ગોધરા વિધાનસભાના ભામૈયા પશ્ચિમ ગામે પ્રાથમિક શાળાના ૭ નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 85 લાખ રૂપિયા છે. આ નવા ઓરડાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્યની પ્રાથમિક સરકારી શાળાઓમાં બાળકોને પાયાની સુવિધા મળી રહે અને શિક્ષણની ગુણવત્તા વધે તે હેતુથી આ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને વધુ સારી માળખાકીય સગવડો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પદ્ધતિ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરવાનો છે. આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહજી પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન રાઠોડ સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ, શાળા પરિવાર અને ગ્રામજનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
બુટલેગરે PSI પર બાઇક ચઢાવ્યું:ઘોઘંબા પાસે વિદેશી દારૂ સાથે વોચમાં ઉભેલા અધિકારી ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખડપા ગામ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરે વોચમાં ઉભેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પર બાઇક ચઢાવી હુમલો કર્યો હતો. આ ઘટનામાં PSIને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજગઢ પોલીસ મથકે ફરજ બજાવતા PSI એસ.એમ. ડામોર ખડપા પાસે વોચમાં હતા. તે દરમિયાન મહેશ રાઠવા નામનો બુટલેગર વિદેશી દારૂ ભરેલી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. PSI ડામોરે તેને રોકવાનો પ્રયાસ કરતા, બુટલેગરે તેમની પર બાઇક ચઢાવી દીધી. આ હુમલામાં PSI એસ.એમ. ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. PSI પર હુમલો કર્યા બાદ ભાગવાના પ્રયાસમાં બુટલેગર મહેશ રાઠવા પણ પોતાની બાઇક પરથી કાબૂ ગુમાવી ઝાડ સાથે અથડાયો હતો. તેને પણ ઇજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.રાજગઢ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળેથી આશરે એક લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. બુટલેગર વિરુદ્ધ વિદેશી દારૂની હેરાફેરી અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત લીધી હતી. ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત આ પ્રદર્શનમાં હિમાચલના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વિકાસના મોડેલને મુક્તમને બિરદાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ ‘ફ્લોરલ પોર્ટ્રેટ’ (ફૂલ ચિત્ર) એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રતિનિધિ મંડળે સ્ત્રી સશક્તીકરણ, ભારતીય નૃત્ય શૈલીઓ અને યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ‘દિવાળી’ પર્વ પર આધારિત ફૂલોની કલાત્મક કૃતિઓ નિહાળી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ મહેમાનોને ફ્લાવર શોના ટેકનિકલ પાસાઓ અને આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. ફ્લાવર શો બાદ મહાનુભાવોએ આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લઈ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
મ્યુલ એકાઉન્ટ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર:વાપી એડિશનલ સેશન્સ કોર્ટે નોમાન ઘાંચીની અરજી ફગાવી
વાપીના એડિશનલ સેશન્સ કોર્ટે મ્યુલ એકાઉન્ટ કેસમાં સંડોવાયેલા આરોપી નોમાન ઇલ્યાસ ઘાંચીની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આ કેસ વાપી ટાઉન પોલીસ મથકે 13 ડિસેમ્બર, 2025ના રોજ નોંધાયો હતો. ફરિયાદ મુજબ, વોન્ટેડ આરોપી ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખના કહેવાથી નોમાન ઇલ્યાસ ઘાંચી અને અભિષેક સતિષ પુનમીયાએ અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરી હતી. આ ખાતાઓમાં વિવિધ રાજ્યોના ભોગ બનેલા લોકો પાસેથી મેળવેલા કુલ રૂ. 20,12,000 જમા કરાવવામાં આવ્યા હતા, જે આગળ વોન્ટેડ આરોપી સુધી પહોંચાડવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2), 317(4), 318(4), 61(2), 3(5) તેમજ આઈ.ટી. એક્ટ-2008ની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ જામીન અરજી પર સુનાવણી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખી હતી. કોર્ટે આરોપી નોમાન ઇલ્યાસ ઘાંચીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારામં આવેલા એક હીરાના કારખાનામાં સરણ ફાટતા એક રત્નકાલાકારનું મોત નિપિજ્યું છે. રત્નકલાકારના પરિવારજનો સ્મિમેર હોસ્પિટલ એકઠા થયા હતા. જ્યાં સુધી કારખાના માલિક દ્વારા યોગ્ય વળતરની ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
ગઢડામાં મારામારી હત્યામાં પરિણમી:14 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત
બોટાદ જિલ્લાના ગઢડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલી મારામારી હત્યામાં પરિણમી છે. 14 જાન્યુઆરીના રોજ ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં દુકાન પાસે મોટરસાયકલ મૂકવા જેવી સામાન્ય બાબતે આ મારામારી થઈ હતી. આ મારામારીમાં અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન અહેમદભાઈ તરકવાડીયાનું મોત નીપજ્યું છે. અગાઉ પોલીસે આ મારામારીના કેસમાં યુનુસ ઓસમાન તરકવાડીયા અને મહેબૂબ ઓસામણ તરકવાડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હવે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. મૃતકના પુત્ર મુનાજભાઈ તરકવાડીયાએ હોસ્પિટલ ખાતેથી આ અંગેની માહિતી આપી હતી.
બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે. આ મામલે ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી. વર્ષ 2013માં છોટા ઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે બોડેલી તાલુકાની પણ રચના થઈ હતી. આ સમયે જેતપુર પાવી અને સંખેડા તાલુકાના કેટલાક ગામોને બોડેલી તાલુકામાં સમાવવામાં આવ્યા હતા. જેમાં વાજપુર જૂથ ગ્રામ પંચાયતના વાજપુર, શિવજીપુરા, મુઢીયારી અને કથોલા એમ ચાર ગામોનો સમાવેશ બોડેલીમાં થયો હતો, જ્યારે ઝાબ ગામ જેતપુર પાવી તાલુકામાં જ રહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામોનો વહીવટ બોડેલી તાલુકામાંથી ચાલી રહ્યો છે, જ્યારે ઝાબ ગામનો વહીવટ જેતપુર પાવી પંચાયતમાં છે. હવે આ ચાર ગામોને બોડેલીમાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવેશ કરવાની હિલચાલ ચાલી રહી છે. ગ્રામજનોએ અધિક કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વાજપુર જૂથ ગ્રામ પંચાયતના પાંચ ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવેશ કરવાના ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ આ ચાર ગામોના લોકોને તેની કોઈ જાણ કરવામાં આવી નથી. ગ્રામસભા બોલાવીને લોકોની સંમતિ પણ લેવામાં આવી નથી. ગ્રામજનોના મતે, વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોથી બોડેલી તાલુકા મથક માત્ર 13 કિલોમીટર દૂર છે, જેના કારણે કામકાજ માટે અવરજવર સરળ રહે છે. જ્યારે જેતપુર પાવી 30 કિલોમીટર દૂર પડે છે અને ત્યાં જવા માટે વાહનવ્યવહારની પૂરતી સગવડ પણ નથી. આ કારણોસર, વાજપુર, શિવજીપુરા, મુઢીયારી અને કથોલા ગામોને બોડેલી તાલુકામાં જ રાખવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.
નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અને લોકપ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, નવસારી શહેર અને જિલ્લામાં ચાલી રહેલી વિકાસ કામગીરી, માળખાગત સુવિધાઓ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નો અને રજૂઆતો તેમજ વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, જિલ્લામાં ચાલી રહેલા સર્વાંગી વિકાસના કામો સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે પરસ્પર સંકલન જાળવવું, જેથી સ્થાનિક સ્તરે પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શકાય. આ સંકલન બેઠકમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંલગ્ન વિભાગોને આ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ અધિકારીઓ દ્વારા ગામોની મુલાકાત દરમિયાન પ્રજાના પ્રશ્નો, થયેલી કામગીરીઓ અને ભવિષ્યના આયોજનો વિશે સચિવને સવિસ્તાર માહિતી આપી હતી. આ બેઠકમાં નવસારી મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી, વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, અધિક કલેકટર વાય. બી. ઝાલા, નવસારી, ચીખલી અને વાંસદાના પ્રાંત અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માળીયા તાલુકાના માણાબા ગામથી સુલતાનપુર અને ચીખલી તરફ જતા માર્ગ પર રેલવે ફાટક પાસે આજે બપોરે એક રિક્ષા ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેનને રોકવી પડી હતી, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફાટક પાસે રોડ પર કોંક્રીટ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે રસ્તો અવારનવાર વાહનો ફસાઈ જવાની સમસ્યા સર્જે છે. આજે બપોરે એક રિક્ષા ફસાઈ જતાં તેને ટ્રેક પરથી હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટ્રેન નજીક આવી ત્યાં સુધી રિક્ષા હટી શકી ન હતી. સદનસીબે, ટ્રેનના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ટ્રેનને સમયસર રોકી દીધી હતી. રિક્ષાને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવ્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટનાએ રેલવે ટ્રેક પર ચાલતી કામગીરીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. સુલતાનપુર અને ચીખલી ગામના લોકોએ રેલવે વિભાગ દ્વારા ફાટક પાસે ચાલી રહેલી કામગીરી વહેલી તકે અને યોગ્ય રીતે પૂર્ણ કરવાની માંગ કરી છે. આ માર્ગ માણાબાથી આ બંને ગામોને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અહીં સલામતી સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે.
હિંમતનગરમાં ડૉ. નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે એસ.એસ. મહેતા આર્ટ્સ એન્ડ એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ, ધી. HNSB સાયન્સ કોલેજ અને લો કોલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો વિષય એજ્યુકેશન, ઇનોવેશન એન્ડ સોસાયટી ટુવર્ડ્સ અ હોલિસ્ટિક ફ્યુચર હતો. આ કોન્ફરન્સનો પ્રારંભ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ ડો. કે.સી. પોરીયા અને હિંમતનગર કેળવણી મંડળના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલના અતિથિ વિશેષ પદે થયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ આર્ટ્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ એન. જોશીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. એક દિવસીય આ સેમિનારમાં યુએસએથી બાબુભાઈ સુથાર, આઈઆઈએમના અનિલ ગુપ્તા અને પાર્લે યુનિવર્સિટી, ઉદેપુરના રશિત અમેટાએ વિષય સંબંધિત વ્યાખ્યાનો આપ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ શિક્ષણ અને નવીનતા દ્વારા સમાજના સર્વાંગી અને ટકાઉ વિકાસમાં રહેલી ભૂમિકા અંગે શિક્ષણવિદો, સંશોધકો તથા વ્યાવસાયિકો વચ્ચે વિચારવિમર્શને પ્રોત્સાહિત કરવાનો હતો. સિદ્ધાર્થભાઈ પટેલે હિંમતનગર કેળવણી મંડળના ઇતિહાસમાં પ્રથમવાર આવા આંતરરાષ્ટ્રીય આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના મંત્રી જીતુભાઈ પટેલ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પી.એસ. પટેલ અને લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બિનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ IQACના કોઓર્ડીનેટર તુષારભાઈ બ્રહ્મભટ્ટે કરી હતી. સેમિનારને સફળ બનાવવા માટે ડૉ. એ.કે. પટેલ, રાજેશભાઈ, સ્વીટીબેન, સંજયભાઈ, પી.એમ. જોશી અને જે.બી. પટેલે જહેમત ઉઠાવી હતી, જ્યારે ડૉ. બિનશીબેન બોસ અને સ્વીટીબેને સંચાલન કર્યું હતું.
જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કોર્ટ વોરંટના આધારે પોલીસ જે આધેડને પકડીને પોલીસ સ્ટેશને લાવી હતી, તે ધનસુખભાઇ જેરામભાઈ હીરપરાની તબિયત અચાનક લથડી હતી. તેમને તાત્કાલિક સ્થાનિક અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મધ્યરાત્રિએ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસના દાવા મુજબ, આરોપીએ પોલીસ પકડમાં આવતા પહેલા જ સલ્ફાસના ઝેરી ટીકડા ગળી લીધા હતા. આ ગંભીર ઘટનાની તપાસ હવે માંગરોળ ડીવાયએસપી કોડિયાતરને સોંપવામાં આવી છે. કોર્ટ વોરંટના કામે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા કેશોદ એસપી બી.સી. ઠક્કરે ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કેશોદના રહીશ કિરીટભાઈ હીરપરાએ આ મામલે જાહેરાત કરી છે. તેમના ભાઈ ધનસુખભાઇ વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હોવાથી કેશોદ પોલીસના કર્મચારીઓ તેમને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આ સમયે તેમની સાથે તેમનો ભાણેજ સાગર પણ હાજર હતો. પોલીસ સ્ટેશને લાવ્યા બાદ અચાનક જ ધનસુખભાઇની તબિયત ખરાબ થવા લાગી હતી, જેથી હાજર પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબિયત લથડતા સ્થાનિકથી જૂનાગઢ સુધી દોડધામ મચી પોલીસ સ્ટેશનમાં તબિયત બગડતા પ્રથમ તેમને કેશોદની રઘુવંશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ ગંભીર જણાતા ડોક્ટરોની સલાહ મુજબ તેમને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન મધ્યરાત્રિએ પોલીસ જાપ્તા હેઠળ જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝેરી ટીકડા ગળી લીધા હોવાનો કર્યો દાવો એસપી બી.સી. ઠક્કરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મૃતક સલ્ફાસના ટીકડા ખાઈ ગયા હતા. તેને કારણે જ ઝેરની અસર થતા તેમનું મરણ થયું છે. જોકે, આ ટીકડા તેમણે કયા સમયે અને કયા સંજોગોમાં ખાધા તે હજુ તપાસનો વિષય છે. પોલીસે આ મામલે હાલ અકસ્માત મૃત્યુ દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સમગ્ર મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ કસ્ટોડિયલ ડેથની ઘટના ગંભીર હોવાથી જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસની તપાસ માંગરોળના ડીવાયએસપી કોડિયાતરને સોંપવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદથી લઈને મોત સુધીના તમામ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને હાજર રહેલા સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવશે જેથી સત્ય બહાર આવી શકે. પરિવારના સભ્યોની હાજરીમાં બની સમગ્ર ઘટના જ્યારે પોલીસ ધનસુખભાઇને પકડીને લાવી ત્યારે તેમના ભાણેજ સાગરભાઈ પણ સાથે જ હતા. આરોપીને સાંજના સમયે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં તેમની સ્થિતિ નાજુક બની હતી.ચેક રિટર્નના કેસમાં કોર્ટ વોરંટ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. હવે પીએમ રિપોર્ટ અને ડીવાયએસપીની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ઝેરી દવા ક્યારે લેવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટરે નાગરિકોના કામો ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો
હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે નાગરિકોના કામો સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં આવાસ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામો અને તેની ગ્રાન્ટ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ અંતર્ગત ગુણભાખરી સ્થિત સંચરાઈમાતા મંદિર, વિરેશ્વર અને શારણેશ્વર મંદિરના વિકાસ માટે થયેલી કામગીરી તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, લીખી માધ્યમિક શાળાના મકાનની ગ્રાન્ટ, હિંમતનગર તાલુકાની આંગણવાડીઓના જર્જરિત મકાનોના રીનોવેશન અને સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ભરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકના બીજા ભાગમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને આદિજાતિ વિસ્તારમાં નેટવર્કના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સંકલનમાં રહી નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે કર્મચારીઓને કેપેસિટી બિલ્ડીંગ માટે તાલીમ આપવા, અધિકારીઓની ફિલ્ડ વિઝીટ વધારવા, ઓફિસમાં સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી કામ કરવા તેમજ ઓફિસોનું વાતાવરણ સુધારવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ. વાઘેલા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લુણાવાડામાં પતંગ દોરીના ગુચ્છા આપો:બદલામાં મોબાઇલમાં મફત ટફન ગ્લાસ મેળવો
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક મોબાઇલ શોરૂમના માલિકે સમાજહિતમાં અનોખી પહેલ કરી છે. ઉતરાયણ પર્વ બાદ રસ્તાઓ તથા જાહેર સ્થળો પર પડેલા વેસ્ટેજ પતંગ દોરીના ગુચ્છા એકત્ર કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, કોઈપણ વ્યક્તિ જો પતંગ દોરીના ગુચ્છા લાવી આપે તો તેના બદલામાં મોબાઇલમાં મફતમાં ટફન ગ્લાસ લગાવી આપવામાં આવે છે. લુણાવાડા શહેરના ગોધરા રોડ પર લીલાવતી હોસ્પિટલ સામે આવેલા સ્માર્ટ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમના માલિક શ્રીજી શાહે જણાવ્યું હતું કે આ અભિયાનનું આ ત્રીજું વર્ષ છે. ઉતરાયણ તથા વાસી ઉતરાયણ પર્વ પૂર્ણ થયા બાદ 3 થી 4 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવે છે. તહેવાર બાદ રસ્તાઓ પર પડેલા દોરીના ગુચ્છાના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર વાહનોમાં અકસ્માત થવાની શક્યતા રહે છે. સાથે જ અનેક વખત પક્ષીઓ, પશુઓ તેમજ લોકોના પગમાં આ દોરી ફસાઈ જવાથી ઇજાઓ થતી હોય છે. આવા અકસ્માતો અટકાવવા અને સ્વચ્છતા તથા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખીને છેલ્લા ત્રણ વર્ષથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગતરોજથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલા લોકો દોરીના ગુચ્છા લાવી ચૂક્યા છે અને આ મુહિમ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. શ્રીજી શાહે આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી જાહેર અપીલ પણ કરી છે, જેને લોકો પણ બિરદાવી રહ્યા છે.
કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરામાં બેઠક:નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે અધિકારીઓને તાકીદ
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓ દ્વારા વીજળી, નલ સે જલ યોજના અંતર્ગત જોડાણ જેવા પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પડતર અરજીઓનું નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો, વિવિધ યોજનાઓ હેઠળ સહાય વિતરણ અને વીજ જોડાણ જેવી બાબતો પર પણ ચર્ચા થઈ હતી. કલેક્ટર દહિયાએ સંબંધિત અધિકારીઓને આ તમામ પ્રશ્નોનો સકારાત્મક અભિગમથી ઝડપી અને યોગ્ય નિકાલ લાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા વન સંરક્ષક, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત MSB એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વન્યજીવ સૃષ્ટિ અને સર્પદંશ અંગે એક વિશેષ માર્ગદર્શન અને તાલીમ શિબિર યોજાઈ હતી. 'વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશન' દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા અને સર્પદંશ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતી રાખવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના આશરે 300 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના DPO (ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે 'વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશન'ના સંચાલકો અને સ્વયંસેવકો પણ જોડાયા હતા. નિષ્ણાતોએ વન્યજીવોનું પર્યાવરણમાં મહત્વ, સાપોની વિવિધ પ્રજાતિઓ અને સર્પદંશ થાય ત્યારે લેવા જોઈતા પ્રાથમિક પગલાં અંગે પ્રેક્ટિકલ અને સૈદ્ધાંતિક માહિતી આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાઉન્ડેશનના સભ્યોએ બાળકોને વન્યજીવો પ્રત્યે દયાભાવ રાખવા અને અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય અને સ્ટાફે આ પહેલને બિરદાવી હતી.
