમી ઉકેલ માટે દરેક સોસાયટીની સહી વાળો ગટર પાણી ફરિયાદ નું એક પત્ર બનાવીને વિનંતી માટે કમિશનરને મળવાનું વિચાર પણ કરવામાં આવ્યું હતુ. તે સાથે ફેલાયેલા ગંદા પાણીમાં ડીડીટી પાવડર છંટકાવ કરવા પણ સુચન થયું હતું. આયોજન જાડેજા યોગેન્દ્રસિંહ અને બારોટ પલરાજભાઈએ સમિતિવતી સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સંકુલમાં આરોગ્ય તંત્રની ઇમારતો ભાડાના મકાનમાં
ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું, પરંતુ તેના મુળભુત જરૂરીયાતો જેવી કે આરોગ્ય ક્ષેત્રે હજુ પણ મહત્વપુર્ણ પગલાઓ લેવાની તાતી જરૂર છે. દિવ્ય ભાસ્કરની ટીમે આરોગ્યક્ષેત્રની જન સુવિધાઓ અંગે શું હાલાત છે તે જોવા જાત તપાસ કરતા સામે આવ્યું કે છ આરોગ્ય કેંદ્રો પોતાની જમીન અને બિલ્ડીંગના અભાવે ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. તેમાંય અપુરતો સ્ટાફ છે અને આરોગ્ય કેંદ્રોની પણ જેટલી આવશ્યકતા છે તેના કરતા ઓછા છે. કેંદ્રોને ઉભા કરવા માટે આરોગ્ય વિભાગે અનેક વાર ડીપીએ અને એસઆરસી સાથે પત્ર વ્યવહાર કર્યો પરંતુ દશકાથી તેનો કોઇ નિર્ણય લઈ શકાયો નથી. તાજેતરમાં ડીપીએ દ્વારા મહાનગરપાલિકાની કચેરીઓના નિર્માણ, સીટી બસ માટે, પુસ્તકાલય અને મનપા સ્ટાફ ક્વાટર્સ માટે અલગ અલગ ચાર મોટા પ્લોટની ફાળવણી કરી છે. પરંતુ લોકોના આરોગ્ય માટે જરૂરી એવા આરોગ્ય કેંદ્રો માટે દશકાથી થઈ રહેલી માંગ છતાં ન એસઆરસી કે ન ડીપીએ દ્વારા કોઇ પહેલ કરાઈ છે, જે નિરાશાજનક છે. દિવ્ય ભાસ્કરના કર્મચારીઓએ જમીન પર ઉતરીને ગાંધીધામ સંકુલમાં ઉપલબ્ધ તમામ છ શહેરી આરોગ્ય મંદીર અને ગ્રામીણ આરોગ્ય મંદીરની મુલાકાત લઈને પરિસ્થિતિ તપાસી હતી. જેમાં સામે આવ્યું કે અર્બન પ્રાથમીક હેલ્ડ સેન્ટર (એટલે કે યુપીએચસી આદિપુર 2), યુપીએચસી 1 (સુંદરપુરી), યુપીએચસી 2 (ગણેશનગર), યુપીએચસી 3 ( કાર્ગો + ખોડીયારનગર), યુપીએચસી 4 (મહેશ્વરી નગર), યુપીએચસી 5 (સપનાનગર) આ છએ શહેરી આરોગ્ય કેંદ્ર ભાડાના મકાનોમાં ચાલે છે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 13થી વધુ પત્રો ગત દસ વર્ષમાં એસઆરસી અને ડીપીએને લખીને સંભવીત ઉપલબ્ધ સ્થાનો પણ દર્શાવ્યા છે. તેમ છતાં તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ઉપરાંત ગાંધીધામના આસપડોસના ગામો જેવા કે અંતરજાળ, શિણાય, ગળપાદરમાં વસ્તી અનુસાર વધુ આરોગ્ય કેંદ્રો હોવા જોઇએ પણ શહેરથી નજીક' હોવાનું બહાનું કરીને તેમને આરોગ્ય કેંદ્રો ફાળવાતા નથી. જો આ તમામ સ્થળે વસ્તી અનુસાર પ્રાથમિક આરોગ્ય કેંદ્ર બને તો લોકોએ રામબાગ હોસ્પિટલ સુધી લાંબુ ન થવું પડે. પરંતુ સતત થઈ રહેલો આ અન્યાય હજુ પણ ચાલુ છે. અધુરામાં પુરુ કિડાણા જેવું મોટુ ગામ કે જેની જનસંખ્યા 15 હજારથી પણ વધુ છે, ત્યાં એક માત્ર પાર્થમિક આરોગ્ય કેંદ્ર જોવા મળ્યું. જેના તબીબ લાંબી રજા પર હોવાથી આસપાસના કેંદ્રોથી નર્સો ઓપીડી સંભાળી રહી છે, તાત્કાલીક અહિ એમબીબીએસ અથવા બીએએનએસ, કે હોમીયોપેથીક તબીબની નિમણુક જરૂરી છે. આ ઉપરાંત 10 આયુષ્માન આરોગ્ય મંદીર પણ ભાડાના મકાનમાં ચાલે છે, ગામડાઓમાં જમીનો રાજ્ય સરકાર હસ્તક હોતા આ પ્રશ્ન હલ થઈ રહ્યો છે, પરંતુ ડીપીએ અને એસઆરસીની જમીનમાં આ પ્રશ્ન હજુ અધ્ધરતાલ છે. લોકોની આરોગ્ય સુવિધા એ મુળભુત સેવા છે ત્યારે તે દિશામાં જરૂરી પગલા ભરાય તે અત્યંત આવશ્યક છે. આમ અત્યાર પોતાનુ મકાન ના હોવા ઉપરાંત ખાલી જગ્યાઓથી પણ આરોગ્ય વિભાગ પીડાઈ રહ્યો છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે સંબંધિત સ્તરે જગ્યાઓ ભરવાની રજૂઆત કરી છે એવુ જણાવ્યુ અને સાથે અન્ય તાલુકાની સરખામણીએ વસ્તીના ધોરણે ઓછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર હોવા છતાં ટીમ સારુ કામ કરી રહી છે, તે અંગે સંતુષ્ટી વ્યક્ત કરીને મેન પાવર બાબતે દુઃખ વ્યક્ત કર્યુ હતું. કિડાણામાં તબીબ રજા પર જતા સારવાર માટે આવેલા નર્સના હવાલે!કિડાણામાં ફરજ પરના તબીબે અચાનક પોતાની રજાઓ લંબાવી લેતા અહીના લોકોની ઓપીડીની જવાબદારી આસપાસના અન્ય નર્સ જેવા સ્ટાફને અપાઈ છે. ખરેખર તો અહી જવાબદાર અધિકારીની નિયુક્તી આવશ્યક છે, કેમ કે અહી રોજના 100થી વધુ ઓપીડી થાય છે. અહી આયુષ મેડિકલ ઓફિસરની જગ્યા લાંબા સમયથી ખાલી છે. અન્ય ગામોમાં દર 7 હજારે કેન્દ્ર, ગાંધીધામમાં 45 હજારની જનસંખ્યાએ માત્ર બે જ કેન્દ્ર!ગાંધીધામ તાલુકાનો વિસ્તાર મહાનગરપાલિકામા જતા હજુ આરોગ્ય વિભાગ,આઈસીડીએસ અને શિક્ષણ વિભાગ મહાનગરપાલિકામાં પૂર્ણ રીતે જાય અને જગ્યાઓ ભરાય ત્યાં સુધી હાલની પરિસ્થિતિઓ મુજબ આ વિભાગ મા જગ્યાઓ નહી ભરાય તો લોકોના આરોગ્ય ની સંભાળ કોણ કરશે ? સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ મીઠીરોહર,કિડાણા અને આદિપુર આયુષ મેડિકલ ઓફિસરની જગ્યાઓ ભરેલી હતી. માથક, સંઘડમાં 7 હજારની જનસંખ્યાએ પીએચસી છે. અંતરજાળ, કિડાણા અંતરજાળ મળીનેજ 45 હજાર જેવી વસ્તી થાય છે. પરંતુ અર્બનની નજીક છે તેમ કહીને અહી કેંદ્રો બનાવાતા નથી. ગાંધીધામના ગામોમાં બેજ પીએચસી કિડાણા અને મીઠીરોહરમાંજ છે. ખરેખર તો અંતરજાળ,ગળપાદર, પડાણામાં પણ તેનું નિર્માણ થવું જોઇએ.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:ગાંધીધામના એક કુમારી, 3 પુરુષોને આર્યનમેનનું બિરૂદ
ગાંધીધામના એક કુમારી સહિત ત્રણ પુરુષોએ આયર્નમેન 70.3 ગોઆ 2025 માં આયર્નમેન નું બિરુદ મેળવ્યું હતું. ગતરોજ ગોઆ ખાતે આયોજિત આયર્નમેન 70.3 ગોઆ 2025' માં ભાગ લઈ કેડીબીએ (કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન) અને ડીએસએ (દેવસ્મૃતિ સ્પોર્ટ્સ એકેડમી) ગાંધીધામથી કચ્છના 4 રમતવીરો ટ્રિથલેટ્સ સ્પર્ધા પૂર્ણ કરી ગાંધીધામ અને કચ્છ નું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં 1900 મીટર સ્વિમિંગ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી ની દોડ 8:30 કલાક ની મર્યાદા માં પૂર્ણ કરવાની હોય છે. જે ગાંધીધામના ચારે સ્પર્ધકોએ તે સમય અવધિ ની અંદર પૂર્ણ કરી હતી. કુમારી દેવાંશી હરાણી કચ્છની પ્રથમ મહિલા અને 3 પુરુષ સ્પર્ધકો માં વિકાસ ચૌહાણ, જેમ્સ ઠક્કર અને યોગેશ તનવાની પણ આયર્નમેનનું બિરુદ મેળવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 31 દેશોમાંથી 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગાંધીધામ ના ચારે સ્પર્ધકોએ અલ્ટ્રામેન એવા પ્રદીપભાઈ અને દીપા કત્રોડિયા પાસે થી છેલ્લા 9 મહિનાથી સઘન તાલીમ લીધી હતી. કેડીબીએ અને ડીએસએ તરફ થી સ્પર્ધકો ને પૂર્ણ સહયોગ સાંપડ્યો હતો અને 25 જેટલા મિત્રોએ રૂબરૂ ગોઆ ખાતે હાજર રહી અને સંપૂર્ણ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકો ના ઉત્સાહ વધાર્યો હતો. અગાઉ પણ ગાંધીધામથી રિકેશ આહિર અને આલોક દેસાઈએ આ બિરુદ હાંસલ કર્યુ છે.
ગાંધીધામથી આદિપુર સુધી ડીવાઈડર પર બેરીકેટ્સ નાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ કામગીરીથી સામે આવતા વાહનોની લાઈટ બીજા માર્ગ પર સામે આવતા વ્યક્તિની આંખોને આંજી નહી દે, જેથી અકસ્માતોનો સીલસીલો ઓછો થવા પામશે. ટાગોર રોડના આદિપુર પેટ્રોલ પંપ સામે મુખ્ય માર્ગના ડિવાઇડરમાં ગતરોજ મજૂરો કામ કરતા દેખાયા હતા, પૂછતા જણાવાયું હતું કે ડિવાઈડર ઉપર બેરીકેટ લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિ સમય આમને સામને આવતા વાહનોની એલઈડી હેડ લાઇટ આંખોમાં પડતા અને અચાનકથી ઢોરો પણ રસ્તો ક્રોસ કરતા અમુક સમય વાહન ચાલકો ને નુકસાની પામે છે. આ કાર્ય થી વાહન ચાલકો ને રાત્રિ સમય રાહત મળશે. આ અંગે કાર્યરત માર્ગ અને મકાન વિભાગના પ્રવિણભાઈ મારવાડાએ જણાવ્યું કે આ એંટી ગ્લેયર બોર્ડ છે, જે સામેથી આવતા વાહનોના પ્રકાશથી આંખો અંજાઈ ન જાય તે માટે મદદરૂપ બને છે. ગાંધીધામથી આદિપુરના આખા માર્ગમાં તેને લગાવાશે.
કિશોરીએ કર્યો આપઘાત:અંજારમાં રહસ્યમય સંજોગોમાં કિશોરીએ ફાંસો ખાધો
અંજારના દબડા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય કીશોરીએ સાડી બાંધી રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ પોતાની જીંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય શ્રુતિ દશરથગીરી ગૌસ્વામીએ તા.9/11 ના સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે રહસ્યમય સંજોગો વચ્ચે સાડી વડે ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ અંજાર સીએચસી લઇ આવનાર તેના પિતા દશરથગીરીએ ફરજ પરના તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. કયા કારણોસર 15 વર્ષીય કીશોરીએ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ સી.એમ.ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.
સેવાકાર્ય:ભુજની સંસ્થાના રાહબર દ્વારા ચાલતી સેવાની પરબે લોકોની જરૂરતની તૃષ્ણા તૃપ્ત કરી
રાપર તાલુકાના લોદ્રાણીના વતની અને રાપર, માંડવી, ભુજને કર્મભૂમિ બનાવનારા વેલજીભાઈ ગણેશભાઈ (વી.જી.) મહેતા પોતાની જીવન યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી તા.11/11ના 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દોઢ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનારા વેલજીભાઈએ માતાની છત્રછાયામાં આપબળે આગળ વધી પીજીવીસીએલમાં કાર્યદક્ષ અધિકારી તરીકે સેવાકાળ પૂર્ણ કરી 2010માં નિવૃત્ત થયા બાદ જૈનાચાર્ય શ્રીમદ વિજય કલ્પતરૂસુરીશ્વર મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમણે પોતાના પુત્ર સ્વ.ચેતનકુમારની સ્મૃતિમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર નામની જૈન સેવા સંસ્થાની તા.1/7/10ના સ્થાપના કરી તેના માધ્યમથી છેલ્લા 16 વર્ષમાં માનવો અને અબોલ જીવોની સુખાકારી માટે અનેક સેવા પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. જેની કદર સ્વરૂપે મુંબઈમાંથી તેમને જૈન સમાજના સર્વોચ્ચ ‘સમાજ રત્ન’ એવોર્ડથી વિભૂષિત કરાયા છે. તા.11/11/50ના જન્મેલા વેલજી દાદા આજરોજ જીવન અમૃત પર્વમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. 16 વર્ષમાં દાતાઓના સહકારથી વિવિધ સેવાકાર્યોછેલ્લા 625 રવિવારના બે લાખથી વધુ લોકોને પૌષ્ટિક અલ્પાહારનું વિતરણ, 3200 કરતાં વધુ વિકલાંગ માટે વિવિધ સ્પર્ધા, સરસ્વતી સન્માન, શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ, તહેવારમાં અત્યાર સુધી 23,000 પરિવારોની રાશન કીટ, મીઠાઈ, ફરસાણનું વિતરણ, કોરોનાકાળમાં રૂ.6 લાખ દ્વારા સાધર્મિક ભક્તિ કરાઈ છે. શિયાળામાં 25,000 વિવિધ ગરમ વસ્ત્રોનું વિતરણ, દર ઉનાળામાં 40,000 ગૌવંશને લીલાચારાનું નિરણ. માંડવી, ભુજ અને માંડવીમાં બે છાશકેન્દ્ર પરથી 13 વર્ષમાં 6.25 લાખ લીટર છાશનું વિતરણ જેનો 24 લાખ લોકોએ લાભ લીધો. દાતાઓના સહકારથી તા.31/12/2024 સુધીમાં 4.76 કરોડ જેટલી રકમ અને વસ્તુઓની અનુકંપા, જીવદયા તથા માનવસેવા કાર્યો કરાયા છે.
કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે સ્નેહમિલન, સરસ્વતી સન્માન અને 17મા અધિવેશનુ આયોજન કરાયું હતું. અધિવેશનના પ્રમુખ નરેન્દ્ર ફડકે, પ્રમુખ જયેશ આચાર્ય, ટ્રસ્ટી રમેશ જોષી અને પૂર્વ પ્રમુખ જયસુખ આચાર્ય, ડૉ. મનુભાઈ રાસ્તેના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાઈ હતી. મંત્રી ગોપાલ ભટ્ટે નૂતન વર્ષાભિનંદન પાઠવી ત્રિ-વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ઉપપ્રમુખ નિમેષ દેવધર અને કનૈયાલાલ રાસ્તે, નીરજ તિલકે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય બાપટે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250 છાત્રોનું સન્માન કરાયું અને આ વર્ષે ઉચ્ચ પદવી મેળવેલા તમામ તેજસ્વી તારલાઓને જ્ઞાતિ ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ સાથે ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવનાર છાત્રોને સમાજ દ્વારા રૂ.5100 રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રમુખ દ્વારા સમાજના અન્ય કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે જ્ઞાતિજનોને માહિતી અપાઈ હતી, શિક્ષણફંડમાં ઉદાર હાથે ફાળો આપવા જણાવ્યું હતું તેમજ આગામી સમૂહલગ્ન તા.10/2/26ના નક્કી કરાયા હોવાની જાહેરાત કરાઈ હતી. પૂર્વ પ્રમુખ સૂર્યકાંત તિલકના હસ્તે જ્ઞાતિ પરિવાર દર્શન વસ્તી પત્રકનું વિમોચન કરાયું હતું. ઓડીટર નૌતમ પી.ભટ્ટ હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું, ઇનામ વિતરણની વ્યવસ્થા કારોબારી સમિતિ અને નિલેશ એ. આચાર્ય, પંકજ ફડકે, ધવલ આચાર્ય, સંજય દેવધર તેમજ મહિલા મંડળ દ્વારા કરાઈ હતી. સંચાલન દિલીપ બાપટ અને આભારવિધિ હિરેન આચાર્ય દ્વારા કરાઈ હોવાનું મંત્રી ગોપાલ વી. ભટ્ટની યાદીમાં જણાવાયું છે. નવા હોદ્દેદારો સહિત યુવા પાંખ અને મહિલા મંડળના આગેવાનો વરાયાજ્ઞાતિ નવા પ્રમુખ તરીકે જયેશ એ. આચાર્ય, ઉપપ્રમુખ નિમેષ વી. દેવધર તેમજ યુવા પાંખના પ્રમુખ તરીકે રાજદીપ આર. દેવધર, ઉપપ્રમુખ વિમલ બાપટ તેમજ મહિલા મંડળ પ્રમુખ તરીકે માયાબેન એ. આચાર્ય અને કોકીલાબેન બી. બાપટની સત્તત બીજી વખત સર્વાનુમતે વરણી કરાઈ હતી.
