પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી મ.ક.જીમખાનાના નવા હોદ્દેદારોની વરણી રવિવારે જનરલ સભામાં કરવામાં આવી. નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વહીવટી પ્રમુખ તરીકે ચિંતનભાઈ પ્રજાપતિની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી. રમતગમત ક્ષેત્રમાં સક્રિય યોગદાન ધરાવતા ચિંતનભાઈની નિમણૂકથી પાટણના રમતવીરોને પ્રોત્સાહન મળશે તેવી આશા સ્થાનિક ખેલાડીઓએ વ્યક્ત કરી છે. જીમખાનાના અન્ય મહત્વના હોદ્દેદારોમાં જગદીશભાઈ આર. પટેલ (વાસુભાઈ)ને વહીવટી ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિલેશભાઈ એન. પટેલને મહામંત્રી અને અરવિંદભાઈ જી. પટેલને સહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કારોબારી સમિતિના સભ્યો તરીકે મનોજભાઈ કે. પટેલ, અજયભાઈ બી. પટેલ, જયપ્રકાશ એમ. પટેલ, સુમિતભાઈ પ્રજાપતિ, અજયભાઈ મોદી, જીગરભાઈ મહેતા, હાર્દિક રાવલ, રાકેશભાઈ પટેલ, વિકાસ પટેલ, આશિષભાઈ તન્ના, રણછોડભાઈ પટેલ, ઉત્તમભાઈ ડોડીયા અને મુકેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરેના સરદાર પટેલ વિશેના વિવાદાસ્પદ નિવેદન સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. રેશમા પટેલે જણાવ્યું કે સરદાર પટેલે દેશના અનેક રાજ્યોને જોડીને અખંડ ભારત બનાવ્યું. તેમના માટે આજે દરેક ભારતીય સન્માન ધરાવે છે. રાજ ઠાકરેનું નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, સમગ્ર દેશનું અપમાન છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જે પક્ષ સરદાર પટેલના નામે રાજકારણ કરે છે, તે આજે મૌન કેમ છે. રેશમા પટેલે રાજ ઠાકરે વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવાની માંગ કરી છે. તેમણે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો ગુજરાતમાં આવીને આવું નિવેદન કરી બતાવે. રેશમા પટેલે વધુમાં કહ્યું કે રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં પોતાની રાજકીય સ્થિતિ બચાવવા પ્રાંતવાદ અને ભાષાવાદનું રાજકારણ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી અને ભાજપ નેતાઓને સવાલ કર્યો કે સરદાર પટેલના નામે મત મેળવનારી પાર્ટી આજે આ મુદ્દે મૌન કેમ છે. જો રાજ ઠાકરે સામે કડક પગલાં નહીં લેવાય તો તે દરેક ગુજરાતીની અવગણના ગણાશે.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ ડી. સી. પટેલ નવનિર્માણ કેમ્પસ, સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી CBSE બોર્ડમાં પ્રથમ વખત ક્લસ્ટર ટુર્નામેન્ટ - 2025 યોજાશે. 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીની નેશનલ યોગા ટુર્નામેન્ટમાં દેશભરના CBSE બોર્ડના વિદ્યાર્થી ભાગ લેશે. વિદ્યાર્થીઓ માસિક અને શારીરિક રીતે સ્વસ્થ થાય તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઘર આંગણે પ્રથમ વખત આખી ટુર્નામેન્ટનું આયોજન થતાની સાથે જ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. 14,17,19 વય કેટેગરીમાં છોકરો-છોકરી ભાગ લેશેસુરતના આથાણ વિસ્તારમાં એક જ શાળાની અંદર બંને ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 31 જુલાઈથી 3 ઓગસ્ટ, 2025 સુધી નેશનલ યોગા ટુર્નામેન્ટ યોજાશે. યોગા ટુર્નામેન્ટમાં ભારત વેસ્ટ ઝોન ,ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી કુલ 600 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં વિવિધ અંડર 14,17,19 વય કેટેગરીમાં છોકરો-છોકરી ભાગ લેશે. સુરત શહેરના કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. 5થી 8 ઓગસ્ટ, 2025 સુધી વોલીબોલ ક્લસ્ટર ટુર્નામેન્ટ યોજાશે, જેમાં કુલ 60થી વધુ ટીમ, સુરતની 20થી વધુ ટીમ અને સુરત બહાર 40થી વધુ ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં 650થી વધુ ખેલાડીઓ જેમાં વિવિધ અંડર 14, 17, 19 Age કેટેગરીમાં છોકરો-છોકરી ભાગ લેશે. બન્ને ટુર્નામેન્ટ શાળાના કેમ્પસમાં જ યોજાશેડી.સી. પટેલ નવનિર્માણ કેમ્પસ, સી.બી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમીના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગિજુભાઈ પટેલના સાથ સહકારથી આ પ્રથમ વખતના પ્રયાસ સફળ બન્યો છે. નંદુબા ઇંગલિશ એકેડેમીની પ્રિન્સિપલ ડોકટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા દિલ્હી ખાતે CBSE બોર્ડના સ્પોર્ટસ હેડ ડોકટર મનજીત સિંહને મળીને રજૂઆત કર્યા પછી આ મહત્વનો નિર્ણય લેવાયો. કારણ કે તેઓ દ્વારા નંદુબા ઇંગલિશ એકેડેમીના કેમ્પસની તપાસ તેમજ તમામ સુવિધા ઉપલબ્ધ છે, તેવું નીરક્ષણ કરી આ ક્લસ્ટર ટુર્નામેન્ટની મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કમિશન દ્વારા કરવાની સોશિયલ ઓડિટની પોલીસી નક્કી કરવા માટે તેમજ સોશિયલ ઓડિટનો રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ બાળ સંરક્ષણ આયોગની રચનારાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કેસમાં અપાયેલા નિર્દેશ મુજબ સોશિયલ ઓડિટની પોલિસી બનાવી છે, પરંતુ સોશિયલ ઓડિટ કરવાનું બાકી છે. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે, બાળ સંરક્ષણ આયોગની રચના પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ છે, વળી પાછલા કેટલાક સમયથી સોશિયલ ઓડિટ પણ થયું નથી. બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેની પહેલી જવાબદારી સોશિયલ ઓડિટની છે, જે બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હવે આયોગ કહે છે કે તે એક વર્ષ બાદ સોશિયલ ઓડિટ કરશે! સોશિયલ ઓડિટનું ફોર્મેટ 18 માર્ચ, 2025ના રોજ મંજૂર થયું હતુંસરકારે આયોગનો 20 ઓક્ટોબરથી, 31 જાન્યુઆરી સુધીનો ક્વાર્ટરલી રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે, ચાઇલ્ડ કેર સંસ્થાનો બરોબર કામ કરે છે કે નહીં તે જોવાનું કામ કમિશનનું છે, પણ તે વિશે કોઈ બાબત જણાવાઈ નથી. સોશિયલ ઓડિટનું ફોર્મેટ 18 માર્ચ, 2025 ના રોજ મંજૂર થયું હતું. ત્યાર પછી પણ સોશિયલ ઓડિટ કરાયું નથી. કમિશન દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલિસ, ચિલ્ડ્રન હોમ, એડોપ્શન એજન્સી, શેલ્ટર હોમ, ઓબ્ઝર્વેશન હોમ વગેરેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. સૌથી પહેલા સોશિયલ ઓડિટ કરવું પડે, સતત મોટરિંગથી ભૂલો સુધરે છે. સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથીઆ અરજીમાં અરજદારનો દાવો હતો કે, ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથી. 18 જાન્યુઆરી, 2024ના રોજ ચીફ જજની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન મુખ્ય બાબતોના અમલીકરણ સંદર્ભે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં તે મુદ્દાઓ નોંધ્યા હતા. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015, પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ એક્ટ 2005, પોક્સો એકટની જોગવાઈઓનું અમલીકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું હતું કે, અગાઉ રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન રિટાયર્ડ થયા હતા. ત્યારબાદ નવી નિમણૂક થઈ નથી કે આયોગ અસ્તિત્વમાં નથી. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છેત્યાર બાદની સુનાવણીમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ અને તે તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલના ચાઇલ્ડ રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો હતો અને તેનું એપ્રુવલ બાકી હતું. અરજદારે જણાવ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ પણ કરવાનું હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાજ્યમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ઇન્સ્ટિટ્યૂટ ઉપર દેખરેખ રાખે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે, સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી. સોશિયલ ઓડિટ રિપોર્ટ મિકેનિકલ રીતે ફાઈલ થયો હતોકોર્ટે કહ્યું હતું કે, કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહુ જરૂરી છે. જેનો રિપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમિશન અને રાજ્ય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કમિશનની કામગીરી જુએ છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન રૂલ્સ 2016માં બન્યા છે. દરેક રાજ્યની જવાબદારી બાળકો પ્રત્યે જવાબદારી હોય છે. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કરવામાં આવે છે. અરજદારે જણાવ્યું હતું કે, વર્તમાન કમિશનની રચના પહેલા ફાઈલ થયેલ સોશિયલ ઓડિટ રિપોર્ટ મિકેનિકલ રીતે ફાઈલ થયો હતો. હાઇકોર્ટે નોધ્યું હતું કે જૂવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને પોકસો કોર્ટના જજીસને ટ્રેનિંગ આપવામાં આવે છે. તેવી જ રીતે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને પણ ટ્રેનિંગ આપવી જોઈએ. ફક્ત દર્શાવવા ખાતર નહિ પણ બાળકોના ભલા માટે કામ થવું જોઈએ. કાયદાના અમલીકરણ અંગે શું મોનિટરિંગ થાય?આગાઉની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતું કે, આ બાળ અધિકાર આયોગ બાળકો સંદર્ભના કાયદાના પાલન મુદ્દે વાર્ષિક અહેવાલ સરકારને આપે છે. પરંતુ કમિશન જ ના હોય તો બાળકો સંદર્ભેના કાયદાના અમલીકરણ અંગે શું મોનિટરિંગ થાય? વળી રાજ્યમાં અને દરેક જિલ્લામાં ચાઈલ્ડ પ્રોટેક્શન કમિટી હોવી જોઈએ. જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની જોગવાઈઓની અમલવારી કરી શકાય, બાળ સંરક્ષણ વિભાગમાં બાળકોની સ્થિતિનો તાગ મળી શકે. ગુજરાતમાં 462 જગ્યાઓમાંથી ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ અંતર્ગત 107 જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ સમયસર ભરાવી જોઈએ. ગુજરાતમાં 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન છેજુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએ. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની પણ ખૂબ જરૂર છે. આ તમામનું રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ. RTIમાં માગેલી માહિતી મુજબ ગુજરાતમાં 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન છે. જેમાંથી 3નું રજીસ્ટ્રેશન પ્રોસેસમાં છે. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનમાં 141 જગ્યાઓ ખાલી છે. વળી અનાથાલયોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશિયલ ઓડીટની જરૂર છે. ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીનું સોશિયલ ઓડિટ થતું નથી. ગુજરાત સરકારે બાળકો સામેના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવી જોઈએ.
મોરબીમાં નશામાં ધૂત ડમ્પર ચાલકનો કહેર:સનાળા પાસે ઈનોવા અને કન્ટેનરને અથડાયો, કોઈ જાનહાની નહીં
મોરબી નજીકના સનાળા ગામ પાસે નશામાં ધૂત ડમ્પર ચાલકે બે વાહનોને અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડમ્પર ચાલકે આગળ જતી ઈનોવા કાર અને એક કન્ટેનરને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ઈનોવા કારનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. કન્ટેનર ટ્રકની ડીઝલ ટેંક પણ તૂટી ગઈ હતી. બંને વાહનોને થયેલા નુકસાનને કારણે થોડા સમય માટે સનાળા ગામ પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
108 એમ્બ્યુલન્સ સેવાની માહિતી:AVCT કેમ્પમાં વિદ્યાર્થીઓને ઇમર્જન્સી સેવાઓની સમજ આપી
સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ, ગીતાનગરમાં આયોજિત AVCT કેમ્પમાં Emri Green Health Servicesની પારડી 108 એમ્બ્યુલન્સ ટીમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. EMT માનસી પટેલ, મહેન્દ્ર દેસાઈ અને પાયલોટ યાજ્ઞિક પટેલની ટીમે ઇમર્જન્સી સ્થિતિઓમાં 108ની ભૂમિકા સમજાવી. ટીમે રોડ અકસ્માત અને તાત્કાલિક મેડિકલ ઇમર્જન્સીમાં 108નો સંપર્ક કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી. ચોમાસામાં વધતા સાપ દંશના કેસોમાં 108ની Pre-arrival Instructions અને ANTI SNAKE VENOM INJECTIONની સુવિધા વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી. EMT ટીમે જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન દ્વારા દર્દીઓના જીવ બચાવવામાં આવે છે. ટીમે અંતરિયાળ વિસ્તારોમાં પ્રસૂતિ પીડાના કેસોમાં 108ની કામગીરી વિશે પણ માહિતી આપી. EMT અને પાયલોટની મદદથી એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય અને ઇમર્જન્સી સેવાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો.
રાજકોટમાં રહેતા યુવાનને જામનગરનાં વ્યાજખોરોએ વેપારીમાંથી ડ્રાઇવર બનાવી દીધો છે. 20% વ્યાજ નહીં ભરી શકતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવતા આ હકીકત સામે આવી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા આ યુવાને જામનગરના જગદીશ જેઠવાણી, જયરાજ લૈયા પાર્થ ગઢવી અને ઇમરાન ખેરાણી નામના વ્યાજખોરોનાં નામ આપ્યા છે. જેના આધારે હાલ ગાંધીગ્રામ પોલીસે મનીલેન્ડિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદી હિજરત કરીને રાજકોટ આવ્યાંરાજકોટનાં રૈયારોડ પર નેહરુનગરમાં રહેતા 39 વર્ષીય રિયાઝભાઈ હનીફભાઈ ખલીફાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા 8 મહિનાથી રાજકોટમાં પત્ની અને 10 વર્ષની દીકરી સાથે ભાડેથી રહી ડ્રાઇવિંગનું કામ કરે છે. અગાઉ તે જામનગરમાં ઓટો બ્રોકરનો ધંધો કરતા હતા, પરંતુ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવાર સાથે રાજકોટ હિજરત કરી આવ્યા હતા. વર્ષ 2016માં તેમણે જામનગરમાં ગાડી લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં તેમના મિત્ર જગદીશ જેઠવાણી ભાગીદાર હતા. ધંધામાં રૂ. 10 લાખની ખોટ થતા જગદીશ જેઠવાણીએ ઉંચા વ્યાજ સાથે કુલ રૂ. 20 લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આશરે 9 મહિના પૂર્વે જગદીશે રાજકોટ આવીને પણ રૂપિયાની માંગણી કરતા રિયાઝભાઈએ 2 કોરા ચેક સહી કરીને આપ્યા હતા. ફરિયાદીએ ઉંચા વ્યાજે ત્રણ વાર પૈસા લઈ ચૂકવી પણ દીધા હતાપોતે કરેલા આર્થિક વ્યવહારો અંગે તેમણે જણાવ્યું કે, આશરે 1 વર્ષ પહેલા તેમણે જયરાજ લૈયા પાસેથી 20% વ્યાજે રૂ. 1.50 લાખ લીધા હતા અને 1 અઠવાડિયામાં વ્યાજ સાથે રૂ. 2 લાખ ચૂકવી દીધા હતા. ફરીથી જરૂર પડતા રૂ. 2 લાખ 20% વ્યાજે લીધા અને 1 અઠવાડિયામાં વ્યાજ સહિત રૂ. 2.60 લાખ ચૂકવ્યા. ત્રીજી વખત રૂ. 2 લાખ 20% વ્યાજે લીધા બાદ રૂ. 1 લાખ રોકડા ચૂકવી દીધા હોવા છતાં, જયરાજ લૈયા તેમની પાસેથી રૂ. 3.85 લાખની માંગણી કરી રહ્યા છે. પાર્થ ગઢવીએ પણ 10% વ્યાજે રૂ. 1.90 લાખ આપ્યા હતા અને હવે રૂ. 2.50 લાખની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રાજકોટ આવતા રહ્યાંદોઢેક વર્ષ પહેલા જયરાજ લૈયા અને ઇમરાન ખેરાણીએ રિયાઝભાઈના બાઇક અને 2 મોબાઇલ ફોન પડાવી લીધા હતા. અને પૈસા આપ્યા પછી જ પરત કરવાની શરત મૂકી હતી. આથી રિયાઝભાઈએ 2 કોરા ચેક આપતા તેમને બાઇક અને મોબાઇલ પરત મળ્યા હતા. વ્યાજખોરો જગદીશ જેઠવાણી, જયરાજ લૈયા અને પાર્થ ગઢવી, તેમજ તેમના મિત્ર ઇમરાન ખેરાણી પોતાને રૂબરૂ, ફોન પર અને જામનગર ખાતે ઘરે આવીને પણ ધમકીઓ આપતા હતા. તેમના આ ત્રાસથી કંટાળીને રિયાઝભાઈ પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. પત્ની બાળકનું વિચારવાનું કહી ધમકી આપીજોકે, રાજકોટ આવ્યા પછી પણ વ્યાજખોરોએ તેમનો પીછો ન છોડ્યો. 3 મહિના પહેલા ઇમરાન ખેરાણીએ ફોન કરીને રિયાઝભાઈને રાજકોટ શીતલ પાર્ક સર્કલ પાસે બોલાવી કહ્યું કે, તું જયરાજ, પાર્થ ગઢવી અને જગદીશના પૈસાનું પતાવી દેજે નહિતર અઘરું પડી જશે. તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં આરોપીઓ વારંવાર ફોન કરીને 'રૂપિયા આપી દેજે નહિતર તને ઉપાડી લેશું અને તારી પત્ની-બાળકનું વિચારજે' જેવી ધમકીઓ પણ આપતા હતા. પાર્થ ગઢવી પણ ટેક્સ મેસેજ અને વોટ્સએપ કોલ કરીને ધમકી આપતો હતો. આખરે કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યોતાજેતરમાં, 30 જૂનની રાત્રે લગભગ 8 વાગ્યે ઇમરાન ખેરાણીએ ફરી ફોન કરીને ત્રણેયના વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા કહ્યું કે, આ ત્રણેયના રૂપિયાનું આજ રાત સુધીમાં કરી આપજે નહીંતર તને ઉપાડી જામનગર લઈ જવો પડશે' આ ધમકીઓથી ભયભીત થઈને પોતે નેહરુનગર સ્થિત પોતાના ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદના આધારે હાલમાં ગાંધીગ્રામ પોલીસે જામનગરના ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે માધાપર, ભુજના રહેવાસી સની કરશન દનીચાના કબ્જાવાળા વાડામાં દરોડો પાડવામાં આવ્યો. આ વાડો વાસપોડા વાસ રેલવે પાટા પાસે આવેલો છે. દરોડા દરમિયાન પોલીસે 1000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને 120 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 49,000 છે. પોલીસે ઘટનાસ્થળેથી કમાગુના, ભુજના 35 વર્ષીય મામદ કાસમ ત્રાયાની ધરપકડ કરી છે. આરોપી સની કરશન દનીચા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે અન્ય એક દેશી દારૂના કેસમાં પણ કાર્યવાહી કરી છે.
નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. વલસાડના કોન્ટ્રાકટરના બંધ એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા થયેલી ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજ વૈષ્ણવ (33) લાલબાઈ મંદિર, કુંભારવાડ, નવસારીનો રહેવાસી છે. તેણે એપાર્ટમેન્ટના 10 ફ્લેટના તાળા તોડી અંદરથી ચાર ટીવી, ત્રણ રાંધણ ગેસની સગડી અને બાથરૂમના કિંમતી નળ મળી કુલ રૂ. 58 હજારની મત્તાની ચોરી કરી હતી. ટાઉન પોલીસના અહેકો ઘુઘાભાઈ દિનેશભાઈ અને જીતુભાઈ હરતાનભાઈને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીના ઘરેથી તમામ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક લોકોએ આ ચોરીમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે આવેલો પવિત્ર દામોદર કુંડ હાલમાં ગંદકીના ગંજ અને દુર્ગંધ આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. દામોદર કુંડ વિશે જણાવીએ તો, અહી ભગવાન કૃષ્ણે સ્નાન કર્યું હતું અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કાર્ય પણ અહીં થયું હતું, જેના કારણે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે પિતૃ શ્રાદ્ધ કરવા આવે છે. પરંતુ, હાલમાં દામોદર કુંડના પાણીમાં ભયંકર દુર્ગંધ આવે છે, આસપાસ ગંદકીના ગંજ છે અને શૌચાલયનું પાણી પણ કુંડમાં ભળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વિધાનસભા વિપક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે સરકાર કહે છે કે દામોદર કુંડની સફાઈમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ જમીન પર તેનો કંઈ જ અસર જોવા મળતો નથી. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં પણ શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરી શકતા નથી. મનપા અને તંત્ર માત્ર દાવો કરે છે.” આ ઉપરાંત, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે આ જગ્યા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. તંત્ર અને સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાના દાવાઓ છતાં સત્ય એ છે કે પાણી એટલું ગંદુ છે કે ચરણામૃત પણ નથી લઈ શકાય. અમે આજે કલેક્ટર, કમિશનર, ધારાસભ્ય, સાંસદ અને તમામ મહાનગરપાલિકા પદાધિકારીઓને આમંત્રણ આપ્યું કે આવીને અહીં સ્નાન કરે અને ચરણામૃત લે. જો તેમને લાગે કે તેઓનું તંત્ર અહીં સારી રીતે સફાઈ કરી રહ્યું છે તો આવો ડૂબકી લગાવો.” કૉંગ્રેસ દ્વારા આમંત્રણ આપ્યા બાદ પણ કોઈ અધિકારી, ધારાસભ્ય કે સાંસદ સ્થળ પર ન પહોંચતા, કોંગ્રેસે ભારે નિરાશા વ્યક્ત કરી છે. લલિત પરસાણાએ વધુમાં કહ્યું હતું કે આમંત્રણ છતાં જો કોઈ ન આવે તો એથી સાબિત થાય છે કે તેમની સામે પણ સ્વીકાર્ય છે કે દામોદર કુંડનું પાણી સ્નાનયોગ્ય નથી. દામોદર કુંડ જૂનાગઢની ઓળખ છે, તેનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે તે માટે તાત્કાલિક કામગીરી થવી જોઈએ.” કોંગ્રેસના નેતાઓએ આમંત્રણના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ કર્યા છે. તેમની માંગણી છે કે જૂનાગઢ મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે દામોદર કુંડની સફાઈ અને વિકાસનું આયોજન કરે, જેથી ગીરનારની છબી જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે
નવસારી એલસીબીએ ગણદેવી નજીક મોટી કાર્યવાહી કરી છે. હિંગળાજ માતાના મંદિરથી 100 મીટર દૂર બોલેરો કેમ્પર ગોલ્ડ ગાડીમાંથી 5.54 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે દમણના વિરલકુમાર પટેલ (24) અને તાપીના પાર્થ ચૌધરી (21)ની ધરપકડ કરી છે. દમણના ભદ્રેશ પટેલ નામનો આરોપી ફરાર છે. આરોપીઓ પાસેથી 1920 બોટલ વિદેશી દારૂ, 10 લાખની બોલેરો ગાડી અને 10 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ 15.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે બોલેરો ગાડી પર 'ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા' લખ્યું હતું. જોકે, એલસીબીના ખાનગી બાતમીદારોની માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. સીનીયર PI વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ PI એસ.વી.આહીર, PI આર.એસ.ગોહિલ, PI ડી.એમ.રાઠોડ, PSI વાય.જી.ગઢવી સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગર સાઈકલ ક્લબની એડવેન્ચર રાઈડ:9 સાઈકલિસ્ટે 60 કિમીની સફર કરી, સાણોદર હિલ પર પહોંચ્યા
ભાવનગર સાઈકલ ક્લબના 9 સભ્યોએ રવિવારે સવારે 4 વાગ્યે શહેરથી સાણોદર હિલ સુધીની રોમાંચક સાઈકલ રાઈડ કરી. સવારે 6 વાગ્યે તેઓ ખોડિયાર મંદિરે પહોંચ્યા હતા. આ એડવેન્ચર રાઈડમાં કલ્પેશસિંહ ઝાલા, અમિત વાળા, ભાવેશ વાઘેલા, નીરવ ખટસુરિયા, અમિત ખેરાલા, એકતા જાંબુચા, જયેશ પરમાર, નિલેશ વાળા અને સંજય ધામેજાએ ભાગ લીધો. સાઈકલિસ્ટોએ ભાવનગરથી સાણોદર હિલ અને પરત ભાવનગર સુધીની કુલ 60 કિમીની સફર કરી. માર્ગમાં સાઈકલિસ્ટોએ ડુંગરના ચઢાવ-ઉતાર પાર કર્યા. તેમણે હરિયાળા પર્યાવરણ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. શાંત વાતાવરણમાં પ્રકૃતિની વચ્ચે તાજગીનો અનુભવ કર્યો. સભ્યોએ આ યાદગાર પળોને ફોટોગ્રાફી દ્વારા કેદ કરી. ભાવનગર સાઈકલ ક્લબ દર રવિવારે લોંગ સાઈકલિંગનું આયોજન કરે છે. ક્લબનો ઉદ્દેશ સાઈકલિંગને લોકોની જીવનશૈલીનો ભાગ બનાવવાનો છે. આ પ્રવૃત્તિ દ્વારા નવી પેઢીને આરોગ્ય અને પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા મળે છે.
સિદ્ધપુરમાં ગાંજાની હેરાફેરી પકડાઈ:રીક્ષામાંથી 3.2 કિલો ગાંજો મળ્યો, એક આરોપી ઝડપાયો, બીજો ફરાર
પાટણ એસઓજી પોલીસે સિદ્ધપુરમાં ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરીનું એક મોટું રેકેટ પકડી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે એક રિક્ષામાંથી ૩.૨૨૮ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ગાંજાની બજાર કિંમત રૂ. ૩૨,૨૮૦ આંકવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ સંજયજી ઇશ્વરજી રવાજી ઠાકોર (ઉંમર ૩૩) તરીકે થઈ છે. તે ચાણસ્મા તાલુકાના મેસરા ગામનો રહેવાસી છે. તે પોતાની પેસેન્જર રિક્ષા નંબર GJ-24-W-7940માં ગાંજાની હેરાફેરી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) અને રિક્ષા (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦) મળીને કુલ રૂ. ૨,૩૭,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બીજો આરોપી શાંતિલાલ (પોશીના પાસે માડવા ગામનો રહેવાસી) હજુ ફરાર છે. તેણે સંજયજીને ગાંજાનો જથ્થો આપ્યો હતો. સિદ્ધપુર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(C), ૨૨(B), ૨૦(b)(ii)(b) અને ૨૯ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરાર આરોપી શાંતિલાલને પકડવા માટે તપાસ કરી રહી છે.
જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદે આજે શહેરના મહત્વપૂર્ણ બ્રિજોનું નિરીક્ષણ કર્યું. તેમણે દિગ્જામ સર્કલ, દ્વારકા રોડ પરના ઓવરબ્રિજ અને મોખાણા ખાતે નાગમતી નદી પરના મેજર બ્રિજની મુલાકાત લીધી. નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગોસ્વામી હાજર રહ્યા હતા. પ્રભારી સચિવે અધિકારીઓ પાસેથી જિલ્લાના તમામ માઇનોર અને મેજર બ્રિજની વિગતવાર માહિતી મેળવી. તેમણે નબળા બ્રિજ અને નિર્માણાધીન બ્રિજોની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી. બ્રિજોના સમયાંતરે થતા નિરીક્ષણ, તેમના સ્ટ્રક્ચર અને ગુણવત્તા અંગે પણ માહિતી મેળવી. પ્રભારી સચિવે અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
રાધનપુરના રાજગઢી વિસ્તારમાં એક બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળક રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જોકે, આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને બાળકને બહાર કાઢ્યો હતો. આ પહેલા પણ શહેરમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થી પણ ખુલ્લી ગટરમાં પડ્યો હતો. સ્થાનિક પાલિકા દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી. નગર સેવક જયા ઠાકોરે જણાવ્યું કે, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોખમરૂપ બની રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઢાંકણ નહીં મૂકવામાં આવે તો શહેરવ્યાપી આંદોલન કરવામાં આવશે. રાધનપુરના નાગરિકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. સતત બનતી આવી ઘટનાઓ છતાં તંત્રની ઢીલી કામગીરીથી નાગરિકોની સલામતી જોખમમાં મૂકાઈ રહી છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
મુંબઈમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિશે કરેલી ટિપ્પણીઓએ ગુજરાતમાં વિવાદ સર્જ્યો છે. આ મુદ્દે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે. સંઘના નેતા મનોજભાઈ પનારાની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં રાજ ઠાકરે સામે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજ ઠાકરેની ટિપ્પણીઓથી દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. પાટીદાર યુવા સેવા સંઘે રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવવાની માંગ પણ કરી છે. સંઘે રાજ ઠાકરે પાસે જાહેર માફીની માંગણી કરી છે. જો તેઓ માફી નહીં માંગે તો કોર્ટમાં દાવો દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મનોજભાઈ પનારાએ જણાવ્યું કે રાજ ઠાકરે જેવા નેતા, જેમનું મુંબઈમાં પણ કોઈ સ્થાન નથી, તેમના વિચારોથી સરદાર પટેલની પ્રતિષ્ઠાને કોઈ અસર થતી નથી. સરદાર પટેલ લોહપુરુષ હતા અને હંમેશા રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ રહેશે.
અમદાવાદ, સુરત ને ફરી અમદાવાદ એમ છેલ્લા આઠ દિવસમાં શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થિની છેડતી કર્યાની ત્રીજી ઘટના સામે આવી છે. ઇસનપુરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે પાસ કરવાની લાલચ આપીને 13 વર્ષીય સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. આ સાથે અવારનવાર મળવા માટે પણ કહેતો હતો. રાત્રીના સમયે સગીરા જે માતાનો મોબાઇલ વાપરતી હતી, તેમાં બે મિસ્ડકોલ આવ્યા હતા, જેથી માતાએ સગીરાની પૂછપરછ કરતા ગુરુના વેશમાં રહેલા શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો. 19 જુલાઈએ આ અંગે સગીરાની માતાએ શિક્ષક સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અજાણ્યા નંબરના મિસ્ડકોલ જોઈ માતાએ પૂછપરછ કરીઇસનપુરમાં 38 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે અને તેમની 13 વર્ષીય સગીર પુત્રી ગોવિંદવાડી પાસે આવેલી ખાનગી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઘોરણ 9માં અભ્યાસ કરે છે. ગત 12 જુલાઈએ રાત્રે સગીરાના માતાના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી બે મિસ્ડકોલ આવ્યા હતા. જેથી સગીરાની માતાએ નંબર પર ફોન કર્યો, પરંતુ ઉપાડ્યો ન હતો. જેથી માતાએ પુત્રીને આ નંબર અંગે પૂછતા આ નંબર તેના સ્કૂલના શિક્ષક પંકજ ગીરીનો હોવાનું જણાવ્યું હતું, જે છેલ્લા 15 દિવસથી સ્કૂલમાં ભણાવતો હતો. ક્લાસ બાદ સગીરાને રોકી છેડતી કરીવધુમાં સગીરાએ માતાને જણાવ્યુ હતું કે, 4 જુલાઈએ પંકજ ગીરીએ તેને ટ્યુશન માટે બોલાવવા માટે પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, જો તું મારી પાસે ટ્યુશન આવીશ, તો હું તને પાસ કરાવી દઈશ. જે બાદ લંપક શિક્ષક પંકજ રોજ સગીરા સાથે મેસેજ દ્વારા વાતચીત કરતો હતો અને મળવાનું કહેતો હતો. 8 જુલાઈએ ક્લાસ પૂર્ણ થયા બાદ સગીરા પગથિયાં ઉતરી રહી હતી, ત્યારે પંકજે તેને બૂમ પાડીને ઉભી રાખી હતી અને છેડતી કરતા સગીરા દોડીને નીચે આવી ગઇ હતી. સગીરાની માતાએ પતિને હકીકત વર્ણવીઆટલું જ નહિ લંપટ શિક્ષક સગીરા સાથે વાત કર્યા બાદ મેસેજ ડિલિટ કરવાનું કહેતો હતો. આ અંગે માતાએ સગીરાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી અને લંપટ શિક્ષક પંકજ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 17 જુલાઈએ સામે આવેલી સુરતની ઘટના...સુરતના લિંબાયત વિસ્તારના સંજયનગર સર્કલ પાસે આવેલા ‘એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યુટ’ના સંચાલક અને શિક્ષક લલિત સોનારએ 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જાન્યુઆરીમાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રાજસ્થાન પ્રવાસે ગયા હતા, ત્યારે ધોરણ 11માં ભણતી પીડિટ વિદ્યાર્થિની પણ પ્રવાસે લઈ હતી. આ સમયે સ્કૂલની સાથે પ્રવાસમાં આવેલા શિક્ષક લલિત સોનારે બસમાં લાવ તને હું ઉચકી લઉં અને તું બેગ લઈ લે તેમ કહ્યું હતું, જેનો વિદ્યાર્થિનીએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, આરોપી લલિત સોનારે ફોન પર વિદ્યાર્થિનીને રિઝલ્ટનું કામ છે તેમ કહી વહેલા ટ્યુશન આવવા જણાવ્યું હતું. જેથી વિદ્યાર્થિની ચાર વાગ્યે એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. આ સમયે લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડી, તેનો હાથ પકડીને સોફા પર બેસાડી હતી અને ગળે લગાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીએ ધક્કો મારીને ત્યાંથી જવાનો પ્રયાસ કરતા, લલિત સોનારે તેને આ વાત કોઈને ન કહેવા ધમકી આપી હતી. વિદ્યાર્થિની ઘરે પહોંચીને ઘટનાને લઈને રડવા લાગી હતી. જ્યાં પિતાએ દીકરીને રડતી હાલતમાં જોઈ તેની માતાને જાણ કરતા તેઓ નોકરી પરથી ઘરે દોડી આવ્યા હતા. બાદમાં માતાએ કારણ પૂછતા વિદ્યાર્થિનીએ તેની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 13 જુલાઈએ સામે આવેલી અમદાવાદની ઘટના....અમદાવાદની જમાલપુરમાં આવેલી AMCની સ્કૂલમાં 13 વર્ષની વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની જ્યારે સ્કૂલમાં જતી હતી, ત્યારે સંગીતનો શિક્ષક રણછોડ રબારી અવારનવાર તેને રિસેસમાં બોલાવતો હતો. રિસેસમાં વિદ્યાર્થિનીને એકાંતમાં બોલાવીને હાથ પકડી ક્લાસરૂમમાં લઈ જતો હતો અને ખોળામાં બેસાડીને શારીરિક અડપલા કરતો હતો. બાદમાં વિદ્યાર્થિની ઘરે જઈને સૂનમૂન બેસી રહેતા તેની માતાએ તેને પૂછતા વિદ્યાર્થિનીએ શિક્ષક રણછોડ રબારીની કરતૂત અંગે માતાને જણાવ્યું હતું. આ રણછોડ રબારી માત્ર તેની સાથે જ નહીં, અન્ય બાળકીઓ સાથે પણ આ હરકત કરતો હતો હોવાનું વિદ્યાર્થિનીએ માતાને જણાવ્યું હતું. જો આ બાબતે તે કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો.... રાજકોટની સરકારી શાળાના લંપટ શિક્ષકની વિકૃત હરકતો, ધો.5ની વિદ્યાર્થિનીઓને CCTV ન હોય તે જગ્યાએ લઈ જતો, બીભત્સ વીડિયો બતાવી કપડાં ઉતારતો
ગુજરાત હાઈકોર્ટની રખડતાં ઢોરને લઈને કડક પગલાં લેવાની સૂચના બાદ અમદાવાદ શહેરમાં ઢોર પોલિસી અમલ મુકવામાં આવી હતી. જોકે, ઢોર પોલિસી અંતર્ગત શહેરમાં એકપણ ઢોર રસ્તા પર રખડતું હોવું ન જોઇએ. પરંતુ દરેક વિસ્તારમાં હવે રોડ ઉપર ફરી એકવાર રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે. રખડતાં ઢોર અંગેની ફરિયાદમાં વધારો થયો છે. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ CNDC વિભાગના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ શિફ્ટ પ્રમાણે ફરજિયાત ઓનલાઈન હાજરી પૂરી અને સ્થળ પર કામગીરી અંગેના ફોટા, વીડિયો અપલોડ કરવા જણાવ્યું છે. એસજી હાઈવે, ચાંદખેડા, નવા વાડજ સહિતના વિસ્તારોમાં રખડતાં ઢોરનો આતંકમ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ ખાતે ફાળવેલા ચારેય પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલોને શિફ્ટ પ્રમાણે ફરજિયાત કામગીરી કરવાની રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર રોડ ઉપર ઢોર રખડતાં જોવા મળી રહ્યા છે. ચાંદખેડા IOC રોડ, માનસરોવર રોડ, સ્નેહ પ્લાઝા રોડ, ડીકેબીન, મોટેરા ગામ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવા વાડજ, બલોલનગર રોડ, વિજયનગર ક્રોસ રોડ, સૈજપુર બોઘા, નરોડા, સુભાષબ્રિજ, ઓઢવ, નિકોલ, વિરાટનગર, ઘાટલોડિયા, એસજી હાઈવે, જનતાનગર સહિતના વિસ્તારોમાં ફરી એકવાર ઢોર રખડતાં જોવા મળી રહ્યા છે. કામગીરીમાં અડચણરૂપ થતાં લોકો સામે પોલીસ કર્મચારી ફરિયાદ નોંધાવશેમ્યુનિસિપલ કમિશનર દ્વારા રખડતાં ઢોર પકડવા નેટ ઝીરો પોલિસી અંતર્ગત કડક કામગીરી માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. શહેરમાં રોડ પર રખડતાં ઢોર પકડવા CNCD વિભાગમાં ફાળવેલા પોલીસ કર્મચારીઓએ કામગીરી દરમિયાન અડચણરૂપ થતાં લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસની જરૂર પડે તો મદદ લેવાની રહેશે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન જો કોઈપણ વ્યક્તિ દ્વારા હુમલો કે કામગીરીમાં અડચણરૂપ થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલનમાં રહીને સાથે રહેલા પોલીસ કર્મચારીએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવવાની રહેશે. પોલીસકર્મીઓએ ફોટા-વીડિયો ઉતારી તેની ફીડ જમા કરવાની રહેશેસુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાળવવામાં આવેલા ચારેય ઇન્સ્પેક્ટર દ્વારા સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય શિફ્ટમાં કામ કરવાનું રહેશે. જોનની ટીમો સાથે સંકલન કરીને કામગીરી કરવાની રહેશે. ઢોરવાડ ખાતેથી બે કોન્સ્ટેબલ ફરજિયાત CNCD વિભાગમાં ફાળવેલા કોન્સ્ટેબલ સાથે સંકલન કરી પોલીસ સ્ટેશનમાં વર્ધી આપવાની રહેશે. જે પણ પોલીસ કર્મચારીઓ ઢોર પકડવાની કામગીરી માટે જાય છે તેઓ દ્વારા ફરજિયાત કેમેરાનો ઉપોયગ કરવાનો રહેશ અને તેની ફીડ પણ બીજા દિવસે જમા કરવાની રહેશે. દરેક ઝોનમાં કામગીરી માટે સબ ઝોનલ કક્ષાએથી CNCD વિભાગની સાથે સંકલનમાં રહીને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે સુપર વિઝન કરવાનું રહેશે. રખડતાં ઢોર દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની પણ સૂચનાસીસીટીવી કેમેરા વગેરેની મદદ લઈને ટેકનોલોજી મારફતે જ્યાં પણ શહેરમાં રખડતાં ઢોર દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. રખડતાં ઢોરની ઓનલાઈન ફરિયાદો, સીસીટીવી કેમરા, ઘાસચારાનું વેચાણ થતું હોય, બ્લેક સ્પોટ અને નો કેટલ ઝોન વગેરે જગ્યાએ તપાસ કરવાની રહેશે. દરેક વિસ્તારમાં પશુઓના લાયસન્સ ચેક કરવાની, જો નિયમનો ભંગ થતો હોય તો રદ કરવાની, રખડતાં ઢોર પકડવા અને માલિક સામે દંડ તેમજ પોલીસ ફરિયાદ નોંધવા સહિતની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
વારાહીમાં મોટી ચોરી:કોરડા ગામમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 2.25 લાખની મત્તાની ચોરી
સાંતલપુર તાલુકાના કોરડા ગામના ઠક્કરવાસમાં ચોરીની ઘટના સામે આવી છે. હસમુખલાલ ભગવાનદાસ દેવરામભાઇ દાવડા ઠક્કરના મકાનમાંથી અજાણ્યા ચોર ઈસમો રૂ. ૨.૨૫ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા છે. ચોરોએ મકાનની તિજોરીમાંથી રોકડા રૂ. ૧૫,૦૦૦ ઉપરાંત સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા છે. ચોરીમાં ગયેલા દાગીનામાં ચાર તોલા વજનની ચાર સોનાની બંગડીઓ (કિંમત રૂ. ૧.૨૦ લાખ), બે તોલા વજનનું એક સોનાનું મંગળસૂત્ર (કિંમત રૂ. ૬૦,૦૦૦), ચાર ગ્રામ વજનની એક સોનાની વીંટી (કિંમત રૂ. ૧૦,૦૦૦) અને પાંચસો ગ્રામ વજનની ગણપતિની ચાંદીની મૂર્તિ (કિંમત રૂ. ૨૦,૦૦૦)નો સમાવેશ થાય છે. હસમુખલાલ ઠક્કરે વારાહી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
દેવગઢ બારિયાના ગુણા ગામમાંથી એક ઘાયલ કોબ્રા સાપને બચાવવામાં આવ્યો છે. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગ તલાટીને સાપ અંગેની માહિતી મળતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન જોવા મળ્યું કે કોબ્રા સાપના પાછળના ભાગે મોટો ઘા થયો હતો. ચિરાગ તલાટી અને વન વિભાગની ટીમે ઘાયલ સાપને દેવગઢ બારિયા સ્થિત પશુ દવાખાને લઈ ગયા. પશુ ચિકિત્સકે સાવધાનીપૂર્વક સાપની સારવાર કરી અને તેના શરીર પર ચાર ટાંકા લીધા. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ, વન વિભાગ અને પશુ ચિકિત્સકની સંયુક્ત કામગીરીથી આ ઝેરી નાગને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો. ચોમાસાની ઋતુમાં સર્પ નીકળવાના કિસ્સાઓમાં વધારો થયો છે.