વેરાવળમાં માર્ગ સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ:રેલી, શપથ અને પેમ્પલેટ વિતરણ દ્વારા સંદેશ અપાયો
વેરાવળમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચોકસી કોલેજ, વેરાવળના NSS યુનિટ, ટ્રાફિક પોલીસ વિભાગ, વેરાવળ તેમજ આર.ટી.ઓ. ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ “હેલ્મેટ પહેરો – જીવન બચાવો”, “ઝડપ નહીં, સુરક્ષા જોઈએ”, “સીટબેલ્ટ તમારો સાચો મિત્ર” જેવા સૂત્રો સાથે નાગરિકોને માર્ગ નિયમોનું પાલન કરવા પ્રેર્યા હતા. રેલી બાદ તમામ ઉપસ્થિતોએ માર્ગ સલામતીની શપથ લીધી હતી, જેમાં વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો, દારૂ પીધા બાદ વાહન ન ચલાવવું અને અન્યના જીવનની સુરક્ષા પ્રત્યે જવાબદારી રાખવાનો સંકલ્પ લેવાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રાફિક PSI મોરવાડીયા, ASI પ્રતાપ પરમાર, ASI લખમણ કાંબલિયા તેમજ RTO ઓફિસર માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું અને અકસ્માતોથી બચવા માટેની સાવચેતીઓ સમજાવી. NSS યુનિટ ચોકસી કોલેજના સંયોજક પ્રો. અર્જુન ચોચા તથા પ્રો. ગોહેલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ શહેરમાં પેમ્પલેટ વિતરણ કરી જનતાને માર્ગ સલામતી અંગે માહિતગાર કર્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં માર્ગ સલામતી પ્રત્યે સંવેદનશીલતા વધે છે અને સમાજમાં જવાબદાર વાહનચાલનની સંસ્કૃતિ વિકસે છે. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલો આ કાર્યક્રમ શહેર માટે માર્ગ અકસ્માતો ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.
ગુજરાતમાં દિન-પ્રતિદિન વકરી રહેલા ડ્રગ્સ અને દારૂના કારોબાર સામે આજે સુરત શહેર કોંગ્રેસ, ગુજરાત યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી સુરત પોલીસ કમિશનર કચેરી (1.5 KM) સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ જોડાયા હતા અને યુવાધનને બચાવવા માટે કડક કાર્યવાહીની માગ કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ ડ્રગ્સના ભરડામાં: કોંગ્રેસનો આક્ષેપરેલી દરમિયાન નેતાઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત સહિત રાજ્યભરની કોલેજો અને શૈક્ષણિક વિસ્તારો હવે ડ્રગ્સ પેડલરોના સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા આ ચેડાં રોકવા માટે તાત્કાલિક અસરથી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા આવે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી. ગુજરાતમાં 21 લાખ લોકો નશાના બંધાણી: તુષાર ચૌધરીરેલીમાં ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં 21 લાખથી વધુ લોકો ડ્રગ્સના આદિ બની ગયા છે, જેમાં 2 લાખ જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તાલુકા કક્ષાની કોલેજ હોય કે મોટા શહેરોની યુનિવર્સિટી, દરેક કેમ્પસની બહાર ખુલ્લેઆમ નશાનું વેચાણ થઈ રહ્યું છે. જો આ નહીં અટકે તો ગુજરાતની હાલત પણ 'ઉડતા પંજાબ' જેવી થઈ જશે. અવારનવાર પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાય છે, પરંતુ ડ્રગ્સ મોકલનાર કે મંગાવનાર મોટા માથાઓ ક્યારેય પકડાતા નથી. કોંગ્રેસની આગામી રણનીતિકોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ માત્ર રસ્તા પરની લડાઈ નથી. આવતા મહિનાથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં પણ ડ્રગ્સના આ ગંભીર મુદ્દે સરકારને ઘેરવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે. મુખ્ય માંગણીઓમાં યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું, સ્કૂલ-કોલેજોની આસપાસના ડ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કરવું અને ડ્રગ્સના મોટા સપ્લાયરો અને પોર્ટ ઓપરેટરો સામે કડક તપાસ કરવી.
ગાંધીનગર જિલ્લામાં 26મી જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે માણસા ખાતે આવેલી આર્ટસ કોલેજ કેમ્પસમાં કરવામાં આવનાર છે. જે અંતર્ગત સમગ્ર કાર્યક્રમની પ્રારંભિક રૂપરેખા અને તૈયારીઓના આયોજન માટે ગાંધીનગર કલેકટર મેહુલ દવેની અધ્યક્ષતામાં આજરોજ બેઠક મળી હતી. કલેકટરની અધ્યક્ષતામાં આયોજન બેઠક મળી હતી26મી જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે માણસા ખાતે આવેલ આર્ટસ કોલેજ કેમ્પસમાં કરવામાં આવનાર છે. જે અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં આયોજન બેઠક મળી હતી. આ બેઠક અંતર્ગત કલેકટર ગાંધીનગર દ્વારા કાર્યક્રમના આયોજન અને તૈયારીઓ અંગે અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે અહેવાલ મેળવવા ઉપરાંત પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સુંદર અને યાદગાર બનાવવા સુચનો પણ માંગ્યા હતા. કલેકટરે ઉમેર્યું હતું કે, આ પર્વની ઉજવણી એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. દેશભક્તિ અને દેશ માટે સમર્પિત, વીર-વીરાંગનાઓને યાદ કરતા આ લોકશાહીના મહાપર્વમાં સહ પરિવાર જોડાવા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લાની જાહેર જનતાને પણ અનુરોધ કર્યો હતો.
ગોધરા કોમર્સ કોલેજમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજાયો:120 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરાયું
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજમાં એનએસએસ એકમ દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કોલેજના 120 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક કેમ્પ વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયો હતો. એનએસએસના સ્વયંસેવકોએ કેમ્પ દરમિયાન તમામ જરૂરી સેવાઓ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પાયલબેન વ્યાસ, ડો. ઉન્નતીબેન પરમાર, ડો. મયંકભાઇ કોંકણી અને ડો. સ્નેહાબેન વ્યાસ સહિતના અધ્યાપકોએ કર્યું હતું. કોલેજના આચાર્ય ડો. શૈલેન્દ્ર પાંડેએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષણ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તેમના રિપોર્ટ આગામી અઠવાડિયામાં મળી જશે.
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, વડાપ્રધાન મોદીએ કહ્યું - બંગાળમાં પણ સુશાસન લાવીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપતા કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું.
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગડુ ગામના શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ લાખોની લૂંટ ચલાવી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. વહેલી સવારે ચાર અજાણ્યા શખસે એક મકાનને નિશાન બનાવી, વૃદ્ધ મકાનમાલિકને ગોંધી રાખી, માર મારીને અંદાજે રૂ. 8.06 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા, વૃદ્ધને પકડી રાખ્યાબનાવની વિગતો મુજબ, ગડુના શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સતીશગીરી સેવાગીરી ગોસ્વામી આજે વહેલી સવારે પોતાના ઘરે સૂતા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખસે મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ કંઈ સમજે તે પહેલા જ ત્રણ શખસે તેમને પકડી લીધા હતા. તસ્કરોએ વૃદ્ધને માર મારી ધમકી આપી હતી અને દાગીના-રોકડ ક્યાં છે તેની પૃચ્છા કરી હતી. 10 તોલા સોનું અને દસ્તાવેજોની લૂંટતસ્કરોએ ઘરમાં રહેલા અંદાજે 10 તોલાથી વધુના સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજોની લૂંટ ચલાવી હતી. લૂંટની આ સમગ્ર ઘટના બાદ તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ભયભીત સતીશગીરીએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ચોરવાડ પી.આઈ. કાતરીયા અને પી.એસ.આઈ. વાળા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધીમાંગરોળ ડીવાયએસપી દિનેશ કોળીયાતરે જણાવ્યું હતું કે, એસ.પી.ની સૂચના મુજબ તાત્કાલિક અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. બનાવની ઝીણવટભરી તપાસ માટે ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. (FSL) અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પી.આઈ. કાતરીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકોને માત્ર પુસ્તકો સુધી સીમિત રાખવાને બદલે રમતાં-રમતાં શીખવાની તક મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવતર પહેલ હાથ ધરાઈ છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓ માટે 74 હજારથી વધુ ‘જાદુઈ પીટારા’ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પહેલથી રાજ્યના 12.35 લાખથી વધુ બાળકોને સીધો લાભ મળશે. સરકારી વર્ગખંડોમાં જાદુઈ પીટારા પહોંચાડનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશેગોખણિયું શિક્ષણ છોડીને પ્રવૃત્તિલક્ષી અને ભાર વગરના ભણતર તરફ બાળકોને દોરી જવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકાઈ છે. શિક્ષણ વિભાગ મુજબ બાલવાટિકા તેમજ ધોરણ-1 અને 2ના તમામ સરકારી વર્ગખંડોમાં જાદુઈ પીટારા પહોંચાડનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. રમત, કલા, સંગીતથી સર્વાંગી વિકાસનેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને અનુરૂપ NCERT દ્વારા વિકસિત આ જાદુઈ પીટારા ટોય-બેઝ્ડ પેડાગોજી પર આધારિત છે. તેમાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો અને મૂલ્યાંકન સહિત 30થી વધુ શૈક્ષણિક સામગ્રી તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા પણ સામેલ છે. પીટારામાં સંગીતના સાધનો, રમત-ગમત સામગ્રી, પપેટ્સ, મણકા, શૈક્ષણિક રમકડાં, પઝલ્સ અને રસોડા સેટ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી બાળકો શીખવામાં રસ લે અને શીખેલું લાંબા સમય સુધી યાદ રાખી શકે. શિક્ષકો માટે પણ સંસાધનોઆ પોલિસી અંતર્ગત શિક્ષકોને પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે અસરકારક વર્ગખંડ વાતાવરણ સર્જી શકે તે માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની શૈક્ષણિક પરંપરા આગળ વધે છેશાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવી પહેલોથી દેશભરમાં ઓળખ બનાવનાર ગુજરાત હવે પાયાના શિક્ષણમાં પણ નવી દિશા આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની આગેવાનીમાં શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો વધુ મજબૂત બની રહ્યા છે.
રાજકોટ એસટી વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એસી સિટર બસ શરૂ કરવાનું એલાન કર્યુ છે. જે 20 મી જાન્યુઆરીથી દૈનિક સર્વિસ સ્વરૂપે શરૂ થશે. જેનો રાજકોટથી ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો છે. હાલ પ્રીમિયમ સર્વિસમાં રાજકોટ થી ગાંધીનગર જવા માટે માત્ર વહેલી સવારની 2 વોલ્વો બસ જ હતી. જેના લીધે ગાંધીનગર વડી કચેરીઓએ પોતાના કામ અર્થે જવા માંગતા મુસાફરોને તકલીફ પડતી હતી. જોકે હવે રાજકોટથી ગાંધીનગરની સાંજની ડેઈલી સર્વિસ શરૂ થતા મુસાફરોને ફાયદો થશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હેઠળના રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ - ગાંધીનગરની નવી એ.સી. સીટર બસ શરૂ કરવામાં આવનાર છે. જેનું ફ્લેગઓફ રાજકોટ એસટી બસપોર્ટ ખાતેથી તા.20 જાન્યુઆરીના મંગળવારના બપોરે 4 વાગ્યે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવશે. રાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ - ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ - ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે. રૂટ - ઉપડવાનો સમય - પહોંચવાનો સમય રાજકોટ/ગાંધીનગર - સાંજે 16.00 - રાત્રે 21.00ગાંધીનગર/રાજકોટ - સવારે 7.30 - બપોરે 12.30
ચાઈનીઝ કંપની માલિકનું વોટ્સએપ હેક, 50 હજારની છેતરપિંડી:નવસારીના વેપારી સાથે ચીખલીમાં ફરિયાદ નોંધાઈ
નવસારીના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચીખલી તાલુકાના આલીપોર ગામની કંપનીમાં કાચો માલ સપ્લાય કરતી ચીનની એક કંપનીના માલિકનું વોટ્સએપ હેક કરીને અજાણ્યા ગઠિયાએ રૂ. 50,000 પડાવી લીધા હતા. આ અંગે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના શાતાદેવી રોડ પર રહેતા 35 વર્ષીય પ્રતીકકુમાર દિલીપભાઈ બોડાનો બિઝનેસ છે. તેમની કંપનીને ચીન સ્થિત 'GUANGZHOU BAOYU TRADING CO., LTD.' નામની કંપની એમ્બોસ રોલર (કાચો માલ) પૂરો પાડે છે. ગત 18 ડિસેમ્બરના રોજ, એક અજાણ્યા સાયબર ગઠિયાએ ચાઈનીઝ કંપનીના માલિકનો મોબાઈલ ફોન હેક કર્યો હતો. ત્યારબાદ, હેક કરાયેલા વોટ્સએપ નંબર પરથી પ્રતીકકુમારને મેસેજ મોકલવામાં આવ્યો હતો. ચાઈનીઝ સપ્લાયરના વોટ્સએપ નંબર પરથી મેસેજ આવતા પ્રતીકકુમારને વિશ્વાસ બેઠો હતો. ગઠિયાએ પૈસાની તાત્કાલિક જરૂર હોવાનું કહીને પ્રતીકકુમાર પાસેથી રૂ. 50,000 એક બંધન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં તપાસ કરતા પ્રતીકકુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ચીખલી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એસ. કોરાટે જણાવ્યું કે, ફરિયાદીની ફરિયાદના આધારે બંધન બેંકના ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) (છેતરપિંડી), 319(2) (ઓળખ બદલીને છેતરપિંડી) અને IT એક્ટની કલમ 66(C) તથા 66(D) (કોમ્પ્યુટર રિસોર્સનો ઉપયોગ કરી છેતરપિંડી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં, પોલીસ આ બેંક એકાઉન્ટની વિગતોના આધારે આરોપી સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
અમરેલીમાં યુવતી પર દુષ્કર્મ, 20 લાખની માંગ:છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં એક યુવતી પર છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચરવા અને પૈસા પડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. રાજુલા પોલીસે આરોપી રાકેશ લાખાભાઈ કાતરિયાની ધરપકડ કરી છે. આરોપીએ યુવતી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા બાદ 20 લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ, રાજુલા શહેરના રહેવાસી રાકેશ કાતરિયાએ એક વિદ્યાર્થીની યુવતીને સોશિયલ મીડિયા પર ફોલો કરીને માહિતી મેળવી હતી. રાજકોટમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2021માં આરોપી યુવતીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે છરી બતાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને માર પણ માર્યો હતો. આ ઉપરાંત, રાજકોટમાં કોલેજકાળ દરમિયાન પણ આરોપીએ યુવતીને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 60 હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેણે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે ન આપતા તેણે બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ કર્યા હતા. આ અંગે યુવતીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અમરેલીના એસપી સંજય ખરાત સુધી આ ઘટનાની માહિતી પહોંચતા તેમણે રાજુલા પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજુલા પીઆઈ વિજય કોલાદરાની ટીમે આરોપી રાકેશ કાતરિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી રાકેશ કાતરિયા રાજુલા શહેરમાં દૂધની ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે યુવતીને છરીની અણીએ મારી નાખવાની ધમકી પણ આપતો હતો. રાજુલા પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પણ તપાસ શરૂ કરી છે. એક ટીમ બનાવીને રાજુલા પંથકમાં કયા કયા ગ્રુપ અને લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે, અને ફોરવર્ડ કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આરોપી રાકેશ કાતરિયા સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને કાયદાકીય રીતે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. રાજુલા પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ પુરાવા એકત્ર કરશે. 3 વર્ષમાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું: DYSP DYSP નયના ગોરડીયાએ કહ્યું, 15 તારીખે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ફરિયાદી પીડિતા છે. તેના ઉપર આરોપી રાકેશ કાતરીયાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું છે. તેના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીના ઇરાદે દુષ્કર્મ આચરતો હતો. બંને ઇન્સ્ટા ગ્રામ મારફતે કોન્ટેકમાં આવ્યા હતા. છેલ્લા 3 વર્ષમાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું છે અને બ્લેક મેઇલ કરતો હતો. આ વીડિયો ન વાયરલ કરવા મુદ્દે અગાઉ રૂ.60 હજાર વિધાર્થીનીએ આપી દીધા હતા. તેમ છતાં આરોપી રાકેશને વધુ લાલચ લાગતા 20 લાખની માંગ કરી પરંતુ પીડિતા વિધાર્થીની પાસે ન હોવાથી તેને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો ફોટા બીભત્સ શેર કરી વાયરલ કર્યા છે. આ અંગે રાકેશ કાતરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરીશું.