રસ્તાનું કરાયું સમારકામ:હાજીપીર માર્ગનું તંત્રના બદલે ખાનગી કંપની દ્વારા સમારકામ !
હાજીપીરથી હાજીપીર ફાટકને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ બની ગયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર કરાયેલી રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં ખાનગી કંપની દ્વારા સમારકામ કરાયું છે પણ કંપનીના ડમ્પર દોડી શકે તેવી રીતે મરંમત કરાતાં અન્ય નાના વાહનોના ચાલકો માટે સમસ્યા ઠેરની ઠેર રહી છે. કેટલાક જાગૃત ગ્રામજનોના કહેવા મુજબ હાજીપીરથી હાજીપીર ફાટક સુધીના રસ્તાનું તંત્રના બદલે કંપની દ્વારા રિપેરિંગ કામ કરાયું છે જેમા મેટલ એવી રીતે પાથરવામાં આવી છે કે આ રસ્તે ડમ્પર જેવા ઉંચા વાહનો દોડી શકે છે. કોઇ નાના વાહન કે એમ્બ્યૂલન્સને અહીંથી પસાર થવું હોય તો લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન બની ગયું છે. જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:અદાણી મેડિકલ કોલેજના બે તબીબ રાજ્ય સ્તરની ક્વિઝમાં દ્વિતીય
ભુજની અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના તબીબો અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરની ક્વિઝ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. જઠર અને આંતરડાના દર્દો તેમજ એન્ડોસ્કોપી અંગેની રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ડો. ભાસ આચાર્ય અને ડો. પાર્થ પોપટે આ સિધ્ધિ મેળવી હતી. સ્પર્ધામાં ગુજરાતની 13 કોલેજોના 52 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ભુજની મેડિકલ કોલેજના બે વિધાર્થીઓએ પેટના દર્દો અને એંડોસ્કોપિક અર્થાત્ દૂરબીન વડે નિદાન બાબતે મેડિકલ વિજ્ઞાન ઉપરનું જ્ઞાન ક્વિઝ દ્વારા પ્રસ્તુત કરી દ્વિતીય નંબર બદલ 15 હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. મેડિસિન વિભાગના હેડ ડો.દેવિકા ભટ્ટનું માર્ગદર્શન સાંપડ્યું હતું. આ સિદ્ધિ બદલ મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ, ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી અને ડીન ડો. એ.એન.ઘોષે અભિનંદન આપ્યા હતા.
લેન્ડ ગ્રેબિંગ:ભચાઉ પાસે મીઠાની કંપની દ્વારા 35 હજાર એકર જમીનમાં દબાણ
ભચાઉ નજીક આવેલા હણથલ તળાવ પાસે કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા 35 હજાર એકર જેટલીજમીન પર દબાણ કરીને મીઠાના કારખાના તેમજ મીઠાના વોશિંગ પ્લાન્ટ કોઈપણ જાતની મંજુરી વિના બનાવવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય પગલા લેવાની માગ કરાઇ છે. આ અંગે પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, આ જમીન સરકારી રેવન્યુ ખાતા, વન વિભાગ તેમજ સરકારનો જ ભાગ એવા દિનદયાળ પોર્ટની માલિકીની જમીન છે. જમીન પર 20 કિલો મીટર લાંબો પારો ગુલાબશા પીર દરગાહ પાસે બાંધવામાં આવ્યો છે. કંપનીઓની લીઝ વર્ષ 2012 પછી રીન્યૂ કરવામાં આવી નથી છતાં કોઈ પણ પ્રકારના આધારો વિના દબાણ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનજી રાઠોડે કર્યો હતો. ગેરકાયદે ધંધામાં વિજ કનેક્શનો કયા આધાર પર આપવામાં આવ્યા છે તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વિજ અધિકારીઓ તથા ગેરકાનૂની કનેક્શનો લેનારા લોકો ઉપર કાયદાની જોગવાઇ મુજબ પોલીસ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી. કંપનીઓ દ્વારા ચેરિયા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસના શહેર પ્રમુખે કર્યો હતો.
ખેડૂતોની હાલત કફોડી:કચ્છમાં રવિ સિઝનના ટાંકણે જ ડીએપી અને યુરિયાની અછત
કચ્છમાં અત્યારે રવિ સીઝનના પાકના વાવેતર ટાંકણેજ ડી.એ.પી તેમજ યુરીયા ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે. શું સરકારને આ બાબત ની જાણકારી નહિ હોય ? તેવો સવાલ કરતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે તાત્કાલિક ખાતરનો પુરવઠો પૂરો પાડવાની માગ કરી હતી. કચ્છમાં દિવાળી પછી સહકારી મંડળીઓ અને સંઘોમાં ખાતરનો જથ્થો આવ્યો નથી અને આવે ત્યારે ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે. આ પરિસ્થિતિ કચ્છમા છેલ્લા ત્રણ વર્ષથી સર્જાઇ છે તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતુ નથી. ખેડૂતો ખાનગી કંપનીઓના એન.પી.કે ખાતર લેવા મજબુર બને છે. ખાતરનો જથ્થો ન આવવાના કારણે સેવા સહકારી મંડળીઓમા કર્મચારીઓના પગાર પણ નીકળતા નથી. ખાતરની અછત બાબતે ધારાસભ્યો અને સાંસદ ચુપ છે અને સરકાર સમક્ષ રજુઆત પણ કરતા નથી તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું. યુરીયા ખાતર ખેડૂતોને મળવાના બદલે પ્લાયની ફેક્ટરીઓ મા વેચાય છે જેમાં પણ કચ્છ ભાજપ ના નેતાઓ ની આગેવાનોની સંડોવણીઓ સામે આવી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમા આવી ત્યારથી ઇફકો અને ક્રીભકો જેવી સંસ્થાઓ માત્ર ડીરીક્ટરોને જલસા કરાવે છે. ખેડૂતોનો આવાજ અને તકલીફો સંસ્થાઓ સુધી પહોંચતી નથી. દેશના સહકાર મંત્રી પણ અમિત શાહ છે તેમ છતા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. કમોસમી વરસાદના કારણે પણ નુકસાન છે તેથી ખેડૂત અત્યારે ખુબ દયનીય હાલતમાંથી પસાર થઈ રહ્યો છે.
અબડાસા તાલુકાના 1300 જેટલી વસ્તી ધરાવતા સરહદી કેરવાંઢ ગામમાં વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે. એક અંદાજ મુજબ 400થી વધુ લોકો વાયરસના ચેપને પગલે બીમાર પડ્યા છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. સ્થાનિકે આરોગ્ય વિષયક સગવડ ન હોતાં દર્દીને સારવાર માટે ભુજ કે માંડવી લાંબા થવું પડે છે. રોગચાળો ડામવા અમુક સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું પણ કોઇ અજાણ્યા વાયરસના કારણે સારવાર કારગર નીવડતી નથી. ગામના કેર રજાક જાકબએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં ચાર જણ બીમાર છે. જે પૈકીના એકને ડેન્ગ્યૂના લક્ષણ છે. વાયોર સીએચસીના છસરા પેટા આરોગ્ય કેન્દ્રના. ડો રાકેશ બારોટે જણાવ્યું હતું કે ગામમાં ૨ વખત કેમ્પ યોજ્યા છે અને ફોગિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. ગામના સરપંચ જુમાભાઈએ કહ્યું હતું કે, બે વાર ફોગિંગ થયું છે પણ બીમારી કાબુમાં આવતી નથી. પરિવારમાં કોઇ એક સભ્ય બીમાર પડે એટલે તેનો ચેપ લાગતો હોય તેમ કુટુંબના અન્ય સભ્યો પણ વાયરલ બીમારીની ઝપેટમાં આવી જાય છે. છેલ્લા 15 દિવસથી ફેલાયેલી બીમારીને અંકુશમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી.
એલસીબીની કાર્યવાહી:માંડવીના વિરાણી નજીકથી 80 હજારના ચોરાઉ ઓઈલ સાથે ૩ શખ્સો પકડાયા
માંડવી તાલુકાના વિરાણી ગામથી નાભોઈ ગામ તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીઓમાં રૂપિયા 80 હજારની કિંમતના 2 હજાર લીટર ચોરાઉ ઓઈલ સાથે ત્રણ આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,વિરાણીથી નાભોઈ જતા રસ્તા પર છોટાહાથીમાં રાખેલ ચોરાઉ ઓઈલ આરોપીઓ સગેવગે કરવાની ફિરાકમાં છે. બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ભુજનો આરોપી અબ્દુલરહેમાન આમદ કુંભાર,અયાન અબ્દુલરહેમાન કુંભાર અને નાભોઈ ગામનો આરોપી મહાવીરસિંહ દિલુભા જાડેજા હાજર મળી આવ્યા હતા.જેના કબ્જામાં રહેલ છોટાહાથી નંબર જીજે 12 સીટી 2080 વાડીમાં 200 લીટરની ક્ષમતા વાળા બેરલમાં રૂપિયા 80 હજારની કિંમતનો 2 હજાર લીટર ઓઈલ મળી આવ્યો હતો. જે બાબતે આરોપીઓની પૂછપરછ કરતા ભુજના આરોપીએ પોતે ઓઈલનો જથ્થો લેવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.જયારે નાભોઈના આરોપીની પૂછપરછ કરતા પોતાને એક ઇસમ જથ્થો આપી ગયો હોવાનું અને ઓઈલ પવનચક્કીનો હોવાની કબુલાત આપી હતી. જે વેચાણ કરવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું.એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી ગઢશીશા પોલીસ મથકે સોપ્યા છે.
રોગચાળો વકર્યો:એક જ માસમાં અંજારમાં ડેન્ગ્યુના 28 કેસ નોંધાયા
અંજારમાં ચોમાસું પછી સતત આવેલા કમોસમી વરસાદની સિઝન સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે જેમાં શહેરમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ વકરી ગયો છે , સરકારી આરોગ્ય શાખામાંથી મળેલી આંકડાકીય વિગતોની વાત કરીએ તો છેલ્લા 10 મહિનામાં ડેન્ગ્યુ તાવના 92 કેસ નોંધાયા જેમાંથી ખાનગી હોસ્પિટલોમાં 74 દર્દી નોંધાયા જ્યારે સરકારી આરોગ્ય કેન્દ્રમાં 18 કેસ નોંધાયા હતા. આ પૈકી ચિંતાજનક આંકડા ગત માસ ઓક્ટોબરમાં નોંધાયા જેમાં 1 મહિનામાં જ 28 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સાથે અંજાર શહેરમાં મેલેરિયાના પણ 15 કેસ નોંધાયા છે.ગુજરાતમાં ડેન્ગ્યુના કેસો વધ્યા છે. જુલાઈ સપ્ટેમ્બર 2025માં 34,000 થી વધુ કેસ નોંધાયા, જેમાં કચ્છ જિલ્લો પણ સામેલ છે. રોગચાળાથી રક્ષણ માટે આ સાવચેતી રાખો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થતોવરસાદ પછી જમા પાણીમાં એડીસ મચ્છરના લારવા પેદા થાય છે. અંજાર જેવા વિસ્તારોમાં ગાર્બેજ અને સીવેજની સમસ્યા વધારે છે. તો ખાસ કરીને અંજારના સોસાયટી વિસ્તારની વાત કરીએ તો વરસાદી પાણીના નીકાલની સુચારૂ વ્યવસ્થાના અભાવે પાણી લાંબો સમય ભરાઇ રહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે, તેની વચ્ચે દબડાથી નવા અંજાર સુધી આવતી મુખ્ય ગટર લાઇન તૂટવાથી 10 દિવસથી વધુ સમય ગટરના ગંદા પાણી લોકોના ઘર સુધી ભરેલા રહ્યા હતા જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો તેમાં માવઠા સતત ચાલુ રહ્યા જેને કારણે ડેન્ગ્યુાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. તાલુકા આરોગ્ય ખાતા દ્વારા વિવિધ કામગીરી શરૂઅંજાર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સર્વે હાથ ધરવાની સાથે ઘરોઘર જઇ પાણી જમા થયેલું હોય તે જગ્યાએથી પાણી સાફ કરાવવાની, ફોગિંગ, ક્લોરીનની ગોળીઓ પાણીમાં નાખવા સહીતની કામગીરી હાથ ધરી હોવાનું તાલુકા વિકાસ અધીકારી ડો.રાજીવ અંજારીયાએ જણાવ્યું હતું સાથે અપીલ કરી હતી કે, તમારા ઘરની એવી જગ્યાઓ જ્યાં પાણી ભરાયેલું હોય તે ખાલી કરી સાફ કરો , પાણીમાં ક્લોરિન નાખો તેમજ જો જરાક વાયરલ તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો આરોગ્ય કેન્દ્ર જઇ તબીબ પાસે પરિક્ષણ કરાવી તપાસ કરાવો
કચ્છ યુનિવર્સિટીમાં ફર્ટીલાઇઝર કોટિંગ પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેતીમાં ખાતરની માંગને ધ્યાને લઈને સામાન્ય રીતે ફર્ટિલાઈઝર સેકટરમાં ઇનોવેશન પર નવા વિચારોને આમંત્રણ આપવામાં આવે છે અને નેનો યુરિયાને ખાતર નિયંત્રણ આદેશ 1985માં કામચલાઉ રીતે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રમાં ખાતર પરના કોટિંગનું ખાસ કરીને નીમ કોટિંગ યુરિયાનું નોંધપાત્ર યોગદાન છે. પરંતુ નીમ કોટિંગ માટે વિશાળ પ્રમાણમાં લીંબુડીના તેલની જરૂરિયાત રહે છે. જેથી ખર્ચમાં વધારો થાય છે ત્યારે કચ્છ યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર ભવનમાં એસોસિએટ પ્રોફેસર ડો. વિજય રામના માર્ગદર્શનમાં ફર્ટીલાઇઝર કોટિંગ ઉપરનું સંશોધન ટૂંક સમયમાં શરૂ થશે. ડો. વિજય રામે જણાવ્યું કે, આ કન્સલ્ટન્સી પ્રોજેકટ છે, જેમાં રસાયણશાસ્ત્ર ભવન અને ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા વચ્ચે સંશોધન પ્રક્રિયા અને જરૂરી ટ્રાયલ્સ લેવાશે. આ માટે જુનિયર રિસર્ચ ફેલો માટે જાહેરાત અપાઈ હતી, જેના માટે વિવિધ જિલ્લાઓમાંથી અરજીઓ પ્રાપ્ત થઈ છે. ટૂંક સમયમાં જુનિયર રિસર્ચ ફેલોની નિમણુંક કરવામાં આવશે.સંશોધન કરી રહેલા એસોસિએટ પ્રોફેસરને કુલપતિ ડો.મોહનભાઇ પટેલ, રજિસ્ટ્રાર ડો.અનિલ ગોર, આઈક્યુએસીના ડાયરેકટર પ્રોફેસર ડો.કશ્મીરા મહેતા અને આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા પુસ્તક આપી પ્રોત્સાહન અપાયું હતું. યુરિયાના કાચા માલ માટે આયાત પર આધારિતભારત સરકારના વર્ષ 2025-26ના બજેટમાં યુરિયા સબસીડી માટે ₹1.19 ટ્રિલિયન (લગભગ $14.3 બિલિયન USD) ની ફાળવણી કરાઈ છે, આ સબસિડી યુરિયાના ભાવને સ્થિર રાખવામાં મદદ કરે છે.ભારત હજુ પણ યુરિયા અને ખાતર ઉત્પાદન માટેના કાચા માલમાં આયાત પર આધારિત છે, જે એક પડકાર છે. ખાતરનો હેન્ડલિંગ ખર્ચ ઘટાડવાનો હેતુખાતર કોટિંગ અંગે સંશોધન કરવાના કરારમાં મુખ્ય ઉદ્દેશ્ય ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન થતી ધૂળના કારણે થતા નુકસાનને ઘટાડવો છે. આ સંશોધનથી ખેડૂતોને ખાતરના હેન્ડલિગ ખર્ચમાં ઘટાડો થશે.આ સંશોધન પ્રોજેકટથી ખેડૂતોને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની તક મળશે.