સુરતને નવસારીથી જોડતા સ્ટેટ હાઇવે પૂર્ણા નદી ઉપરથી પસાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી પૂર્ણા નદીનો બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત બન્યો છે. છાશવારે અલગ અલગ કારણોસર મહિલા પુરુષો યુવતીઓ અહીંથી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવે છે. જોકે, નદીને અડીને આવેલા કાચા મકાનમાં રહેતા રાજુભાઈ નામના આધેડ છેલ્લા અનેક વર્ષોથી 300થી વધુ આપઘાત કરનારાઓને બચાવી માનવતા મહેકાવી છે. નદી પાસે રાજુભાઈનું ઘર હોવાથી કોઈપણ નદીમાં ઝંપલાવે ત્યારે જો તેમનું ધ્યાન જાય ત્યારે તેઓ પણ પોતાના જીવની પર પરવા કર્યા વગર નદી ઝંપલાવી આપઘાત કરનારને બચાવી લેતા આવ્યા છે. જોકે, આ સેવા કાર્ય ને લઈને તત્કાલીન નવસારી નગરપાલિકા દ્વારા તેમને બિરદાવી માત્ર સર્ટિફિકેટ આપ્યું છે. બ્રિજ પર લોખંડની ખીલ ગ્રીલ લગાવવાની માંગ અધૂરીછેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેર તેમજ વિરાવળ વિસ્તારના આગેવાનોએ પૂર્ણા નદી ઉપર પ્રોટેકશન ગ્રીલ લગાવવાની માંગ કરી છે, પરંતુ આ માંગનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. નવસારીના પાડોશી શહેર સુરતમાં જે રીતે તાપી નદી પર બનેલા બ્રિજ ઉપર પ્રોટેક્શન ગ્રીલ લગાવવામાં આવી છે, જેને કારણે અપઘાતને રોકવામાં મહદંશે સફળતા મળી છે, પરંતુ નવસારી શહેરના પ્રવેશદ્વાર સમા આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીના દેખરેખમાં આવે છે. જેમને બ્રિજ પર પ્રોટેકશન ગ્રીલ લગાવવામાં કોઈ જ રસ ન હોય તેવું ફલિત થાય છે. કોણ છે રાજુભાઈ?નવસારી પૂર્ણા નદી બ્રિજને અડીને આવેલા કાચા મકાનમાં રહેતા રાજુભાઈ હળપતિ પોતાના પરિવાર સાથે રહે છે ડિપ્રેશન સહિત અલગ અલગ કારણોસર આપઘાત કરવા પૂર્ણા નદી પર આપઘાત ના વિચાર સાથે આવતા લોકો સીધા જ નદીમાં બ્રિજ પરથી ઝંપલાવી દે છે, જેને રાજુભાઈ જોતા જ પોતાના ઘરમાંથી જ દોડીને સીધા નદીમાં કૂદી આપઘાત કરનારને હેમખેમ કિનારા સુધી લાવે છે, આ કામગીરી તેઓ છેલ્લા અનેક વર્ષોથી કરતા આવ્યા છે. બે દિવસ અગાઉ બે ભાઈ પાણીમાં ડૂબ્યા, એકનું મોત નવસારી શહેરમાં 2 દિવસ અગાઉ માતૃતર્પણ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી. વિરાવળ સ્મશાન પાસે આવેલી પૂર્ણા નદીમાં તર્પણ કરવા ગયેલા બે ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા,કાલીયાવાડીના નિર્માણ નગરના રહેવાસી 55 વર્ષીય ધર્મેશભાઈ નારણભાઇ ઢીમ્મર વિરાવળ સ્મશાન ભૂમિમાં પિંડદાન કરવા માટે નદીમાં ઉતર્યા હતા. તેમનો પગ લપસી જતા તેઓ નદીમાં ગરકાવ થયા હતા. તેમને બચાવવા માટે તેમના નાના ભાઈ 45 વર્ષીય ભીખુભાઈ પણ નદીમાં કૂદી પડ્યા હતા.સ્મશાન ભૂમિના કર્મચારીઓએ બંને ભાઈઓને નદીમાં ડૂબતા જોયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ધર્મેશભાઈ ઢીમ્મરનું મોત થયું હતું. જ્યારે નાનાભાઈ ભીખુભાઈનો આબાદ બચાવ થયો હતો. હાલમાં પૂર્ણા નદીનો પુલ ભારે વાહનો માટે બંધ ગુજરાત રાજ્યમાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ વર્ષો જૂના પુલની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્ણ નદી ના પુલ ને લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે તે અગાઉ ભારે વાહનો માટે આ બ્રિજ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે જેને કારણે બે માર્ગ પર થી ડાયવર્ઝન આપી વાહનોને શહેરમાં પ્રવેશવા દેવાય છે જો બ્રિજ ની કેપેસિટી નો રિપોર્ટ યોગ્ય ન આવે તો કદાચ નવો બ્રિજ પણ બની શકે છે જેમાં જો નવો બ્રિજ બને તો તેમાં પ્રોટેકશન ગ્રીલ લગાવવામાં આવે તેવી માંગ શહેરમાંથી ઉઠી છે. લોકોને જીવ બચાવનાર રાજુભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કોઈપણ કારણોસર યુવતીએ પુરુષ કે મહિલાઓ અહીં આપઘાત કરવામાં આવતા હોય છે જેમને બચાવવુ મારી ફરજ છે એટલે મેં 300 થી વધુ લોકોને અહીં આપઘાત કરતા રોક્યા છે તેમને બહાર લાવી પાણી પીવડાવીએ છીએ અને સમજણ આપું છું અને તેમના ઘરનાનો મોબાઇલ પર નંબર સંપર્ક કરી તેમને સોંપીએ છીએ વિરાવળ વિસ્તારના આગેવાન પીયુષ પટેલ જણાવે છે કે પૂર્ણા નદી પરથી 300 થી વધુ લોકોને આપઘાત કરતા રોકનાર રાજુભાઈનું યોગ્ય સન્માન થવું જોઈએ તેમને અહીં નોકરી આપવી જોઈએ તેવી પણ અમારી અપીલ છે સાથે જ પૂર્ણા નદી પર જો નવો બ્રિજ બને તો તેના ઉપર પ્રોટેક્શન ગીલ લગાવી જોઈએ જેથી આપઘાત ને રોકી શકાય.
પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનું પગલું:ગાંધીનગરના 150 ખેડૂતોએ સ્વામિનારાયણ ગૌશાળામાં તાલીમ લીધી
ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા, પેથાપુર ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં જિલ્લાના ચારેય તાલુકામાંથી 150થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ મહત્વપૂર્ણ આયામોની વિસ્તૃત સમજ આપવામાં આવી. વર્તમાન સમયમાં માનવ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને અન્ય ખેડૂતોને પણ આ દિશામાં પ્રેરિત કરવાની તૈયારી દર્શાવી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી ખેડૂતોની મુલાકાત લીધી. દેશી ગાયોનું મહત્વ અને ઔષધીય વનસ્પતિઓની માનવ જીવનમાં ભૂમિકા વિશે પણ માહિતી મેળવી. આ તાલીમમાં નાયબ ખેતી નિયામક પી.બી. ખીસ્તરીયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર સહદેવસિંહ ચાવડા, પેથાપુર ગૌશાળાના માધવપ્રકાશ સ્વામીજી અને ડૉ. વ્રજ કાનાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો અને આ પદ્ધતિ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રમૈયા મોહને આજે જિલ્લાના જર્જરિત રસ્તાઓ અને પુલોનું નિરીક્ષણ કર્યું. તેમણે જિલ્લા કલેક્ટર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો સાથે સમીક્ષા બેઠક યોજી. લીલાપોર બંદર પર જર્જરિત જાહેર કરાયેલા પુલની બાજુમાં નવો પુલ માર્ચ 2026 સુધીમાં બનાવવામાં આવશે. આ દરમિયાન ડાયવર્ઝન રોડની યોગ્ય જાળવણી કરવાની સૂચના આપવામાં આવી છે. વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર આવેલા 5 પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ માર્ગના ડાયવર્ઝન રોડની યોગ્ય જાળવણી અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર, રાજ્યભરમાં ખરાબ રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. પ્રભારી સચિવે જણાવ્યું કે ચોમાસા દરમિયાન સૂકા દિવસોમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં જર્જરિત ઇમારતો દૂર કરવા અથવા યોગ્ય રીપેરિંગ કરવા માટે પણ સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.
પાટણમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ:બીએમઆઈ સ્કૂલ પાસે ગંદા પાણીથી રસ્તા તરબોળ, આનંદ સરોવર સુધી પ્રદૂષણ ફેલાયું
પાટણ શહેરના વોર્ડ નંબર 6માં બીએમઆઈ સ્કૂલ પાસે ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું ગંદું પાણી જાહેર રસ્તા પર ફેલાઈ ગયું છે. રસ્તા પર નદી વહેતી હોય તેવુ જોવા મળ્યું હતું. આ પાણી વહેતું થઈને આનંદ સરોવર સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે સરોવરમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ વિસ્તારમાં બીએમઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ, જનતા હોસ્પિટલના દર્દીઓ અને બ્રહ્મ સમાજની વાડીના મુલાકાતીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રાહદારીઓ અને વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે નગરપાલિકા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ શાસિત નગરપાલિકાના અયોગ્ય વહીવટને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. તેમણે માંગ કરી છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે.
દસાડા પોલીસની સફળતા:ત્રણ મોટરસાઈકલ ચોરીના ગુનામાં 5 આરોપી ઝડપાયા, 80 હજારનો મુદ્દામાલ કબજે
દસાડા પોલીસે મોટરસાઈકલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 80,000ની કિંમતની ત્રણ મોટરસાઈકલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ગીરીશ પંડ્યાની સૂચના મુજબ વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત અને દસાડાના I/C PI બી.સી. છત્રાલીયાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસે સમી તાલુકાના બે આરોપીઓ નિયાઝશા અને અલફાઝશા ફકીરને એક વાદળી કલરની બજાજ પલ્સર સાથે પકડ્યા. પૂછપરછમાં તેમણે એછવાડા, એરવાડા અને મેરા ગામમાંથી મોટરસાઈકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી. આરોપીઓએ ચોરીની મોટરસાઈકલો અબ્દુલભાઇ મધરાને વેચી હોવાનું જણાવ્યું. તપાસમાં વાહીદ ચૌહાણ અને સમીરભાઇ સિપાઇ પણ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું. પોલીસે GJ-13-BE-0158, GJ-13-BG-4223 અને GJ-27-DV-8542 નંબરની ત્રણ મોટરસાઈકલ કબજે કરી છે. દસાડા પોલીસ સ્ટેશનના I/C PI બી.સી. છત્રાલીયા, ASI હમીરભાઇ સોલંકી અને અન્ય પોલીસ કર્મચારીઓની ટીમે સચોટ બાતમીના આધારે આ સફળતા મેળવી છે.
વડોદરા નજીક આવેલા વેમાલી ગામમાં પડતર પ્રશ્નોને લઈને સ્થાનિક ગ્રામજનો અને સામાજિક આગેવાનો દ્વારા ધરણા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમની પોલીસ પાસે પૂર્વ મંજૂરી ન લેવાતા પોલીસે આંદોલનને નિષ્ફળ બનાવી દીધું હતું અને સામાજિક આગેવાન લખન દરબાર સહિત અન્ય આગેવાનોની અટકાયત કરી હતી. પ્રાથમિક સુવિધાઓને લઈ વેમાલી ગામ ગ્રામજનોના ધરણાવેમાલી ગામનો વડોદરા મહાનગરપાલિકાના હેઠળ સમાવેશ થયો હોવા છતાં, ગામમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ગ્રામજનો દૂષિત પાણી, ગટરની સમસ્યા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યાઓને લઈને તંત્રનું ધ્યાન દોરવા માટે સામાજિક આગેવાન લખન દરબારની આગેવાની હેઠળ ગામમાં ધરણા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ ન હતીધરણા શરૂ થતાંની સાથે જ મંજુસર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસનું કહેવું હતું કે, આ કાર્યક્રમ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી, જેના કારણે જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. પરિણામે પોલીસે ધરણા કાર્યક્રમને રોકી દીધો અને લખન દરબાર સહિત અન્ય આગેવાનોની અટકાયત કરી હતી. જાહેરનામાનું ઉલ્લંઘન થતાં આગેવાનોની અટકાયત કરીમંજુસર પોલીસ સ્ટેશનના અધિકારી વી. બી. ચૌહાણે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ધરણા કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોવાથી અમે આગેવાનોની અટકાયત કરી છે. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસની કાર્યવાહીથી આગેવાનો-ગ્રામજનોમાં નારાજગીવેમાલી ગામના રહીશોનું કહેવું છે કે, વડોદરા મહાનગરપાલિકા હેઠળ સમાવેશ થયા બાદ પણ ગામમાં વિકાસના કામો નજીવા છે. દૂષિત પાણીની સમસ્યા, ગટરનો નિકાલ ન થવો અને રસ્તાઓની ખરાબ હાલત જેવી સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તંત્રનું ધ્યાન દોરવા આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની કાર્યવાહીથી આગેવાનો અને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાધનપુરમાં મસાલી રોડની બિસ્માર હાલત:પંચમુખી હનુમાન મંદિર તરફના રસ્તામાં કાર ફસાઈ, સ્થાનિકો પરેશાન
રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર તરફ જતા માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ છે. રસ્તા પર કાદવ અને ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક કાર આ રસ્તામાં ફસાઈ ગઈ હતી. કાર ચાલકને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. દરરોજ અનેક શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન માટે આવે છે. રસ્તાનું નિર્માણ કાર્ય મંજૂર થયા છતાં હજુ સુધી શરૂ થયું નથી. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રસ્તાની આવી સ્થિતિને કારણે દુર્ઘટનાનું જોખમ રહેલું છે. સ્થાનિકોએ તાત્કાલિક રસ્તા નિર્માણની માંગ કરી છે.
જામનગર સિટી એ પોલીસની સફળતા:60 હજારની કિંમતની ચોરીની બાઈક સાથે 19 વર્ષીય યુવક ઝડપાયો
જામનગર શહેરમાં પોલીસે વાહન ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે બુરહાની પાર્ક સોસાયટી પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીની ઓળખ મહમદકેફ કાસમભાઇ શાહમદાર (ઉંમર 19) તરીકે થઈ છે. તે ખંભાળિયા-પોરબંદર રોડ પર વાય.કે.જી.એન. સોસાયટીમાં રહે છે. આરોપી પાસેથી સુઝુકી કંપનીની મેટ બ્રાઉન કલરની બર્ગમેન સ્ટ્રીટ મોટરસાયકલ (GJ-10-EB-9217) મળી આવી છે. આ મોટરસાયકલની કિંમત રૂ. 60,000 આંકવામાં આવી છે. પોલીસ ઇન્સપેક્ટર એન.એ.ચાવડાના નેતૃત્વમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ઠાકરીયા, હિતેષભાઇ સાગઠીયા, વિપુલભાઇ સોનગરા અને પોલીસ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજાની ટીમે આ સફળ કામગીરી કરી છે. આરોપી વિરુદ્ધ સીટી એ પોલીસ મથકમાં IPC કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આદિપુર ખાતે વોર્ડ 4-એ માં લોક ભાગીદારીથી નવનિર્મિત બીટ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને કચ્છ પૂર્વના પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે આ ચોકીનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે એસી બજાર પોલીસ ચોકીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બંને ચોકીઓના દાતાઓ અંબાજી ગ્રુપ અને રાજાણી ગ્રુપ સહિત અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. મહાનુભાવોએ સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું. કાર્યક્રમમાં અંજાર વિસ્તારના ડીવાયએસપી મુકેશ ચૌધરી, આદિપુર પીઆઇ એમ સી વાળા હાજર રહ્યા. શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર અને એસઆરસીના ચેરમેન પ્રેમ લાલવાણી સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી. નવી પોલીસ ચોકીથી 80 વાળી બજાર, ચારવાળી અને પાંચવાળી વિસ્તારના રહીશોને લાભ મળશે. આ ચોકી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બનશે. સમગ્ર આયોજન વ્યવસ્થા આદિપુર પોલીસ મથકના સ્ટાફે સંભાળી હતી.