મહેસાણા જિલ્લામાં વધતા જતા લૂંટ અને છેતરપિંડીના બનાવોને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. સતલાસણા હાઈવે પર એક વૃદ્ધને પૈસાનું બંડલ બતાવી વાતોમાં ભોળવી તેમના કાનમાંથી સોનાની કડીઓ અને રોકડ રકમ પડાવી લેનાર આંતર જિલ્લા ટોળકીના એક સાગરીતને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. સોનાની કડીઓ વેચવા માટે ફરે છેની બાતમી મળીને ઝડપાયોએલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પી.એસ.આઈ. એન.પી. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, વિજાપુરથી રામપુરા આવતા રોડ પર એક શખ્સ એક્ટિવા સાથે સોનાની કડીઓ વેચવા માટે ફરે છે. બાતમીના આધારે પોલીસે રામપુરા ચોકડી નજીકથી દેવાભાઈ ધીરાભાઈ સલાટ (રહે. મોડાસા, અરવલ્લી) ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા પેન્ટના ખિસ્સામાંથી સોનાની બે કડીઓ અને રોકડ રકમ મળી આવી હતી. વૃદ્ધને બંડલ બતાવી વિશ્વાસમાં લઈને સોનાની કડીઓ કઢાવી ફરારપોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે દસેક દિવસ પહેલા તેણે અને તેના પુત્ર કરણ સલાટે સતલાસણા હાઈવે પર એક પાઘડીધારી વૃદ્ધને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધને બંડલ બતાવી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ તેમના કાનમાંથી સોનાની કડીઓ કઢાવી રૂ. 5000ની રોકડ સાથે પલાયન થઈ ગયા હતા. LCBએ 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યોપોલીસે આરોપી પાસેથી 1,20,400ની કિંમતની સોનાની કડીઓ, એક્ટિવા અને રોકડ મળી કુલ 1,43,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં સંડોવાયેલો તેનો પુત્ર કરણ હાલ વોન્ટેડ છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીને આગળની તપાસ માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
રબારી સમાજની બેઠક: કુરીવાજો નાબૂદ કરી શિક્ષણ પર ભાર:ડીસાના આસેડામાં 30થી વધુ ગામના આગેવાનો જોડાયા
બનાસકાંઠા જિલ્લા ડીસાના આસેડા ગામે રબારી સમાજના સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 30થી વધુ ગામના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વર્ષો જૂના કુરિવાજોને નાબૂદ કરીને સમાજને સંગઠિત કરવાનો અને શિક્ષણ તરફ વાળવાનો હતો. નવા બંધારણ થકી સમાજ સુધારણા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રબારી સમાજના અગ્રણી નેતાઓ, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ. સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ડી.કે. દેસાઈ અને નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા અપીલ કરવામાં આવી હતી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં કુરિવાજો વધી રહ્યા છે. આ કુરિવાજોમાંથી સમાજને બહાર લાવી, ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપીને તેમને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
બનાસકાંઠા LCBએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો:11.50 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
બનાસકાંઠા LCBએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચંડીસર ગામેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 11.50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ, LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે ચંડીસર ગામે હાઈવે પર એક ખાનગી હોટલ સામે એક વ્યક્તિ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે. બાતમીના આધારે, પોલીસે સફેદ કલરની વર્ના ગાડી (રજી. નં. GJ 08 CS 6669) માં બેઠેલા આરોપી વસંતભાઈ રામજીભાઈ પ્રજાપતિ (ઉં.વ. 37, ડીસા પાલનપુર હાઈવે, પાલનપુર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના મોબાઈલમાં GURU9.PRO નામની માસ્ટર આઈડી દ્વારા સટ્ટો રમી-રમાડી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 11,50,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા અને હડકવા નિયંત્રણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ટીમે 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે. શહેરમાં શ્વાનના કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માત્ર દોઢ મહિનામાં શ્વાનના કરડવાના 1094 જેટલા કેસો નોંધાયા છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મેડિટેડ રેબિસ એલિમિનેશન ફ્રોમ ઈન્ડિયા 2023 અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોથી થતા હડકવાને નિયંત્રિત કરવા અને તેમની સંખ્યા ઘટાડવા માટે રાજ્યની નગરપાલિકાઓમાં રસીકરણ અને ખસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ 1 જાન્યુઆરી 2026 થી પાલિકા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં શેરી શ્વાનોને પકડી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરાઈ છે. દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે, જેના માટે તેમને એક શ્વાન દીઠ ₹2400 ચૂકવવામાં આવે છે. ટીમ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી સવારે શ્વાનોને પકડી જે.બી. મોદી બાગની બાજુમાં આવેલા પાલિકાના ગેરેજ નજીક રાખે છે. ત્યાં તબીબ દ્વારા તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને પાંચ દિવસ સુધી રાખી ખોરાક આપવામાં આવે છે અને સ્વસ્થ બન્યા બાદ જે સ્થળેથી લાવવામાં આવ્યા હોય ત્યાં છોડી દેવામાં આવે છે. આનાથી શ્વાનોની વસ્તી નિયંત્રિત કરી શકાય છે.
ગુજરાતના નીચાણવાળા ‘ઘેડ’ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું ₹1800 કરોડનું પેકેજ માત્ર જાહેરાત બનીને રહી ગયું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ફેબ્રુઆરી, 2025ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને એક વર્ષ વીતવા છતાં હજુ સુધી પ્રોજેક્ટને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જ્યારે વાસ્તવિક કામ માટે જરૂરી વહીવટી મંજૂરી ફાઈલોમાં અટવાયેલી છે. ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે, ડિસેમ્બરથી મે મહિના સુધીનો સમય કામગીરી માટે શ્રેષ્ઠ છે, પરંતુ જો સરકાર જૂન મહિનામાં મંજૂરી આપશે તો વરસાદમાં કામ ધોવાઈ જશે અને માત્ર બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવશે. ખેડૂતોના મતે, દર વર્ષે નદી સફાઈના નામે લાખો રૂપિયા વેડફાય છે, છતાં પાણી ભરાવાની અને જમીન ધોવાણની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી, જેના કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. કરોડોના બજેટ છતાં વહીવટી મંજૂરીનો અભાવઘેડ વિસ્તારના વિકાસ માટે બજેટમાં ₹1500 કરોડ અને બાદમાં વધારાના ₹300 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રીઓએ મોટા દાવા કર્યા હતા કે આ યોજનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની અને ખારાશની સમસ્યા દૂર થશે. જોકે, વાસ્તવિકતા એ છે કે વહીવટી મંજૂરીના અભાવે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ શકી નથી. જો મે મહિના સુધી કામ શરૂ નહીં થાય, તો ચોમાસામાં કરવામાં આવતી કામગીરી માત્ર કાગળ પર રહી જશે અને સરકારી નાણાંનો વ્યય થશે તેવી ખેડૂતોમાં દહેશત છે. નદીઓના બદલાતા વેણથી ખેતીમાં ભારે ધોવાણભારતીય કિસાન સંઘના જિલ્લા મંત્રી વિનુ બારિયાના જણાવ્યા મુજબ, કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના ગામો ઘેડમાં આવે છે. અહીં નદીઓની ભૌગોલિક સ્થિતિ એવી છે કે પૂરના સમયે પ્રોટેક્શન વોલ તૂટી જાય છે અને નદીઓ પોતાનો માર્ગ બદલી નાખે છે. આને કારણે ખેડૂતોના ખેતરોમાંથી ફળદ્રુપ માટી ધોવાઈ જાય છે. ખેડૂતો શિયાળુ પાક લઈ શકતા નથી અને ઉનાળામાં પિયતની કોઈ વ્યવસ્થા હોતી નથી. સરકારના દાવા મુજબ નદીઓ ઊંડી કરવાની કામગીરી હજુ પણ કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. પાલોદર ગામમાં હજુ સુધી કોઈ સર્વે થયો નથીગામના ઉપસરપંચ અને ખેડૂત સંજય ડેરે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર યોજનાઓની વાતો કરે છે પણ પાલોદર જેવા ગામોમાં હજુ સુધી કોઈ અધિકારી માપણી કે સર્વે માટે આવ્યા નથી. હજારો વીઘામાં મગફળીનો પાક પાણી ભરાવાને કારણે નિષ્ફળ જાય છે. શિયાળુ પાક જેવા કે ઘઉં અને બાજરીનું વાવેતર પણ શક્ય બનતું નથી. જો સરકાર ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છતી હોય, તો યોજનાની જાહેરાતો કરવાને બદલે તંત્રને જમીન પર કામ કરવા માટે કડક સૂચના આપવી જોઈએ. સિંચાઈ વિભાગનો ફેઝ-1 ની કામગીરીનો દાવો આ આક્ષેપો વચ્ચે જૂનાગઢ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પાર્થ કોઠિયાએ જણાવ્યું કે, ફેઝ-1 અંતર્ગત કેશોદ અને માંગરોળ તાલુકાના ગામોમાં નદી અને ડ્રેઈન્સના ડિપનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં હાર્ડ રોક અને ઝાડી-ઝાંખરા હતા, તે દૂર કરવામાં આવ્યા છે. સાથે જ પ્રવાહમાં અવરોધરૂપ ચેકડેમોનું ડિમોલિશન પણ કરાયું છે. અંદાજે 15 જૂનની આસપાસ વર્ક ઓર્ડર આપીને ચોમાસા પહેલા જેટલું શક્ય હતું, તેટલું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. નદીઓમાંથી પાણી ઓસરતા ફરી કામ શરૂ થશે સિંચાઈ વિભાગનાના અધિકારીએ જણાવ્યા મુજબ સાબલી, ઓઝત અને વેકળી નદીઓમાં જેટલા વિસ્તારોમાં પહોંચી શકાય તેમ હતું ત્યાં ડીપનિંગની કામગીરી કરવામાં આવી છે. હાલમાં જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અથવા અવરોધ છે, ત્યાંથી પાણી ઓસરતાની સાથે જ બાકી રહેલી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે. જોકે, ખેડૂતો આ કામગીરીથી સંતુષ્ટ નથી અને તેઓ કાયમી ઉકેલ માટે વહેલી તકે વહીવટી મંજૂરી આપીને મોટા પાયે આધુનિક પદ્ધતિથી કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની ગંભીરતાને કારણે, ટ્રેલર અને ટેન્કર વચ્ચે ફસાયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા માટે NHIT અને સ્થાનિક પોલીસને ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેને NHIT અને રાજસ્થાન પોલીસે સઘન પ્રયાસો બાદ નિયંત્રિત કર્યો હતો. આ બચાવ અને રાહત કાર્યમાં સ્વરૂપગંજ RPV ટીમ (કમલેશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રવીણભાઈ), એમ્બ્યુલન્સ સ્ટાફ (કમલેશભાઈ, નારણભાઈ) અને ગુજરાતની ખીમાણા RPV ટીમ (મહેશભાઈ, મહેશભાઈ મકવાણા, જાવેદખાન, ઉત્સવભાઈ, પ્રવીણભાઈ, મનુભાઈ) સહિત અનેક લોકો સામેલ થયા હતા.
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જ્યારે શહેરી વિસ્તારના પ્રશ્નોમાં સ્લમ રિહેબિલિટેશન, દબાણના પ્રશ્નો, યુએલસી, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, કુબેરનગર ITI ફૂટ ઓવર બ્રિજ, જેટકો, ટ્રાફિક, પોલીસ આવાસ, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો અમિત શાહ, હર્ષદ પટેલ, જિતેન્દ્ર પટેલ, પાયલ કુકરાણી, ઈમરાન ખેડાવાલા, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત વગેરે સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જીતુ પટેલ અને હર્ષદ પટેલે પોતના પ્રશ્નો રજૂ કર્યાભાજપના નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે તેમના વિસ્તારમાં રેલવેની દિવાલ દ્વારા રોડ ઉપર દબાણની વાત કરી હતી. જેમાં એક કમિટી બની છે અને નકશા રજૂ કરીને માપણી કરવામાં આવનાર છે. નરોડાના ભાજપના ધારાસભ્ય પાયલ કૂકરાણીએ જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારમાં ITI અંડરપાસ બનાવ્યો છે. જે S આકારનો છે, જેને બનાવવા સાંસદ દ્વારા કેન્દ્રમાંથી ગ્રાન્ટ મળી હતી અને તે બની પણ ગયો છે. પરંતુ તેમાં નિયમો મુજબ અડધે સુધી જ કેડી છે. જેથી તેને ક્રોસ કરવામાં શાળાએ જતા બાળકોને તકલીફ પડે છે. હાલમાં AMC દ્વારા બસ મૂકીને વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ત્યાં ફૂટ ઓવર બ્રિજ બનાવવાની જરૂર છે. ઈમરાન ખેડાવાલાએ સંકલન સમિતિની બેઠકમાંથી વોકઆઉટ કર્યુંપાયલ કૂકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર નગર ટાઉનશિપની સર્વે નંબર 5206ની જમીન વર્ષ 2016થી સરકારના નામે બોલતી થઈ ગઈ છે. જેની ઉપર સોસાયટી અને દુકાનો આવેલા છે. જેને કારણે તેમને લોન મળતી નથી. જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે, જમાલપુર ઝોનલ ઓફિસમાં લિફ્ટ નથી, યુરીનરી નથી આમ બેઝિક સુવિધાઓ નથી. જેથી નવી કચેરી બનાવવા માગ કરી છે. આ માટે તેઓએ અલગ અલગ સરકારી જગ્યાઓ બતાવી પણ તંત્ર આગળ વધતું નથી. આથી તેમને મીટિંગમાંથી વોકઆઉટ કર્યું હતું. તેમના તો ઠીક પણ ભાજપના ધારાસભ્યોની રજૂઆત પર પણ કામ થતા નથી.
મહીસાગર LCBએ વિદેશી દારૂ ઝડપ્યો:બાકોર વિસ્તારમાંથી ₹3.57 લાખનો દારૂ, બે આરોપી પકડાયા
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹3,57,300ની કિંમતની 267 બોટલ વિદેશી દારૂ અને કુલ ₹8,77,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ દારૂબંધીની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજસ્થાનથી ડીટવાસ થઈ બાબલીયા તરફ જતી એક સફેદ સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. LCB સ્ટાફે લવાણા ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને રોકી લીધી હતી. પોલીસે કારમાંથી ચાલક સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 267 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,57,300 થાય છે. દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,77,300નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંગે બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના મેવડા ગામનો યોગેશ દેવપુરી ગોસ્વામી અને ઉદેપુર જિલ્લાના ખેરોદા ગામનો વિશ્વજીતસિંહ અભેસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને તેની સંલગ્ન કોલેજોમાં શિક્ષણ પ્રણાલીની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટી પર પૈસા લઈને ડિગ્રી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠાના ધાનેરામાં આવેલી સૂર્યોદય DHSI કોલેજને લઈને તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરીક્ષાર્થીના વાલી અને કોલેજના સંચાલક વચ્ચેની ઓડિયો ક્લિપ જાહેરયુવરાજસિંહના જણાવ્યા મુજબ, સૂર્યોદય કોલેજમાં “પૈસા ફેંકો, પાસ થાઓ” મોડલ ચાલી રહ્યું છે. રૂપિયા 1થી 2 હજારની ‘ડિજિટલ દક્ષિણા’ આપી વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર જ પાસ થઈ જાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ કોરા પેપર મૂકીને આવે છે અને ઉત્તરવહીઓ કોઈ બીજાએ લખી આપેલી હોય છે. આરોપોને મજબૂત બનાવતા યુવરાજસિંહે એક પરીક્ષાર્થીના વાલી અને કોલેજના સંચાલક વચ્ચેની ઓડિયો ક્લિપ જાહેર કરી છે, જેમાં પાસ કરાવવા માટે પૈસાની વાતચીત થતી હોવાનું તેઓ કહે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે એક જ દિવસે તમામ વિષયોની ઉત્તરવહીઓમાં સહી કરવામાં આવે છે, જે ગંભીર ગેરરીતિ દર્શાવે છે. યુનિવર્સિટીના VCની ભૂમિકાને લઈને પણ ગંભીર ટિપ્પણીયુવરાજસિંહે વધુમાં કહ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓ બાદ હવે સરકારી યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશો પૈસા લઈને પેપર લખાવી દે છે. HNGU સંલગ્ન અનેક બોગસ કોલેજો તેમજ કોમ્પલેક્ષમાં ચાલતી નર્સિંગ કોલેજો પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ભૂમિકાને લઈને પણ તેમણે ગંભીર ટિપ્પણી કરી છે. VCની નિષ્ક્રિયતા તેમની ભાગીદારી તરફ ઈશારો કરે છે, એવી શંકા વ્યક્ત કરતા યુવરાજસિંહે “ગાંધારીનીતિ”નો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર શું પગલાં લે છે તેની તરફ સૌની નજર છે. જો આરોપો સાચા સાબિત થાય તો રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં મોટો ભૂકંપ આવી શકે છે.
વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે વધુ એક ભુવો પડતા ખાબકી કારનું ટાયર ફસાતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી પરંતુ કારને સામાન્ય નુકસાન થયું છે. અહીં પડેલા ભુવાનું સમારકામ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અહીંયા ટ્રાફિક સમસ્યા સામે આવી રહી છે. અત્યારે સત્વરે આ ભૂવાનું સમારકામ થાય તે માટે સ્થાનિક આગેવાન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 'એક જ ખાડો દસ વાર ખોદવાનો....'આ અંગે સામાજિક આગેવાન અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વડોદરાની સ્થિતિ અત્યારે એવી છે કે તેને 'વડોદરા' કહેવાને બદલે 'ખાડોદરા' કહેવું વધુ યોગ્ય રહેશે. કોર્પોરેશનનું કામ જ એવું છે કે એક જ ખાડો દસ વાર ખોદવાનો અને પછી તેને વ્યવસ્થિત પૂરવાને બદલે માત્ર માટી નાખીને જતું રહેવાનું આ ભ્રષ્ટાચારનો આ એક ઉત્તમ નમૂનો છે. તંત્રના પેટનું પાણી હલતું નથીવધુમાં કહ્યું કર, વોર્ડ નંબર 12ની હાલત તો સાવ ખરાબ છે. આખા રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ છે. અમે અને પોલીસ તંત્રએ પણ અનેકવાર રજૂઆતો કરી છે કે આનું કાયમી સમાધાન આવતી નથી અને તંત્રના પેટનું પાણી હલતું નથી. તેઓ માત્ર કામ ચલાઉ માટી નાખીને સંતોષ માની લે છે. 'એન્જિનિયરો અને તંત્રએ શહેરને ખાડાઓમાં ફેરવી નાખ્યું'વધુમાં કહ્યું કે, ગઈકાલે જ આ રસ્તા પરથી પૂજ્ય મહંત સ્વામીની ગાડી પસાર થઈ હતી. જો ભગવાન ન કરે ને કાલે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો વડોદરાના નામના લીરેલીરા ઉડી ગયા હોત. આ સયાજીરાવનું સુંદર વડોદરા હતું, જે એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો ગણાતું, પણ આજે અહીંના એન્જિનિયરો અને તંત્રએ શહેરને ખાડાઓમાં ફેરવી નાખ્યું છે. અમારી એક જ માંગ છે કે તંત્ર જલ્દી જાગે. લોકોના જીવ જોખમમાં મૂકવાનું બંધ કરે અને રસ્તાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.
ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી-2027 માટેની તૈયારીઓ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, આ વખતની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાન ગણતરી (HLO) સપ્ટેમ્બર 2026માં અને બીજા તબક્કામાં વસ્તીની ગણતરી (Population Enumeration-PE) ફેબ્રુઆરી 2027માં યોજાશે. ગણતરીકારોને 25 હજાર સુધી વેતન મળશેઆ પરિપત્રમાં ગણતરીકારો, સુપરવાઈઝરો અને અધિકારીઓ માટેના માનદ વેતન, તાલીમ, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લોજિસ્ટિક સપોર્ટની વિગતવાર જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. HLO માટે પ્રતિ ગણતરીકારને 9,000 અને PE માટે 16,000 માનદ વેતન નક્કી કરાયું છે, જ્યારે બંને તબક્કા પૂર્ણ કરનારને કુલ 25,000 સુધીની રકમ મળશે. વસ્તી ગણતરી માટે બજેટ ફાળવણી કરાઈવસ્તી ગણતરીના સફળ અમલ માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે IT સાધનો, વાહન માટે POL ખર્ચ અને કામગીરી માટે જરૂરી સાધનો માટે અલગ-અલગ બજેટ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આ માટે 10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ અને તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે. આ પણ વાંચો: ભારતની વસ્તી ગણતરી 2027નું શેડ્યુલ જાહેર:પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ ગણતરીકારોને અપાશેગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ દ્વારા ડેટા એકત્રિત કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે. વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ હશેપરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ડેટાની ગુણવત્તા તથા પારદર્શિતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આ વસ્તી ગણતરી દેશની આગામી વિકાસ યોજનાઓ માટે મહત્વપૂર્ણ આધાર પુરો પાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ફોર ધ વર્લ્ડ’ના ધ્યેયને સાકાર કરતી દિશામાં ગુજરાતે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઉદ્યોગ વિકાસને નવી ઊંચાઈ મળતી જાય છે. આ જ ક્રમમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખોરજ ખાતે 35 હજાર કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવામાં આવનાર છે. વિશ્વકક્ષાનો નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અંદાજે 1750 એકર જમીન પર મારુતિ સુઝુકી વર્ષમાં કુલ 10 લાખ કારના ઉત્પાદન ક્ષમતા ધરાવતો વિશ્વકક્ષાનો નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વિકસાવશે. આ પ્રોજેક્ટથી સીધા અંદાજે 12 હજારથી વધુ લોકોને રોજગાર મળશે, જ્યારે એન્સિલીયરી યુનિટ્સ અને એમ.એસ.એમ.ઈ એકમોના વિકાસથી લગભગ 7.5 લાખ જેટલી પરોક્ષ રોજગારીનું સર્જન થશે. મુખ્યમંત્રી અને કંપનીના ડિરેક્ટર રોકાણ પત્રગાંધીનગરમાં યોજાયેલી ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ પત્ર આપલે કરવામાં આવ્યા હતા. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મારુતિ સુઝુકીના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. વર્ષે 10 લાખ કારનું ઉત્પાદનઆ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે 2.5 લાખ કાર ઉત્પાદન ક્ષમતા ધરાવતા ચાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી કુલ ઉત્પાદન ક્ષમતા 10 લાખ કાર પ્રતિ વર્ષ સુધી પહોંચશે. મારુતિ સુઝુકીનું આયોજન છે કે પ્રથમ પ્લાન્ટનું ઉત્પાદન 2029ના નાણાકીય વર્ષથી શરૂ કરવામાં આવશે. 'ગુજરાત-જાપાન વચ્ચેના મજબૂત ઉદ્યોગ સંબંધો'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આ માત્ર એક નવો ઓટોમોબાઇલ પ્લાન્ટ નહીં પરંતુ દેશના સૌથી મોટા અને સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ભારત-ગુજરાત-જાપાન વચ્ચેના મજબૂત ઉદ્યોગ સંબંધોનો ઉલ્લેખ કરી ગુજરાત સરકાર ઉદ્યોગોને સંપૂર્ણ સહયોગ આપતી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 'શરૂઆતથી જ જાપાન ગુજરાતના વિકાસનું ભાગીદાર રહ્યું'નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતથી જ જાપાન ગુજરાતનો મહત્વપૂર્ણ વિકાસ ભાગીદાર રહ્યું છે અને મારુતિ સુઝુકી જેવા પ્રોજેક્ટો રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. આ નવી સુવિધા સાથે ગુજરાતની ઓટો હબ તરીકેની ઓળખને વધુ બળ મળશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વૈશ્વિક સ્તરે નવી ગતિ મળશે.
અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં 'જીવન ઉત્કર્ષ સભા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિર વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. આ શ્રેણી અંતર્ગત, મણિનગરમાં આવેલી કુમકુમ વિદ્યાલય ખાતે એક વિશેષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જીવનમાં સફળતા મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા મેળવવા માટે પ્રચંડ પુરુષાર્થ અનિવાર્ય છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યું કે, 'શરીરની કમજોરી આપણને ઝુકાવી શકતી નથી, જ્યાં મહેનતની ઊંચાઈ વધુ હોય ત્યાં નસીબને પણ ઝુકવું પડે છે.' તેમણે દૃઢ નિશ્ચયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, જો જીવનમાં કંઈક કરી બતાવવાનો દૃઢ સંકલ્પ હોય, તો આખી દુનિયા પ્રયાસ કરીને પણ તમને રોકી શકતી નથી. સાધુ પ્રેમવત્સલદાસજીએ આત્મદોષ ટાળવા અને આત્મવિશ્વાસ કેળવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, પોતાની જાતને કમજોર સમજવાથી વ્યક્તિ પોતાની ખામીઓ જ શોધ્યા કરે છે અને પ્રગતિ કરી શકતો નથી. તેમણે સૂચવ્યું કે, આપણે આપણી ખૂબીઓને બહાર લાવવી જોઈએ અને ખામીઓને સુધારવી જોઈએ, પરંતુ તેના કારણે પ્રગતિના માર્ગે ચાલવાનું છોડી દેવું એ મોટી ભૂલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સફળતા રાતોરાત મળતી નથી. તેના માટે સતત પ્રયત્ન, ધીરજ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અહોભાવ હોવો જરૂરી છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય પાયા છે: દ્રઢ મનોબળ, પ્રચંડ પુરુષાર્થ અને ભગવાનની કૃપા. આથી, જીવનમાં હિંમત અને ધીરજ રાખી, શ્રી સ્વામિનારાયણ ભગવાન પર શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાથી નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે.
પાટણની શાળામાં 480 બાળકોને ગરમ મોજા અપાયા:માનવ સેવા ટ્રસ્ટ અને નીચિકેતા ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો
પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવ સેવા ટ્રસ્ટ અને નીચિકેતા ફાઉન્ડેશન દ્વારા શાળાના 480 જરૂરિયાતમંદ બાળકોને ગરમ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં માનવ સેવા ટ્રસ્ટ અને નીચિકેતા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને સંસ્થાઓ સમાજમાં જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યો કરે છે. આ પ્રસંગે ગ્રૂપના પ્રમુખ અને શાળાના વાલી દીપકભાઈ આર. મકવાણા, મુંબઈના હંસાબેન આર્ટિસ્ટ, બનાસકાંઠાના ડૉ. દીપકભાઈ સોલંકી, મયંકભાઈ મકવાણા અને નીતિનભાઈ સોલંકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું ભારતીય રીતિરિવાજ મુજબ સુખડ અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોજા વિતરણ ઉપરાંત, દાતા સંસ્થાઓ દ્વારા શાળાને ભવિષ્યમાં પણ મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ખાસ કરીને, જે બાળકોના માતા-પિતા હયાત ન હોય તેવા બાળકોને વિશેષ સહાય પૂરી પાડવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે, સમગ્ર શાળા પરિવારે દાતા સંસ્થાઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ દ્વારા આધ્યાત્મિક જ્ઞાનના પ્રસાર માટે એક વર્ષનો નિઃશુલ્ક “વેદાંત અભ્યાસ કોર્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પૂર્ણ-સમયનો અભ્યાસક્રમ 19 ફેબ્રુઆરી, 2026, ગુરુવારથી શરૂ થશે અને સંપૂર્ણ અભ્યાસ હિન્દી ભાષામાં કરાવવામાં આવશે. આ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના અધ્યાય 5 અને 6, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોપનિષદ અને વિવેકચૂડામણિના પસંદગીના મંત્રોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરાવવામાં આવશે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને મંત્રોચ્ચારણનું માર્ગદર્શન પણ અપાશે. તમામ શાસ્ત્રો શાંકર ભાષ્ય સાથે સમજાવવામાં આવશે. સમગ્ર કોર્સનું માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આપશે. પૂજ્ય સ્વામીજી આધ્યાત્મિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત આચાર્ય છે અને તેમની સરળ ભાષામાં વિષયો સમજાવવાની શૈલી ખૂબ લોકપ્રિય છે. આ અભ્યાસક્રમ જીવનને સાર્થક, શાંત અને આનંદમય બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ શિબિરમાં પ્રવેશ માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વધુ માહિતી માટે મો. +91 95101 24394 પર સંપર્ક કરી શકાય છે અથવા contact@swamiparamatmananada.org પર ઈમેલ કરી શકાય છે.
શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS), અમદાવાદે તેના અંડર-ગ્રેજ્યુએટ (યુજી) ક્લાસના BBA અને BCA વિદ્યાર્થીઓ માટે બે મહત્વપૂર્ણ ઉદ્યોગ-લક્ષી પહેલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા અને તેમને વાસ્તવિક દુનિયાનો અનુભવ પૂરો પાડવાનો હતો. BBAના વિદ્યાર્થીઓ માટે, SBS એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના સહયોગથી એક વ્યાપક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનું શીર્ષક ફ્રોમ ક્લાસરૂમ ટુ કોર્પોરેટ: માઈન્ડ સેટ, સ્કીલ, એન્ડ રોડમેપ ફોર BBA સ્ટુડન્ટ્સ હતું. SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માના નેતૃત્વ હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી હતી. સત્રમાં ઉદ્યોગ પ્રશિક્ષક આનંદ ભટનાગર દ્વારા નિષ્ણાત ઇનપુટ્સ રજૂ કરવામાં આવ્યા, જેમાં ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને કોર્પોરેટ અપેક્ષાઓ પર વ્યવહારુ આંતરદૃષ્ટિનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને સર્વાંગી વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત, SBSના BCAના વિદ્યાર્થીઓ માટે ટોપ્સ ટેક્નોલોજીસ ખાતે એક સફળ ઇન્ડસ્ટ્રી વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની ઉદ્યોગ પદ્ધતિઓ અને ભવિષ્યની કારકિર્દીની સંભાવનાઓ વિશે મૂલ્યવાન જાણકારી મળી. ટોપ્સ ટેક્નોલોજીસના નિષ્ણાતોએ આગામી પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં ઉભરતા વલણો, ઉદ્યોગોમાં AIના વ્યવહારુ ઉપયોગો અને વ્યાવસાયિક વિકાસમાં સોફ્ટ સ્કિલ્સના મહત્વ પર આંતરદૃષ્ટિ શેર કરી. આ સત્ર ખૂબ જ ઇન્ટરેક્ટિવ રહ્યું, જેનાથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક જ્ઞાન અને વ્યવહારુ ઉપયોગ વચ્ચેના અંતરને દૂર કરી શક્યા. શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા યોજાતા આવા કાર્યક્રમો તમામ શાખાઓમાં આત્મવિશ્વાસપૂર્ણ, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર સ્નાતકોના વિકાસને સુનિશ્ચિત કરે છે. આ પહેલ વિદ્યાર્થીઓને કારકિર્દીના માર્ગો અને ઉદ્યોગની અપેક્ષાઓ પર સ્પષ્ટતા મેળવવા માટે એક અર્થપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
અમદાવાદમાં છેતરપિંડીનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.વસ્ત્રાપુરમાં રહેતા વૃદ્ધ પાસેથી ગઠિયાઓએ ડોક્ટર તરીકેની ઓળખ આપીને કમરની સારવાર માટે શરીરમાંથી સોય નાખી કાળું લોહી કાઢવાના એક ટીપાના 7000 રૂપિયા નક્કી કર્યા હતા.બે દિવસમાં 95 જેટલા ટીપાં કાઢી વૃદ્ધ પાસેથી 4 લાખ પડાવ્યા હતા. વૃદ્ધ જ્યારે બેંકમાં પૈસા ઉપાડવા જતા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ જઈને તેમની રેકી પણ કરતો હતો. આ સમગ્ર મામલે સાઈબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે. સારવારના નામે વૃદ્ધને ફસાવ્યાવસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષે વૃદ્ધ નિવૃત જીવન ગુજારે છે તેમના પત્ની 75 વર્ષના છે.વૃદ્ધના પત્નીને 2002માં લકવો થયો હતો.જેથી ફિઝિયોથેરાપીની સારવાર લેતા હતા. વૃદ્ધને એક વ્યક્તિએ પોતે એન્જિનિયર હોવાની ઓળખ આપીને કહ્યું હતું કે તેના માતાને પણ ઘૂંટણમાં તકલીફ હતી અને ડોક્ટર નીતિન અગ્રવાલની સારવાર કરાવી હતી જેનાથી સારું થયું છે. તમારે પણ તમારી પત્નીની સારવાર કરાવી હોય તો સારું થશે તેમ કહી નીતિન અગ્રવાલનો નંબર આપ્યો હતો. વૃદ્ધે નીતિન અગ્રવાલને ફોન કરતા નીતિન અગ્રવાલે ડોક્ટર દિવાનનો નંબર આપ્યો હતો. એક ટીપું કાળું લોહી કાઢવાના 7000 રૂપિયા નક્કી કર્યાવૃદ્ધ ડોક્ટર દિવાનને ફોન કરતા 13 જાન્યુઆરીના રોજ ડોક્ટર દિવાન અને તેમનો આસિસ્ટન્ટ ધનરાજ પાટીલ વૃદ્ધના ઘરે આવ્યા હતા અને વૃદ્ધના પત્નીને શરીરમાં સોય નાખી કાળું લોહી કાઢતા હતા જેના એક ટીપાના 7000 રૂપિયા નક્કી કર્યા હતા.પ્રથમ દિવસે 55 જેટલા ટીપાં નીકળ્યા હતા અને 14 જાન્યુઆરીએ 40 જેટલા ટીપાં નીકળ્યા હતા. 15 જાન્યુઆરીના રોજ વૃદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા જેમાં તેમણે 4 લાખ રૂપિયા ઉપાડીને ડોક્ટર દિવાનને આપ્યા હતા. બાકીના બીજા પૈસા ફરીથી બેંકમાં ઉપાડવા ગયા ત્યારે બેન્ક કર્મચારીને ડિજિટલ એરેસ્ટની થયા હોવાની શંકા જતા બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમને જાણ કરી હતી. વૃદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે પણ રેકી કરવામાં આવીસાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે વૃદ્ધની સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ પૈસા ઉપાડવા ત્યારે હાજર રહેતો હતો જેથી પોલીસે તપાસ કરતા આ વ્યક્તિ ઝડપાયો હતો,જેનું નામ મોહમ્મદ અમજદ મહેમુદ હતું.આ સમગ્ર ટોળકી વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરતી હતી અને સારવારના નામે લાખો રૂપિયા પડાવતી હતી.જ્યારે વૃદ્ધ વ્યક્તિ બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે આ ટોળકીના કેટલાક લોકો તેમની પર નજર રાખી રહ્યા હતા.આ સમગ્ર મામલે વૃદ્ધના પુત્રે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના આરોપી ફરાર છે.
એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શેખ મોહમ્મદ ઇમરાન અબ્દુલ સઈદને ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે મેનેજમેન્ટ વિષય પર Commodity Risk Management: A Study of Commodity Investors of Gujarat State શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ નિબંધને યુનિવર્સિટીએ માન્યતા આપી છે. આ સંશોધન બી.કે. સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર ડો. માર્ગી પરીખના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા છે.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ સમી તાલુકાની શમશેરપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની ભાવના વિકસે તેવા ઉમદા આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહના અધ્યક્ષસ્થાને કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ચાણસ્મા કૉલેજના અધ્યાપક ડૉ. જીતુભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય જગમાલભાઈ પટેલ, ગામના સરપંચ હસમુખભાઈ સોલંકી, સમી કૉલેજ સ્ટાફ અને અન્ય આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું 'સ્વદેશી અપનાવો સમૃદ્ધિ વધારો' વિષય સાથે રોપા અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. જીતુભાઈ પ્રજાપતિએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવા દ્વારા ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઘડતર માટે પ્રેરણા આપી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદે ગામની સેવા થકી 'સેવા પરમો ધર્મ'ની ભાવના સાથે રાષ્ટ્રસેવા માટે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. NSSના સિદ્ધાંત 'Not Me But You' (હું નહીં પણ તમે) દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે આ કેમ્પમાં પ્રયાસો કરવામાં આવશે. કૉલેજના NSS યુનિટના વિદ્યાર્થીઓ શાળાના બાળકો સાથે મળી ગામમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા, સ્વદેશી અને સાક્ષરતા જેવા પ્રકલ્પો પર રેલીઓ, નાટકો અને વ્યાખ્યાનો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદની પ્રેરક ઉપસ્થિતિમાં કૉલેજના NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિએ કર્યું હતું. કાર્યક્રમના અંતે કૉલેજના અધ્યાપક ડૉ. ખુશ્બુ મોદીએ આભારવિધિ કરી હતી.
માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને ધામેલિયા પરિવારના સંયુક્ત ઉપક્રમે સમાજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નશા મુક્તિ, સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા મહત્વના વિષયો પર માહિતી આપવામાં આવી હતી. આજના સમાજમાં નવી પેઢીમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેમાં દારૂ ઉપરાંત વિવિધ પ્રકારના ડ્રગ્સનો પણ સમાવેશ થાય છે. પાનના ગલ્લાઓ પર મફત વાઇફાઇ દ્વારા ઓનલાઈન જુગાર અને અન્ય નશાકારક પદાર્થોનું સેવન સામાન્ય બન્યું છે. પહેલાના સમયની સરખામણીમાં આજના લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી નશાના કારણે કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. કેન્સર હોસ્પિટલોમાં નાની ઉંમરના લોકોમાં પણ કેન્સરના કેસો જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે નવી પેઢી શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે ઓછી સજાગ છે. ઓનલાઈન જુગાર મેગા સિટીઝની સાથે ગામડાઓમાં પણ ફેલાયો છે, જેના કારણે ઘણા લોકોએ પોતાની બેંક ખાતાઓ ખાલી કરીને આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભર્યા છે. નશા મુક્તિ અંગે ઘણા ભાષણો થાય છે, પરંતુ નશો કેવી રીતે છોડવો તેની વ્યવહારુ માહિતી ઓછી મળે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના રસિકભાઈ ધામેલિયા દ્વારા નશો છોડવાની સંપૂર્ણ અને સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, વિશ્વભરમાં 190 દેશોમાં કાર્યરત 'આલ્કોહોલ એનોનીમસ' (AA) નામની સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાએ નશા મુક્તિના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક સંશોધન કરીને સૌથી વધુ સફળતા મેળવી છે. AAની મીટિંગ્સ દરેક મોટા શહેરમાં યોજાય છે અને તેની ખાસિયત એ છે કે તે નશો છોડવા આવનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખે છે અને કોઈ ફી લેતી નથી. વધુ માહિતી અથવા મદદ માટે, 9879394125 અને 9428060020 નંબર પર સંપર્ક કરી શકાય છે.
માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને ધામેલીયા પરિવાર દ્વારા નશા મુક્તિ, ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વધતા જતા નશાના દૂષણ અને સાયબર ગુનાઓ વિશે લોકોને જાગૃત કરવાનો હતો. આજના સમાજમાં નવી પેઢીમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દારૂ ઉપરાંત વિવિધ પ્રકારના ડ્રગ્સનું સેવન સામાન્ય બન્યું છે. પાનના ગલ્લાઓ પર મફત વાઇફાઇ દ્વારા ઓનલાઈન જુગાર અને નશાકારક સિગારેટનું વેચાણ પણ જોવા મળે છે. પહેલાના સમયમાં લોકોની શારીરિક શક્તિ વધુ હોવાથી તેઓ નશાની આડઅસરો લાંબા સમય સુધી સહન કરી શકતા હતા. જોકે, આજના યુવાનોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી નશાને કારણે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ નાની ઉંમરે પણ વધ્યું છે. હોસ્પિટલોમાં યુવાનોમાં કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ નવી પેઢી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી હોવા છતાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર છે. ઓનલાઈન જુગારનું દૂષણ મોટા શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ ફેલાયું છે, જેના કારણે અનેક લોકોએ પોતાની બેંક ખાતાઓ ખાલી કરીને આર્થિક રીતે બરબાદ થયા છે અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યા પણ કરી છે. નશા મુક્તિ અંગે ઘણા ભાષણો થાય છે, પરંતુ નશો કેવી રીતે છોડવો તેની વ્યવહારુ માહિતી ઓછી મળે છે. આ કાર્યક્રમમાં માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના રસિકભાઈ ધામેલીયા દ્વારા નશો છોડવા માટેના નાના અને વ્યવહારુ પગલાં વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે વિશ્વભરમાં 190 દેશોમાં કાર્યરત 'આલ્કોહોલિક્સ એનોનિમસ' (AA) નામની સંસ્થાનો ઉલ્લેખ કર્યો. આ સંસ્થાએ નશા મુક્તિ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરીને સૌથી વધુ સફળતા મેળવી છે. AA સંસ્થાની બેઠકો મોટા શહેરોમાં નિયમિતપણે યોજાય છે. આ સંસ્થાની વિશેષતા એ છે કે તે નશો છોડવા આવનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખે છે અને કોઈ પણ પ્રકારની ફી લેતી નથી. વધુ માહિતી માટે 9879394125 અને 9428060020 નંબર પર સંપર્ક કરી શકાય છે.
અમદાવાદ શહેરના સાબરમતીના શિક્ષિકાના કોલેજ મિત્રએ ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 50 હજાર રોક્ડા અને પાસપોર્ટ લઈ લીધો હતો. શિક્ષિકાએ તપાસ કરી તો મિત્રએ મોકલેલા વિઝા બોગસ નીકળ્યા હતા. મિત્રએ વર્ક પરમિટની જગ્યાએ વિઝીટર વિઝા મોકલી આપ્યા હતા. આ અંગે શિક્ષિકાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી મિત્રને વાત કરી હતીસાબરમતી વિસ્તારમાં રહેતા નિશા પાંડે ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં સમર્પણ સ્કુલમાં પીટી ટીચર તરીકે નોકરી કરે છે. નિશા અને પ્રીતેશ 10 વર્ષથી મિત્ર હતા. નિશાને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી તેણે પ્રિતેશ પટેલને વાત કરી હતી. મિત્રએ વિઝીટર વિઝા આપ્યા હતા, વર્ક પરમિટની જરૂર હતીપ્રિતેશ વિઝા અને વર્ક પરમિટ અપાવવાનું કામ કરે છે. પ્રિતેશે નીશાને 22 લાખ રૂપિયાનો ખર્ચ કહ્યો હતો. પ્રિતેશે વિઝાની પ્રોસેસ માટે 50 હજાર રૂપિયા એડવાન્સ આપવાનું કહ્યુ હતું. જૂન 2025માં નિશાએ પ્રિતેશને 50 હજાર રૂપિયા રોક્ડા આપ્યા હતા. પ્રિતેશે નિશાને વિઝીટર વિઝા આપ્યા હતા, પરંતુ તેને વર્ક પરમિટની જરૂર હતી. વિઝીટર વિઝા કેન્સલ કરવાની 1.90 લાખ રૂપિયા પેનલ્ટી માંગીનિશાએ વિઝીટર વિઝા લેવાનો ઈન્કાર કરી દીધો હતો અને વર્ક પરમિટ માગ્યા હતા. પ્રિતેશે તરત જ તેની પાર્ટનર બંસી દેસાઈનો નંબર આપ્યો હતો અને વિઝા પરમિટ કેન્સલ કરવાનું કહ્યુ હતું. પ્રિતેશ અને બંસીએ વિઝીટર વિઝા કેન્સલ કરવાની પેનલ્ટી 1.90 લાખ રૂપિયા માંગી હતી, જેથી નિશાએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. નીશાની ભૂલ નહી હોવાથી તેણે પેનલ્ટી ભરવાની ના પાડી હતી અને અસલ પાસપોર્ટ અને 50 હજાર રૂપિયા પરત માંગી લીધા હતા. પાસપોર્ટ આપવામાં ઉડાઉ જવાબ આપતા હતાપ્રિતેશે પાસપોર્ટ બંસી પાસે હોવાનું કહ્યુ હતું જેથી નિશાએ ફોન કર્યો ત્યારે બંસીએ જણાવ્યુ હતું કે પાસપોર્ટ દિલ્હી પ્રોસેસ માટે છે, જેથી હુ દિલ્હી જઈશ ત્યારે પાસપોર્ટ લેતી આવીશ. પ્રિતેશનો ફોન પણ બંધ હતો જ્યારે બંસી પણ પાસપોર્ટ લેવા માટે ઉડાઉ જવાબ આપી રહી હતી. વિઝીટર વિઝા પણ ખોટા આપ્યા હતાનિશાએ તપાસ કરાવી તો વિઝીટર વિઝા પણ ખોટા હતા.નિશાને ખબર પડી કે વિઝીટર વિઝા લેવા માટે પણ ઈન્ટરવ્યૂ આપવું પડે છે. નિશાએ કોઈપણ ઈન્ટરવ્યૂ આપ્યુ નહોતું અને પ્રિતેશે તેને વિઝીટર વિઝા મોકલી આપ્યા હતા. પ્રિતેશ અને બંસીએ નિશા સાથે છેતરપિંડી કરતા અંતે પોલીસ ફરિયાદ કરી હતી.
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર બાલાસિનોર બાયપાસ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર ભરીને જઈ રહેલા એક ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ટ્રેલરમાં રહેલી નવીનતમ ગાડીઓ આગની લપેટમાં આવી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની વિગતોબાલાસિનોર બાયપાસ પાસેથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં આ દ્રશ્ય જોઈને ફાળ પડી હતી. આગ લાગતા જ હાઈવે પરનો ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ફાયર વિભાગની કામગીરીઘટનાની જાણ થતા જ બાલાસિનોર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ ઓલવાય ત્યાં સુધીમાં ટ્રેલરમાં લાદવામાં આવેલી અનેક સ્વિફ્ટ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. તપાસના ચક્રો ગતિમાનપ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવનની સાથે ટ્રાફિક અને હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. નવાઈની વાત એ છે કે, બપોરના 12 વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતા સુરતીઓએ અચાનક બદલાયેલા આ મિજાજનો અનુભવ કર્યો હતો. હવાઈ સેવા પર મોટી અસર: ફ્લાઈટ્સ ડાયવર્ટ અને કેન્સલધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી જતાં સુરત એરપોર્ટ પર વિમાનોના સંચાલનમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. દિલ્હીથી સુરત આવતી એક ફ્લાઈટને લો-વિઝિબિલિટીના કારણે સુરતમાં ઉતરાણ ન કરાવી શકાતા અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી કારણ કે ચેન્નઈની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી, હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઈટ્સ નિર્ધારિત સમય કરતા ઘણી મોડી પડી હતી, જ્યારે સુરતથી ઉપડતી દિલ્હી અને દુબઈની ફ્લાઈટ્સ પણ વિલંબિત થઈ હતી. માર્ગ વ્યવહાર પર 'લાઈટ'નો સહારોરસ્તાઓ પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહન ચાલકોને માત્ર થોડા જ મીટર દૂરનું જોવામાં પણ તકલીફ પડી રહી હતી. નેશનલ હાઈવે અને શહેરના મુખ્ય બ્રિજ પર વાહન ચાલકો દિવસના સમયે પણ પોતાના વાહનોની હેડલાઈટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. ધુમ્મસના દ્રશ્યો એટલા અદભૂત અને ગંભીર હતા કે સોશિયલ મીડિયા પર આકાશી ડ્રોન વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં આખું સુરત શહેર સફેદ ધુમ્મસમાં ગાયબ થયેલું દેખાય છે. આરોગ્ય અને ઠંડીનો અનુભવબપોરના 12 વાગ્યા પછી પણ ધુમ્મસ યથાવત રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે જેથી અકસ્માત નિવારી શકાય.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કસ્ટમર સેટિસફેક્શન સર્વેમાં ખજુરાહો અને ભોપાલ પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં વડોદરા બીજા તો જામનગર ચોથા ક્રમે છે જ્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છેક 18 મા ક્રમે છે. જોકે આ વખતનું પરફોર્મન્સ સારું એટલા માટે કહી શકાય કારણકે 6 માસ પહેલા આ એરપોર્ટનો ક્રમ 31 મો હતો. રાજકોટ એરપોર્ટ પર હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ ન હોવાથી પાસપોર્ટ અને આઇડી નિરીક્ષણ કેન્દ્ર નથી. આ સાથે જ બેંક અને ATM, શોપિંગ સુવિધા તેમજ બિઝનેસ અથવા એક્ઝિક્યુટિવ લોન્જ ન હોવાથી તેમાં એક પણ માર્ક મળ્યો નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ દરમિયાન બે વખત મુસાફરોના અભિપ્રાય આધારે કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે હાથ ધરવામાં આવે છે. વર્ષ 2024 માં દરમિયાન મુસાફરોને આપવામાં આવેલી સુવિધાઓમાં નબળું પરફોર્મન્સ રહેતા રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ એરપોર્ટ 27મા અને ત્યારબાદ વર્ષ 2025 ના જાન્યુઆરીથી જૂન માસ દરમિયાનના સર્વેમાં ગગડીને 31મા ક્રમે પહોંચી ગયુ હતુ. જોકે આ વખતે જુલાઈથી ડિસેમ્બર - 2025 દરમિયાન 18 માં ક્રમે આવ્યુ છે. વર્ષ 2025 માટે જાહેર થયેલી દેશના ટોપ 34 એરપોર્ટની યાદીમાં ગુજરાતના 4 એરપોર્ટનુ સ્થાન છે. જેમાં ગુજરાતમાંથી વડોદરા એરપોર્ટ બીજા ક્રમે છે. જ્યારે જામનગર એરપોર્ટ ચોથા તો સુરત એરપોર્ટે 8 મો ક્રમ મેળવ્યો છે. આ સાથે રાજકોટના હીરાસર એરપોર્ટની કસ્ટમર સર્વિસમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુસાફરોને આપવામાં આવતી સેવાઓમાં વધારો થતાં હીરાસર એરપોર્ટનો કસ્ટમર સેટિફેક્શન ઇન્ડેક્સ 4.75 રહ્યો છે. જે જાન્યુઆરીથી જૂન - 2025 દરમિયાન 4.30 હતો. જેમાં 0.45 નો વધારો થયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના કુલ 62 એરપોર્ટ પર આ કસ્ટમર સેટિસ્ફેક્શન અને પરફોર્મન્સ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મુસાકરોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા, ચેક-ઇન વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર સહિત કુલ 33 અલગ અલગ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ સર્વેના પરિણામોમાં પ્રથમ ક્રમે ખજુરાહો અને અને ભોપાલ એરપોર્ટનો સમાવેશ થયો છે. આ સુવિધામાં એકેય માર્ક નહીં.. 1.બેન્ક/એટીએમ સુવિધા, શોપિંગ સુવિધા2. પાસપોર્ટ/આઈ.ડી. નિરીક્ષણ3. બિઝનેસ/એક્ઝિક્યુટિવ લોન્જ
આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના અપહરણની અનેક અફવાઓ અને કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે સુરતની પાલ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે. એક શોર્ટ ફિલ્મ દ્વારા પોલીસે દર્શાવ્યું છે કે કેવી રીતે લોકોની હાજરી હોવા છતાં ગુનેગારો બાળકોને ફોસલાવીને પોતાની સાથે લઈ જાય છે અને લોકો મૂકપ્રેક્ષક બનીને જોતા રહે છે. એક મહિલા બાળકીને અને એક શખસ છોકરાને ભોળવીને લઈ ગયોવીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે એક નાની બાળકી જાહેર બગીચામાં રમી રહી છે. ત્યારે એક અજાણી મહિલા તેની પાસે આવે છે અને ચોકલેટની લાલચ આપીને તેને વાતોમાં ભોળવે છે. મહિલા બાળકીને પૂછે છે કે ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે?’ અને બાળકીનો વિશ્વાસ જીતી તેને ગાડીમાં બેસાડવા માટે લઈ જાય છે. આ આખી ઘટના અનેક લોકોની નજર સામે બને છે, છતાં કોઈ પણ વ્યક્તિ તે મહિલાને રોકવાની કે પૂછપરછ કરવાની તસ્દી લેતું નથી. આ જ રીતે એક છોકરાને પણ પતંગની લાલચ આપી અજાણ્યો શખસ પોતાની સાથે લઈ જતો દેખાય છે. પોલીસે આપ્યો મહત્વનો સંદેશસુરત પોલીસના મહિલા PI શીતલ શાહે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, તમારી આસપાસ જો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બાળક શંકાસ્પદ હાલતમાં જણાય તો તરત પ્રતિક્રિયા આપો. તે વ્યક્તિને રોકો અને પૂછપરછ કરો. જો કંઈપણ અજુગતું લાગે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો. જાગૃત નાગરિકો ગુનાખોરીને રોકવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છેસુરત પોલીસના આ અવેરનેસ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોના અંતમાં બાળકી 'જય હિન્દ' કહીને સુરત પોલીસ અને CPનો આભાર માને છે. આ વીડિયો દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ થયો છે કે માત્ર પોલીસ જ નહીં, પણ જાગૃત નાગરિકો જ ગુનાખોરીને રોકવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 20 અને 21 જાન્યુઆરી 2026ના રોજ 36મા યુવક મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના યુવાનો પોતાની કલા, સંગીત અને સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરશે. યુવક મહોત્સવનો શુભારંભ 20 જાન્યુઆરી 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે થશે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ચેરપર્સન કિશોર મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે. સી. પોરિયા કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળશે. આધ્યાત્મિક નેતા યોગીરાજ રુખડનાથજી મહારાજ અને લોકગાયક સાગર પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ, શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ચિરાગ પટેલ અને NSS કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કર આ આયોજનમાં સહભાગી થશે. આ યુવક મહોત્સવને ‘કલ્પવૃક્ષ’ નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં આશા, સમૃદ્ધિ અને કલ્યાણનું પ્રતીક છે. પુરાણો અનુસાર, સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલું આ દિવ્ય વૃક્ષ દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં સ્થાપિત કરાયું હતું અને તે ઈચ્છાપૂર્તિ કરનાર દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. યુવાનોમાં રહેલી સર્જનશીલતા, પ્રતિભા અને સંસ્કારોને યોગ્ય મંચ મળે તે ઉદ્દેશ્યથી આ નામાંકરણ કરાયું છે. મહોત્સવ દરમિયાન ડાન્સ, ડ્રામા, સૂર અને તાલ જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓ યોજાશે, જે યુવાનોની શક્તિને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ જ નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રીય ચેતનાના સંવર્ધન માટેનું એક માધ્યમ બનશે. આ બે દિવસીય યુવક મહોત્સવમાં કુલ 24 જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે, જેમાં લોકનૃત્ય, શાસ્ત્રીય સંગીત અને વક્તૃત્વ જેવી કલાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ઉત્તર ગુજરાતની સંલગ્ન કોલેજોમાંથી અંદાજે 1500 જેટલા સ્પર્ધકો ભાગ લે તેવી શક્યતા છે.
પાલનપુરમાં મકાનમાં આગ, ઇલેક્ટ્રિક સામાન બળીને ખાક:પરિવાર બહાર હોવાથી મોટી જાનહાની ટળી
પાલનપુરના આબુ હાઇવે પર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. બિલ્ડર કિરીટ રાજગોરના મકાનમાં લાગેલી આ આગમાં ઇલેક્ટ્રિક સહિતનો મોટાભાગનો સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. સદ્દનસીબે, પરિવાર એક પ્રસંગમાં બહાર ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આગના કારણે ઘરમાં રહેલો મોટાભાગનો ઇલેક્ટ્રિક સામાન, ફર્નિચર અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. આગ લાગી ત્યારે મકાનમાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોની સમયસરની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી.