જુગારીઓ ઝડપાયા:શહેરના અંજલીનગરમાં જુગાર રમતા સાત ખેલીને પોલીસ દ્વારા ઝડપી લેવાયા
શહેરના સુરલભીટ રોડ પર જુના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં પડ જમાવી બેઠેલા સાત ખેલીઓને એલસીબીએ રોકડ રૂપિયા 59 હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે અંજલીનગર સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાનો જુગાર રમતા આરોપી કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કીસ્ટો હાજી મોખા,બસીર હારુન મમણ,ઉમર અલાના ભટ્ટી,આરીફ દાઉદ કુંભાર,જુણસ સુલેમાન કુંભાર,ઈબ્રાહીમ ઈસ્માઈલ સોઢા અને લતીફ ઈબ્રાહીમ મોખાને રોકડ રૂપિયા 59,760 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મિશો કંપનીએ કરી ચીટર તત્વો સામે પગલા લેવા માટે રજૂઆત:શોપિંગ એપના નામે મહા લૂંટની લિંકથી સાવધાન
ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે હવે નવી ઠગાઈની રીત સામે આવી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર Meesho-Maha Loot Gift નામની લિંક વાયરલ થઈ રહી છે. જેમાં મોટી ગિફ્ટ અને ઓછી કિંમતે વસ્તુઓ આપવાની લાલચ બતાવીને લોકો પાસેથી બેંક ડીટેઇલ્સ અને વ્યક્તિગત માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ લિંકથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પશ્ચિમ પોલીસે અપીલ કરી છે કે Meesho Loot Gift નામે ફરતી લિંક્સ સંપૂર્ણ ખોટી છે અને તે સાયબર ઠગો દ્વારા બનાવવામાં આવી છે. આવી લિંક્સ પર ક્લિક કરવાથી તમારું મોબાઇલ અથવા બેંક એકાઉન્ટ હેક થવાનો ખતરો રહે છે. પોલીસએ નાગરિકોને મીશોની સત્તાવાર વેબસાઈટ અથવા એપ્લિકેશન પરથી જ ખરીદી કરવાની અપીલ કરી છે. સાથે જ કચ્છ પોલીસે લોકોને પોતાના પરિવારજનો અને મિત્રોને પણ આ અંગે માહિતગાર કરવાની સલાહ આપી છે, જેથી કોઈ આ ઠગાઈનો શિકાર ન બને. ડિજિટલ સુરક્ષા જાળવવા માટે અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું, વ્યક્તિગત માહિતી ન આપવી અને કોઈ શંકાસ્પદ સંદેશા મળે તો તરત જ સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. કવર ઓછું આપ્યા બાદ હાથ ખંખેરતા તાજેતરમાં 1.61 લાખની ઠગાઇ થઇ હતીભુજના આઈયા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાએ તાજેતરમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી જેમાં 7 એપ્રિલના મીસો શોપિંગ એપમાંથી આઈ ફોનના ચાર્જર કવર નંગ 2 મંગાવ્યા હતા.જે બાદ 11 એપ્રિલે આવેલા ચાર્જર ક્વર ખરાબ હોવાથી બદલવા માટે પરત કાર્ય હતા.પરંતુ 12 એપ્રિલના એક જ ચાર્જર કવર આવતા આ મામલે મીસો શોપિંગ એપે હાથ અદ્ધર કરી લીધા હતા. જેથી ફરિયાદીએ ગુગલ મારફતે ગ્રાહક સુરક્ષા દળના નંબર મેળવ્યા હતા પરંતુ કોઈએ ફોન ઉપાડયો ન હતો. જે બાદ 16 એપ્રિલના આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી ગ્રાહક સુરક્ષાના નામે વાત કરી હતી અને એક લીંક મોકલાવ્યા બાદ તેમાં ફરિયાદ કરવા કહ્યું હતું. આરોપીઓએ અલગ અલગ સમયે વાતચીત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ તેમના બેંક ખાતામાંથી રૂપિયા 1,61,500 ઉપાડી લીધા હતા. પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ પર મિશોએ આપી પ્રતિક્રિયાપશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ લિંકથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પોલીસની આ પોસ્ટ પર મિશો કંપનીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ બાબત અમારા ધ્યાનમાં લાવવા બદલ આપનો આભાર. અમે તમને જણાવવા માગીએ છીએ કે મિશો એપ કોઈ પણ પ્રકારના લકી ડ્રો અથવા ઓફલાઇન ઇવેન્ટ્સ ચલાવતું નથી. વધુમાં અમે ક્યારેય CVV અથવા OTP જેવી કોઈ વ્યક્તિગત માહિતી માંગતા નથી. અમે આપને વિનંતી કરીએ છીએ કે આવા પ્રકારના ઠગાઈના કિસ્સાઓ સામે કડક પગલાં લો અને આવી કોઈપણ ઠગાઈમાં ફસાવાથી અથવા Meeshoના નામે ચાલતી ખોટી પ્રવૃત્તિઓમાં વિશ્વાસ રાખવાથી દૂર રહો. મધ્યમ વર્ગની મહિલાઓ માટે શોપિંગ એપ્લિકેશન આકર્ષણ રૂપભારતમાં ઈ-કોમર્સની દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી મિશો એપનું નામ યુવતીઓ અને ગૃહિણીઓમાં ખૂબ જ પ્રચલિત બન્યું છે. મિશો, સપ્લાયર્સ સાથે સીધું જોડાણ કરી, ખૂબ જ સસ્તા ભાવે, ગુણવત્તાયુક્ત ફેશન, ઘરેલું વસ્તુઓ અને બ્યુટી પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે, જે ખાસ કરીને મધ્યમ વર્ગની યુવતીઓને આકર્ષે છે.
ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ દેશના અનેક મોટા એરપોર્ટ પર ડીજી યાત્રા સુવિધા શરૂ કરવામાં આવી છે જોકે કચ્છના ભુજ કે કંડલા એરપોર્ટ પર આવી સુવિધા ઉપલબ્ધ નથી. પ્રવાસન તેમજ કોર્પોરેટના કારણે વિદેશી નાગરિકો અહીં અવરજવર કરતા હોય છે. હાલમાં અહીંથી મુસાફરી કરનારા પ્રવાસીઓનું મેન્યુઅલ ચેકિંગ કરવામાં આવતું હોવાથી બોર્ડિંગ પાસ મેળવવામાં અને સુરક્ષા ચેક દરમિયાન લાંબી લાઇનોમાં ઊભા રહેવાની મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને તહેવારો કે રજા દરમ્યાન મુસાફરોની સંખ્યા વધતા હાલાકી વધુ જોવા મળે છે. હાલમાં ભુજ એરપોર્ટ પર મુસાફરોને પરંપરાગત પદ્ધતિ દ્વારા બોર્ડિંગ કરાવાય છે. એટલે કે, ટિકિટ અને ઓળખપત્ર બતાવી ચેક-ઇન કરવું પડે છે. સુરક્ષા ચેક દરમિયાન પણ માનવીય ચકાસણીના કારણે વિલંબ થાય છે. ખાસ કરીને વિમાન ઉડાન પહેલાંના કલાકોમાં મુસાફરોની મોટી સંખ્યા એકસાથે પહોંચી જાય ત્યારે લાંબી લાઇનો સર્જાય છે. જો ભુજ એરપોર્ટ પર ડીજી યાત્રા સુવિધા અમલમાં આવશે તો મુસાફરોનો અનુભવ વધુ સરળ અને આધુનિક બની શકે છે. ચેક-ઇનથી લઈને બોર્ડિંગ સુધીની પ્રક્રિયા ઝડપી થશે અને એરપોર્ટ સ્ટાફ પરનો ભાર ઘટશે. ખાસ કરીને રોજબરોજ વધતા પ્રવાસીઓ અને કચ્છમાં પર્યટનના વિકાસને જોતા આ સુવિધા તાત્કાલિક અમલમાં લાવવાની જરૂરિયાત અનુભવાય છે. સ્થાનિક મુસાફરોએ માંગણી કરી છે કે, ભુજ એરપોર્ટ પર પણ ડીજી યાત્રા સિસ્ટમ શરૂ કરવામાં આવે તો કચ્છ આવતા જતા પ્રવાસીઓ આધુનિક ડિજિટલ મુસાફરીનો લાભ લઈ શકે.આ બાબતે ભુજ એરપોર્ટ ઓથોરીટીમાં તપાસ કરતા હજી સુધી ભુજમાં આ સુવિધા લાગુ કરવા માટે વડી કચેરીએથી કોઈ નિર્ણય ન લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ડીજી યાત્રા શું છે? ડીજી યાત્રા એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક ડિજિટલ ફેશિયલ રેકગ્નિશન આધારિત સિસ્ટમ છે, જે મુસાફરોને એરપોર્ટ પર પેપરલેસ અને ટચલેસ મુસાફરીની સુવિધા આપે છે. મુસાફરે એકવાર એપમાં પોતાનો આધાર, ઓળખ અને મુસાફરીની વિગતો રજીસ્ટર કરી દેતાં એરપોર્ટ પર તેની ઓળખ ચહેરા દ્વારા આપમેળે વેરિફાઇ થાય છે. એટલે કે બોર્ડિંગ પાસ બતાવવાની કે ઓળખપત્ર ચેક કરાવવાની જરૂર રહેતી નથી. કેવી રીતે કામ કરે છે?ડીજી યાત્રા એપમાં મુસાફરે પોતાના આધાર અને ટિકિટની વિગતો અપલોડ કરવી પડે છે. પછી એપ મુસાફરના ચહેરાનો ડેટા સુરક્ષિત રીતે એરપોર્ટ સિસ્ટમ સાથે શેર કરે છે. એરપોર્ટના પ્રવેશદ્વાર, સુરક્ષા ચેક અને બોર્ડિંગ ગેટ પર લગાવેલા ફેસ રિકગ્નિશન કેમેરા મુસાફરને ઓળખી લે છે અને આપોઆપ એન્ટ્રીની મંજૂરી આપે છે. ડીજી યાત્રાના ફાયદા
શહેરમાં રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે જેમાં 75 ટકા કાર્ય પૂર્ણ થયું છે.રેલવે દ્વારા જણાવાયું છે કે આ પ્રોજેક્ટ એપ્રિલ 2026 સુધીમા પુર્ણ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે 200 કરોડ છે, જેમાંથી 75% કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થયું છે. સાથે જ સ્ટેશન યાર્ડમાં બે નવી પીટલાઇન બનાવવામાં આવી રહી છે. નવી પીટ લાઇન બનવાથી કોચિંગ ઓપરેશનોની ક્ષમતામાં વધારો થશે.જેનાથી રેક જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. આ પરિવર્તનથી માત્ર રેલ મુસાફરો નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ ફાયદો થશે. આગામી 40 થી 50 વર્ષો સુધીની કચ્છ ક્ષેત્રની મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન પર આ સવલત ઉપલબ્ધ થશે 1) મુખ્ય સ્ટેશન ભવન: આશરે 1.37 લાખ ચો.ફુટ વિસ્તારમાં તથા દ્વિતીય પ્રવેશ ભવન 11,600 ચો.ફુટ વિસ્તારમાં બનાવાઈ રહ્યું છે. 2) આધુનિક વેઇટિંગ એરિયા: 8,000 ચો.ફુટ વિસ્તારમાં 450 થી વધુ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા રહેશે.વિશાળ કોકર્સ 35,000 ચો.ફુટમાં રહેશે.જે ભીડ સંચાલનમાં સહાયરૂપ બનશે. 3) કનેક્ટિવિટી: સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યા છે, જેમાંથી બે 6 મીટર પહોળા અને એક 8 મીટર પહોળો છે. પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે. 4) પ્લેટફોર્મ : આશરે 1.32 લાખ ચો.ફુટ વિસ્તાર સાથે 1.20 લાખ ચો.ફુટની છતવાળી માળખાકીય સુવિધા દરેક ઋતુમાં મુસાફરોને આરામ આપશે. 5) હરિત અને સ્માર્ટ સંરચના: 500 KWP સૌર ઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણી સંચય સિસ્ટમ, 560 KLD ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને 32,000 ચો.ફુટથી વધુ હરિત વિસ્તારનો વિકાસ પર્યાવરણ સંરક્ષણમાં ભૂમિકા ભજવશે. 6) મુસાફર સુવિધા: 13 લિફ્ટ, 10 એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, 250 ટન ક્ષમતા ધરાવતી HVAC સિસ્ટમ (Heating, Ventilation and Air Conditioning), સીસીટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, વાઇફાઇ સુવિધાથી મુસાફરોને કનેક્ટિવિટીનો સમન્વય મળશે. 7) પાર્કિંગ સુવિધા: સ્ટેશનના બન્ને બાજુઓ પર 50થી વધુ કાર, 400થી વધુ દ્વિચક્રી વાહનો, 30 ઓટો રિક્ષા તથા 4 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની સુવિધા છે.
અજગર પકડાયો:વાયદપુરામાં ડાંગરના પાક વચ્ચે 8 ફૂટ લાંબો અજગર પકડાયો
શહેર નજીક ડભોઇ રોડ પાસે ભીલાપુર નજીક આવેલા વાયદપુરા ગામે અંદાજે 8 ફૂટ લાંબો અજગર જોવા મળતાં દોડધામ મચી હતી. આ અંગેની જાણ સ્થાનિક રેસ્ક્યૂ ટીમના યશ તડવી અને તેમના સાથીઅોને કરાતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી અજગરને પકડ્યો હતો. સ્થાનિક લોકોએ આરએફઓ કલ્યાણીબેનને જાણ કરવામાં આવી હતી. ખેતરમાંથી અજગરને સુરક્ષિત રીતે રેસ્કયું કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એટીકેટીના પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજુ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અટવાયા છે. ઉત્તરવહીની ચકાસણી પૂરી કરી દેવાઇ છે. પરંતુ ટેબ્યુલેશનની કામગીરી ના થતાં પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એટીકેટીની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. એફવાય, એસવાય અને ટીવાયના 1200 કરતાં વધારે વિદ્યાર્થીઓઅે એટીકેટીની પરીક્ષા આપી હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાના પરિણામો બે મહિના બાદ પણ જાહેર કરવામાં આવ્યા નથી. કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમના સેમ 2ની પરીક્ષા 20 સપ્ટેમ્બરના રોજ તથા ટીવાય બીકોમની સેમ 6ની પરીક્ષા પણ 20 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ હતી જે 28 તારીખ સુધી ચાલી હતી. એટીકેટીની પરીક્ષામાં એફવાયમાં 600 કરતાં વધારે વિદ્યાર્થીઓ તથા ટીવાયમાં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે એસવાય બીકોમની પરીક્ષા 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ હતી જેમાં 400 કરતાં વધારે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા આપી હતી. દિવાળી વેકેશનના અંતમાં કોમર્સ ફેકલ્ટી દ્વારા એસએસમેન્ટ સેલ ચાલુ કરવામાં આવ્યો હતો. ટેબ્યુલેશનની કામગીરી ના થતાં વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવેલી એટીકેટીની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહી ચકાસણી કરવા માટે બનાવામાં આવતો એસએસમેન્ટ સેલની શરૂઆત જ કરવામાં આવી હોય છે. જોકે સમયસર એસએસમેન્ટ સેલ માટે અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી ના હતી. પરિણામે ઉત્તરવહી ચકાસણીમાં વિલંબ થયો હતો. યુનિ.ના મિસ મેનેજમેન્ટને પગલે પરિણામ જાહેર ના થવાથી વિદ્યાર્થીઓને હાલાકીયુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ લાંબો સમય સુધી પરિણામ માટે રાહ જોવાનો વારો આવતો હોય છે. દર વખતે કોઇને કોઇ સમસ્યાના પગલે પરિણામમાં વિલંબ થતો હોય છે. યુનિ.ના મીસ મેનજમેન્ટના પગલે પરિણામો જાહેરના થવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. વિદ્યાર્થીઓને આગળના સેમિસ્ટર માટે એટીકેટીનું પરિણામ મહત્ત્વનું હોય છેકોમર્સ ફેકલ્ટી દ્વારા ટેબ્યુલેટરની યાદી મોકલી દેવામાં આવી છે. ત્યારબાદ પરીક્ષા વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. પંરતુ કોન્વોકેશનની તૈયારીઓમાં યુનિવર્સિટીનું સમગ્ર તંત્ર કામે લાગ્યું હતું. જેના પગલે પરિણામ તૈયાર કરવામાં વિલંબ થયો છે. વિદ્યાર્થીઓને આગળના સેમિસ્ટર માટે એટીકેટીનું પરિણામ મહત્વનું હોય છે. જોકે છેલ્લા બે મહિનાથી પરિણામ નહી મળતા વિદ્યાર્થીઓ હેરાન થયા છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ફી રિફંડ પોલીસી જાહેર કરી છે. એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલા પ્રવેશ રદ કરાવવા 100 ટકા ફી રીફંડ મળી શકશે. જૂના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત 31 ઓકટોબર 2025ને કટઓફ ડેટ ગણીને વિદ્યાર્થીઓને ફી રીફંડ કરવા યુનિવર્સિટીઓને સુચના આપવામાં આવી છે. ફી રિફંડને લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જૂન મહિનામાં ફી રીફંડ પોલીસી જાહેર કરાતી હોય છે. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુજીસી દ્વારા નવી ફી રીફંડ પોલીસી જાહેર કરાઈ નથી. જેને લઈને ગત શૈક્ષણિક વર્ષ 2024-25ની ફી રીફંડ પોલીસીને લાગુ કરવા માટે યુનિવર્સિટીઓને સુચના આપવામાં આવી છે. ફી રીફંડના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા પણ યનિવર્સિટીઓને સચના આપવામાં આવી છે. એડમિશનની છેલ્લી તારીખના 15 થી 30 દિવસ વચ્ચે કેન્સલ કરાવવા પર 50 ટકા જ ફી પરત મળવાપત્ર રહેશે. જોકે એડમિશનની છેલ્લી તારીખના 30 દિવસ પછી પ્રવેશ રદ્દ કરાવવા પર કોઈ ફી રીફંડ મળી શકશે નહીં. ભાસ્કર ઇનસાઇડસૌથી વધારે રિફંડ સાયન્સ, ટેક્નોલોજી મેનેજમેન્ટમાં કરાય છેયુનિવર્સિટીમાં ફી રિફંડ માટે સૌથી વધુ અરજીઓ સાયન્સ ફેકલ્ટી, ટેકનોલોજી ફેકલ્ટી તથા મેનેજમેન્ટમાં આવે છે. આ ત્રણ ફેકલ્ટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટી-કોલેજમાં પણ અરજી કરતાં હોય છે. વિદ્યાર્થીઓને મનપસંદ જગ્યાએ પ્રવેશ મળી જતો હોય તેવા સંજોગોમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ કેન્સલ કરાવી દેતા હોય છે અને તેવા વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે પ્રક્રિયા કરતાં હોય છે. કોમર્સ, આર્ટસ, એજયુકેશન સાયકોલોજી, હોમ સાયન્સ જેવી ફેકલ્ટીમાં ફી રિફંડની અરજીઓ ઓછી આવે છે.