કેટરિંગના યુવક પર જીવલેણ હુમલો:જૂની અદાવતમાં 7 શખસે લાકડી અને છરીથી કર્યો હુમલો, એક મિત્રએ બચાવ્યો
ભાવનગરમાં જૂની અદાવતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવક પર સાત શખ્સોએ હુમલો કર્યો છે. વિજયભાઈ રાઠોડ (ઉંમર 29) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો નાનો ભાઈ અજય ત્રણ વર્ષ પહેલા રોનક દોશીને ત્યાં કામ કરતો હતો. પૂરતો પગાર ન મળતા તે નોકરી છોડી ગયો હતો. 17મી જુલાઈની રાત્રે રોનક દોશીએ અજયના મિત્ર રાકેશ કસોટીયાના મોબાઈલ પરથી વિજયને ફોન કરી ધમકી આપી હતી. રાત્રે 11:30 વાગ્યે વિજય તેના મિત્રો સાથે શિશુવિહાર સર્કલથી ગીતાચોક તરફ જતા હતા. જૂની પોસ્ટ ઓફિસ પાસે ધરમેશ કસોટીયા, રાકેશ કસોટીયા, કિરણ કસોટીયા અને ભરત કસોટીયા આવ્યા. આરોપીઓએ વિજયને રોનક દોશીના ઘરે જવા બાબતે પૂછપરછ કરી અને ગાળો આપવા લાગ્યા. ધરમેશે લાકડીથી વિજયના બંને હાથના કાંડા પર હુમલો કર્યો. ત્યારબાદ સુનીલ અને અભી કસોટીયા પણ ત્યાં આવી ગયા. કિરણ કસોટીયાએ છરી કાઢી, જેને રણછોડભાઈએ આંચકી લીધી અને વિજયને બચાવ્યો. હુમલાખોરોએ જણાવ્યું કે તેમને રોનક દોશીએ મોકલ્યા છે અને ધમકી આપી કે જો ફરીથી રોનકનું નામ લીધું તો જાનથી મારી નાખશે. વિજયને સર.ટી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. ડરના કારણે તેણે તરત ફરિયાદ ન કરી, પરંતુ મિત્ર રણછોડના હિંમત આપવાથી તેણે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા AIIMS હોસ્પિટલના સહયોગથી આજે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ તકે AIIMS રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા અહીં આગામી ત્રણ મહિનામાં ન્યૂરોસર્જનની સેવાનો લાભ મળવાની જાહેરાત કરી હતી તો સાથે જ છેલ્લા બે વર્ષમાં 5 લાખથી વધુ લોકોએ ઓપીડીની સારવાર લીધી. છેલ્લા એક વર્ષમાં 1500થી વધુ લોકોએ સર્જરી કરાવી હોવાનું જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રની એકપણ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન નથીરાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, ત્રણ મહિનામાં એઈમ્સમાં ન્યૂરોસર્જનની સેવાનો લાભ મળશે. સૌરાષ્ટ્રની એકપણ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન નથી. ન્યૂરોસર્જન માટે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ જવું પડે છે. આવનારા ત્રણ મહિનામાં નવા 15 ઓપીડી, ન્યૂરોસર્જન, મેમોથેરેપી સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. છેલ્લા બે વર્ષમાં 5 લાખથી વધુ લોકોએ ઓપીડીની સારવાર લીધી. છેલ્લા એક વર્ષમાં 1500થી વધુ લોકોએ સર્જરી કરાવી છે. '35 રૂપિયામાં દર્દીઓને દવાની સાથે ભોજન-રહેવાની સુવિધા'ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર સર્કલ પાસે આવેલા મેઘાણી રંગભવન ખાતે રાજકોટ AIIMS હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે. જેમાં બાળકો, ગાયનેક, જનરલ મેડિસિન, દાંત, આંખ, હાડકા અને કેન્સર સહિતના રોગોના સારવાર અને નિદાનને આવરી લેવામાં આવ્યું છે. એમ્સ હોસ્પિટલમાં માત્ર રૂપિયા 35માં દર્દીઓને દવાની સાથે ભોજન અને રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે તેથી વધુમાં વધુ લોકો એઇમ્સ હોસ્પિટલ સાથે જોડાય તે આ કેમ્પનો ઉદ્દેશ છે. 'જેસર પંથકમાં બિયારણની થેલીઓમાં પથ્થર નીકળ્યા હતા'સર્વરોગ નિદાન કેમ્પમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર અને જૂનાગઢ પંથકમાં બિયારણમાં ભેળસેળ જોવા મળ્યું હતું. જેસર પંથકમાં બિયારણની થેલીઓમાં પથ્થર નીકળ્યા હતા. જૂનાગઢમાં ખેડૂતોનું બિયારણ બારોબાર વેચાઈ રહ્યાના આક્ષેપ થયા હતા. ભાવનગર અને જૂનાગઢમાં નકલી બિયારણ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, નકલી બિયારણનો મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો નથી કહી ચાલતી પકડી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં થરાદના યુવા લેખક પ્રકાશભાઈ સુથારને વિશેષ આમંત્રણ મળ્યું છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશભરમાંથી 100 યુવા લેખકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રકાશભાઈ આર્ટ્સ કોલેજ, પાટણના ઈતિહાસ વિભાગના વડા ડો. સંગીતાબેન બકોત્રાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રતિભાશાળી 75 યુવા લેખકોમાં તેમની પસંદગી થઈ હતી. ગુજરાતમાંથી માત્ર બે લેખકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં તેઓ એક છે. ગત વર્ષે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં કલા સાહિત્ય રચના શિબિરમાં આમંત્રણ મળ્યું હતું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે સાહિત્ય સર્જન અંગે ચર્ચા કરી હતી. તેમના પુસ્તક 'સંઘર્ષના સાથી - જગતાભાઈ પટેલ'નું વિમોચન 2023માં દિલ્હી ખાતે વિદેશમંત્રી રાજકુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાંસના લેખિકા એની એનોક્સના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આમંત્રણથી પાટણ યુનિવર્સિટી અને વાવ-થરાદ વિસ્તારનું ગૌરવ વધ્યું છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા ગામમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ એક સગર્ભાની સફળ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી છે. આ ડિલિવરીમાં એક તંદુરસ્ત પુત્રનો જન્મ થયો છે. કોડધા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા શરૂ થતાં આશાવર્કર વર્ષાબેને 108ને જાણ કરી હતી. બાસ્પા 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમના EMT દિવ્યાબેન મોદી અને પાયલોટ રમેશભાઈ ભરવાડ તરત જ અનવરપુરા નજીક પહોંચ્યા હતા. સગર્ભાની સ્થિતિ જોતાં એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો હતો. EMT દિવ્યાબેને અમદાવાદ સ્થિત 108ના ઇમરજન્સી ERCP ડૉક્ટર રામાણીનું માર્ગદર્શન મેળવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટ અને સાધનોની મદદથી સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને રાધનપુર SDH હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સફળ કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશે ટીમની સરાહના કરી હતી. 108ની ત્વરિત કામગીરીથી માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીમ્ભી ગામ નજીક એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ અકસ્માત એક કારના ડેશકેમ કેમેરામાં કેદ થયો હતો. ઘટના દરમિયાન કાર ચાલક ટર્ન લઈ રહ્યો હતો ત્યારે એક બાઇક ચાલક તેની સાથે અથડાયો હતો. અથડામણની તીવ્રતા એટલી હતી કે બાઇક ચાલક હવામાં ઉછળીને નીચે પડ્યો હતો. આ સમગ્ર ઘટના કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે, બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાને કારણે તેનો જીવ બચી ગયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટના હેલ્મેટની અનિવાર્યતા અને સુરક્ષાનું મહત્વ દર્શાવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ગાડીએ મોડી રાત્રે બે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ફાયર વિભાગના ચીફ ઓફિસર વિશાલ ટીમબડીયા અને ડ્રાઇવર વિજય કાછડીયા સામે ગંભીર આક્ષેપો થતાં પોલીસએ બંનેને અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગના ચીફ ઓફિસર અને ડ્રાઇવર નશાની હાલતમાં સરકારી ગાડી લઈ રસ્તા પર નીકળ્યા હતા.રસ્તામાં નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા બે વાહનોને અડફેટે લીધા.આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોએ વિરોધ કર્યો ઘટનાની જાણ થતાં જગ્યા પર લોકોની ભીડ એકઠી થઈ હતી.સ્થાનિક લોકોએ આ અંગે વીડિયો બનાવી પોલીસને સુપરત કર્યા, તેમજ આક્ષેપ કર્યો કે રાત્રે સરકારી ફાયર વિભાગની ગાડીમાં અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં કેમ હતા? શું આવી બેદરકારીથી સામાન્ય જનતા સુરક્ષિત રહેશે?” પોલીસ દ્વારા કાર્યવાહીજૂનાગઢ પોલીસએ ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીમબડીયા અને ડ્રાઈવર વિજય કાછડીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેઓ નશામાં હતા કે નહીં તે અંગે મેડિકલ તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચર્ચા છે કે રાત્રિના સમયે સરકારી ગાડી લઈ બહાર નીકળવાનું કારણ શું હતું? શું ડ્રાઈવર અને ચીફ ઓફિસર ફરજ પર હતા કે ફરજીયાત ફરજ દરમિયાન ગાડીનો દુરુપયોગ થયો? શહેરજનોમાં આક્રોશલોકોએ માગ કરી છે કે જોકે સામાન્ય માણસે નશો કરીને ગાડી ચલાવી તો કાયદા મુજબ તાત્કાલિક કાર્યવાહી થાય, પરંતુ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે, જેથી આવા કેસમાં ભવિષ્યમાં કોઈ જાતની ઢીલાશ ન રાખવામાં આવે.”
યુરીયા કેમીકલની હેરાફેરી:લાકડીયા પોલીસે 2000 લીટર કેમીકલ સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
લાકડીયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે બોલેરો પિક-અપમાંથી 2000 લીટર યુરીયા કેમીકલ પ્રવાહી સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જુના કટારીયા અજંતા બ્રીજ નીચે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બોલેરોમાંથી બે પ્લાસ્ટિકની ચોરસ ટાંકીમાં યુરીયા કેમીકલ પ્રવાહી મળી આવ્યું. ડ્રાઈવર પાસે આ કેમીકલના કોઈ આધાર-પુરાવા કે બિલ માંગવામાં આવ્યા. પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. આથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપીની ઓળખ વેહનારામ ગોરધનરામ જાટ (ઉંમર 36) તરીકે થઈ છે. તે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સીણધરી તાલુકાના અમરપુરા ગામની કાશણીયાની ઢાણીનો રહેવાસી છે. પોલીસે કુલ રૂ. 50,000ની કિંમતનું 2000 લીટર યુરીયા કેમીકલ પ્રવાહી અને રૂ. 3,00,000ની કિંમતની મહિન્દ્રા બોલેરો પિક-અપ કબજે કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં બપોરે 12 થી 2 વાગ્યા છેલ્લા બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે. લાંબા સમયના વિરામ બાદ વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વેરાવળના પંડવા, ભેટાળી, કોડીદ્રા, માથાશુરીયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જોકે, આ વરસાદ કેટલાક ગામો પૂરતો જ સીમિત રહ્યો છે. વેરાવળ તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો નથી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. પાકને પિયતની તાતી જરૂરિયાત હતી ત્યારે જ મેઘરાજાનું આગમન થયું છે. મગફળી, તુવેર અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળ્યું છે. વાવણી બાદ ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
સુરેન્દ્રનગર સ્થિત વટેશ્વર વનની પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લીધી હતી. મંત્રીએ આયુર્વેદ અને યોગની થીમ પર આધારિત આ સાંસ્કૃતિક વનની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે વિવિધ થીમ આધારિત વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ વિભાગોમાં આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન અને સ્કલ્પચર ગાર્ડનનો સમાવેશ થાય છે. સાથે જ સેન્સ એન્ડ ટચ ગાર્ડન તેમજ ફ્રુટ એન્ડ ફન પાર્કની પણ મુલાકાત લીધી હતી. મંત્રીએ જણાવ્યું કે વટેશ્વર વન પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આવા સ્થળોના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. મુલાકાત દરમિયાન મંત્રીએ વન વિભાગના અધિકારીઓ સાથે વનના સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે ચર્ચા કરી. તેમણે સૌને પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટે સહયોગ આપવા અપીલ કરી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા હતા. અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા અને વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પુલ અને રસ્તાઓની સ્થિતિની તપાસનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહને 20 જુલાઈ 2025ના રોજ કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. વલસાડ જિલ્લામાં કુલ 275 બ્રિજની તપાસણી કરવામાં આવી છે. તપાસણીના પરિણામે નેશનલ હાઇવે 56 પર આવેલા 5 બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. લીલાપોર બ્રિજ પર માત્ર સાઇકલ, બાઇક અને મોપેડની અવરજવરની મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ચોમાસા દરમિયાન જર્જરિત બનેલા રસ્તાઓની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી. બિસ્માર માર્ગોને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારીઓએ રાજ્ય સરકારની સૂચનાઓના અમલીકરણની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
બોટાદના રાજપરા ગામના તળાવનું ઓગાન તૂટ્યું:70 ટકા પાણી વહી ગયું, તાત્કાલીક રીપેર કરવા માગ
બોટાદથી 9 કિલોમીટર દૂર આવેલા રાજપરા ગામના તળાવનું ઓગાન તૂટી જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. તળાવમાં સંગ્રહિત પાણીનો 70 ટકા જેટલો જથ્થો વહી ગયો છે. આ તળાવ રાજપરા સહિત ઇંગોરાળા, જનડા અને હામાપર જેવા ગામોને લાભ મળે છે. ગત વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા 7 લાખ રૂપિયાના ખર્ચે તળાવના ઓગાનનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે એક જ વરસાદમાં ઓગાન ફરી તૂટી ગયું છે. તળાવનું પાણી આસપાસના ગામોની સિંચાઈ, ખેતી અને પશુપાલન માટે મહત્વપૂર્ણ છે. તળાવના પાણીથી આજુબાજુના વિસ્તારના કૂવા અને બોર રિચાર્જ થાય છે. સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણીની સુવિધા પણ આ તળાવ દ્વારા મળે છે. સેંકડો પશુઓ પણ આ તળાવના પાણીનો ઉપયોગ કરે છે. ગામના સરપંચ અને આગેવાનોએ તાત્કાલિક રિપેરિંગની માંગ કરી છે. જો વર્તમાન ચોમાસા દરમિયાન રિપેરિંગ કરવામાં આવે, તો તળાવ ફરીથી ભરાવાની શક્યતા છે. અન્યથા બે મહિના પછી ગામવાસીઓને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તૂટેલા ઓગાનને કારણે તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. આથી સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી પાણી સંગ્રહની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે.
ડાંગમાં શૈક્ષણિક સહાય અભિયાન:વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા 2051 બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સામાજિક સંસ્થા 'વર્લ્ડ વિઝન ઇન્ડિયા' દ્વારા શૈક્ષણિક સહાય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થા છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારમાં કાર્યરત છે. તેઓ 12 પંચાયતો અને 41 ગામોમાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે કામ કરી રહ્યા છે. વાર્ષિક સહાય કાર્યક્રમ અંતર્ગત સંસ્થાએ 1722 વિદ્યાર્થીઓને સાત-સાત નોટબુક્સનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત 329 આંગણવાડીના બાળકોને બે-બે ચાદર આપવામાં આવી છે. વાલીઓએ જણાવ્યું કે નોટબુક્સની ઊંચી કિંમતને કારણે તેઓ તેમના બાળકો માટે પૂરતી નોટબુક્સ ખરીદી શકતા નથી. સંસ્થાની આ મદદથી તેમના બાળકો યોગ્ય રીતે અભ્યાસ કરી શકશે. વર્લ્ડ વિઝન ઇન્ડિયા નિયમિતપણે ગ્રામ્ય અને તાલુકા સ્તરે વિવિધ કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરે છે.
ભરૂચ શહેરના નંદેલાલ ચોકડી પાસે આવેલી મંગલતીર્થ સોસાયટીમાં સાહુડી દેખાતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક નેશનલ પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટની વન્યજીવ રેસ્ક્યુ ટીમના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને ધવલ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે જરૂરી સાધનો સાથે સાવચેતીપૂર્વક સાહુડીને પકડી લીધી હતી. રેસ્ક્યુ ટીમે સાહુડીને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે પકડી હતી. ત્યારબાદ તેને તેના કુદરતી નિવાસસ્થાન નજીક સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ ટ્રસ્ટની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને તાત્કાલિક મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
અંજારમાં શુક્રવારે મહિલા ASI અરૂણાબેન જાદવની તેના પ્રેમીએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ASI અરૂણાબેન અને CRPF જવાન વચ્ચે વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા થઈ હતી. જે બાદ બન્ને લિવઈનમાં રહેતા હતા. આ દરમિયાન ઝઘડો થતાં પ્રેમીએ ગળું દબાવી ASIને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી CRPF જવાન પોલીસ મથકે સામેથી હાજર થયો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ જવાને હાથની નસ પણ કાપી હોવાનું સામે આવ્યું છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે મહિલા ASI અંજાર પોલીસ મથકે તાલીમ ઉપર હતાઆ અંગે અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જાહેર કરેલી વિગતો મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં છેલ્લા દોઢેક વર્ષથી રહેલા અજમાયશી મહિલા ASI એવા અરુણાબેન અગાઉ સામખિયાળી તાલીમમાં હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી અંજાર પોલીસ મથકે તાલીમ ઉપર હતા. મૂળ સુરેન્દ્રનગર ડેરવાડાના આ પોલીસકર્મી અંજારની ગંગોત્રી-2 સોસાયટીમાં રહેતા હતા. હતભાગી યુવતીના ગામની આસપાસનાં ગામમાં રહેનાર દિલીપ શંકર જાદવ નામનો યુવાન જે ઝારખંડના રાચિ ખાતે CRPFમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ બંનેનાં લગ્ન થવાનાં હતાં, જેની જાણ તેમના પરિવારજનોને પણ હતી. રાત્રિના સમયે બંને વચ્ચે પરિવારની વાતને લઈને તકરાર થઈબન્ને શુક્રવારે સવારે અંજાર સ્થિત ગંગોત્રી સોસાયટી-2માં પોતાના રૂમ ઉપર હતા, દરમિયાન રાત્રિના સમયે બંને વચ્ચે પરિવારની વાતને લઈને તકરાર થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ માથાકૂટમાં ઉશ્કેરાયેલા મહિલા પોલીસના મિત્ર એવા CRPF જવાને યુવતીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. આ બનાવ બાદ જવાને પોતાની પણ હાથની નસ કાપી લીધી હોવાનું બહાર આવ્યું હતું. પોતે ગતરોજ સવારે પોલીસ મથકે જઈને બનાવ અંગે પોલીસને જાણ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સાથે દોડધામ મચી ગઈ હતી. આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લોકઅપમાંજવાનની નસ કપાઈ જવાનાં કારણે તેને સારવાર હેઠળ રખાયો હતો. જ્યાંથી રજા મળતા હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લોકઅપમાં લઈ જવાયો છે. મહિલા ASIની હત્યાને પગલે ભારે ચકચાર પ્રસરી છે. વર્ષ 2023માં પોલીસ બેડામાં ભરતી થયેલા મહિલા પોલીસ અરુણાબેન અને CRPF જવાન વચ્ચે ટેલિફોન ઉપર કોઈ બાબતે ઝઘડા થતા હતા. અંજાર કોર્ટમાં રિમાન્ડની માગ કરાશેઅંજાર પી.આઈ. એ.આર. ગોહિલના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી તાલીમી મહિલા ASIનો તાલીમ સમય પૂર્ણ થયો હતો અને છેલ્લા થોડા સમયથી તે રજા ઉપર હતા. શુક્રવારે જ બંને સાથે ઘરે આવ્યા હતા અને રાત્રિના સમય દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો. સુરક્ષા દળના જવાનને હાલ કસ્ટડી હેઠળ રખાયો છે. આ અંગે આરોપી દિલીપ સામે માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આજે અંજાર કોર્ટ ખાતે તેને રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવશે.
ભુજ લોહાણા મહાજન અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તથા ભુજ લોહાણા યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ 2025 માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 'પાંજો તહેવાર, પાંજી ગરબી' અંતર્ગત લોહાણા સમાજના લોકો માટે નિઃશુલ્ક ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના જાણીતા કોરિયોગ્રાફર જતીન યાદવ RHYTHM આ ક્લાસ શીખવાડશે. ક્લાસ 23 જુલાઈથી 18 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. સોમવારથી શુક્રવાર સાંજે 6થી 10 વાગ્યા સુધી શેઠ રસીકલાલ કરશનદાસ કતિરા પાર્ટી પ્લોટ, ભાનુકાંત લાલજી પલણ હોલ ખાતે ક્લાસ યોજાશે. આ આયોજનમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ ચેરમેન નિખિલ ઠક્કર અને માહિર કોટકના નેતૃત્વમાં આ આયોજન થઈ રહ્યું છે. 23 જુલાઈના રોજ લોહાણા મહાજનના હોદ્દેદારો અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થશે. રજિસ્ટ્રેશન માટે 21 જુલાઈ 2025 સુધીની છેલ્લી તારીખ છે. ફોર્મ મેળવવા માટે ભુજ લોહાણા મહાજન વાડી કાર્યાલયનો સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે નમન ઠક્કર (9429012800), બીજલબેન ઠક્કર (8511040400) અથવા સ્મિત નરમ (8980216822)નો સંપર્ક કરી શકાય છે.
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી
Russia Earthquake: રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો.