દસાડા-વડગામ રોડ પર લક્ઝરી બસ નાળામાં ખાબકી:શંખેશ્વરથી અમદાવાદ જતી બસ, સદભાગ્યે જાનહાની ટળી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-વડગામ રોડ પર શંખેશ્વરથી અમદાવાદ જતી એક લક્ઝરી બસ નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે બસ ખાલી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. બસ નવા બની રહેલા નાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી નાળામાં ખાબકી હતી. અંધારાના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં બસને નુકસાન થયું હતું, પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે દસાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. દસાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં અલથાણ-ભીમરાડ રોડની નવી બંધાતી બિલ્ડીંગમાં ટાઈલ્સ ફિટીંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ચાલ આપણે ગેમ રમીએ એમ કહી મોંઢુ દબાવી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાદ કોઈને જાણ કરશે તો તને અને તારા પતિને મરાવી નાંખીશ એવી ધમકી આપ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાય છે. પોલીસે પતિના સહકારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રજ્ઞાચક્ષુ પરિણીતા અવાજથી સાદીક આલમને ઓળખતી હતીમળતી માહિતી પ્રમાણે, અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં યુવક ટાઇલ્સ ફિટીંગનું કામ કરે છે કામ કરે છે અને 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાદીક આલમ હબીબુર રહેમાન (ઉ.વ. 38) પણ ટાઇલ્સ ફિટીંગનું કામ કરવા પંદર દિવસ અગાઉ આવ્યો હતો. મહિલા આલમને જોઈ શકતી ન હતી પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. ગત 10 જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં આલમ મહિલાના રૂમમાં જઇ ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોંઢા ઉપર હાથ મુકી દુષ્કર્મ કર્યુ હતું. પતિના પરિચીતની હેવાનીયતને પગલે મહિલા ચોંકી ગઇ હતી અને પતિ સાંજે કામ ઉપરથી પરત આવ્યો ત્યારે સમગ્ર બાબતની જાણ કરી હતી. પરંતુ પતિએ જે તે વખત પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ બે દિવસ અગાઉ સાંજના સમયે મહિલાની એકલતાનો લાભ લઇ આલમ પુનઃ રૂમમાં ઘુસી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરીઆલમે ધમકી આપતા કહ્યું હતું કે મેં તારી સાથે જે કર્યુ તે કોઈને કહેતી નહીં, નહીંતર તને અને તારા પતિને મરાવી નાંખીશ એમ કહી અપશબ્દો કહી ચાલ્યો ગયો હતો. જેથી ઉત્તરાયણની રજા હોવાથી મહિલાએ આલમની ધમકી અંગે પતિને જાણ કરતા છેવટે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે. હાલ અલથાણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પીડિતાનું તબીબી પરિક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારો આ દ્વિદિવસીય મહોત્સવ શાસ્ત્રીય નૃત્યોની સમૃદ્ધ ‘ગુરુ-શિષ્ય’ પરંપરાને જીવંત કરશે. બંને દિવસ સાંજે 06:30 કલાકે શરૂ થનારા આ સાંસ્કૃતિક મહાકુંભમાં દેશ-વિદેશના ખ્યાતનામ કલાકારો પોતાની નૃત્યકલાનું પ્રદર્શન કરશે. સૂર્ય જ્યારે ઉત્તર તરફ ઉર્ધ્વગતિ કરે છે, તેવા ‘અર્ધ’ અવસરે યોજાતા આ ઉત્સવમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનો સંગમ જોવા મળશે. મહોત્સવના પ્રથમ દિવસે ઓડીસીમાં રમીન્દર ખુરાના, ભરતનાટ્યમમાં મીનાક્ષી શ્રીયન અને પેરી કૃષ્ણ હર્ષિતા, કથ્થકમાં માયા કુલશ્રેષ્ઠા, મણીપુરીમાં ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય અને કુચિપુડીમાં બીના મહેતા પોતાની કલા રજૂ કરશે. જ્યારે બીજા દિવસે મનિકંદન એ. દ્વારા કથકલી, ખુશ્બુ પંચાલ દ્વારા કથ્થક અને જુગનુ કીરણ કપાડીયા દ્વારા ભરતનાટ્યમ સહિતના વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાની અધ્યક્ષતામાં એક વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષા, લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. શિયાળાના અંત અને વસંતના આગમન પૂર્વે સૂર્યમંદિરના ભવ્ય પ્રાંગણની પૃષ્ઠભૂમિમાં યોજાતો આ મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. જિલ્લા તંત્ર દ્વારા આ દિવ્ય કલા ઉત્સવ માણવા તમામ કલા રસિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વ મોડી રાત્રે નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જોકે, ઘટનાની ગંભીરતા જોઈ બોરતળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ પાંચેય હત્યારાઓને દબોચી લીધા હતા, અને સાંજે પાંચેય આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સૈયદ ઉં.વ.23 પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યું હતું. એક્ટિવા આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ તકરાર લોહિયાળ અથડામણમાં ફેરવાઈ હતી, જેમાં સાહિલભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાં નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહીલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના કાંકણપુર સ્થિત શ્રી જે.કે.એલ. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે આગામી 20જાન્યુઆરી, 2026ના રોજ મહિલાઓ માટે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો હાલોલ સ્થિત JSW MG મોટર ઈન્ડિયા પ્રા. લી. અને કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત યોજાઈ રહેલા આ મેળામાં ફ્રેશર્સ તેમજ અનુભવી મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ 12 પાસ, ITI અથવા ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. અનુભવી ઉમેદવારો માટે ઓટોમોબાઈલ અથવા અન્ય કોઈપણ ઇન્ડસ્ટ્રીનો 1 થી 4 વર્ષનો અનુભવ માન્ય રહેશે. શારીરિક માપદંડમાં ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષ, વજન ઓછામાં ઓછું 45 કિલો અને ઊંચાઈ 150 સેન્ટીમીટર કે તેથી વધુ હોવી અનિવાર્ય છે. પસંદગી પામનાર ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ પગાર ઉપરાંત કેન્ટીનમાં એક ટાઈમ જમવાનું, ચા-નાસ્તો અને ટ્રાન્સપોર્ટેશનની ફ્રી સુવિધા મળશે. દૂરથી આવતી બહેનો માટે નોમિનલ ચાર્જ સાથે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. નોકરીનું સ્થળ હાલોલ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની સાથે ધોરણ 12 અને ITI ની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને બાયોડેટાનો સેટ ઓરીજીનલ તથા ઝેરોક્ષ લઈને આવવાનું રહેશે. ઉમેદવારનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે. મેડિકલ ફિટનેસના આધારે તાત્કાલિક જોઈનીંગ આપવામાં આવશે. ભરતી મેળો સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધીનો રહેશે. આ કાર્યક્રમ કોલેજ પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર ડૉ. કનુભાઈ ચંદાણા અને ડૉ. મહેશ રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયા, કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી અને આચાર્ય ડૉ. જગદીશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. રસ ધરાવતા ઉમેદવારોને સમયસર કાંકણપુર કોલેજ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?
BMC Election Results 2026: મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પરિણામોએ મુંબઈના રાજકારણમાં મોટા ફેરફારો લાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 1997થી ચાલતા ઠાકરે પરિવારના ગઢને તોડી પાડ્યો છે. મહાયુતિ ગઠબંધને 227 બેઠકો સાથે બહુમતી મેળવી છે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યું છે. જોકે, પુણે કે નાગપુર જેવું સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે સત્તા માટે એકનાથ શિંદે સાથે મળીને ચાલવું પડશે. રસપ્રદ વાત એ છે કે, ભલે મહાયુતિ જીતી હોય, પરંતુ મુંબઈમાં બેઠકોની સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે (UBT)એ એકનાથ શિંદેને પાછળ છોડી દીધા છે.
વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના પાંચે ધારાસભ્યોને મળીને વિકાસ કાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરીએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. કુલ પાંચ ધારાસભ્યોમાંથી કેટલાકે જુના કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અન્યોએ અલગ-અલગ કારણો આગળ ધર્યા છે. આગળના કામ કેમ પૂર્ણ થતા નથી- કેતન ઈનામદારસાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટ જણાવ્યું છે કે, જુના વિકાસ કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે નહીં. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. આ મહત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂર્ણ થતા નથી. આમાં કોઈ કારણ નથી કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો સંકલનમાં કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી. પાદરાના અને કરજણના MLA બેઠકમાં ગેરહાજરતેમની સાથે જ કરજણના ધારાસભ્ય પણ આજની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વડોદરા શહેરની બહાર છે અને તેથી બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નથી. પાદરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યે પણ આજની સંકલન બેઠકમાં હાજરી આપી નથી. તેમણે સ્થાનિક કોઈ કામગીરીને કારણે બેઠકમાં ન આવી શકવાનું કારણ આગળ ધર્યું છે. શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હેમાંગ જોશી સાથે બેઠકતો બીજી તરફ, ડભોઈ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. મને બહિષ્કાર અંગે કોઈ ખબર નથી- શૈલેષ મહેતાઆ બેઠકમાં અંતમ સમયે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયુર રોકડીયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. બહિષ્કાર અંગે પૂછતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે,'મને બહિષ્કાર અંગે કોઈ ખબર નથી'. આ વિવાદ વડોદરા જિલ્લાના વિકાસ કાર્યોને અસર કરી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારમાં નબીરાઓ હાથમાં દારૂની બોટલો સાથે નાચતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓએ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા અને પોલીસને ચેલેન્જ આપી હતી. જોકે વીડિયો વાઇરલ થતા વેજલપુર પોલીસે આરોપીને ઝડપીને આનંદનગર પોલીસને સોંપ્યા હતા. તો અન્ય એક વીડિયોમાં યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમી રહ્યો છે. વીડિયો વાઇરલ થયા બાદ આ યુવકની પણ પોલીસ તપાસ કરી રહી છે. 4 યુવકો હાથમાં દારૂની બોટલ સાથે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતાસોશિયલ મીડિયામાં ઉત્તરાયણના દિવસનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ચાર યુવકો હાથમાં દારૂની બોટલ સાથે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. વીડિયો આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યુંનબીરાઓએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વેજલપુરમાં નામે વાઇરલ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વીડિયો આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યું હતું. 4 શખસની ધરપકડવેજલપુર પોલીસે વીડિયોના આધારે આરોપીની અટકાયત કરીને આનંદનગર પોલીસને સોંપ્યા હતા. આનંદનગર પોલીસે 4 શખસ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે રવિ ઠાકોર, ગોવિંદ ઠાકોર, નિલેશ ઠાકોર, વિજય ઠાકોર, અજય ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં વીડિયો 15 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું હતું. યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમ્યોવધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવક હાથમાં દારૂની બોટલ અને બંદૂક લઈને ડીજેના તાલે ઝૂમી રહ્યો છે. યુવક ધાબા પર જ મિત્રો સાથે એક હાથમાં દારૂની બોટલ અને એક હાથમાં બંદૂક લઈને નાચી રહ્યો છે. યુવક આ પ્રકારે હથિયાર અને હાથમાં દારૂની બોટલ લઈને કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે જ દારૂની મહેફિલમાં પશ્ચિમ વિસ્તારમાં બે કેસઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના દિવસે જ દારૂની મહેફિલમાં પશ્ચિમ વિસ્તારમાં બે કેસ થયા હતા અને દારૂની બોટલો સાથેના વીડિયો પણ વાઇરલ થયા હતા. જેના કારણે દારૂબંધીના પણ લીરેલીરા ઉડી રહ્યા છે. જોકે યુવકના વાઇરલ વીડિયો બાદ પોલીસ પણ યુવકની તપાસ કરી રહી છે.
ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આજે મહિલા પીઆઈ ડી.વી. ડાંગર જવાબ લખાવવા હાજર થયા હતા. SIT દ્વારા ડી.વી. ડાંગર અને અન્ય પીઆઈ કે.એસ. પટેલને ચાર દિવસ પહેલા હાજર થવા આદેશ કર્યો હતો. ભાવનગરમાં બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન ચાર દિવસ પહેલા આપવામાં આવ્યું હતું અને આજે તા.17 ના રોજ SIt સમક્ષ હાજર થવા ના આદેશ કરવામાં આવ્યા હતા જેને લઈ બગદાણા મામલે તપાસ અધિકારી ડી.વી.ડાંગરને આજે આઈજી કચેરી ખાતે તેના જવાબ લખવા આવી પહોંચ્યા હતા. જ્યારે હજુ સુધી બીજા પીઆઈ કે.એસ.પટેલ હજુ સુધી હાજર થયા નથી.
ચંદ્રુમાણા શાળામાં પતંગ દોરીનો નાશ:કરુણા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ એકત્ર કરેલી દોરી સળગાવાઈ
પાટણ તાલુકાની ચંદ્રુમાણા પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શનિવારે કરુણા અભિયાન અંતર્ગત પતંગ દોરીના જથ્થાનો નાશ કરાયો હતો. વિદ્યાર્થીઓએ ગામમાંથી એકત્ર કરેલી રસ્તે રઝળતી દોરીને સળગાવી દેવામાં આવી હતી. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાએ કરુણા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને રસ્તા પર પડેલી દોરી વીણી લાવવા સૂચના આપી હતી. આ દોરી પક્ષીઓનો ભોગ ન બને તે હેતુથી આ અભિયાન ચલાવાયું હતું. ઉત્તરાયણ પછી શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવેલી દોરીનો ઢગલો કરીને તેને બાળી નાખવામાં આવી હતી. સૌથી વધુ દોરીનો જથ્થો લાવનાર ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓને હજુ પણ ગામમાં જ્યાં પણ દોરી નજરમાં આવે તેને સળગાવીને નાશ કરવા માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે સીઆરસી મૌલિકભાઈ પટેલ, કુણઘેર કુમાર શાળાના આચાર્ય ચેતનસિંહ જાડેજા, ભલગામ પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ ચૌધરી, શિક્ષકો હિતેશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ રાવળ, રાજુભાઈ વ્યાસ, કિર્તીભાઈ અને રજનીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પરપ્રાંતીય વ્યક્તિઓના રહેણાંક સ્થળો પર હાથ ધરવામાં આવેલા આકસ્મિક તપાસ અભિયાન દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા બે મકાન માલિકો સામે લાલ આંખ કરવામાં આવી છે. એ.એસ.આઈ. કલ્પેશકુમાર મણીલાલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપવા બદલ બે અલગ-અલગ કિસ્સામાં કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. ભાડા કરાર કર્યા ન હોય તેવા મકાનમાલિકો પર પોલીસની કાર્યવાહીપ્રથમ કિસ્સામાં બેચર ગામે રાધે મોલની પાછળ આવેલી 9 ઓરડીઓની તપાસ દરમિયાન ત્યાં આશરે 30 જેટલા પરપ્રાંતીય વ્યક્તિઓ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઓરડીઓના માલિક મહેન્દ્રભાઈ ભગવાનભાઈ પટેલે કબૂલાત કરી હતી કે તેમણે છેલ્લા એક વર્ષથી આ ઓરડીઓ ભાડે આપેલી છે. પરંતુ તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી કે કોઈ કાયદેસરના ભાડા કરાર કર્યા ન હતા. 4 પરપ્રાંતીય ભાડૂઆતો મળી આવ્યાબીજા કિસ્સામાં, શંખલપુર ગામે સાંઈ બંગલોઝ સોસાયટીમાં આવેલા મકાનમાં તપાસ કરતા ત્યાં પણ 4 પરપ્રાંતીય ભાડૂઆતો મળી આવ્યા હતા. મકાન માલિક અમિત રસીકલાલ પટેલે પણ પોલીસને કોઈ જાણ કર્યા વિના એક વર્ષથી ભાડૂઆતો રાખ્યા હોવાનું સ્વીકાર્યું હતું. બે શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલમહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોઈપણ મકાન માલિકે પરપ્રાંતીય ભાડૂતોની માહિતી પોલીસને આપવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન થતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(3) મુજબ બંને મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં વગર નોંધણીએ ભાડૂઆતો રાખતા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે રોજગાર કચેરી દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-1959 અંતર્ગત, તમામ એકમોએ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના ઈ.આર.-1 રીટર્ન (પત્રકો) આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી દ્વારા આ અંગેની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સૂચનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમો, બેંકો તેમજ ખાનગી ક્ષેત્રની શાળાઓ, હોસ્પિટલો, હોટલો, પેટ્રોલપંપો, મોલ અને એન.જી.ઓ.નો સમાવેશ થાય છે. ઉત્પાદનલક્ષી એકમોએ સ્થાનિક અને બિન-સ્થાનિક કર્મચારીઓની માહિતી દર્શાવતું 85% નું છ-માસિક રીટર્ન પણ જમા કરાવવાનું રહેશે. આ પત્રકો ઓનલાઈન પોર્ટલ, ઈમેલ અથવા રૂબરૂમાં તરસાલી સ્થિત આઈટીઆઈ કેમ્પસમાં મોકલી શકાશે. વધુમાં, જે સંસ્થાઓને ઉમેદવારોની ભરતીમાં મુશ્કેલી પડતી હોય તેમને સરકારના 'અનુબંધમ' પોર્ટલ અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર જોબ પ્રોવાઈડર તરીકે નોંધણી કરવા અપીલ કરાઈ છે. રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ વિનામૂલ્યે છે, જેનો લાભ લેવા અને નિયમિતપણે ભરતી મેળાઓમાં સહભાગી થવા માટે રોજગાર અધિકારીએ અનુરોધ કર્યો છે.