પોલીસ કાર્યવાહી:આલ્ફા માઈન્ડ હીલિંગ સેન્ટરનો ડો. રૂપેશ પટેલ જેલમાં ધકેલાયો
યોગા-મેડિટેશનની સારવાર કરાવવા વડોદરા આવેલી મહારાષ્ટ્રની સગીરાને છાણી જકાતનાકા ખાતે આવેલી આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરના ડૉ.રૂપેશ પટેલે હિપ્નોટાઇઝ કરી દુષ્કર્મ આચરતા તેની વિરૂધ્ધ ફતેગંજ પોલીસે ગુનો નોંધીને તેને જેલમાં ધકેલ્યો છે. જ્યારે આરોપી રૂપેશ પટેલ ડોક્ટર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ દ્વારા એફ.આઈ.આરમાં સેન્ટરનું નામ ખોટુ લખાયું છે, તેને સુધારવા માટે કોર્ટમાં રિપોર્ટ કરશે તે અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ફતેગંજ પોલીસ દ્વારા હિલીંગ સેન્ટરનું નામ એફઆઈઆરમાં ખોટું લખવામાં આવ્યું હતું. જ્યારે જાંબુઘોડામાં સ્થિત આલ્ફા હિલીંગ સેન્ટરના સંચાલકોએ આ અંગે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા આલ્ફા હીલિંગ સેન્ટરના નામ અંગે પોલીસ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયેલો છે તેનો ઉલ્લેખિત ઘટના સાથે કોઈ સંબંધ જ નથી. આ ઘટના આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરની છે. નામોમાં સમાનતાને કારણે મૂંઝવણ ઊભી થઈ છે. અમારૂ સેન્ટર એક સ્વતંત્ર, ISO-પ્રમાણિત પુનર્વસન અને સુખાકારી રિસોર્ટ છે.
આપઘાત:પત્નીને છેલ્લો કોલ કરીને યુવકનો ફાંસો ખાઈ આપઘાત
રણોલી ગામમાં રહેતો મૂળ બિહારના યુવકે પત્નીને છેલ્લો કોલ કરીને આપઘાત કરી લીધો હતો. જવાહરનગર પોલીસે મૃતદેહનો કબ્જો લઈને તપાસ હાથ ધરી હતી. મો. આલમગીરી શેખ છેલ્લા 6 મહિનાથી રણોલી ગામમાં આવેલા ગેરેજમાં કામ કરતો હતો. આલમગીરીએ લોખંડની પાઈપ પર ચાદર બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે છેલ્લે પોતાની પત્નીને ફોન કર્યો હતો અને તે બાદ તેને આ પગલું ભર્યું હતું. થોડા સમયથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેના પ્રથમ 24 કલાકમાં જ જુદા જુદા 3 રાજ્યોમાંથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. અને આવા 650 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી હતી. જેમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું. નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી હતી. શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યના વધુ આરોપી હોવાનું બહાર આવ્યું હતું. ચારેય રાજ્યોમાં રહેતાં જુદા-જુદા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓની શોધ માટે શહેર પોલીસની કુલ 6 ટીમો બનાવી હતી. પ્રથમ 24 કલાકમાં ટીમો વોચ રાખી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી હતી. અને 5 આરોપીઓને જુદા જુદા સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અપહરણના ગુનામાં 12 વર્ષથી નાસતો ફરતો આરોપી સુલતાન રાઠવા 2021માં મરણ થયું હોવાનું બહાર આવ્યું છે. ભાસ્કર ઇનસાઈડએક મહિના સુધી ઝુંબેશ ચાલશે, 15 દિવસ બાદ ટીમ બદલાઈ જશેશહેર પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા 6 ટીમો અન્ય રાજ્યોમાં મોકલાઇ છે.જેમાં 50 પો કર્મી સામેલ છે.જોકે અન્ય રાજ્યોમાં ગયેલી ટીમો 15 દિવસ બાદ બદલાઈ જશે. 650 ભાગેડુ આરોપીઓ ની યાદી આ ટીમો પાસે છે. જોકે કોઈ મોટી ઘટના કે બંદોબસ્તની જરૂર પડશે તો ટીમોને કાર્યવાહી પડતી મૂકી પરત બોલાવી લેવામાં આવશે.જોકે વધારેમાં વધારે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા સૂચના આપવામાં આવી છે. પકડાયેલા આરોપી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ હતા. આ વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ પાસેથી 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિહારમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 2. સુપ્રીમ કોર્ટ દેશવ્યાપી SIR કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ: 9નાં મોત; કાર હરિયાણાના નદીમે 2 વર્ષ પહેલાં સલમાનને વેચી હતી, પોલીસે અટકાયતમાં લીધો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક જોરદાર કાર વિસ્ફોટ થયો. જેમાં 9 લોકોનાં મોત થયા છે. અગાઉ, દિલ્હીની LNGP હોસ્પિટલના સૂત્રોએ 11 લોકોના મોતની જાણ કરી હતી. જોકે, અકસ્માતની ગંભીરતાને આધારે મૃત્યુઆંક વધી શકે છે. 24 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, i-20 કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સાંજે 6:52 વાગ્યે થયો હતો. એવું માનવામાં આવે છે કે કાર ગુરુગ્રામ, હરિયાણામાં રજીસ્ટર્ડ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. જમ્મુ-કાશ્મીર પોલીસે 2900Kg વિસ્ફોટકો જપ્ત કર્યા:3 ડોક્ટર સહિત 7ની ધરપકડ; લખનઉની મહિલા ડોક્ટર કારમાં AK-47 લઈને ફરતી ઝડપાઈ હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરેથી 360 કિલો વિસ્ફોટકો (શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ) મળી આવ્યા છે, જેમાં એક એસોલ્ટ રાઈફલ અને દારૂગોળો પણ સામેલ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. ધરપકડ કરાયેલા ડોક્ટરનું નામ મુઝમ્મિલ શકીલ છે. તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો અને પુલવામાના કોઇલનો રહેવાસી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે લખનૌથી એક મહિલા ડોક્ટર શાહીન શાહિદની પણ ધરપકડ કરી હતી. શાહીન ડૉ. મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ છે. મુઝમ્મિલ ડૉ. શાહીનની કારનો ઉપયોગ કરતો હતો. રવિવારે કાશ્મીરમાં શાહીનની કારમાંથી એક AK-47 રાઈફલ, જીવતા કારતૂસ અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. નવી આધાર એપ લોન્ચ, QRથી ડિટેલ્સ શેર કરી શકશો:હવે ફિઝિકલ કાર્ડની જરૂર નથી; ફોનમાં 5 ફેમિલી મેમ્બરનાં આધાર કાર્ડ રાખી શકશો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે UIDAIએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આના માધ્યમથી હવે તમે તમારું આધાર હંમેશાં ફોનમાં સાથે રાખી શકશો. UPIથી જે રીતે સ્કેન કરીને પેમેન્ટ કરવામાં આવે છે, તે જ રીતે આધારની નવી એપથી સ્કેન કરીને આધાર ડિટેલ્સ શેર કરી શકાશે. તેના માધ્યમથી એક જ ફોનમાં તમે 5 આધાર પ્રોફાઇલ સ્ટોર કરી શકો છો. ફિઝિકલ આધારની નકલ રાખવાની જરૂર નહીં પડે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભોપાલમાં મોડલનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ:મુસ્લિમ બોયફ્રેન્ડ હોસ્પિટલમાં છોડીને ભાગી ગયો; માતા બોલી- પ્રાઇવેટ પાર્ટ અને શરીર પર ઈજાના નિશાન ભોપાલમાં 27 વર્ષીય મોડેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. સોમવારે વહેલી સવારે ભૈંસાખેડીના ઇન્દોર રોડ પરની એક હોસ્પિટલમાં તેનો બોયફ્રેન્ડ તેને છોડીને ભાગી ગયો. ડોક્ટરોએ પોલીસને તેના મૃત્યુની જાણ કરી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. ગાંધી મેડિકલ કોલેજ ખાતે મહિલાના પરિવાર અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતકના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાના ગુપ્તાંગ, ખભા અને ચહેરા પર ઈજાના નિશાન મળી આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 89 વર્ષના ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર, હાલત અત્યંત ગંભીર:US રહેતી બંને દીકરી ભારત આવશે, ડૉક્ટરે કહ્યું- આગામી 72 કલાક ભારે બોલિવૂડના પીઢ એક્ટર ધર્મેન્દ્રને 10 દિવસ પહેલાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તેમની તબિયત ગંભીર થઈ ગઈ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે તેમની સ્થિતિને લઈ હાલમાં કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. પરંતુ ડૉક્ટરોના મતે, ધર્મેન્દ્ર માટે આગામી 72 કલાક ખૂબ જ મુશ્કેલ છે. દિવ્ય ભાસ્કર સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્રના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે, તેમની બંને દીકરીને USAથી બોલાવવામાં આવી હોવાના સમાચાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સોમનાથમાં ડિમોલિશન સમયે પોલીસ પર પથ્થરમારો:ગેરકાયદે ધાર્મિક બાંધકામ પર બુલડોઝર ફેરવાતાં ઘર્ષણમાં 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત; પોલીસનો લાઠીચાર્જ, ટીયરગેસના 3 શેલ છોડાયા ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જેમાં પીઆઈ સહિત 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જ્યારે ટીયરગેસના 3 શેલ છોડાયા હોવાનું એસપી દ્વારા જણાવાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત્:દિવાળી બાદ 10થી 20% ઓફિસ ને 35% કારખાનાં જ શરૂ થયાં, 30થી 35નો સ્ટાફ હતો, બધાને છૂટા કર્યા: વેપારી ભાવનગર જિલ્લામાં ખેતી બાદ મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યા છે. જોકે, દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મંદીનો પ્રભાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. હાલમાં હીરા બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થઈ જવી જોઈએ, તેઓએ હજી સુધી મુહૂર્ત પણ કર્યા નથી. ભારે મંદીને કારણે આ યુનિટો હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થયા નથી. હાલમાં માત્ર 10થી 20 ટકા હીરા ઓફિસો અને જિલ્લામાં 30થી 35 ટકા હીરાના કારખાનાઓ જ ખુલ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ હજુ પણ યથાવત્ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોડા પહોંચવા બદલ રાહુલ ગાંધીને 'સજા’:કોંગ્રેસના જિલ્લાપ્રમુખોની તાલીમ શિબિરમાં 10 પુશ-અપ્સ કરવા પડ્યા, શિબિરના પ્રભારીએ જ તેમને સજા કરી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શારા ટ્રમ્પ સાથે મુલાકાત કરશે:અમેરિકાએ આતંકી માન્યા, 84 કરોડનું ઇનામ હતું, હવે UNએ પણ આતંકવાદીનું ટેગ દૂર કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાઇલટને રનવેની જગ્યાએ ખેતર દેખાયાં:દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના GPS સાથે છેડછાડ, આકાશમાં પ્લેન વચ્ચેનું અંતર વધારીને દુર્ઘટના ટાળી વાંચો સંપૂર્ણ સમાાચાર 4.ઈન્ટરનેશનલ : શું વિરોધી પાર્ટીઓની સામે ઝૂકી ગયા ટ્રમ્પ:ઓબામાકેર પર વોટિંગ કરાવવા પર રાજી, સંસદમાં બિલ પાસ; 40 દિવસથી ચાલુ શટડાઉન સમાપ્ત થવાની આશા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનાનો ભાવ ₹1,987 વધીને ₹1.22 લાખ પ્રતિ 10 ગ્રામ થયો:આ વર્ષે ₹45,925નો વધારો થયો, ચાંદી 2,700 રૂપિયા વધીને ₹1.51 લાખ પ્રતિ કિલોએ પહોંચી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPL ખેલાડી વિપરાજને ધમકી:રિચા પુરોહિત નામની એક મહિલાએ ફોન કરીને કહ્યું, મારી માગણી પૂરી કરો, નહીંતર વીડિયો વાઇરલ કરી દઈશ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : કાળ ભૈરવ જયંતી ક્યારે છે? :જીવનના તમામ પ્રકારના ભય, શત્રુ અને વિઘ્નો દૂર કરનાર દેવ;જાણો શું છે પૂજાનો સમય-વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે પત્નીએ તેના પતિને કૂતરા પાસે બચકું ભરાવ્યું ઝારખંડના હજારીબાગમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિનો આરોપ છે કે તેની પત્નીએ નાની તકરાર બાદ તેને પાલતુ કૂતરા પાસે બચકું ભરાવ્યું હતું. પીડિત રોહિત જૈન બે દિવસ પહેલા જ તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે તેની પત્નીને વાસ્તવિક સોનાને બદલે આર્ટીફિશિયલ જ્વેલરી પહેરવાનું કહ્યું. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના પતિને પાલતુ જર્મન શેફર્ડ પાસે કરડાવી દીધો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ : ત્રીજી સિક્સરે નિર્ણય કર્યો ને ઇતિહાસ બન્યો:પપ્પા વેલ્ડિંગ અને મમ્મી સીવણકામ કરતાં, ટ્રેનિંગ વિના બન્યો ક્રિકેટર, ફાસ્ટેસ્ટ 50નો વર્લ્ડ રેકોર્ડ કરનાર આકાશ કોણ? 2. છૂટાછેડા-1 : સુહાગરાતે પત્નીને ખબર પડી કે પતિ ગે છે!:ગુજરાતમાં 2-3 વર્ષમાં યુવાનો લગ્નને બદલે લિવ-ઇનમાં રહેશે, 'USમાં પતિ એશ કરે છે એમ માની પત્નીએ પરપુરુષ સાથે સંબંધો બાંધ્યા' 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : ખેડૂતે આપઘાત પહેલાં ડાયરીમાં શું લખ્યું?:બે દીકરીને પરણાવવાના ઓરતા અધૂરા રહ્યા; મુસ્લિમ ખેડૂત કહેતા કે ગણપતિનું આયોજન બંધ ન કરતા 4. તમારું ઘર જ તમને આપશે પેન્શન!:રિટાયરમેન્ટ પછી ખર્ચા કાઢવાની ચિંતા ગઈ! દર મહિને રૂપિયા મળશે, 15 લાખની મેડિકલ સહાય પણ 5. ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલપંપ સંચાલકો જ કંટાળ્યા:ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે, વાહનચાલકોને પણ નુકસાન, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર 6. ભાસ્કર એક્સક્લૂસિવ : 2 આતંકીએ અમદાવાદમાં રેકી કરી હતી:આતંકવાદીને પકડવા PIએ ટોલ ગેટ બંધ કરી ટ્રાફિકજામ કરાવ્યો, ATSએ 2 દિવસમાં પાર પાડ્યું ઓપરેશન 7. 16 હત્યાના કેસમાં નિર્દોષ જાહેર પંઢેરનો પ્રથમ ઇન્ટરવ્યૂ:'હા, હવેલીમાં કોલગર્લ બોલાવી; ઘરમાં બાળકોની ડેડબોડી પડી રહી, ખબર ન રહી 8. મંડે મેગા સ્ટોરી : લાલુ કહેતા હતા- નીતિશના પેટમાં પણ દાંત છે:રાજકારણ છોડવાના વિચારથી 9 વાર CM બનવા સુધીની કહાણી; શું પરિણામો જોઈને છેલ્લી પલટી મારશે નીતિશ? 9. આજનું એક્સપ્લેનર:1,800 કરોડની જમીન 300 કરોડમાં, સ્ટેમ્પ ડ્યૂટી પણ માફ; દીકરાની ડીલથી કેવી રીતે ઘેરાયા અજિત પવાર, હવે આગળ શું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:વૃશ્ચિક-ધન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ, કુંભ રાશિના જાતકોને નોકરી-વ્યવસાયમાં ફાયદો વાંચો સંપૂર્ણ રાશિફળ
જૈન સમાજ દ્વારા શત્રંુજય તીર્થની ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જૈન ધર્મના ચાર ફિરકા દ્વારા અેક સાથે મોટા પાયે નવલખી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાશે. જૈન ધર્મની સંસ્થા જીતો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. 11મી નવેમ્બરના રોજ સાંજે 7 વાગે નવલખી મેદાન પર શત્રુંજય પર્વતની ભવ્યભાવ યાત્રાનુ આયોજન કરવા આવ્યુ છે. જે અંગે વડોદરાના જીતોના ચેરમેન પોખરાજ દોશીઅે જણાંવ્યુ હતું કે,આ ભાવયાત્રામાં અંદાજે 9 હજાર લોકો જોડાશે. સતત છેલ્લા 3 મહીનાથી આ ભાવયાત્રાનુ પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. અંદાજે 100થી વધુ કમીટી મેમ્બર આ પ્લાનીંગમાં જોડાયા છે. સાથે સમાંજના દાનવીરોનો પણ સહયોગ મળી રહ્યો છે. સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહીતી આપવામાં આવી હતી. જૈન ધર્મમાં શત્રુંજય પર્વતની યાત્રાનુ ખુબ મહત્વ હોય છે. જિતો 17 વર્ષથી સમાજ ઉત્થાનની વિવિધ કામગીરી માટે કાર્યરતજૈન સમાજ માટે કાર્યકરતી જૈન વેપારીઅોની સંસ્થા જીતો 17 વર્ષથી સમાજ ઉથ્થાન માટેકાર્ય કરે છે. જીતોની વિવિઘ વિંગ આવેલી છે. જીતો લેડીઝ વિંગ્સ , જીતો યુથ વિંગ, જીતો જેબીઅેન સહીત વિંગ દ્વારા ગત અપ્રિલમાં નાવકાર મંત્રના સમુહ જાપનું આયોજન કરાયું હતું.જેમાં 10 હજાર શ્રાવકો હાજર રહ્યા હતા. શત્રુંજયની યાત્રાએ ન જઈ શકે તેમના માટે ભાવયાત્રા યોજાય છેસામાન્ય રીતે શત્રુંજય પર્વતની યાત્રા તમામં જૈન લોકો કરતા હોય છે. કારતક સુદ પૂર્ણીમાંના દિવસે આ યાત્રા યોજાતી હોય છે. જે લોકો પ્રત્યક્ષ યાત્રા કરવા જઇ શકતા નથી તેમને માટે જૈન દેરાસરમાં આ ભાવ યાત્રા યોજાય છે. આ વખતે વરસાદ હોવાથી વિવિધ જગ્યાએ યાત્રા થઇ શકી નહોતી તેથી સામૂહીક રીતે આયોજન કરાયુ છે. ભાવ યાત્રામાં શત્રુંજય પર્વતની જ્યાં બંઠા હોયત્યાંથી માનસીક રીતે વિધિવત રીતે પરિક્રમાં કરાવાતી હોય છે. જે લોકો ચાલી નથી શકતા તે ભાવ યાત્રા કરતા હોય છે. સંગીતકાર નરેન્દ્ર વાણીગોતા હાજરી આપશે પ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલના કંઠે જૈન સ્તવન કરાવવામાં આવશે. સાથે જૈન સમાજના આંતરરાષ્ટ્રીય સંગીતકાર નરેન્દ્ર વાણીગોતા હાજરી આપશે.