મહેસાણામાં ગત 31 માર્ચ 2025ના બ્લુ રે એવિએશન એકેડેમીનું સેસના 152 વિમાન (VT-PBA) ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ટ્રેઈની મહિલા પાઈલટ એકલા ક્રોસ-કન્ટ્રી ઉડાન ભરી રહી હતી, દરમિયાન વિમાનનો મહેસાણા એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો અને તે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું. ગ્રામજનોએ તાત્કાલિક પાઈલટને બચાવી હોસ્પિટલ ખસેડી હતી. બાંસવાડા, ડીસા થઈ પરત મહેસાણાની ફ્લાઈટજે ઘટના અંગે શનિવારે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરવામાં આવેલા તપાસ રિપોર્ટમાં ટ્રેઈની મહિલા પાઈલટે ઉડાન પહેલાં પ્રી-ફ્લાઈટ બેથલાઈઝર ટેસ્ટ આપ્યો હતો, જેનું પરિણામ સામાન્ય હતું. વિમાને સર્કિટ અને લેન્ડિંગ, બે ક્રોસ-કન્ટ્રી ઉડાન અને ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ એક્સરસાઈઝ કરવાની હતી. આ ઘટનામાં ટ્રેઈની પાઈલટને એકલા ક્રોસ-કન્ટ્રી ઉડાન માટે મહેસાણાથી બાંસવાડા, ડીસા અને પરત મહેસાણા આવવાનું હતું. ઉડાન આઉટબાઉન્ડ FOSS અને ઈનબાઉન્ડ F065 માટે નિર્ધારિત હતી. વિમાને સવારે 9.46 વાગ્યે રનવે 5 પરથી ઉડાન ભરી હતી, અને ટેકઑફ દરમિયાન કોઈ અસામાન્ય સમસ્યા નોંધાઈ ન હતી. ડીસાથી પરત મહેસાણા આવતા સંપર્ક તૂટ્યો હતોડીસાથી પરત મહેસાણા આવતી વખતે વિમાન મહેસાણા ATC (M/s BRAPL દ્વારા સંચાલિત ગ્રાઉન્ડ VHF)ના સંપર્કમાં હતું. એક આસિસ્ટન્ટ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર (AFI)ના જણાવ્યા અનુસાર, ટ્રેઈની પાઈલટે મહેસાણાથી 4 નોટિકલ માઇલ દૂર 2000 ફૂટની ઊંચાઈએ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ વિમાન અને ATC વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. સંસ્થાએ વિમાન સાથે સંપર્ક સાધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. આખરે વિમાન ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું. ક્રેશ થતાં જ ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) શરૂ થયું. જે દુર્ઘટના બાદ આપોઆપ સિગ્નલ મોકલે છે. ગ્રામજનોએ બચાવ કામગીરી કરી હતીજે તે વખતે બનેલી દુર્ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ટ્રેની પાઈલટને હોસ્પિટલ ખસેડી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાઈલટે છેલ્લે 2000 ફૂટની ઊંચાઈએ 4 નોટિકલ માઇલ દૂર હોવાની માહિતી આપી હતી. બે ફ્લાઈટથી શોધખોળ કરાઈદુર્ઘટના બાદ ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરે વિમાનને શોધવા ઉડાન ભરી હતી, અને અન્ય એક ફલાઇટ ઇન્સ્ટ્રક્ટરે પણ VT-PBAને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. AAIBનો રિપોર્ટ સંપર્ક તૂટવાના કારણો અને દુર્ઘટનાના ચોક્કસ કારણોની વધુ તપાસની જરૂરિયાત દર્શાવે છે. આ ઘટનાએ ટ્રેનિંગ ફલાઇટ્સ દરમિયાન સલામતી પ્રોટોકોલ અને ATC સાથે સતત સંપર્કના મહત્વને રેખાંકિત કર્યુ છે. બ્લુ રે એવિએશન એકેડેમીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેની સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની ટિપ્પણી, 'સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈ મહારાષ્ટ્રને આપવાની વિરુદ્ધ હતા,' બાદ ગુજરાતમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલે કહ્યું કે, રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે અને તેમને રાષ્ટ્રીય વ્યક્તિ વિશે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સરદાર પટેલને હિન્દુ સમ્રાટ કહેતા જણાવ્યું હતું કે, હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિઓએ રાષ્ટ્રીય વ્યક્તિ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં ન પડવું જોઈએ. રાજ ઠાકરેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું18 જુલાઈએ એક સભામાં રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે, મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. અગાઉ સુધી જેને લોહપુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરેએ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયાં છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ દાવો કર્યો કે ઘણાં વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે. જોકે હવે રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જેને લઈને ગુજરાતના નેતાઓ અને સામાજિક સંસ્થાઓની પ્રતિક્રિયા સામે આવી છે. સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં ભારતના મહાન નેતા હતારાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા છે. તેમના દ્વારા રાજાશાહીને લોકશાહીમાં તબદીલ કરવામાં આવી. હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં પડવું ન જોઈએ. તે આપણા આરાધ્યદેવ ગણાય છે અને તેમના કારણે જ લોકશાહી મળી છે. રાજા રજવાડાઓને સમજાવ્યા અને મનાવ્યા છે. જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ હતા તેમને આકાશમાં જોયું તો પ્લેન જતું હતું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, સમજતા હોય તો સમજી જાવ નહિતર પાકિસ્તાન ચાલ્યા જાવ. બંને પોતાની પત્ની મૂકીને ભાગી ગયા તે સરદાર સાહેબની મહાનતા અને કેપેસિટી હતી. સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં ભારતના મહાન નેતા હતા અને હિન્દુ સમ્રાટ હતા. 'જવાબદાર વ્યક્તિએ આ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ'જ્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ હતા. આ પ્રકારની રાષ્ટ્રીય વ્યક્તિ વિશે કોઈ પણ જવાબદાર વ્યક્તિએ આ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ. રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે. તેમને આવા રાષ્ટ્ર પુરુષ વિશે બોલવું ન જોઇએ. 'દુનિયા મુઠ્ઠી મે'નો સમય હવે આવી ગયો છે. હાલ પ્રાંત વાદ, ભાષા વાદ અને રાજ્ય વાદ થવો ન જોઈએ. જ્યારે સુરત પાટીદાર યુવતી નેનું વાવડીયા આત્મહત્યા કેસ મામલે તેમણે જણાવ્યું કે, આ ઘટના દેશ માટે કલંકરૂપ ઘટના છે. સરકારે આ ઘટના અંગે કડકથી કડક પગલાં લેવા જોઈએ તેવી અમારી માગણી છે. કોઈપણ સમાજની દીકરી હોય પરંતુ તેમાં આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક છે. દરેક સમાજે આવી ઘટનાઓ અંગે આગળ આવીને સરકારને રજૂઆત કરવી જોઈએ. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ છે. શૈક્ષણિક સંસ્થાઓએ દીકરીઓને આત્મરક્ષાની ટ્રેનિંગ આપવી જોઈએ. સુરતમાં બનેલી ઘટના દેશ માટે કલંકરૂપ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માત્ર પાટીદાર સમાજની દીકરી નહીં, પરંતુ દરેક સમાજના લોકો માટે આ ઘટના ખૂબ જ ચિંતાજનક અને નિંદનીય છે. દીકરીઓ પર થતા અત્યાચારો ખરેખર ઘાતક છે. જેથી દરેક સમાજના લોકોએ આગળ આવીને આમાં વધુમાં વધુ રજૂઆત કરવી જોઈએ. સરકારે કડક પગલાં લઈ આમાં ગુનેગારોને આકરી સજા કરવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા DLSS શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું પોતે ધ્રોલમાં દીકરીઓની સંસ્થા ચલાવું છું અને તેમાં 2500 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. જે તમામ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે અને સરકાર તેના માટે સહાય પણ આપે છે. મહાનુભાવોનું અપમાન સહન નહિ થાયઃ અલ્પેશ કથીરિયારાજ ઠાકરેનાં આ નિવેદનો પર અલ્પેશ કથીરિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે, જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ હક નથી. રાજ ઠાકરે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યા છે. કથીરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે. અહિં ક્લિક કરી આ સમાચારને વિગતવાર વાંચો...
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામમાં પ્રથમ વખત લીલા અંજીરની સફળ પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. યુવા ખેડૂત મિલનભાઈ રાવલે 40 વિઘા જમીનમાં લીલા અંજીરના 8 હજાર રોપાનું વાવેતર કર્યું છે. મિલનભાઈ અગાઉ કપાસ, જીરું અને ઘઉં જેવા પરંપરાગત પાકો ઉગાડતા હતા. કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે થતા નુકસાનથી કંટાળીને તેમણે નવી દિશામાં વિચાર્યું. જમીન, આબોહવા અને વરસાદનો ઊંડો અભ્યાસ કર્યા બાદ તેમણે લીલા અંજીરની ખેતી શરૂ કરી. તેમણે આધુનિક પદ્ધતિથી નેટ હાઉસમાં રોપા ઉછેર્યા છે. આ પદ્ધતિથી બહારના પ્રતિકૂળ વાતાવરણની અસરથી પાકને બચાવી શકાય છે. એક રોપા દીઠ વાર્ષિક 20 કિલો ઉત્પાદન મળે છે. કુલ 1.60 લાખ કિલો ઉત્પાદન થવાની આશા છે. હાલમાં લીલા અંજીરનો બજાર ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા છે. આ હિસાબે વાર્ષિક 3 કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. ઝાલાવાડના ખેડૂતો હવે ધીમે ધીમે બાગાયત પાકની પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. મિલનભાઈની સફળતાએ અન્ય ખેડૂતો માટે પણ નવી રાહ ચીંધી છે.
અડાલજ પોલીસે શેરથા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે. અડાલજ પોલીસ મથકના પીઆઈ એલ.ડી. ઓડેદરાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ TUV ગાડી (GJ-27-BE-0628) કલોલથી અમદાવાદ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહી છે. શેરથા ટોલટેક્ષ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને અટકાવવામાં આવી. ગાડીમાંથી ડીસાના આખોલ ગામના જસપાલસિંહ ભારતસિંહ પરમાર અને પંકેશ ચંદુજી ઠાકોર મળી આવ્યા. ગાડીની તલાશી દરમિયાન વિદેશી દારૂની બોટલો, બીયર ટીન અને ક્વાટર મળીને કુલ 732 નંગ મળ્યા. આ દારૂની કિંમત રૂ. 1,81,704 છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂ. 6,97,704નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણ શહેરના પદમનાથ ચોકડી વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા ગંભીર બની છે. રેડક્રોસ સોસાયટીની સામે અને અખંડ આનંદ સોસાયટીની બાજુમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યાના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. ચોમાસાની મોસમમાં આ સમસ્યા વધુ વકરે તેવી દહેશત છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો વહેલી તકે સમસ્યાનો નિકાલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયા સામે 70 લાખ રૂપિયાની કિંમતના 44 પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવીને છેતરપિંડી આચરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી, અધિકારીઓના ખોટા સહી-સિક્કા કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને 31 આસામીઓને ગેરકાયદેસર રીતે પ્લોટ વેચી દીધા હતા. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ભારતીય દંડ સહિત 1860ની કલમ 467, 468, 471, તથા લાંચ રુશવત નિવારણ ધારો 2018ની કલમ 7(એ), 13(1)(એ), 13(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂ. 70 લાખનો આર્થિક લાભ મેળવી સરકારી દસ્તાવેજોનો દુરુપયોગગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્તમાન તલાટી મંત્રી ભાવેશભાઈ અમૃતલાલ ઉદેશી (ઉંમર 48) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેમના પૂર્વે ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલીયા તા.16/01/2021થી તા.31/07/2024 સુધી ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજના સમયગાળા દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે તલાટી કમ મંત્રી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો. તેમણે બનાવટી હુકમો તથા સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકારી-ગોંડલ તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની સહીઓ પોતાની જાતે કરી હતી. આ કિંમતી સરકારી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી, તેમણે 31 આસામીઓને દસ્તાવેજો આપી પોતાના નિયંત્રણમાં રહેલી મિલકતને અપ્રમાણિકતાથી અને ગેરવ્યાજબી રીતે વેચી દીધી. 6260 ચો.મી. જમીન પર 44 પ્લોટનું કૌભાંડઆ કૌભાંડમાં ત્રાકુડા ગામે કુલ 44 પ્લોટનો સમાવેશ થાય છે, જેનું કુલ ક્ષેત્રફળ આશરે 6260 ચો.મી. છે. પ્રતી ચો.મી.નો અંદાજિત ભાવ રૂ. 1100 ગણતા, તેની કુલ કિંમત આશરે રૂ. 70 લાખ થાય છે. ધર્મેશ રત્નાભાઈ હાપલીયાએ આ રકમ પોતાના અંગત આર્થિક ફાયદા માટે મેળવી હોવાનો આરોપ છે. ગોંડલ તાલુકા વિકાસ અધિકારીની લેખિત સૂચના બાદ ત્રાકુડા ગામે નવા ગામતળની જમીનના પ્લોટોના વેચાણ બાબતે થયેલ ગેરરીતિ અનુસંધાને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 15/07/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમૂના નંબર 2નું રેકોર્ડ તપાસતા, ક્રમ નંબર 713થી ક્રમ નંબર 744 સુધીની નોંધમાં મંજૂરીના લખાયેલ હુકમના કોલમમાં મંજૂરી આપનાર અધિકારીનો હોદ્દો તથા હુકમ નંબર લખેલા હતા, પરંતુ તેમાં તારીખ લખેલી ન હતી. તેમજ રેકોર્ડ ફાઈલમાં ગામ નમૂના નંબર 2માં નોંધ થયેલ મિલકતોનો લે-આઉટ પ્લાન ફાઈલમાં ન હોવાથી શંકા ઉપજી હતી. અધિકારીઓની મંજૂરી વગર બનાવટી હુકમ તથા સનદ બનાવીઆ બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટને તપાસ કરવા પત્ર મોકલવામાં આવ્યો હતો. તારીખ 19/07/2025ના રોજ વડી કચેરીએ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકોર્ડ સાથે બોલાવીને રેકોર્ડ ચકાસણી કરતા સામે આવ્યું કે, ત્રાકુડા ગામે સર્વે નંબર 91 પૈકીની જમીનમાં 2008માં પ્રાંત અધિકારી ગોંડલ દ્વારા 100 ચો.વાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા કુલ 5.00 ગુંઠાનું નવું ગામતળ નીમ થયું હતું. જોકે, તાલુકા પંચાયત કચેરી દ્વારા નીમ થયેલ નવા ગામતળની જમીનમાં 100 ચો.વાર મફત રહેણાંક હેતુના પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન મંજૂર કરવામાં આવેલ નહોતો. તેમ છતાં, પૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ હાપલીયાએ પોતાની ફરજ દરમિયાન સક્ષમ સત્તાધિકારીની કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વગર અનઅધિકૃત રીતે બનાવટી હુકમ તથા સનદ બનાવી આપી છે. 6200 ચો.મી. જગ્યા પર 44 પ્લોટ માટે દસ્તાવેજ બનાવ્યાએટલું જ નહીં, આ હુકમ અને સનદમાં તાલુકા પંચાયત ગોંડલના તાલુકા વિકાસ અધિકારીની તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની બનાવટી સહીઓ પોતાની જાતે કરી, તેમજ અધિકારી-કર્મચારીના સ્ટેમ્પ અને કચેરીના રાઉન્ડ સીલ અનઅધિકૃત રીતે લગાવી તમામ આસામીઓને આપ્યા હતા. હાલની ત્રાકુડા ગામની ગામતળ જમીનની જંત્રીના દર અને જમીનની સ્થળ સ્થિતિને ધ્યાને લેતા પ્રતી ચો.મી.નો અંદાજિત ભાવ રૂ. 1100 પ્રમાણે ગણી, કુલ 44 પ્લોટનું કુલ ક્ષેત્રફળ આશરે 6260 ચો.મી. જેની આશરે બજાર કિંમત રૂ. 70 લાખની રોકડ રકમ પોતાના અંગત આર્થિક લાભ માટે મેળવી છે. કોના નામે હુકમ તથા સનદ બનાવી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબરડેરી સામે દૂધના ભાવફેર સહિતના ત્રણ મુખ્ય મુદ્દે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલું આંદોલન આજે પણ યથાવત છે. આ વિરોધને કારણે અનેક દૂધ મંડળીઓ બંધ રહી છે. દૈનિક 26 લાખની જગ્યાએ 14.25 લાખ લીટર દૂધનું સંપાદન થયું છે, પશુપાલકોને ભાવ વધારો આંકડામાં નહીં ટકાવારીમાં જોઈએ છે. પશુપાલકોને ઝડપી લીધા બાદ રોષ ભડક્યો હતોઆ વિરોધની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સાબરડેરીમાં ભાવફેરને લઈને પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તે દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને 47 જેટલા પશુપાલકોને ઝડપી લીધા હતા. આ પોલીસ કાર્યવાહીથી પશુપાલકોનો રોષ વધુ ભડક્યો હતો અને તેમણે દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે આંદોલન વધુ ઉગ્ર બન્યું. દૂધના પ્રતિ કિલોફેટે રૂ. 995 આપવાની જાહેરાત છતાં પશુપાલકો નારાજબે દિવસ પહેલા, સાબરડેરીમાં ડેરીના ચેરમેન અને એમડી સહિત નિયામક મંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં દૂધના પ્રતિ કિલોફેટે રૂ. 995 આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, રૂ. 960 11 જુલાઈએ ચૂકવી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના રૂ. 35 સાધારણ સભા બાદ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાતમાં દિવસે પણ મંડળીઓમાં પશુપાલકો દૂધ ભરાવી રહ્યા નથીજોકે, ડેરી દ્વારા ભાવફેરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, હાલમાં બંને જિલ્લામાં મોટાભાગની દૂધ મંડળીઓમાં પશુપાલકો દૂધ ભરાવી રહ્યા નથી. પરિણામે, દૂધ મંડળીઓ અને સાબરડેરીમાં પણ દૂધની આવક ઘટી ગઈ છે. રવિવારે સાતમા દિવસે પણ દૂધ મંડળીઓ બંધ રહી હતી અને વિરોધ યથાવત જોવા મળ્યો હતો. ભાવ વધારો આંકડામાં નહીં, પરંતુ ટકાવારીમાં જોઈએ - પશુપાલકોપશુપાલકોની મુખ્ય માંગણી છે કે, ભાવ વધારો આંકડામાં નહીં, પરંતુ ટકાવારીમાં જોઈએ, અને જે ભાવ જાહેર કરવામાં આવ્યો છે તે તેમને ઓછો લાગે છે. આ ઉપરાંત, તેમની બીજી મુખ્ય માંગણી જે પશુપાલકો સામે પોલીસ કાર્યવાહી થઈ છે અને જેલમાં છે તેમને છોડાવવાની છે. સાથે જ,ઇડરના ઝીઝવાના અશોકભાઈ ચૌધરીને પણ સહાય પૂરી પાડવાની માગણી કરવામાં આવી છે. દૈનિક સરેરાશ 26 લાખ લીટર દૂધના બદલે માત્ર 14.25 લાખ લીટર દૂધની આવકઆંદોલનને કારણે સાબરડેરીને દૂધ સંપાદનમાં મોટો ફટકો પડ્યો છે. સામાન્ય દિવસોમાં સાબરડેરીમાં દૈનિક સરેરાશ 26 લાખ લીટર દૂધનું સંપાદન થતું હતું, પરંતુ પશુપાલકોના વિરોધને કારણે ગઈકાલે શનિવારે માત્ર 14.25 લાખ લીટર દૂધની આવક નોંધાઈ છે, જે લગભગ 45% જેટલો ઘટાડો દર્શાવે છે. નવો ભાવફેર જાહેર છતાં વિરોધ શમ્યો નથીઅરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો રોષ યથાવત રહ્યો છે, કારણ કે નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં વિરોધ શમ્યો નથી. આને કારણે જિલ્લાની દૂધ મંડળીઓ સાતમાં દિવસે પણ બંધ જોવા મળી હતી. મોડાસાના બામણવાડ ગામમાં, જ્યાં સામાન્ય રીતે દિવસના 3500 લિટરથી વધુ દૂધની આવક થાય છે, ત્યાં 300થી વધુ સભાસદો દૂધ ભરાવી રહ્યા નથી, જેના પગલે ગામની ધમધમતી દૂધ મંડળીઓ દિવસ-સાંજ બંધ હાલતમાં જોવા મળી રહી છે. આવતીકાલે આ મામલે કોર્ટમાં સુનાવણીદરમિયાન, સાબરડેરી દ્વારા ભાવફેર જાહેર કર્યા બાદ જેલમાં રહેલા પશુપાલકોને બહાર લાવવા માટે કાયદેસરના પ્રયત્નો શરૂ થયા હતા. ગઈકાલે સેશન્સ કોર્ટમાં આ મામલે દલીલો થઈ હતી, અને આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે આ અંગે વધુ સુનાવણી થશે. પશુપાલકોની નજર આ સુનાવણી પર રહેલી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર પાસેના ગોવિંદ નગરમાં વહેલી સવારે આગ લાગવાની મોટી ઘટના બની હતી. આઇકોન ટેક્સટાઇલ મિલના કચરાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી જતાં મિલમાં કામ કરી રહેલા આઠ જેટલા કામદારોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગીઆઇકોન ટેક્સટાઇલ મિલમાં વહેલી સવારે કચરાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મિલની બહારના વીજ સપ્લાય પરથી નીકળેલા તણખા ગોડાઉનમાં મુકેલા કાપડના ટુકડા અને યાર્ન સહિતના કાપડ પર પડતાની સાથે જ આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોર પર થઈ હતી, ત્યારે વહેલી સવારે આઠ જેટલા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશનમિલ માલિક ઇબ્રાહિમ શેખે જણાવ્યું કે, 'શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાનું શરૂ થયું હતું, જ્યાં કાપડના ટાંકા અને યાર્નનો જથ્થો પણ પડેલો હતો. કારીગરો લૂમ્સના મશીન ચલાવી રહ્યા હતા.' આગ લાગતાની સાથે જ ડુંભાલ, માન દરવાજા અને ઉધના ફાયર સ્ટેશનના અધિકારીઓ સહિત ત્રણ ફાયર ટેન્ડરો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની આ મિલમાં ઉપરના માળે જે કારીગરો કામ કરી રહ્યા હતા, તેમને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
ગત 17 જૂન, 2025ના રોજ ખંડણીકોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની અગાઉ પણ બે વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે. જોકે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી. પરંતુ હવે કીર્તિ પટેલ સામે 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. હવે બહાર રીતસર હવાતિયાં મારી રહી છે. કેમ કે છેલ્લા એક મહિનામાં બે કેસમાં જામીન અરજી કરી છે અને બંને અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. થોડા દિવસ પહેલા જ ખંડણી પ્રકરણમાં વરાછા પોલીસે કીર્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી આપી હતી. જેમાં તેણીએ કરેલી જામીન અરજી નામંજૂર થઈ હતી. ત્યારબાદ 13 જુલાઈએ કીર્તિએ વકીલ મારફતે બિનજામીનપાત્ર વોરંટના કેસમાં પણ હાજર થઇને આ વોરંટ રદ્દ કરાવવા સાથે જામીન માંગ્યા હતા. સરકારી વકીલ ભરતસિંહ ચાવડાએ દલીલો કરી હતી કે, આરોપી પોતાનું સરનામુ બદલાવતી રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જો જામીન ઉપર મુક્ત કરાશે તો આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેશે નહીં અને ટ્રાયલ લંબાયા કરશે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી કીર્તિ પટેલના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ પણ વાંચો: કુખ્યાત કીર્તિના કાંડ, ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધી 'વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો'18 જૂને જ્યારે કીર્તિ પટેલને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલી રહી હતી અને સતત હસતી રહી હતી. આ પણ વાંચો: જૂની અદાવતમાં કીર્તિ પટેલે યુવતીના ફોટા વાઇરલ કર્યા, સોશિયલ મીડિયામાં બીભત્સ લખાણ લખ્યું જે કેસમાં ધરપકડ થઈ તે કેસ શું છે?સુરતના કાપોદ્રામાં રહેતા 65 વર્ષીય બિલ્ડરના ઉમરા-વેલંજાના પ્રોજેક્ટમાં વિજય મનજી સવાણીએ 2015-16માં એક મકાન બુક કરાવ્યું હતું અને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તે કેન્સલ કરી સાત લાખની માંગણી કરી હતી. કોરોનાને કારણે નાણાં નહીં આપી શકેલા વજુ કાત્રોડીયા નામના બિલ્ડરની સોશિયલ મીડિયામાં ગાળો ભાંડી બદનામી કરી 30 લાખની ખંડણી માંગતાં તેમણે વિજય સવાણી વિરુદ્ધ કામરેજ, સરથાણામાં બે ગુના નોંધાવી કોર્ટમાં દાવો પણ કર્યો હતો. કોર્ટમાં કરેલા દાવો બોર્ડ પર આવતાં વિજય પટેલનું ઉપરાણું લઈ કીર્તિ પટેલે ઝંપલાવ્યું હતું. નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી ફોટો-વીડિયો બનાવ્યાપહેલાં સોશિયલ મીડિયામાં આ બિલ્ડર અને તેના પરિવારની બદનામી કરી બિલ્ડરને કોસમાડીના સિલ્વર ફાર્મમાં બોલાવી કોલ્ડ્રિક્સમાં દારૂ પીવડાવી વીડિયો ઉતારી લેવાયો હતો. કીર્તિ પટેલે યુવતી સાથેનો બિલ્ડરનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ સાથે 2 કરોડની ખંડણી પણ માંગી હતી. આ કેસમાં વરાછા પોલીસે ગત 17 જૂનમાં રોજ કીર્તિ રણછોડ અડાલજા (પટેલ)(રહે. કુશલ દર્શન એપાર્ટમેન્ટ, પરવટ પાટિયા)ની ધરપકડ કરી 18 જુલાઈના રોજ જેલમાં મોકલી હતી. 8 જુલાઈએ જામીન અરજી કરી હતીકીર્તિ પટેલે ગત 8 જુલાઈના રોજ જામીન મુક્ત થવા માટે જામીન માંગ્યા હતા. જેમાં સરકારી વકીલ નીતિન ચોડવડીયા દ્વારા દલીલો કરી જામીન નામંજૂર કરવા દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ કહ્યું હતું કે, આરોપી કીર્તિની સામે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, પાટણ સહિતના વિસ્તારમાં 10થી વધુ ગુના નોંધાયા છે. અને અનેક જગ્યાએથી નોન બેલેબલ વોરંટ પણ ઇશ્યૂ થયા છે. આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો ચોંકાવનારો આક્ષેપ, 'કીર્તિ પટેલ માનસિક રોગી ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરી ચોક્કસ કરી શકતા નથી. આરોપીના મોબાઈલમાંથી ડિજિટલ પુરાવા મળ્યા છે અને જો તેને જામીન મુક્ત કરાશે તો પુરાવાનો નાશ કરશે તેમ ટાંકીને જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ પહેલા અમદાવાદના વસ્ત્રાપુર અને સુરતના પુણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આ કેસમાં પણ તેણે જેલની હવા ખાતી હતી. જોકે તે થોડા દિવસોમાં જ જેલમાંથી બહાર આવી ગઈ હતી અને ફરી ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું હતું. અન્ય એક કેસમાં જામીન માગ્યાં હતા2020માં ટિકીટોક સ્ટાર કીર્તિ રણછોડભાઈ પટેલની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પુણા પોલીસે કીર્તિની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જો કે તેનો જામીન ઉપર છૂટકારો થયો હતો. આ ગુનામાં કોર્ટે આરોપી કીર્તિને કોર્ટ મુદ્દત દરમિયાન કોર્ટમાં હાજર રહેવા પણ સૂચન કર્યું હતું. જો કે, પાંચ વર્ષ દરમિયાન મોટાભાગની મુદ્દતમાં કીર્તિ ગેરહાજર રહી હતી. સામે મુળ ફરિયાદીના વકીલે કોર્ટમાં રજૂઆત કરીને કીર્તિ પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ અરજી મંજૂર કરીને કીર્તિની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. આ પણ વાંચો: 'કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું' અમદાવાદના ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસીગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમનેસામને ચોંકાવનારા આરોપ-પ્રતિઆરોપ કરાયા હતા. આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો. 'રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો'કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલાં કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સૂવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પદ્મિનીબા વાળાના ચાળા પડ્યા હતાએપ્રિલ 2024માં કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાના ચાળા પાડતી દેખાઈ રહી છે, જેમાં તેણે આબેહૂબ પદ્મિનીબા વાળા જેવો લુક ધારણ કર્યો છે. માથા પર પલ્લું ઓઢ્યું છે. તો ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ, ખલનાયક હૈ તૂ...’ ગીત વાગી રહ્યું છે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં કાર્બોસેલની લીઝની તપાસણી દરમિયાન ખેડૂતો સાથે જુવાર કાપવાની કામગીરી કરી. તેમણે ખેડૂતોને જણાવ્યું કે તેઓ પણ એક ખેડૂત પુત્ર છે અને ખેતીના તમામ કામથી પરિચિત છે. નાયબ કલેક્ટરે ખેડૂતોની મહેનત અને ઈમાનદારીને બિરદાવી. તેમણે પોતાના અભ્યાસકાળ દરમિયાન કરેલી ખેતીના સ્મરણો તાજા કર્યા. તેમણે ખેડૂતોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે, શિક્ષણ માત્ર નોકરી માટે નથી, સારી ખેતી માટે પણ શિક્ષણ જરૂરી છે. મકવાણાએ જણાવ્યું કે, મહેનતનો પરસેવો જમીન પર પડે ત્યારે જ અન્ન પેદા થાય છે. તેમના મતે ખેડૂત માત્ર જમીન નથી ખેડતો, પણ દેશને પોષણ આપે છે. તેમણે ખેતીને માત્ર વ્યવસાય નહીં પણ સાધના ગણાવી. તેમણે ખેડૂતોને સૈનિક સાથે સરખાવ્યા - જેમ સૈનિક દેશની સરહદની રક્ષા કરે છે, તેમ ખેડૂત દેશને પોષણ આપે છે.