ગાંધીનગરના સેક્ટર-15 વિસ્તારમાં આવેલા ફતેપુરામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ શખ્સો સેક્ટર-15 ના અલગ-અલગ મકાનોમાં ભાડેથી રહેતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાડાની ઓરડીમાં જુગાર રમી રહેલા 10 શખસો ઝડપાયાગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સર્લેવન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરામાં ગગાજી શીવાજી ઠાકોરની ભાડાની ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સમગ્ર જગ્યાને કોર્ડન કરી દરોડો પાડી 10 ઇસમોને ગંજીપાના અને રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. જેમની પૂછતાછમાં જુગારીઓના નામ કુલદિપસીંગ મહેન્દ્રસીંગ ગૌતમ,ભગતસીંગ રામનારાયણ કોળી, બ્રજલાલ જીયાલાલ રાય ,મોનુ રામઓતાર દોહરે,સુનીલકુમાર શ્રીબાબુરામ કોરી,દયાલ મુંગાલાલ વર્મા, ગજેન્દ્ર જોલીપ્રસાદ જાટવ,કમલેશ બ્રિજમોહન વર્મા ,અનિલસિંહ રામસનેહી કોરી અને જીતેન્દ્ર રામસર્નહી કોરી હોવાનું સામે આવ્યું હતું. રૂ. 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયોપોલીસે આરોપીઓની અંગઝડતી દરમિયાન મળી આવેલા રૂ.8630 અને દાવ પરથી રૂ 1540 રોકડા તેમજ ગંજીપાના મળીને રૂ,10,170 નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'અભયમ' બની સાચી સહેલી:સુરતમાં વર્ષ 2025 માં 15,009 મહિલાઓને મદદ મળી; ઘરેલુ હિંસાના 7,262 કેસ નોંધાયા
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા 108 ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત '181 અભયમ' મહિલા હેલ્પલાઇન સુરતની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ 2025 ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ મુજબ, સુરત જિલ્લામાં કુલ 15,009 મહિલાઓએ મુશ્કેલીના સમયે અભયમની મદદ માંગી હતી. જેમાંથી 2,735 અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી. સુરત જિલ્લાના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે, સૌથી વધુ 7,262 કોલ ઘરેલુ હિંસાના કિસ્સામાં આવ્યા હતા. આ ઉપરાંત, શારીરિક અને માનસિક સતામણીના 2,125 કેસ, લગ્નજીવનના વિખવાદના 1,146 કેસ અને બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતિના 382 કિસ્સાઓમાં મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. અભયમની ટીમ દ્વારા કુલ 1,838 કિસ્સાઓમાં સ્થળ પર જ અસરકારક કાઉન્સેલિંગ કરી સુલેહ-શાંતિથી સમાધાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે 734 ગંભીર કિસ્સાઓમાં મહિલાઓને વધુ મદદ માટે પોલીસ, આશ્રય ગૃહ કે અન્ય સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, વર્ષ 2025 માં ગુજરાતભરમાંથી કુલ 183,520 કોલ મળ્યા હતા, જેમાંથી 37,780 કિસ્સાઓમાં ફિલ્ડ પર જઈને મદદ કરવામાં આવી હતી. સુરત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અભયમ ટીમે છેડતી, સામાજિક વિખવાદ અને કાયદાકીય માર્ગદર્શન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. આજે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે '181' એક ભરોસાપાત્ર સાથી તરીકે ઉભરી આવી છે, જે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના સંકલ્પને ચરિતાર્થ કરી રહી છે.
પાટણ એસ.ઓ.જી. ટીમે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 3269.05નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો મળ્યા હતા. જેના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પાડલા ગામની નાકાશેરીમાં આવેલી એક દુકાનમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. બાતમીના આધારે તપાસ કરતા, પાડલા ગામના રહેવાસી નઝીરભાઇ કાલુમિયાં મલેક (ઉં.વ. 45) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર બીમાર લોકોને તપાસી, તેમને દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૃત્ય લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું ગણાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.-2023ની કલમ-૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દસાડા ઉર્ષમાં રબારી સમાજનું પહેલું નિશાન ચઢે છે:650 વર્ષથી હિન્દુ-મુસ્લિમ એકતાની પરંપરા આજે પણ અકબંધ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે સોહરવરદી દાદા નશરૂદ્દીન રહમત ઉલકા રજબનો ઉર્ષ દબદબાભેર મનાવવામાં આવ્યો હતો. આ ઉર્ષમાં 650 વર્ષ જૂની હિન્દુ-મુસ્લિમ કોમી એકતાની અનોખી પરંપરા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. આ પરંપરા અનુસાર, ઉર્ષમાં પહેલું નિશાન રબારી સમાજના આગેવાનો દ્વારા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ બીજું નિશાન દસાડાના ગાદિપતી વંશ તિલોટ રાજવી પરિવાર તરફથી દસાડા દરબાર તિલોટ મુનફરખાનજી દ્વારા ચઢાવવામાં આવે છે. દસાડાના મુસ્લિમ આગેવાન બસિરખાનજી મલિકે જણાવ્યું કે, દસાડા ઉર્ષમાં આજે પણ પહેલું નિશાન રબારી સમાજનું ચઢે છે, કારણ કે મલિક બંખનનો ઉછેર રૂડીમાં રબારીના ઘેર થયો હતો. આ ઉર્ષ મુસ્લિમ ચાંદના 26 રજબ મહિનામાં આવે છે. દાદા નસીરૂદ્દીન ર.હ.ના દરગાહ ઉપર લીલા રંગનું પહેલું નિશાન રબારી સમાજના સંગ્રામભાઈ ગુગાભાઈ રબારી ઉર્ફ બાબાભાઈ રબારી પરિવાર દ્વારા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગનું બીજું નિશાન દાદા નસીરૂદ્દીન ર.હ.ના મલિક પરિવારના હાલના 23મી પેઢીના મુખ્ય ગાદી વંશ પરિવારના તિલોટ જાગીરદાર મુઝફ્ફરખાનજી મલિક પરિવારનું ચડે છે. આ પછી રબારી સમાજ અને મલિક સમાજ દ્વારા દાદાની કબર ઉપર ચાદર ચઢાવવામાં આવે છે. દસાડાની સ્થાપના ઇ.સ. 1446માં થઈ હતી. આજે પણ દસાડા ગામમાં સમગ્ર ગ્રામજનો હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડિતતા સાથે ઉર્ષ શરીફ મનાવે છે. દાદાની દરગાહ પર મીઠા ચોખાનો જરદો (પ્રસાદ) તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. વલી ઓલિયાની આસ્થા સાથે કોમી એકતાના પ્રતિક સમાન આ દરગાહ પર મન્નતો રાખવા રાજસ્થાન, બનાસકાંઠા અને ભાવનગર સહિત દૂર-દૂરથી અનુયાયીઓ આવે છે.
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરવા બદલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 35 હજાર રૂપિયાનો ચોરાયેલો કેબલ પણ કબજે કર્યો છે. BSNL કંપની દ્વારા અલિયાબાડા રોડ પર એક ખાડો ખોદીને તેમાં 400 પેરનો આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો. અજાણ્યા તસ્કરો આ કેબલ ચોરી ગયા હતા, જેની કિંમત 35,000 રૂપિયા આંકવામાં આવી હતી. આ અંગે BSNLના કર્મચારી સંજય મહાદેવભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ એમ.એન. શેખ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે અલિયા ગામના મયુર ભાણાભાઈ વિરડા (ઉંમર 26) અને જગદીશ ઉર્ફે જગો જેલાભાઈ રાઠોડ (ઉંમર 26) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરાયેલો 35,000 રૂપિયાની કિંમતનો કોપર કેબલનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો.
પાવીજેતપુરમાં કારમાંથી 1.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે પીછો કરી 6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાવીજેતપુર પોલીસે લોઢણ ગામની સીમમાંથી એક કારમાંથી 1.77 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કારનો પીછો કરીને કુલ 6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કારચાલક નાસી છૂટ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ રોકવા માટેની ઝુંબેશ હેઠળ, પાવીજેતપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટાફ સિહોદ ગામના ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક સફેદ કાર શંકાસ્પદ રીતે આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. પોલીસના ઇશારા છતાં કારચાલકે વાહન રોક્યું ન હતું અને સિથોલ ગામ તરફ પૂરઝડપે હંકારી મૂક્યું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો. લોઢણ ગામની સીમમાં બાબાદેવ ડુંગરીની તળેટી પાસે કારનું ટાયર ફાટી જતાં ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી બીયરના ટીન અને પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી કુલ 784 નંગ વિદેશી દારૂ (કિંમત 1,77,968/-) મળી આવ્યો હતો. પોલીસે 4,50,000/-ની કાર સહિત કુલ 6,27,998/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાવીજેતપુર પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર થયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વહેલી સવારે કેદીએ પોતાની પાઘડીના કપડા વડે જેલના બાથરૂમમાં જઈને આપઘાત કરી લીધો છે. કેદી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં 8 જાન્યુઆરીના રોજ જ આવ્યો હતો.જેલમાં આવ્યાના 9માં દિવસે કેદીએ આપઘાત કરી લીધો છે. બાથરૂમમાં પોતાની પાઘડીના કપડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો મળતી વિગત અનુસાર, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામ કેદી નિશાનસિંહ લોહાર(31 વર્ષ) 8 જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા. નિશાનસિંહે વહેલી સવારે 2:30થી 3 વાગ્યાની વચ્ચે શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડોક્ટર દ્વારા તપાસ કરતા નિશાનસિંહનું મોત થઈ ચૂક્યું હતું. રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યોઆ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે આ અંગે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મૃતક પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. મૃતક મૂળ પંજાબનો અને ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતોપોલીસ દ્વારા આ અંગે ગુનો તપાસ કરવાના આવી રહી છે.મૃતક 8 જાન્યુઆરીએ જ જેલમાં આવ્યો હતો. મૃતક મૂળ પંજાબનો રહેવાસી છે .વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…….
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસીંગ ડુડવાએ પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે, 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉં.વ.30) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 34મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી, ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી, ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રિના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તા. 8 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે FSL અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનું DNA પરીક્ષણમાં સામે આવ્યું હતું. તેમજ લોખંડના સળીયા ઉપરનું લોહી બાળકીનું હોવાનુ સામે આવ્યું હતું. 11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ હતીતપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી CDR મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી આવી હતી. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ ફકત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કરી દીધું હતું. આ સમય દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજા આપવા રજૂઆત કરી હતી. આ સમાચાર પણ વાંચો પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો આટકોટ દુષ્કર્મનો આરોપીમારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં. આ શબ્દો કણસતા અવાજે આટકોટ દુષ્કર્મનો આરોપી રેમસીંગ બોલી રહ્યો હતો. પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો છે આટકોટ દુષ્કર્મનો આરોપી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ એ દરમિયાન આરોપી રેમસીંગે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. આ દરમિયાન રેમસીંગ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને પગમાં ગોળી વાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
ફેક કરન્સી કેસનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:પંચમહાલ SOG એ 8 મહિના બાદ ફતેપુરાના આરોપીને દબોચ્યો
પંચમહાલ SOG પોલીસે બનાવટી ચલણી નોટોના રેકેટના મુખ્ય સૂત્રધારને આઠ મહિના બાદ મહીસાગર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. દાહોદના ફતેપુરાનો કિશોર પાંડોર મોરવા(હ) ફેક કરન્સી કેસમાં વોન્ટેડ હતો. આ કેસ આઠ મહિના પહેલાં મે મહિનામાં પ્રકાશમાં આવ્યો હતો. મોરવા(હ) તાલુકાના તાજપુરી-વંદેલી રોડ પરથી પોલીસે રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ નામના શખ્સને 500ના દરની 361 નંગ, કુલ 1,80,500ની બનાવટી નોટો સાથે પકડ્યો હતો. આ મામલે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પકડાયેલા આરોપી રઘુવિરસિંહને નકલી નોટોનો આ જથ્થો દાહોદના ફતેપુરા તાલુકાના ઝેર ગામના કિશોર માનજીભાઈ પાંડોરે પૂરો પાડ્યો હતો. કિશોર પાંડોર ત્યારથી જ પોલીસની પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ આઈજી શ્રી આર.વી. અસારી અને એસપી ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ SOG PI આર.એ. પટેલના માર્ગદર્શનમાં એક ટીમ બનાવવામાં આવી હતી. એ.એસ.આઈ શંકરસિંહ સજ્જનસિંહને બાતમી મળી હતી કે આરોપી મહીસાગર જિલ્લામાં છુપાયેલો છે. આ બાતમીના આધારે PSI બી.કે. ગોહિલ અને તેમની ટીમે સંતરામપુર તાલુકાના ભમરીકુંડા ગામે વોચ ગોઠવી કિશોર પાંડોરને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી કિશોર પાંડોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 178, 179, 180 અને 61(2) મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા-બોટલોનો ઘા:વહેલી સવારે બે બુકાનીધારીએ ઘા કર્યા, પોલીસને ખુલ્લેઆમ પડકાર
રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આજે 17 જાન્યુઆરી વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ મથક પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા જાહેરમાં સોડા બોટલોના ઘા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તેવા આ કૃત્યથી સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત ગણાતી જગ્યા પર જ હુમલો કરીને આ શખ્સો ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને પોલીસની ધાક સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહનાકાવચાલી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવકે કપડાં ઉતારી બિભત્સ ડાન્સ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગામના સ્થાનિક આગેવાનો અને પરિવારના સભ્યોએ ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે એક આદિવાસી પરિવારના લગ્નમાં બની હતી. ડીજેના તાલે ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે એક યુવક તેના મિત્રના ખભા પર ઊભો રહીને નાચી રહ્યો હતો. લોકોનું ધ્યાન ખેંચાતા તે વધુ ઉત્સાહમાં આવી ગયો અને જાહેરમાં કપડાં ઉતારી અશ્લીલ નૃત્ય કરવા લાગ્યો હતો. તેણે કેટલાક બીભત્સ ઈશારા પણ કર્યા હતા. યુવકની આ અશોભનીય હરકતોથી લગ્નમાં હાજર લોકોમાં રોષ ફેલાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. વીડિયો વાયરલ થયા બાદ ગામના આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનોએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે આવી હરકતથી સમગ્ર સમાજની લાગણીઓ દુભાઈ છે અને જાહેર શિસ્તનો ભંગ થયો છે. ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે વીડિયોની ચકાસણી કર્યા બાદ દોષિત યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે.