વડોદરાની ડેરા પોળ ખાતે રહેતો ચિરાગ અગરબત્તીનો નાનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરે છે. તેમની મરાઠી પત્ની નૂતન બેન પણ પતિ સાથે કામ કરે છે. નાનપણથી બંન્ને સંતાનોને સારા સંસ્કાર આપ્યા હતા. તેમને સંતાનમાં બે જ દીકરા હતા. તે પૈકી મોટો દીકરો શ્રીરાજે 11 મહિના પહેલા દીક્ષા લીધી હતી. અને શાશ્વત રત્ન વિજયજી તરીકે ગુરુદેવ સાથે વિહાર કરે છે. સોમવારે નાનો દીકરો અનુજ પણ મોટાભાઈના પગલે અમદાવાદ પાલડી ખાતે આચાર્ય રાજરત્નસુરીની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બાબાજી પુરા જૈન સંઘના પ્રમુખ નવિનભાઇ શાહે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં પોળના લોકો અમદાવાદ પહોંચ્યા હતા. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આજે સવારે પાલડી ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરાનો 13 વર્ષીય અનુજના મોટા ભાઈ ની દીક્ષા 11 મહિના પહેલા પાલિતાણા થઈ હતી. આચાર્ય રાજરત્નસુરી મહારાજે 12.57 મિનિટે મુહર્તમાં અનુજને સંસારી નામ ત્યજી નવું નામ મુનિરાજ આત્મરત્ન વિજયજી નામ પાડતા ભાવિક ભક્તોએ વધાવી લીધા હતા તથા જૈનીબેન શાહનું નવું નામ જીનાગમ દર્શિતાશ્રીજી પાડવામાં આવ્યું હતું. વડોદરાથી સમસ્ત વડોદરા જૈન સંઘ ના ઉપપ્રમુખ લલિતભાઈ શાહ, ટ્રસ્ટી ભુપેન્દ્ર શાહ, સહિત આગેવાનો જોડાયા હતા.
શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:13 રમતમાં રમતવીરોએ ભાગ લઈને પોતાનુ કૌશલ્ય બતાવ્યું
શહેરમાં સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા 8 નવેમ્બરથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા શહેરનામાં આવ્યુ છે. શહેરના રમતવિરો અને મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાયો હતો. ઇન્ડોર અને આઉટડોર મળી કુલ 13 વિવિધ રમતોમાં શહેરના રમતવિરો ભાગ લઇ રહ્યા છે. આગામી 1 મહીના ઉપરાંત આ રમતો ચાલશે. સતત બીજા વર્ષે આયોજિત કરવામાં આવેલા આ રમતોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શહેરના વિવિધ રમતોના રમતવીરોએ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આગામી દિવસો સુધી હોકી, કરાટે, ટેબલ ટેનિસ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, ખોખો, ચેસ, જુડો, માલખમ, યોગાસન, એટલેટિક્સ તેમજ બાસ્કેટબોલ જેવી રમતોમાં શહેરના રમત પ્રેમી રમતવીરો તથા અન્ય નગરજનો એક અનોખા જોમ અને જુસ્સા સાથે પોતાના રમત કૌશલ્યનું નિદર્શન કરશે. રમતોત્સવના પ્રારંભે રાજ્યના બાળ કલ્યાણ અને મહિલા વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી મનિષાબેન વકીલે દીપ પ્રગટાવી રમતવીરોને શુભેચ્છા પાઠવી પ્રારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવના અંતે વિજેતા ટીમો તથા નોંધપાત્ર દેખાવ કરનારા સ્પર્ધકો, રમતવીરોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાશે.
ધારાસભ્યની તાકીદ:માણેજામાં કચરો જોઈને ધારાસભ્ય ભડક્યા, કહ્યું, આજે સફાઈ કરાવીશું, પછી દંડ કરાશે
શહેરના વોર્ડ 19માં રૂા.4.50 કરોડના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ વખતે માણેજા બીએસસીપી આવાસ નજીક ફેલાયેલી ગંદકીથી ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા હતા. તેઓએ કહ્યું હતું કે, આજે કચરો સાફ કરાવી લઈશું, પરંતુ જો કાલથી કોઈ કચરો નાખશે તો તેમની પાસેથી દંડ લેવાશે. શહેરના માંજલપુર વોર્ડ નંબર 19માં રોડ, પેવર બ્લોક સહિત વિકાસનાં 4.50 કરોડનાં કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ, સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલ તથા સ્થાનિક કાર્યકરોએ હાજરી આપી હતી. આ કામગીરી દરમિયાન માણેજા બીએસયુપી આવાસો નજીક જાહેરમાં થતી ગંદકી મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા હતા. તેઓનું કહેવું હતું કે, આ સ્થળે રોજ બે વખત વાહન કચરો લેવા આવે છે, પરંતુ ત્યાંના લોકો કચરો બહાર કચરો નાખે છે. અહીંયાં આજે સફાઈ કરાવી લઈએ છીએ અને વોર્ડમાં કહીને કચરાપેટી મૂકાવીશું. પછી જો કચરો નખાશે તો દંડ વસૂલ કરવામાં આવશે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, બહારના રાજ્યમાંથી આવેલા અને અહીંયાં વસતા લોકો કચરો નાખી ગંદકી કરે છે.
ફરિયાદ:પાલજમાં નાણાની લેવડદેવડમાં યુવકના પરિવાર પર 12નો હુમલો
પાલજ ગામમાં રહેતા યુવકો દ્વારા યુવકના ઘરે જઇને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. તારો દિકરો ક્યા છે ? બે દિવસનુ કહી 2.50 લાખ રૂપિયા લઇ ગયો છે અને બે મહિના થવા છતા આપ્યા નથી, તેમ કહીને યુવકના ઘરના સભ્યો સાથે મારામારી કરી હતી. યુવકો બે અલગ અલગ કારમાં આવ્યા હતા અને બાદમાં ગામના લોકો એકઠા થઇ જતા ભાગી ગયા હતા. જેથી યુવકના પિતાએ રૂપિયાની ઉઘરાણી કરવા આવી મારામારી કરનાર 12 લોકો સામે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ જીતેન્દ્રસિંહ મોહનસિંહ બિહોલા (રહે, પાલજ) જુના સચિવાલયમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. ત્યારે તેમણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેકે, બે દિવસ પહેલા તેમના ઘરે હાજર હતા, તે સમયે પાલજ ગામના હરેશસિંહ દશરથસિંહ બિહોલા, યુવરાજસિંહ મનુજી બિહોલા, રાહુલસિંહ લાલજી બિહોલા, રાજદીપસિંહ ભરતસિંહ બિહોલા, રણવીરસિંહ અનિલસિંહ બિહોલા અને જયેન્દ્રસિંહ બિહોલા તેની ગાડી નંબર જીજે 18 ઇસી 0031 અને એક નંબર વિનાની ફોર્ચ્યુનર કાર લઇને ઘરે આવ્યા હતા. જ્યારે ઘરે આવીને જોરથી બુમો પાડી દીકરા યુવરાજસિંહને બોલાવતા હતા. જેથી પિતા બહાર આવ્યા હતા અને તેમને શુ થયુ પૂછતા તમામ લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને કહ્યુ હતુ કે, મારી પાસેથી તમારો દીકરો બે દિવસનુ કહીને 2.50 લાખ રૂપિયા લઇ ગયો છે, જે બે મહિના થવા છતા આપી ગયો નથી. જેથી યુવકના પિતાએ બે દિવસમાં રૂપિયા ચૂકવી દેવાની વાત કરી હતી. પરંતુ લોકો માનવા તૈયાર ન હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમાં વૃદ્ધ માતા, યુવકના પિતા, માતા સાથે ઝપાઝપી કરી લાફા માર્યા હતા. ઝગડો વધારે થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જેથી આરોપીઓ ભાગી ગયા હતા અને તે સમયે ધમકી આપી હતી કે, તમારો દિકરો મારા રૂપિયા પરત નહિ કરે તો જાનથી મારી નાખીશુ. તે ઉપરાંત વિક્રમભાઇ ગામમાં ગયા હતા, તો તેમને પણ યુવરાજ વિશે પૂછપરછ કરીને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તેમની કારમાં ભાગી ગયા હતા.
આગ લાગી:કોયલીમાં મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ, સામાન ખાખ
શહેર નજીક આવેલા કોયલી ખાતે ત્રણ રસ્તા નજીક ગોવર્ધન પ્રોવિઝન સ્ટોર સામે આવેલી બંસલ મેડિકલ શોપમાં વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જે અંગે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. દુકાનના માલિક શૈલેષ અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું હતું. આગમાં કમ્પ્યૂટર, ફર્નિચર તેમજ અન્ય સામાન બળી ગયો હતો. બનાવને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. જોકે ઘટનાને પગલે કોઇને ઇજા કે જાનહાનિ થઇ નહોતી. દવાનો જથ્થો સળગે તે પહેલાં બચાવી લેવાયો હતો.
અકસ્માત:સમાજના સંમેલનમાં જતાં વૃદ્ધાનું એક્ટિવા પરથી પડી જતા મોત
ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર આવેલા ધણપ પાસે આવેલી હોટલમાં ગજ્જર સમાજનો સામાજિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સમાજના કાર્યક્રમમાં અમદાવાદના કઠવાડામાં રહેતા વૃદ્ધ દંપતી એક્ટીવા લઇને આવી રહ્યુ હતુ. તે સમયે એક્ટીવા ઉપર સવાર વૃદ્ધા રોડ ઉપર પડી જતા તેમનુ મોત થઇ ગયુ હતુ. જેથી આ બાબતે ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર આવેલા ધણપ પાસે હાઇવેની એક હોટલમાં ગજ્જર સમાજનો સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના કઠવાડા ગામમાં રહેતા વૃદ્ધ ઇશ્વરભાઇ સોમાભાઇ મિસ્ત્રી અને તેમના 70 વર્ષિય પત્ની કૈલાસબેન ઇશ્વરભાઇ સોમાભાઇ મિસ્ત્રી એક્ટીવા નંબર જીજે 01 પીયુ 6593 લઇને બપોરના આશરે બે વાગ્યાના અરસામાં આવવા ઘરેથી નિકળ્યા હતા અને ચાર વાગ્યાના અરસામાં તેઓ હોટલ પાસે પહોંચ્યા હતા. તે સમયે ઇશ્વરભાઇનુ એક્ટીવા રોડ ઉપર સ્લીપ ખાઇ ગયુ હતુ,જેમાં પતિ અને પત્ની બંને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં પત્ની કૈલાસબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ મૃતકના દીકરાએ ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
વાવેતર:ખરીફ પાકના નુકસાનની વળતર મળે તે પહેલાં ખેડૂતોએ 3578 હેક્ટરમાં રવી પાકનું વાવેતર કર્યું
કમૌસમી વરસાદથી ખરીફ પાકના નુકશાનમાંથી ખેડુતો બહાર આવ્યા નથી. ત્યાં તો જિલ્લાના ખેડુતોએ રવિ સીઝનનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં પ્રથમ તબક્કામાં 3578 હેક્ટરમાં રવિ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં હાલમાં ચણા, રાઇ, તમાકુ, વરીયાળી, બટાટા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. તેમાં સૌથી વધારે રાઇના પાકનું વાવેતર જિલ્લાના ખેડુતો દ્વારા કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થાય તે પહેલાં રાજ્યભરમાં કમૌસમી વરસાદ પડતા ખેતરમાં સુકવણી માટે પાથરા કરીને મુકેલો ખરીફ પાક મગફળી, ડાંગર, કપાસ, મગ, અડદ, તલ સહિત પલળી જવાથી નુકશાન થયું છે. ત્યારે જિલ્લાના ખેડુતો હજુય કમૌસમી વરસાદથી ખરીફ પાકના નુકશાનમાંથી બહાર આવ્યા નથી. ઉપરાંત રાજ્ય સરકારે જાહેર કરેલી આર્થિક સહાય ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવી નથી. ત્યાં તો જિલ્લાના ખેડુતોએ રવિ સીઝનનું વાવેતર શરૂ કરી દીધું છે. તેમાં હાલમાં જિલ્લામાં રાઇનું 1470 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં માણસામાં 775, કલોમાં 519, ગાંધીનગરમાં 176 હેક્ટરમાં વાવેતર કરાયું છે. જ્યારે ચણાનું 31 હેક્ટરમાંથી ગાંધીનગરમાં એક, માણસામાં 30 હેક્ટરમાં વાવેતર કરાયું છે. તમાકુનું 150 હેક્ટરમાંથી ગાંધીનગરમાં 7, માણસામાં 143 હેક્ટર વાવેતર કરાયું છે. વરીયાળીનું 48 હેક્ટરમાંથી દહેગામમાં 2 અને માણસામાં 46 હેક્ટરમાં વાવેતર કરાયું છે. બટાટાનું 178 હેક્ટરમાંથી દહેગામમાં 149, ગાંધીનગરમાં 29 હેક્ટરમાં વાવેતર થયું છે. રવિ સીઝનમાં વાવેતરમાં અન્ય પાકોમાં શાકભાજીનું 399 હેક્ટરમાંથી ગાંધીનગરમાં 151, કલોલમાં 136 અને માણસામાં 112 હેક્ટરમાં વાવેતર કર્યું છે. ઘાસચારાનું પણ 1302 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. દહેગામમાં રવી પાકના વાવેતરમાં ઘટાડામાં કમોસમી વરસાદ જવાબદારસામાન્ય રીતે નવી સીઝન શરૂ થતાં સૌથી વધારે વાવેતર જિલ્લાના ચારેય તાલુકામાંથી દહેગામમાં સૌથી વધારેથી શરૂઆત થાય છે. પરંતું ચાલુ વર્ષે તાજેતરમાં પડેલા કમૌસમી વરસાદથી સૌથી વધારે દહેગામ તાલુકામાં ખરીફ પાકને મોટાપાયે નુકશાન થયું છે. આથી હજુય ખેતરમાં નુકશાન થયેલા ખરીફ પાકને દુર કર્યા બાદ ખેતરને ખેડવાની સાથે સાથે એકાદ બે દિવસ પડતર રાખ્યા બાદ રવિ પાકનું વાવેતર કરી શકાય તેમ ખેડુતોએ જણાવ્યું છે. આથી ચાલુ સપ્તાહથી દહેગામ તાલુકામાં રવિ સીઝનનું વાવેતર શરૂ થાય તેવી શક્યતા રહેલી છે.