રાજકોટની કટારીયા ચોકડી નજીક રૂ. 167 કરોડનાં ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ થ્રીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ માટેનું કામ શરૂ કરતાં પહેલાં હાલમાં અહીંથી પસાર થનારા લાખો વાહનો માટે ડાયવર્ઝનનાં રસ્તા બનાવવવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટથી મેટોડા તરફ જવા માટેનો ડાયવર્ઝન રોડ રંગોલી પાર્ક નજીકથી બનાવવામાં આવતા અહીં વસવાટ કરી રહેલા લોકોને અકસ્માતનો ડર લાગી રહ્યો છે. આ ડાયવર્ઝન શરૂ થતાં અહીંથી દરરોજના 1 લાખ કરતા વધુ વાહનો પસાર થવાની શક્યતા છે. જેને લઈને રંગોલી પાર્ક ખાતે રહેતા 6,000 જેટલા લોકો ચિંતામાં મુકાયા છે. તેમજ તાત્કાલિક સોસાયટીની બંને તરફ સ્પીડબ્રેકર મુકવાની માગ કરવામાં આવી છે અને સોસાયટીની સામે રહેલો 15 ફૂટ જેટલો પહોળો ખાડો તાત્કાલિક બુરવા માટેની અપીલ કરવામાં આવી છે. 15 ફૂટ જેટલો પહોળો ખાડો તાત્કાલિક બુરવા માટે અપીલરંગોલી પાર્ક સોસાયટીનાં પ્રમુખ ભીખાલાલ સહાયતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં હાલ 1164 ફ્લેટ એટલે કે 6-7 હજાર લોકો વસવાટ કરે છે. જેમાં અનેક બાળકો અને વયોવૃદ્ધ લોકો પણ સામેલ છે. અહીંથી આ ડાયવર્ઝન આપવામાં આવતા દરરોજ 1 લાખ કરતા વધુ વાહનોની અવરજવર થવાની છે. તો સોસાયટીનાં લોકો રોડ ક્રોસ કરે ત્યારે મોટા અકસ્માતની પુરી શક્યતા છે. ત્યારે અહીં તાત્કાલિક સ્પીડબ્રેકર મૂકી દેવામાં આવે તેવી અમારી માગ છે. તો અહીં કમલેશ્વર મહાદેવ મંદિર નજીક મોટો જીવલેણ ખાડો ઘણા લાંબા સમયથી ખુલ્લો છે તે માટે પણ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. 6-7 હજાર લોકો ઉપર અકસ્માતનું જોખમઆ સોસાયટીમાં 8 વર્ષથી રહેતા પરેશભાઈ અંતાણીએ જણાવ્યું હતું કે, કટારીયા ચોકડી પાસે જે બ્રિજ બની રહ્યો છે તે ખરેખર સારી બાબત છે. આ પુલનું કામ કરવા માટે કાલાવડ રોડનાં અંદાજે 1 લાખથી વધુ વાહનોનો ટ્રાફિક અમારી સોસાયટી પાસેથી પસાર થનાર છે. જેને લઈને સોસાયટીમાં રહેતા 6-7 હજાર લોકો ઉપર કોઈ અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અહીં સ્પીડબ્રેકર મુકવાની સાથે સ્પીડ લિમિટ 30 આસપાસ રાખવાનાં બોર્ડ લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. તો આ રોડ ઉપર ગટર માટે કરેલો મોટો ખાડો બુરવા રજૂઆતો કરવા છતાં કામગીરી થઈ નહીં હોવાનું જણાવી આ અંગે તાત્કાલિક પગલાં લેવા માગ તેઓએ કરી હતી. 1થી દોઢ લાખ વાહનોની અવરજવર થવાની શક્યતાઆ વિસ્તારમાં રહેતા વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કટારીયા ચોકડી પાસે ગુજરાતનો પ્રથમ થ્રીલેયર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે રાજકોટ માટે ખૂબ ખુશીની વાત છે પરંતુ, આ માટે આપવામાં આવેલા જુદા જુદા ડાયવર્ઝનમાં અમારી સોસાયટી પાસેથી મેટોડા અને જામનગર તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવનાર છે. જેને લઈને આ રસ્તા ઉપરથી દરરોજ 1થી દોઢ લાખ વાહનોની અવરજવર થવાની શક્યતા છે. ત્યારે અહીંના 7થી 8 હજાર લોકો ચિંતામાં મુકાયા છે. આ રસ્તા ઉપર કોઈ સ્પીડબ્રેકર મુકવામાં આવ્યું નથી. જેને લઈ વાહનો પૂરપાટ ઝડપે પસાર થવાની અને તેના કારણે અકસ્માતો થવાની દહેશત છે. ત્યારે સોસાયટીની બંનેબાજુ સ્પીડબ્રેકર મુકવા ખૂબ જરૂરી છે. આ માટે મનપા તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં હજુ સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા નથી. ત્યારે વાહનોનું ડાયવર્ઝન શરૂ થતાં પહેલાં અહીં સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી અમારી માગ છે. ઉલ્લેખનીય છે કે, આ નવા ડાયવર્ઝન રોડ પર રંગોલી પાર્ક સિવાય પણ અનેક રહેણાંક એપાર્ટમેન્ટ આવેલા છે. જેમાં પણ અનેક લોકો વસવાટ કરતા હોવાથી વાહનોની અવરજવર શરૂ થયા બાદ અકસ્માતની સંભાવના છે. તો કમલેશ્વર મહાદેવ મંદિર નજીક ભૂગર્ભ ગટરનાં કામ માટે 15 ફૂટ પહોળો મોટો ખાડો કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા 15 દિવસથી કામ બંધ હોવા છતાં કોઈ બેરીકેડ કે ચેતવણીનાં બોર્ડ પણ મુકવામાં આવ્યા નથી. જેને લઈને કોઈ ખાડામાં પડી જવાથી અકસ્માત થવાની શક્યતા છે. ત્યારે આ રસ્તા ઉપર જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવા અને ખાડો બુરવા સહિત બંને બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ આ વિસ્તારના લોકોએ કરી છે. જોકે મનપા તંત્ર લોકોની આ માંગ ક્યારે પુરી કરે છે તે આવનારો સમય જ બતાવશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો છે. રાજ ઠાકરેએ એક સભામાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે, મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. જેને પગલે મહેસાણામાં SPG(સરદાર પટેલ સેવા દળ ગ્રુપ)ના અધ્યક્ષ લાલજી પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે. 'તેઓને મરાઠી સિવાય કોઈ સમાજના લોકો ગમતા નથી'લાલજી પટેલે જણાવ્યું કે, રાજ ઠાકરેની માનસિકતા હંમેશાથી ગુજરાતીઓ વિરુદ્ધ રહી છે. તેઓને મરાઠી સિવાય કોઈ સમાજના લોકો ગમતા નથી. તેઓ વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને હવે સરદાર પટેલને પણ અપમાનિત કર્યા છે. 'અમે અહિં દરેક રાજ્યના લોકોનું સન્માન કરીએ છીએ'તેમણે કહ્યું કે, ગુજરાતમાં મહારાષ્ટ્રથી હજારો લોકો રોજગારી માટે આવે છે. અમે તેમને માન-સન્માન આપીએ છીએ. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના છે, જેમને મુખ્યમંત્રી જેટલું સન્માન મળે છે. જો અમે અહિં દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા હોઈ તો તમને શું તકલીફ છે? 'સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભવિષ્યમાં ભારે પડશે'SPG અધ્યક્ષે ચીમકી આપી કે, જો રાજ ઠાકરે આવું વર્તન ચાલુ રાખશે, તો તેમના ગુજરાતના કોઈપણ કાર્યક્રમનો જાહેરમાં અમે વિરોધ કરીશું. તેમણે ઉમેર્યું કે, તેઓની માનસિકતા હંમેશા અપમાનજનક જ રહી છે. આજે તેઓ બધા સાથે સારી રીતે રહ્યા હોત તો તેઓ આજે મહારાષ્ટ્રમાં રાજ કરતા હોત. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભવિષ્યમાં ભારે પડશે. રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન...18 જુલાઈના રોજ એક સભામાં રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. અગાઉ સુધી જેને લોહપુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરેએ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયાં છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ દાવો કર્યો કે ઘણાં વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે. મહાનુભાવોનું અપમાન સહન નહિ થાયઃ અલ્પેશ કથીરિયારાજ ઠાકરેનાં આ નિવેદનો પર અલ્પેશ કથીરિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે, જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ હક નથી. રાજ ઠાકરે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યા છે. કથીરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે. અહિં ક્લિક કરી આ સમાચારને વિગતવાર વાંચો...
'ઈડી સુપરકૉપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય..', હાઈકોર્ટ તપાસ એજન્સી સામે લાલઘૂમ
Madras High Court: મદ્રાસ હાઈકોર્ટે એક મામલે સુનાવણી કરતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે ઈડી એ કઈ હરતુ-ફરતુ હથિયાર કે ડ્રોન નથી જે કોઈપણ ગુનાહિત મામલે પોતાની મરજી મુજબ હુમલો કરી દે છે. તે કોઈ સુપર કૉપ નથી કે તે દરેક કેસમાં તપાસનો અધિકાર ધરાવે. જસ્ટિસ એમ.એસ.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાપુરા નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય દસ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત વહેલી સવારે લગભગ 5 વાગ્યે બન્યો હતો, જ્યારે ગોંડલથી મધ્યપ્રદેશના બડવાની તરફ જઈ રહેલી ઈકો કાર રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. મૃતકની વિગતરમેશ સોલંકી (મંડાઈ ગામ, મધ્યપ્રદેશ) સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ઝાડ સાથે અથડાઈપ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે કોઈક કારણોસર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાહન રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે જોરદાર ટકરાયું હતું. આ ભયાનક ટક્કર એટલી પ્રચંડ હતી કે, મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી રમેશ સોલંકીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. દસ મુસાફરોને સામાન્ય ઈજાઓઅકસ્માતમાં કારમાં સવાર અન્ય દસ મુસાફરોને ઓછી-વત્તી એટલે કે સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે બોડેલીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ મુસાફરો ગોંડલમાં મજૂરી કામ કરતા હતા મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ મુસાફરો ગોંડલમાં મજૂરી કામ કરતા હતા અને કામ પતાવીને પોતાના વતન મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોબોડેલી પોલીસે અકસ્માત અંગેની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર વહેલી સવારના સમયે હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અને ઓવરસ્પીડ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકો દારૂ પીતા ઝડપાયા હતા. પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમી આધારે દરોડો પાડતા દારૂની મહેફીલ ઝડપાઈપોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:30 વાગ્યે એક મેસેજ મળ્યો હતો કે, વસ્ત્રાપુરના NRI ટાવરના A વિંગમાં કેટલાક છોકરા-છોકરીઓ ડ્રિન્ક કરીને ડાન્સ કરી રહ્યા છે. આ માહિતીના આધારે વસ્ત્રાપુર પોલીસ ટાવરના ત્રીજા માળે આવેલા 304 નંબરના ફ્લેટ પર પહોંચી હતી. પોલીસે ફ્લેટના દરવાજાને ધક્કો મારતા તે ખુલી ગયો હતો. ફ્લેટમાં પ્રવેશ કરતા જ પોલીસે ડ્રોઈંગ રૂમમાં કેટલાક યુવક અને યુવતીઓને ગોળ કુંડાળું કરીને બેઠેલા જોયા હતા અને ટીપોઈ પર દારૂની બોટલો, વેફર, ગ્લાસ સહિતની વસ્તુઓ પડેલી હતી. યુવતીએ બે મહિનાથી મકાન ભાડે રાખ્યું હતુંપોલીસે દારૂ પાર્ટી કરતા કલ્પિત ઠક્કર (ઉંમર 32), વિષ્ણુ ચેતન (ઉંમર 23) સહિત ત્રણ યુવતીઓને ઝડપી પાડી હતી. જે મકાનમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી તે મકાન દારૂ પાર્ટી કરી રહેલી એક યુવતીએ છેલ્લા બે મહિનાથી ભાડે રાખ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિજાપુર પીલવાઈ ગામે આવેલ ડૉ. જે.ડી. તલાટી વિદ્યાસંકુલની આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજમાં એક ભાવુક પ્રસંગ યોજાયો. રસાયણ વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર આર. દવેનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. ડૉ. દવેએ કોલેજમાં 33 વર્ષ સુધી સેવાઓ આપી છે. વય નિવૃત્તિના કારણે તેઓ વિદાય લઈ રહ્યા છે. સંચાલક મંડળ અને વિદ્યાસંકુલની ત્રણેય શાખાઓના કર્મચારીઓએ તેમને ભાવભીની વિદાય આપી. સંચાલક મંડળના ઉપપ્રમુખ રમણભાઈ પટેલ અને મંત્રી મુકેશકુમાર વિહોલે શ્રીફળ તથા શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું. આચાર્ય ડૉ. સંજય શાહે ડૉ. દવેના વિદ્યાર્થીઓ સાથેના સ્નેહસંબંધ અને કોલેજમાં તેમની સેવાઓની સરાહના કરી. અધ્યાપકોએ સન્માનપત્ર આપ્યું. કોલેજની ક્રેડિટ સોસાયટીએ ચેક અર્પણ કર્યો. આઈ.ટી.આઈ.ના કર્મચારીઓએ પણ તેમનું સન્માન કર્યું. સમારંભમાં ઊંઝા કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. પાટણ કોલેજના પ્રાધ્યાપક મનુભાઈ ચૌધરી પણ હાજર રહ્યા. ડૉ. દવેએ કોલેજ પરિવાર સાથેના સંસ્મરણો વાગોળ્યા. તેમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો.
જામનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક:કલેક્ટર કેતન ઠક્કરે અધિકારીઓને લોકપ્રશ્નોના નિકાલની સૂચના આપી
જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર અને ધારાસભ્યો મેઘજી ચાવડા તથા હેમંત ખવાએ લોકપ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં જમીન માપણી, વાડી વિસ્તારમાં વીજ કનેક્શન, રોડ-રસ્તા અને બ્રિજના બાંધકામ, સિંચાઈ, જી.એસ.આર.ટી.સી., મહેસુલ, શિક્ષણ, વન વિભાગ, પીજીવીસીએલ અને ખાણ ખનીજ વિભાગને લગતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓની રજૂઆતોનો સકારાત્મક અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા સૂચના આપી હતી. બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ન, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
નવરાત્રીને હવે માત્ર બે મહિના બાકી છે ત્યારે અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી પ્રીમિયમ ગરબા તરીકે જાણીતા 'સફેદ પરિંદે' ગરબાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આયોજકો દ્વારા બે મહિના અગાઉ જ સાબરમતી રિવરફ્રન્ટ પરના અક્ષર રિવર ક્રૂઝ ખાતે ગરબાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગરબાના પાસનો ભાવ 7 હજારથી લઈને 25 હજાર સુધીનો રહેશે. પ્રીમિયમ ગરબાનો વધતો ક્રેઝનવરાત્રીમાં ગરબા રમવા માટે પાર્ટી પ્લોટ અને ક્લબનો ક્રેઝ વધ્યો છે, જેમાં લોકો હવે પ્રીમિયમ ગરબામાં જવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણે છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક યોજાતા 'સફેદ પરિંદે' ગરબાનું ત્રીજા વર્ષે પણ આયોજન થઈ રહ્યું છે. લોન્ચિંગ કાર્યક્રમમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પણ હાજર રહ્યા હતા. 'સફેદ પરિંદે' ગરબાના નામ પ્રમાણે જ તેની થીમ રાખવામાં આવી છે, જેમાં લોકો સફેદ કપડાં પહેરીને ગરબા રમવા આવે છે. આ ગરબા ગ્રાઉન્ડની કેપેસિટી 10,000 લોકોની છે, પરંતુ ભીડ ટાળવા માટે માત્ર 2,500 પાસ જ વેચવામાં આવશે. આ ગરબામાં VIP અને પ્રીમિયમ લોકો જ આવે છે. પાસ લીધા બાદ પાર્કિંગ, જમવાની, પાણી અને બેસવાની તમામ વ્યવસ્થા આપવામાં આવે છે. 'સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન'ગરબાના આયોજક નમ્રતા પટવાએ જણાવ્યું હતું કે, 'આજે અમે અર્લીબર્ડ પાસનું પણ લોન્ચિંગ કર્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફેક પાસ વેચે છે, પરંતુ લોકોને અમારી અપીલ છે કે તેઓ આવા પાસ ન ખરીદે. અમે લોકોને અમારી સફેદ પરિંદેની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ પાસ ખરીદવા માટે અપીલ કરીએ છીએ. અમારી વેબસાઈટ પર સ્થળ, પાસની કિંમત, સમય સહિતની તમામ વિગતો મળી રહેશે. અમારા ગરબાની થીમ સફેદ કપડાં છે અને ગરબા સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને જ યોજવામાં આવે છે.' આયોજક આકાશ પટવાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા નવ વર્ષથી અમે ગરબા કરીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી 'સફેદ પરિંદે' ગરબાનું આયોજન કરીએ છીએ. આ ગરબા અલ્ટ્રા લક્ઝુરિયસ ગરબા છે. પાસનો ભાવ 7,000થી શરૂ થાય છે અને ત્યારબાદ અલગ અલગ ફેઝ પ્રમાણે પાસનો ભાવ રાખવામાં આવ્યો છે. અમે 'સફેદ પરિંદે'નો ટ્રેડમાર્ક પણ લીધેલો છે.'
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના આઠમાંથી સાત તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ખેડબ્રહ્મામાં સૌથી વધુ 15 મીમી વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં 11 મીમી, વડાલી, ઇડર અને પ્રાંતિજમાં 8-8 મીમી, પોશીનામાં 7 મીમી અને વિજયનગરમાં 4 મીમી વરસાદ થયો છે. માત્ર તલોદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જિલ્લાના જળાશયોમાં પણ સારી આવક નોંધાઈ રહી છે. હાથમતી જળાશય 63.36 ટકા ભરાયેલું છે અને તેમાં 300 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ગુહાઇ જળાશય 54.18 ટકા અને હરણાવ જળાશય 72.70 ટકા ભરાયેલા છે. હિંમતનગરમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
નર્મદા જિલ્લામાં ડભોઈ-સેગવા-પોઈચા રસ્તા પર આવેલા રંગસેતુ પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે.મોદીએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકોએ હવે નવો રૂટ અપનાવવો પડશે. રાજપીપળાથી વડોદરા જતાં ભારે વાહનોએ 40 કિલોમીટરનો ફેરો ફરી રાજપીપળા-ગરૂડેશ્વર દેવલીયા ડભોઇ ચોકડી થઈને પસાર થવાનું રહેશે. જો કે, રાજપીપળાથી પોઈચા સુધી જતાં ભારે વાહનો રાજપીપળા-પોઈચા રોડનો ઉપયોગ કરી શકશે. કાર્યપાલક ઇજનેર, રાજપીપળા (મા.મ) વિભાગને આ માર્ગ પર જરૂરી બોર્ડ અને બેરીકેટ્સ લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીને પાત્ર બનશે. આ પ્રતિબંધ રંગસેતુ પુલ ભારે વાહનો માટે ફરીથી ચાલુ કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે. વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવાનો રહેશે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં 7 વર્ષ અગાઉ પત્નીના આડાસંબંધ હોવાની શંકાએ તેની ક્રુર હત્યા કરનાર પતિને વડોદરા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા કન્વિકશન રેટ ઈમ્પ્રુવેન્ટ અભિયાન હેઠળ ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાને પસંદ કરાયો હતો. આડાસંબંધની શંકાએ પત્નીની હત્યા કરીમુળ નાગપુરના ઈન્દિરાનગરમાં રહેતા ફયાઝ અફજલરસીદ શેખનું ગત 2018માં નવાયાર્ડમાં રહેતી યુવતી સાથે નિકાહ થયા હતા અને ત્યારબાદ તે પત્નીને લઈને નાગપુર ગયો હતો. જોકે તે ત્યાં કોઈ કામધંધો કરતો ન હોવાથી ફયાઝને બોલાવીને કામધંધો અપાવવા માટે સાળાએ વડોદરા બોલાવ્યો હતો. પત્ની સાથે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ફયાઝ શેખને એવો વ્હેમ હતો કે તેની પત્નીના પરપુરુષ સાથે આડાસંબંધ છે અને આ શંકાના પગલે તેણે પત્નીની કરપીણ હત્યા કરી હતી. 3 માસની કેદની સજા ભોગવવાનો હુકમફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફયાઝની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો. આ કેસની વડોદરા કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી, જે દરમિયાન આ કેસને શહેર પોલીસ કમિશનર દ્વારા હાથ ધરાયેલા કન્વિકશન રેટ ઈમ્પ્રુવમેન્ટ અભિયાનના ભાગ હેઠળ પસંદ કરાયો હતો. પોલીસ અને સરકારી વકીલના સંકલન તેમજ સરકારી વકીલ ભાવિક પુરોહિતની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ફયાઝ શેખને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રોકડા પાંચ હજારનો દંડ ભરવાનો અને દંડ ના ભરે તો વધુ 3 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
જુનાગઢ જિલ્લાના સીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બે યુવતીને ગોંડલ તાલુકા પોલીસે ગુંદાસરા વિસ્તારમાંથી શોધી કાઢી છે. આ કામગીરી રાજકોટ જીલ્લાના એસપી હિમકરસિંહ અને ડીવાયએસપી કે.જી. ઝાલાની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કામગીરી શરૂ કરી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરીને બંને યુવતીઓને શોધી કાઢી હતી. યુવતીઓને શોધ્યા બાદ તેમને જુનાગઢ જિલ્લાના સીલ પોલીસ સ્ટેશનની ટીમને સોંપવામાં આવી છે. સમગ્ર કેસમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમાર અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે સીલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આગળની કાર્યવાહી હાથ ધરશે.
ભાવનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો:5 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો, તાપમાન 35.2 ડિગ્રી સુધી પહોંચ્યું
ભાવનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જિલ્લાના 10 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. ગારીયાધારમાં સૌથી વધુ 7 મિમી વરસાદ પડ્યો છે. વલ્લભીપુર, ઉમરાળા અને ભાવનગરમાં 4-4 મિમી તથા પાલીતાણામાં 3 મિમી વરસાદ નોંધાયો છે. ઘોઘા, સિહોર, તળાજા, મહુવા અને જેસર તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. 14 જુલાઈથી 20 જુલાઈ સુધીના આંકડા જોઈએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી વધીને 35.2 ડિગ્રી સુધી પહોંચ્યું છે. લઘુત્તમ તાપમાન 26.2થી 27.2 ડિગ્રી વચ્ચે રહ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ 70થી 87 ટકા વચ્ચે નોંધાયું છે. પવનની ગતિમાં ઘટાડો થયો છે. 14 જુલાઈએ 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન 20 જુલાઈએ 10 કિલોમીટર પ્રતિ કલાક સુધી ધીમો પડ્યો છે. તાપમાનમાં વધારો અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી બફારાની સ્થિતિ સર્જાઈ છે.
હરિદ્વાર મહિલા મિલન મંદિર દ્વારા ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવાના હેતુસર હરિદ્વારથી સોમનાથ સુધીની 1650 કિલોમીટર લાંબી કાવડ યાત્રા નીકળી છે. 18 દિવસમાં પૂરી થનારી આ યાત્રા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા પાર કરીને હવે ગુજરાતમાં પ્રવેશી છે. જોકે, રાજસ્થાનમાં અસહ્ય ગરમી અને ભારે વરસાદને કારણે 7 પૈકી 6 કાવડ યાત્રીઓના પગમાં ગંભીર છાલા પડી ગયા છે, જેના પગલે હવે કાવડને પીકઅપ વાનની પાછળ બાંધીને આગળ લઈ જવાની ફરજ પડી છે. હાલ આ યાત્રા મહેસાણા પહોંચી છે. કાવડ યાત્રીઓમાં 27 વર્ષના યુવાનથી લઈને 71 વર્ષના વૃદ્ધ સુધીનો સમાવેશ થાય છે. 71 વર્ષીય રસિકભાઈ જોશી એકમાત્ર કાવડિયા હજુ પણ સક્રિયહરિદ્વારના મહિલા મિલન મંદિરના સહયોગથી ગુજરાતી લોકો દ્વારા આ વર્ષે પહેલીવાર આ કાવડ યાત્રા 11 જુલાઈના રોજ શરૂ કરવામાં આવી હતી. હરિદ્વારથી 1,650 કિમીનું અંતર કાપીને સોમનાથમાં ભગવાન શિવને ગંગા મૈયાના જળનો અભિષેક કરવાનો તેમનો સંકલ્પ છે. જ્યારે કાવડયાત્રા હરિદ્વારથી નીકળી ત્યારે તેમાં કુલ 18 લોકો હતા, જેમાં 7 કાવડિયાત્રીનો સમાવેશ થતો હતો. એક કાવડયાત્રી રોજના 15થી 20 કિલોમીટર અંતર કાપતા હતા અને આખી કાવડ રોજ 80થી 100 કિલોમીટર આગળ વધતી હતી. જોકે, હવે યાત્રા મહેસાણા પહોંચી છે ત્યારે માત્ર ત્રણ લોકો જ બાકી રહ્યા છે – જેમાં બે લોકો કાર ચલાવે છે અને એક કાવડયાત્રી છે. વિસનગરના 71 વર્ષીય રસિકભાઈ જોશી એકમાત્ર કાવડિયાત્રી છે જેઓ હજુ પણ યાત્રામાં સક્રિય છે. કાવડયાત્રા દરમિયાન અમે ચાર રાજ્યો પાર કરી લીધાભરૂચના રહેવાસી અને કાવડયાત્રાના આયોજક જાસ્મીન માંકડે જણાવ્યું હતું કે, 'અમે આ વર્ષે પહેલી કાવડયાત્રા કાઢી છે. કાવડયાત્રા દરમિયાન અમે ચાર રાજ્યો પાર કરી લીધા છે અને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. મહેસાણામાં અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન અમે રાજસ્થાનમાં ખૂબ જ તકલીફોનો સામનો કર્યો. ગરમી અને ભારે વરસાદને કારણે 6 કાવડયાત્રીઓના પગમાં છાલા પડી ગયા છે. જોકે અમે ગુજરાતના અમીરગઢ સુધી ચાલતા ચાલતા જ આવ્યા હતા. છેવટે તકલીફો વધી જતા કાવડયાત્રીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ અમે ત્રણ લોકો કાવડયાત્રામાં છીએ, જેમાં હું, મારો ભાઈ ભૂષણ અને રસિકભાઈ જોષી છે.' ભારે વરસાદને કારણે 6 કાવડયાત્રીઓના પગમાં છાલા પડી ગયાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે જ્યારે કાવડયાત્રાનો સંકલ્પ કર્યો ત્યારે નક્કી કર્યું હતું કે કોઈપણ રીતે કાવડનો ભંગ કર્યા વિના સોમનાથ દાદાના દ્વારે પહોંચાડીશું. જ્યારે કાવડયાત્રીઓના પગમાં છાલા પડી ગયા, ત્યારે અમે હવે કાવડને કારની પાછળ બાંધીને આગળ વધારી રહ્યા છીએ, પરંતુ અમે એ ધ્યાન રાખી રહ્યા છીએ કે કાવડનો ભંગ ન થાય. 17 કિલોની કાવડ કારની પાછળ બાંધીને કાર ચલાવીએ ત્યારે કાવડ હલવા લાગે છે, જેથી અમે કાર માત્ર 10ની સ્પીડે ચલાવીએ છીએ, જેથી કાવડને નુકસાન ન થાય.' 'પગની આંગળીઓ એકબીજા સાથે ચોંટી ગઈ છે'કાવડયાત્રી પંકજભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે, 'આ કાવડયાત્રાનો મુખ્ય હેતુ ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવાનો છે. આ ઉપરાંત 'બેટી બચાવો બેટી પઢાવો' અને સ્વચ્છતાનો પણ અમે સંદેશ આપવાના છીએ. અમારી આ યાત્રાનો હેતુ બધાનું મનોબળ વધારવાનો છે, પરંતુ યાત્રા દરમિયાન પહેલા ભયંકર ગરમી અને પછી વરસાદના કારણે અમારા પગમાં છાલા પડી ગયા છે અને આંગળીઓ એકબીજા સાથે ચોંટી ગઈ છે તેમ છતાં અમે આગળ વધી રહ્યા છીએ.' કાવડયાત્રીઓના નામ:
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં 19મી જુલાઈએ જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા આયોજન ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક રસ્તાઓ, આવાસ, વીજળી અને શિક્ષણને લગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આરોગ્ય, જમીન માપણી, લેન્ડલૂઝર, વરસાદી પાણી ભરાવા અને સિંચાઈના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા. જનપ્રતિનિધિઓએ સરકારી દબાણ હટાવવા માટે ઝીરો ટોલરન્સથી કામગીરી કરવાનો અનુરોધ કર્યો. કલેકટર મકવાણાએ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા સૂચના આપી. માર્ગ અને મકાન વિભાગને મરામતના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા અને ડી.કે.સ્વામી હાજર રહ્યા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ વડા અજય મિણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલે કર્યું.
રાપર તાલુકાના વૃજવાણી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે સરહદી વિસ્તારના ભાજપના કાર્યકરોને સંગઠિત બનવા હાકલ કરી. બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય અને મંત્રી વિકાસ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા અને માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની સહિતના હોદ્દેદારો પણ બેઠકમાં જોડાયા. પ્રદેશ મહામંત્રી રત્નાકરે જણાવ્યું કે, રાપર વિધાનસભામાં રાપર અને ભચાઉ તાલુકાના સરહદી વિસ્તારમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત દરેક ગામમાં પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, રાપર તાલુકા ભાજપના મહામંત્રીઓ મહેન્દ્રસિંહ વાઘેલા અને મહાદેવભાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા ઉમેશભાઈ સોની અને નશાભાઇ દૈયાએ સંભાળી.
ગાંધીનગરમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. 19 જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યે ક-5થી મધર ડેરી તરફના માર્ગ પર આ ઘટના બની હતી. 59 વર્ષીય રીટાબેન ભટ્ટ તેમના પતિ સાથે એક્ટિવા પર સવાર હતા. રીટાબેન તેમની દીકરી પૂનમને મળીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બે શખ્સો મોટરસાઇકલ પર આવ્યા. તેમણે એક્ટિવાની ડાબી બાજુએથી રીટાબેનના ગળામાંથી સોનાની ચેઇન અને પેન્ડલ આંચકી લીધા. આ દાગીનાનું વજન એક તોલા બે ગ્રામ હતું. તેની કિંમત આશરે 95,000 રૂપિયા છે. રીટાબેનના પતિએ આરોપીઓનો પીછો કર્યો. તેઓ ક-6 સર્કલ સુધી પહોંચ્યા. પરંતુ આરોપીઓ ડી-માર્ટ તરફના રસ્તે ભાગી છૂટ્યા. બાઇકની ઝડપી ગતિને કારણે નંબર નોંધી શકાયો નથી. આ મામલે સેકટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામમાં નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ થયો છે. રૂપિયા 30 લાખના ખર્ચે બનેલા આ કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું. આ નવું પેટા આરોગ્ય કેન્દ્ર હાથસણી ગામ અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પીસાઈ સમિતિના ચેરમેન લાલભાઈ મોર, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મનુભાઈ ડાવરા અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ ખુમાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી, હાથસણી ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના ડોક્ટરો અને કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં વિકાસ માટે સરકારે રૂપિયા 33 કરોડની ફાળવણી કરી છે. પ્રવાસન વિભાગે અહીં વિવિધ વિકાસલક્ષી કામો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ભુજથી આ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. જોકે, યાત્રાધામની બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ હજુ સુધી થયું નથી. સામાન્ય વરસાદમાં પણ અહીં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આના કારણે મોટી સંખ્યામાં આવતા યાત્રિકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માતાનામઢ ગ્રામ પંચાયતના નવા સરપંચ કાસમભાઇ કુંભારે જણાવ્યું કે, વિકાસ કાર્યો દરમિયાન પ્રવાસન વિભાગ અને કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નહોતા. કામ શરૂ થયું ત્યારે બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં નવા રસ્તા બનાવવાનું વચન અપાયું હતું. પરંતુ અન્ય કામો પૂરા થયા છતાં રસ્તાનું કામ થયું નથી. આગામી દિવસોમાં તહેવારો અને નવરાત્રી પર્વ નજીક આવી રહ્યા છે. સરપંચે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી છે. હાલમાં બસ સ્ટેશન વિસ્તારમાં કાદવ-કીચડના કારણે યાત્રિકોને ભારે અગવડ પડી રહી છે.
સાવરકુંડલા શહેરના બાયપાસ રોડ પર નિર્માણાધીન અમૃત સરોવરમાં નવા નીરના આગમનને વધાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા 5 કરોડના ખર્ચે બની રહેલા આ સરોવરમાં નવા પાણીના આગમન પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને સંગઠનના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે, અમૃત સરોવરમાં આવેલા નવા નીર સાવરકુંડલા-લીલીયા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે આ પાણીની ઉપલબ્ધતા વિસ્તારના વિકાસને વધુ પાણીદાર બનાવશે અને કૃષિ ક્ષેત્રે નવી આશા જગાવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ નવા નીરના આગમનને ઉત્સાહભેર વધાવ્યું હતું. સૌએ આ પ્રોજેક્ટ વિસ્તારની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે ફળદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પાટણ શહેરના યુનિવર્સિટી રોડ પર નવા બ્રિજની બાજુમાં સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લા પંચાયત ભવન, યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ અને યુનિવર્સિટી હેલ્થ સેન્ટર તરફના મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડ્યા છે. કલેકટર કચેરીના ગેટથી જિલ્લા પંચાયતના મુખ્ય પ્રવેશદ્વાર સુધીના માર્ગ પર બ્રિજની નીચે ખાડાઓમાં વરસાદી પાણી ભરાય છે. આ કારણે દ્વિચક્રીય વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. વાહનોને નુકસાન થવાની સાથે ચાલકોને ઈજાનું જોખમ પણ રહે છે. રાત્રિના સમયે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. અંધારામાં પાણી ભરેલા ખાડાઓ દેખાતા નથી. આથી લોકો આ માર્ગનો ઉપયોગ કરતા ગભરાય છે. સ્થાનિક રહીશો અને કર્મચારીઓની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ અથવા બ્રિજની કામગીરી કરનાર એજન્સી તાત્કાલિક ધોરણે ખાડા પૂરે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. રસ્તો સમતલ કરી તેના પર ડામર પાથરવાની સાથે સ્ટ્રીટલાઈટની સુવિધા ઊભી કરવાની માંગ છે. આ સમસ્યા કાયમી બને તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી લોકોની અપેક્ષા છે.
પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન-2025 સુધીમાં કુલ 34 નમૂના લીધા છે. આમાં 20 રેગ્યુલર અને 34 સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 સેમ્પલ પાસ થયા છે. 9 નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા છે. પાટણ કોર્ટ અને એડજ્યુડીકેટિંગ કોર્ટમાં કેસોની સ્થિતિ જોઈએ તો, જૂન માસના અંતે PFA હેઠળ એક કેસ અને FSSAI-2006 હેઠળ 18 કેસ પેન્ડિંગ છે. કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ છે. જૂન માસની શરૂઆતમાં કુલ 23 કેસ પેન્ડિંગ હતા. આ મહિના દરમિયાન માત્ર એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વ્યાજબી ભાવની નવી દુકાન મંજૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. બેઠકમાં સિદ્ધપુરની ત્રણ અને પાટણની બે સસ્તા અનાજની દુકાનોના મર્જની કાર્યવાહી મંજૂર કરવામાં આવી છે. પાટણની બે દુકાનો માટે વખારના સ્થળો અને એક દુકાનના સ્થળ ફેરફાર અંગેની અરજી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટણના અગ્રણીએ ફૂડ વિભાગને લગતી રજૂઆત કરી હતી કે ભેળસેળ મુદ્દે લેવાયેલા સેમ્પલોના ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારીનો માલ એક્સપાયર્ડ થઈ જતો હોવાથી વેપારીઓને નુકસાન થાય છે.