અમદાવાદ શહેરમાં હવે જાહેર રોડ ઉપર ઉભી રહેતી લારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર રોડ પરથી પાણીપુરીની લારીઓ દૂર કરવા બાદ આજે 17 જાન્યુઆરી વહેલી સવારથી જમાલપુર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રોડ પરથી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરાયાજમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ અને પાથરણાંવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. જેના પગલે આજે 17 જાન્યુઆરીના રોજ સવારથી જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જમાલપુર એપીએમસી માર્કેટની બહાર રોડ પરથી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા. શાકભાજી સહિતનો સામાન એસ્ટેટ વિભાગે જપ્ત કર્યોમ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી જ જમાલપુર જગન્નાથ મંદિરની આસપાસ એપીએમસી માર્કેટ બહાર, જમાલપૂર ફાયરસ્ટેશનની સામે અને જમાલપુર બ્રિજની નીચે જાહેર રોડ ઉપર શાકભાજીની લારીઓ અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ પરથી તમામ દબાણો દૂર કરાયા હતા, શાકભાજી સહિતનો સામાન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર જે પણ આજુબાજુમાં લારીઓ અને લોકો ઉભા રહેશે હવે તેમનો સામાન પણ જપ્ત કરી લેવામાં આવશે. દબાણ દૂર કરવાનો સ્ટેન્ડિંગ કમિટિમાં નિર્ણયમ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ થઈ હતી કે જેને લઇ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરે આવતા જતા લોકો માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા આ રોડ પર કામ ચલાવતા શાકભાજી, ફૂલોનાં વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો કરાયા છે. જેમને યોગ્ય જગ્યા આપી હોવા છતાં આ બધા વેપારીઓ રોડ પર આવી જાય છે. જેથી લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી. તે માટે સ્ટેન્ડિંગ કમિટીની અંદર થયેલી ચર્ચા અનુસાર આ દબાણો દૂર કરવામાં આવશે. જેથી લોકો સહેલાઈથી જઈ શકે તે માટે રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યાં રહેલા છૂટા કામ ચલાવતા દબાણોને દૂર કરવામાં આવશે. વાહનોને લોક કરી દંડની કાર્યવાહીજાહેર રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી- પાથરણાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો વાહનો પાર્ક નહીં કરવા દે તો કોમ્પ્લેક્સ અને મિલકતો સીલ થશેમ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધા છે છતાં પણ વાહન પાર્કિંગ નથી કરવા દેવામાં આવતા તો આવા કોમ્પ્લેક્સ અને મિલકતોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. જેથી કોમ્પલેક્ષમાં જ્યાં પણ પાર્કિંગની સુવિધા છે ત્યાં વાહનો પાર્ક કરાવવા જ પડશે જો વાહનો પાર્ક નહીં કરવા દે તો તેને સીલ કરાશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામોમાં ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કુલ ₹12.72 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, માર્ગ અને ગ્રામીણ સુવિધાઓને લગતા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વીજપડી ગામે ₹7.66 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ CHC બનવાથી આસપાસના 24 ગામોના નાગરિકોને નજીકમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. માર્ગ સુવિધાઓ અંતર્ગત, જાંબુડા-હાડીડા રસ્તાનું (સી.સી. કામ, નાળા અને ડામર કામ) ₹1.22 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રોડનું જાંબુડા ગામેથી લોકાર્પણ કરાયું. આ ઉપરાંત, હાડીદા-દાધિયા રિસરફેસિંગ રોડ ₹70 લાખના ખર્ચે બનશે. દાધિયા-વણોટ બ્રિજ અને રસ્તાના રિસરફેસિંગ માટે ₹1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનું દાધિયા ગામે ખાતમૂહર્ત થયું. ઘાંડલા-વણોટ રોડના રિસરફેસિંગ માટે ₹1.40 કરોડનું ખાતમૂહર્ત કરાયું. વણોટ-ચીખલી રોડ ₹1.05 કરોડના ખર્ચે બનેલ છે, જેનું લોકાર્પણ વણોટ ગામેથી કરવામાં આવ્યું. હાડીડા ગામે ₹17.90 લાખના ખર્ચે નવી ગ્રામ સચિવાલય બનશે. આ ઉપરાંત, હાડીડા ગામે મધ્યાન ભોજન શેડ ₹2.50 લાખ અને કોમ્યુનિટી હોલ ₹5 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યા. આ સાથે, હાડીડા ગામમાં કુલ ₹95.40 લાખના કામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ થયું. આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
મોતીપુરામાં કારમાંથી 2.99 લાખનો દારૂ ઝડપાયો:બે શખ્સોની ધરપકડ, કુલ 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પરથી એક કારમાંથી રૂ. 2.99 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. LCB PI એસ.જે. ચાવડાની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પ્રોહિબિશન વોચમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, મોતીપુરા ઓવરબ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શામળાજી-હિંમતનગર હાઈવે રોડ પરથી અમદાવાદ તરફ આવી રહેલી GJ-08-AP-4632 નંબરની સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ તેમજ છૂટી બોટલો મળી કુલ 1125 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,99,298 થાય છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 15,000ના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની ક્રેટા કાર સહિત કુલ રૂ. 7,14,298નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કરોલી (ઘોડાઘાટી) ગામનો મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલ ભેરાજી ડાંગી (ઉં.વ. 34) અને ઉદયપુર જિલ્લાના ઋષભદેવ તાલુકાના બીલખ કલાવત ફળા ગામનો મયુર દિનેશ કમલાજી મીણા (ઉં.વ. 22) નો સમાવેશ થાય છે. આ કેસમાં ઉદયપુરનો ઇશ્વરસિંહજી કુંદનસિંહજી ઝાલા નામનો એક આરોપી ફરાર છે, જેણે દારૂ ભરેલી ક્રેટા ગાડી પૂરી પાડી હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટી સામસામે ટકરાશે. જે બાદ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીની ટોપ - 16 ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 9 મેદાનો રાખવામાં આવ્યા છે. જ્યાં રણજી, IPL ના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. ટી - 20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર - 25 ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી યોજાશે. જે બાદ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાના 4 ઝોનની બેસ્ટ 4 એમ કુલ 16 ટીમ સામસામે ટકરાશે. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું તે ખૂબ જ કઠિન હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ વખતે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા છે કારણકે બે વર્ષ પહેલા વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાનો એક ખેલાડી એટલે રામદેવ આચાર્ય છે. જે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી ચૂક્યો છે. જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડ અને વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પાસે ખૂબ જ અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેડલ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ 9 ક્રિકેટ મેદાનો પર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે 1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન2. રુદ્રાક્ષ - 1, મુંજકા 3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ6. રુદ્રાક્ષ - 2, અટલ સરોવર7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી8. અનિલ પેવેલિયન, લીમડા ચોક9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ કેપ્ટન આદિત્ય રાઠોડ વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પુષ્પરાજસિંહ જાડેજા કેરવ રાવલનીલ પંડ્યા અભિષેક નિમાવત અક્ષત મકવાણા દેવાંશ ગેરેયાઅરબાઝ બુટાકશ્યપ સુવા લક્કીરાજસિંહ વાઘેલા
નડિયાદના મલારપુરા વિસ્તારમાં 20 વર્ષીય ધ્રુવ રજનીકાંત રાવળ પર સમાધાનના બહાને બોલાવી બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને પેટમાં ખંજર વાગતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. હાલમાં ધ્રુવ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યાપોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 16 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી ધ્રુવ રાવળ મલ્હારપુરા રોડ પર બૂમો પાડી રહ્યો હતો. તે સમયે જયેશ વાસુદેવ તળપદાએ તેને બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યા હતા. આ મામલે ધ્રુવે જયેશના કાકા ગોપાલ ઉર્ફે નાનકા તળપદાને ફોન પર ફરિયાદ કરી હતી. સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યોત્યારબાદ રાત્રિના આશરે 1 વાગ્યે ગોપાલ ઉર્ફે નાનકાએ ધ્રુવને ફોન કરીને જયેશ સાથે સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યો. ધ્રુવ ગોપાલના ઘરે પહોંચતા જ ગોપાલે તેને પકડી રાખ્યો. આ દરમિયાન જયેશ તળપદા હાથમાં ખંજર લઈને આવ્યો અને ધ્રુવના પેટના વચ્ચેના ભાગે તેમજ બંને પગની જાંઘ પર ખંજરના ઘા ઝીંકી દીધા. યુવક વડોદરામાં સારવાર હેઠળહુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલો ધ્રુવ લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો અને પરિવારને જાણ કરી. તેના બહેન અને બનેવી તેને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ઈજા ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. નડિયાદ ટાઉન પોલીસે જયેશ વાસુદેવ તળપદા અને ગોપાલ ઉર્ફે નાનકા તળપદા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અકસ્માત, એકનું મોત:પેસેન્જર લેવા ઉભેલી રિક્ષાને ટ્રેલરે ટક્કર મારી, 4 ઘાયલ
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ચાર પેસેન્જરો ઘાયલ થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર, રામદેવપુર ગામ તરફથી આવતી એક રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઉભી હતી. તે દરમિયાન માલવણ તરફથી આવતા RJ 36 GA 7174 નંબરના ટ્રેલરના ચાલકે ઉભેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલા સહિત ચાર પેસેન્જરોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરોએ રાજગઢના રહેવાસી 55 વર્ષીય પુંજાભાઈ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સોની તલાવડીના 65 વર્ષીય ગૌરીબેન વિરાણી અને હળવદ રોડના 65 વર્ષીય ગીતાબેન રુદાતલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. રામદેવપુરના 60 વર્ષીય શામજીભાઈ પરમારને સામાન્ય ઈજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માત થયા છે. આ ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતો દિયોદરના લુદરા અને ભાભર હાઈવે પર બન્યા હતા. ટ્રેક્ટર-સ્કોર્પિયો વચ્ચે ટક્કરપ્રથમ અકસ્માત ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા નજીક મોડી રાત્રે થયો હતો. અહીં એક ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માતબીજો અકસ્માત દિયોદરના લુદરા ગામ પાસે વહેલી સવારે થયો હતો. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક લાખાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA)ની ઘોર બેદરકારીને કારણે 42 નિર્દોષ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. એક તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની 'ભૂલ' સ્વીકારી રહ્યા છે, તો બીજી તરફ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કોલેજ પાસે વર્ષ 2025-26 માટે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)નું માન્ય એફિલિએશન (નોંધણી) જ નથી. પરીક્ષાના દિવસે જ 'ધડાકો': હોલ ટિકિટ ન આવતાં વિદ્યાર્થીઓ રડી પડ્યાગઈકાલે (16 જાન્યુઆરી) જ્યારે રાજ્યભરમાં MBA સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થઈ, ત્યારે રૂપારેલ કોલેજના 42 વિદ્યાર્થી ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જોકે, હોલ ટિકિટ ન મળતાં તેમને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. છેલ્લા એક મહિનાથી કોલેજ વહીવટીતંત્ર હોલ ટિકિટ આવી જશે તેવા ખોટા આશ્વાસનો આપતું હતું, પરંતુ અંતે પરીક્ષાના દિવસે જ આચાર્યએ ફોર્મ સબમિટ ન થયા હોવાની કબૂલાત કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા. આચાર્યનો લુલો બચાવ: “હાઈ બ્લડપ્રેશરને કારણે ફોર્મ ભરવાનું ભૂલી ગયો”વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, એડમિશન કમિટીમાં ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં મારી વ્યક્તિગત ક્ષતિ રહી છે. હાઈ બ્લડપ્રેશરના ડિપ્રેશનને કારણે હું 15 સપ્ટેમ્બરની ડેડલાઇન ચૂકી ગયો હતો. નોંધનીય છે કે, ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 ઓગસ્ટથી શરૂ થઈ હતી, છતાં 4 મહિના સુધી આ વાત છુપાવવામાં આવી હતી. ચોંકાવનારો વળાંક: કોલેજની માન્યતા પર જ સવાલોઆ સમગ્ર મામલે આપ નેતા ડૉ. નૂતન ગોકાણીએ તપાસ કરતાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. GTUની વેબસાઈટ મુજબ, વર્ષ 2025-26 માટે આ કોલેજનું એનરોલમેન્ટ જ થયેલું નથી. આનો અર્થ એ થાય કે કોલેજ પાસે યુનિવર્સિટીની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો માન્યતા જ ન હોય, તો વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રી પણ રદબાતલ ઠરી શકે છે. ₹12.60 લાખની ફી વસૂલી પણ સુવિધા શૂન્યઆક્ષેપ છે કે, કોલેજે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી સેમેસ્ટરની ફી પેટે અંદાજે ₹30,000 વસૂલ્યા છે. 42 વિદ્યાર્થીની કુલ ₹12.60 લાખ જેવી મોટી રકમ લીધા બાદ પણ તેમની કારકિર્દી સાથે ચેડાં કરવામાં આવ્યા છે. છાયા ગામ અને આસપાસના મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ પેટે પાટા બાંધીને આ ફી ભરી હતી, જે હવે એળે જતી દેખાય છે. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકાટ્રસ્ટી ભાનુપ્રકાશ સ્વામીએ આ ઘટનાને અધ્યાપકની ભૂલ ગણાવી સંસ્થાનો બચાવ કર્યો છે. જોકે, સવાલ એ ઉભો થાય છે કે, 4 મહિના સુધી મેનેજમેન્ટે આચાર્ય પાસેથી કોઈ ફોલોઅપ કેમ ન લીધું? શું આ આખું કૌભાંડ જાણીજોઈને આચરવામાં આવ્યું છે? ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. : વિદ્યાર્થીઆ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ડૉ. નૂતન ગોકાણીએ વાલીઓને જાગૃત થવા અપીલ કરી છે અને આ મામલે કાયદાકીય લડત લડવાની ચીમકી આપી છે. વિદ્યાર્થીઓની એક જ માંગ છે: ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષણ વિભાગ અને GTU આ 42 વિદ્યાર્થીના હિતમાં કોઈ વિશેષ નિર્ણય લે છે કે પછી આ શૈક્ષણિક સંસ્થાની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ જ બનવું પડશે.
કચ્છમાં વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, તેવા સમયે જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના હળવા કંપનોનો દોર યથાવત રહેતા લોકોમાં ચિંતાનું ફેલાઈ છે. ગત 13 જાન્યુઆરીના ધોળાવીરા નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે બે હળવા કંપનો અનુભવાયા હતા. જે બાદ આજે ફરીથી ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો છે. ખાવડાથી 55 કિ.મી દુર કેન્દ્ર બિંદુઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વદિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા નુકસાન થયુ નથી. શુક્રવારે બે આંચકા અનુભવાયાઆ પહેલાં શુક્રવારે પરોઢે 05:47 વાગ્યે રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં નારાણપર–ખેંગારપર રોડ પર આવેલા મોમાઈ માતાજીના મંદિર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ હતી અને ભૂકંપ જમીનની અંદાજે 11.1 કિલોમીટર ઊંડાઈએ થવાથી લોકો સુધી તેની અસર ખાસ અનુભવાઈ ન હતી. તે જ દિવસે બપોરે 01:50 વાગ્યે ભચાઉથી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપી કંપન નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખારોઈ–કકરવા રોડ પર આવેલા ધનુશ્વર મહાદેવ મંદિર નજીક નોંધાયો હતો. નાના કંપનો ભૂકંપીય ઊર્જા મુક્ત થવાનો સંકેત હોઈ શકે છે, છતાં પ્રશાસન અને નાગરિકોને ભૂકંપ સુરક્ષા અંગે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા માટે મૂળ દબાણ જવાબદાર છે. ત્યારે દબાણ શાખાની બિનઅસરકારક કાર્યવાહીથી આજે શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે સુરસાગર પાસે દબાણ હટાવવા ગયેલી દબાણ શાખાની ટીમે રોડ પરથી લારીઓ જપ્ત કરી હતી. આ ઘટનાને પગલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર જ દબાળશાખાના ટ્રક આગળ બેસી રામધૂન સાથે ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વેપારીઓ રોડ પર બેસી જતાં ટ્રાફિક સર્જાયોશહેરના સુરસાગર વિસ્તાર પાસે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચતાં જ મોટો હોબાળો મચી ગયો હતો. અહીં વેપાર-ધંધો કરતા વેપારીઓનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ધંધાર્થીઓએ દબાણ શાખાની ટ્રક આગળ બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર દબાણો, જે ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા હતા, તેને રાત્રે દૂર કરવાના કારણે હોબાળો વધુ વકર્યો હતો. દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી. કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ નારા લાગ્યાંમામલો વધુ ઉગ્ર બનતાં એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. લારી ધારક વેપારીઓએ દબાણ શાખાની ગાડી આગળ બેસીને ધરણા કર્યા અને રામધૂન બોલાવી હતી. તેમણે કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ 'હાય હાય' જેવા નારા લગાવીને આકરો વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓ રસ્તા પર ઉતરી આવતાં વાહન-વ્યવહારમાં મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. આખરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. એ લોકોના કહ્યાં મુજબ જ લારીઓ અંદર રાખીઃ મહિલાઆ કાર્યવાહી દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા લારીઓને અંદર મૂકવા કહેવામાં આવ્યું હતું, જે અમે તેમના કહ્યા મુજબ કર્યું હતું. છતાં તેઓ અચાનક આવીને લારીઓ ઉચકવા લાગ્યા. અમારી લારીઓ ક્યારેય કોર્પોરેશન દ્વારા આ રીતે લેવામાં આવી નથી. અમારી લારીઓ અંદર જ રહે છે, બહાર રાખતા નથી. તેઓએ બધાને અંદર રાખવા કહ્યું તો અમે અંદર રાખી, છતાં તેઓએ અમારી લારીઓ ઉચકી લીધી. અન્ય જગ્યાએ તો લારીઓ ચાલી રહી છે, પરંતુ અમારી જ બંધ કરાવી દીધી.
અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત(16 જાન્યુઆરી) મોડી રાત્રે એક્ટિવા પર પિતા-પુત્રી જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પૂરઝડપે BRTSની રેલિંગમાં અથડાતા એક્ટિવાચાલક પિતાનું સ્થળ પર જ ગંભીર ઇજાના કારણે મોત થયું છે જ્યારે 16 વર્ષની પુત્રીને માથામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈબાપુનગરમાં રહેતા કેતન પંચાલ તેમની 16 વર્ષની દીકરીને લઈને રાતે 11:30 વાગ્યે આસ્ટોડીયા દરવાજા પાસેથી BRTS કોરિડોરમાંથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈ હતી. પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થઈBRTS રેલીંગ સાથે અથડાતા જ એક્ટિવા ચાલક કેતન પંચાલને માથામાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેમની દીકરીને પણ માથામાં ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પિતાનું સ્થળ પર જ મોત, પુત્રી સારવારમાંઅકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે કેતન પંચાલનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમની દીકરીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
કેન્સરની પીડા અસહ્ય બનતા આધેડે જીવ ગુમાવ્યો:હળવદના રણજીતગઢમાં સૂકી જુવારના ઓઘામાં ઝંપલાવી આપઘાત
હળવદના રણજીતગઢ ગામે કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી એક આધેડે આપઘાત કરી લીધો છે. તેમણે ગામની સીમમાં આવેલી વાડીમાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે બની હતી. મૃતક આધેડ છોટાલાલ નારણભાઈ હડિયલ (ઉંમર 53) હતા. તેમણે રમેશભાઈ ચાવડાની વાડીએ પડેલા સૂકા જુવારના ઓઘાને સળગાવીને તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, છોટાલાલ હડિયલ છેલ્લા આશરે બાર વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા હતા. આ કેન્સરની પીડા તેમના માટે અસહ્ય બની ગઈ હતી, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ પ્રભુભાઈ નારણભાઈ હડિયલ (ઉંમર 51), રહે. રણજીતગઢ, દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે, આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રીહવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કોઈ મોટા હવામાનિક ફેરફારની શક્યતા નથી અને રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. તો બીજી તરફ, કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, 21થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે. આ વચ્ચે, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક 68 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંખમાં મરચાની ભૂકી નાખી બેગ લઈ ફરારઆ મામલે લીલારામ રેવાણીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ધંધો કરું છું અને વેપારી છું. હું દુકાનેથી ફોરવ્હીલર લઈ ઘરે રાત્રે પરત ફર્યો હતો ત્યારે ઘર આગળ જ બાઈક અને એક્ટિવા લઈ ચાર છોકરાઓ આવ્યા હતા. તેઓના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા. દરમિયાન હું ગાડીમાંથી નીચે ઉતર્યો તો એક છોકરો મને છાતી પર ફેટ મારવા લાગ્યો હતો. અન્ય એક છોકરાએ મારી આંખમાં મરચાંની ભૂકી નાખી અને ગાડીમાં રહેલા રોકડ 10 લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસો લૂંટ કરી ફરારઆ અંગે સ્થાનિક અને સંબંધી પુરુષોત્તમભાઈ પીતાંબરદાસ ટિલવાણીએ જણાવ્યું હતું કે , આ ઘટના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટી પાસે બની છે. મારા કાકા લીલારામભાઈ (ઉંમર આશરે 68 વર્ષ) તેમની દુકાનેથી ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખસોએ તેમની આંખમાં મરચું નાખી દીધું અને તેમના હાથમાં રહેલી પૈસા ભરેલી બેગ ઝૂંટવીને નાસી ગયા હતા. એક ચોરને વાહન સાથે પકડ્યોવધુમાં કહ્યું કે, તે કેટલા લોકો હતા તે અંદાજો નથી, પરંતુ એક વ્યક્તિને પકડ્યો છે અને ટુ વ્હીલર પણ પકડ્યું છે જેમાંથી પક્કડ અને ત્રણ અલગ અલગ નબર પ્લેટ મળી આવી છે અને તેને પોલીસ લઈ ગઈ છે. કાકાની આંખમાં મરચું હોવાથી અમે તરત જ તેમને ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. સાથે જ અમે તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ સમયસર આવી ગઈ હતી અને એક વ્યક્તિને લઈ ગઈ છે. તસ્કર ભાગવા ગયા પરંતુ વાહન ચાલુ થયું નહીંઆ અંગે અહીંના સ્થાનિક નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, અહીં રહેતા એક વડીલ કે જેમની શહેરના સંગમ ચાર રસ્તા પાસે ગિફ્ટ શોપ છે, તેઓ રાત્રે પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની પાસે દુકાનનો વકરો ભરેલી બેગ હતી. જ્યારે તેઓ પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે અચાનક લૂંટારૂઓએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. મરચું નાખ્યા બાદ લૂંટારૂઓ બેગ લૂંટીને ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ, લૂંટારૂની ગાડી ચાલુ થઈ શકી નહીં. આસપાસના લોકોએ એક શખસને પકડ્યોદરમિયાન વડીલે બૂમાબૂમ કરતા અમે આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતા લૂંટારૂઓ ગભરાયા અને એક શખસ ઝડપાઈ ગયો, જ્યારે તેના અન્ય સાથીદારો ભાગી છૂટ્યા હતા. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પકડાયેલી ગાડી એકદમ નવી લાગે છે. તેમાંથી અમને નંબર પ્લેટ, પક્કડ અને કાગળ મળી આવ્યા છે. આ ગાડી જોઈને લાગે છે કે તે હમણાં જ છોડાવેલી નવી ગાડી છે.

29 C