સમા મહેસાણા નગર પાસે રખડતા પશુ સાથે અથડાવાથી યુવકના મોત બાદ પાલિકાએ કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણા નગર આસપાસના 15 ઢોરવાડાને નોટિસ આપી 8 પશુ કબજે લીધાં હતાં. જ્યારે પોલીસે ડિવાઇડર સાથે અકસ્માત બાદ યુવકનું મોત થયું હોવાનું નોંધ્યું છે. ન્યૂ સમા રોડ મંગલ દર્શન સોસાયટીના સંદીપ નેગીનું મહેસાણા નગર પાસે અકસ્માતમાં મોત થયું હતું. જેના સીસીટીવી ફૂટેજમાં ગાયથી અકસ્માત થયો હોવાનું ખૂલ્યું છે. ઘટના બાદ ઢોર પાર્ટીએ મહેસાણા નગરમાં 15 ઢોરવાડાને નોટિસ આપી 8 ગાયને પાંજરાપોળમાં મોકલી હતી. બીજી તરફ ફતેગંજ પોલીસે મૃતક સંદીપ નેગીને જ અકસ્માત માટે જવાબદાર ગણાવી આરોપી બનાવ્યો છે. તેટલું જ નહીં ગાયને અથડાવવાથી મોત થયું હોવાના સીસીટીવી હોવા છતાં ડિવાઈડર સાથે ભટકાવવાથી મોત થયું હોવાનું નોંધતાં તર્કવિતર્ક સર્જાયા છે. જમવાની થાળી કાઢીને ગયા પછી પાછો ન આવ્યો > મૃતકની માતામૃતક સંદીપ નેગીનાં માતા કૌશલ્યાબેને કહ્યું કે,તેઓને નવડાવવી બહાર બેસાડતો હતો. તેના અઢી વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 6 મહિનાનું બાળક છે. મારો સહારો છીનવાઇ ગયો. રાતે બંનેની જમવાની થાળી કાઢી હતી. તે મિત્રને મળવાનું કહી ઘરેથી નીકળ્યો, પણ પાછો ન આવ્યો. નોંધનીય છે કે, માતાને પેરાલિસીસ થયા બાદ સંદીપ સેવા કરતો હતો. ભાસ્કર ઇનસાઇડઢોર પોલિસીમાં મૃતકના પરિવારને 5 લાખના વળતરની જોગવાઈ, 4 માસ પૂર્વેની ઘટનામાં વળતર નથી અપાયુંઢોર નિયંત્રણ પોલિસીમાં ઢોરથી મૃત્યુ પામનારને 5 લાખનું વળતર ચૂકવવાની જોગવાઈ છે. સાથે પશુ માલિક સામે ફરિયાદ અને ઢોરવાડાનાં પાણી, ડ્રેનેજ કાપવા સાથે તોડી પાડવાની જોગવાઈ છે. વળતર પશુપાલક પાસેથી વસૂલવું. તે વળતર ચૂકવી શકે તેમ ન હોય તો રેવન્યુ રાહે વસૂલાત કરવી. અધિકારીઓ મુજબ 4 માસ પૂર્વે વારસિયામાં ઢોરથી વૃદ્ધનું મોત થયું હતું. જે બાદ મૃતકના પરિવારને 5 લાખ વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે. પાલિકા-પોલીસે ઓવર સ્પીડિંગનો મામલો ગણાવ્યો, મૃતકને જ આરોપી બનાવી દીધોપોલીસ વિભાગ દ્વારા મૃતક સંદીપ નેગીના મિત્રની ફરિયાદના આધારે મૃતકને જ આરોપી બનાવી દીધો છે. મૃતક સંદીપ નેગી પૂરઝડપે બાઇક ચલાવતો હતો. ગાય બેઠી હતી અને તેને અથડાવવાથી વાહનચાલકનું મોત થયું છે. પોલીસે જણાવ્યું હતું કે, જો પાલિકા ફરિયાદ આપશે તો ફરિયાદ લઈશું.
દહેગામ શહેરમાં આવેલી વર્ષો જૂની તાલુકા પ્રાથમિક કુમારશાળાનું મકાન જર્જરીત થઈ જતા તેને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 3.80 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે. જ્યાં નવી બિલ્ડીંગ આગળ જ 25 વર્ષ જૂની બે ઓરડી આવેલી છે જેને તોડી ન પડાતા નવીન બનેલી શાળાની શોભા બગાડી રહી છે. ઉપરાંત તે બે ઓરડીના કારણે બાળકને રમવાનું મેદાન પણ છીનવાઈ રહ્યું હોવાની સ્થિતિને કારણે વાલીઓમાં નારાજગી વાપી છે નવી બિલ્ડીંગ આગળ જ બે જૂની ઓરડીઓ યથાવત રખાતા સોનાની થાળીમાં લોઢાની મેખજેવો ઘાટ સર્જાયો છે. દહેગામ શહેરમાં આવેલી વર્ષો જૂની તાલુકા પ્રાથમિક કુમારશાળાનું મકાન જર્જરીત થઈ જતા તેને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 3.80 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે. જે નવી બિલ્ડીંગ માં 24 જેટલા રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 800 જેટલા બાળકો અભ્યાસ કરી શકશે નવી બિલ્ડીંગ આગળ જ 25 વર્ષ જૂની બે ઓરડી આવેલી છે જેને તોડી ન પડાતા નવીન બનેલી શાળાની શોભા બગાડી રહી છે. બીજી તરફ શાળાની વચ્ચોવચ નડતરરૂપ બની રહેલી બે ઓરડીઓને કારણે વિદ્યાર્થીઓને રમતગમત માટે મોકળું મેદાન મળી શકે તેવી સ્થિત નહીવત બની છે જ્યારે હાલ બે ઓરડીઓની સ્થિતિ પણ ખૂબ જ જર્જરીત બની છે. જેના કારણે નજીકના સમયમાં જ્યારે શાળા શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ જર્જરીત ઓરડી ભયજનક બની રહે તેવી શક્યતાઓ છે. 3.80 કરોડના ખર્ચે બનેલી શાળા બિલ્ડીંગ આગળ જ જર્જરિત ઓરડી તોડી પાડવામાં નહીં આવતા વાલીઓઓમાં પણ તંત્ર પ્રત્યે નારાજગી વ્યાપી છે બીજી તરફ નુતન બિલ્ડીંગ પરિસરમાં જ એક વર્ષો જૂનો હોલ આવેલો છે જેને પણ તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવતા નજીકના દિવસોમાં તે હોલ પણ વિદ્યાર્થીઓ માટે જોખમ રૂપ બની શકે તેમ છે જેથી તંત્ર દ્વારા તાકીદે નૂતન નિર્મિત શાળાની વચ્ચોવચ આવેલી બે ઓરડી તોડી પાડવામાં આવે તેમજ નજીકમાં આવેલો હોલ પણ તોડી તેને નવું બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
શક્તિ પ્રદર્શન:બીસીએની એજીએમ પૂર્વે સત્યમેવ જયતે ગ્રૂપ બનાવાયું,પ્રમુખ માટે ઉમેદવાર જાહેર
બીસીએની મંગળવારે યોજાનારી 85મી વાર્ષિક સામાન્ય સભા પહેલાં રાજકારણ ગરમાયું છે. એજીએમના એક દિવસ પહેલાં બેંકર તથા સંજય પટેલ ગ્રૂપે સત્યમેવ જયતે ગ્રૂપ બનાવીને તેમાં બીસીએ પ્રમુખ માટે ડો.દર્શન બેંકરનું નામ જાહેર કર્યું હતું. ગ્રૂપના 150થી વધુ સભ્યો સોમવારે રાત્રે અલકાપુરી ક્લબ ખાતે એકત્રિત થયા હતા અને એજીએમમાં કેટલાક મુદ્દે વિરોધ નોંધાવવા ચર્ચા કરી હતી. ડો.દર્શન બેંકરે કહ્યું હતું કે, સ્ટેડિયમમાં રૂપિયાનો બગાડ કરાયો છે. વેસ્ટ ઝોનમાં બરોડાથી એક પણ ખેલાડી નથી. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. ક્રિકેટ ઈમ્પ્રુવમેન્ટ કમિટી શું કરી રહી છે. એક પરિવાર અને તેમના માણસો લાંબા સમયથી તંત્ર સંભાળી રહ્યા છે. હું પ્રમુખ માટે ચૂંટાયો તો પહેલાં ક્રિકેટની વિવિધ સુવિધા માટે કામ કરીશ. ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતા રહેશે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરાશે. બીજી બાજુ સંદીપ પટેલે કહ્યું હતું કે, બીસીસીઆઈએ રૂા.500 કરોડ આપ્યા છે. જોકે તમામ રૂપિયા વાપરી નખાયા છે. અન્ય સંસ્થાઓ પાસે ડિપોઝિટ છે. જોકે આપણી પાસે રૂા.40 કરોડ પણ રહે તેમ નથી. સ્ટેડિયમને કેટલીક પરવાનગી નથી. કલેક્ટરને રજૂઆત કરીને પરવાનગી ન હોય તો સ્ટેડિયમ બંધ કરાવે તેવી રજૂઆત કરાશે. કોટંબી સ્ટેડિયમને લઈને ભ્રષ્ટાચાર થયો છે. સત્યમેવ જયતે ગ્રૂપ વિરોધ કરશે આજે વાતાવરણ ગરમાશે, પોલીસ બંદોબસ્ત ગોઠવાશેબીસીએની એજીએમ મંગળવારે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહેશે. વિરોધની શક્યતા હોવાથી ગોરવા પોલીસ બંદોબસ્ત રાખશે તેમ જાણવા મળ્યું હતું. પ્રણવ અમીન અને મહારાજા સમરજિતસિંહ ગ્રૂપના 100થી વધુ સભ્યોની પણ બેઠક મળીમહારાજા સમરજિતસિંહ ગાયકવાડ તથા પ્રણવ અમીન ગ્રૂપના 100થી વધુ સભ્યોની પણ સોમવારે બેઠક મળી હતી. જેમાં સભ્યોને આવકારવાની તથા રણનીતિ અંગે ચર્ચા કરી આખરી ઓપ અપાયો હતો. એજીએમ માટે આ ગ્રૂપે પણ તૈયારી કરી છે. ગ્રૂપે કહ્યું કે, તમામ આક્ષેપ ખોટા થઈ રહ્યા છે. કોઈ પુરાવા હોય તો રજૂ કરે. સામા પક્ષના સભ્ય પણ વિવાદોમાં રહ્યા છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ હતી તો સપ્ટેમ્બરમાં કેવી રીતે ટર્મ પૂર્ણ થઈ શકે.
ઉત્તર તરફથી આવતા પવનોથી ઠંડીનો પારો ગગડ્યો:શહેરમાં પારો 15 ડિગ્રી,સવારે 7 વાગે સૌથી વધુ ઠંડી અનુભવાઈ
શહેરમાં બીજા દિવસે ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો. બર્ફીલા પવનો ફૂંકાતાં લોકો વહેલી સવારે ઠૂંઠવાયા હતા. જ્યારે દિવસે પારો 31.4 ડિગ્રી નોંધાયો હતો. આગામી રવિવાર સુધી પારો 15 થી 18 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.એ.કે. દાસે જણાવ્યા મુજબ પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે. શહેરમાં દર 2 કલાકે પારો ઊંચો-નીચે થયો
દિવાળી બાદ શરૂ થતા અમેરિકા વસતા ગુજરાતી પરિવારના લગ્ન મોટી સંખ્યામાં રદ-મોકૂફ થયા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ નીતિ-વિઝા પોલિસી કડક બનાવી છે. જેથી કાયદેસર વસતા ગુજરાતી પરિવારોને લગ્ન બાદ અમેરિકા પરત પ્રવેશ અપાશે કે નહીં એ અંગે અનિશ્ચિતતાથી શહેરમાં 54 લગ્ન રદ-મોકૂફ રખાયાં છે. જેથી પાર્ટી પ્લોટ, ફરાસખાના અને કેટરિંગના વ્યવસાયિકોને ફટકો પડ્યો છે. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારનાં સંતાનોનાં લગ્ન વતનમાં યોજાય છે. જે માટે પાર્ટી પ્લોટ, બેન્ડ-ડીજે, ફરાસખાના, કેટરિંગ બુક કરાવાય છે. ટ્રમ્પ સરકારમાં H1-B અને ફિયાન્સ વિઝા, આશ્રિત જીવનસાથી માટે વર્ક પરમિટ સંભવિત રદબાતલ કરવાથી ચિંતા ફેલાઈ છે. કારણ સંભવિત જીવનસાથી નોકરી અને ઇમિગ્રેશન સ્ટેટ્સ ગુમાવશે તેવો ડર છે. ગ્રીનકાર્ડ ધરાવતા પરિવારોમાં અમેરિકા છોડ્યા બાદ ફરી પ્રવેશ મળશે કે નહીં તેની ચિંતા છે. જેથી 54 લગ્ન રદ કે વિલંબિત કરાયાં છે. જ્યારે બુકિંગનાં નાણાં પરત કે જમા રાખી લગ્ન રદ અને મોકૂફ કરવા વિનંતી કરાઈ રહી છે. પાર્ટી પ્લોટ : 1 વર્ષ પહેલાંથી બુકિંગ કરાવાય છેસેવાસી પાસે પાર્ટી પ્લોટનું સંચાલન કરતા કમલેશ પટેલે કહ્યું કે, એનઆરઆઇના લગ્ન 1 વર્ષ પૂર્વેથી નક્કી હોય છે અને પાર્ટી પ્લોટ બુક કરતાં 2 લાખથી 5 લાખ એડવાન્સ લેવાય છે. આ લગ્ન રદ કે મોકૂફ થતાં નાણાં પરત મગાય છે કે અન્ય તારીખ નક્કી થશે ત્યારે જમા કરવા જણાવે છે. ટ્રાવેલ : ઇન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાનટ્રાવેલ એજન્ટ ઉમેશ દેસાઇએ કહ્યું કે, અમેરિકાવાસી દેશમાં આવી જુદાં જુદાં સ્થળે ફરવા જાય છે. તેના માટે પ્લેનમાં ડોમેસ્ટિક પ્રવાસ કરે છે. જ્યારે કેટલાક તો વનવે ટિકિટ લઈ આવે છે, જે પરત જવા અહીંથી ટિકિટ બુક કરે છે. જે પ્રવાસી જ ન આવતાં ધંધા પર અસર પડી રહી છે. કેટરિંગ : 20% જેટલાં લગ્નો રદ કરાયાં છેકેટરિંગ એસો.ના જણાવ્યા પ્રમાણે મોટા બજેટનાં 54 લગ્નો રદ-મોકૂફ થયાં છે, જે સિઝનમાં 20 ટકા થાય છે.કેટરિંગ સાથે સંકળાયેલા પ્રદીપ શાહે કહ્યું કે, અમેરિકાથી આવતા પરિવારોના લગ્ન રદ કે મોકૂફ થયા હોય તેની સંખ્યા 100 જેટલી થાય છે.જેથી પાર્ટી પ્લોટ, કેટરિંગ, ફરાસખાના, સહિતના વ્યવસાયીને અસર થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:સ્વચ્છતાનો ખર્ચ અઢી ગણો વધ્યો, બજેટમાં સફાઈ વેરો વધશે!
સ્વચ્છતામાં દેશમાં 18મા ક્રમે આવેલા વડોદરાને વધુ સ્વચ્છ બનાવી આગળ ધપાવવા નવાં આયોજન કરાયાં છે, જેથી સફાઈનો ખર્ચ અઢી ગણો વધશે ત્યારે પાલિકાએ બજેટમાં સફાઈ વેરો વધારવાની તૈયારી શરૂ કરી છે. હાલ સફાઈ પાછળ મહિને 4 કરોડ ખર્ચ થાય છે. આગામી સમયમાં મહિનાનો ખર્ચ 10થી 12 કરોડ સુધી પહોંચશે. રાજ્યમાં સુરત-અમદાવાદ સ્વચ્છતા મામલે ટોચના સ્થાને છે ત્યારે વિકાસમાં પાછળ રહી ગયેલા વડોદરાની સફાઈ મુદ્દે હવે નવાં આયોજન કરાઈ રહ્યાં છે. 2024ના સ્વચ્છ સર્વેક્ષણમાં 18મો ક્રમાંક મેળવ્યા બાદ શહેરમાં સ્વચ્છતા મુદ્દે ઊઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખી ડોર ટુ ડોર વાહનો થકી કચરો એકત્ર કરવા અને સેગ્રિગેશન કરવા અને કચરાનો નિકાલ કરવા નવાં ટેન્ડરો કરાયાં હતાં. જેમાં વાહનોની સંખ્યા વધારવા સાથે રિફ્યૂઝ્ડ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા સહિતની કામગીરી કરાશે. નવી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ સ્વચ્છતાનો વાર્ષિક ખર્ચ અઢી ગણો વધી ગયો છે. 4 ઝોનના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા 4 કોન્ટ્રાક્ટરોને મહિને અંદાજિત 4 કરોડ ચુકવણું કરાતું હતું. જોકે તે ખર્ચ વધી 10-12 કરોડ થશે. હાલમાં પાલિકામાં બજેટની બેઠકો ચાલી રહી છે ત્યારે આગામી બજેટમાં 60 થી 62 કરોડના ખર્ચને પહોંચી વળવા સફાઈ વેરામાં વધારો કરવાની વિચારણા છે. કોમર્શિયલ બિલ્ડિંગ સેગ્રિગેશન ન કરે તો હેવી પેનલ્ટીશહેરીજનો ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ કરી આપે તે માટે પાલિકા દ્વારા અપીલ કરાઈ છે. જોકે હવે કોમર્શિયલ બિલ્ડિંગો દ્વારા અપાતા કચરાને ફરજિયાત સેગ્રિગેશન કરવા કહેવાશે. કોમર્શિયલ યુનિટ આમ નહીં કરે તો હેવી પેનલ્ટી કરવાનું પાલિકાનું આયોજન છે. અટલાદરા-ગાજરાવાડી ખાતે ટ્રાન્સફર સ્ટેશન અને મટિરિયલ્સ રિકવરી ફેસિલિટી વિકસાવાશેશહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મળે તે માટે અટલાદરામાં 370 ટીપીડી અને ગાજરાવાડીમાં 395 ટીપીડીની ક્ષમતાનું આધુનિક ટ્રાન્સફર સ્ટેશન અને મટિરિયલ્સ રિકવરી ફેસિલિટી વિકસાવવાનું નક્કી કર્યું છે. જેથી ટ્રાન્સપોર્ટેશનમાં થતો ટિપિંગ ખર્ચ ઘટાડાશે. તેવી રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરાશે. ઈન્દોર-સુરતમાં મહિને રૂ. 202 વેરો, સૌથી ઓછો વડોદરામાં રૂ. 62 3 ઝોનમાં ડોર ટુ ડોરનાં વાહનો 297 થી બે ગણાં વધીને 614 થશે પૂર્વ ઝોન98 વાહનો કાર્યરત હતાંહવે 166 વાહન કાર્યરત રહેશે પશ્ચિમ ઝોન108 વાહન જતાં હતાંહવે 272 વાહનો ડોર ટુ ડોર ફરશે દક્ષિણ ઝોન91 વાહનો કચરો લેવા જતાં હતાં, હવે 176 વાહનો કચરા માટે જશે
ખેડૂત આક્રોશ યાત્રાનું મૂળીમાં સ્વાગત કરાયું:સરકારે ખેડૂતોને આપેલ સહાય ખૂબ જ ઓછી છે : પૂર્વ ધારાસભ્ય
હાલ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની વિવિધ માંગોને લઇ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્રારકા 964 કિ.મી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અર્તગત સોમવારે યાત્રા મૂળી આવી પહોંચતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને હોદેદારો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ જણાવ્યું હતુકે સરકાર હાલ સહાયની જાહેરાત કરી છે તે ખુબજ ઓછી છે.સાથે જ સરકારે જુની યોજાનો બંધ કરી ખેડુતોનાં કાંડા કાપ્યા છે. સાથે સરકાર દ્વારા ખેડુતોને યોગ્ય સહાય આપવાની માંગ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, પદુભા પરમાર, ધર્મેન્દ્રસિંહ ,સહદેવસિંહ સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા. ખેડૂત આક્રોશ યાત્રા મૂળીથી ગઢાદ અને ત્યાથી થાન તરફ જઇ રહી હતી તે દરમિયાન ગઢાદ ગામની સીમમાં મગફળી કાઢી રહેલ ખેડૂતને નેતાઓ મળી નુકશાનીની વ્યથા સાંભળી હતી.