સિધ્ધપુરના ધનાવાડા ગામના અલ્પેશજી (23) અને તેની પ્રેમિકા પાટણથી જૂના ડીસા તરફ જઈ રહ્યા હતા. બંને પ્રેમલગ્ન કરવા માટે પાટણમાં વકીલ પાસે કાગળો તૈયાર કરાવીને નીકળ્યા હતા. 18 જુલાઈના રોજ બપોરે અઢી વાગ્યે સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના બસ સ્ટેન્ડ પાસે યુવતીના ભાઈ અને અન્ય 11 લોકો વર્ના અને ઈકો ગાડીમાં આવ્યા. તેમણે પ્રેમી યુગલની ગાડીને રોકી હતી. યુવતીના ભાઈ અને તેના સાથીઓએ છરી અને ધોકા બતાવી યુવકને ધમકાવ્યો હતો. આરોપીઓએ ગાડીની ચાવી છીનવી લીધી અને યુવતીને બળજબરીથી ગાડીમાંથી બહાર ખેંચી કાઢી. તેને વર્ના ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. યુવતીના પરિવારજનોએ યુવકને કહ્યું કે, તેમણે પ્રેમલગ્ન કરીને સમાજમાં આબરૂ કાઢી છે અને તેમને સાથે રહેવા નહીં દે. આ ઘટના અંગે યુવકે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના ભાઈ અને તેના સાથીઓ સામે અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બંને યુવક-યુવતી મૈત્રી કરારથી સાથે રહેતા હતા અને 19 જુલાઈના રોજ લગ્ન નોંધણી કરાવવાના હતા.
દાહોદ શહેરમાં નાણાંની લેતી-દેતીના મામલે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પર જીવલેણ હુમલો થયો છે. કાઉન્સિલર ઈસ્તિયાકઅલી સૈયદે એક વર્ષ પહેલા નવાઝઅલી સૈખને ઉછીના નાણાં આપ્યા હતા. 17મી જુલાઈના રોજ કાઉન્સિલરે નવાઝઅલી પાસે નાણાંની માંગણી કરી હતી. શહેરના પરેલ વિસ્તારમાં બંને વચ્ચે તકરાર થઈ હતી. નવાઝઅલીએ નાણાં ન આપવાની જીદ કરી અને ઉશ્કેરાઈને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેણે કાઉન્સિલરના પેટ, છાતી અને પગના ભાગે ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઈસ્તિયાકઅલીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત કાઉન્સિલરની ફરિયાદના આધારે દાહોદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી નવાઝઅલીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બારીયાની હથોડ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. ડોડીયાર ફળિયામાં રહેતા મંજુલાબેન રાજુભાઈ ડોડીયારની માલિકીનું પશુ પારસીંગભાઈ બારીઆની જમીનમાં પ્રવેશી જતાં મામલો બિચક્યો હતો. ઘટના 13 જુલાઈના રોજ બની હતી. મંજુલાબેન પશુને ઘરે લઈ જતા હતા ત્યારે તે છૂટીને પારસીંગભાઈની જમીનમાં ચાલ્યું ગયું હતું. આ બાબતે પારસીંગભાઈ બારીઆ, મોહનભાઈ બારીઆ, લક્ષ્મણભાઈ બારીઆ અને માનસીંગભાઈ બારીઆ લાકડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપીઓએ જમીનમાં પશુ છોડવા બાબતે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ તેઓએ અંકિતભાઈ, રાજુભાઈ અને સચિનભાઈને લાકડીઓથી માર માર્યો હતો. ત્રણેય વ્યક્તિઓને હાથ, પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. મંજુલાબેન રાજુભાઈ ડોડીયારે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લેખિત રજૂઆત કરાઈ:સિંગવડ PMAYમાં અરોડાનો લાભાર્થી છેલ્લા હપ્તા માટે ચાર મહિનાથી પરેશાન
સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના અધિકારીઓની કથિત બેદરકારીથી આરોડા ગામના લાભાર્થી રાજુભાઈ નરવતભાઈ બારીયા 4 મહિનાથી સહાયના અંતિમ હપ્તા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. 2024-25માં મંજૂર થયેલા આવાસ માટે રાજુભાઈને પ્રથમ 2 હપ્તા ચૂકવી દેવાયા હતા. પરંતુ સરકાર દ્વારા સહાયની રકમમાં રૂા.50,000નો વધારો કરતા નવી પ્રક્રિયા કરવી જરૂરી બની છે. આ માટે જૂની જીઓ-ટેગ પ્રક્રિયા રદ કરી અધિકારીઓએ ફરીથી પ્રોસેસ કરવાની હોય છે. રાજુભાઇનો આરોપ છે કે PMAY વિભાગના અધિકારીઓ આ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાને બદલે તેને જ વિલંબનું કારણ બતાવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા અને અધિકારીઓ દ્વારા ખોટા વાયદા કરાતા, રાજુભાઈએ આખરે કંટાળીને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ફરીથી પ્રક્રિયા કરી લાભાર્થીના હિતમાં સરકાર દ્વારા ફાળવેલ સહાયના પુરતા નાણાં ચૂકવે તે માટે લાભાર્થી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરી દેતા હવે ટીડીઓ સિંગવડને લેખિત રજૂઆત કરી છે. આ ઘટના સરકારી યોજનાઓના સ્થાનિક સ્તરે અમલીકરણ અને વહીવટી પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રસ્તો બિસ્માર:પાદેડીથી સીમલીયા તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં
લુણાવાડા તાલુકાના પાદેડી રામપુરથી સીમલીયા જતા માર્ગ મસમોટા ખાડા પડવાના કારણે બિસ્માર બનતા અવરજવર કરનાર વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જયારે રોડ પર કાયમી અવરજવર કરનાર મૂસાફરો માટે માથાનો દુખાવા રુપ બનતા વાહન ચાલકોમા રોષનો માહોલ જોવા મલી રહ્યો છે. જયારે સીમલીયા, ઘટીયાડા, સડા, નાના વડદલા, સેમારાના મુવાડાના ગ્રામજનો માટે લુણાવાડા તેમજ મલેકપુર બજારમાં અવરજવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાના કારણે તંત્ર દ્વારા રોડનું વહેલી તકે નવીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર જોવા મળી રહી છે.
ગોધરા મેસરી નદીમાં ફૂલ સયેદ ચેકડેમ પાસે બનાવવામા આવેલ ક્રોઝવે પાછલા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે. પાછલા બે વર્ષથી વધુ સમયથી ક્રોઝવેની રેલિંગ તૂટી જતા રાહદારીઓ તથા વાહનચાલકો તેમજ કોલેજ જતા વિધાર્થીઓ જીવના જોખમે પસા રથવા મજબુર બન્નાયા છે. ગોધરા ફૂલ સયેદ સહક ડેમ મેસરી નદીનો ક્રોઝવે પાછલા ઘણા સમયથી જર્જરિત થઈ જવા પામેલ છે. જેને લઈને ભવિષ્યમાં મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ ક્રોઝવે આસપાસના અનેક વિસ્તારો સહીત ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજને જોડતો મુખ્ય માર્ગ હોવાને કારણે અહીંયા દિવસ દરમ્યાન અસંખ્ય રાહદારીઓ તેમજ વાહનચાલકોની અવરજવર રહેતી હોય છે. ક્રોઝવેની રેલિંગ તૂટી જતા લોકો જીવન જોખમે અવરજવર કરવા મજબુર બન્યા છે. રવિવારના રોજ ચેકડેમ નિહાળવા માટે સહેલાણીઓ પણ વધુ આવતા હોય છે. જેને લઈને અકસ્માતનું જોખમ ઉભું થવા પામેલ છે. તાત્કાલિક રીપેરીગ કામગીરી કરવા માટે માંગ ઉભી થવા પામેલ છે.
વિદ્યા સહાયક ભરતી:દાહોદ જિ.માં શિક્ષકોની 375 જગ્યા માટે ઉમેદવારોની સ્થળ પસંદગી
દાહોદ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલના ભાગ રૂપે વિદ્યા સહાયક ભરતી-2024/25 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે સ્થળ પસંદગી કેમ્પ આજરોજ તા. 17 જુલાઈ ગુરુવારે BRC ભવન દાહોદ ખાતે યોજાયો હતો. જિલ્લામાં ઉપલબ્ધ કુલ 375 જગ્યાઓ માટે મેરિટના આધારે પસંદ થયેલા ઉમેદવારોને શાળાની પસંદગી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિવિધ તાલુકાવાર 375 જગ્યાઓ માટે આ કાર્યક્રમમાં ઉમેદવારો દ્વારા મેરિટ ક્રમ અનુસાર શાળાની પસંદગી કરી હતી. સમગ્ર પ્રક્રિયા શિસ્તપૂર્ણ અને પારદર્શી રીતે સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતસિંહ બારીયા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી રામેશ્વર ગડરિયા, તમામ તાલુકાઓના TPEO, શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય રાજેશભાઈ મુનીયા, તેમજ શિક્ષક સંગઠનોમાંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદના અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, મહામંત્રી જનકભાઈ પટેલ અને પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદના પ્રમુખ સુરતાનભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભરતી કમિટિના સભ્યો, BRC અને CRC કોઓર્ડિનેટર્સ તથા તાલુકા સ્તરના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કયા તાલુકામાં કેટલા શિક્ષકોની ખાલી જગ્યા ભરાશે દાહોદ – 95, ધાનપુર – 81, ગરબાડા – 92, ઝાલોદ – 33, દે. બારીયા – 26, ફતેપુરા – 21, લીમખેડા – 19, સિંગવડ – 05, સંજેલી – 03
દેવગઢ બારીઆની જાણીતી ખાનગી શાળા રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવેલા એક વિદ્યાર્થી પાસેથી ફી માટે દબાણ અને ઉઘરાણી કરાતી હોવાનો વાલી દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે. આ મામલે વિદ્યાર્થીના વાલીએ શાળાના ટ્રસ્ટી અને વર્તમાન દેવગઢબારીઆ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ કલાલ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના પગલે કલેક્ટરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તા. 24 જુલાઈના રોજ તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપી છે. જો તેઓ હાજર ન રહી શકે તો તેમના પ્રતિનિધિને હાજર રાખવા જણાવાયું છે. પ્રાપ્ત વિગત અનુસાર રમણલાલ ગમારના પુત્ર જીગ્નેશ ગમારને દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મળ્યો હતો. રમણલાલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, શાળાએ ટ્યુશન ફી, વાર્ષિક ફી જેવા નામે હંમેશા ઉઘરાણી કરતા બાળક હોશિયાર હોવાથી પિતા આર્થિક સંજોગો ખરાબ હોવા છતાં સક્ષમતા મુજબ ફી ચૂકવતા રહ્યા હતી. પણ હવે, ધોરણ 7માં આવતા વિદ્યાર્થીને વર્ગમાં બેસવા દેવામાં ન આવ્યાનો આક્ષેપ કરાયો છે. વાલીએ લખિત ફરિયાદ આપી છે કે અત્યાર સુધીના રૂા.86,000 જેટલા બાકી હોવાનો શાળાનો દાવો છે. જ્યારે વાલી પાસેથી પાવતી સ્વરૂપે રૂા.3000 લેવાયા હતા. તેની સામે રકમ હસ્તાક્ષર સાથે લખી પણ અપાઈ છે. રમણલાલ ગમારે અરજીમાં એવી ફરિયાદ પણ કરી છે કે ધોરણ 1 થી ધોરણ 6 સુધીની એક પણ માર્કશીટ તેમને આપી નથી. આ મામલે વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી અરજી કરી છે. તાજેતરમાં તેમણે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરી હતી. તેના પગલે કલેક્ટરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તા. 24 જુલાઈના રોજ તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપી છે. જો તેઓ હાજર ન રહી શકે તો તેમના પ્રતિનિધિને હાજર રાખવા જણાવાયું છે. વાલીએ આક્ષેપ કર્યો હતો કે, ટ્રસ્ટી ધર્મેશ કલાલ તરફથી ઉદ્ધતાઈભર્યો અને બેદરકારીભર્યો જવાબ મળ્યો હતો. અમારી શાળાને કલંકિત કરવાનો પ્રયાસ છેસરકાર તરફથી યોજના છે તેની જ ફી લઇએ છીએ.શાળામાં થતી અન્ય પ્રવૃતિઓની ફી મામલે વાલિનું ધ્યાન પહેલેથી જ દોરવામાં આવે છે. આ પ્રકરણમાં અમારી શાળાને કલંક લગાવવાનો પ્રયાસ છે. શાળાની સામે તમામ આક્ષેપો સત્યથી વેગળા છે, અમે હાઇકોર્ટ સુધી જવાની તૈયારી કરી છે. - ધર્મેશભાઇ કલાલ, ટ્રસ્ટી અને પાલિકા પ્રમુખ, રત્નદીપ હાઇસ્કુલ
માર માર્યો:પૈસાની લેતીદેતીમાં 3 ઈસમોએ 1ને લાકડાના ડંડા વડે માર માર્યો
ગોધરા શહેરના વડોદરા રોડ પર આવેલ કોઠી ત્રણ રસ્તા પાસે ઉછીના પૈસા પરત લેવાની અદાવતે ત્રણ ઈસમોએ એક વ્યક્તિને લાકડાના ડંડા વડે માર માર્યો હતો. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના જૂના જકાતનાકાની બાજુમાં રહેતા સિકંદર અબ્દુલ્લા કેસરી 18 જુલાઈના રોજ રાત્રિના સમયે વડોદરા રોડ પર આવેલ કોઠી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતો. તે વેળાએ તાહિર અબ્દુલ હકીમ પિત્તળે સિકંદર કેસરીએ હાથ ઉછીના લીધેલા પૈસા પરત માંગ્યા હતા. જેને લઈને સિકંદર કેસરીએ જણાવ્યું હતું કે હમણાં મારી પાસે પૈસા નથી, મને થોડો સમય આપો, તેમ કહેતા જ તાહિર અબ્દુલ પિત્તળ અને રીઝવાન ટેક્સી ઉશ્કેરાઈ ગયા હતા. અપશબ્દો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં તાહિર પિત્તળે ડંડો સિકંદર કેસરીના પગના ભાગે માર્યો હતો. તેમજ જબ્બાર અબ્દુલ્લા પિત્તળે પણ સિકંદર કેસરીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મારામારી:ઈર્ષા બાબતે વિવાદ થતાં 4 શખ્સ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ
ગોધરામાં પાવભાજીની લારી સામે ઢોસાની લારી વાળાની ઈર્ષાના કારણે ચાર ઇસમો વચ્ચે છૂટા હાથની મારામારી થતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના બાવાની મઢી વિસ્તારમાં દાદા-દાદી પાર્ક નજીક આવેલ પાવભાજીની લારી પાસે ચાર ઇસમો વચ્ચે નાનકડી બાબતે વિવાદ થતાં છૂટા હાથની મારામારી થયાની ઘટના બની હતી. જેમાં મૂળ કર્ણાટકના મેંગ્લોરના મુકેેશ શંકરભાઈ સાલીયા દાદાદાદી પાર્ક પાસે પાવભાજીની લારી ચલાવે છે. તેમની લારીનો સારો ધંધો ચાલતો હોવાથી નજીકમાં ઢોસાની લારી ચલાવતા ભાવેશ ઉર્ફે પપ્પુ પટેલને ઈર્ષા થતી હતી. ગત તા 3 જુલાઈના રોજ ભાવેશ પટેલે તેમને “તું આંખો કેમ કાઢે છે ?” એવી ટિપ્પણી કરીને ઝઘડો કર્યો હતો. અને ત્યાર બાદ અન્ય એક અજાણ્યા ઇસમે છૂટા હાથે તેમની સાથે મારામારી કરી હતી. આ ઘટનાના થોડા દિવસો પછી તા.10 જુલાઈના રોજ ફરીથી ભાવેશ પટેલ અને અક્ષય દેવરા આવીને મુકેશને અપશબ્દો બોલીને ધાકધમકી આપી હતી. ફરિયાદના આધારે તા.17 જુલાઈના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આદિજાતિ વિકાસ મંડળની બેઠક:ગોધરા કલેકટર કચેરીના સભાખંડમાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક
ગોધરામાં ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતિ સબંધિત વિકાસને લગતી બાબતોની ચર્ચા કરાઇ હતી. તેમજ આદિજાતિ વિકાસના બાકી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. પંચમહાલમાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2025-26 અંતર્ગત આદિજાતી વસ્તીના પ્રમાણમાં આદિજાતિ વિસ્તાર (96%) માટે રૂ.3065.98 લાખના કામોનું અને છૂટા છવાયા આદિજાતિ વિસ્તાર (4%) માટે રૂા.638.24 લાખના વિકાસ કામોના વાર્ષિક સવાગણા આયોજન મળી કુલ 3704.22 લાખના 1345 વિકાસ કામોના આયોજનને બેઠકમાં મંજૂરી આપી છે. જેમાં કાલોલ તાલુકા માટે રૂા.198.45 લાખના 114 કામો, ગોધરા તાલુકા માટે રૂા.453.56 લાખના 195 કામો, ઘોઘંબા તાલુકા માટે રૂા.1161.27 લાખના 331 કામો, હાલોલ તાલુકા માટે રૂા.610.14 લાખના 171 કામો, જાંબુઘોડા તાલુકા માટે રૂા.128.20 લાખના 45 કામો, મોરવા(હ) તાલુકા માટે રૂા.852.70 લાખના 377 કામો અને શહેરા તાલુકા માટે રૂા.299.90 લાખના 112 કામોના સવાગણા આયોજનને સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં પ્રભારીએ તમામ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગેની બાબત ધ્યાન રાખવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, મોરવા(હ) ધારાસભ્ય, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેકટર, ગોધરા પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અપહરણની ફરિયાદ:દાહોદ જિલ્લામાંથી પત્ની તરીકે રાખવા બે સગીરાના અપહરણ
ગાંધીનગરના કલોલ તાલુકાના જાસપુર ગામનો સંજય ઠાકોર તા.5 મેના રોજ રાત્રીના ધાનપુર તાલુકાની એક 16 વર્ષની સગીરાને પત્ની તરીકે રાખવાના ઇરાદે અપહરણ કરી લઇ નાસી ગયો હતો. સવારે ઘરમાં સગીરાના જોવા ન મળતાં પરિવારે શોધખોળ કરી હતી. જેમાં જાસપુરનો સંજય ઠાકોર પત્ની તરીકે રાખવા અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સંદર્ભે સગીરાના પિતાએ અઢી મહિના બાદ ફરિયાદ નોંધાવી હતી. બીજી ઘટનામાં સીમલા ગામનો અશ્વિન સુનિલ દહમા 4 જુલાઇના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં તાલુકાની એક 17 વર્ષ અને 3 મહિનાની સગીરાને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા કાદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતે સગીરાના પિતાએ અશ્વિન સુનિલ દહમા સામે લીમડી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
હુમલો કરાયો:બારીયાની હાથોડમાં પશુ ખેતરમાં જતા લાકડીથી હુમલો કરાતાં ત્રણને ઇજા
ફતેપુરા તાલુકાના બારીયાની હાથોડ ગામના ડોડીયાર ફળિયામાં રહેતા મંજુલાબેન રાજુભાઇ ડોડીયાર સાંજના સમયે પોતાની ભેંસ (પાડી)ને ઘરમાં બાંધવા માટે લઇને જતા હતા. તે દરમિયાન તેના હાથમાથી પાડી છુટી જતાં પારસીંગભાઇ વજાભાઇ બારીયાની માલિકીના ખેતરમાં જતી રહી હતી. તે દરમિયાન મોહનભાઇ પારસીંગભાઇ બારીયા અહીયા અમારી જમીનમાં ઢોર કેમ છોડો છો અમારૂ નુકસાન કરો છો તેમ કહી મંજુલાબેનને ગાળો બોલી હતી. ત્યાર બાદ પારસીંગ વજા બારીયા, મોહન પારસીંગ બારીયા, લક્ષ્મણ રૂપસીંગ બારીયા, માનસીંગ વજા બારીયા એમ ચારે જણા મંજુલાબેનના ઘર બાજુ જઇ ગાળો બોલતા હતા. તે દરમિયાન મંજુલાબેનના છોકરા અંકિતને માથાના ભાગે લાકડી મારી તેમજ તેમના પતિ રાજુભાઇના માથાના ભાગે તથા પગની સાથળ ઉપર લાકડી મારી લોહીલુહાણ કર્યા હતા. તેમજ સચિનને લાકડીના સપાટા મારી પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતાં ચારે જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાને લઇ જવાયા હતા. મંજુલાબેન ડોડીયારે ફતેપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.