BLOની કામગીરી:કચ્છના નાના રણમાં વરસાદથી રસ્તો બંધઅગરિયાની મતદાન ફોર્મની કામગીરી ઘોંચમાં
સુરેન્દ્રનગર જિલ્લાના 1518 મતદાન મથકોના 14,81,991 મતદારોના ઘેર ઘેર જઈ બીએલઓ એન્યુમેરેશન ફોર્મ ભરાવી રહ્યાં છે, ત્યારે કચ્છના નાના રણમાં વરસાદના કારણે રસ્તો બંધ છે, એટલે મીઠું પકવતા 3500 અગરીયા પરિવારોની એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી ઘોચમાં પડી છે. જો અગરીયા સમુદાય સમયસર આ એન્યુમેરેશન ફોર્મ નહીં ભરી શકે તો એમના અસ્તિત્વ પર જ ખતરો ઉભો થયો છે. ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો - 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા, અને 64-ધ્રાંગધ્રામાં તા. 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સુધારણા કાર્યક્રમના ''''એન્યુમેરેશન'''' તબક્કા અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 1518 મતદાન મથકો પરના 1518 બુથ લેવલ ઓફિસરો દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત શરૂ કરવામાં આવી છે. જેઓ દ્વારા કુલ 14,81,991 મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ આપવાનું શરૂ કરાયું છે. આ કામગીરી તા.4/12/2025ને ગુરુવાર સુધી ચાલશે. ત્યારે કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લાના 44 ગામોના અંદાજે 3500 અગરીયા પરિવારો રણમાં મીઠું પકવવા ગયા બાદ રણમાં ગત 28, 29 અને 30 ઓક્ટોબર એમ સતત ત્રણ દિવસ મુશળધાર વરસાદ ખાબકતા અગરીયા સમુદાયની મહેનત પાણીમાં ગઈ હતી. ત્યારે એકબાજુ રાજ્ય સરકારે ખેડૂતોને કમોસમી માવઠાના કારણે અંદાજે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જયારે મીઠું પકવતા અગરીયા સમુદાયને રાતી પાઈ પણ સહાય ન ચૂકવી છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરીયા સમુદાય પર ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય એમ હાલ રણમાં જવા-આવવાનો રસ્તો ઠપ્પ છે, ત્યારે મીઠું પકવતા 3500 અગરીયા પરિવારોની એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી ઘોંચમાં પડી છે. જો અગરીયા સમુદાય સમયસર આ એન્યુમેરેશન ફોર્મ નહીં ભરી શકે તો એમના અસ્તિત્વ પર જ ખતરો ઉભો થયો છે. તંત્ર દ્વારા આ બાબતે આયોજન કરી કામગીરી હાથ ધરવામાં આવે એવી અગરીયા સમુદાયની માંગ છે.
સાયલા તાલુકાના છેવાડાના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ધજાળા પોલીસને બાતમી મળી હતી. આ બાબતે નાના હરણીયા ગામના ઝાપડિયા પરા પાસે પસાર થતાં વોકળાના કાંઠે ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દેશી દારૂ ની ભઠ્ઠીએ પોલીસે રેડ કરી હતી. જેમાં અમરભાઈ બાબુભાઈ તડવી, કમલેશભાઈ ભરતભાઈ ભીલ અને ઇકો કારના ચાલક અજયભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન ઠંડો તેમજ ગરમ આથો 6,200 લીટર કિંમત રૂપિયા 1,55,000 તેમજ 30 જેટલા બેરલ, કેરબામાં ભરેલો ઠંડો તેમજ ગરમ દેશી દારૂ લિટર 910 કિંમત રૂપિયા 1,82,000 તથા દેશી દારૂ ભરવા આવેલ ઇકો ગાડી કિંમત રૂપિયા 2 લાખ તેમજ બાઈક કિંમત રૂપિયા 20,000 અને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવામાં આવેલ સબ મરસીબલ મોટર કિંમત રૂપિયા 3000 સહિત કુલ રૂપિયા 5,42,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. ઇકોકારના ચાલકની પૂછપરછ દરમિયાન વિછીયા ગામના વિજયભાઈ ઉર્ફે પીન્ટુભાઇ ઉકાભાઇ રાજપરા વાળાની ઇકો કાર લઈ નાના હરણીયા ગામે દેશી દારૂ ભરવા માટે મોકલેલો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાઈક નાના હરણીયા ગામના સંજયભાઈ ઝાપડિયાનું હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા નાના હરણીયા ગામના જયરાજભાઇ ખાચર અને સંજયભાઈ ઝાપડિયા સાથે મળી ભાગમાં ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પાક નુકશાન વળતર પેકેજને મિશ્ર પ્રતિસાદ:ભાગીયા ખેડૂતોને પણ જેટલું નુકસાન તેટલું વળતરની માંગણી
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગષ્ટમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાદ હાલ સરકાર દ્વારા 10 હજાર કરોડના સહાયની જાહેરાત કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા આ સહાયને સરકારની સહાયને ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ રહ્યો છે. ક્યાંક ખેડૂતોએ આવકારી છે તો ખેડૂતોએ દરેકને વળતર મળે પૂરતું વળતર મળે સાથે ખેડૂતોના દેવા માફ થાય તથા ખેડૂતોને આગામી સિઝન જે વાવેતરની ચાલુ થવા જઇ રહી છે. તેમાં બીજ અને ખાતરના ભાવોમાં પણ ઘટાડો જો કરવામાં આવે તો ખેડૂતોને સાચી સહાય મળે તેમ કહી શકાય તેમ જણાવ્યું હતું. ભાગવી જમીન રાખનારને સૌથી વધુ નુકસાન જિલ્લામાં અનેક ખેડૂતો ભાગવી જમીન રાખીને ખેતી કરી રહ્યા છે. મજૂરી ભાગે રાખતા ખેડૂતોએ મહા મહેનત કરી પાક તૈયાર કર્યા બાદ માવઠુ આવ્યુ છે.આમ ખેડૂતોની મજુરી એળે ગઇ છે.તેની સામે સહાય ઓછી કહેવાય. > પ્રતાપભાઇ પરમાર આટલામાં તો ખાતર અને ખર્ચના પણ ન નિકળે રાજ્ય સરકારે હાલ પાક નુકશાની સહાય જાહેર કરી છે જેમાં પ્રતિ હેક્ટર દીઠ જે રૂ.22,000 સહાય આપવામાં આવનાર છે.આટલામાંતો ખેડૂતોએ કરેલા ખાતર, વાવેતર ખર્ચ સહિત નાનામોટા ખર્ચા પણ નિકળે તેમ નથી 100 ટકા નુકશાન હોય તો પુરેપુરી સહાય મળવી જોઈએ. > ગણપતભાઇ પટેલ ખાતર બિયારણમાં ભાવો ઘટાડો કરી શિયાળુ પાક વાવેતરમાં ખેડૂતોને મદદ કરાય સરકારે જે પેકેજ જાહેર કર્યુ તે ખેડૂતોને પુરતુ વળતર મળ્યુ નથી અમારી માંગણી ખેડૂતોના સંપુર્ણ દેવા માફીની છે.ખેડૂતોને કેટલા પૈસા મળે તેના પર અમારી નજર છે ખેડૂતોની માંગણીછે ખાતર બીયારણમાં ભાવો માં ઘટાડો કરી ખેડૂતોને મદદ કરવામાં આવે જેથી આગામી શિયાળુ વાવેતરમાં મદદરૂપણ થવુ જોઇએ. > વિક્રમસિંહ ડોડીયા ખેડૂતોને ફરી ખેતી તરફ વાળવા મદદરૂપકમોસમી વરસાદને કારણે જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. આ નુકસાનની સામે સરકારે જાહેર કરી છે તે ખેડૂતોને મોટી રાહત આપશે. આ સહાય ખેડૂતોને આર્થિક રીતે સધિયારો પૂરો પાડશે અને તેમને ફરીથી ખેતી તરફ વળવા માટે મદદરૂપ થશે. ખેડૂતોને થયેલા નુકસાનની થોડી ઘણી ભરપાઈ થઈ શકશે. > આનંદભાઈ મોરી
થાનગઢની અંદર વેપારી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તે થાનગઢની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકળ બની જતી હતી. થાનગઢની અંદર લોક દરબારમાં વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. લીમડીના ડિવાએસપી વિશાલ રબારી થાનગઢના નવા આવેલ પીઆઈ અને થાનગઢ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 100થી પણ વધારે વાહનને દંડ કરવામાં આવ્યો હતો અને કાળી કાચ ગાડીને ડીટેઇન કરવામાં આવી હતી. કડક શબ્દમાં સૂચના દેવામાં આવી હતી કે જો હવે ક્યાંય પણ આવી રીતે દેખાવમાં આવશે તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સતત છઠ્ઠા દિવસે પણ ચેકિંગ હોવાના કારણે અનેક લુખ્ખા અને માથાભારે શકસો પીપળાના ચોકની અંદર સ્કુટર માથે લાંબા થઈને અડો જમીને બેસી રહ્યા હતા કે લોકો હવે ક્યાંય દેખાયા ન હતા. ત્યારે થાનગઢના ન્યુવેપારી એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ કોટેચા અને ભરતભાઈ મકવાણા મુસાભાઇ પાનવાળાને રાકેશભાઈ કણજારીયા જણાવ્યું હતું કે આવી રીતે કાર્યવાહી થતી રહે તો વેપારીઓ શાંતિથી ધંધો કરી શકે.
લીંબડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં મુશ્કેલી થતી હોવાનો આક્ષેપ કર્યા હતા.અને લાઇનોમાં ઉભા રહેવા છતા પાછ ન નિકળતા હોવાથી મુશ્કેલી દુર કરવા માંગકરી હતી. લીંબડી એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભા રહે છે, પરંતુ તેમને પાસ મળી રહ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પાસ કઢાવવા માટે તેમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે બહાર જવું પડે છે. આ ઉપરાંત, ડેપોના કર્મચારીઓ દ્વારા પાસની બારી નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ કરી દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.આ પરિસ્થિતિને કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ડેપોના કર્મચારીઓ સામે હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ એસ.ટી. વિભાગના કર્મચારીઓની મનમાની સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.વિદ્યાર્થીઓએ તાત્કાલિક ધોરણે તેમના બસ પાસ કાઢી આપવાની માંગ કરી છે, જેથી તેમને અભ્યાસ અર્થે અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ કરી હતી. સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છેબારી ખુલવાના સમય 9 છે પણ 10 વાગ્યે ખુલે છે બપોરે 1 વાગ્યે બારી બંધ હોય છે.બપોરે લાઇનમાં ઉભા રહી તો છેક સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે ફોર્મ દુકાને બહાર ભરવાનુ સહિ સીક્કા શાળાએ થયા બાદ અહીં લાઇનમાં ઉભા રહેવુ પડે છે.ત્રણ દિવસથી ધક્કા ખાઇ એ છીએ હેરાનગતી થાય છે. સીધી વાતસવાલ - પાસમાં થાય છે શું કહેશોજવાબ-બારી સમયસર જ ખુલે છે સવાલ - વિદ્યાર્થીઓને આખો દિવસ લાઇમાં ઉભા રહેવુ પડે છેજવાબ-સરકારે ઓનલાઇન સીસ્ટમ ચાલુ થઇ છે ઓનલાઇન ફોર્મ ભરી શાળા અપ્રુવ કર્યે પાસ નીકળે છે સવાલ - વિદયાર્થીની મુશ્કેલી દુર કરવા શુ કરશો જવાબ-વિદ્યાર્થીની મુશ્કેલી દુર થાય માટે નવુ બીજુ નવુ કાઉન્ટર પણ શરૂ કરાશે એમ.એન.મહંત, ડેપો મેનેજર
ધ્રાંગધ્રા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઝાલાવાડ મુલતાની જમાત આયોજિત ચતુર્થ સ્નેહ મિલન સમારોહ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પીર એ તારીકત બાબાબાપુ તથા જહીરબાપુ તેમજ સુરેન્દ્રનગર વિસ્તારના સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ડો.મેરૂભાઈ ટમાલીયા, મૈત્રી વિદ્યાપીઠના મંત્રી જયશ્રીબેન દેસાઈ, મલ્ટી ડોટ કંપનીના સીટીઓ અસલમભાઈ મુલતાની તેમજ 84 મુલતાની જમાતના પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઝાલાવાડ મુલતાની જમાતના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ કે જેઓએ 60 ટકાથી ઉપર મેળવેલ હોય તેમજ રમતવીરો, વિશેષ સન્માન, નિવૃત સન્માન હજ તેમજ ઉમરા કરેલા. હાજી સાહેબનો સન્માન કુલ 160 વિદ્યાર્થીઓનું સન્માન સમાજના દાતાઓ દ્વારા સ્કુલ બેગ ડોક્યુમેન્ટ ફાઈલ પેડ વોટર બેગ ડોમ્સ કીટ કેલ્ક્યુલેટર ડ્રોઈંગ બુક સ્કેચ પેન વોટર બેગ મળી કુલ 1300થી 1400 રૂપિયાની વસ્તુ સ્વરૂપે સમાજના 160 તેજસ્વી તારલાને સન્માન કરી લોકસાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ યાસીનભાઈ મુલતાની, સેક્રેટરી ઇલિયાસભાઈ તેમજ ઓડિટર રસિકભાઈ તેમજ જમાતના તમામ કારોબારી સભ્ય દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભોગાવા નદી કાંઠે 140 વર્ષ પહેલા મદનમોહન લાલજીની હવેલી સ્થપાયી હતી. આ હવેલી જર્જરિત બનતા રૂ. 4 કરોડના ખર્ચ નવી બનાવાઇ છે. આથી વઢવાણ ખાતે રવિવારે 140મો પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા હતા. વઢવાણમાં પ્રાચીન મદન મોહન હવેલી જર્જરિત બની હતી. આથી હવેલીનું રૂ. 4 કરોડના ખર્ચે નવ નિર્માણ કરાયું છે. ભોગાવા નદી કાંઠે 140 વર્ષથી મદન મોહનજી હવેલીમાં પૂજા પૂજન થાય છે. ત્યારે તા. 9- 11-2025ને રવિવારે મદનમોહન લાલજીની હવેલીમાં 140મો પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરાઇ હતી. જેમાં વૈષ્ણવો દ્વારા સુંદર ભગવત કથાનું આયોજન કરાયું હતું. તેમાં સવારે છાક મનોરથના દર્શન તેમજ સાંજે કેસરિયા મંડળી દ્વારા વધાય કીર્તન થયા હતા. જ્યારે રાસનું આયોજન સુંદર કરાયું હતું. ત્યારબાદ કેસરી ઘટાના દર્શનનો 5000 વૈષ્ણવનો આનંદપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ વૈષ્ણવોએ પ્રસાદ લઈને વૈષ્ણવો આનંદ પામ્યા હતા. આગામી બુધવારે છપ્પન ભોગ ધરાવવામાં આવશે. આ પાટોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યઓ જહેમત ઉઠાવી હતી. આ તકે વઢવાણમાં મદનમોહન લાલજીની નવી હવેલી બનાવવામાં આવી હતી. મદનમોહન લાલ નવી હવેલીમાં ઠાકોરજીને બિરાજમાન શ્યામ મનોજ બાવાની આજ્ઞા અનુસાર મદન મોહનલાલ પ્રભુને નીજ મંદિરમાં બિરાજમાન થયા તેવી જાહેરાત કરાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર જિલ્લાની એક માત્ર ઇન્ટર સ્પેટર વાહન દોડી રહ્યુ છે. જે દિવસ દરમિયાન નેશનલ હાઇવે તેમજ બ્લેકસ્પોટ સ્થળો પર સતત પેટ્રોલિંગ કરે છે. ત્યારે છેલ્લા 2 માસમાં હાઇવે પર 100થી વધુની સ્પીડને નીકળેલા 830 વાહચાલકોને રૂ.19.89 લાખના ઇ-ચલણ અપાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એલ.બગડા, વી.ડી.રાણા, ભુપેન્દ્રસિંહ રાણઆ, જનકસિંહ ઝાલા સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. આ વાહન દિવસ દરમિયાન નેશનલ હાઇવે ઉપર બ્લેકસ્પોટ ઉપર સતત પેટ્રોલિંગ કરી રહ્યુ છે. ત્યારે જિલ્લાના જુદા જુદા માર્ગો પર કાર્યવાહી કરતા 100થી વધુની સ્પીડમાં કાર સહિતના વાહનો નિકળ્યા હતા. ત્યારે 2025ના સપ્ટેમ્બર માસમાં 401 ચાલકોને રૂ. 9,62,000ના ઇ-ચલણ ફટકાર્યા હતા. આ ઉપરાંત 2025ના ઓક્ટોબર માસમાં 429 ચાલકોને રૂ. 10,27,000ના ઇ-ચલણ આપવામાં આવ્યા હતા. જિલ્લાના નેશનલ હાઇવે પર બે માસમાં 100થી વધુની સ્પીડમાં નીકળેલા 830 ચાલકોને રૂ. 19.89 લાખના ઇ-ચલણ ફટકારાયા હતા. અકસ્માતના ગુના ઉકેલવામાં ઇન્ટરસેપ્ટર માહિર ઈન્ટરસેપ્ટર એ એવું વાહન છે કે જે અકસ્માત ન થાય તેની કાળજી રાખવી, અકસ્માત થયો હોય તો ઘટના સ્થળે પહોંચવુ, જેમાં ઇજાગ્રસ્તોને દવાખાને સારવાર માટે લઇ જવાની કાર્યવાહી, નિયમોનો ભંગ કરતા વાહનો ડિટેઇન કરવા, કયા કારણોસર અકસ્માત થયો છેે. તેની તપાસ કરી જે તે વિભાગને ખામી દૂર કરવા જણાવવું વગેરે કામગીરી કરે છે. ઇનોવામાં 3 લોકોની ટીમ હોય છેટ્રાફિક શાખાના વી.ડી.રાણાએ જણાવ્યું કે, આ વાહનમાં જમાદાર, કોન્સ્ટેબલ તેમજ ડ્રાઇવર સહિત 3 લોકોની ટીમ હોય છે. હાઇવે પરથી 100થી વધુ સ્પીડમાં વાહન નીકળે એટલે મશીન દ્વારા જ વાહનનો ફોટો પડી જાય છે. જેમાં નંબર પ્લેટ તેમજ વાહનનો ફોટા સાથે ઓનલાઈન ચલણ તૈયાર થઇ જાય છે.
અમદાવાદ પશ્ચીમ રેલ્વે અધિક્ષક રેલ્વે પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્શપેક્શન માટે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કચેરી તથા શાખાઓનુ નોટરીડીંગ બાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન માટે પશ્ચીમ રેલ્વે અમદાવાદના અધિક્ષક યશપાલ જગાણીયાનુ સુરેન્દ્રનગરમાં આગમન થયુ હતુ.તેઓ પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. તેઓએ રેલ્વે પોલીસ સ્ટેશન કચેરી તથા શાખાઓનું નોટરીડીંગ બાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જયાં પીઆઇ એચ.કે.શ્રીમાળી ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મીઓ સાથે સંવાદ કરી પોલીસ સ્ટેશન કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. જ્યારે રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લઇ મુસાફરોની સુરક્ષા સહિત કામગીરીની તપાસ પણ કરાઇ હતી.
સટ્ટોડીયાઓ ઝડપાયા:સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત એપની મદદથી મોબાઇલમાં સટ્ટો રમતાં 2શખસ પકડાયા
સુરેન્દ્રનગરમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમીને અનેક લોકો બરબાદ થઇ ગયા છે તેમ છતા હજુ પણ લોકો આ લત મુકતા નથી ત્યારે પ્રતિબંધ હોવા છતા સીજે હોસ્પિટલ પાસે જાહેર રસ્તા ઉપર બેસીને એપની મદદથી મોબાઇલમાં સટ્ટો રમતા બેને પોલીસે પકડી લીધા હતા. સીજે હોસ્પિટલ સામે જાહેરમાં બેસીને બે જણા મોબાઇલમાં સટ્ટો રમતા હોવાની હકીકત મળતા સિટી એ ડિવિજન પોલીસના વિજયસિંહ પરમાર અને ધવલસિંહે દરોડો પાડીને રાહુલ કનૈયાલાલ રાઠોડ અને ગૌતમ ગોવિંદભાઇ મુંધવાને પકડી લીધા હતા.તેમના મોબાઇલની તપાસ કરતા ઓલપેનલ777 અને જોર્ડન 245નામની એપથી મોબાઇલ નંબરને આધારે બંને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હતા. પ્રતિબંધ હોવા છતા આ એમ તેમની પાસે ક્યાંથી આવી તેની પોલીસે તપાસ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઈડખાનગી એપમાં પૈસા આપી લોગઇન મેળવી સટ્ટો રમાય છેકેન્દ્ર સરકાર દ્વારા ટીટ્વેટટી ટુર્નામેન્ટોમાં ઓનલાનઇ એપ જેમાં કાયદેસર રીતે અમુક રકમ રોકી ટીમ બનાવી સટ્ટો રમાતો હતો.તે તમામ એપને હાલ ગેરકાયદેસર જાહેર કરી પ્રતિબંધીત કરાઇ છે. આવી એપોમાં સટ્ટોડીયાઓ ચોપડે નોંધ કરીને પણ સટ્ટો રમતા હોય છે.ઓનલાઇન એપ પ્રતિબંધીત થતા હાલ સ્ટોડીયાઓએ નવો કિમીયો અપનાવ્યો જેમાં ખાનગીએપ જે અનઅધીકૃત બ્રાઉઝરોમાં સર્ચ કરી ડાઉનલોડ થાયઅને તેમાં પેસા આપી યુઝર પાસવર્ડ આધારે સટ્ટો રમાય જે માત્ર લોગઇન મેળવનાર જ જોઇ શકે આમ સટ્ટો રમનાર પકડવો મુશ્કેલ બને છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરમાં માવઠું પડતાં પાકને અસર થઇ હતી. હાલ વાવાઝોડાની અસર ઓછી થતાં એક સપ્તાહથી માવઠાંને બ્રેક લાગી છે. ત્યાં કાશ્મીરમાં હિમવર્ષાને લઇ ઠંડીનો દૌર શરૂ થયો છે. 10 દિવસમાં લઘુત્તમ પારો 7 ડિગ્રી ગગડી 17 પહોંચ્યો છે. ઠંડીની અસર થવા સાથે જિલ્લામાં શિયાળુ વાવેતર શરૂ થયુ છે. હાલ ચણાનુ વાવેતર સૌથી વધુ 3600 હેકટર થયુ છે.જ્યારે ઘઉં જ્યાં પિયત વિસ્તાર છે ત્યાં જ 441 હેકટરમાં વાવેતર થયા જ્યારે જીરૂના પાકમાં હજુ ઠંડીની વધુ પડવાની રાહ હોય તેમજ 245 હેક્ટરમાં જ વાવેતર થયુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષ ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે અને ઠંડીના દિવસો લાંબા ચાલે તેમ છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી પડશે. જે શિયાળુ પાક માટે ઉત્તમ છે. નિવૃત્ત ખેતીવાડી અધિકારી જનકભાઇ કાલોત્રાએ જણાવ્યું હતું કે, હાલ પડેલા વરસાદથી જો ખેતરમા પાણી હોય તો તેનો નિકાલ કરવો. જો ઠંડી પડવાની આગાહી હોય તો જેટલી ઠંડી વધુ પડે તેટલો શિયાળુ પાકના વાવેતરને ફાયદો થાય તેમ છે. હવે 5 દિવસ બાદ ઠંડી જોર પકડશેદર વર્ષે શિયાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાના ચાર માસ દરમિયાન 30થી 50 દિવસ કડકડતી ઠંડી પડે છે. હાલ પાછોતરો વરસાદ વરસતા આ વર્ષ શિયાળો કડકડતી ઠંડી પડે તેવા દિવસો 60થી 80 દિવસ સુધી લંબાઇ શકે છે. આથી નવેમ્બર મધ્યથી ઠંડીનુ જોર વધશે. જેમાં ઠંડી પારો 17 ડિગ્રીથી નીચે સુધી જશે. ડિસેમ્બર માસ ઠંડી જોર પકડશેે. જેમાં ઠંડીનો પારો 14થી 15 ડિગ્રી સુધી પહોંચી જશે. નવા વર્ષમાં વધુ પારો ગગડવા સાથે 10થી 13 ડિગ્રી સુધી આમ જાન્યુઆરીના અંત સુધી રહેશે. જાન્યુઆરી અંતમાં પુરો થતો શિયાળો આ વર્ષ ચોમાસુ લંબાતા ફેબ્રુઆરી અંત સુધી લંબાઇ શકે છે. > રમેશભાઇ ગોસાઇ, હવામાન નિષ્ણાંત, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર પાક વાઈઝ વાવેતર તાલુકા વાઈઝ વાવેતર
લીંબડી તાલુકાના પાણસીણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે કટારીયા પાસે આવેલી રાજખોડલ હોટલમાં રેડ કરી હતી. જેમાં લીંબડીના વિલાસબેન મનુસિંહ બસન રાજખોડલ હોટલ ભાડેથી રાખેલ હોય તે હોટલમાં ચોરી કે છળકપટથી મેળવેલા ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો કેરબામાં ભરી પોતાની હોટલમાં સંતાડતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી નાના મોટા પ્લાના કેરબા કુલ ગેરકાયદે 60 લીટર ડિઝલ મળી આવ્યુ હતુ. આ બનાવમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામના 44 વર્ષના જગદિશભાઇ ભાઇલાલભાઇ ભોઇ તેમજ સંજીવની હોટલ પાછળ શકીનાબાગ સોસાયટી લીંબડીના 58 વર્ષના વિલાસબેન બસન હાજર મળી આવ્યા હતા. બંને સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. આ બનાવમાં રૂ. 5400ની કિંમતનું 60 લીટર ડિઝલ, રૂ. 15 લાખની ટ્રક, રૂ.5000નો મોબાઇલ સહિત કુલ રૂ. 15,10,400નો મુદામાલ જપ્ત કરાયો હતો.
હાલ આધુનીક સમયમાં યુવાનો નાની ઉમરમાં રમત ગમત જીવનમાંથી દુર થતા શરીર રોગોના ઘર બની જતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના સિનિયર સીટીઝન એથ્લીટો અનેક લોકોના માટે પ્રેરણા રૂપબની રહ્યા છે. થાનગઢના દેવેન્દ્રભાઈ વોરા ઉર્ફે દકાભાઈ જેમને ગુજરાત લેવલની સ્પર્ધા સિનિયર સિટીઝનની જેમાં છેલ્લા છ વર્ષથી ભાગ લેશે. ખરેખર ગોળા અને ચક્ર ફેંકમાં સતત છ વર્ષથી ભાગ લે છે. આ વખતે સાપુતારાની અંદર 350 સીનીયર સીટીઝન સ્પર્ધાત્મક ગોળાફેક ચક્ર ફેકમાં ગોલ્ડ મેડલ મળેલ છે. નેશનલ લેવલે જે સિનિયર સિટીઝન રમવા જઇ રાજ્યનુ પ્રતિનિધીત્વ કરનાર છે. દેવેન્દ્રભાઈએ જણાવ્યુ કે, 40 વર્ષથી હાઈસ્કૂલની અંદર પાંચ વાગે સતત કસરત કરવા જાય છે એમને એનસીસી કેડર હોય અથવા કોઈપણ સ્પોર્ટ્સ વિદ્યાર્થી હોય વગર વેતને વિદ્યાર્થીઓને સ્પોર્ટની અંદર કેવી તૈયારી હોવી જોઈએ કે તેમના અનુભવ શેર કરે છે. કોઈપણ વિદ્યાર્થી હોય તેમને આજે પણ ઓફર છે. તેમને કોઈ પણ જાતનો સ્પોર્ટ્સ લેવલનું શીખવું હોય તો તેઓ પોતે જે સ્પોર્ટ્સની અંદર રમત જાણે છે તે માટે મદદ કરવા તૈયાર છે. તેઓ અત્યારે પોલીસ પીએસઆઇ ફોરેસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.મારે રેડીમેટ કપડાની દુકાન સવારે આ કાર્યક્રમ પતાવીને દુકાને બેસે છું.નવા છોકરા આવે તેઓને હું અત્યારે માર્ગદર્શન મારા અનુભવ પ્રમાણે આપી રહ્યા છે. ‘ખાવા માટે જીવતો‘ નથી જીવવા માટે ખાઉ છું’ તે મંત્રએ સફળતા અપાવી મારી 68 વર્ષની ઉંમરમાં ઘણા લોકોને મેં ટ્રેનિંગ આપેલ છે જેને ટ્રેનિંગ આપેલ છે તેઓ અત્યારે પોલીસ પીએસઆઇ ફોરેસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.મારે રેડીમેટ કપડાની દુકાન સવારે આ કાર્યક્રમ પતાવીને દુકાને બેસું છું.નવા છોકરા આવે તેઓને હું અત્યારે માર્ગદર્શન મારા અનુભવ પ્રમાણે આપુ છું. દૈનીક જીવનમાં મધ લીંબુ ઠંડા પાણીની અંદર સવારે સેવન કરું છું પછી કસરત કરું છું પૂરતી ઘણી રહે છે તેનો અનુભવ છે ખોરાક શરીરને જરૂર પૂરતો જ આપું છું આથી શરીર તંદુરસ્ત રહે છે ખાવા માટે જીવતો નથી જીવવા માટે ખાવ છું તે મંત્રનો પૂરેપૂરો પાલન કરું છું. > દેવેન્દ્રભાઈ વોરા ઉર્ફે દખાભાઈ, સિનિયર એથ્લીટ
ભાસ્કર બ્રેકિંગ:સુરેન્દ્રનગરમાં 30 હજાર શ્વાન, નિયંત્રણ રાખવા રસીકરણ, ખસીકરણ હાથ ધરાશે
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોઇ પણ શેરીએ જાવ તમને કુતરાના ઝુંડ જોવા મળશે.અને દિવસ દરમિયાન ભસતા રહેતા કુતરાથી લોકો તોબા પોકારી ગયા છે.આટલુ જ નહી પરંતુ ખુખાર કુતરા લોકોને ફાડી ખાવાના બનાવો પણ વધી રહયા છે.ત્યારે મહાનગર પાલિકાએ શહેરમાં રખડતા કુતરાને પકડીને તેનુ ખસીકરણ અને રસીકરણ કરવાનું આયોજન કર્યુ છે. સુરેન્દ્રનગરમાં દિવસેને દિવસે રખડતા કુતરાની સંખ્યા વધતી જાય છે.શહેરમાં અંદાજે 30 હજારથી વધુ રખડતા કુતરા હશે.આ કુતરાનું ખસીકરણ કરવામાં આવ્યુ ન હોવાને કારણે તેમની વસતી નિયંત્રણમાં રહેતી નથી.તેમને રસી ન આપેલી હોવાને કારણે લોકોને ફરજીયાત ઇન્જેકશન લેવા પડે છે. આ માટે મનપાએ શહેરમાં રખડા કુતરાને પકડીને તમને રસી આપવાની સાથે ખસી કરણની કામગીરી કરવાનો પ્રોજેકટ અમલી બનાવ્યો છે.તેના માટે ટેન્ડરની કામગીરી ચાલી રહી છે. જે પુર્ણ થઇ ગયા બાદ કૃષ્ણ નગર ખાતે હાલ જયા પશુ રાખવામાં આવે છે ત્યા અલગથી કુતરા માટે સેડ બનાવવામાં આવશે.ટેન્ડર સહિતની કામગીરી પુર્ણ થઇ ગયા બાદ એજન્સીને કામ સોપવામાં આવશે. આ કામ માટે હાલ મનપાએ એક પશુ ડોકટરની પણ નિમણુંક કરી દીધી છે.સર્વે કરીને આ પ્રોજેકટમાં કેટલો ખર્ચ થશે તેની વિગતો આવ્યા બાદ મનપા બજેટની ફાળવણી કરશે. ભાસ્કર ઇનસાઈડમહિને 200 લોકોને કૂતરા કરડે છેસુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય રીતે મહિને 200 લોકોને કુતરા કરડવાના બનાવ બને છે.તેના માટે એક વ્યકિતએ 4 ઇન્જેકસન લેવાના હોય છે.આમ એક વ્યકિત પાછળ રૂ.1500 જેટલો ઇન્જેકશનનો ખર્ચ થાય છે. કયારેક ઇન્જેકશન ન હોય ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

23 C